Sri Aurobindo's major poetic work - the supreme revelation of His vision
Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.
નિવેદન
------------------------
'સાવિત્રી' એટલે શ્રી અરવિન્દની કાવ્યમયી ભાગવત વાણી. 'સાવિત્રી' છે માનવ આત્માની પરમાત્મા પ્રતિની ને પરમાત્માની માનવ આત્મા પ્રતિની સનાતન યાત્રાનું, કાલને એકલતાનું વરદાન આપતું, વિભુને વૈભવે ભરી વૈખરીમાં અપૂર્વ આલેખન. ઉર્ધ્વમાં ઉર્દ્વથી તે નીમ્નમાં નિમ્ન સુધી પ્રભુનું પ્રકટીકરણ, અને સ્થૂલ-સૂક્ષ્મ સર્વમાં એકાકારતા પામેલો સચ્ચિદાનંદનો જે અમર આવિર્ભાવ જગતનું અને જગતના જીવોનું પરમોચ્ય લક્ષ્ય છે અને ધરણિનું ધુરંધર ધ્યેય છે તે લક્ષ્યની અને ધ્યેયની સિદ્ધિથી સુધન્ય બનવા સત્ય-જ્યોતિની સુવર્ણ સરણિએ કેવી રીતે આરોહણ અને અવરોહણ થાય છે, તેનું ચમત્કારી ચિત્રણ-એ છે 'સાવિત્રી'. આ મહાકાવ્યની નારાયણી નૌકામાં બેસાડીને શ્રી અરવિન્દ આપણને મૃત્યુના હૃદયમાં રહેલા અમૃતના પારાવારની મુસાફરીએ લઇ જાય છે, અને દેવોના દેવના અમૃતોનું શુભ્ર પ્રભાપાન કરવી, અજરામર જ્યોતિર્મય જીવન પૃથ્વીના પિંડને પરમોદારતાથી સમર્પે છે.
શ્રી અરવિન્દનું ધન્યભાગ બનેલી અંગ્રેજી ભાષામાં લખાયેલું આ મહાકાવ્ય ઉચ્ચમાં ઉચ્ચ બુદ્ધિથી પારની ભૂમિકાઓમાંથી ઊતરી આવેલું હોઈ, ત્યાંની ચૈતન્યજ્યોતિઓમાં પ્રાપ્ત થતાં અગોચર દર્શનોનું પ્રાય: મંત્રમુલક અલૌકિક સુંદર કાવ્યકલેવર આપણને ઉપહારમાં આપે છે અને અંતરાત્માને અનનુભૂત આનંદલહરીઓના લયવાહી પ્રવાહ પર હર્ષની હીંચો લેવરાવતું ઊર્ધ્વ ચેતનામાં આલોકોમાં લઇ જાય છે, અને આત્માને ભૂતલ પારના ભાસ્કરોની ઉષાઓનાં ને દિવ્યાતિદિવ્ય દિવસોનાં દર્શન કરાવે છે.
આવા આ અમર કાવ્યનો અનુવાદ કરવા બેસવું એ એક પ્રકારનું ધૃષ્ટતાભર્યું સાહસ જ કહેવાય, કેમ કે ધ્યેયની ચેતનાના જે ધવલગિરિગહ્વરેથી 'સાવિત્રી'નું કાવ્યઝરણું ગંગધારે મુક્ત થયું છે તે ચિદંબરી ચેતના હજી તો આપણે પ્રણત ભાવે પરિચય વધારી પ્રાપ્ત કરવાની છે. પરંતુ તેમ છતાં કો ગૂઢના
[૧]
આદેશથી ભાવવશ થઇ, શ્રદ્ધા ભરી ભક્તિનો આશ્રય લઇ, શ્રી મહાપ્રભુની સેવામાં એમની આપેલી મારી અલ્પાલ્પ કાવ્યાલેખનની શક્તિનું નૈવેધ લઇ, એમને અનું અર્પણ કરવાના સ્નેહસુલભ શુભાશયથી પ્રેરાઈ હું અનુવાદના કઠિન કાર્યમાં પ્રવૃત્ત થયો છું, અને પ્રભુ પોતાના બાળકને કેવળ બચાવી લે એટલું જ નહિ, પણ સત્ય સરસ્વતીના સાંનિધ્યનો સાથ આપી કૃતાર્થ પણ કરે એવી મારી પ્રાથના છે.
કાવ્ય એટલે ભાવારસથી ભરીભાદરી છંદોમયી વાણી. કાવ્યનું પરિશીલન તથા તેમાંથી મળતો અનિર્વચનીય આનંદ એકલા ભાવરસને જ નહિ, પણ એની લયમયતા સાથે સાધેલી લીનતાનેય આભારી છે, એ સહ્રદયો ક્યાં નથી જાણતા ? એટલે આ અનુવાદમાં સળંગ વપરાયેલા છંદ વિષે પણ બે બોલ બોલવા જરૂરી જણાશે.
એમ તો અહીં પ્રયોજાયેલો છંદ સર્વને સુપરિચિત અનુષ્ટુપ છંદ જ છે. વળી એ પણ સ્પષ્ટ છે કે આ વેદપુરાણા છંદમાં ગણમેળનાં તેમ જ સંખ્યા-મેળનાં લક્ષણો રહેલાં છે. 'મનહર' અને 'ઘનાક્ષ્રરી' માં હોય છે તેમ અનુષ્ટુપમાં પણ ચાર ચાર અક્ષરના સંધિઓનો ઉપયોગ થયેલો જોવામાં આવે છે, પરંતુ 'અનુષ્ટુપ'માં આ સંધિઓ અમુક અમુક અક્ષરે લધુ-ગુરુની વિશિષ્ટતા ધારણ કરે છે. આમ જો આપણે લખીએ છીએ તેમ 'અનુષ્ટુપ'ના ચરણને આવા ચાર સંધિઓનું બનેલું ગણીએ તો ચરણનો બીજો સંધિ 'લગાગાગા' નો ને ચોથો 'લગાલગા'નો બને છે. આમાંથી 'લગાગાગા'ની બાબતમાં વ્યુત્ક્રમ થઇ બીજા અનેક વિકલ્પો ઊભા થાય છે, પરંતુ 'લગાલગા'નો ચોથો સંધિ તો સર્વ સંજોગોમાં એનો એ જ રહે છે, એટલે એને 'અનુષ્ટુપ'નું સ્થાયી લક્ષણ ગણવો જોઈએ.
આ વ્યુતક્રમો ને અન્યત્ર લધુ-ગુરુની પસંદગીના વૈવિધ્યને કારણે 'અનુષ્ટુપ,માં અનેક જાણીતા છંદોનો લય સમાયેલો જોવામાં આવે છે, પરંતુ અહીં તો તેનો માટે ઉલ્લેખ જ કરવો યોગ્ય હોવાથી આપણા અનુવાદોમાંથી વાચક એ આવે ત્યારે એને અપનાવી લે એવી વિજ્ઞપ્તિ કરીશું.
વળી અનુવાદનો અનુષ્ટુપ રૂઢ માપમાં જ રહેલો નથી. એ કોઈ કોઈ વાર આરંભના બે સંધિઓના ચરણ રૂપે, કોઈ કોઈ વાર એવા ત્રણ સંધિ રૂપે, અંતના બે સંધિ રૂપે કે પ્રથમ સંધિ વગરના ચરણરૂપે પ્રયોજાયેલો જોવામાં આવશે. અંગ્રજી ચરણનો ભાવ વ્યક્ત કરવા માટે આ પ્રકરણની વ્યસ્તતાને સ્થાન આપવાથી અનુવાદના અનુષ્ટુપનું નામ 'વ્યસ્ત અનુષ્ટુપ' રાખેલું છે.
[૨]
કાવ્યના લયવાહી પાઠમાં બોલીમાં થાય છે તેવાં કે ગધમાં વંચાય છે તેવાં અર્ધ ઉચ્ચારણોને અવકાશ નથી. લધુ-ગુરુ અનુસાર કાવ્યના ચરણનો છંદને અનુસરતા સ્વરભાર કે તાલ સાથે પાઠ કરવો જરૂરી ગણાય છે. અહીં આપણ 'વ્યસ્ત અનુષ્ટુપ'માં પણ તે પ્રમાણે જ વાચક કરશે ને સંધિને અંતે અલ્પ વિશ્રામ અને બીજા તથા ચોથા સંધિ પછી 'યતિ' સ્વીકારશે. લધુ-ગુરુની છૂટ સામાન્યતઃ લેવાઈ નથી, તેથી લધુ-ગુરુ ઉચ્ચારણો યથાવત્ કરવામાં આવશે તો કાવ્યપાઠકને અખંડ લયવાહી 'અનુષ્ટુપ' મનોહર બની ગયેલો જણાશે ને મન, હૃદય તથા કાન, ત્રણેને એમાંથી તૃપ્તિ મળશે.
શ્રી અરવિન્દની સમસ્ત 'સાવિત્રી'નો આ સરળ અનુવાદ છ પુસ્તકોમાં પ્રકટ કરવાના અમારા આ સાહસને જેમણે ગ્રાહકો બનીને ને આ ભગવત્સેવા-રૂપ કાર્ય માટે નાની મોટી રકમો ઉદારતાથી આપીને સહાય કરી છે તેમનો આભાર તો અંતરથી માનીશું જ, પરંતુ એવી પ્રાર્થના પણ કરીશું કે શ્રી અરવિન્દની અમોઘ કૃપા અને ભગવતી માની શુભાશિષ એમને 'સાવિત્રી'-ના હાર્દમાં પ્રવેશ કરાવો અને ત્યાં જે પરમ વસ્તુ પ્રકટ થયેલી છે તેની સાથે તદાકારતાનો આનંદ પણ વરદાનમાં આપો !
મહાગુજરાતને અમે આમંત્રણ આપીએ છીએ કે ગુજરાતના હૃદયે જેમ શ્રી અરવિન્દનાં પાવન પગલાંની વર્ષો સુધી પૂજા કરી હતી તેમ તે એમના મહાકાવ્ય 'સાવિત્રી'ને અપનાવી લઇ ચિરકાળ પોતાનું બનાવી દે અને એના પાવનકારી પ્રભાવને ગુર્જર ગિરામાં સર્વદેવ સંઘરી રાખે.
પૂજાલાલ
શ્રી અરવિન્દ આશ્રમ
પોંડીચેરી-૨
__________________
યોગેશ્વર અને યુગપુરુષ એવા શ્રી અરવિંદના મહિમાવંતા નામનું અને એ નામની સાથે સનાતન ગ્રંથિથી સંકળાયેલ અદ્ ભુત અધ્યાત્મકાવ્ય 'સાવિત્રી'નું આકર્ષણ ભાવિક ભગવત્પ્રેમીઓને અને સત્સંસ્કારી આત્માઓને થાય એ સ્વાભાવિક છે. પરંતુ 'સાવિત્રી' મુશ્કેલ છે, સમજાતું નથી એવું કહેનારા નીકળશે, ને એ વાતેય સાચી છે-જો કેવળ સપાટી ઉપરની બુદ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો. આ છે અધ્યાત્મકાવ્ય, વૈશ્વ કાવ્ય. ચૌદે બ્રહ્યાંડની ભીતરમાં રહેલું રહસ્ય 'સાવિત્રી'નો કાવ્યવિષય છે. એ ઋતંભર રહસ્યનો પરિચય સાધી, એ જેનું રહસ્ય છે તેની સાથે યોગસંબંધ બાંધી, જીવનને એનું જાગતું સ્વરૂપ બનાવી દઈ, પૃથ્વીલોકમાં પ્રભુને ચાલવા માટેનો મંગળ માર્ગ 'સાવિત્રી' બતાવે છે, મૃત્યુના મહાલમાં અમૃતનો આનંદ અનુભવવાની ચિદંબરી ચાવી આપણા હાથમાં મૂકે છે.
પણ આ ચાવી આપણા અધિકારમાં આવે તેને માટે પ્રથમ તો 'સાવિત્રી' ઉપર આપણી પૂર્ણ પ્રીતિ હોવી જોઈએ, ને તે પછી ધ્યાનભાવ અને આસ્થા પૂર્વક આ અધ્યાત્મ સત્યના મહકાવ્યનું અનુશીલન આરંભાય એ આવશયક ગણાવું જોઈએ. 'સાવિત્રી' બીજાં પુસ્તકોની માફક ન વંચાય એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. ઊંડી વસ્તુઓ ઊંડાણમાં પ્રવેશ કર્યા વગર પમાતી નથી, એને માટે તો ગહન ગહવરમાં માર્ગ મેળવવો પડે છે, એ કાળજૂનું સત્ય છે અને આપણેય એનો આદર કરવાનો છે.
આ વિષયમાં શ્રી માતાજીએ આશ્રમના એક જિજ્ઞાસુ વિદ્યાર્થીને વાતવાતમાં જે કહ્યું છે તે આપણને માર્ગદર્શન કરાવશે. એ આ પ્રમાણે છે :
'' 'સાવિત્રી' તમને ન સમજાય તો ફિકર નહી, પણ હમેશાં એને વાંચવાનું તો ચાલુ રાખજો. તમને જણાશે કે તમે જયારે જયારે એને વાંચશો ત્યારે હર વખત કંઇક નવું તમારી આગળ પ્રગટ થશે, હર વખત કંઈક નવું તમને મળી આવશે, કોઈક નવો અનુભવ તમને થશે, ત્યાં તમને નહિ દેખાયેલી ને નહિ સમજાયેલી વસ્તુઓ ઉદય પામશે અને ઓચિંતી સ્પષ્ટ બની જશે. કાવ્યના શબ્દો અને પંક્તિઓમાં થઈને અણધારી રીતે હમેશાં કંઈક આવશે. તમે વાંચવાનો ને સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે પ્રત્યેક સમયે તમે કંઈક ઉમેરાયેલું જોશો, પાછળ છુપાઈ રહેલું કંઇક સ્પષ્ટપણે અને જીવંત પ્રકારે તમારી આગળ ખુલ્લું થશે. હું કહું છું કે પહેલાં એકવાર
[ ૧ ]
વાંચેલી કડીઓય તમે જયારે એમને ફરીથી વાંચશો ત્યારે હર વખત તમારી આગળ જુદા જ પ્રકાશમાં દેખાશે. આવું અનિવાર્યપણે બને છે જ. તમારા અનુભવને સમૃદ્ધ બનાવનાર કંઈક, હમેશાં એક નવો આવિષ્કાર પ્રત્યેક પગલે તમે જોવા પામો છો.
પરંતુ તમે જેમ બીજાં પુસ્તકો કે છાપાં વાંચો છો તેમ તમારે ' સાવિત્રી'નું વાંચન કરવાનું નથી. 'સાવિત્રી' વાંચતી વખતે માથું ખાલી હોવું જોઈએ, મન કોરા પાના જેવું ને બીજી વસ્તુઓથી ભરેલું હોવું જોઈએ નહિ. બીજો કોઈ વિચાર ત્યાં ન જોઈએ. વાંચતી વખતે ખાલીખમ રહેવાનું છે, શાંત ને સ્થિર રહેવાનું છે, અંતરને ઉખાડું રાખવાનું છે. આવું થતાં 'સાવિત્રી' ના શબ્દો, ડોલનો અને લયો, એમાંથી ઉદ્ ભવતાં આંદોલનો સીધેસીધાં આરપાર પ્રવેશીને આવશે, તમારા ચેતનના ચોકઠા ઉપર પોતાની છાપ પાડશે, અને તમારા પ્રયાસ વગર આપોઆપ પોતાનો ભાવર્થ તમારી સમક્ષ પ્રકટ કરશે."
આ પ્રકારે 'સાવિત્રી' નું પરિશીલન કરવામાં આવે તો ભાવિકોની ભાવનાઓને માગેલું મળવા માંડે અને 'સાવિત્રી' સત્ય જીવનની સંપાદયિત્રી બની જાય.
'સાવિત્રી પ્રકાશન' ના આ બીજા પુસ્તકમાં મૂળ 'સાવિત્રી'ના બીજા પર્વના માત્ર આઠ સર્ગો જ લીધા છે, એ જ પર્વના બાકીના સાત સર્ગો વત્તા ત્રીજા પર્વના જે ચાર સર્ગો છે તે આપણા ત્રીજા પુસ્તકમાં આવશે. બીજું પર્વ લાંબા લાંબા પંદર સર્ગોનું બનેલું હોવાને કારણે એને બે વિભાગમાં વહેંચી લેવું પડ્યું છે. આ વહેંચણીને પરિણામે આપણા નાનામાં નાના પહેલા પુસ્તક સિવાયનાં પાંચ પુસ્તકો લગભગ એકસરખાં ને પહેલા કરતાં દોઢા ઉપરાંતનાં બની જશે.
આપણા આ બીજા પુસ્તકમાં અશ્વપતિ યોગમાર્ગે યાત્રા કરતો કરતો ભુવનોની સીડીએ છેક પાતાલગર્ત સુધી પ્રવેશે છે ને ત્યાંનાં રહસ્યોનો સ્વામી બને છે, ને જેને માટે શિવ જીવ બનીને જગતમાં જન્મ લે છે તેને પૃથ્વીલોકના જીવનમાં પૂર્ણતયા સિદ્ધ કરવાની કળા હસ્તગત કરે છે, સચ્ચિદાનંદનો નીચે જે વિપર્યાસ થયેલો છે તેને તેનું મૂળ સ્વરૂપ પાછું આપનારું વિજ્ઞાન પોતાનું બનાવે છે.
વધિવિધ ભુવનોનું, તે તે ભુવનોની શક્તિઓનું ને ત્યાં પ્રવર્તતા નિયમોનું સજીવ આલેખન એક પછી એક આવતા સર્ગોમાં થયેલું જોવામાં આવશે. જે વસ્તુનિર્દેશ આપેલો છે તે વાચકને સર્ગની મૂળભૂત વસ્તુનો થોડોક ખ્યાલ આપશે. વિગતો તો વાંચતાં વાંચતાં વાચકે મેળવી લેવી પડશે.
'સાવિત્રી પ્રકાશન' ઉપર પ્રેમ બતાવી એમાં સહયોગ પૂર્વક જોડાયેલા સર્વે ભાવિકાત્માઓ પ્રતિ મારો ભાવ વહી જાય છે ને પ્રાર્થે છે કે તેઓ સર્વ ભગવત્-કૃપાનું સૌભાગ્ય પોતાનું બનાવે અને ભાગવત જીવનને જ્યોતિર્મય માર્ગે સચ્ચિદાનંદના સાન્નિધ્ય પ્રતિ આગળ ને આગળ જાય.
_પૂજાલાલ
[ ૨ ]
" સાવિત્રી પ્રકાશન " નું આ ત્રીજું પુસ્તક સહૃદયોના સત્કાર માટે સમર્પતાં આનંદ થાય છે. આપણે હવે અડધે રસ્તે પહોંચી ચૂક્યા છીએ. હવે પછીનાં ત્રણ પુસ્તકોમાં" સાવિત્રી" ની બારેક હજાર પંક્તિઓ અનુવાદ રૂપે આવશે.
રાજા અશ્વપતિના વિશ્વવ્યાપી યોગની તપોયાત્રા અચિત્ થી આરંભીને એક પછી એક ઊર્ધ્વની ભૂમિકાઓમાં ફરી વળી હતી અને વિશ્વના હૃદયના ગહન ચૈત્યાત્માના જગતમાં પણ એણે પ્રવેશ કર્યો હતો. સુરાસુરોનાં જગતો એણે એ પહેંલાં જોઈ નાખ્યાં હતાં અને પરમાત્માનો કૃપાસ્પર્શ હતો તેથી ત્યાંનાં જોખમોમાંથી રાજા બચી ગયો હતો. પછી તેણે નિરંજન નિરાકારનો અનુભવ કર્યો અને વિશ્વ પારની અવસ્થાઓય પોતાની બનાવી. સત્-અસત્ ને ઉભયથી પર એ પહોંચ્યો. ત્રિકાળદૃષ્ટિવંતો એ મુક્ત-નિર્મુક્ત બની ગયો. પરમજ્ઞાન એણે પ્રાપ્ત કર્યું.
પરંતુ અશ્વપતિ જેને માટે આ લોકમાં અવતર્યો હતો તે આ લોકમાં અમૃત-જીવનની સિદ્ધિ, પ્રભુનીય માતા એવી આદ્ય શક્તિની કૃપા વિના સંભવતી ન હતી. તેથી એનો ઊંડો અંતરાત્મા પ્રાર્થનાપૂર્વક ભગવતીની વાટ જોતો હતો. આખરે એને એ મહાદેવના દિવ્ય દર્શન થયાં ને ભગવતીએ એને એના જન્મકર્મની સિદ્ધિ થાય એવું વરદાન આપ્યું અને એ કાર્યને માટે પોતાની એક અલૌકિક તેજ:શક્તિ પ્રકટ થશે એવું અભયવચન આપ્યું.
રાજાએ પોતાની અભૂતપૂર્વ તપસ્યા અંતે ભગવતીના આદેશને અપનાવી લીધો અને પૂર્ણ પ્રેમભક્તિથી માને ચરણે આત્મસમર્પણ કરી દીધું. યોગપુરુષ અશ્વપતિ પછી માના આદેશને અનુરૂપ જીવનકાર્ય આરંભે છે.
"સાવિત્રી" સર્વતોભદ્ર રહસ્યોનું મહાકાવ્ય છે, શ્રી અરવિંદના યોગાનુભવોનું ને અગોચર દિવ્ય દર્શનોનું મહાકાવ્ય છે. એનામાં વેદોની ગહનતા રહેલી છે, અને ગહન દ્વારા ગહનમાં પ્રવેશ કરી શકાય છે, તેથી "સાવિત્રી" ના હાર્દને પામવા માટે, એના અતલતલ કૂપોમાં છલકાતાં અમૃતનાં પ્રાણપ્રદાયી પાન કરવા માટે ઊંડે, જેટલું ઊંડે ઉતારાય તેટલું ઊંડે ઉતારવાની જરૂર રહે છે. ત્યાં ગયા એટલે સંસારનાં સારભૂત સત્યો સામે આવી ઊભાં થાય છે, જીવનના કોયડાઓની ચાવીઓ હાથ આવી જાય છે, અને પ્રભુતાએ આરોહવા માટે પ્રકાશનો પંથ પ્રકટ થાય છે. શ્રેય સાધનાર પ્રભાવો આપણામાં કાર્ય કરવા મંડી પડે છે, પ્રભુનો પેમ હૃદયમાં પ્રફુલ્લતા પામતો જાય છે, અજ્ઞાનની રાત્રિનો અંત આણનાર સુપ્રભાતનો ઉદય થઇ, વિજ્ઞાનના મહાસૂર્યનાં સુવર્ણ કિરણોના સ્નાનથી આત્મા પાવન થાય છે, પ્રાણનાં પદ્મો પ્રફુલ્લ બને છે અને આનંદનાં દિવ્ય વિહંગમો આલાપવા માંડે છે.
ભગવતી શ્રી માએ આ મહાકાવ્ય માટે ઘણું ઘણું કહ્યું છે, તેમાંનું થોડુંક પ્રસાદી રૂપે ભાવિક વાચકોને માટે અહીં આપવું ઉચિત માનું છું. મા કહે છે કે :
"સાવિત્રી" પોતે તમને સીડીનાં ઊંચામાં ઊંચાં પગથીયે ચડાવી પાર પહોંચાડવાને માટે પૂરતી છે. સાચે જ જો કોઈ એનું ધ્યાન ધરશે તો જરૂરી બધી જ સહાય એને એમાંથી મળી રહેશે.
જે માણસ પ્રભુને પંથે જવા માગે છે તેને માટે એક સંગીન સહારો છે, જાણે કે પ્રભુ પોતે જ તમને તમારો હાથ ઝાલીને તમારે માટે નક્કી કરાયેલે ધ્યેયે લઇ જતા ન હોય. ને વળી તમારો પ્રશ્ન ગમે તેટલો અંગત પ્રકારનો હોય, તે છતાંય તે માટેનો ઉત્તર "સાવિત્રી" માંથી મળી રહે છે, દરેક મુશ્કેલીને માટે એની ઉપર વિજય મેળવવાનો ઉપાય એમાં આલેખાયેલો છે, ખરેખર, યોગ કરવા માટે જે જે જરૂરનું છે તે તમામ એમાંથી તમને મળી જશે.
શ્રી અરવિન્દે એક જ પુસ્તકમાં સારા બ્રહ્યાંડને ભરચક ભરી દીધું છે. "સાવિત્રી" એક અદભુત કૃતિ છે, સુભવ્ય અને અનુપમ પૂર્ણતાથી ભરેલી.
"સાવિત્રી" લખવા માંડતાં શ્રી અરવિન્દે મને કહ્યું હતું, "હું એક નવા સાહસમાં ઝંપલાવવા માટે પ્રબળ પ્રેરાયો છું. આરંભમાં થોડોક ડગમગ થયો પણ હવે હું નિશ્ચય પર આવ્યો છું. તેમ છતાંય હું કેટલી સફળતા મેળવીશ તે જાણતો નથી. સાહસ માટે મારી પ્રાર્થના છે." અને તમે જાણો છો કે--અહીં મારે તમને સાવધાન કરવા જોઈએ--આ તો એમની કહેવાની એક રીત હતી, એ એટલા બધા નમ્રતાથી ભરેલા ને દિવ્ય વિનયવાળા હતા. એમણે કદીય પોતાની જાતને આગળ રાખી કશો દાવો કર્યો નથી. વળી એમણે જે દિવસે ખરેખાત "સાવિત્રી" નો આરંભ કર્યો તે દિવસે તેમણે મને કહ્યું હતું, "એક સુકાન વગરની નાવમાં મેં અનંતની પારાવારતામાં ઝુકાવ્યું છે." ને એક વાર શરૂ કર્યા પછી વચ્ચે અટક્યા વગર પાનાં પર પાનાં લખ્યાં છે, જાણે કે ઉપર બધું તૈયાર જ રહેલું હોય, અને એમને તો માત્ર કાગળનાં પાનાં ઉપર એની નકલ માત્ર કરવાની હોય તેમ.
આવી રીતે ઉપરના લોકમાંથી આવેલી "સાવિત્રી" સર્વકાળનું સર્વોત્તમ મહાકાવ્ય બને એમાં નવાય નથી. એ આધુનિક વેદ છે, મહર્લોકના દ્રષ્તાનું પારનું આર્ષ દર્શન છે, અન્ય સર્વે દર્શન શાસ્ત્રોનો ન્યારો નિચોડ છે. સત્યસરસ્વતીએ એને અપૂર્વ સૂરો સમર્પીને અમર બનાવ્યું છે. કાળને હૃદયે ધ્વનતું અકાળનું એ ગાન છે. ચિદાનંદના લયોને સંમૂર્ત્ત કરતું ભાગવત ભવોનું ને ઋત-રસોનું શાશ્વત શિલ્પ છે.
તેરેક વરસ ગુજરાતની સેવામાં રહેલા શ્રી અરવિન્દના આ મહાકાવ્ય ઉપર ગુજરાતની સૌથી વધારે પ્રીતિ પ્રદર્શિત થશે ને એમની "સાવિત્રી" ના ગુજરાતી અવતારને ભાવસભર આદરપૂર્વક અપનાવી લઇ ગુજરાત પોતાના ગૌરવમાં વધારો કરશે એવી આશા રાખીશું.
૨૧ ફેબ્રુઆરી ૧૯૭૪
શ્રી અરવિન્દની ' સાવિત્રી ' ના ગુર્જર અનુવાદનું આ ચોથું પુસ્તક ૧૫ મી ઓગષ્ટ ૧૯૭૪ ને દિવ્ય દિને ભાવિકોના હાથમાં મૂકતાં આનંદ થાય છે. ભગવત્કૃપાએ આ અવસર આપણને આપ્યો છે ને આપણે સર્વપ્રથમ એને આપણા પ્રેમપ્રણામો કૃતજ્ઞતાપૂર્વક સમર્પીશું.
શ્રી અરવિન્દની અંત:પ્રેરણાથી આ 'સાવિત્રી પ્રકાશન ' શૂન્યમાંથી ઊભું થયું છે, શ્રી અરવિન્દના શ્વાસોચ્છવાસથી સજીવ બન્યું છે અને શ્રી અરવિન્દે માનવ દેહમાં મહર્લોકની જે મહાજ્યોતિને સંમુર્ત્ત કરી છે તેની પ્રતિ આપણા અભીપ્સુ આત્માને પ્રેમથી પ્રેરી ને દયાથી દોરી રહ્યું છે. એની સાથે આપણી એકાકારતા દિન દિન વૃદ્ધિ પામતી જાઓ અને આપણી અલ્પ બુદ્ધિને ભલે ને જે અગમ્ય લાગે, તો પણ જે આપણા અંતરાત્માને પ્રભુતાથી પોષવા સમર્થ છે તેનું અધ્યાત્મ-કાર્ય આપણામાં ગૂઢાગૂઢ પ્રકારે નિરંતર ચાલતું રહો એવું આપણે પ્રાર્થીશું.
'સાવિત્રી' સામાન્ય પ્રકારનું મહાકાવ્ય નથી તે તો તદ્દન સ્પષ્ટ છે. એ છે ત્રિલોકવ્યાપી ને ત્રિકાલગત પરમાત્મસત્યનું પરમ દર્શન અને પરા વાણીએ આલેખેલું અમર કાવ્ય. એ છે વૈકુંઠી વૈભવોએ ભરેલો વેદવાણીનો વિશ્વકોષ, અભીપ્સુઓ માટેનો અમૃતનો ઉત્સ, જિજ્ઞાસુઓ માટેનો જ્ઞાનનો ખજાનો, જ્યોતિને ઝંખનારાઓ માટેનો મહસોનો મહાસાગર, પરમ પ્રેમના ઉપાસકો માટેનો પ્રેમનો પારાવાર, ગૂઢ વિદ્યાઓનો ગહન કૂપ, સુખશર્મનું નંદનવન, શાશ્વતી શાંતિઓનું સ્વર્ગસુહામણું સદન, ચિદંબરોની ચાવી, વિષોને ઘોળી પીનાર નીલકંઠનો સ્ફટિક-શુચિ કૈલાસ, આનંદોનો અમરોચ્છવાસ, કલ્યાણોની કાળહૃદયમાંથી ખોદી કાઢેલી ખાણ, આર્ત્તોનું આશ્વાસન, અને પૃથ્વી લોકમાં પ્રભુનાં પાવન પગલાંનું મહામંડાણ.
મા ભગવતીએ જિજ્ઞાસુ આશ્રમબાળકોને આ વિષે જે કહ્યું છે તેમાંનું થોડું અહીં પ્રસાદી રૂપે આપીશું :
" ખરી વાત તો એ છે કે 'સાવિત્રી' નું સમસ્ત સ્વરૂપ એક ઓધને રૂપે ઊંચામાં ઊંચા પ્રદેશથી ઊતરી આવ્યું છે, અને શ્રી અરવિન્દની પ્રતિભાએ એને એક સર્વોચ્ચ સુભવ્ય શૈલીમાં પંક્તિબદ્ધ રચનારૂપે વ્યવસ્થિત કર્યું છે. કેટલીક વાર તો
પૂરેપૂરી પંક્તિઓનો એમની આગળ આવિષ્કાર થયો છે ને એમણે એમને એવી ને એવી અકબંધ રાખી છે, અને શક્ય તેટલા ઊંચામાં ઊંચા શિખર પરથી પ્રેરણા મેળવવાને માટે એમણે અશ્રાંત પરિશ્રમ સેવ્યો છે. અને શું એમણે સર્જન કર્યું છે ! અવશ્ય, એમણે એને એક અપૂર્વ સત્યનું સર્જન બનાવી દીધું છે. 'સાવિત્રી' અનુપમ કૃતિ છે, એમાં બધું જ આવી ગયેલું છે, અને તે એવા સરળ ને સુસ્પષ સ્વરૂપમાં કે ન પૂછો વાત ! સંપૂર્ણ સુમેળવાળી કડીઓ, કાચ જેવી સ્વચ્છ ને સદાકાળ માટે સત્ય. વત્સ ! મેં ઘણીયે વસ્તુઓ વાંચી છે, પણ 'સાવિત્રી' ની સાથે સરખામણીમાં મૂકી શકાય એવી એકેય મને મળી નથી. ગ્રીકમાં, લેટિનમાં, ને ફેન્ચ ભાષામાં તો અવશ્ય મેં ઉત્તમોત્તમ કૃતિઓનો અભ્યાસ કર્યો છે, જર્મન ભાષાની તેમ જ પશ્ચિમના ને પૂર્વના દેશોની બધી મહાન કૃતિઓનો અભ્યાસ કર્યો છે, ને તેમાં એમનાં મહાકાવ્યોનુંય પરિશીલન કર્યું છે, પણ હું ફરીથી કહું છું કે મને 'સાવિત્રી'ના જેવું કશુંય ક્યાંય પણ જોવા મળ્યું નથી. એ બધી સાહિત્યિક કૃતિઓ નિ:સાર, નીરસ, પોલી અને ઊંડી સત્યતા વગરની મને જણાઈ છે. થોડાક ને અત્યંત વિરલ અપવાદો એમાં છે ખરા, પરંતુ, 'સાવિત્રી' જે છે તેના અલ્પ અંશો જેવા જ એ છે. 'સાવિત્રી' કેવી ભવ્ય, કેવી વિરાટ, કેવી સત્યતાથી સુસંપન્ન છે ! શ્રી અરવિન્દે જેનું સર્જન કર્યું છે તે એક અમર ને સનાતન વસ્તુ છે. ફરીથી પાછી હું તમને કહું છું કે આ જગતમાં 'સાવિત્રી' નો જોટો નથી. 'સાવિત્રી' માં જે સત્યવાનનું દર્શન આવેલું છે ને જે દર્શન એની પ્રેરણાનું હૃદય છે ને જે એના મૂળ તત્વરૂપે રહેલું છે તેને એકવાર બાજુએ મૂકીએ અને માત્ર એનાં પધોનો જ વિચાર કરીએ તોપણ તે અદ્વિતીય જણાશે, ઉચ્ચમાં ઉચ્ચ શિષ્ટ સાહિત્યની ક્ક્ષાએ પહોંચેલાં જણાશે. માનસ જેની કલ્પના ન કરી શકે એવું કંઈક શ્રી અરવિન્દે સર્જ્યું છે. કેમ કે 'સાવિત્રી'માં સર્વ કાંઈ આવી જાય છે, સર્વ કાંઈ."
આવી આ 'સાવિત્રી' ગુજરાતના ગૂઢ આત્માને સ્પર્શવા, ઊર્ધ્વ પ્રતિ ઉદબોધવા, અને અમૃતનાં અયનોએ લઇ જવા આવી છે. શ્રી કૃષ્ણનું ગુજરાત એને અપનાવી લેશે ને ?
૧૫ ઓગષ્ટ, ૧૯૭૪
- પૂજાલાલ
મા ભગવતીની શુભાશિષ અને શ્રી અરવિન્દ મહાપ્રભુની પ્રસન્ન પ્રેરણા ' સાવિત્રી પ્રકાશન' ના કાર્યને અનેક વિધ્નોમાં થઈને આગળ ધપાવી રહી છે. 'સાવિત્રી' મહાકાવ્યના અનુવાદનું આ ઉપાંત્ય પાંચમું પુસ્તક એ દિવ્યાત્માઓની કૃપાનું અમૃતફળ છે. આ પછી પુર્ણાહુતિના પ્રેમપુષ્પ રૂપે ' સાવિત્રી'નું છઠઠું ને છેલ્લું પુસ્તક મહાગુજરાતના સહૃદયોને સમર્પવાનું સદભાગ્ય સેવવાનો શુભ લહાવો લઈ એક તરફથી હું કૃતાર્થ થઈશ તો બીજી તરફથી 'સાવિત્રી'નું સેવન કરી સહૃદયો સુકૃતાર્થ થશે.
' સાવિત્રી' અધ્યાત્મ રત્નોનો અખૂટ ભંડાર છે. શ્રી અરવિન્દને ઋત-ચેતનાના રત્નાકરમાંથી પ્રાપ્ત થયેલાં મહાર્હ રત્નો ' સાવિત્રી' માં ઉદારતાથી વેરાયેલાં વિલસી રહ્યાં છે. પૃથ્વીનાં દારિધ્રોને આ ઉઘાડો રત્નભંડાર આંમત્રણ આપી રહ્યો છે. જેને જે ને જેટલું જોઈએ તે ને તેટલું સુખપૂર્વક લઈ શકે છે. એ અક્ષય છે ને સદાકાળ માટે અક્ષય રહી સ્વર્ગોની સંપત્તિઓ સંસારને આપતો રહેશે.
પણ ' સાવિત્રી' માં પ્રવેશ કરવાનો મોટા ભાગના માણસોને મુશ્કેલ લાગતો માર્ગ અધ્યાત્મમાં રહેલો છે. જડ માનસ બહાર અટવાયા કરશે, ભાવરહિત હૃદયને ભુલભુલામણી જેવું લાગશે ને એ એમાં ભૂલું પડી જશે. અંતરતર મનને અને ગહનતર હૃદયને એમાં રાજમાર્ગ મળી જશે ને અંતરાત્માનાં દોરાયાં દોરાઈને ને પ્રેરાયાં પ્રેરાઈને એ પોતાની યાત્રાને મહાસુખની યાત્રા બનાવી દેશે. પગલે પગલે એમની આસપાસ અલૌકિક સૌન્દર્ય સત્કારતું પ્રકટ થશે; સ્વર્ગીય સંગીતોના ધ્વનિને ને પ્રતિધ્વનિને સુણતો રસાત્મા પ્રભુના પ્રેમના ધામમાં પ્રવેશશે એ કાવ્યની કટોરીમાં અમૃતરસનાં પાન કરી પરમાનંદમય બની જશે, જ્યોતિઓનાં ઉપવનોમાં વિહાર કેરશે, સત્યોનો સાથ મેળવશે, શાંતિઓનો સહચારિ બની જશે ને મૃત્યુના ઉદરમાંથી અમૃતાત્માનો મહિમા મેળવી જીવનને જગન્નાથજીનું જીવન બનાવી દેશે.
આ અદભુત મહાકાવ્ય શું છે ને કયે પ્રકારે એનું શ્રેયસ્કર સેવન કરી શકાય છે તે વિષે સાવિત્રીના પાત્રમાં જે પોતે એમાં આલેખાયેલાં લાગે છે તે શ્રી માતાજી આ પ્રમાણે કહે છે :
"... તો પછી એમ કહેવાય કે " સાવિત્રી' એક આવિષ્કાર છે, એક ધ્યાન છે, અનંતની, સનાતનની શોધ છે. અમૃતત્વની આ અભીપ્સા સાથે જો એ વાંચવામાં આવે તો વાચન પોતે જ અમૃતત્વની દિશામાં એક માર્ગદર્શકનું કાર્ય કરશે. 'સાવિત્રી' નું પઠન સાચે જ યોગાભ્યાસ છે, આધ્યાત્મિક એકાગ્રતા છે; પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે જે કંઈ જરૂરનું છે તે બધું એમાંથી મળી શકે છે. યોગના પ્રત્યેક પગથિયાનો એમાં ઉલ્લેખ થયેલો છે ને સાથે સાથે બીજા બધા યોગોનાં રહસ્યોનો પણ. બેશક, માણસ જો સાચા સહૃદય ભાવથી પ્રત્યેક કડીમાં અહીં જે પ્રકટ કરવામાં આવ્યું છે તેનું અનુસરણ કરે તો વિજ્ઞાનયોગના દિવ્ય રૂપાંતરે આખરે પહોંચશે. ખરેખર, 'સાવિત્રી' એક અચૂક ભોમિયો છે, જે ભોમિયો આપણને કદી છોડીને જતો રહેતો નથી; યોગમાર્ગનું અનુસરણ કરવાની આસ્પૃહા રાખનારને હમેશાં એનો આધાર મળતો રહે છે. 'સાવિત્રી' ની એકેએક કડી પ્રકટ થયેલા મંત્ર સમાન છે ને એ જ્ઞાનની દૃષ્ટિએ માણસે જે કંઈ પોતાનું બનાવ્યું છે તેનાથી ચઢી જાય છે, અને હું ફરીથી કહું છું કે 'સાવિત્રી' ના શબ્દો એવી રીતે અભિવ્યક્ત થયા છે ને એવી રીતે ગોઠવાયા છે કે તેમના લયના ધ્વનિની સૂરતા તમને આદિ નાદ ' ઓમ્' પ્રત્યે દોરી જાય છે.
વત્સ ! હા, 'સાવિત્રી' માં સર્વનો સમાવેશ થયેલો છે. રહસ્યવાદ, ગુહ્યવિદ્યા, તત્વજ્ઞાન, ઉત્ક્રાંતિનો, માનવનો, દેવોનો, સૃષ્ટિનો અને પ્રકૃતિનો ઇતિહાસ, એ બધું જ એની અંદર છે. વિશ્વ શી રીતે, શા માટે અને શા ઉદ્દેશથી સર્જવામાં આવ્યું છે અને એનું ભાવિનિર્માણ શું છે, તે બંધુ જ એની અંદર છે. તમારા સઘળા પ્રશ્નોના સઘળા ઉત્તરો તમને એમાંથી મળશે. બધું જ એમાં સમજાવવામાં આવ્યું છે. મનુષ્યનું ને ઉત્ક્રાંતિનું ભાવી અને હજુ સુધી જેને કોઈ જાણતું નથી તે પણ તેમાં સમજાવવામાં આવ્યું છે. આ બધી વસ્તુઓ એમણે એવા સુંદર અને સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી છે કે બ્રહ્યાંડની રહસ્યમયતાઓનું મર્મ મેળવવાની ઈચ્છાવાળા અધ્યાત્મના ' સાહસિકો' એ સર્વેને વધારે સહેલાઈથી સમજી શકે. પરંતુ આ રહસ્યમયતા પંક્તિઓની પાછળ ઠીક ઠીક છુપાયેલી છે, એટલે એને શોધો કાઢવા માટે આવશ્યક સત્ય ચૈતન્યની અવસ્થાએ આરોહવાનું હોય છે. બધી ભવિષ્યવાણીઓ, જે આવવા-વાળું છે તે બધું ચોક્કસ ને ચમત્કારી વિશદતા સાથે રજુ કરવામાં આવ્યું છે. શ્રી અરવિન્દ અહીં સત્યને શોધી કાઢવા માટેની, ચેતનાને શોધી કાઢવા માટેની ચાવી આપે છે, જેને લીધે ભેદીને પ્રકાશ ત્યાં પ્રવેશે અને એને રૂપાંતર પમાડે. માણસ અજ્ઞાનમાંથી પોતાને કેવી રીતે મુક્ત કરી શકે અને છેક પરમોચ્ચ ચૈતન્ય સુધી આરોહીને જાય તે માટેનો માર્ગ એમણે બતલાવ્યો છે. ચેતનાની પ્રત્યેક અવસ્થા, પ્રત્યેક ભૂમિકા, આરોહણ કરીને ત્યાં કેવી રીતે જવાય, મૃત્યુનો આડો અંતરાય પણ કેવી રીતે ઓળંગી જવાય અને અમૃતત્વે પહોંચાય તે સર્વ એમણે એમાં બતલાવ્યુ છે. આખી યાત્રા તમને વિગતવાર મળશે અને તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ મનુષ્યોને સર્વથા અજ્ઞાત એવી વસ્તુઓને પણ શોધી કાઢવાનું તમારે માટે
શક્ય બનશે. એ છે 'સાવિત્રી' અને એના કરતાંય એ ઘણું વધારે છે. 'સાવિત્રી' નો પાઠ કરવો એ ખરેખાત એક અનુભવ છે. માણસ પાસે જે રહસ્યો હતાં તે એમણે પ્રકાશમાં આણ્યાં છે; આ ઉપરાંત ભવિષ્યમાં જે સર્વ એની રાહ જોઈ રહ્યું છે તે પણ એમણે પ્રકટ કર્યું છે; અને આ બધું 'સાવિત્રી' ના ઊંડાણમાંથી મળી આવે છે. પરંતુ આ સર્વને શોધી કાઢવા માટેનું જ્ઞાન માણસ પાસે હોવું જોઈએ, ચૈતન્યની ભૂમિકાઓનો અનુભવ હોવા જોઈએ, અતિમનસનો અને મૃત્યુ ઉપરના વિજયનો પણ અનુભવ હોવો જોઈએ. પૂર્ણયોગમાં પૂર્ણતયા આગળ વધવાને માટે શ્રી અરવિન્દે બધી જ અવસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે, એકેએક પગલાને ચિહ્નનાંકિત કર્યું છે.
આ સર્વ શ્રી અરવિન્દનો પોતાનો અનુભવ છે અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ કે એ મારો પોતાનો પણ અનુભવ છે. એમણે મારી સાધનાને સાવિત્રીમાં પરિણત કરી છે. એમાં આવતી પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક ઘટના, પ્રત્યેક સાક્ષાત્કાર, સર્વે વર્ણનો અને રંગો સુધ્ધાંય મેં જેવા જોયા હતા તેવા જ, અને શબ્દો તથા શબ્દસમુહો મેં જેવા સાંભળ્યા હતા તેવા જ બરાબર છે. અને આ બધું મેં 'સાવિત્રી' વાંચી તે પહેલાંનું છે. ત્યાર પછી તો 'સાવિત્રી' મેં અનેક વાર વાંચી. પરંતુ તે પૂર્વે જયારે પોતે 'સાવિત્રી' લખતા હતા ત્યારે રાત્રે પોતે જે લખતા તે સવારે મને વાંચી સંભળાવતા. અને વિલક્ષણ જેવું જે મારા ધ્યાનમાં આવ્યું તે એ કે દિન પર દિન જે અનુભવો એ સવારે મારી આગળ વાંચતા તે શબ્દે શબ્દ તેની પહેલાંની રાતના મારા અનુભવો હતા. હા, એ આખું વર્ણન, રંગો, ચિત્રો, જે સૌ મેં જોયું હતું તે અને મેં સંભાળ્યા હતા તે શબ્દો-બધું જ એમણે કવિતામાં, અદભુત કવિતામાં ઉતાર્યું હતું. હા, એ અનુભવો તે પહેલાંની રાતના બરાબર મારા અનુભવો હતા અને એમણે એ સવારે વાંચી સંભળાવ્યા હતા. અને આવું એક દિવસ નહીં પણ દિવસોના દિવસો સુધી સળંગ ચાલતું. હરવખત હું એમનું વાંચી સંભળાવેલું મારા પૂર્વના અનુભવ સાથે સરખાવતી ને જોતી કે એ બન્ને એકસમાન હતાં. ફરીથી કહું છું કે મેં મારા અનુભવોની એમને વાત કરી હોય ને તે કેડે એમણે એ નોંધી લીધા હોય એવું કશું જ નહોતું, નહિ, પરંતુ મેં જે જોયું હતું એ પહેલેથી જ જાણતાહતા. એમણે લંબાણથી જે આલેખ્યા છે તે મારા અનુભવો તો હતા પણ જોડે જોડે એ એમના પણ હતા. અને આ તો અજન્મામાં અથવા તો અતિમનસમાં અમારા સહિયારા સાહસનું ચિત્રણ હતું.
આ બધા એમણે પોતામાં જીવંત બનાવેલા અનુભવો છે, અધ્યાત્મ વાસ્તવિકતાઓ છે, વિશ્વ પારનાંસત્યો છે. આપણે જેમ હર્ષ ને શોક અનુભવીએ છીએ તેમ એમણે સ્થૂલ શરીરમાં આ બધું અનુભવ્યું છે. અચિત્ ના અંધકારમાં એ ચાલ્યા છે, છેક મૃત્યુની સમીપતામાંય ચાલ્યા છે, નરકાયતનની યાતનાઓય સહી છે, કીચડમાંથી એ બહાર નીકળ્યા છે, પૃથ્વીની પીડામાંથી ઉપર આવ્યા છે અને પૂર્ણતાના શ્વાસોચ્છવાસ લીધા છે, પરમાનંદમાં પ્રવેશ કર્યો છે. એમણે આ બધા પ્રદેશોને
પાર કર્યા છે, એનાં પરિણામોમાં થઈ એ પસાર થયા છે, દુઃખ સહ્યું છે, અને કલ્પ્યાં ન જાય એવાં દેહનાં કષ્ટ વેઠયાં છે. અત્યાર સુધીમાં એમના જેટલું કોઈએ સહન કર્યું નથી. દુઃખને પરમાત્મા સાથેની એકતાના આનંદમાં પલટો પમાડવા માટે એમણે દુઃખોનો સ્વીકાર કર્યો. જગતના ઇતિહાસમાં આ અનન્ય ને અનુપમ છે. કદીય ન બન્યું હોય એવું કંઈક એ છે. અજ્ઞાતમાં માર્ગરેખા આંકવાવાળાઓમાં એ પ્રથમ છે, જેને પરિણામે આપણે અતિમનસ પ્રતિ ખાતરીબંધ પગલે ચાલવાને શક્તિમાન થઈએ. આપણે માટે કામ એમણે સરળ બનાવી દીધું છે. 'સાવિત્રી' છે એમનો દિવ્ય રૂપાંતરનો આખોય યોગ, અને પૃથ્વીની ચેતનામાં આ યોગ અત્યારે પહેલી જ વાર આવે છે."
આવા આ શ્રી અરવિન્દના અપૂર્વ અધ્યાત્મ કાવ્યને અધ્યાત્મભાવથી આત્મા ભરીને આપણે ઉપસીશું, શિવમાનસથી એનું ઉપસેવન કરીશું, પ્રભુપ્રેમથી પુલકિત હૃદયે એની આરાધના કરીશું, પ્રફુલ્લ પ્રાણે પૂજીશું અને એનાં દૈવી આંદોલનોથી આખાયે અસ્તિત્વને આંદોલિત બનાવવાની અભીપ્સા રાખીશું. 'સાવિત્રી' પોતે જ પોતાનું રહસ્યમય હૃદય આપણી આગળ ઉઘાડશે અને એમાંથી સ્વલ્પ પણ જો આપણે આપણા જીવનમાં જીવંત બનાવીશું તો જન્મારા સફળ થઈ જશે.
૨૧ ફેબ્રુઆરી, ૧૯૭૫
---પૂજાલાલ
"સાવિત્રી" નું છઠઠું પુસ્તક પ્રભુના પ્રકાશમાં પ્રવેશે છે. શ્રી અરવિન્દનું અલૌકિક અધ્યાત્મકાવ્ય આ સાથે પૂરેપૂરું ગુજરાતી બની જાય છે અને સ્વર્ગીય 'સાવિત્રી' ગુજરાતી સ્વાંગમાં ગુર્જર ધરા ઉપર અને ગુજરાતનાં ભાવિક હૃદયોમાં ઋતચ્છંદની રાસલીલા આરંભે છે.
સર્વપ્રથમ ગુજરાતે શ્રી અરવિન્દના આતિથ્યની લહાવો વર્ષોનાં વર્ષો સુધી લીધો હતો અને આ અદભુત કાવ્યનો આરંભ પણ ગુજરાતના હૃદયસ્થાને વિરાજતા વડોદરામાં થયો હતો એ જાણી કયું ગુજરાતી હૃદય પ્રફુલ્લિત નહિ બની જાય ? આમ આરંભાયેલું આ મહાકાવ્ય વર્ષોનો વિહાર કરતું વૃદ્ધિ પામતું ગયું, એનાં અંગો અને ઉપાંગો સમયે સમયે નિત્યની નવીનતા અને પરમાત્મપુષ્ટિઓ પામતાં ગયાં અને યોગેશ્વરની યોગસિદ્ધ ભાગવત ચેતના એનામાં ક્રમે ક્રમે વધારે ને વધારે ઠલવાતી ગઈ. આને પરિણામે ચોવીસેક હજાર અનવધ કાવ્યપંક્તિઓએ એનું અત્યારનું સર્વગુણસંપન્ન શરીર દેવોની દિવ્યતાથી ને પરમાત્માની પૂર્ણતાથી ભરી દઈ આપણી આરાધના માટે આપણને સપ્રેમ સમર્પ્યું છે.
ચારે પ્રકારની વાણીના વૈભવોએ ભરેલા આ મહાકાવ્યમાં ચૌદે ભુવનની ચેતન-ચમત્કૃતિઓએ છંદોમય રમણીય રૂપ લીધું છે; ત્રિલોકનાં તારતમ્યો એના શબ્દોમાં સમાશ્રય પામ્યાં છે, અને આ લોકનાથ હૃદયાહલાદક રસો એને રૂંવે રૂંવે ઝરણાં બની ફૂટી નીકળે છે અને એમના કલકલ નિનાદથી શ્રવણોને મુદામાધુર્યે ભરી દે છે. વળી એ છે અધ્યાત્મવિદ્યાનો વિશ્વકોષ, યોગસાધનાનું ગાન ગાતું મહા-શાસ્ત્ર. એના શબ્દોમાં सत्यं शिव सुन्दरम् | ની ઉષાઓ ઊઘડે છે, એના અક્ષ્રરોમાં અમૃતાર્દ્ર આભાઓ આલય શોધતી આવી વસી છે. ઋગ્વેદના મહસ-મંત્રો, યજુર્વેદની યજન-પ્રાર્થનાઓ, સામવેદનાં સનાતન સંગીતો, ને અથર્વવેદનાં સિદ્ધિપ્રદ સૂકતો ' સાવિત્રી'માં સર્વતોભદ્ર સ્વરૂપે જાણે પ્રકટ થયાં છે, ઉપનિષદો અને ગીતાઓ એનાં અંગોમાં અંગભૂત બની ગઈ છે, અને અદભુત વિકાસે પહોંચેલું પદાર્થવિજ્ઞાન પણ એની કાવ્યમયી કેડીઓમાં હરતુંફરતું હોય એવું જણાઈ આવે છે.
૧
' સાવિત્રી' નું અનુવાદકાર્ય તથા સાથે સાથે તેનું પ્રકાશન કેવી રીતે આરંભાયું એ એકદૃષ્ટિએ અંગત જેવું હોવા છતાંય અહીં જણાવું તો સહૃદયોને એમાંય કદાચ રસ પડશે. આમાં મારી ભૂલ થતી હોય તો પ્રથમથી જ ક્ષમા માગી લઉં છું.
' સાવિત્રી'નો સળંગ ને પૂર્ણ અનુવાદ કરવાની ઈચ્છા તો ઘણા સમયથી થયા કરતી હતી ને આશ્રમના કોઈ પીઢ પુરુષેય એ માટેની મને સૂચના પણ કરેલી. પરંતુ મારી હિંમત ચાલતી ન હતી. એને માટે ઘણી ઘણી આંતરિક તૈયારીની જરૂર છે એવું મને લાગતું. તેમ છતાંય એકવાર થોડો પ્રયાસ તો મેં કરી જોયો ને સંતોષ ન થવાથી કામ પડતું મૂકયું. વળી એને માટે અનુકૂળ છંદ પણ મને મળ્યો નહોતો. આવી સ્થિતિમાં આગળ ચાલવું અશક્ય હતું, એટલે હું મારી ઈચ્છાને બદલે પ્રભુની ઈચ્છાની રાહ જોવા લાગ્યો.
લાંબે ગાળે એ સમય પણ આવ્યો. ૧૯૭૨ ની શ્રી અરવિન્દની શતાબ્દીને નિમિત્ત બનાવી 'શ્રી અરવિન્દ મહાપ્રભુ' નામનું ૩૬૬ મુક્તકોનું મારા અર્ધ્યરૂપ કાવ્ય પ્રકટ કરવાનો અવસર મને મળ્યો. એની સાથે સાથે ' નિતનવિત' ને 'પ્રહર્ષિણી' માં શ્રી માતાજી માટેનાં બસોએક મુક્તકો પણ પ્રકટ કરવાનું પ્રાપ્ત થયું પંદરમી ઓગસ્ટ પસાર થઈ ગયા પછી એક વાર હું મારી રૂમ નજીક ઊભો રહી શ્રી અરવિન્દની સમક્ષ આવેલી સમાધિનાં દર્શન કરતો હતો ત્યાં " હવે 'સાવિત્રી' આરંભ" એવો શ્રી અરવિન્દનો જાણે મને આદેશ થયો હોય એવું અંતરમાં લાગ્યું ને એ આદેશે મારા આત્મા ઉપર અધિકાર જમાવ્યો ને મારા સ્વભાવ અનુસાર આનાકાની વગર હું એને આધીન થઈ ગયો. મારી અલ્પ શકિતનું મને પૂરેપૂરું ભાન તો હતું, પરંતુ ભગવાનનો આદેશ છે, ભગવાનનું કાર્ય છે ને ભગવાનની શકિત એને પાર ઉતારશે એવી શ્રદ્ધા મારામાં જાગી ને એ મહાભારત કાર્યનો આરંભ કરી દેવોનો મેં નિર્ણય કર્યો. પ્રથમ તો એ કાર્યારંભ માટે શ્રી માતાજીના શુભ આશીર્વાદ માગ્યા અને એ મને સહજમાં મળ્યા, ને એથી અધિક તો એમણે ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૩ નો દિવસ પણ આશીર્વાદ સાથે અગાઉથી લખી આપ્યો. હવે મારામાં ખરી હિંમત આવી અને મેં અનુવાદના મહાસાહસમાં ઝંપલાવ્યું. વળી આ મહા-કાવ્યના પ્રકાશનનો ભાર અન્ય કોઈ લે એવું નહિ તેથી તે પણ મારા સદભાગ્યે મારે માથે આવ્યું, ને સિત્તેરેક હજારનો ખર્ચ શ્રી અરવિંદને નામે ઉપાડી લીધો. અડતાળીસ વર્ષથી અકિંચન રહેલા મારા જેવા અપ્રખ્યાત માણસ માટે આ મોટી ઘૃષ્ટતા હતી, પરંતુ મને ખાતરી હતી કે મારા કરતાં અનંતગણો સમર્થ મારા સાથમાં છે ને એની શકિત માટે કશું અશક્ય નથી.
પછી તો પ્રભુના પ્રકાશમાં, પ્રભુનું પ્રેર્યું 'સાવિત્રી પ્રકાશન' આરંભાયું અને એ માટેની ગ્રાહક્યોજના જાહેર થઈ. એક બાજુ ગ્રાહકો નોંધાતા જાય, બીજી બાજુ પ્રથમ પુસ્તક માટેનો અનુવાદ થતો જાય, એક બાજુ વ્યવસ્થા વિચારતી જાય ને
૨
બીજી બાજુ અમલમાં મુકાતી જાય, આમ રમઝટ મચી. ને વીજળી ઉપરના જબરા કાપે મોટું વિધ્ન ઊભું કર્યું, છતાં નક્કી કરેલા દિવસથી બહુ દૂર નહીં એવે દિવસે 'સાવિત્રી' નું પ્રથમ પુસ્તક ગુજરાતના હૃદયની યાત્રા કરવા નીકળ્યું. આવી જ રીતે છ છ મહિને એક-એક ૨૧ ફેબ્રુઆરીએ ને બીજું ૧૫ ઓગષ્ટે, એમ પુસ્તકો પ્રકટ થતાં રહ્યાં અને આજે 'સાવિત્રી' ના છના સેટનું છઠઠું પુસ્તક પ્રભુના પ્રકાશમાં પ્રકટ થાય છે.
સનાતન એવા શ્રી અરવિન્દ મહાપ્રભુએ જ આ કાર્ય કર્યું છે એવું કહું તો તે અક્ષરશ: સાચું છે. બાકી શરીર-સ્વાસ્થ્ય તકલાદી હોવા છતાંય બે વરસમાં 'સાવિત્રી' નો પૂર્ણ અનુવાદ અને તેના પ્રકાશન માટે પર્યાપ્ત ધન પ્રાપ્ત કરવાનું સહેલું નહોતું; પરંતુ મહાપ્રભુની મીઠી મહેરે એ બધું કરી બતાવ્યું છે. આ ગુજરાતી અનુવાદ મહાપ્રભુનો મહાપ્રસાદ છે, અને ભાવિકો એને અપનાવી લઈ પરમાત્મપુષ્ટિ પ્રાપ્ત કરવાનું નહિ ચૂકે એવી શુભાશા છે.
અત્ર જણાવવું જોઈએ કે ઓછામાં ઓછી કિંમતે 'સાવિત્રી' જેમનામાં જીજ્ઞાસા હોય તેમને મળે એવો સંકલ્પ આરંભથી જ રાખ્યો હતો, તે કારણને લીધે જે બારસોએક ગ્રાહકોનાં લવાજમ આવ્યાં છે તે પ્રકાશનના જંગી ખર્ચને પહોંચી વળે એમ નથી. પરંતુ કેટલાક સદભાવી ને સ્નેહી મિત્રોએ તેમ જ સાવ અજાણ્યા આસ્થાળુ ભાવિકોએ ઉદારતાથી સહાય કરી મારો ભાર હલકો ફૂલ બનાવી દીધો છે. આ નિષ્કામભાવી પ્રભુપ્રેમી ઉન્નત આત્માઓનો અંગત ભાવે હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે; પણ એમણે તો આ પ્રભુના કાર્યને પ્રભુપ્રીત્યર્થે પોતાનું બનાવી દઈ એને પૂર્ણાહુતિએ પહોંચડવાનું પ્રેમકાર્ય કર્યું છે, તેથી મારી તો શ્રદ્ધા છે કે પ્રભુ પોતે જ સુપ્રસન્ન ભાવે એમને પોતાનો મહાપ્રસાદ સમર્પશે. મારી પ્રાર્થના છે કે એમના પ્રેમાત્માઓ પ્રભુથી પરિપૂર્ણ બનો !
'સાવિત્રી' સમજવાનું સરલ તો નથી જ, પરંતુ स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् | એ ભગવદ્વચન પણ આપણને મળેલ છે, ભક્તિભાવ સાથે ને સત્યનિષ્ઠાપૂર્વક 'સાવિત્રી' નું પરિશીલન આપણને પ્રકાશમાં લઈ જશે, પરમાત્મ-પ્રેરણાઓ પૂરી પાડશે, બ્રહ્યના મહાબળથી બળવાન બનાવશે, અને મૃત્યુંજય પ્રભુપ્રેમના પીયૂષી પ્રસાદ પીરસશે. શ્રી માતાજીએ આ મહાકાવ્યનો મહિમા કેવા મુક્ત મને ગાયો છે તે આશ્રમના બાળકો આગળના એમના વાર્તાલાપ દરમ્યાન કંઇક નીચેના શબ્દોમાં જાણવા મળ્યું છે. એમના એ વાર્તાલાપમાંથી થોડું થોડું આ પહેલાંના પુસ્તકોનાં નિવેદનોમાં આવી ગયું છે ને આ છેલ્લા પુસ્તકમાં બાકી રહેલું આપવામાં આવે છે. આશા છે કે એ ઊંડે ઊંડે આસ્થાળુઓને સ્પર્શશે અને એમને શ્રી મહાપ્રભુના મહાકાવ્યનાં પીયૂષોનાં પાન કરાવશે.
૩
(નીચેનું અવતરણ-ચિહ્નમાં મૂકેલું લખાણ માતાજીના જ શબ્દોમાં નથી, પણ એ શ્રોતાની સ્મૃતિ ઉપરથી લખાયેલું છે.)
" અને હું ધારું છું કે 'સાવિત્રી' ને અપનાવી લેવા માટે માણસ હજી સુધી તૈયાર થયેલું નથી. એને માટે એ અત્યંત ઉચ્ચ અને અત્યંત વિરાટ છે. એ એને સમજી શકતો નથી, બુદ્ધિની પકડમાં લઈ શકતો નથી, કેમ કે મન વડે એ 'સાવિત્રી'ને સમજી શકે એમ નથી. એને સમજવા માટે ને પચાવવા માટે આધ્યાત્મિક અનુભવોની આવશ્યકતા રહે છે. જેમ જેમ માણસ યોગને માર્ગે વધારે આગળ વધે છે, તેમ તેમ તે 'સાવિત્રી' ને વધારે ને વધારે સારી રીતે આત્મસાત્ કરે છે. ના, 'સાવિત્રી' એક એવી વસ્તુ છે કે માત્ર ભવિષ્યમાં એની કદર થશે. એ છે આવતી કાલની કવિતા. એ અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સંસ્કારશુદ્ધ છે. 'સાવિત્રી' મનમાં કે મન દ્વારા નહીં પણ ધ્યાનગમ્ય અવસ્થામાં આવિષ્કાર પામે છે.
અને માણસોની ધૃષ્ટતા તો જુઓ, તેઓ એને 'વર્જિલ' કે 'હોમર' સાથે સરખાવે છે અને એ એમનાથી ઊતરતી છે એવું જણાવે છે. તેઓ સમજતા નથી, સમજી શકતા નથી. એમને શું જ્ઞાન છે ? કશું જ નહિ. એમને 'સાવિત્રી' સમજાવવાનો પ્રયત્ન નકામો છે. એ શું છે તે માણસો જાણશે પણ તે દૂરના ભવિષ્યમાં. એને સમજવાને કોઈ શકિતમાન થશે તો માત્ર નવી ચેતનાવાળી નવી પ્રજા. હું ખાતરી આપું છું કે 'સાવિત્રી' સાથે સરખાવાય એવું નીલાકાશ નીચે કશું નથી. એ છે રહસ્યોનું રહસ્ય, મહાકાવ્યોની પારનું મહાકાવ્ય, સાહિત્યની પાનું સાહિત્ય, કવિતાની પારની કવિતા, અને દર્શનો પારનું દર્શન. અને શ્રી અરવિન્દે જેટલી સંખ્યામાં ચરણો લખ્યાં છે તેને લક્ષ્યમાં લેતાંય એ સર્વાધિક સત્તમ સર્જનકાર્ય છે, ના, આ માનુષી શબ્દો 'સાવિત્રી'નું વર્ણન કરવાને પૂરતા નથી. એને માટે તો સર્વોત્કૃષ્ટતાવાચક શબ્દોની ને અતિશયોકિતઓની આવશ્યકતા રહે છે. મહાકાવ્યોમાં એ અત્યુંદાત્ત છે. ના, 'સાવિત્રી' જે છે તેમાંનું કશું જ શબ્દો કહી શકતા નથી, કંઈ નહિ તો મને એવા શબ્દો મળતા નથી. 'સાવિત્રી' ના મૂલ્યને, એના અધ્યાત્મ મૂલ્યને તેમ જ એનાં બીજાં મૂલ્યોને સીમા નથી. એના વિષયના વિષયમાં એ સનાતન છે, એની હૃદયંગમતાનો અંત નથી, એની રીતે અને એનું રચનાવિધાન અદભુત છે; એ અદ્વિતીય છે. જેમ જેમ તમે એના વધારે સંપર્કમાં આવશો તેમ તેમ તમે વધારે ઊંચે ઉદ્ધારાશો. અહા ! સાચે જ એ એક અનોખી વસ્તુ છે. શ્રી અરવિન્દ માણસો માટે એક સર્વાધિક સુંદર વસ્તુ મૂકી ગયા છે, ને એ શક્ય હોઈ શકે તેટલી સર્વોચ્ચ પ્રકારની છે. એ શું છે ? માણસ એને કયારે જાણશે ? ક્યારે એ સત્યમય જીવન ગાળવા માંડશે ? પોતાના જીવનમાં એ એનો સ્વીકાર ક્યારે કરશે ? આ હજી જાણવાનું રહે છે.
વત્સ ! તું રોજ 'સાવિત્રી' વાંચવાનો છે; બરાબર વાંચજે, અંતરમાં સાચું
૪
વળણ રાખીને વાંચજે, પુસ્તક ઉઘાડતાં પહેલાં વૃત્તિને થોડી એકાગ્ર કરીને વાંચજે, મનને ખાલી રાખી શકાય તેટલું ખાલી રાખવાનું, એકદમ વિચાર વગરનું બનાવેલું રાખવાના પ્રયત્નપૂર્વક વાંચજે. એને પહોંચવાનો સીધેસીધો માર્ગ છે હ્રદયનો માર્ગ. કહું છું કે જો તું આવી અભીપ્સા રાખીને સાચી એકાગ્રતા સાધશે તો સ્વલ્પ સમયમાં જ એક જવાળા જગાવી શકશે, અંતરાત્માની જવાળા, પાવનકારી જવાળા જગવી શકશે. સાધારણ પ્રકારથી તું જે કરી શકતો નહિ હોય તે તું 'સાવિત્રી'-ની સહાયથી કરી શકશે. અખતરો કરી જો, એટલે તને જણાશે કે જો તું આવી મનોવૃત્તિ રાખીને વાંચશે, આ કંઈક ચેતનાની પાછળ રાખીને વાંચશે, જાણે એ શ્રી અરવિન્દને કરેલું એક અર્પણ છે એવો ભાવ રાખીને વાંચશે તો એ કેવું જુદા પ્રકારનું, કેવું નવીનતાવાળું બની જાય છે તે અનુભવશે. તને જણાશે કે એ ચૈતન્યથી ભરી દેવામાં આવેલી છે; જાણે કે 'સાવિત્રી' એક જીવંત સત્તા, એક માર્ગદર્શિની ન હોય. હું કહું છું કે જે કોઈ યોગ કરવાની ઈચ્છા રાખી સહૃદય ભાવથી પ્રયત્ન કરે છે ને એની આવશ્યકતા અનુભવે છે તે 'સાવિત્રી'ની સહાયથી યોગની સીડીના ઉચ્ચમાં ઉચ્ચ પગથિયે ચડી શકશે, 'સાવિત્રી' જે રહસ્યનું નિરૂપણ કરે છે તે રહસ્યને પામવાને શકિતમાન બનશે, ને આ પણ કોઈ ગુરુની સહાયતા વિના. ને એ ગમે ત્યાં હશે તોય ત્યાં રહીને સાધના કરી શકશે. એને માટે એકલી 'સાવિત્રી, માર્ગદર્શક ગુરુ બની જશે, કેમ કે એને જેની જેની જરૂર પડશે તે સર્વ એને એમાંથી મળી આવશે. સાધક જો ઊભી થયેલી મુશ્કેલી સામે શાંત ને સ્થિર રહે, કે આગળ વધવા માટે કઈ દિશાએ વળવું કે અંતરાયોનો પરાભવ કેવી રીતે કરવો તેની તેને સમજ ન પડે ત્યારે 'સાવિત્રી' માંથી એને જરૂરી સૂચનો ને નક્કર પ્રકારની જરૂરી સહાય અવશ્ય મળવાનાં. જો એ પૂરેપૂરો પ્રશાંત રહેશે, ખુલ્લો રહેશે, સાચા ભાવથી અભીપ્સા રાખશે તો જાણે કોઈ હાથ ઝાલીને દોરી રહ્યું હોય એવી દોરવણી એને 'સાવિત્રી'-માંથી મળશે. એનામાં આસ્થા હશે, આત્મસમર્પણ કરવો સંકલ્પ હશે મૂળભૂત સહૃદયતા હશે તો તે અંતિમ લક્ષ્યે પહોંચશે.
સાચે જ, 'સાવિત્રી' કોઈ એક સઘન ને સજીવ વસ્તુ છે. ચૈતન્યથી એ પૂરેપૂરી ને ખીચોખીચ ભરેલી છે. એ છે પરમોચ્ચ જ્ઞાન, એ મનુષ્યોની બધી ફિલસૂફીઓથી ને બધા ધર્મોથી પર છે. એ છે અધ્યાત્મ માર્ગ, એ છે યોગ, એ છે તપસ્યા, સાધના, એકમાં જ સર્વ કાંઈ. 'સાવિત્રી' માં અલૌકિક શકિત છે. જેઓ ઝીલવાને તત્પર છે તેમનામાં તે અધ્યાત્મ આંદોલનો જગાડે છે, ચેતનાની એકેએક ભૂમિકાની સ્ફૂર્તિ આપે છે. એ છે અનુપમ. શ્રી અરવિન્દે જે પરમ સત્ય પૃથ્વી ઉપર ઉતારી આણ્યું છે તેની છે એ પરિપૂર્ણતા. વત્સ ! 'સાવિત્રી' જે રહસ્યનું નિરૂપણ કરે છે અને એના દ્વારા શ્રી અરવિન્દ આપણે માટે જે પયગંબરી સંદેશ પ્રકટ કરે છે તે શોધી કાઢવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તમારી આગળ આ કામ
૫
છે. એ મુશ્કેલ તો છે, પરંતુ એને માટે શ્રમ સેવવા જેવો છે."
૫.૧૧.૧૯૬૭
આશીર્વાદો
અને વળી
" જો તમે વિષાદમગ્ન થયા હો, જો તમે દુ:ખાનુભવ કરી રહ્યા હો, તમે કંઈ આરંભ્યું હોય ને તેમાં તમે જો સફળતા મેળવતા ન હો, અથવા તો ગમે તેટલો તમારો પ્રયત્ન હોય છતાંય તમારે માટે હમેશાં જો વિપરીત જ બનતું હોય, એવું બને કે તમે તમારો મિજાજ ગુમાવી બેસતા હો, જીવન ઘૃણાજનક બની ગયું હોય, ને તમે પૂરેપૂરા સુખરહિત બની ગયા હો, તો તે પાને " સાવિત્રી" કે "પ્રાર્થના અને ધ્યાનભાવો " ઉઘાડો અને વાંચો. તમે જોશો કે એ બધું ધુમાડાની માફક અદૃશ્ય થઈ ગયું છે અને ખરાબમાં ખરાબ હતાશા ઉપર વિજય મેળવવાનું બળ તમારામાં આવ્યું છે ને તમને જે ત્રાસ દેતું હતું તેમનું કશું જ રહ્યું નથી. એને બદલે તમને એક અલૌકિક સુખનો અનુભવ થશે, તમારી ચેતનામાં ઊલટ પલટો આવી જશે અને તેની જોડે જાણે કશું જ અશક્ય રહ્યું ન હોય તેમ બધું જ જીતી લેવાનું બળ અને ઉત્સાહ તમારામાં આવેલાં તમે અનુભવશો, અને સર્વને વિશુદ્ધ બનાવતો અખૂટ આનંદ તમારામાં આવી જશે. માત્ર થોડીક લીટીઓ જ વાંચો અને તે તમારા અંતરતમ આત્મા સાથે સંબંધ સ્થાપવાને માટે પર્યાપ્ત થઈ જશે. એમનામાં એક એવું અસાધારણ સામર્થ્ય રહેલું છે ! અજમાવી જુઓ અને મને એની વાત કરો.
હા, તમારે માત્ર 'સાવિત્રી' ઉઘાડવાની જ હોય છે, આમ, જ્યાંથી ઊઘડે ત્યાંથી ઉઘાડી વાંચો, કશોય વિચાર કરી રાખ્યા વગર વાંચો ને તમને જવાબ મળી જશે. ઊંડી એકાગ્રતા કરો, તમને ત્રાસ આપી રહ્યું હશે તેને અંગે તમને જવાબ મળશે; કહું છું, ને મને ખાતરી છે કે સોએ સો ટકા તમને જવાબ મળશે. અખતરો કરી જુઓ."
આવી આ સત્ય 'સાવિત્રી' આપણને અનંતદેવના વરદાનમાં મળી છે. એને આપણા આત્મા સાથે અંત:કરણો સાથે અંગેઅંગ વહાલથી વધાવી લો, અને આપણીઅખિલ ચેતના એની અલૌકિક ચેતના સાથે એકાકાર બની જઈ જગતમાં જીવંત સાવિત્રીમયતા સાધો, અને એના અમૃતરસોનું પાન કરી પરમ શિવતાને સિદ્ધ કરો એવી પ્રાર્થના સાથે ॐ शान्ति: शान्ति: शान्तिः |
૧૫ મી ઓગસ્ટ, ૧૯૭૫
પોંડિચેરી- ૨
' સાવિત્રી'નું શુભાગમન
( બે શબ્દો )
------------------------------------
આપણા કવિ શ્રી પૂજાલાલ આપણને શ્રી અરવિંદના મહાકાવ્ય 'સાવિત્રી' નો સંપૂર્ણ અનુવાદ આપે છે એ જોઈને સૌ કોઈને આનંદ થશે, અને સૌથી વધુ આનંદ તો મને થાય છે. 'દક્ષિણા'માં એના બીજા વર્ષમાં, ૧૯૪૯ માં, મેં 'સાવિત્રી'નો અનુવાદ આપવાનો શરૂ કર્યો ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી આ વિષય મેં એકલાએ હાથ લીધો હતો. અને જે રીતે જેમ જેમ અનુવાદ થતો ગયો તેમ તેમ હું 'દક્ષિણા'માં આપતો રહ્યો છું. ઘણા પૂછતા કે 'સાવિત્રી'-નો અનુવાદ પુરો ક્યારે આપો છો, કેટલો થયો છે, ત્યારે એ વસ્તુ બનવી મારે માટે તો સ્વપ્ન જેવી લગતી હતી. એટલે જે કાંઈ થયું છે તેને સાંકળી લઈને, થોડો ક્થાભાગ ગદ્યમાં સૂચવીને 'સાવિત્રી'ની એક સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવી એમ વિચાર ગોઠવતો હતો. ત્યાં તો આ કલ્પેલી નહિં એવી ઘટના એકદમ સાકાર બને છે કે શ્રી પૂજાલાલ પૂરી 'સાવિત્રી' આપે છે. તેમણે 'સાવિત્રી' હાથ લીધું છે એ વાત મારી પાસે આવી હતી, પણ તેઓ આટલો મહાન સંકલ્પ કરે તેવી પ્રેરણા તેમને થઇ અને એ કાર્ય માટે તેઓ કટિબદ્ધ થઇ તેને પાર પાડી રહ્યા છે એને તો આપણે આ શ્રી અરવિંદના જન્મશતાબ્દીના વર્ષમાં સ્વયં શ્રી અરવિંદ તરફથી જ મળતા વરદાન રૂપે ગણીશું અને તેને કૃતજ્ઞતાપૂર્વક ઝીલીશું.
અનુવાદનું કાર્ય, ખાસ કરીને કવિતાના, એક સુક્ષ્મ ક્રિયા છે, તેમ જ તે કવિતાના સ્વતઃ સર્જન કરતાં પણ વિશેષ કાવ્યશક્તિને માગી લે છે. શ્રી પૂજાલાલ પાસે ઘણી સિદ્ધ એવી કાવ્યશક્તિ છે તેમ જ શ્રી અરવિંદે ખેડેલા ગહન વિષયના, તેમની યોગસાધનાના તથા યોગદર્શનના તેઓ અતિ નિકટવર્તી ઉપાસક છે. શ્રી અરવિંદને ચરણે બેઠેલું એમનું દીર્ધ જીવન તેમને આ વિષય સાથે એકરૂપતામાં લઇ ગયું છે. એટલે એ રીતે એમના હાથે થતો આ અનુવાદ આ ગહન વિષયને ન્યાય આપશે એવી ખાતરી આપણે રાખીએ. અનુવાદનો ખરો પ્રશ્ન તે મૂળના વિષયનું યથાર્થ ગ્રહણ કરવું, અને તેને આપણી ભાષામાં ઉચિત એવો કાવ્યદેહ આપવો એ છે. અનુવાદમાં માત્ર મૂળનો અર્થ આવે એટલું જ નહિ પરંતુ તે પૂરેપૂરો, શક્ય તેટલો, કાવ્યરૂપ બનીને આવે એ થવું જોઈએ, અનુવાદ પણ કવિતારૂપ બનવો જોઈએ. અને આ કાર્ય મહા તપસ્યા તેમ જ સારી એવી કાવ્યશક્તિ માગી લે છે. આપણે આશા રાખીએ, કાવ્યસર્જનની દેવી મા ભારતીને પ્રાર્થના પણ કરીએ કે શ્રી પુજલાલને હાથે ઊતરતી આ 'સાવિત્રી' ગંગા ઉત્તમ એવું કાવ્ય રૂપ લઈને આવે.
[૪]
ગુજરાત 'સાવિત્રી'થી સારી રીતે પરિચિત છે. શ્રી અંબુભાઈનું 'સાવિત્રી ગુંજન' એ મહાકાવ્યની કથાને સૌ જિજ્ઞાસુઓ પાસે લઇ ગયું છે. એ પણ એક આનંદજનક નોંધવા જેવી બીના છે કે એમણે પણ 'સાવિત્રી' ને થોડુંક પદ્યમાં ઉતાર્યું હતું. આપણે ત્યાં 'સાવિત્રી'ના બીજા પણ સારા એવા અભ્યાસીઓ રહેલા છે. અને હવે તો ઘણાએક નાનામોટા કવિઓ 'સાવિત્રી'ની થોડી થોડી પંક્તિઓ પણ ગુજરાતીમાં ઉતારી રહ્યા છે. આપણે તો એમ ઈચ્છીએ કે 'સાવિત્રી'ના ઘણા ઘણા અનુવાદો થાય. એ રીતે આપણી ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બનશે. શ્રી પૂજાલાલની 'સાવિત્રી' ગુજરાતી કવિતાના થાળમાં એક મોંઘામૂલી ભેટ રૂપે આવે છે. 'સાવિત્રી'ના પ્રેમીઓ આ પુસ્તકને મોકળા મનથી વધાવી લે.
*
શ્રી અરવિંદનું આ મહાકાવ્ય 'સાવિત્રી' શું છે એ વસ્તુ તો હવે સુપરિચિત તો છે જ. આ કાવ્યમાં શું આવે છે, અને તે કેવી રીતે લખાયું છે અને આપણને તે ક્યાં લઇ જાય છે એ માટે શ્રી અરવિંદે પોતે જ ઘણું ઘણું કહ્યું છે તથા તે વિષે અનેક અભ્યાસગ્રંથો લખાયેલા છે. એ વિષયનો થોડોઘણો પણ ખ્યાલ મેળવવા માટે આપણે ઘણું ઘણું લખવું પડે. શ્રી પૂજાલાલે પોતાના અનુવાદમાં દરેક સર્ગના આરંભે તેમાંનો વસ્તુનો નિર્દેશ કરેલો છે તેમાંથી કાવ્યના વિષયની ગતિ વાચકને સમજાશે. પછી તો વાચકે પોતે કાવ્યનો આધાર લઈને જ આ શ્રી અરવિંદે સર્જેલા મહાસાગરની સફર ખેડવાની છે.
પરંતુ અહીં આપણે શ્રી અરવિંદના પોતાના થોડા શબ્દો ઉતારીશું. એમાંથી કેટલીક પાયાની વસ્તુઓ આપણને સમજાશે. 'સાવિત્રી' પોતે કેવી રીતે લખ્યું તે વિષે શ્રી અરવિંદ કહે છે: 'મેં 'સાવિત્રી'નો એક આરોહણના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. મેં એનો આરંભ એક અમુક મનોમય ભૂમિકા પરથી કર્યો હતો, જયારે જયારે હું એક વધુ ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચી શકતો ત્યારે ત્યારે હું ફરીથી એ ભૂમિકા પરથી લખતો હતો. વળી હું ખાસ તો એ જોતો કે - એનો જો કોઈ ભાગ કોઈ નીચેની ભૂમિકાઓ પરથી આવતો દેખાય તો એ સારી કવિતા છે એટલા માટે તેને એમ ને એમ રહેવા દઈને હું સંતોષ માનતો ન હતો. આખી જ વસ્તુ બની શકે ત્યાં લગી એક જ ટંકશાળની બનવી જોઈતી હતી. હકીકત તો એ છે કે 'સાવિત્રી'ને મેં એક લખી નાખીને પૂરું કરી દેવાના કાવ્ય તરીકે જોયું નથી, પરંતુ કવિતા આપણી પોતાની યૌગિક ચેતનામાંથી કેટલે સુધી લખી શકાય તેમ છે તથા તેને કેવી રીતે સર્જન રૂપે કરી
[૫]
શકાય તેમ છે તે માટેના પ્રયોગના ક્ષેત્ર રૂપે ગણ્યું છે.'
'સાવિત્રી'ની કથા એ માત્ર બે પ્રેમીઓના ગાઢ પ્રખર પ્રેમની વાર્તા છે એટલું જ નહિ પણ મહાભારતમાં પણ તેમાં અમુક પ્રતીક ભાવ રહ્યો હતો એમ શ્રી અરવિંદ કહે છે. 'સાવિત્રી જે સત્યવાનને પરણે છે તે મૃત્યુના રાજ્યમાં અવતરેલા આત્માનું પ્રતીક છે; -- અને સાવિત્રી ..... દિવ્ય પ્રકાશની અને જ્ઞાનની દેવી સત્યવાનને મૃત્યુની પકડમાંથી મુક્ત કરવાને નીચે આવે છે.' વળી જરા વધુ વિગતે શ્રી અરવિંદ સમજાવે છે: 'આ કથા...વૈદિક યુગની અનેક પ્રતીક રૂપ કથાઓમાંની એક છે. સત્યવાન એ પોતાની અંદર પરમ સત્ ના દિવ્ય સત્યને ઘારણ કરતો આત્મા છે પરંતુ તે મૃત્યુ અને અવિદ્યાની પકડમાં નીચે ઊતરેલો છે; સાવિત્રી તે દિવ્ય વાણી છે, સૂર્યની પુત્રી છે, પરમ સત્યની દેવી છે અને તે નીચે આવે છે અને ઉદ્ધાર કરવાને જન્મ લે છે; અશ્વપતિ, અશ્વોનો પતિ, સાવિત્રીનો માનવ પિતા, તે તપસ્યાનો પતિ છે, આધ્યાત્મિક સાધનાની એકાગ્ર બનેલી શક્તિ છે અને તે શક્તિ આપણને માનવ ભૂમિકાઓ પરથી અમરત્વની ભૂમિકાઓ ઉપર પહોંચવામાં મદદ કરે છે. ધુમત્સેન, પ્રકાશપૂર્ણ સેનાનો પતિ, સત્યવાનનો પિતા, તે દિવ્ય મન છે કે જે અહીં આવીને અંધ બની ગયું છે, દ્રષ્ટિના દિવ્ય રાજ્યને તેણે ગુમાવી દીધું છે, અને એમાંથી તેણે પ્રકાશનું રાજ્ય ગુમાવેલું છે. આમ છતાં આ વસ્તુ તે માત્ર એક રૂપક નથી , એમાંનાં પાત્રો તે વ્યક્તિઓ રૂપે બનાવેલા ગુણો નથી, પણ સજીવન અને સભાન શક્તિઓના અવતારો અને પ્રાદુર્ભાવો છે, એમની સાથે આપણે સઘન સ્પર્શમાં આવી શકીએ છીએ, અને તેઓ માનવ શરીર ધારણ કરીને મનુષ્યને મદદ કરે છે અને તેને તેની માનવ અવસ્થામાંથી દિવ્ય ચેતનામાં તથા અમર જીવનમાં પોહોંચવાનો માર્ગ બતાવે છે.'
'સાવિત્રી' મહાકાવ્ય આ રીતે માનવ જીવનને યમના પાશમાંથી મુક્ત કરી દિવ્ય જીવનમાં લઇ જવાની મહા કથા કહે છે. શ્રી અરવિંદે પૃથ્વી પર અપૂર્વ એવી જે યોગસાધના કરી અને દિવ્ય સિદ્ધિ મેળવી છે તેની પૂર્ણ કથાનો આ તેમની ઊંચામાં ઊંચી ચેતનામાં સર્જોયેલો કાવ્યદેહ છે. પૃથ્વી ઉપર કાવ્યના, વાણીના જગતમાં આ એક દિવ્ય તત્વનો સર્વોત્તમ આવિષ્કાર છે. એ અવિષ્કાર હવે જગતમાં વાસ્તવિક રૂપે પણ સર્જાઈ રહ્યો છે અને તે સર્જનમાં ભાગ લેવાને માટે 'સાવિત્રી' આમંત્રણ રૂપે છે.
૧૩. ૨. ૭૩
સુંદરમ્
[6]
પ્રથમ સર્ગ
પ્રતીકાત્મક ઉષા
વસ્તુનિર્દેશ
------------------------------
આ સર્ગનો વિષય છે સત્યવાનના મૃત્યુદિનનું પ્રભાત. આ પ્રભાત છે પ્રતીકાત્મક. સૃષ્ટિનું આદિ પ્રભાત, વ્યષ્ટિ અને સમષ્ટિના અસ્તિત્વનો ઉષ:કાળ, અને કાળપાશમાંથી છૂટેલા સત્યવાનના અને એને છોડાવનારી સાવિત્રીના અવતારી કાર્ય માટે પરમ પ્રેમમાં એકરૂપતા પામેલા એમના માનવઆત્માઓનું પૃથ્વીલોક ઉપરનું રોજનું હોય છે એવું એક પ્રભાત અદભૂત સુંદર પ્રકારે અહીં વર્ણવવામાં આવેલું છે.
સૃષ્ટિની પ્રલયરાત્રિ, અચિત્ માં લીન આત્માની અજ્ઞાનરાત્રિ, અને પૃથ્વી-લોકને અતલોના ઊંડા ઘેનમાં ઉતારી દેનારી રોજની ગાઢ રાત્રીનું રાત્રીનું અને તે રાત્રિને અંતે જે ચેતનાની જાગૃતિ આવે છે તેનું કવિએ ગહન અંધકાર જેટલી જ ગહન વાણીમાં અને મંત્રની લયવાહિતા ભર્યા પ્રવાહમાં જે કાવ્યલેખન કર્યું છે તેને મળતું વર્ણન વેદ સિવાય બીજે ભાગ્યે જ મળી શકે.
નારદે ભાખેલો સત્યવાનનો મૃત્યુદિન આવ્યો છે, પણ આ અનિષ્ટનું ભાન સાવિત્રી સિવાય અન્ય કોઈનેય નથી. સાવિત્રીએ આ મર્મવેધક શૂળની વાત વહાલાંઓ આગળ પણ કરી નથી. એ એકલી જ આ વ્યથા હૃદયમાં ગુપ્ત રાખી રહી છે અને બહારથી બધું જ રોજિંદું કાર્ય કરતી રહે છે. એનામાં રહેલું જગદંબાનું સત્વ આસપાસના સર્વનો આશ્રય અને આશ્વસન બનેલું હોય છે છતાં કોઈનેય એ દૈવી સત્તાનું ભાન નથી.
આમ સાવિત્રી માનવો વચ્ચે એક માનવ જેવી બનીને રહે છે અને પોતાની અંતર્વ્યથાને વિશ્વલોકની વ્યથાનો પોતાનો અંગત હિસ્સો સમજી શાંતિથી અને સ્વસ્થતાથી તે સહેતી જાય છે. જગતના ઉદ્ધારક બની આવેલા આત્માઓને જગતનો જે દંડ વેઠવાનો હોય છે તે એને પણ વેઠવો પડે છે.
છેવટે સત્યવાનના મૃત્યુનો દિવસ આવે છે અને સાવિત્રીનો દૈવી આત્મા પડદા પાછળથી આગળ આવી કાળની નિર્માણની સામે મક્કમપણે ખડો થાય છે.
જાગે છે દેવતાઆ તે પૂર્વની ઘડી હતી.
અકાકિની હતી રાત્રી શાશ્વતીના નિજાલયે,
ના 'તો દીપક કો તેમાં પ્રકટેલો પ્રકાશનો,
આગાહી આપતું ઘોર નિશાનું ભીમકાય ત્યાં,
માનસ સ્તબ્ધ લંબાઈ કિનારી પર મૌનની
દિવ્ય એ ઘટના કેરા માર્ગ આડે પડ્યું હતું.
નિર્નેત્ર રાત્રીના ઘેરા ચિંતાલીન પ્રતીકની
ગભીર ઘોર છાયામાં અશરીરી અનંતના
પારદર્શકતાહીન અભેદ અંધ ગર્તનું
ભાન જોનારને હૈયે પ્રાયશ: જાગતું હતું;
કો અગાધ મહાસૂન્ય વિશ્વે વ્યાપી ગયું હતું.
આદિમા ને અંત્ય, એ બે અભાવાત્મકતા વચે
શક્તિ કો એક જાગેલી નિ:સીમ પતિતાત્મની,
પોતે જ્યાંથી હતી આવી
તે અંધારા ગર્ત કેરી સ્મૃતિને લાવતી મને,
ઉકેલ્યા ના જતા જન્મરૂપ ગૂઢ રહસ્યની
ને મર્ત્યતાતણી ધીરી પ્રક્રિયાની દિશાથી વેગળી વળી,
ને રિકત શૂન્યમાં અંત પોતાનો પામવા ચહ્યો.
તમોલીન સમારંભે વસ્તુજાતતણા થતું
તેમ અજ્ઞાન કેરી કો એક મૂક
નિરાકાર છાયા સરૂપતા ભરી,
વિના ભાન ક્રિયા કેરી આવૃત્તિ કરતી સદા,
લંબાવતી જતી નિત્ય સંકલ્પ નવ દેખતો,
અજ્ઞાન શક્તિના વિશ્વવ્યાપી ધારણધેનને
પારણામાં ઝૂલાવતી,
સર્જનાત્મક જે નિદ્રાવસ્થામાં ક્ષોભ જાગતાં
પ્રજ્વળી ઉઠતા સૂર્યો,
અને જેની સુપ્તજાગૃત ઘૂમરી
વહેનારી બની જાય આપણાં જીવનોતણી.
અવકાશતણી મોઘ મહાઘોર સમાધિ મધ્યમાં થઇ,
[૩]
મન કે પ્રાણીથી હીન એની રૂપરિકત તંદ્રામહીં થઇ,
આત્મરહિત પોલાણો છાયારૂપે ગોળ ને ગોળ ઘૂમતી,
ફેંકાયેલી ફરી પાછી સ્વપ્નોમાં ન વિચારતાં,
પોલાં ઉંડાણમાં ત્યકત આત્માને ને ભાવિને નિજ વીસરી
ચકરાતી જતી ઘરા.
સંજ્ઞાનરહિત આકાશો
ઉદાસીન હતાં ખાલી અને નિ:સ્તબ્ધતા ભર્યા.
પછી સળવળ્યું કૈક અપ્રતિમ તમિસ્રમાં;
અનામી ગતિ કોઈક, અવિચારિત કલ્પ કો,
આગ્રહી ને અસંતુષ્ટ, ઉદ્દેશ વણનો વળી,
અસ્તિત્વ ઈચ્છતું કૈક, કેવી રીતે તે નવ જાણતું,
અચિત્ ને ચીડવ્યું એણે અવિદ્યાને જગાડવા.
વેદના એક આવી ને ગઈ મૂકી નિશાની કંપને ભરી,
એણે એક પુરાણી ને થાકીપાકી અને અણપુરાયલી
આકાંક્ષાને સ્થાન આપ્યું, જે નિરાંતે પડી હતી
અવચેતનના એના ચંદ્રે વંચિત ગહ્વરે;
એણે માથું કર્યું ઊંચું,
વિલુપ્ત સ્મૃતિની બંધ આંખો ખેંચી
હતી ના તે જ્યોતિને અવલોકવા,
જેમ કોઈ ઢંઢવાને કરે યત્ન અતીત નિજ જાતને
ને પોતાની જ ઈચ્છાના પ્રેતને માત્ર ભેટતો.
એવું જાણે હતું કે આ શૂન્ય કેરા અગાધમાં,
આખરી લય કેરા આ ઊંડા અંતરની મહીં,
હતું એજ સ્મરંતુ ના સત્ત્વ કોઈ છુપાયલું
હણાઈને દટાયેલા ભૂતકાળ પૂઠે રહેલ જીવતું,
શિક્ષા જેને થયેલી કે
બીજા નિષ્ફળતાયુક્ત જગમાં જીવતું થઇ
કરે એ પુનરારંભ યત્ન ને યાતનાતણો.
જ્યોતિને ઝંખતી' તી કો અરૂપબદ્ધ ચેતના,
કોરું એક પૂર્વજ્ઞાન દુર એવા
પરિવર્તનને માટે આકાંક્ષા રાખતું હતું
ગાલે એક મુકાયેલી જાણે કો બાલ અંગુલી,
વસ્તુઓમાં અંતહીન જે જરૂર રહેલ તે
બેધ્યાન વિશ્વમાતાને હોય ના યાદ આપતી,
તેમ શિશુ અભીપ્સાએ ઘેરા બૃહતને ગ્રહ્યું.
ખબરે ન પડે તેમ ગાબડું ક્યાંક ત્યાં પડ્યું :
લોભાવે મરુ હૈયાને જેમ કોઈ સ્મિત સંદિગ્ધતા ભર્યું
તેમ લાંબી એક રેખા રંગ કેરી આનાકાની બતાવતી
દેખાય કરતી ક્ષુબ્ધ દુર ધાર
અંધકારે ગ્રસાયેલી નિદ્રાની જિંદગીતણી.
અસીમતાતણી પેલી પારથી હ્યાં આવેલી દેવતાતણી
આંખે વિદ્ધ કર્યાં વાચા વિનાનાં એ અગાધને;
સુર્યની પાસથી આવી ચાર-રૂપે કર્યાર્થે બાતમીતણા,
વિશ્વના તમસે ભારે અવ્યસ્થા વિરામમાં,
રુગ્ણ ને શ્રાંત એવા આ જગતના ઘન ધારણે,
લાગતું કે રહી છે એ શોધો એક
એકલા ને અનાથ ત્યકત આત્માને,
એટલો તો પડેલો કે ભૂમાનંદ ભુલાયલો
સ્મૃતિમાં આણવાને યે શક્તિમાન હતો ન એ.
મધ્યસ્થ એ થઇ ચિત્તવિહીન વિશ્વની મહીં,
અનિચ્છુ ચુપકીદીમાં થઇ એનો સંદેશો ભીતરે સર્યો,
પરાજિત કરી ભ્રાંતિમુક્ત હૈયું નિસર્ગનું,
જોવા ને જાણવા કેરી બળાત્કારે ફરી સંમતિ મેળવી.
સંકલ્પ એક રોપાયો અગાધ શૂન્યતામહીં,
કાળને હૃદયે એક સ્મૃતિ પ્રસ્ફુરિત થઇ,
જાણે કે દીર્ધ કાળથી
મર્યો પડેલ આત્મા કો પ્રેરાયો જીવવા ફરી:
પરંતુ વિનિપાતની
પછી વિસ્મૃતિ જે આવે તેણે ગીચોગીચ ત્યાં ખડકાયલી
ભૂંસી નાખી હતી સર્વે તકતીઓ અતીતની,
ને જૂની અનુભૂતિઓ
સાધવાને રહી યત્ન એકવાર ફરી કરી.
પ્રભુનો સ્પર્શ હોયે તો સર્વ સાધી શકાય છે.
અસ્તિ માટે માંડ માંડ જેની હિંમત ચાલતી
તે એક આશ રાત્રીની નિ:સહાય નિરીહતા
મધ્યે તસ્કરને પાયે છાનીમાની પ્રવેશતી.
ભીરુ ને સંશયગ્રસ્તા સહજા ચારુતા ભરી,
અનાથીકૃત તે કાઢી મુકાયેલી નિવાસ નિજ શોધવા,
વિદેશીય જગે જાણે યાચતી આરજુ ભરી,
ઠરવાનું નથી ઠામ એવી જ્યાં ત્યાં ભમનાર ચમત્કૃતિ
જેવી આભતણે દુર ખૂણે એક ધીર અદ્ભુત ભાવિથી
યુક્ત આછી અંગચેષ્ટા થતી અભ્યર્થના ભરી.
રૂપને પલટો દેતા આગ્રહી એક સ્પર્શથી
રોમાંચિત થઇ માની ગયું કાળું સ્તબ્ધ નિશ્ચેષ્ટ તે બધું,
અને સુંદરતાથી ને આશ્ચર્યમયતા થકી
પ્રદેશો પ્રભુના ક્ષુબ્ધ થઇ ગયા
જાદુઈ જ્યોતિના પાંડુવર્ણ એક ભમતારામ શા કરે
વિલાયતી ક્ષણની કોરે કોરે ટમકતા રહી,
પ્રાંતરે ગૂઢતાતણા
સોનેરી ચોકઠા મધ્યે, સજ્જ શુભ્ર મજાગરે,
દરવાજો સ્વપ્ન કેરો ખુલ્લો થોડોક ત્યાં કર્યો.
ગુપ્ત વસ્તુ સમીપની
બારી બનેલ કો એક ખૂણો રુચિર જે હતો,
તેણે જગતના અંધ અમેય અવકાશને
બળથી દેખતો કર્યો.
અંધકાર ગયો હારી, ને અઢેલી ઢળેલ કો
દેવના દેહથી જામો સરે તેમ સરી ગયો.
પછી તો સૂર્ય પાસેથી ટપકીને ધાર જે આવતી હતી
તેને માટેય ભાગ્યે જ ફાટ ઝાંખી પૂરતી જેહ લાગતી,
તે મધ્ય થઇ રેલાયાં જ્વાળા ને દિવ્ય દર્શનો,
[૬]
નિત્યનું અલ્પકાલીન એ પ્રતીક ઉદ્વમાં ઊઘડયું ફરી.
અદૃષ્ટના મહાતેજતણી ઝલકથી ભરી,
મોહિની અણ-આંબેલા પારપાર અપારની,
સૃષ્ટિની ધ્રૂજતી ધારે ભભૂકી ભવ્ય ઊઠતી
અજ્ઞાત અમરાભાના સંદેશારૂપી શોભતી
ઉષાએ ભવ્ય રંગોનું આભામંડળ ત્યાં રચ્યું
ક્ષણકાલીન આવેલી દેવતા શોભતી હતી:
દિવ્ય દર્શન આ ઊભું પળવાર
જિંદગીની પાતળી ધારની પરે,
ને ભૂના ચિંતતા ભાલ કેરી વાંકી રેખા ઉપર ઝૂકયું.
ગુઢાર્થ રંગના ચિત્ર-સંકેતે સમજાવતું
રહસ્યમયતાયુકત સુ્ષમા ને મહામુદા,
આલેખી પંક્તિઓ એણે અર્થપૂર્ણ પુરાણની
આધ્યાત્મિકા ઉષાઓનો મહિમા જ્યાં કથ્યો હતો,
વ્યોમપત્રે લખાયેલા જાજ્વલ્યમાન અક્ષ્રેરે.
છે આપણા વિચારો ને આશાઓ સૌ જેની સંકેત-જ્યોતિઓ,
પ્રાયઃ તે દિવસે તેનો આવિર્ભાવ દ્રષ્ટિ આગળ ઉધડયો;
અદ્રશ્ય લક્ષ્યમાંથી કો મહદીપ્તિ અકેલડી
ની:સાર ધૂંધળા શૂન્યે પ્રક્ષિપ્તપ્રાય ત્યાં થઇ.
ખાલી વિશાળ વિસ્તારો એક વાર વળી ફરી
વ્યગ્ર કો પગલે થયા;
કેન્દ્ર અનંતતા કેરું---એવા એક
પ્રહર્ષે પૂર્ણ શાંતિના
વદને સ્વર્ગને ખુલ્લું કરનારાં સનાતન
ઢાકણોને ઉઘાડીયાં;
દુરનાં પરમાનંદ ધામોમાંથી રૂપ એક સમીપમાં
લાગ્યું કે આવતું હતું.
શાશ્વતી ને પરીવર્ત વચ્ચે દૂતી બનેલ એ
નિયત ભ્રમણો તારાગણોનાં અવગુંઠતી
[૭]
વિસ્તારો વચમાં ઝૂકી દેવતા સર્વ જાણતી,
ને જોયું સજ્જ છે એનાં પગલાં કાજ સૌ દિશો.
લીન આવરકે સ્વીય સવિતાને નિહાળવા
એકવાર કરી પૂઠે અરધો દ્રષ્ટિપાત એ
કર્યે અમર પોતાના ચાલી ચિંતનથી ભરી.
પૃથ્વીને પાસમાં લાગ્યો સંચાર અવિનાશનો:
વિરાટે તે પ્રતિ પ્રેરી નિજ નિ:સીમ દ્રષ્ટિને,
જાગ્રત પ્રકૃતિશ્રોત્રે સુણ્યો એનો પદધ્વનિ,
ને સીલબંધ ઊંડાણો ઉપરે પથરાયલા
એના વિલસતા સ્મિત
મૌનને ભુવનો કેરા ભભૂકંત બનાવિયું.
બધું નૈવેધ ને ધર્મક્રિયારૂપ બની ગયું.
પૃથ્વી ને સ્વર્ગને જોડી રહેલી કો
કંપમાન કડી જેવી હવા હતી;
દ્રષ્ટિને દર્શનો દેતા વ્યોમે ઉચ્ચ શાખાઓ પ્રાર્થતી હતી.
સંદિગ્ધ ધરણી કેરા મૂગા હૈયા પરે અહીં
અર્ધાલોકિત અજ્ઞાન આપણું જ્યાં ગર્તોની ધાર છે બન્યું,
પછીના પગલાનું યે નથી જ્યાં જ્ઞાન કોઈને,
શંકાની શ્યામ પીઠે જ્યાં છે સિંહાસન સત્યનું,
કો વિશાળ ઉદાસીન મીટ હેઠળ વ્યાપ્ત આ
યાતનાગ્રસ્ત સંદિગ્ધ પ્રયાસોના પ્રદેશમાં,
આપણાં સુખ ને દુઃખ જોતી તટસ્થ દ્રષ્ટિથી,
ઢળેલી ભૂમિએ ધાર્યું રશ્મિ જાગૃતિ આણતું,
અહીંય દર્શનાલોકે ને તેજે ભાવિસૂચકે
સાધારણ અને અર્થહીન રૂપસમસ્તને
આભથી અજવાળીને ચમત્કારી બનાવિયાં;
પછી તો દિવ્ય એ ભાવોદ્રેક ક્ષીણ બની ગયો,
વણમાગેલ એ મર્ત્ય સીમામાંથી સરી લુપ્ત થઇ ગયો.
પવિત્ર ઝંખના એક રહી એનાં પગલાંએ વિલંબતી,
મૃત્યુએ બદ્ધ હૈયાંની ધારણશક્તિ બ્હારનું
[૮]
કો એક પૂર્ણ સાન્નિધ્ય ને કો એક શક્તિ કેરી ઉપાસના,
આશ્ચર્યમય આગામી જન્મની પૂર્વસૂચના
અવશિષ્ટ રહી ગયાં.
પ્રભુ કેરી પ્રભા માત્ર સ્વલ્પ કાળ શકે:
માનુષી દ્રષ્ટિને શોભા અધ્યાત્મ અજવાળતી,
દ્રવ્યના છદ્મરૂપને
રેખાંકિત કરે રાગાવેશથી ને રહસ્યથી,
દે ઉડાવી શાશ્વતીને કાળના એક સ્પંદને.
જન્મના ઊમરા પાસે જીવ કો જેમ આવતો
મર્ત્યોના કાળને કળાતીતની સાથ જોડતો,
તણખો દેવતાનો એ ભીતરે જડતત્ત્વના
ભોંયરામાં થતો લીન, ને અચેતનતણી
ભૂમિકાઓમહિં એનું ઓજ લુપ્ત થઇ જતું,
તેમ એ ક્ષણજીવી ને જાદૂઈ જ્વલન-પ્રભા
રોજના ઊજળે વાએ અધુના ઓગળી ગઈ.
શમ્યો સંદેશ, સંદેશવાહકે ઓસરી ગયો.
અનન્ય એહ આહ્ વાન, શક્તિ સાથીવિહીન એ
પર્મોચ્ય પ્રભા કેરા રંગ સાથ ચમત્કૃતિ
સંકેલી સંચર્યા પાછા સુદૂર ગૂઢ કો જગે :
જોતી ના એ જરાકેય આપણી મર્ત્યતા પ્રતિ.
દેવકોટીતણાં કાજે સુષમા જે છે સ્વાભાવિક સત્તમા,
તે કાળે જન્મ પામેલાં નયનોને પરે અહીં
અધિકાર ન પોતાનો સમર્થિત કરી શકી :
અવકાશ-નિવાસાર્થે વધારે પડતું હતું
જે ગૂઢ-સત્યતા કેરું શરીર મહાસોતણું
તે હવે સર્વથા લુપ્ત વ્યોમમાંથી થઇ ગયું :
લેશે રહી ન વિરલા કૌતુકાત્મ ચમત્કૃતિ.
પાર્થિવ દિનની જ્યોતિ સર્વસાધારણા રહી.
શ્રમ-વિશ્રામના વારા વિનાની જિંદગીતણી
ધમાચકડને શોરે આંધળીભૂત ખોજના
[૯]
0ચક્રવાઓતણું પાછું અનુધાવન આદર્યું.
એનાં એ પોતપોતાના
નિત્યકર્મે ગયા લાગી છલંગી સઘળા જનો;
હજારો લોક ભુમીના અને વૃક્ષ ના પૂર્વદ્રષ્ટિ દાખતી
તત્કાલીન પ્રેરણાને પરાધીન બની ગયા,
ને નેતા હ્યાં અને જેની બુદ્ધિ ના નિશ્ચયાત્મિકા,
જે એકલો જ તાકે છે ભાવિકેરા ઢાંકેલા મુખની પ્રતિ,
તે મનુષ્ય ઉઠાવી લે બોજો નિજ અદ્રષ્ટનો.
જાજવલ્યમાન હોતાના સ્તવને સાથ આપવા
ત્વરમાણ થયેલી એ જાતિઓના સમૂહમાં
સાવિત્રી પણ જાગી વે દેખીતી રૂઢ રીતના
સૌન્દર્યથી પ્રલોભાઈ, ક્ષણજીવી પ્રમોદનો
એમનો જે હતો હિસ્સો તેને આપી વધામણી.
આવી' તી શાશ્વતીથી જે તે સાથેની સગાઈને
લીધે એણે ન કૈ ભાગ લીધો આ ક્ષુદ્ર મોદમાં;
માનુષી ક્ષેત્રમાં એક વિદેશીય મહાબલી,
એવો અંતરમાં મૂર્ત્ત મહેમાન ન કો ઉત્તર આપતો.
જે સાદથી પ્રબોધાઈ માનવીનું મન ઊઠે છલંગતું,
ચિત્રવિચિત્ર આરંભે નિજ ઉત્સુક માર્ગણો,
કામનાની ભ્રાંતિ રંગપાંખોને ફફડાવતી,
તે સાદ હૃદયે એને પ્રવેશંતો વિદેશી મિષ્ટ સૂર શો.
આપણા અલ્પકાલીન માનવી માળખામહિં
બંદી બનેલ દેવોની એનામાં વેદના હતી,
હતો અમૃતનો આત્મા જીતાયેલો મૃત્યુથી વસ્તુજાતના.
પરાપ્રકૃતિનો એનો હતો આનંદ એકદા,
કિંતુ ના સ્વર્ણ સ્વર્ગીય વર્ણ એનો દીર્ધકાળ ટકી શક્યો,
ભંગુર ભૂમિને પાયે રહી ઊભો શક્યો ન એ.
માનુષી દેહમાં એણે પોતા સાથે આણી જે શક્તિને હતી,
૧૦
ઉદાત્ત ચેતનાયુક્ત બૃહત્તા, પરમા મુદા,
શાન્ત આનંદ જે એક આત્મા કેરું ઐક્ય સૌ સાથ સાધતો,
પ્રહર્ષણાં દીપ્પ દ્વારો કેરી ચાવી આણેલ જે હતી,
ઊંડા કાળતણા ગર્ત પર સંબાધ ચાલતી
ભંગુર જિંદગીકેરી ક્ષુદ્રતાએ તેનો સ્વીકાર ના કર્યો.
સુખદુઃખતણા સ્રાવ કેરી જેને જરૂર છે
તે પૃથ્વીની પ્રકૃતિએ
પ્રત્યાખ્યાન કર્યું એહ મૃત્યુમુક્ત પ્રહર્ષનું :
અને અનંતાકેરી એ પુત્રીને એના દ્વારા અપાયલું
પ્રેમોદ્વ્રેકતણું પુષ્પ સનિર્માણ સમર્પિયું.
મોઘ હાવે જણાયું એ બલિદાન મહોજ્જ્લ.
મહત્તર નિજાત્મા હ્યાં આરોપાય ધરાતલે,
ને મર્ત્ય ભોમમાં સ્વર્ગ બનીને વતની રહે,
એ આશાએ સુસંપન્ન સમુદાર સ્વદિવ્યતા
વડે પ્રેરાઈને એણે લોકોને મુક્ત હસ્તથી
સ્વાત્મા ને આત્મસર્વસ્વ સમર્પિત કર્યાં હતાં.
પૃથ્વી કેરી પ્રકૃતિને સમજાવી
તેની પાસે રૂપાંતર સધાવવું
સાચે મુશ્કેલ કાર્ય તે;
સ્પર્શ શાશ્વતનો રૂડી રીતે ના મર્ત્યતા સહે:
વ્યોમ ને વહિ્ન કેરું એ જે આક્રમણ આવતું
તેના વિશુદ્ધ ને દૈવી અસહિષ્ણુ સ્વભાવથી મર્ત્યતા ડરતી રહે.
દુઃખરહિત તેના એ સુખ સામે બબડાટ કર્યા કરે,
ને તે જે જ્યોતિ લાવે છે
તેને પ્રાયઃ ધિક્કારીને ધકેલી દુર મૂકતી;
સત્યકેરા નગ્ન એના પ્રભાવથી
અને સર્વોચ્ચ જે એનો શબ્દ તેની શક્તિ ને માધુરી થાકી
રહે છે એ પ્રકંપતી
શિખરો પર ગર્તોનાં ધારાધોરણ લાદતી
પોતાને કીચડે મેલા બનાવી દે દૂતોને દેવલોકના :
૧૧
ઉદ્વારક કૃપા કેરા કરો સામે બચાવમાં
ભ્રષ્ઠ સ્વભાવના એના સામે એ કંટકો ધરે;
પુત્રોને પ્રભુના ભેટે મૃત્યુ ને યાતના લઇ.
પૃથ્વીનો પટ આક્રાંત કરી દેતી વૈધુતી ધુતિ જેમની,
અજ્ઞાન માણસો દ્વારા તમોગ્રસ્ત બની જઈ
વિલુપ્ત જેમના થાયે વિચારો સૂર્યના સમા,
વિશ્વાસઘાત જેઓના કાર્ય કેરો થતો, અને
અનિષ્ટો પલટો પામી જેઓનું શુભ સૌ જતું,
તાજના આપનારા જે બદલામાં વધસ્તંભ વહોરતા,
તે પ્રભાવી નામ માત્ર મૂકી પૂઠે વિદાય લે.
આવો કો અગ્નિ, સ્પર્શીને માનવી ઉર જાય એ;
કેટલાએક એ સ્પર્શે જ્વલંતાત્મ બની જઈ
આરોહણ કરી ઊંચે પહોંચ્યા છે મહિમાવંત જીવને.
સાવ ન્યારી જગતથી
આવી 'તી એ સાહ્ય ને ત્રાણને લઇ,
એનું માહાત્મ્ય બોજા શું દાબતું' તું હૈયું અજ્ઞાન લોકનું,
ને એ હૈયાતણી ઊંડી કરાડોથી
ઉભરીને બદલો ઘોર આવતો,-
અંશ એના શોકનો ને મંથનોનો
ને એના વિનિપાતનો.
રહેવું શોકની સાથે ને પોતાને
માર્ગે સામી કરવી ભેટ મૃત્યુની,
એ જે મર્ત્યતણે ભાગ્યે તે અમર્ત્યતણાયે ભાગ્યનું બન્યું.
આમ એ સપડાયેલી સકંજાની મધ્ય પાર્થિવ ભાવિના,
કસોટીની ઘડી કેરી પ્રતીક્ષા કરતી હતી,
બહિષ્કૃત બની ' તી એ સહજાત સુભાગ્યથી,
જગજીવનનો જામો તમોગ્રસ્ત કબૂલતી,
જેમને એ હતી તેમનાથી પણ જાત છુપાવતી,
વધારે મહિમાવંતી બની દેવી માનુષી દૈવયોગથી.
૧૨
જે સૌ કેરો સિતારો ને આશરો એ બની એ હતી
તેમનાથીય એહને
અવળી રાખતું એક સાંધકાર પૂર્વજ્ઞાન ભવિષ્યનું;
પોતાનાં ભય ને દુઃખ બીજાને ના આપવા ઈચ્છનાર જે
મહાત્મ્ય તે હતું એનું, તે તેથી એ આગામી નિજ દુઃખને
પોતાના દીર્ધ હૈયાનાં ઊંડાણમાં સંઘરી રાખતી હતી.
અંધ તજાયલાંઓની પરે નજર રાખતું
જેમ કોઈ ઉપાડી લે બોજો અજ્ઞાન જાતિનો,
તેમ આશ્રય આપીને છે એણે એક શત્રુને
નિજ હૈયું ખવાડીને પોષવાનો રહ્યો હતો,
કાર્ય આ કોઈ ના જાણે,
ને ના જાણે દૈ વ જેનો સામનો એ કરી રહી,
ન એને કોઈની સાહ્ય, તોય એણે અનાગત નિહાળતી
દ્રષ્ટિએ ડરવાનું ને ભીડવાનુંય હામયી.
જાણેલું બહુ પ્હેલાંથી પ્રાણલેણ પ્રભાત હ્યાં
આવ્યું, મધ્યાહ્નેને લાવ્યું રોજ જેવા જ લાગતા.
કેમ કે પ્રબળે માર્ગે પોતાને પ્રકૃતિ જતી
ખંડાતા જીવ કે જાન કેરી ના પરવા કરે;
છોડી હણાયલાં પૂઠે આગે એ પગલાં ભરે :
લ્ક્ષ્યમાત્ર જ ખેંચાતું તે પ્રત્યે માનવીતણું ,
ને સર્વનેય જોનારી આંખોનું ભગવાનની.
એના અંતર-આત્માની નિરાશાનીય આ ક્ષણે,
મૃત્યુ ને ભય સાથેના ઘોર સંકેતને સ્થળે
એના ઓઠ થકી એકે ચીસ ના બ્હાર નીકળી,
નીકળ્યો ના પોકારે સાહ્ય માગતો;
કહ્યું ના કોઈને એણે રહસ્ય નિજ દુઃખનું :
મુખમુદ્રા હતી એની શાંત શાંત,
અને અને રાખી અવાક હિંમતે.
છતાં બાહ્ય સ્વભાવે જ પોતાના એ સ્હેતી ને મથતી હતી;
એની માનુષતા સુદ્ધાં અર્ધ દિવ્યગુણી હતી;
૧૩
આત્મા એનો ઉઘડ્યો' તો ભૂતમાત્રે રહેલા આત્માની પ્રતિ,
એની પ્રકૃતિને વિશ્વ-પ્રકૃતિ સ્વીય લાગતી હતી;
અળગી અંતરે રહેતી જીવનો એ સર્વેયે ધારતી હતી;
નિરાળી તો ય પોતામાં વહેતી વિશ્વલોકને :
એની ને વિશ્વની મોટી બીક એક બની હતી ;
એના બળતણો પાયો વિશ્વની શક્તિઓ હતી ;
જગદંબાતણો પ્રેમ, પ્રેમ એનોય એ હતો.
મહાસંકટ પોતાનું જેનું અંગત ચિહ્ન છે,
તે દુઃખી જિંદગી કેરા મૂળમાં જે અનિષ્ટ છે,
તેની સામે ધરી એણે પોતાની યાતનાતણી
રહસ્યમયતાયુક્ત તેજીલી તલવારને.
મન એકલવાયું ને હૈયું વિશ્વવિશાળ છે ,
એવી એ વણબંટાયા એકાકી અમરાત્મના
કાર્ય માટે ખડી થઇ.
પ્લેલાં તો ભારથી લાદ્યા હૈયે એના પ્રાણ સંતપ્ત ના થયો ;
પૃથ્વીની આદિ નિદ્રાના અંક મધ્યે આરામે એ ઢળ્યો રહ્યો ,
બેભાન એ વિસર્જાઈ ગયો ' તો સ્મૃતિનાશમાં ,
મન કેરી કિનારી પે
નિશ્ચેષ્ટ, પથરા શો ને તારા શો સ્થિરતા ભર્યો .
ભુવનદ્વય વચ્ચેની ઊંડી એક મૌન કેરી કરાડમાં ,
ચિંતાએ ન વહેરાતી ઢળેલી એ રહી દૂરસ્થ દુઃખથી ,
અહીંના શોક કેરું ના કશુંયે યાદ આણતી.
પછી મંદ અને મોળી, છાસ શી સ્ફરતી સ્મૃતિ,
ને સનિ:શ્વાસ છાતીએ સ્થાપ્યો એણે સ્વહસ્તેને,
ને પિછાની પ્રલંબાતી વેદના અંતરંગ ત્યાં,
ઊંડી સુસ્થિર ને જૂની, ને સ્વસ્થાને સ્વાભાવિક બનેલ જે,
કિંતુ જાણ્યું ન કાં એ ત્યાં, ને આવી ક્યાંથકી હતી.
મનને દીપ્તિ દેનારી હતી શક્તિ હજીયે સંહરાયલી:
મુદાના મ્હેનતાણના વિનાના કામદાર શા
હતા બેદિલ ને સુસ્ત સેવકો જિંદગીતણા ;
૧૪
દીપિકા ઇન્દ્રિયો કેરી બળવાનું નકારતી;
સાહ્યવંચિત મસ્તિષ્ક મેળવી ના શકતું સ્વ-અતીતને.
સૃષ્ટિ-સ્વભાવ સંદિગ્ધ ધારી દેહ રહ્યો હતો.
ઉઠી સળવળી હાવે એ, અને ભાર વિશ્વનો
પોતાના ભાગનો લેતું માથે જીવન એહનું.
નિ: શબ્દ દેહના સાદે બોલાવાયેલા એહનો
આત્મા પાછો ફર્યો દુર ઊડતો તેજ પાંખથી,
ને ઘૂંસરી ધરી પાછી અવિદ્યા તે અદ્રષ્ટની
આરંભ્યો શ્રમ ને લીધો ભાર મર્ત્ય દિનોતણો.
ને નિદ્રાના ઓસરંતા સાગરોને મહાપટે
ચિત્રવિચિત્ર સંજ્ઞાનાં સ્વપ્નની સૃષ્ટિમાં થઇ
પાડયો માર્ગ પ્રકાશનો.
એના પ્રકૃતિના સહ્યે લહ્યો ગૂઢ પ્રભાવ કો,
અંધારા જિંદગી કેરા ઓરડાઓ દીપ્ત આશુ બની ગયા,
હોરાઓની દિશા પ્રત્યે સ્મૃતિનાં દ્વારા ઉઘડ્યાં,
ને એનાં બારણાં પાસે આવી પ્હોંચ્યા શ્રાંત પદ વિચારના.
એની પાસે પાછું બધુંય આવિયું :
પૃથ્વી, પ્રેમ અને સર્વનાશ-જૂના વિવાદકો
ભીમકાય વળ્યા એને ઘેરી કુસ્તી કરતા રાત્રીને વિષે :
દેવતા જન્મ પામેલા તમોગ્રસ્ત અચેતથી
મથનો-બથનો-દૈવી વ્યથાની પ્રતિ જાગતા,
અને ભભૂકતા એના હૈયાની છાયાની મહીં,
કાળા કેન્દ્રે મહાઘોર મચેલી તકરારના,
વારસ પૃથિવીગોલ કેરી દીર્ધ વ્યથાતણો,
અનાશ્વાસિત ઊંડેરા ગર્તનો પરિપાલક,
સ્તબ્ધ પાષણ શી મૂર્ત્તિ ઉદાત્ત દિવ્ય દુઃખની,
તાકી રહેલ આકાશે ઉદાસી સ્થિર નેત્રથી-
નેત્ર જે દુઃખની જોતાં કાલહીન અગાધતા,
ના લ્ક્ષ્ય જિંદગીતણું .
સંતાપ પામતો સ્વીય નિષ્ઠુરા દિવ્યતાથકી,
૧૫
સ્વ-સિંહાસને શું બદ્ધ, એનાં અણઢળાયલાં
રોજનાં અશ્રુઓ કેરા અર્ધ્યની એ વાટ જોતો અસાનિત્વત.
માનવી જિંદગી કેરો ક્રૂર પ્રશ્ન ફરીથી જીવતો થતો.
અમૃતાનંદને પૃથ્વી દુઃખ ને કામનાતણું
બલિદાન સમર્પે જે તે સનાતન હસ્તની
છાય નીચે આરંભાઈ ગયું ફરી.
જગેલીયે સહી એણે ક્ષણો કેરી આગેકૂચ અડાઅડી,
કરી નજર આ લીલા, હસતા ને જોખમી જગની પરે;
સજીવ વસ્તુઓ કેરો મૂઢ પોકાર સાભળયો.
ક્ષુલ્લક ધ્વનિઓ મધ્યે એની એ દ્રશ્યભોમમાં
કાળ ને દૈવની સામે આત્મા એનો ખડો થયો.
નિજમાં નિશ્ચલા એણે એકત્ર શક્તિને કરી.
હતો દિવસ આ નિશ્ચે મૃત્યુનો સત્યવાનના.
૧૬
પ્રથમ સર્ગ સમાપ્ત
સર્ગ બીજો
મુદ્દાનો પ્રશ્ન
સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો. સાવિત્રી વિચારનાં ઊંડા ક્ષેત્રમાં ઊતરી પડી. એનું મન વર્તમાનથી આરંભી બચપણ સુધીનાં ભૂતકાળનાં દ્રશ્યો જોતું ગતિમાન થયું. એક દિવસમાં પોતાના ભાગ્યનું એક આખું વર્ષ જાણે જિવાઈ ગયું. અને છેવટે મૃત્યુની છાયામાં સ્વર્ગ નરક સાથે સ્પર્ધામાં ઉતરેલું અનુભવાયું.
કદી કદી પ્રભુની નિકટતા પ્રાપ્ત થવાની હોય છે ત્યારે જે એક અલૌકિક જેવો અંધકાર માણસ ઉપર ઊતરી આવે છે તે સાવિત્રી ઉપર પણ ઉતર્યો.
બહરની ચેતનામાંથી નીકળી અંતરની ઊંડી આત્મચેતના સાથે તદાકાર થવું સાવિત્રી માટે હવે અનિવાર્ય હતું; કેમ કે હવે એ એક એવી સીમાએ પહોંચી હતી કે જયારે જીવન કાં તો નિષ્ફળ બની જાય, કાં તો પોતાનો અણજન્મ્યા અમર અંશમાં સ્થિત થઈને શરીરના નિર્માણને નાબૂદ કરી દે. કુદરતમાં કામ કરતા પાકા નિર્માણમાં પલટો આણવાની આવશ્કતા ઊભી થઇ હતી.
સાવિત્રીરૂપ અપૂર્વ આધાર પ્રેમને પ્રાપ્ત થયો હતો. સાવિત્રીમાં રહેલી નિગૂઢ દિવ્યતા પ્રતિ સર્વ આકર્ષાતા, એમાંથી આશ્વાસન અને આનંદ મેળવતા, કારણ કે સર્વને દિવ્યતા સમર્પનારી શક્તિ ધરાવતો પ્રેમ એનામાં પ્રતિષ્ઠા પામ્યો હતો.
પણ આ જગતમાં ધામા નાખી પડેલી એક કાળી શક્તિ સાવિત્રીની સામે ખડી થઇ. સાવિત્રી પરમચેતનાનું ને પરમ પ્રેમનું મંગલ મંદિર બને તે એને પ્રતિકૂલ હતું. તેથી ઉદ્ધાર કરવા આવેલા દૈવી આત્માઓને જે મહાયાતના અને ક્રૂર અત્યાચારોમાં થઈને પસાર થવું પડે છે તે કપરી કસોટી બનીને સાવિત્રી સમક્ષ ઉપસ્થિત થયા.
ક્રમે ક્રમે મનુષ્ય અવિદ્યા પ્રકૃતિનો પ્રભુ બને છે, એની અંદરનો સાક્ષી આત્મા તટસ્થતા પ્રાપ્ત કરી પરમજ્યોતિનાં દર્શન કરે છે, જડયાંત્રિકતાના કાર્ય પાછળ દેવ સ્વરૂપ ઉભું થાય છે.
આ સત્ય ફાટી ઉઠતા જ્વાળામુખી માફક સાવિત્રીની દ્રષ્ટિ સમીપ પ્રકાશ્યું અને માણસમાં રહેલા પ્રભુનો વિજય થયો. સાવિત્રીના સ્વરૂપમાં સક્ષાત્ જગદંબા આવિર્ભાવ પામી અને એના જીવંત સંકલ્પે નિર્માણચક્રને હડસેલ્યું ને અનિવાર્યતાની આગેકૂચને અટકાવી. મૃત્યુના મુખ ઉપરનું મોરું એણે પ્રહાર કરીને તોડી પાડ્યું અને ચેતનાના ને કાળના બંધનો જમીનદોસ્ત કર્યા.
૧૭
પળ વાર નિવર્તીને ગુપ્ત ક્ષેત્રે વિચારના
લાગ્યું વિચરવા તેનું માનસ ભૂતકાળમાં ;
બહુ-બિંબાળ એ ભૂત ફરીથી જીવતો બન્યો,
ને પોતાને અંત એણે જોયો નજીક આવતો :
મરતો એ હતો છતાં
સાવિત્રીમાં જીવતો'તો અવિનાશી બની જઈ ;
ક્ષણભંગુર ને લોપ પામતો એ ક્ષણભંગુર નેત્રથી,
અદ્રશ્ય, જાતનું ભૂત ભાગ્યનિર્માણથી ભર્યું,
ભૂતાભાસી ઉરે એણે ધારી' તી ભવિતવ્યતા.
ભાગતી ઘટના કેરી દૂર-પાછી રેખાના માર્ગને લઇ
આગ્રહી ઘટિકાઓના સ્ત્રોત કેરી પ્રતીપા ગતિ ચાલતી,
ને ગૂઢ પૂરને કાંઠે હાલ જેઓ જોવાને મળતા ન ' તા
તેવા સુપ્રિય લોકોનાં સ્વરૂપો વસતાં હતાં,
ને હતી એક વેળાની ચીજોની સૂક્ષ્મ મૂર્તિઓ ;
સાક્ષી આત્મા ખડો તેનો ત્યાં કાળ અવલોકતો.
એક વાર હતાં સેવ્યાં આશા ને સ્વપ્ન જેહનાં ,
ને એક વાર જે પોતે હતી તે, પક્ષિરાજની
પાંખે સ્મૃતિતણાં વ્યોમમંડળો મધ્ય ઉડતું
તેની દ્રષ્ટિતણી સામે થઈને પ્ર-સરી ગયું.
જેમ કો બહુરંગી ને અંતરંગી ભભૂકતી
ઉષામાં હોય તે રીતે એના જીવનના પૃથુ
મહામાર્ગો અને મીઠા ઉપમાર્ગોય સૂર્ય શી
એની વિશદ ને નોંધ લેતી દ્રષ્ટિ સમીપમાં
આલેખાયેલ દેખાયા,-- દેખાયો બાલ્યકાલનો
પ્રદેશ ઉજળો, એના ચગતા યુવાકાળના
નીલ પહાડો તથા દિવ્ય કુંજો ને નીલકંઠની
પાંખો પ્રેમતણી, ને જ્યાં સ્પર્ધામાં સ્વર્ગ દોડતું
હતું નરકની સાથે ત્યાંના છેલ્લા વળાંકમાં
દ્રઢ આસ્લિષ્ઠ આનંદ અંતની મૌન છાયામાં.
ભાવોદ્રેક ભર્યા બાર મહિનાઓ
૧૮
ગાળ્યા એક દૈવનિર્માણને દિને.
મનુષ્ય પ્રભુની પાસે સરતો હોય છે તદા
કોઈ વાર પડે એની પર આવી
અંધકાર અડાબીડ અમાનુંષો :
આવે એવી ઘડી જયારે વ્યર્થ જાતાં સર્વે પ્રકૃતિ-સાધનો ;
રક્ષાકારી અવિદ્યાથી બલાત્કારે બહિષ્કૃત થઇ જઈ
ફેંકતો માનવી એની ખુલ્લી મૂલ જરૂરતે ;
અંતે એણે બહાર ફેંકી દેવાની છે બાહ્ય સત્તા સ્વરૂપથી,
ને અનાવૃત આત્માનું ધારવાનું છે સ્વરૂપ નિજાંતરે :
સાવિત્રી પર એ આવી પડી કાળઘડી હવે.
આવી' તી ક્ષણ એ એની જે વેળાએ બને જીવન વ્યર્થ, કે
અજન્મા મૂળ પોતાના તત્વમાં જાગ્રતા થઇ,
એ સ્વ સંકલ્પથી લોપી નાખે ભાવિ શરીરનું.
કેમ કે અજ આત્માની અકાળ શક્તિ એકલી
કાળે થયેલ જન્મે જે છે આરોપેલ ઘૂંસરી
તેને દુર કરી શકે.
એક આત્મા જ જે ઢાળે પ્રતિરૂપે સ્વરૂપને
તે જ આ ફરતાં નામો, ને આ નિ:સંખ્ય જીવનો,
ને આ ભુલકણાં વ્યક્તિસ્વરૂપોને નવાં નવાં
સંયોજી રાખવાવાળી અંતહીન સુનિશ્ચલા
રેખા સમૂળગી ભૂંસી નાખવાને સમર્થ છે :
સચેત આપણાં કાર્ય મહીં સંતાયેલી રહી,
જુના ને વિસરાયેલા વિચારોની તથા કીધેલ કર્મની
સરણીને હજીયે એ રેખા છે સાચવી રહી :
આપણી દફનાવેલી જાતો મૂકી દાયમાં જે ગયેલ છે,
અંધભાવે દેહ-દેહી સ્વીકાર જેહનો કરે,
ને લુપ્ત આપણાં રૂપો ગયાં આપી જે બોજારૂપ વારસો,
તેને નકારવા માટે આત્મા માત્ર સમર્થ છે.
ભુલાયેલી વાતમાં કો આવનારા પ્રસંગ શું,
જ્યાં આરંભ વિલોપાયો, હેતુ ને વસ્તુ ગુપ્ત જ્યાં,
૧૯
એવું આત્યારનું ભાગ્ય આપણું છે
શિશુ ભૂતકાલીન શક્તિઓતણું ,
જીવતી એક વેળાની વાતે જેને સજ્જ ને સિદ્ધ છે કર્યું.
છૂપા અટળ અંકોડે સંકળાયેલ, વિશ્વની
કાર્યકારણ રૂપી જે શુંખલા સુદ્દૃઢા સ્થિરા,
સાવિત્રીએ તેને છે તોડવી રહી,
ને નિજાત્મતણે બળે
પન્થે અમૃતના જાતાં આડો જે અંતરાય, તે
આઘો ખસેડવાનો છે પોતાનો ભૂતકાળને ,
જમીનદોસ્ત છે સૌને કરવાનું, અને ફરી
છે નવેસર દેવોનો ઘાટ નિજ ભવિષ્યને .
અજ્ઞાતની કિનારીએ મળતા આદિ દેવતા
વચ્ચેની મંત્રણા કેરો હતો વિષય જે બન્યો,
તે તેના ચૈત્યનો મૂર્ત્ત શૂન્ય સાથે ચાલતો' તો વિવાદ જે
તેનો ભીષણ અંધારી પૃષ્ઠભોમે ઊતરી મલ્લયુદ્ધમાં
ફેંસલો આણવો રહ્યો :
સાવિત્રીને નિજાત્માના નિરાકાર નિદાનની સમક્ષ ઉભવું રહ્યું,
તોળવાનું રહ્યું વિશ્વ સામે મૂકી એકલી નિજ જાતને.
આત્મા જ્યાં શૂન્યની સાથે નગ્ન શૃંગે એકલો જ વિરાજતો,
જિંદગી અર્થહિણી જ્યાં,
ને નથી જ્યાં ઊભવાનું સ્થાન એકેય પ્રેમને
ત્યાં વિનાશતણી ધાર પર એણે સ્વપક્ષની
વકીલાત અવશ્ય કરવી રહી,
જગ-ભીતર આવેલી મૃત્યુકેરી ગુહામહીં
જિંદગીનો નિરાધાર દાવો સમર્થવો રહ્યો,
અસ્તિના ને પ્રેમકેરા પોતાના અધિકારનું
પ્રમાણ આપવું રહ્યું.
બદલી નાખવાનો છે સૃષ્ટિ કેરા કઠોર વ્યવહારને ;
નિર્દોષ છૂટવાનું છે એણે ભૂતકાળના નિજ બંધથી,
પતાવી નાખવાનું છે ખાતું પુરણ દુઃખનું ;
૨૦
આત્માં કેરું ચક્રવૃદ્ધિ ઋણ દીર્ધ સમાંતણું ,
કર્મના દેવતાઓની ગુલામી બોજ લાદતી,
ક્ષમાદાન ન દેનારો વિધિ વેર કરતો જે વસૂલ તે,
જરૂરિયાત ન ઊંડેરી વિશ્વમાં વ્યાપ્ય દુઃખની,
કઠોર બલિદાનો ને કરુણાંત દુરંતતા,--
છે ચેકી નાખવાનું આ બધું કાળ-વહીથકી.
કાળરહિત તોડીને અંતરાય એણે છટકવું રહ્યું,
ચિત્તની ગહરાઈઓ દ્વારા નિ:સાર શૂન્યની
ભીષણ ચૂપકી એણે ભેદવી છેક જોઈએ,
આંખો એકલવાયી જે મૃત્યુથી મુક્ત મૃત્યુની
તેનું ભીતર ભેદંતી દૃષ્ટિથી દેખવું રહ્યું,
નગ્ન નિજાત્મથી એણે માપવાની છે તમિસ્રા અનંતની.
હતી પાસે હવે મોટી એ દુઃખશોકની ઘડી.
સેના કવચધારી કો જેમ કૂચતણી ગતે
વિનાશ પ્રતિ જાય છે,
તેમ આખરના લાંબા
દિવસોયે જવા લાગ્યા પગલાં જડસાં ભરી,
છેક અંત સમીપના
લાંબા છતાં જરામાં જ જે પસાર થનાર છે.
અનેક પ્રેમનાં પાત્ર વદનો વચ એકલો,
ન જાણતાં સુખી હૈયાં મધ્યમાં એક જાણતો,
એનો બખ્તરિયો આત્મા ઘડીઓને નિરીક્ષતો,
અમાનુષી અરણ્યોની આંતરિક રમ્યતામહીં
પહેલેથી જ જોયેલા મહાઘોર પગલાના ધ્વનિ પ્રતિ
કાન માંડી રહ્યો હતો .
સૂમસામ ભયે ભર્યા
યુદ્ધ કેરા અખાડાની ભૂમિમાં એ યોધ કેરા સ્વરૂપમાં
ઉપસ્થિત થઇ હતી,
જગ અર્થે ઊતરી' તી તે છતાંયે જગ તે જણાતું ન ' તું :
સહાયમાં ન ' તું કોઈ આત્માના બલના વિના;
૨૧
સાક્ષી રૂપે ન ' તો કોઈ આંખો પાર્થિવ લોકની ;
ઊર્ધ્વમાં દેવતાઓ ને નીચે આત્મા નિસર્ગનો
હતા પ્રેક્ષક એ જંગી અને જબર જુદ્ધના.
આસપાસ હતા એની પહાડો રૂક્ષ વ્યોમ નિર્દેશતા શિરે,
ને હારાં, મર્મરાટોએ ભર્યા, વ્યાપ્ત વિશાળ કૈં,
અને ઊંડા ચિંતનોમાં ઊતરેલા વનો વળી,
રૂંધાયેલા મંત્રજાપો અખંડિત કર્યે જતાં.
ગાઢું, ભવ્ય, ભર્યું રંગે, આત્મનિમગ્ન જીવન
ઉલ્લાસી લીલમી પર્ણપટવસ્ત્રે એક્સાન સમજાયલું,
રવિ-રશ્મિ ને પ્રમોદી પુષ્પો કેરી ચિત્ર-ભાતે ભરાયેલું
બની દીવાલ ઊભું ' તું આસપાસ
એના ભાવી કેરા એકાંત દ્રશ્યની.
ત્યાં જ એણે નિજાત્માની કરી ' તી પ્રાપ્ત પ્રૌઢતા;
મહા તોતિંગ મૌનોના પ્રભાવે બૃહદાત્મતા-
ભરેલ નિજ નૈર્જન્યે ઝબકોળી સાવિત્રીના સ્વરૂપને
એના આત્માતણી નગ્ન સત્યતાનાં કરાવિયાં
હતાં દર્શન એહને,
ને આસપાસના કેરી સાથે સાધી આપ્યો ' તો મેળ એહનો.
પૃષ્ઠભૂમિ સમર્પીને અનાધંત કેરી ને અદ્વિતીયની
તેની નિર્જનતાએ ત્યાં
સાવિત્રીની જિંદગીની ઘડીઓને માહાત્મ્ય આપિયું હતું.
રોજિંદી જિંદગીકેરું માનવીનું જે ભારેખમ ચોકઠું,
અને બાહ્ય જરૂરોનો કચડી મારતો જથો,
તેને પ્રારંભની આછીપાતળી હાજતોમહીં
ફેરવી નાખતી અલ્પસ્વલ્પ સીધી જરૂરતો,
ને આદ્ય પૃથિવી કેરી મહાબલ વિશાલતા,
ને ધૈર્યધર વૃક્ષોના વૃંદની ધ્યાનલીનતા,
ને ચિંતનસ્થ નીલેરી વિશ્રાંતી વ્યોમની, અને
ગુરુ ગંભીરતા ધીરે સરતા ધીર માસની,--
એ સૌએ હૃદયે એને ધ્યાન ને પ્રભુ કારણે
૨૨
અવકાશ હતો રાખ્યો ગહનાત્મકતા ભર્યો.
પ્રસ્તાવ ઊજળો એની
જિંદગીના નાટ્ય કેરો જિવાયેલ હતો તહીં.
સ્થાન શાશ્વતના પાદસંચારાર્થ ધરા પરે
ઉત્કંઠ કાનનો કેરા વિહારે સંસ્થપાયલું
ને શૃંગોની આસ્પૃહાની દૃષ્ટિ જેને નિરીક્ષતી,
ની:સ્પંદતા દઈ કાન અનુક્ત શબ્દ જ્યાં સુણે,
દુઃખ ને પલટા પ્રત્યે જવાનું જ્યાં ઘડીઓ જાય વીસરી,
તે દેખાયું કાળ કેરા સ્વર્ણવર્ણ એક ઉઘાડમાં થઇ.
દિવ્ય આગમનો કેરી લઇ સાથ અચિંત્યતા,
કરતો પુનરાવૃત્ત ચમત્કાર આદિમ અવતારનો,
પ્રેમ એની પાસ આવ્યો મૃત્યુ--છાપ છુપાવતો.
સાવિત્રીમાં ભલું એને પોતા માટે પુણ્યધામ મળી ગયું.
જ્યારથી જગતી-જીવે
પ્હેલવ્હેલો સ્વર્ગ પ્રત્યે સ્વવિકાસ શરૂ કર્યો,
ને કસોટી માનવીની લાંબી જે જે થઇ તે અરસામહીં,
ત્યારથી ના સાવિત્રી વણ અન્ય કો
પ્રેમબાણ ઝીલનારું વિરલું વિરલું થયું :
દેવત્વ આપણામાં જે તેનું પ્રેમ પ્રોજ્જવલંત પ્રમાણ છે,
છે એ વિદ્યુત શૃંગોથી
આવેલી ઊતરીને હ્યાં આપણા ઘોર ગર્તમાં.
એના સ્વભાવનું સર્વ ઉદાત્તતર જાતિનો
નિર્દેશ કરતું હતું.
પૃથ્વીની પૃથુતા કેરી નિકટે ને
સ્વર્ગ સાથે ગાઢ સંબંધ રાખતો,
ઉન્ન્ત, દ્રુત, વિસ્તીર્ણ દૃષ્ટિવંતો આત્મા તરુણ એહનો,
યાત્રા કરંત પ્રોદ્દીપ્ત ને પ્રશાંત ભુવનોની મહીં થઇ,
કરી પાર સરણીઓ વિચારની
ઊંડી પ્હોંચી જતો જન્મી નથી તે વસ્તુઓ મહીં.
આત્મસામ્યે રહેતો ને ન સ્ખલંતો હતો સંકલ્પ એહનો ;
૨૩
મન એનું હતું એક સિંધુ શુભ્ર સત્ય સરલ ભાવનો,
ભાવોદ્રેક ભર્યો વ્હેતો, એકે એમાં ઊર્મિ કલુષ ના હતી.
રહસ્યપૂર્ણ ને શક્તિ-ગતિયુક્ત જેમ કો એક નૃત્યમાં,
નિષ્કલંક મુદાઓની મૂર્ત્તિ એવી કો પૂજારણ, સત્યના
આવિષ્કારક ને ગેબી ગુંબજ મધ્યથી લઇ
પ્રેરણા ને પ્રશાસ્તિઓ,
ઇશ્વરાદેશ દેનારી દેવો કેરી ગુહામહીં કરે સંચાર પાયનો,
સાવિત્રીમાંય તે વિધે
હર્ષના હાથમાં હૈયું હતું નીરવતાતણું
નિવસેલું ઉષા જેવા સમુજ્જ્વલ શરીરમાં
સર્જનાત્મક સંપન્ન સતાલ ધબકો સહ,
જે દેવાલયના જેવું લાગતું કો ઢાંકેલી દિવ્યતાતણું ,
યા સ્વર્ણ-મંદિર-દ્વાર પાર કેરી વસ્તુઓ પ્રતિ ખૂલતું.
કાળ-જન્મ્યા પદે એના છંદો અમર લે લયો;
દૃષ્ટિ ને સ્મિત એનાં ભૂ-લોક કેરાં
તત્વોમાંયે સ્વર્ગકેરાં સંવેદન જગાડતાં,
ને સાન્દ્ર એમની મુદા
સૌન્દર્ય રેલતી દિવ્ય માનવી જીવનો પરે.
સ્વાભાવિક હતું એને માટે કાર્ય ઉદાર આત્મદાનનું ;
સમુદ્ર અથવા વ્યોમ સમી એની હતી મહાનુભાવતા,
આવનારાં બધાંને જે ઘેરી લેતી હતી મહાત્મ્યથી નિજ,
ને મહત્તર પામી ગયેલું કો જાણે જગત હોય ના
એવું ભાન કરાવતી :
એની કોમળ સંભાળ સમશીતોષ્ણ સૂર્યની,
હતી ગરજ સારતી,
ઉચ્ચ એનો ગાઢ ભાવ નીલામી નીલ વ્યોમની
ધારતો સમતોલતા,
શિકાર અર્થે શોધાતા પક્ષી પેઠે થાકેલી પાંખની પરે
આત્મા ઊડી જાય જેમ છટકીને તોફાનોના જગત્ થકી,
ને હૈયે યાદ આવેલા જઈને શાંતિ મેળવે,
૨૪
તેમ જીવ સુરક્ષા ને તેજસ્વી મૃદુતા ભર્યા
સાવિત્રીના વિશ્રાંતિપ્રદ આશ્રયે
જઈને, મધુ-અગ્નિની
ધારાઓએ ફરી પાછું પ્રાણ-પાન કરી શકે,
ગુમાવેલી ટેવ પાછી સુખની મેળવી શકે,
અને એના સ્વભાવની
પ્રાસન્નોજજવલતા-પૂર્ણ હવા કેરી અનુભૂતિ કરી શકે,
ને એની સ્નિગ્ધ ઉષામાં અને રાજ્યે એના જીવનરંગના
હર્ષ-ફુલ્લ બની શકે.
હૈયું એનું હતું એવું કે બ્રહ્યાંડ
આખુંએ જે એક માંહે આશરો મેળવી શકે.
મોટો અમૃપ્ત એ દેવ હ્યાં વસી શકતો હતો :
ક્ષુદ્ર જંતુતણી બંદી હવાથી મુક્ત એહનું
હતું માનસ, ને તેથી પ્રેમના દેવતાતણા
ઉચ્છવાસો ઉચ્ચ ને દૈવી સત્કારી એ
પોતાનામાં વસાવી શકતું હતું,
જેને લીધે વસ્તુઓ સૌ દેવતાઈ બની જતી.
અતલોય હતાં એનાં ગુપ્તાવાસો પ્રકાશના.
નિ:શબ્દતા અને શબ્દ એકીસાથે જ એ હતી,
હતી એક મહાખંડ સ્વયંવ્યાપક શાંતિનો,
પારાવાર અણીશુદ્ધ હતી નિષ્કંપ અગ્નિનો;
બલ ને મૌન દેવોનાં બની એનાં ગયાં હતાં.
એનામાં પ્રેમને પ્રાપ્ત થઇ પોતામહિં છે તે વિરાટતા,
પુનઃપ્રાપ્ત કર્યું એણે નિજ ઉચ્ચ સ્નેહોષ્મ સૂક્ષ્મ વ્યોમને,
ને નિજાલયમાં તેમ એનામાં એ સંચાર કરતો હતો.
સાવિત્રીમાં મળી એને ગઈં શાશ્વતતા નિજી.
ત્યાં સુધી શોક-રેખા કો રશ્મિને આ નડી ન ' તી.
આ શંકાસ્પદ પૃથ્વીના નાશશીલ હૈયા ઉપર જ્યારથી
ઉચ્છવાસ-બદ્ધ પોતાના વાસસ્થાને પરિવેષ્ટિત એહની
૨૫
આંખો સુધન્ય તારાઓ પ્રત્યે ખૂલી સમભાવ ધરાવતી.
જ્યાં દુઃખી પલટાઓ ભોગ જીવન ના બને,
ને એને મૃત્યુએ માગ્યાં
પોપચાંઓ ઉવેખેલું સૌન્દર્ય યાદ આવ્યું
ને ઝગારા મારનારી કાળ કેરી પટી પર વહાયલું
ક્ષણભંગુર રૂપોનું જોઈને આ જગ એ વિસ્મિતા થઇ,
ત્યારથી અણજન્મેલાં
સામર્થ્યોની દંડમુક્તિ એનો ભોગવટો હતી.
માનુષી બોજ લેવાને ઝુકેલી એ હતી, છતાં
એની ગતિ હજી તાલ દેવોનો રાખતી હતી.
ઉચ્છવાસ પૃથિવી કેરો એ સુનિર્મલ કાચને
દુષવામાં ગયો વૃથા :
લિપ્ત થયા વિના ધૂળે આપણા મર્ત્ય વાયુની
સ્વર્ગના દિવ્ય અધ્યાત્મ હર્ષને એ હજીયે પ્રતિબિંબતો.
એના પ્રકાશમાં જેઓ રહેતા તે હતા પ્રાય: વિલોકતા
શાશ્વત ગોલોકોમાંનો લીલાનો ભેરુ એહનો
એના આવાગમનની આકર્ષંતી જ્યોતિરેખાનુસારમાં
અગમ્ય ભુવનોમાંથી એનાં આવેલ ઊતરી,--
અપાર પરમાનંદ કેરું એ જે
વ્યાલપંખી શુભ્ર પાવકજોતનું
સાવિત્રીના દિનો કેરી ઉપરે સરતું હતું :
નિયુક્ત કાર્યને માટે આવેલી બાલિકાર્થ એ
સ્વર્ગ કેરી શાંત ઢાલ સરંક્ષા આપતી હતી.
બાલ્યકાલ હતો એનો ગ્રહમાર્ગ પ્રકાશતો,
થતા પસાર દેવોનાં સોનેરી વસનો સમાં
વર્ષો એનાં વહી જતાં ;
એનું યૌવન બેઠું ' તું શાંતિ પૂર્ણ સુખે સિંહાસને ચડી.
આનંદ કિંતુ ના અંતે પર્યંત શકતો ટકી :
પાર્થિવ વસ્તુઓમાં કો એવું એક તિમીસ્ર છે
જે અત્યાનંદનો સૂર નથી દેતું વધારે વાર ચાલવા.
૨૬
સાવિત્રીનેય પંજામાં ગ્રહી લેતો હસ્ત ટાળ્યો તળે ન જે :
શાસ્ત્રધારી અમર્ત્યે એ કાળના પાશને ધર્યો.
ભારાક્રાંત મહંતોને જેનો મેળાપ થાય છે,
એવો જે એક છે તેણે એની સાથે વહેવાર શરૂ કર્યો.
કસોટીઓતણો દાતા ને નિર્દેશક માર્ગનો
દેહીના બલિદાનમાં
મૃત્યુ, પતન, ને દુઃખ પસંદ કરનાર, ને
પરોણે એમના હાંકી આત્માને લઇ જાય જે,
સંદિગ્ધ દેવતાએ તે દુઃખની નિજ દીપિકા
ધરી દરી ઉજાળી આ અસમાપ્ત જગત્ તણી,
ને વિરાટ નિજાત્માથી
ગર્તને એ પૂરવાને સાવિત્રીને એણે આહવાન આપિયું.
પ્રભાવી તે દયાહીન દ્રષ્ટિકોણ ધરાવતો,
સનાતનતણા ઘોર વ્યૂહે ઉત્કર્ષ આણતો,
મુશ્કેલીનું માપ લેતો બલ કેરા પ્રમાણથી,
સૌને ઓળંગવાનો જે ગર્ત, તેને ઊંડો અધિક ગોડતો.
એવા એણે
સાવિત્રીનાં આક્રમીને દિવ્યમાં દિવ્ય તત્વને
માનવીનું પ્રયાસી જે હૈયું તેના
જેવું એના હૈયાનેય બનાવિયું,
ને એના બળને વાળ્યું બળાત્કારે માર્ગે નક્કી કરાયેલા.
આ માટે અપનાવ્યું ' તું એણે શ્વસન મર્ત્યનું ;
મલ્લયુદ્વાર્થ છાયાની સાથે આવેલ એ હતી,
ને જડ દ્વવ્યની મૂક રાત્રી મધ્યે હતો માનવ જન્મનો
જે કૂટ પ્રશ્ન તેનો, ને જિંદગીના અલ્પજીવી પ્રયાસનો
સામનો કરવાનો ' તો સામે મોઢે ખડા રહી .
કાં તો અજ્ઞાન ને મૃત્યુ-એ બન્નેને નિભાવવાં,
કાં તો કાપી કરી માર્ગ રચવો અમૃતત્વનો,
કાં તો મનુષ્યને માટે બાજી દિવ્ય જુગારની
રમી પ્રારબ્ધને પાસે
૨૭
જીતવી કે જેવી હારી, એ એના અંતરાત્મને
માટે પ્રશ્ન બન્યો હતો.
તાબે થઇ સહી લેવા કિંતુ એ જનમી ન ' તી ;
દોરવું, ઉદ્ધારવું એ એને માટે મહિમાવંત ધર્મના
કાર્યરૂપ બન્યાં હતાં.
અહીંયાં ન હતી કોઈ રચના દુનિયાતણી,
ઘાલમેલે મચેલાં ને સંભાળ નવ રાખતાં
બળો જેને એક દા' ડા માટેના ઉપયોગને
અર્થે જ યોગ્ય માનતાં
ભાગ્યને પડદે એક છાયા ફફડતી જતી,
સરી જતા તમાશાને માટે જાણે બનેલી અર્ધ-જીવની,
કે કામનાતણા સિંધુ પરે ભાગ્યા વહાણનો
કોઈ એક ફ્ગાયેલો વમળોમાં, દયારહિત ખેલમાં
ઉછાળાતો અકસ્માત કેરા ગર્તથકી એક
બીજા કો ગર્તની દિશે,
ઝૂકવા ઝુંસરી હેઠ જન્મેલો ક્ષુદ્ર જીવ કો,
કાળના અધિપો કેરી ચીજ કે ઢીંગલીય કો,
કે જીવ જગનો એક શેતરંજ કૃતાન્ત સાથ ખેલાતો,
ત્યાં સીમાહીન ચોપાટે ચાલતા દાવની મહીં
વળી કો સોગઠું એક નિર્માયેલું
ધીરી ચાલે થોડું આગે ચલાવવા, --
આવું છે માનવી ચિત્ર આલેખાયેલ કાળથી.
સાવિત્રીમાં કિંતુ એક હતું સચેત ચોકઠું,
હતી શક્તિ સ્વયંભવા.
આ અહીંની સમસ્યામાં પ્રભુ કેરા પ્રદોષની,
સીમિતકર માયાની ને અસીમિત આત્માની
વચ્ચે વિચિત્ર ને ધીરું અસ્વસ્થ સમાધાન જ્યાં,
વ્યવસ્થિત યદ્દચ્છા ને
પરવા ના કરે એવી અવશ્યંભાવિતા તણી
વચગાળે સૌને જ્યાં ચાલવું પડે,
૨૮
ત્યાં અત્યુચ્ચ ભભૂકવા
અગ્નિ અધ્યાત્મનો ધૃષ્ટ કરી સાહસ ના શકે.
જો એક વાર આ અગ્નિ યોગ સાધે સાન્દ્ર આદિમ જયોતનો
તો પ્રત્યત્તરનો સ્પર્શ
છિન્નભિન્ન કરી નાખે માનો ઊભાં કરેલ સૌ,
અનંતતણા ભારે ધરા જાય રસાતળે.
જેલ છે આ બેશુમાર મોટું જગ પદાર્થનું.
પ્રત્યેક માર્ગની આડે ખડો એક ધારો શસ્ત્રાસ્ત્રથી સજ્યો
પાષાણી નેત્ર ન્યાળતો,
પ્રતિદ્વાર ભરે પ્હેરો ભીમકાય છાયારૂપાળ સંતરી.
અદાલત અવિદ્યાની ધૂમધૂમર એક છે,
રાત્રિના પૂજકો જેમાં બેઠા છે ન્યાય તોળવા,
સાહસ કરતા જીવ પર કેસ ચલાવતા,
તકતીઓ જોડિયા છે ને સૂત્રવિધિ કર્મના,
દેવ-દાનવ બન્નેને આપણામાં રાખતાં જે નિયંત્રણે :
દુઃખ ચાબુકથી, હર્ષ રૂપેરી લાંચરિશ્વતે
રક્ષે છે ચક્રના ગોળાકાર ઘૂમી રહેલા નિશ્ચલત્વને,
શુંખલા-બંધ નંખાયે આરોહંતા ઊર્ધ્વ માનસની પરે,
અત્યુદાર અને ખૂબ ખુલ્લું હૈયું સીલબંધ થઇ જતું ,
અને શોધક જિંદગીની જાત્રા આડે મૃત્યુ અટક આણતું.
આમ અચેતની ગાદી સલામત બનેલ છે,
ને કલ્પોના મંદ વીંટા, દરમ્યાન, પસાર થઇ જાય છે,
ને ચરી ત્યાં સુધી ખાતું પશુ મધ્યે વાડામાંહ્ય પુરાયેલું,
ન સ્વર્ણ શ્યેન આકાશો વીંધી ક્યાંક કરી સંચારણો શકે.
પણ એક થયું ઊભું અને એણે
સીમાતીત જ્વાળા પ્રજ્વલીતા કરી.
હર્ષાર્થે જિંદગીને જ્યાં પડે કિંમત આપવી
ત્યાં કઠોર કચેરીમાં
મહાસુખતણા દ્વેષી કાળા દેવે મૂક્યું માથે તહોમત,
ને યંત્રવત્ જજે ન્યાય કરી છે દીધા દંડમાં
૨૯
આશાઓ માનવી કેરી દુઃખી દુઃખી બનાવતી :
ભયંકર ચુકાદાની સામે એણે ઝુકાવ્યું નિજ શીશ ના,
દૈવ કેરા ઘાવ સામે નિરાધાર હૈયું ખુલ્લું કર્યું નહીં.
જુના નક્કી કરાયેલા કાયદાઓ પ્રત્યે આધીનતા ધરી,
મન-જાયો માનવીનો સંકલ્પ આ પ્રકારથી
નમે છે, ને નથી એને નમ્યા વગર ચાલતું :
પડે સ્વીકારવા એને દેવો પાતાળ લોકના
ને અપીલ ન ચાલતી.
સાવિત્રી બીજ બોયું પોતાનું અતિમાનુંષે.
સ્વપ્નની નિજ ઓજસ્વી પાંખોને જે
બીડવાનું ન ' તો ઉચિત માનતો
તે તેનો આત્મા સામાન્ય
ભોમ કેરે પરિષ્વંગે રહેવાનું નકારતો,
જિંદગીના બધા સ્વર્ણ અર્થ જાય હરાઈ તે
જોવા ના માગતો હતો,
માટી સાથે મળી જાવા
કે નક્ષત્ર-પંક્તિમાંથી ભૂંસાઈ જાય નામ તે
કબૂલ કરતો ન ' તો ,
કાળા વિષાદથી જ્યોતિ પ્રભુદત્ત બુઝાય તે
ચાહના રાખતો ન ' તો.
છે જે શાશ્વત ને સત્ય તેનો અભ્યાસ સેવતો,
પોતાનાં દિવ્ય મૂળોનું ભાન એનો આત્મા રાખી રહેલ, તે
મર્ત્ય ભંગુરતા પાસે દુઃખ-શાંતિ ન માગતો,
ન સોદો કે સમાધાન નૈષ્ફલ્ય સાથ યોજતો.
કરવાનું હતું એને કાર્ય એક,
હતો એને શબ્દ એક સુણાવવો ;
કોરી પ્રકૃતિને ગ્રંથે ચિંતનો-ચરિતાવલિ,
એ મહીં લખતી' તી એ અસમાપ્ત
કથની નિજ આત્મની ;
તેથી એણે કબૂલ્યું ના કરવાને બંધ પૃષ્ઠ પ્રભા ભર્યું,
૩૦
શાશ્વત સાથેનો એનો વ્યાપાર રદ ના કર્યો,
નાણાવટે જગત્ કેરી ક્રૂરકર્મી શિલકે જે રહેલ છે
તે પરે મારવાનું ના મતું માંદું કબૂલિયું.
પૃથ્વી સર્જાઈ ત્યારની
એનામાંની શક્તિ એક શ્રમ સેવી રહી હતી,
જીવને કરતી સિદ્ધ વિશાળ વિશ્વયોજના,
મૃત્યુ પછી લઇ પીછો લક્ષ્યો અમર સેવતી,
આશાભંગતણા વ્યર્થ ભાગકેરો
અસ્વીકાર કરી તેને ધુત્કારી કાઢતી હતી,
ન કબૂલ્યું ભરી દેવા દંડ રૂપે
અભિપ્રાય કાળમાં હ્યાં થયેલા નિજ જન્મનો,
અચિંતી ઘટના કેરું સ્વીકાર્યું નહિ શાસન,
કે ઉચ્ચ નિજ ભાવિને
ચાલી જતી યદ્દચ્છાને આધીન કરવા ચહ્યું.
ઉચ્ચ આલંબ પોતાનો પામી પોતામહીં જ એ ;
પોલાદી કાયદા સામે સર્વોચ્ચ સ્વાધિકારને
કરતી સમતોલ એ :
એનો એકલ સંકલ્પ થયો ઊભો ધારા સામે જગત્-તણા.
આ મહત્તા થઇ ઊભી કાળનાં ચક્ર રોકવા.
અદૃષ્ટના ટકોરાઓ ગુપ્ત દ્વારો પરે થતાં,
વૈધુત સ્પર્શથી એનું બૃહત્તર બની બળ
જાગ્યું નિદ્રા તજી એના હૈયાના ગૂઢ કક્ષમાં.
ઘા એણે તે-તણો ઝીલ્યો જે મારે છે ને તારે છે સમસ્તને .
આંખ કો ન શકે જોઈ તે અઘોર કૂચની આરપારમાં,
ફેરવી ના શકે જેને કો સંકલ્પ તે માર્ગ અવરોધતી,
ખડી એ વિશ્વનાં યંત્રો સામે સંમુખતા ધરી ;
ધાતાં ચક્રોતણે રાહે હૈયું એક ખડું થયું :
રાક્ષસી વેગ એનો ત્યાં ગયો થંભી એક મન સમક્ષમાં,
રૂક્ષ એની રૂઢિઓને મળી સામે જવાળા એક ચિદાત્મની.
ઓચિંતું કો ચમત્કારી ઉચ્ચાલન મળી જતું,
૩૧
જે આચ્છાન્ન અનિર્વાચ્ય
કેરો અકાળ સંકલ્પ ગતિમાન બનાવતું :
એકાદ પ્રાર્થના, શ્રેષ્ઠ ક્રિયા, રાજ-પ્રભાવી એક ભાવના
પારની શક્તિની સાથે માનવીના બળનો યોગ સાધતી.
ચમત્કાર બની જાય પછી નિયમ નિત્યનો,
વસ્તુના ક્રમને દેતું પલટાવી એક કૃત્ય મહાબલી ;
સર્વશક્તિ બની જાય એકમાત્ર વિચાર કો.
અત્યારે તો પ્રકૃતિનાં યંત્રોકેરા સમૂહ શું
સર્વ કાંઈ જણાય છે ;
અંતરહિત દાસત્વ જડતા નિયમોતણું ,
અને નિર્માણની દીર્ધ અને સુદૃઢ શૃંખલા,
નકલો નિયમોતણી,
એવી પ્રકૃતિની પાકી અને નાફેર આદતો,
ને 2690;ઈ જણાય છે ;
ને તેનું રાજ્ય નિચેષ્ઠા ચાલક તબબીરનું
દાવો રદ કરે મુક્ત ઇચ્છાનો માનવીતણી.
યંત્રો મધ્યે મનુષ્યેય એક-યંત્રસ્વરૂપ છે;
બંબાના દંડની પેઠે મસ્તિષ્કે યે
બ્હાર ખેંચી કાઢે રૂપો વિચારનાં,
હૈયું ધડકતું કાપી કાઢે માર્ગ-પ્રકારો લાગણીતણા ;
શક્તિ નિશ્ચેતના એક કરે નિર્માણ જીવનું.
અથવા તો પદાર્થના
બંધ-સ્તંભતણી આસપાસ ચક્કર મારતાં
પુરાણા પગલાં બદ્ધ યદૃચ્છાનાં પુનરાવૃત્તિ પામતાં
હોય એની નિશાનીઓ કરે ખુલ્લી સ્વરૂપ જગતીતણું.
અયોગ્ય ધટનાઓની આકસ્મિક પરંપરા
છે અહીં, બુદ્ધિ આપે છે માયાવી અર્થ જેહને,
કે સ્વયંમપ્રેરિતા શોધ જિંદગીની પ્રયોગોમાં પ્રતિષ્ઠત
૩૨
સાક્ષી-સ્વરૂપ છે પોતે
ને ચિત્-શક્તિય છે તેની કરતો અનુભૂતિ એ ;
આત્મા એનો ઉદાસીન જોતો પરમ જ્યોતિને.
જડસા યંત્રની પૂઠે સ્થિત છે એક દેવતા.
ઘૂસીને સત્ય આ આવ્યું અગ્નિની વિજયી ગતે;
માનવીમાં વિરજંતા પ્રભુ માટે લાભ વિજયનો થયો,
પ્રચ્છન્ન મુખ પોતાનું કર્યું પ્રકટ દૈવતે.
મહામતા વિશ્વ કેરી સાવિત્રીની મહીં ઊભી હવે થઇ :
જીવંત વરણો એક દૈવની જડ ને મૃતા
ગતિને ઉલટાવતી,
દૈવયોગ પરે પાય આત્માકેરા દૃઢીભૂત બનાવતી,
પછાડી હડસેલતી
અસંવેદ ચક્ર દારુણ ચાલતું,
અવશ્યંભાવિતા કેરી નિરોધંતી નિ:શબ્દ કૂચની ગતિ.
શાશ્વત શિખરોમાંથી આવેલો એ એક યોધ પ્રદીપતો,
નિષેધાયેલ ને બંધ દ્વારે બેળે
ખોલવાનો અધિકાર ધરાવતો,
મૃત્યુકેરે મુખે એણે ઘા ઝીકીને
મૂક તેનું મૂળ રૂપ કર્યું છતું,
ને કરી ચેતનાની ને કાળ કરી સીમાઓ શીર્ણદીર્ણ સૌ.
૩૩
બીજો સર્ગ સમાપ્ત
સર્ગ ત્રીજો
રાજાનો યોગ
આત્માની મુક્તિનો યોગ
આ સર્ગમાં રાજા અશ્વપતિની તપસ્યા અને અધ્યાત્મસાધના અને તે દ્વારા એને જે અલૌકિક સિદ્ધિઓ અને અવસ્થાઓ પ્રાપ્ત થઇ હતી તેનું વર્ણન આવેલું છે
એક આખું જગત પ્રાર્થતું હતું તેથી સાવિત્રીનો મર્ત્ય સ્વરૂપે અવતાર થયો હતો.
રાજા અશ્વપતિનો આત્મા ઊર્ધ્વનાં દિવ્ય ધામોમાંથી ઉતરી આવી પૃથ્વી-લોકનો અધિવાસી બન્યો હતો. અચિત્ માંથી પરમાત્મ ચેતના પ્રતિ જે ક્રમવિકાસ ચાલી રહેલો છે તે લીલાકાર્યમાં એ અગ્રેસર હતો. પૃથ્વીની મૂક આવશ્યકતા સંતોષવા માટે સાવિત્રીની મહાશક્તિને એણે અહીં ઉતારી આણી હતી.
આવી રાજા અશ્વપતિ દેખીતો માનવ હોવા છતાં એની પારદર્શક માનવતામાં પ્રભુની દિવ્યતા દેખાઈ આવતી હતી. પૃથ્વીના અને મનુષ્યના દેવાદાર પ્રભુ પોતાનું ઋણ ચૂકવવા એને સ્વરૂપે અહીં આવ્યા હતા.
રાજાનું આખુંયે જીવન પરમાત્મા પ્રતિ આગળ વધી રહેલા ક્રમિક વિકાસનું જીવંત પ્રતીક હતું. એના પદસ્પર્શથી પૃથ્વી શ્વાસોછવાસ લેતા અનંતદેવતાની લીલાભૂમિ બની ગઈ હતી. મર્ત્યતામાંથી અમૃત્વમાં, જીવમાંથી શિવમાં એના આત્મચેતનાની ઊર્ધ્વ ગતિ થઇ રહી હતી. એનો દૈવી પ્રભાવ અપક્વ ને અપૂર્ણ પાર્થિવ સ્વભાને દિવ્ય પરિપક્વતા અને પરમાત્મપૂર્ણતા પ્રતિ દોરી જતો હતો.
એ હતો પાર્થિવ લોકમાંથી પરમાત્મધામની પ્રાપ્તિ માટે નીકળેલો મહાયાત્રી. સ્થૂલમાંથી સૂક્ષ્મમાં, અને સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર દૈવી પ્રદેશોમાં થઈને એ આગળ વધતો હતો. ત્યાંની શક્તિઓ એને પ્રભુના કાર્ય માટે સજ્જ બનાવી રહી હતી. એના માર્ગમાં આવતી ભૂમિકાઓએ એની આગળ પોતપોતાનું રહસ્ય પ્રગટ કર્યું અને તે એની સેવામાં સમર્પ્યું.
આરંભમાં અકલ્પકાળ ટકતી આ અવસ્થાઓમાં થઈને એ ઉપરની અનંતતા-ઓમાં આરોહ્યે જતો હતો. ત્યાંનાં જ્ઞાન, વિજ્ઞાન, જ્યોતિ, શાંતિ, શક્તિ અને આનંદોમાં એનો આત્મા વિહરતો હતો.
આમાં એનું માનવ જીવન પ્રભુતાનું પરમ ધામ બન્યું અને પૃથ્વીલોકમાં એ પ્રભુનાં પગલાં પાડતો થયો. પાર્થિવતાનું દિવ્ય રૂપાંતર સાધવાનું કાર્ય એના જીવનરૂપ બની ગયું. એનો આત્મા એક દેદીપ્યમાન સૂર્યસમાન બની ગયો.
૩૪
સારા જગતની ઈચ્છા બેળે એને મર્ત્યનો જન્મ અપાતી.
અતિપ્રાચીન અસ્માર્ત ખોજ ચાલી રહેલ જે
તેમાં એ મોવડી હતો ;
જેમાં અજ્ઞાત પોતાનું રૂપો દ્વારા કરી માર્ગણ છે રહ્યો,
ને કાળની ઘડીઓથી સીમાબદ્ધ નિજ શાશ્વતીને કરે,
ને શૂન્યાકાશ જ્યાં અંધ જીવવા ને જોવાની શક્તિ પામવા
મહામથન આદરે,
ને રહસ્યમયી લીલા કેરું પ્રધાન પાત્ર એ
મનીષી ને ભાવનાની હવામાં શ્રમ સેવતો ;
તેણે પૃથ્વીતણી મૂગી માગણીની જરૂરિયાત પૂરવા
અવતારતી કીધી સાવિત્રીની સુપ્રભોજ્જવલ શક્તિને.
અમૃતત્વતણાં ઊર્ધ્વ મહિમાવંત ધામથી
આત્મા એનો કૃપાપ્રવણ ઊતરી
આપણા અલ્પજીવી આ દૃષ્ટિ કેરા પ્રદેશનો અધિવાસી બન્યો હતો.
સંશયગ્રસ્ત માર્ગોએ પૃથવીના દિશાદર્શક રશ્મી શો
એનો જન્મ હતો સામે ધરાયેલ
કો પ્રતીક અને કોઈ સંજ્ઞાનું કાર્ય સાધતો ;
પારદર્શક જામા શું એનું સ્વરૂપ માનવી
આવરી રાખતું હતું
અંધ જગતને દોરી જનારા વિશ્વવિજ્ઞને.
સંયોજાઈ જઈને એ દિક્-કાલ સાથ વિશ્વના
ભરી રહ્યો હતો દેવું પ્રભુનું હ્યાં પૃથ્વીને ને મનુષ્યને.
દિવ્ય એનો હતો દાવો માહાત્મ્યોએ ભર્યા પુત્રત્વની પરે.
સ્વીકારતો હતો મર્ત્ય અજ્ઞતા, તે છતાં હતી
એના જ્ઞાનતણે ભાગે જ્યોતિ વર્ણન પારની.
ક્ષણ ને ક્ષણને વ્હેણે સંડોવાઈ ગયેલ એ
હતો સંમૂર્ત્ત સામર્થ્ય આદિની નિત્યતાતણું,
આડશે રાખતો ' તો એ વિરાટોની વિલોકના :
અવિજ્ઞેય થકી આવી શક્તિ એક હતી એની મહીં રહી.
પાર કેરાં પ્રતીકોનો ગ્રંથપાલ બનેલ એ
૩૫
અતિમાનુષ સ્વપ્નો કોષાધ્યક્ષ-પાદે હતો,
ઓજસ્વી સ્મૃતિઓ કેરી મુદ્રાએ અંકિતાત્મ એ
માનવી જીવને જ્યોતિ મહાભવ્ય તેમની ઢોળાતો હતો.
પરમ પ્રતિની દીર્ધ વૃદ્ધિરૂપ હતા તેના દિનો બન્યા.
ગૂઢ અધ્યાત્મ ઉત્સોથી આહાર નિજ મેળવી
પોતાનાં મૂળ પોષતું
આકાશની દિશે જાતું સત્ત્વ એની મહીં હતું,
અને તે કિરણો શુભ્ર કરી પાર
હતું આરોહતું ઊંચે ભેટવાને એક અદૃશ્ય સૂર્યને.
આત્મા એનો રહેતો ' તો શાશ્વતીનું ધરી પ્રતિનિધિત્વ હ્યાં,
મન એનું હતું એક સ્વર્ગાક્રામક અગ્નિ શું
ને સંકલ્પ હતો એનો શિકારી કો
જ્યોતિ પૂઠે પડેલો પગલાં લઇ.
એના પ્રત્યેક શ્વાસને
મહાસાગરનો વેગ હતો ઊર્ધ્વે ઉઠાવતો,
પ્રત્યેક કાર્ય એહનું
મૂકી જતું હતું પૂઠે પગલાં પરમેશનાં,
પ્રત્યેક ક્ષણ પ્રસ્પંદ હતો પ્રબલ પાંખનો.
સ્પર્શે વસાહતીના આ આવેલા શિખરોથકી
આપણી મર્ત્યતાનું આ ક્ષેત્ર નાનું બની જતું
ક્રીડાશાલા જીવમાન અનંતની.
શરીરરૂપ દેખાતું આ તે કાંઈ બધું નથી.
રૂપ છેતરતું, છદ્મવેશ છે વ્યક્ત માનવી ;
સ્વર્ગીય શક્તિઓ ગૂઢ ઊંડે ર્ હેતી મનુષ્યમાં.
એની ભંગુર નૌકામાં કાલસાગરમાં થઇ
અવિનાશી કરે યાત્રા પ્રચ્છન્નવેશને ધરી.
પ્રભુની જ્યોતિ છે એવો આત્મા એક વિરાજતો,
છે અગ્નિમય એ અંશ અદ્ ભુતાત્મસ્વરૂપનો,
નિજ સુંદરતાનો ને નિજાનંદ કેરો એ શિલ્પકાર છે,
આપણા મર્ત્ય દારીધ્ર રહેલો અમૃતાત્મ એ.
૩૬
અનાધં તતણાં રૂપો રચતો શિલ્પકાર આ,
પટાંતરે રહેતો આ નિવાસી અણ-ઓળખ્યો,
દિક્ષાધારી છુપાયેલાં પોતાનાં જ રહસ્યનો,
મૂક ને તનું કો બીજે ઢાંકી રાખે નિજ વૈશ્વ વિચારને.
નિગૂઢ ભાવના કેરું નિ:શબ્દ બલ ધારતો,
પૂર્વનિર્મિત આકાર અને કર્મ નિરૂપતો,
જિંદગીથી જિંદગીએ અને એક શ્રેણીથી અન્ય શ્રેણીએ
મુસાફરી કરી જાતો, એકથી અન્ય રૂપમાં
પ્રતિબિંબિત પોતાનું સ્વરૂપ બદલ્યે જતો,
નિજ મંડાયલી મીટે વર્ધમાના મૂર્તિને એ નિહાળતો,
ને આગામી દેવ કેરું કીટ માંહે પૂર્વદર્શન પામતો.
આખરે ક્રાળના માર્ગો પર યાત્રા કરંત એ
સીમાઓએ શાશ્વતીની આવીને થાય ખડો.
ક્ષણભંગુર માનુષ્ય કેરા પ્રતિકરૂપના
વાઘાઓએ સજાયલો,
પોતાના અમરાત્માના તત્વોનો બોધ એ કરે
ને મર્ત્યભાવ સાથેની નાશ પામી જતી એની સગોત્રતા.
રશ્મિ શાશ્વતનું એના હૈયાએ અથડાય છે,
વિચાર વિસ્તરી એનો પ્રવેશે છે અનંતતા :
એની અંદરનું સર્વ બૃહત્તાઓ પ્રત્યે બ્રહ્યતણી વળે.
એનો આત્મા પ્રસ્ફુટીને યુક્ત અધ્યાત્મ શું થતો,
આવે સાગરતા એને જીવને એ ઊર્ધ્વે વ્યાપેલ જીવને.
જગદંબાતણું એણે સ્તન્યપાન કરેલ છે;
પરા પ્રકૃતિ સર્વોચ્ચ એના આધારને ભરે :
એના આત્માતણી સ્થાયી ભૂમિકાની સલામતી
પોતાના પરિવર્તંતા જગને કાજ એ લઇ
અજન્મા નિજ ઓજોને મૂર્તિમંત બનાવતી.
અમર્ત્યભાવથી વ્યક્ત એનામાં એ કરે છે નિજ જાતને,
કરે છે જીવમાં કાર્ય સૃષ્ટ્રી ત્યાગી દઈને અવગુંઠિકા :
માનવી મુખમાં માનું મુખ પ્રત્યક્ષ થાય છે,
૩૭
ને એના નેત્રમાં માનાં નેત્ર જોતાં જણાય છે;
વિરાટ એકતા દ્વારા માનો આત્મા એનો આત્મા બની જતો.
તે પછી થાય છે ખુલ્લો માનવીમાં પ્રભુ પ્રકટ રૂપમાં.
નિષ્ક્રિયા એકતા સાથે ક્રિયાશીલ
શક્તિ લેતી અવતાર મનુષ્યમાં,
છે જે મુદ્રાછાપ પૂર્ણ રૂપે પ્રકટ દેવની;
એનો આત્મા અને દેહ ધારે એ ભવ્ય છાપને.
જિંદગી માનવીની છે લાંબી એક તૈયારી અપ્રકાશમાં,
શ્રમ, આશા, લડાઈ ને શાંતિ એવાં ચાલતાં ચક્કરોમહીં,
પાડે જીવન જ્યાં માર્ગ અંધકારી ભોમે જડ પદાર્થની,
ને જ્યાં થઇ ચડે છે એ
શિખરે જ્યાં કદી કોઈ પગલાંઓ પડયાં નથી;
જ્વાલાએ વિદ્ધ કો અર્ધ-છાયા મધ્ય થઇ એ પામવા મથે
અવગુંઠિત ને અર્ધ-વિજ્ઞાતા કો
સત્ય વસ્તુ હાથથી સરકી જતી,
કદાપી પ્રાપ્ત ના થાય એવું કૈંક
કે એવા કોકને માટે એનું માર્ગણ ચાલતું,
હ્યાં કદી ન થઇ સિદ્ધિ એવી આદર્શ સૃષ્ટિનો શોધતો સંપ્રદાય એ,
ચડ ને પડનાં પાર વિનાનાં ગૂંચળાં પરે
સર્પાકાર ગતિ એ કરતો જતો;
અને આ ચાલતું આમ જ્યાં સુધી એ
પ્હોંચતો ના ભીમકાય ઉદગ્રમાં,
જેમાં થઇ પ્રકાશંતો મહિમા દિવ્ય એહનો,
મહિમા જેહને માટે થયા નિર્મિત આપણે;
ને જેમાં ગાબડું પાડી પ્રવેશંતા
આપણે આનંત્યમાં પરમાંત્મના.
ભેદી પ્રકૃતિની સીમા આપણે છટકી જઈ
પરાપ્રકૃતિની જીવનજ્યોતિ કેરા વૃત્તખંડે પ્રવેશતા.
જોવામાં આ હવે આવ્યું એ શક્તિ-પુત્રની મહીં,
ઉચ્ચ સંક્રાંતિએ એહ પાયો નાંખ્યો પોતાનો એહની મહીં
૩૮
પ્રક્રિયા સૌ પ્રકૃતિની જેહની છે કલાકૃતિ,
આદ્ય સર્વોચ્ચ જે અંતર્યામી રૂપે વિરાજતો,
તેણે ગુપ્ત સ્વહસ્તમાં
લીધું આ યંત્ર માટીનું અને તેને પ્રયોજ્યું દિવ્ય કાર્યમાં.
સંદિગ્ધ પડદા પૂઠે રહી એક સાન્નિધ્ય કરતું બધું;
ટીપી ટીપી ઘડી એણે માટી એની
સહેવાને ભાર એજ ભીમકાય-સ્વરૂપનો,
નિસર્ગ-બળનાં અર્ધ-ઘડેલાં ચોસલાં લઇ,
આપી સંસ્કાર એમને
એણે એનો ઘડયો આત્મા પ્રભુના પ્રતિરૂપમાં.
કારીગર ચમત્કારી સામગ્રીનો સ્વભાવની,
અદભુત જગનું જંગી કારખાનું ચલાવતો,
પોતાની ઉચ્ચ મુશ્કેલી યોજનાની
સિદ્ધિ માટે જે પરિશ્રમ સેવતો,
તેણે અંતર્મુખી કાળે એના સર્વ સ્વભાવના
લયે ભરેલ ભાગોને સમર્પી રૂપબદ્ધતા.
પરાત્પર ચમત્કાર ઓચિંતો તે પછી થયો:
અવગુંઠિત ને પૂર્ણ શુદ્ધ માહત્મ્યધામ એ
ગૂઢ ગર્ભે જિંદગીના કઠોર શ્રમ આદરી
નિજ સ્વપ્નતણી ભાવી ભવ્ય સૌ વસ્તુ જાતને
રૂપરેખા-પરિબદ્ધ કરી શકયો.
ચૂડામણિ બનેલો એ વિશ્વોના શિલ્પકાર્યનો,
રહસ્યમયતા ઉઠ પૃથ્વી ને સ્વર્ગલોકની,
જોડાણ દિવ્યતા કેરું કરતો એ યોજના સાથ મર્ત્યની.
કાળનો અતિથિ દીપ્ત, દ્રષ્ટા એક સમુદભવ્યો.
સીમિત કરતું વ્યોમ મન કેરું
એને માટે મટી ઊર્ધ્વમહીં ગયું,
અહોરાત્રતણો ચોકીદાર ગરુડ-કેસરી
છે જ્યાં તેવા તેમના અગ્રભાગમાં
બાકું એક પડ્યું સૌને ઢાંકી દેનાર ગુંબજે ;
૩૯
સચેત પ્રાંત સત્-તાના પાછા ગબડતા ગયા :
સી;સીમાચિહ્ -નો પડી ભાંગ્યા ક્ષુદ્ર વ્યક્તિ-સ્વરૂપનાં
પોતાના ખંડની સાથે અહંતાનો દ્વીપ સંયોગ પામતો :
ઓળંગાઈ ગયું વિશ્વ મર્યાદાઓ રચતું ચુસ્ત રૂપની
વંડાઓ જિંદગીકેરા થયા ખુલ્લા અવિજ્ઞાતતણી પ્રતિ.
થઇ રદ ગયા કીધા કરારો કલ્પનાતણા,
અને કલમ ચેકાઈ તાબેદારીતણી ગઈ,
લેપાઈ સંધિ આત્માની અવિદ્યાની સૃષ્ટિ સાથે કરેલ જે.
નિષેધો ઘૂસરા સર્વે અસ્તવ્યસ્ત થઇ ગયા,
દૃઢ ને દીપતું તૂટી પડ્યું ઢાંકણું બુદ્ધિનું ;
અમેય વ્યોમ શું સ્થાન અખંડ સત્યને મળ્યું ;
સર્વોચ્ચ સ્વર્ગની દૃષ્ટિ જોતી ને જાણતી થઇ;
સીમિત મન નિ:સીમ જ્યોતિરૂપ બની ગયું,
અનંતતાતણો સંગી સાંત આત્મા બની ગયો.
ગરુડોડુયનો એના પ્રયાણે અવ આવિયાં.
અને મુક્ત અવિધાના અંતેવાસિત્વથી કરી
પ્રજ્ઞાએ નિજ સર્વોચ્ચ કલાકૌશલ્યની પ્રતિ
એને ઊંચે ચઢાવિયો,
ને એને અંતરાત્માનો મહાશિલ્પી બનાવિયો,
નિર્માણ કરતો ગૂઢ ધામનું અમરાત્મના,
અભીપ્સુ પરમોર્દ્વસ્થ અકાલાત્મસ્વરૂપનો ;
બોલાવતાં હતાં એને મુક્તિ-સામ્રાજ્ય ઊર્ધ્વથી ;
મન:સંધ્યા તથા તારા-નીત રાત્રિતણી પરે
ઊઠી ઝળહળી દિવ્ય અધ્યાત્મ-દિનની ઉષા.
મહત્તર નિજાત્માની પ્રત્યે જેમ જેમ
એ આ પ્રકારે વધતો ગયો
તેમ તેમ મનુષ્યત્વે ઓછા ઓછા એના વ્યાપારને ઘડયા,
મહત્તર જગત્ જોતો આત્મા એક મહત્તર.
મનનાં ઊંડાણો, આત્માતણાં બ્રહ્ય-નિમજ્જનો
૪૦
આડે સલામતી કેરી હદ જે બુદ્ધિ બાંધતી
તેને નિર્ભયતાયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ કાજના
સંકલ્પે નાખવા ભૂંસી ધ્રુષ્ઠ હિંમત દાખવી.
એનાં આરંભનાંયે જે ભરાયાં ડગ, તેમણે
આપણી ક્ષુદ્ર મર્યાદા તોડી નાખી ધરાતણી
તે તે સેહેલવા લાગ્યાં વધુ વ્યાપ્ત અને મુક્ત હવામહીં.
સીલબંધ અને છૂપી ગુહામાં ઘોરતું પડ્યું
જાણે કો ચાપ રાક્ષસી,
તેમ તેણે માનવીમાં સૂતેલી વણ-વાપરી
શક્તિઓ લઇ હાથમાં હળવાશથી,
રૂપાંતર પમાડંતું ઓજ જેમાં સામર્થ્થ સજતું હતું.
એને માટે ચમત્કાર સામાન્ય કાર્ય શો બન્યો,
અને તે ઉચ્ચ ભોમે જે હતા સ્વાભાવિક ભવ્યત્વથી ભર્યા,
તથા જે મર્ત્ય હૈયાનું બળ શીર્ણ
કરે એવા હતા કડા,
તે સૌ પરિશ્રમો એણે દિવ્ય કાર્યે બનાવ્યા રોજરોજના ;
નિત્યકેરી પ્રકૃતિની ઈચ્છાની પ્હોંચ બ્હાર જે
તે અત્યુદાત્ત લક્ષ્યોને રાજભાવી મહાતેજસથી ભર્યા
આરામમાં રહીને એ સાધવા સેવતો હતો :
આત્માનાં વરદાનોની ભીડ એને ભેટવા આવતી હતી;
એના જીવનની ભાત અને એનો હક એ સૌ બન્યાં હતાં.
વિશુદ્ધ માનસી દૃષ્ટિ શુચિ એને નિજાનંદ સમર્પતી,
ઘનિષ્ઠ દર્શના એની વાટ જોતી હતી નહિ વિચારની ;
એકી નજરમાં લેતી હતી એહ સારી પ્રકૃતિ આવરી,
દૃષ્ટિપાત થતો એનો મૂળ વસ્તુસ્વરૂપમાં;
જોતો એ આત્માને લેશે ઠગાયા વણ રૂપથી.
જીવોમાં એમની જાણ બ્હાર જે જે છુપાઈને રહ્યું હતું,
દૃષ્ટિ તેની તે બધું જાણતી હતી
ગ્રહતી' તી મનોભાવ, ને હૈયામાં રહેલા અભિલાષને;
સ્વદૃષ્ટિથી છુપાવે જે આશયો જન, તેમને
૪૧
એ વીણી કાઢતી બ્હાર ધૂંધળાતી ગુપ્તતાની ગડી થાકી.
અન્યોમાં સ્પંદતા પ્રાણ પોતાના સુખદુઃખને
લઇ આક્રમતા એને, હતો અનુભવંત એ ;
તેમનો પ્રેમ ને રોષ, આશાઓ અણ-ઊચરી
એની શાંતિતણા સ્થૈર્યધારી સાગરની મહીં
હતાં પ્રવેશતાં સ્રોત-સ્વરૂપે યા તરંગાયેલ રેલમાં.
એ પોતાના વિચારોનો પ્રેરણાએ ભર્યો ધ્વનિ,
ઘુમ્મટે અન્ય ચિત્તોના પડઘાઓ પાડતો સુણતો હતો;
વિશ્વ-વિચારનાં વ્હેણ એની જ્ઞાન-
મર્યાદામાં કરતાં' તાં મુસાફરી;
અંતરાત્મા બન્યો એનો સર્વ કેરા આત્માઓનો નજીકનો,
ને સગાઈતણો ભાર ને સંબંધ સર્વસામાન્ય ધારતો,
ને તે છતાંય અસ્પૃષ્ટ ને એકાકી, અધીશ નિજ જાતનો.
જાદૂઈ મેળથી જૂના તાર પાર્થિવ એહના
સ્વર્ગીય સૂરતા સાથે શીઘ્ર સંવાદ સાધતા;
એણે મન તથા પ્રાણ કેરા સેવકવર્ગને
ઊર્ધ્વગામી બનાવિયો,
ને પ્રત્યુત્તર દેનારા આત્મા કેરો
ભાગીદાર બનાવ્યો સુખથી ભર્યો,
બનવ્યાં દેહના એણે સાધનોને આત્માના પરિચારકો.
રીતિશ્લક્ષ્ણતરા દિવ્યતર કાર્યે નિયોજિતા
માનવીની બાહ્ય પાર્થિવતા પરે
હતી પાથરતી આભા પોતાની ચારુતાતણી;
અંતરતર કોશોની આત્માની અનુભૂતિઓ
જડને અમલે નિદ્રાધીન રે'તી ન'તી હવે.
દીવાલ જડ આવેલી આપણી ને બૃહત્તરા
સત્-તાની વચગાળમાં,
રહસ્યમયતાયુક્ત નિદ્રા જેવી લાગતી એક ભોમમાં,
પ્રદેશ એક છે ગૂઢ જ્યાં પહોંચી
આપણાં ના શકે જાગ્રત ચિંતનો,
૪૨
ત્યાં એક ઊઘડ્યું દ્વાર જડની શક્તિએ રચ્યું,
ને થઇ વસ્તુઓ મુક્ત અગ્રાહ્ય પાર્થિવનિદ્રીયે:
ન દીઠેલું, ન જાણેલું આપણા બાહ્ય માનસે
થયું પ્રકટ ત્યાં એક વિશ્વ મૌન-વિસ્તારોમાંહ્ય આત્માના.
બેઠો એ ગુપ્ત ખંડોમાં ડોકાતા બ્હારની દિશે
અજન્માના જહીં દેશો પ્રભાપૂર્ણ વિરાજતા,
ને જ્યાં પ્રત્યક્ષ ને સત્ય મનના સ્વપ્નનું બધું,
ને જેને જિંદગી ઝંખે તે બધું જ્યાં પાસે ખેંચાઈ આવતું.
પૂર્ણત્માઓને નિહાળ્યા તહીં એણે
તારાઓએ શોભમાન એમના નિલયોમહીં,
ધારતા મહિમા દિવ્ય મૃત્યુથી મુક્ત દેહનો,
સ્થપાયેલા નિત્ય કેરી શાંતિના બાહુઓમહીં,
ઈશની સંમુદા કેરા હૃદયસ્પંદની મહીં ધારીને લયલીનતા.
વસ્યો એ ગુહ્ય આકાશે જ્યાંથી ચિંતન જન્મતું
અને કો વ્યોમની શક્તિ સંકલ્પ પોષતી જહીં,
ઓજ શાશ્વતનાં જેને ધોળે દૂધે ઉછેરતાં,
અને એ એમ કો એક દેવતાની પ્રતિમૂર્તિ બની જતો.
સાક્ષીના ગૂઢ ખંડોમાં દીવાલો જ્યાં મને બાંધેલ હોય છે,
છુપા સંચારમાર્ગો ત્યાં ગુપ્ત અંત:પ્રદેશની
દિશે અંતદૃષ્ટિકેરાં વાતાયન ઉઘાડતા.
બની તેનું ગયું ધામ અવિભાજિત કાલનું.
માંસમાટીતણો ભારે પડદો એક ઊંચકી
આવી ખડો થયો એ કો સર્પ-રક્ષિત ઊમરે,
ડોકતો એ ધોતમાન અંતહીન રવેશોમાં તહીં થકી,
નીરવ સુણતો કાન દઈ નીરવ અંતરે
નૂત્ન અજ્ઞાતના પાસે આવતા પદનો ધ્વનિ.
ખાલી નિ:સ્પંદતાઓમાં થઇ પાર નિહાળતો,
પરાત્પરતણી દૂરવર્તિની વીથિઓમહીં
સુણતો પગલાં સ્વપ્નેયે ન સેવેલ ભાવનાં.
નિભૃત સ્વરને એણે સુણ્યો, શબ્દ સુણ્યો જાણનહાર જે,
૪૩
ને જોયું મુખ છૂપું જે મુખડું આપણું જ છે.
આંતર ભૂમિકાઓએ કર્યો ખુલ્લાં નિજ સ્ફટિક બારણાં;
અજાણી શક્તિઓએ ને પ્રભાવોએ સ્પર્શ્યું જીવન એહનું.
આવ્યું દર્શન ભોમોનું, આપણી છે તેનાથી વધુ ઊર્ધ્વની,
ઉજ્જવલતર ક્ષેત્રોની ને વ્યોમોની પામી ઉદય ચેતના,
અલ્પજીવી મનુષ્યોથી ઓછાં સીમા-બદ્ધ સત્ત્વો નિહાળિયાં,
આ જનારાં ખોળિયાંથી વધુ સુક્ષ્મ અવલોક્યાં ક્લેવરો,
પાર્થિવ પકડે આવે નહીં એવી
સુક્ષ્મ સુક્ષ્મ વિલોકી વસ્તુઓ વળી,
અતિમાનુષ આભનાં સ્પંદનોથી સ્પંદમાન થતી ક્રિયા,
પ્રવૃત્તિઓ પ્રણોદાતી અતિચેતન શક્તિથી,
હર્ષસ્રોત્રો જે કદી ના મર્ત્ય અંગોમહીં વહ્યા,
સવિશેષ મનોહારી દૃશ્યો પૃથ્વી પર છે તેમના થકી
ને વધારે સુખ સભર જીવનો.
સૌદર્ય ને સુખોત્કર્ષ ભરેલી એક ચેતના,
જ્ઞેય વસ્તુતણું રૂપ લેનારું એક જ્ઞાન, તે
ભેદભાવી ઇન્દ્રિયો ને હૈયાને સ્થાનકે હવે,
સારી પ્રકૃતિને એણે લીધી આશ્લેષમાં લઇ.
ભેટવા ભુવનો છૂપાં મન ઝૂક્યું બહિર્દિશે.
ટમકંતી હવા આઢય અદ્ ભૂત રૂપ-રંગથી,
સુવાસો સ્વર્ગની નાસા-રંધ્રોમાં સ્ફુરતી બની,
વિલંબે કરતું જીભે દેવોના ધામનું મધુ.
વિશ્વસંવાદિતા કેરી પ્રણાલીરૂપ શ્રોત્રનું
હતું શ્રવણ જાદૂઈ વહેણ શ્રુતિઓતણું ,
સંભાળી ના શકે પ્રથ્વી એવા ગુહ્ય સ્વરોનો સ્રોત ધારતું.
યોગનિદ્રિત આત્માના છન્ન એક પ્રદેશથી
નિમગ્ન સત્યોનો આવ્યો સાદ અજ્ઞાત રૂપ જે
બાહ્ય સમતલો નીચે વિશ્વનાં છે વહી રહ્યું,
સર્વજ્ઞ મૌનની મધ્યે એક જે સંભળાય છે,
અંત:સ્ફુરણ સેવંતા ઉરે ને ગૂઢ ઇન્દ્રિયે
૪૪
જેનું ધારણ થાય છે.
સીલબંધ અને મૂક ગુહ્યો કેરો પકડ્યો ટેક એહણે,
વાણી દ્વારા કરી વ્યક્ત એણે માંગ પૃથ્વીની ન પુરાયલી ;
અસાક્ષાત્કૃત સ્વર્ગોનું આશંસા-ગાન આદર્યું,
સર્વશક્તિમતી નિદ્રાવસ્થામાં જે છુપાયલું
રહ્યું છે સર્વ જે તેને કર્યું પ્રકટ અક્ષરે.
સમાધાન નથી જેનું
એવી જગતની શંકા લક્ષ્યહીન જાત્રાએ નીકળેલ જે
તેને વહી જતું કાળ-પૂર દીર્ધ દઈ કાન સુણ્યે જતું,
તેના પટ પરે ચાલી રહેલું છે
કાળ કેરું વિરામ વણ નાટક,
ફિણાતું ઉભરાતું ત્યાં હાસ્ય અનિદ્ર મોદનું,
મરી ન શકતી ઈચ્છા કરતી મર્મરાટ ત્યાં :
આવ્યો પોકાર જગના અસ્તિ-જન્મ પ્રમોદનો,
એની જિજીવિષા કેરી ભવ્યતાનો ને એના મહિમાતણો,
અવકાશ વિષે જીવ જતો સાહસ-અર્થ જે
તેને પાછા આવવાનું જણાવતો,
જાદૂગરી ભર્યા સૈકા વર્ષોના તે મહીં થઇ
કરતો એ મુસાફરી,
જડ તત્વતણા વિશ્વે આત્મા કેરો પરિશ્રમ,
એના જન્મતણા ગૂઢ અર્થ માટે એની જે શોધ ચાલતી,
અનેં આનંદ ઊંચેરા અધ્યાત્મ પ્રતિકાર્યનો,
એની ધબક સંતોષજન્ય ને પરિતૃપ્તિમાં,
માધુરી જિંદગી કેરી બક્ષિસોમાં, બધામહીં,
એનો વિશાળ ઉછવાસ, નાડીની ધબકો, અને
રોમાંચ આશ ને ભયે,
પીડાઓ-અશ્રુઓ-મોદ કેરો આસ્વાદ એહનો,
એના પ્રહર્ષના તીવ્ર તાલે, આવે સહસા જે મહામુદા,
નિ:શ્વાસ રાગનો એનો ને અનંત દુઃખનું ડૂસકું વળી,
-આવ્યો ત્યાં સાદ એમનો.
૪૫
મર્મરાટ અને કર્ણે જપ ધીરો અશ્રુત ધ્વનિઓતણો,
આપણાં હ્રદયો કેરી આસપાસ જે ભીડાભીડ થાય છે,
પરંતુ મળતી જેને નથી બારી પ્રવેશની,
તે સ્તોત્રગાનને રૂપે ઊભર્યો આરજૂ બની :
જે સૌ અજ્ઞાત રે' વાનું કબુલે છે હજી સુધી,
ને જે સૌ જન્મવા માટે કરે મોઘ પરિશ્રમ,
સૌ તે માધુર્ય ના જેનો કોઈ આસ્વાદ પામશે.
અસ્તિત્વમાં નહીં આવે એવી સુંદરતા બધી,-
આ સૌની આરજૂ હતી.
બહેરા આપણા મર્ત્ય કાન જેને સાંભળી શકતા ન, તે
વિશાળ વિશ્વના રાગો ગીત અદ્ ભુત ગૂંથતા ;
જિંદગી તેમની સાથે
સાધવાને તાલમેળ આપણા મથતી અહીં,
એ સીમાઓ આપણી સૌ ઓગાળીને મેળવી દે અસીમમાં,
અનંતતાતણી સાથે સાન્ત કેરો સૂરતામેળ સાધતા.
અવચેતન ગુહાઓથી ઊઠી કો મંદ જલ્પના,
આદ્ય અજ્ઞાનનું એહ તોતલું બોલવું હતું;
અસ્ફુટા એહ પૃચ્છાનો પ્રત્યુતર બની નમ્યું
વિધુ દ્-ગ્રીવા અને મેઘગર્જનાપાંખ ધારતું
પ્રભાપૂર્ણ સ્તોત્રો એક અનિર્વાચ્ય સમર્ચતું,
અને પરમ ચૈતન્યજ્યોતિની મહિમાસ્તુતિ.
પ્રકટ્યું સર્વ ત્યાં વ્યક્ત હ્યાં ન કો જે કરી શકે;
દર્શનવસ્તુ ને સ્વપ્ન હતાં વાતો કહેવાયેલ સત્યથી,
કે હકીકતથી યે કૈ વધુ સાચાં પ્રતીક એ,
કે અલૌકિક મુદ્રાએ જોરદાર છાપેલાં તથ્ય એ હતાં.
આંખો અમર આવીને પાસે એની આંખોમાં દેખતી હતી,
બહુ રાજ્યોતણાં સત્ત્વો એની પાસે આવીને બોલતાં હતાં :
મૃતનું નામ જેઓને આપણે આપીએ છીએ,
નિત્યજીવી છતાંય જે
તેઓ મૃત્યુ અને જન્મ પારનો મહિમા નિજ
૪૬
ત્યજી પાછળ આવે છે શબ્દાતીત જ્ઞાનવાણી સુણાવવા :
પાપના અધિપો સાથે અધિપો પુણ્યકર્મના
ન્યાય મેળવવા જાતા બુદ્ધિના ન્યાયમંદિરે,
કરતા ઘોષણા પોતપોતાકેરાં વિરોધી ધર્મસૂત્રની,
ને બધા માનતા કે છે પોતે જ પ્રભુનાં મુખો :
જ્યોતિના દેવતાઓ ને અસુરો અંધકારના
મોંઘેરી લૂટનો માલ માની એના આત્માને કાજ ઝૂઝતા.
કાળ-ભાથા થાકી છૂટ્યા બાણ જેમ ઘડી ઘડી
નવી શોધતણું ગાન પ્રકટી ઊઠતું હતું,
તાજા પ્રયોગની એહ હતી ટંકાર-ગુંજના.
પ્રત્યેક દિન અધ્યાત્મ રંગની ઘટના હતો,
જાણે કે જન્મ પોતાનો થયો'તો કો નવા ઉજવલ લોકમાં ;
અણચિંત્યા સખા પેઠે કૂદી સાહસ આવતું,
જોખમ લાવતું' તું ત્યાં હર્ષ કેરી તીવ્ર મિષ્ટ રણત્કૃતિ :
પ્રત્યેક ઘટના ઊંડી અનુભૂતિ બની જતી.
થતા ત્યાં ઉચ્ચ ભેટાઓ, સંલાપો ભવ્યતા ભર્યા,
સલાહો આવતી દિવ્ય વાણીમાંહ્ય મુકાયલી,
પ્રહર્ષતણે તેડે જવા માટે હૈયાને સાહ્ય આપવા
મધમીઠી વિનંતીઓ ઉચ્ચારાતી દેવોના અધરોષ્ઠથી,
સૌદર્યના પ્રદેશોથી ચૂપાચૂપ આવતી મિષ્ટ લાલચો,
મુદા પરમ ઓચિંતી આવતી સુખ-ધામથી.
આશ્ચર્ય ને મુદા કેરું હતું સામ્રાજ્ય એક એ ;
ને બધુંય હવે એની સુણતી' તી
અકર્ણશ્રુતિ ઉજ્જવલા,
રોમહર્ષણ સંપર્ક થતો એને
મહોજસ્વી ને અવિજ્ઞાત વસ્તુનો.
અલૌકિક નવા ગાઢ સંબંધો પ્રતિ જાગ્રત
સૂક્ષ્મ અનંતતાઓને સ્પર્શ ઉત્તર આપતો,
ખૂલતાં બારણાંઓનો થતો રૂપલ સૂર ત્યાં
દૃષ્ટિની વિદ્યુતો તો કૂદી અદૃશ્યે ઝંપલાવતી.
૪૭
એનું ચૈતન્ય ને દૃષ્ટિ નિરંતર વધ્યે ગયાં;
વધ્યાં પ્રસરમાં એ, ને ઊડ ઉચ્ચતરા બની;
વટાવી એ ગયો સીમા-રેખ ભૌતિક રાજ્યની,
કર્યો પાર પટો એણે જ્યાં વિચાર લઇ લે સ્થાન પ્રાણનું.
સંકેત-સૃષ્ટિમાંથી આ આવ્યો એ અણચિંતવ્યો
અસ્તિત્વ જગનું ના જ્યાં એવા નીરવ આત્મમાં,
અને એણે દૃષ્ટિપાત કર્યો પાર નામહીન વિરાટમાં.
આ પ્રતીક-સ્વરૂપોએ નિજ ખોયો હક ત્યાં જીવવાતણો,
આપણી ઇન્દ્રિયો જેને ઓળખી શક્તિ હતી
તે સૌ ચિહ્ નો ખરી પડ્યાં;
સ્પર્શે શરીરના ના ત્યાં હૈયું ધબકતું હવે,
સૌદર્યનાં સ્વરૂપોને ન ત્યાં નેત્રો નિહાળતાં.
વિરલ ને વિભાવંતા ગાળાઓમાં નિસ્તબ્ધ ચુપકીતણા
ઊડી એ શકતો ઊર્ધ્વ સંજ્ઞાહીન પ્રદેશમાં
નિરાકારત્વ જ્યાં ઊંડે ગીચોગીચ ભર્યું હતું,
જ્યાં એકમાત્ર આત્મામાં હતું મગ્ન થયું જગત્ ,
ને હતું જ્ઞાત સૌ જ્યોતે અભેદાત્મકતાતણી,
ને આત્મા જ હતો પોતે પોતાકેરું પ્રમાણ જ્યાં.
પરમાત્માતણી દૃષ્ટિ મર્ત્ય નેત્ર દ્વારા નિહાળતી હતી,
વસ્તુમાત્ર ભૂતમાત્ર સ્વરૂપ-રૂપ દેખતી,
સર્વ વિચાર ને શબ્દ પોતાનો શબ્દ જાણતી.
ન અન્વેષી, ન આશ્લેષી જાય એવી ગાઢ છે એકતા તહીં,
એકના એક માટેના તલસાટ સ્વરૂપ પ્રેમ છે તહીં,
અને સૌદર્ય છે મીઠો ભેદ એ' एक एव' નો,
અને છે એકતા આત્મા સર્વ કેરા સમૂહનો.
સંયોજાઈ જતાં સર્વ સત્યો ત્યાં એક સત્યમાં,
ને બધી ચિંતાનાઓ ત્યાં સત્યતત્વ
સાથે પાછી થઇ સંયોજિતા જતી.
પ્રજ્ઞા ત્યાં નિજ નિ:સીમ આત્મા દ્વારા આત્માને નિજ જાણતી,
સર્વોચ્ચ, કેવલા, શબ્દહીન, શાશ્વત શાંતિમાં
૪૮
સર્વ જોતી, નિશ્ચલા, ને સર્વ સત્તા ચલા
સહચારી વિનાની ને એકમાત્ર વિરાજતી.
ભાવને કરવા મૂર્ત્ત જ્ઞાનને ત્યાં શબ્દ કેરી જરૂર ના ;
મળે ન ગૃહ જ્યાં એવી એની અમરતાથકી
થાકેલો ભાવ વાંછંતો વાસ નિ:સીમતામહીં
માર્ગે વિશ્રાંતિને માટે કોટડી ના વિચારની
કંડારાયેલી ચકાસતી,
જ્યાંથી એક જ બારીની બંધાયેલી
અને ટૂંકી દૃષ્ટિ વસ્તુ પરે પડે
અને ઈશ્વારના બૃહદ્
વ્યોમનો વર્તુલાકાર રેખાખંડ
નાનો માત્ર દૃષ્ટિગોચર થાય છે.
ત્યાં છે નિ:સીમની સાથે નિ:સીમ સાહચર્યમાં ;
ત્યાં હોનારો વિશ્વથીયે વિશાળો જાય છે બની;
ત્યાં જેહ હોય તે પોતે છે પોતાની અનંતતા.
પાર્થિવ મનમાં એનું કેન્દ્ર હાવે રહ્યું ન ' તું,
દીધાં એનાં ભરી અંગો દૃષ્ટિવંતા મૌનની એક શક્તિએ:
આવિર્ભાવ થયો દૈવી નિ:શબ્દ શુભ્રતા ભર્યો ;
તેણે એને ગ્રહ્યો રૂપાતીત દર્શનનો મહીં,
જિંદગીની પારના કો એક જીવનની મહીં,
આધાર સર્વનો-એવી સ્પંદહીન ચેતના પાસે એ સર્યો.
વાણીથી જ ચલાવે જે મનને, તે સ્વરે ધરી
અંતરાત્મામહીં મૌનમયી જ્ઞાનસ્વરૂપતા ;
બળ જે અનુભવે સ્વીય સત્ય કેવળ કર્મમાં,
તે હવે મૂક ને સર્વ-શક્તિમાન શાંતિમાં સ્થાન પામતું.
નવરાશતણો ગાળો વિશ્વોકેરે પરિશ્રમે,
વિરામ ખોજના હર્ષે ને એની યાતના મહીં,-
તેમણે ત્યાં પ્રભુની શાંતિની મહીં
પરેશાની પ્રકૃતિની પુનઃ સંસ્થાપિતા કરી.
વિરાટ સામ્ય-સારસ્યે આણ્યો અંત જિંદગીના વિવાદનો.
૪૯
ઘમસાણો વિચારોનાં વિશ્વને જન્મ આપતાં.
ધૂળના કણની થાય રચના તે મહીં તથા
તારકો સળગાવંતા ઘોર સંઘટ્ટકાર્યામાં
મથતા ફાવવા માટે બળોની અથડામણો,
ઢૂંઢતી જગની ઈચ્છા ખેડીને ચાસ પાડતી
તેમની રેખના ચીલા લંબગોળ રૂપે વ્યોમે વિવર્તતા,
કાળના પૂરના લાંબા રેલાઓ ઊલટી દિશે,
પૃથ્વીના મંદ ગારામાં ક્રોયોત્પાદક જાગતી
ને કીચડ થકી કોરી કાઢતી રૂપ વ્યક્તિનું
તે દેહવાસના કેરી ભયપ્રેરક શક્તિની ધારે રે' તી રિબામણી,
શોક પ્રકૃતિ કેરી જે ભૂખને ભક્ષ્ય અર્પતો,
દુઃખના દાહથી સર્જે તે તીવ્રાવેગ કામના,
પરાજય વડે દંડે પુણ્યને તકદીરે તે,
કારમો કેર સંહારે સુખ જે દીર્ધ કાળનું,
વિલાપ પ્રેમ કેરો ને કજિયો દેવલોકનો,--
નિજ જ્યોતિમહીં રે ' તા સત્યમાંહ્ય આ સર્વે ય શમી ગયાં
આત્મા એનો મુક્ત ઉભો સાક્ષી ને રાજવી બની.
જ્યાં તરાપો હોય તેમ મન જ્યાંત્યા અવિરામ તણાય છે,
અને એકથકી બીજા આભાસે જાય છે ત્વરી,
ત્યાં ક્ષણોએ સમારૂઢ સ્રોતે લીન થયા વિના
નિરાંતે એ ઠરી બેઠો અવિભાજિત કાળમાં.
બહુ પ્હેલાં લખાયેલું કિંતુ હાલમાં
હોય તેવે પ્રકારે તે પોતાના વર્તમાનમાં
ભાવી ને ભૂત ધારતો,
પળોમાં લાગતાં એને વર્ષો અણગણાયલાં,
ને પાને ટપકાં પાડયાં હોય તેમ ઘડીઓ એ નિહાળતો.
અજ્ઞાત સત્યતા કેરા સ્વરૂપે એક, વિશ્વના
દૃશ્યદર્શનનો અર્થ એને માટે નાખ્યો ' તો બદલી બધો.
જડ તત્વતણું જંગી વિશ્વ આ એક અદ ભુતા
શક્તિના કર્યાનું અલ્પ પરિણામ બની ગયું:
૫૦
ક્ષણને પકડી પાડી શાશ્વતજ્યોતિરશ્મીએ
અજવાળ્યું હજી યે જે સર્જાયેલું હતું ન તે.
પોઢ્યો વિચાર ઓજસ્વી એક નીરવતામહીં;
બન્યો બૃહત નિ:સ્પંદ મનીષી શ્રમ સેવતો,
એના સસ્પંદ હૈયાને સ્પર્શી પ્રજ્ઞા પરાત્પરા :
એની આત્માતણી નૌકા ઊજળો જે આગવો છે વિચારનો
તેની પાર જઈ શકી;
જરાયે ન હવે એનું મન આચ્છાદતું હતું
અકૂલાત્મ અનંતને.
ખાલીખમ નિવર્તંતા વ્યોમની મધ્યમાં થઇ
થતા અદૃશ્ય તારાઓ તણાઈને જતા સ્ફુરણને લઇ,
તેમનામાં થઇ તેણે કરી ઝાંખી
નિશ્ચલા શાંતિએ પૂર્ણ પરમચેતના લોકની,
જતી જ્યાં વિરમી તર્કબુદ્ધિ ને જ્યાં શબ્દ મૂક બની જતો,
ને અદવિહીન એકાકી આવેલો છે અચિંત્ય જ્યાં.
ત્યાં ન કો આવતું રૂપ, કે ના ઊંચે કો અવાજ ઊઠતો હતો;
એક માત્ર હતું મૌન અને કેવળરૂપ ત્યાં.
એ સ્પંદહીનતામાંથી મન ઊઠ્યું નવીન જન્મને ધરી,
ને એકદા અનિર્વાચ્ય હતાં તેવાં
સત્યો પ્રત્યે પામી એણે પ્રબુદ્ધતા,
દેખાયાં રૂપ જે મૂકભાવે અર્થ બતાવતાં,
વિચાર દૃષ્ટિવંતો, ને સ્વર પોતે પોતાનું પોત ધોતતો.
જ્ઞાત એને થયું મૂળ જ્યાંથી એનો આત્મા આવેલ હ્યાં હતો :
ગતિહીન બૃહત્ સાથે વિવાહ ગતિનો થયો;
નિજ મૂળ કર્યાં એણે અંતર્લીન અનંતમાં
નિજ જીવનને એણે રચ્યું પાયા પર શાશ્વતતાતણા.
દિવ્યતર દશાઓ આ
ને આ વિશાળતા યુક્તબૃહત્ સમતુલાભર્યાં
ઉર્દ્વારોહણ આરંભે માત્ર અલ્પ કાળ માટે ટકી શકે.
૫૧
શિલા શી સ્થિરતા દેહે, ને સમાધિ પ્રાણની ચૂપકી ભરી,
મહાબલ નિરુચ્છ્ વાસ અને મૌન મનની શાંતિની સ્થિતિ,--
એમને ઉચ્ચ ઊજળી
અવસ્થા તંગ નાખે છે તોડી વાર કર્યા વિના,
યા ધીરે અસ્ત પામતા
સુવર્ણ દિનની પેઠે વિલીન થઇ જાય એ.
ચંચળ નીમ્નના ભાગો શ્રાન્ત શાંતિથકી થતા;
જાની નાચીજ ચેષ્ટાઓ ને ચેનો કાજ ઝૂરવું,
અગત્ય અલ્પ ને જૂની જેથી ટેવાયલા છીએ
તે આપણાં સ્વરૂપોને પાછાં બોલાવવાતણી,
અભ્યસ્થ ભૂમિના નીચા માર્ગ ઉપર ચાલવું,
ચાલતાં શીખનું બાળ ઝાઝી વાર ચાલી ના શકતું, તથા
સ્વાભાવિક નિપાતની
અવસ્થામાં જ આરામ લેવા કેરી જરૂરત,
આ સૌ લે સ્થાન ઉર્દ્વોદ્વર ચડવાને જ માગતા
જંગી સંકલ્પ કેરું, ને હૈયાની વેદિ માંહ્યના
પવિત્ર અગ્નિની જવાલાપ્રભા મંદ બનાવતાં.
અવચેતનના દોર જૂનું તાણ નવું કરે;
ઈચ્છાવિરુદ્ધ આત્માને ખેંચે એ શિખરોથકી,
તામસી તાણ ખેંચીને આણે આપણને અધ:
આંધળી પ્રેરણા કેરી મૂળની સ્થિતિની પ્રતિ.
મુત્સદી્ સર્વથી મોટો એ આનેયે લઇ લે ઉપયોગમાં,
આપણા ભ્રંશ દ્વારા એ વધુ ઊંચે ચઢાવતો.
કાં કે અજ્ઞ પ્રકૃતિના તોફાની ક્ષેત્રની મહીં,
મર્ત્ય જીવનના અર્ધ-વ્યવસ્થામાં આવેલા ગોલમાલમાં
અરૂપ શક્તિ ને આત્મા સનાતન પ્રકાશનો
આવે અનુસરી છાયા જીવાત્માની અવતારાર્થ આવતા:
સદૈવ એકરૂપા આ દ્વૈધે રે' નાર બેલડી
પસંદ કરતી વાસ ઇન્દ્રિયોની ધમાલમાં.
અંધારા આપણા ભાગોમહીં આવે એ અદૃશ્ય સ્વરૂપમાં
૫૨
ને કરે કાર્ય પોતાનું અંધારાના પડદા પૂઠળે રહી,
એ સૂક્ષ્મરૂપ સર્વજ્ઞ મહેમાન અને ગુરુ
બની માર્ગ બનાવતો
રહે છે, જ્યાં સુધી ભાગો આપણા એ સ્વભાવના
લહે અગત્ય ને ઈચ્છા સ્વરૂપાંતર કાજ ના.
અજ્ઞાપાલકતા ઉચ્ચતર જીવનધર્મની
આજ્ઞાપાલકતા ઉચ્ચર જીવનધર્મની
શીખવાની છે અહીંયાં સમસ્તને,
આપણા દેહકોષોએ ધારવાની છે જવાલા અમૃતાત્મની.
નહીં તો એકલો આત્મા પ્રભવે નિજ પ્હોંચશે,
છોડીને અર્ધ-ઉદ્ધ્રાર્યા જગને નિજ ભાવિના
અણનિર્ણીત સંશયે,
સદા પ્રકૃતિ સેવંતી શ્રમ રે' શે મુક્તિની પ્રાપ્તિ વિના;
અસહાયતા ધરા ઘૂમ્યા કરવાની હમેશાં અવકાશમાં,
ને નિષ્ફળ થયેલું આ વિશ્વ અંતે જવાનું પ્રલયે ઢબી.
દેવોપમ છતાં એનું બળ ઊંચે ચડવાનું ટક્યું નહીં:
પાછા વળી ગઈ એની ચેતના મહિમાવતી;
ઝંખવાયેલ ને ગ્રસ્ત એની માનવ બાહ્યતા
પુરાણી સ્થિતિઓ ઉચ્ચ ફરી લ્હેવા પ્રયત્ન કરતી હતી,
ઉચ્ચ ઉગારતો સ્પર્શ ને ચિદંબર જ્યોતિને
લાવવા મથતી હતી,
નિજ જબ્બર ને જંગી જરૂરિયાત પૂરવા
એ દિવ્ય શક્તિને પાછા આવવાનું હતી આહવાન આપતી.
ઓચિંતા ઝાપટા પેઠે શક્તિ પાછી રેલાઈ આવતી હતી,
કે એને હૃદયે ધીરે સાન્નિધ્ય વધતું હતું,
ને બાહ્ય ચેતના એની યાદ એવા
શિખરે કો સયત્ન ચઢતી ફરી,
કે જે શૃંગથકી નીચે પડી' તી એ તેની ઉપર ઊડતી.
પ્રત્યેક ચડણે એની સમાવસ્થા બનતી' તી બૃહત્તરા,
ઉત્તુંગતર અધ્યાત્મ-ફૂટે વાસ થતો હતો;
વધારે વાર એનામાં રહેતી પરમધુતી.
૫૩
પૃથ્વી ને સ્વર્ગ વચ્ચે આ હીંચકાતી દશામહીં,
આત્માના આ અનિર્વાચ્ય યોગના અધિરોહણે,
વધે છે ચંદ્રમા તેમ મહિમા અંતરાત્મની
સંપૂર્ણરૂપતા કેરો એના અંતરમાં વધ્યો.
અપૂર્વ સાથ સંયોગ સત્યસત્તાસ્વરૂપનો,
અદ્વિતીયતણી દૃષ્ટિ પ્રત્યેક મુખેથી થતી,
કાળમાં શાશ્વતાત્માનું સાન્નિધ્ય મર્ત્ય ચિત્તના
વસ્તીઓ પરના અર્ધ-આલોકોને બૃહત્તર બનાવતું,
માનવી બળ ને દૈવ વચ્ચેના અવકાશને ને
સાંધતું સેતુબંધથી,--
એ સૌએ આપણો છે જે આત્મા હ્યાં ખંડ-રૂપમાં
તેને અખિલતા અર્પી અખંડાત્મસ્વરૂપની.
આખરે દૃઢ અધ્યાત્મ-તુલાની સ્થાપના થઇ,
લોકે શાશ્વતના ચાલુ રહેવાનું થઇ ગયું,
મળી સલામતી મૌનમયે તે સત્પ્રકાશમાં,
અક્ષરાત્મામહીં એનો વસવાટ થઇ ગયો.
નિશ્ચલ બ્રહ્યમાં એની સત્-તાનાં શિખરો વસ્યાં:
ઉર્દ્વોદ્વ ભોમમાં એનું મન વિશ્રમતું બન્યું,
ઇન્દ્રજાળ અને લીલા નીચેની અવલોકતું
જ્યાં નિશા ને ઉષા કેરે ઉછંગે છે ઢળેલો ઈશ્વરી-શિશુ,
ને સનાતન જ્યાં ધારે કાળના છદ્મવેશને.
નિ:સ્પંદ શિખરો ને સંક્ષુબ્ધ નિમ્ન ગર્તને
સંમતિ સુમાહત્ દેતો આત્મા એનો સમત્વનો.
સ્થિર સામર્થ્યથી યુક્ત ધીરભાવી પ્રસન્નતા,
વિશાળ નિશ્ચલા દૃષ્ટિ કાળના ક્ષોભની પરે,
સર્વાનુભવની પ્રત્યે એની એ શાંતિ રાખતી.
શોક ને હર્ષની પ્રત્યે ઉદાસીન બનેલ એ,
અજાયબ અને સાદ થકી લુબ્ધ થયા વિના
અવિકંપ રહી વ્હેણ જોતો એ વસ્તુઓતણું,
શાંત નિ:સંગ ભાવે એ દેતો ટેકો અસ્તિયુક્ત સમસ્તને ;
૫૪
એના આત્માતણી શાંત સ્થિતિ સાહ્ય
કરતી ' તી શ્રમે લાગેલ લોકને.
બનેલું છે બધું જેનું તે કાચા દ્રવ્યની પરે,
જડતાના મહાપિંડ કેરા ઇન્કારની પરે,
જગત્ કેરી અવિદ્યાના ભૂખરા મોખરા પરે,
અચિત્ પદાર્થ ને ઘોર ભ્રમ પે જિંદગીતણા,
મૌનપ્રેરિત ને બંધ આંખની દૃષ્ટિએ સજી
શક્તિ એની નવી જ્યોતિર્મયી એક કલા વડે
કાર્યને કરવા કેરું સામર્થ્ય ધારતી હતી.
કો શિલ્પકાર ટાંકીને શિલા જેમ દેવમૂર્તિ બનાવતો,
ડોળવ્યું તેમ એણેયે કાળું આવરણ ક્રમે,
અજ્ઞાન સૃષ્ટિ કેરું જે રક્ષાવ્યૂહ બનેલ છે,
જે અચિત્-રૂપની માયા રહસ્યમયતાય છે
જેના ઓઢાડમાં કાળા શિર શાશ્વત ઢાંકતો,
કે જેથી વિશ્વને કાળે કાર્ય પોતે અવિજ્ઞાતપણે કરે.
આત્મ-સર્જનની ભવ્ય પ્રભા આવી ઊતરી શૃંગમાળથી,
ગૂઢ અગાધતાઓમાં રૂપાંતર થઇ ગયું,
વધારે સુખ દેનારું કાર્ય વિશ્વ-વિરાટમાં
શરૂ થઇ ગયું એની મહીં ઘાટ જગને આપતું નવો,
સૃષ્ટિમાં પ્રભુ સંપ્રાપ્ત થતો, સૃષ્ટિ પ્રભુમાં સિદ્ધિ પામતી.
દેખાવા માંડ્યું' તું એની મહીં એ કાર્ય શક્તિનું :
આત્માના ઉચ્ચ શૃંગોએ કીધો ' તો વાસ જીવને ;
આત્મા, મન તથા હૈયું તેનાં એક સૂર્યરૂપ બન્યાં હતાં;
માત્ર પ્રાણતણાં નિમ્ન ક્ષેત્રો ઝાંખા રહ્યાં હતાં.
કિંતુ ત્યાંયે જિંદગીની સંદિગ્ધ છાયની મહીં
ચાલતો' તો મહાયત્ન, ને હતો ત્યાં ઉચ્છવાસ આગ આગનો ;
આચ્છાદિત મુખે દિવ્ય શક્તિ સંદિગ્ધ લાગતી
કરી કાર્ય રહી હતી,
સાક્ષી અંત:સ્થ જોતો ' તો એને નિશ્ચલ શાંતિથી.
મથતી ત્યકત નીચાણે હતી પ્રકૃતિ, તે પરે
૫૫
પણ પ્રૌઢ પ્રકાશોના ગાળાઓ આવતા હતા :
જળતી વિદ્યુ તો કેરી દીપ્તિઓ પર દીપ્તિઓ,
અનુભૂતિ હતી એક કથા ઉદ્દામ અગ્નિની,
દેવો કેરાં જહાજોની આસપાસ લહરાતી હતી હવા,
અણદીઠેલ પાસેથી વ્હાણોમાં આવતી હતી
દોલતો કૈ નવી નવી ;
કોરા વિચારમાં સૂક્ષ્મ દૃષ્ટિ કેરી ભરતી દીપ્તિઓ હતી,
અબોધ સ્તબ્ધતાઓ શું માંડતું જ્ઞાન ગોઠડી,
રેલાઈ આવતી નીચે સરિતાઓ
અત્યાનંદ અને ધુતિલ શક્તિની,
સર્વસમર્થ ઊંચેની રહસ્યમયતા થકી
સૌંદર્યની મુલાકાતો થતી,
ઝંઝા-ઝપાટાની સાથે વરસતી મુદા.
ત્યાંથી સર્વજ્ઞતા કેરાં ઊતરીને ગરુડો આવતાં હતાં.
ચિરાયો પડદો ગાઢ, ને જપાઈ કાને ગૂજ મહાબલી ;
એના અંતર-આત્માનું એકાંત પડઘાવતો
પોકાર એક પ્રજ્ઞાનો લયલીન ધામોથી પારપારના
અદૃષ્ટ વિશ્વના શૈલો પર આલાપતો હતો ;
અંત:શ્રુતિ સુણે છે જે તે સ્વરો લાવતા હતા
તેની સમીપ પોતાના ઉદ્ ગારો પયગામના,
અમર્ત્ય શબ્દનાં જવાલાધારી પ્રસ્ફોટનો, તથા
નિગૂઢ દૃષ્ટિ દેનારા ઝબકારા પ્રકાશના
અગમ્ય ગુપ્તતામાંથી એની આગળ આવતા.
થયું છે પ્રેરિત જ્ઞાન ગાદીનશીન અંતરે,
બુદ્ધિનાં વર્ષથી જેની પળો વધુ ઉજાળતી :
લયવાહી પડ્યો તાલ પ્રદર્શાવંત જ્યોતિનો
સત્ય ઉપરનો જાણે સૂચવંતો હોય ના સ્વરભાર કો,
નભે ભભકતી જોત જેમ સારી ભોંયને અજવાળતી,
પ્રકાશ્યું તેમ વિજ્ઞાન સ્ફુરતું શીઘ્ર અંતરે.
સત્યાસત્યતણો ભેદ એક દૃષ્ટે થઇ જતો,
૫૬
કે ઓથું લઇ દેવોની સહી કેરું બનાવટી
મનનાં બારણાંમાંથી ટોળાબંધ પ્રવેશતા,
કરતા હક્ક આવે જે તેમને અટકાવવા
તુર્ત મશાલની જોત ઊંચકે અંધકારમાં,
પાડતું પકડી વેશધારી માયાવિની વધૂ,
માપતું મુખ દેખીતું પ્રાણનું ને વિચારનું.
ઓચિંતા દુત શી સર્વદર્શી ઉત્તુંગ શૃંગથી
પ્રેરણા વીજળી-વેગે આવતી ' તી અનેક્દા,
ને એના મનના મૌન માર્ગોએ પરસાળના
લાવતી' તી ગૂઢવસ્તુજ્ઞાનની લયવાહિતા.
સંગીત બોલતું એક મર્ત્ય વાણી વટાવતું.
જાણે સુવર્ણ કૂપીથી સર્વાનંદસ્વરૂપની
જ્યોતિ-જાયો હર્ષ એક, હર્ષ એક દૃષ્ટિનો અણચિંતવી,
મહાનંદ અપ્રણાથી રોમહર્ષણ શબ્દનો,
રેલાયા હૃદયે એના ખાલી પ્યાલામહીં યથા,
પુનરાવૃત્તિ પામેલો આદિ આનંદ ઇશનો
સર્જતો હોય ના જાણે કુમારા બાલ્ય કાલમાં.
અલ્પજીવી ક્ષણે, ક્ષુદ્ર અવકાશે પકડાઈ પુરાયલું,
ભવ્ય નિ:શબ્દતાયુક્ત ચિંતનો મધ્ય ઠાંસી ભરાયલું,
જે સર્વજ્ઞાન છે તેણે
એની અગાધતાઓની અપેક્ષંતી સ્પંદનહીનતામહીં
આખરી કેવલાત્માના એક સ્ફટિક રૂપને,
મૌનસ્થ સત્ત્વમાં મૌન દ્વારા પ્રકટ થાય તે
અનિર્વાચ્ચ સત્યના એક અંશને
આપ્યું સ્થાન નિવાસનું.
અચંચલ અવસ્થામાં રાજા કેરી
સાન્દ્રભાવી સૃષ્ટ્રી કાર્યપરા બની ;
મૂકભાવી શક્તિ એની સવિશેષ બની નિકટની ગઈ;
દૃષ્ટ-અદૃષ્ટ બનનેને હતી એ અવલોકતી,
૫૭
અતકિંત પ્રદેશોને
પોતા કેરું જન્મજાત ક્ષેત્ર એણે બનાવિયા.
જયારે ત્રાટક માંડે છે આંખો એક અદૃશ્ય બિન્દુની પરે
અનેં ત્યાં એક તેજસ્વી ટપકાની તીવ્રતાના પ્રતાપથી
પ્રતીકોનો લોક એક જ્ઞાનદૃષ્ટિ સામે પ્રકટ થાય છે,
ને પ્રવેશ કરે છે એ દ્રષ્ટાના રાજ્યની મહિ,
તેમ કિરણમાં એક સર્વદૃષ્ટિ એકત્રિત થઇ ગઈ.
ઓચિંતી ઉદ્ ભવી એક દીપ્તિ કેરી અનાવૃત મહાભુજા,
જાળી અજ્ઞાનની અલ્પદર્શી એણે કરી નાખી વિદારતા :
ઊંચકેલી અંગુલીના અતકર્ય તીક્ષ્ણ ટેરવે
જવાલા-પ્રહારથી ખુલ્લું કર્યું બંધ હતું જે પારપરનું.
નીરવ લયની ઉચ્ચ ભૂમિકામાં આંખ એક પ્રજાગરા,
તોડી અક્લ્પને લેવા માગતા મન-રૂપ એ
જોખમી કૂદકે એક પાર કેરી ચેતનાને છુપાવતી
કરી પાર ગઈ ઊંચી કાળી દીવાલ એ, અને
ઘૂસી માર્ગ કરી વાણી પ્રેરણાની લઇ દાતરડા સમી,
લૂંટી અપાર સંપત્તિ અવિજ્ઞેયસ્વરૂપની.
સૂક્ષ્માતિસૂક્ષ્મ વીણીને સત્ય કેરા કણો સંઘરનાર એ,
ઝૂડીઓની બાંધનારી અસંખ્યાત એવા અનુભવોતણી,
એણે ભેદ્યાં સાચવેલાં રહસ્યો વિશ્વ-શક્તિનાં,
હજારો પટવસ્રોમાં વીંટાયેલી
ભેદી એની જાદૂઈ રીતિઓ બધી;
કે કાળે ચડતે માર્ગે ધૂળમાં ને ચિરાડાઓમહીં તહીં
ગેરવ્યાં ' તાં રહસ્ય જે,
ત્વરંતા મનનાં જૂનાં સ્વપ્નોની વચગાળમાં
ને ભુલાયેલ સ્થાનના
દટાયેલા અવશેષોતણી વચે,
તે ખોવાયાં રહસ્યોને એણે ભેગાં કર્યાં વળી.
શૃંગ ને ગર્તની વચ્ચે કરતી એ મુસાફરી
છેડા દૂરતણા એણે જોડી દીધા
૫૮
ને આઘેના અબ્ધિઓને એકાકાર બનાવિયા,
કે માર્ગે સ્વર્ગ-પાતાલ કેરા રેખા સમી સરી
શિકારી શ્વાનની પેઠે શિકારાર્થે શોધતી સર્વ જ્ઞાન એ.
જ્ઞાનની ગુપ્ત વાતોની આપતી ખબરો અને
દિવ્ય વાણીતણી એની ટિપ્પણીઓ પ્રકાશની
નિગૂઢ મનના છૂપા કાર્યાલયમહીં થઇ
થતી પસાર, ને ગૂઢ સત્ય કેરી પ્રેરણાનું કલેવર
પ્હોંચાડતી વહી-રૂપે સિદ્ધાત્માને ને આર્ષદૃષ્ટિવંતને.
એ દેવોની તપાસોનાં દફ્ તરો રાખતી હતી,
પરમાત્માતણી મૌન દૃષ્ટિઓનું હતી મુખ,
શબ્દો અમર્ત્ય એ મર્ત્ય માનવો પાસ આણતી.
બુદ્ધિની પાતળી શી ને પ્રભાવંત બંકિમા રેખની પરે,
ચંદ્રને ઝાંખ દેનારી ધુતિમંતી હવા સમા,
રખારહિત નિ:સીમ દર્શનાલોકના બૃહત્
વિસ્તારો તરતા એના આત્માની દૃષ્ટિની મહીં.
સત્ તણા સાગરો એના સફરી આત્મને મળ્યા,
અપાર શોધને માટે એને આહ્ વાન આપતાં;
શાશ્વત ચુપકીદીથી ઘેરી વિસ્તરતી હતી
ભોમો અકાળ, આનંદ તથા કેવળ શક્તિની;
માર્ગો દોરી જતા પાર વિનાના સુખની પ્રતિ
સ્વપ્નસ્મિત સમા ધ્યાની વિરાટોમાં થઇ જતા :
સુર્યપ્રભાસ્થલી શુભ્ર પંથહીન અનંતમાં
સોનેરી પળની જોતે પ્રત્યક્ષભાવ પામતી.
અસીમ આત્મની નગ્ન રેખે રેખે વળાંકની
વસ્તુજાતતણા બંધ હૈયા મધ્યે થઇ જે જાય બિંદુઓ,
તેમણે કાળને માર્ગે લઇ શાશ્વતને જતી
અલક્ષ્ય રેખને છાયા નાખીને અંક્રિતા કરી.
સૃષ્ટિકેરા પ્રતીકાત્મ તથ્થોના જડ જૂથથી
અને જીવનના ચાલુ ઘટનાનાં નિશાનથી
૫૯
બળાત્કારે નિયંત્રંત સ્વાતંત્ર્ય અણસીમનું,
વૈસ્વ માનસની જાદૂ ભરેલી કાર્યપદ્ધતિ,
તેણે થતા અકસ્માત ને આવૃત્ત થયે જતા
બનાવોના બનાવી છે દીધા નિયમ ચાલતા,
ઇંગિતોની વ્યસ્તતાને આપ્યું છે રૂપ વિશ્વનું.
જડ દ્રવ્યતણું મ્હોરું પહેરી આત્મ નર્તતો,
ત્યાં તેના નૃત્યનાં ઋદ્ધ આશ્ચર્યો ને
ગોળાવા ગૂંચવાયલા,
એમાંથી સ્પષ્ટતા પામી વિશ્વ કેરી
યોજનાની તુલાઓ સમધોરણી,
વ્યવસ્થાપિતા આત્માનાં ગૂઢ વાસ્તવ દર્શને
સ્વયં-વ્યૂઢ ફલો કેરી પ્રકટી સપ્રમાણતા,
પ્રકટી સત્યતા તેની માયાત્મક ક્લાતણી,
પ્રકાશી તર્કની યુક્તિ અપરંપાર બુદ્ધિની,
એનો વ્યક્ત થયો જાદુ વિકારી શાશ્વતીતણો.
થઇ ઝાંખી હમેશાંની અજ્ઞાત વસ્તુઓતણી,
અક્ષરો ઊપસી આવ્યા નિશ્ચલાત્મક શબ્દના.
થતી પ્રકટ દેખાઈ અગાધાબ્ધિથકી યથા
અવિકારી અને નામ વિનાના આદિમૂળમાં
રચ્યું છે જગ જેણે તે કલ્પનાજ્યોતિ-પદ્ધતિ,
વવાયું ભોમમાં કાળી સમાધિસ્થ નિસર્ગની
બીજ આત્માતણી અંધ બૃહત્કાય સ્પૃહાતણું ,
જેના ગર્ભથકી જન્મ્યું વૃક્ષ વિશ્વસમસ્તનું,
વિસ્તાર્યા છે ચમત્કારી બાહુ જેણે સ્વપ્નમાં અવકાશના.
મળે ના જેમનું માપ એવી મોટી
સત્તાઓએ કર્યું ધારણ રૂપ ત્યાં:
પ્રભુને જન્મતો જોયો છે જેણે તે અશરીરી અનામતા
અવિજ્ઞાતતણી છાયામાંથી બ્હાર હતી ત્યાં અવલોકતી,
મર્ત્યના મન ને જીવ પાસથી જે મૃત્યુમુક્ત શરીરને
ને દિવ્ય નામને પ્રાપ્ત કરવા યત્નશીલ છે,
૬૦
ઓઠ નિ:સ્પંદ, ને મોટી પાંખો નિમ્ન સ્તરોમાં ગૂઢ ઊડતી,
પરચેતન નિદ્રાની પિછોડીએ ઢંકાયેલ મુખાકૃતિ,
ને બંધ પોપચે વસ્તુજાત જોનાર લોચનો
દેખાયાં લયમાં શિલ્પ કરતા શિલ્પકારનાં.
ડોકિયું કરતો બ્હાર આદિ કામ જાત શૂન્યાવકાશમાં,
આશાને નીરખી એણે જે કદી ઊંઘતી નથી,
ભાગતા ભાવિની પૂઠે દોડતા પાપ નીરખ્યા,
અનિર્વાચ્ય હેતુ જોયો અંતવિહીન સ્વપ્નનો.
ઈશની શક્તિએ એક ધરી હોય મશાલ ના,
તેમ પ્રભાભર્યો લોક સર્વકાલીન સત્યનો
રાત્રી કેરી કિનારીએ મંદ કો તારકા સમો,
સુવર્ણ વર્ણ જ્યોતિના
અધિમાનસની ધાર કેરી ઝબકની પરે
પ્રકટ્યો ત્યાં પ્રકાશતો.
ઝડપાયાં વળી જાણે માયાવી ચક મધ્યથી
પ્રેમનું સ્મિત લાંબી જે લીલા મંજૂર રાખતું,
ધીરભાવી લાડકોડ, ને પ્રજ્ઞામાતના સ્તનો
સ્તન્યપાન કરવંતા દૈવના શિશુ-હાસ્યને,
મૌનનીરવતા, ધાત્રી શક્તિ કેરી સર્વશક્તિસ્વરૂપની,
સર્વજ્ઞ ચુપકી ગર્ભસ્થાન અમર્ત્ય શબ્દનું,
સ્પંદવિહીન ને ધ્યાનમગ્ન મુખ અકાલનું
અને શાશ્વતતા કેરી આંખડી સર્જનાત્મિકા.
પ્રેરણા આપતી દેવી પ્રવેશી મર્ત્ય-વક્ષમાં,
અભ્યાસખંડ ત્યાં સ્થાપ્યો એણે ભાવિ ભાખનારા વિચારનો,
ઈશ-સંદિષ્ટ વાણીનું કીધું પુનિત ધામ ત્યાં,
બેઠી એ ત્રણ-પાયાળી મનની પીઠિકા પરે :
બૃહત્ સર્વ બન્યું ઊર્ધ્વે , દીપ્ત સર્વ બન્યું તળે.
અંધકારતણે ઊંડે હૈયે એણે ખોદ્યા કૂવા પ્રકાશના,
શોધાયાં ન હતા એવાં ઊંડાણોને રૂપ લેતાં બનાવિયાં,
અવ્યાહૃત વિરાટોને આપ્યો પોકાર કંપતો,
૬૧
ન કિનારો, ન વા વાચા, ને ન તારા,-
એવા મોટા વિસ્તારોની મહીં થઇ,
મૌનમાંથી અનિર્વાચ્ય કેરા કાપી કાઢાયલા
દૃષ્ટિ દેતા વિચારોના ટુકડાઓ વહી આણ્યા ધરા પ્રતિ.
અવાજે એક હૈયામાં સમુચ્ચાર્યું ન ઉચ્ચારેલ નામને,
સ્વપ્ન મેળવવા માટે નીકળેલા વિચારનું,
અટતું અવકાશમાં
અદૃશ્ય ને નિષેધેલા ગૃહ મધ્યે પ્રવેશિયું :
સ્વર્ગીય દિનનો દિવ્ય ખજાનો હાથ આવિયો.
ઝગ્યો એનો રત્નદીપ ઊંડેરે અવચેતને;
ઊંચકી ધરતાં એણે કર્યાં ખુલ્લાં ગુહામધ્યતણાં ધનો,
ઇન્દ્રિયગ્રામના ચોર કંજૂસ વ્યવહારિયા
વાપર્યા વણ રાખે છે સંરક્ષાયેલ જેમને
રા્ત્રિના વ્યાલના પંજા હેઠ, વીંટી
ગડીઓમાં મખ્ મલી અંધકારની,
ને તે સૂતા પડેલા છે ગુહા મધ્યે, મૂલ્યે અમૂલ્ય જેમના
લીધું હોત બચાવી જગ સર્વને.
હૈયે પ્રભાતને ધારી જતું એક તમિસ્ર ઢૂંઢતું હતું
નિત્ય પાછી આવનારી વિશ્વે વ્યાપ્ત થતી વિભા,
જો આગમની વાટ વિશાળતર રશ્મિના,
અને મોક્ષણની સૂર્ય કેરાં લુપ્ત ઘણોતણા.
બિગાડ છોડતા ઈશ કેરા ભવ્ય ઉડાઉપણથી થતા
કર્યે અતિવ્યથી સૃષ્ટિ કેરા, સ્રસ્ત પ્રમાદથી
તલહીન જગે ત્યાંની વખારોમાં રખાયેલું,
અને ચોરાયલું છાના સિંધુના પણિઓ વડે,
એવું સોનામહોરનું ધન શાશ્વતનું તહીં
સ્પર્શ--દૃષ્ટિ--મનીષાથી બચાવી સંઘરાયલું,
અજ્ઞાન ઓધનાં અંધ કંદરોમાં તાળાં વાસી રખાયલું,
કે રખે માણસો તેને મેળવીને
બની જાય દેવલોક સમોવડા.
૬૨
અદૃશ્ય શિખરો માથે જ્ઞાનજ્યોતિ આપી છે એક દર્શને,
નિ:શબ્દ ગહનોમાંથી પ્રજ્ઞાએ વિતરી પ્રભા;
નિગૂઢતર વ્યાખ્યાએ મહાંત સત્યને કર્યું,
વિપર્યાસ મહાભવ્ય રાત્રિ ને દિનનો થયો;
સઘળાં જગનાં મૂલ્ય બદલાયાં
જીવનોદ્દેશનો ઉત્કર્ષ સાધતાં;
મનવી મનનો મંદ શ્રમ આણી શકંત જે
તેથી પ્રાજ્ઞતરા વાણી ને વિચાર બૃહત્તર પ્રવેશિયો,
સાન્નિધ્ય એક ને એક મહિમા જે સર્વત્ર અવલોકતી
તે સંવેદનની ગૂઢ શક્તિ પામી પ્રબોધતા.
તોતિંગ યંત્ર પે ધાર્યું, મૂઢભાવે ગોળ ગોળ ફર્યે જતું
હોય એવું ન નિશ્ર્ચેષ્ઠ રહ્યું જગત આ હવે;
એણે દૂર કરી દીધો જંગી નિર્જીવ મોખરો,
યંત્રકાર્ય રહ્યું ના એ, ના રહ્યું એ કાર્ય યા દૈવયોગનું,
પ્રભુના પિંડ કેરી એ જીવમાન ગતિ રૂપ બની ગયું.
આત્મા એક છુપાયેલો રૂપોમાં ને બલોમહીં
ચલાયમાન દૃશ્યોને સાક્ષીરૂપે નિહાળતો :
સૌન્દર્યે ને સદા ચાલુ ચમત્કારે પ્રવેશવા
દીધો અંદર અવ્યક્ત આત્મા કેરા પ્રકાશને :
નિરાકાર નિત્ય આવ્યો ચાલી અંદર પામવા
સતત્વોમાં ને વસ્તુઓમાં પૂર્ણતા સ્વસ્વરૂપની.
રાખી ના જીવને રૂપે મંદતા ને નિરર્થતા.
જગજીવનસંગ્રામે અને ઉથલપાથલે
દીઠી પ્રસવની પીડા નૃપે દેવાત્મજન્મની :
ગુપ્ત એક હતું જ્ઞાન છૂપા અજ્ઞાનવેશમાં;
વિધાતા રાખતો ઢાંકી અણદીઠી અવશ્યંભાવિતા વડે
સર્વસમર્થ સંકલ્પ કેરી લીલા યદૃચ્છા જ્યાં પ્રવર્તતી.
પ્રભા, પ્રહર્ષ ને જાદૂ--સર્વાનંદસ્વરૂપ એ
અવિજ્ઞાત વિરાજંતો હતો હૃદય-ભીતરે ;
બંદી મુદાતણું મુક્તિમૂલ્ય દુઃખો ધરાતણાં.
૬૩
સુખી આત્મિક સંસર્ગ ચાલી જાતિ ઘડીઓ રંગતો હતો;
હતા દિવસ યાત્રીઓ પૂર્વનિશ્ચિત પંથના,
ને રાત્રીઓ હતી તેના ધ્યાનમગ્ન આત્માની સહચારિણી.
દિવ્ય આવેગથી તેનું હૈયું સારું તેજીમંત બન્યું હતું;
ઢસડતો જતો કાળ
પલટાઈ બન્યું એનું પ્રયાણ ભવ્યતાભર્યું ;
વિભુ વામન ઊંચેનાં વણજીત્યાં જગતોએ વધી ગયો,
એના વિજયને માટે પૃથ્વીલોક બન્યો બેહદ સાંકડો.
માનવી લધુતા કેરી પર ભારે પગે જતી
એક અંધી શક્તિ કેરી ગતિની નોંધ રાખતું
હતું જીવન જે એકવારનું તે
બન્યું હાવે ખાતરીથી પ્રભુ પાસે લઇ જતું,
અસ્તિત્વ ધરતું રૂપ એક દિવ્ય પ્રયોગનું,
ને વિશ્વ અંતરાત્માને માટે તક બની ગયું.
પદાર્થજડતા મધ્યે આત્માની ગર્ભધારણા
અને પ્રસવ જીવંત રૂપોમાં-એ બન્યું જગત્ ,
ધર્યો પ્રકૃતિએ ગર્ભાશયે અમૃતરૂપને,
જેના દ્વારા સમારોહી ઊર્ધ્વે પોતે જાય શાશ્વત જીવને.
આત્મા પોઢ્યો હતો એનો ઉજ્જવલ સ્થિર શાંતિમાં,
કરતો સ્નાન ઉત્સોમાં પવિત્ર બ્રહ્યજ્યોતિના,
સદાસ્થાયી સૂર્ય કેરાં કિરણોએ પ્રકાશિત
પ્રજ્ઞામયતણાં મોટાં ક્ષેત્રોમાં ઘૂમતો હતો.
ભીતરે દેહનો સૂક્ષ્મ આત્મા સુદ્ધાં અંશોને નિજ પાર્થિવ
ઉઠાવી શકતો ઊંચે ઉન્નતતરની પ્રતિ,
ને દિવ્યતર વયુનો
ઉચ્છવાસ એ લહેવાને શક્તિમાન બન્યો હતો.
પ્રભુતા પ્રતિ યાત્રા તો કયારનીયે એની ચાલુ થઇ હતી :
તે વેગી હર્ષના પાંખવંત પવનની પરે ઊંચકાઈ જતો હતો,
પોતે જેને ધારવાને ના હમેશાં સમર્થ તે જ્યોતે ઉદ્ધાર પામતો,
સર્વોચ્ચ સત્યથી ર્ હેતી મનની જેહ દૂરતા તે એણે અવ છે તજી ,
૬૪
અશક્તિ પ્રાણની ખોઈ પરમાનંદ પ્રાપ્તિની.
આપણામાં રહેતું જે દબાયેલું
તે બધાએ સમારંભ કર્યો પ્રકટવા તણો.
એના આત્માતણી આમ મુક્તિ અજ્ઞાનથી થઇ,
અધ્યાત્મ પલટો પ્હેલો થયો એના મનનો ને શરીરનો.
પ્રભુનું જ્ઞાન રેલાઈ ઊર્ધ્વમાંથી આવ્યું વિશાળ વ્હેણમાં,
નવું જગતનું જ્ઞાન ભીતરેથી વધ્યું વિસ્તાર પામતું,
વિચારો નિત્યના એના ઊંચી આંખો નિહાળતા
સત્યરૂપ અને એકસ્વરૂપને,
છેક સામાન્ય કર્મો યે એનાં આંતર જ્યોતિથી
ઉભરી આવતાં હતાં.
રાખે પ્રકૃતિ સંતાડી તે રેખાઓ પ્રત્યે બનેલ જાગતો,
આપણી દૃષ્ટિ પ્હોંચે ના એવી એની ગતિઓ સાથ મેળમાં
રહેલો એ બન્યો એકરૂપ એક અવગુંઠિત વિશ્વ શું.
એની પકડ ઓચિંતી કબજે કરતી હતી
ઉદ્ ગમો સૃષ્ટિની સૌથી બલિષ્ઠ શક્તિઓતણા ;
અજ્ઞાત લોક્પાલોની સાથે એ બોલતો હતો,
જોતો ' તો રૂપ ના જેને આપણી આ મર્ત્ય આંખો નિહાળતી.
અદૃશ્ય સત્ત્વ લેતાં' તાં રૂપ એની વિશાળ દૃષ્ટિ સન્મુખે,
વિશ્વ કેરાં બળો એણે અવલોકયાં લાગેલાં નિજ કાર્યમાં,
અને અનુભવ્યો ગૂઢ થકી ધક્કો
માનવીની ઈચ્છાને હડસેલતો.
કાળ કેરાં રહસ્યો તો એને માટે બની ગયાં
કો વાર વાર વંચાઈ ગયેલા ગ્રંથના સમાં;
ભાવિ ને ભૂતની લેખસામગ્રી દફ્ તરે ચઢી
અંતરિક્ષતણે પાને ઉતારાઓ
પોતાના રૂપરેખાએ આંકીને આપતી હતી.
વિધાતાની ચાતુરીએ એકરૂપ અને સંવાદિતા ભર્યું
એનામાંનું મનુષ્યત્વ પ્રભુ કેરી
સાથોસાથ પગલાં ભરતું હતું.
૬૫
કર્મો એનાં દગો ન ' તાં અંત:સ્થ જ્યોતને.
પૃથ્વીની પ્રતિના એના મોખરાની ઘડી આણે મહંતતા.
એના દેહાણુઓ મધ્યે ઉચ્ચભાવ પ્રતિભા એક પામતી
જાણતી જે મર્મ એનાં પ્રારબ્ધ-બદ્ધ કર્મનો,-
કર્મ જેહ
આત્મા નિ:સીમતાઓમાં જિંદગીના વૃત્તની પાર રાજતી
અસંસિદ્ધ શક્તિઓનાં પગલાંઓ સાથે સંવાદ સાધતાં.
નિરાળો એ રહેતો ' તો એકાંત નિજ ચિત્તના,
ઘડતો માનવીઓનાં જીવનો અર્ધદેવ એ :
મહેચ્છા એક આત્માની જાતિ કેરો ઉદ્ધાર કરતી હતી;
ક્યાંથી આવેલ છે એ તે કોઈએ જાણતું ન ' તું.
બળો વિશ્વતણાં એના બળ સાથ સંકળાઈ ગયાં હતાં;
પ્રથ્વી કેરી ક્ષુદ્રતાને ભરી દેતી
વિસ્તારોએ નિજ નિ:સીમતાતણા,
યુગને પલટો દેતી શક્તિઓને
એ પોતામાં આકર્ષી આણતો હતો.
સામાન્ય દૃષ્ટિને માટે અપ્રમેય બનેલ એ
આગામી વસ્તુઓ માટે બીબાંરૂપ મહાસ્વપ્નો બનાવતો,
પોતાનાં ચરિતોને એ
કાળ સામે ટકી ર્ હેવા કાંસાની જેમ ઢાળતો.
કાળમાં ભરતો એ જે પગલાં તે
માનવોની ફલંગોને ક્યાંય પાછળ મૂકતાં.
એકાકી દિવસો એના દીપ્તિમંત હતા સૂર્યદિનો સમાં.
૬૬
ત્રીજો સર્ગ સમાપ્ત
સર્ગ ચોથો
રહસ્યમય જ્ઞાન
રાજા અશ્વપતિની સાધના એને આત્માવસ્થાના એક એવા શિખર પર લઇ જાય છે કે જ્યાંથી પ્રાપ્ત કરેલા શિખરોથીય ઊંચાં શિખરો દેખાવા માંડે છે. આ તો માત્ર ઊગતી ઉષા જ છે, સત્યનો સૂર્ય હજી ઉપર આવવામાં વિલંબ કરી રહ્યો છે.
આપણે મૃત્યુબદ્ધ ક્ષુદ્રતા જ નથી. ભુલાયેલી અમરતા અને અનંતતા પણ આપણી જ છે. એની સાથે આપણો ગાઢ આત્મીસંબંધ છે, ને અવારનવાર ધન્ય ક્ષણોએ આપણને એની ઝંખી થાય છે.
આપણા અસ્તિત્વનાં એ દિવ્ય ધામોમાંથી કોઈ એક ગૂઢ સાંનિધ્ય નીચે ઊતરી આવે છે અને દેહધારી બને છે. અંતરનું ઉન્મીલન થતાં આપણને ઉપરની વસ્તુઓના અદ્ ભૂત અનુભવો થવા માંડે છે અને આપણે પ્રભુના સંપર્કમાં આવીએ છીએ તથા પ્રભુના મધપૂડામાં સંઘરાયેલાં અમૃતોનો આસ્વાદ મેળવીએ છીએ.
પણ આપણી સામન્ય અવસ્થા માટે આ બધું પડદા પાછળનું ને સીલબંધ જેવું રહેલું હોય છે. આપણા અંતરમાં અભીપ્ષાનો અગ્નિ જાગે છે અને તે રાત્રીના અંધકારમાંથી અમર જ્યોતિ પ્રત્યે ઉપર આરોહે છે.
પૃથ્વીદેવી કાળમાં પરિશ્રમ કરતી રહે છે અને એનામાં જે સત્તા ગૂઢ રહેલી છે તેનો સાક્ષાત્કાર કરવા મથે છે. પૂર્ણતા, પ્રભુનો સ્પર્શ,પરમપ્રેમ, સત્યજ્યોતિ તે પોતાની માટીમાં મૂર્તિમંત બનાવવા માગે છે. ભ્રમમુક્ત મન, અંતરાત્માને પ્રગટ કરતો સંકલ્પ, ઠોકરાય નહિ એવું બળ, અને દુઃખની છાયા વગરનો આનંદ એ સહજ બનાવવા માગે છે. આ બધા પર એનો જન્મસિદ્ધ હક છે.
આપણી અત્યારની અજ્ઞાનતા ને અપૂર્ણતા ભરી અવસ્થાની ને આપણી ભાવી દિવ્યતાની વચ્ચે જે મોટી ખીણ જેવું અંતર પડી ગયેલું છે તેને પૂરી દેવોની જરૂર છે, તેની ઉપર સેતુ બંધાઈ જવો જોઈએ.
આપણામાં રહેલો પ્રભુ આ કાર્ય કરી રહ્યો છે. એના કાર્યની સિદ્ધિને અંતે એનો પરમાનંદ અને પ્રભુ સાથેનું અદ્વૈત આપણા ભાગ્યમાં છે જ.
અહીં આપણે અવિદ્યાના જગતમાં જન્મેલાં પ્રભુનાં જ સ્વરૂપો છીએ, અહીં કાર્ય કરી રહેલી પ્રકૃતિ એની જ શક્તિ છે. ઈશ્વર અને ઈશ્વરની શક્તિ, પુરુષ રૂપે અને પ્રકૃતિ રૂપે અહીં લીલા કરી રહેલાં છે. પ્રભુ, પોતે જ જગતનો નાશ તેમ જ જગત છે, દ્રષ્ટા અને દૃશ્ય, નટ અને નાટક, જ્ઞાતા અને જ્ઞેય, સ્વપ્ન સેવનાર અને સ્વપ્ન પ્રભુ પોતે જ છે.
૬૭
પ્રભુ અને પ્રભુની શક્તિ પરસ્પર ગૂઢ સંબંધમાં રહી, પરસ્પર આત્મસમર્પણ કરી, પરસ્પર પ્રેમનો પરિચય પામતાં ને પમાડતાં રહી આ વિશ્વની લીલાનો આનંદ લૂંટે છે ને લૂંટાવે છે.
ઉભય સ્વરૂપે એક જ છે. પૃથક્ લાગતાં છતાં અભિન્ન છે, ને પુરુષ-પ્રકૃતિ રૂપે, જીવસ્વભાવ રૂપે આ જગતમાં અકળ લીલા કરી રહ્યાં છે, આખાયે અસ્તિત્વનો નાથ આપણામાં ગુપ્ત રહીને પોતાની શક્તિની સાથે જાણે કે સંતા-કૂકડીની રમત રમી રહ્યો છે.
પરમાત્માએ-પુરુષોત્તમે પોતાના મહામૌનમાંથી પોતાની શક્તિને પ્રકટ કરી છે. લીલામાં એ આપણાં સ્વરૂપો બન્યાં છે. એમની લીલા આપણને એમના પરાત્પર સ્વરૂપના બીબામાં ઢળવા માગે છે. પ્રભુ મનુષ્ય બન્યો છે અને એની શક્તિ મનુષ્યનો સ્વભાવ બની કાર્ય કરી રહી:છે. ઉભયનું કાર્ય--પ્રતિકાર્ય આપણને એમના સર્વોત્તમ સ્વરૂપની સિદ્ધિની દિશામાં દોરી જાય છે. આપણે પ્રભુના પુત્રો છીએ અને પ્રભુ જેવા જ આપણે બનવાનું છે. આ મહાન રૂપાંતરની ચાવી પ્રભુ પોતે જ છે.
માણસનો આત્મા કાળસાગરનો ખલાસી છે. પણ પ્રભુ પોતે જ માનસ રૂપે યાત્રા કરી રહ્યા છે. રાત દિવસ, જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિમાં આ યાત્રા ચાલી રહેલી છે, અને પ્રભુ પોતાની શક્તિના સહકારથી માનવચેતનાને પ્રભુતાના પરમ ધામે લઇ જાય છે.
આને માટે જ પ્રભુ અને પ્રભુની શક્તિ પાર્થિવ લોકમાં અવતર્યાં છે અને જ્યાં સુધી મનુષ્ય પ્રભુની પ્રતિમૂર્તિ નહિ બને ત્યાં સુધી એમનું કાર્ય અને સાથોસાથ માનવ આત્માની જીવનયાત્રા ચાલુ રહેશે.
વધારે ઉચ્ચ શૃંગોની પ્રત્યે જોતા શિખરે એક એ ખાડો.
અનંત પ્રતિનાં આદ્ય ઉપાગમન આપણાં
છે અદ્ ભુત કિનારીએ સૂર્યોદય-વિભૂતિઓ,
ન દેખાતો જહીં સૂર્ય પ્રજજવલંત વિલંબ કરતો હજુ.
અત્યારે આપણે જોતા તે છે છાયા-માત્ર આગમનીયની.
દર અજ્ઞાતની પ્રત્યે પૃથ્વી કેરી દૃષ્ટિ ઉન્મુખ થાય જે
તે તો પ્રસ્તાવના માત્ર ભવ્યભવ્ય અધિરોહણની, જહીં
સમ ભૂતલને ત્યાગી માનવાત્મા શોધવા નીકળી પડે
સત્તાને પરમાત્માની અને દૂર પ્રભા શાશ્વત જ્યોતિની.
છે આ જગત પ્રારંભ અને પાયો, પ્રાણ ને મન જે સ્થળે
૬૮
ઈમારતો કરે ઊભી પોતાનાં સપનાંતણી;
અજન્મા શક્તિએ એક કરવું પડશે તહીં
નિર્માણ સત્યતાતણું .
મૃત્યુમુક્ત ભુલાયેલા ભાવો વિરાટ આપણા
શૃંગોમાં આત્મના વાટ આવિષ્કારતણી જુએ;
સત્-તાના વણમાપેલા વિસ્તારો ને ઊંડાણો આપણાં જ છે.
અનિર્વાચ્ય ગુહ્ય કેરી સાથ નાતો ધરાવતાં,
નિગૂઢ, નિત્યભાવી ને અસાક્ષાત્કૃત કાલમાં,
સ્વર્ગ કેરાં પડોશીઓ શિખરો છે નિસર્ગનાં.
આપણી શોધની પ્રત્યે સીલબંધ
પ્રદેશો આ ઉત્તુંગ શિખરોતણા,
બહિ:પ્રકૃતિના માર્ગો વ્યવહારાર્થ, તે થકી
આવેલા દૂર દૂર કૈ,
એટલા તો ઉચ્ચ કે જ્યાં શ્વાસોચ્છવાસ
આપણી આ મર્ત્ય એવી જિંદગીના ન ચાલતા,
તેમની પ્રતિ નિર્દેશ કરે ઊંડો
ભુલાયેલો ઘાઢ સંબંધ આપણો,
ને ગુમાવેલ એ શુભ્ર આનંત્યોને
સંમુદા ને પ્રાર્થનાનો સાદ મંદ સ્વરે થતો.
આપણા અંતરાત્મામાં દૃષ્ટિપાત થતો ના હોય આપણો,
કે પોઢ્યા હોઈએ પૃથ્વીલોકની ચેતનામહીં,
તે છતાં આપણામાં છે અંશો જ્યોતિ પ્રત્યે વિકાસ પામતા,
છે પ્રદેશો પ્રભાવંત, ને સ્વર્ગો સ્વસ્થભાવનાં,
ભવ્યતાનાં ને મહંત મુદાનાં સ્વર્ણધામ છે,
દેખી કો ન શકે એવા દેવતાને માટે દેવાલયોય છે.
આપણામાં વિલંબાતી અરૂપા સ્મૃતિ છે હજુ.
ને અંતર્મુખતા પામે દૃષ્ટિ ક્યારેક તે સમે
પૃથ્વીનો પડદો અજ્ઞ
આપણી આંખોની સામે રહેલો ઊંચકાય છે;
ને અલ્પ કાળને માટે ચમત્કારી મુક્તિનો લાભ થાય છે.
૬૯
પામેલા જિંદગી રૂપે ચાપડાએ બાંધેલી અનુભૂતિની
આ સાંકડી કિનારીને પૂઠે આપણ રાખતા,
સંચારો આપણા અલ્પ ને અધૂરી પહોંચોને તજી જતા.
અવિનાશી પ્રભા કેરા પ્રદેશો અપ્રકંપ જે,
નીરવ શક્તિનાં સર્વદર્શી શૃંગો સેવાતાં પક્ષિરાજથી,
જ્યોત્સ્ના-જવાલાબ્ધિઓ ક્ષિપ્ર અગાધા સંમુદાતણા,
ને ચિદાકાશના શાંત વિસ્તારો અણસીમ જે,
ત્યાં આત્મા આપણા ભવ્ય ને એકાંત ઘડીઓએ જઈ શકે.
આત્મોત્ક્રાંતિતણી ચાલી રહેલી પ્રક્રિયા મહીં
કોઈ વાર અનિર્વાચ્ય રહસ્યમાયતા કરે
પસંદ માનવાધારે ઊતરી આવવા અહીં.
ઊર્ધ્વ કેરી હવામાંથી આવે નીચે ઉચ્છવાસ એક ઊતરી,
સાન્નિધ્ય ઊંચકાઈને આવે એક,
જ્યોતિ એક થાય જાગૃત દોરતી,
એક નિ:સ્પંદતા વ્યાપી જતી સૌ કરણો પરે :
કોઈ કોઈ સમે પાકે આરસ શિલ્પ શો
પાષણ-સ્થિરતા ધારી બને છે દેહ બેસણી,
શાશ્વતી શાંતિની મૂર્તિ થતી સ્થાપિત જે પરે.
ભભૂકતી પ્રવેશે છે શક્તિ એક આવિષ્કરણ લાવતી ;
વિરાટ કોક ઊંચેના મહાભુવનખંડથી
ભીતરે ઘૂસતું જ્ઞાન
પૂઠે ખેંચી ભાસમાન સમુદ્રો નિજ લાગતું,
ને એ શક્તિ તથા જ્યોતે થતી પ્રકૃતિ કંપિતા.
કોઈ વાર આપણો લે કબજો કો દિવ્ય વ્યક્તિ મહત્તરા,
ને તે છતાંય જાણીએ આપણે કે એ વ્યક્તિ આપણી જ છે :
આત્માઓનો આપણા યા અર્ચીએ નાથ આપણે.
પછી આછું થઇ તૂટી પડે ક્ષુદ્ર દેહાભિમાન આપણું ;
પોતે છે ભિન્ન કૈ એવો તજી આગ્રહ સર્વથા,
જુદા જન્મતણો મૂઢ આચાર પાળવો તજી,
સૃષ્ટિ ને ઈશની સાથે ઐકયમાં એ રાખી આપણને જતું.
૭૦
અંતર્દીપો જળાવેલા હોય, ને જિંદગીતણા
માનીતા બ્હાર રાખેલા હોય મ્હેમાન, તે સમે
એકાકી આપણો આત્મા બેસી વાતો
કરે પોતાતણાં ગૂઢ અગાધ શું.
તે વારે કરતી ખુલ્લાં નિજ દ્વારો વિશાળતર ચેતના:
અકાળ મહિમા કેરું રશ્મિ એક ઊતરી ક્ષણ આવતું,
આપણી બંદિ ને દીપ્ત માટી સાથે અનુસંધાન સાધાતું,
આપણાં જીવનો પરે
મહાકાય જતું મારી પોતાની શુભ્ર છાપ એ.
ક્ષેત્રે વિસ્મૃતિના મર્ત્ય મનના, ધ્યાનને લયે
આ પૃથ્વીની ન એવી કો અપૂર્વ અનુભૂતિને
થતા પ્રત્યક્ષ ઊંડેરા એકાંતે અંતરાત્મના,
બને ગોચર સંજ્ઞાન-સંકેતો શાશ્વતીતણા.
સામે ખુલ્લું થતું સત્ય મન જાણી શક્યું ન જે,
સુણતા આપણે મર્ત્ય કર્ણે જે ન કદી સુણ્યું,
થતાં સંવેદનો સ્થૂલ ઇન્દ્રિયે ન કદી થતાં,
સામાન્ય હૃદયો જેથી ડરી જેને હઠાવતાં,
તેને પ્રેમ આપણો દે પસંદગી.
પ્રકાશમાન સર્વજ્ઞ સામે ચિત્ત આપણાં ચુપકી ધરે :
આત્માના આલયોમાંથી આહવાન એક સાદ દે ;
સુવવર્ણોજજવલ એકાંતોમહીં અમર અગ્નિનાં
ભેટો આપણને થાય ઈશ-સ્પર્શે જન્મતી સંમુદાતણો.
રહેતો આપણામાં ને આપણાથી અજાણ જે
તે બૃહત્તર આત્માનાં આ છે સહજ લક્ષણો;
માત્ર ક્યારેક આવે છે આ પ્રભાવ સુપાવન,
સમર્થતર ક્લ્લોલો ભરતીના ધારે જીવન આપણાં,
ને દિવ્યતર સાન્નિધ્ય ચલાવે છે ચિદાત્મને.
કે ફાટી નીકળે કૈંક પાર્થિવાવરણો થકી,
શ્રી અને સુષમા એક આધ્યાત્મિક પ્રકાશની,
૭૧
જીહવા મર્મરતી સ્વર્ગધામના એક અગ્નિની.
એ છે આપણ પોતે ને જેનો આપણને થતો
ભાવાનુભવ એવો કો અજાણ્યો એક ઊર્ધ્વનો,
અદૃષ્ટ એ પ્રવર્તે છે જાણે પોતે નથી એવા પ્રકારથી;
રેખા અનુસરે છે એ અનાઘનંત જન્મની,
છતાં એ મરતો લાગે એના મર્ત્ય દેહના મૃત્યુ સાથમાં.
ભવિષ્યે પ્રભુ-પ્રાકટ્ય થવાની હોઈ ખાતરી
પળો ને ઘટિકાઓની ગણના કરતો ન એ;
મહાન, ધીર, ને શાંત જોતો એ શતકો જતાં,
ખાતરીબંધ ને બુદ્ધિપૂર્વ વિશ્વ--
શક્તિ કેરા કાર્યની પ્રક્રિયામહીં,
આવિષ્કાર બધાકેરો કરનાર કાળની દીર્ધ કૂચમાં
આપણા પલટા કેરો ધીરે થાતો ચમત્કાર પ્રતીક્ષતો.
છે એ મૂળ અને ચાવી સમસ્યાની સર્વતોભદ્ર ચાલતી,
અધિમાનસ એ મૌન, અવાજ અંતરાત્મનો,
હૃદયે રાજમાના એ મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠતા,
ભત્તિ-મુક્ત બૃહત્તા એ, ને અગાધ ઊંડું છે એક બિન્દુ એ,
આભાસો અવકાશે જે ગૂઢગૂઢ, સત્ય એ તે સમસ્તનું,
પ્રયાસો આપણા જેને માર્ગે તે સત્સ્વરૂપ એ,
આપણાં જીવનો કેરો ગુપ્ત ને ભવ્ય ભેદ એ.
પ્રભુના મધુકોષોમાં મધુનો એ મહાનિધિ,
તિમિરાવરણે છાઈ ઉજ્જવલંત મહાધુતિ,
પરમાત્મપ્રભા કેરો મહિમા દિવ્ય આપણો,
વિશ્વાનંદતણો ઉત્સ સુવર્ણવર્ણ આપણો,
ઢાંક્યું મૃત્યુ-પિછોડીએ આપણું અમૃતત્વ એ,
આપણી અણજન્મેલી દિવ્યતાનું સ્વરૂપ એ.
ક્ષણજીવી વસ્તુઓનું સુપ્ત શાશ્વત બીજ જ્યાં
ત્યાં એ પ્રારબ્ધ આપણું
આપણે કાજ સંરક્ષી રાખી મૂકે આત્માનાં ગહનોમહીં.
સજજડબંધ બીડામાં છુપાવેલી આપણી જિંદગીતણા,
૭૨
જાદુઈ એક ચાવી છે હમેશાં આપણી કને.
દેદીપ્યમાન કો એક સાક્ષી મંગલ મંદિરે
કાળમાં થઈને જોતો, જોતો અંધ દીવાલો પાર રૂપની;
એની આવૃત્ત આંખોમાં અકાલ જ્યોતિ એક છે;
વાણીએ વર્ણ્ય ના એવી વસ્તુઓ ગુપ્ત એ જુએ,
જાણે છે લક્ષ્ય એ ભાન વિનાના વિશ્વલોકનું,
ને યાત્રી વરસો કેરા રહસ્યમય હાર્દનું.
કિંતુ સૌ પડદા પૂઠે, સૂક્ષ્મે સ્થિત, નિગૂઢ છે;
એને જરૂર છે અંત:સ્ફુરણાયુક્ત હાર્દની
ને અંતર્મુખતાતણી,
અધાત્મ-દૃષ્ટિની શક્તિ કેરી એને જરૂર છે.
નહીં તો આપણા જાગૃત્ મન કેરી ક્ષુદ્ર ક્ષણિક દૃષ્ટિએ
લાગે કે છે જિંદગીનો સંદિગ્ધ માર્ગ આપણો
લક્ષ્યહીન મુસાફરી,
કો દૈવયોગના દ્વારા નક્કી નામ કરાયલી,
કે કો સંકલ્પના સ્વૈર કાર્યનું પરિણામ એ.
અવશ્યંમભાવિતા યા એ ધ્યેયહીના અકારણા
ઈચ્છાવિરુદ્ધ છે જેને પડ્યું પ્રકટવું અને
અસ્તિમાં આવવું પડ્યું.
કૈ ન જ્યાં સ્પષ્ટ ને નક્કી એવું જે આ ક્ષેત્ર સઘન તે મહી
લાગે આપણને પ્રશ્નરૂપ હસ્તીય આપણી,
આપણી જિંદગી લાગે પ્રયોગ કિલષ્ટતા ભર્યો,
ને જીવ આપણો એક અજાણ્યા અજ્ઞ લોકમાં
કોક ટમકતી જોત જેવો અસ્થિર લાગતો,
ને પૃથ્વી કો અકસ્માત જડ યાંત્રિકતા ભર્યો,
મૃત્યુની જાળ જે મધ્યે ભાગ્યયોગે આપણે પ્રાણ ધારતા.
શીખ્યા જે આપણે છીએ તે જણાતું સાશંક અનુમાન સૌ,
થયેલી પ્રાપ્તિઓ લાગે માર્ગ માત્ર કે તબક્કો જ એક ત્યાં,
જેનો આગળનો છેડો છુપાયેલો આપણી દૃષ્ટિથી રહ્યો,
૭૩
ઘટના યા અકસ્માત, યા દૈવયોગનો વિધિ.
અજ્ઞાતમાંહ્યથી થાય અજ્ઞાતે આપણી ગતિ.
ઉત્તર નહિ પામેલા પ્રશ્નો કેરી છાયાઓ ભૂતિભૂખરી
ઘેરી હમેશ રાખે છે અહિયાંની આપણી અલ્પ જિંદગી;
કળા અચિત્ તણાં ગુહ્યો સંજ્ઞાહીન ને ઉકેલાયલાં ન, તે
આરંભાતી ભાગ્ય કેરી રેખા પૂઠ ખડાં થતાં;
નાશવંતા દેહ કેરા ને અર્ધદીપ્ત ચિત્તના
બીજરૂપ અભીપ્સા જે, તે ઘેરી રાત્રિની મહીં
સદા માટે ગુમાવેલી અમૃત જ્યોતિની પ્રતિ
સચેતાગ્નિતણી એક શિખા ઊર્ધ્વ એકાકી નિજ ઊંચકે.
એકમાત્ર સુણે છે એ પડઘો નિજ સાદનો,
ને અજ્ઞ માનવી હૈયે આછો ઉત્તર આવતો,
ને પોતે કેમ આવ્યો હ્યાં ને કેમ દુઃખ છે અહીં
તેહને સમજ્યા વિના,
અનુજ્ઞા પ્રભુ જે આપે જિંદગીના વિરોધાત્મક ભાસને,
કાળમાં અમૃતાત્માના જન્મના ફૂટ પ્રશ્નનને
પોતા સામે નિહાળતો.
સર્પાકાર જતા માર્ગે કલ્પોના કુંડલાકૃતિ
કૃષ્ણતમાં નિજાજ્ઞાન ક્રમણોની,
પૃથ્વી દેવી પરિશ્રમપરાયણા
કાળના રણની રેતી પસાર કરતી જતી.
એનામાં એક છે સત્-તા જેને જાણી લેવાની આશ એ કરે,
પોતે જેને સાંભળી ના શકે એવો
શબ્દ એક કૈક તેને કહી રહ્યો,
પોતે જેના રૂપને ના શકે જોઈ
એવું એને બેળે પ્રારબ્ધ પ્રેરતું.
પૃથ્વી શૂન્યમહીં કક્ષા અચેતા નિજ આંકતી,
માનોવિહીન પોતાનાં ઊંડાણોથી કરતી યત્ન ઊઠવા,
જોખમી જિંદગી લાભે, લાભે હર્ષ ફાંફાં ફોગટ મારતો;
વિચાર એક જેનામાં આવે ખ્યાલ
૭૪
કિંતુ જેને ભાગ્યે જ જ્ઞાન થાય છે,
ધીરે ધીરે જાગતો તે એનામાં ને ચિંતનાભાવ સર્જતો,
જાગે વાણી ઉજાળંતી તેથી જયાદા લેબલોને લગાડતી;
મહાસુખથકી ન્યૂન એવી એક ફફડાટ ભરી ખુશી
હુમલો કરતી આવે આ સૌ સુંદરતા લઇ,
અવશ્ય પામશે નાશ એવી સુંદરતા લઇ.
પાયા એના ખેંચનારા દુઃખથી ગભરાયલી,
વસ્તુઓ ઉચ્ચ છે જેની પ્રાપ્તિ બાકી તેનું ભાન ધરાવતી,
સુખ-શાંતિ હરી એની લેનારી કો એક આંતર પ્રેરણા
અનિદ્ર નિજ હૈયામાં એ અખંડિત પોષતી.
આત્મસંગ્રામ દ્વારા ને દુઃખ દ્વારા પ્રકંપતા,
જ્ઞાનહીન અને કલાન્ત અજય્યા એ ચહી રહી
પૂર્ણતા શુદ્ધ પોતાના દૂષિતાત્મા માટે જેની જરૂર છે,
નિજ પાષાણ ને પંકે પ્રભુકેરો એ પ્રાણોછવાસ પ્રાર્થતી.
પરાજય પછીયે જે રહે એવી શ્રદ્ધાની એ સ્પૃહા કરે,
મૃત્યુ ના જાણતો એવા પ્રેમની એ વાંછે વિશ્વસનીયતા,
નિત્યનિશ્ચિયવંતા કો સત્યની પ્રાર્થતી પ્રભા.
જ્યોતિ કો એક એનામાં બઢે, એ બોલતી બને,
પોતાની અવસ્થાનું અને કીધેલ કર્મનું
જ્ઞાન મેળવતી થતી,
કિંતુ એક જરૂરી જે સત્ય છે તે હાથથી છટકી જતું.,
પોતે ને સર્વ જેનું તે પોતે એક પ્રતિક છે
તે સર્વ સરકી જતું.
પ્રેરતો પગલાં એનાં કર્ણમાંહે જપતો સ્વર અસ્ફુટ,
બળ જેનું લહે છે એ, અર્થ કિંતુ ન જાણતી;
જવલ્લે આવતાં થોડાં માર્ગદર્શક સૂચનો,
મસ્તિષ્ક ભેદતી એનું આવે જંગી ઝબકો પૂર્વજ્ઞાનની
ને ક્યારેક સ્વપ્નમાં ને ધ્યાનમાં એ હોય' છે ઊતરેલ તે
સમે એ હોય છે ચૂકી સત્ય જે તે
એને ડોકું કાઢીને અવલોકતું,
૭૫
ને જાણે લાગતું કે તે દૂર હોવા છતાંય છે
પોતાના અંતરાત્મમાં.
આવે છે પલટો પાસે, ભાગતો જે એના તર્કવિચારથી,
ને મોકૂફ હમેશાં જે બળાત્કારે યત્ન ને આશા પ્રેરતો,
ને છતાં મર્ત્ય આશાને માટે હિંમત ભીડવા
લાગતો એ મહાન હદપારનો
ઊર્દ્વની શક્તિઓ કેરું એને દર્શન ભેટતું ,
જાણે કે કોઈ ખોવાયાં પાસા આવતા
હોય ના લઈને દૃષ્ટિ આભાવંતી
ને મહંતપડેલી નિજથી જુદી.
પછી પ્રેરાય છે પોતે જે નથી તે બધા પ્રતિ,
ને પોતાનું કદી ન્હોતું તેની પ્રત્યે નિજ બાહ પ્રસારતી.
અચેત શૂન્યની પ્રત્યે લંબાવી નિજ બાહુઓ
અદૃશ્યરૂપ દોવોને ભાવાવેશે ભરી એ પાર્થના કરે,
ને મૂગા દૈવ પાસેથી ને પ્રયાસે મચેલા કાળ પાસેથી
યાચતી આરજુ સાથે સૌની જયાદા જેની એને જરૂર છે
ને એને કાજ જે સૌથી છે વધારે અગમ્ય તે
મન જેમાં ન માયાના આભાસો આવતા કને,
સંકલ્પ જે કરે વ્યક્ત દેવત્વ અંતરાત્મનું,
બળ જેને ન પડતું ઠોકરાવું સ્વવેગથી,
હર્ષ જે નિજ છાયાને રૂપે ખેંચી લાવતો નહિ શોકને.
આની છે ઝંખના એને, ને લાગે છે
એને કે એ નિર્માયાં નિજ કાજ છે :
પોતાનો હક છે એવો કરી દાવો માગે સ્વર્ગાધિકાર એ.
છે એનો વાજબી દાવો, અને એને
સર્વ-સાક્ષી દેવો સંમતિ આપતા,
બુદ્ધિની જ્યોતિથી મોટી જ્યોતિ જે એક તે મહીં
સ્પષ્ટ જણાય એ :
દસ્તાવેજો એહના છે અંત:સ્ફુરણ આપણાં;
ઇનકાર કરે જેનો વિચારો અંધ આપણા
૭૬
તેને આત્મા આપણા અપનાવતા.
પાંખવંતી કલ્પનાઓ પૃથ્વીની નભુપુષ્પ શી,
અને અશક્ય છે જે તે પ્રભુ કેરી નિશાની ભાવિ વસ્તુની.
વર્તમાન દશા પાર કિંતુ જોવા વિરલા જ સમર્થ છે,
યા છલંગી જવા વાડ જટિલા આ આપણી ઇન્દ્રિયોતણી,
જે બધું બનતું પૃથ્વી પરે, ને જે બનતું પારપાર, તે
મર્યાદામુક્ત કો એક યોજનાનાં જ અંગ છે,
જેને સ્વહૃદયે રાખે અને જાણે માત્ર એક્સ્વરૂપ જે.
આપણી ઘટનાઓ જે બાહ્ય કેરી તેનું છે બીજ ભીતરે,
ને આકસ્મિકતા જેવું અનિયંત્રિત દૈવ જે,
સમજાય ન એવો જે પરિણામો કેરો મોટો સમૂહ આ,
તે રેખાંકન છે મૂક સૂચવંતું
સત્યોને જે અણદીઠ પ્રવર્તતાં.
અજ્ઞાતરૂપનાં ધારાધોરણોથી જ્ઞાત સૃષ્ટિ રચાય છે.
આપણા જીવનાભાસો સર્જનારા બનાવ જે
તે ગુપ્ત લિપિ છે જેનાં ગૂઢ કંપન જાગતાં,
જવલ્લે કરતા જેનો અચિંતો યોગ આપણે
કે અસ્પષ્ટપણે જેની કરતા અનુભૂતિઓ,
દાબી રખાયેલી સત્ય ચીજોનું પરિણામ એ,
પાર્થિવ દિવસે જેનો ભાગ્યે ઊદય થાય છે:
અકસ્માત પ્રસંગોની મધ્યમાં બોગદું કરી નિગૂઢ શક્તિઓતણા
આત્માના સૂર્યમાંથી તે પોતાનો જન્મ પામતા.
પરંતુ કોણ ભેદીને ગૂઢ ભૂગૃહ-ગર્તને
જાણશે કે કઈ આત્મા કેરી ઊંડી જરૂરતે
દૈવિક કર્મ ને તેના પરિણામ કેરો નિર્ણય છે કર્યો ?
રોજિંદાં કર્મની રૂઢ રીતિમાં લીન આપણી
આંખો બહારના દૃશ્યે માંડેલી મીટ રાખતી;
ઘટના-ચક્રનો ઘોર આપણે સુનતા ધ્વનિ ,
આશ્ચર્ય પામતા ગુપ્ત કારણે વસ્તુઓતણા.
૭૭
કિંતુ જો આપણે આત્માવસ્થા રાખી શકીએ આપણી મહીં,
મોં-ઢાંક્યો દેવતા કેરો સાંભળી જો શકીએ સાદ આપણે,
તો પૂર્વદૃષ્ટિ સંપન્ન જ્ઞાન જેહ તે બની જાય આપણું .
અત્યંત વિરલું છે એ કે જે અવશ્ય આવશે
તેની નંખાય છે છાયા ક્ષણમાં જ
જ્ઞાન કરી ગુપ્ત ઇન્દ્રિયની પરે,
જેને સંવેદના થાય ધક્કો દેતા અદ્શ્યની,
ને જવલ્લે જ જે થોડા આનો ઉત્તર આપતા
તેઓમાં વિશ્વરૂપિણી
સંકલ્પશક્તિ પોતાની મહાભારત પ્રક્રિયા
દ્વારા નિજ સ્વરૂપને
આપણી દૃષ્ટિને માટે સુગોચર બનાવતી,
આપના મનની સાથે એકતામાં સ્થાપતી મન વિશ્વનું.
આપણે અવલોકીએ, સ્પર્શીએ, ને વિચારથી
તર્ક બાંધી શકીએ જે તણો તેની ખીચોખીચ કમાનમાં
આપણી પ્હોચને માટે સીમા નક્કી થયેલી છે,
ને જવલ્લે પ્રબોધાતી જ્યોતિ અજ્ઞાતરૂપની
પેગંબર અને દ્રષ્ઠા આપણામાં જગાડતી.
મૃત ભૂત બનેલો છે પૃષ્ઠભૂમિ અને આલંબ આપણો;
આત્મા છે મનનો બંદિ, આપણા ક્રમના બની
રહીએ દાસ આપણે;
કરી ન શકતા દૃષ્ટિ મુક્ત જોવા માટે પ્રજ્ઞાન-સૂર્યને.
પશુ-માનસ જે અલ્પ કાળનું તે તણો વારસ મનાવી,
હજુ બાળક ઓજસ્વી હસ્તે પ્રકૃતિ માતના,
પરંપરા પળો કેરી, તેમાં જીવન ધારતો;
બદલાતા વર્તમાન પર એનો અલ્પ શો અધિકાર છે;
સ્મૃતિ એની રહે તાકી ભૂત શા ભૂતની પ્રતિ,
ભાગે ભવિષ્ય એનાથી, ગતિ એની જેમ જેમ થતી જતી;
કલ્પેલાં કપડાં જોતો, મુખ એ ન નિહાળતો.
૭૮
સજજ સીમિત સંદિગ્ધ બળથી બચાવતો
વિરોધી દૈવથી પોતે રળેલાં ફળ કર્મનાં.
સાથી એની પ્રાજ્ઞતાનો છે અજ્ઞાન મથામણ કર્યે જતું.
પરિણામ સ્વકૃત્યોનું જોવાને એહ થોભતો,
નિશ્ચય સ્વવિચારોનો કરી જોવા પ્રતીક્ષતો,
જાણતો નહિ અંતે એ રહેશે કે નહીં પાછળ જીવતો,
કે પૂર્વકાલના હાથી કે ભલ્લૂક સમ એ નાશ પામશે
પૃથ્વી ઉપરથી, પોતે છે રાજા રાજમાન જયાં.
પોતાના જીવનોદ્દેશ કેરું ભાન ન એહને,
પોતાના ઉચ્ચ ને ભવ્ય ભાગ્યને એ ન જાણતો.
અમર્ત્ય નિજ કૂટોએ
દીવાલો પાર દિક્-કાળ કેરી છે વાસ જેમનો,
વિચાર-બંધનોથી જે મુક્ત છે જીવનેશ્વરો,
નિર્માણ, દૈવ, સંકલ્પ શક્તિ કેરી પર જે આંખ રાખતા,
પ્રવીણ જે પ્રમેયે છે જગ કેરી જરૂરના,
કાળની ગતિને આપે પલટો જે
તે કલ્પધુતિ ને ઓજ જોવાને શક્તિમાન જે,
ન શોધાયેલ લોકોથી આવે છે જે જ્યોતિની કેસરો ધરી,
ને ઊંડા અંધ હૈયાએ જગ જયારે લાગેલું હોય છે શ્રમે,
ત્યારે
અગાઉથી ન જોયેલા બનાવોની પડઘીઓ છલંગતી
સુણે છે લાવતી પાસે ઊર્ધ્વના અસવારને,
ને કોલાહલ પૃથ્વીના અને ચોંકેલ બૂમની
પ્રત્યેક ધીરગભીર જે,
તે દેવો અમરાત્માઓ આવી આમ
પ્રભુના મૌનના શૈલો પ્રત્યે પાછા ફરી જતા;
છલંગે વીજળી જેમ, જેમ જાય મેઘમાળા ગડૂડતી,
તેમ તે જાય છોડીને નિશાનીઓ
પાદાક્રાંત હૃદયે જિંદગીતણા.
૭૯
વિશ્વથી ઊર્ધ્વમાં ઊભા સ્રષ્ટઓ વિશ્વના રહે,
ગોચારા સૃષ્ટિમાં જોતા એના નિગૂઢ મૂળને.
ઠગારી બાહ્ય લીલાની પ્રત્યે લક્ષ્ય ન આપતા,
ક્ષણના કાર્યમાં વ્યગ્ર સંચાર પ્રતિ ના વળે,
કિંતુ તે સ્થિર ધારીને ધીરતા અજ-આત્મની,
કાર્ય-કારણને જોતી આંખ જોતી ન જેમને,
માનવી ભૂમિકા કેરે ઘોંઘાટે ન સુણાય જે,
તે ઘોર કાળ-ગાળાઓ વટાવી પાસ આવતાં
દૂર ભાવિતણાં ધીરાં પગલાં પ્રતિ કાન દે.
સાવધાન બનેલા એ કો અદૃષ્ટ એક સત્યતણી પ્રતિ
ભાવિને ભાખનારી ને ન દેખતી પાંખોનો પકડે રવ,
અવાજો પકડે કોઈ એક અગાધ મર્મના,
જડ-નિદ્રાતણે હૈયે ચિંતામગ્ન ગગણાટો સુણંત એ.
બેતમા જિંદગી કેરા કર્ણોએ જે ગુમાવ્યા મર્મરધ્વનિ
તેમને એ ગ્રહી શકે,
હૈયાકેરા ઘેરા ગહન શ્રોત્રથી
ચિંતનાની સર્વજ્ઞાન સમાધિમાં
ઈશ્વરાદેશની વાણી કરી ગ્રહણ એ શકે.
પસાર થઇ જાનારી આશાઓની ભ્રમણાઓતણી પરે,
આભાસની તથા વ્યક્ત કૃત્યની પીઠ-પુઠળે,
ઘડિયાળતણા કાંટા જેમ ચાલંત દૈવની
અને અસ્પષ્ટતાયુક્ત તર્કાનુંમાન પૂઠળે,
બળોનો મલ્લયુદ્ધે ને ખૂંદતા ચરણો વચે,
જય-યુદ્ધ-વિષાદોના વચગાળામહીં થઇ,
શંકાગ્રસ્ત દિનો મધ્ય ધ્યાનમાં ના
આવે એમ વળાંકો લઈને જતા,
પોતાનો અંત ના જોતા લાંબા પથતણી પરે,
હૈયું પૃથ્વીતણું જેને માટે પોકારતું રહે
તે મહાનંદને તેઓ સાવધાન નિહાળતા
તે તેની ભેટને માટે ગાફેલ ગતિમંત આ
૮૦
દોરી જગતને જતા.
છદ્મવેશે છુપાયેલો પરમેશ પરાત્પર
થશે આરૂઢ આ રીતે સ્વસિંહાસનની પરે.
અંધારું ગાઢતા ધારે પૃથ્વી કેરા હૈયાને ગૂંગળાવતું,
દીપ રૂપે હોય માત્ર સ્થૂલ મન મનુષ્યનું,
તે વેળા રાતના ચોર જેમ સંતાઈ ચાલતો
એના ઘરમહીં એક અણદીઠ પ્રવેશશે.
સ્વલ્પ સુણાય એવો કો અવાજ એક બોલશે
અને આત્મા એને આધીન વર્તશે,
મનના અંતરાવાસે ચુપકીથી શક્તિ એક પ્રવેશશે,
દ્વારો જીવનનાં બંધ મોહિની ને એક માધુર્ય ખોલશે,
જીતી સુંદરતા લેશે જગ વાંધો ઉઠાવતું,
ઓચિંતી કબજે લેશે સૃષ્ટિને જ્યોતિ સત્યની,
પ્રભુ છૂપો પ્રવેશીને
બલાત્કારે મહાનંદ લેતું હૈયું બનાવશે,
ને પૃથ્વી અણધારેલી રીતે દિવ્ય બની જશે.
પેટાવશે અચિત્-તત્ત્વે બ્રહ્યજ્યોતિ, દેહમાં, બસ દેહમાં
પ્રાદુર્ભાવ પામવાની પવિત્ર જન્મની ક્રિયા,
પ્રબુદ્ધ બનશે રાત્રી તારાઓના સ્તોત્રસંગીતની પ્રતિ,
સુખે સંપન્ન યાત્રાનું દિવસો રૂપ ધારશે,
સનાતનતણી શક્તિતણો અંશ થશે સંકલ્પ આપણો,
વિચાર આપણો જાશે બની રશ્મિ અધાત્મ-સૂર્યમાળનું.
કોઈ હજુ સુધી જેને સમજે ના તેને થોડાક દેખશે;
ડાહ્યાઓ કરતા વાતો કે સૂતા જે સમે હશે
તે દરમ્યાનમાં દેવ વૃદ્ધિંગત થતો હશે;
કેમ કે ન ઘડી એની હશે આવેલ ત્યાં સુધી
ઉપસ્થિતિતણું જ્ઞાન માનવીને થશે નહીં,
ન કાર્ય પડશે પાર ત્યાં સુધી ના એમાં વિશ્વાસ બેસશે.
પોતાના સત્યના જ્ઞાન વિનાની એક ચેતના
૮૧
આડે માર્ગે દોરનારી ઉષાઓને શોધવા નીકળેલ જે,
આત્માના શ્યામ ને શુભ્ર અંતોની વચગાળ, તે
સમગ્રરૂપ દેખાતી અર્ધ-જ્યોતિ મધ્યમાં સંચરે અહીં :
સત્-તામાં એક છે ખાલી ગાળો જે, તે પરિપૂર્ણ વિચારમાં
અને સમગ્રતાયુક્ત શક્તિમાં કાપ મૂકતો;
ચકરાવે ફરે એ, કે રહે ઉભી અસ્પષ્ટ અંતરાળમાં
નિજ આરંભ ને અંતે વિષે સંદેહ રાખતી,
કે જાય દોડતી અંતે વિનાના માર્ગની પરે;
આદિ સંધ્યાથકી દૂર, દૂર અંતિમ જ્યોતથી
રહે એ કો બેશુમાર શૂન્ય અચેતની મહીં,
વિરાટ રિક્તતામાં કો આગ્રહી ચિંતના સમી,
જેમ દુબેધિ કો વાક્ય મનને લાખ લાખ કૈ
અર્થોની સૂચના કરે,
તેમ તે આપતી અર્થ આ આકસ્મિક સૃષ્ટિને.
શંકાસ્પદ પ્રમાણોને આધારે સ્થિત તર્ક કો,
ઊલટો સમજાયેલો સંદેશો, ને લક્ષ્ય-ભૂલ્યો
વિચાર ગૂંચવાયલો
આટલું જ બોલવાને સમર્થ એ.
અક્ષરો બે મહાકાય રાખતી એ અર્થની શૂન્યતા ભર્યા,
તે દરમ્યાન વચ્ચેની સંજ્ઞાને એ રજા વગર ફેરવે
જે વહી જાય છે ભેદી સમસ્યા રૂપ વિશ્વને,
જાણે કે ભાવિ કે ભૂત વિનાનું વર્તમાન કો
એના એ પરિવર્તોની પુનરાવૃત્તિઓ કરી
ધરી ઉપર પોતાની નિજ નિ:સાર શૂન્યમાં
ગોળ ગોળ ફર્યા કરે.
આમ સૃષ્ટિતણો હેતુ અવગુંઠિત થાય છે;
પૂર્વ અપર સંબંધ વિના પાનું વંચાયે વિશ્વનું યત:
અજાણી લિપિનીજેમ ચિહ્નો એનાં તાકે છે આપણી ભણી,
જાણે કોઈ વિદેશીય વાણી કેરે પટંતરે,
૮૨
કે ચાવી વણની ગુપ્તસંજ્ઞાલિપિ વિભાસ્વરા,
દૃષ્ટાંતાત્મક કો એક પરમોચ્ચ કથાનો અંશ હોય ના.
મર્ત્ય જીવતણી આંખો સામે ધારણ એ કરે
નિરર્થક ચમત્કાર કેરા ભવ્ય સ્વરૂપને,
ક્ષણેક ટકવા માટે વેડફી જાત નાખતી,
કાળ કેરી કિનારીએ જન્મ ને મૃત્યુમાં થઇ
વહેનારી નદી છે એ જે કદી ના નિજ સાગર પામતી;
રાત્રીમાં એક જે અગ્નિ તે છે એના તેજસ્વી કાર્યની પ્રભા.
વિયુકત હવણાં છે જે વિપરીત અને દ્વિધા
કદી એકત્ર ના થાય એવા દૂર ઉત્કૃષ્ટ ગોલકો મહીં,
યા રાત્રી-દિનના સામસામા દૂર ધ્રુવો સમું
છે તેનો સાધવો યોગ, આપણી એ ગાઢ ગાઢ જરૂર છે.
આપણે પૂરવાનો છે
ઘોર ગાળો આપણો જ રચાયલો,
અનંતાતતણા ખુલ્લા સ્વરો સાથે
બંધ વ્યંજન એકાકી સાંત કેરો યોજવાનો રહ્યો ફરી,
આરોહશીલ આત્માની સંયોગી-ભૂમિ સાંકડી
એવી વિગ્રહરેખાએ સાંધવાનાં છે પદાર્થ તથા મન :
વસ્તુઓમાં રહ્યો છે જે ગૂઢ સંબંધ, તેહને
આપણે કરવાનો છે તાજો પાછો નવેસર,
આપણાં હૃદયોએ છે સંભારીને
લાવવાની લુપ્ત દિવ્યાત્મભાવના,
નિર્માણ કરવાનું છે પૂર્ણ શબ્દતણું પુન:,
આપણે જોડવાના છે એક નાદે આદિ ને અંત્ય અક્ષ્રરો;
આત્મા ને પ્રકૃતિ ત્યારે એકરૂપ બની જશે.
ધરાવે છે અંત બે આ રહસ્યમય યોજના.
આત્મા કેરા ચિહ્ નહીન બૃહદાકાશની મહીં,
શુભ્ર દિગંબરી એકરૂપ રે' નાર મૌનમાં,
નિરાળાં, સ્વર્ણ સૂર્યોની આંજી દેતી પ્રભા સમાં,
મર્ત્ય આંખે ન સ્હેવાતા કિરણે આવરાયાલાં,
૮૩
પ્રભુનાં ચિંતનો કેરા એકાન્તે પ્રજવળી રહ્યાં
સામર્થ્યો ભ્રમનાં મુક્ત નિરપેક્ષ વિરાજતાં.
ઘવાયેલાં ઉરો જેની સમીપે ન જઈ શકે,
શોકને અવલોકંતા કલ્પને મળતાં ન જે,
નાખતી દુઃખની ચીસ શક્તિથી દૂર જે રહે,
તે પ્રહર્ષ, પ્રભા તે, ને તે સૂમસામ ચૂપકી
વસે એના અવિચ્છેધ પરમાનંદની મહીં,
આત્મજ્ઞાન અને આત્મશક્તિમાં અણિશુદ્ધ એ
શશ્વત્ સંકલ્પમાં શાંત લેતાં આરામ એ રહે.
એના નિયમને માત્ર લેખમાં લે,
આજ્ઞાધીન એક એને જ એ રહે;
નથી પહોંચવા માટે એમને કાજ અંતે કો,
લક્ષ્ય સિદ્ધ કરવાનુંય કો નથી.
દુરારાધ્ય રહેલાં એ અકાળ નિજ શુદ્ધિમાં
ન કો સાટું, ન કો લાંચ પૂજારૂપી લેવાનું એ કબુલતાં;
દોષ ને દોષના રાજ્ય સાથે કોઈ આપ-લે કરતાં નહીં :
સત્યના મૌન કેરી એ રક્ષાનાં કરનાર છે,
સાચવી રાખતાં તેઓ નાફેર ફરમાનને.
એમના બળનું મૂળ છે ઊંડી શરણાગતિ,
નિષ્કંપ ઐક્ય છે માર્ગ એમનો જાણવાતણો,
સુષુપ્તિ સમ તેઓનું કાર્ય નિશ્ચલતાભર્યું.
શાંતિમાં, ન્યાળતાં ક્ષોભ મચેલો તારકો તળે,
અમર્ત્ય, મૃત્યુ ને દૈવ કેરાં કાર્ય નિરિક્ષતાં,
નિશ્ચલાત્મ નિહાળંતાં સહસ્રાબ્દો સરી જતાં,
વિધિનો નકશો લાંબો રહેલો હોય ઊકલી
તે વારે એ નિર્લિપ્ત સ્થિતિ રાખતાં,
સમ દૃષ્ટે નિહાળે એ આપણી સૌ મથામણો,
ને તે છતાંય તેઓના વિના હસ્તી શક્ય વિશ્વતણી નથી.
કામના, ઘોર નિર્માણ ને આશાથી અભેધ એ,
અનુલ્લંધ્ય અવસ્થા જે એમની સ્થિતિ શક્તિની,
૮૪
ટકાવી રાખતી તેહ પારાવાર મોટા ભુવન-કાર્યને;
અજ્ઞાન જગનું દીપ્ત એમના જ્ઞાનથી થતું,
એ ઉદાસીન છે તેથી જગની ઝંખના ટકે.
આરોહણાર્થ આકર્ષે જેમ ઊંચું નીચેનાને નિરંતર,
બૃહત્તાઓ જાય ખેંચી ક્ષુદ્રતાને જેમ વિરાટ સાહસે,
દુર ઊંચે રહી તેમ તે સામર્થ્યો મનુષ્યને
પ્રેરતાં કરવા પાર મર્યાદાઓ સ્વભાવની.
વિવાહિત થવા માટે શાંતિ સાથ સનાતની
ઊછળે ઊર્ધ્વ ઉચ્છવાસે આવેશી ભાવ આપણો,
વામણી શોધમાં વ્યગ્ર આપણું મન સાધવા
સંયોગ સર્વવિદ્ કેરી શક્તિ સાથ સમુત્સહે.
રચ્યું નરક જેણે તે પ્રાજ્ઞતાને શાંત સંમતિ આપતાં,
મૃત્યુ ને અશ્રુની ક્રૂર સ્વીકારંતાં અરવે ઉપયોગિતા,
ક્રમે ક્રમે જતાં કાળ-પગલાં માન્ય રાખતાં,
વિશ્વના ઉરને ડંખી રહેલા શોકની પ્રતિ
ધ્યાન દેતાં ન લાગતાં,
એના દેહ અને પ્રાણ દારનારા
દુઃખ કેરી પ્રતિ લાપરવા સમાં;
હર્ષ ને શોકની પાર સંચાર થાય એમના
એ ભવ્ય મહિમાતણો;
વિનાશી શુભમાં હિસ્સો કશોયે એમનો નથી
મૂક ને શુદ્ધ તેઓ ના ભાગીદાર પાપના કૃત્યમાં બને;
નહિ તો બળ તેઓનું બની બાંગું
બચાવી શકતું નથી.
ઈશના અતિરેકોમાં રહેલા સત્યની પ્રતિ
રાખનારા સભાનતા,
સજાગ સર્વને જોતી શક્તિની ગતિની પ્રતિ,
દીર્ધ સંદિગ્ધ વર્ષોના ધીરા સાહસની પ્રતિ
ઓચિંતું શુભ શોકાર્ત્ત કર્મોમાંથી જન્મે તે પ્રતિ જાગ્રત.
૮૫
આપણે વ્યર્થ જે રીતે જોતા તેવી રીતે અમર ના જુએ.
દેવ તો દેખતો છન્ન સ્વરૂપો ને પડદા પૂઠનાં બલો,
જાણે છે એ વસ્તુઓનો ધર્મ, જાણે તેમની સહજા દિશા.
ટૂંકા જીવનની કર્મે પ્રેરનારી
ઈચ્છાથી એ હંકારાઈ જતો નથી,
ઉત્તેજને કૃપાના ને ભયના ત્રસ્ત ના થતો,
વિશ્વની ગ્રંથિને છોડી નાખવાની ન ઉતાવળ એ કરે,
કે વિદીર્ણ વિશ્વ-હૈયું બસૂરાતું,
સમાધાન તેનું ના સાધવા ત્વરે.
જુએ છે વાટ એ કાળે ઘડીની શાશ્વતાત્મની.
છતાંયે એક છે છૂપો આધ્યાત્મિક સહાય ત્યાં;
ધીમી ઉત્ક્રાંતિનાં ગોળ ગુંચળાં વળતાં ચડે,
ને વજૂમાં થઇ માર્ગ કાપી કાઢી સૃષ્ટિ આગળ જાય જ્યાં,
ત્યાં ઊંચે એક રાજે છે દૈવી કોઈ
હસ્તક્ષેપ કરતું વચમાં પડી.
હ્યાં આકસ્મિક ભૂ-ગોળે ઘૂમરાતા ન આપણે,
ગુંજાશ બ્હાનું કાર્ય કરવાને તજાયલા;
'ભાગ્ય' નામે આળખાતી ગૂંચોવાળી અંધાધૂંધી મહીં થઇ,
મૃત્યુ ને પતનો કેરી કડવાશમહીં થઇ
પ્રસરેલો હસ્ત એક આપણાં જીવનો પરે
છે એવું ભાન જાગતું.
આપણી નિકટે છે એ અસંખ્યાત દેહો ને જન્મની મહીં;
ન;નિશ્ચલ પકડે એની એ સલામત સાચવે
આપણે કાજ સર્વોચ્ય પરિણામ અનિવાર્ય નિમાયલું,
ન જેને કોઈ સંકલ્પ લઇ લેવા સમર્થ છે,
કે વિનાશક નિર્માણ કોઈ ના પલટાવવા,
ને જે મુકુટ છે ઉચ્ચ સચેત અમૃતત્વનો,
માનવી હૃદયે પ્હેલવ્હેલી જયારે
મૃત્યુ સામે હામ ભીડી ને લીધી જિંદગી સહી
તે વેળા મથને મંડયા આત્માઓને
૮૬
પ્રતિજ્ઞાત થયેલું દેવરૂપ એ.
જે એકે વિશ્વ આ સર્જ્યું તે એનો નાથ નિત્યનો :
આપણાં સ્ખલનો એનાં પગલાં પરે;
આપણાં જીવનોમાં જે પલટા ઘોર આવતા
તે મધ્યે કાર્ય એ કરે,
યુદ્ધ ને શ્રમના ભારે શ્વાસોચ્છ્ વાસો મધ્યે યે કાર્ય એ કરે,
આપણાં પાપ, દુઃખો ને અશ્રુઓની મધ્યે યે કાર્ય એ કરે,
એનું જ્ઞાન કરી દેતું રદ અજ્ઞાન આપણું;
પડે આપણને જે જે આભાસી રૂપ ધારવાં,
દુર્ભાગ્યો દૃઢ ને દૈવ ગમે તેવું હો ભલે વર્તમાનમાં,
તણાવો ને કલેશ છોડી બીજું કાંઈ
આપણે ના જોવા સમર્થ હોઈએ,
તે છતાં એ બધા મધ્ય થઇ આપણને જતું
દોરી એક મહાન માર્ગદર્શન.
આ વિશાળા ને વિભક્ત વિશ્વ કેરી સેવા પૂરી કર્યા પછી
પ્રભુનો પરમાનંદ ને છે ઐક્ય હકે સહજ આપણાં,
પંચાંગે તિથિ છે એક નક્કી અજ્ઞાતરૂપના,
વર્ષગાંઠ નિમાઈ છે પરમશ્રેષ્ઠ જન્મની :
તડકી-છાંયડીમાંથી પોતે જે ગતિ છે કરી
તેને આત્મા વાજબી બતલાવશે,
અત્યારે જે નથી યા છે દૂર તે સૌ
સમીપસ્થ બની જશે.
આ પ્રશાંત અને દૂર રહેનારાં મહાબળો
પ્રવૃત્ત આખરે થશે.
નિજ નિર્મિત કાર્યાર્થે સજજ નિશ્ચલ ભાવથી,
નિત્ય-પ્રજ્ઞ કૃપાપૂર્ણ એ તેજોમૂર્તિ દૈવતો
અવતારતણો આજ્ઞાશબ્દ માત્ર પ્રતીક્ષતાં
કે કૂદી સેતુ બાંધી દે એ અજ્ઞાન-દરી પરે,
સાજાસમા કરે પોલા જીવનગર્ત ઝંખતા,
ને રસાતલ જેવા આ વિશ્વને પૂર્ણ દે ભરી.
૮૭
દરમ્યાન, અહીં સામે આવેલા આત્મને ધ્રુવે
મનીષીની દૃષ્ટિ નીચે નિવાસાર્થે
પ્રભુએ જે રચેલ છે
તે ઊંડાણો કેરી નિગૂઢતામહીં,
વસ્તુઓના શ્યામ અંત નિકટે જ્યોતિ જે વસે
તેની સાથે શુદ્ધ સોજા સત્યની માંડવાળમાં,
હર્ષ ને શોકના મિશ્ર આ દિવ્ય છળવેશમાં,
નિત્ય નિકટ આનંદ છતાં તેની
દીર્ધ ને દૂર ખોજમાં,
બન્યું છે જગ આ જેનું તે મહાભવ્ય સ્વપ્નમાં,
કાળા કાલીયના પાયે ઊભેલા આ
સુવર્ણમય ઘુમ્મટે,
ચિત્-શક્તિ કરતી કાર્ય હૈયે પ્રકૃતિના રહી
કાળો કંચુક ધારીને મજુરી એ કરે વિશ્વ-પ્રયોજને,
અણજન્મેલ દેવોની માટી કેરી મૂર્તિઓ ઊંચકી જતી,
અનિવાર્ય કલ્પનોને કરતી સિદ્ધ કાર્યથી,
ધીર ધારી રક્ષનારી ન્યાસ ધીર ને સનાતન કાળનો,
ગુપ્ત સોંપાયલી કામગીરી સર્વ સમયે એ બજાવતી.
અવગુંઠનમાં રેં' તાં સત્તાવાહી
ઊંડાણમાં સર્વનું પૂર્વદર્શન એહને;
શિખરો પરથી જોતી એક સંકલ્પશક્તિને
દેતો ઉત્તર ઉદ્દેશ મૂકભાવે અચેત અતલોણો,
અને ઉત્ક્રમતા શબ્દ કેરો ભારે ને અર્થજડતા ભર્યો
પ્રથમાક્ષર પોતાનો પ્રકાશંતો અંત પોતે જ ધારતો,
ને ઉચ્ચ જયનો મોટો અવતાર અનરંગે પિછાનતો,
ને પારાવાર આરોહ આત્મા કેરો સંકેતે બતલાવતો.
પ્રત્યેક વસ્તુને લાગે કે પોતે છે એકલી ને અલાયદી,
ત્યાં અહીં સર્વ છે એકમાત્ર એક
૮૮
પરમાત્મા કેરી જ પ્રતિમૂર્તિઓ :
એ છે તેથી જ છે તેઓ અને એના
શ્વાસોચ્છ્ વાસે જ જીવતાં;
અદૃશ્ય એક સાન્નિધ્ય વિસ્મરંતી માટીને ઘાટ આપતું.
મહાશકિતમતી માની લીલામાં સાથ આપતો
આવ્યો એક ઘૂમરાતા સંદેહગ્રસ્ત ગોલકે
શક્તિ ને રૂપને ઓથે એની ખોજ થકી જાત છૂપાવતો.
અચેતનતણી નિદ્રા મધ્યે આત્મા છુપાયલો,
રૂપ વગરની શક્તિ ને શબ્દ સ્વરવર્જિત,
એવો એ હ્યાં હતો તત્વો પ્રકટયાં તે અગાઉનો,
મનની પ્રકટી જ્યોતિ, ને શ્વસંતો
બન્યો પ્રાણ, તેથીયે પૂર્વકાળમાં,
સાગરીત બનેલો એ અડાબીડ
વિશ્વવ્યાપી છળે પ્રકૃતિશક્તિના,
આભાસો નિજના સાચાં રૂપોમાં પલટાવતો,
ને જે પ્રતીક છે તેને સત્ય તુલ્ય બનાવતો,
અકાળ સ્વવિચારોને કાળમાં એ રૂપધારી બનાવતો.
પોતે પદાર્થસામગ્રી, પોતે આત્મા સઘળી વસ્તુઓતણો;
ઘડી પ્રકૃતિએ કાઢયાં એનામાંથી
પોતાનાં કાર્ય કૌશલ્ય અને તેજોબળે ભર્યા :
લેતી એને લપેટી એ ઇન્દ્રજાળે મનોભાવોતણી નિજ,
ને કૈ કોટિક જે એનાં સત્યો તેનાં
અસંખ્યાત સ્વપ્નાં નિજ બનાવતી.
સ્વામી સત્-તાંતણો આવેલો છે એની સમીપમાં,
પલાયન કરી જાતાં વર્ષોમાં છે જન્મ્યું અમર બાલક.
નિમે લી વસ્તુઓમાં ને પોતે જેની પ્રસૂ તે વ્યક્તિઓમહીં
સ્વપ્નસ્થા પૂઠ એ લેતી તેને માટે રાખેલા નિજ ખ્યાલની,
અને પકડતી એક દૃષ્ટિ હ્યાં તો ગ્રહે ઈંગિત એક ત્યાં :
હમેશાં એ બધાંમાં એ આવૃત્ત કરતો રહે પોતાની જન્મસંતતિ.
છે એ સ્રષ્ટા અને સૃષ્ટિ પોતે જેને રચેલ તે,
૮૯
છે એ દર્શન ને દ્રષ્ટા પણ પોતે; નટ ને નાટકે સ્વયં,
છે એ પોતે જ જ્ઞાતા ને પોતે જ જ્ઞાત વસ્તુયે,
સ્વપ્નનો સેવનારો છે એ પોતે ને સ્વપ્ન સેવાયલુંય એ.
છે એવાં બે એક છે જે, ને કરે છે લીલા જે બહુ લોકમાં;
વિદ્યામાં ને અવિદ્યામાં વાતચીત
કરી છે એમણે ને એ મળ્યાં છે એકમેકને,
એમની દૃષ્ટિઓ કેરી આપ-લે જે છે તે જ્યોતિ અને તમ:
આપણાં સુખદુ:ખો છે મલ્લયુદ્ધ અને આશ્વલેષ એમનો,
આપણી કરણીઓ ને આશાઓ છે
એમની ગોઠડી સાથે ગાઢ સંબંધ રાખતી;
ગુપ્ત છે પરણેલાં એ વિચારે ને જીવને બેય આપણા.
છે વિશ્વ છળ-વેશોની અંતહીન પરંપરા :
કેમ કે થાય છે દૃશ્ય અહીં આભાસરૂપ જે તે તેવું સર્વથા નથી,
છે એ કો એક સત્યનું
સ્વપ્નમાં જ ખરું લાગે એવું થયેલ દર્શન,
ને જે લાગત ના સાચું પૂરેપૂરું સ્વપ્ન જો નવ હોત તો,
ઝાંખી ઝાંખી શાશ્વતીની પૃષ્ટ-ભૂને સમાશ્રયે
પ્રપંચ એક આવે છે તરી આગે અર્થસૂચનથી ભર્યો;
સ્વીકારી લઈને એના બાહ્ય દેખાવમાત્રને
જે સૌ ભાવાર્થ છે એનો તેને જોયા વિના આપણ ચાલતા;
એક અંશ જ દેખાતો, અને તેને આખું આપણ માનતા.
આ રીતે છે રચી લીલા એમણે, ને
બનાવ્યાં છે પાત્ર આપણને તહીં :
કર્તા પોતે, નટે પોતે, પોતે જ દૃશ્ય નાટયનું,
ચાલે ચિદાત્મ રૂપે એ ત્યાં, અને सा બને પ્રકૃતિ તે મહીં.
અહીં પૃથ્વી પરે પાઠ આપણે જ્યાં રહ્યો ભજવવો તહીં
નાટય કેરી ક્રિયા કેવી ચાલશે તે આપણે જાણતા નથી;
બોલેલાં આપણાં વાક્યો ઢાંકી દે છે તે બન્નેના વિચારોને.
આપણી દૃષ્ટિ સામેથી પીછે ખેંચી
રાખે છે सा બલિષ્ટ નિજ યોજના :
૯૦
પોતાના મહિમાને ને મુદાને છે એણે ગોપન રાખિયાં,
ને છદ્મવેશમાં રાખ્યાં છે હૈયામાં પ્રેમ-પ્રજ્ઞાન બેઉને.
જે એનાં સર્વ આશ્ચર્ય ને સૌદર્ય, છે તે અલ્પાંશ તેમનો,
અંધારાઈ આવતો તે આપણી અનુભૂતિમાં.
એ ય હ્યાં હ્રાસ પામેલું દેવતારૂપ ધારતો,
સર્વશકિતત્વ પોતાનું એણે પરિહરેલ છે,
પોતની શાંતિ છે એણે પરિત્યાગી, પરિત્યાગી અનંતતા.
એ તેને જ પિછાને છે, છે પોતાની જાત એ વીસરી ગયો ;
તેની ઉપર એ છોડી દે છે સર્વ એને મોટી બનાવવા.
એની અંદર પોતાને નવે રૂપે જોવાની આશ રાખતો,
મૂર્ત્તિમંત બનીને એ નિજ નિ:સીમતાતણી
શાંતિ કેરું પ્રકૃતિના ભાવોત્કટ પ્રહર્ષની
સાથે લગ્ન કરાવતો.
સ્વામી પૃથ્વી અને સ્વર્ગોતણો પોતે, છતાંય એ
વ્યસ્થા વિશ્વની છોડી દેતો પ્રકૃતિ-હસ્તમાં,
સર્વ નિરીક્ષતો પોતે બની સાક્ષી તેના નાટક દૃશ્યનો.
ગણતી બ્હારનું પાત્ર એ તેના રંગમંડપે
બોલતો ન કશુંયે એ, અથવા એ છુપાઈ પાર્શ્વમાં રહે.
તેના જગતમાં જન્મે, તહેનાતે તેની ઈચ્છાતણી રહે,
ભાખતો કોયડા રૂપ તેના એ અણસારને,
ભાખતો ચિત્તભાવોમાં તેના થાતા
અકસ્માત ફેરફારોય એ વળી.
અજાણપણ દેખાડે તે જે પ્રત્યે
તેવા ઉદ્દેશ તેના એ કાર્યમાં પાર પાડતો,
ને એ સમર્પતો સેવા ગુપ્ત તેના
હેતુમાં જે સધાતો દીર્ધ કાળમાં.
અત્યંત મહિમાવંતી પોતા માટે
ગણીને એ એની આરાધના કરે;
માની રાણી મનીષાની એ એની અર્ચના કરે,
સંચાલિકા સ્વસંકલ્પતણી જાણી તેને આધીન થાય એ,
૯૧
જલાવી ધૂપ પોતાની રાત્રીઓ ને દિનો તણો
યજ્ઞની દિપ્તી મધ્યે એ હોમી દે નિજ જિંદગી.
એ તેનો પ્રેમ ને તેની કૃપા કાજે લીન અભ્યર્થના મહીં,
તેનામાં મળતું એને જે મહાસુખ, એક તે
આખુંયે વિશ્વ એહનું :
તેના દ્વારા બધી આત્મ-શક્તિઓમાં વૃદ્ધિ એની સધાય છે:;
વસ્તુમાત્ર મહીં છે જે પ્રભુનો ગુપ્ત હેતુ તે
પઢે છે એ તેની એક સહાયથી.
યા એક દરબારી એ છે તેના જે બીજા અસંખ્ય તે મહીં,
સંતુષ્ટ સાથથી તેના, ને તે પાસે છે એ ભાવે સુખી થતો,
તે જે અલ્પાલ્પ આપે છે તેનો સૌથી મોટો લાભ ઉઠાવતો,
ને તે જે કૈં કરે તેને સજી દેતો નિજાનંદ-સજાવટે.
તેની એક જ દૃષ્ટિએ
આખોએ દિન એનો કૈં ચમત્કાર બની જતો,
તેના અધરથી એક સરી જે શબ્દ આવતો
તે એની ઘટિકાઓને સુખ-પાંખે ઉડાડતો.
પોતે જે કૈં કરે છે ને છે જે કૈં તે
સર્વ માટે તેનો આલંબ એ ગ્રહે :
તેનાં ઉદાર દાનોના આધારે એ
નિજ બાંધે મહાભાગ્યતણા દિનો,
ને નિજ જીવનાનંદ મોરપિચ્છકલાપવત્
ખેંચી આગળ જાય એ,
સેવે એ સૂર્યની ઉષ્મા સરી જાતી તેની સ્મિત પ્રભામહીં.
કર્યો પ્રકૃતિ-રાણીનાં સાધવા એ
સમર્પે છે સેવા સહસ્ર રીતની;
તેના સંકલ્પના અક્ષ આસપાસ
હોરા એના વિવર્તતા,
તેના તરંગનાં પાડે પ્રતિબિંબો એવું સર્વ બનાવતો;
સર્વ છે એમની લીલા; વિરાટ વિશ્વ આ બધું
માત્ર सः-सा-સ્વરૂપ છે.
૯૨
તારાઓને એકબીજા સાથે બાંધી રાખતી ગ્રંથિ તે જ આ :
બે જે છે એક તે સર્વ શક્તિ કેરું રહસ્ય છે,
બે જે છે એક તે વસ્તુજાતમાંનું
જે સામર્થ્ય, ને યાથાતથ્ય એમનું.
આધાર આપતો એનો અરવાત્મા
જગને ને જગત્પ્રકૃતિને વળી,
એનાં કૃત્યો પત્રકો છે આજ્ઞાનાં સૃષ્ટિમાતની.
ચેષ્ટાહીન સુખે સૂતો એ તેના ચરણો તળે :
આપણાં જીવનો જેનો રંગમંચ સકંપ છે
તે તેના વૈશ્વ નૃત્યાર્થે અર્પે એ નિજ વક્ષને,
ને એનું બળ હૈયે જો હોય ના તો સહેવા કો સમર્થના.
ને છે આનંદ એનો એ કારણે કો રાજી યે છોડવા નથી.
એના કામો અને એના વિચારોનું તેણે કલ્પન છે કર્યું,
આત્મા એનો અરીસો છે તેનો મોટો વિરાટ કૈં :
તેનાથી એ ક્રિયાશીલ ને પ્રેરાઈ બોલતો ને પ્રવર્તતો,
અણબોલાયલી તેની હૈયા કેરી માગણીઓ
કૃત્યો એનાં આજ્ઞાધીન ઉપાડતાં:
રહી નિષ્ક્રિય એ સ્હેતો સંઘટ્ટો આ જગત્ તણા,
જાણે એ પ્રકૃતિસ્પર્શો
ઘડતા હોય ના એનો આત્મા ને જિંદગી ઉભે :
દિવસોમાં થઇ એની યાત્રા તેના સૂર્ય-પ્રસ્થાપનરૂપ છે ;
તેના માર્ગો પરે થાય દોડ એની,
ગતિ એની ગતિ છે પ્રકૃતિતણી.
છે સાક્ષી ને વળી શિષ્ય એ તેના હર્ષશોકનો,
શુભે ને અશુભે તેના એ ભાગીદાર છે વળી,
એણે કબૂલ રાખી છે રીતો તેની ભાવાવેશો વડે ભરી,
એ હંકારાય છે તેના મીઠડા ને ઘોર ઘોર પ્રભાવથી.
પ્રકૃતિ જે કરે છે સૌ
તેને એના નામ કેરી મ્હોર છાપ મરાય છે;
૯૩
તેનાં કર્યો પરે એનું મૌન મારેલ છે મતું;
અમલે મૂકતી તે જે નિજ નાટક-યોજના
ને ધૂનો ને મનોભાવો તેના જેહ ક્ષણે ક્ષણે
જાગે તે સર્વની મહીં,
સામાન્ય સ્પષ્ટ દેખીતા જગ કેરા પ્રયાણમાં
જ્યાં જોનારી આંખને સૌ ન કળાયે એવું વિચિત્ર લાગતું --
ને સામાન્ય પ્રકૃતિનાં રૂપો છે જયાં તાણે-વાણે અજીબ શાં,
ત્યાં તે સાક્ષી પુરુષની દૃષ્ટિ દ્વારા
અને ચેષ્ટા દ્વારા સામર્થ્થથી ભરી
વિશ્વ-નાટકની સ્વીય ક્રિયા કેરી
સામગ્રીનો વીંટો જાય ઉકેલતી;
ઘટનાઓ થતી ખુલ્લી જે આત્માને
ચડાવે ને પ્રહારો કરતી વળી,
તેની ચલાવતી શક્તિ, બળો તેનાં મારતાં ને ઉગારતાં,
આપણાં હ્રદયો સાથે વાર્તાલાપ કરતો શબ્દ તેહનો,
સર્વોચ્ચ શબ્દની પાર રહ્યું છે મૌન તેહનું,
શૃંગો તેનાં અને તેનાં ગહનો જેહની પ્રતિ
જાય છે આત્મ આપણો,
આપણાં જીવનો કેરું વણે છે જે પોત તે ઘટનાવલિ,
અને જે સહુના દ્વારા પ્રાપ્ત થાય યા ગુમાવાય જાત, તે,
વસ્તુઓ કડવી મીઠી, ક્ષુદ્ર ને ભવ્યતાભરી,
વસ્તુઓ ઘોર સૌન્દર્ય-સજી ને દિવ્ય રૂપ, તે
બીડામાંથી પ્રકાશે બ્હાર આણતી.
સામ્રાજય નિજ સર્જ્યું છે તેણે વિશ્વ વિરાટમાં,
તેના સૂક્ષ્મ અને પ્રૌઢ શક્તિના નિયમોતણું
રાજયશાસન એની પર ચાલતું.
તેના ઉછંગમાં નાના બાલ જેમ એનું ચેતન છે ઢળ્યું,
તેનું અનંત આકાશ ક્રીડાભૂમિ છે એનાં ચિંતનોતણી,
એના જીવનને ક્ષેત્રે તેના મોટા મોટા પ્રયોગો થાય છે;
બદલાઈ ગયેલું ને કરતું કૈ મથામણો એનું જે અમૃતત્વ છે
૯૪
તેને તે કાળ-રૂપોના જ્ઞાનની સાથે બાંધતી,
બાંધતી રચતું સીમા મન તેની સર્જનાત્મક ભ્રાંતિ શું,
બાંધતી તે યાદ્દચ્છા શું જે ધરે છે મુદ્રા કઠોર ભાગ્યની,
મૃત્યુ-દુઃખ-અવિદ્યાની રમતો તે રમે તે સાથ બાંધતી.
આત્મા એનો એક સૂક્ષ્મ અણુ છે પિંડરાશિમાં,
તેનાં કર્યોતણે કાજે સત્ત્વ એનું સામગ્રીરૂપ દ્રવ્ય છે.
રહે છે જીવતો એનો આત્મા મૃત્યુ પામતી વસ્તુઓમહીં,
સત્યની ફાટ-વાટે એ આરોહીને જાય છે શાશ્વતી પ્રતિ,
રાત્રીમાંથી મૃત્યુમુક્ત જ્યોતિ પ્રત્યે
એને તે ઊંચકી જતી.
સ્વેચ્છાપૂર્વક આપેલા દાનરૂપ
ભવ્ય ભવ્ય એનું છે આ સમર્પણ,
અધીન થાય છે એની અકલંક
ઉચ્ચ આભા તેના શક્તિપ્રભાવને.
વિશ્વ-અજ્ઞાનની તેની રહસ્યમયતા મહીં,
ઉકેલ વણના તેની લીલાના કોયડામહીં,
સર્જાયેલો જીવ એક નાશવંત પદાર્થનો
નક્કી તેણે કરી છે જે
ભાત એને કાજ તેમાં થાય છે ગતિ એહની,
તેના વિચાર છે જેવા તેવી એની વિચારણા,
તેને દુઃખે થઇ દુઃખે ઉચ્છ્ વસે ઉર એહનું;
જેવો દેખાડવા માગે એને તે એ એવો દેખાવ ધારતો,
શિલ્પી સંકલ્પ તેનો જે જે બનાવી
શકે એને એ એવો જાય છે બની.
જો કે હંકારતી એને માર્ગોએ સ્વ-તરંગના,
શિશુ કે દાસ પોતાનો હોય તેમ એની સંગાથ ખેલતી,
તો યે ઘડીક માટેના
દેખીતા એ પૂતળાને ચલાવી લઇ જાય છે
મુક્તિએ ને પ્રભુત્વે શાશ્વતાત્મના,
વિશ્વથી પર આવેલા સદને અમૃત્વના
૯૫
દેહ-ગેહેય એનો નિવાસકાળ મર્ત્ય, જ્યાં
જન્મ ને મૃત્યુની વચ્ચે લક્ષ્યહીન યાત્રા છે એ કરી રહ્યો,
ક્ષણભંગુર તોયે જે સ્વપ્નસેવી બન્યો છે અમૃતત્વનો,
ત્યાં યે ઉત્તેજતી એને તે સામ્રાજય ચલાવવા.
તેની એ શક્તિઓ લેતો પોતાના હાથમાં લઇ;
છે એણે જોતરી તેને ઘૂંસરીએ તેના જ નિયમોતણી.
મંડિત મુકુટે થાય એનું માનવીના વિચારનું.
શિકારી સાંકળે તેથી છે એ ઝાલી રખાયલો,
બુરખો ઓઢતી તેની ધૂને બદ્ધ થયેલ એ,
અભ્યાસ કરતો એહ તેની પદ્ધતિઓતણો,
ઘડીક પણ એ રીતે પોતે સફળ થાય, ને
એની ઇચ્છાતણી સિદ્ધિ કાજે થાય પ્રવૃત્ત તે;
દાસી તેને બનાવે એ ક્ષણ-જન્મની પોતાની વાસના તણી :
આજ્ઞાધીન થવાનો તે દેખાવ કરતી, અને
પોતાના જંતુની દોરી દોરાતી પણ જાય છે :
છે તે સર્જાયેલી તેને કાજ, તેના ભોગ માટે જ જીવતી,
કિંતુ જીત્યા પછી તેને
પોતે પાછો બને તેનો દાસ સૌથી બઢી જતો;
બને આશ્રિત એ તેનો,
સ્વામિની તે બની જાય એનાં સૌ સાધનોતણી;
તેના વિના કશું યે એ કરવા શક્તિમાન ના,
ત્યારે યે તે ચલાવે છે એની ઉપર શાસન.
આખરે એક જાગે છે એનામાં સ્મૃતિ આત્મની:
અંતરે અવલોકે એ મુખડું દેવતાતણું ,
ઢાળમાંથી માનવીના પ્રકટે દેવરૂપતા :
નિજ સર્વોચ્ચ શૃંગોને
કરી ખુલ્લાં બની જાય તે એની સહચારિણી.
ત્યાં સુધી છે ખિલોણું એ તેની રમતની મહીં;
દેખીતો રાજવી તેનો
તે છતાં એ ખિલોણું છે તેના સ્વૈર-તરંગનું,
૯૬
કળોએ શક્તિની તેની
ચાલનારો જીવમાન યંત્રમાનુષ એક એ,
હાલતો ચાલતો હોય સ્વપ્નમાં એ તેમ સર્વ ક્રિયા કરે,
પગલાં ભરતો ચીલે દૈવ કેરા સ્વયંચાલિત યંત્ર શો,
શક્તિને ચાબખે તેના હંકારાતો
ઠોકરો એ ખાતો આગળ જાય છે :
ક્ષેત્રોમાં કાળના બેલ જેમ એનો વિચાર વૈતરું કરે;
એનો સંકલ્પ જેને એ નિજ માને
તે ઘડતો તેની એરણની પરે.
વિશ્વ-પ્રકૃતિના મૂગા કબુને વશ એ રહી
હંકારાતો જતો સ્વીય મહાબલિષ્ઠ શક્તિથી,
વિરાટ એક લીલામાં સાથી રૂપે જેને પસંદ છે કરી
તેના સંકલ્પને એણે બનાવ્યો છે વિધાતા નિજ ભાગ્યનો,
ધૂન તેની બનાવી છે સંવિધાત્રી પોતાના સુખદુઃખની;
વેચી છે જાતને એણે તે રાણીની સત્તાને અપનાવતાં,
તેને પસંદ આવે તે ફટકો કે વરદાન વધાવવા :
લાગે આપણને દુઃખ રૂપ જે તે મહીંય એ
તેના વશ કરી દેતા સ્પર્શકેરી માધુરીને જ માણતો,
સર્વાનુભવમાં થાય ભેટો એને તેના સુખદ હસ્તનો;
પોતાને હૃદયે તેના પદન્યાસે જન્મતું સુખ ધારતો,
પ્રત્યેક ઘટનામાં ને પ્રત્યેક પળ થાય જે
યદૃચ્છારૂપ લાગતું
તે સૌમાં ચમકાવંતો હર્ષ તેના આવાગમનનો લહે.
કરી તે શક્તિ એ સૌ એની આંખે બની અદ્ ભુત જાય છે :
તેનામાં મસ્ત મોજીલો, તારો તેના સમુદ્રનો,
પ્રમોદ માણતો તેના એકેએક કાર્યમાં ને વિચારમાં,
ને જેની તે સ્પૃહા રાખી શકે તે સર્વની મહીં
નિજ સંમતિ આપતો;
જે કૈં તે ઈચ્છતી તે એ બનવા મન માગતો:
બ્રહ્યાત્મા એ એક રૂપ બહુરૂપ બનેલ છે,
૯૭
એણે પાછળ છોડી છે એકાકી નિજ શાશ્વતી,
અનંત કાળમાંહે એ અનંતજન્મ રૂપ છે,
અનંત અવકાશે એ તેના સાન્તે સર્જેલો સમવાય છે.
નાથ બ્રહ્યાંડનો છૂપો આપણામાં રહેલ છે,
ને પોતાની જ શક્તિની
સાથે રમી રહ્યો છે એ સંતાકૂકડીએ અહીં;
રસળીયા કરતો ગુપ્ત પ્રભુ પ્રકૃતિ-સાધને.
પોતાના જ ગૃહે જેમ તેમ માણસની મહીં
અંતર્યામી રહેલ છે;
છે બનાવ્યું વિશ્વ એણે નિજ ક્ષેત્ર વિહારનું;
મહાસામર્થ્થનાં એનાં કામો માટે અખાડો વિશ્વ શો વડો.
સર્વજ્ઞ એ છતાં લે છે સ્વીકારી એ આપણી તામસી સ્થિતિ,
દેવ હોવા છતાં રૂપો ધારે છે એ પશુ ને માનવીતણાં;
સનાતન છતાં લેતો કબૂલી દૈવ--કાળને,
છે અમર્ત્ય છતાં લીલા મર્ત્યતા સાથે એ કરે.
સર્વચૈતન્યરૂપ એ,
છતાં એણે અવિદ્યામાં ભીડી છે હામ આવવા,
સર્વાનંદ-સ્વરૂપે એ ધરી ચેતનહીનતા.
કલહો ને કલેશ કેરા જગને જન્મ ધારતો
જામા પેઠે પહેરી એ લે છે ત્યાં સુખદુઃખને
અને અનુભવો કેરું કરે પાન મધ જેમ બલપ્રદ.
પરાત્પર સ્વરૂપે જે ગર્ભવંતી બૃહતીઓ પ્રશાસતો,
પ્હેલેથી જાણતો સૌ તે હવે વાસ
કરે છે આપણા બાહ્ય તલ પૂઠે આવેલાં અટલોમહીં,
વ્યક્તિ-પ્રભાવ એકાકી પ્રભાપૂર્ણ વિરાજતો.
કેવલાત્મા, પૂર્ણરૂપ એક ને અદ્વિતીય એ :
મૌન કેરા મહાલયે
પોઢેલી જે હતી ચૂપ રૂપલક્ષણહીનમાં,
૯૮
નિજ નિશ્ચલ નિદ્રાથી એની એકાંતતાતણા
અનિર્વાચ્ય પ્રભાવને
કાળથી રક્ષતી ' તી જે તે મૂક નિજ શક્તિને
બોલાવને બ્હાર એણે આવિર્ભૂત ન કરેલ છે.
કેવલાત્મા, પૂર્ણરૂપ, એક ને અદ્વિતીય એ
પોતાની મૌનની સાથે પ્રવેશ્યો છે દિગંતરે :
અસંખ્ય પુરુષો રૂપે એકત્માની એણે છે રચના કરી;
પોતાની બૃહતીમાં જે એકલો જ રહેલ તે
રહે છે સર્વની મહીં;
એ પોતે જ દિશા છે ને પોતે જ કાળ છે વળી.
કેવલાત્મા, પૂર્ણરૂપ, સર્વનિર્મુક્ત સર્વદા,
જે એક આપણામાં છે ગુપ્તાત્મારૂપ આપણા,
છદ્મવેશ બનાવીને આપણી છે ધારી જેણે અપૂર્ણતા,
આ માટીનો દેહ એણે ગેહ રૂપ કરેલ છે,
માનુષી માપમાં એણે ઢાળી છે નિજ મૂર્ત્તિને,
જેથી એનું દિવ્ય માપ આરોહીને કરીએ પ્રાપ્ત આપણે;
પછીથી દિવ્યતા કેરે રૂપે સ્રષ્ટા ઢાળી આપણને ફરી
આપણાં માનસો સાન્ત અનંતે ઊર્ધ્વ ઊંચકી,
ક્ષણને શાશ્વતી કેરો સ્પર્શ સમર્પશે, અને
મર્ત્યના દેહ પે દેવરૂપ કેરી યોજના એક લાદશે.
આ રૂપાંતર પૃથ્વીએ વાળવાનું દેવું છે સ્વર્ગલોકનું :
એકબીજાતણું દેણ અમરાત્મા સાથે બાંધે મનુષ્યને :
સ્વભાવ આપણો જેમ એણે, તેમ
આપણે યે ધારવાનો રહ્યો એના સ્વભાવને;
આપણે પ્રભુના પુત્રો છીએ ને છે
આપણે યે થવાનું પ્રભુના સમા :
આપણે માનવી અંશો છીએ એના,
અને એના જેવું દિવ્ય થવાનું આપણેય છે.
વિરોધાભાસ રૂપી છે જિંદગી આપણી અને
છે ચાવી રૂપ ત્યાં પ્રભુ.
૯૯
પરંતુ ત્યાં સુધી સર્વ સ્વપ્ને ઢાળેલ છાય છે,
ને નિમગ્ન નિષ્ક્રિયાત્મા કાજ, પોતે સ્વયં તથા
જિંદગી ધારતાં રૂપ કો પુરાણકથાતણું ,
અર્થરહિત કો લાંબી વાતનો બોજ ધારતાં.
કેમ કે ગુપ્ત છે ચાવી અને છે એ અચેતને
રાખેલી નિજ પાસમાં;
ઊમરાની હેઠવાશે પ્રભુ છૂપા વસી રહ્યા.
ઢાંકી અમર આત્માને દેનારા દેહની મહીં
અદૃશ્ય શક્તિઓ જેને છે આધીન
એવો એક નિવાસી નામહીન છે;
જડતત્વતણાં રૂપો ને ઉદ્દેશો વિચારશક્તિ પારના
ને અક્લ્પ્યાં ફૂલો કેરા ઘટનાયોગ દૈવના,
ત્યાં પ્રભાવ સર્વશકત અને અકલ એક એ
છે બિરાજ્યો,
જયાં છે એ તે રૂપને ના એની સંવેદના થતી,
અવગુંઠિત રાખે એ નિજ જ્ઞાન ફાંફાં મારંત ચિત્તથી.
સર્જ્યું સ્વચિંતનોએ જે તે જગે અટનાર એ,
ઊર્ધ્વે જે નિજનું છે તે જ્ઞાનની પ્રાપ્તિ કારણે
ભ્રમ ને સત્યની છાયા-જ્યોતિમાં સંચર્યા કરે.
હોય ભૂલી જતો તેમ પોતાની જાત શોધતો;
કરતો શોધ જાણે કે ગુમાવી છે એણે આંતર જ્યોતિને :
દૃશ્યો મધ્યે વિજાતીય વિલંબાતો
કરે યાત્રા નથી જેની જાણ એવા પોતાના ધામની પ્રતિ.
સત્યસ્વરૂપ પોતે તે શોધે સત્ય સ્વરૂપનું;
લીલાનો કરનારો એ લીલારૂપ બનેલ છે,
છે એ ચિંતક પોતે જે ચિંતનારૂપ છે બન્યો,
જે હતો એક ને મૌની તે અનેક-સ્વરૂપ એ.
પ્રતીકાત્મક રૂપોમાં વિશ્વ-શક્તિતણાં, અને
તેના સજીવ-નિર્જિવ સંજ્ઞા-સંકેતની મહીં,
૧૦૦
ને તેનાં ઘટનાઓનાં સંમિશ્ર અંકનો મહીં
સ્વાત્માની શોધતો રે' તો એ આશ્ચર્યપરંપરા,
અને સર્વતણા સાક્ષી ચિદાત્માના એકમાત્ર પ્રકાશમાં
સહસ્રગુણ ના જાય ઉકેલાઈ સમસ્યા સૌ તહીં સુધી
રહે આ આમ ચાલતું.
મહાબલિષ્ઠ પોતાની સખી સાથે
આ કરાર થયો હતો,
કે તેના પ્રેમને કાજે
ને સદાકાળને માટે તેના સંયોગમાં રહી,
કાળની શાશ્વતી કેરા માર્ગને કાપતા રહી,
ઓચિંતા જાગતા તેના મનોભાવો કેરાં જાદૂઈ નાટકો,
ને મો' રામાં છુપાયેલી તેની સંકલ્પ જ્યોતિની
અણચિંતી ચમત્કૃતિ,
ને જંગી ધૂનમાં એની પલટાઓ આવે છે તે બધા મહીં
સાથ એને આપવો ને સહકાર સમર્પવો.
સદૈવ એક છે એવાં બે એનાં લક્ષ્ય લાગતાં,
સીમારહિત કાળને
માથે એ એકબીજાને મીટ માંડી વિલોકતાં;
આત્મા ને દ્રવ્ય તેઓના અંત ને ઉદૃભવેય છે.
રૂપોમાં પ્રાણમાં ગૂઢ અર્થોનો શોધનાર એ,
મહામાતતણી ઈચ્છા વિશાળી ને નકશે ન નખાયલી,
ને પૃથ્વી પરની તેની રીતો કેરો કોયડો કૈં કઠોર, તે
પામવા નીકળેલો એ ખલાસી છે
અંતરસ્થ ગુપ્ત સીમા વિનાનો સિંધુ ખેડતો :
સાહસે નીકળ્યો છે એ, ને વિશ્વજ્ઞાન વાંછતો
જાદુઈ જગતી કેરી ભૂગોળ ધ્રૂમ દીસતી
ભણવા ભાવ રાખતો.
નિસર્ગશક્તિની છે જે વ્યવસ્થા જડતત્વની
નિશ્ચિતા રૂપરેખમાં,
૧૦૧
ખાતરીબંધ લાગે છે જ્યાં બધું, ને
બદલાયે છતાંયે એનું એ જ જે,
અંત જ્યાં નિત્ય અજ્ઞાત રહેલો હોય છે, અને
જીવનસ્રોત જે મહીં
જગા ફેર કરે છે ને રહે અસ્થિર સર્વદા,
તે છતાં મૌન નિર્માણ જીવ માટે
તેમાંથી યે શોધી મારગ કાઢતું;
યુગોની રેલ રેલાતી જતી તેમાં
નક્કર ભૂ-પ્રદેશો નજરે પડે
ને લોભાવી અલ્પ કાળ માટે એ અટકાવતા;
તે પછી ક્ષિતિજો નવી
લલચાવી લઇ જાતિ મન કેરા પ્રયાણને.
આવતો અંત ના સાન્ત કેરી નિ:સીમતાતણો,
અંત્ય નિશ્ચય ના કો જ્યાં વિચાર વિરમી શકે,
સીમા ના આવતી એકે આત્માની અનુભૂતિની.
અણદીઠતણી દૂર સીમાઓની દિશા થકી
અપ્રાપ્ત પૂર્ણતા એક એને આહવાન આપતી:
કરાયો છે માત્ર એક લાંબો આરંભ એકલો.
આ છે નાવિક હંકારી જતો નાવ કાળના સ્રોતની પરે,
આ ધીરો શોધનારો છે જગના જડ તત્વનો,
જેણે આ દેહના ક્ષુદ્ર જન્મે છે ઝંપલાવિયું,
ખાડીઓ જાતની નાની, તેમાં છે એ કળા પઢયો,
પરંતુ શાશ્વતી કેરા સમુદ્રોનો બનીને સફારી હવે
કરી સાહસ અંતે એ અણતાગ્યાં આનંત્યોમાં પ્રવેશતો.
વિશ્વ-સાહસના એના કાચા આરંભની મહીં
જુઓ, ભાન નથી એને પોતાની દેવ-શક્તિનું,
ડરપોક શિખાઉ એ એ દેવીની વિરાટ યોજનાતણો.
હોડી તકલદી, તેનો નાખુદા હોશિયાર એ,
અસ્થાયી તુચ્છ ચીજોનો વેપાર કરનાર એ,
૧૦૨
છોડી વિશાળ વિસ્તારો આરંભે એ કાંઠાને વળગી રહે,
ભીડ ના હામ આઘેના જોખમી દરિયાતણો
સામનો કરવાતણી.
રચ્યો પચ્યો રહે છે એ કાંઠાના રોજગારમાં,
એક બંદરેથી બીજા પડોશી બંદરે થતી
એની વેતન-બાંટણી,
એનો એ જ રહેનારો ફેરો એનો સંતુષ્ટ રાખતો,
નવા ને અણદીઠાનું ન એ જોખમ વ્હોરતો.
હવે કિંતુ સુણે છે એ ઘોષ જ્યાદા વિશાળા સાગરોતણો.
વિસ્તારે વધતું વિશ્વ બોલાવે છે
એને દૂરે આવેલાં દૃશ્યની પ્રતિ,
સફરો કરવા માટે વિશાળતર દૃષ્ટિની
વંક-રેખાતણી દિશે,
અજાણ્યા લોકને જોવા, ને હજી યે ન જોયેલા તટો પ્રતિ.
સોંપાયેલું લઇ કામ વ્યાપારી વ્હાણ એહનું
કાળની સંપદો દ્વારા સેવે વાણિજ્ય વિશ્વનું,
જમીને જકડાયેલા એક મોટા સમુદ્રના
ફીણને જાય કાપતું,
દૂર દેશો મહીં દીવા અણજાણ બારાં કેરા પહોંચવા
ને બજારો ખોલવા ત્યાં જિંદગીની ઘની કારીગરીતણાં,
મોંઘેરી ગાંસડીઓનાં,
કંડારેલા પૂતળાંનાં ને રંગીન પટોતણાં,
શિશુને રમવા માટે આણેલાં કૈં
ખિલોણાંનાં, ખચેલાં રતનો વડે,
પેદાશોનાં, નાશવંતી મેળવાતી મહાશ્રમે,
ભંગુર વૈભવો કેરાં
રળાતા ને ગુમાવાતા દિનોના ચાલતા ક્રમે.
કો એક ખડક-સ્તંભી દરવાજામહીં થઇ
અનામી સિંધુઓ કેરી જવા પાર હજી ના હામ ભીડતો,
સ્વપ્ન-સેવ્યાં અંતરોમાં યાત્રા કેરું કરતો નવ સાહસ,
૧૦૩
અણજાણ કિનારાઓ કેરી નજીકમાં રહી
નૈકા નિજ ચલાવતો,
તોફાનોએ તંગ થાતા બેટોમાં એ નવું બારું બનાવતો;
અથવા ખાતરીબંધ હોકાયંત્રે પોતાકેરો વિચારમાં
દોરતો એ
તારાઓને ઢાંકનારું ઉજળું એક ધુમ્મસ
વીંધીને ઝંપલાવતો,
અવિદ્યાના વહેવાર-માર્ગોએ એ હંકારી વ્હાણને જતો.
એના વહાણનું વક્ષ વણ-શોધ્યા તટોની પ્રતિ વાધતું,
વણ-કલ્પ્યા ખંડ એને અકસ્માત મળી જતા :
ધન્યાત્માઓ તણા દ્વીપો શોધવા નીકળેલ એ
છોડે છેલ્લી જમીનોને,
આખરી સાગરો પાર કરી આગળ જાય છે,
પ્રતીકાત્મક પોતાની ખોજને એ
ચિરસ્થાયી વસ્તુઓ પ્રતિ વાળતો;
જિંદગી બદલી નાખે એને માટે કાળ-સર્જ્યાં સ્વદૃશ્યને,
ઢાંકી અનંતતાને જે દેતી તેવી પોતાની પ્રતિમૂર્તિઓ.
દુનિયાની હવા એની આસપાસ
પોતાની પારદર્શી ના પડદો નાખતી હવે.
મર્ત્ય વિચાર ને આશા કેરી એણે હદને પાર છે કરી,
છેડે જગતના પ્હોંચી ગયો છે એ
અને પારપાર તાકી રહેલ છે;
શાશ્વતીને વિલોકંતી આંખો માંહે
મર્ત્ય શરીરની આંખો કરે લીન સ્વદૃષ્ટિને.
કાળના યાત્રિકે શોધી કાઢવાનું
છે અવશ્ય વિશાળતર વિશ્વને.
શિખરો પર અંતે એ સુણે છે સ્તોત્રગાન કો,
દૂરનું કરતું વાર્તાલાપ, ને જે
છે અજ્ઞાત તે નજીકતણું બને :
ઓળંગીને જાય છે એ સીમાઓ અણદીઠની,
૧૦૪
વટાવીને જતો પાર કિનાર મર્ત્ય દૃષ્ટિની,
ને પોતાનું તથા વસ્તુજાત કેરું નવું દર્શન પામતો.
આત્મા છે એ એક પૂરા ન ઘડાયેલ લોકમાં--
લોક જે એને ન જાણે ને ના જાણી પોતાની જાતને શકે :
પ્રતીક બાહ્ય તલનું છે જે એની લક્ષ્યરહિત ખોજનું
તે ઊંડા અર્થ ધારે છે એના આંતર દર્શને;
છે એની શોધ તે શોધ તમની જ્યોતિ કાજની,
મર્ત્ય જીવનની શોધ છે એ અમૃત અર્થની.
માટીની મૂર્તિમાં પોતે સીમા બાંધી દેનારી ઇન્દ્રિયોતણા
કઠેરાની પાતળી જે પટી તેની પરે થઇ
દૃષ્ટિપાત કરે જાદુ ભરી કાળોર્મિઓ પરે,
જ્યાં ચિત્ત ચંદ્રની જેમ ઉજાળે છે વિશ્વના અંધકારને.
દૃષ્ટિથી હરહંમેશ પછાડી હઠતી જતી,
અસ્પષ્ટ ગૂઢ કાંઠાની રૂપરેખા અંકાયેલી જણાય ત્યાં,
જાણે કે હોય ના દોરી પાતળી શી
ધુમ્મસાળા સ્વપ્ન કેરા પ્રકાશમાં.
ખલાસી એ અચિત્ કેરા અણતાગેલ સાગરે,
અધ્યાત્મ સૂર્યની પ્રત્યે દ્રવ્યને તૂતકે ચઢી
કરે સફર તારાએ ખચ્યું પાર કરી વિશ્વ વિચારનું.
કોલાહલો અને બૂમોતણા બાહુલ્યમાં થઇ,
મગ્ન અજ્ઞેય મૌનોના કરી પાર મહાલયો,
ઊર્ધ્વનાં અંબરો હેઠ અંતરિક્ષે વિચિત્ર લોકમાં થઇ,
પૃથ્વીના અક્ષ-રેખાંશો વટાવી, હાલના બધા
નકશાઓતણી બ્હાર લક્ષ્ય છે સ્થિર એહાનું.
કિંતુ અજ્ઞાતમાં થઇ
ક્યાં એ હંકારતો નૌકા તે કોઈ જાણતું નથી,
કે નથી જણાતું કે ત્યાં કયા ગુપ્ત
કાર્ય માટે મહામાતે એને નિયુક્ત છે કર્યો.
સર્વસમર્થ સંકલ્પ શ્રીમાતાનો, તેના ગુપ્ત બલે રહી,
માના શ્વાસે ધકેલાતો જિંદગીના ઉલ્લોલ અબ્ધિને પથ
૧૦૫
વજુ કેરા ધડાકામાં કે નિર્વાત મહીં થઇ,
કશું ના જાય જોયું જ્યાં એવાં ધૂમ-ધૂમરોની મહીં થઇ,
લઇ એ જાય છે એના સીલબંધ આદેશો હૃદયે ધરી.
મોડેથી જાણવાનો એ લિપિ ગૂઢ ઉઘાડતાં
કે પોતે બંદરે ખાલી જાય છે અણદીઠમાં,
કે માના ફરમાનને
જોરે એ જાય છે શોધી કાઢવા પ્રભુને પુરે
મન ને તન નૂતન,
અને સ્વમહિમાકેરા મંદિરે પધરાવવા
અમૃતાત્મ સ્વરૂપને,
ને અનંતતણી સાથે એકરૂપ બનાવવા
આ જીવ અંતવંતને.
ક્ષાર વેરાનની આરપાર અંત-વિહીન વરસોતણા,
એની વિભ્રાંત નૌકાને સિંધુ-વાતો માના આગળ પ્રેરતા,
ને વારી વિશ્વનાં વાટે જતાં છોળે નાવડતાં,
અફવા શું આસપાસ એની છે, ને ભય ને એક સાદ છે.
માની શક્તિતણા આંક્યા લીસોટાએ એ હમેશ જતો રહે.
જિંદગી, મૃત્યુ ને બીજી જિંદગીમાં થઇ એ નાવમાં ફરે,
જાગતો ને ઊંઘતો એ હોય તેની મહીં થઇ
એની યાત્રા રહે આગળ ચાલતી.
એની પર મુકાઈ છે શક્તિ એક માના ગૂઢ પ્રભાવની
જે એને રાખતી બાંધી ભાગ્યયોગ
સાથે પોતે જે સર્જ્યું હોય તેહના,
ને જ્યાં સુધી ન અજ્ઞાન-છાયા દૂર કરાય માનવાત્મની
ને એની રાત્રિને પાડે પકડી ના પ્રભાતો પરમાત્મનાં
ત્યાં સુધી એ બલી યાત્રા ન કદી વિરમી શકે
ને પડે ના કદી બંધ યાત્રા ગહન એહની.
છે જ્યાં સુધી પ્રકૃતિની હસ્તી, હસ્તી છે એનીય તહીં સુધી;
કેમ કે આટલું નક્કી કે એ બન્નેય એક છે.
સૂતો એ હોય ત્યારેયે રાખે છે એ તેને સ્વ-વક્ષની પરે:
૧૦૬
તેને જે જાય છે છોડી, તે અજ્ઞેયે
એના વગર વિશ્રામ લેવા માટે જશે નહીં.
જ્ઞાતવ્ય સત્ય છે એક, કર્તવ્ય એક કર્મ છે;
લીલા પ્રકૃતિની સત્યા; એનો સાથી
ગૂઢ એક કાર્યને પાર પાડતો :
છે એક યોજના માના વિશ્વવર્તી ગૂઢ ચિત્ત-તરંગમાં,
ઉદ્દેશ એક છે એની વિશ્વવ્યાપી
અકસ્માત જેવી રમતની મહીં.
હમેશાં જ હતી તેની ભાવના આ
જિંદગીનો પહેલો પો ફાટ્યો તેહ સમાથકી,
નિજ ખેલનથી ઢાંકી રાખતી તે આ અખંડિત કામના,
કે શૂન્યે વ્યક્તિતતાશૂન્ય વ્યક્તિભાવ જગાડવો,
જંગી જડલયે જામ્યાં મૂળ જે જગતીતણાં
પ્રહાર કરવો તેની ઉપરે સત્ય-જ્યોતિનો,
અચેત ગહનો મધ્યે મૂકાત્માને પ્રભોધવો,
ને લુપ્ત શક્તિને એની નિદ્રામાંથી ભુજંગિની
ઊર્ધ્વ દેશે ચડાવવી,
જેને લીધે કાળમાંથી કરે દૃષ્ટિ આંખડીઓ અકાળની,
અને અચ્છાદનોમાંથી આવિર્ભાવ પ્રભુ કેરો કરે જગત્.
આ માટે એ હતો આવ્યો તજી શુભ્ર નિજાત્માની અનંતતા
ને માટીનો ભાર એણે લાદ્યો ' તો આત્મની પરે,
કે મનોહીન દિગ્દેશે પ્રભુ કેરું બીજ પુષ્પિતતા ધરે.
૧૦૭
ચોથો સર્ગ સમાપ્ત
સર્ગ પાંચમો
રજાનોયોગ
આત્માની મુક્તિનો ને મહિમાનો યોગ
કાળ-જાયા માનવીઓમાં આ જ્ઞાન પ્રથમ અશ્વપતિને પ્રાપ્ત થયું. ગુઢતાની ગુહામાં એણે પ્રવેશ કર્યો અને આત્માની દૃષ્ટિ પ્રાપ્ત કરી. ત્યાં સર્વ વસ્તુઓનું જ્ઞાન હમેશને માટે આવી રહેલું હતું.
પાર્થિવ પ્રકૃતિના પશોમાંથી છૂટીને એણે આ અવસ્થા પ્રાપ્ત કરી. શરીરના નિયમો ત્યાં બાધતા ન હતા, પ્રાણના ધબકારા બંધ થયે પણ ત્યાં મૃત્યુ ધૂસી શકતું ન હતું, શ્વસન અને વિચાર સ્તબ્ધ થવા છતાંય રાજા ત્યાં જીવવાનું સાહસ કરતો હતો. દેવોએ મેળવેલું સર્વ જ્ઞાન ત્યાં સ્વયં-વિજ્ઞાત હતું. અંતરમાં પ્રવેશ કરી એણે બાહ્યના રહસ્યમય લેખ વાંચ્યા.
પછી એક જબરજસ્ત સંકલ્પે અને આશાએ એના હૃદયનો કબજો લીધો, અને અતિમાનુષ સ્વરૂપનાં દર્શન કરવાને એણે અણદીઠ અધ્યાત્મ-શિખરો પ્રતિ દૃષ્ટિ ઉંચી કરી, અને એક મહત્તર જગતને ઉતારી લાવવાની આસ્પૃહા સેવવા માંડી. એણે જે જોયું તે પોતાનું મૂળ ધામ છે એવું એને લાગ્યું. આ ખંડિત જગતમાંથી દેશનિકાલ થયેલા સનાતન-સ્વરૂપના મહિમાનાં દર્શન કરી એને લાગ્યું કે આપણે નીચેની અજ્ઞાનતા, અપૂર્ણતા અને અંધાધુંધીમાંથી ત્યાં જવાનું છે.
અત્યાર સુધીમાં જે કર્યુંકારવ્યું હતું તેમાંથી અશ્વપતિનો આત્મા નિવૃત થયો. અનંત અને અકાળમાંથી આવતા સોનેરી પ્રવાહો એનામાં પ્રવેશવા માંડયા. મૃત્યુ-લોકને નીચે રાખી એ અનંતને આલિંગનમાં લેવાને માટે એક જોતની જેમ ઊંચે આરોહ્યો. એક અનામી આશ્ચર્યે એના આત્માને ભરી દીધો.
આમ એ પાર્થિવતામાંથી મુક્ત થઇ ઉપર જતો હતો ત્યાં એનામાં એક ઓજસ્વી અવતરણ થયું. દૈવી બળ, જ્વલંત જ્યોતિ, અદભૂત સૌન્દર્ય, પ્રચંડ પરમાનંદ, અને નિર્વિશેષ માધુર્ય એણે વીંટળાઈ વળ્યાં. વણ-માપ્યા આત્મ-સત્તાએ એની પ્રકૃતિ ઉપર આક્રમણ કર્યું.
એની ઊઘડેલી આંખ આગળ બધું ખુલ્લેખુલ્લું થઇ ગયું. એની સામે પ્રકૃતિએ પોતાનાં ગૂઢ રહસ્યો પ્રકટ કર્યા, એની ચમત્કારી શક્તિઓ એને શોધતી આવી. એના ગૂઢ નિયમો અને ગૂઢ કર્યોનાં પરિણામો રાજાની જ્ઞાનદૃષ્ટિ સમક્ષ છતાં થયા. પ્રકૃતિએ પોતાની મનોમન શક્તિથી કેવું બધું સર્જન કર્યું છે તે એને સમજાયું.
૧૦૮
જોહુકમી પ્રકૃતિએ અશ્વપતિના આત્માની સેવામાં પોતાનું સર્વ સમર્પી દઈ એની આધીનતા સ્વીકારી. પોતાના રાજાથી પોતે જિતાઈ ગઈ.
પડદા પાછળની એક ગૂઢ રહસમય્ય શક્તિ સરહદ ઉપરનો સમ્રાટ છે. આપણું દૃશ્ય જગત તો એની માત્ર બહાર દેખાતી ઝભ્ભાની ઝૂલ છે. ત્યાં પણ એક અનિર્વાચ્ય સાન્નિધ્ય પાછળ ખડું છે એવું રાજાને દેખાયું.
અવચેતનાનું જે ગૂઢ જગત છે ને જેનાં ભીમકાય સ્વરૂપો રાજાને પ્રત્યક્ષ થયાં તે અચિત્ અવલંબન લઈને રહેલું છે. એણે હવે પોતાની પ્રસ્ફુરંત લિપિમાં પોતાનાં રહસ્યો અશ્વપતિ આગળ ખુલ્લા કર્યાં. છેક ઉપરથી તે છેક નીચે સુધી કાળમાં આવેલા અકાળનાં રાજ્યો શ્રેણિબંધ ગોઠવાયેલાં રાજાએ જોયાં. તે બધાં નીચેથી ઊંચે ચેતનની ચઢતી જતી અવસ્થાઓમાં થઇ, પોતે જ્યાંથી આવ્યાં હતાં તેની પ્રત્યે આરોહતાં હતાં : અચિત્ દ્રવ્યના પાતાલગર્તથી આરંભી પરમાત્માનાં ઉર્દ્વોદ્વ શિખરોની દિશામાં એક અખંડ યાત્રા ચાલી રહી હતી એવું એને દેખાયું.
આખરે અશ્વપતિ માનચિત્ર વિનાના માર્ગરહિત સાગરોમાં સફર કરતો કરતો, અજ્ઞાતના જોખમનો મુકાબલો કરી એક અનેરા સ્થળકાળમાં પ્રવેશ પામ્યો.
આ જ્ઞાન મેળવ્યું એણે પ્હેલ વ્હેલું કાળ-જાયા જનોમહીં,
વિચાર આપણો ને જે દૃષ્ટિ કેવળ સત્યની,
તેમની વચમાં એક પડદો છે ઊજળા મનનો પડ્યો,
તમાં થઇ અપાયેલો મેળવીને પ્રવેશ, એ
જોવા પામ્યો ગુહા ગૂઢ ને ગુહ્ય દ્વાર આત્મની
દૃષ્ટિના ઉત્સની કને,
તે ગયો એ સેવતી' તી જહીં પાંખો પ્રભાવી મહિમાતણી
સૂર્ય પ્રકાશથી વ્યાપ્ત આકાશે જ્યાં સર્વ વિજ્ઞાત સર્વદા.
શંકા ને માન્યતા પ્રત્યે ઉદાસીનત્વ રાખતો,
નગ્ન સત્યતણો એકમાત્ર આઘાત માગતો અત્યંત આસ્પૃહા ધરી,
હૈયું પાર્થિવ બાંધીને રાખનારો મનનો દોર કાપતો,
દેતો દૂર ફગાવી એ ઘૂંસરીને ધારાની જડ તત્વના.
આત્માની શક્તિઓને ના બાંધતા ' તા કાયદાઓ શરીરના :
જિંદગી કરતી બંધ ધબકારા, ન તે સમે મૃત્યુ ભીતર ઘૂસતું;
સ્વાસોચ્છવાસ ને વિચાર નિ:સ્પંદ જે સમે થતા
૧૦૯
તે સમે યે જીવવાની હામ એ ભીડતો હતો.
આમ એ તે ચમત્કારી સ્થાને માંડી પગલાંઓ શક્યો હતો,
જેની ઉતાવળી આંખે
ઝાંખીયે કરવાનો કો વિરલા જ સમર્થ છે,
જયારે ક્ષણેકને માટે મન કેરાં શ્રમથી સાધ્ય કામથી
ઊંચી કરાય છે દૃષ્ટિ
અને પ્રકૃતિનાં સ્થૂલ કંગાલ દર્શનો થકી નિવૃત્ત થઇ જાય છે.
શીખ્યા છે દેવ જે તે સૌ સ્વયંવિજ્ઞાત છે તહીં.
છે એક ગુપ્ત આગાર બંધ ને મૂક તે સ્થલે,
ને તેમાં રાખવામાં છે આવ્યાં સંકેત-પત્રકો,
લોકોને લહિયે જેમાં રેખાંકિત લખેલ છે,
પવિત્ર ધર્મશાસ્ત્રોનાં છે તેની મધ્ય કોષ્ટકો,
સંભૂતિ-ગ્રંથનું તેમાં પાનું સાંકળિયાતણું ,
વેદોના સત્યનો મૂળપાઠ ને શબ્દકોષ ત્યાં,
ભાવાર્થ આપણી ભાગ્યગતિનો બતલાવતા
છે તારાઓતણા તેમાં લયો ને છંદના રયો :
સંખ્યાંકો ને જંતરોની પ્રતીકાત્મ શક્તિઓ,
ને ગુપ્તલિપિએ બદ્ધ સંહિતાઓ વિશ્વના ઈતિહાસની,
અને પ્રકૃતિનો પત્ર-સંવાદ આત્મ સાથનો--
આલેખાયેલ છે ગૂઢ હાર્દમાં જિંદગીતણા.
આત્માના સ્મૃતિઓ કેરા ઘુતિમંત નિકેતને
હાંસિયામાં લખાયેલી ટિપ્પણીઓ પ્રકાશતી
પ્રકાશ-ટપકે બીડો આંકી દેતી સંદિગ્ધ કરચોળિઓ
પાછી એ મેળવી શક્યો,
ઉપોદઘાત બચાવી એ શક્યો ને તે સાથે કાળા કરારનો
શબ્દભાગ ઉગારતો,
જડ પ્રકૃતિની નિદ્રામાંથી ઊભું થનાર સૌ
નવીન રૂપને વાઘે સદાનાને સજાવવા,
જેની ઉપર ચાલે છે રાજ્ય કાળા કરારનું.
ચિત્રવિચિત્ર ગૂઢાર્થ એના અક્ષ્રર ને તહીં
૧૧૦
જ્યાં ત્યાં વેર્યા ઈશારાઓ દુર્બોધ ભાવથી ભર્યા
તે હવે એ ફરી વાંચી નવે અર્થે સમજી શકતો હતો,
ઉકેલી શક્તિ દૈવી વાણીને ને એના દ્વર્થક ભાસને,
ઉખાણા સરખાં એનાં વાક્યોને ને અંધપાટાળ શબ્દને,
ગહનાર્થ વિરોધોક્તી ભર્યા એનાં સત્યનાં પ્રતિરૂપને,
એનાપ્રચંડ કર્યાર્થે રખાયેલી કપરી શરતોતણી
જરૂરીયાતમાં ન્યાય સ્વીકારી શકતો હતો,
કાર્ય પ્રકૃતિનું ભીમ-ભગીરથ શ્રમે ભર્યું,
અશક્ય સમ ભાસતું,
બળે જેને સાધવાને માત્ર તેની
ચમત્કારી જ્ઞાનયુક્ત કળામાત્ર સમર્થ છે,
એનો નિયમ દેવોનો જ્યાં વિરોધ પ્રવર્તતો,
છટા પાડી શકાયે ના એવા એના
વિપરીત પ્રકારોની પરંપરા
સમજી શકતો હતો.
મૂક્ભાવી મહામાતા નિજ વૈશ્વ સમાધિમાં
રૂપના જન્મને અંગે મંજૂરી જે મળેલી છે અનંતની,
તેને સૃષ્ટિતણા હર્ષ-શોક માટે પૂરેપૂરી પ્રયોજતી,
અચિત્ જગતમાં ઈચ્છા જ્ઞાન મેળવવાતણી,
મૃત્યુની આણની નીચે સંકલ્પ જીવવાતણો,
માંસમાટીતણે હૈયે તલસાટ પ્રહર્ષનો
દુર્દાન્ત યત્નથી પાર પાડવાનું કબૂલતી;
અને વાયુ તથા જીવકોષ કેરા ચમત્કાર જન્મથી
પ્રકટે ચૈત્ય તે દ્વારા કરતી સિદ્ધિ કાર્યથી
રહસ્યમયતા ઈશ અને રાત્રી વચ્ચે થયેલ કોલની.
એકવાર ફરી કાને પડ્યો સ્પંદ-વિહીન વૈશ્વ માનસે
કોલ શાશ્વતનો દીધો કામે મંડી રહેલી નિજ શક્તિને,
આરંભાઈ જવા માટે વિશ્વવ્યાપક કામને
પ્રેરનારો પ્રવર્તવા,
મર્ત્યતામાં જગાડંત જન્મનો રુદનધ્વનિ,
૧૧૧
કાળના કારમા નાટયે સમારંભ તણો શ્લોક ગવાડતો.
ઊંડાણોની મધ્યમાંથી થયું ઉભું રહસ્ય વિશ્વનું દટયું;
આત્મા કેરા ભોંયરામાં તાળાબંધ રાખેલાં દફતરો મહીં
પૂઠે રાખી મુકાયેલી વાંચી એણે મૂળ શાસન-પત્રિકા,
અને પ્રજ્ઞાતણી જોઈ સહી-સિક્કા સાથે પાવક-સીલ ત્યાં
કાળી શક્તિતણા ઢાંક્યા કાર્ય પર મરાયલી,
જે શક્તિ જ્યોતિ-સોપાનો રચે અજ્ઞાનની મહીં.
એક સૂતા દેવતાએ ખોલ્યાં અમર લોચનો :
ચૈત્ય-વિહીન રૂપોમાં જોઈ એણે ચિંતના ન ઘડાયલી,
અધ્યાત્મ ભાવના ગર્ભ ભર્યું એણે જાણ્યું ભૌતિક દ્વવ્યને,
મન અજ્ઞેયને જાણી લેવા સાહસ માંડતું,
જાણ્યું જીવન જે પેટે રાખતું ' તું સુવર્ણ શિશુ એહનું.
વિચાર શૂન્યતા કેરા અવકાશે આવતા જ્યોતિ-પૂરમાં
સંકેતોથી ચૈત્યના આ વિશ્વ કેરા અર્થને સમજી લઇ
બાહ્ય કેરો મૂલ-પાઠ વાંચ્યો એણે પ્રવેશી નિજ અંતરે :
બન્યો સ્પષ્ટ ઉખાણો ને ગૂંચ એની ટળી ગઈ.
ઓજસ્વી પૃષ્ટ પે વ્યાપી વિશાળતર કો વિભા.
બુટ્ટાઓમાં કાળ કેરા હેતુ એક ભળી ગયો,
યાદ્દચ્છાની ઠોકરાતી ચાલને ત્યાં ભેટો અર્થતણો થયો
અને દૈવે કર્યા ખુલ્લા અંકોડાઓ દ્રષ્ટા સંકલ્પના તહીં;
ભાનવાળી બૃહત્તાએ ભર્યો મૂક પુરાણા અવકાશને.
પરા સર્વજ્ઞતા એણે જોઈ શૂન્યે સમારૂઢ સિંહાસને.
સંકલ્પે એક, નિ:સીમ આશાએ એક છે હવે
એના હૃદયને ગ્રહ્યું,
અતિમાનુષનું રૂપ જોવા માટે
ઊંચી આંખો કરી એણે આત્મા કેરાં અદૃષ્ટ શિખરો પ્રતિ,
અભિપ્સુ એ હતો નીચે લાવવાને વિશાળતર વિશ્વને.
જે મહામહિમા કેરી ઝાંખી એને થઇ તહીં
તે પોતાનું જ છે ધામ એવું એને ઠસી ગયું.
૧૧૨
વધારે ભવ્ય ભાસ્વંત સૂર્ય સ્વલ્પ સમામહીં
અંધારા ઓરડાને આ સ્વતેજે અજવાળશે
અને અંદરની છાયાલીન સોપાન-પંક્તિઓ
પ્રકાશિત બની જશે,
નાનલી બાલશાળામાં બાલાત્મા જે પઢી રહ્યો
લઈને વસ્તુઓ ભાગ્યે શિખવાડે એવો કો પાઠ શીખતો,
તે પ્રાથમિક બુદ્ધિનું
છે વ્યાકરણ જે તેની મર્યાદાઓ વટાવશે
ને પૃથ્વીની પ્રકૃતિની અનુકારમયી કળા
એની પાછળ છોડશે,
બોલી ભૂલોકની એની બદલાઈ બ્રહ્યવાણી બની જશે,
જીવમાન પ્રતીકોમાં સત્યતાનો અભ્યાસી એ બની જશે
અને અનંતના તર્કશાસ્ત્રનું તત્વ શીખશે.
આદર્શરૂપ છે તેને થવાનું છે સામાન્ય સત્ય સૃષ્ટિનું,
દીપ્તિમંત થવાનું છે દેહને શ્રી પ્રભુથી ભીતરે વસ્યા,
જે સૌ અસ્તિ ધરાવે છે તે સૌની સાથ ઐક્યની
ભાવના છે લહેવાની હૈયાએ ને મને કરી,
સચેત પુરુષે વાસ કરવાનો છે સચેત બન્યા જગે.
સર્વોચ્ચ શૃંગ દેખાય જેમ ધુમ્મસમાં થઇ
તેમ શાશ્વત આત્માનો મહિમા નજરે પડ્યો,
દેશપાર થયેલો જે ખંડખંડિત વિશ્વમાં
દિવ્ય દ્રવ્યોતણા અર્ધ આભાસો વચગાળમાં.
રાજાની રાજવી ઝોક સેવવાને
માટે હાવે એ જરાયે ઉપયોગી રહ્યાં ન ' તાં :
આપણી ક્ષુદ્રતની ને અમર્યાદિત આશની
અને કારુણ્યથી પૂર્ણ આનંત્યોની વચ્ચે સોદો થયેલ જે
તેમાં મળેલ ચીજોની કંજુસાઈ બતાવતા
જીવ શું જીવવાનું ના એનું અમર આત્મનું
અભિમાન કબૂલતું.
પૃથ્વી કેરી અવસ્થાની નિમ્નતાનું
૧૧૩
પ્રત્યાખ્યાન તુંગ એની અવસ્થા કરતી હતી :
એક વિશાળતા પામી અસંતોષ પોતાના ચોકઠાથકી
સૃષ્ટિની શરતો કેરા દિન સ્વીકારને સ્થળે
વળી પાછી જતી હતી,
કરાર કપરો, પટ્ટો ઘટી છોટો બનેલ જે
તેને ધુત્કારતી હતી.
અહીંયાં પડતા પાર આરંભો માત્ર એકલા;
એકલું માત્ર પાયાનું દ્રવ્ય પૂર્ણ જણાય છે,
ચૈત્ય વગરનું પૂરેપૂરું યંત્ર જ સર્વથા.
કે બધું અધ-ખ્યાલોનો બંધ બેસી શકે નહીં
એવો ઢંગ બતાવતું,
કે દિવ્ય વસ્તુઓ કેરી અધૂરી ને ઉતાવળી
ઝાંખીને ને દેવતાઈ ચિહ્ નોના અનુમાનને
ને હાસ્યાસ્પદ વેશને
પાર્થિવ પિંડના દોષે ભર્યા સાજે આપણે હ્યાં સજાવતા.
અંધાધૂંધી ગોઠવાઈ બની જગત જાય હ્યાં,
અલ્પજીવી રૂપમાળા તણાઈ શૂન્યમાં જતી :
જ્ઞાનની નકલો, ગોલરેખાખંડો અસમાપિત શક્તિના,
પાર્થિવાકૃતિઓ માંહે પ્રસ્ફુરંત સ્ફોટ સુંદરતાતણો,
ખંડાયેલાં પ્રેમકેરાં પ્રવર્તન ઐક્યનાં
તરે છે, તરતા સૂર્યનાં ભાગેલાં તૂટેલાં પ્રતિબિંબ શાં.
પ્રયોગાત્મક ને કાચાં જીવનોનો સમૂહ ગીચ કૈ ખચ્યો
એક આખો બનેલો છે ગોઠવાઈ ટુકડે ટુકડે બધો.
આશાઓને આપણી ના પૂર્ણરૂપે મળતો પ્રતિ-ઉત્તર;
ચાવી ના જેમની એવાં બારણાં છે અંધ ને નવ બોલતાં;
વિચાર ચડતો વ્યર્થ, ઊછીની જ્યોતિ લાવતો,
જિંદગીનાં બજારોમાં વેચાતી તે નકલી વસ્તુઓ થકી
છેતરાય જઈ હૈયા આપણાં, અપરાધમાં
ગુમાવેલી સ્વર્ગકેરી મહામુદા
લઇ પકડમાં લેવા ફાંફાં ફોગટ મારતાં.
૧૧૪
મનને ઓચવી દેવા માટે સામાન છે ભર્યો,
રોમાંચો દેહ માટે છે, નથી કિંતુ અભીષ્ટ એક આત્મનું.
પ્રહર્ષ ઉચ્ચમાં ઉચ્ચ કાળ જે હ્યાં આપી આપણને શકે
તે ય આપ્રાપ્ત આનંદો કેરી ખાલી ખોટી નકલ માત્ર છે,
પરમાનંદની તૂટી-ફૂટી છે માત્ર મૂર્તિ એ,
છે એ સુખ ઘવાયેલું જે જીવી શકતું નથી,
વિશ્વની શક્તિએ નાંખ્યું પોતા કેરા દેહના દાસની પ્રતિ
અલ્પજીવી સૌખ્ય છે એ મન ને ઇન્દ્રિયોતણું ,
કે અજ્ઞાનતણા અંત:પુરે ખાલી દબાણથી
મળતા મોદનો છે એ માત્ર દેખાવ બ્હારનો.
કેમ કે આપણે જે કૈ હોય છે મેળવેલ તે
જરા વારમહીં મૂલ્ય વિનાનું જાય છે બની,
કાળની બેન્કનું જૂનું જમાખાતું એ બેકાર બની જતું,
અપૂર્ણતાતણો ચેક અચિત્ ઉપરનો લઇ
છે જવાનો વટાવવા.
પ્રત્યેક યત્નની પૂઠ લેતું કૈક તર્ક-વિરુદ્ધ વર્તતું,
અંધાધૂંધી વાટ જોતી ઊભેલી છે પ્રત્યેક સૃષ્ટ વિશ્વની :
બીજ નિષ્ફળતા કેરું છુપાયું છે પ્રત્યેક કાર્ય-સિદ્ધિમાં.
હ્યાંની સૌ વસ્તુઓ કેરી જોઈ એણે સંશયગ્રસ્ત સંસ્થિતિ,
ગર્વ ભરેલ નિ:શંક વિચાર માનવીતણો
કેવા અનિર્ણયે પૂર્ણ છે તે એણે નિહાળિયું,
ક્ષણભંગુર દેખાઈ સિદ્ધિઓ યે એની શક્તિતણી બધી.
વિચારકાર્યહીણા આ જગે છે એ જીવ એક વિચારતો,
અજ્ઞાતના સમુદ્રે છે દ્વીપ એક મનુષ્ય હ્યાં,
ક્ષુદ્રતા એક જે યત્ને મહાન બનવા જતી,
છે એ પશુ, ધરાવે જે દેવ કેરી થોડી સહજ-પ્રેરણા,
છે એની જિંદગી એક કથા સામાન્ય ઢંગની,
એવી સામાન્ય કે એનું બ્યાન છેક નિરર્થક,
એનાં કર્મોતણી સંખ્યા સરવાળે શૂન્યરૂપ બની જતી,
ઓલવાઈ જવા માટે ચેતાવાતી મશાલ શી
૧૧૫
એની ચૈતન્ય-જ્યોતિ છે,
આશા એની તારકા છે પારણા ને શ્મશાન પર ઉગતી.
ને છતાં યે સંભવે છે એને માટે ભાવિ એક મહત્તર,
કેમ કે સત્ય એનું છે આત્મસત્તા સનાતની.
પુનઃસર્જન પોતાનું ને એની આસપાસના
સર્વનું એ કરી શકે,
ને પોતે જ્યાં રહે છે તે જગને એ નવેસર ઘડી શકે :
કાળની પારનો જ્ઞાતા છે એ અજ્ઞાન છે છતાં,
પર પ્રકૃતિથી છે ને દૈવથીયે પર આત્મસ્વરૂપ છે.
એના સર્વે કર્મમાંથી આત્મા એનો પરાવૃત્ત થઇ ગયો.
માનુષી શ્રમનો વ્યર્થ ઘોંઘાટ પ્રશમી ગયો,
દૂર ડૂબી ગયો ધક્કામાર લોક-જિંદગીનો પદધ્વની.
એકલો મૌનનો સાથ એને માટે હવે બાકી રહ્યો હતો.
અસ્પૃષ્ટ જીવતો ' તો એ મેળવીને મુક્તિ પાર્થિવ આશથી,
વર્ણનાતીત સાક્ષીના ધામમાં પ્રતિમા સમો
પગલાં ભરતો એના વિચારોના વિશાળ ઉચ્ચ દેવળે,
અનંતતાતણી છાયે હતી જેની કમાનો ઝાંખપે ભરી,
હતી અદૃશ્ય પાંખો જ્યાં સ્વર્ગગામી નિદિધ્યાસ-પરાયણા
ઉપરે હૂંફ આપતી.
સ્પર્શી શકાય ના એવાં શિખરોનું એને આહ્ વાન આવતું;
મનના દૂરના ક્ષુદ્ર થાણા પ્રત્યે ઉદાસ એ
સનાતનતણી રાજય-બૃહતીમાં નિવાસ કરતો હતો.
ચિંત્ય આકાશની પાર હવે એનું અસ્તિત્વ વિસ્તર્યું હતું,
એનો વિચાર નિ:સીમ અંતેવાસી બન્યો ' તો વૈશ્વ દૃષ્ટિનો :
વિશ્વવ્યાપી જ્યોતિ એની આંખો માંહ્ય પ્રકાશતી,
સુવર્ણ સ્રોત વ્હેતો ' તો એના હૈયા અને મસ્તિષ્કમાં થઇ;
મર્ત્ય અંગોમહીં એનાં હતી એક શક્તિ આવેલ ઊતરી,
નિત્યાનંદાબ્ધિઓમાંથી ઓઘ આવ્યો હતો વહી;
૧૧૬
હુમલાનું ને અનામી હર્ષ કેરું
જ્ઞાન એને થતું હતું.
સર્વસમર્થ પોતાના મૂળ પ્રત્યે સભાન એ,
સર્વજ્ઞ સંમુદા કેરાં પામતો એ પ્રલોભનો,
અપરિચ્છેધનુ કેન્દ્ર જીવતું એ બની જઈ,
બ્રહ્યાંડમંડલાકાર સાથે સામ્ય સ્થાપવા વ્યાપ્ત વિસ્તરી
એમેય નિજ અધ્યાત્મ નિર્માણ પ્રતિ એ વળ્યો.
છિન્નભિન્ન હવા કેરા પટે દેવાયલો તજી,
દૂરે વિલીન થાનારી રંગરેખા મધ્યે વિલુપ્ત ચિત્ર શાં
પાર્થિવ સૃષ્ટિનાં શૃંગો ડૂબ્યાં એના ચરણો હેઠળે તહીં :
આરોહ્યો એ ભેટવાને ઊર્ધ્વમાં જે છે અનંતગણું બૃહત્ .
નિશ્ચલ બ્રહ્મના મૌને જોયો એને જતો તહીં,
અચાનક જ છોડેલા કાળના તંગ ચાપથી
છલંગી શાશ્વતી મધ્ય થઇ જાનાર તીર શો,
રશ્મી એક જતું પાછું પિતા સવિતૃની પ્રતિ.
મુક્તિના મહિમા પ્રત્યે વિરોધી-ભાવ રાખતા
કાળુડા અચિતે વીંઝી પોતાના વ્યાલ-પુચ્છને
ગાઢ અસ્પષ્ટતાઓમાં રૂપ કેરી ઘેને ઘેર્યા અનંતને
ઝાપટ્યો નિજ શક્તિથી :
નિદ્રાના દરવાજાની જેમ મૃત્યુ એની નીચે ઢળ્યું હતું.
વિશુદ્ધ પરમાનંદ પ્રતિ એકાગ્રતા કરી,
શ્રેષ્ઠ શિકારની જેમ પ્રભુની શોધમાં રહી,
અગ્નિના શંકુની જેમ ઊર્ધ્વે જ્વલંત એ ચઢયો.
થોડાંને જ મળે છે એ મુક્તિ દેવોપમા ને અતિદુર્લભા.
બ્હાની દુનિયા કેરાં ક્ર્યોમાં જ રચ્યાપચ્યા
કેટલાએ હજારો તો સ્પર્શેય પામતા નથી;
એક એવા હજારોમાં ગુપ્ત સાક્ષી આંખે પામે પસંદગી,
નિજાત્માનાં ન માપેલાં અપારો મધ્યમાં થઇ
પ્રેરાયેલો જાય છે એ દોરતો જ્યોતિના કરે.
યાત્રી બનેલ છે એક એ સનાતન સત્યનો,
૧૧૭
આપણાં માપ ના એના મન કેરી અસીમતા
ધારવાને સમર્થ કો;
પાછો વળી ગયો છે એ અવાજોથી સાંકડી દુનિયાતણા,
માનુષી કાળની નાની ગલી એણે તજેલ છે.
શબ્દમુક્ત પ્રાંગણોમાં મહત્તર વિધાનના
અદૃષ્ટના પરિસરો મધ્યે એ પગલાં ભરે,
કે અસંમૂર્ત્ત ગુરુને પગલે પગલે જતાં
અસીમ અવકાશે એ
દઈ કાન સાંભળે છે નાદ નિર્જન એકલો.
સમસ્ત પડતાં શાંત ઘેરો મર્મર વિશ્વનો
રહે છે ચુપકીમાં એ જગના જન્મપૂર્વની,
અકળ એકની આગે આત્મા એનો અનાવૃત બની જતો.
સૃષ્ટ સૌ વસ્તુઓ કેરી બલજોરી થકી દૂર થઇ જઈ
વિચાર લય પામે ને સાથ એની પ્રતિમાઓય છાયની,
રૂપ ને વ્યક્તિના ઢાળા વિલોપાઈ જતા બધા.
પોતાનો પ્રીછતી એને અનિર્વાચ્ય વિશાળતા.
ઈશ્વરાભિમુખી પૃથ્વી કેરો એક એ અગ્રેસર એકલો,
હજી ના ઘાટ પામેલી વસ્તુઓનાં પ્રતીકોના સમૂહમાં,
બંધ આંખે વિલોકાતો ને અજન્મા કેરાં મૂક મુખો વડે,
નિત્યસ્થાયી પ્રાંગણોમાં એકાન્ત વિજનત્વના
સુણતો પડઘા એકમાત્ર સ્વીય પડોતણા,
અનાખ્ખેયતણી ભેટ લેવા માટે યાત્રાનો પંથ કાપતો.
અનામી એક આશ્ચર્ય ગતિહીન ઘડીઓમાં ભરાય છે.
આત્મા એનો શાશ્વતીના હૈયા સાથ હળી જતો
અને અનંતનું મૌન પોતાની મધ્ય ધારતો.
મર્ત્ય ચિચાર માંહેથી દેવતાઈ નિવર્તને
આત્માદૃષ્ટિતણા એક અદ્ ભુતાકાર ઇંગિતે,
વાઘા માનવતા કેરા ઉતારી નગ્ન રૂપમાં
આત્મા એનો પંથહીન તુંગો મધ્યે મિનારા શો ખડો થયો.
૧૧૮
જેવો એ આમ અરોહ્યો તેવું તેને અનાવૃત વિશુદ્ધને
ભેટવા કો છલંગીને નીચે આવ્યું મહૌજા એક ઊર્ધ્વનું.
બલ એક, જવાલ એક, સૌદર્ય એક એ હતું,
અર્ધ-દૃશ્ય અમર્ત્ય લોચનો વડે,
પ્રચંડ પરમાનંદ, પૂર્ણ--સંપૂર્ણ માધુરી
અતિ-અદ્ ભૂત પોતનાં અંગાંગોથી વીંટાઈ એહને વળ્યાં,
શિરા--હૃદય--મસ્તિષ્કે ઓતપ્રોત થઇ ગયાં,
દિવ્યાવિર્ભાવથી રોમ-હર્ષણે એમને ભરી
મૂર્છામગ્ન બનાવતાં :
ભેટે અજ્ઞાતની એની લાગી પ્રકૃતિ કંપવા.
ટૂંકી મૃત્યુથકી, લાંબી કાળથીય ક્ષણેકમાં,
પ્રેમથીયે વધુ ક્રૂર, સ્વર્ગથીય સુખી વધુ
શક્તિ કેરા પ્રભાવથી
શાશ્વત બાહુઓ મધ્ય પરમોચ્ચ પ્રકારે પકડાયલી,
એક અટલ આનંદે બલાત્કારે ખેંચાઈ જોરથી જતી,
મુદા ને શક્તિના ચક્રવાતોનાં ચક્કરો મહીં,
અકલ્પ્ય ગહનો મધ્યે જવાતી ઝડપે લઇ,
વણમાપેલ તુંગોએ ઉઠાવાયેલ ઊર્ધ્વમાં,
મર્ત્યાવસ્થાથકી બ્હાર બળે ખેંચી કઢાયલી
એની પ્રકૃતિમાં સીમાતીત એક નવીન પલટો થતો.
વિના જોયે, વિના શોચ્યે જ્ઞાન સર્વજ્ઞતાભર્યું,
રહસ્ય સમજાયે ના જેનું એવી એક સર્વસમર્થતા
નિગૂઢ રૂપ કે જેમાં સમાઈ જાય વિશ્વ સૌ,
ને તે છતાંય જેણે ત્યાં માનવી ઉરને કર્યું
ભાવોદ્રેકી સ્વમંદિર,
ને એને બ્હાર આણીને ઢૂંઢનારી એની એકાંતતા થકી
પ્રભુના મહિમાઓએ પૂર્ણ આશ્લેષમાં ભર્યો.
જેમ અકાલ કો આંખ હોરા હોય વિલોકતી,
કર્ત્તા ને કર્મ બન્નેનો કરી વિલય નાખતી,
તેમ આત્મા હવે તેનો સુવિશાળ પ્રકાશતો
૧૧૯
રિક્ત ને શુચિ રૂપમાં :
એનું જાગૃતિ પામેલું મન કોરી પાટી જેવું બની ગયું,
વિશ્વરૂપ અને એકમાત્ર જ્યાં શકતો લખી,
જે બધું નિગ્રહી રાખે અધોભ્રષ્ટ આપણા ચિત્સ્વરૂપને
તે બધું લઇ લેવાયું એનામાંથી ભાર શું વીસરાયલા :
કો દેવતાત્મના દેહ સરખા એક અગ્નિએ
ભસ્મીભૂત કરી નાખ્યાં સીમાબદ્ધ કરતાં રૂપ ભૂતનાં
ને નવી જાતને માટે નિવાસાર્થે સુવિશાળ જગા કરી.
સંપર્કે શાશ્વતી કેરા તોડી નાખ્યા ઢાળાઓ ઇન્દ્રિયોતણા.
પાર્થિવ કરતાં મોટી શક્તિ એનાં અંગોને પકડે ગ્રહે,
પ્રચંડ પ્રક્રિયાઓએ કર્યા ખુલ્લા કોષો એના નહિ શોધી કઢાયલા,
અદ્ ભૂત શક્તિઓ કાર્ય સાધનારી,
સુપ્રચંડ હસ્તોની આડશો બને,
ઉભેળે મનની દોરી કેરા ત્રણ વળો, અને
દેવની દૃષ્ટિની મુક્ત કરી દેતી વિશાળતા.
વસ્ત્ર વાટે વસ્ત્રકેરા પ્હેરનાર તણો યથા
દેખાયે ઘાટ દેહનો,
તથા રૂપોતણા દ્વારા વૈશ્વ સંવેદના અને
દૃષ્ટિ એક પરાત્પર
પ્હોંચતી 'તી છુપાયેલા કેવળ નિરપેક્ષમાં.
વૃદ્ધિ ને ઉચ્ચતા પામી ગયાં'તાં કરણો બધાં.
માયાનો લેન્સનો કાચ નાશ પામ્યો રૂપ મોટું બતાવતો;
જેમ જેમ સર્યાં નીચે માપ એના હારી ગયેલ હાથથી
તેમ તેમ મહાકાય
ઝઝુમંતી વસ્તુઓ સૌ દેખાઈ અણુના સમી.
ક્ષુદ્ર અહંતણી વાળી કેરા છેડા જોડાયા ન જતા હવે,
આત્મા કેરા બેશુમાર અવકાશોમહીં વપુ
લાગતું' તું હવે માત્ર અટતી છીપના સમું,
મન એનું જણાતું ' તું અવિનાશી રહીશના
ભિત્તિચિત્રે ભર્યા બાહ્યવર્તી પ્રાંગણના સમું :
૧૨૦
આત્મા એનો શ્વાસ લેતો હતો એક અતિમાનુષ વાયુના.
મેઘનાદ અને સિંધુઘોષ સાથે ન હોય શું,
તેમ બંદી દેવતાએ દીર્ણ કીધી જાદૂઈ આડ વાડની,
ભીમકાય મોક્ષકેરા તૂટતા આસપાસના
મોટા કૈ અંતરાય ત્યાં.
અવિનાશીપણે હસ્તી સૃષ્ટિ સાથ ધરાવતા,
વૃત્ત ને અંત પ્રત્યેક આશાના ને પ્રયાસના,
પાષાણી દૃઢતા સાથે અંકાયેલા
ચિંતના ને ક્રમની આસપાસમાં,
નાફેર સ્થિરતાવાળા પરિવેષો
અવતારતણા પાય હેઠ આપોઆપ લુપ્ત થઇ ગયા.
અઘોર આવરક ને તલહીન ગુહાગૃહ
જેમની વચમાં પ્રાણ ને વિચાર હમેશાંય હરે ફરે,
ઝાંખી ને ઘોર સીમાઓ જેને પાર કરવાની હજી મના,
મૂગો મહાભયે પૂર્ણ અંધકાર રક્ષા-કાર્યે રખાયલો,
મનની ને અવિદ્યાની સીમાઓમાં
પાંખવિહીન આત્માને ઘેરી લેવા કેરી સત્તા ઘરાવતો,
શાશ્વતી-દ્વેયને ના જે જરાયે અવ રક્ષતો,
તે સર્વે ભીષ્મ પોતાની ભૂમિકાને પરિત્યજી
વિલોપાઈ ગયાં હવે :
એકદા સૃષ્ટિનું વ્યર્થ અંડાકાર સ્વરૂપ તે
વિસ્તાર પામતું શૂન્ય ખોઈ બેઠું નિજ ભીમ વળાંકને.
કઠોર વજૂ શા જૂના અધિકાર નિષેધના
ટકાવી પગ ના શક્યા :
પૃથ્વીના ને પ્રકૃતિના જુનવાણી નિયમો અભિભૂત સૌ;
વેગે ઉદય પામેલા દેવને ન નિયંત્રવા
સમર્થ કાયદાકેરી જકડંતી નાગચૂડો મહાબલી :
વિધાતાએ લખ્યા લેખો વિલોપાઈ ગયા બધા.
શિકાર મૃત્યુનો એવો ક્ષુદ્ર જીવ રહ્યો ન એ,
સૌને ગળી જતી એક પારાવાર અપારતા
૧૨૧
પાસથી રક્ષવા જેવું રહ્યું ના કો રૂપ ભંગુર ત્યાં હવે.
ગોંધાયેલા જગતના હૈયાની ઘણ-ઘાવ શી
ધબકોએ કર્યા ખુલ્લા તોડીફોડી બાધતા બંધ સાંકડા,
બળો સામે વિશ્વનાં જે રક્ષી આપણને રહ્યા.
ચૈત્ય ને વિશ્વ બે સામસામાં ઊભાં સમાન શક્તિઓ બની.
સીમારહિત અસ્તિત્વે અમાપ કાળની મહીં
કરી પ્રકૃતિ આંક્રાંત સત્તા દ્વારા અનંતની;
જોઈ એણે માર્ગમુક્ત, ભિત્તિમુક્ત,
જંગી મોટી પોતાની મોકળાશને.
એની મુદ્રામુક્ત આંખ સામે સર્વ અનાવૃત બની ગયું.
ગુપ્ત એક પ્રકૃતિનાં રક્ષાકવચ ના રહ્યાં;
ભયકારી અર્ધજ્યોતે મહાભીષણ, એકદા,
બલિષ્ટ નિજ એકાંતે પકડાઈ ગયેલ એ
રાજાની દીપ્ત સંકલ્પ-પ્રભા સામે ખુલ્લે ખુલ્લી થઇ ગઈ.
છાયાળા ગૃહખંડો જે ઉજાળાતા અજાણ્યા એક સૂર્યથી,
છૂપી નિગૂઢ ચાવીએ ખૂલતા માંડ માંડ જે ;
એનાં ભયભર્યા ઊંડાં ભોંયરાંમાં અવગુંઠિત શક્તિઓ
સ્વીકારતી થઇ સત્તાવાહી એક આવેલા મનને અને
કાળજન્મ દૃષ્ટિ કેરો દાબ ફરજ પાડતો
સહેનારી બની ગઈ.
વર્તી શકાય ના એવી માયાવી રીતભાતનાં,
તત્કાલ કરતાં કાર્ય, ગાંજયાં ના કોઈથી જતાં,
વિશાળતર વિશ્વોનાં વતની ને રહેનારાં છુપાયલાં
બળો પ્રકૃતિનાં ઊંચે આવતા, જ્યાં
છે આવશ્યકતાવાળું ક્ષેત્ર સીમિત આપણું,
અર્ધ-દેવોતણો છે એ હક ગૂઢ પ્રકારનો,
એની નિગૂઢ સંજ્ઞાઓ ખાતરીબંધ શક્તિનું
રેખાયોજન ધારતી,
એની આકૃતિઓ જેમાં પ્રકટંતી શક્તિ ભૌમિતિકી બની,
૧૨૨
ચમત્કારે ભર્યાં એનાં સામર્થ્યોનાં સુયોજનો,
પૃથ્વી-પોષ્યું ઓજ યોજે ઉપયોગાર્થ એમને
એવી અભ્યર્થના કરે.
સચેતન પ્રકૃતિની ઝડપે યંત્રયોજના
દ્રષ્ટા મનતણા ભાવિદર્શી ઉત્કટ ભાવને
ને વીજ-વેગ ધારંતા મુક્ત ચૈત્ય શક્તિ કેરા પ્રકાશને
અંત:સુપ્ત ચમત્કારી તેજે સજ્જ બનાવતી.
એક વાર મનાવેલું જે અશક્ય સમાન તે
બધું હવે બની જાતું શક્યતાના એક સહજ અંગ શું,
સ્વાભાવિક અવસ્થાનો પરમોચ્ય પ્રદેશ એક નૂતન.
ગૂઢ વિદ્યા જાણનારો એક સર્વસમર્થ કો
આભાસી જગ આ બાહ્ય
અવકાશે કરે ઉભું ઈન્દ્રિયોને પ્રવંચતું ;
ચેતનાના ગુપ્ત એના તાણાવાણા વણંત એ,
રૂપરહિત પોતાની શક્તિ માટે રચતો એ ક્લેવરો ;
અરૂપબદ્ધ ને રિક્ત મહાવૈરાટ માંહ્યેથી
નક્કર પ્રતિમાઓની એણે એની જાદૂઈ રચના કરી,
ઘાટ દેનાર સંખ્યાની ને રેખાયોજનાતણી
ઇન્દ્રજાળ ખડી કરી,
લોપી કો ન શકે એવા તર્કબુદ્ધિવિરુદ્ધના
અંકોડા સ્થિર છે કર્યા,
અદૃશ્ય નિયમો કેરી
આડી-ઉભી ચોકડીની ગૂંચ ઊભી કરેલ છે,
અચૂક શાસનો એનાં અને એની પ્રક્રિયાઓ છુપાયેલી
સમજાવી શકાયે ના એવી એક
સૃષ્ટિ સર્જે ભૂલચૂક કર્યા વિના,
જેમાં સ્ખલન આપણાં
જીવતા અજ્ઞાન માટે કોરી કાઢે જ્ઞાનનાં મૃત ચોકઠાં.
નિયમોથી વિધાતાના છુટી એવી
રહસ્યમયતાપૂર્ણ પોતાની ચિત્તવૃત્તિથી
૧૨૩
પ્રેરી પ્રકૃતિ યે સર્જે નિજ ક્ષેત્રે
વિધાતાના જેટલા જ પ્રભાવથી,
ઈચ્છા એની વિરાટોને બદ્ધાકાર બનાવતી,
ને જે અનંત છે તેને અર્પતી અંતવંતતા ;
એ પોતે કરે ઊભી વ્યવસ્થા સ્વ-તરંગ અનુસારની,
પડદા પૂઠના સ્રષ્ટા કેરાં વૈશ્વ ગુહ્યોનેય ટપી જવા
હોય ના બકતી હોડ તેમ તેની ધૃષ્ટ ઉત્કૃષ્ટતા કરે.
જેના ન્યાસોતણી મધ્યે અદ્ ભુતોનાં પુષ્પો પ્રગટ થાય છે
તે તરંગિતતા કેરાં પગલાંઓ તેનાં ઝડપથી ભર્યાં
છે તર્કબુદ્ધિથી જયાદે ખાતરીબંધ, છે વળી
તદબીર થકી જયાદા ચાલકી બતલાવતાં,
અને છે વધુ વેગીલાં પાંખોથી કલ્પનાતણી.
ચિંતના ને શબ્દથી એ જે નવેસર સર્જતી
તે તેના મનના દંડ
દ્વારા દ્વવ્યમાત્ર પાસે બલે સહુ કરાવતું.
મન છે એક મધ્યસ્થ કાર્ય કરંત દેવતા :
બધું પ્રકૃતિનું કાર્ય અન્યથા એ કરે શકે.
પૃથ્વીના નિયમો પાકા એ મોકૂફ રાખી કે બદલી શકે :
ધરાની ટેવની સુસ્ત સીલબંધી થકી એ મુક્તિ મેળવી
સીસા જેવો ગ્રાહ તોડી શકે એ જડ તત્વનો;
રહી બેપરવા રુષ્ટ મૃત્યુની મીટની પ્રતિ
એક ક્ષણતણું કાર્ય કરી અમર એ શકે :
એની વિચારતી શક્તિ કેરા સાદા એક આદેશમાત્રથી,
એની સંમતિના સ્વલ્પ આકસ્મિક દબાણથી
કરી મુક્ત શકે છે એ શક્તિ મૂક પૂરાયલી
સમાધિલયના એના રહસ્યમય ખંડમાં :
નિદ્રાને દેહની દેતું બનાવી શસ્ત્ર એ બલી,
રાખતું શ્વાસને રોકી, હૈયા કેરી ધબકોને નિરોધતું,
અને તે સ્થિતિમાં પ્રાપ્ત અણદીઠથતું, અને
અશક્ય સિદ્ધિ પામતું,
૧૨૪
વણ-સાધન પ્હોંચાડે વણ-બોલ્યા વિચારને;
નિજ નીરવ ને ખાલી સંકલ્પે એ ઘટનાઓ ચલાવતું,
વિના હાથ, વિના પાય દૂર દેશે પ્રવર્તતું.
આ ઘોર રૂપ અજ્ઞાન ને આ વામન જિંદગી
એમને અજવાળી એ શકે આદિષ્ટ દૃષ્ટિથી,
મત્ત મધોત્સવો કેરું અને ઉગ્ર
રોષની દેવતા કરું આવાહન કરી શકે,
દૈત્ય કે દેવને દેહે આપણા એ ઉદ્ બોધિત કરી શકે,
સર્વજ્ઞને તથા સર્વશક્તિને એ આમંત્રી અંતરે શકે,
વિસ્તૃત સર્વસામર્થ્ય જગાડી ભીતરે શકે.
પોતાની ભૂમિકામાં જે મન સમ્રાટ રાજતો
તે આ નક્કર ભોમે યે રાજારૂપ બની શકે :
એની અર્ધ-દેવતાઈ ભાવનાની સતર્કતા
સંક્રાંતિની ક્ષણે માર્યા કૂદકા સાથ લાવતી
નવાઈ ભર્યાં, ભાન વિનાના જડતત્વની
ચાતુરીએય ના સાધ્યાં આશ્ચર્યો સર્જનાતણાં.
હ્યાં બધું છે ચમત્કાર, ચમત્કારે પલટાઈ શકે વળી.
આ છે ગુહ્ય પ્રકૃતિની ધાર ઓજસ્વિતાતણી.
છે જે અભૌતિક મોટી ભૂમિકાઓ તેમના પ્રાંતભાગમાં,
રાજ્યોમાં જ્યાં પાશબદ્ધ મહિમા શક્તિનો નથી,
મન સત્તા ચલાવે જ્યાં પ્રાણ ણે રૂપની પરે,
ને પોતાના વિચારોને ચૈત્ય સિદ્ધ કરે જ્યાં સ્વપ્રભાવથી,
ધ્યાતી પ્રકૃતિ ત્યાં શબ્દો પર ઓજસથી ભર્યાં
ને વિખૂટા ગોલકોને જોડનારા
અણદીઠા અંકોડાઓ વિલોક્તી.
એનાં ધારા-ધોરણોને પાળનાર દીક્ષાધારી સમીપ એ
ત્યાંની નિગૂઢ પોતાનાં રાજ્યો કેરા આલોકો લઇ આવતી :
છે અહીં એ જહીં ઊભો પગ મૂકી પ્રણામી જગની પરે,
ને નથી દ્રવ્યને ઢાળે મન એનું ઢળાયેલું જરીય જ્યાં,
૧૨૫
ફૂટનારા ઓજકેરા ફુવારામાં
એ ચાલવી રહેલી છે પ્રક્રિયાઓ ચમત્કાર તેમની,
અને અદ્ ભુત તેઓની વાણીની મંત્રયોજના,
ને એ ચલાવતી રે' શે જ્યાં સુધી ના સ્વર્ગ--નરક બેઉયે
પૃથ્વીને નહીં પાડે પૂરો પુરવઠો, અને
મર્ત્ય માનવ સંકલ્પ-વશવર્તી દાસ વિશ્વ બને નહીં.
વિદેશી જેમની ઈચ્છાશક્તિ સ્પર્શે આપણી મર્ત્ય જિંદગી
તે અનામી ઓઝલાળા દેવો સાથે
દરમ્યાનગીરીની કરનાર એ
રીતો વિશ્વતણા જાદૂગર કેરી વિડંબતી,
ને પોતાની સ્વયંબદ્ધ મુક્ત ઈચ્છા
માટે માર્ગ-ઘરેડો ઉપજાવતી,
જાદૂઈ વિભ્રમો માટે કારણ કોઈ બાંધતુ
આપવાનો બ્હારનો ડોળ દાખતી.
બધાંય ભુવનોને એ સાથીદારો પોતાનાં કામમાં કરે,
સાગરીતો ભીમકાય પોતાના ઘોર કાર્યમાં,
ને તેમને લઈ છલંગે એ ધૃષ્ટતાથી અશક્યમાં :
બધા જ પ્રભાવોમાંથી મેળવ્યાં છે
દાવપેચી એણે સ્વકીય સાધનો,
ભૂમિકાઓતણા મુક્તપ્રેમે સાધેલ લગ્નથી
નિજ સૃષ્ટિતણાં જંગી કર્યો માટે છે એણે તત્વ મેળવ્યાં.
બેહિસાબ જ્ઞાન કેરી છે એ આશ્ચર્ય-ગૂંથણી,
દિવ્ય નિર્મિતિના મોટાં કર્યો કેરા સંક્ષિપ્ત સારસંગ્રહો
સંયોજીને બનાવી છે એણે સાચી વસ્તુરૂપ અવસ્તુને,
યા તો દાબી રખાયેલી સત્યતાને એણે મુક્ત કરેલ છે :
વાડ-વંડા વિનાનો જે આશ્ચર્યોનો કામરૂ દેશ એહનો
તેમાં વાળી લઇ જાતી અસ્તવ્યસ્ત
એ પોતાની શક્તિઓ ગૂઢરૂપિણી;
અનંત કેરાં શિલ્પોની એની સ્મારક પદ્ધતિ,
અવગુંઠિત બુટ્ટાઓ ફૂટતા જે ફુવારા શા નિગૂઢથી,
૧૨૬
અચિત્ ના જાદુઓ કેરી કિનારી ઝૂલના સમી,
નિયમાતીત સર્વોચ્ચ સત્ય કેરી સ્વતંત્રતા,
ભુવને અમરો કેરા વિચારો જન્મ પામતા,
મંદિર-પૂઠથી ફૂટી આવનારાં વચનો દેવતાતણાં,
અંતર્યામી દેવ કેરાં પ્રકટંત પ્રબોધનો,
ડોકતાં ને વીજવેગે છલંગીને આવતાં ભાવિ-સૂચનો,
ને અંત:શ્રવણો પાસે પ્રકટંતાં પ્રસૂચનો,
ઓચિંતા સર્વથા પૂર્ણ થનારાં મધ્યવર્તનો,
અચિંત્યહેતુ કર્યો યે અતિચેતનવંતનાં,--
આ સૌએ છે વણી એની સમતોલ જાળ જાદૂગરી ભરી,
ને રચી છે ઘોર એની કળા કેરી
વિધિ ચિત્રવિચિત્ર કૈં .
ચિત્રવિચિત્ર આ રાજ્ય એના શાસનમાં સર્યું.
જેમ કો વધુ ચા' નારી વિરોધ કરતી વધુ,
તેમ પ્રકૃતિએ બેળે અને આનાકાની કરંત હર્ષથી
આપ્યા ભોગવટા મોટા, શક્તિ ને નિયમો નિજ,
આપી દીધી જાતને યે પ્રહર્ષાર્થે ને લેવા ઉપયોગમાં.
ગૂઢ માર્ગે થતા દોષોમહીંથી મુક્તિ મેળવી
પુન:પ્રાપ્ત કર્યા એણે ઉદ્દેશો જે માટે સર્જાઈ એ હતી:
જે અનિષ્ઠતણી પોતે કરી ' તી સાહ્ય તેહની
સામે એ યોજતી યંત્રશક્તિએ રિદ્ધ રોષ ને
સંહાર કરવાવાળાં અદૃશ્ય નિજ સાધનો;
સેવામાં ચૈત્યકેરી ને બ્રહ્ મેચ્છાવશ વર્તવા
દીધી એણે સમર્પી સૌ મનોભાવો ભયાવહ
ને આધીન કરી દીધી મનસ્વી નિજ શક્તિને.
એનાથી જબરા આપખુદે એની આણી આપખુદી વશે.
ઓચિંતો હુમલો આવ્યે ચકિતા એ દુર્ગમાં નિજ જાતના,
અસમર્થિત પોતાના રાજરાજે જિતાયલી
કૃતાર્થ મુક્તિ પામેલી પોતાના દાસભાવથી,
પરાભૂત પરાનંદ વડે થઇ,
૧૨૭
સીલબંધ અને ગૂઢ લિપિસ્થ જ્ઞાન એહાનું
સર્વસામર્થ્થના ગુહ્ય ખંડો રૂપે રહેલ, તે
બલાત્કાર થતાં એણે અર્પ્યું આધીનતા ધરી.
સીમા ઉપર છે સત્તાધીશ શક્તિ નિગૂઢની.
પૃથ્વીના દૃશ્યની પાર છે જે તેની
રખેવાળી કરે એ ઊમરે રહી,
દેવોનાં પ્રસ્ફોટનોને વાળેલાં છે એણે નિશ્ચિત ન્હેરમાં,
ને અંતર્જ્ઞાનની દૃષ્ટિ
કરી કુંજગલીઓની મધ્ય કાપી કરેલ છે
લાંબો માર્ગ પ્રસ્ફુરંતી જ્ઞાનોપલબ્ધિઓતણો.
હતા અદ્ ભુત અજ્ઞાતતણા લોકો સમીપમાં,
પોતાની પૂઠ સાન્નિધ્ય અનિર્વાચ્ય હતું એક વિરાજતું :
પ્રભાવો તેમના ગૂઢ નિજ રાજ્યે પ્રવેશતા,
એના ચરણની હેઠ સિંહ જેવાં બેઠા' તાં તેજ તેમનાં;
એમનાં બારણાં પૂઠે પોઢેલું છે અજ્ઞાત ભાવિ નીંદરે.
ચૈત્યનાં પગલાં કેરી આસપાસ
મોં ઉઘાડી પડયા ગર્તો અંધારી આલમોતણા,
ને શૃંગો દિવ્ય બોલાવી રહ્યાં' તાં ત્યાં
એની ઊંચે ચડયે જાનાર દૃષ્ટિને :
અંતવિહીન આરોહ અને ચેતોભાવ સાહસ માગતો
શોધતા મનને થાક્યા વિના લોભાવતા હતા.
મંત્રમુગ્ધ કાન પાસે અસંખ્યાત અવાજો આવતા હતાં;
કરોડો મૂર્તિઓ આવી જતી ચાલી
તે ફરીથી જોવાને મળતી નહીં.
આ હતો આગલો ભાગ પ્રભુ કેરા સહસ્ત્રગુણ ધામનો,
આરંભો એ હતા અર્ધ-ચક પૂઠે આવેલા અણદીઠના.
જાદૂઈ ઝબકારંતી પરસાળ પ્રવેશની
આડશાળી જ્યોતિકેરી ખંડ-છાયે પ્રકંપતી,
પ્રાંગણ આપ-લે ગૂઢ થતી જ્યાં ભુવનોતણી,
૧૨૮
ઝરૂખો ને અગ્ર-ભાગ ચમત્કારો વડે ભર્યો
નજરે પડતા તહીં.
એની ઉપરના દેશે પ્રકાશંતાં હતાં આનંત્ય ઊર્ધ્વનાં;
સીમાવિહીનતામાંથી અવિજ્ઞાત બધું બ્હાર વિલોકતું :
ધારે એક વસ્યું' તું એ હોરા-વિહીન કાળની,
નિત્યના કો સાંપ્રતેથી જોતું' તું બદ્ધ દૃષ્ટિએ,
દેવોના જન્મથી એની છાયાઓ ઝગતી હતી,
સંકેતો કરતાં એનાં શરીરો અશરીરને,
ભાલો એનાં પ્રકશંતાં હતાં અધ્યાત્મ-યોગથી,
એનાં પ્રક્ષિપ્ત થાતાં' તાં રૂપો અજ્ઞેયરૂપથી,
અનિર્વાચ્યતણાં સ્વપ્નાં આંખો એની નિષેવતી,
મુખો એનાં શાશ્વતીમાં મીટ માંડી રહ્યાં હતાં.
રાજાના જીવને જાણ્યો પૃષ્ઠભાગ
એની જંગી અવચેતન ભોમનો;
અદૃષ્ટ બૃહતો પ્રત્યે ક્ષુદ્ર અગ્ર ભાગો ખુલ્લા થઇ ગયા :
ઊંડા પ્રકૃતિના ગર્તો ઊભા નગ્ન સ્વરૂપમાં,
પારના મહિમા એના જ્યોતિકેરા મહૌધની
પારદર્શકતાઓમાં પ્રજવલીને ભભૂકતા.
મળી આવી મહાકાય વ્યવસ્થા એક આ સ્થળે,
જેની ઝૂલ અને પટ્ટી લંબાવેલી
આપણાં પૃથિવી કેરાં જીવનોનું દ્રવ્ય ક્ષુદ્ર પ્રમાણનું.
જેનાં રૂપો છુપાવે છે રહસ્યો પારપારની જ્યોતિમાં લય પામતાં,
ને આ વ્યક્ત ચરાચરે
પ્રકાશમાન પોતાની લિપિ કેરા લખ્યા સુસ્પષ્ટ અક્ષરો :
સૌથી ભીતરનું છે જે મન તેની એક દીવાલની પરે
વિચારને વટી જાતિ સંજ્ઞાઓ સૂક્ષ્મ ધારતો ટાંગેલો નકશો હતો.
પોતાની ચમકે પિંડ-મૂર્તિઓને જગની અજવાળતો
ને ભાવાર્થભર્યા ગૂઢ સંકેતો સમજાવતો,
અંતર્જ્ઞાની પ્રવક્તાને સનાતન રહસ્યના
૧૨૯
જ્ઞાન કેરા સ્વ-પ્રવર્તન અર્પતો.
જિંદગીના ધ્રુવો વચ્ચે આરોહં તા ને વળી અવરોહતાં
શ્રેણીબદ્ધ ઋતધર્મી રાજ્યો
એકબીજા સાથે ગાઢ કૈં સંકળાયલાં,
નિત્યમાંથી કાળ મધ્યે ઝંપલાવંત ઉતર્યાં,
ને પછીથી બહુગુણા મન કેરા મહિમાએ મહાલતાં
પ્રાણ કેરે સાહસે ને સુખે સંપન્નતા ધરી,
જડ દ્રવ્યતણાં રૂપો ને રંગોના સૌન્દર્યે ખડકાયલાં,
અવધો પરમાત્માની જોડતાં હીર-સૂત્રથી
કાળમાંથી ચઢી પાછાં અમૃતાત્માંતરે જતાં.
ચેતનાથી ચેતનાની થતી આ ચ્યુતિ તે મહીં
લે એ પ્રત્યેક આલંબન અચિત્ કેરી ગૂઢ ગહન શક્તિનો;
આવશ્યક અવિદ્યાનું તેઓ માટે પ્રભવસ્થાન છે અચિત્ ,
ને સીમાઓ અવિદ્યાને જીવતી રાખનાર જે
તે સીમાઓ ખાસ તેના દ્વારા રચિત થાય છે.
ચેતનાથી ચેતનામાં લઇ જાતા આ ઉડ્ડયનની મહીં
જ્યાંથી આવેલ છે પોતે તેની પ્રત્યે માથાં પ્રત્યેક ઊંચકે,
તે જ પ્રભાવ છે પોતે જે બન્યું'તું કદી ક્યારેય તે તણો,
ને પોતે જે હજી પાછું બની શકે
તે સૌ કેરું ય ધામ છે.
ચરિતોની નિત્યકેરાં સૂરસપ્તક શ્રેણિકા,
અનંત શાંતિમાં ઊંચે આરોહીને પરાકાષ્ઠા પહોંચતી,
અનંતમુખ આશ્ચર્યમય કેરા પદક્રમો,
વિકસંતા માર્ગકેરું માપ લેતા
ગજો પ્હેલેથી જ નક્કી કરાયલા,
વૃદ્ધિ પામંત આત્માની ઊંચાઈનાં પ્રમાપનો,
બતાવ્યો તેમણે અર્થ સૃષ્ટિનો ખુદ સૃષ્ટિને,
શિખરો ને મહાગર્તો વચ્ચે મધ્યસ્થતા લઇ
પરિણીત ધૂંધટાળા વિરુદ્વોને અન્યોન્ય સાથ મેળવ્યાં,
અનિર્વાચ્ચતણી સાથે અંકોડાઓ કર્યા સંયુક્ત સૃષ્ટિના.
૧૩૦
પડી દૃષ્ટે અંત્ય ઉચ્ચ સૃષ્ટિ જેમાં સૃષ્ટિઓ સૌ મળી જતી;
ન રાત્રી, ન સુષુપ્તિ જ્યાં એવા એના શિખરસ્થ પ્રકાશમાં
આરંભ પામતી આભા પરમોચ્ચ ત્રિમુત્તિંની.
જેની હ્યાં થાય છે ખોજ તે સૌ ત્યાં સર્વને મળે.
એણે અનંતમાં અંતવંતને મુક્ત ત્યાં કર્યું,
ને એ સ્વીય શાશ્વતીઓ મધ્યે ઊંચે ચડી ગયું.
અચિત્ ને ત્યાં થયું પ્રાપ્ત પોતાનું ચિત્ત ચિન્મય,
ભાવના ને સ્પર્શ બન્ને
જેને માટે અવિદ્યામાં ફાંફાં મારી રહેલ છે,
સત્યના તે શરીરને
ભાવોદ્રેકે ભર્યો આશ્લેષ આપતાં.
સંગીત જન્મ પામેલું મૌનોમાં જડતત્વના,
પોતામાં જે રહ્યું ધારી ભાવ કિંતુ
જેને વ્યક્ત કરવાને સમર્થ ના,
તેને એના નગ્ન રૂપે અનિર્વાચ્ચ કેરી અગાધતાથકી
ચૂંટી આણ્યો પ્રકાશમાં;
અત્યારે માત્ર કો વાર સેવતાં સ્વપ્ન જેહનાં
તે સંપૂરણ સૂરતા
બુભુક્ષાએ ભરી દીર્ણ પૃથ્વીની જરૂરને
માટે ઉત્તર લાવતી,
અજ્ઞાતને છુપાવંતી રાત્રીનો પટ ચીરતી,
ને નષ્ટ ને ભુલાયેલો આત્મા એનો એને પાછો સમર્પતી.
દીર્ધ સ્થગિતતા કેરો ભવ્ય એક નિવેડો અંત આણતો,
જેમાં મર્ત્ય પ્રયત્નોનાં શિખરો વિરમી જતાં.
સમાધાની ભર્યા જ્ઞાને દૃષ્ટિપાત કર્યો જીવનની પરે;
એણે મનતણા લીધા મથતા મંદ સૂર ને
લીધો ગૂંચાયલો ટેક આશાઓનો મનુષ્યની,
ને તેમાંથી માધુરીએ પૂર્ણ એક સુખી સાદ ખડો કર્યો:
એણે ઉંચો કર્યો દુઃખ ભરેલી તલ-ભોમથી
આપણાં જીવનો કેરો મર્મરાટ અવ્યક્ત શબ્દમાં થતો
૧૩૧
અને એને કાજ અર્થ શોધી આપ્યો કો અપાર પ્રકારનો.
એક જંગી એકતા છે મુદ્દો એનો હમેશનો,
ચૈત્યનાં મંદ ને કીર્ણ એણે ઉચ્ચારણો ગ્રહ્યાં,
ભાગ્યે પઢયાં જતાં રીઢા વિચારની
આપણી પંક્તિઓ વચે,
કે પદાર્થતણે હૈયે આ જે ઘેન અને ચેતોવિરામ જે
તેની માંહે ઊંઘમાંની અસંબદ્ધ જલ્પના શાં સુણાય જે;
એમણે જે ગુમાવ્યા ' તા તે સોનેરી
અંકોડાઓ એ જ્ઞાને એકઠા કર્યા
ને દિવ્ય એમનું ઐક્ય એમને બતલાવિયું,
ને જે અસ્તિત્વમાં છે તે સૌ મધ્યેના ઊંડા આત્મ-પુકારને
વિભક્તાત્માતણા ભ્રાંતિ-દોષમાંથી બચાવિયો.
બધાં મહાન વાક્યો જે અભિવ્યક્ત
કરવાને મથે છે 'एक-एव' ને
તે ઉદ્ ધૃત થયાં જ્યોતિતણી કેવલતામહીં,
આવિષ્કારતણા નિત્ય જવલંતા અગ્નિની મહીં,
ને સનાતન જે શબ્દ તેની અમરતામહીં.
સત્યોનો સત્યોની સાથે હતો કલહ ના શા કશો;
તેમના ભેદનો અંતહીન અધ્યાય જે હતો
તે સર્વજ્ઞ લિપિકાર દ્વારા જ્યોતે ફરીથી વર્ણવાયેલો,
ભેદને ભેદતી યાત્રા કરી ઐક્ય ભણી ગયો,
ગોળાકાર ગતે જાતી મન કેરી ગવેષણા
છાયા સંશયની એકિએક હાવે ગુમાવતી,
દોરતી નિજ અંત એ સર્વદર્શી ગિરા વડે,
અંત્ય વાક્યતણા અંત્ય નિર્ણયે નિશ્ચયાત્મક
આરંભનો અને આદિ વિચાર સજતી હતી:
કાળના અર્થે ને કાળ સર્જનાત્મક બેઉ યે
ભેદાત્મકતા કેરી શૈલી ને અન્વયક્રિયા
સાથે સંયોગ પામતા.
લુપ્ત ને ચિંતને લીન
૧૩૨
અગધોથી ઉભરાઈ આવતો ' તો જયધ્વનિ;
સ્તોત્ર એક ઊઠતું' તું સંમુદાની ત્રીમૂર્ત્તિ પ્રતિ ગાજતું,
અમૃરતાત્માતણા આનંદની પ્રતિ
પળો કેરો પોકાર ઊઠતો હતો.
વિશ્વના રાસડામાં ના હોય જાણે સ્પર્ધતાં વૃંદ-ગીતડાં
તેમ આરોહતા મેળો ઉત્તરોત્તર વાધતા
સૂરોની ને સૂરતાની વસતી નિજની લઇ,
ભૌતિક દ્રવ્યના ઘોર ગર્તોમાંથી બ્રહ્યનાં શિખરો પ્રતિ
દેવોના સ્વરમાં ઊંચે આરોહંતી અભીપ્સા ઉલ્લસાવતા.
હતાં ઉપર રાજંતા અમરાત્મા કેરાંઅક્ષર આસનો,
શુભ્રાગારો શાશ્વતી શું થાય વિભ્રમ જે મહીં,
ને એકાકીતણાં ઉચ્ચ અને અદ્ ભુત ગોપુરો.
આત્માના સાગરો કેરા આવિર્ભાવો મહીં થઇ
દેખાતા'તા મૃત્યુમુક્ત દેશો એક્સ્વરૂપના.
બહુ-આશ્ચર્યવંતી કો ચેતના એક ખોલતી
વિરાટ લક્ષ્ય, પ્રક્રિયા, ને વિશૃંખલ નિદર્શનો,
માર્ગો મોટા ઓળખીતા વિશાળતર સૃષ્ટિના.
પાર્થિવ ઇન્દ્રિયો કેરી જાળથી મુક્તિ મેળવી
જોયા એણે મહાખંડો શાંતિએ પૂર્ણ શક્તિના;
આરંભે અર્ધ દેખાતાં તાજુંબીનાં
ધોતમાન પોપચાંઓતણે પથે,
માનુષી દૃષ્ટિને માટે બંધ એવાં સ્વધામો સુ્ષમાતણાં
ઓચિંતા દર્શનો આપી મહાસુખ જગાડતાં;
સૂર્યપાટો જ્ઞાનકેરા, ચંદ્રપાટો પ્રમોદના
આપણી દીન ને દૈહી
સીમાઓ પાર ફેલાતા વૈશાલ્યોના મહાસુખે.
પ્રવેશી શકતો એ ત્યાં, મુહૂર્તેક
રહીયે શકતો તહીં.
નકશે ન બતાવેલા રાહોનો રાહદાર એ
અજ્ઞાતના ન દેખાતા ભયનો સામનો કરી
૧૩૩
ગંજાવર પ્રદેશોમાં થઈને સાહસે જતો,
પાડી ગાબડું પેઠા એ અન્ય સ્થળ-કાળમાં.
૧૩૪
પાંચમો સર્ગ સમાપ્ત
પ્રથમ પર્વ સમાપ્ત
ભુવનોની સીડી
રાજા અશ્વપતિ યોગમાં આગળ વધતો વધતો ગૂઢ જ્ઞાનનો અધિકાર મેળવી, આત્માની મુક્તિનો ને મહિમાનો અનુભવ કરી પડદા પાછળની સૃષ્ટિઓમાં પ્રવેશ પામે છે અને સાહસપૂર્વક અનનુભૂત અન્ય દિક્-કાળનો યાત્રી બની જાય છે. એની આસપાસ અને ઉપર અજ્ઞેય આવેલું છે. મર્ત્ય દૃષ્ટિથી જે જોઈ શકાતું નથી તે તેને દૃષ્ટિગોચર થાય છે, મન સમજી શકતું નથી તે તેને સમજાવવા માંડે છે, માણસની સંકલ્પશક્તિ જે કરી શક્તિ નથી તે કરવાનું શક્ય બને છે.
ગૂઢની ચમત્કારી શક્તિઓ એની બનવા માંડે છે, એકમાત્ર પરમાત્મા સિવાયનું બીજું બધું અદ્ ભુત કહેવાય એવું બની જાય છે. સીડી માફક ગોઠવાયેલાં ભુવનોમાં યાત્રા કરતો એ અનુભવે છે કે આપણું આ જીવન પરમાત્માના બલિદાન રૂપે છે, ભુવનોની માતાએ પોતાના આત્માને આપણાં પાર્થિવ સ્વરૂપોમાં ઢાળ્યો છે, એ જ આપણું સ્થૂલ-સૂક્ષ્મ અસ્તિત્વ બનેલી છે.
જેને આપણે એકમાત્ર સત્ય વસ્તુ માનવાને ટેવાયેલા છીએ તે પૃથ્વી જ કેવળ સત્યતા હોત ને ઉપર, નીચે ને આસપાસ જે અગોચર સૃષ્ટિઓ આવેલી છે તે ન હોત તો જગતમાં જીવન જાગ્રત ન થાત, મન વિચાર કરતું બન્યું ન હોત, પરંતુ કેવળ જડશક્તિએ સંચાલિત જડ રૂપો જ સર્વત્ર હોત.
સનાતન નિ:સ્તબ્ધતામાં વિશ્વશક્તિ કાર્ય કરી રહી છે, ને એને લીધે સુખદુઃખનું નાટક ભજવાઈ રહ્યું છે, સુંદર ને ભીષણ આનંદની મધુર ને ઉગ્ર કવિતા રચાઈ રહી છે.
વિશ્વ એક રહસ્યમયતાની પ્રક્રિયા છે. શૂન્યમાં સમસ્ત સમાયેલું છે, ને એનાં રૂપોમાં બાલ-ભગવાન હરહંમેશ જન્મ લેતા રહે છે.
સનાતને પૃથ્વીના ગર્તો ઉપર કૃપા દૃષ્ટિ કરી, તેથી જડમાં જીવન પ્રકટ્યું, જીવનમાંથી મન જાગ્યું ને આત્મા માટેની શોધ શરૂ થઇ, ભમતા એક બિન્દુમાં સિન્ધુ રહેલો
છે, કાળનિર્મિત દેહમાં અનંતનો આવાસ છે. આ ગૂઢ સત્યને સજીવન બનાવવા માટે આપણા આત્માઓ પૃથ્વી ઉપર આવ્યા છે.
વિશ્વની વ્યવસ્થિત યોજનાનો જે એક સાક્ષી છે તે બધું જુએ છે ને જાણે છે. અદૃશ્ય શિખરો પ્રતિ એ જ આપણાં પગલાંને પ્રેરે છે. એની પ્રેરણાથી જ આપણે આ ભુવનના અતલ અંધકારમાં આવેલા છીએ અને એની પ્રેરણાથી જ એમાંથી નીકળી ઊર્ધ્વે આરોહીએ છીએ.
રાજા અશ્વપતિને એક નિરાકાર એક નિ:સ્તબ્ધતા બોલાવી રહી છે, એક આનામી જ્યોતિનું આમંત્રણ આવી રહ્યું છે : ઉપર અવિનાશી રશ્મિ ને આસપાસ સનાતન મૌન, એમ એ માર્ગ કાપતો જાય છે, ત્યાં એક પછી એક ગૂઢ જગતે એની આગળ પોતાની રહસ્યમય શક્તિઓ પ્રકટ કરવા માંડી, એક પછી બીજા સ્વર્ગે પોતાના પરમાનંદોનો એની આગળ આવિર્ભાવ કરવા માંડયો, પણ કોઈ અણદીઠ લોહ-ચુંબકથી આકર્ષાતો રાજા સૃષ્ટિઓની બનેલી મોટી સીડી ઉપર એકાકી ચઢતો જાય છે -આમંત્રતા શિખરોની પ્રતિ.
ચાલ્યો એ એકલો, એની આસપાસ અનંતતા
અને અજ્ઞેય ઊર્ધ્વેથી એને નીરખતાં હતાં.
બધું જોઈ શકાતું' તું જે ટાળે મર્ત્ય આંખને,
બધું જાણી શકાતું 'તું જે ન જાણ્યું મને કદી,
બધું કરી શકાતું ' તું
જે માટે મર્ત્ય સંકલ્પ કોઈ હામ ભીડવાને સમર્થ ના.
નિ:સીમ હિલચાલે છે ભરી દીધી એક ની:સીમ શાન્તિને.
ભૂના અસ્તિત્વની પારતણા એક ઊંડા અસ્તિત્વની મહીં
આપણી ભાવનાઓનું છે જે મૂળ, કે સગોત્ર બનેલ જે,
અવકાશ જહીં ચૈત્ય કેરો એક સુવિશાળ પ્રયોગ છે,
છે તે સૌ વસ્તુઓ છે જ્યાં અગાધ એકતામહીં,
ત્યાં અવિજ્ઞાતનું વિશ્વ પામ્યું પ્રકટરૂપતા.
અવસાન વિનાની યા અવિરામ સ્વયંભૂ એક સૃષ્ટિએ
કર્યા પ્રકટ મોટેરા મહિમાઓ અનંતના:
એની લીલાતણા દૈવયોગોમાં એ વિસર્જતી
કૈં લાખો માનસી ભાવો, કરોડો શક્તિઓ કંઈ,
એના સત્યતણા બુટ્ટારૂપ છે તે આકારો ભુવનોતણા,
ને એના ઓજના મુક્ત તંત્રનાં વિધિસૂત્ર કૈં.
સદા-સ્થાયીતણા સ્રોતે રેડતી એ મત્તમોજી પ્રહર્ષણ
અને મત્ત ઉત્સવો કલ્પનાતણા,
ભાવોદ્રેક તથા ચેષ્ટાચાલ શાશ્વતતાતણી.
ઉલ્લોલે અવિકારીના વણજન્મ્યા વિચારો ઉદ્ ભવ્યા તહીં,
નિવાસ કરતા જેઓ મૃત્યુહીન પોતાના પરિણામમાં,
શબ્દો અમર રે'નારા બની મૂક ગયા છતાં,
કૃત્યો જે કાઢતાં બ્હાર મૌનમાંથી એના અવાક અર્થને,
પંક્તિઓ જે વહી લાવે છે અનિર્વચનીયને.
સનાતનતણી સ્પંદહીનતાએ અવિક્ષોભિત હર્ષમાં
વિશ્વશક્તિ જોઈ એની લાગેલી નિજ કાર્યમાં,
વસ્તુઓમાં દુઃખના ને નાટકોમાં મુદાતણાં
સ્વાત્માને સર્જવા કેરા સ્વસંકલ્પે
જે આશ્ચર્ય અને સુન્દરતા હતી
તેનાં દૃશ્ય બતાવતી.
બધું જ, દુઃખ સુધ્ધાં યે હ્યાં આત્માના સુખરૂપ બન્યું હતું;
અનિભૂતી અહીં સર્વે એકમાત્ર હતી બનેલ યોજના,
હજારો રૂપ લેનારી અભિવ્યક્તિ-રૂપ એક્સ્વરૂપની.
એક જ દૃષ્ટિમાં એની એકી સાથે સર્વ કૈં આવતું હતું;
અંત:સ્ફુરણથી યુક્ત એની વિરાટ દૃષ્ટિથી
કશું છટકતું ન 'તું,
જે ન લાગે સજાતીય એવું કાંઈ સમીપે સરતું ન 'તું;
એ સૌ અમેયતા સાથે એકાત્મા એ બન્યો હતો.
કદી ન મરતા એવા અજન્માને મૂર્ત્તિમંત કરંત જે
પ્રતિચ્છાયાસ્વરૂપો છે ઊર્ધ્વને એક ચેતને,
વિશ્વાત્માના દર્શનોનાં ઘડી કાઢેલ ચોકઠાં,
વિશ્વાત્માના દર્શનનાં ઘડી કાઢેલા ચોકઠાં,
બનેલાં જીવતાં સ્પર્શ પામી આત્મા કેરી શાશ્વતતાતણો,
અનિર્વાચ્ચતણાં કાર્ય મૂતિમંત બનાવતા
રૂપ બદ્ધ આધ્યાત્મિક વિચારો શાં એ બધાંએ દૃષ્ટિ એની ભણી કરી.
સત્-તા કેરાં સ્વરૂપોએ રૂપરેખા ભુવનોની ધરી; અને
જે રૂપો દિવ્ય ચીજોની પ્રતિ ખુલ્લાં કરે છે દ્વારા ચાલતાં,
ઘડીઘડીતણી એની દૃષ્ટિનાં એ ઓળખીતાં બની ગયાં
આત્માની સત્યતા કેરાં પ્રતીકો, અશરીરનાં
શરીરો જીવતાં જેહ તે એની પાસનાં બન્યાં
સહવાસી હમેશનાં.
ન સૂનારા મનતણાં દર્શનો નવ ખૂટતાં,
અદૃશ્ય સાથના એના સંપર્કોની અંકાતી અક્ષ્રરાવલિ,
નિર્દેશોથી અસંખ્યાત સંજ્ઞાઓના એને ઘેરી વળ્યાં હતાં;
જીદગીનાં હજારેક રાજ્યોના આવતા સ્વરો
મહાબલિષ્ઠ સંદેશા એના એને માટેના લાવતા હતા.
સ્વર્ગીય સૂચનો મર્ત્ય આપણી જિંદગી પરે
ચડાઈ લઇ આવતાં,
સ્વપ્નાં નરકને જેનાં આવતાં તે કલ્પનાઓ ભયંકરી,
જે અહીં ભજવાયે જો ને બને અનુભૂતિઓ
તો મૂઢ આપણી શક્તિ બની જાય અસંવેદનશીલ, કે
આપણું મર્ત્ય દૌર્બલ્ય સહી દીર્ધ શકે ન જે,
તે સૌ ત્યાં નિજ ઊંચેરાં પ્રમાણોમાં ગોઠવાઈ ગયાં હતાં.
ત્યાં જિવાઈ જતાં તેઓ નિજ કેરી સ્વયંભવ હવામહીં
પ્હોંચતાં' તાં પરાકાષ્ઠા પોતાની ને નિજા સહજ શક્તિની;
તેમનું દૃઢતા દેતું દબાણ ચૈત્યની પરે
ભોમે ચૈતન્યની ઊંડે નિખાત કરતું હતું
ભાવોદ્રેક અને શુદ્ધિ તેમની અવધોતણી,
અનન્ય એમને સાદે રહેલી પરિપૂર્ણતા
અને સુંદર કે ઘોર એમની સંમુદામહીં
રહેલું ઉચ્ચ માધુર્ય કે કાવ્ય ઉગ્રતાભર્યું.
જાણી શકે વિચારો જે, કે જે સૌને
જોવા દૃષ્ટિ વિશાળતમ શકત છે,
અને વિચાર ને દૃષ્ટિ કદી જેને જાણવાને સમર્થ ના,
નિગૂઢ વિરલી સર્વે વસ્તુઓ ને
વસ્તુઓ ને દૂરની ને નવાઈની,
તે સંપર્કાર્થ હૈયાના બની નિકટની હતી,
ને લહાતી હતી તે સૌ આત્મ-સંવેદના વડે.
એના સ્વભાવનાં દ્વારો પાસે આવી પ્રાર્થતી' તી પ્રવેશ તે
ને એના મનના વ્યાપ્ત બનેલા અવકાશમાં
ટોળે ટોળે જમા થતી,
એની નિજાત્મની શોધ કેરી જવલંત સાક્ષિણી
નિજ આશ્ચર્ય ને ભીડ એને સમર્પતી હતી.
એ હવે સૌ બની અંશો નવા એના સ્વરૂપના
રૂપો એના આત્મ કેરી મહત્તામાં વધેલી જિંદગીતણાં,
હરતાંફરતાં દૃશ્યો કાળે એનો થતો સંચાર તે તણાં,
યા સંવેદનના એના બુટ્ટા ભરતકામના :
ગાઢ માનવ સંબંધ રાખતી વસ્તુઓતણું
લીધું છે સ્થાન એમણે,
અને નિકટના સાથી
બની એના વિચારોના રાખ્યું છે સાથ ચાલવું,
અથવા તો હતી એના આત્મા કેરી એ બનેલ પરિસ્થિતિ.
આનંદનાર્થ હૈયાનું હતું અશ્રાંત સાહસ,
આત્માની સંમુદા કેરાં રાજયોનો પાર ના હતો,
એક સંવાદિતા કેરા તારોમાંથી અસંખ્ય સ્વર જાગતા;
પ્રત્યેક પૃથુ-પાંખાળી વિશ્વવ્યાપી એની સમતુલામહીં,
એકમાં સર્વના એના અગાધતલ ભાવમાં,
લાવતો'તો સૂરમેળ ન અધાપિ દૃષ્ટ કો પૂર્ણતાતણો,
ગુહ્યોમાં સત્યનાં એનો એકમાત્ર સમાશ્રય
એની સુખે ભરી પાર્શ્વજ્યોતિ આનંત્યની પરે.
અદ્વિતીયે સ્વપેલું ને બનાવેલું ત્યાં બધું મળતું હતું,
કાળ કેરી ક્ષણોમાં જે તાલ દ્વારા
પ્રભુ કેરાં પુનરાવર્તનો થતાં
તેમને હર્ષ-સાતત્યે ને આશ્ચર્યે ને ભાવોદ્વ્રેકથી ભર્યો
ભેદના ઋદ્ધ સૌન્દર્યે રંગઝાંય સમર્પતું.
હતો અભાવ ત્યાં માત્ર એક અકાલ શબ્દનો
૬
જે વહે છે શાશ્વતીને નિજ એકલ નાદમાં,
સ્વયંજ્યોતિ ન સંકલ્પ હતો ત્યાં જે ચાવી સંકલપમાત્રની,
ન' તો પૂર્ણાંક ત્યાં પ્રાપ્ય આત્માના પૂર્ણ યોગનો
સમાનભાવ સાધે જે સમ એક સાથે અસમ સર્વનો,
સર્વે સંજ્ઞાતણો અર્થ આપનારી સંજ્ઞા ત્યાં કેવલા ન 'તી ,
નિરપેક્ષ ન'તી સૂચી કેવલ નિરપેક્ષની.
ત્યાં પોતાના અંતરત્વરૂપ દીવાલથી પૃથક્
સક્રિય જ્યોતિની ગૂઢ વિધની એક આડશે
જોયો એણે ઊર્ધ્વ પ્રત્યે
વળેલો કો એકલો ને અમેય લોકરાશિને
ઊભો દેવોતણા એક પાર્વત રથના સમો,
અગમ્ય એક આકાશ-તળે નિશ્ચળતા ભર્યો.
જાણે કે જડતત્વના
તળના કૂંભિયામાંથી અને અદૃષ્ટ મૂળથી
અદૃષ્ટ શૃંગની પ્રત્યે
હતો આરોહતો એક વિશ્વ કેરો નકસીબંધ સિંધુ કો,
તરંગો ફેનની યાળવાળા પરમની પ્રતિ
હતા ઊંચે જતા જ્યાં છે વિસ્તારો વણમાપના;
આકાંક્ષા રાખતો 'તો એ ઊડી જાવા
અનિર્વાચ્ય કેરા શાસનને સ્થળે:
સેંકડો સાનુઓ એને ઉઠાવીને જતાં અજ્ઞાતની દિશે.
સામીપ્યમાં રહેવાને અદૃશ્યાત્મા કેરા સ્વકીય સ્વપ્નના,
અભીપ્સુ માનવાત્માએ બાંધેલું બહુભૂમિક
ચડે ગોપુર જે રીતે ઊંચે સ્વર્ગાલય પ્રતિ,
તેમ અસ્પૃશ્ય શૃંગોની પ્રત્યે એ ઊર્ધ્વમાં ચઢયો
ને અલોપ થયો મૌને ચિત્સ્વરૂપ વિરાટના.
સેવતો સ્વપ્ન એ જાય
આરોહંતો અને એને બોલાવે છે અનંતતા;
એના શિખાગ્રની રેખા સ્પર્શે તુંગોત્તુંગતા વિશ્વલોકની;
૭
મોટા નીરવતાપૂર્ણ સૂનકારોમહીં આરોહણો કરી
પડદાપૂઠળે છે શાશ્વતીઓ
સાથે પૃથ્વી કેરો સંયોગ એ કરે.
એકરૂપતણી છે જે અનેકાનેક સૃષ્ટિઓ
અર્થધોતક ને સ્રષ્ટા આનંદે વિચરેલ, ત્યાં
ઊંડા પ્રકૃતિના ગર્તોમહીં જે દીર્ધ કાળનો
આપણો આત્મલોપ છે,
તેમાંથી બ્હાર કાઢીને મૂળ પ્રત્યે યાત્રા જે એક આપણી
તેનો એકમાત્ર નિર્દેશ એ કરે;
રોપાયેલો ધરાએ એ પોતાનામાં ધારતો જગતો બધાં:
સાર સમસ્ત સંક્ષિપ્ત છે એ સારા વિરાટનો.
લક્ષ્યે આત્માતણા જાતિ એકલી આ સોપાનસરણી હતી.
આત્માની ભૂમિકાઓનું સંક્ષેપાયેલ રૂપ એ,
ઊંચીનીચી લોક કેરી પાયરીઓ કેરી નકલ એહની
આપણી આત્મસત્-તાના નિગૂઢ વાયુમંડળે
ફરીથી ઢાળતી રૂપે નમૂનો સૂક્ષ્મ વિશ્વનો.
છે એ ભીતર, છે નીચે, છે બહાર, અને છે ઊર્ધ્વમાંય એ.
દૃશ્ય પ્રકૃતિ કેરી આ વ્યવસ્થાની પર કાર્ય કરંત એ
પૃથ્વીના તત્વના ભારે ઘેને જાગૃતિ લાવતી,
વિચાર કરતું એને, લહેતું લાગણી, અને
હર્ષાનુંભવની પ્રત્યે પ્રતિકાર્યે પ્રવર્ત ' તું બનાવતી;
જે દિવ્યતર અંશો છે આપણામાં
તેમને એ રૂપસંસ્કાર આપતી,
મર્ત્ય માણસને ઊંચે લઇ જાતી વિશાળતર વાયુમાં,
માટીની જિંદગીને આ લક્ષ્યો અસ્પૃશ્ય સાધવા
દેતી ઝંખનથી ભરી,
દેહના મૃત્યુને જોડી દેતી સાદ સાથે અમૃત તત્વના :
મૂર્છામાંથી નીકળીને અચિત્ તણી
શ્રમ સેવે લઇ જાતો ઊર્ધ્વ-ચૈતન્ય-જ્યોતિએ.
જો હોત પૃથિવી સર્વ કાંઈ ને આ તેનામાં યદિ હોત ના,
૮
તો અસ્તિત્વ વિચારનું
ને પ્રત્યુત્તર ના હોત જીવનાંનંદનોય આ :
તો પદાર્થતણાં રૂપો માત્ર એનું હોત આતિથ્ય માણતાં,
નિર્જીવ જગની એક શક્તિ દ્વારા હંકારાયેલ હાલતાં.
પૃથ્વી આ હૈમ આધિક્યે બની માતા વિમૃશંત મનુષ્યની,
ને મનુષ્યથકી જયાદા છે તેને જન્મ આપશે;
આ અસ્તિત્વતણી ઉચ્ચ યોજના જે તે છે કારણ આપણું,
ને એની પાસ છે ચાવી આરોહંતા આપણા ભાગધેયની;
જડ તત્વતણે ગેહે ઉછેરાતો જે સચેતાત્મ આપણો
તેને તે આપણી ગાઢ
મર્ત્યતાની મધ્યમાંથી નીકળી બ્હાર આવવા
સાદ પાડી રહેલ છે.
ચિન્મયી ભૂમિકાઓનું આ જીવંત પ્રતીક છે,
તેના પ્રભાવ ને દેવસ્વરૂપો અણદીઠનાં,
વસ્તુઓમાં રહેલું જે વણબોલેલ તથ્ય છે
તેમાંથી જન્મ પામતાં
સત્યતાનાં કાર્ય કેરો અવિચારિત ન્યાય જે
તે સૌએ સ્થિર છે કરી
ધીમે ક્રમે જતી ઊંચી
અંતર્વર્તી અવસ્થાઓ આપણી જિંદગીતણી.
ઊંડું પાર્થિવ જન્મનું
છે જે સાહસ તેમાંથી પાછા ફરંત આત્માના
પગલાંઓ એનાં સોપાન છે બન્યાં,
સીડી એ એક છે મુક્તિ આપનારા ચડાવની,
છે એ સોપાન આરોહી જેને પ્રકૃતિ જાય છે
દેવતારૂપની પ્રતિ.
એકવાર અમર્ત્ય કો
સાવધાના દૃષ્ટિ કેરી માંડેલી મીટ સેવતી
આ ચૈતન્યશ્રેણીઓએ છે વિલોક્યું
જંગી એનું અધોમુખ નિમજજન,
૯
દીઠો છે દેવના પાત કેરો મોટો નીચે મારેલ કૂદકો.
આપણી જિંદગી આત્મહોમ છે પરમાત્મનો,
વિરાટ વિશ્વમાતાએ પોતાના બલિદાનથી
નિજાત્માને બનાવ્યો છે આપણી આ અવસ્થાનું કલેવર;
સ્વીકાર દુઃખ કેરો ને અચૈતન્યતણોકરી
પોતાનાં જ્યોતિ-ધામોથી ચ્યુતા જે દિવ્યતા થઇ,
તેણે જે આપણે છીએ તે સૌ કેરી
ભૂમિકા બહુભાતાળી ગ્રંથીને વિચરેલ છે.
આપણી મર્ત્યતા તો છે પ્રતિમા એક આત્મની.
આપણી પૃથિવી એક ટુકડો ને બચેલો એક ભાગ છે;
વિશાળતર વિશ્વોની સામગ્રીથી શક્તિ એની ખચેલ છે,
ને એના તામસી ઘેને ઝંખવાયેલ તેમના
રંગોની ઝલકોમાં એ તરબોળ બનેલ છે;
છે ઉચ્ચતર જન્મોની પ્રાપ્તિ પ્રત્યે પ્રત્યાવર્તન એહનું,
એમની દફનાયેલી સ્મૃતિઓએ
નિદ્રા એની સંક્ષુબ્ધ થઇ જાય છે;
ને એને યાદ આવે છે લુપ્ત લોકો ભ્રંશ જ્યાંથી થયો હતો.
અસંતુષ્ઠ બળો એને હૈયે સંચાર પામતાં;
એના વિકાસ પામંતા વિશાળતર ભાવિની
ને એના અમૃત પ્રત્યે પ્રત્યાવર્તનની મહીં
એમનો સહયોગ છે;
જન્મ ને મૃત્યુની એને માટે જે ભવિતવ્યતા
તેમાં ભાગીદારી તેઓ કબુલતાં;
સર્વસ્વરૂપની તેઓ અંશ-જ્યોતો જલાવતા
ને એના આંધળા કાર્યશ્રમ સેવંત આત્મને
હંકારીને તેની પાસે રચાવતા
દૂબળીપાતળી મૂર્ત્તિ પ્રબલાત્મ સમસ્તની.
ગાઢ સૌહાર્દવંતો જે અંતરે છે શાન્ત ને જ્યોતિએ ભર્યો
અનુમોદન આપે એ પૃથ્વીનાં કાર્યને અને
માર્ગદર્શન દેનારો બની જાય અણદેખંત શક્તિનો.
આરંભ અલ્પ સ્વીકારી લેતી એની વિશ્વવવિરાટ યોજના.
પ્રયાસ એક, આલેખ્ય અર્ધ-દોર્યું, એવી જગત-જિંદગી;
એની રેખાવલી શંકા રાખે માંહે છૂપેલા મર્મની પ્રતિ,
એના વળો ન જોડતા ઉચ્ચોદ્દેશી એમના અવસાન શું.
ને તે છતાંય કો આધ પ્રતિમા મહિમાતણી
ત્યાં પ્રસ્પંદિત થાય છે,
અને જે વાર સંદિગ્ધ ને સમાકુલતા ભર્યા
ભાગો બહુસ્વરી ઐક્ય સાથે સંયોગ સધાશે,-
જેની પ્રત્યે થતી' તી એમની ગતિ,
ત્યારે આનંદ શિલ્પીનો બુદ્ધિ-સર્જ્યાં
શાસનોનાં સૂત્રોને કાઢશે હસી;
ઓચિંતો આવશે દૃષ્ટિ દિવ્ય ઉદ્દેશ તે સમે,
અંત:સ્ફુરણની સિદ્ધિ પદ્ધતિને પરિણામ પ્રમાણશે.
રેખા-રચિત સંકેત થશે નૈક મળેલાં ભુવનોતણો,
ષડ્ભુજાકાર ધનનો
અને ઐક્યતણો થાશે સ્ફાટિક દૈવતોતણો;
મનોહીન પ્રકૃતિના મો' રા પૂઠ છુપાયલું
મન એક વિચારશે,
પુરાણો મૂઢ ને મૂક અવકાશ
સચૈતન્ય એક વિરાટ પૂરશે.
આત્મા કેરી રૂપરેખાકૃતિ આછી દ્રવ્ય-દ્રવ્ય પ્રકારની
મનુષ્યનામ ધારતી,
તે દીર્ધ કાળની પૃષ્ઠ-ભૂએ ઊભી રહેલી આવશે તરી;
દેદીપ્યમાન નિષ્કર્ષ છે એ શાશ્વતતાતણો,
એક નાનકડું બિન્દુ આનંત્યોનો આવિષ્કાર કરંત એ.
છે વિશ્વ પ્રક્રિયા એક રહસ્યમયતાતણી.
આરંભે એક નંખાયો અસામાન્ય પાયો ચિત્રવિચિત્ર કૈ,
પોલ એક, એક મીડું ગુપ્ત કોક અખંડનું
' ખ ' જેમાં ધારતું એને સરવાળે અનંતતા
ને જેમાં સર્વ ને શૂન્ય ધારતાં એક નામને,
' નાસ્તિ નિત્યતણું ' એક, યોનિરૂપ નકિંચન :
એનાં રૂપોમહીં નિત્ય જન્મ પામ્યા કરે શિશુ,
વિભુ કેરાં વિરાટોમાં વસે છે સર્વકાળ જે.
પ્રત્યાવર્તનની ધીરી ગતિ કેરો થયો આરંભ તે પછી:
થયો ઉદ્ ગીર્ણ કો એક વાયુગોટો કોક અદૃશ્ય અગ્નિથી,
ઘન મંડલમાંથી એ વાયુના આ થયા કોટિક તારકો;
પૃથ્વીની નવ જન્મેલી જમીન પર ચાલતા
પ્રભુનાં પગલાંઓનો સંભળાયો પદધ્વનિ.
મને કરી શરૂઆત જોવાની ને દૃષ્ટિ રૂપો પરે કરી,
અજ્ઞાન રાત્રિની મધ્યે જ્ઞાન માટે આંધળી શોધ આદરી :
પાષાણી પકડે અંધ ગ્રસાયેલી શક્તિએ સ્વીય યોજના
પર કાર્ય શરૂ કર્યું
ને નિદ્રામાં બનાવ્યું આ ભીમકાય જગ યાંત્રિકતાતણું,
કે જેથી નિજ આત્માનું ભાન થાય જડભાવી પદાર્થને,
ને વ્યગ્ર સૂતિકા જેમ પ્રાણશક્તિ સર્વનું ધારનાર જે
શૂન્ય તેની સાધે પ્રસવની ક્રિયા.
પૃથ્વીનાં ગહનો પ્રત્યે વાળી શાશ્વત લોચને
પ્રભા પ્રસાદથી પૂર્ણ વિશુદ્ધ નિજ દૃષ્ટિની
અને અચિત્ તણી પાર વિનાની નીંદની મહીં
છાયા અજ્ઞેયની જોઈ થયેલી પ્રતિબિંબતા,
તેની સૃષ્ટિતણી આત્મશોધ માટે હિલચાલ શરૂ થઇ.
સંસ્કારરહિતા વિશ્વઘૂમરીમાં
આત્મા એક સ્વપ્નાંઓ સેવતો થયો,
જીવન-રસમાં આવ્યું મન વ્હેતું ન જાણતું,
જડદ્રવ્ય દિવ્ય ભાવકલ્પનાને લાગ્યું હૈયે ઘવાડવા.
કેવલબ્રહ્યસત્તાની જન્મી એક ચમત્કૃતિ,
સાન્ત જીવતણું રૂપ ધારી લેતી અનંતતા,
વસ્યો આખો મહાસિન્ધુ ઘૂમતા એક બિન્દુમાં,
બન્યું અસીમનું ધામ કાળ-નિર્મ્યું કલેવર.
આવ્યા છે આપણા આત્મા જીવવા આ રહસ્યમયતા અહીં.
આપણાં અલ્પ જીવંતાં પગલાંની પૂઠે એક છુપાયલી
જે વ્યવસ્થિત યોજના
તેનો જાણનહારો છે દ્રષ્ટા ભીતરની મહીં;
અદૃશ્ય શિખરો કેરી પ્રત્યે પ્રેરે એ આરોહણ આપણું ,
જેને એણે હતો પ્રેર્યો એકવાર જન્મ ને જિંદગી પ્રતિ
ઘેરા ગહન ગર્તોમાં ઝંપાપાતેય આપણો.
આહ્ વાન એહનું પ્હોંચ્યું યાત્રીની પાસ કાળના.
અગાધ એક એકાન્તે એકલો ને અલાયદો,
નિજ મૂક અને એકમાત્ર સામર્થ્યથી સજયો
વિશ્વની અભિલાષાનો લઇ ભાર યાત્રા એ કરતો હતો.
નિ:સ્પંદતા નિરાકાર મળવાને આવી,
આવી અનામી એક જ્યોતિ યે.
રશ્મી નિષ્કંપ ને શુકલ હતું ઊપર રાજાતું,
આસપાસની હતી સત્તા મૌનો કેરી સનાતની.
ઉચ્ચ લક્ષ્યે જતા યત્ને હદ બંધાયેલી ન ' તી;
એક કેડે અન્ય લોકે કરી ખુલ્લી નિજ રક્ષિત શક્તિઓ,
એક કેડે અન્ય સ્વર્ગે પ્રકટાવી આનંદોની અગાધતા,
રહ્યું આકર્ષતું એના આત્માને તે છતાં અદૃશ્ય ચુંબક.
સીડી પ્રકૃતિની ઘોર, તે પરે એકલો જ એ
સૃષ્ટ સૃષ્ટિતણાં રિક્ત શિખરો અધિરોહતો
ઓળખાય નહીં આંખે એવા અંત્ય લક્ષ્ય પ્રત્યે જતો હતો.
સૂક્ષ્મ દ્રવ્યનું રાજય
રાજા અશ્વપતિ હવે ગૂઢમાં પ્રવેશે છે. આપણા ક્ષુદ્ર સ્થૂલ સ્વરૂપની પાછળ એક અગોચર પ્રદેશ છે, પણ પાર્થિવ જડતાના આવરણને કારણે આપણને એનાં દર્શન થતાં નથી. એ છે સ્ફટિકશુદ્ધ અને ચમત્કારી વાતાવરણથી ભરેલો ને ત્યાંનું જીવન માંસમાટી ઉપર આધાર રાખતું નથી. ત્યાં સર્વ વસ્તુઓ સુન્દર અને સાચી છે ને ત્યાંના પ્રત્યેક સ્પર્શમાં મોહિની ભરેલી છે.
આ લોકમાં જે કંઈ છે તેનું જ્યોતિર્મય મૂળ સ્વરૂપ ત્યાં જોવામાં આવે છે, અહીં આપણે જેને માટે મોઘ પ્રયત્નમાત્ર કરીએ છીએ તે ત્યાં સ્વયંસિદ્ધ સ્થિતિમાં વિધમાન છે. પૃથ્વી ઉપર જે થવાવાળું હોય છે તે પ્રથમ ત્યાં વિશ્રામ લેતું વાટ જોઈ રહેલું હોય છે. ભાવિનાં અદ્ ભુતો ત્યાંનાં ગહનોમાં ઘૂમતા હોય છે. પૃથ્વીલોકમાં ઊતરી આવતો શાશ્વત આત્મા પ્રથમ ત્યાં પોતાનો પારદર્શક જામો પહેરી લે છે. અવતરંત આત્મા ત્યાં પ્રથમ વિસામો લે છે, પૃથ્વી ઉપરની નાશવંત સર્વે વસ્તુઓનો અમર આદર્શ એ સૂક્ષ્મ ભૂમિકામાં સચવાઈ રહેલો છે.
આપણી છે તેના કરતાં વધારે પ્રકાશમાન પૃથ્વીઓ છે અને વધારે સુખિયાં સ્વર્ગો પણ છે. એ સૂક્ષ્મ પ્રદેશમાં રૂપનો મહિમા ને સ્થૂલ દેવતાઓનું રાજય છે. ત્યાંનું સૌન્દર્ય અહીં આપણી માટીનું મોહરું ધારણ કરે છે. અહીં જે માત્ર સુન્દર છે તે ત્યાં દિવ્ય રૂપે વિરાજે છે. આપણું શરીર જે અનુભવી શકતું નથી તેનો એને અનુભવ થાય છે અને આપણા સ્થૂલ દેહ કરતાંય તે વધારે સત્ય છે.
આ અદ્ ભુતોનું જગત દૃષ્ટિથી સંપન્ન છે, સુખથી સભર છે, ને તે માત્ર રૂપની પૂર્ણતાની ને અભિવ્યક્તિની જ પરવા રાખે છે. ઉપર એ સર્જક સત્યોનું સ્વર્ગ છે, મધ્યમાં એ સંવાદી સ્વપ્નોનું વિશ્વ છે ને નીચે એ વિલય પામતાં રૂપોની અંધધૂધીમાં ઝંપાપાત કરી જડદ્રવ્યનું કારણ બની જાય છે.
જડદ્રવ્ય અને ચૈત્ય આત્મા ત્યાં પ્રેમીઓની માફક એકાંતમાં મળે છે. તેમનાં બળ, માધુર્ય અને આનંદ ઉપરના ને નીચેના જગતને એકાકાર બનાવી દે છે. ત્યાં નથી જન્મ, નથી મૃત્યુ, પરિવર્તન અને કાળનો પ્રભાવ ત્યાં પ્રસરેલો નથી.
પ્રભુએ રાત્રીમાં ઝંપાપાત કર્યો તેથી આ પતિત પૃથ્વી ચૈત્ય-આત્માઓની ધાત્રી બની; સત્ જાગ્યું, અવિદ્યામાંથી પ્રાણ ને મન જાગ્યાં ને પ્રયત્ન આરંભાયો.
ધરતીની ધૂળમાં સર્વે વસ્તુઓ રહેલી છે. દેવો માટેય અશક્ય એવો પ્રયત્ન કરી પૃથ્વી મૃત્યુના પ્રદેશમાં જીવનને જીવતું બનાવે છે; અમૃત્વ ઉપર એ દાવો કરે છે, જડ દેહને હથિયાર બનાવી મનને મેળવે છે ને અગણિત ગ્રંથિઓમાંથી મુક્ત કરી આત્માને પ્રકૃતિનો પ્રભુ બનાવે છે.
અત્યારે દૂર છે એવી એક જ્યોતિ અહીંની વતની બની જશે, એક મહાસામર્થ્ય આપણને સાથ આપશે, અનિર્વચનીય રહસ્યમયી વાચા ઉચ્ચારશે, જડતત્વના પડદા પાછળથી અવિનાશી આત્મા ભભૂકી ઊઠશે, ને આ મર્ત્ય શરીરને પ્રભુનો જામો બનાવી દેશે. પરમાત્મા આપણું અકાળ મૂળ છે ને અનંત કાળમાં એ આપણી સર્વોત્તમ સિદ્ધિ બની જશે.
કેવળ નિરપેક્ષ પ્રદેશોની પડોશમાં બીજાં જગતો છે. ત્યાં સત્યને સ્વાભાવિક ને શીઘ્ર ઉત્તર મળે છે, આત્મા દેહથી બાધિત થતો નથી, હૃદય ભેદથી ભેદાતું નથી, આનંદ અને સૌન્દર્ય ત્યાં નિવાસ કરે છે, પ્રેમ અને માધુર્ય ત્યાં જીવનનો ધર્મ છે.
ત્યાં પ્રભુનાં પગલાં પડતાં હોય છે, પગલે પગલે સુંદરતા સોહે છે, પ્રેમ માનવ હૃદયની ધબક બની જાય છે, સુખ પ્રભુના આરાધનીય વદને સ્મિત બનીને રહેલું હોય છે.
પણ આપણા આત્માએ આગળ ચડવાનું છે, આ સ્વર્ગોના બંદી બનીને રહેવાનું નથી. એટલે માટે તો આપણી ને એમની વચ્ચે એક પડદો પડેલો હોય છે. આત્માએ સર્વોચ્ચને માટે અભીપ્સા સેવવાની છે, એનું ભાવી આ સ્વર્ગોની પારના વિરાટ ચિદાકાશમાં રહેલું છે.
આ ક્ષુદ્ર બાહ્ય સત્-તાના આધારરૂપ જે બૃહત્
ની દૃષ્ટિબાહ્ય જે રે' તું ભૂની નક્કર વાડથી
તે સ્પર્શગમ્ય ના એવા ક્ષેત્રમાં ગૂઢ આત્મના
પ્રવેશ્યો એ ચમત્કારી શુદ્ધ સ્ફટિક વાયુમાં,
અને જીવન ત્યાં જોયું માંસમાટી વડે જે નવ જીવતું,
ને જોઈ જ્યોતિ જેનાથી થતી દૃષ્ય અતિભૌતિક વસ્તુઓ.
ક્રમશઃ બઢતી જાતી જહીં ચારુ ચમત્કૃતિ
તે સૂક્ષ્મ દ્રવ્યનું રાજય પરીઓની કલાકારીગરી ભર્યું,
દીપ્તિના લયમાંથી જે તુષારઝાંય માંહ્યથી
છલંગીને બ્હાર આવ્યું ને પોતાના મોખરાના સ્વરૂપને
જીવંત રંગથી પૂર્ણ વ્યોમની પૃષ્ઠ પરે
કર્યું પ્રકટ જાદુએ રહેલી રૂપરેખામાં.
છે આવેલી સૃષ્ટિ એક આપણી સૃષ્ટિની કને,
વિરૂપ કરતાં પૃથ્વી-લોકનાં જ્યાં દૃશ્યોના છદ્મવેશી
મુક્ત છે રમ્ય રૂપો સૌ અને છે જ્યાં સાચી સકલ વસ્તુઓ.
એ લસંતા ને નિગૂઢ સ્વચ્છતાઓ ભરેલા વાયુમંડળે
દિવ્ય દર્શન માટેનાં દ્વાર નેત્રો બની જતાં,
બને શ્રવણ સંગીત, અને સ્પર્શ બનતો એક મોહિની,
અને હૃદય લેતું ત્યાં શ્વાસ એક ગાઢતર પ્રભાવનો.
પ્રકાશંતાં મૂળરૂપો વસે છે ત્યાં પૃથ્વી કેરા સ્વભાવનાં:
આદર્શ નકશાઓ ત્યાં જેના આધારને લઇ
ધારા કાર્યો પોતાનાં ઢાળતી રહે,
એની કાર્યે મચી શક્તિ કેરાં છે જે દૂરનાં પરિણામ તે
સેવે વિશ્રામ ત્યાં એક ચોકઠામાં વ્યવસ્થાપિત દૈવના.
મિથ્થા પ્રયત્ન જે માટે થાય હાલ યા મિથ્થા મેળવાય જે,
માનચિત્રો તહીં તેનાં ક્યારનાંયે થયાં હતાં,
ઘડીયે ગોઠવાઈ' તી ને સ્વરૂપ તેના ભાવી પ્રભુત્વનું
સમૃદ્ધ મુખરેખામાં કામનાએ કર્યું અંકિત ત્યાં હતું.
મન કેરી ગલીકૂંચી ભર્યાં એ સ્થાનકો થકી
સોના-માર્ગ બ્હાર નીકળવાતણો,
રિદ્ધિઓ ન જડેલી કે ન હજી યે
ગ્રસાયેલી આપણાં જીવનો વડે
મર્ત્ય વિચાર-માલિન્યે અકલંકિત રૂપમાં
કરે છે વાસ એ સ્વચ્છ વાતાવરણની મહીં.
પકડી ત્યાં પડાયે છે અસ્પષ્ટારંભ આપણા,
પૂર્વવિજ્ઞાત રેખામાં મધ્યાવસ્થા રેખાચિત્રણ પામતી,
સિદ્ધિ પામેલ ઉદ્દેશો આપણા તે અપેક્ષાયેલ ત્યાં રહે.
આપણી ઊતરી નીચે
આવનારી ભૂમિકાનું છે આ તેજલ છાપરું,
સ્વર્ગના વાયુનાં મુક્ત વરદાનો રોકતું મધ્યમાર્ગોમાં,
અંતવાર્હો અલ્પ દેતું આવવા હ્યાં એક સમર્થ પ્રાણના
કે હેમ-જાલિકા દ્વારા આવવા દે આવ-જા સૌરભે ભરી;
એ મૃત્યુમુક્ત સૂર્યોથી અને ઈશ કેરી આસાર-ધારથી
બનીને ઢાલ રક્ષે છે ભૂતાલસ્થ આપણા મનની છત,
ને છતાં એ બની ન્હેર લાવે છે એક અદ્ ભુતા
આભા સપ્ત-રંગ-ધારી સુહામણી,
અને અમર-વ્યોમથી
લસંતો ટપકી આવે ઓસ તેને માટે મારગ આપતી.
શક્તિઓ જે ચલાવે છે જિંદગીના દિવસો આપણા અહીં
આવવા ને જવાનો માર્ગ તેમનો,
સ્થૂલ પ્રકૃતિ કેરી આ દીવાલો પૂઠ ગૂઢમાં,
મનનો રૂપની સાથે સૂક્ષ્મતંતુ-રચ્યો મંડપ લગ્નનો
છે છુપાયલ સ્વપ્નાંના શોભનોએ ભરેલા પટ પૂઠળે ;
ચક પાછળથી જેમ
તેમ તેમાં થઇ છાના સ્વર્ગના અર્થ આવતા,
આ બાહ્ય દૃશ્યને એની અંતદૃષ્ટિ ટકાવતી.
વધારે સુખિયા રીતવાળી છે એ વધારે સૂક્ષ્મ ચેતના,
આપણા સ્પર્શને લાધી શકતી ના એવી કુનેહ એહની,
આપણે ન કદી લ્હેતા એવી એની શુદ્ધિ સંવેદનાતણી;
શાશ્વત જ્યોતિની સાથે એનું માધ્યસ્થ્ય થાય તે
અલ્પજીવી ધરા કેરા અલ્પજીવી પ્રયાસને
પ્રેરે સૌન્દર્ય કેરી ને વસ્તુઓના રૂપની પૂર્ણતા પ્રતિ.
આલયોમાં શક્તિ કેરી કિશોરી દિવ્યતાતણા
ને પ્રારંભિક લીલામાં સર્વકાલીન બાલની
ઊડી ઊંચે જતા તેના વિચારોનાં મૂર્તિમંત સ્વરૂપ જે
ને ન્હાતાં ઊજળી નિત્યસ્થાયી રંગઝાંયે અદ્ ભુતતાતણી,
ને કાચ શી હવાના એ મર્મરોએ શમે સરી
સ્વપ્નરંગી વિશ્રામસુખ સેવવા,
ઝંપલાવી ઊતરે છે તરવાને પૃથ્વીના કાલ-સાગરે
તે પૂર્વે વિહગો જેમ લે વિશ્રામ અકાલ તરુઓ પરે.
આભારૂપ છે જે હ્યાં તે ધારે ત્યાં વધુ રમ્ય પ્રતિચ્છવિ.
જે કાંઈ કલ્પતાં હૈયાં આપણાં ને સર્જે મસ્તિષ્ક આપણાં
ભોગ આપી મૂળ કોઈ ઉચ્ચ સુંદરતાતણો,
હદપાર થયેલું તે તહીં થકી
પૃથ્વી કેરી રંગ-છાયે રંગાવાનું કબૂલ કરતું અહીં.
છે જે કાંઈ અહીં દૃશ્ય મોહિનીથી અને ચારુત્વથી ભર્યું
તે ત્યાં અમર નિર્દોષ રેખાઓ નિજ પામતું;
હ્યાં જે સુંદર છે તે ત્યાં દિવ્ય રૂપ બની જતું.
મર્ત્ય મન ન સ્વપ્નેયે જુએ જેને છે એવી મૂર્તિઓ તહીં :
પૃથ્વી પર ન સાદૃશ્ય મળે જેનાં છે એવાં ત્યાં ક્લેવરો
જે અંતર્દૃષ્ટિની દીપ્ત લીનતા મધ્યે સંચરે
ને કરે મુગ્ધ હૈયાને દેવતાઈ એમનાં પગલાં વડે,
મનાવી સ્વર્ગને લાવે નિવાસાર્થે એ અજાયબ લોકમાં.
આદર્શ દૃષ્ટિના એહ જાદૂઈ રાજ્યની મહીં
ભાવિનાં અદભુતો એનાં ઊંડાણોમાં ભમ્યા કરે;
જૂની નવી બધી ચીજો એ ગર્તોમાં ઘડાય છે;
જામે રંગોત્સવો શૃંગો પર સુંદરતાતણા.
આગલા ઓરડાઓમાં એના તેજોદીપ્ત એકાન્તતાતણા
જડ દ્રવ્ય અને આત્મા સચેત ઐક્યમાં મળે,
પ્રેમીઓ જેમ કો ગુપ્ત નિર્જન સ્થાનની મહીં :
દુર્ભાગી ન હજી એના ભાવોદ્રેક ભર્યા આશ્લેષની મહીં
નિજ સામર્થ્થ, માધુર્ય ને આનંદ એ સંયુક્ત બનાવતાં,
ને સંમિશ્ર થઇ ઊર્ધ્વ અને નિમ્ન જગને ઐક્ય અર્પતાં.
નિરાકાર અનંતેથી ઘૂસી આવેલ સાહસે
અચિત્ ના રાજયમાં જોરઝપાટાએ પ્રવેશતું,
આત્માનો કૂદકો એવું એહ દેહદિશામાં સ્પર્શતું ધરા.
પાર્થિવ રૂપરેખાનાં લક્ષણોમાં લપેટાયેલ ના હજુ,
પ્રતીતિ આપતું દિવ્ય રૂપ દ્વારા ગર્તને ઘોરતાતણા,
પરિવર્તન ને કાળ ઘસારો જે લગાડતો
તેની સામે ટકે એવી લાયકાત ધરાવતું,
મૃત્યુ ને જન્મની કેડે રહે એવા
પહેલેથી જ પોતાના અમરત્વતણા આવરણે સજ્યું.
ચૈત્યાત્માની પ્રસ્ફુરંતી પ્રભા અને
સંકેતોએ લદાયેલી શક્તિ કેરી સામગ્રી જડ દ્રવ્યની,
એ બન્નેના મિશ્રણે છે રચના એહની થઇ,
આપણા મનની આછી હવા માંહે
વૃથા એની કલ્પનાઓ કરાય છે,
છે એ એક
હવાઈ ભાસનો ઢાળો મન દ્વારા રચાયેલો,
પિંડો પાર્થિવ ના પામે એવા એને સ્પર્શાનુભવ થાય છે,
ને જે આ ચોકઠું સ્થૂલ તેનાથી એ વધારે સત્ય હોય છે.
મર્ત્યતાનો મટે વેશ, તે પછીથી વજને હળવું બની
આરોહી ઊર્ધ્વ જાય એ;
પામીને સૂક્ષ્મ સંસ્કાર સંજોગોમાં વધારે સૂક્ષ્મતા ભર્યા,
એ નાખે ખેરવી જૂની ભાતવાળાં
ગાઢ જ્યાદા છે એવાં અવગુંઠનો,
કરે પકડ નાબૂદ પૃથ્વી કેરી નિમ્ન આકર્ષણીતણી,
ઊંચકી જીવને જાય
એ એક લોકથી બીજા વધારે ઉચ્ચ લોકમાં
ને અંતે શિખરો માથે નગ્ન આકાશની મહીં
રહે છે એકલી બાકી આત્મા કેરી સાદી સહજ આત્મતા,
શાશ્વત બ્રહ્યસત્તાનો છે જે આધ પારદર્શક કંચુક.
કિંતુ પાછો મર્ત્ય બોજો લેવા એનું આવવાનું થતું ફરી
અને ભૂતળના ભારે કરવાના થાય અનુભવો ભર્યા,
ત્યારે એ સ્થૂલ વાઘાઓ ફરી પાછું નીચે આવી પહેરતું.
કેમ કે અણુએ પૂર્ણ શૂન્ય કેરી કલાકારીગરી વડે
ઘડાયું ભૂમિનું ગાઢું પડ તેની પહેલાં બહુ કાળથી
વસ્તુઓમાં છુપાયેલા આત્માની આસપાસમાં
છુપાવી રાખવા જાત વાણાયું' તું એક વિશદ ખોળિયું.
પ્રકાશમાન એ કોષોમાંહ્યથી છે રચાયાં સૂક્ષ્મ રાજ્ય સૌ.
આશ્ચર્યમય આ સૃષ્ટિ આપે એના વિભાસી વરદાનમાં
દૃષ્ટિ સાથે સુખ બાધા ન પામતું,
અભિવ્યક્તિ અને પૂર્ણ રૂપ કેરી માત્ર એ પરવા કરે;
પોતાનાં શિખરોએ એ ફૂટડી છે
તે છતાં છે નિમ્ન એની ભૂમિકાઓ ભયે ભરી;
પ્રભા ખેંચી જતી એની કિનારીએ પ્રકૃતિભ્રંશ થાય જ્યાં;
ગર્તોના ત્રાસને અર્પે છે એ સુન્દરતા, અને
દારુણ દેવતાઓને અર્પતો એ મનોમોહક આંખને
દૈતયને ને સર્પને એ સજે છે ચારુતા દઈ.
એની સમાધિ લાદે છે પૃથ્વી-માથે અચેતતા,
વણે એ આપણે માટે
કાળો ક્ષભ્ભો મૃત્યુ કેરો પોતે અમર છે છતાં,
આપણી મર્ત્યતાને એ સાધિકાર બનાવતી.
આ માધ્યમ કરે સેવા ચેતનાની મહત્તરા :
છૂપી સરમુખત્યારી એ મહાચેતનાતણી
છે તેનું એક પાત્ર એ,
દ્રવ્યનાં જગતો કેરી ભૂમિકા સૂક્ષ્મરૂપ એ,
એમનાં ક્ષર રૂપોમાં સ્થિત અક્ષ્રરરૂપ એ,
સર્જનાત્મક પોતાની સ્મૃતિ કેરા પુટોમહીં
સાચવી એહ રાખે છે વિનાશી વસ્તુઓ
વિનાશી વસ્તીઓ કેરાં અવિનાશી મૂળ આદર્શ રૂપને :
એનાં અધર સામર્થ્યો ઢળે ઢળે પ્રભ્રષ્ટ બળ આપણાં;
અજ્ઞાન આપણું તર્કબદ્ધ છે જે
તેને એનો વિચાર ઉપજાવતો;
આપણો દેહ આપે જે પરાવર્તિત ઉત્તરો
તેમાં તેનો સ્પર્શ જન્મદાતા છે તાત એમનો.
આપણો ગુપ્ત ઉચ્છવાસ અપ્રયુક્ત બળવત્તર શક્તિનો,
તત્કાલ આંતરા દૃષ્ટિ દેતો સૂર્ય છુપાયેલો,
સપ્તરંગી ને સમૃદ્ધ આપણાં ક્લ્પનોતણું
ઢાંકેલું મૂળ છે એને સૂચનાઓ સુહામણી,
સામાન્ય વસ્તુઓને યે
એ રૂપાંતર દેનારા રંગો કેરો સ્પર્શ એવો સમર્પતી
કે પૃથ્વીનો પંક સુધ્ધાં બની જતો
વ્યોમને વૈભવે પૂર્ણ ને ભાવોષ્મા વડે ભર્યો
ને ચૈત્યાત્માતણા ભ્રંશે મહિમા-જોત જાગતી.
છે એનું જ્ઞાન આરંભ આપણાં સ્ખલનોતણો,
એનું સૌન્દર્ય ધારે છે
અપરૂપ પંક કેરું અવગુંતઠન આપણું,
શુભ એનું ક્લાશિલ્પી
શરૂઆત કરી દેતું કથા કેરી આપણાં અશુભોતણી.
સર્જનાત્મક સત્યોનું સત્ય છે એહ ઊર્ધ્વમાં,
સૂરતાએ ભર્યાં સ્વપ્નોતણું છે વિશ્વ મધ્યમાં,
ને અરાજકતા નીચે લય પામી જનારી રૂપમાળની,
અચિત્ ની આપણી પાયા-ભોમે ઝંપાપાતે લુપ્ત થઇ જતી.
એના પતનમાંથી છે આપણા જડ દ્રવ્યની
જન્મી નક્કરતા નરી.
નિમજ્જન થયું આમ પ્રભુનું રાત્રિ મધ્યમાં.
વસી છે દિવ્યતા છૂપી જેમનામાં એવા જીવોતણી અહીં
પૃથ્વી આ પતિતા ધાત્રી ઉપમાતા બનેલ છે.
જાગ્રત સત્ થયું એક અને અર્થહીન શૂન્ય મહીં વસ્યું,
વિશ્વવ્યાપી અવિદ્યાએ પ્રાણ ને ચિંતન પ્રતિ
મહાયાસ શરૂ કર્યો,
મનોરહિત નિદ્રાથી આવી ઊંચે ખેંચાઈ એક ચેતના.
એક અચેત સંકલ્પે હંકારાઈ રહેલું છે અહીં બધું.
પતિતા આમ નિશ્ચેષ્ટ, નાસીપાસ, ઘન ને જડતાભરી,
નિર્જીવા ઘોરતા ઘેને ઢળેલી ધરણી હતી,
વૈતરું કરતી ઊંઘે, બળાત્કારે સર્જના કરતી જતી,
આ સર્જનતણા કાર્યે એને પ્રેરી રહી હતી
સ્મૃતિ ઝંખા ભરી એક રહેલી અવચેતને,
એની જન્મતણી પૂર્વે
સુખ જે મૃત્યુ પામ્યું ' તું તેની બાકી રહેલી અવશેષમાં,
સંજ્ઞારહિત પોતાને હૈયે એક વિદેશી તાજુબી સમી.
આ કીચડે થવાનું છે આશ્રયસ્થાન, જે મહીં
ખીલી ઉઠે ગુલાબો ને રંગરંગ શતાવરી,
વધારે સુખિયા લોકો છે સ્વામીઓ જેહ સુંદરતાતણા
તેણે ઉદભવવાનું છે એવા અંધ ને અનિચ્છુ પદાર્થથી.
આ છે તે ભાવી જે એને વારસામાં મળેલ છે,
જાણે કે કો મરાયેલો દેવ આ સ્વર્ણ ન્યાસને
અંધ એકા શક્તિને ને બંદી આત્મા માટે મૂકી ગયેલ છે.
વિનાશી અંગ કો એક અમર્ત્ય દેવતાતણાં
લઇ ખોવાયેલ ખંડોથી પુનર્નિર્માણ રૂપનું
છે એણે સાધવું રહ્યું,
અન્યત્ર પૂર્ણ રૂપે છે એવા એક અધૂરા ખતપત્રથી
પુનઃશબ્દો ગોઠવીને પોતના દિવ્ય નામના
સંદેહાત્મક દાવાને સંસિદ્ધ કરવો રહ્યો.
એક અનન્ય પોતાના વારસામાં અવશિષ્ટ રહેલ જે
તે બધી વસ્તુઓને એ વિરૂપ નિજ ધૂળમાં
ઉપાડી લઇ જાય છે.
મહાકાય ઓજ એનું ક્ષુદ્ર રૂપો શું બંધાઈ રહેલ છે
ધીરી કામચલાઉ જે ગતિ એની શક્તિની થાય તે મહીં,
માત્ર તકલદી બુઠ્ઠાં ઓજારો જ એને વાપરવા મળ્યાં,
ને એણે એ કબૂલ્યું છે ગણી એને જરૂર સ્વ-સ્વભાવની,
ને ગંજાવર સોંપ્યું છે માનવીને
કાર્ય દેવો માટે યે જે અશક્ય છે.
મુશ્કેલીથી જીવતું જે મૃત્યુના ક્ષેત્રની મહીં
તે જીવન કરી દાવો ભાગ માગે પોતાનો અમૃતત્વનો;
અર્ધ સચેત ને જાડ્ય ભર્યો દેહ બની સાધન સેવતો
મનને એક છે જેણે ફરી પાછું જ્ઞાન મેળવવું રહ્યું
ગુમાવેલું, ગ્રસાયેલું હોઈ પાષાણ-ગ્રાહમાં
વિશ્વવ્યાપી અચિત્ તણા,
અને નિયમ કેરી આ અસંખ્યાત ગ્રંથિઓ ધારવા છતાં
બુદ્ધાત્માએ છે થવાનું ખડા રાજા બની પ્રકૃતિજાતનો.
બલિષ્ઠતમ આત્મીય છે જે એક સગોત્રતા
તે નિમિત્ત છે આ સાહસ કાર્યમાં.
આ અપૂર્ણ જગે જે સૌ સાધવાને માટે સયત્ન આપણે
તે દૃષ્ટિ નાખતું આગે કે પછાડી કાળના ઓપ પારમાં,
સંપૂર્ણ સૃષ્ટિના દોષ વિનાના કૌશલે જહીં
ભાવનારૂપ પોતાનું શુદ્ધ છે ને
છે આદર્શ સ્થિર અભ્રષ્ટ રૂપમાં.
પસાર થઇ જાનારા આકારોમાં ગ્રહવો નિરપેક્ષને,
કાળ-નિર્મી વસ્તુઓમાં સ્પર્શ લ્હેવો અનંતનો,
સત્ય નિયમ આ છે હ્યાં સર્વ સંપૂર્ણતાતણો.
સ્વર્ગના ઉદ્દેશ કેરો ખંડ એક ઝલાય હ્યાં;
નહિ તો મહિમાવંતી જિંદગીની આશા કદીય આપણે
સેવવાને સમર્થ ના,
ના કદી પરમાનંદ અને દિવ્ય પ્રભાવ સંબંધી શકે.
મર્ત્યતાની અવસ્થાની ક્ષુદ્રતામાંય આપણી,
બંદીખાનામહીંયે આ આપણા બાહ્ય રૂપના,
શિરા ને શિરની સ્થૂલ દીવાલો મધ્યમાં થઇ
છે કાપીને કરાયેલો
સંચારમાર્ગ સંદીપ્ત અમોઘા અગ્નિજોતનો,
દબાણ કરતી એક વિભૂતિ ભવ્ય આવતી,
પાડી ભંગાણ કો એક શક્તિ ભીતર ઘૂસતી,
થોડા વખત માટે તો
જડ જંગી અંતરાય પૃથ્વી કેરો હઠી જતો,
અચિત્ મુદ્રા ઉઠાવાતી આપણી આંખડીથકી,
બનતા આપણે પાત્રો સર્જનાત્મક ઓજનાં.
અણધારી દિવ્યતાનો
સમુત્સાહ વ્યાપ્ત થાય આપણાં જીવનો મહીં,
ગૂઢ એક થતો સંક્ષોભ લાગતો,
અંગોમાં આપણાં હર્ષયુક્ત કંપ થતો ગાઢ વ્યથાતણો;
હૈયા સોંસરવું નૃત્ય કરે એક સ્વપ્ન સુંદરતાતણું,
વિચાર એક આવે છે સદાસ્થાયી મનમાંથી સમીપમાં,
જાગી અનંતતા કેરી નિદ્રામાંથી નંખાયેલાં અદૃશ્યથી
નિમ્નતામાં પૂર્વસૂચન આવતાં,
નિર્માણ ના કદી જેનું હજી સુધી
થયું'તું તે 'तत्' તણાં છે પ્રતીક જે.
થોડીક વારમાં કિન્તુ
જડ માટી કરે બંધ એને ઉત્તર આપવો,
પવિત્ર હર્ષ-ઉન્માદ ત્યાર બાદ ઢબી જતો,
ભાવાવેશ ભભૂકંતો અને જુવાળ શક્તિનો
આપણી પાસથી પાછા લઇ લેવાય છે અને
આશ્ચર્યચકિતા પૃથ્વી કરંતું કો રૂપ ટમકતું રહે
ને કલ્પના કરાયે કે છે એ પરમ ઉચ્ચ કૈં,
તે છતાંય અપેક્ષાઓ રખાઈ જેહની હતી
તેમાંનું બહુ થોડું જ રહે નામનિશાનમાં.
આંખો પૃથ્વીતણી અર્ધ જુએ, એની શક્તિઓ-અર્ધ સર્જતી;
સ્વર્ગ કેરી કલાની છે નકલો જ
વિરલાંમાં વિરલાં કાર્ય એહાનાં.
એનાં રૂપોમહીં એક રોશની છે સોનેરી તરકીબની,
પ્રેરિત યુક્ત કેરું ને વિધિ કેરું સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ,
પોતે નિવાસ છે જેનો તેને એનાં રૂપો ગોપિત રાખતાં,
અને શાશ્વતની દૃષ્ટે નિત્ય નિવસનાર જે
આકારો આપ-જન્મેલા, તેમની જે અગૃહિત ચમત્કૃતિ
તેની માત્ર કરતાં એ વિડંબના.
એક મુશ્કેલ ને અર્ધ-સિદ્ધ લોકમહીં અહીં
અચેત શક્તિઓનો છે ધીરો એક પરિશ્રમ,
અહીં માણસનું અજ્ઞ મન છે અનુમાનતું,
અચિત્ માટી થકી જન્મી પ્રતિભાની શક્તિ એના સ્વભાની.
પૃથ્વીના અનુકારોના અનુકારે રહી છે એહની કલા.
કેમ કે યત્ન એ જયારે ધરાતીત વસ્તુઓ અર્થ આદરે
ત્યારે મજૂરનાં એનાં છેક રંભા ઓજારોના પ્રયોગથી
અને છેક અસંસ્કારી સામગ્રી કામમાં લઇ
હૈયાના રકતથી માંડ માંડ થાય સમર્થ એ
બાંધવા દિવ્યતા કેરા કલ્પ માટે ક્ષણભંગુર ધામ કો,
રચવા અજને કાજે સ્વક્લ્પેલી કાળમાં હ્યાં સરાઇ કો.
આપણા સત્ત્વમાં જાગે રોમહર્ષ
ઉચ્ચ ઉચ્ચ દૂરની સ્મૃતિઓ વડે,
વાંછે છે એ લાવવાને બેતારીખ તાત્પર્યો એમનાં અહીં,
આશ્ચર્યો નિત્યનાં કિન્તુ પાર પાર પ્રકાશતાં
એવાં છે દિવ્ય કે પૃથ્વી કેરી પ્રાકૃત યોજના
દ્વારા એ કરવાં પ્રાપ્ત આપણે માટે શક્ય ના.
નિરપેક્ષ વસે છે એ અજન્મા, અવિનાશ ને
નિષ્કલંક, બ્રહ્ય કેરી મૃત્યુમુક્ત હવા મહીં,
અમર્ત્ય ગતિનિર્મુક્ત કાળના એક લોકમાં
ચિદ્વ્યોમતણી ઊંડી અવિકાર સમાધિમાં.
જાતની હદ ઓળંગી ઊંચે જયારે હોઈએ આપણે ચડયા
ત્યારે માત્ર એક રેખા પરાત્પરસ્વરૂપની
આપણા માર્ગને મળે,
ને જે અકાળ ને સત્ય છે તે સાથે થાય સંયોગ આપણો;
આપણી પાસ એ લાવે શબ્દ અપરિહાર્યને,
લાવે દૈવી ક્રિયા, લાવે વિચારો જે કદીય મરતા નથી.
જ્યોતિ ને મહિમા કેરી ઊર્મિ એક વીંટી મસ્તિષ્કને વળે,
ક્ષણો કેરો વિલોપાતો લઇ માર્ગ નીચે મુસાફરી કરી
પ્રતિમાઓ શાશ્વતીની પાસ આવી પહોંચતી.
આવેલી મનની ભેટે, કે હૈયાના મહેમાન બનેલ એ
આપણી મર્ત્યતા કેરો અલ્પ કાળ પોતા કેરો બનાવતી,
કે વિરલ ને મોક્ષદાયી ઝાંખીમહીં કવચિત્
ઝલાતી આપણા દૃષ્ટિદર્શનાના નાજુક અનુમાનથી.
ઝબકો આ
જોકે કેવળ આરંભો ને શરૂઆતના માત્ર પ્રયત્ન છે,
છતાં તે આપણા જન્મ કેરા રહસ્યની પ્રતિ
અથવા આપણા ભાવી કેરા ગુપ્ત ચમત્કારતણી પ્રતિ
ચીંધતી આંગળી કરે.
છીએ ત્યાં આપણે જે ને અહીં પૃથ્વી પર થાશું ભવિષ્યમાં
તે સંપર્કમહીં એક
અને એક સમાહવાને પ્રતિબિંબન પામતું.
છે અત્યાર સુધી ક્ષેત્ર આપણું આ પૃથ્વી કેરી અપૂર્ણતા
ન દેખાડે સત્ય રૂપ આપણું આ સ્વભાવાદર્શક આપણો;
એ માહાત્મ્ય રહેલું છે પાછું ધારી રાખેલું તો ય અંતરે.
સંદેહ કરતું ભાવિ પૃથ્વી કેરું
છૂપો રાખી આપણો વારસો રહ્યું :
જ્યોતિ જે હાલ છે દૂર તે હ્યાંની વતની થશે,
જે આગંતુક છે ઓજ તે થવાનું સાથી સમર્થ આપણો;
અનિર્વાચ્ય કરી પ્રાપ્ત લેશે પ્રચ્છન્ન સૂરને,
દ્રવ્યના પડદા પાર અવિનાશી પ્રકાશશે,
મર્ત્ય આ દેહને જામો પ્રભુ કેરો બનાવશે.
મહિમા પરમાત્માનો આપણું છે મૂળ કાલવિહીન, ને
અનંત કાલમાં થાશે આપણો એ શિરોમુકુટ સિદ્ધિનો.
વિરાટ એક અજ્ઞાત આસપાસ અને ભીતર આપણી;
પરિત: વ્યાપ્ત છે સર્વ વસ્તુઓ એ 'एक एव' ક્રિયાત્મકે :
સર્વ જીવનને સાંધે સૂક્ષ્મ એક કડી સંયોગકારિણી.
આમ છે સૃષ્ટિ સારી યે એક સળંગ સાંકળી :
બંધ પ્રબંધમાં ત્યકત એકાકી આપણે નથી
હંકારંતી અચિત્ શક્તિ અને એક અવર્ણ્ય કેવલાત્મ જે
તે બેની વચગાળમાં.
ચૈત્યાત્માના ઊર્ધ્વવર્તી ક્ષેત્રવિસ્તારની મહીં
આગે પ્રેરંત એડીના જેવું જીવન આપણું,
કરે છે આપણું સત્ત્વ દૃષ્ટિ એની દીવાલો પાર માનસી,
ને મહત્તર લોકોની સાથે સંબંધ બાંધતું;
આપણી છે તે થકી છે વધુ ઉજ્જવલ ભૂમિઓ
ને વધારે વિશાળા સ્વર્ગલોક છે.
એવા પ્રદેશ છે જેમાં પોતાનાં ગહનોમહીં
આત્મા મગ્ન બની રહે;
અમેય ને ક્રિયાશીલ પોતાના હાર્દની મહીં
નામરૂપ વિનાની ને ન જન્મેલી શક્તિઓ જે સ્વકીય છે
તે અનિર્મી બૃહત્તામાં આવવાને પ્રકાશમાં
હોય પોકારતી એવું એને અંતર લાગતું :
અવિદ્યા ને મૃત્યુ પાર વાણીથી વર્ણવાય ના
એવી એની સદાજીવી સત્ય કેરી છે જેહ પ્રતિમૂર્ત્તિઓ
તે આત્મલીન આત્માની એક કક્ષામહીંથી બ્હાર ડોક્તી :
સ્વસાક્ષી-દૃષ્ટિની સામે જાણે આત્મા રજુ કરે
પ્રતિબિંબિત પોતાની જાતને, કર્મને તથા
અકાલ નિજ હૈયાની શક્તિને ને ઉદ્રેકગત ભાવને,
અરૂપબદ્ધ પોતાના મહામોદે લીધેલાં પ્રતિરૂપને,
અસંખ્યગુણ પોતના ઓજનાં ભવ્યરૂપને.
આપણા ચૈત્ય આત્માઓ કેરું ગૂઢ દ્રવ્ય આવે તહીં થકી,
ને પ્રવેશે ચમત્કારે જન્મ કેરા આપણી પ્રકૃતિતણા,
અચ્યુત ઉચ્ચતા છે ત્યાં આપણે જે છીએ તેહ સમસ્તની,
ને આશા આપણી જેહ થવાની તે સમસ્તનો
ઉત્સ પ્રાચીન છે તહીં.
ઊંચીનીચી પાયરીએ પ્રત્યેક ભૂમિકા પરે
અનુકત સત્યતાઓની દિક્ષાધારિ શક્તિ સ્વપ્ન નિષેવતી,
નિજ સ્વાભાવિકી રીતે ને સજીવ ભાષામાં અવતારવા
અને ભાગ જિંદગીનો બનાવવા,
અજન્માની પૂર્ણતાની વિશેષતા,
સર્વજ્ઞ જ્યોતિમાં પ્રાપ્ત થયેલું કોક દર્શન,
યશોગાનતણો સૂર મૃત્યુમુક્ત, તેનો કો દૂરનો ધ્વનિ,
સર્વસર્જક આનંદ કેરું કોક પ્રહર્ષણ,
અવર્ણનીય સૌન્દર્ય કેરું કોક રૂપ ને કોક યોજના.
એ સ્વતંત્ર પ્રદેશોની છે વધારે સમીપમાં
જગતો ઉત્તરો દેતાં સત્યને જે શીઘ્ર ને ખાતરી ભર્યા,
ને જયાં આત્મા નથી બાધા પામતો ખોળિયાતણી,
તીવ્ર ભેદ ગ્રહી ના જયાં વિદીર્ણ હૃદયો કરે,
આહૂલાદ સાથ સૌન્દર્ય નિવાસી જે પ્રદેશનાં,
પ્રેમ-માધુર્ય એ બે છે ધર્મ જયાં જિંદગીતણો.
વધુ સંસ્કાર પામેલું દ્રવ્ય બીબે વધારે સૂક્ષ્મતા ભર્યા
પૃથ્વી જેનાં સ્વપ્ન માત્ર
સેવતી તે દિવ્યતાને મૂર્ત્તિમંત બનાવતું,
પકડી પાડવા પાય ધાવમાન પ્રમોદના
બળ એનું સમર્થ છે;
કાળે સ્થાયી રચેલી જે બાધાઓ તે કૂદકાએ વટાવતું,
અંત:સ્ફુરણથી યુક્ત ત્વરિતાશ્લેષની જાળ છલંગતું,
આપણી કામના કેરું ભાગતું સુખ એ ગ્રહે.
વિશાળતર ઉચ્છવાસે સ્વભાવ ઊંચકાયલો
સર્વને ઘાટ દેનારા અગ્નિના કાર્યની પ્રતિ
મૃદુતા ધારનારો ને નિષ્ક્રિયત્વ બતાવતો,
જવાબ વળતો દેતો આકસ્મિક સ્પર્શને દેવતાતણા :
પ્રત્યુત્તર પ્રદાને જે જડતા આપણી મહીં
તેનાથી મુક્ત એ રહી
સાંભળે છે શબ્દ જેને બ્હેરાં હૈયા આપણાં સાંભળે નહીં,
અમર્ત્ય આંખડીઓની દૃષ્ટિને અપનાવતો,
રેખા ને રંગને રસ્તે કરીને એ મુસાફરી
સૌંદર્યાત્માતણે ધામે પીછો એનો લઇ જતો.
સર્વ-આશ્ચર્યમયની સમીપે આ પ્રમાણે આપણે જતા,
નિશાની ને ભોમિયાને સ્થાને સૌ વસ્તુઓ મહીં
જે એનો હર્ષ છે તેના અનુયાયી બની જઈ;
સૌન્દર્ય પગલું એનું બતાવે છે એના ગમનમાર્ગને,
પ્રેમ છે મર્ત્ય હૈયાંમાં લય એના હૈયાની ધબકોતણો,
સુખ એના સમારાધ્ય મુખે સ્મિત વિરાજતું.
અધ્યાત્મ-વ્યક્તિઓ કેરો વ્યવહાર પરસ્પર,
નિસર્ગપ્રતિભા અંતર્યામી સર્જક દેવની
ગાઢ સંબંધથી યુક્ત કરી દે સર્વ સૃષ્ટિને :
સૌન્દર્યાનુભવો દેતા ચતુર્થ પરિણામમાં
આપણા આત્મમાં સર્વ અને આત્મા આપણો સર્વમાં રહે,
તે બ્રહ્યાંડ-બૃહત્તા શું સંયોજે છે ફરીથી ચૈત્ય આપણા.
પ્રદીપ્ત કરતો હર્ષ દ્રષ્ટાનો ને દૃષ્ટનો યોગ સાધતો;
શિલ્પી ને શિલ્પ પામીને અંતરે એકરૂપતા
ચમત્કારી સ્પંદને ને ભાવોદ્રેકે એમના ગાઢ ઐક્યના
કરે છે સિદ્ધ પૂર્ણતા.
જે સર્વ આપણે ભેગા કરેલા ટુકડા લઇ
તેમને ગોઠવી ધીરે રૂપબદ્ધ બનાવતા
કે ભૂલો કરતા લાંબા શ્રમથી વિકસાવતા
તે સદાના હકે સ્વીય છે સ્વયંજાત તે સ્થળે.
આપણામાંય ઉદ્દીપ્ત અંતર્જ્ઞાની અગ્નિદેવ થઇ શકે;
જ્યોતિ એક મુખત્યાર, ગડીબંધ આપણાં હૃદયોમહીં
રહી છે ગૂંચળું વળી,
છે સ્વર્ગીય સ્તરો મધ્યે ગૃહ એનું નિવાસનું;
નીચે ઉતરતાં લાવી શકે છે એ સ્વર્ગો ઉપરનાં અહીં.
જળે કિન્તુ જવલ્લે એ જવાળા ને તે પણ દીર્ધ જળે નહીં,
ને દિવ્યતર શૃંગોથી જે આનંદ આવાહી એહ લાવતી
તે સંસ્મરણ આણે છે સુભવ્ય સ્વલ્પ જીવતાં
ને ઉચ્ચ દીપ્ત ઝાંખીઓ વ્યાખ્યાપક વિચારની,
ના કિન્તુ દૃષ્ટિ નિ:શેષા ને સંપૂર્ણ મહામુદા.
આડ એક રખાઈ છે, હજી કૈંક છે રખાયેલ પૂંઠળે,
કે રખે આપણા આત્મા બની સુન્દરતાતણા
અને આનંદના બંદી ભૂલી જાય
પરમોચ્ચતણે માટે અભીપ્સાનું નિષેવન.
આપણી ભૂમિની પૂઠે આવેલી એ રૂપાળી સૂક્ષ્મ ભૂમિમાં
રૂપ છે સર્વ કાંઈ ને છે રાજાઓ દેવો પાર્થિવ લોકના.
પ્રેરક જ્યોતિની લીલા થાય છે ત્યાં સીમાઓમાં સુહામણી;
આવે નિસર્ગની મ્હેરે દોષમુક્ત મનોજ્ઞતા :
સ્વાતંત્ર પૂર્ણતાની ત્યાં બની બાંયધરી રહે :
જોકે ત્યાં સાવ સંપૂર્ણ પ્રતિમૂર્તિ નથી અને
નથી સંમુર્ત્ત શબ્દેય, ને ન શુદ્ધ મહામુદા,
છતાં ત્યાં સૌ ચમત્કાર સમપ્રમાણ જાદુનો,
ને માયા-મોહિની એક રેખાની ને વિધિની પૂર્ણતાતણી.
છે ત્યાં સૌ સ્વાત્મસંતુષ્ટ, સંતુષ્ટ અખિલાત્મમાં,
મર્યાદા ત્યાં રચે એક સમૃદ્ધ પરિપૂર્ણતા,
સાવ સ્વલ્પેય આશ્ચર્ય છે ત્યાં મોટા પ્રમાણમાં
નાના શા સ્થાનમાં મુક્ત મચે હર્ષોન્માદ સંકુલતા ભર્યો :
પ્રત્યેક લયની છે ત્યાં સગાઈ આસપાસ શું,
પ્રત્યેક રેખ ત્યાં પૂર્ણ અનિવાર્ય પ્રકારની,
પ્રત્યેક વસ્તુ ત્યાં ખામી વિનાની છે ઘડાયલી
નિજ મોહકતા માટે ને લેવા ઉપયોગમાં.
સર્વ છે ત્યાં નિજાનંદે મુગ્ધતાભાવ ધારતું.
પોતાની પૂર્ણતા પ્રત્યે નિ:સંદેહ સૌ ત્યાં સાબૂત જીવતું,
સ્વર્ગે સંતુષ્ઠ ને સ્વાત્મસુખિયા ભયમુક્તિમાં;
હયાતીથી જ રાજી એ, એને બીજા કશાનીય જરૂર ના.
મોઘ પ્રયત્નથી ભગ્ન હૈયું કો ન હતું તહીં:
હતું અગ્નિપરીક્ષા ને કસોટીથી વિમુક્ત એ,
પ્રતિરોધ અને પીડા વિનાનું જગ એ હતું,
ભય કે શોકની એને માટે સંભાવના ન 'તી.
ત્રુટિ કે હારનો એને અનુગ્રહ મળ્યો ન ' તો,
અવકાશ ન' તો એને દોષનો ને
ન ' તી શક્તિ મોઘ નીવડવાતણી
મૂક કલ્પતણાં એનાં રૂપાવિષ્કરણો નવાં,
ને ચમત્કારિતા એના છંદોલય ધરાવતા
વિચારોની અને એ જે કરે તે સર્વ કર્મની,
દૃઢ ને વર્તુલાકાર જીવનોનું
સ્પષ્ટ સ્પષ્ટ શિલ્પકૌશલ એહનું,
રૂપાળી વસતી એની નીર્જીવાકાર લોકની,
મહિમા આપણી જેમ શ્વસનારાં શરીરનો,
એકી સાથે આ બધું એ રાશીભૂત કો નિજાનંદ માંહ્યથી
પ્રકાશે આણતું હતું.
રાજા અશ્વપતિ એક
દિવ્ય તો યે સજાતીય જગની મધ્ય સંચર્યો,
આશ્ચર્ય ઉપજાવંતાં રૂપો ત્યાંના વખાણતો,
રૂપો જે આપણાં હ્યાંનાં રૂપોને મળતાં છતાં
કો દેવનાં ખિલોણાંના જેવાં પૂર્ણ હતાં સૌન્દર્યથી ભર્યાં,
ને સ્વરૂપે મર્ત્યતાના હતાં મૃત્યુવિમુક્ત જે.
સાંકડી ને અન્યવર્જી પોતાના મૂળ રૂપની
નિરપેક્ષ દશામહીં
સાન્તનાં પાયરીવાળાં આધિપત્યો રાજે છે રાજ-આસને;
શું આવ્યું હોત અસ્તિત્વે તેનાં સ્વપ્ન એ કદી સેવતું નથી,
સીમાઓમાં જ જીવી આ શકે છે નિરપેક્ષતા.
નિજાયોજનની સાથે બદ્ધ ઉત્કૃષ્ટતામહીં
હતું સમાપ્ત સૌ જેમાં, ન ચોડાઈ બાકી જેમાં રહી હતી,
અવકાશ હતો ના જ્યાં છાયાઓને માટે અપરિમેયની,
ગણનાતીતની જેમાં તાજુબીને માટે સ્થાન હતું નહીં,
તેમાં બંદી બની સ્વીય સૌન્દર્ય-સંમુદાતણું
જાદૂઈ વર્તુલે કાર્ય કરતું' તું મંત્રમુગ્ધ મહૌજ એ.
પોતાના માળખા પૂઠે
આત્મા પાછો હઠી ઊભો રહેતો 'તો વિલુપ્ત શો.
અંત્ય નિશ્ચિતતા કાજ નિજ ઉજ્જવલ રેખાની
પ્રશંસા પામતું નીલ દિશાચક્ર
સીમાબદ્ધ ચૈત્યને કરતું હતું;
ધુમંત આનુકૂલ્યોમાં વિચાર સરતો હતો,
બાહ્ય આદર્શનાં પાણી છીછરાં, એ ક્ષેત્ર તરણનું હતું:
મર્યાદાઓ મહીં સ્વીય વિલંબાતી હતી સંતુષ્ટ જિંદગી
શરીરની ક્રિયાઓનો અલ્પ આનંદ મેળવી.
સોંપાયેલી શક્તિ રૂપે બદ્ધ એક કોણાવસ્થિત ચિત્તને
સલામતી ભરી સ્વીય સ્થાનની સંકડાશની
સાથે સંસક્ત એ રહી,
નિજ નાનકડાં કાર્ય કરતી ને ક્રીડતી નીંદરી જતી,
ને ના કરાયલા બીજા
વધુ મોટા કાર્ય કેરો વિચાર કરતી નહીં.
ભૂલી ગયેલ પોતાની ચંડોચ્ચંડ કામનાઓ વિરાટ એ,
ભૂલી ગયેલ શૃંગો જે પર પોતે ચઢી હતી,
ઘરેડે એક તેજસ્વી સ્થિર એનું ચાલવાનું થયું હતું.
આરામ સેવતા એક આત્માની એ કાયા કોડામણી હતી,
સૂર્યે ના' તા મંજુ કુંજોમહીં એ હાસ્ય વેરતી,
શિશુ શી ઝૂલતી' તી એ સુખના સ્વર્ણ-પારણે.
એના માયામુગ્ધ ધામે આકાશોનો સાદ ના પ્હોંચતો હતો,
એની પાસે ન'તી પાંખો
વિશાળા ને ભયે પૂર્ણ વિસ્તારો માંહ્ય ઊડવા,
હતું જોખમ ના, એકે એની સામે વ્યોમ કે ઘોર ગર્તનું,
જાણતી એ ન' તી કોઈ દૂર-દૃશ્યો કે સ્વપ્નો ઓજસે ભર્યા,
પોતાનાં લુપ્ત આનંત્યો અર્થે એ ઝૂરતી ન'તી.
ચિત્ર સર્વાંગસંપૂર્ણ સર્વાંગપૂર્ણ ચોકઠે,
પરીઓની મનોહારી રમ્યતાએ
રોકી રાખ્યો ન સંકલ્પ રાજા અશ્વપતિતણો :
માત્ર ક્ષણિક એણે ત્યાં આપ્યો એને છુટકારો ગમી જતો;
લગીરેક મહાસૌખ્યે ઘડી એણે ગાળી લાપરવાઈની.
જાય છે આપણો આત્મા થાકી સત્ત્વતણા બાહ્ય સ્તરો થકી,
રૂપના ભભકા કેરી પાર એહ પહોંચતો;
એ ગુપ્ત શક્તિઓ પ્રત્યે વળે ઊંડી અવસ્થાઓ ગવેષતો.
તેથી રાજા હવે દૂરે કરે દૃષ્ટિ જ્યોતિ અર્થે મહત્તરા.
શૃંગારોહી આત્મ એનો પૃષ્ઠભાગે તજી દઈ
કાળન ગૃહ કેરું આ પ્રભાએ પૂર્ણ પ્રાંગણ,
ભૌતિક સ્વર્ગ સોહંતું છોડી એ બ્હાર નીકળ્યો.
વિશાળતર આકારો હતું એનું ભાવિનિર્માણ પારમાં.
પ્રાણનો મહિમા અને વિનિપાત
મજેદાર સૂક્ષ્મ દ્રવ્યના સ્વર્ગને છોડીને રાજા અશ્વપતિ એક વિષમ ને વિશાળ આરોહણ પ્રતિ પગલાં વાળે છે. મહત્તર પ્રકૃતિના સાદને જવાબ વાળી એ દેહબદ્ધ મનની સરહદો પાર કરે છે ને વિશ્રામ વણની જયાં શોધ છે તેવાં પરિશ્રમ ભર્યાં ઝાંખાં ને વિવાદગ્રસ્ત ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે. ત્યાં સંશયોનો વસવાટ છે ને પાયો સ્થિર ન રહેતાં બદલાયા કરે છે ને કંપાયમાન અવસ્થામાં રહેલો હોય છે.
એ હતો પ્રાણના જીવનનો પ્રદેશ-ક્ષુબ્ધ સાગરો જેવો, આત્માએ દિગંતરમાં મારેલી છલંગ જેવો, શાશ્વત શાંતિમાં કલેશ આણતો મહાવિક્ષેપ. ત્યાં જીવનશક્તિ મોજામાં આવે એવાં રૂપ ધારતી હોય છે. મોટી આફતો ત્યાં નિત્યનું જોખમ બની ગયેલી હોય છે. પીડા, પાપ અને પતનની એને પરવા નથી. અસ્તિત્વના અણ-શોધાયેલા પ્રદેશમાં ભય ને નવા આવિષ્કારો સાથે એ મલ્લયુદ્ધ કરતી રહે છે, યાતના અને પરમ હર્ષ એના હૃદયના વિનોદો છે. કુદરત
ના કીચડમાં અમળાતી યા દૈત્યકાય બની પૃથ્વીને પોતાની બનાવી દેવાની ને નવાં જગતો જીતી લેવાની એ મહતત્વા-કાંક્ષા રાખે છે. પોતે જેમને કદી પ્રાપ્ત કરી શક્તી નથી તેવાં લક્ષ્યો માટે એ તનતોડ મહેનત કરે છે. વિકૃતિના રસ માટે એને અધરે તલસાટ છે. પોતે પસંદ કરી લીધેલા દુઃખે એ રુદન કરે છે, પોતાની છાતી ઉપર ઘા કરનાર સુખ માટે સ્પૃહા રાખે છે. સૌન્દર્ય અને સુખ એના જન્મસિદ્ધ હક છે, અનંત આનંદ એનું સનાતન ધામ છે.
સ્વપ્નનું સત્ય અને પૃથ્વીની વાસ્તવિકતા-એ બન્ને વચ્ચેની ખાઈ ઉપર સેતુ રચાયો. પ્રાણશક્તિનાં જગતો હવે સ્વપ્ન ન રહ્યાં. એક નિગૂઢ આધ્યાત્મિક શિખર ઉપર કોઈ ચમત્કારી રેખામાત્ર પ્રાણશક્તિને નિરાકાર અનંતથી અળગી રાખે છે. અગમ્ય વિજ્ઞાન એને માટે લળતું આવે છે અને પ્રાણની જાણતી નહિ પણ માત્ર સંવેદતી શક્તિને માર્ગદર્શન આપે છે, એનું વિરાટ ઓજ પ્રાણના ચંચળ સાગરોને
કાબુમાં લે છે, ને જીવન પોતાની ઉપર અમલ ચલાવતા જ્યોતિ:કલ્પને અધીન થાય છે. આપણું માનવ અજ્ઞાન સત્યની દિશામાં ગતિ કરે છે, કે જેથી અંતે અચિત્ સર્વજ્ઞતામાં પરિણામ પામે, સહજપ્રેરણાઓ દિવ્ય વિચારો બની જાય, અને પ્રકૃતિ પોતાના પ્રભુ સાથે એકાકારતા પામવા આરોહે.
પ્રાણપ્રકૃતિની સ્વચ્છંદ કલ્પનાએ રચેલાં જગતોનાં મૂળ અદૃષ્ટ શિખરો પર ગુમ થયેલાં છે. વિયુક્ત થયેલાં, આડે માર્ગે ચઢી ગયેલાં, વિરૂપતા પામેલાં અંધકાર-ગ્રસ્ત બનેલાં, શાપિત અને પતિત એ જગતો પાછાં અસલનાં શિખરોએ આરોહી શકે છે, યા તો અહીં એમને મળેલી શિક્ષા ઉપર કાપ મૂકી શકે છે, ને પોતાની દિવ્યતાને પુનઃપ્રાપ્ત કરી શકે છે.
ઉપર છે અચ્યુતાત્માનું રાજય, નીચે છે અંધકારપૂર્ણ ખાડાઓની નિશ્ચેષ્ટતા. મહતી સર્જનાશક્તિએ આત્માના આત્મસ્વપ્નને કરુણાર્દ્ર બનાવેલું છે, અગાધ રહસ્યમયતાને ભાવાવેગ ભર્યા નાટકના રૂપમાં પલટાવી નાખી છે.
પ્રાણનાં એ જગત અર્ધાં સ્વર્ગ પ્રત્યે ઉઠાવાયેલાં છે. પટંતર હોય છે, વચ્ચે કાળી દીવાલ હોતી નથી. માણસની પકડથી અત્યંત દૂર નહિ એવાં ત્યાં રૂપો આવેલાં છે, અદૂષિત પવિત્રતા ને આનંદનો આવેગ ત્યાં જોવામાં આવે છે, ને પૃથ્વી જો પવિત્ર હોત તો સ્વર્ગીય મહાસુખ એનું બની ગયું હોત. ત્યાં છે હમેશાં હસતાં બળ, શરમાવું ન પડે એવો પ્રેમ. પરંતુ પરમની પ્રતિ એનાં બારણાં હજુ બંધ છે, એનાં મહાસ્વપ્ન જડ પદાર્થના તબેલાઓમાં પુરાયેલાં છે.
ઉચ્ચતર પ્રાણના પ્રદેશો અદભુત છે. પ્રેમ, આનંદ, સૌન્દાર્ય, અને ગાન ત્યાં મુક્ત વિહાર કરતાં હોય છે. બધું જ ત્યાં એક ઉચ્ચતર ધર્મને આધીન વર્તે છે. ત્યાંના જ્ઞાનમાં ને ઓજસમાં રાજવીનો પ્રભાવ છે, બાલોચિત વિનોદો ને મહામુદાઓ ત્યાં મહોત્સવો મચાવે છે. સર્વ કર્મ ત્યાં આનંદલીલા અને આનંદલીલા જ ત્યાં કર્મ બનેલાં છે.
આ સુખના સ્વર્ગ જેવો લોક અશ્વપતિએ જોયો, એનું આવાહન અનુભવ્યું, પણ એને પ્રવેશમાર્ગ મળ્યો નહિ. વચમાં પડેલા ખાડા ઉપર પુલ નહોતો. એનો જીવ હજુ દુઃખની દુનિયાની નજીકમાં રહેલો હતો. જડતાનું ચોકઠું આનંદને આનંદનો, ને જ્યોતિને જ્યોતિનો ઉત્તર આપી શકતું નહોતું. ઉપરનાં ધામોમાંથી દિવ્યતાનાં વરદાન લઈને આવેલું જીવન પૃથ્વીને સ્પર્શે તે પહેલાં કોઈ એક કાળો સંકલ્પ વચમાં પડયો ને એણે એ જીવન પર પાપનો, પીડાનો ને મૃત્યુનો બોજો લાદ્યો. પરિણામે મૃત્યુને ભક્ષ્ય પૂરું પાડવાનું કામ જીવનને કમનસીબે એની ઉપર આવી પડયું, એની અમરતા એવી તો આવૃત થઇ ગઈ કે એ એક સનાતન મૃત્યુના કથાપ્રસંગ જેવું બની ગયું.
વિશાળો વિષમારોહ હવે એના પાયને લલચાવતો.
મહત્તર પ્રકૃતિના આવતા વ્યગ્ર સાદને
પ્રતિ-ઉત્તર આપતો,
મૂર્ત મનતણી સીમા કરી પાર પ્રવેશ્યો એ જહીં હતાં
ક્ષેત્રો અસ્પષ્ટ ને મોટાં, ઝગડા જે માટેના ચાલતા હતાં
શંકા ને ફેરફારે જયાં ભરેલું સઘળું હતું,
ને હતી ના ખાતરી જયાં કશાયની,
શોધતું ને ન આરામ મળતો જયાં મહાશ્રમે
એવું જગત એ હતું
અજ્ઞાતના વદનના ભેટના કરનાર શો,
ન કો ઉત્તર દે જેને એવા પૃચ્છકના સમો
આકર્ષાતો સમસ્યાએ ઉકેલાયેલ ના કદી,
થાય નિશ્ચય ના જેનો એવી ભોમે હમેશાં પગ માંડતો,
ખેંચાઈને જતો આગે હમેશાં કો ફરતા લક્ષ્યની પ્રતિ,
બદલાતી જતી બંધ જગાઓના કંપતા તળની પરે,
સંશયોએ વસાયેલા દેશની મધ્યમાં થઇ
યાત્રા એ કરતો હતો.
ન કદી જયાં પહોંચતું એવી એણે સીમા જોઈ સમક્ષમાં,
પ્રત્યેક પગલે એને
લાગતું કે હવે પોતે એની વધુ સમીપ છે,--
એવી દૂર સરી જાતી હતી એ કો મરીચિકા.
ઠર્યું ઠામ સહી ના લે એવી ત્યાં કો હતી ભ્રમણશીલતા,
અંતે ના જેમને આવે
એવા અસંખ્ય માર્ગોની હતી એ કો મુસાફરી.
આપે સંતોષ હૈયાને એવું એને ન કૈ મળ્યું;
અશ્રાંત અટકો ખોજ કરતાં ને અટકી શકતાં નહીં.
કલ્પ્યું ન જાય એવાના આવિર્ભાવ રૂપ છે જિંદગી તહીં,
અપ્રશાંત સાગરોની ગતિ, દીર્ધ અને સાહસથી ભર્યો
છે આત્માનો કૂદકો એ આકાશ-અવકાશમાં,
શાશ્વતી શાન્તિમાં એક ક્ષોભ માત્ર સતાવતો,
એક આવેગ ને ભાવોદ્રેક છે એ અનંતનો.
તરંગ મનના માગે એવું એ રૂપ ધારતી
નિર્મુક્ત નિશ્ચિતાકારો કેરા નિગ્રહમાંહ્યથી,
અજમાવેલ ને જ્ઞાત કેરી એણે છે છોડેલી સલામતી.
હંકારાયેલ ના કાળ મધ્યે સંચરતા ભયે,
ડરી નહીં જતી પીછો લેનારા દૈવીયોગથી
અકસ્માત યદ્દચ્છાની છલંગે ના ભયભીત બની જતી,
લે એ આફત સ્વીકારી ભયપૂર્ણ સામાન્ય ઘટના ગણી;
દુઃખ પ્રત્યે ઉદાસીન,
પાપ ને પતનો કેરી પરવા કરતી ન એ,
વણશોધાયલા આત્મ-વિસ્તારોમાં કરંત એ
કુસ્તી જોખમની સાથે ને ભીડે નવ શોધને.
લાંબા પ્રયોગો રૂપે જ હતું અસ્તિત્વ ભાસતું,
ખોજી રહેલ અજ્ઞાન શક્તિ કેરું દૈવેચ્છાવશ સાહસ,
જે શક્તિ અજમાવી સૌ જોતી સત્યો, પરંતુ ત્યાં
પરમોદાત્ત તેમાંનું એકે એને ન લાગતાં
અસંતુષ્ઠ ચાલતી એ નિજ લક્ષ્યતણી નિશ્ચિતતા વિના.
મન ભીતરનું કોક જોતું જેવું તેવી ઘડાય જિંદગી:
એક વિચારથી બીજે વિચારે સંચરંત એ,
તબક્કાથી તબક્કાએ કરી સંક્રમ એ જતી,
પોતાનાં જ બળો દ્વારા રિબાતી, ગર્વ ધારતી,
કે થતી ધન્ય, કે કોઈ વાર જાત પર સ્વામિત્વ દાખતી
કે ક્ષણેક ખિલોણું તો બાંદી બીજી ક્ષણે થતી.
તર્કવિરુદ્ધતા ઘોર ધારો એના કાર્ય કેરો બન્યો હતો,
શક્યતાઓ સર્વ જાણે ખરચી નાખવી ન હો
તેમ તે વર્તતી હતી,
યાતના ને મહામોદ
જાણે હૃદયના એના વિનોદો જ બન્યાં હતાં.
ભાગ્યના પલટાઓની છલંગે ગર્જનોતણી
પડઘા પડઘાવતી,
ઘટનાનાં ઘોડદોડ માટેનાં ક્ષેત્રમાં થઇ
જતી ધસમસાટ એ,
કે પોતાની તુંગતાની અને નિમ્નતાતણી વચગાળમાં
ઝોલાં ખાતી પ્રક્ષેપાયેલ એ જતી,
ઉપાડાતી ઊર્ધ્વમાં કે અવિછિન્ન કાળચક્રતણી પરે
ખંડ ખંડ થઇ જતી.
ગલીચ કામનાઓની કંટાળો ઉપજાવતી
ઘસડતી જતી ગતે,
કીટ શી કીટની મધ્યે સૃષ્ટિના કર્દમોમહીં
આર્ત્તિએ અવલુંઠતી,
ને પછીથી મહાદૈત્ય રૂપ ધારી ધરા બધી
નિજ ભોજય બનાવતી,
સમુદ્રવસનો કેરી મહેચ્છામાં મહાલતી,
માથે તારાઓનો મુગટ માગતી,
બુમરાણ કરી કરી
એક શૃંગ થકી અન્ય મહાશૃંગે પગલાં ભરતી જતી,
જગતો જીતવા ને ત્યાં નિજ રાજય ચલાવવા
માટે શોર મચાવતી.
પછી સ્વછંદ ભાવે એ થઇ મુગ્ધ દુઃખના મુખની પરે
ઊંડાણોની યાતનામાં ઝંપાપાતે નિમજજતી,
અને આળોટતી બાઝી રહીને નિજ દુઃખને.
શોકથી પૂર્ણ સંલાપે વેડ્ફેલી પોતાની જાત સાથના
પોતે જે સૌ ગુમાવ્યું' તું તેનો એણે હિસાબી આંકડો લખ્યો,
કે પુરાણા કો સખાની
સાથે બેઠી હોય તેમ બેઠી વિષાદ સાથમાં.
ઉદ્દામ હર્ષણો કેરી ધિંગામસ્તી ક્ષીણ શીઘ્ર થઇ ગઈ,
કે અપર્યાપ્ત આનંદ સાથે બદ્ધ એણે વિલંબ આદર્યો,
ને ચૂકી ભાગ્યનો ફેરો, ચૂકી જીવનલક્ષ્યને.
અસંખ્યાત મનોભાવો એના જ સૌ, તેમને કાજ યોજના
થઇ' તી નાટ્યસૃષ્ટિની
જયાં એ પ્રેત્યેકને માટે જિંદગીનો ધારો તેમ જ પદ્ધતિ
થવાની શક્યતા હતી,
કિન્તુ એકેય એમાંનો પરિશુદ્ધ સુખશર્મ સમર્પવા
શક્તિમાન થયો નહીં;
ક્ષબકરે જતી રે' તી મઝા મૂકી પાછળ એ ગયા
યા મારી પાડતો થાક આણતી ઊગ્ર લાલસા.
એના અવર્ણ્ય ને વેગવંત વૈવિધ્ધની મહીં
અસંતુષ્ટ રહેતું' તું કેંક નિત્યમેવ એક જ રૂપમાં,
કેમ કે પ્રત્યેક ઘંટો બાકી સૌની આવૃત્તિ કરતો હતો
ને ફેરફાર પ્રત્યેક એની એ જ
બેચેનીને લંબાવ્યે જ જતો હતો.
એનો સ્વ-ભાવ ને એનું લ્ક્ષ્ય અસ્થિરતા ભર્યું
શીઘ્ર શ્રાંત થઇ જાય અત્યાનંદે ને અત્યંત થતા સુખે,
સુખ ને દુઃખની એડતણી એને જરૂર છે,
ને નૈસર્ગિક આસ્વાદ પીડાનો ને અશાંતિનો
છે આવશ્યક એહને:
પોતે જેને કદી પ્રાપ્ત કરવાને સમર્થ ના
એવા ઉદ્દેશને અર્થે એ અતિશ્રમ આદરે.
એના તૃષાર્ત્ત ઓઠોને નિષેવે કો વિકૃતા રસની રુચિ :
આવે જે દુઃખ પોતાની વરણીથી જ તેહની
પૂઠે એ અશ્રુ ઢાળતી,
કરી ઘા નિજ હૈયાને રેંસે તેવી મઝાને ઝૂરતી:
સ્વર્ગ કેરી સ્પૃહા રાખી પગલાં એ વાળે નરકની પ્રતિ.
યદૃચ્છા ને ભય એણે ક્રીડા-સાથી રૂપે પસંદ છે કર્યાં ;
પારણા ને પીઠ રૂપે સ્વીકારે એ દૈવની ઘોર હીંચને.
ને છતાં શુદ્ધ ને શુભ્ર જન્મ એનો છે અકાળથકી થયો,
એની આંખોમહીં લુપ્ત વિશ્વાનંદ વિલંબ કરતો વસે,
અનંતની અવસ્થાઓ રૂપ, એવી છે એની ચિત્તવૃત્તિઓ :
છે સૌન્દર્ય અને શર્મ એના જનમના હકો,
એનું શાશ્વત છે ધામ અંતહીન મહાસુખ.
પ્રાચીન મુખ પોતાનું હર્ષ કેરું આણે ખુલ્લું કર્યું હવે,
દુ:ખાર્ત્ત ઉરને માટે ઓચિંતું આ હતું એક પ્રકાશન
લોભાવતું ટકી રે' વા, ઝંખવા ને લેવા આશ્રય આશનો.
પરિવર્તન પામંતાં અને શાંતિવિયુક્ત જગતોમહીં,
શોક ને ભયના ત્રાસે ભરપૂર હવામહીં,
સલામત નથી એવી જમીને એ પગલાં માંડતો
હતો ત્યાં
જોઈ એણે છબી જયાદા સુખપૂર્ણ દશાતણી.
સૃષ્ટિનાં શિખરો પ્રત્યે ઘૂમરીઓ લઇ ચડાણ સાધતા
બઢતી પાયરીવાળા આકાશી શિલ્પની મહીં
દેહ ને ચૈત્યની વચ્ચે ઉષ્માવંતું અનુસંધાન રાખવા
માટે કદી ન અત્યંત ઊંચું એવા નીલા શિખરની પરે,
સ્વર્ગ પર્યંત પ્હોંચેલું
ને વિચાર તથા આશા સમું સાવ સમીપમાં,
એવું દુઃખમુક્ત રાજય જિંદગીનું ઝગારા મારતું હતું.
માથા ઉપર રાજાના હતો એક નવો ગુંબજ સ્વર્ગનો
મર્ત્ય નેત્રો નિહાળે જે વ્યોમો તેથી વ્યોમે એક અલાયદા,
હાસ્ય ને વહ્ નિના દ્વીપ કલ્પની સમ એક ત્યાં
જળિયાળી ભાતવાળી દેવોની છતમાં યથા
તથા ઉર્મિલ આકાશી સિન્ધુ મધ્યે અલાયદા
તારાઓ તરતા હતા
કુંડલીઓ મિનારાઓ બનાવતી,
વલયાકાર જાદૂઈ તથા જીવંત રંગના,
અદ્ ભુત સુખના લોકગોલકો લાસ્ય વેરતા
પ્રતીકાત્મક કો એક વિશ્વ જેમ દૂરમાં પ્લવતા હતા.
પરમાનંદથી પૂર્ણ કાલાતીત પોતાના અધિકારથી,
અવિચાલિત, અસ્પૃષ્ટ ભુમિકાઓ સંપન્ન વ્યાપ્ત દૃષ્ટિથી,
જે પીડા જે શ્રમે પોતે અસમર્થ હતી ભાગ પડાવવા,
પોતે જે દુઃખને સાહ્ય કરી ના શકતી હતી,
અભેધ જિંદગી કેરાં દુઃખ-મંથન-શોકથી,
એને રોષે, મ્લાનિએ ને શોકે લંછિત ના થતી,
તે બધું યે ઊર્ધ્વમાંથી અવલોકી રહી હતી.
નિજ સુન્દરતામાં ને સન્તોષે લીનતા ધરી
અમર્ત્ય નિજ આનંદે એ નિ:શંક બની રહે.
નિજાત્મમહિમા માંહે એ નિમગ્ન, અલાયદી
જળતી તરતી દૂર ઝાંખા ઝાગંત ઝાકળે,
સ્વપ્ન-જ્યોતિતણો છે એ સમાશ્રય સદાયનો,
શાશ્વતીનાં ચિંતનોની બનેલી દેવલોકની
દીપ્તિઓની નિહારિકા.
મોટે ભાગે માનવોનો બેસી વિશ્વાસ ના શકે
એવી એ ભૂમિકાઓ જે સામગ્રીની છે વિદ્યમાન વસ્તુઓ
તેની ભાગ્યે જ લાગતી.
દૂરદર્શન દેનારા જાદૂઈ કાચમાં થઇ
દેખાતી હોય ના તેમ, વસ્તુ મોટી બનાવતી
કો અંતદૃષ્ટિની સામે એ રૂપરેખ ધારતી,
આંખો ન આપણી મર્ત્ય ગ્રહવાને સમર્થ જે
તે અત્યુચ્ચ અને સૌખ્યે ભર્યો કો દૂર દૃશ્યની
પ્રતિમાઓ સમાણી એ પ્રકાશતી.
કિન્તુ ઝંખંત હૈયાની નિકટે વાસ્તવે ભર્યાં,
નિકટે ભાવનારાગી દેહ કેરા વિચારની,
સંસ્પર્શોની સમીપે ઇન્દ્રિયોતણા
આવ્યાં છે ગુપ્ત સામ્રાજ્યો પરમાનંદધામનાં.
પાસેના એક અપ્રાપ્ત પ્રદેશે એ છે એવું ભાન જાગતું,
મૃત્યુ ને કાળના ક્રૂર ગ્રાહમાંથી વિમુક્ત એ,
શોક ને કામના કેરી શોધમાંથી સરી જતાં,
શુભ્ર મોહક રક્ષાયા વલયાકાર મધ્યમાં
આળોટી એ રહેલાં છે સર્વકાળ મહાસુખે.
સૂક્ષ્મ દર્શનના અંત:ક્ષેત્ર-વિસ્તારમાં થઇ
દૃષ્ટિ આગળથી દૂર ભાગતાં એ દૃશ્યો પૃથુ પ્રહર્ષનાં,
પૂર્ણતાએ પૂર્ણ રાજ્ય મહીં રે'નાર મૂર્તિઓ
પસાર થઇ જાય છે
અને ગમનને માર્ગે રાખી પાછળ જાય એ
રેખા એક સ્મૃતિ કેરી પ્રકાશતી.
સ્વપ્ને ગૃહીત કે જ્ઞાત થતાં સંવેદના વડે
કલ્પનાનાં દૃશ્ય કે સુમહત્ લોક સનાતન
સ્પર્શે છે આપણાં હૈયાં પોતાની ગાઢતા વડે,
અવાસ્તવિક લાગે એ
છતાં વાસ્તવમાં જાય બઢી જિંદગી થકી,
સુખથી સુખિયાં જ્યાદે, વધુ સાચાં છે સાચી વસ્તુઓ થકી,
ને જો એ હોય સ્વપ્નાં યા છબીઓ પકડાયલી
તો ય એ સ્વપ્નનું સત્ય
બનાવી સર્વ દે જૂઠાં મિથ્થાભાસી વાસ્તવો વસુધાતણાં.
નિત્યજીવી ક્ષણે ક્ષિપ્ર સ્થપાયેલાં સ્થિર છે ત્યાં વસી રહ્યાં,
યા સ્પૃહાવંત આંખોનાં સંભારેલાં પાછાં હમેશ આવતાં,
અવિનાશી પ્રભા કેરાં પ્રશાંત સ્વર્ગ છે તહીં,
આછા જામલીયા છે ત્યાં શાંતિ કેરા મહાખંડો પ્રકાશતા,
અબ્ધિઓ ને નદીઓ છે પ્રભુ કેરી રમૂજની,
ને નીલરક્ત સૂર્યોની નીચે છે ત્યાં મહાદેશો અશોકના.
એકદા આ સિતારો જે દૂરના દીપ્તકલ્પનો
યા કલ્પનાતણી ધૂમકેતુ જેવી સ્વપ્નની માર્ગરેખ જે
તેણે રૂપ હવે લીધું સમીપી અત્યતાતણું.
સ્વપ્નનું સત્ય ને પૃથ્વીલોકની વસ્તુતાતણી
વચ્ચે ખાડો હતો ઊંડો તે ઓળંગાઈ છે ગયો,
આશ્ચર્યોએ ભર્યાં પ્રાણ-જગતો ના સ્વપ્નરૂપ હવે રહ્યાં ;
તેમણે જે કર્યું ખુલ્લું તે સૌ એની દૃષ્ટિ કેરું બની ગયું:
તેમના દૃશ્ય ને વૃત્તો એની આંખો અને હૃદયને મળ્યાં
અને વિશુદ્ધ સૌન્દર્યે
અને પરમ આનંદે પરાસ્ત એમને કર્યાં.
હવા વગરના એક સાનુદેશે આકર્ષી દૃષ્ટિ એહની,
આત્માને અંબરે એની સીમાઓએ કાંગરાઓ કર્યા હતા,
અને વિચિત્ર સ્વર્ગીય તળ પ્રત્યે એ ડબોળાયલી હતી.
સાર જીવનના સર્વશ્રેષ્ટ આનંદનો તગ્યો.
એક અધ્યાત્મ ને ગૂઢ રહસ્યમય શૃંગ પે
રૂપાંતર પમાડંતી ઉચ્ચ રેખા -
માત્ર એક ચમત્કારકતાતણી
જિંદગીને રાખતી' તી વિયોજેલી નિરાકાર અનંતથી
અને શાશ્વતતા સામે કાળ કેરો બચાવ કરતી હતી.
એ નિરાકાર સામગ્રી કાળ કેરાં રૂપોની ટંકશાળ છે;
વિશ્વના કર્મને ધારે શાન્તના શાશ્વતાત્માની:
વિશ્વ-શક્તિતણી છે પ્રતિમાઓ પરિવર્તન પામતી
તેમણે સક્રિયા શાંતિ કેરા ગહન સિન્ધુથી
છે ખેંચ્યું બળ અસ્તિત્વ માટેનું ને સંકલ્પ ટકવાતણો.
આત્માના અગ્રને ઊંધું વાળી જીવનની દિશે
એકરૂપતણા મોમ-મૃદુ સ્વેચ્છાવિહારનો
ઉપયોગ કરી ઢાળે કાર્યોમાં એ સ્વપ્નો નિજ તરંગનાં,
બ્રાહ્યી પ્રજ્ઞાતણો સાદ સ્થિરતા દે એના ગાફેલ પાયને,
સ્થિર આધાર આપીને ટેકવી એ રાખે છે નૃત્ય શક્તિનું;
સ્વીય અકાળ ને સ્પંદહીન અક્ષ્રરતા વડે
સૃષ્ટિ રૂપ ચમત્કાર કરતી વિશ્વશક્તિ જે
તેહને કરવો એને પડે છે એક્ધોરણી.
શૂન્યાકાશતણાં દૃષ્ટિ વિનાના બળ માંહ્યથી
નકકૂર વિશ્વનું દૃશ્ય શક્તિ એ ઉપજાવતી,
પુરુષોત્મ-વિચારોથી એનાં ક્રમણ સ્થાપતી,
સૃષ્ટિનાં અંધ કાર્યોમાં એની સર્વજ્ઞ જ્યોતિની
ઝબકોથી નિહાળતી.
એની ઈચ્છા થતાં આવે નમી નીચે વિજ્ઞાન અવિચિંત્ય, ને
માર્ગદર્શન દે એના ઓજને જે
લાગણીએ લહે કિંતુ જાણવાને સમર્થ ના,
પૃથુતા શક્તિની તેની વશે રાખે એના ચંચળ સિંધુઓ
અધીન જિંદગી થાય પરિચાલક કલ્પને.
એની ઈચ્છા થતાં જ્યોતિર્મય અંત:સ્થ દેવથી
દોરાયેલું દૈવયોગી પ્રયોગો કરતું મન
સંદિગ્ધ શક્યતાઓમાં થઇ ધક્કે કરીને માર્ગ જાય છે,
અજ્ઞાની જગના એક અકસ્માતે રચતા વ્યૂહ મધ્યમાં.
સત્યની પ્રતિ અજ્ઞાન માનુષી આપણું વધે
કે અજ્ઞાન બની જાય સંપન્ન સર્વજ્ઞાનથી :
સહજસ્ફુરણો જાય પલટાઈ રૂપે દિવ્ય વિચારના,
ને વિચારો બને ધામ અમોધા દિવ્ય દૃષ્ટિનું
અને પ્રકૃતિ આરોહી પ્રભુ સાથે એકસ્વરૂપતા.
સ્વામી સૌ ભુવનો કેરો પોતે જાતે દાસ પ્રકૃતિનો બન્યો,
એના વિચિત્ર છંદોનો કરી અમલ આપતો :
સૃષ્ટિની શક્તિએ નાળે વાળેલા છે સાગરો સર્વશક્તિના;
પોતાના નિયમો વડે
સીમા બંધનમાં એણે નાખ્યો છે અણસીમને.
કર્યો પ્રકૃતિનાં સાધી આપવાને
અમૃતાત્મા જાતે બંધાઈ છે ગયો;
એને માટે કરી નક્કી કર્યો જે જે અવિદ્યા શક્તિ એહની
તે સૌ તે સાધવા માટે આપણી મર્ત્યતાતણું
અવગુંઠન ધારીને પરિશ્રમ ઉઠાવતો.
તુક્કો એનો દેવતાઈ રચે છે જે લોકો ને ઘાટ, તેમણે
અદૃશ્ય શિખરોએ છે ગુમાવ્યાં નિજ મૂળને :
પામી વિચ્છેદ સુધ્ધાં એ અકાળ નિજ આદિથી
જ્યાં ત્યાં રસળતાં રહે,
ધારે વિરૂપતાયે ને તામોગ્રસ્ત વળી બને,
શાપ ને ભ્રંશ પામતાં,
કાં કે પતનમાંયે છે પોતાની વિકૃતા મુદા,
ને કશું છોડતી ના એ જે મુદાવહ થાય છે,
આ સૌ યે શિખરો પત્યે વળી પાછાં ફરી શકે,
કે કાપી શકતાં શિક્ષા આત્માના વિનિપાતની
દંડ રૂપે ભરેલી હ્યાં પોતાની દિવ્યતા પુન:
પાછી પ્રાપ્ત કરી શકે.
એકાએક ઝપાટામાં ઝલાઈને સર્વકાલીન દૃષ્ટિના
જુએ રાજા પ્રકૃતિના ગૌરવી દીપ્તિએ ભર્યા
પ્રદેશો ઉમદાઇના,
ને સાથોસાથ પાતાળે દબાયેલા દેશો ઊંડાણમાં પડયા.
ન પડેલા આત્મ કેરી રાજશાહી હતી ઉપરની દિશે,
તળે હતી તમોગ્રસ્ત સ્તબ્ધતા ઘોર ગર્તની,
સામેનો ધ્રુવ વ, યા ઝાંખો પ્રતિધ્રુવ હતો તહીં.
હતા વિરાટ વિસ્તારો જિંદગીની
સ્વાયત્ત પૂર્ણતાઓના મહિમાના પ્રકાશતા:
આવ્યું તિમિર, ને દુઃખ ને શોક જન્મ પામિયા
તે પૂર્વ જ્યાં સ્વરૂપે ને એકતામાં
રહેવાની હામ ભીડી સઘળાં હતાં.
ને સત્યના સુખી સૂર્યે વિવસ્ત્રા મુક્તિ સાથમાં
નિષ્પાપ શુચિતાપૂર્ણ પ્રાજ્ઞતા ખેલતી હતી,
ત્યાં સર્વે ભયથી મુક્ત અમૃતત્વે સુહાસ કરતાં હતાં,
રહેતા' તાં ચિદાત્માના શાશ્વત શિશુભાવમાં.
હતાં જ્યાં જગતો એના હાસ્યનાંની ભીષણા વક્રતાતણાં,
હતાં ક્ષેત્રો જહીં લેતી એ આસ્વાદ શ્રમ-સંઘર્ષ-અશ્રુનો;
કામુક મૃત્યુને વક્ષે માથું એ મૂકતી હતી,
નિર્વાણ-શાંતિના જેવી ક્ષણ માટે નિદ્રા એની બની જતી.
પ્રભુની જ્યોતિને એણે વિયોજી છે પ્રભુના અંધકારથી,
કે સાવ વિપરીતોના સ્વાદ કેરી પરીક્ષા એ કરી શકે.
અહીં માનવને હૈયે એમણે જે કરેલ છે
પોતાના ધ્વનિઓની ને રંગો કેરી મિલાવટો
તેમણે છે વણી એની સત્-તાની ક્ષર યોજના,
એના જીવનની કાળ મધ્યે આગે લહેરાતી પ્રવાહિતા,
એના સ્વભાવની એકધારી સ્થિર થતી ગતિ,
ચૈત્ય એનો સર્વે જાતી પટી શો ચલ-ચિત્રની,
એના વ્યક્તિત્વની અંધાધૂંધી વ્યાપક વિશ્વમાં.
ભવ્યરૂપા વિધાત્રીએ પોતાના ગૂઢ સ્પર્શથી
આત્માના આત્મસ્વપ્ને
પલટાવી બનાવ્યું છે દયાપાત્ર ને પ્રભાવ વડે ભર્યું,
ભાવાવેગી બનાવ્યું છે નાટય એની અગાધા ગૂઢતાતણું.
પરંતુ હ્યાં હતા લોક સ્વર્ગ પ્રત્યે અરધા ઊંચકાયલા.
પડદો તો હતો કિંતુ કાળી દીવાલ ત્યાં ન' તી;
નાતિદૂર મનુષ્યોના ગ્રાહથી રૂપ જે હતાં
તેમાં પ્રસ્ફુટ થાતી' તી અક્લંકી પવિત્રતા
કેરી કોઈ ભાવિક સાન્દ્રતા,
હતું પ્રકટતું એક રશ્મિ આદી મુદાતણું.
પવિત્ર હોત પૃથ્વી તો દિવ્યાનંદો તેના હોત બની ગયા.
પ્રકાશંતી પરાકાષ્ટા નૈસર્ગિક મુદાતણી,
પરા પ્રકૃતિની શ્રેષ્ટ વસ્તુઓ રોમહર્ષણા,
દિવ્ય બનેલ સંવેદ ને હૈયાને હોત પ્રાપ્ત થઇ ગઈ:
બળો બધાંય પૃથ્વીના કઠોર મારગો પરે
હોત હસી શક્યાં, લીલાલ્હેર હોત કરી શક્યાં,
કદીય કષ્ટની ક્રૂર ધાર હોત નહીં નડી,
સર્વ પ્રેમ કરી ક્રીડા શક્યો હોત
અને પ્રકૃતિને માટે શરમાવા જેવું હોત કહીંય ના.
પરંતુ સ્વપ્ન છે એનાં બંધાયેલાં દ્રવ્યની ઘોડશાળમાં,
ને હજી દ્વાર છે એનાં અર્ગલાએ બદ્ધ સર્વોચ્ચની પ્રતિ.
ઉચ્છવાસ પ્રભુનો પોતાતણી ટૂકોતણી પરે
આવતો આ લોકો હોત લહી વક્યા;
પરાત્પરતણા વસ્ત્ર-પ્રાંત કેરો ક્ષગારો એક ત્યાં હતો.
ક્લ્પોનાં શુભ્ર મૌનોને વીંધી આનંદમુર્ત્તિઓ
દેવોની સંચરી પાર કરી પૃથુલ વિસ્તરો
શાશ્વતીની નિદ્રા કેરી સમીપમાં.
મહાનંદતણે મૌન સાદ શુદ્ધ અને નિગૂઢતા ભર્યા
પ્રેમ કેરા નિષ્કલંક માધુર્યોને પ્રાર્થના કરતા હતા,
આવાહતા એના મધ-મીઠલ સ્પર્શને
વિશ્વોને પુલકાવવા,
બોલાવતા હતા એના બાહુઓને મુદા ભર્યા
કે એ પ્રકૃતિનાં અંગો આવી આશ્લેષમાં ગ્રહે,
બોલાવતા હતા એના એકતાના
અસહિષ્ણુ અને મિષ્ટ પ્રભાવને
કે એ સકલ સત્ત્વોને પરિત્રાતા એના ભુજ મહીં ભરે,
એની દયા ભણી ખેંચી જાય બંડખોરને ને અનાથને,
ને જે સુખતણી તેઓ ના પાડે છે
તે તેઓને બળાત્કારેય દે સુખ.
સ્તોત્રગાન સમર્પાતું અદૃશ્ય ભગવાનને,
સુભ્ર ઈચ્છાતણી જવાલામયી ચારણગીતિકા
હૈયામાં લલચાવીને લાવતી'તી અમર્ત્ય રાગના સ્વરો
ને સૂતેલી સંમુદાની શ્રુતિ સંબોધતી હતી.
વધારે શુદ્ધ ને તેજ ઇન્દ્રિયાનુભવોતણું
નિવાસસ્થાન ત્યાં હતું,
અંગો પાર્થિવ ધારી ના શકે એવી દીપ્તિ ત્યાં પ્રેરણા હતી.
વિશાળા હળવા વ્યાપ્ત શ્વાસોચ્છવાસ તહીં માનવના હતા
અને પ્રહર્ષના એક સ્પંદથી અન્ય સ્પંદની
પ્રત્યેક હૈયું ત્વરા દાખવતું હતું.
કાળનો કંઠ ગાતો ' તો અમૃતાત્માતણું આનંદગાન ત્યાં;
પ્રેરણાનું અને ભાવલયવાહી પુકારનું
લઇ રૂપ આવતી' તી પળો પાંખે પરમાનંદને લઇ;
ખુલ્લા સ્વર્ગ સમી ચાલી રહી સુન્દરતા હતી
કલ્પનાતીત રૂપમાં
સીમાબંધનથી મુક્ત વિરાટો મધ્યે સ્વપ્નના;
જ્યોતિ કેરા કિનારાઓ પર રે' તા મૃત્યુનિર્મુક્ત લોકને
આશ્ચર્યનાં વિહંગોનો સ્વર વ્યોમો થકી બોલાવતો હતો.
પ્રભુ કેરા હસ્તમાંથી સૃષ્ટિ સીધી છલંગતી,
માર્ગોમાં અટતાં' તાં ત્યાં ચમત્કાર અને મુદા.
અસ્તિ-માત્ર હતી લેતી પરમાનંદરૂપ ત્યાં,
ચિદાત્માના સુખી હાસ્ય રૂપ ત્યાં જિંદગી હતી,
હતો આનંદ રાજા ને પ્રેમ તેનો પ્રધાન ત્યાં.
જ્યોતિર્મયત્વ આત્માનું ત્યાં સંમૂર્ત્ત બન્યું હતું.
વિરોધા જિંદગી કેરા હતા પ્રેમી કે સ્વાભાવિક મિત્ર ત્યાં
ને હતી અવધો એની તીક્ષ્ણ ધારો સુમેળની;
સ્નિગ્ધ પવિત્રતા સાથે આવતી ત્યાં હતી ભોગવિલાસિતા
અને માર્તુત્વને એને હૈયે દેવ એ ઉછેરી રહી હતી:
દુર્બલાત્મ તહીં કોઈ ન' તું તેથી
જૂઠાણું ત્યાં જીવી ના શકતું હતું;
જ્યોતિને રક્ષતી એક આછી આડશના સમું
હતું અજ્ઞાન એ સ્થળે,
મુક્ત ઈચ્છા સત્ય કેરી કલ્પના રૂપ ત્યાં હતી,
ઉમેદવાર સ્વર્ગીય અગ્નિ કેરો મોજશોખ તહીં હતો;
બુદ્ધિ સુન્દરતા કેરી હતી પૂજારિણી તહીં,
હતું બળ બન્યું ક્રીતદાસ શાન્તરૂપ અધ્યાત્મ ધર્મનો,
પરમાનંદની છાતી પર મૂક્યું હતું મસ્તક શક્તિએ.
અકલ્પ્ય મહિમાઓ ત્યાં શિખરોના વિરાજતા,
સ્વયં-શાસક રાજયો ત્યાં પ્રજ્ઞા કેરાં હતાં સત્તા ચલાવતાં,
ઉચ્ચ આશ્રિત-રાજયો ત્યાં હતાં એના અભુક્ત આદિ સૂર્યનાં,
દૃષ્ટિસંપન્ન આત્માનાં હતાં રાજય ઈશ્વરાધીન ચાલતાં,
પ્રભાવે પરમાત્માની પ્રભા કેરા રાજગાદી સુહાવતાં.
દર્શન ભવ્યતાઓનું, સ્વપ્ન એક વિસ્તારોનું મહાબૃહત્
સૂર્યે ઉજ્જવલ રાજયોમાં રાજશાહી પગલે ચાલતાં હતાં :
દેવો કેરી સભાઓ ને સંસદો ઠઠથી ભરી,
ઓજ જીવનનાં રાજ્યકારભાર ચલાવતાં
હતાં આરસ-સંકલ્પ-આસનો અધિરોહતાં
હતાં ઉચ્ચ પ્રભુત્વો ને એકહથ્થુ સત્તાઓ સ્વાધિકારની,
હતાં સામર્થ્થ શોભીતાં કીર્તિની વરમાળથી,
ને હતાં શસ્ત્રથી સજ્જ આજ્ઞાત્મક મહાબળો.
હતી ત્યાં વસ્તુઓ સર્વ સુમહાન અને સૌન્દર્યથી ભરી,
રાજમુદ્રા શક્તિ કેરી સત્ત્વ સૌ ધારતાં હતાં.
અલ્પસંખ્યાક સત્તાઓ બેઠી 'તી ત્યાં નિસર્ગનિયમોતણી,
ગર્વિષ્ઠ ઉગ્ર માથાના મોવડીઓ
સેવતા 'તા શાન્ત એક રાજવીના સ્વરૂપને :
આત્માના અંગવિન્યાસો એકેએકે દિવ્યતા ધારતા હતા.
પ્રેમ પ્રેમતણા હૈયા પર લાદે
અને હૈયું બની આધીન જાય જે,
પ્રહર્ષણ ભરી ધારી ઘૂંસરીની
નીચે દેહ પ્રેમ કેરો ધરાય જે,
તે પ્રભુત્વતણો મોદ તે મોદ દાસભાવનો
ઉષ્માપૂર્ણ ગાઢ ભાવે મળતા ત્યાં પરસ્પર.
મળતા રાજભાવોની લીલા રૂપ બધું હતું.
કેમ કે પૂજનારાની પૂજા પ્રણત શક્તિને
ઊંચકીને ઊર્ધ્વમાં જાય છે લઇ,
ને જેને અર્ચતો આત્મા તે દૈવત-સ્વરૂપમાં
છે જે ગૌરવ ઊંચેરું ને જે છે મહતી મુદા
તેની અર્પે સમીપતા :
છે ત્યાં શાસક ને જે સૌ પર શાસન એ કરે
તેમનામાં અભેદતા;
મુક્ત ભાવે અને સામ્ય ભર્યે હૈયે સેવાનું કાર્ય જે કરે
તેને માટે આજ્ઞાધારકતા બને
રાજકુમારને યોગ્ય શાળા કેળવણીતણી,
એની ઉદાત્તતા કેરું તાજ, ખાસ અધિકારવિશેષતા,
શ્રદ્ધા એની બને રૂઢિ એના ઉચ્ચ સ્વભાવની,
એની સેવા બની જાય રાજ્યાધિકાર આત્મનો.
હતા પ્રદેશ જ્યાં જ્ઞાન સર્જનાત્મક શક્તિની
સાથે એના ઉચ્ચ ધામે સંયોજાઈ જતું હતું
અને પૂર્ણતયા એને પોતા કેરી બનાવતું :
દીક્ષાધારી ગૂઢતાના એ મહાભવ્ય સાધકે
એ શક્તિનાં પ્રકાશંતાં ગ્રહ્યાં અંગો
ને એવાં તો ભરી દીધાં પોતાના રાગ-રશ્મિએ
કે એનો દેહ આખોયે પ્રભાધામ પારદર્શક ત્યાં બન્યો,
ને સર્વાત્મા બન્યો એનો નિજ આત્મસમોવડો.
પ્રજ્ઞાના સ્પર્શથી પામી નવું રૂપ દેવતા એ બની ગઈ,
અને એના દિનો હોમહવનો શા બની ગયા.
ફૂદું અમર આમોદી અપરંપાર પાવકે
તેમ પ્રજ્વલતી 'તી એ
એની નવ સહી જાતી માધુર્યે પૂર્ણ ઝાળમાં.
વરી નિજ વિજેતાને બંદી બનેલ જિંદગી.
રાજા કેરા મહાવ્યોમે રચ્ચું એણે નિજ વિશ્વ નવેસર;
મનની ધીર ગતિને આપ્યો એણે વેગ મોટરકારનો,
જોતો જે આત્મા તે જીવી જાણવાની જરૂરત
આપી એણે વિચારને,
આવેગ જિંદગાનીને આપ્યો એણે જોવા ને જાણવાતણો.
પ્રાણપ્રકૃતિને લેતો ગ્રહી એનો પ્રભાવ દીપ્તિએ ભર્યો,
વળગી પડતી એની શક્તિ એ પુરુષાત્મને;
ભાવકલ્પતણો જામો
નીલરકત પહેરાવી એ એને અભિષેકતી,
ભુંજગદંડ જાદૂઈ મૂકતી એ મૂઠ માંહે વિચારની,
રૂપો બનાવતી એની
અંતર્દૃષ્ટિતણા ઘાટ સાથે મેળ ધરાવતાં,
એના સંકલ્પના જિંદા દેહરૂપ નિજ શિલ્પ બનાવતી.
ભભૂકંતો મેધનાદ, ઝબકારો સ્રષ્ટાનું કાર્ય સાધતો,
જેતા પ્રકાશ એનો એ પ્રકૃતિની મૃત્યુરહિત શક્તિનો
અવસર બની જતો,
પીઠે દેવ લઇ જાય સુબલિષ્ઠ છલંગ માનવાશ્વની.
મન જીવનની રાજગાદીએ અધિરોહતું,
રાજપ્રભાવ બેવડો.
હતાં જગત ત્યાં ભવ્ય સુગભીર સુખે ભર્યાં,
કર્મે જ્યાં સ્વપ્નની ઝાંય અને હાસ્યે હતી ઝાંય વિચારની,
ને સમીપે આવનારાં પ્રભુનાં પગલાંતણો
સુણાય ધ્વનિ ત્યાં સુધી
સ્વેચ્છાપુર્ત્તિતણી વાટ ભાવોદ્રેક જોઈ જ્યાં શકતો હતો.
હતાં જગત ત્યાં બલોચિત મોજ--રમૂજનાં;
મનોહૃદયના ચિંતામુક્ત યૌવનની દશા
દેહમાં કરતી પ્રાપ્ત સાધન સ્વર્ગલોકનું;
કામનાની આસપાસ સુવર્ણ પરિવેષની
પ્રભા એ વિલસાવતી,
કરતી મુક્ત અંગોમાં દેવરૂપ બનેલા પશુભાવને
કરવા દિવ્ય ક્રીડાઓ પ્રેમની ને સૌન્દર્ય-સંમુદાતણી.
સ્વર્ગની સ્મિતની પ્રત્યે તાક્નારી તેજસ્વી ધરતી પરે
વેગીલો જીવનાવેગ કંજૂસાઈ કર્યા વણ પ્રવર્તતો
અને અટકતો ન 'તો:
થાકવું એ જાણતો ના, અશ્રુઓ યે એનાં આનંદના હતાં.
ક્રીડા રૂપ હતું કામ અને ક્રીડા હતી કેવળ ત્યાં,
સ્વર્ગનાંકાર્ય ત્યાં લીલા હતી દેવોમાં છે એવા મહૌજની:
નિત્ય-નિર્મલ સ્વચ્છંદી મત્તોત્સવ થતો તહીં,
અટકી પડતો ના એ ક્ષીણતાથી મર્ત્ય દેહે યથા થતું,
પ્રહર્ષોની અવસ્થાઓ જિંદગીની હતી શાશ્વતતાં તહીં:
વૃદ્ધાવસ્થા આવતી ના, ચિંતા-રેખા અંકાતી ન કદી મુખે.
મૃત્યુ મુક્ત બળો કેરી ઘોડદોડ
અને હાસ્ય તારકોની સુરક્ષા પર લાદતાં
પ્રભુનાં બાળકો નગ્ન ક્રીડાક્ષેત્રો મહીં નિજ
દોડતા' તાં, પ્રભાએ ને પવનો પરે
પ્રહાર કરતાં હતાં;
ઝંઝા ને સૂર્યને તેઓ સાથી નિજ બનાવતાં,
પ્રચલંતા સાગરોની ધોળી યાળો રમણ માંડતાં,
નિજ ચક્રોતળે ખૂંદી નાખી અંત આણતાં અંતરોતણો,
મલ્લયુદ્ધો માંડતાં એ અખાડાઓ માંહે સ્વકીય શક્તિના.
પ્રભા-પ્રભાવમાં સત્તાશીલ એ સૂર્યના સમાં
પોતાનાં અંગને ઓજે એ પ્રદીપ્ત સ્વર્ગને કરતાં હતાં,
નંખાયેલા દિવ્યતાના દાન જેવાં જગત્ પ્રતિ.
મંત્ર હૃદયને બેળે કેવલાનંદ આપતો,
એવાં એ સ્વચમત્કારી ચારુતાના
ગૌરવે ને પ્રભુત્વે શોભતાં હતાં,
અવકાશતણા માર્ગો પર જીવનની ધજા
જાણે ઉડાડતાં હતા.
મૂલભાવો પ્રકાશંતા વ્યસ્યો ચૈત્યના હતા;
વાણી સાથે ખેલતું' તું મન ભાલા ફેંકતું' તું વિચારના,
કિંતુ જ્ઞાનાર્થ ના એને પડતી'તી જરૂર આ
શ્રમનાં સાધનોતણી;
બાકીના સહુની જેમ હતું જ્ઞાન પ્રમોદ પ્રકૃતિતણો.
તાજા હૃદયના તેજી રશ્મિ કેરા અધિકારે નિમાયેલા,
સઘસ્ક પ્રભુ પાસેથી
પમાયેલી પ્રેરણાના બાલ-વારસદાર એ,
બનેલા અધિવાસીઓ કાળ-શાશ્વતતાતણા
અધાપી પુલકો લ્હેતા આનંદે આદ્ય સૃષ્ટિના
યૌવને નિજ આત્માના ક્ષબકોળી દેતા એ અસ્તિમાત્રને.
અત્યંત રમ્ય સંરંભી અત્યાચારિત્વ એમનું,
બલવાન બલાત્કાર હર્ષપ્રાર્થી એમના અભિલાષનો
રેલાવી વિશ્વમાં દેતો સુખસ્રોતો સ્મિતે સજ્યા.
ઉદાત્ત ભયનિર્મુક્ત તોષ કેરા પ્રાણનું રાજ્ય ત્યાં હતું,
પ્રશાંત વાયુમાં ભાગ્યશાળી ચાલે દિવસોની થતી ગતિ,
વિશ્વપ્રેમ તથા વિશ્વશાંતિનું પૂર ત્યાં હતું.
અવિશ્રાંતા મિષ્ટતાનું આધિપત્ય હતું વસ્યું,
કાળને અધરે જેમ ગાન હોય પ્રમોદનું.
મુક્તિ સંકલ્પને દેતી સહજા ત્યાં વ્યવસ્થા બૃહતી હતી,
આત્મા આનંદની પ્રત્યે સૂર્યોદાર પાંખોએ ઊડતો હતો,
પૃથુતા ને મહત્તા ત્યાં અશૃંખલિત કર્મની,
અને સ્વાતંત્ર સોનેરી વેગવંત હૈયાનું વહ્ નિએ ભર્યા.
આત્માવિચ્છેદથી જન્મ પામતું ત્યાં જૂઠ નામેય ના હતું,
વક્રતા ત્યાં વિચારે કે વાણીમાં આવતી નહીં
હરી લેવા સૃષ્ટિ કેરા સત્યને સહજાતિયા;
હતું ત્યાં સર્વ સચ્ચાઈ ભર્યું, શક્તિ સ્વાભાવિક હતી તહીં.
સ્વાતંત્ર ત્યાં હતું એકમાત્ર નિયમ ને વળી
ઉચ્ચમાં ઉચ્ચ કાયદો.
સુખસંપન્ન શ્રેણીમાં જગતો આ
હતાં આરોહંતા ઊંચે ને નીચે ઝંપલાવતાં:
ચિત્રવિચિત્ર સૌન્દર્યે ને આશ્ચર્યે ભર્યાં આ ભુવનો મહીં,
ક્ષેત્રોમાં ભવ્યતા કેરાં ને પ્રદેશોમહીં ભૈરવ શક્તિના
જિંદગી નિજ નિ:સીમ ઈચ્છાઓ શું આરામે રમતી હતી.
હજાર નંદનો નિર્મી શક્તિ એ વચમાં અટક્યા વિના;
એના માહાત્મ્યની , એની ચારુતાની
અને વૈવિધ્યથી પૂર્ણ એના દિવ્ય સ્વરૂપની
સીમા બંધાયલી ન' તી.
જાગી અસંખ્ય જીવોના શબ્દ સાથે અને ચલન સાથમાં,
થઇ ઊભી વક્ષમાંથી ઊંડા એક અનંતના,
પ્રેમને ને આશાને કો નવા જન્મેલ બાલનું
શુચિ સ્મિત સમર્પતી,
સામર્થ્થ અમૃતાત્માનું સ્વ-સ્વભાવે વસાવતી,
નિત્યકાલીન સંકલ્પ અંતરે નિજ ધારતી,
નિજ ઉજ્જવલ હૈયાના વિના કો દોરનારની
હતી એને જરૂર ના :
પગલાં ભરતા તેના દેવતાને
નથી કોઈ પાત ભ્રષ્ટ બનાવતો,
અંધાપો આપવા એની આંખોને કો
વિદેશીયા આવેલી ન હતી નિશા.
પ્રયોજન ન' તું ત્યાં કો ઘેર કે વાડનુંકશું;
પૂર્ણતાનું અને હર્ષતણું રૂપ હતું પ્રત્યેક કર્મ ત્યાં.
સમર્પાયેલ પોતાના તેજીવાળા તરંગી ચિત્તભાવને,
નિજ માનસના ઋદ્ધ રંગપૂર્ણ સ્વચ્છંદી ઉત્સવે રતા,
દિવ્ય ને દૈવતે પૂર્ણ સ્વપ્નાં કેરી દીક્ષાધારી બનેલ એ,
અસંખ્ય રૂપનાં શિલ્પો સાધતી નિજ જાદુથી,
શોધતી પ્રભુના છંદોલયો કેરી માત્રાઓના પ્રમાણને,
સ્વેચ્છાનુસાર ગૂંથંતી ઇન્દ્રજાલી નિજ અદ્ ભુત નૃત્યને,
દેવી ઉલ્લાસની છે એ પ્રમોદોને મહોત્સવે,
સર્જનાત્મક આનંદ કેરી સ્વૈરભાવી મત્ત ઉપાસિકા.
આ મહાસુખનું એણે જગ જોયું
અને અનુભવ્યું કે એ એને બોલાવતું હતું,
કિંતુ ના મેળવ્યો માર્ગ પ્રવેશાર્થે એના આનંદની મહીં;
સચેત ગર્તને માથે ન હતો સેતુ કો તહીં.
અશાંત જિંદગી કેરા ચિત્ર શું બદ્ધ એહનો
હતો આત્મા હજી કાળી હવાથી વીંટળાયલો.
ઝંખતું મન ને વાંછા રાખનારી હતી ઇન્દ્રિય તે છતાં,
માઠા અનુભવે સર્જ્યો શોક ઘેર્યો હતો એક વિચાર જે,
ને ચિંતા-શોક-નિદ્રાએ ઝંખવાયું હતું દર્શન એક જે,
તેને આ સૌ લાગતું' તું સુખી અભીષ્ટ સ્વપ્ન શું---
પૃથ્વીની પીડની છાયામહીં સંચારનારના
હૈયાએ દૂર લંબાતી ઝંખા દ્વારા કલ્પી કાઢેલ સ્વપ્ન શું.
આશ્લેષ નિત્યનો એણે એકવાર હતો અનુભવ્યો છતાં
દુ:ખાર્ત્ત દુનિયાઓની છેક પાસે
વાસ એનો સ્વભાવ કરતો હતો,
ને પોતે જયાં હતો ઊભો ત્યાં પ્રવેશદ્વારો રાત્રિતણાં હતાં.
ઢળાયા આપણે જેમાં છીએ ગાઢ આપણું તે સ્વરૂપ તો
ચિંતાથી જગની ઘેરું ઘેરાયેલ રહેલ છે,
ને જવલ્લે જ આનંદ માત્ર અર્પી શકે આનંદને, અને
જ્યોતિને શુદ્ધ જ્યોતિનું પ્રતિદાન કરી શકે.
કેમ કે ચિંતવાનો ને જીવવાનો આર્ત્ત સંકલ્પ એહનો
સંમિશ્ર સુખ ને દુઃખ પ્રત્યે પ્હેલવ્હેલી પામ્યો પ્રબોધતા,
ને હજી એ રહ્યો રાખી અભ્યાસ નિજ જન્મનો :
દારૂણ દ્વન્દ્વ છે શૈલી આપણી અસ્તિતાતણી.
આ મર્ત્ય જગની કાચી શરૂઆતોતણે સમે
ન' તો પ્રાણ, ન' તી લીલા મનની ને હૈયાની કામના ન' તી.
રચાઈ પૃ્થિવી જયારે અચેત અવકાશમાં
ને દ્વ્રવ્યમય આલોક વિના બીજું ન 'તું કશું,
ત્યારે સમુદ્ર, આકાશ ને પાષણ સાથે તાદૃપ્ય ધારતા
એના તરુણ દેવોએ ચૈત્યો કેરી મુક્તિની ઝંખના કરી,
ચૈત્યો સંદિગ્ધ નિર્જીવ વસ્તુઓમાં હતા પોઢી રહેલ જે.
વેરાન ભવ્યતામાં એ ને એ સાવ સાદી સુન્દરતામહીં,
બધિર સ્તબ્ધતામાં ને ઉપેક્ષાતા રવોમહીં,
ને ના જરૂરતો જેને એવા જગતની મહીં
હતો ઈશ્વરને માથે બોજ ભારે અવિજ્ઞાપિત અન્યને;
કાં કે સંવેદનાવાળું ન' તું કો ત્યાં કે લેનારુંય ના હતું.
સંવેદનતણો સ્પંદ ન સહેતો આ ઘનીભૂત પિંડ જે
ને ધારી ન શક્યો તેઓતણો વ્યાપ્ત આવેગ સર્જનાત્મક :
આત્મા નિમગ્ન ના દ્રવ્યતણી સંવાદિતામહીં,
મૂર્ત્તિનો સ્થિર અરામ એ પોતાનો ગુમાવતો.
પરવા વણના લયે
કરવા દૃષ્ટિને પ્રાપ્ત એ ફાંફાં મારતો હતો,
સચેત ઉરની ચેષ્ટા માટે ભાવાવેગે પૂર્ણ પ્રવર્તતો,
વાણી-વિચાર-આનંદ-પ્રેમ માટે ક્ષુધાતુર બની જતો,
મૂક અચેત ચક્રાવો લેતાં' તાં દિનરાત ત્યાં
ઝંખના સ્પંદને માટે ને પ્રત્યત્તર પામવા
માટે ભૂખ્યો બન્યો હતો.
સંક્ષુબ્ધ સ્પર્શથી એક સંતોલિત અચેતને,
અંતર્જ્ઞાને ભર્યા મૌને કંપમાન બનીને એક નામથી
સાદ જીવનને પાડ્યો અચેત ચોકઠા પરે
ચડાઈ લઇ આવવા,
અને નિશ્ચેષ્ટ રૂપોમાં દિવ્યતાને જગાડવા.
મૂગા ગબડતે ગોળે સુણાયો સ્વર એક ત્યાં,
બેધ્યાન શૂન્યમાં એક ઊઠયો નિ:શ્વાસ મર્મરી.
શ્વસંતુ કો સત્ત્વ એવું લાગ્યું જ્યાં ન કો એકદા હતું :
અચેત મૃત ઊંડાણો મહીં કૈંક પુરાયલું,
નકારાઈ હતી જેને સચિત્ હસ્તી
અને જેનો હતો હર્ષ હરાયલો,
તિથિહીન સમાથી જે જાણે હોય ન નીંદરે
તેમ તેણે પડખું નિજ ફેરવ્યું.
ભાત એને હતું સ્વીય નિખાતા સત્યતાતણું,
વિસ્મૃતા જાત કેરી ને હક કેરી હતી સ્મૃતિ,
જાણવાની, અભીપ્સા રાખવાતણી,
માણવાની, જીવવાની ઝંખા એ કરતું હતું.
પડ્યું આહવાન કાને ને
જીવને ત્યાં જન્મજાત નિજ જ્યોતિ પરિત્યજી.
નિજ ઉજ્જવલ ને ભવ્ય ભૂમિકાથી આવ્યું એ ઉભરાઈને
મર્ત્યાવકાશનો પિંડો જહીં સ્તબ્ધ પડયો હતો
પ્રસારી નિજ ગાત્રને,
અહીંયાંય કૃપાવંત મહાપાંખાળ દૈવતે
રેલાવી દીપ્તિ પોતાની, સ્વમાધુર્ય રેલ્યું, રેલી મહામૂદા,
આશા રાખી ભરી દેવા હર્ષોલ્લાસે
મનોહારી નવીન એક લોકને.
મર્ત્યને હૃદયે જેમ આવી કો એક દેવતા
પોતાના દિવ્ય આશ્લેષે ભરી દેતી એના જીવનના દિનો,
તેમ ક્ષણિક રૂપોમાં આવી જીવનદેવતા
ઉર્દ્વથી નિમ્નમાં નમી;
દ્રવ્યમયીતણે ગર્ભે નાખ્યો એણે અગ્નિ અમરઆત્મનો,
જગાડ્યાં વેદનાહીન વિરાટે હ્યાં ચિંતના ને ઉમેદને,
પોતાની મોહિનીએ ને સૌન્દર્યે ઘા
કર્યા માંસમાટીની ને શિરા પરે,
ને અસંવેદનાવાળા પૃથ્વીના માળખામહીં
બેળે આનંદ આણિયો.
વૃક્ષો, છોડ, અને ફૂલો વડે જિંદો સજાયલો
પૃથ્વી કેરો તવાયેલો મહાદેહ હસ્યો વ્યોમોતણી પ્રતિ,
સિંધુના હાસ્યના દ્વારા
નીલિમાએ નિલીમાને પ્રતિ-ઉત્તર વાળીયો;
અદૃષ્ટ ગહનો દેતાં ભરી સત્ત્વો નવાં સંપન્ન ઇન્દ્રિયે,
સૌન્દર્ય પશુઓ કેરું ધરીને દોડતો થયો
જિંદગીનો મહિમા ને પ્રવેગ ત્યાં,
હામ ભીડી મનુષ્યે ને વિચાર કરતો થઇ
ભેટ્યો ભુવનને એહ ચૈત્યાત્માના સ્વરૂપથી.
પરંતુ જાદુઈ પ્રાણ આવી માર્ગે રહ્યો હતો
ને બંદી આપણે હૈયે દાન એનાં પહોંચે તે અગાઉ તો
શ્યામ સંદિગ્ધ કો એક સાનિધ્યે એ
સૌને પ્રશ્ન શંકા દર્શાવતો કર્યો.
રાત્રિને વસને સજજ છે જે સંકલ્પ ગૂઢ ને
જેણે અગ્નિપરિક્ષા છે માટી કેરી કરી અર્પિત આત્મને,
તેણે મૃત્યુ અને દુઃખ લાદી દીધાં ગૂઢ છદ્મતણે છળે;
ધીરાં દુઃખ સહેનારાં વર્ષો મધ્યે હવે એ અટકાયતે,
કરી યાદ શકે ના એ નિજા સુખતરા સ્થિતિ,
પરંતુ વશ વર્તવું
પડે એને અચિત્ કેરા જડ તામસ ધર્મને,
જે અચિત્ ચેતનાહીન છે મૂલાધાર વિશ્વનો,
જેમાં સૌન્દર્યને અંધ સીમાઓમાં રખાય છે
ને હર્ષ-શોક છે જેમાં સાથીઓ ઝગડયે જતા.
નિસ્તેજ મૂકતા ઘોર આવી એની પરે પડી :
લોપ પામી ગયો એનો આત્મા સૂક્ષ્મ મહાબલી
વરદાન ગયું માર્યું એનું બાલ-દેવના સુખશર્મનું,
ને આખો મહિમા એનો ક્ષુદ્રતામાં ફરી ગયો
ને એનું સર્વ માધુર્ય પલટાઈ પંગુ ઈચ્છા બની ગયું.
મૃત્યુને આપવો ભક્ષ પોતાનાં ચરિતોતણો
દૈવ-નિર્માણ છે એહ અહીંયાં જિંદગીતણું.
એની અમરતા એવી તો હતી અવગુંઠિતા
કે ચેતનાતણી શિક્ષા લાદતી એ અચેત વસ્તુઓ પરે
નિત્યના મૃત્યુમાં એક બની હૂતી કથા ગૌણ પ્રસંગની,
વાર્તા આત્માતણી મિથ્થા અવશ્ય અંત જેહનો.
આવું અનિષ્ટતાપૂર્ણ હતું એનું રહસ્ય પલટાતણું.
સર્ગ ત્રીજો સમાપ્ત
ક્ષુદ્ર પ્રાણનાં રાજયો
રાજા હવે નિમ્ન પ્રાણના પ્રદેશોનો પરિચય સાધે છે. કંપાયમાન, ગભરાટથી ભરેલું, અનિશ્ચિત અને રાહુગ્રાસના પરિણામ રૂપ એ જગત એની આગળ પ્રગટ થાય છે. દુઃખદૈન્યથી એ ભરેલું છે, પૃથ્વીલોકની પીડા ને જયાંથી એનો અધ:પાત થયેલો છે તે આનંદલોકની વચ્ચેનો ગાળો પૂરવાને એ ફાંફાં મારી રહ્યું છે. પૃથ્વીને માટે આશીર્વાદરૂપ થવાને આવેલી શક્તિ દુઃખ સહેવા ને તલસાટ રાખવા પૃથ્વી ઉપર રહી પડી છે. પોતાના દિવ્ય મહિમામાંથી પતિત થયેલી એ કીચડમાં, કુરૂપતામાં, ને પાશવ વાસનાઓમાં અંધકારના આલિંગનમાં ભરાઈ છે.
જડતત્વ અને પ્રાણનું જ્યાં મિલન થાય છે ત્યાંનું આ જીવન છે. અર્ધ-રચિત, અર્ધ-દૃષ્ટ, અર્ધ-અનુમતિ વસ્તુઓના વાડામાં જીવન જન્મે છે ને જોતજોતાંમાં મૃત્યુવશ થઇ જાય છે. એક અચિત્ શક્તિ આંધળી મથામણ કરી રહી છે, મન અસ્તવ્યસ્ત ઝબકારાઓની જેમ કામ કરતું હોય છે; પ્રકાશ માગતું જીવન અંધકારને માર્ગે વળે છે. કુદરતનાં વાવાઝોડાં ત્યાંનો નિયમ છે, ત્યાં એક બળ બીજા બળ સાથે બથે છે, ઇન્દ્રિયનાં સુખ-દુઃખ જેટલાં જલદી ઝલાય છે તેટલાં જ જલદી જતાં રહે છે. વિચાર વગરના જીવનની જડસી ગતિ ચાલી રહેલી છે.
અશ્વપતિ આ મનોરહિત રાત્રીમાં પ્રભુના પ્રભાતની રાહ જુએ છે. કુંડલાકારે ઉપર આરોહતી શક્તિના કાર્યને અંતે પ્રકૃતિના પંકમાંથી પ્રભુના પારાવાર મહિમાની મુક્તિ થવાની છે એવું એ અનુભવે છે. મલિનતા, ભ્રષ્ટતા અને અધ:પાતમાં સ્વર્ગનું સત્ય છુપાઈ રહેલું છે. સૃષ્ટિનાં કાર્યોમાં પ્રભુના પ્રહર્ષણનો સ્પર્શ રહેલો છે, જન્મ-મૃત્યુના મૂળમાં પરમસુખની સ્મૃતિ સંતાઈ રહેલી છે. જગતનું ચેતનહીન સૌન્દર્ય પ્રભુના આનંદનું પ્રતિબિંબ પાડે છે, પરમાનંદનું સ્મિત સર્વત્ર ગુપ્ત રૂપે રહેલું છે.
પ્રાણ પૃથ્વીની પિંડમયતા ભેદીને પ્રગટ થવાને પ્રવૃત્ત થયો છે. સમીરોના સપાટાઓમાં, વૃક્ષોમાં ને વેલોમાં, જીવજંતુઓમાં ને જનાવરોમાં ને છેવટે વિચાર કરતા માણસમાં એનો આવિર્ભાવ થાય છે. આપણામાં એ પ્રેમ ને કામાવેગો પ્રતિ
વળે છે, જિગીષા ને સ્વામિત્વ સ્થાપવા ને તેને સાચવી રાખવા માટેનો સંકલ્પ સેવે છે, પોતાના ક્ષેત્રને વિશાળ બનાવવા ને મોજમજાની મર્યાદાઓ મોટી બનાવવા માગે છે. આપણે જેનાં સ્વપ્ન સેવીએ છીએ તેની પૂઠે કાળા ભૂતની માફક આ આરંભ ભમ્યા કરે છે, આપણી અંદરના દેવને સકંજામાં લઇ લે છે, ને બુદ્ધિના જન્મ પછીય, ચૈત્ય આત્મા રૂપ લે છે તે પછીએ એ આપણાં જીવનોનો ઉત્સ બને છે.
અસત્ માં સત્ નું અવતરણ થયું છે. તેણે ત્રિવિધ ક્રોસ ધારણ કરી કાળમાં અકાળના સત્યનું આવાહન ન કર્યું હોત તો અવિદ્યાની રાત્રિનો ઉદ્ધાર કદી શક્ય બનત નહીં. દુઃખમાં પલટાયેલું મહાસુખ, અજ્ઞાનમાં ફેરવાયેલું જ્ઞાન, શિશુની નિરાધારતામાં રૂપાંતર પામેલી પ્રભુની શક્તિએ પોતાના બલિદાનથી સ્વર્ગને નીચે આણવાની શક્યતા ઊભી કરી છે.
પ્રકૃતિમાં એણે સર્વસમર્થ પરમાત્માને છુપાયેલો જોયો. દુર્બલતામાં મહા-શક્તિનો જન્મ થતો જોયો. સમસ્યારૂપ બનેલી પ્રભુતાને પગલે પગલે અશ્વપતિ ચાલ્યો ને મહિમાવંતી ને અજન્મા એવી મહાસરસ્વતીના આછા સત્યલયો લહ્યા.
પૃથ્વી ઉપર ક્ર્મવિકાસ પામતી જતી માનવ જાતિનાં કૃત્યો ને અપકૃત્યો ઇતિહાસમાં આલેખાયેલાં જોવા મળે છે. બુદ્ધિ થોડી વધે છે ને પશુ- પિશાચ-રાક્ષસ-અસુર સ્વરૂપો સૃષ્ટિને આક્રાન્ત કરતા પ્રાણનાં પ્રતિબિંબો પાડે છે. જીવન એની એ જ વસ્તુનું નાટક ભજવતું હોય છે. નટો ને વેશ બદલાયા હોય છે, એટલો જ તફાવત. પાષાણી અજ્ઞાનતામાં પુરાયેલું મન, પાર્થિવતા સાથે બંધાયેલું, પામરતાથી પ્રેરાતું, પરિચિત જગત પર આસક્ત જીવન આત્માની વિશાળ દૃષ્ટિથી વંચિત છે, અજ્ઞાત આનંદોથી આક્રાંત થતું નથી, વિશાળ મુક્તિના સોનેરી વિસ્તારો એને મળ્યા નથી. મહાતિમિરમાં સ્વલ્પ પ્રકાશ પ્રકટ્યો છે, પણ જીવન પોતે ક્યાંથી આવ્યું ને ક્યાં જઈ રહ્યું છે તે જણાતું નથી. હજીય એની આસપાસ અચિત્ નું ધુમ્મસ તરી રહ્યું છે.
પડ્યાં' તાં પગલાં એનાં તે શૂન્ય અવકાશમાં
આર્ત મિલન ને રાહુગ્રાસથી એ સૃષ્ટિ એક સમુદ્ ભવી;
હતી તે કંપમાના ને ગભરાટે ભરાયલી,
કશું ચોક્કસ ત્યાં ન 'તું,
ત્યાં તમોગ્રસ્તતા શીઘ્ર થતી, હલન ત્યાં હતું
ખોજના કાર્યમાં પડ્યું.
અચિત્-નિદ્રાથકી માંડ માંડ જાગેલ એક ત્યાં
અર્ધ-સચેત બળના અમળાટો થતા હતા;
અંધ-પ્રેરણથી હંકારાતી એક અવિદ્યા શું નિબદ્ધ એ
જાતને શોધવાનો ને વસ્તુઓને
શી રીતે પકડે લેવી તેના પ્રયાસમાં હતું.
દરિદ્રતા અને હાની-એ એનો વારસો હતો,
ઝાલતાંમાં ભાગનારી સ્મૃતિઓએ એ આક્રન્ત થતું હતું,
ઉદ્ધારતી ભુલાયેલી આશા એને ભૂત શી વળગી હતી,
હાથ ફંફોળતા હોય તેમ એ અંધભાવથી,
પૃથ્વીની પીડ ને મોટું સુખ જયાંથી પાત જીવનનો થયો
તે બન્ને મધ્યનો ગાળો દુઃખ-દારુણતા ભર્યો
પૂરવાનો પ્રયત્ન કરતું હતું.
જગ એ હરહંમેશ રહ્યું શોધી કૈંક ચૂકી જવાયલું,
પૃથ્વી રાખી શકી ના જે તે આનંદ અર્થે કરંત માર્ગણા,
અસંતોષિત બેચેની એની છેક આપણે બારણે અડી,
જડસા ઘન આ ગોળે તેથી વાસ શાંતિ કેરો થતો નથી.
ભૂમિની ભૂખની સાથે એણે જોડી દીધી છે નિજ ભૂખને,
આપણાં જીવનોમાં છે આણ્યો એણે ધારો લોલુપતાતણો,
આપણા આત્માની આકાંક્ષાનો એણે અગાધ ગર્ત છે કર્યો.
પ્રભાવ એક પેઠો છે મર્ત્ય રાત્રિ અને દિને,
કાળજન્મી જાતિ કેરે માથે છાય છવાઈ છે;
અંધ ધબક હૈયાની ઊછળે જયાં તે સંક્ષુબ્ધ પ્રવાહમાં
અને સંવેદનની જયાં નાડીઓની જાગે ધબક ઇન્દ્રિયે,
સચેત મનથી દ્રવ્ય કેરી નિદ્રા જે વિભક્ત કરંત ત્યાં
સાદ એક માર્ગભ્રષ્ટ ભમ્યા કરે,
પોતે છે કેમ આવ્યો તે પોતે યે નવ જાણતો.
પૃથ્વીને પરસેલી છે શક્તિ એક પૃથ્વીની હદ પારની;
હોત આરામ જે તે છે હાવે સાવ જતો રહ્યો;
અરૂપ એક આકાંક્ષા માનવીને હૃદયે રાગરૂપ લે,
વધારે સુખની વસ્તુ માટે એને રક્તે એક પુકાર છે:
નહિ તો મુક્ત ને સૂર્યે પ્રકાશંતી ધરા પરે
ભમી એ શકતો હોત
દુઃખભૂલાં પશુઓના માનસે શિશુના સમો,
કે પુષ્પો ને પાદપો શો
જીવી શકત એ શૌખ્યે ભર્યો ક્ષુબ્ધ થયા વિના.
આપવા આશિષો ઓજ આવ્યું જે પૃથ્વી પરે
પૃથ્વી પર રહ્યું તેહ સહેવા ને અભીપ્સવા.
કાળમાં ધ્વનતું બાલ-હાસ્ય ચૂપ થયેલ છે :
છાયે છાયેલ છે હર્ષ સ્વાભાવિક મનુષ્યનો,
ને એના ભાવિની ધાત્રી બની છે શોક-ગ્રસ્તતા.
વિચાર વણનો હર્ષ પશુ કેરો પૂઠે રહી ગયેલ છે,
ચિંતા-ચિંતનનો બોજો છે એની રોજની ગતે :
મહત્તા ને અસંતોષ પ્રત્યે એનું આરોહણ થયેલ છે,
અદૃશ્ય પ્રતિ એનામાં ભાન જાગ્રત છે થયું.
શોધથી ન ધરનારો છે જે
તેને માટે સર્વ શીખવાનું રહેલ છે:
ખુટાડયાં છે હવે એણે જિંદગીનાં કર્યો તલ પરે થતાં,
શોધવાનાં રહ્યાં બાકી એની સત્-તા કેરાં રાજય છુપાયલાં.
બને છે એ મનોરૂપ, ચૈત્યરૂપ, બને છે આત્મરૂપ એ ;
ભંગુર ભવને નાથ બની જાય નિસર્ગનો.
એનામાં દ્રવ્ય જાગે છે સ્વ તામિસ્ર લયથી દીર્ધ કાલના,
પૃથ્વી અનુભવે એની મહીં ઈશ સમીપે આવતો સરી.
લક્ષ્ય મુદ્દલ ના જોતી શક્તિ એક અલોચના,
ઓજ સંકલ્પનું વ્યગ્ર રહેનારું ક્ષુધા ભર્યું,
એવી જે જિંદગી તેણે નિજ બીજ
નાંખ્યું મંદ ઢાળા માંહે શરીરના;
સુખી તંદ્રાથકી એણે જગાડી છે આંધળી એક શક્તિને
અને ફરજ પાડી છે એણે એને
ઇન્દ્રિયજ્ઞાનની, શોધ કરવાની અને સંવેદનાતણી.
શૂન્યાવકાશના સીમાતીત આયાસની મહીં
નિજ સ્વપ્નો વડે ક્ષુબ્ધ કરી નિત્યક્રમ વિશ્વવિશાલ એ,
ઊંચોનીચો કરી નાખી મૃતપ્રાય વીંટો ઘોરંત વિશ્વનો,
બલિષ્ટ બંદિએ મુક્ત થવા મથન આદર્યું.
સજીવ ઝંખને એના જીવકોષ જાગ્યો જાડય વડે ભર્યો,
પ્રકટાવ્યો ઉરે એણે અગ્નિ ભાવાવેગનો ને જરૂરનો,
અચેત વસ્તુઓ કેરી ધીર ગંભીરતામહીં
ઊઠ્યો એનો મહાઘોષ પરિશ્રમતણો અને
પ્રાર્થાનાનો અને સંઘર્ષનો વળી.
અવાજ વણના લોકે ફાંફાં મારંત ચેતના,
માર્ગદર્શક ના એવી માર્ગરૂપે એને સંવેદના મળી;
હતો વિચાર રોકાયો, ને હવે એ કશું યે જાણતી ન' તી,
પરંતુ સર્વ અજ્ઞાત હતું એનું ભાવાનુભવ પામવા
અને આશ્લેષ આપવા.
અજન્મા વસ્તુઓ કેરા જન્મ પ્રત્યે ધક્કાને વશ વર્તતી
અચેત પ્રાણની તોડી સીલ એ બ્હાર નીકળી:
ન વિચારંત ને મૂક એના આત્મબળનું મૂળ તત્વ જે
ઊંડાણો ભાખતાં તેને ઉચ્ચારી શકતું ન ' તું,
ત્યાં આવશ્યકતા અંધ જાગી એક જ્ઞાન મેળવવાતણી.
બેડી જે બાંધતી એને તેનું એણે હથિયાર બનાવિયું;
સત્યના કોષરૂપી જે હતી સહજપ્રેરણા
તે તેને કબજે હતી,
હતો પ્રયત્ન ને વૃદ્ધિ ને અજ્ઞાન પરિશ્રમી.
ઈચ્છા ને આશાને ઠોકી બેસાડી દેહની પરે,
અને ચૈતન્યને લાદી અચેતનતણી પરે,
આણ્યો એણે એ પ્રકારે દ્રવ્ય કેરી હઠીલી જડતામહીં
યંત્રણા વેઠતો દાવો નિજ નષ્ટ સર્વોચ્ચ અધિકારનો,
અશ્રાંત ખોજને આણી,
આણ્યું બેચેન પોતાનું હૈયું કલેશ વડે ભર્યું,
આણ્યા છે અટતા પાય સંદેહાત્મકતા ભર્યા,
આણ્યો છે નિજ પોકાર પરિવર્તન માગતો.
અનામી એક આનંદ કેરી આરાધિકા સ્વયં
અંધકારે ગ્રસ્ત એના અમોદી અર્ચનાલયે
ગુપ્ત પૂજા સમર્પે એ છાયાલીન વામણા દેવવૃન્દને.
કિન્તુ અન્ત વિનાનો ને મોઘ છે હોમ યજ્ઞનો,
અજ્ઞાની ને મંત્રવિદ્યા વિનાનો છે પુરોહિત,
વેદની વિધિમાં ફોક ફેરફાર કર્યા કરે,
એ શક્તિહીન જવાલામાં આશાઓ અંધ હોમતો.
બોજો ક્ષણિક લાભોનો ભારે એનાં પગલાંને બનાવતો,
અને એ ભારની નીચે એ ભાગ્યે જ વધી શકે;
એને પરંતુ બોલાવી ઘટિકાઓ રહેલ છે,
વિચારે એકથી બીજે યાત્રા એની થતી રહે,
એક તંગી થકી બીજી તંગીમાં સંચરંત એ;
ગાઢતામાં બઢેલી જે અપેક્ષા તે
એની સૌથી મોટી પ્રગતિ રૂપ છે.
જડ તત્વ ન સંતોષે, મનની પ્રતિ એ વળે;
નિજ ક્ષેત્ર ધરાને એ જીતી લે ને દાવો સ્વર્ગો પરે કરે.
ખંડનારા એના કરેલ કાર્યને
સ્ખલતા ને અસંવેદી યુગો પસાર થાય છે
એના શ્રમતણી પરે.
ને છતાંય મહાજયોતિ રૂપાંતર પમાડતી
નીચે અવતરી નહીં,
પ્રદ્યોતક મહાહર્ષે નવ સ્પર્શે એના પતનને કર્યો.
મનોવ્યોમ વિદારીને આછું તેજ કવચિત્ કેવળ આવતું,
સંદિગ્ધ ઈશ્વરી કાર્ય ન્યાયયુક્ત બતાવતું,
જે અજ્ઞાત ઉષાઓએ જવા માર્ગરૂપ રાત્રિ બનાવતું,
જે કળા સૂત્રોથી દોરી વધારે દિવ્યતા ભરી
અવસ્થાએ લઇ જાય છે, એ સાચું ઠરાવતું.
અચિત્ મધ્યે સમારંભ થયો એના મહાસમર્થ કાર્યનો,
અજ્ઞાનમાં ધપાવે છે એ અસમાપ્ત કાર્યને;
ફંફોળે એ જ્ઞાન માટે, કિન્તુ જોવા પ્રજ્ઞાનું મુખ ના મળે.
બેભાન પગલે ધીરે ધીરે આરોહતી જતી,
ત્યકત બાલક દેવોનું, એવી એહ ભટકયા કરતી અહીં
નરકદ્વારની પાસે રખાયેલા કો એક શિશુ-આત્મ શી,
સ્વર્ગને શોધવા મિથ્થા ફાંફાં મારંત ધુમ્મસે.
આ આરોહણમાં ધીરા
માણસે ચાલવાનું છે પ્રાણપ્રકૃતિની ગતે,
ને તે યે મંદ અસ્પષ્ટ એ આરંભ અવચેતનથી કરે
છે, તે છેક ઘડી થકી :
આ પ્રકારે જ પૃથ્વીનું પરિત્રાણ બને છે શક્ય આખરી.
કેમ કે પકડી રાખી જવા આપણને ન દે,
ને બંદી જીવની કરા-મુક્તિના કાર્યની મહીં
પ્રભુને ગૂંચવાડામાં નાખે છે તે તમામનું
આ રીતે માનવી જાણી શકે તામિસ્રી કારણ.
જોખમી બારણાંઓમાં થઇ વેગી અધ:પતનને પંથે
ભૂખરા અંધકારે એ યદ્દચ્છાવશ ઊતર્યો,
આંધળી પ્રેરણાઓ જયાં ઊભરી આવતી હતી
ગર્તોમાંથી મનથી વિરહાયલા,
જે ગર્તો ધારવા રૂપ અને મેળવવા જગા
ધકેલી આવતા હતા.
મૃત્યુ ને રાત્રિની સાથે જિંદગી હ્યાં ગાઢ સંબંધમાં હતી,
ને ખાતી મૃત્યુનું ખાણું
કે અલ્પ કાળ માટે એ શ્વાસોચ્છવાસ લઇ શકે;
એમની એ હતી અંતેવાસી ખોળે લીધેલી કો નિરાશ્રીતા.
મૂક અંધારને રાજયે સ્વીકારી અવચેતના
ડેરાતંબુ મળે એને, એથી ના એ આશા અધિક રાખતી.
ત્યાં રાજાએ મૂળ ધામ જોયું જીવનશક્તિનું,
દૂર દૂર સત્યથી ને દૂર દૂર જયોતિર્મય વિચારથી,
જયાંથી છૂટી પડેલી એ નવીન અવતારમાં
થઇ' તી રાજ્યથી ભ્રષ્ટ, વિકૃતા, દુઃખ વેઠતી.
બનાવી સત્ય દીધેલું દુઃખી મુખ અસત્યનું,
પ્રત્યાખ્યાન આપણા દિવ્ય જન્મનું,
સૌન્દર્યે ને પ્રભા પ્રત્યે ઉદાસીન જિંદગી જોરશોરથી
ભભકાભેર ચાલતી,
છૂપાવી યુક્તિથી દીધા વિના નિજ પશુત્વની
નામોશી સર્વની સામે નિર્લજજ નગ્નતા ભરી
ગર્વથી બતલાવતી,
સ્વર્ગમાંથી, આશમાંથી નિર્વાસિત તજાયલી
એની શક્તિતણી મૂર્તિ ઓળખાતી સહીસિક્કે સજાયલી,
પતિતા, દુષ્ટતાપૂર્ણ દુર્દશાને ગૌરવાન્વિત દાખતી,
એકવાર હતું એનું બળ જે અર્ધ દિવ્ય તે
નાકલીટી જમીને તાણતું હતું,
હેવાની હવસો કેરી બદસૂરત ગંદકી,
એની અજ્ઞાનતા કેરી તાકતી મુખની છબી,
એની દરિદ્રતા કેરો દેહ વસ્ત્રાવિવર્જિર્ત
ખુલ્લેચોક બતાવતી.
અહીં એ સર્પતી આવી નિજ કર્દમ-કોષ્ઠથી
અહીં નિશ્ચેષ્ટ ને ચુસ્ત ઢળી નિ:શબ્દ એ હતી :
સંકડાશે અને ત્યાંના જાડ્યે એને રાખી' તી જકડાયલી,
પ્રકાશે ન વિલોપાતો અંધકાર એને બાઝી રહ્યો હતો.
એની પાસે ન કો આવ્યો ઉદ્ધારંત સ્પર્શ ઊર્ધ્વ પ્રદેશથી :
વિજાતીય હતી એની આંખ માટે દૃષ્ટિ ઊર્ધ્વ દિશે થતી,
હતો વિસ્મૃત નિર્ભીંક દેવ એના પ્રયાણનો;
પરિત્યાગ હતાં પામ્યાં મહિમા ને મહાસુખ,
કાળના ભયથી પૂર્ણ પ્રદેશોમાં તજાયું સાહસે હતું :
જવલ્લે લાભ લેતી એ આળોટંતી સહેતી અથ જીવતી.
ધુમ્મસ વ્યાપ્ત અસ્વસ્થ ઢૂંઢતા અવકાશનું,
અસ્પષ્ટ વેષ્ટને લીન પ્રભાહીન પ્રદેશ જે
અનામી અશરીરી ને અનિકેતન લાગતો,
દૃષ્ટિહીણું રૂપહીણું મન વાઘાઓ વડે વીંટળાયલું
સંક્રાંત કરવા સ્વાત્મા દેહ માટે માગણી કરતું હતું.
પ્રાર્થના ઇનકારતાં
એ વિચાર માટે મિથ્થા ફાંફાંઓ મારતું હતું.
હજી સુધી ન પામેલું શક્તિ ચિંતનકાર્યની
વિચિત્ર વામણા એક લોકમાં એ પ્રવેશ્યું ઊઘડી જઈ
જયાં આ અસુખથી પૂર્ણ જાદૂ કેરું જન્મમૂળ રહ્યું હતું.
જિંદગી ને જડદ્રવ્ય મળતાં જયાં તે છાયાળી હદો મહીં
અર્ધ-દૃષ્ટ, અર્ધ-કલ્પી વસ્તુઓની વચ્ચે એ ઘૂમતો હતો,
પૂઠે એની પડ્યા' તા ત્યાં આરંભો ખ્યાલ બ્હારના
ને ગુમાવેલ આશયો.
જિંદગી ત્યાં જન્મતી' તી, કિંતુ જીવી શકે તેની અગાઉ એ
મૃત્યુ પામી જતી હતી.
ઘન ભૂમિ હતી ના ત્યાં, ઓઘ અખંડ ના હતો;
મનોવિહન સંકલ્પ કેરી જવાલામાત્ર કો બલ દાખતી.
હતો અસ્પષ્ટ પોતે યે પોતા માટે ઓછાયાએ છવાયેલો,
છે પોતે એ ભાન અર્ધ થતું હતું,
અસ્તિત્વ અર્થના જાણે શૂન્ય કેરા હોય સંઘર્ષમાં સ્વયં.
સઘળું જયાં હતું પ્રાણવંત ઇન્દ્રિયચેતના,
કિંતુ પ્રભુત્વથી યુક્ત જયાં વિચાર હતો નહીં,
ન ' તું કારણ કે હતો નિયમે નહીં,
એવા વિચિત્ર દેશોમાં કાચું એક હૈયું બાલક શું હતું,
રોઈ રોઈ માગતું જે ખીલોણાં સુખશર્મનાં,
ઠેકાણા વણના છોટા ટમકા શું હતું મન ઝબૂકતું,
અસ્તવ્યસ્ત નિરાકાર બળો રૂપ લેવાને વેગ ધારતાં,
ને સંભ્રાંમક પ્રત્યેક ભડકાને માનતાં સૂર્ય દોરતો.
શક્તિ આ ડાબલે અંધ સવિચાર એકેય ડગ માંડવા
શક્તિમાન હતી નહિં;
જયોતિની કરતી માંગ એ તમિસ્ર-સૂત્રાનુસાર ચાલતી.
શક્તિ અચેતના એક ચૈતન્યાર્થે ફાંફાં મારી રહી હતી,
દ્રવ્યાઘાત વડે દ્રવ્ય ચમકારે ઇન્દ્રિયજ્ઞાન પામતું,
સંપર્કો અંધ ને મંદ પ્રતિકાર્યો સહજ પ્રેરણાતણા
અવચેતનના ઢાંક્યા તલમાંથી સ્ફુલિંગો પ્રકટાવતાં,
વિચારની જગા લેવા ઊમટીને સંવેદો આવતા હતા,
જગાડતા પ્રકૃતિના પ્રહારોને સૂઝ ઉત્તર આપતી,
કિંતુ ઉત્તર યાંત્રિક પ્રકારે હજુ આવતો,
આંચકો, કૂદકો, ચોંક પ્રકૃતિ-સ્વપ્નની મહીં,
આવેગો દોડતા ધક્કામુક્કી સાથે સ્થૂલ ને અનિયંત્રિત,
પોતાની ગતિને છોડી બીજી સર્વગતિની પરવા વિના,
પોતાથી વધુ કાળાંની સાથે કાળાં સત્ત્વની અથડામણો,
મુક્ત આ મ્હાલતાં ' તાં એ જગે જામી જયાં અરાજકતા હતી.
જરૂર જિંદગાનીની, અને એને ટકાવી રાખવાતણી
સ્વયંસ્ફુરિત પ્રેરણા
તાત્કાલિકી અને તંગ ને અનિશ્ચિતતા ભરી
ઈચ્છાને ગરકાવતી,
ને અંધ એક આકાંક્ષા ભક્ષ માટે સ્પર્શથી જાય શોધતી.
ઝપાટાઓ પ્રકૃતિના હતા નિયમમાત્ર ત્યાં,
કરતું બળની સાથે બળ કુસ્તી, પરિણામે કશું ય ના :
સંધાતા માત્ર અજ્ઞાન અને ગ્રાહ સાથે એક પ્રણોદના,
લાગણીઓ અને અંધ-પ્રેરણાઓ નિજ મૂળ ન જાણતી,
સુખો ઇન્દ્રિયનાં, દુઃખો એવાં જ પળવારમાં
પકડતાં અને નાશ પામતાં પળવારમાં,
અવિચારી જીવનોની જડપ્રાય થતી ગતિ.
મિથ્થા બિનજરૂરી એ હતું જગત, જેહની
ઈચ્છા અસ્તિત્વ માટેની પરિણામો લાવતી દુઃખ-દૈન્યનાં,
પીડા અર્થ વિનાની ને બેચેની શોકથી ભરી.
અસ્તિત્વ ધારવા માટે સેવાતો જે પરિશ્રમ
તેને યોગ્ય કશુંયે લાગતું ન ' તું.
જાગેલી આંખ આત્માની એની કિંતુ એવું ના ધરતી હતી.
મનોવિહીન રાત્રીના ઓધે સભરતા ભર્યા
જેમ કો એક એકાકી સાક્ષી તારો પ્રકાશતો,
એકલો જલતો, ચોકીદાર વિજન જ્યોતિનો
તેમ વિશ્વે લક્ષ્યહીન એકમાત્ર ચિંતના કરનાર એ
વાટ જોતો સપ્રચંડા પ્રભુની કો ઉષાતણી
કાળનાં કરતુકોમાં પ્રયોજન નિહાળતો.
ચમત્કાર સંકલ્પે અને દિવ્ય રૂપાંતર વડે ભર્યું
એ નિરુદ્દેશતામાંયે કામ એક થયું હતું.
પ્રથમાકુંચનો સાથે વિશ્વ કેરી શક્તિ કુંડલિની તહીં
દ્રવ્યના લયના ગૂઢ કુંડાળેથી ગૂંચળાંઓ ઉકેલતી;
માંથુ એણે કર્યું ઊંચું પ્રાણના સોષ્મ વાયુમાં.
હજીયે જકડી લેતી ના એ નિદ્રા રાત્રિનો ફગાવી શકે,
કે ધારી ન શકે હજી
મન કેરાં ચમત્કારી ટપકાંઓ, ને રેખાઓ પ્રકાશતી,
નિજ રત્નખચી ફેણે ચૈત્યાત્માનો ધારી મુકુટ ના શકે.
કે બ્રહ્ય-સૂર્યની જવાલે ઊભી ટટાર ના શકે
અત્યાર લગ દેખાયાં હતાં એકમાત્ર માલિન્ય ને બળ,
રગડો લાલસા કેરો ઉપજાઉ
અને ઈન્દ્રી સ્થૂલતાને પમાડતી
જેમાં થઇ થતું છૂપું જયોતિ પ્રત્યે ચેતનાનું વિસર્પણ,
દેહની જડસી જાતતણા પડતણી તળે
ધીરું છતાંય જોશીલું કામ ચાલી રહેલું અંધકારમાં,
ડોળો આથો પ્રકૃતિના આવેગી પરિવર્તનો,
કીચમાંથી ચૈત્ય કેરી સર્જનાનું ખમીર ઊભરી જતું.
સ્વર્ગીય પ્રક્રિયાએ આ હતો ધાર્યો છદ્મનો વેશ ધૂંધળો,
પોતાની ગૂઢ રાત્રીમાં પતિતા એક અજ્ઞતા
કઢંગા મૂક પોતના કાર્યને પાર પાડવા
શ્રમ સેવી રહી હતી,
પંકે પ્રકૃતિના મુક્ત કરવાને મહિમા પરમેશનો.
અચિત્ કેરી અપેક્ષા જે તેનો ઢાંકપિછોડો માત્ર એ હતો.
થતી આંખોમહીં મૂર્ત્ત દૃષ્ટિ અધ્યાત્મ એહની
ભૂખરા ને સ્ફુરદ્દીપ્ત હેજ સોંસરવી થઇ
પલટાતા વ્હેણ કેરાં રહસ્યોને બારીક માપતી હતી,
ને વહેણ બનાવે છે કોષ જિંદા મૂક ને ઘનતા ભર્યા,
દોરી વિચારને જાય, દોરી માંસમાટીની જાય ઝંખના,
ને દોરે લાલસા તીવ્ર અને એની બુભુક્ષા આસ્પૃહાતણી.
આની યે પગલી લેતો સંચર્યો એ એનો જયાં ગુપ્ત સ્રોત છે,
આશ્ચર્યથી ભર્યા ઉત્સે પત્તો એનાં કાર્યોનો મેળવ્યો વળી.
નિગૂઢ એક સાન્નિધ્ય ન કો જેને નાણી કે નિયમી શકે,
આ મીઠી-કડવી છે જે જિંદગાની વિરોધાભાસથી ભરી
ત્યાં જે કિરણ ને છાયા કેરો આ ખેલ સર્જતું,
તે દેહ પાસે માગે છે ગાઢ સંબંધ આત્મના
ને જ્ઞાનતંતુના તેજી કંપ દ્વારા એની યાંત્રિક સ્ફૂર્તિના
અંકોડાઓ મિલાવે છે પ્રભા ને પ્રેમ સાથમાં.
કાળના ફેન નીચેનાં અવચેત અગાધથી
આત્માની સ્મૃતિઓ સુપ્ત બોલાવી એ ઉંચે બહાર લાવતું;
સુખી સત્યતણી જવાળા એમની છે ભુલાયલી,
ભાગ્યે જોઈ શકે એવી ભારે આંખે એમનું આવવું થતું,
લાગણીઓ અને ઈચ્છાઓનો ધારી એ છદ્મવેશ આવતી,
જેમ ધેનમહીં ચાલી રહેલી ભરતી પરે
તણાઈ ખડ આવતું
જરા સપાટીએ ઊંચે આવી ડૂબી પાછું જતું વળી.
અશુદ્ધ ભ્રષ્ટ જોકે છે ગતિઓ જિંદગીતણી
છતાં હમેશ છે એનાં ઊંડાણોમાં લીન સ્વર્ગીય સત્ય કો;
આપણા ગાઢમાં ગાઢ તામોગ્રસ્ત ભાગોમાં જવાળ એ જળે.
સૃષ્ટિ કેરી ક્રિયાઓમાં સ્પર્શ એક પ્રભુ કેરા પ્રહર્ષનો,
મહાસુખતણી નાશ પામેલી એક સંસ્મૃતિ,
મૃત્યુ ને જન્મનાં મૂક મૂળોમાંહે હજી ગુપ્ત રહેલ છે.
અસંવેદન સૌન્દર્ય વિશ્વ કેરું
પ્રભુનો પરમાનંદ કરે છે પ્રતિબિંબિત.
રહેલું ગુપ્ત સર્વત્ર સ્મિત છે એ પ્રહર્ષનું;
વહે એ વાયુની લ્હેર, વહે વૃક્ષતણે રસે,
ભવ્યતા રંગની એની પર્ણોમાં ને પુષ્પોમાંહે પ્રફુલ્લતી.
સંવેદે તે સહે છે જે કિંતુ ચાલી કે ચીચી શકતી નથી
ને વનસ્પતિમાં અર્ધ-ઘેનમાંથી જયારે જીવન જાગિયું,
પશુપક્ષીમહીં જાગ્યું, જાગ્યું ચિંતા કરતા માનવીમહીં
ત્યારે હૃદયના સ્પંદો સ્વસંગીતે
એણે તાલ આપનારા બનાવિયા;
અચેતન શિરાજાલો બલાત્કારે એણે જાગ્રત ત્યાં કરી કરી,
બનાવી સુખને માટે કરતી માંગ તેમને,
સંતાપ રળતી કીધી, પુલકાવી પ્રમોદથી
હસાવી અલ્પકાલીન આનંદે ને દુઃખથી કંપતી કરી
ને મહામુદને માટે લાલસાએ ભરી કરી.
સત્તાવાહી, આવાક્, સાચી રીતે ના સમજાયલી,
જયોતિથી અતિશે દૂર, સત્ત્વ કેરા હાર્દની છેક પાસમાં,
શાશ્વતી સંમુદામાંથી કાળે જન્મી અલૌકિક પ્રકારથી,
કરે દબાણ એ મર્મે હૈયાના ને સકંપ જ્ઞાનતંતુ પે;
એની સ્વરૂપની તીવ્ર શોધ ચેતન આપણું
દીર્ણશીર્ણ બનાવતી;
દંશ એ આપણા દુઃખસુખે કારણરૂપ છે;
એના ઉદ્દીપને પૂર્ણ કિન્તુ અંધ નિજ સાચા સુખ પ્રતિ
આત્માની આસ્પૃહા મારે કૂદકાઓ સરંતી વસ્તુઓ પ્રતિ.
રોકાયો રોકાય ના કોથી એવો આખા નિસર્ગનો
તીવ્રેચ્છાએ ભર્યો વેગ
રક્તસ્ત્રોતથકી, તેજી બનેલી ઇન્દ્રિયોથકી
ઉછાળા સાથ આવતો;
એના મૂળમહીં એક સંમુદા છે અનંતની.
આપણામાં વળે છે એ સાન્ત સ્નેહો ને લોલ લાલસા પ્રતિ,
જિગીષા પ્રતિ, પોતાનું બનાવીને પકડી રાખવા પ્રતિ,
અવકાશ અને ક્ષેત્ર જિંદગીનાં વાંછે છે એ વધારવા,
લડવા, જીતવા માગે, માગે સ્વીય બનાવવા,
રાખે આશા અન્ય કેરા હર્ષ સાથે પોતાનાને મિલાવવા.
સ્પૃહા રાખે માલિકીની અને ઝંખે બીજાનીય બની જવા,
વાંછે ભોગવવા પોતે અને ભોગ્ય બનવાનું ચહે સ્વયં,
ભાવાનુભવની રાખે આકાંક્ષા ને આકાંક્ષા જીવવાતણી.
અસ્તિત્વ કાજનો એનો અલ્પજીવી પૂર્વપ્રયાસ હ્યાં હતો,
શીઘ્ર અંત હતો એની ક્ષણજીવી મુદાતણો,
જેની નૈષ્ફલ્યની છાપ સારા અજ્ઞાન જીવને
તંગ પીછો લઇ કરે.
હજી યે જીવકોષોની પર એની આદતો લાદતી રહી,
કાળા અનિષ્ટ આરંભ કેરી છાયા ભૂત જેવી બની જઈ,
આપણાં સ્વપ્ન ને કર્યો કેરી પૂઠ લઇ એ ભમતી રહે.
પાકાં સ્થપાયલાં જોકે છે પૃથ્વી પર જીવનો,
ચાલે આદતનું કાર્ય, કે ભાન કાયદાતણું,
સ્થિર છે પુનરાવૃત્તિ ગતિમાન પ્રવાહમાં ,
છતાં સંકલ્પનાં એનાં મૂળ તો છે એનાં એ જ હમેશનાં;
આ સર્વ વૃત્તિઓ રૂપી સામગ્રીથી થયું નિર્માણ આપણું .
જાગવા માંડતા વિશ્વ કેરો પ્હેલ વ્હેલો પોકાર આ હતો.
છે સંસકત હજી યે એ આપણી આસપાસમાં
ને રાખે છે ચાપડાબંધ દેવને.
બુદ્ધિનો થાય છે જન્મ ને ચૈત્યાત્મા કરે ધારણ રૂપનું
ત્યારે યે પશુમાં સર્પજીવોમાં ને વિચારંત મનુષ્યમાં
રહે છે એ ટકી ને છે મૂળ સર્વ એમની જિંદગીતણું ,
હતી જરૂર આની યે, જેથી શ્વાસ અને જીવન સંભવે.
આત્માએ આ પ્રકારે છે સાન્ત અજ્ઞાન લોકમાં
બચાવી નિજ લેવાની બંદી બનેલ ચેતના,
અચિત્ ની જે સીલબંધ અનંતતા
તેમાંથી તનુ ધારાઓ રૂપે કંપમાન બિન્દુતણે પથે
બળાત્કારે કાઢવાની બહાર છે.
ધીરેથી એ પછી ધારે વિપુલત્વ, ને દૃષ્ટિ જ્યોતિએ કરે.
રહે પ્રકૃતિ આ બદ્ધ પોતાના મૂળ સાથમાં,
પાતળી બળની ચૂડ એને જકડતી હજી;
અચેત ગહવરોમાંથી એની અંધ-પ્રેરણાઓ છલંગતી;
નિર્જીવ શૂન્ય છે એની જિંદગીની પડોશમાં.
સર્જાયું એક અજ્ઞાન જગ આ કાયદા તળે.
તમોગગ્રસ્ત વિરાટો રહસ્યમય કોયડે
રાગોલ્લાસે અને આત્મલોપ મધ્યે અનંતના,
નાકરંતા શૂન્યમાં સૌ જયારે મગ્ન થયું હતું
ત્યારે ગૂઢ લઇ સાથ ત્રિતયી નિજ ક્રોસની
આત્માએ ઝંપલાવ્યું જો હોત ના અંધકારમાં
તો અસત્ ની તીમિસ્રાનું પરિત્રાણ ન કદી હોત સંભવ્યું.
આવાહન કરી વિશ્વતણા કાલે ત્રિકાલાતીત સત્યનું,
શોકમાં પલટાયેલી સંમુદા ને જ્ઞાન અજ્ઞાનતા બન્યું,
ઈશની શક્તિ કો બાલ શિશુ જેમ અસહાય બનેલ, તે
સ્વર્ગ લાવી શકે નીચે પોતના બલિદાનથી.
રચે છે જિંદગી કેરો પાયો એક પરસ્પર-વિરોધિતા :
શાશ્વતે, દિવ્ય સત્-તાએ સ્વવિરોધો સામે સંમુખતા ધરી;
સત્ હતું તે બન્યું શૂન્ય અને ચિત્-શક્તિ જે હતી
તે બની અજ્ઞતારૂપ અને અંધ એક શક્તિતણી ગતિ,
ને ધર્યું પરમાનંદે રૂપ ભુવન-દુઃખનું.
પ્રભુના ગૂઢ નિર્માણતણા નિયમની મહીં
પોતાનાં દૂરનાં લક્ષ્યો જે તૈયાર કરી રહી
તે પ્રજ્ઞાએ આ પ્રકારે ધીરે ધીરે પ્રવર્તતો
પ્રયોજયો છે સમારંભ સ્વીલીલાનો ચાલતી કલ્પકાલમાં.
અર્ધ-દૃષ્ટ પ્રકૃતિની ને છુપાયેલ આત્મની
આંખ-પાટે થતી શોધ, મલ્લયુદ્ધ, ને ફાંફાં મારતી બથ,
ખેલ સંતાકૂકડીનો સાંધ્ય છાયા ભર્યા ખંડોમહીં થતો,
રહે છે ચાલતી લીલા પ્રેમ-દ્વેષ-ભય-આશાભિલાષની
સ્વયંભૂ જોડકાં કેરી મનના બાલમંદિરે---
ધિંગામસ્તી આકરી ને ઉછાંછળી.
પ્રકટી શકતી અંતે શક્તિ સંઘર્ષ સેવતી,
વિશાળતર ક્ષેત્રોમાં
મૌન આત્મા સાથ સાધી નિજ મેળાપ એ શકે;
ત્યારે અન્યોન્યને તેઓ અવલોકી વાતચીત કરી શકે,
જાણી લે એકબીજાને હૈયે હૈયા સાથે વધુ સમીપમાં
આવી લીલાતણા સાથી કેરું હાવે મુખડું નીરખી શકે.
આકાર વણનાં આ જે ગૂંચળાં, મહીંય એ
ચૈત્યના બાલ-ચલન પ્રતિ ઉત્તર દ્રવ્યનો
સંવેદી શકતો હતો.
જોયો પ્રકૃતિમાં એણે બલી બ્રહ્ય છુપાયલો,
પ્રચંડ શક્તિનો એણે બલહીન થતો જનમ નીરખ્યો,
સમસ્યા એ અનુસર્યો દેવ કેરી કામચલાઉ ચાલની,
આછા છંદોલયો એણે સુણ્યા એક ન જન્મેલી
મહા સરસ્વતીતણા.
જાગતી જિંદગી કેરો પછી આવ્યો ઉચ્ચવાસ જળતો વધુ,
અને અંધારથી ઘેર્યો વસ્તુઓના ગર્તોમાંથી ખડી થઇ
વિચિત્ર સૃષ્ટિઓ જેમાં સવિચાર ઈન્દ્રી-સંવેદના હતી,
અર્ધ-સત્ય અને અર્ધ-સ્વપ્ન એ ભુવનો હતાં.
નથી જીવંત રે' વાની આશા જેને એવું જીવન ત્યાં હતું :
જન્મતા જીવ ને લુપ્ત થતા રાખ્યા વિના નામનિશાન ત્યાં,
બનાવો બનતા જે કો અરૂપ એક નાટયનાં
અંગો હતા અને કર્યો હતા, ઈચ્છા જેમને એક આંધળી
પામર પૂતળા કેરી હંકારીને ચલાવતી.
ખોજતી શક્તિએ પોતા માટે માર્ગ મેળવ્યો રૂપ-પ્રાપ્તિનો,
પ્રેમ, હર્ષ અને પીડા માટે એણે નમૂના ઉપજાવિયા,
પ્રતિમાઓ રચી ચિત્તભાવો જેમાં મૂર્ત્ત જીવનના થતા.
સ્વછંદ ભોગનું રાજ્ય જંતુઓનું પાંખોને ફફડાવતું
કે પેટે ચાલતું જતું,
બહિસ્તલીય રોમાંચ સૂર્યસ્નાત માણતું ' તું નિસર્ગનાં,
વ્યાલોના હર્ષ ને જંગી ભુજંગોની મહાવ્યથા
સર્પતી' તી અનૂપો ને કર્દમોમાં સૂર્યને અવલેહતી.
બળો બ્ખતરિયાં ઘોર કંપતી દુર્બલા ધરા
હતાં હચમચાવતાં,
પ્રાણીઓ બળિયાં ભીમ ભેજમાં સાવ વામણાં,
વામણી જાતિઓ ક્ષુદ્ર લાદતી' તી નિજ જીવનની પ્રથા.
વેંતિયા શા નમૂનામાં એક માનવ જાતના
કર્યો પ્રકૃતિએ હાવે પ્રારંભ અનુભૂતિની
છેક અત્યંતતાતણો,--
નિજ પ્રયોજના કેરા તુક્કાની તુંગતાતણો,
ભવ્યતાઓ અને હીન અરૂપોતણી વચે
સોપાનો પર આરોહ એનો અર્ધ-સચેત જે
ચાલી રહ્યો હતો તેના પ્રોજ્જવલ પરિણામનો;
સ્વરૂપો બૃહદાકાર, અણુથી અણુ આકૃતિ,
દેહી ને દેહની વચ્ચે સૂક્ષ્મ કો સમતોલતા,
વ્યવસ્થા બુદ્ધિથી યુક્ત કો એક ક્ષુદ્રતાતણી
સર્જવાનું કાર્ય એણે શરૂ કર્યું.
માનવીની આસપાસ ક્ષણો કેરા તાલ લેનાર કાલમાં
પશુ-જીવોતણું રાજ્ય ખડું થયું,
ક્રિયા જ્યાં સર્વ કાંઈ છે ને હજી યે અર્ધ-જન્મેલ છે મન,
ને મૂગા નવ દેખાતા કાબૂ કેરે વશે હૃદય હોય છે.
અવિદ્યાના પ્રકાશે જે શક્તિનું કાર્ય થાય છે
તેણે જનાવરો કેરો સ્વ-પ્રયોગ શરૂ કર્યો,
ને સચેતન જીવોએ ઠાંસી દીધી પોતાની વિશ્વયોજના;
પરંતુ તેમને ભાન હતું કેવળ બાહ્યનું,
સ્પર્શોને ને સપાટીને
ને એમને ચલાવંતી હતી જરૂરિયાત જે
તેને માત્ર તેઓ ઉત્તર આપતાં.
જીવતો' તો દેહ માત્ર અંતરસ્થ નિજાત્માને ન જાણતો,
આકાંક્ષા રાખતો, એને રોષ, હર્ષ અને શોક થતા હતા;
પોતાને બારણે આવ્યા કો વિદેશી કે શત્રુ સમ દેખતું :
આઘાતોએ ઇન્દ્રિયોના બાંધી આપ્યા હતા એના વિચારને;
રૂપમાં સ્થિત આત્મા ના એની પકડમાં હતો,
દૃષ્ટ વસ્તુતણે હાર્દ એનો પ્રવેશ ના થતો;
કર્મ પાછળની શક્તિ પ્રત્યે એ પેખતું ન ' તું,
વસ્તુઓ પૂઠનો ગૂઢ ઉદ્દેશ પઢતું ન એ,
તે સૌનો પામવા અર્થે પ્રયત્ન કરતું ન એ.
હતા ત્યાં જીવ જેઓએ લીધું' તું રૂપ માનવી;
રહેતા ' તા લીન તેઓ દૃશ્યજન્ય ગાઢભાવાભિલાષમાં,
કિંતુ ના જાણતા પોતે કોણ છે ને કેમ જીવી રહેલ છે :
મોદ પ્રકૃતિનો માત્ર જીવનોદ્દેશ એમનો,
અન્ય લક્ષ્ય ન તે વિના
વસ્તુઓથી બાહ્ય પ્રાપ્ત જે પ્રોત્સાહ થતો હતો,
થતો પ્રમોદ જે પ્રાપ્ત તે જ જીવન તેમનું;
દેહની માંગને પૂરી પાડવાને માટે એ શ્રમ સેવતો,
એથી અધિકને માટે આકાંક્ષા નવ રાખતા
સંતુષ્ટ શ્વસનોથી ને ભાવસંવેદનો થકી
અને કેવળ કર્મથી,
તદાકાર થતા બાહ્ય કોટલા સાથ આત્મના.
તેમનાં ગહનોમાંથી નિરીક્ષંતો દ્રષ્ટા છદ્મે છૂપાયલો
પોતા ઉપર પોતાની અંતદૃષ્ટિ હતો ઠેરવતો નહીં,
કથાવસ્તુતણો કર્ત્તા શોધવા વળતો નહીં,
માત્ર નાટક ને રંગમંચ એ અવલોકતો.
ઊંડી સંજ્ઞાતણો દાબ ચિંતાલીન હતો નહીં,
વિમર્શનતણો બોજ વહેવાનોય ના હતો :
મન પ્રકૃતિને જોતું અણજાણંત આંખથી,
આરાધતું હતું એનાં વરદાનો
ને બીતું ' તું એના ઘોર પ્રહારથી.
વિચાર્યા કરતું ના એ એના જાદૂ ભરેલા નિયમો પરે,
સત્યના ગુપ્ત ઉત્સોને માટે તલસતું ન ' તું,
પત્રકે નોધતું કિંતુ ખીચોખીચ હકીકતો,
જીવંત સૂત્ર પે લેતું હતું સંવેદનો ગ્રંથી :
પૂઠ શિકારની લેતું, ભાગતું, ને વાયરા સૂંઘતું હતું,
તડકે મૃદુ લ્હેરીમાં પડ્યું રે' તું સુસ્ત ને જડ વા બની;
તલ્લીન કરતા સ્પર્શો જગના એહ ઢૂંઢતું,
કિંતુ તે બાહ્ય ઇન્દ્રીને માત્ર ભોગ સુખ કેરો ધરાવવા.
સ્ફૂરણો પ્રાણનાં લ્હેતા હતા તે બાહ્ય સ્પર્શમાં,
પૂઠના ચૈત્યનો સ્પર્શ લહી ના શકતા હતા.
પીડનોથી પ્રકૃતિના પોતાનો પિંડ રક્ષવો,
માણવી મોજ ને રે'વું જીવતા એ
એકમાત્ર એમની કાળજી હતી.
આયુષ્યના દિનો કેરી ક્ષિતિજોની
મર્યાદાઓ એમની સાંકડી હતી,
કરી સાહ્ય શકે યા તો ઈજા એવા પ્રકારની
વસ્તુઓથી અને સત્ત્વોથકી એહ ભરી હતી:
મૂલ્યો જગતનાં ક્ષુદ્ર તેમના પિંડની પરે
આધાર રાખતાં હતાં.
એકાકીકૃત, ને બધાબંધવળાં બૃહત્ અજ્ઞાનની મહીં
ઘેરતા મૃત્યુથી ક્ષુદ્ર જીવનો નિજ રક્ષવા,
સીમા વગરના મોટા વિશ્વના અવરોધની
સામે રચ્યું હતું નાનું રક્ષા-વર્તુલ એમણે :
શિકાર જગનો તેઓ કરતા ને શિકાર એહના થતા,
કિંતુ ના એમણે સેવ્યું કદી સ્વપ્ન જીતી મુક્ત થવાતણું.
આધીન વર્તતા વિશ્વ-શક્તિનાં સૂચનો તથા
બળવાન નિષેધને,
એના સમૃદ્ધ ભંડારોમાંથી માત્ર સ્વલ્પ અંશ જ પામતાં;
સભાન કાયદો નો' તો, નો' તી જીવનયોજના :
વિચારના નમૂનાઓ નાના એક સમૂહના
પારંપરિક આચાર-નિયમ સ્થાપતા હતા.
'ભીતરે ભૂત છે કોઈ' , તે છોડીને અન્ય ના જ્ઞાન આત્મનું,
બદ્ધ યાંત્રિકતા સાથે વણ-ફેરા ચાલતાં જીવનોતણી,
બદ્ધ હંમેશની જેમ મંદ સંવેદના તથા
તાલ શું લાગણીતણા,
પાશવી કામનાઓની ઘરેડોમાં તે ફર્યા કરતા હતા.
પાષાણની રચી કિલ્લેબંદી તેઓ
કરતા કામ ને યુદ્ધો પણ આદરતા હતા,
કરતા હિત થોડુંક ટોળે મળેલ સ્વાર્થથી,
કે ભયંકર દુષ્કૃત્ય કરી ચેતન જીવને
પીડતા ક્રૂરતા કરી,
ને પોતે કૈં નથી બૂરું કર્યું એવું જ માનતા.
સુખશાંતિ ભર્યાં લૂટી ગૃહો ઉત્સાહ દાખતા,
કત્લ-લૂંટ-બલાત્કાર-આગે ઓચાઈ એ જતા,
બનાવતા મનુષ્યોને પોતા કેરો નિ:સહાય શિકાર એ,
જિંદગીભરને દુઃખે બંદિઓનાં ઘણ હાંકી લઇ જતા,
કે તેમને તમાશાને ને મજાને માટે ઘોર રિબાવતા,
મજાકો કરતા યા તો રેંસાતાં બલિદાનની
પીડાઓએ પુલકંત બની જતા;
અસુરો ને સુરો પોતે છે કહીને પોતાને એ પ્રસંશતા,
ગર્વે ગજવતા ગાન નિજ મોટા મહિમાવંત કાર્યનાં,
ને શ્લાધા કરતા પોતે પોતાના જયની અને
પ્રભાવી નિજ શક્તિની.
અંધપ્રેરણથી ચાલી રહેલો પશુ જૂથમાં
પ્રાણવેગે ધકેલાતો,
વશવર્તી થતો બેળે સર્વ સાધારણ કેરી જરૂરને,
પ્રત્યેક જણ જોતો 'તો પોતાના જૂથની મહીં
પોતાના જ અહંના પ્રતિબિંબને;
ટોળાનું લક્ષ્ય ને કાર્ય સર્વે યે સેવતા હતા.
પોતા જેવા હતા જેઓ લોહીથી કે રૂઢ રીતિરિવાજથી
તેઓ તેને લગતા 'તા ભાગ સ્વ-જિંદગીતણા,
અનુબદ્ધ સ્વરૂપો નિજ જાતનાં,
નિજી નિહારિકા કેરા અંગભૂત એના ઘટક તારકો,
એના અહંતણા સૂર્ય કેરા સાથી ઉપગ્રહો.
પોતાથી જિંદગી કેરી પરિસ્થિતિતણો પ્રભુ,
નેતા ખીચોખીચ ભેગા માનવોના સમૂહનો,
સહીસલામતી માટે જોખમોએ ભર્યા જગે
જૂથબદ્ધ બની જતો,
ગૌણ બળો ગણી એણે પોતાની આસપાસમાં
એમને એકઠા કર્યા,
મોરચો સૌ મળી સાથે સૃષ્ટિ કેરી વિરુદ્ધ કરવા ખડો,
યા ઉદાસીન પૃથ્વીની પર પોતે હતો એકલ દૂબળો
ત્યાં રક્ષાહીન પોતાના વક્ષ માટે દુર્ગરૂપ બનાવિયા,
યા તો એકલવાયું જે સ્વ-શરીર, તેનું નૈર્જન્ય ટાળવા.
પોતાની જાતિથી જુદા
હતા તેઓ મહીં તેને શત્રુ ગંધ આવતી,
તજવા યોગ્ય ને બીને ચાલવા યોગ્ય એ બળો,
લગતા 'તા વિદેશીય અને ભિન્ન પ્રકરના
લગતા 'તા અજાણ્યા ને વિરોધી દ્વેષપાત્ર એ
સંહારી નાખવા સમા.
અથવા તો રહેતો એ રહે જેમ પ્રાણી એકલદોકલ;
સૌ સામે મોરચો માંડી એકલો એ ભાગ્યભાર ઉપાડતો.
વર્તમાન ક્રીયાલીન અને લીન પલાયંતા દીનોમહીં,
તત્કાલલાભની પાર જોવા કેરો કો વિચાર કરંત ના,
ના સ્વપ્ન સેવતો દેવા બનાવી આ ધરાને વધુ ફૂટડી,
કે ના અનુભવંતો કો દિવ્ય સ્પર્શ ઓચિંતો હૃદયે થતો,
ભાગતી ક્ષણ જે દેખતી ખુશાલી, ને જે પ્રમોદ કામના ઝડપંત, ને
પામતી અનુભૂતિ જે,
ગતિ, ત્વરા અને શક્તિ, હતો તેની મહીં આનંદ પૂરતો,
દેહની લાલસાઓમાં ભાગીદારી, ઝગડો, ખેલકૂદ, ને
અશ્રુ ને હાસ્ય ને જેને પ્રેમ નામ અપાય છે
તેની જરૂર--એ સૌમાં હતો આનંદ પૂરતો.
સંઘર્ષે યુદ્ધ કેરા ને સમાશ્લેષે પ્રાણીની આ જરૂરતો
સંયોજાઈ વિશ્વ-જીવન શું જતી,
ન જાણતાં સદા એક એવા આત્મસ્વરૂપને,
વિચ્છિન્ન એકતા કેરાં મલ્લયુદ્ધ પરસ્પર
દુઃખ ને સુખ લાદતાં.
મોદ ને આશથી સજ્જ પોતાનાં સત્ત્વને કરી
અર્ધ-પ્રબુદ્ધ અજ્ઞાન હાથપગ અફળતું
દૃષ્ટિ ને સ્પર્શથી બાહ્ય વસ્તુરૂપ જાણવા મથતું હતું.
અંધસ્ફુરણ ઉદભવ્યું;
સ્મૃતિની ગાઢ નિદ્રામાં અતલાબ્ધિતણે તલે
જાણે કે હોય ના તેમ ભૂત જીવી રહ્યો હતો:
તેજી બનેલ ઇન્દ્રીને ઉલટાવી દઈ અર્ધ-વિચારમાં
હસ્તે ફંફોસતો સત્ય શોધવા આસપાસ એ
પ્રાણશક્તિ ફાંફાં મારી રહી હતી,
જે કૈં થોડું પહોંચાતાં મળ્યું તેને
ચાંપી હૈયે સરસું રાખતી, અને
નીચેની ચેતના કેરાં પોતાનાં ગહવરોમહીં
રાખતી 'તી અલાયદું.
આ રીતે છાયથી છાયા જીવે જ્યોતિ અને સામર્થ્થની દિશે
સાધવાની હોય છે વૃદ્ધિની દશા,
ને ઉચ્ચતર પોતાના ભાવિ પ્રત્યે ચડવાનુંય હોય છે,
જોવાનું હોય છે આંખ ઊંચકી પ્રભુની અને
આસપાસ આવેલા વિશ્વની પ્રતિ,
શીખી નિષ્ફળતામાંથી લેવાનું હોય છે, અને
પાત દ્વારા સાધવાની વળી પ્રગતિ હોય છે,
પરિસ્થિતિ અને ઘોર દૈવ સામે લડવાનુંય હોય છે,
પોતાના ગહનાત્માને શોધવાનો હોય છે દુઃખને સહી,
ને કરી પ્રાપ્તિ પોતાનાં વિરાટોએ વધવાનુંય હોય છે.
અટકી અર્ધ માર્ગે એ, શ્રદ્ધા એની રહી નહીં.
આરંભ વણ ના બીજું કશું સિદ્ધ થયું હતું,
છતાં એની શક્તિ કેરું ચક્ર પૂરું થયેલું લાગતું હતું,
ટીપી એણે હતા કાઢ્યા તણખાઓ ખાલી અજ્ઞાનમાત્રના,
મન ના, એકલો પ્રાણ વિચારી શકતો હતો,
ઈન્દ્રી સંવેદતી' તી, ના ચૈત્ય સંવેદતો હતો,
જીવન જવાળની થોડી ઉષ્મામાત્ર પ્રકટાવાયલી હતી,
અસ્તિનો અલ્પ આનંદ, હર્ષપૂર્ણ કૂદકા ઇન્દ્રિયોતણા.
હતું સૌ પ્રેરણાવેગ અર્ધ-સચેત શક્તિઓ,
પ્રસરેલી હતી સત્-તા ડૂબાડૂબ ગાઢ જીવનફેનમાં,
સંદિગ્ધરૂપ કો આત્મા વસ્તુઓના આકારો ઝાલવા જતો.
બધા પૂઠે શોધ પાત્રો માટે ચાલી રહી હતી
જેમાં આરંભનો દ્રાક્ષાસવ કાચો ભરાય પરમેશનો,
પૃથ્વી-પંકે છવાયેલી પરમોચ્ચ ઝીલી શકાય સંમુદા,
સ્તબ્ધ બનેલ આત્મા ને મન મત્ત બનાવતો,
પ્રહર્ષણતણા કાળા રગડાનો દારૂ ભાન ભુલાવતો,
નિસ્તેજ, નવ ઢાળેલો હજી અધ્યાત્મ રૂપમાં,
તમોગ્રસ્ત રહેવાસી વિશ્વના અંધ હાર્દનો,
સંકલ્પ અણજન્મેલા દેવનો ને એક આવક કામના.
તૃતીય સૃષ્ટિએ હાવે ખુલ્લું સ્વમુખને કર્યું.
ઢાળો એક બનાવાયો શરૂઆતતણા દૈહિક ચિત્તનો.
અસ્પષ્ટ વિશ્વની શક્તિ મહી એક જાગી ચમક જયોતિની;
જોતા વિમર્શનો ભાવ આપ્યો એણે હંકારાયેલ વિશ્વને,
ને કર્મને સજ્જ ક્રિયાશીલ સૂચિકાથી વિચારની :
કાળનાં કરતૂકોને વિચાર કરતું લઘુ
સત્ત્વ નિરીક્ષતું થયું.
નીચેથી એક મુશ્કેલ જે ઉત્ક્રાંતિ થતી હતી
તેના આવાહને આણ્યું ઊર્ધ્વમાંથી માધ્યસ્થ્ય છદ્મવેશમાં;
નહીં તો અંધ આ મોટું અચિત્ વિશ્વ છુપાયલા
પોતાના મનનો આવિષ્કાર હોત કદીયે ન કરી શક્યું,
અથવા ડાબલાધારી છતાં વિશ્વરચનાને પ્રયોજતી
બુદ્ધિ કરી શકી ન્હોત કાર્ય પ્રાણીવર્ગમાં ને મનુષ્યમાં.
એણે આરંભમાં જોઈ મન:શક્તિ ઝાંખી છાયે તમિસ્રની
અચિત્-દ્રવ્યે અને મૂક પ્રાણે આવૃત ચાલતી.
પાતળી ધાર રૂપે એ વહેતી' તી
સુવિશાળ ઓઘમાં જિંદગીતણા,
ઉલ્લોલિત તરંગો તે ઝબકંતાં ધ્રુજતાં ધોવાણો વચે,
ઇન્દ્રિયજ્ઞાનની છોળે ને મોજાંની મધ્યે સંવેદનોતણાં
બંધમુક્ત બની જઈ.
અચેત એક જગના ઊંડો ગહન મધ્યમાં
દોડતી 'તી ચેતનાની એની સંકુલ ઉર્મિઓ
લઈને ફેન સાથમાં,
સાંકડી ધુનિમાં એક આક્રામંતી વમળો રચતી વળી,
સમૂહિત ગતે એની અનુભૂતિ વહી જતી.
પડદા પૂઠના એના જન્મ કેરા ઊંડા આશય માંહ્યથી
ઊંચેની જ્યોતિમાં બ્હાર આવી એણે વહેવાનું શરૂ કર્યું,
હજી અજ્ઞાત કો ઊર્ધ્વ અસ્તિત્વ પ્રતિ પ્હોંચવા.
વિચાર કરતો જીવ હતો ના, ને લક્ષ્ય કોઈ હતું નહીં :
ઓળખાય નહીં એવા દબાણરૂપ સૌ હતું,
હતાં અન્વેષણો અસ્પષ્ટતા ભર્યાં .
ખાલી સંવેદનો, ઘાવ, ને ધારો કામનાતણી,
આવેશોના ઉછાળાઓ, ને પોકારો અલ્પ-જીવંત ઊર્મિના,
પ્રસંગોપાત્ત સંલાપ પિંડનો પિંડ સાથેનો,
નિ:શબ્દ ઝંખતા હૈયા પ્રતિ હૈયાતણો મર્મરતો ધ્વનિ,
વિચારરૂપ ના લેતાં એવાં સ્ફુરણ જ્ઞાનનાં,
અવચેતન આકાંક્ષાતણી શેડો ને ખેંચાણો ક્ષુધાતણાં,--
આ માત્ર આવતાં ઊંચે સપાટી પર અસ્થિરા.
ફેણાતા શિખરે સર્વ ક્ષાખાં લસિત શું હતું :
શક્તિ ને કાળના એક અચિત્ પૂરે તણાતા છાય-રૂપની
આસપાસ હતું એ સૌ ગોળ ગોળ ફર્યે જતું.
પછી દબાણ આવ્યું ત્યાં દેખતી એક શક્તિનું
ને એ ખેંચી ગયું સૌને નર્તતા ને ડોળા એક સમૂહમાં,
જે પ્રકાશંત કો એક બિન્દુની આસપાસમાં
ઘૂમી ગોળ રહ્યો હતો,
સચેત ક્ષેત્રમાં કેન્દ્રરૂપ જેહ સંબંધો બતલાવતું,
જે એકાત્મકતા યુક્ત હતું રૂપ એક અંત:સ્થ જ્યોતિનું.
આવેગ અર્ધ-સંવેદી પૂરનો અજવાળતું,
જગાડતું હતું એહ ભ્રમ સંસ્થિરતાતણો
જાણે કે સિંધુ કો એક કરી કામ શકે નક્કર ભોમનું.
અદભુત નિરીક્ષંતી શક્તિએ ત્યાં બેળે લાદી સ્વદૃષ્ટિને.
પ્રવાહિત પરે એણે બલાત્કારે સીમા ને રૂપ સ્થાપિયાં,
તેના વહેણને આપ્યો નીચેનો તટ સાંકડો,
રેખાકંન કર્યું જાળે ઝાલવાને આત્મા કેરી અરૂપતા.
પશુપક્ષીતણા એણે પ્રાણિક મનને ઘડયું,
સર્પોને ને માછલીઓને કર્યાં ઉત્તર આપતાં,
માનવીના વિચારોની આધ આયોજના કરી.
સાન્ત રૂપ લઇ આવી હિલચાલ અનંતની
પાંખોએ કરતી માર્ગ કાળના વાયુ-વિસ્તરે;
અજ્ઞાનમાં થવા માંડયાં આગેકદમ જ્ઞાનનાં,
સંરક્ષી રૂપમાં રાખ્યો એણે ચૈત્ય-આત્મા એક અલાયદો.
એનો અમરતા કેરો હક એણે અનામત બનાવિયો,
કિન્તુ મૃત્યુતણા ઘેરા સામે એણે ભીંત એક ખડી કરી,
ને નાખી આંકડી એક ઝાલી લેવા માટે શાશ્વતતા વળી.
વિચાર કરતું એક સત્વ પામ્યું પ્રાકટય અવકાશમાં.
પ્રકટ્યું આંખની સામે જગ એક નાનું શું ને વ્યવસ્થિત,
જ્યાં ચેષ્ટા ને દૃષ્ટિ માટે આત્મા પાસે કેદની કોટડી હતી,
ક્ષેત્ર-ગોચરતા સ્પષ્ટ છતાંયે સ્વલ્પ શી હતી.
હથિયારતણું કાર્ય કરનારું વ્યક્તિત્વ જન્મ પામિયું,
જન્મી માર્યાદિતા બુદ્ધિ ચાપડાએ બદ્ધ, જે નિજ ખોજને
સાંકડી હદમાં રુદ્ધ રાખવાનું કબૂલતી;
એ દૃશ્ય વસ્તુઓ સાથે બાંધી વિચાર રાખતી.
નિષેધતી હતી એહ સાહસ અણદીઠનું,
ને જે અનંતતાઓ છે અવિજ્ઞાન
ત્યાં આત્માનાં પગલાંને જવાની કરતી મના.
પ્રતિક્ષિપ્ત ક્રિયાયુક્ત બુદ્ધિશક્તિ-
આરસી જે અભ્યાસોની નિસર્ગના,
તેણે પ્રાણ ઉજાળ્યો ને
પ્રેર્યો એને જ્ઞાન પ્રત્યે ને પોતાનું ક્ષેત્ર સ્થિર બનાવવા,
સ્વીકારી જોખમે પૂર્ણ અજ્ઞાનભર અલ્પતા,
અનિર્ણાયક સ્વીકારી હેતુ ગમનમાર્ગનો
નિજ કાજ અપાયેલી સીમાઓમાં રહીને નિજ ભાગ્યની
તત્કાલ દૈવ-આધીન યદ્દચ્છાએ મળ્યો લાભ ઉઠાવવા.
સ્વપરિસ્થિતિના એક ઉપસાટે પ્રલંબતા
ને એક ગ્રંથિને રૂપે બદ્ધ આ ક્ષુદ્ર જીવને
થોડોક હર્ષ ને જ્ઞાન પણ થોડું સંતોષ આપતાં હતાં,
અમાપ અવકાશે એ
કાપી પૃથક્ કરાયેલી ક્ષુદ્ર એક વૃત્તરેખા સમો હતો
આખા વિરાટ કાળે એ હતો ગાળો નાનો શો જિંદગીતણો.
યોજના કરનારો ત્યાં હતો એક વિચાર ને
હતી ઈચ્છા કરનારી મથામણો,
કિંતુ તે સૌ હતું ક્ષુદ્ર ક્ષેત્રે ક્ષુદ્ર હેતુઓ પાર પાડવા,
ને તેમાં વેડફાતો 'તો બેશુમાર
શ્રમ વસ્તુ ક્ષણભંગુર પામવા.
પોતે કીચડનો કીડો છે તે એ જાણતો હતો;
માગતો એ ન 'તો કોઈ વિશાળતર ધર્મને
યા ઊર્ધ્વતરની હવા;
ન 'તી અંતર્મુખી એની દૃષ્ટિ ને ના મીટ ઉપરની દિશે.
નબળી તર્કની પીઠે પાછે રે'નાર છાત્ર શો
સ્ખલંતી ઇન્દ્રિય દ્વારા અનુશાસન પામતો,
માની આભાસને લેતો મુખ એ પરમેશનું.
આપાતિક પ્રકશોને સૂર્યો કેરી એ આગેકૂચ માનતો,
સંદિગ્ધ નીલના તારાપટને એ સ્વર્ગનું નામ આપતો,
સત્-તા કેરાં સ્વરૂપો માની લેતો અખિલાત્મ સ્વરૂપ એ.
તુચ્છ વિચાર ને તુચ્છ કર્મો કેરું હતું એક બજાર ત્યાં,
ઉદ્યોગી આપ-લે કેરો હતો કોલાહલ ધ્વનિ:
ખર્ચાઈ શીઘ્ર જાનારી જિંદગી ને
મન દેહતણા દાસત્વમાં રહ્યું
લાગતાં 'તાં પ્રકૃતિનાં કર્યોનો હ્યાં તાજ ઝળક મારતો,
અને છોટી અહંતાઓ માની સાધન વિશ્વને
વામણી લાલસાઓ ને અલ્પ જીવંત કામને
ઓચાવી નાખતી હતી,
મોતે બંધ કર્યા માર્ગે જિંદગીનો આદિ-અંત નિહાળતી
જાણે કે આંધળી એક ગલી માત્ર હોય ના ચિહ્ નું ન સૃષ્ટિનું,
જાણે કે આટલા માટે ચૈત્યે રાખી હોય ના જન્મની સ્પૃહા
સ્વયંસર્જનકરી આ જગ કેરી ભોમે આશ્ચર્યથી ભરી,
વિશ્વાવકાશમાં પ્રાપ્ત થતા અવસરોમહીં.
જીવ આ જીવવા માટે રાગાવેગ ધરાવતો,
વિશાળ-ગતિ ના એવા વિચારોની શ્રુંખલાઓમહીં પડયો,
દેહ કેરી જરૂરોની ને તેના સુખદુઃખની
જંજીરે જકડાયલો,
ઈંધણાના મૃત્યુ દ્વારા અગ્નિ આ વૃદ્ધિ પામતો,
જેને એ ગ્રસ્તો તેને પોતા કેરું બનાવી બઢતો જતો :
જમા કર્યે ગયો, વાધ્યો, કોઈને ના કર્યું આત્મસમર્પણ.
પોતાની બોડમાં ખાલી આશા એણે નિષેવી મહિમાતણી,
શક્તિનાં ક્ષુદ્ર ક્ષેત્રોમાં મોજ માગી, જયશાળી થવા ચહ્યું,
નિજાર્થે ને કુટુંબાર્થે જીવવાની જગાને જીતવા ચહ્યું,
પશુ માત્ર બન્યો ભક્ષ્યસ્થાન કેરી સીમામધ્યે પુરાયલો.
સ્વગૃહે અમરાત્મા જે તેને તે જાણતો ન 'તો,
વધુ મોટો અને ઊંડો હેતુ એની જિંદગીનો હતો નહીં.
મર્યાદાઓમહીં માત્ર શક્તિસંપન્ન એ હતો;
બ્હારના ઉપયોગાર્થે સત્ય સાહી લેવા તેજી બતાવતો,
એનું જ્ઞાન દેહ કેરું હથિયાર બન્યું હતું;
એના કારાવાસ કેરાં લધુ કર્યો મહીં તલ્લીન એ રહી
એના એ જ રહેતાં, ના પરિવર્તન પામતાં
બિંદુઓની આસપાસ એ ફર્યા કરતો હતો રસ
રસ ને કામના કેરા એના ચકરાવમાં,
કિન્તુ એ મનતો કે છે પોતે પોતાતણી જેલતણો ધણી.
સર્જાયેલ ક્રિયા માટે-જ્ઞાન માટે નહીં, છતાં
એના શિખરને ભાગે છે વિચાર, યા મોરીની કિનારી પે :
બાહ્યના જગ કેરી એ પ્રતિમાને વિલોકતો,
સપાટી પરની જાત નિજ જોતો, ના કૈં અધિક જાણતો.
ધીરી ગૂંચાયલી ક્ષુબ્ધ સ્વરૂપશોધમાંહ્યથી
મને વિશદતા સાધી, સ્પષ્ટ ચોક્કસ એ બન્યું,
પાષાણજડ અજ્ઞાને પરિબદ્ધ બન્યું ચમકતી ધુતિ.
બદ્ધવિચારવાળી આ રુદ્ધ દોરવણીમહીં
માટી સાથે જડાયેલી ને પ્રેરાતી પામર વસ્તુઓ થકી,
પુરાયેલી પરિચિતા સૃષ્ટિ શું સંકળાયલી,
સહેતુક કથાવસ્તુ કેરા એના સમૂહમાં
નવા નવા નટો આવે અને લાખો છદ્મવેશ ધરાય ત્યાં,
લીલાનાટકમાં એકવિધતાએ ભરેલી જિંદગી હતી.
આત્માનાં ત્યાં ન 'તાં દૃશ્યો વિરાટ વિસ્તરો ભર્યાં,
ન 'તાં આક્રમણો વેગી અવિજ્ઞાત મુદાતણાં,
વિશાળી મુક્તિનાં નો'તાં સુવર્ણાયિત અંતરો.
આપણા આયખા કેરા દિવસોની સમાન આ
અવસ્થા ક્ષુદ્ર છે છતાં
ફેરફાર ન જ્યાં એવા
નમૂનાની શાશ્વતીની સાથે છે સંકળાયલી,
ક્ષણની ગતિ પામેલી દંડ સારા કાળમાં ટકવાતણો.
સેતુની જેમ અસ્તિત્વ અચિત્ ગર્તો પરે નંખાયલું હતું,
અર્ધ ઉજાશ પામેલું બાંધકામ હતું ધુમ્મસની મહીં,
રૂપની રિક્તતામાંથી થઇ ઊભું દૃષ્ટિગમ્ય બન્યું હતું,
ને આત્માના શૂન્યમાંથી આવેલું ઐ હતું બહાર નીકળી.
જરીક જ્યોતિ જન્મેલી મહાન અંધકારમાં,-
જિંદગીને ન 'તું જ્ઞાન કે પોતે છે ક્યાં ને આવેલ ક્યાં થકી.
તરતો 'તો હજી ધૂમ અવિદ્યાનો સર્વની આસપાસમાં.
ક્ષુદ્ર પ્રાણના દેવતાઓ
રાજા અશ્વપતિ હવે ક્ષુદ્ર પ્રાણના સામ્રાજ્ય આગળ આવી ઊભો. રૂઢ રૂપોવાળી, નિશ્ચિત તેમ જ સંકુચિત શક્તિની એ સૃષ્ટિ અનંતતાના એક દુઃખપૂર્ણ ખૂણામાં આવેલી હતી. આસપાસ ધુમ્મસથી ઘેરાયેલી એ સત્ય, આત્મા અને પ્રકાશથી બચેલી રહેતી હતી.
તેજની કટાર જેવી દૃષ્ટિથી જોતાં રાજાએ ત્યાં હજારો સત્વો જોયાં. અંધારાની આડશમાં રહી તેઓ પોતાના કાવાદાવા કરવામાં ને નાની નાની તરકીબો રચી વિનોદ કરવામાં રત રહેતાં હતાં. અધમતામાં તેઓ આળોટતાં, ગંદકીથી ભરેલાં રહેતાં અને કઢંગા જાદુઈ ઢંગથી કરતૂકો કર્યા કરતાં. ભૂત, પિશાચ, જીન, પરિસ્તાનીઓ, અર્ધપશું, અર્ધદેવ, પતિતાત્માઓ અને બંદી બનેલી દિવ્યતાઓ ત્યાં દૃષ્ટિગોચર થઈ. એ સૌના વિપરીત કાર્યથી હર્ષ દુઃખમાં પલટાઈ જતો, એમની ઝેરી ફૂંકથી જ્યોતિ:પ્રદીપ બુઝાઈ જતો, એમનો પ્રેરાયો જીવ કાળા કીચડમાં પડતો ને વિનાશને પંથે વળતો.
જ્યાં આત્મારહિત મન હોય છે, જ્યાં જીવનોને સાચું માર્ગદર્શન મળતું નથી, જ્યાં માણસો ક્ષુદ્ર દેહાભાસમાં જ રહે છે, જ્યાં પ્રેમ નથી, પ્રકાશ નથી, જે જ્યાં ઉદારતાનો અભાવ છે ત્યાં ત્યાં એ અધમ સત્વો પહોંચી જાય છે ને પોતાનું મલિન કાર્ય આરંભી દે છે.
જ્યાં સુધી માણસ અજ્ઞાન અવસ્થામાં રહે છે, પરમ જ્યોતિથી દૂર હોય છે, એનામાં દિવ્ય સંવાદિતા આવી હોતી નથી, અકળનો ને અનંતનો આનંદ એના અનુભવમાં આવ્યો હોતો નથી, જીવનમાં જડતાનું શાસન ચાલતું હોય છે, આપણો બદ્ધ આત્મા મુક્ત થયો હોતો નથી ત્યાં અધોભુવનના ગર્તોનો પ્રભાવ
પોતાનું અપવિત્ર કાર્ય કરી શકે છે. પરંતુ એક મહાસમર્થ હસ્ત જયારે અજ્ઞાનના આભામંડળને હડસેલી આઘું કરે છે ને આપણામાં અનંત દેવ સાન્તનાં કર્યો પોતે કરવા માંડે છે ને આપણી પ્રકૃતિ પ્રકાશમાં પ્રવેશ કરે છે ત્યારે બદલાઈ જાય છે અને આ અધોભુવનનું જીવન દું:સ્વપ્ન પેઠે સમાપ્ત થઇ જાય છે.
પ્રાણમાં કાર્ય કરતું મન એક વિચાર કરતા ક્ઠપૂતળા જેવું છે. માણસને પ્રવર્તાનાર બળો જોઈ શકતાં નથી. જ્યોતિનું અનુકરણ કરનાર એ બળોનો પ્રભાવ અંધકારમાં રહેલા જીવો ઉપર પડે છે. ઉચ્ચતર સત્ય સામે એમનો બળવો હોય છે ને આસુરી શક્તિઓ જ એમને અધીન રાખે છે. અધમ જીવનો એમની બનાવેલી ઈમારતો છે. કામનાકીચડમાં એ આપણને ગરક કરે છે, જીવનની ક્ષુદ્રતાના રંગોએ ભર્યું કરુણાન્ત નાટક એમની પ્રયોજના છે, ને આ ઝેરવેરનું, વાસનાઓનું, રોષોનું, ક્ષુદ્ર નાટક ભજવતો માણસ અંતે મરણશરણ થઇ જાય છે.
પૃથ્વી ઉપર ચેતન પ્રકટયું ત્યારથી માનવપશુંનું જીવન આ ક્ષુદ્રતાના રોગોનો ભોગ બનતું આવ્યું છે. એની નાનકડી સફળતાઓ આત્માની નિષ્ફળતાઓ છે. જીવન જીવવા માટે કષ્ટો ભોગવવાં પડે છે ને અંતે મૃત્યુ રૂપ વેતન આપવું પડે છે.
વખતો વખત આત્માનો ઉચ્વાસ આવે છે, પણ થોડી વારમાં જ તે પાછો વળી જાય છે. માણસ એને ધારવાને સમર્થ હોતો નથી, લડતો-ઝગડતો માણસ સંહારની રમતો રમતો જાય છે. આત્માની ખોજ માટે એ નવરો થતો નથી. એનું જ્ઞાન અજ્ઞાનના ઘરમાં રહેલું છે, એની શક્તિ સર્વશક્તિમાનનો સ્પર્શ પામી શક્તિ નથી, સ્વર્ગીય આનંદનો પરિચય એને માટે વિરલવિરલ હોય છે.
સાયન્સ આવે છે, જડતત્વની અનંતતાને આગળ કરે છે, બધું ગાણિતિક બનાવી દે છે. ફિલસૂફી હવાઈ વિચારોમાં વિહરે છે; આ દેવાળીયાપણામાં ધર્મ આવે છે ને ખાતા વગરના ચેક લખી આપે છે, જીવો વ્યર્થ જીવન છોડી અજ્ઞાતના અંધકારમાં જાય છે, પણ મૃત્યુનો અપાયેલો અમરત્વનો પરવાનો સાથે લેતો જાય છે.
આ બધું કામચલાઉ છે. આ સપાટી પરની શક્તિઓમાં જ્ઞાન પરિસમાપ્ત થતું નથી. અંતરના અંતરમાં રહેલા પ્રભુથી જગત પ્રકંપિત થયું હોય છે. અનનુભૂત આત્મા દોરતો હોય છે. બધું જ કાંઈ આંધળી પ્રકૃતિનું કાર્ય હોતું નથી. ધ્યેયસ્થાને પરમાત્મા વિરાજમાન છે, એક શબ્દ, એક જ્ઞાન આપણને નીરખી રહ્યું છે, એક આંખ અવલોકન કરી રહેલી છે. પ્રભુની શરતદોડમાં આપણું મન પ્રારંભક છે, આપણા આત્માઓ પરમાત્માના પ્રતિનિધિઓ છે. પ્રકૃતિનાં પય પીતો પ્રભુ બાળ-સ્વરૂપે વૃંદાવનમાં યમુનાતીરે વાંસળી વગાડી રહ્યો છે ને એ આપણા પોકારની રાહ જોઈ રહ્યો છે.
અવગુંઠિત પ્રભુના આનંદમાંથી વિશ્વો ઉદ્દભવ્યા છે, શાશ્વત સૌન્દર્ય રૂપ લેવા માગે છે; એ કારણે આપણાં હૃદયો ને ઇન્દ્રિયો સુધ્ધાં પરમ સૌન્દર્ય ને અમરાનંદ માટે ઝંખે છે.
પ્રભુના સત્યને આપણે ક્રોસ પર ચઢાવ્યું છે, કે જેથી દિવ્ય દેહમાં એ અવતાર લે, માણસ બનીને આપણા આલિંગનમાં આવે.
કાળના આપણા જીવે, છાયાલીન આત્માએ, તમોગ્રસ્ત સત્-તાના જીવતા વામને ક્ષુદ્ર વ્યાપારોમાંથી બહાર નીકળી ઉપર આરોહવાનું છે, પરમ અતિથિની મૂર્તિમાં ઢાળવાનું છે, પરમ શક્તિનાં પય:પાન કરવાનાં છે, રાત્રીની માયાજાળમાંથી મુક્ત થઇ, ગર્તોની ગુલામીમાંથી છૂટી, બાલપ્રભુને પગે પડવાનું છે, સૌન્દર્ય, પરમાનંદ ને પ્રેમથી પ્રકંપિત થવાનું છે, મનની પાર પહોંચવાનું છે, પશુને પ્રભુના દેવતાસ્વરૂપથી ચકિત કરવાનું છે, અભીપ્સાની જવાળા પ્રજવલિત કરી દેવોની શક્તિઓનું આવાહન કરવાનું છે, મર્ત્ય જીવનની હીનતાનો અંત આણી પાતાળોને સ્વર્ગારોહણના માર્ગમાં ફેરવી નાખવાનાં છે, ગહનોને પરમ જ્યોતિથી પ્રકાશ-માન બનાવવાનાં છે.
અધોગત પ્રાણનાં ભયંકર ધુમ્મસ, અંધાધૂધી, પિશાચી દેવતાઓની મુખા-કૃતિઓ, ભૂતના ભડકાઓ અને મેલા મર્મરાટની વચ્ચે થઈને અશ્વપતિ પસાર થાય છે. એના આત્માની જ્યોતિ એને માટે સૂર્યપ્રકાશ બની જાય છે.
રૂપો સ્થંભિત છે જેમાં એવી શક્તિ સ્થિર ને સંકડાશની,
શાશ્વતી-મધ્યમાં એક ખૂણો અસુખથી ભર્યો,
ક્ષુદ્ર જીવનનું એવું એણે સામ્રાજ્ય નીરખ્યું.
બોધભાવતણી ધાર પર એ નિવસ્યું હતું,
સંરક્ષાયેલ અજ્ઞાને, હોય ના જેમ કોટલે.
પછી આશા કરી એણે જાણવાની રહસ્ય ના જગત્ તણું :
એના દૃશ્યતણી સ્વલ્પધાર પાર એણે ધારી નિહાળ્યું;
અનંતની પરે લાદી દઈને લઘુરૂપતા
એને ચલાવતી 'તી જે શક્તિ ને જે બોધભાવે
બનાવ્યું એહને હતું,
ક્ષુદ્રતા પર એની જે સત્-તા સત્તા ચલાવતી,
દિવ્ય નિયમ, આપ્યો 'તો જેણે એને અસ્તિનો અધિકાર, ને
નિસર્ગ પરનો એનો દાવો, કાળે જરૂરિયાત એહની,-
આ સૌને બાહ્યથી સ્પષ્ટ એની અસ્પષ્ટતાથકી
એણે જુદૂં પાડીને જાણવા ચહ્યું.
સ્વલ્પ ઉજાશવાળા ને સાંકડા આ ખંડને ઘેરનાર એ
ધૂમધુમ્મસમાં એણે દૃષ્ટિ ઊંડાણમાં કરી,
અજ્ઞાનનાં નભોથી ને સાગરોથી ખંડ વીંટળાયલો હતો,
સત્ય, આત્મા અને જ્યોતિ સામે એને
પેલું ધૂમધુમ્મસ રક્ષતું હતું.
રાત્રીના અંધ હૈયાને ચીરે જયારે ખોજબત્તીતણી પ્રભા
ને ઘરો, તરુઓ, રૂપો માનવોમાં છતાં થતાં,
જાણે કે શૂન્યની મધ્યે આંખ સામે પામ્યાં હોય પ્રકાશ ના,
તેમ છુપાયલી સર્વે વસ્તુઓના ચિરાઈ પડદા ગયા
ને એની દૃષ્ટિની સૂર્ય-શુભ્રતામાં એ પ્રત્યક્ષ થઇ ગઈ.
કાર્યમાં વ્યગ્ર ને વ્યગ્ર ચિત્તે એવી કઢંગી વસતી તહીં
ઉભરાતી હતી કાળી હજારોની સંખ્યામાં અણ-ઓળખી.
લપેટી વિશ્વનું દૃશ્ય લેતા એક ધુમ્મસે ગુપ્તતાતણા
હતા પ્રવૃત્ત ત્યાં ક્ષુદ્ર દેવતાઓ કાળના અવચેતને :
સ્વર્ગની શાસતી આંખો થકી દૂર કાર્ય એ કરતા હતા,
જેમને એ ચલાવંતા તે સત્વોની
જાણ બ્હાર ષડયંત્રો રચતા હતા,
માણતા મોજ આ નાનાં રાજ્યો કેરાં નાનાં કાવતરાંતણી
નાનાં નાનાં છળોની યોજના કરી,
અલ્પકાલીન આશાઓ, ઉત્કંઠાએ ભરેલાં પગલાં લધુ,
ક્ષુદ્ર રીતો, અંધકારે અને ધૂળતણીરજે
ઉરગોના સમાં આળોટણો દેતાં હતાં આનંદ એમને,
ઢળી પાયે-લાગણાં ને સર્પતી જિંદગીતણી
નામોશીમાં પડતી એમને મજા.
ગભરામણમાં રે'તો પચરંગી સમૂહ એક ત્યાં હતો,
ચિત્રવિચિત્ર ને અસ્તવ્યસ્ત કારીગરો જાદૂગરીતણા
મૃદુ માટી જિંદગીની ઘડતા ત્યાં નજરે પડતા હતા,
પેદાશ એ પિશાચોની હતી, સત્ત્વો હતાં એ પંચ તત્વનાં.
ટેવાયેલાં ન 'તાં જેથી એવા તેજ વડે તાજુબ એ થતાં,
છાયાઓમાં રહ્યો લીન, ચમકી બ્હાર આવતાં
વિકૃતાંગી દુષ્ટ સત્તવો, કંડારેલાં મુખો જાનવરતણાં,
પરીઓ સૂચના દેતી, ભૂતપ્રેતો, કૃત્યાઓ લધુરૂપિણી,
જીનો ઠીક વધારે કૈં છતાં આત્મહીન, દરિદ્ર લગતા,
જીવો પતિત જેઓનો દૈવી અંશ નાશ પામી ગયો હતો,
દેવતાઓ પથભ્રષ્ટ ફસાયેલા કાળની ધૂળની મહીં.
અજ્ઞાને પૂર્ણ ઈચ્છાઓ જોખમી ત્યાં હતી સામર્થ્થથી સજી
અર્ધ પશુતણાં, અર્ધ દેવતાનાં ભાવ ને રૂપ ધારતી.
આછા અંધારની પૃષ્ટભૂમિના ધૂસરાટથી
એમના મર્મરાટો ને બળ-ઓજ આવે અસ્પષ્ટતા ભર્યું,
મન મધ્યે જગાડે એ પડઘાઓ વિચારના
અથવા કોક શબ્દના,
મંજુરી મેળવે છે જે હૈયા કેરી
એમના દંશતા તેજી આવેગો અપનાવવા,
ને એ ક્ષુદ્ર પ્રકૃતિમાં પોતાનું કાર્ય એ કરે,
અને ત્યાંના બળોને ને સત્વોને અસુખે ભરે.
એનું આનંદનું બીજ ફળે દુઃખે એવો છે શાપ એમનો,
એની વિરલ જોતાને બુઝાવી દે ફૂંકથી અપરાધની,
સપાટી પરનાં એનાં સત્યોને એ
જૂઠાણાના હેતુઓને સાધવાને પ્રયોજતાં,
ક્ષુદ્ર એની ઊર્મિઓને એડ મારી ચલાવતાં,
ઊંડા ખાડા ભણી હાંકી આવેગો એહના જતાં,
યા તો કળણ ને કીચે ધકેલી જાય એમને :
યા તો જીવનનું ગાડું હોય રગશિયું જતું
ક્યાંયે લઇ જતા ના તે આડા ને અવળા પથે,
ને અજ્ઞાન થકી છૂટી જવાના માર્ગ હોય ના
ત્યારે કઠોર ને શુષ્ક લાલસાની આરો એ ઘોચતાં રહે.
શુભાશુભતણી સાથે ખેલવું એ એમની જીવનપ્રથા;
લલચાવી લઇ તેઓ જતાં નિષ્ફળતા અને
વ્યર્થ સફળતા પ્રતિ,
ભ્રષ્ટ તેઓ કરે સર્વ આદેર્શોને, છેતરે કાયદા બધા;
જ્ઞાનને ઝેરનું આપે રૂપ, આપે જડસું રૂપ પુણ્યને,
શોક કે સુખથી યુક્ત દૈવયોગતણા આભાસમાં થઇ
અંતહીન ચક્રોને કામનાતણાં
અનિવાર્ય વિપત્કારી અંતની પ્રતિ દોરતાં.
ત્યાં વિધાનો બધાં થાય એમના જ પ્રભાવથી.
સામ્રાજય તેમનું માત્ર ત્યાં જ ના, ને ત્યાં જ ના પાઠ એમનો :
જ્યાં જ્યાં ચિત્તો ચૈત્યહીણાં અને માર્ગદર્શનાહીન જીવનો,
ને ક્ષુદ્ર દેહમાં પંડ માત્ર સર્વ મનાય જ્યાં,
જ્યાં જ્યાં પ્રેમ ન, ના જયોતિ, ને નથી જ્યાં ઉદારતા
ત્યાં ત્યાં કુટિલ કર્ત્તાઓ આ આરંભ કરી દે નિજ કાર્યનો.
અર્ધ-સચેત સૌ લોકો પર રાજ્ય એ પોતાનું પ્રસારતા.
અહીંયાં પણ એ ક્ષુદ્ર દેવતાઓ
આપણાં માનવી હૈયા હંકારીને ચલાવતા,
છે આપણે સ્વભાવે જે સાંધ્યછાયા,
તે છુપાઈ જવા કેરું બને છે સ્થાન એમનું.
અહીંયાં પણ જે કાચું હૈયું છે અંધકારમાં
તે ગૂઢ મન માંહ્યથી
અવગૂંઠિત આવે જે સૂચનાઓ, તેમને વશ થાય છે,
આ એ છે મન ગૂઢ જે
આપણા જ્ઞાનનો પીછો લે છે જ્યોતિ વિપથે દોરતી લઇ,
ને ઉભું જે આપણી ને પરિત્રાણ કરતા સત્યની વચે.
રાત્રિ કેરા અવાજોના દ્વારા વાતો આપણી સાથ એ કરે :
આપણાં જીવનો અંધકામાંથી
સંચરે છે વધારે અંધકામાં;
નાશકારક આશાઓ સુણાવે જે તે ખોજો આપણી સુણે.
દૃષ્ટિહીન વિચારોની ઈમારત રચાય છે
બુદ્ધિને ઉપયોગે લે બલ એક અયુકિતક.
એકલી પૃથ્વી આ ના આપણી શિક્ષિકા અને
આયા ઉછેરકાર્યમાં;
સઘળાં ભુવનો કેરાં પ્રવેશે છે બળો અહીં.
પોતીકાં ક્ષેત્રમાં તેઓ માર્ગ લેતાં પોતાના ધર્મ-ચક્રનો,
અને સલામતી સેવે સ્થિર આદર્શરૂપની;
નિશ્ચલા એમની કક્ષાથકી પૃથ્વી પરે પ્રક્ષિપ્ત એ થતાં
સચવાઈ રહે ધારો તેમનો ને
લોપ પામી જતું સ્થૈર્યધારી રૂપ તેમનું વસ્તુઓતણું .
તેઓ ઢળાય છે અંધાધૂંધીમાં સર્જનાત્મિકા,
સર્વ વાંછે વ્યવસ્થા જ્યાં કિંતુ જાય હંકાઈ દૈવયોગથી;
જાણતાં ના પૃથ્વી કેરા સ્વભાવને
શીખવી પડતી રીતો એમને પૃથિવીતણી,
વિદેશી વા વિરોધીઓ, એમને હ્યાં સંઘબદ્ધ થવું પડે:
કરે કાર્ય, કરે યુદ્ધ, થતા સંમત કષ્ટથી :
આ સંયોજાય ને બીજા વિયોજાય,
વિયોજાય બધા, પાછા સંયોજાય બધા વળી,
અને આ ચાલતું આમ
જ્યાં સુધી ના પ્રાપ્ત સૌને પોતા કેરી દિવ્ય સંવાદિતા થતી.
અનિશ્ચિત જતો માર્ગ આપણી જિંદગીતણો
વંકાતો વર્તુલામહીં
બેચેનીએ ભરી ખોજ આપણા મનની સદા
જ્યોતિની માગણી કરે,
અને આ ચાલતું આમ જ્યાં સુધી મૂળમાં જઈ
સ્વરહસ્યતણું જ્ઞાન પમાય ના,
એકલાત્માતણી જયોતે, અને એના દિશાશૂન્ય નિવાસમાં,
एक एव શાશ્વતાત્માતણા આનંદની મહીં.
કિન્તુ છે દૂર અત્યારે સુદૂર પરમા પ્રભા :
અચિત્ ના નિયમોનું છે આજ્ઞાધારી સચિત્ જીવન આપણું;
અજ્ઞાન હેતુઓ પ્રત્યે અને અંધ કામનાઓતણી પ્રતિ
હૃદયો આપણાં જાય પ્રેરાયેલાં એક સંદિગ્ધ શક્તિથી;
આપણા મનની જીતો સુ્ધાં ધારે તૂટયાફૂટયા જ તાજને.
ધીરેથી બદલાતી કો વ્યવસ્થાથી બદ્ધ સંકલ્પ આપણો.
જ્યાં સુધી આપણા આત્મા મુક્ત ના થાય ત્યાં સુધી
છે આ નિર્માણ આપણું.
પછી સમર્થ કો એક હસ્ત પાછાં મનનાં વ્યોમ વાળતો,
અંતવંતતણાં કર્યો ઉપાડી લે અનંતતા,
અને પ્રકૃતિ માંડે છે પગલાંઓ સનાતન પ્રકાશમાં.
ત્યારે જ અંત આવે છે સ્વપ્નનો આ પાતાલી જિંદગીતણા.
સમસ્યારૂપ આ વિશ્વ એના આરંભથી જ છે :
ને સાથોસાથ એ લાગે બેશુમાર મોટું યંત્ર જડતત્વનું,
ધીરે ધીરે છદ્મમાંથી પ્રકટે છે આત્મા સૌ વસ્તુઓતણો,
ભિત્તિહીન ગોળગોળ ઘૂમતા આ પ્રકોષ્ટમાં
વિરાજે ઈશ સર્વત્ર જ્યાં ધરી સ્થિતપ્રજ્ઞતા
ચમત્કારે અચિત્ કેરી રહસ્યમયતાતણા,
છતાં યે સર્વ છે આંહી એનું કાર્ય અને સંકલ્પ એહનો.
અનંત અવકાશે જે ઘૂમરી ને છે પ્રસારણ, તે મહીં
દ્રવ્ય રૂપ બની આત્મા પોઢ્યો છે ઘૂમરી વિષે,
સંવેદના અને ચૈત્ય વિનાનું છે એ સૂતેલું શરીર ત્યાં.
શૂન્યના મૌનનો જેને છે મળેલો સમાશ્રય
એવો દૃશ્ય સ્વરૂપોનો મહારાશિ પ્રપંચનો
શાશ્વતી ચેતનામાંહે દૃષ્ટિગોચર ત્યાં થયો,
બહારના અચિત્ વિશ્વ કેરો આભાસ આપતો.
હતું કોઈ ન જોવા ત્યાં, હતું સંવેદવા ન કો;
અચિત્-માત્ર ચમત્કારી સૂક્ષ્મ જાદૂગરીતણા
કૌશલે યુક્ત પોતાના કાર્યમાં મગ્ન ત્યાં હતું
જાદૂઈ પરિણામોને માટે શોધી કુનેહે માર્ગ કાઢતું,
સૃષ્ટિ કેરી ચમત્કારી તરકીબોતણું તંત્ર ચલાવતું,
સંકેતો મૂક પ્રજ્ઞાના યંત્રની જેમ આંકતું,
અવિચારિત જે ને જે અનિવાર્ય
એવો બોધતણો ભાવ ઉપયોગે પ્રયોજતું,
પ્રભુની બુદ્ધિનાં કર્યો કરતું કે
કો સર્વોત્તમ અજ્ઞાત કેરો સંકલ્પ સાધતું.
છતાં ચૈતન્ય તો ગુપ્ત હતું પ્રકૃતિગર્ભમાં,
જેનો પ્રહર્ષ સ્વપ્નાંઓ સેવતો જગતોતણાં
તે આનંદતણું ભાન હતું નહીં.
જડ તત્વ હતું સત્ત્વ બલ જેને ચલાવતું.
આરંભમાં હતો માત્ર આકાશી અવકાશ ત્યાં :
આંદોલનો મહાકાય એનાં ગોળ ગોળ ઘૂમરતાં ગયો,
આરંભની જહીં પ્હેલ ન કલ્પેલી વસી હતી :
પરમોચ્ચ આદિ એક માતરિશ્વાતણો આધાર મેળવી
પ્રસારણ તથા સંકોચન કેરા નિગૂઢ એક કાર્યથી
સ્પર્શ--ઘર્ષણ સર્જાયાં શૂન્યાકાર સમસ્તમાં,
આવ્યો સંઘર્ષ--આશ્લેષ હવાઈ અવકાશમાં :
વિસ્તાર પામતા વિશ્વ કેરું કારણ જન્મનું,
વિશ્લેષિત થતી શક્તિ કેરા જનન-સ્થાનમાં
કરીને વ્યય રાખ્યો છે સરવાળો એણે અંત ન પામતો.
અવકાશતણી અંગારીમાં એણે અદૃશ્ય અગ્નિ પેટવ્યો,
જેણે વેર્યાં વિશ્વ વેર્યાં જાય છે બીજ જે વિધે
ને વ્યવસ્થા વિભાસંત તારાઓની ગોળ ઘૂમરતી કરી.
વિદ્યુત્-શક્તિતણા એક મહાન સાગરે રચ્યા
અરૂપબદ્ધ વિધિએ અંશો એની અદ્ ભૂત ઉર્મીઓતણા,
એમના નૃત્યથી ઊભી કરી આ સ્થૂલ યોજના,
આરામે અણુમાં બંદી કરી એની સમર્થતા;
ઘડાયા ઘન પિંડો કે ક્લ્પાયા ને દૃશ્ય આકૃતિઓ બની;
શીઘ્ર સૌ પ્રકટાવંતા પ્રક્ષેપાયા અણુ-પિંડો પ્રકાશના,
એમના ઝબકારાની તનુતામાં પ્રતિમૂર્ત્તિત્વ પામતું
આભાસી વસ્તુઓ કેરું વિશ્વ આ નજરે પડયું.
આ રીતે છે બન્યું સર્વ સાચું અશક્ય વિશ્વ આ,
દેખીતો એ ચમત્કાર ને તમાશો ખાતરીબંધ લાગતો.
યા તો માનવના ઘુષ્ટ મનને એ એવું છે એમ લાગતું,
જેણે વિચાર પોતાનો સત્યને ન્યાય આપવા
બેસાડ્યો છે આસને ન્યાયમૂર્તિના,
દૃષ્ટિ અંગત એ માને બિન-અંગત સત્યતા,
ગોચર જગના સાક્ષી રૂપે એની રાખી છે ભ્રાંત ઇન્દ્રિયો
ને પોતાનાં સાધનોની કરામતો.
આમ એણે જિંદગીની સમસ્યા સ્પર્શગમ્ય જે
તેનો સંદિગ્ધ આલોકે આણવાનો ઉકેલ છે,
સત્યને ઝાલવાનું છે ભ્રમ કેરી સહાયથી,
ધીરેથી કરવાનું છે દૂર મોઢા પરનું અવગુંઠન.
નહીં તો એ ખુએ શ્રદ્ધા મન તેમ જ ઇન્દ્રિયે,
જ્ઞાન એનું બની જાતું અજ્ઞતાનું અંગ ઉજ્જવળતા ભર્યું,
વિચિત્ર ઢંગથી નિર્મી વસ્તુઓમાં અહીંયાં એ નિહાળતો
ઠગારી શક્તિનો ઠઠ્ઠો આવકાર ન પામતો,
ઉદાહરણ માયાનું અને એના પ્રભાવનું.
અપાતું કાળનું જેને નામ તેની
સદા જારી રહેતી આગ્રહે ભરી
ગતિના ગૂઢ નાફેર થનારા ફેરફારમાં
ને વિરાટ અને નિત્ય ચાલતી હિલચાલમાં
પકડાઈ ધરાયલા
ને સદા પુનરાવૃત્તિ તાલ કેરી પામતા અટક્યા વિના,
આ ચક્રાકાર ફેરાઓ રૂઢ રૂપ આપનારા પ્રવાહને
ને વિશ્વ-નૃત્યમાં સ્થાયી રૂપ લેનાર વસ્તુઓ--
જે સ્વયં-પુનરાવૃત્ત ઘૂમરીઓ માત્ર છે ઓજશક્તિની
ને ધ્યાનસ્થ શૂન્ય કેરા આત્મા દ્વારા જે પ્રલંબિત થાય છે,
તે જોતી 'તી વાટ પ્રાણતણી, ઇન્દ્રિયજ્ઞાનની
અને જાગ્રત ચિત્તની.
સ્વપ્નસેવીએ જરાક પરિવર્તી નિજ પથ્થરની સ્થિતિ.
કિન્તુ જયારે અચિત્ કેરું ઋજુભાવી કાર્ય પૂરું થઇ ગયું
ને દૈવયોગને બેળે સમર્પાયું રૂપ સુસ્થિર ધર્મનું,
મંડાયું દૃશ્ય તે વારે સચૈતન્ય લીલા માટે નિસર્ગની.
પછી સળવળી ઉઠી આત્મા કેરી
નિદ્રા મૂક અને નિશ્ચેષ્ટતાભરી;
શક્તિ સંતાયલી મૂક ભાવે ધીરે પ્રકટી બ્હાર નીકળી.
સ્વપ્ન જીવનનું જાગી ઉઠ્યું દ્રવ્યતણે ઉરે,
અચિત્ ની ધૂળમાં હાલી ઉઠ્યો એક સંકલ્પ જીવવાતણો,
તરંગે જિંદગાનીના ચમકાવ્યો ખાલી પડેલ કાળને,
રિક્ત શાશ્વતતા મધ્યે ક્ષણભંગુરતા સ્ફૂરી,
અત્યંત-અણુતા જાગી ઊઠી મૃત અનંતમાં.
કીધાં જીવંત કો સૂક્ષ્મતર પ્રાણે રૂપોને મૃત દ્વાવ્યનાં;
સચેત સાદનું રૂપ લેતો રૂઢ છંદોલય જગત્ તણો;
અસંવેદી હતું ઓજ તેને વીંટી વળી શક્તિ ભુજંગિની.
પ્રાણવિહીન દિગ્દેશે ટપકાં શા દ્વીપો જીવનના થયા,
અંકુરો જિંદગી કેરા ફૂટ્યા અરૂપ વાયુમાં.
જન્મ્યું જીવન જે દ્વવ્યતણો નિયમ પાળતું,
પોતાનાં પગલાં કેરું જ્ઞાન જેને હતું નહીં;
નિત્ય અસ્થિર ને તો યે એનું એ જ હમેશનું,
જે વિરોધાભાસમાંથી જન્મ એનો થયો હતો
તેનાં આવર્તનો પોતે કર્યે જતું :
એની ચંચળ અસ્થાયી સ્થાયિતાઓ કાળ કેરા પ્રવાહમાં
વારંવાર ફરી પાછી થયે જતી,
અવિચારંત રૂપોમાં ગતિઓ સપ્રયોજના
બંદી સંકલ્પના શ્વાસોછવાસોને કરતી છતાં.
આશ્લેષે એકબીજાના જાગૃતિ ને નિદ્રા સાથે ઢળી હતી;
અસ્પષ્ટ ને નિરાધાર સુખ ને દુઃખ આવિયાં,
વિશ્વાત્માના આધ આછા પૂલકોએ પ્રકંપતાં.
બલ જીવનનું એક
ન પોકારી કે ન હાલીચાલી જે શકતું હતું,
તે તો ય ઊઠતું ફૂટી રમ્ય રૂપો ધરી, ઊંડી મુદા પરે
મુદ્વાની મ્હોર મારતું;
બોલી ના શકતી એવી એક સંવેદશીલતા,
હૈયાના ધબકારા કો ન જાણંત જગત્ તણા,
સુપ્તજાગૃતિના એના જાડ્યમાં દોડતાંહતા,
અને જગાડતાં 'તાં ત્યાં ઝણેણાટી અસ્પષ્ટ ને અનિશ્ચિતા,
ને તાલ અટતો જતો,
ગુપ્ત આંખોતણો હોય તેવો ઉન્મેષ ધૂધળો.
બાલ સંવેદના વાધી સ્વાત્મની જે જન્મ જન્મતણો થયો.
ઉદ્બોધ દેવતા પામ્યો, કિન્તુ સ્વપ્નમગ્ન અંગે પડ્યો રહ્યો;
સીલબંધ બારણાંઓ પોતાનાં ખોલવાતણી
ના પાડી જીવનાલયે.
જુએ છે આપણી આંખો માત્ર રૂપ અને ક્રિયા,
જુએ ના ત્યાં બંદી બનેલ દેવને,
આ આંખોને જડ જેવી જણાય જે
તે જિંદગીતણી ગૂઢ વૃદ્ધિની ને શક્તિની ધબકો થતી,
તેમાં તે ગુપ્ત રાખે છે નીરવા એક ચેતના
ઘૂંટાયેલી રહે જેની ગોચરજ્ઞાનની ક્રિયા,
રાખે છે મન દાબેલું ભાન જેને હજીયે ન વિચારનું,
માત્ર રાખી શકે અસ્તિ એવા એક ચેષ્ટાવિહીન આત્મને
ને પોતામાં છુપાવતી.
આરંભમાં ઉઠાવ્યો ના એણે કોઈ અવાજ, ના
હિલચાલતણું સાહસ આદર્યું:
વિશ્વ-શક્તિ વડે પૂર્ણ, ઓતપ્રોત બની જીવંત ઓજસે,
સલામત ધરાને એ નિજ મૂળમાત્રથી વળગી રહી,
જ્યોતિ ને વાયુલ્હેરીના આઘાતોએ
ઝણેણાટી લહેતી મૂકભાવથી,
કામનાના લતા-તંતુ અંગુલી શા પ્રસારતી;
સૂર્ય ને જ્યોતિને માટે ઓજ એની મહીં જે ઝંખતું હતું
તેણે લહ્યો ન આશ્લેષ
એને શ્વાસોચ્છવાસ લેતી ને જીવંત બનાવતો;
રહી સૌન્દર્ય ને રંગ મધ્યે એ તુષ્ટ ભાવથી
સ્વપ્ને લીન દશામહીં,
આખરે ડોકયું બ્હાર કરે છે એ મંત્રમુગ્ધ અનંતતા :
ઊઠી સળવળી, આંદોલાતી એ ભૂખથી ભરી
અંધ ફાંફાં મનને કાજ મારતી;
ધીરે ધીરે પછી કંપમાન સંવેદના થઇ
ને વિચારે કીધું બહાર ડોકિયું;
આનાકાની ભર્યા બીબે બળાત્કારે એણે ભાન જગાડિયું.
એનાં કંપન ધ્યાનસ્થ લય દ્વારા શીઘ્ર ઉત્તર આપતાં,
ચકતાં ચલનો પ્રેરી પ્રવર્તાવે શિર ને શિર બેઉને
આત્મા કેરી એકતાને જગાડી જડ દ્રવ્યમાં,
ને હૈયાના પ્રેમનો ને ચૈત્યની સાક્ષિદૃષ્ટિનો
ચમત્કાર વપુમાં વિલસાવિયો.
અદૃષ્ટ એક સંકલ્પે પ્રેરાઈને પામી પ્રસ્ફોટનો શક્યા
અસ્તિ વાંછંત કો એક મહાવેગતણા ખંડ-પ્રખંડકો,
જીવતી જાગતી ઝાંખી ગુપ્ત રહેલ આત્મની,
અને ભાવિ સ્વરૂપોનાં બીજ સંશયથી ભર્યાં
તથૈવ ઓજ એમનું
વસ્તુઓની અચિત્ મૂર્છામાંથી પ્રબોધ પામિયાં.
પ્રાણીઓની સૃષ્ટિ એક સર્પતી, દોડતી અને
ઊડતી ભૂમિ ને વ્યોમ વચ્ચે પોકારતી થઇ,
શિકાર મૃત્યુનો થાતી છતાં આશા રાખતી જીવવાતણી,
ને ભલે ને જરાવાર, તે છતાં યે શ્વસનાનંદ માણતી.
મૂળના પશુમાંથી તે પછી પામ્યું ઘાટ માનવ-માળખું.
જિંદગીની વૃત્તિઓને આવ્યું ઉંચે ચઢાવવા
મન એક વિચારનું,
સંમિશ્ર અથ સંદિગ્ધ છે જે પ્રકૃતિ, તેહનું
ઓજાર તીક્ષ્ણ ધારનું,
અર્ધ-સાક્ષી, અર્ધ-યંત્ર બુદ્ધિ એવા પ્રકારની.
એનાં કર્મોતણા ચક્રતણી સંચાલિકા સમી
જોતાં એ લાગતી હતી,
જીવનસ્રોતને પ્રેરી જવાની ને લેવાની નોંધ એહની,
તેની ચંચળતાયુક્ત શક્તિઓની
પર સ્થાપી દેવાની નિજ કાયદો
હતી એને થયેલી કાર્ય-સોંપણી;
હતી કમાન એ મુખ્ય નાજુકાઇ ભરેલા યંત્રકાર્યની,
એના વાપરનારાને
પ્રકાશ સહ સંસ્કાર આપવાની અભીપ્સા એહની હતી,
તલ્લીન યંત્રશિલ્પીના કાચા આરંભકાર્યને
ઊંચકીને અંતરસ્થ શક્તિ કેરાં દર્શનો એ કરાવતી :
ઊંચકી દૃષ્ટિ રાજાએ; સ્વર્ગની જ્યોતિની મહીં
મુખ એક પ્રતિબિંબિત ત્યાં થયું.
પોતાની ગૂઢ નિદ્રામાં કરાયેલાં કામોએ ચકિતા થઇ
પોતે જેને બનાવ્યું 'તું તે જગત્ ને લાગી એ અવલોકવા:
થઇ તાજુબ એ હાવે ગ્રહે મોટા સ્વયંચાલિતયંત્રને;
થોભી એ સમજી લેવા જાતને ને સ્વલક્ષ્યને,
સચેત નિયમે કાર્ય કરવાનું શીખી વિચાર એ કરી,
દૃષ્ટિવંતા એક માપે દોર્યાં એનાં પગલાં લયથી ભર્યાં;
એની અંધપ્રેરણાની કિનારીએ
સંકલ્પશક્તિનું એક વિચારે ચોકઠું રચ્યું,
ને અંધીકૃત આવેગ અજવાળ્યો એનો બોધપ્રકાશથી.
આવેશી વૃત્તિઓ કેરા એના મહૌઘની પરે,
પ્રતિક્ષિપ્ત એનાં પ્રકાર્યની પરે,
અચિત્ કેરી ધકેલાતી કે દોરાતી પ્રવાહપરતા પરે,
વિચાર વણનાં હોવા છતાં એનાં ચોક્કસ પગલાંતણી
રહસ્યમયતા પરે
સત્યાભાસી આત્મ કેરી મૂર્તિ એક એણે યુક્ત કરી સ્થિર,
વિરૂપાયેલ સત્-તાની પ્રતિમા એક જીવતી;
જડદ્રવ્યતણાં કાર્યો પર એણે લાદી નિયમયોજના;
રસયણિક કોષોના દ્વારા એણે
કર્યો ઊભો દેહ એક વિચારતો,
હંકારતી શક્તિમાંથી રૂપબદ્ધ જીવ એક બનાવિયો.
પોતે જે ન હતી તેવી થવા એની આશા ઉત્તેજિત થઇ:
કો એક ઉચ્ચ અજ્ઞાત પ્રત્યે એણે પોતાનું સ્વપ્ન વાળિયું;
નીચે અનુભવાયો ત્યાં પ્રાણોચ્છવાસ પરમોત્તમ એકનો.
ઊર્ધ્વના ગોલકો પ્રત્યે કરી ઉંચી ઉન્મેષે એક આંખડી,
અને રંગીન છાયાઓ, મર્ત્ય આ ભોમની પરે
પસાર થઇ જાનારી પ્રતિમાઓ અમર્ત્ય વસ્તુઓતણી
આલેખિત બનાવતી;
કોઈ કોઈ સમે દિવ્ય ઝબકારો આવી હ્યાં શકતો હતો :
હૈયે ને દેહને પિંડે ચૈત્ય-રશ્મિ પડતું 'તું પ્રકાશનું
ને જેનાં આપણાં પૃથ્વીલોક્નાં સ્વપ્ન છે બન્યાં
તે સામગ્રી સ્પર્શતું 'તું રૂપાભાસો વડે આદર્શ જયોતિના.
ટકી નવ શકે એવો પ્રેમ ભંગુર માનુષી,
અહં-પતંગની પાંખો ફિરસ્તા શા
ચૈત્યાત્માને ઊર્ધ્વ ભોમે લઇ જવા
થયાં પ્રકટ અત્યલ્પ સમા માટે તલની મોહિની બની,
જરા શી કાળની ફૂંકે ઓલવાઈ શમી જતાં;
આવ્યો આનંદ જે ભૂલી ક્ષણેક મર્ત્યતા જતો,
જવલ્લે આવનારો ને વિદાય જલદી થતો
ને બધી વસ્તુઓને જે ઘડી માટે મનોહારી બનાવતો,
આશાઓ પ્રગટી થોડી વારમાં લય પામતી
અનાકર્ષક વાસ્તવે,
ભાવાવેશો ભભૂકાંતા હોય ત્યાં જ
પડી ભાગી ભસ્મીભૂત બની જતા,
અલ્પકાલીન પોતાની જવાળે તેઓ
પામર પૃ્થિવીને આ પ્રદીપિત કરી જતા.
નિર્માલ્ય ક્ષુદ્ર પ્રાણી હ્યાં આવ્યું માનવ રૂપમાં,
અજાણી શક્તિએ એને ઉદ્ ધ્રુત ઊર્ધ્વમાં કર્યું,
પૃથ્વીના છોટકા એક ટુકડા પર એ રહી
ટકી રે'વાતણાં, મોજમજાઓ માણવાતણાં
અને દુઃખ સહી અંતે મરવાનાં સાધનોને શ્રમે મચ્યું.
દેહ ને પ્રાણની સાથે જે વિનાશ ન પામતો
એવો એક હતો આત્મા અવ્યકતાત્મા તણી છાયા સમો તહીં
ને તે સ્થિત હતો ક્ષુદ્ર વ્યક્તિતસ્વરૂપ પૂઠળે,
કિન્તુ આ પાર્થિવી મૂર્ત્તિ પર દાવો હજી એ કરતો ન 'તો,
લાંબા પ્રકૃતિના ધીરે ચાલનારા શ્રમને અનુમોદતો,
પોતાની અજ્ઞતા કેરાં કરતૂકો નિરીક્ષતો,
અજ્ઞાત ને અસંવેધ વસે સાક્ષી સમર્થ એ
અને જે મહિમા છે એ અહીં તેને કશું યે ન નિદર્શતું.
સત્તા ચલાવતું એક પ્રજ્ઞાન ગુહ્ય વિશ્વમાં,
મૌન જીવન-પોકાર સુણતું શ્રવણો દઈ,
પ્રશાન્ત મહિમા પ્રત્યે દૂર કેરી ઘડીતણા
ક્ષણોનો ત્વરતો ઓઘ વહે છે તે નિહાળતું.
લયલીન અચિત્ કેરી છાયામાં આ બૃહત્ જગત્
બુદ્ધિથી સમજાયે ના એ રીતે પરિવર્તતું;
રાખે ચાવી છુપાવી એ
ચૂકી જવાય છે એવા આંતર આશયોતણી,
રાખે એ આપણે હૈયે તાળાબદ્ધ પૂરી એક અવાજને
જેને સાંભળવા માટે નથી સમર્થ આપણે.
સમસ્યાનું રૂપ લેતો આત્મા કેરો પરિશ્રમ,
ઉપયોગ ન જેનો કો જાણે એવું યંત્ર ચોક્કસતા ભર્યું,
કળા--કૌશલ્ય કો એક જેમાં અર્થ કશો નથી,
એવી જટિલ ને સૂક્ષ્મ વાધયંત્ર સમી આ જિંદગી જહીં
સ્વરમેળો નિરુદ્દેશ હંમેશાં ધ્વનતા રહે.
સત્ય પ્રત્યે કરી પૂઠ મન શીખે કિન્તુ એ જાણતું નથી;
બાહ્ય વિચારથી બાહ્ય નિયમોનો એ અભ્યાસ કર્યા કરે,
પગલાં અવલોકે એ જિંદગીનાં, જુએ પ્રકૃતિ-પ્રક્રિયા,
શાને માટે પ્રવર્તે એ ને શા માટે આપણે જીવીએ છીએ
ન તે એ અવલોકતું;
લે છે એ નોંધમાં એની આશ્રાંત કાળજી ભરી
યોગ્ય યુક્તિ-પ્રયુક્તિને,
નાજુક વિગતો કેરી એની ધૈર્યવતી જટિલ સૂક્ષ્મતા,
યુક્તિબાજ વૃત્તિ કેરી સાહસે ભર યોજના
નવીન શોધવાતણી
નકામાં ને થોકબંધ એનાં મોટાં અંતવિહીન કાર્યમાં,
સહેતુક ઉમેરે એ આંકડાઓ સરવાળે અહેતુક,
ત્રિકોણાકાર માળા એ ખડકે છે, ને ઊંચાં છાપરાં ચડે
કંડારેલા ગાઢ એણે પાયા માંડેલ તે પરે,
સૂક્ષ્મ હવામહીં કિલ્લા કલ્પેલા કરતું ખડા,
યા ચડે સ્વપ્નની સીડી ગૂઢ ચંદ્રે લઇ જતી :
નિર્દેશે વ્યોમ ને એને સ્પર્શે તાડે ક્ષણભંગુર સૃષ્ટિઓ:
અસ્પષ્ટ ભૂમિતલ પે મન કેરી અવિનિશ્ચિતતાતણા
અંદાજી દુનિયા કેરી યોજના થાય છે ખડી,
યા નિર્માયે ખંડ યોજી એક અખિલ કષ્ટથી.
જેનાં અંશો આપણે સૌ તે બૃહત્કાય યોજના
છે અપ્રવેશ્ય ને એક રહસ્યમય ગૂઢતા;
આપણી દૃષ્ટિને ભાસે વિસંવાદો રૂપ સંવાદ એહના,
કેમ કે જે મહા વસ્તુને એ સેવે તે ન આપણ જાણતા.
વિશ્વના કાર્યકર્ત્તાઓ કરે કાર્ય કો અગમ્ય પ્રકારથી.
આપણે જોઈએ છીએ મહા છોળ કેરી માત્ર કિનારને;
આપણાં કરણો પાસે ન એ જયોતિ મહત્તરા,
ઈચ્છા ના આપણી તાલમેળ રાખે ઈચ્છા સાથ સનાતની,
આપણાં હૃદયો કેરી દૃષ્ટિ અત્યંત અંધ ને
આવેશોએ ભરેલ છે.
વ્યાવહારિક નૈપુણ્ય છે નિસર્ગતણું ગૂઢ પ્રકારનું
તેમાં ના આપણી બુદ્ધિ સમર્થ ભાગ પાડવા,
ન એનામાં લાયકાત ગ્રહવા વસ્તુઓતણી
નાડી ને હાર્દની ગતિ,
તાગ કાઢી શકે ના એ જિંદગીના બલિષ્ઠ સિન્ધુરાજનો,
એ તો ગણ્યે જતી માત્ર મોજાં એનાં ને ફેન અવલોકતી;
ન જાણે એ કહીંથી આ ગતિઓ સ્પર્શતી અને
પસાર થઇ જાય છે,
ન જોતી એ કહીં ઘાઈ જાય મોટું પૂર ઝડપથી ભર્યું :
માત્ર તેનાં બળોને એ નહેરોને મારગે વાળવા મથે,
ને રાખે આશા લેવાને ગતિ એની માનુષી ઉપયોગમાં :
સાધનો કિંતુ સૌ એનાં અચિત્ કેરા નિધિમાંથી જ આવતાં.
અદૃશ્ય રૂપ હ્યાં કાર્ય કરે છે અંધકારની
રાક્ષસી વિશ્વ-શક્તિઓ,
ને માત્ર આપણે ભાગે ટીપાં થોડાં ને ધારાઓ જ આવતી.
પ્રમાણભૂત જ્યોતિથી ઘણે દૂર રહેતું મન આપણું
જતું પકડવા નાના ટુકડા માત્ર સત્યના,
અનંતતાતણા એક ખૂણાના અલ્પ ભાગમાં
આપણાં જીવનો નાની ખાડીઓ છે મહાસાગર-શક્તિની.
સચેત આપણી ચાલો કેરાં મૂળ સીલબંધ રહેલ છે,
કિંતુ છાયાળ તે સ્થાનો સાથે તેઓ નથી સંલાપ સાધતાં;
આપણા બંધુભાવી જે ભાગો છે તેમનું ન કો
સમજૂતી અનુસંધાન સાધતી;
ઉપેક્ષા કરતાં જેની આપણાં મન તે ગુહા -
ગૃહમાંથી ઉદ્ ભવે કર્મ આપણાં.
આપણાં ગૂઢમાં ગૂઢ ઊંડાણોને ભાન પોતાતણું નથી;
આપણો દેહ સુધ્ધાં યે ભેદી એક દુકાન છે;
આપણી પૃથિવી કેરાં મૂળ જેમ
પૃથિવીનાં તળોમાં છે પડદાએ છુપાયલાં,
આપણા મન કેરાં ને જિંદગીનાં
મૂળ તેમ અદૃશ્ય રૂપ છે રહ્યાં.
નીચે ને ભીતરે ઉત્સો ગાઢ ઢાંકી છે રખાયેલ આપણાં;
દીવાલ ઓથ આવેલાં બળો દ્વારા
આપણા ચૈત્ય આત્માઓનાં સંચાલન થાય છે.
સત્-તાનાં નિમ્ન ઊંડાણોમહીં એક શક્તિ કાર્ય કરી રહી
ને ન એના ઈરાદાઓતણી એ પરવા કરે;
વાપરી ન વિચારંતા વડાઓ, મુનશી તથા
આપણાં ચિંતનોનું ને લાગણીઓતણું કારણ એ બને.
ગૂઢગુહાનિવાસીઓ અવચેતન ચિત્તના,
અર્ધદગ્ધ અને ધીરા, તોતડાતા વ્યાખ્યાતાઓ દુભાષિયા,
ભાન ખાલી રાખનારા ક્ષુદ્ર એવા પોતાના રૂઢ કાર્યનું
આપણા જીવકોષોમાં નોંધાતું જે તે કાર્યે જ રચ્યાપચ્યા,
ચેતના પૂઠના ગૂઢ પ્રદેશોમાં છુપાયલા
અંધકારે છવાયેલી ગુહ્ય યાંત્રિકતામહીં,
પકડી લે ગૂઢ સંકેતાક્ષરો એ, જેના લહેકતા લયે
પસાર થાય સંદેશા વિશ્વે કાર્ય કરી રહેલ શક્તિના.
એક મર્મર આવીને જિંદગીના આંતર શ્રવણે પડે,
રંગે રાખોડિયા છે જે ગુહાઓ અવચેતને,
તહીંથી તે પ્રતિધ્વનિત થાય છે,
વાણી છલંગતી, કંપમાન થાય વિચાર, ને
આંદોલે ઉર, સંકલ્પ આપે ઉત્તર એહને
શીરાજાળ, નસો-નાડી સાદને વશ વર્તતી.
આ સૂક્ષ્મ ગાઢ સંબંધો ઊતરે છે આપણાં જીવનો મહીં;
સર્વ વ્યાપાર છે એક છૂપી રહેલ શક્તિનો.
પ્રાણનું મન છે એક ચિંતતું કઠપૂતળું :
એની પસંદગી કાર્ય છે નિસર્ગતત્વ કેરાં બળોતણું,
જે બળોને નથી જ્ઞાન નિજ જન્મ,
નિજ ધ્યેય, નિજ કારણરૂપનું,
ને જે મહાન ઉદ્દેશતણીસેવા થાય છે તેમને વડે
તેની ઝાંખી ન જેમને.
આ પંકિલ અને જાડયે ભરી છે જે જિંદગી માનવીતણી
અવચેતન લોકની,
ને છતાં જે તીક્ષ્ણ ક્ષુદ્ર, અનુદાત્ત વસ્તુઓએ ભરેલ છે,
ત્યાં સેંકડો દિશાઓએ ધકેલાતું એ સચેતન પૂતળું
ધક્કો અનુભવે છે, ના કિન્તુ હાથ હાંકી એને લઇ જતા.
કેમ કે જેમને માટે સ્વરૂપો બાહ્ય આપણાં
માત્ર છે ક્થપુતળાં,
તે છદ્મમુખ ધારંતી ને કરંતી વિડંબના
ટોળીઓને જોઈ કો શકતું નથી,
આપણા કર્મ તેમના
હાથથી પકડે રે'તી ક્રિયાઓ અણજાણ છે,
આવેશપૂર્ણ સંઘર્ષો આપણા છે તમાશા મન રંજતા.
પોતાના બળના મૂળતણું જ્ઞાન પોતાનેય ન તેમને,
રહ્યા એ ભજવી ભાગ પોતા કેરો અખિલે અતિમાત્રમાં.
અંધકારતણાં કાર્યસાધનો એ છતાં જ્યોતિ વિડંબતાં,
છે સતત્વો તિમિરે ગ્રસ્ત, તમોગ્રસ્ત વસ્તુઓને ચલાવતાં
ઇચ્છવિરુદ્ધ સેવે એ સમર્થતર શક્તિને.
ઓજારો જુઠનાં દૈવયોગ કેરો અકસ્માત પ્રયોજતાં,
અઘોર એક સંકલ્પ કેરી નહેરો બનેલાં દુષ્ટતા ભરી,
શસ્ત્રો આપણને જેઓ બનાવે તે શસ્ત્રો અજ્ઞાતનાં સ્વયં,
અધ:પ્રકૃતિની છે જે અવસ્થા ત્યાં શક્તિના અધિકારમાં,
માને છે માનવી જેને પોતાનાં કર્મ તે મહીં
આણે છે જે દૈવ કેરી અસંગતિ,
કે કાળનો કઢંગો જે તુક્કો તેને દુર્ભાગ્ય રૂપ આપતાં,
એક હાથથકી બીજે ઉછાળીને જીવનો માનવોતણાં
અસંબદ્ધ રમે છે જે રમતો ધૂર્તતા ભરી.
ઊર્ધ્વના સર્વ સત્યની
વિરુદ્ધ તેમનું સત્વ બંડખોર બની જતું;
આસુરી શક્તિને માત્ર સંકલ્પ તેમનો નમે.
કાબૂ બેહદ તેઓનો માનવી હૃદયો પરે,
હસ્તક્ષેપ કરે આવી એ આપણા સ્વભાવની
સધળી વૃત્તિઓમહીં.
શિલ્પીઓ તુચ્છ નીચણે બાંધેલાં જીવનોતણા,
સ્વાર્થ ને કામના કેરા ઈજનેરો બનેલ એ,
કાચી માટી અને કીચ કેરાં રોમાંચ માંહ્યથી
સ્થૂલ નસોતણાં જાડાં જડસાં પ્રતિકાર્યથી
બાંધે છે આપણી ખીચોખીચ સ્વેચ્છાચાર કેરી ઈમારતો
ને અત્યલ્પ ઉજાળાતી વિચારોની હવેલીઓ,
યા અહંભાવનાં કારખાનાંઓ ને બજારથી
ઘેરી લે અંતરાત્માનું સૌન્દર્યે ભર મંદિર.
લધુતાના રંગના એ કલાકારો ઝીણી વિગત જાણતા,
મીનાકારી માંડતાં એ જિંદગીના ભાણ નાટય પ્રયોગની,
યોજતાં યા ક્ષુદ્ર દુઃખાન્તિકી નાટય આપણા આયખાતણું ,
કૃત્યોને ગોઠવી દેતાં, ને સંજોગ સાથ સંજોગ સાધતાં
મનોમોજી વેશ કેરાં સંવિધાનો કેરો ચિત્રવિચિત્ર કૈં.
અપ્રાજ્ઞ પ્રેરનારાઓ આ ઉરોને અજ્ઞાન માનવીતણાં,
શિક્ષકો પ્રેરનારાઓ આ ઉરોને અજ્ઞાન માનવીતણાં,
શિક્ષકો ઠોકરો ખાતી એની વાણી અને સંકલ્પશક્તિના,
નાના રોષો, લાલસાઓ, ને દ્વેષોને ચલાવતા,
બદલાતા વિચારો ને છીછરી શી લાગણીઓ જગાડતા,
મો'રાં ધારી ક્ષુદ્રભાવી માયાના રચનાર આ,
રંગે ફિક્કા રંગમંચ કેરી ચિત્રી આપનારા સજાવટો,
નાટયે માનવ લીલાનાં દૃશ્યો મધ્યે ઝડપી ફેર આણતા,
રહે રોકાયલા નિત્ય આ અલ્પધુતિ દૃશ્યમાં
અશક્ત આપણે પોતે આપણું ભાગ્ય સર્જવા,
ખાલી નટતણી પેઠે બોલતા ને
ઠસ્સા સાથે પાઠ ભજવતા નિજી,
અને આ આમ ચાલે છે જ્યાં સુધી ના પૂરું નાટક થાય એ,
ને વધારે પ્રકાશંતા કાળમાં ને વધારે સૂક્ષ્મ વ્યોમમાં
થાય પ્રયાણ આપણું.
આ રીતે નિજ લાદે તે નિયમ ક્ષુદ્ર વામણો,
ને વિરોધે માનવીની ઉર્દ્વારોહી ધીરી ઉન્નતિની ગતિ,
ને પછી મૃત્યુ દ્વારા એ
આણતા અંત અત્યલ્પ એના જીવન માર્ગનો.
ક્ષણભંગુર પ્રાણીનું આ છે જીવન નિત્યનું.
જયાં સુધી માનવી રૂપે પશુ છે જીવને પ્રભુ,
ને આત્માને આવરે છે જડતાનો સ્વભાવ અવચેતની,
જયાં સુધી બુદ્ધિની દૃષ્ટિ બાહ્યે માત્ર પ્રવર્તતી
પૃથ્વીના રસ ને હર્ષો પશુ કેરા નિષેવતી,
તેના જીવનની પૂઠ ત્યાં સુધી લે એક અસાધ્ય ક્ષુદ્રતા.
જયારથી ચેતના કેરો થયો જન્મ ધરા પરે,
ત્યારથી જંતુજીવે ને વાનરે ને મનુષ્યમાં
છે એનું એ જ જીવન,
મૂળ વસ્તુ નથી પામી પરિવર્તન, ને નથી
સામાન્ય જિંદગી કેરા માર્ગમાં ફેર કૈં થયો.
વધે નવા પ્રબંધો ને વધુ ઋદ્વ વિગતોય વધે ભલે,
વિચાર છો ઉમેરાતો,
ચિંતાઓ છો ઉમેરાતી વધારે ગૂંચથી ભરી,
ધીરે ધીરે ધરે છો એ વધુ પ્રસન્નતા મુખે,
ને છતાં માનવીમાં યે જિંદગીની વસ્તુ દીન દરિદ્ર છે.
એની અંદરનું જાડય પ્રલંબાવ્યા કરતું પતિતા દશા;
સાફલ્યો ક્ષુદ્ર છે એનાં નૈષ્ફલ્યો નિજ આત્મનાં,
સુખો નાનકડાં એનાં વારે વારે આવતાં દુઃખમાં બને
માત્ર ચિહનો વિરામનાં:
જિંદગી ધારવા કેરા અધિકારાર્થ એહને
પડે છે આપવાં ભારે મૂલ્ય કષ્ટ તથા આયાસનાં અને
મૃત્યુ વેતન અંતમાં.
અચિત્ માં ઊતરી જાતી જડતા જે મનુષ્યમાં
ને મૃત્યુના સમી નિદ્રા--છે એ આરામ એહનો.
નાની શી દીપ્તિએ એક સર્જનાત્મક શક્તિની
પ્રેરાઈ માનવી એનાં કાર્ય ભંગુર આદરે,
ને તો ય કાર્ય એ અલ્પજીવી કર્ત્તા કરતાં વધુ જીવતાં.
કો વાર સ્વપ્ન એ સેવે દેવો કેરા પ્રમોદી ઉત્સવોતણાં,
ને પસાર થઇ જતા
જુએ છે એ મત્ત મોજે ભરેલા હાવભાવને,
ને એનાં ક્ષીણ અંગોમાં ને મૂર્છાએ મગ્ન હૃદયમાં થઇ
પૂરે રેલાય છે જયારે પ્રમોદોની મિષ્ટ મોટી પ્રમત્તતા
ત્યારે ચૈત્યાત્મને એના ચીરી નાખે એવી સૈહિક શક્તિની
મહત્તા દૃષ્ટિએ પડે :
તુચ્છ મોજ મજાઓથી ઉશ્કેરાતી, વેડફાઈ જતી વળી
એના જીવનની નાની ઘડી નાની વસ્તુઓમાં ખપી જતી.
સહચારિત્વ ટૂંકું ને વળી ઝાઝા ખટકાઓ વડે ભર્યું,
થોડોક પ્રેમ ને તે યે ઈર્ષા ને દ્વેષ સાથમાં,
સ્નેહરહિત લોકોના સમૂહોમાં મૈત્રીનો સ્પર્શ જે મળે
તેનાથી જિંદગી કેરા નાના શા નકશામહીં
આલેખાતી એની હૃદયયોજના.
જો મોટું કૈંક જાગે તો પરાકાષ્ઠા એના આનંદતાનની
કરવાને વ્યક્ત એની પાસે તારસ્વરતા પૂરતી ન 'તી,
અત્યલ્પ કાળનાં ઊંચાં ઊડણોને
સર્વકાલીનતા દેવા કેરી શક્તિ ન 'તી એના વિચારમાં.
કાળની ઝગતી જયોતિ એની આંખો માટે છે માત્ર રંજના,
જાદૂ સંગીતનો રોમહર્ષ ધૈર્ય હરતો હુમલો કરી.
પરેશાની ભર્યા એના શ્રમમાં ને ચિંતાના ગોલમાલમાં,
એના વિચારજૂથોના પીડનારા પરિશ્રમે,
કોઈ કોઈ વાર એના દુખતા શિરની પરે
ધરે પ્રકૃતિમાતાના શાન્ત સમર્થ હસ્ત એ,
એના જીવનના દુ:ખમાંથી મુક્ત થઇ જવા.
મૌન પ્રકૃતિનું એને બચાવી લે જાતને જંત્રણાથકી;
માના પ્રશાન્ત સૌન્દર્યે છે આનંદ શુદ્ધમાં શુદ્ધ એહનો.
નવા જીવનની ઊગે ઉષા,
એની દૃષ્ટિ સામે વિશાળાં દૃશ્ય ઊઘડે;
પરમાત્માતણી ફૂંક પ્રેરે એને
કિન્તુ પાછી ફરી અલ્પ કાળમાં એ જતી રહે :
એ સમર્થ મહેમાન ધારવાને
માટે તેની શક્તિ નિર્માયલી ન 'તી.
એ સૌ મંદ બની રૂઢ રૂપમાં ફેરવાય છે,
કે ઉત્સાહ ભર્યા હર્ષો આપે એને ઉગ્ર આવેશપૂર્ણતા :
લાલ સંઘર્ષના રંગે એના રંગાય છે દિનો,
કામાવેગતણા ચંડ ધગારાએ
અને કિરમજીરંગી કલંકે રાગના રંગિત થાય છે;
યુદ્ધ ને ખૂન છે એની રમતો નિજ જાતિની,
મળે સમય ના એને દૃષ્ટિપાત અંતરે કરવાતણો,
શોધવા સ્વ ગુમાવેલી જાતને મૃત્યુ પામેલ ચૈત્યને.
ગતિ એની થતી ગોળ છેક છોટી ધરી પરે;
ઊંચે ઊડી શકે ના એ, નિજ દીર્ધ માર્ગે કિન્તુ સર્યા કરે,
યા જો ઢસડતી કાળ કેરી ચાલ જોઈ થાય અધીર તો
ભાગ્યના મંદ માર્ગે એ ત્વરા તેજસ્વિની કરે,
ને એનું દોડતું હૈયું હાંફી જાય તુરંત ને
થાકીપાકી ઢળી જતું;
યા એ ચાલ્યા કરે નિત્ય ને ન એના માર્ગનો અંત આવતો.
ભાગ્યે ચઢી શકે થોડા વિશાળતર જીવને.
સર્વે સરગમે નીચી ને સચેત
સ્વર સાથે રહે છે તાલમેળમાં.
અજ્ઞાનને ગૃહે એના જ્ઞાનનો વસવાટ છે;
એક વારેય ના એની શક્તિ સર્વસમર્થની
સમીપે કરતી ગતિ,
સ્વર્ગીય સંમુદા કેરો જવલ્લે એ મહેમાન બની શકે.
જે મહાસુખ છે સૂઈ રહેલું વસ્તુજાતમાં
તે ફાટી નીકળે એની મહીં તુચ્છ જીવનાનંદરૂપમાં :
અત્યલ્પ આ કૃપા એનો છે આધાર નિરંતર;
એના ઝાઝાં અનિષ્ટોનો ભાર એ હળવો કરે,
સાધી આપે સમાધાન એનું એના નાના જગત સાથનું.
એની સામન્ય મામૂલી ચીજોથી ખુશ એ રહે;
આશાઓ કાલની, જૂના ચકરાવા વિચારના,
જાણીતા રસ જૂના ને ઈચ્છાઓ ઓળખાણની,
ગાઢી ને સાંકડી વાડ બનાવેલી છે એણે એક એમની
રક્ષતી ક્ષુદ્ર પોતાની જિંદગીને અદૃશ્યથી;
અનંતતાતણી સાથે એનો આત્મા જે સગાઈ ધરાવતો
તે અભ્યંતરમાં એણે કરી બંધ રાખી છે નિજ જાતથી,
ગુપ્ત રહેલ પ્રભુના મહિમાઓ પૂર્યા વાડોલિયામહીં.
નાના શા રંગમંચે ને નાના શા એક નાટકે
પાઠ ભજવવા નાનો રચાયું સત્ત્વ એહનું;
સાંકડા ટુકડે એક ભૂમિ કેરા
જિંદગીનો તંબૂ એનો તણાયલો,
વિશાળી દૃષ્ટિની નીચે તારાઓએ ખચ્ચા વ્યોમવિરાટની.
જે સૌ કાંઈ થયેલું છે તેનો છે એ શિરોમણી :
આ રીતે છે બન્યો ન્યાય્ય સૃષ્ટિ કેરો પરિશ્રમ;
ફળ આ જગ કેરું છે, અંતિમા છે તુલાવસ્થા નિસર્ગની !
ને જો આ હોત સર્વસ્વ, ને ઉદ્દેશ બીજો કોઈ ન હોત જો,
થવું જે જોઈએ તે સૌ હાલ જે દેખાય છે તે જ હોત જો,
જો ન આ ભૂમિકા હોત જેની મધ્ય થઇ આપણ ચાલતા
દ્રવ્યમાંથી નીકળીને શાશ્વતાત્માતણા મારગની પરે,
જગતો છે રચ્યાં જેણે અને જે છે આદિ કારણ સર્વનું
તે મહાજ્યોતીની પ્રતિ,
તો જગત્ કાળની મધ્યે છે અકસ્માત માત્ર કો,
છે માયા કે છે પ્રપંચ, મોજી એક તરંગ છે,
વિરોધાભાસ છે એક સર્જનાર વિચારનો
જે અસત્ય વિરોધોની વચમાં ગતિમંત છે,
ઓજ નિર્જીવ છે એક
સંવેદના તથા જ્ઞાન માટે મથનમાં મચ્યું,
છે જડદ્રવ્ય જે લેવા સમજી નિજ જાતને
યાદ્દચ્છાએ મનને વાપરી રહ્યું,
છે અચિત્ ઘોર રૂપે જે ચૈત્યને જન્મ આપતું,
એવું જો આપણું સીમાબદ્ધ ચિત્ત
કહે તો તે મહીં ખોટું કશું નથી.
કોઈ કોઈ સમે લાગે છે કે છે સર્વ અસત્ એક સુદૂરનું :
કથામાં કોક કલ્પેલી આપણાં ચિંતનોતણી
રહીએ આપણે છીએ એવો આભાસ આપતી,
ઇન્દ્રિયાનુભવો કેરા તુક્કાઓએ ભરી યાત્રિકની કથા
મળે જેની મહીં જોડી કઢાયલી,
કે મસ્તિષ્કતણી ફિલ્મે અંકાઈ પકડાયલી,
વિશ્વને ધારણે એક ટુકડા યા ઘટના એક જે ઘટી.
ચંદ્ર નીચે અહીં એક જાગતી તો ય ઊંઘતી,
ક્ષણોને ગણતી ભૂત સમા ભાસંત કાળની,
કાર્ય-કારણના જૂઠા પરિદર્શનની મહીં,
વિશ્વાવકાશના મિથ્થાભાસી દૃશ્ય પર વિશ્વાસ રાખતી,
એક દેખાવથી બીજે દેખાવે એ તણાતી અટક્યા વિના,
ક્યાં તે ના જાણતી પોતે, કે અકલ્પી કઈ ધારે નવાઈની.
છે સ્વપ્નગત હ્યાં સર્વ, કે અસ્તિત્વ એનું સંદેહથી ભર્યું,
સ્વપ્નદ્રષ્ટા કોણ કિન્તુ ને ક્યાંથી એ વિલોકતો
તે હજુ જ્ઞાત ના, યા તો માત્ર એક ધૂંધળું અનુમાન છે.
યા તો જગત છે સત્ય, કિન્તુ છીએ અતિ ક્ષુલ્લક આપણે,
અપર્યાપ્ત ઊર્જ માટે આપણા રંગમંચના.
રાક્ષસી ઘૂમરી એક કક્ષા કેરી આત્મવિહીન વિશ્વની,
ત્યાં થઇ જાય છે તન્વી વંકરેખા આપણી જિંદગીતણી,
આછા ગબડતા પુંજતણા પેટાળની મહીં
આકસ્મિત સમા એક નાના ગોલક માંહ્યથી
મન દૃષ્ટિ કરે બ્હાર ને આશ્ચર્યે થઇ લીન વિચારતું
કે પોતે કોણ છે ને સૌ વસ્તુઓ કોણ છે વળી.
ને તો યે આત્મલક્ષી છે દૃષ્ટિ એક બંદી બનેલ ભીતરે,
ને વિચિત્ર પ્રકારે જે રચાઈ છે જડ તાત્ત્વિક દ્વાવ્યમાં,
તેની આગળ નાનાં શાં બિન્દુઓની જે ચિત્રકૃતિ થાય છે
તે વિશ્વાત્માતણો પાયો સચૈતન્ય બની જતી.
આવું છે આપણું દૃશ્ય તળેની અર્ધ-જ્યોતિમાં.
આ તાત્પર્યે ભર્યું ચિત્ર કૈં વિચિત્ર, પોતાનું ક્ષેત્ર માપતી
રાક્ષસી વિજ્ઞાનવિદ્યા આગે પ્રગટ થાય છે,
જયારે એ મીટ માંડીને બારીક અવલોકનો
કરી નોંધો ભણી વાળે વિચારને,
ને ગંજાવર પોતાનું બાહ્ય વિશ્વ ગણિતોને ગ્રહે ગ્રહે,
વર્તુલે ઇન્દ્રિયો કેરા પરિબદ્ધ બુદ્ધિ આવું વિલોક્તી,
યા વિચારતણી બ્હોળી અગ્રાહ્ય આપ-લે મહીં
સૂક્ષ્મ વિશાળ ખ્યાલોની સટ્ટાખોરી કરંત એ
હવાઈ કલ્પનાઓ છે એનું ચલણ શૂન્યમાં,
મૂળમાં છે ક્યાં પાકાં મૂલ્યો એનાં આપણે તે ન જાણતા.
દેવાળિયાપણામાં આ આપણાં હૃદયો કને
નિજ સંદિગ્ધ સંપત્તિ ધર્મમાત્ર રજુ કરે,
કે પ્રબંધ વિનાના એ ફાડી આપે ચેક પરમધામના :
ત્યાં આપણી ગરીબાઈ પોતાનું વેર વાળશે.
જાય છે આપણા જીવ ઉવેખી વ્યર્થ જિંદગી,
કાળ અજ્ઞાતમાં યા તો પ્રવેશતા,
યા તો મૃત્યુતણું સાથ લઈને પારપત્ર એ
અમૃતત્વમહીં જતા.
તે છતાં આ હતી માત્ર કામચલાઉ યોજના,
મિથ્થા આભાસનું રેખાચિત્ર સીમા બાંધતી ઇન્દ્રિયે રચ્યું,
મને કરેલ પોતાની આત્મખોજ અપૂરતી,
હતો આરંભનો યત્ન, હતો પ્હેલો પ્રયોગ એ.
ખિલોણું આ હતું ચિત્ત રંજવાને બાલિકા પૃથિવીતણું;
કિન્તુ ના જ્ઞાનનો અંત આવતો આ તલની શક્તિઓ મહીં,
રહે છે જે અવિદ્યાની એકાદ છાજલી પરે,
ને જે ભીષણ ઊંડાણોમહીં જોવાતણી હામ ન ભીડતી,
ને અજ્ઞાતતણું માપ લેવા ઊંચે
તાકવાનું નથી સાહસ ખેડતી,
ને જયારે મનના છોટા આ સીમાડા હોય છે આપણે તજયા
ત્યારે આપણને ભેટો વિશાળતર દૃશ્યનો
શિખરો પર થાય છે
બ્રહ્યની મીટની મોટી પ્રકાશમયતામહીં.
અંતે આપણમાં એક સાક્ષી પુરુષ જાગતો,
જોતો અદૃ્ષ્ટ સત્યો જે ને અજ્ઞાત નિરિક્ષતો;
તે પછી સૌ ધરે રૂપ નવું અદભુતતા ભર્યું.
વેપમાન થતું વિશ્વ મર્મ મધ્યે પ્રભુકેરો પ્રકાશથી,
ઊંડે હૈયે કાળ કેરા ઉચ્ચોદ્દેશો હલે ને જીવતા બને,
સીમાઓ જિંદગી કેરી થાય શીર્ણવિશીર્ણ સૌ
ને અનંત સાથે સંયોગ પામતી.
વિશાળા, ગૂંચવાયેલી, છતાં આ સ્તબ્ધ યોજના
બની દેવોતણું જાય ભવ્ય કો એક કોકડું,
બને રમત ને કર્મ દિવ્ય અસ્પષ્ટતા ભર્યું.
અલ્પજીવી પ્રયોગો છે ખોજો સકલ આપણી,
કરતા એક નિ:શબ્દ રહસ્યમય શક્તિથી
જે અચિત્ રાત્રિમાંહેથી પોતાનાં પરિણામને
કસોટીએ ચડાવતી
કે જેથી તે જઈ ભેટે સત્ય ને સંમુદાતણા
એના જયોતિ:સ્વરૂપને.
સત્યતત્વતણી પ્રત્યે પ્રેક્ષે છે એ દૃશ્ય રૂપમહીં થઇ;
સેવે પરિશ્રમો મર્ત્ય આપણાં મન-ઇન્દ્રિયે;
અવિદ્યાએ રહેલાં રૂપની મહીં,
શબ્દે અને વિચારે જે આલેખ્યાં છે ચિત્રરૂપ પ્રતીક ત્યાં,
સ્વરૂપો સર્વ નિર્દેશે સત્ય જે તે માટે એ શોધમાં રહે;
દર્શનાના દીપ દ્વારા જોવા માગે પ્રભવસ્થાન જ્યોતિનું;
સર્વ કર્મોતણો કર્ત્તા શોધવા કાર્ય એ કરે,
જોવા માગે અંતરસ્થ અસંવેદિત આત્મને,
ને ધ્યેયરૂપ ઊર્ધ્વસ્થ અવિજ્ઞાત આત્માને જાણવા ચહે.
શબ્દ એક, એક પ્રજ્ઞા ઊર્ધ્વમાંથી પેખી આપણને રહી,
સાક્ષી છે એક જે એની ઈચ્છાને ને કર્મોને અનુમોદતો,
અદૃષ્ટ એક છે આંખ દૃષ્ટિહીન વિરાટમાં;
પ્રભાવ એક જે ઊર્ધ્વવર્તી તે છે પ્રકાશનો,
વિચારો દૂરના છે ને સીલબંધ શાશ્વતીઓય છે વળી;
નિગૂઢ પ્રેરતો હેતુ તારાઓ ને સૂર્યોને છે ચલાવતો.
બધિરા ને અજ્ઞ એક શક્તિમાંથી
મથંતી ચેતનાની ને ક્ષણભંગુર પ્રાણની
પ્રત્યે જે આ યાત્રા ચાલી રહી, તહીં
કાળ કેરી તહેનાતે શક્તિશાળી પરા પ્રકૃતિ એક છે.
અત્યારે આપણે જેવું ધારતા ને વિલોકતા
તેથી જુદું જ છે જગત્ ,
આપણે હોય કલ્પી જે તેનાથી વધુ ગૂઢ કૈં
રહસ્યમયતા ઊંડી આપણાં જીવનોતણી;
પ્રભુ પ્રત્યે થતી દોડ-શરતે છે
પ્રવર્તકતણું કાર્ય કરતાં આપણાં મનો,
આત્માઓ આપણા રૂપો પરમાત્માતણાં અને
એના કાર્ય માટે નિયુક્ત હ્યાં થયા.
વિશ્વના ક્ષેત્રની મધ્યે શેરીઓ માંહ્ય સાંકડી
ભાગ્યદેવીતણે હાથે ભિક્ષા અલ્પાલ્પ માગતો,
કંથા ભિક્ષુકની ધારી एक છે સંચરી રહ્યો.
ક્ષુદ્ર આ જીવનો કેરી નાટય-ભૂમિ પરેય હ્યાં
નટ-કર્મતણી પૂઠે ગુપ્ત એક છે માધુર્ય શ્વસી રહ્યું,
પ્રેરણાવેગ છે નાના રૂપમાં દેવભાવનો.
ગૂઢ ભાવાવેશ એક પ્રભુના પ્રભવોથકી
આત્માના સચવાયેલા અવકાશોમહીં વહે;
સહાય કરતી શક્તિ છે પીડાતી પૃ્થિવીને ટકાવતી,
અદીઠ એક સામીપ્ય, છે આનંદ છુપાયલો.
મોં-બાંધ્યાં સ્પંદનો હાસ્યતણાં છે નિમ્નસૂરમાં,
નિદ્રા કેરાં અગાધોમાં છે સમુલ્લાસ હર્ષનો,
દુઃખની દુનિયા મધ્યે છે હૈયું સંમુદાતણું.
શિશુ પ્રકૃતિના છન્ન હૈયે પોષણ પામતો,
મોહિનીએ ભર્યાં કુંજકાનનોમાં લીલાઓ કરતો શિશુ,
આત્માની સરિતા કેરે તીરે તીરે
બજાવી બંસરી પ્રાણ ભરી દેતો પ્રહર્ષણે,
વળીએ આપણે એના આમંત્રણતણી પ્રતિ
તે ઘડીની વાટ જોઈ રહેલ છે.
માટીની જિંદગી કેરા આ વસ્ત્ર-પરિધાનમાં
સ્ફુલિંગ પ્રભુનો છે તે ચૈત્યાત્મા જે રહે પાછળ જીવતો
ને કો કો વાર તે પાજી પડદાને ચીરીને બ્હાર આવતો
ને જે આપણને અર્ધ-દિવ્ય રૂપ બનાવતો
તે અગ્નિ પ્રજવલાવતો.
રાજે દેહાણુઓમાં યે આપણા કો શક્તિ એક છુપાયલી,
આ દૃષ્ટિને નિહાળે જે ને કરે જે પ્રબંધ શાશ્વતીતણો,
આપણા ક્ષુદ્રમાં ક્ષુદ્ર ભાગોમાં યે
સૌથી ઊંડી અપેક્ષાઓ માટેનો અવકાશ છે;
આવી ત્યાંય શકે સ્વર્ણવર્ણ સંદેશવાહકો :
માટીની ભીંતમાં પિંડ કેરી કોરી કાઢેલું એક દ્વાર છે;
નીચે ઉંબર ઓળંગી માથું નીચે નમાવતા
આનંદના અને આત્મદાન કેરા ફિરસ્તા આવતા-જતા,
ને સ્વપ્ન-મંદિરે સ્થાન લઇ ભીતરી મહીં
દેવતાપ્રતિમા કેરા નિર્માતાઓ વસે તહીં.
છે દયાભાવ ત્યાં ને છે યજ્ઞ પાવક-પાંખ ત્યાં,
હમદર્દી અને કૂણા ભાવની ઝબકો તહીં
સ્વર્ગીય જ્યોતિઓ વેરે ઉર કેરા એકાંત તીર્થધામથી,
ઊંડાં મૌનોમહીં એક કાર્ય કરાય છે તહીં;
અધ્યાત્મ ભાવનો ભવ્ય મહિમા ને અજાયબી,
હાસ્ય સૌન્દર્યના એક સદાના અવકાશમાં
અણસ્પર્શ્યા અખાતોની રહસ્યમયાતતણું
નિવાસી છે બની ગયું;
કાળના તાલથી શાન્ત પોઢેલી છે શાશ્વતી આપણી મહીં.
સંપૂર્ણ સીલબંધીએ રહ્યા હૈયે સુખસંપન્ન સાર શી,
અક્ષુબ્ધ મૃત્યુ કેરી આ બાહ્ય આકૃતિ પૂઠ છે
સત્તા સનાતની, સજ્જ અંતરે જે કર્યા કરે
તત્વ પોતાતણી દિવ્ય પરમાનંદતાતણું,
રચતી રાજ્ય પોતાનું સ્વર્ગીય સુખસૃષ્ટિનું.
સંદેહશીલ અજ્ઞાન આપણા મનમાંય કો
નિ:સીમ મુક્તિની આવી જાય છે દૂરદર્શિતા,
સંકલ્પ આપણો ઊંચા કરે એના
હાથ ધીરા અને આકાર આપતા.
પ્રત્યેક આપણામાંનો ભાગ વાંછે પોતાની પરિપૂર્ણતા:
વિચારો આપણા રાખે લાલસા નિત્ય જ્યોતિની,
સર્વસમર્થ કો એક શક્તિમાંથી આપણું બળ આવતું,
અવગુંઠિત આનંદે ઈશ કેરા છે વિશ્વો સરજાયલાં,
ને સનાતન સૌન્દર્ય રૂપની માગણી કરે,
તેથી અહીંય જ્યાં સર્વ બનેલું છે સત્-તાની રેણુકાતણું,
આપણાં હૃદયો બંદી બની જાય રૂપોની મોહિનીતણાં,
આપણી ઇન્દ્રિયો સુધ્ધાં અંધભાવે પરમાનંદ પ્રાર્થતી.
આપણી ભ્રષ્ટતા ક્રોસે ચડાવે સત્યવસ્તુને :
તેથી લેવો પડે એને જન્મ હ્યાં ને
દિવ્ય દેહ ધારવો પડતો અહીં,
સ્પર્શાશ્લેષ બને શક્ય એવા માનવ રૂપમાં,
શ્વાસોછવાસ ચલે છે જ્યાં એવાં અંગોમહીં મૂર્ત્ત થવું પડે,
છે જે પુરાણ અજ્ઞાન તેને એના જ્ઞાને બચાવવું પડે
અચિત્ જગતને એના પરિત્રાતા પ્રકાશથી
ઉદ્ધાર આપવો પડે.
અને સાગર શો આત્મા તે મહત્તર જે સમે
આપણી આ ક્ષણભંગુર મૂર્ત્તિને,
ત્યારે રૂપાંતરપ્રાપ્ત બધું બંદી બની આનંદનું જશે :
આપણા મન ને પ્રાણ, ઇન્દ્રિયગ્રામ આપણો,
સ્વપ્ને ગમ્ય ના એવી મુદાની ઊર્મિઓમહીં
આળોટશે અને હાસ્ય કરશે એક જ્યોતિમાં,--
જયોતિ જે આપણા માઠા મિત માનવના દિનો
થકી છેક જ છે જુદી,
પામી દેવત્વ રોમાંચો લહેશે દ્રવ્ય દેહનું,
અધીન અણુઓ થાશે પલટાને પ્રકાશતા.
કાળનો ક્ષુદ્ર આ જીવ, છાયાત્મા આ,
કાળા સત્ત્વતણી ખર્વ જીવતી આ નામરૂપમયી કૃતિ,
પોતાનાં ક્ષુદ્ર સ્વપ્નાંના વ્યાપારોની મહીંથી ઊર્ધ્વ આવશે.
આકાર વ્યક્તિનો એનો, એની ' હું ' --વદનાકૃતિ
છૂટી વિડંબનામાંથી એના આ મર્ત્ય ભાવની,
માટી ગૂંદી બનાવેલી દેવતામૂર્તિના સમો,
નવનિર્મિત આકારે નિત્યના અતિથિતણા,
એક શુભ્રા શક્તિ કેરે હૈયે ચંપાઈ એ જશે,
આધ્યાત્મિક અને મીઠી કૃપા કેરી ગુલાબી દીપ્તિની મહીં
સ્વર્ગીય સ્પર્શથી પોતે દીપ્તિમંત બની જશે,
અસીમ પલટા કેરા રાતા રાગાનુરાગમાં
સ્પંદશે, જાગશે, મોટી મુદાએ એ પ્રકંપશે.
જાદૂ વિકૃતિનો જાણે હોય એ ઉલટાવતો,
તેમ રાત્રિતણા ઘોર અને કાળા જાદૂથી મુક્તિ મેળવી,
દાસત્વને પરિત્યાગી અંધારા ઘોરગર્તના,
અદૃષ્ટ જે રહેતો 'તો ઉરે તેને અંતે એ જાણતો થશે,
અને ભક્તિભર્યે હૈયે વશ આશ્ચર્યને થઇ,
સભાન નમશે સિંહાસનારૂઢ પ્રભુના બાલરૂપને,
સૌન્દર્યે, પરમાનંદે અને પ્રેમે પ્રકંપશે.
કિંતુ જે ખાઈમાંથી છે ઊઠી પ્રકૃતિ આપણી
આત્મા કેરું ઉર્દ્વારોહણ આપણે.
આત્માએ ઉડવાનું છે સપ્રભુત્વ રૂપની પાર ઊર્ધ્વમાં,
અને આરોહવાનું છે મનની અર્ધ-ઊંઘની
પારનાં શિખરો પરે;
આપણે કરવાનાં છે
દેવતાઈ બળે હૈયાં અનુપ્રાણિત આપણાં,
પશુ આક્રામવાનું છે અણચિંત્યું નિગૂઢે સ્થિત દેવથી.
પછી યજ્ઞતણી સ્વર્ણ જવાલા પ્રજવલિતા કરે,
બોલાવી શક્તિઓ શુભ્ર ઊર્ધ્વના ગોલકાર્ધની,
આપણી મર્ત્ય દશા કેરી નામોશીને મિટાવશું,
સ્વર્ગાવતારને માટે ગર્ત ઊંડો માર્ગરૂપ બનાવશું,
ઓળખાળ કરાવીશું ઊંડાણોને પરમોચ્ચ પ્રભાવતણું
તે તમિસ્ર વિદારીશું વહનિથી ગૂઢ વિશ્વના.
એક વાર ફરીથી એ જન્મસ્થાનીય ઘુમ્મસે
જોખમી ધૂંધ ને અર્થભર્ગ સંભ્રમ વીંધતો
એ ચાલ્યો સુક્ષ્મ-આકાશી અંધાધુંધી મહીં થઇ
કાપી માર્ગ બનાવતો :
દૈત્યદેવોતણાં ભૂરાં મોં હતાં આસપાસ ત્યાં,
ભૂતો ભડકતાં, તેના હતા પ્રશ્ન કરતા મર્મરાટ ત્યાં,
ઘેરી રહ્યા હતા જાદૂ ધારાવાહિક શક્તિના.
વિના દોરવણી જેમ કોઈ ચાલે અજાણ્યાં ક્ષેત્રની મહીં,
ક્યાં વળી જાય છે પોતે ને કઈ આશ રાખતો
તે વિષે કૈં ન જાણતો,
તેમ એ પગની નીચે ધબી જાતી પરે
પગલાં માંડતો હતો,
ભાગતા લક્ષ્યની પ્રત્યે પાષણ-દૃઢતા ધરી
કર્યે જાતો મુસાફરી.
રેખા અદૃશ્ય થાનારી અવિસ્પષ્ટ અમેયમાં
પોકાર જ્યોતિની સામે કરનારા ઘવાયેલા તમિસ્રમાં
અશરીરી મર્મરાટ પડખે ચાલતો હતો.
અંતરાય મહાકાય ગતિહીન હૈયું એનું બન્યું હતું,
જેમ જેમ વધ્યો એ ત્યાં તેમ તેમ એક અપારદર્શિતા
ચોકી પે 'રો રાખનારી વિરોધી વૃત્તિ રાખતી
મૃત ને તાકતી આંખો કેરો ઓઘ ગુણાકારે વધારતી;
હતો ઝબકતો અંધકાર એક મરી જાતિ મશાલ શો.
આસપાસ હતા ભૂતભડકાઓ બુઝાયલા,
અવિસ્પષ્ટ અચિત્ કેરી અંધકારી ને અગાધ ગુહામહીં
છાયારૂપો વસ્યાં 'તાં ત્યાં ભરમાવી વિમાર્ગોએ લઇ જતાં.
રાજાના આત્મની જવાળા
એને માટે હતો એકમાત્ર સૂર્યપ્રકાશ ત્યાં.
સર્ગ છઠ્ઠો
વિશાળતર પ્રાણનાં રાજ્યો
અને દેવતાઓ
અશ્વપતિ હવે અવચેતન જીવનની ધૂંધળી અંધાધૂંધીમાંથી બચીને બહાર નીકળ્યો ને એક એવા વિલક્ષણ પ્રદેશમાં આવ્યો કે જ્યાં ચેતના અચેતન સાથે રમત રમતી હતી અને જ્યાં ઉત્પત્તિ એક પ્રયત્ન ને પ્રસંગરૂપ લાગતી. ત્યાં આકાંક્ષા હતી પણ એને માર્ગ મળતો ન હતો, વિચિત્ર પ્રકારનું ગણિત ત્યાં યદ્દચ્છાનો વિષય બન્યું હતું. જીવન એક વિચિત્ર ને રહસ્યમય વાતાવરણમાં શ્રમ સેવતું હતું, પણ એણે એના મીઠા ને મહાન ભાસ્કરો ગુમાવ્યા હતા. એ ચમત્કારી પ્રદેશમાં અદભુત છતાં મોઘ સૌન્દર્ય સર્જાયું હતું. હૃદય મુગ્ધ થતું પણ કોઈ લક્ષ્ય પ્રતિ દોરાતું નહીં. સ્વર્ગીય સત્ત્વો અપૂર્ણતાથી મંત્રમુગ્ધ બની દેહ લેવા ઊડતાં ઊડતાં ત્યાં આવતાં હતાં. અમર અભિલાષા જેમની પાછળ પડી છે એવાં અમૂર્ત્ત પ્રકાશનાં બાળકો ત્યાં પસાર થતાં જોવામાં આવતાં.
જીવન ત્યાં ખોજ રૂપ હતું, પરંતુ ખોજ પાર પડતી નહીં. ત્યાં કશુંય સંતોષ આપતું ન હતું, છતાં લલચાવતું હતું. ત્યાં કશુંય સલામત ન હતું, પણ બધું અદભુત ને અર્ધસત્ય હતું. પાયા વગરનાં જીવનોનો એ પ્રદેશ હતો.
ત્યાર બાદ આકાશ ઊઘડ્યું ને ખોજ મોટી બની. આત્મા પોતાનો ગહન સ્વરૂપને શોધતો હતો પણ અખંડને બદલે સામે ધરાયેલા ખંડમાંત્રથી સંતુષ્ટ થતો.
જયારે ગહન આત્માની શક્તિ જાગે છે, પ્રાણ અને જડ પદાર્થ આનંદને ઉત્તર આપતો બને છે, અમર સૌન્દર્યનું એકાદ સ્વરૂપ પકડાય છે ને ક્ષણને ચિરંજીવ બનાવી દે છે ત્યારે પરમ સત્યને સંમૂર્ત્ત કરતો શબ્દ ઉછળીને બહાર આવે છે, જીવન ઉપર સંપૂર્ણસ્વરૂપનો રંગ છવાય છે, જ્ઞાનને અંત:સ્ફુરણાનો મહિમા મળે છે, પરમાનંદપૂર્ણ પ્રેમના હૃદયનો ભાવાવેગ અનુભવાય છે.
વિશાળતર પ્રાણ આપણી પૃથ્વી ઉપર ઊતરી આવ્યો છે. એને લીધે આપણામાં વિરાટ આશાઓ જાગી છે, આપણા ભાગ્યને એની સર્વોતમ ગતિ સમર્પાઈ છે. આપણે જેની શોધમાં છીએ તે પોતાનું પ્રથમ રૂપ એનામાં લે છે. જ્યાંથી પાછા ફરવાની ખાતરી નથી તેની દિશામાં શાશ્વત ક્ષણભંગુરતાની એક શક્તિ ગતિ કરી રહી છે. એ છે પ્રકૃતિની અજ્ઞાત પ્રતિની યાત્રા. એની વણજાર આગળ ને આગળ
વધી રહી છે.
એક અકાળ રહસ્યમયતા કાળમાં કામ કરી રહી છે. એને એની અભીપ્સિત વસ્તુઓ પ્રાપ્ત થતી નથી છતાં એનું શક્તિશાળી હૃદય એને અટકી પડતી અટકાવે છે. અપ્રાપ્યની લગભગ નજીક એ પહીંચી જાય છે અને ઘડીમાં શાશ્વતને પૂરી રાખે છે.
આ મહત્તર જીવનશક્તિ અણદીઠ પર મુગ્ધ છે. પહોંચ પારના ઉચ્ચતમ પ્રકાશ માટે એ પોકારે છે, આત્માને મુક્ત બનાવનાર મહામૌનનો સ્પર્શ અનુભવે છે. દેવ અને દાનવ ઉભય એના સગાસંબંધીઓ છે. એની મહત્તા રહી છે શોધવામાં અને સર્જવામાં. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં એનું સર્જન થાય છે. બધીજ દિવ્ય વસ્તુઓથી વંચિત હોવા છતાં અંધકારમાં કષ્ટો સહેતી એ કાર્યશ્રમ સેવે છે. પોતાના વક્ષ:સ્થળ ઉપર એ ક્રોસે ચઢાવેલા પ્રભુને ધારણ કરે છે. પોતાની લુપ્ત અનંતતાની સ્મૃતિને સ્થાને એ સિદ્ધ કરેલાં સ્વપ્નાં સ્થાપવામાં આયાસ આદરે છે.
એનો સનાતન પ્રેમી એની પ્રવૃતિનું મૂળ કારણ છે. સચેતન અનંતને પકડવા માટે એ જાળ ગૂંથે છે. પોતનથી અજાણ જ્ઞાન, અદભૂતોને વાસ્તવિક બનાવનારી શક્તિ એની પાસે છે. સત્યો અને કલ્પનાઓમાંથી એ એક વિશ્વ બનાવે છે, પણ જેની એની સૌથી મોટી જરૂર છે તે એ બનવી શક્તિ નથી. શાશ્વતતા સિવાયનું બીજું બધું એ મેળવે છે, એક અનંતને એ ચૂકી જાય છે.
વિશાળતર પ્રાણનાં સત્ત્વોને જીવવા માટે શરીરની કે બાહ્ય વસ્તુઓની જરૂર પડતી નથી. પોતાની જાતને જ તેઓ પોતાનું જગત બનાવી દે છે. ત્યાં પ્રત્યેક એક મહત્તાનું સ્વુરૂપ છે, જે ઊર્ધ્વ પ્રતિ વાધે છે યા તો પોતાની અંદરથી સાગર સમાન વિસ્તરે છે. સૌ પોતપોતાનું નાનકડું સામ્રાજ્ય રચી ત્યાં રાજ્ય કરે છે. પૃથ્વીલોકની જીવજાતી સાથે તેઓ સગાંનો સંબંધ રાખે છે. એમનો દેશ આપણી મર્ત્યતાની કિનારી પર આવેલો છે.
આ વિશાળતર જગત આપણને વિશાળતર ગતિઓ પૂરી પાડે છે. ત્યાનાં જીવો આપણી ઉજ્જવલતર પ્રતિમૂર્તિઓ છે. એમનાં જીવન એમના અંતરમાં રહેલા કોઈ એક માર્ગદર્શકને અનુસરે છે. એમનામાં આપણને મહિમાનું ને મહવીરનું બીબું મળી આવે છે. સત્ય અને અસત્ય ઉભય પક્ષમાંથી એકને પસંદ કરી તેઓ યુધ્ધમાં જોડાય છે, પાયાના કે પુણ્યના યોદ્ધાઓ બની નરકને પક્ષે કે સ્વર્ગને પક્ષે રહી તેઓ લડે છે, મહાન વિજય કે મહાન પતન, સ્વર્ગનું સિંહાસન કે નરકનો ખાડો--બેમાંથી એક તેઓને માટે હોય છે.
ત્યાં જડ તત્વ આત્માનું પરિણામ છે, કારણ નથી, ત્યાં અંતર આડે આવતું નથી, ત્યાં દૂર હોવા છતાંય બધા એકમેકની સાથે વિનિમય કરે છે; ચેતન ચેતનને
જવાબ વાળે છે, છતાં ત્યાં આખરની એકતાનો અભાવ છે. જડ જગતનો ચમત્કાર તેઓએ પાર કર્યો હોય છે, પારના ચેતનનો ચમત્કાર હજી તેમને માટે અજ્ઞાત છે. આદિ ને અંત ત્યાં નિગૂઢ રહસ્યમયતા છે. એ કોયડો જેવા જગતમાં અશ્વપતિ પોતની જાતને એક કોયડા રૂપ જોતો હતો.
જીવન-મરણના પ્રવાહોમાં થઇ એ આગળ વધ્યો. જબરું જોખમ તો હતું છતાં એ સાહસ કર્યે ગયો. ગૂંચવાડામાં નાખી દે એવાં સત્યનાં સેંકડો મુખો દેખાયાં, મર્મરાટો આવવા લાગ્યા, અવ્યક્તના મંત્રાક્ષરો સુણાયા, જાદૂઈ યંત્રો દ્વારા ગૂઢ નિયમો આલેખાયા. શિખરો પર એ મૌનનો મિત્ર બની ગયો. જીવન અને સત્ત્વ ત્યાં પારની સત્યતાને અર્ચનમાં અર્પાતાં હતાં.
પ્રાણની શક્તિ એમ તો અદભુત હતી ને અદભુત કાર્યો કરતી હતી,છતાં ભીતરમાં એનો આત્મા રડી રહ્યો હતો. એના પ્રયત્નો નિષ્ફળ નીવડતા, સત્ય પકડાતું ન 'તું , આશાઓ નિરાશામાં ફેરવાઈ જતી, એનું મન અસંતુષ્ટ હતું, એનું હૃદય પોતાના એકમાત્ર પ્રેમીને આલિંગનમાં લઇ શકતું ન 'તું. બનાવટી સ્વર્ગો બનાવતી દેશનિકાલ થયેલી એ એક દેવી હતી, સંતાયેલા સૂર્ય તરફ મીટ માંડી રહેલી એ એક રહસ્યમયી નારસિંહી મૂર્ત્તિ હતી.
જીવનનાં રૂપોમાં કોઈ એક આત્મા રહ્યો હોય, દેખીતી વસ્તુઓમાં એ જ એક સત્યસ્વરૂપ હોય એવું અશ્વપતિને ત્યાં લાગતું. બંસીધરની બંસરીના સૂરથી દોરાયેલો એ જીવનના હાસ્ય ને પોકારની વચ્ચે થઇ પરિપૂર્ણ અનંતતા પ્રતિ માર્ગ શોધતો ચાલ્યો. એ જ્યાં જતો ત્યાંથી પાછો ઠેલાતો. જીવનનું રહસ્ય એના હાથમાં આવતું નહોતું.
છતાંય જીવવું ને સર્જવું એ મહાસુખ છે. પ્રેમ કરવો ને નિષ્ફળ આયાસ કરવો આનંદદાયક છે, ખોજેલું બધુંય દગો દે છતાંય ખોજવામાં મજા છે, કેમ કે દુ:ખના મૂળમાં આનંદ છપાયેલો છે ને એક્સ્વરૂપ પ્રભુનું બનાવેલું કશુંય ખરેખર અવરથા નથી. ક્ષણભંગુરતા ખાતર શાશ્વતીને ખરચી નાખતું અલ્પજીવી સંગીત પુનરાવૃત્તિ પામતું રહે છે.
પ્રકૃતિની અનંત ગલીકૂંચીઓમાં પ્રભુ ગુમ થઇ ગયો છે. જ્ઞાનમાં સર્વજ્ઞતા સરવાળે આણવા, કાર્યમાં સર્વ શક્તિમત્તા ઊભી કરવા, વિશ્વના દૃશ્યને પૂર્ણ પ્રભુથી પરાક્રાન્ત કરવા માટેનો પ્રકૃતિનો પ્રયત્ન છે. પ્રાણશક્તિ પૃથ્વીને સ્વર્ગની પડોશણ બનાવવા, પરમાત્માની બરાબરી કરવા, સનાતનનું પાતાલગર્ત સાથે સમાધાન સાધવા માગે છે.
અશ્વપતિની દૃષ્ટિએ પ્રાણશક્તિની મોહિની મોળી બની ગઈ, પણ એ સ્વપ્નમય આકાશમાંથી બહાર નીકળવાનો માર્ગ એને ન મળ્યો, આપણી સત્-તાને
હરહંમેશ કાળમાં રહેવાનું છે. મૃત્યુ ત્યાં મદદ કરતું નથી, વિરતિની આશા નથી. આમા એક ગુપ્ત સંકલ્પ આપણને ટકી રહેવાની ફરજ પાડે છે. આપણા જીવનનો વિશ્રામ છે અનંતમાં, અને એનો અંત પરમાત્મજીવનમાં.
પરમાત્મા આપણી પાછળ પડેલો છે. આત્માનું રાજ્ય આપણે ગુમાવ્યું છે, છતાં આપણા પરમાત્મીય જન્મની પ્રતિ આપણી દૃષ્ટિ પાછી વળે છે. આપણે જે દિવ્યતા ગુમાવી છે તેની આ લોકમાં કે પરલોકમાં પુનઃપ્રાપ્તિ કરવાની આશા આપણે સેવીએ છીએ. પતંગ જેમ પાવકજ્યોતિ માટે ઝંખના કરે તેમ આપણે હાલ જેમનાથી બધું વિપરીત છે એવાં આપણાં સહજ સુખ, હૃદયનો આનંદ, દેહનો રોમહર્ષ, તથા પરમાનંદ માટે ઝંખતા હોઈએ છીએ. આપણી આર્દ્ર આંખ આકાશ તરફ ઊંચકીને હજુ સુધી નહિ આવેલ પ્રભુના વરદ હસ્તની, કાળને માર્ગે શાશ્વતના આવાગમનની રાહ જોતા આપણે આશાભરી પ્રાર્થના કરીએ છીએ કે---
" જરૂર, એ આપણો પોકાર સાંભળીને એક દિન આવશે. એક દિન એ આપણાં જીવનોને નવેસર સર્જશે, શાંતિનો જાદૂઈ મંત્ર ઉચ્ચારશે અને જગતની યોજનામાં પૂર્ણતા પ્રકટાવશે. એક દિન પૃથ્વી ઉપર અવતાર લેશે, પોતાનાં સનાતન દ્વારોની ગુપ્તતા ત્યાગી સહાય માટે પોકાર કરતી પૃથ્વી ઉપર પધારશે, આત્માને મુક્ત બનાવતું સત્ય લાવશે, જીવને દીક્ષા દેનારો આનંદ આણશે અને એના લંબાવેલા પ્રેમના બાહુઓ આપણું બળ બની જશે. એક દિવસ પોતાના સૌન્દર્યને સંતાડતો ભીષણ પડદો એ ઉપાડી લેશે, જગતના ધડકતા હૃદયને પ્રહર્ષણથી લાદશે, અને પોતાના ગૂઢ પરમાનંદમય જ્યોતિ:સ્વરૂપને પ્રકટ કરી દૃષ્ટિગોચર બનાવશે."
પણ ત્યાં સુધી જીવન-મૃત્યુ, મૃત્યુ-જીવનની પરંપરા ચાલતી રહેવાની. જેને માટે જન્મ અને મૃત્યુ નિર્માયાં છે તે બધું કરવાનું જ રહેશે. અને ત્યાર પછી પણ પૂર્ણ વિરામ છે એવું કોણ કહેશે ? પ્રભુની લીલા તો ચાલતી જ રહેવાની.
દીવાલો વચમાં થઇ
બોગદાને મુખે દૂર દેખાતા અજવાશની
દિશા ચાલે પાય માંડી વધારે મુક્ત ભાવથી,
આશા રાખી પ્રકાશની,
ને વિશાળા વાયુ કેરો સંવેદે છે ઉચ્છવાસ પાસ આવતો
તેમ રાજા હવે છૂટો થયો અંધાધૂંધીથી તેહ ધૂંધળી.
હતી અટક જ્યાં જન્મે અને હેતુ હતો ન જયાં,
પલાયન કરી જાતું હતું જયાં સત્ અસત્ થકી,
અને જીવવા કેરી ભીડતું હમ તે છતાં
ઝાઝી વાર ટકી રે'વાતણી શક્તિ હતી તેની મહીં નહીં.
ઉંચે મનનમાં મગ્ન નભોભાલ આછું ચમકતું હતું,
વેદનાએ હતું વ્યગ્ર, પાંખો એને સંદિગ્ધ ધૂંધકારની
કરી પાર રહી હતી,
ઘૂમતા વાયુઓ કેરા સુસવાટા સાથે સાહસ ખેડતી,
ને શૂન્યમાં દિશા કેરા દર્શનાર્થે પુકારતી,
અંધાત્માઓ કરે જેમ શોધ પોતે ગુમાવેલા સ્વરૂપની
અને ભટકતા જેમ અજાણ્યાં ભુવનો મહીં;
અસ્પષ્ટ પ્રશ્નની પાંખો ભેટતી 'તી પ્રશ્નને અવકાશના.
' ના ' પાડયાની પછી ઊગી આશા એક સસંશયા,
જાતની, રૂપની આશા, જીવવાની રજાતણી,
ને કદી ન હજી જન્મી શક્યું 'તું જે તેના જનમવાતણી,
મન:સાહસના હર્ષતણી, આશા હૈયાની વરણીતણી,
અજ્ઞાતની કૃપા કેરી, ને ચોંકાવી નાખનારા કરોતણી,
અવિશ્વસ્ત વસ્તુઓમાં વિશ્વસ્ત-હર્ષ-સ્પર્શની
આશા કેરો ઉદે થયો :
અનિશ્ચેય અજાણ્યા કો એક ભાગે આવી એની મુસાફરી,
જયાં અચેતન આત્માની સાથે ખેલા ચેતના કરતી હતી
ને જયાં જન્મ હતો યત્નરૂપ યા તો એક આડકથા સમો.
આવી નિકટ જે એક મોહિની તે ટકાવી જાદૂ ના શકી,
ઉત્કંઠ શક્તિ આવી તે ના પોતાના માર્ગને મેળવી શકી,
યદ્દચ્છા એક ચૂંટ્યું 'તું જેણે ગણિત ઓર કૈં
કિંતુ પોતે રચ્યાં 'તાં જે રૂપો તે ના બાંધી એના થકી શકી,
સમૂહ એક પોતાનો સરવાળો જે શક્યું નહિ સાચવી,
થતો જે શૂન્યથી ઓછો ને વધી એકથી જતો.
આવી વિશાળ ને છાયાલીન સંવેદનામહીં
સીમાએ બાંધવા કેરી પરવા રાખતી ન 'તી,
જિંદગી શ્રમ સેવંતી હતી એક અનોખા ગૂઢ વાયુમાં
મીઠા ને મહિમાવંતા પોતા કેરા સૂર્યોથી વંચિતા બની.
સૃષ્ટિ કેરી કિનારીએ વિલંબાતી આછી આભા વડે ભર્યાં,
હજી સુધી ન સત્યત્વ કદી પામ્યાં
તેવાં કલ્પી કાઢેલાં જગતોમહીં
ભૂલો ભટકતો જીવ સ્વપ્નાંઓ સેવતો જતો,
થોભતો કિંતુ ના પાર પાડવા તેમને કદી :
સ્વપ્નની સિદ્ધિ ત્યાં થાત નાશ રૂપ જાદૂઈ અવકાશના.
વિચિત્ર વિધિએ વ્યર્થ રચાયેલું જયાં સૌન્દર્ય ભર્યું હતું
તે અદભુતોતણી સાંધ્ય છાયે છાઈ ભૂમિ કેરી ચમત્કૃતિ,
તરંગી સત્યતાઓના ઉછાળાઓ તરંગના,
સીલબંધ મહાદીપ્તી ઉપરે જે તેના સંકેત ધૂંધળા,
આંખોની અભિલાષાનો રાગાવેગ જગાડતા,
મુગ્ધ વિચારને આસ્થા કેરી ફરજ પાડતા,
હૈયું આકર્ષતા કિન્તુ ધ્યેયે કોઈ એને દોરી જતા નહીં.
ચાલતાં દૃશ્યચિત્રોનો જાણે એક જાદૂ પ્રવહતો હતો,
અનિશ્ચયતણી એક રૂપેરી પૃષ્ટ-ભૂ પરે,
કરી કસર રેખાની હવાઈ કો કળા વડે
આછી આછી પીંછીથી સપનાતણી
એ હતાં ચીતરાયેલાં વિરલી અલ્પ જયોતિમાં,
ને જરા વાર માટે જ નાસતી નિજ નાજુકી
ટકાવી રાખતાં હતાં.
પરોઢ પાસની હોય એવી બાલ-દ્યુતિ વ્યોમોમહીં હતી,
કલ્પેલો અગ્નિ કો ઉગ્ર, કિન્તુ જે ના પ્રગટાવાયલો કદી,
દિનના ઉત્ક સંકેતો સાથે સ્નેહે હવાને સ્પર્શતો હતો.
અપૂર્ણતાતણી ચારુ મોહિનીને માટે ઝંખન સેવતો,
જાળે અજ્ઞાનની જીવો જયોતિ કેરા ઝલાયલા,
સૂક્ષ્મલોકતણાં સત્ત્વો પ્રલોભાઈ ખેંચાતાં દેહની ભણી,
સાન્ત-જીવન-આનંદ માટે આવ્યાં બુભુક્ષિત,
કિન્તુ પોતે હતાં એવાં દિવ્ય કે એ સરજાયેલ ભૂ પરે
માંડતાં પગ ખંચાતાં ને ખંચાતાં
વિનાશી વસ્તુઓ કેરા ભાગ્યમાં ભાગ પાડવા.
અસંમૂર્ત્ત પ્રભા કેરાં બાળકો, ઉદભવેલ જે
અંતરાત્મામહીંના કો રૂપહીન વિચારોથી,
ને અમર્ત્ય અભીપ્સાની મૃગયા જે બન્યાં હતાં,
તે ક્ષેત્ર કરતાં 'તાં ત્યાં પાર પૂઠે પડેલી સ્થિર દૃષ્ટિનું.
આગ્રહરહિતા ઈચ્છા બની જે નિષ્ફલા જતી
તે કાર્ય કરતી તહીં :
જિંદગી ત્યાં હતી ખોજ કિતું પ્રાપ્ય વસ્તુ ના આવતી કદી.
કશું ના તોષ ત્યાં દેતું, કિન્તુ સર્વ ત્યાં પ્રલોભાવતું હતું,
સંપૂર્ણત: કદી ના જે તેવી ત્યાં વસ્તુઓતણી
અસ્તિ આભાસતી હતી,
મૂત્તિઓ આવતી દૃષ્ટે જીવતાં કૃત્યના સમી,
ને જે દર્શાવવા કેરો દાવો પોતે કરતાં' તાં પ્રતીક, તે
અર્થ સંતાડતાં હતાં,
સ્વપ્નદ્રષ્ટાતણી આંખો સામે ઝાંખાં સ્વપ્ન સત્ય બની જતાં.
જ્ન્માર્થે વ્યર્થ જે યત્ન કરે છે તે આવ્યા ચૈત્યાત્મ તે સ્થળે,
ને સકંજે પડયા જીવો સર્વ કાળ ભટક્યા કરતા રહે
છતાં જે સત્યને યોગે પોતે જીવન ધારતા
તે કદી પ્રાપ્ત ના કરે.
છુપાતા ભાગ્યની પૂઠે પડેલી આશના સમા
સર્વ ત્યાં દોડતા હતા,
ન 'તું નક્કર ત્યાં કાંઈ, કશું પૂર્ણ ન લાગતું,
સલામતી વિનાનું સૌ, ચમત્કારી ને હતું અર્ધ-સત્ય સૌ.
પાયા વગરનાં, એવાં જીવનોનો લાગતો 'તો પ્રદેશ એ.
મહત્તર પછી જાગી માર્ગણા, વ્યોમ વિસ્તર્યું,
પ્રભાત-તારકા કેરું રાજય પ્રથમ આવિયું:
એના ભલાતણા અગ્ર નીચે સાન્ધ્ય સૌન્દર્ય સ્પંદતું હતું
ને હતો ધબકારો ત્યાં આશા કેરો જિંદગીની બૃહત્તરા.
શંકાશીલ પછી ઊગ્યો સૂર્ય મોટો ક્રમે ક્રમે,
જીવને જયોતિમાં એની જગ એક બનાવ્યું નિજ જાતનું.
આત્મા એક હતો તત્ર શોધતો જે નિજ ઊંડા સ્વરૂપને,
છતાં આગે ધકેલાઈ આવનારા ખંડોથી તુષ્ટ એ હતો,
જૂઠું અખિલને દેતા બનાવી જે
તે જિંદગીતણા ભાગો એને પ્રસન્ન રાખતા,
જે ખંડો યદિ એકત્ર કર્યા હોય કદીક તો
કોઈ દિવસ સાચા યે જાય તે બની.
છતાંયે લાગતું ' તું કે કૈંક તો સિદ્ધ છે થયું.
ઈચ્છા અસ્તિત્વ માટેની વૈપુલ્યે વધતી જતી,
જિંદગીના મૂળપાઠ, રેખાલેખન શક્તિનું,
લખાણ કરણીઓનું, ગાન રૂપોતણું ચૈતન્યથી ભર્યાં,
વિચાર-ગ્રાહથી જેના અર્થ ભાગી જતા તેથી લદાયલું,
ને ઠાંસીને ભર્યા ' તા જયાં જિંદગીના લયબદ્ધ પુકારના
મંદ નિમ્નતણા સ્વરો,
જીવંત વસ્તુઓ કેરે હૈયે તે નિજ જાતને
આલેખી શકતું હતું.
પ્રસ્ફોટમહીં ગુપ્ત આત્માની ઓજ-શક્તિના,
પ્રાણના ને દ્રવ્યકેરા સંમુદાને અપાયેલા જવાબમાં,
ક્ષણના હર્ષને આપી દેતું' તું અમરત્વ જે
તે મૃત્યુમુકત સૌન્દર્ય કેરી એક મુખાકૃતિ
પકડાઈ જતી હતી,
સર્વોચ્ચ સત્યને મૂર્ત્ત કરતો શબ્દ એક કો
ચૈત્યાત્માની અકસ્માત તંગતાથી છલંગી બ્હાર આવતો,
કેવળ બ્રહ્યની રંગચ્છાયા આવી પડતી જિંદગી પરે,
જ્ઞાનનો મહિમા એક, અંતર્ગામી આવતી એક દૃષ્ટિ કો
જિંદગી ઝીલતી હતી.
મર્મવિદ્-મર્મવ્યાખ્યાતા અશરીરી રહસ્યનો
અટકાયતમાં રાખ્યો અણદીઠા કોષે અધ્યાત્મતાતણા,
અસ્પર્શગમ્ય આભા ને હર્ષના ભાનની પ્રતિ
જે સંકલ્પ ધકેલીને લઇ ઇન્દ્રિયને જતો
વિષયાતીત ક્ષેત્રમાં,
અનિર્વાચ્યતણી શાંતિમહીં એણે અરધો માર્ગ મેળવ્યો,
ગુહ્યાનંદતણા હૈયામાંથી જે ઝંખતું હતું
તે સીલબંધ માધુર્ય કામનાનું અર્ધું બંદી બનાવ્યું,
આવિર્ભૂત કર્યું અર્ધ तत् सत् રહેલ ગુંઠને.
નિજ માનસને વીંટે જે લપેટાયલો ન 'તો
તે ચૈત્યાત્મા રૂપ કેરા જગના સત્ય અર્થને
ઝાંખી કૈં શકતો હતો;
અજવાળાયલો એક વિચારોદ્ ભૂત દર્શને,
ઉંચકાયેલ હૈયાની અવબોધંતા અર્ચિએ,
આત્મા કેરા ચિદાકાશે પ્રતીકાત્મક વિશ્વની
દિવ્યતા ધારવા એ શક્તિમાન બન્યો હતો.
પ્રેરતો 'તો આપણામાં પ્રદેશ આ
વિશાળતર આશાઓ જાગતી આપણી મહીં;
ઉતર્યાં છે બળો એનાં આપણે ગોલકે અહીં,
સંજ્ઞાઓએ એહની છે આપણાં જીવનો પરે
નિજાદર્શો મુદ્રાંકિત બનાવિયા :
આપણા ભાગ્યને આપે છે એ સર્વોત્તમા ગતિ,
આપણી જિંદગી કેરા ઉલ્લોલોને
ભૂલાં પડેલ મોજાંઓ એહનાં પ્રેરતાં રહે.
જેની ખોજ કરીએ હ્યાં છીએ આપણ સર્વ તે,
ને જેને આપણે જાણ્યું કે ન શોધ્યું કદીય તે,
છતાં જે જન્મ લવાનું છે અવશ્ય માનવી હૃદયોમહીં
કે અકાળ કરે સિદ્ધ સ્વ-સ્વરૂપ વિશ્વની વસ્તુજાતમાં.
રહસ્યમયતામાંહે દિનોની દેહ જે ધરે,
અનાવૃત્ત અનંતે જે સર્વકાલીનતા-યુતા,
ને ઊંચે વધતી અંત વિનાની એક શક્યતા,
ટોચ જેને નથી એવી સીડી ઉપર સ્વપ્નની
ઊર્ધ્વે આરોહતી જતી,
સદા માટે બ્રહ્ય કેરી સચૈતન્ય સમાધિમાં.
અદીઠ અંતની પ્રત્યે સઘળું એ સીડી પર ચઢયે જતું.
નિત્ય નશ્વરતા કેરી શક્તિ યાત્રા કરી રહી,
ના પાછા ફરવા કેરી ત્યાંથી કશીય ખાતરી,
છે એ પ્રકૃતિની યાત્રા અપરિજ્ઞાતની પ્રતિ.
આરોહણમહીં લુપ્ત પોતાના મૂળની પ્રતિ
શક્ય પોતાતણા સર્વ સંભવોને ઉભેળી બ્હાર આણવા
જાણે પ્રકૃતિ આશા ના રાખતી હોય, એ વિધે
શોભાયાત્રા ચઢે એની એકથી અન્ય પાયરી,
એક દૃષ્ટિ થકી અન્ય વિશાળતર દૃષ્ટિએ
કૂદી પ્રગતિ જાય છે,
એક રૂપથકી અન્ય વિશાળતર રૂપની
પ્રત્યે કૂચ કરતી જાય પ્રક્રિયા,
અસીમિત વિચારની
અને બળતણી રૂપરચનાઓ કેરી ન ખૂટતી
વણજાર ચલી જતી.
અનાધંતા શાંતિ કેરે અંકે પોઢેલ એકદા,
ને વિયુકતા થયેલી જે આત્મા કેરા અમૃતાનંદથી હવે,
તે અકાલા શક્તિ પોતે ગુમાવેલાં સુખોતણાં
પ્રતિરૂપ ખડાં કરે;
લેવડાવી બલાત્કારે રૂપ ભંગુર તત્વને,
સર્જક કર્મની મુક્તિ દ્વારા એ આશ રાખતી
કૂદી કદીક જાવાની ગર્ત જેને પૂરી ના શકતી સ્વયં,
ક્ષણની ક્ષુદ્રતા કેરી કારામાંથી છટકી નીકળી જવા,
ભાગ્યયોગે મળેલા હ્યાં કાળ કેરા સંદેહાત્મ ક્ષેત્રમાં
વિશાળી ભવ્યતાઓને ભેટવા શાશ્વતાત્મની.
કદીયે ન પમાયે જે તેની છેક પાસે આવી પહોંચતી,
હોરામાં શાશ્વતીને એ પૂરી બંદી બનાવતી,
ને નાના શા ચૈત્યને એ ભરી દેતી અનંતથી;
જાદૂઈ એહને સાદે અચલાત્મા લળી પડે,
નિ:સીમને કિનારે એ જઈને પદ રોપતી,
નિરાકાર સર્વરૂપ--નિવાસીને નિહાળતી,
લહે અનંતના કેરો સમાશ્લેષ પોતાની આસપાસ એ.
ન અંત જાણતું એનું કામ, કોઈ ન એ ઉદ્દેશ સેવતી,
કિન્તુ અજ્ઞેય ને રૂપહીન કોક વિરાટથી
અનામી એક સંકલ્પ આવ્યો છે જેહ, તેહથી
પ્રેરાયેલી એ પરિશ્રમ સેવતી.
જન્મની જાળમાં સીમાહીનને સપડાવવો,
આત્માને ઢાળવો સ્થૂલ દેહ કેરા સ્વરૂપમાં,
છે અનિર્વાચ્ય જે તેને વાણી-વિચાર આપવાં,--
એ એનું ગુપ્ત છે કાર્ય, છે અશકયેય જે વળી;
છે અવ્યક્ત સદાનું જે તેને વ્યક્ત બનાવવા
એ ધકેલાઈ છે રહી.
છતાંયે કૌશલે એના અશક્ય કાર્ય છે થયું :
રહી અનુસરી છે એ પોતાની ઉચ્ચ યોજના
તર્કબુદ્ધિવિરુદ્ધની,
દેહો અનંતને અર્થે મેળવી આપવા નવા
અને અકલ્પ્યને માટે નવીન પ્રતિમુર્ત્તિઓ
નિજ જાદુકળા કેરી તરકીબો નવી એ નિપજાવતી;
કાળના બાહુઓ મધ્યે લલચાવી લાવી છે એ અકાળને.
અત્યારેય નથી એને જ્ઞાન પોતે કરેલનું.
કેમ કે સૌ કરાયું છે ગોટાળામાં નાખતા છળની તળે :
આભાસ એક પોતાના છૂપા સત્યથકી જુદો
માયાની એક ચાલાકી કેરું સ્વરૂપ ધારતો,
હંકારાતી કાળથી આભાસધારી અસત્યતા,
રહેવાસીતણી સાથે બદલાતા શરીરમાં
અપૂર્ણ સર્જના એક બદલાતા રહેતા જીવની બને.
મામૂલી સાધનો એનાં અને કામ અપાર છે;
અરૂપ ચેતના કેરા વિશાળા એક ક્ષેત્રમાં
મન-ઇન્દ્રિયના નાના ને મર્યાદિત ચાલને
અનંત સત્યને વ્યક્ત એ અનંતપણે કરે;
અકાળ ગુહ્યતા એક કાળમાં સિદ્ધ થાય છે.
જે મહત્તાતણાં સ્વપ્ન સેવ્યાં એણે
તે મહત્તા થકી એનાં કર્મ વંચિત છે થયાં;
એનો પ્રયાસ છે એક ભાવાવેશ અને વ્યથા,
પ્રહર્ષણ અને પીડા--છે એ એનો મહિમા, અભિશાપ એ;
ને છતાંયે નથી એને માટે કોઈ પસંદગી,
એ તો સેવ્યે જતી શ્રમો;
એનું મહાબલી હૈયું મના એને કરે છે છોડવાતણી.
એની નિષ્ફળતા રે'શે જીવતી જયાં સુધી છે જગ ત્યાં સુધી,
વિસ્મિતા ને પરાભૂતા કરતી દૃષ્ટિ બુદ્ધિની,
છે એક બેવકૂફી એ, છે સૌન્દર્ય જે જતું નહિ વર્ણવ્યું,
જીવનેચ્છાતણી સૌથી બઢી જાનાર ઘેલછા,
છે એ સાહસ, ઉન્માદ છે એ એક મુદાતણો.
એના અસ્તિત્વનો છે આ ધર્મ, ને છે એક કેવળ આશરો;
બહુરૂપી કલ્પનાઓ આત્માની ને
હજારો રંગ ને ઢંગો એક સત્યસ્વરૂપના
ઓદાર્યે આપવા માગે જે સર્વત્ર ઈચ્છા એની બુભુક્ષિતા
તેને એ ઓચવી દેતી, જોકે તેથી તૃપ્તિ તેને થતી નહીં.
સત્યની સરતી કોરે સ્પૃષ્ટ એક ઉભું એણે કર્યું જગત્ ,
એ જેને છે રહ્યું શોધી તેના સ્વપ્ન-ઢાળામાંહે ઢળાયલું,
સત્યની મૂર્ત્તિ, આકાર સચૈતન્ય રહસ્યમયતાતણો.
નક્કર અંતરાયોનું રૂપ લેતી દૃશ્યમાન હકીકતો
પાર્થિવ મનને ઘેરી રોકી રાખે
તેમ રુદ્ધ થઈને વિલંબિત થતું ન 'તું;
સ્વપ્નસેવી ચિત્તમાં ને ચૈત્યપુરુષની મહીં
વિશ્વાસ રાખવા કેરી હિંમત દાખતું હતું.
હજુ માત્ર વિચારે કે અનુમાને કે શ્રદ્ધાએ ધરાયલું,
પકડી કલ્પનામાં એ પંખી ચિત્રિત સ્વર્ગનું
પિંજરે બંદિ રાખતું.
છે મહત્તર આ પ્રાણ અનુરાગી અદૃષ્ટનો;
પોતાની પ્હોંચની બ્હાર એવી એક ઉચ્ચમાં ઉચ્ચ જયોતિને
માટે પોકાર એ કરે,
ચૈત્યાત્માને મુક્તિ દેતા મૌનને એ લહી શકે;
લહે ઉદ્ધરાતો સ્પર્શ, લહે એ દિવ્ય રશ્મિને :
સૌન્દર્ય, શિવ ને સત્ય છે એના ત્રણ દેવતા.
જુએ પૃથ્વીતણી આંખો સ્વર્ગો જે તેમના થકી
વધુ સ્વર્ગીય સ્વર્ગો છે એને માટે સમીપમાં,
જિંદગી માનવી કેરી સહેવાને સમર્થ છે
જે અંધકાર તેનાથી વધુ ઘોર અંધકારે સમીપમાં.
દેવ-દાનવ બન્નેની સાથે એને સગાઈ છે.
વિચિત્ર એક ઉત્સાહ હૈયું એનું ચલાવતો,
શૃંગોની ભૂખ છે એને, ને સર્વોચ્ચ માટે ઉત્કટ રાગ છે.
પૂર્ણ શબ્દ, પૂર્ણ રૂપ માટે એ મૃગયા કરે,
ટોચ કેરે વિચારે ને ટોચ કેરી જયોતિએ ફાળ એ ભરે.
કેમ કે રૂપના દ્વારા રૂપહીન લવાયો છે સમીપમાં,
કેવળબ્રહ્ય કેરી છે કિનારી પૂર્ણતા બધી.
જેણે નથી કદી દીઠું નિજ ધામ એવું એ સ્વર્ગનું શિશુ,
ભેટે શાશ્વતને એનો આવેગ એક બિન્દુએ :
પાસે આવી શકે, સ્પર્શી શકે માત્ર, ના એ એને ધરી શકે;
કો તેજસ્વી અંત પ્રત્યે તાણીતોસી એ પ્રયત્ન કરી શકે:
શોધવું, સર્જવું, એમાં એનું માહાત્મ્ય છે રહ્યું.
પ્રત્યેક ભૂમિકાએ આ મહત્તાએ સર્જના કરવી રહી.
પૃથ્વી ઉપર, સ્વર્ગે ને નરકે યે એકની એક એહ છે.
બલિષ્ટ ભાગ પોતાનો લે એ પ્રત્યેક ભાગ્યમાં.
સૂર્યોને સળગાવંતા અગ્નિની અભિરક્ષિકા,
એ મહામહિમાવંતી ઓજસ્વી વિજયી બને :
વિરોધિતા, દબાવેલી, જન્મ લેવા
ધારે છે એ પ્રવેગ પરમેશનો :
જીવમાન રહે આત્મા બાદમાં યે અસત્ ની ભૂમિકા પરે,
વિશ્વશક્તિ વિધમાના રહે એ ભ્રાન્તિ-ભંગના
થતા આઘાત-પૂઠળે :
મૂગી છતાંય એ શબ્દ, નિશ્ચેષ્ટા તો ય શક્તિ છે.
અહીં એ પતિતા, દાસી મૃત્યુ ને અજ્ઞતાતણી,
અમર્ત્ય વસ્તુઓ માટે તે છતાં યે
અભીપ્સા સેવવા કેરું એને પ્રેરણ થાય છે,
ને એ સંચાલિત થાય અજ્ઞેયનેય જાણવા.
સંજ્ઞાહીના અને શૂન્યા છતાં એની નિદ્રા એક સુજે જગત્.
અદૃષ્ટા સાવ, ત્યારે એ કરે કાર્ય સૌથી બલિષ્ટ રીતથી;
રહેલી અણુમાં હોય, હોય ઢેફે દટાયલી,
ત્યારે યે ન પડે બંધ એનો તેજી આવેગ સર્જનાતણો.
અચિત્ વિરામ છે એનો દીર્ધ ને ભીમકાયનો,
મૂર્છા એની વિશ્વવ્યાપી એની અદભુત છે દશા :
કાળે જન્મી એ છુપાવી રાખે સ્વ અમરત્વને;
મૃત્યુમાં-નિજ શય્યામાં ઉઠવાની ઘડીની રાહ એ જુએ.
છે એને પાઠવી જેણે તે પ્રકાશ એને માટે નથી છતાં,
ને આવશ્યક પોતાના કાર્ય માટે આશા જે તે મૃતા છતાં,
ને એના સર્વથી તેજી તારા હોય રાત્રિ મધ્ય શમ્યા છતાં,
મુશ્કેલી ને મહાકષ્ટ કેરાં પોષણ પામતી
સેવા, ચંપી તથા આયાતણે કામે
એના શરીરને માટે હોય પીડા જ એકલી,
રીબાયેલો, ન દેખાતો આત્મા એનો તે છતાં અંધકારમાં
૧૩૫
ઉઠાવ્યે શ્રમ જાતો ને યાતનાઓ સાથે યે સર્જતો જતો;
પ્રભુ ક્રોસે ચઢાવેલો ધારે છે એ પોતાના વક્ષની પરે.
નથી આનંદ નામે જયાં તે ઊંડાણોમહીં શીત અને જડ,
ને જયાં કશું ન હાલે કે ચાલે ને ના આવી અસ્તિત્વમાં શકે
તે વિરોધક શૂન્યે દબાયેલી, દીવાલોમાં પુરાયેલી,
હજી યે યાદ છે એને તે આવાહી લાવે છે એહ ચાતુરી
જે એને જન્મવેળાએ અદભુતોના કર્તાએ વિતરી હતી,
સુસ્ત અરૂપતાને એ એક આકાર આપતી,
જ્યાં કશુંય ન 'તું પ્હેલાં ત્યાં કરે છે ખુલ્લું જગત એક એ.
અધોવૃત્ત મૃત્યુચક્રે,
તમોગ્રસ્ત અવિધાની શાશ્વતીમાં પુરાયલી,
જડ નિશ્ચેષ્ઠ પુંજે ત્યાં એક સ્પંદનના સમી,
યા બંદીકૃત્ત થંભાવી રખાયેલાં આવર્તોમાંહ્ય શક્તિનાં,
બ્હેરા-મૂગા અન્ન કેરા બલાત્કારી દબાણથી
નિદ્રાની નિજ ધૂળે એ ગતિહીના બની વિશ્રામ સેવતી.
ઉઠાવી બંડ જાગે એ તેના દંડમહીં પછી
એને અપાય છે માત્ર યંત્ર જેવી કઠોર ઘટનાવલિ,
જેને એ નિજ જાદૂઈ કળાશિલ્પે હથિયાર બનાવતી,
અને કીચડ માંહેથી દેવતુલ્ય આશ્ચર્યો ઉપજાવતી;
મૂકે છે જીવદ્રવ્યે એ નિજ મૂક ઓજ અમર પ્રેરતું,
બંધ ઇન્દ્રિયને અર્પે એ સંવેદનશીલતા,
નાજુકાઇ ભર્યા જ્ઞાનતંતુ દ્વારા
સંદેશાઓ તીવ્ર એ ઝબકાવતી,
માંસમાટીતણે હૈયે ચમત્કારી રીતે એ પ્રેમ આદરે,
જાડ્યપૂર્ણ શરીરોને સમર્પે એ ચૈત્ય, સંકલ્પ ને સ્વર.
જાદૂગરતણી જાણે લાકડીથી દેતી હાજર એ કરી
સત્ત્વો, રૂપો તથા દૃશ્યો ગણાય નહિ એટલાં,
સ્થળ-કાળમહીં એના ભભકાઓતણા છે જે મશાલચી.
છે આ જગત રાત્રીની મધ્યમાંની એની લાંબી મુસાફરી,
સૂર્યો અને ગ્રહો દીવા માર્ગ એનો ઉજાળવા,
૧૩૬
આપણી બુદ્ધિ છે એના વિચારોની વયસ્યા અંતરંગિણી,
આપણી ઇન્દ્રિયો એની સાક્ષી પૂરંત કંપને.
ત્યાં અર્ધ-સત્ય ને અર્ધ-અસત્ય વસ્તુઓ થકી
પોતાને કાજ સંકેતો મેળવી, શ્રમ આદરી
સિદ્ધ કરેલ સ્વપ્નાંથી ભરે સ્થાન
વિલોપાયેલ પોતાની શાશ્વતીની સ્મૃતિતણું.
ઘોર આ વિશ્વ-અજ્ઞાને આ છે ચરિત એહાનાં:
પડદો ન ઉઠાવાયે ને ન થાયે રાત્રિનું મૃત્યુ જયાં સુધી
ત્યાં સુધી અજવાળામાં અથવા અંધકારમાં
અશ્રાંત શોધ આ એની રહે છે એ ચલાવતી;
અનંત તીર્થયાત્રાનો માર્ગ છે કાળ એહનો.
એનાં સમસ્ત કર્યોને મહાવેગ એક બલિષ્ઠ પ્રેરતો
એનો સનાતન પ્રેમી એના કાર્યતણું કારણ છે બન્યો;
એને ખાતર એ કૂદી પડી આવી છે અદીઠાં વિરાટથી
ચાલવાને અહીં સાવ ચેતનાહીન લોકમાં.
એનો અતિથિ જે ગુપ્ત, તેની સાથે એનો વ્યાપાર જે ચલે
તે છે કાર્યો જગત્ તણાં,
સ્વ પ્રેમીના મનોભાવોતણે ઢાળે
ભાવો ઉત્કટ પોતાના હૈયાના એહ ઢાળતી;
એના સ્મિતતણી સૂર્યપ્રભાથી એ ભરે સૌન્દર્યના નિધિ.
વિશ્વે વ્યાપેલ પોતાના ભરપૂર દારિધ્રે શરમાઈને
કાલાવાલા સાથ નાની ભેટો દ્વારા
એના સામર્થ્થને એ ફોસલાવતી,
પોતાનાં દૃશ્યના દ્વારા પકડી એ
રાખે એની દૃષ્ટિની એકનિષ્ઠતા,
ને કોટી કોટી આવેગે ભરેલી નિજ શક્તિનાં
રૂપોમાં વસવા એના વિશાલાક્ષ
વિભ્રમંતા વિચારોની પ્રાર્થતી એ પ્રસન્નતા.
જગના નિજ છદ્મમાં
૧૩૭
અવગુંઠિત પોતાના સાથીને માત્ર કર્ષવો
ને છાતી સાથ પોતાની એને સંલગ્ન રાખવો
એ એના ઉરનું કાર્ય ને આસકિત ભરી સંભાળ એહની,
કે રાખે એ નીકળીને બાહુના નિજ પાશથી
પોતાની જે નિરાકાર શાન્તિ તેની ભણી વળે.
છતાં એ હોય પાસેમાં પાસે ત્યારે એને સુદૂર લાગતો.
કેમ કે પ્રતિવાદોએ ભરેલો છે ધર્મ એના સ્વભાવનો.
પોતે હમેશ એનામાં ને એ પોતામહીં છતાં
જાણે કે હોય ના ભાન આ સનાતન ગ્રંથિનું
તેમ તે પ્રભુને પૂરી રાખવાને પોતાનાં કર્મની મહીં
સંકલ્પ સેવતી રહે,
મનોવાંછિત પોતાનો બંદી એને બનાવી રાખવા ચહે,
કે કાળમાં કદી બન્ને વિખૂટાં થાય ના ફરી.
બ્રહ્ય-નિદ્રાતણો એણે વિશાળો એક ઓરડો
રચ્યો આરંભની મહીં,
જેની અંદરના ઊંડા ભાગમાં એ
છે પોઢેલો ભુલાયેલા કો મહેમાનના સમો.
હવે કિન્તુ વળે છે એ ભાંગવાને જાદૂમંત્ર ભુલાવતો,
પોઢેલાને જગાડે છે એની શિલ્પિત સેજથી,
ફરીથી મળતું એને સાન્નિધ્ય રૂપમાં રહ્યું
ને જાગનારી સાથે જાગેલી જયોતિની મહીં
કાળ કેરી ત્વરામાં ને ગતિમાં શ્રમથી ભરી
રહ્યો છે અર્થ જે તેને લેતી એ મેળવી ફરી,
ને એકવાર આત્માને ઢાંકતું ધૂંધકારમાં
મન આ, તે મહીં થઇ
અદીઠ દેવતા કેરો ચમકારો પસાર થઇ જાય છે.
ચિદાકાશતણા એક દીપિત સ્વપ્નમાં થઇ
આદિ મૌન અને શૂન્ય-ઉભેની વચગાળમાં
મેઘધનુષ્યના સેતુ સમાણી સૃષ્ટિ એ રચે.
હાલતું ચાલતું વિશ્વ જાળ એક બનેલ છે;
૧૩૮
ગૂંથે છે એક એ ફંદ ઝાલવાને સચૈતન્ય અનંતને.
એનામાં એક છે જ્ઞાન જે પોતાનાં પગલાંઓ છુપાવતું
ને મૂક સર્વસામર્થ્થપૂર્ણ અજ્ઞાન લાગતું.
છે મહાબલ એનામાં અદભુતોને આપતું સત્યરૂપતા;
માની શકાય ના એવું બની જાય એની સામાન્ય વસ્તુતા.
બને છે કોયડા એના હેતુઓ ને એનાં કર્મવિધાન સૌ;
તપાસણી થતાં પોતે છે તેનાથી બીજું કૈં જાય એ બની,
ખુલાસો આપવા જતાં ખુલાસામાં વધારે ગૂંચ પાડતાં.
પૃથ્વીનો પડદો ધૂર્ત તુચ્છ સાદાઈનો બન્યો
જે ગુહ્યને છુપાવે છે તેનું શાસન ચાલતું
આપણા જગમાંય આ;
મહત્તર સ્તરો એના જાદુઓના બનેલ છે.
સમસ્યા ત્યાં બતાવે છે ભવ્ય પાસાં નિજ હીરકકાચનાં,
નથી સામાન્યતાનો ત્યાં ગંભીર છદ્મવેશ કો;
સર્વાનુભવ છે ત્યાંનો ગૂઢ ને ગહવરાશયી,
છે નિત્ય નવ આશ્ચર્ય, છે ચમત્કાર દિવ્ય ત્યાં.
અંતરપટની પૂઠે ભાર એક, સ્પર્શ એક નિગૂઢ છે,
રહસ્યમયતા છે ત્યાં ગુપ્ત સંવેદનાતણી.
જોકે પાર્થિવ મો'રું કો એના મોંની પરે બોજો બને ન ત્યાં,
તો ય સ્વદૃષ્ટિ ભાગી એ ભરાઈ પોતાની જાતમાં જતી.
રૂપો બધાંય છે ચિહનો કોઈ એક ગુપ્ત બોધકભાવનાં,
જેમનો હેતુ ઢાંકેલો મન કેરી ખોજથી છે છુપાયલો,
ને ગર્ભાશય છે તો ય જે શ્રેષ્ઠ પરિણામનો.
ત્યાં કૃત્યરૂપ પ્રત્યેક છે વિચાર અને પ્રત્યેક ભાવના,
અને પ્રત્યેક ત્યાં કૃત્ય છે પ્રતીક અને સંકેત એક છે,
પ્રતિપ્રતીક સંતાડી રખે છે ત્યાં એક જીવંત ઓજને.
સત્યો ને કલ્પનાઓની સામગ્રીથી રચતી એક વિશ્વ એ,
કિંતુ નિર્મી શકે ના એ જેની એને સૌથી વધુ જરૂર છે;
બતાવતું બધું સત્યતણી એક પ્રતિમા છે,
છે એક નકલી કૃતિ,
૧૩૯
કિંતુ જે સત્યતા છે તે સંતાડેલી નિજ ગૂઢ મુખચ્છબી
એનાથી નિજ રાખતી.
બીજું બધુંય સંપ્રાપ્ત થાય એને,
કિન્તુ ખામી રહે છે શાશ્વતીતણી;
શોધી સર્વ કઢાયે છે, કિંતુ ચૂકી જવાયે છે અનંતને.
સત્યથી અજવાળાતી સંવેદાઈ ઊર્ધ્વમાં એક ચેતના :
જોતી એ જયોતિને કિન્તુ સત્યને ન નિહાળતી:
પકડ્યો કલ્પને એણે ને એમાંથી ને એમાંથી રચ્યું જગત્ ;
મૂર્ત્તિ એક બનાવી ત્યાં અને એને પ્રભુનું નામ આપિયું,
છતાં કૈંક અંતરસ્થ નહીં ઠર્યું.
સત્ત્વો વિશેષ મોટા એ પ્રાણ કેરા જગત્ તણાં,
નિવાસીઓ વધુ વ્યાપક વાયુનાં
ને વધારે મુક્ત સ્થાનનાં,
જીવતાં ના શરીરે કે બાહ્યની વસ્તુઓ મહીં :
જિંદગી વધુ ગંભીર અવસ્થાન એમના આત્મનું હતું.
ગાઢ ને ગાઢ સંબંધવાળા એહ પ્રદેશમાં
રહે છે વસ્તુઓ સર્વ આત્માને સાથ આપતી;
કાર્યો કાયતણાં ગૌણ લિપિએ બદ્ધ લેખનો,
બહારનો અહેવાલ ભીતરે છે જેહ જીવન તેહનો.
છે બધાં બળ એ લોકે રસાલો જિંદગીતણો,
ને ચિંતના તથા કાયા દાસી રૂપે હરતી ફરતી તહીં.
એને જગા કરી આપે વૈશાલ્યો વિશ્વનાં તહીં :
પોતાનાં કર્મમાં સર્વે ગતિ વિશ્વતણી લહે,
ને સૌ છે સાધનો એના વિશ્વે વ્યાપૃત ઓજનાં.
યા તો જગત પોતાનું પોતાની એ જાતને જ બનાવતા.
જે સૌ ઊંચે ચઢેલા છે એ મહત્તર જીવને
તેમનામાં ન જન્મેલી વસ્તુઓનો અવાજ કૈં
કાને આવી કહી જતો,
સૂર્યની ઉચ્ચ કો જયોતિ એમની આંખને મળે,
૧૪૦
ને અભીપ્સા પ્રદર્શાવે છબી એક કિરીટની :
એણે ભીતર નાખેલા બીજને નિપજાવવા,
પોતામાં કરવા સિદ્ધ શક્તિ એની એના સૌ જીવ જીવતા.
છે એકે એક ત્યાં એક મહિમા જે વાધતો શિખરો પ્રતિ
અથવા નિજ અંત:સ્થ કેન્દ્રમાંથી સિન્ધુ શો બ્હાર આવતો;
એકકેન્દ્રી શક્તિ કેરી ઘૂમરાઈ રહેલી ઊર્મિઓ મહીં
ઓચાતા એ ગળી જાય સર્વ કાંઈ એમની આસપાસનું.
આ બૃહત્તાતણી યે ત્યાં ઘણાકો તો કોટડી જ બનાવતા;
મગાશે અતિશે અલ્પ, ને ક્ષેત્રોમાં અતિશે અલ્પતાભર્યાં
પુરાયેલા જીવતા તે પ્રાપ્ત ક્ષુદ્ર મહત્તામાં જ તોષથી.
પોતાના પંડના નાના રાજ્યે સત્તા ચલાવવી,
જગતે એક પોતાના ખાસ વ્યક્તિ બની જવું,
ને પરિસ્થિતિના હર્ષ-શોકો નિજ બનાવવા,
અને સંતોષવા પ્રાણહેતુઓ ને જરૂરો નિજ જાતની,
એમના બળ માટે આ સેવા ને આ નિયોગ બસ થાય છે,
વ્યક્તિ ને વ્યક્તિના ભાગ્ય માટેના એ કારભારી બનેલ છે.
સંક્રમીને જાય જેઓ એ પ્રકાશંત ગોલકે
તેમને કાજ રેખા આ છે સંક્રાંતિતણી અને
આરંભ એમનો એ બિન્દુથી થતો,
સ્વર્ગીયતામહીં છે આ તેઓ કેરી પ્હેલવ્હેલી વસાહત :
પૃથ્વીની આપણી જાતિ સાથે જીવો આ સગાઈ ધરાવતા;
આપણી મર્ત્યતા કેરી કિનારીએ આવેલ છે પ્રદેશ આ.
વિશાળતર આ વિશ્વ મહત્તર પ્રવૃતિઓ
આપણી સહુ આપતું,
એનાં પ્રબળ નિર્માણો વૃદ્ધિમંતાં સ્વરૂપો આપણાં ઘડે;
એનાં સત્ત્વો આપણી છે વધારે ઊજળી પ્રતો,
પૂર્ણ એ પ્રતિમાઓનો આપણે તો માત્ર આરંભ માંડતા,
ને જે થવાતણો યત્ન આપણો તે છીએ નિશ્ચિત રૂપથી.
વિચારી હોય કાઢેલાં પૂરેપૂરા જાણે પાત્રો સનાતન,
૧૪૧
વિરોધી ભરતીવેગે આપણા શાં નથી ખેંચાઈ એ જતાં,
નેતા અનુસરે તેઓ અણદીઠો રહેલો હૃદયે વસી,
જીવનો એમનાં માને ધર્મ અંત:સ્વભાવનો.
ભંડાર ભવ્યતાનો ત્યાં, ઢાળો છે વીરનો તહીં;
ચૈત્યાત્મા છે સાવધાન વિધાતા નિજ ભાગ્યનો;
નથી કોઈ ઉદાસીન જીવ ત્યાં જડ જીવતો;
પસંદ પક્ષે પોતાનો કરે તેઓ
ને પોતાના ઉપાસ્ય દેવને જુએ.
સત્ય ને જુઠ વચ્ચેના વિગ્રહે ત્યાં સર્વ જોડાઈ જાય છે,
આરંભાઈ જતી યાત્રા દિવ્ય જ્યોતિતણી દિશે.
કેમ કે જ્ઞાન માટે ત્યાં અજ્ઞાનેય અભીપ્સા રાખનાર છે
અને દૂરતણા એક તારા કેરા પ્રકાશે એ પ્રકાશતું;
નિદ્રાને હૃદયે એક જ્ઞાન છે ત્યાં વિરાજતું
અને પ્રકૃતિ તેઓની પાસે આવે બની શક્તિ સચેતના.
આદર્શ તેમનો નેતા અને છે રાજ તેમનો :
સૂર્યના રાજયને માટે અભીપ્સા રાખનાર એ
ઉચ્ચ શાસનને માટે પોતા કેરા બોલાવે સત્ય ભીતરે,
નિત્યના નિજ કર્મોમાં ધારે સંમૂર્ત્ત એહને,
એની પ્રેરિત વાણીથી વિચારો નિજના ભરે,
પોતાનાં જીવનોને દે એ આકાર એના શ્વસંત રૂપનો,
સૂર્ય-સુવર્ણ દેવત્વ એનું ભાગે પોતાના લે ન ત્યાં સુધી.
યા અંધકારના સત્ય કેરા ગાહક તે બને;
સ્વર્ગાર્થે નરકાર્થે વા તેમને લડવું પડે :
યોદ્ધાઓ શુભના હોય ત્યારે તેઓ સેવે કો શુભ્ર લક્ષ્યને,
યા તો સેતાનના તેઓ સૈનિકો છે પાપ કેરા પગારમાં.
કેમ કે જ્ઞાન-અજ્ઞાન છે જ્યાં જ્યાં યુગ્મ રૂપમાં
ત્યાં ત્યાં પાપ અને પુણ્ય સમ ભોગવટે રહે.
પ્રાણની શકિઓ સર્વે પોતપોતાતણા દેવ ભણી વળે
એ વિશાળ અને ઘૃષ્ટભાવધારી હવામહીં,
બાંધે દેવળ પ્રત્યેક પોતાનું ને વિસ્તારે નિજ પંથને,
૧૪૨
અને છે પાપ સુધ્ધાં યે ત્યાં એક ઇષ્ટદેવતા.
નિજ ધર્મે રહેલું છે જે સૌન્દર્ય અને ભવ્ય પ્રભાવ જે,
તેની ભાર દઈને એ કરે સમર્થના અને
જિંદગી સહજ ક્ષેત્ર છે પોતાનું એવો દાવો કરંત એ,
ગાદી જગતની લે એ, પ્હેરે ઝભ્ભો સર્વશ્રેષ્ટ મહંતનો :
ઘોષણા કરતા એના પૂજારીઓ એના પુણ્યાધિકારની.
સમાદર કરે તેઓ જૂઠાણાના રાતા ત્રિપટ્ટ તાજનો,
છાયાને પૂજતા એક કુટિલાત્મક દેવની,
ભેજાને વળ દેનારો કાળો કલ્પ કબૂલતા.
કે આત્માને હણે છે તે વેશ્યાવૃત્તિ શક્તિની સેજ સેવતા.
ગુણ એક વશે લેતો મૂર્ત્તિની ધારતો અદા,
આવેશ આસુરી યા તો અંકુશાટે અભિમાની અશાંતિએ :
પ્રાજ્ઞતાની વેદીએ એ છે રાજાઓ, પુરોહિતો,
કે કોક શક્તિની મૂર્ત્તિ માટે જીવન તેમનું
બલિદાન બની જતું.
કે પર્યટંત તારા શું પ્રકાશે છે સૌન્દર્ય તેમની પરે;
પ્હોંચથી અતિશે દૂર છે છતાં યે
ભાવાવેશે ભર્યા તેઓ એની અનુસરે પ્રભા;
કળા ને જીવને તેઓ ગ્રહે રશ્મિ સર્વસૌન્દર્યરૂપનું
ને બનવી વિશ્વને દે કોષાગાર દેદીપ્યમાન વિત્તનો :
સામાન્ય પ્રતિમાઓ યે સજે તેઓ વેશે અદભુતતાતણા;
પ્રત્યેક ઘટિકામાં જે તાળાબંધી મોહિની ને મહત્ત્વ છે
તે આનંદ જગાડે છે પોઢેલો સૌ સર્જેલી વસ્તુઓમહીં.
મહાન એમને માટે જય યા તો મહાન વિનિપાત છે,
રાજ્યસિંહાસન સ્વર્ગે અથવા ગર્ત નારકી,
દ્વિવિધા શક્તિને તેઓ ન્યાયયુક્ત બનાવતા,
એની અદભુત મુદ્રાથી આત્માઓ નિજ આંકતા:
નસીબ એમને માટે કરે જે કૈં તે રળ્યું એમનું જ છે;
છે એમણે કર્યું કૈંક,
કૈંક તેઓ બનેલા છે ને તેઓ જીવમાન છે.
૧૪૩
છે અન્નમય ત્યાં ચૈત્ય-આત્મા કેરું પરિણામ, ન કારણ.
પૃથ્વીની વસ્તુઓ કેરા સત્યથી ત્યાં વિપરીત તુલામહીં
સ્થૂલ છે તોલમાં ઓછું, સૂક્ષ્મ વધુ ગણાય છે;
આલંબે યોજના બાહ્ય મૂલ્યો પર મહીંતણાં.
વ્યંજક શબ્દ જે રીતે પ્રકંપે છે વિચારથી,
ભાવોદ્રેક ચૈત્ય કેરા કર્મ જેમ ઝંખના રાખતું બને,
કો અંતરસ્થ સામર્થ્થ પ્રત્યે પાછી કરે દૃષ્ટિ સકંપના.
માર્યાદિત હતું ના જે ઇન્દ્રિયોની બાહ્ય સંવેદના વડે
તે મને રૂપ આપ્યાં છે સૂક્ષ્મભાવી વસ્તુઓને ચિદાત્મની,
વિના માધ્યમ નોંધ્યા છે સંસ્પર્શો જગના, અને
અશરીરી શક્તિ કેરાં જીવંત સ્પષ્ટ કાર્યને
દેહના મૂર્ત્ત રોમાંચમહીં છે પલટાવીયાં;
અદીઠ કરતાં કાર્ય બલો હ્યાં તલ-હેઠનાં
કે દીવાલતણી પૂઠે લપાઈને કાર્ય કરી રહેલ, તે
આવ્યાં આગળ ને ખુલ્લાં કર્યાં સ્વમુખ એમણે.
થયું પ્રત્યક્ષ જે ગૂઢ હતું તે ત્યાં, પ્રત્યક્ષે ગૂઢતાતણું
લીધું વળણ ને કાંધે ચઢાવ્યું અણદીઠને;
અણદીઠ બની ગમ્ય સંવેદાતું
ધક્કાધક્કી કરતું દૃશ્ય રૂપ શું.
મળતા બે મનો કેરા અનુસંધાનની મહીં
જોતો વિચારની સામે વિચાર, ને
વાણી કેરી જરૂર પડતી નહીં;
ભાવ આલિંગતો ભાવ ઉભયે હૃદયોમહીં,
માંસમાટી--શિરાઓમાં રોમહર્ષ લહેવાતા પરસ્પર,
કે લાય લાગતાં જેમ બે ઘરોની
જવાળાઓમાં થાય છે એકરૂપતા
તેમ અન્યોન્યમાં સૌ ત્યાં ઓગળીને બૃહત્કાય બની જતા:
બાઝતો દ્વેષને દ્વેષ, પ્રેમ પ્રેમ પર આક્રમતો જતો,
અદૃશ્ય મનની ભોમે મલ્લયુદ્ધ મચાવતો
૧૪૪
એક સંકલ્પ સ્પર્ધંતા બીજા સંકલ્પ સાથમાં;
થતાં પસાર બીજાઓ તણાં સંવેદનો તરંગમાળ શાં
છોડી પાછળ જાતાં 'તાં પ્રકંપંતું માળખું સૂક્ષ્મ દેહનું,
ઘોડો છલંગતો રોષ તેઓ કેરો પાશવી હુમલો કરે,
ધ્રૂજતી ધરણીએ એ ધસારો ત્યાં પડઘી પાડતો જતો;
અન્યનો શોક હૈયાને ત્યાં આક્રાંત કરતો લાગતો હતો,
અન્યનો હર્ષ ઉલ્લાસે ઊછળીને રક્તમાં દોડતો હતો :
દૂર હોવા છતાં હૈયાં સમીપસ્થ બનવા શક્તિમાન ત્યાં,
વિદેશી સાગરો કેરે કાંઠે
બોલાયેલા અવાજો યે પાસેના બનતા હતા.
જીવંત આપ-લે કરો સ્ફુરતો ધબકાર ત્યાં :
સત્ત્વને સત્ત્વનું ભાન દૂર હોવા છતાં થતું,
ચેતના ચેતનાને ત્યાં હતી ઉત્તર આપતી.
ને છતાંયે હતી ના ત્યાં આખરી એકરૂપતા.
જુદાઈ ત્યાં હતી એક ચૈત્યથી અન્ય ચૈત્યની:
દીવાલ મૌનની એક અંતરાલે બંધાઈ શક્તી હતી,
સભાન બળનું એક રક્ષતું ને બનતું ઠાલ બખ્તર;
બંધ કરી શકાતું 'તું સત્ત્વ ભીતરની મહીં
એક એકાન્તતામહીં;
નિરાળો સહુથી સ્વાત્મામહીં માનસ એકલો
ત્યાં રહી શક્તિ હતો.
હજી હતું ન અદ્વેત, શાન્તિ ના એકતાતણી.
હજી અપૂર્ણ સૌ અર્ધ-જ્ઞાત, અર્ધ-સિદ્ધ રૂપ હતું તહીં :
અચિત્ કેરો ચમત્કાર વટાવાઇ ગયો હતો,
પરચૈતન્યમયનો ચમત્કાર હજી તહીં
હતો અજ્ઞાત, સ્વાત્મામાં રહેલો વીંટળાયલો,
સંવેદન થતું ન્હોતું એનું અજ્ઞેયરૂપનું,
જે તેઓ સૌ હતા તેનું મૂલ એ તેમની પરે
નીચે ન્યાળી રહ્યો હતો.
તેઓ આવ્યા હતા રૂપો બનીને ત્યાં નિરાકાર અનંતનાં.
૧૪૫
અનામી શાશ્વતી કેરાં નામો રૂપે હતા જીવન ધારતા.
ત્યાં આરંભ અને અંત હતા ગૂઢ પ્રકારના;
સમજાવાય ના એવી આકસ્મિક જ લાગતી
મધ્યાવસ્થા કાર્ય ત્યાં કરતી હતી :
શબ્દરૂપ હતા તેઓ
જે વિશાળા શબ્દહીન સત્યની સાથ બોલતા,
અપૂર્ણ સરવાળામાં ખીચોખીચ ભર્યા એ આંકડા હતા.
સાચી રીતે કોઈએ ત્યાં જાતને જાણતું ન 'તું,
જાણતું ના હતું જગતને વળી,
કે પ્રતિષ્ઠાપિતા તેમાં રહેનારી સત્યતાને પિછાનતું :
અતિમાનસના ગુપ્ત ને ગંજાવર કોશથી
લઈને મન જે બાંધી શકતું 'તું તે જ સૌ જાણતા હતા.
અંધારું તેમની નીચે, અને શુભ્ર શૂન્ય ઉપર તેમની,
અનિશ્ચિત રહેતા તે મોટા એક આરોહી અવકાશમાં;
રહસ્યમયતાને તે
રહસ્યમયતાઓની સાહ્યથી સમજાવતા,
સમસ્યા વસ્તુઓ કેરી સમસ્યાના દ્વારા ઉત્તર પામતી.
સંદિગ્ધ પ્રાણને વ્યોમે જેમ જેમ નૃપ સંચરતો ગયો
તેમ તેમ બન્યો પોતે પોતા માટેય કોયડો;
પ્રતીકરૂપ સૌને એ હતો જોતો
અને અર્થ તેમનો શોધતો હતો.
મૃત્યુ ને જન્મના કૂદી વહેનારા પ્રવાહોની મહીં થઇ,
ને ચૈત્ય-પલટા કેરી
જગાફેર કર્યે જાતી સીમાઓ ઉપરે થઇ,
અંત આવે નહીં એવા જોખમે ભર સાહસે
સર્જનાત્મક ભૂ-ભાગે આત્મા કેરો બની મૃગયુ એ પછી
લઇ પીછો જિંદગીની સીલબંધ ભયાનક મુદાતણો,
એની અનુસર્યો સૂક્ષ્મ પગથીઓ પ્રચંડ કૈં.
આ મોટા પગલાંઓમાં આરંભે ના એકે લક્ષ્ય પડયું દૃગે :
૧૪૬
માત્ર સૌ વસ્તુઓ કેરું અહીં એણે વિશાળું મૂળ નીરખ્યું
દૃષ્ટિ જે કરતું પાર કેરા એથી વિશાળા મૂળની પ્રતિ.
કેમ કે ભૂમિની સીમારેખાઓથી
જેમ જેમ સરી એ દૂરની દિશે
તેમ તેમ અવિજ્ઞાત થકી જ્યાદા તંગ તાણ લહ્યું ગયું,
વધારે ઉચ્ચ સંદર્ભ મુક્તિ દેતા વિચારનો
આશ્ચર્ય ને નવી શોધ પ્રત્યે એને હંકારીને લઇ ગયો;
મામૂલી ફિકરોમાંથી છુટકારો આવ્યો ઉચ્ચ પ્રકારનો,
આશા ને અભિલાષાની આવી એક પ્રતિમા બલવત્તરા,
બૃહત્તર મળ્યું સૂત્ર, મળ્યું દૃશ્યસ્થાન એક મહત્તર.
ચકરાવા હમેશાં એ હતી લેતી સુદૂર જ્યોતિની પ્રતિ :
હજી ઇંગિત એહનાં
ખુલ્લું જે કરતાં તેથી વધારેને આચ્છાદી રાખતાં હતાં;
કિંતુ તત્ક્ષણની કોક દૃષ્ટિની ને ઈચ્છાની સાથ બદ્ધ એ
ઉપયોગતણે હર્ષે સ્વતાત્પર્ય ખોઈ બેઠેલ એ હતાં,
ને આમ અર્થ પોતામાં જે અપાર ભર્યો હતો
તે હરાઈ જતાં પોતે અસત્-અર્થે ચકાસતા
મીડા જેવાં બની જતાં.
શક્તિ જીવનની સજ્જ જાદૂઈ ને ભૂતાવિષ્ટ ધનુષ્યથી,
અદૃશ્ય રાખવામાં જે હતું આવ્યું તે લક્ષ્યે તાકતી હતી,
લક્ષ્ય હમેશ જે પાસે હતું તેને હમેશાં દૂર માનતી.
જેમ ઉકેલતો કોઈ અજવાળેલ અક્ષરો
ઉકેલી ન શકે એવા જાદૂ કેરા કો ચાવીરૂપ પુસ્તકે
તેમ તે જિંદગી કેરા સૂક્ષ્મ ને ગૂંચવાયલા
વિચિત્ર અક્ષરો કેરી વ્યવસ્થાનું દૃષ્ટિથી માપ કાઢતો,
અવગુંઠિત મુશ્કેલ એની ચાવીઓનું પ્રમેય પેખતો,
વેરાન કાળની ઘોર રેતી મધ્યે રેખાંકિત બનેલ ત્યાં
એનાં ભીષણ કાર્યોના આરંભો સૂત્રના સમા
બારીક અવલોકતો
કોક સૂચનને માટે
૧૪૭
એનાં કાર્યોતણી શબ્દ-સમસ્યાને નિરીક્ષતો,
છાયાચિત્રો મહીં એનાં વાંચતો એ ઈશારા 'ના' જણાવતા,
છટકીને જતા 'તા જે લયવાહી રહસ્યમયતામહીં
તે તેના નૃત્યની મોહમાયા કેરા અનુક્રમો
ભારે લાદ્યા પ્રવાહોમાં ગ્રહવા મથતો હતો,
ભાગતા પગના ભાગી જતી ભોંયે
મથતો 'તો ઝાલવા ઝબકાર એ.
જિંદગીના વિચારો ને આશાઓની હતી ભુલભુલામણી,
હતા આડ-પથો એના અંતરંગાભિલાષના,
હતા ખચેલ સ્વપ્નનાંના ખૂણા અટપટા તહીં,
ને અસંબદ્ધ આંટાઓતણા કપટકાર્યથી
આડા પાર થતા બીજા આંટાઓ જે હતા તે મધ્યમાં થઇ
ભાગતાં દૃશ્યની વચ્ચે પડી ભૂલો જ્યાં ત્યાં ભટકનાર એ
એના એધાણને ખોઈ પીછો લેતો
દગો દેતા દરેક અનુમાનનો.
હમેશ મળતા એને ચાવીરૂપ શબ્દ પ્રશ્ન-ઉકેલના
કિંતુ તે તેમની સૂઝ દેવાવાળી ચાવી ના જાણતો હતો.
સૂર્ય એક હતો આંજી દેતો પોતા કેરી જ આંખ દૃષ્ટિની,
વિલસંતી સમસ્યાનો ફટાટોપ પ્રકાશતો,
વિચાર-વ્યોમના ગાઢ જામલી અંતરાયને
અજવાળી રહ્યો હતો :
એક નિસ્તેજ વ્યાપેલો સ્તબ્ધભાવ
રજનીને તારા એના બતાવતો.
ખુલ્લી બારીતણા ગાળા પાસે જાણે પોતે બેઠેલ હોય ના
તેમ તે વીજવલ્લીના ઉપરાઉપરી થઇ
રહેલા ઝબકારમાં
વાંચતો 'તો પ્રકરણો-
લુપ્ત तत् सत् તણી શોધ કરી રહેલ જીવના
રમ્યરંગદર્શી તત્વવિચારનાં,
પ્રમાણભૂત આત્માની વસ્તુતાથી
૧૪૮
નિષ્કર્ષે લી તેની નવલિકાતણાં,
તેની ધૂનતણાં, તેના તરંગોનાં ને તાળાબંધ અર્થનાં,
અવિચારી ને અગ્રાહ્ય તુક્કાઓ ને નિગૂઢ વળણોતણાં.
એના વરેણ્ય વપુનાં દર્શનો અટકાવતા
દીઠા એણે દીપતા કૈં વીંટા એના રહસ્યના,
દીંઠા વિચિત્ર ને અર્થ સૂચવંતાં
રૂપો એના જામા પર વણાયલાં,
નિહાળી રૂપરેખાઓ સાભિપ્રાય વસ્તુઓના ચિદાત્મની,
વિચાર-વર્ણની જોઈ જૂઠી એની પારદર્શકતા ઘણી,
રિદ્ધમંત જરી-કામે કલ્પનાઓ ભરી મૂર્ત્ત કરાયેલી,
અસ્થાની નીરખ્યાં મો'રાં અને છદ્મવેશી ભરતગૂંથણી.
અજાણી આંખવાળાં ને
ઓળખાય નહીં એવાં નિ:શબ્દ મુખ ધારતાં
એનાં રૂપો થકી સત્યતણાં મુખ હજાર કૈં
નાખી ચક્કરમાં દેતાં એને વિલોક્તાં હતાં,
છળવેશે રહી એની મૂર્તિઓની મહીંથી બોલતાં હતાં,
કે ગુપ્ત રિદ્ધિમાંથી ને એની વેશભૂષાની સૂક્ષ્મ દીપ્તિની
મહીંથી ન્યાળતાં હતાં.
અજ્ઞાતના સ્ફુલિંગોના પ્રસ્ફોટે અણચિંતવ્યા
અવ્યંજક અવાજોમાં સત્યતા આવતી હતી,
અર્થરહિત કલ્પો જે લાગતા તે સત્યને ઝબકાવતા;
અદૃષ્ટ ને પ્રતીક્ષંતાં ભુવનોથી સ્વરો જે આવતા હતા
તેઓ અવ્યક્ત આત્માના અક્ષ્રરોનો ઉચ્ચાર કરતા હતા,
ગૂઢ શબ્દતણો દેહ વસ્ત્રરૂપે જેમને ધારતો હતો.
નિગૂઢ ઋતના રેખાલેખો જાદૂગરી ભર્યા
કો ચોક્કસ છતાં વાંચી ન વંચાતી
સીલબંધ કરતા એકરાગતા,
કે રૂપ-રંગને યોગે કાળ કેરી નિગૂઢ વસ્તુઓતણી
અગ્રગામી ઘોષણાને નવું નિર્માણ આપતા.
લોલાં વેરાનમાં એનાં ને ઊંડાણોમહીં એનાં છુપાયલાં,
૧૪૯
આનંદનાં અરણ્યોમાં આલિંગી જ્યાં રહ્યો છે ભય હર્ષને,
ત્યાં તેની નજરે પડી
એની ગાયક આશાઓ કેરી પાંખો છુપાયલી,
નીલ,સુવર્ણ ને ઘેરા લાલ રંગી અગ્નિની ઝલકે ભરી.
દૈવયોગતણા ક્ષેત્રમાર્ગો કેરી કિનારની
એની ગુપ્ત ગલીઓમાં અને એનાં ગાતાં ઝરણને તટે,
એનાં શાન્ત સરોમહીં
મહાસુખતણાં એનાં સ્વર્ણવર્ણ ફલોતણી
એને ચમક સાંપડી,
એનાં સ્વપ્ન અને ધ્યાનતણાં પુષ્પો કેરી સુંદરતા મળી.
જાણે કે ન થયો હોય ચમત્કાર
હૈયા કેરા પલટાના પ્રહર્ષથી,
તેમ તે ભૂમિકા કેરા
કીમિયો કરવાવાળા સૂર્ય કેરા પ્રકાશમાં
અધ્યાત્મ પ્રેમના યજ્ઞ રૂપ વૃક્ષતણી પરે
એક ઐહિક પુષ્પનું
પ્રસ્ફોટન થતું ઘેરું લાલ એ નીરખી રહ્યો.
ઊંઘે ભરાયલી એની બપોરી ભવ્યતામહીં
હોરાઓ મધ્યમાં એણે જોઈ એક પુનરાવૃત્તિ ચાલતી,
રહસ્યમયતા કેરે સ્રોતે એણે
વાણિયાના નૃત્ય જેવું જોયું નૃત્ય વિચારનું,
જે સ્રોતની સપાટીએ રહે છે સરતા છતાં
અજમાવી નથી જોતા તેની મર્મરતી ગતિ,
વાંછેલા હસ્તથી જાણે છટકીને જવા ના હોય દોડતી
તેવી તેની
ગુલાબી કામનાઓના હાસ્યનો સાંભળ્યો ધ્વનિ,
કલ્પનાના તરંગોનો સુણ્યો મીઠો ઝાંઝરી ઝમકારને.
જીવમાન પ્રતીકોની મધ્યમાં એ એની નિગૂઢ શક્તિના
ચાલ્યો ને એમને સાચાં સમીપસ્થ રૂપોના રૂપમાં લહ્યાં.
માનવી જીવનોથી યે વધુ નકકૂરતા ભર્યા
૧૫૦
એ જીવને છુપાયેલી સત્યતાના
હૈયા કેરી ધબકો ચાલતી હતી:
જેના આપણને માત્ર વિચારો આવતા અને
થતાં સંવેદનો માત્ર તે મૂર્ત્તિમંત ત્યાં હતું,
જે અહીં બાહ્ય રૂપોને ઉછીનાં લે
તે ત્યાં આપમેળે હતું રચાયલું
એની કઠોર ટૂકોએ સંગાથી મૌનનો બની,
એના પ્રચંડ એકાન્તભાવનો સાથ મેળવી,
એની સાથે ધ્યાનલીન શૃંગોએ સ્થિત એ થયો,
જહીં જીવન ને સત્ત્વ પારના સત્સ્વરૂપને
અર્ધ્યરૂપે સમર્પિત થયેલ છે,
અને અનંતતામાં ત્યાં જોઈ એને વિમોચતી
અર્થયુક્ત અને મોંએ ઢાંક્યાં ગરુડ એહનાં,
અજ્ઞેય પ્રતિ સંદેશો લઇ જાતાં વિચારના.
ચૈત્યદર્શનમાંહે ને ચૈત્ય સંવેદનામહીં
એની સાથે એ તદ્દરૂપ બની ગયો,
પોતાના ઘરમાં જેમ તેમ તેનાં ઊંડાણોમાં પ્રવિષ્ટ એ,
એ જે હતી અને જેને અર્થે એ ઝંખતી હતી
તે બધુંય બની ગયો,
બન્યો વિચારતો એના વિચારોથી
ને એનાં પગલાંઓએ એ યાત્રા કરતો થયો,
એને શ્વાસે જીવતો ને એની આંખે સર્વ કાંઈ સમીક્ષતો,
કે જેથી શીખવા પામે પોતે એના ચૈત્યાત્માના રહસ્યને.
સાક્ષી વિવશ પોતાની સામે આવેલ દૃશ્યથી,
પ્રાણપ્રકૃતિના ભવ્ય
અગ્રભાગતણી શોભા અને લીલા પ્રશંસતો,
એની સંપન્ન લાલિત્યે ભરી કારીગરીતણાં
અદભુતોને વખાણતો,
એ એના આગ્રહી સાદે રોમાંચિત બની ગયો;
આવેગાવિષ્ટ એ એની શક્તિ કેરી મોહિની ઝીલતો હતો,
૧૫૧
એનો નિગૂઢ સંકલ્પ
ઓચિંતાનો લદાયેલો પોતાની પર પેખતો,
પ્રચંડ પકડે ભાગ્ય ગૂંદનારા
પોતા પર મુકાયેલા એના હાથ નિહાળતા,
લહેતો 'તો સ્પર્શ એનો ચલાવતો,
પકડે લઈને હાંકી જતી એની શક્તિ સંવેદતો હતો.
કિંતુ આ પણ જોયું કે આત્મા એનો ભીતરે રડતો હતો,
ભાગતા સત્યને ઝાલી લેવા માટે
નકામાં મથતા એના પ્રયાસો પણ પેખિયા,
ગમગીની ભરી આંખે નિરાશાની બનેલી સહચારિણી
એણે એની આશાઓ પણ નીરખી,
એનાં ઝાંખા ભર્યા અંગો કબજે નિજ રાખતો
એનો રાગે ભર્યો ભાવ નિહાળિયો,
અભિલાષ ભર્યા એના વક્ષોજોની
પીડા જોઈ, જોયો પ્રહર્ષ એમનો,
વૈતરું કરતું એનું મન જોયું,
ન સંતોષ થતો જેને મેળવેલાં ફળો થકી,
એના હૃદયને જોયું
જે એકમાત્ર પ્રેમીને નથી બંદિ બનાવતું.
સામે સદા મળી એને શક્તિ એક શોધતી અવગુંઠિતા,
દેશપાર કરાયેલી દેવી સ્વર્ગો નકલી રચતી જતી,
નારસિંહ મૂર્ત્તિ એક
આંખો જેની ગુપ્ત સૂર્ય પ્રત્યે ઊંચે નિહાળતી.
પ્રાણ-પ્રકૃતિના રૂપો મધ્યે એને
આત્મા એક લાગતો 'તો સમીપમાં:
તેનું નિષ્ક્રિય સાન્નિધ્ય બળ એના સ્વભાવનું;
આ એકમાત્ર છે સત્ય દેખાતી વસ્તુઓમહીં
પૃથ્વી પરેય આ આત્મા ચાવી છે જિંદગીતણી,
બાહ્ય નક્કર બાજૂઓ કિંતુ એની
૧૫૨
ક્યાંય એની નિશાની ન બતાવતી.
શોધી શોધાય ના એવી છાપ છે એ
આત્મા કેરી એનાંસૌ કાર્યની પરે.
એની અપીલ છે લુપ્ત શિખરોને અર્થે ભાવ દયામણો.
રેખા છાયામયી માત્ર કોક વાર ઝલાય છે,
જે ઢાંકેલી સત્યતાની સૂચનારૂપ લાગતી.
ગૂંચવાયેલ અસ્પષ્ટ રૂપરેખાવલી લઇ
એની સામે રહી તાકી શક્તિ જીવનની તહીં,
ને આંખો ન શકે ધારી એવું ચિત્ર રજૂ કર્યું,
લખાયેલી ન 'તી એવી વાત મૂકી સમક્ષ ત્યાં.
જેમ ખંડિત ને અર્ધનષ્ટ રૂપરેખાની યોજનામહીં
થાય છે, તેમ ત્યાં પીછો લેનારાં લોચનો થકી
તાત્પર્યો જિંદગી કેરાં પલાયન કરી ગયાં.
ચહેરો જિંદગી કેરો
આંખો આગળથી રાખે સંતાડેલું એના સત્યસ્વરૂપને;
ગૂઢાર્થ જિંદગી કેરો છે લખાયો અંતરે અથ ઊર્ધ્વમાં.
જે વિચારે અર્થયુક્ત બને છે તે એ વસે પાર દૂરમાં;
દેખાતો એ નથી એની અર્ધ પૂરી થયેલી યોજના મહીં.
સંજ્ઞાઓ ગૂંચવી દેતી વાંચવાની આશા ફોગટ આપણી
યા મળે શબ્દ અર્ધાક રમાયેલા શબ્દના કોયડાતણો.
એકમાત્ર જીવને એ બૃહત્તર
ગુહાલીન વિચાર આવતો મળી,
શબ્દ કો સૂચવાતો જે અર્થને સમજાવતો,
પૃથ્વીની 'મિથ' વસ્તુને
બુદ્ધિગમ્ય બને એવી કથાનું રૂપ આપતો.
આખરે સત્યના જેવું લાગતું કૈં દૃષ્ટિગોચર ત્યાં થયું.
અડધી અજવાળાતી હવામાંહે દૈવાધીન રહસ્યની,
સત્યનો અડધો કાળો ભાગ જોનાર આંખને
દેખાઈ પ્રતિમા એક જીવતા ધૂંધળાટમાં,
ને સૂક્ષ્મ રંગની ઝાંયોતણા ધુમ્મસમાં થઇ
૧૫૩
ડોકિયું કરતાં એણે જોઈ એક શૃંખલાબદ્ધ દેવતા
દૃષ્ટિએ અર્ધ-આંધળી,
પોતે જેમાં જતો 'તો તે જગથી ગભરાયલી,
ને છતાં જ્યોતિ કો એના આત્માને પ્રેરતી હતી
તેનું ભાન ધરાવતી.
આકર્ષતો અજાણી ને દૂર કેરી આછેરી ઝબકો ભણી,
દોરતો દૂરના એક બંસી બજવનારની
બંસરીના સ્વરોથકી,
જિંદગીના હાસ્યની ને સાદની વચમાં થઇ
ને કોટી કોટી કૈં એનાં પગલાંની
અંધાધૂંધી ભરેલી સૂચિમાં થઇ,
કો ગંભીર અને પૂર્ણરૂપ આનંત્યની પ્રતિ
પોતાનો એ માર્ગ શોધી જતો હતો.
વન એની આસપાસ પ્રાણની ભૂમિકાતણી
સંજ્ઞાઓનું ખડકાતું જતું હતું:
અનુમાન વડે યા તો અકસ્માત ઊજળા દૈવયોગથી
નિશાન તાકતા બાણ સમા કૂદી પડનારા વિચારથી
લાગ્યો એ પઢવા એના કલ્પના રંગરંગના
માર્ગ-દીપો પલટો પામતા જતા,
અનિશ્ચિત અને વેગી બનાવોના એનાં સંકેતરૂપકો,
પ્રતિકોમાં તમાશાઓ આલેખાતા એના ચિત્રક્ષરો વડે,
અને જટિલ માર્ગોએ કાળ કેરા સીમાનાં ચિહ્ન એહનાં.
ગલીકૂંચી મહીં એની
સમીપે સરવાની ને હઠી પાછા જવાતણી
બધી બાજુ જીવને એ આકર્ષંતી ને પાછો ઠેલતી હતી,
પરંતુ અતિશે પાસે આવે એ તો
એના આશ્લેષમાંથી એ નીકળી છટકી જતી;
દોરી એ સર્વ માર્ગોએ જતી એને
કિંતુ એકે ખાતરીબંધ માર્ગ ના.
બહુસૂરી ચમત્કારી ગાને એના પ્રલુબ્ધ એ
૧૫૪
આકર્ષાઈ જતો એના મનોભાવોતણી જાદૂગરી વડે
ને સ્વૈર એહને સ્પર્શે હર્ષ ને શોક પામતો
જતો ખોવાઈ એનામાં કિન્તુ એને સંપ્રાપ્ત કરતો નહીં :
એની આંખોથકી સ્વર્ગ સરી જાતું સ્મિત એને સમર્પતું :
એનું સૌન્દર્ય પોતાનું સદા માટે બનેલ છે
એવાં એ સ્વપ્ન સેવતો,
સેવતો સ્વપ્ન કે એનાં અંગો એનું સ્વામિત્વ અપનાવશે.
પરમાનંદના એના સ્તનોની મોહિનીતણાં
આવતાં સ્વપ્ન એહને.
ઉજ્જવલ લિપિમાં એની,
પ્રભુના શુદ્ધ ને આદ્ય પાઠ કેરા
મનસ્વિતા ભર્યા એના કરેલા અનુવાદમાં,
અવિજ્ઞાત મહાનંદોતણી ચાવીરૂપ અદભુત શાસ્ત્રને
પોતે વાંચી રહ્યો છે એમ માનતો.
કિન્તુ જીવનનો શબ્દ છે પોતાની લિપિ મધ્યે છુપાયલો,
ગાને જીવન કેરા છે ગુમાવેલો પોતાનો દિવ્ય સૂરને.
અણદીઠ અને બંદી બનેલો નાદને ગૃહે
સ્વપ્નને વૈભવે લીન આત્મા કાન દઈ સુણે
સહસ્ત્ર કાઢતું સૂર માયાનું રસગીતડું.
હૈયું લેતી હરી વાણે નાજુકાઇ ભરી જાદૂગરી તહીં,
કે રાગરંગને એના ઝાંય દેતો જાદૂ જ્વલંત એક ત્યાં,
છતાં માત્ર જગાડે તે ઝણેણાટી ભંગુર ચારુતાતણી;
અટંતા કાળના ઘાએ ઘવાનારી યાત્રા ભ્રમણશીલ ને
અતૃપ્ત અલ્પ-જીવંત આનંદાર્થે થતો પોકાર એમનો,
યા તો આળોટતા તેઓ હર્ષોન્માદે મન ને ઇન્દ્રિયોતણા,
કિંતુ ચૂકી તેઓ પ્રકાશંતો ઉત્તર અંતરાત્મનો.
અંધી ધબકે હૈયાની અશ્રુ દ્વારા હર્ષની પ્રાપ્તિ સાધાતી,
પહોંચતું કદી ના જ્યાં એવાં શૃંગો માટેની એક ઝંખના,
પુરાયેલી નથી એવી કામનાની મહામુદા
સ્વર્ગની પ્રતિના એના અવાજનાં
૧૫૫
અંત્ય આરોહણો કેરું પગેરું કાઢતાં જતાં.
ભૂતકાળતણી દુઃખસ્મૃતિઓ પલટાય ને
બની જૂની ઉદાસીની માર્ગરેખા મધુરી સરકી જતી :
વજૂ પીડાતણાં રત્ન છે એનાં અશ્રુઓ બન્યાં,
શોક એનો ગાન કેરો જાદૂઈ તાજ છે બન્યો.
મહાસુખતણી એની ઝડપો અલ્પ કાલની
સપાટીને કરી સ્પર્શ છટકે કે જાય છે જે મરી પછી :
સ્મૃતિ એક ગુમાવેલી પડઘાતી એનાં ઊંડાણની મહીં.
અમરા ઝંખના એની, સાદ એનો અવગુંઠિત આત્માનો;
સીમિત કરતા મર્ત્ય લોકે બંદિ બનેલ એ,
જિંદગીથી ઘવાયેલો આત્મા એના હૈયામાં ડૂસકાં ભરે;
પીડા સેવાયલી પ્રીતે છે ઊંડામાં ઊંડો પોકાર એહનો.
નિરાધાર અને આશા તજનારા માર્ગોએ ભમતો જતો,
રાહે રાહે અવાજના
નાસીપાસ તજાયેલો સ્વર પોકાર પાઠવે
ભુલાયેલા પરમાનંદની પ્રતિ.
કામનાની ગુહાઓમાં પડતા પડઘામહીં
પથભ્રષ્ટ બનેલ એ,
ચૈત્યની મૃત આશાઓ કેરાં ભૂતો જીવતાં રાખનાર એ,
મીઠા ને ભ્રમમાં નાખે એવા સૂરો સુણવાને વિલંબાતો
દુઃખને હૃદયે ઘૂમ્યા કરે એ સુખશોધમાં.
ભાગ્યનિર્માણના હસ્તે વિશ્વ કેરી વીણાને સ્પર્શે છે કર્યો,
સૂરો વ્યાકુલતાપૂર્ણ વચ્ચે ઘૂસી ગયેલ છે,
અંત:સંગીતની ગુપ્ત ચાવીને એહ આવરે,
જે સપાટીતણા દોરે લયો પોતે રહીને અસુણાયલી.
તે છતાંયે જીવવું ને સર્જવું તે સ્વયં આનંદરૂપ છે,
પ્રેમ આનંદ છે, વ્યર્થ જાય સૌ તે છતાં યે શ્રમ હર્ષ છે,
ઠગે છે મેળવેલું સૌ, ને આલંબ લીધોલો હોય જેહનો
તે બધું દે દગો તો ય હર્ષ છે શોધવામહીં;
ને છતાં ગહને એને છે એવું કૈં જે અર્થે દુઃખ સાર્થ છે,
૧૫૬
પરમાનંદના અગ્નિ સાથે એક
સ્મૃતિ ભાવોદ્રે કી તંગ કર્યા કરે.
શોકનાં મૂળ નીચે યે છુપેલો એક હર્ષ છે :
કેમ કે એકરૂપે જે બનાવ્યું છે તેમાંનું વ્યર્થ કૈં નથી :
હારેલાં આપણાં હૌયાંમહીં ઈશ-સામર્થ્ય અનુજીવતું,
અને વિજયનો તારો ઉજાળે છે અઘોર માર્ગ આપણો;
આપણું મૃત્યુ યે માર્ગ બનાવાતું નવીન ભુવનોતણો.
આણે છે જિંદગી કેરે સંગીતે આ ઉછાળો સ્તોત્રગાનનો.
સર્વને અર્પતી એહ મહિમા નિજ કંઠનો;
પ્રહર્ષો સ્વર્ગના એના હૈયા આગળ મર્મરી
પૃથ્વીની ક્ષણજીવી જે લાલસાઓ તે એને અધરે કરી
પોકાર લય પામતી.
એની કલા થકી માત્ર ઇશદત્ત ઋગ્-ગાન છટકી જતું,
જે એની સાથ આવ્યું 'તું એના અધ્યાત્મ ધામથી
પણ જે અર્ધ-માર્ગે જ અટકીને હતું નિષ્ફલ નીવડયું,
છટકી જાય છે મૌન શબ્દ એક
વાટ જોતાં જગોના જે કોક ઊંડા વિરામમાં
જાગરૂક રહેલ છે,
છટકી જાય છે વળી
શાશ્વતીની ચૂપકીમાં મોકૂફીએ રહેલો મર્મરાટ કો :
કિંતુ ઉચ્છવાસ ના કોઈ આવતો ઊર્ધ્વ શાંતિથી :
રોકી શ્રવણને લેતી એક આડકથા વૈભવશાલિની
ને હૈયું સુણતું એને ધ્યાનથી ને આત્મા સંમતિ આપતો;
સંગીત શીઘ્ર લોપાતું તેની આવૃત્તિ એ કરે,
ક્ષણભંગુરતા માટે વેડફીને કાળ કેરી અનંતતા.
ભૂલી જતી ઘડીઓને અવાજે જે આવે છે સ્વરકંપ તે
પડદા પૂઠે રાખે છે ઉચ્ચ ઉદ્દીષ્ટ વસ્તુને,
નિસર્ગ-શક્તિના મોટા તાંતવી વાઘની પરે
જેને વગાડવા આત્મા સ્વયંભૂનું થયું છે આવવું અહીં.
૧૫૭
માત્ર અહીંતહીં એક મર્મરાટ શાશ્વત શબ્દનો બલી,
સ્વર આનંદથી પૂર્ણ, સ્પર્શ સુન્દરતાતણો
હૈયાને ને ઈન્દ્રિયોને રૂપાંતર પમાડતો,
વૈભવ ભમતો દિવ્ય, ને પોકાર નિગૂઢ કો
સર્વથા સંભળાતાં ના અત્યારે જે
તે સામર્થ્ય ને માધુર્ય સ્મરાવતો.
ગાળો વચ્ચે અહીંયાં છે, અહીંયાં શક્તિ પ્રાણની
પડે છે અટકી યા તો ઊતરી જાળ છે તળે;
જાદૂગરતણી આથી કળા કંગાળ થાય છે;
ને આ ઉણપને લીધે
બધું બીજું પાતળું ને ખાલી બનેલ લાગતું.
એનાં કર્યોતણી ક્ષિતિજ-રેખને
આલેખંતી દૃષ્ટિ અર્ધ જ દેખતી :
પોતે શું કરવા આવી છે તે એનાં ઊંડાણો યાદ રાખતાં,
પણ છે મન ભૂલ્યું તે યા હૈયું ભૂલ ત્યાં કરે :
ગયો છે પ્રભુ ખોવાઈ અંતહીન સીમાઓમાં નિસર્ગની.
જ્ઞાને સર્વજ્ઞતા કેરો ઉપસંહાર સાધવો
કર્મમાં કરવો ઊભો સર્વસામર્થ્થવંતને,
એના હૃદયોનો પ્હેલો હતો ખ્યાલ
સર્જવો હ્યાં એના સર્જનહારને,
આક્રાન્ત કરવું વિશ્વ-ક્ષેત્ર સંપૂર્ણ ઈશ્વરે.
હજી યે દૂર છે જેહ પરબ્રહ્ય
તેનું સર્વસિદ્ધિદાયી રૂપે પ્રાકટ્ય સાધવા,
અનિર્વાચ્યતણા એને ઉદગારે પલટાવવા,
કેવલબ્રહ્યની શક્તિતણો એ હ્યાં મહિમા આણવા ચહે,
સ્થિતિને પલટાવી એ દેવા માગે
સૃષ્ટિ કેરા લયે પુરણ ડોલને,
શાંતિના વ્યોમની સાથે સંલગ્ન કરવા ચહે
મહાસિન્ધુ મુદાતણો.
૧૫૮
કાળમાં આવવા માટે શાશ્વતીને બોલાવનાર અગ્નિ એ,
આનંદ આત્મનો જેવો છે જીવંત
તેવો દેહતણો પણ બનાવવા,
કરી ઉદ્વાર પૃથ્વીનો એને સ્વર્ગ-પડોશણ બનાવવા
જીવન શ્રમ સેવે છે થવા માટે પરમાત્મા-સમોવડું,
સાધવાને સમાધાન
પાતાલગર્ત કેરું ને સનાતન-સ્વરૂપનું.
પારના સત્યની પ્રત્યે દૃષ્ટિ એની રહેતી વ્યાવહારિકી
દેવો કેરા અવાજોથી દેતી નીરવતા ભરી,
કિન્તુ બૂમમહીં થાય ગુમ એકમાત્ર છે જે અવાજ તે.
કાં કે પ્રકૃતિનાં કાર્યો પાર એનું ચઢી દર્શન જાય છે.
જુએ જીવન એ ઊર્ધ્વે દેવોનું સ્વર્ગની મહીં,
વાંદરાની દશામાંથી અર્ધ-દેવ પ્રકટી બ્હાર આવતો,
આપણા મર્ત્ય તત્વે એ એટલું જ કરી શકે.
અર્ધ-દેવ અર્ધ-દૈત્ય અહીંયાં છે કૃતિ સર્વોચ્ચ એહની :
વ્યોમ ને પૃથિવી વચ્ચે ઝોલા ખાતી આ મહત્તર જિંદગી,
એનાં સ્વપ્નાંતણી પૂઠે પડેલો છે વિરોધાભાસ માર્મિક :
પોતાનો પ્રબલાશ્લેષ પરો જે હર્ષને કરે
તેની શોધમહીં એની અવગુંઠિત શક્તિથી
પ્રેરાય છે જગ અજ્ઞાનતાતણું :
એના આલિંગને આવી નિજ મૂળ પ્રત્યે એ ન વળી શકે.
અપાર શક્તિ છે એની, ને અનંત
એના કાર્યતણી સંચાલના બૃહત્,
આડે માર્ગે જતું એનું તાત્પર્ય લોપ પામતું.
જન્મેલી સૌ વસ્તુઓના ધર્મને ને યાત્રાની વંક-રેખને
પોતાના ગુપ્ત હૈયામાં લઇ જાય છે, છતાં
આંશિક જ્ઞાન લાગે છે એનું, એનો ઉદ્દેશે અલ્પ લાગતો;
ઘડીઓ વૈભવી એની માંડે પાય જમીને ઝંખનાતણી.
છે સીસા શો અવિદ્યાનો ભાર પાંખો ઉપરે ચિંતનાતણી,
દાબી દે સત્ત્વને એની શક્તિ વાઘા પહેરાવી દઈ નિજી,
૧૫૯
કાર્ય એનું કરે બંદી એની અમર દૃષ્ટિને.
મર્યાદાનું ભાન એનાં પ્રભુત્વોની પૂઠે ભૂત બની ભમે,
કયાંય ના ખાતરીબંધ મળે સંતોષ, શાંતિ ના :
એના કાર્યમહીં છે સૌ ગહરાઈ અને સૌન્દર્ય, તે છતાં
આત્માને મુક્તિ દેનારા જ્ઞાનની છે તહીં કમી.
પુરાણી ને વિલાયેલી મોહિની છે એક તેને મુખે હવે,
તેજીલી કૌતુકે પૂર્ણ વિદ્યા તેની
એને માટે બની છે અળખામણી;
એ જે આનંદ આપે છે તેથી ઊંડો
વિશાળાત્મા એનો આનંદ માગતો.
એની કૌશલથી આંકી રેખામાંથી માગે એ છટકી જવા;
કિંતુ ના શિંગડાનું કે હાથીદાંતતણું મળ્યું
એને દ્વારા બહાર નીકળી જવા,
મળી છટક-બારી ના યા આધ્યાત્મિક દૃષ્ટિની.
ન 'તો નીકળવાનો ત્યાં માર્ગ કોઈ એ સ્વપ્નસમ દેશથી.
આપણા જીવને નિત્ય કાળ મધ્યે થઈને ચાલવું પડે;
કરતું મૃત્યુ ના સાહ્ય, વૃથા આશા વિરામની;
કો એક ગુપ્ત સંકલ્પ ચાલુ રે'વાતણી ફરજ પાડતો.
આપણી જિંદગી કેરો વિસામો છે અનંતમાં.;
આવી ન શકતો એનો અંત, અંત છે સર્વોત્તમ જીવન.
મૃત્યુ છે માર્ગ જાવાનો, લક્ષ્ય યાત્રાતણું એ આપણું નથી :
કોઈ પ્રાચીન ને ઊંડો લાગેલો છે એક આવેગ કાર્યમાં :
ગુપ્ત સાંકળથી જાણે બાંધ્યા તેમ જીવો ખેંચાય આપણા,
જન્મથી જન્મમાં એક લોકથી અન્ય લોકમાં
એ ઉઠાવાઈ જાય છે,
પડે છે આપણો દેહ તે પછી યે લંબાવ્યે જાય આપણાં
કર્મ મુસાફરી જૂની સંતતા અટક્યા વિના
ન નીરવ મળે કોઈ શૃંગ કાળ જ્યાં વિશ્રામ લઇ શકે.
જાદૂઈ આ હતો સ્રોત્ર જે ન કોઈ સાગરે પ્હોંચતો હતો.
એ ગમે તેટલો દૂર ગયો, જ્યાં જ્યાં વળી વળ્યો
૧૬૦
ત્યાં ત્યાં એની સાથ દોડયું કર્મચક્ર અને એને ટપી ગયું;
હમેશાં યે
કામ આગળનું એક કરવાનું બાકી રહી જતું હતું.
અશાંત ભુવને એહ કર્મનો એક તાલ ને
પોકાર શોધનો એક હમેશાં વધતો જતો;
હૈયું કાળતણું દેતો ભરી કાર્યવ્યગ્ર મર્મરતો ધ્વનિ.
યુક્તિપ્રયુક્તિ ત્યાં સર્વ ને વિરામ વિનાની હિલચાલ ત્યાં.
સેંકડો અજમાવતા માર્ગ જીવનના વૃથા :
એનું એ જ છતાં યે જે હજારો રૂપ ધારતું
છૂટવા મથતું 'તું તે એની એક્સ્વરતાથી પ્રલંબિતા,
ને નવી સર્જતું ચીજો જૂની જેવી જે જરાવારમાં થતી.
લલચાઈ જતી આંખ વિલક્ષણ સજાવટે
બદલાયાતણા ખ્યાલે મનને ઠગવા નવાં
મૂલ્યો ઓપ ચઢાવંતાં હતાં પ્રાચીન વસ્તુને.
અસ્પષ્ટ વિશ્વની પૃષ્ટભૂમિકાએ
એનું એ જ છતાં જાણે જુદું એવું ચિત્ર એક પ્રકાશતું.
જેમાં જીવો અને કર્મો તેમનાં ને બનાવો સંઘર્યા હતા
એવું માત્ર અન્ય એક ભુલભુલામણિયું ગૃહ,
બદ્ધાત્માઓતણો માર્ગવ્યવહારે ભરેલી એક કો પુરી,
સૃષ્ટિ ને સૃષ્ટિનો માલ વેચવાનું બજાર ત્યાં
મહેનતે મચેલું જે મન ને ઉર તેમને
માટે સામે રજૂ થયાં.
જ્યાંથી શરૂ થતી ત્યાં જ આવતો અંત જેહનો
એવી ચક્રાકાર જે ચાલતી ગતિ
તેહને પૂર્ણતા કેરા અજ્ઞાત માર્ગની પરે
અખંડ ચાલતી આગેકૂચનું નામ છે મળ્યું.
અનુગામી યોજનાએ દોરી જાય પ્રત્યેક અંત્ય યોજના.
છતાં નવીન પ્રત્યેક પ્રસ્થાન અંત્ય લગતું,
શાસ્ત્ર પ્રેરિત, સિદ્ધાંત કેરું શિખર આખરી,
ઢંઢેરો પીટતું સર્વ કાળ કેરાં
૧૬૧
કષ્ટો કેરા રામબાણ ઈલાજનો,
વહી વિચારને જાતું એના સૌથી ઊંચા ચરમ ઉડણે,
બણગાં ફૂંકતું સર્વશ્રેષ્ઠ પરમ શોધનાં;
અલ્પજીવી કલ્પ એકએક એક રચના નાશવંત છે,
પ્રથા અમર પોતાની એવું પ્રથિત એ કરે,
દાવો એ કરતું કે છે પોતે પૂર્ણ રૂપ સૌ વસ્તુઓતણું,
સત્યનો આખરી સાર, કાળ કેરી સોનેરી શ્રેષ્ઠતા વળી.
છતાં મૂલ્યે અંતહીન ન કશું સિદ્ધ છે થયું :
ફરીથી નિત્ય નિર્માતી, કદીપ પરિપૂર્ણ ના,
એવી સૃષ્ટિ સદા અર્ધ-પ્રયત્નોને
લોપ પામ્યા પ્રયત્નોની ઉપરે ખડકયે જતી,
ને એક ખંડને જોતી સનાતન અખંડ શો.
નિર્માતી વસ્તુઓ કેરા લક્ષ્યહીન સરવાળે વધ્યા જતા
અવશ્યંભાવિતા કેરા મોઘ કૃત્ય સમું અસ્તિત્વ લાગતું,
સનાતન વિરોધોની મલ્લકુસ્તી સમોવડું
ગાઢાસ્લિષ્ટ પ્રતિદ્વન્દ્રીતણી બાથે ઘલાયલું,
સ્પષ્ટ ના વસ્તુનું કાર્ય ને ન ખ્યાલ એવા નાટકના સમું,
કૂચ ભૂખ્યાં જીવનોની લક્ષ્યહીન થયે જતી,
કે કાળા ફલકે ખુલ્લા દિગ્-વિસ્તારે લખાયલું,
જીવનો વ્યર્થ સંયોગ પુનરાવૃત્તિ પામતો,
આશા નૈષ્ફલ્ય પામેલી, જયોતિ જે ના પ્રકાશેલી હતી કદી,
ધૂંધળી શાશ્વતી મધ્યે નિજ કર્મો કેરા બંધનમાં પડી
સંસિદ્ધિ નવ પામેલી શક્તિ કેરો પરિશ્રમ.
નથી અંત, યા હજી ના અંત જોઈ શકાય કો :
હારી ગયેલી છે તો યે જિંદગીએ મથ્થા જ કરવું રહ્યું;
હમેશાં તાજ એ એક જોતી કિંતુ પકડી શકતી ન એ;
પોતાની પતિતાવસ્થા પાર એની છે મંડાયેલ મીટડી.
એને ને આપણે હૈયે હજી યે સ્પંદમાન છે
મહિમા જે હતો એકવાર કિંતુ હવે નામેય જે નથી.
યા હજી ન પમાયેલા પારમાંથી સાદ આપણને કરે
૧૬૨
માહત્મ્ય એક ના જેને હજી પ્હોંચ્યું અટકી પડતું જગત્ .
આપણી મર્ત્ય સંજ્ઞાની પૂઠે એક રહેલી સ્મૃતિની મહીં
રહે છે આવતું એક સ્વપ્ન જયાદે સુખપૂર્ણ હવાતણું ,
જે પરમાનંદના મુક્ત હૈયાં કેરી આસપાસ શ્વસ્યા કરે,
આપણાથી ભુલાયેલું તો ય નષ્ટ કાલે અમર રાજતું.
મહાસુખતણી ભૂત-છાયા એનાં ઊંડાણો પૂઠે ઘૂમતી;
કેમ કે હાલ જોકે છે ઘણાં દૂર તો ય છે યાદ એહને
પોતા કેરા પદેશો જે છે સોનેરી સુખે ભર્યા,
છે પ્રમોદી કામના જ્યાં, જ્યાં સૌન્દર્ય, શક્તિ ને સુખશર્મ છે,
પોતાનાં જે હતાં સર્વે મધુરાસ્વાદ આપતા
ધુતિમંત પોતાના સ્વર્ગની મહીં,
અમૃતાનંદના એના રાજ્યમાં જે
પ્રભુના મૌન કેરા ને અતલાતલ ગર્તના
મધ્યમાર્ગે વિરાજતાં.
આ જ્ઞાન આપણા ગુહ્ય ભાગોમાં છે રક્ષી રાખેલ આપણે;
અપીલે એક અસ્પષ્ટ રહસ્યમયતાતણી
થતો આપણને ભેટો એક ઊંડી અદીઠ સત્યતાતણો,
જે ક્યાંય વધુ સાચી છે
જગ કેરા વિદ્યમાન સત્યના મુખડા થકી :
આપણે સ્મૃતિમાં જેને આણી ના શકતા હવે
તે પાછળ પડેલું છે એક સ્વરૂપ આપણું,
ને જે રૂપ થવાનું છે હજી બાકી
તે આત્માથી ચલાવાઈ રહેલા આપણે છીએ.
પોતાના આત્માનું રાજ્ય ગુમાવ્યું હોય કોઈએ
તેની પેઠે આપણે યે દૃષ્ટિ પૂઠળ ફેંકતા,
અપૂર્ણ જીવનો જન્મ આ જે છે આપણો અહીં
તેનાથી અન્ય કો દૈવી સ્વરૂપ નિજ જન્મનું
જોવાની રાખતા સ્પૃહા,
મનની વિસ્મૃતિ દ્વારા ચૂક્યા જે આપણે છીએ,
ને સ્વર્ગની સુરક્ષામાં છે જે ધૈર્યધારણે સચવાયલું
૧૬૩
તેને આ કે દિવ્ય જ્યાદા બીજા ભુવનની મહીં
પાછું મેળવવા કેરી આશા અંતર રાખતા: -
આપણી આત્મસત્-તાની સ્વાભાવિક મહામુદા,
હર્ષ જેને સાટે શોક છે સ્વીકારેલ આપણે,
દુઃખમાત્ર લઇ વેચી માર્યું છે તે રોમહર્ષણ દેહનું,
ફૂદૂં જેમ તમોગ્રસ્ત ઝંખે જ્યોતિ ભભૂકતી
તેમ ઝંખી રહી છે જે મહાનંદ મનુપ્રકુતિ આપણી
તે પુનઃકરવા પ્રાપ્ત આશા અંતર રાખતા.
કદી યે ન પમાયેલા વિજયાર્થે
આગેકૂચ રૂપ જીવન આપણું.
ઊર્મિ સત્-તાતણી આ જે મુદાની લાલસા કરે,
અસંતુષ્ઠ બલો કેરો આ વિક્ષોભ સમુત્સુક,
આ કતારો દૂર દૂર લંબાયેલી
આશાઓની જવા આગે મહાયત્ન કર્યે જતી,
આપણે સ્વર્ગનું નામ દેતા જે નીલ શૂન્યને
તેની પ્રત્યે કરે ઊંચી આંખો અર્ચન અર્પતી,
ને કદી જે નથી આવ્યો તે સ્વર્ણવર્ણ હસ્તની
પ્રતિક્ષા કરતી રહે,
જુએ છે જગ આખું યે વાટ જે અવતારની
તેની આશા કર્યો કરે,
માર્ગો પે કાળના દેખા દેશે જે તે
મુખ શાશ્વતતા કેરું નરી સુંદરતા ભર્યું
જોવાની ઝંખના કરે.
શ્રદ્ધા તો યે પ્રદીપ્ત કરતા પુન :
સંબોધી સ્વાત્મને આપણ બોલતા,
" અહો ! જરૂર એ એકવાર પોકાર આપણો
સુણીને આવશે અહીં,
જિંદગી આપણી એક દી નવેસર સર્જશે,
અને ઉચ્ચારશે સૂત્ર શાંતિનું જાદુએ ભર્યું,
ને વિશ્વની વ્યવસ્થામાં આણશે પરિપૂર્ણતા.
૧૬૪
અવતાર લઇ એક દિન એ જીવને અને
પૃથ્વી પર પધારશે,
એની સહાયને માટે પોકાર કરતા જગે
આવશે એ નિત્ય કેરાં દ્વારોની ગુપ્તતા તજી,
ને અહીં લાવશે સત્ય મુક્તિ દેનાર આત્મને,
આનંદ લાવશે દિવ્ય દિક્ષા દેનાર જીવને,
ને પ્રેમના પ્રસારેલા બાહુઓના રૂપમાં બળ લાવશે.
એક દિન ઉઠાવી એ લેશે ભીષણતા ભર્યો
પડદો જે છે સ્વસૌન્દર્યની પરે,
લાદશે વિશ્વના સ્પંદી રહેલા ઉરની પરે
બળાત્કારે મહામુદા,
જ્યોતિ ને પરમાનંદ રૂપ ગુપ્ત સ્વરૂપ જે
છે પોતાનું તેને ખુલ્લું બનાવશે."
પરંતુ પ્હોંચવા માટે એક અજ્ઞાત લક્ષયને
હાલ તાણીતોસી મથંત આપણે :
શોધ ને પ્રાપ્તિનો અંત નથી, ના અંત જન્મનો,
અંત ના મરવાનો ને ના પાછા આવવાતણો;
જીવન લક્ષ્યને સિદ્ધ કરી માગે લક્ષ્યો એથી મહત્તર,
જાય જીવન જે મોઘ ને પામે અવસાન જે
તેને પાછું જીવવું પડતું ફરી;
અને આમ થતું રે'શે જ્યાં સુધી જીવને નથી
જાણ્યું કે અટકી પોતે પડવાને સમર્થ ના.
જીવન-મૃત્યુ જે માટે નિર્માયાં છે તે બધું કરવું રહ્યું.
કિંતુ કોણ કહેશે કે તે પછી યે વિરામ છે ?
યા તો ગહન હૈયામાં પ્રભુ કેરી પરમોચ્ચ મુદાતણા
એકરૂપ જ આરામ અને કર્મ રહેલ છે.
નથી અજ્ઞાન જ્યાં નામે એવી ઉચ્ચ દશામહીં
પ્રત્યેક ગતિ છે એક ઊર્મિરૂપ શાંતિ ને સંમુદાતણી,
પ્રભુની નિશ્ચલા સ્રષ્ટિ શક્તિ વિશ્રામરૂપ છે,
કર્મ છે લહરી એક ઉદભવેલી અનંતમાં,
૧૬૫
અને છે જન્મ સંકેત એક શાશ્વતતાતણો.
રૂપાંતરતણો સૂર્ય પ્રકાશી હજુ યે શકે
અને રાત્રિ કરી ખુલ્લું શકે મર્મ પોતાની ગૂઢ જ્યોતિનું;
જાતે રદ થતો, જાતે જાતને દુઃખઆપતો
વિરોધાભાસ છે જે તે પલટાઈ
જાય એક સ્વયંજ્યોતિ રહસ્યમયતામહીં,
અંધાધૂંધી બની જાય હર્ષપૂર્ણ ચમત્કૃતિ.
પ્રભુ પ્રત્યક્ષ હ્યાં ત્યારે થાય ને હ્યાં મૂર્તિમંત બની શકે;
ત્યારે પ્રકટતા પામે આત્માની એકરૂપતા;
અને જીવન પોતાનું મુખ સાચું બતાવે અમૃતત્વનું.
અત્યારેં કિંતુ છે એને ભાગ્યે માત્ર અંતહીન પરિશ્રમ:
પામતા પુનરાવૃત્તિ ઘટનાઓતણા એના દશાંશમાં
જન્મ ને મૃત્યુ દેખાતાં આંદોલાતાં એનાં બે બિન્દુઓ સમાં;
પુરાણું પ્રશ્નનું ચિહન હાંસિયામાં પ્રત્યેક પૂર્ણ પૃષ્ટના,
પ્રત્યેક ગ્રંથ છે એના પ્રયત્નોના ઇતિહાસતણો બન્યો.
કલ્પો મધ્ય થઇ યાત્રા હજી કરી રહેલ છે
એક હકાર લંગડો,
ને સદાકાળના એક ના નો છે સાથ એહને.
બધું એળે જતું લાગે, છતાં અંત વિનાનો ખેલ ચાલતો.
લાગણી વણનું ચક્ર ગોળગોળ હમેશાં ફરતું જતું,
નથી જીવન કેરો કો ન નતીજો, ના મૃત્યુ નિર્મુક્તી લાવતું.
પોતાની જાતનો બંદી બનેલો જીવ જીવતો
ને રાખે સાચવી વ્યર્થ પોતાના અમરત્વને;
નિર્વાણ ના મળે એને, છુટકારાતણો કેવળ માર્ગ જે
દેવોની એક ભૂલ છે નિર્માણ જગનું કર્યું.
યા ઉદાસીનતા ધારી સનાતન
કાળને નીરખી રહ્યો.
૧૬૬
છઠ્ઠો સર્ગ સમાપ્ત
સર્ગ સાતમો
રાત્રિ મધ્યે અવતરણ
પ્રાણના પ્રભાવમાંથી મુક્ત થઇ જ્ઞાન માટે શાન્ત બનેલા મન સાથે, અંધતા અને આર્ત્તિથકી અળગા પડેલા હૃદય સાથે, અશ્રુની આડમાંથી ને અજ્ઞાનમાંથી મેળવેલી મુક્તિ સાથે અશ્વપતિ વિશ્વની નિષ્ફળતાનું કારણ શોધવા વળ્યો, ને એણે ત્યાં અજ્ઞાનનો અંધારો ખાડો જોયો--દુનિયાના દુઃખનું મૂળ.
એક અનિષ્ઠે તેમાંથી માથું ઊંચકી રાજાની સામે મીટ માંડી. પાછળ કંડારેલું રાત્રિનું મુખછદ્મ દેખાયું. કોઈ એક છૂપી હાજરી ત્યાં હતી. જીવનના કાળા બીજ-રૂપ મૃત્યુ ત્યાં હતું. ઉત્પત્તિ અને સંહારનું કારણ ત્યાં હોય એવું અનુભવાતું હતું. ત્યાંથી એક વિનાશક પ્રભાવ પ્રાણીઓ ઉપર ચૂપચાપ પ્રસરતો હતો. એ સત્યને ભ્રષ્ટ બનાવતો હતો, જ્ઞાનને શંકાથી સતાવતો, દિવ્ય શ્રુતિને અવરોધતો, જીવન-યાત્રાના માર્ગમાંથી પથદર્શક ચિહ્નોને નાબૂદ કરી નાખતો ને પ્રેમને અને જ્યોતિને ઉલટામાં પલટાવી નાખતો હતો. કોઈ દેખાતું ન 'તું, છતાં જીવલેણ કાર્ય ચાલી રહેલું હતું. એક બાજુ જીવનનું મનોહર સ્વરૂપ હતું તો બીજી બાજુ ભીષણ બળો માણસની અહંતાને નરકનું ઓજાર બનાવી દેતાં હતાં. અદૃષ્ટમાંથી પ્રકટેલા કાળ-મુખાને કારણે આસપાસની હવા જોખમ ભરી બની ગઈ 'તી. મારની સેના માણસનું અધ:પતન આણવાના ઉપાયો યોજતી હતી.
જગત ને નરકની સરહદ ઉપરની ' નહિ-કિસી કી'--જમીન આવી. તરેહ તરેહનાં વિપરીતકારી માયાવી બળોનો ત્યાં વસવાટ હતો, તેઓ તરેહ તરેહનાં તારાજ કરતાં તોફાન મચાવતાં હતાં. દારુણ દૈત્યનું દૈવત જીવનની કમનસીબીનો ઉપહાસ કરી રહ્યું હતું. એ ક્યાંથી, ક્યારે, ને કેવી રીતે ઓચિંતો પ્રહાર કરશે તે કહી શકાતું ન 'તું. એ પોતાનું ધાર્યું પર પાડવા માટે ધર્મ-અધર્મ, શુભ-અશુભ,
૧૬૭
પાપ-પુણ્ય, જ્ઞાન-અજ્ઞાન, શાસ્ત્ર-અશાસ્ત્ર--સર્વનો ઉપયોગ કરતું હતું. ઠગવા માટે એ જ્ઞાન વાપરતું, મારવા માટે પુણ્યને પ્રયોજતું, અનિષ્ટ આપત્તિ આણવા માટે ધર્મ-નીતિ-સદાચારનું ઓથું લેતું. હુમલા અણધાર્યા ને ઓચિંતા આવતા ને બેફામોના ભોગ મળી જતા, ઉજળે રૂપે આવી એ દુર્ભાગ્યમાં દફનાવી દેતું. નિદ્રા ને નિ:શસ્ત્રતા ત્યાં વિનાશક બનતાં. સત્યને ત્યાંથી દેશનિકાલ કર્યું હતું, જ્ઞાનની જયોતિ નિષિદ્ધ હતી. એક અંધાધૂંધી જ ત્યાં પ્રવર્તતી.
પછી અશ્વપતિ આગળનું દૃશ્ય બદલાયું, પણ એની અંદર ભયાનકતા તો એની એ જ હતી. અજ્ઞાનનું નગર આવ્યું અહંકારનો ત્યાં મહિમા હતો; જૂઠાણું, અન્યાય ને પ્રવંચના ત્યાં પ્રવર્તતી. બધી ઉચ્ચ વસ્તુઓ સામે ત્યાં ઝુંબેશ ઉઠાવાતી. શક્તિ, સ્વાર્થ, લોભલાલસા, પ્રિય લાગતાં પાપ ત્યાં પ્રભુને બદલે પૂજાતાં. એ એવું તો ભયંકર સ્થાન હતું કે ત્યાં થઈને જનાર પ્રભુનું નામ ન લે ને પ્રાર્થના ન કરે તો તેનું આવી જ બન્યું સમજવું. જેમના હૃદયમાં પ્રભુનો વાસ હતો તેઓ જ ત્યાં સલામત હતા. હિંમત ત્યાં બખ્તર બનતી, શ્રદ્ધા તરવાનું કામ કરતી, ને તરત જ સામો ઘા કરવાની તત્પરતા ત્યાં સાવધાન રહી રાખવી પડતી. એ 'નહિ કિસી કી' પટી વટાવી રાજા રાત્રી પ્રત્યે વળ્યો.
ત્યાં વધારે ગાઢ અંધકાર ને વધારે ખરાબ રાજય એની વાટ જોતાં હતાં. ત્યાં પ્રભુ, સત્ય ને પરમજયોતિ કદી હતાં જ નહિ યા તો ત્યાં તેમનું કશું ચાલતું ન હોય એવું હતું. ત્યાં માત્ર હીન છાયાઓ છકી રહી હતી. બધાં જ ત્યાં બેડોળ, બેઢંગ ને બેફામ બહલાયેલાં હતાં. પાપ, લાલસા, લોલુપતા ત્યાં ઘૃણાજનક રૂપે સામે મળતી. અસ્વાભાવિક વિપરીતતાઓનું ત્યાં આરાધન થતું. ગંદવાડ, દુર્ગંધ, પાશવ આવેશો ત્યાં જોવામાં આવતા. વશીકરણ કરતી આંખો ત્યાં અંધકારમાં જ્યાં ત્યાં સરપતી દેખાતી. રાત્રિના અંધકારમાં નર્કનું નર્યું રહસ્ય ત્યાં છતું થતું હતું.
આસુરી, રાક્ષસી, પૈશાચી શક્તિઓનું મહાઘોર ઘમસાણ ત્યાં મચ્યું રહેતું. માણસો જેવા દેખાતા જીવો ત્યાં એકહથ્થુ સત્તા ચાલવતા. મોટી મોટી વાતો કરનારાઓ ને હિનતામાં હીંડતા, વ્યાલની માફક વર્તતા. અધમતાને ત્યાં ઊંચી પદવીઓ ચઢાવી દીધેલી હતી. ઉધેઈના રાફડા જેવા એ સ્થાનમાં પ્રકાશી કદી પહોંચ્યો ન 'તો, મનની જયોતિ ત્યાં ઝૂંટવી લેવામાં આવતી.
અશ્વપતિને ત્યાં મલ્લયુદ્ધ કરવાં પડયાં. મહામહેનતે એમનો વળગતો પ્રભાવ ખંખેરી નાખવો પડયો. એમ કરતો કરતો એ દીવાલ વગરના સ્થાનમાં આવી પહોંચ્યો. કોરા પાના જેવો ડારતો એ ખુલ્લો પ્રદેશ પાપમુખી નિર્જનતાથી વ્યાપ્ત હતો. ત્યાં અણદીઠ વિરોધી પ્રાણ હતો. પ્રકાશ અને સત્યનો સામનો ત્યાં થતો. અશ્વપતિની આગળ ત્યાં મૃત્યુનું ને ભાનવાળા સૂનકારનું દૃશ્ય આવેલું હતું. વધતી
૧૬૮
જતી રાત્રિની ઘોરતા અને અટલગર્ત પોતાના આત્માને ગળી જવા આવતાં હોય એવું અશ્વપતિને લાગ્યું. ત્યાં ઓચિંતું એ બધું અલોપ થયું અને એકે દુરિતાત્મા રહ્યો નહીં. પોતે એકલો કાળરાત્રિના સાથમાં ત્યાં રહ્યો. પોતે હવે અતલગર્ત અંધકારના ઉદરમાં ઊતરવા લાગ્યો.
પણ અશ્વપતિ ધૈર્યથી સહેવા લાગ્યો ને એણે ભયની ભડકને શમાવી દીધી. પછી શાન્તિ અને શાન્તિ સાથે આત્મદૃષ્ટિનું સર્વોચ્ચ સામર્થ્ય પુન:પ્રાપ્ત થયું. નરી ભયાનકતાને પ્રશાંત જ્યોતિએ પ્રત્યુત્તર વાળ્યો. એની અંદરનો અક્ષ્રર, અમર અને અજન્મા આત્મદેવતા ઉભો થયો, ને એણે વિશ્વના દુઃખનો ને દારુણ ત્રાસનો સામનો કર્યો. દૃષ્ટિમાત્રથી એણે પ્રકૃતિના ભરતી વેગને વશ કર્યો અને પોતાના અનાવૃત આત્મા વડે નરકનો ભેટો કર્યો.
પ્રાણથી મન છૂટેલું, બનાવેલું જ્ઞાનાર્થે સ્થિરતા ભર્યું,
અંધતા ને વેદનાથી,
અશ્રુઓની સીલથી ને પાશથી અજ્ઞતાતણા
હૈયું છૂટું પડાયલું
લઈને એ વળ્યો વિશ્વવ્યાપી નિષ્ફળતાતણું
શોધી કારણ કાઢવા.
જોયું પ્રકૃતિના દૃશ્ય મુખથી પાર દૂરમાં,
નાખી નજર દેખ્યું ના જાય એવા વિરાટમાં,
ભયાવહ અવિજ્ઞાત હતું એવા અનંતમાં,
વસ્તુઓના અંતહીન ગૂંચળાની પૂઠે સૂતેલ જે હતું
ને વિશ્વને વહી જાતું જે અકાળ નિજ વિસ્તૃતતામહીં,
ને જેના સત્ તણી બાલ લહેરીઓ બને જીવન આપણાં.
એના અચેત ઉચ્છવાસે ભુવનો વિરચાય છે
ને એનાં રૂપ કે એની શક્તિઓ છે જડતત્વ તથા મન,
જાગ્રત આપણા છે જે વિચારો તે
છે પેદાશ એહનાં સપનાંતણી.
ઢાંકી રાખે પ્રકૃતિનાં ઊંડાણો તે વિદીર્ણ પડદો થયો :
વિશ્વના કાયમી દુઃખ કેરું એણે ઉદગમ સ્થાન નીરખ્યું,
ને નિહાળ્યું અવિદ્યાના કાળા ગર્તતણું મુખ :
૧૬૯
મૂળોએ જિંદગી કેરાં જે અનિષ્ટ ચોકિયાત બન્યું હતું
તેણે માથું ઉઠાવ્યું ને આંખ શું આંખ મેળવી.
અવસાન જહીં પામે આત્મલક્ષી
અવકાશ ત્યાં ઝાંખા એક કાંઠડે,
છે જે અસ્તિત્વમાં તેની ઊંચવાસે
આવેલી કો રૂખડી એક ધારથી,
અંધકાર ભરી એક અવિદ્યા જાગ્રતા થઇ
કાળ ને રૂપને જોઈ આશ્ચર્ય-ચકિતા થતી
ને ખાલી આંખ ફાડીને તાકી તાકી નિહાળતી
રચનાઓ જીવમાન શૂન્યે ઊભી થયેલી તરકીબની,
ને આપણા થયા જ્યાંથી આરંભો તેહ ગર્તને.
દેખાતું પૃષ્ટભાગે ત્યાં કંડારેલું અને ભૂખર વર્ણનું
મુખછદ્મ નિશાતણું
સર્જાયેલી સર્વ ચીજોતણો જન્મ નિરીક્ષતું.
પ્રચ્છન એક સામર્થ્થ જેને ભાન પોતાનું બળનું હતું,
અસ્પષ્ટ અથ સંતાતું એક સાન્નિધ્ય સર્વત:,
સૃષ્ટ સૌ વસ્તુઓને જે ધમકી આપતું હતું
એવું એક ઘોર દૈવ વિપરીત પ્રકારનું,
કાળું જીવનનું બીજ બનેલું મૃત્યું,--એ બધાં
ઉત્પન્ન કરતાં વિશ્વ ને સંહાર કરતાં લાગતાં હતાં.
પછી ગર્તોતણી ઘોર રહસ્યમયતા થકી
ને છદ્મરૂપના પોલા હૈયામાંથી પ્રસર્પતું
બહાર કૈંક આવ્યું જે રૂપહીન વિચાર સમ લાગતું.
પ્રભાવ પ્રાણહારી કો ચુપકીથી જીવો ફરી વળ્યો
મારક જેહનો સ્પર્શ અમરાત્માતણી પૂઠે પડયો હતો,
અંગુલી મૃત્યુની તંગ કરનારી મુકાઈ જિંદગી પરે,
વ્યામોહે, શોક ને દુઃખે
આત્માની સત્ય, આનંદ અને જ્યોતિ માટેની સહજ સ્પૃહા
પર આવરણો રચ્યાં.
વૃત્તિ સત્ત્વતણી સક્ષાત્ સાચી પ્રકૃતિ-પ્રેરણા
૧૭૦
હોવાનો કરતી દાવો ગૂંચળાઈ વળી એક વિરૂપતા.
વિરોધી, કરતું ભ્રષ્ટ, મન એક કરી કાર્ય રહ્યું હતું,
સચેત જિંદગી કેરે ખૂણે ખૂણે સલામત છુપાયલું,
પોતાનાં વિધિસૂત્રોથી સત્યને તે દોષયુક્ત બનાવતું;
આત્માની શ્રુતિને આડે આવીને અટકાવતું,
શંકાની રંગછાયાથી જ્ઞાનબાધા બની જતું,
દેવોની ગૂઢ વાણીને બંદીવાન બનાવતું,
જિંદગીની તીર્થયાત્રાતણાં પથ બતાવતા
ભૂંસી નિશાન નાખતું,
ધર્માજ્ઞાન શિલાલેખો કાળે સ્થિર લખેલ તે
તોડી રદ બનાવતું,
વિશ્વવિધાનના પાયા પર ઊભાં કરંત એ
નિજ અંધેરનાં કાંસે ઢાળ્યાં બંધક માળખાં.
જ્યોતિ ને પ્રેમ સુધ્ધાં એ વેશધારી ભયના જાદુમંત્રથી
દેદીપ્યમાન દેવોની પ્રકૃતિથી પરાડ્ મુખ થઇ જઈ
સેતાનો ને ભ્રમે દોરી જતા સૂર્યો કેરો આશ્રય શોધતાં,
પોતે જોખમ ને જાદૂ બની જતાં,
વિકારપૂર્ણ માધુર્ય, સ્વર્ગે જન્મેલ દુષ્ટતા :
દિવ્યદિવ્ય વસ્તુઓને
આપવાને વિરૂપત્વ શક્તિ એની સમર્થ છે.
વાયો વિશ્વ પરે વાયુ શોકસંતાપથી ભર્યો;
વિચારમાત્ર જૂઠાણે ઘેરાયો ને
કર્મમાત્રે મરાઈ છાપ દોષની
કે નિશાની નાસીપાસીતણી લગી,
છાપ નિષ્ફલતા કેરી અથવા તો વૃથા સફલતાતણી
મરાઈ ત્યાં સર્વ ઉચ્ચ પ્રયત્નને,
કિંતુ કારણ ના જાણી શક્યું કોઈ પોતાના વિનિપાતનું.
અવાજ સંભળાતો ના, તે છતાં યે કૂડો કપટવેશિયો
કાનમાં કૈં કહી જતો,
અજ્ઞાન હૃદયે બીજ વવાઈ એક ત્યાં જતું
૧૭૧
અને તે ધારતું કાળું ફળ દુઃખ-મૃત્યુનું ને વિનાશનું.
છે અદુષ્ટતણાં ઠંડાંગાર રૂક્ષ મોટાં મેદાન, ત્યાં થકી
રાત્રિનું ઘૂસરું ધારી મુખછદ્મ અદૃશ્ય રૂપ આવતા
ભયજોખમથી પૂર્ણ શક્તિના એક લોકથી
હુમલો કરવા માટે છાયાલીન ઘોર સંદેશવાહકો;
એલચીઓ બન્યાં 'તા એ એકમાત્ર સંપૂર્ણ પાપકર્મના.
સંભળાય નહીં એવા બોલતા 'તો સ્વરો નીરવતામહીં,
જોયા ન કોઈએ એવા હસ્ત બોતા હતા મારક બીજને,
આકાર નવ દેખાતો, છતાં કર્મ કરતું 'તું અઘોર કૈં,
વક્રાક્ષરે લખાયેલા પોલાદી ફરમાનથી
પાપ ને ઊલટા દૈવ કેરો ધારો લદાતો બળજોરથી.
બદલાયેલા ને બૂરી મેલી આંખે
દૃષ્ટિપાત જિંદગીએ કર્યો અશ્વપતિ પરે :
એની સુંદરતા એણે જોઈ, જોયું
હૈયું જે સૌ વસ્તુઓમાં ઝંખના કરતું હતું
ને સંતુષ્ટ રહેતું 'તું જરાક જેટલે સુખે,
સત્ય કે પ્રેમના અલ્પ રશ્મિને જે ઉત્તરો અપાતું હતું;
ત્યાં અશ્વપતિએ જોયો એના સ્વર્ણ પ્રકાશને,
જોયું એનું નીલ વ્યોમ દૂરનું ને જોયાં લીલમ પાંદડાં,
રંગ જોયા, જોઈ પુષ્પસુવાસને,
ચારુતા શિશુઓની ને સખાઓનો જોયો સ્નેહલ ભાવ ત્યાં,
સૌન્દર્ય, સુન્દરીઓનું ને માયાળુ હૃદયો માણસોતણાં,
કિંતુ હંકારતાં ચિત્તભાવોને પ્રાણશક્તિના
બળો ભીષણ જે તેઓનેય એણે નિહાળ્યાં,
ને જોઈ યાતના એણે જિંદગીએ વેરેલી નિજ માર્ગમાં,
જોયું દુર્ભાગ્ય સાથેનું સાથે રે'તું
અણદીઠાં માનવી પગલાંતણી,
એનાં દુરિત ને દુઃખ જોયાં, જોઈ છેલ્લી બક્ષિસ મોતની.
ઉચ્છવાસ ભ્રમણાભંગતણો ને પડતીતણો
જિંદગીની પકવતાની જોતો વાટ કરી ભ્રષ્ટ રહ્યો હતો
૧૭૨
ને સારે ચૈત્યને રેષે કો'વાણ આણતો હતો :
પ્રગતિ મૃત્યુને માટે ભક્ષ્ય કેરો પ્રબંધ કરતી હતી,
હણાએલી જ્યોતિ કેરા ધર્મને જે રહ્યું 'તું વળગી જગત્
તે મરેલાં સત્ય કેરાં સડતાં મુડદાંતણી
સ્નેહે સંભાળ રાખતું,
વિરૂપાયેલ રૂપોને અપનાવી
મુક્ત, નૂતન ને સાચી વસ્તુઓનું એમને નામ આપતું,
પીતું સૌન્દર્ય કદરૂપ અને દુરિત માંહ્યથી,
દેવોની મિજબાનીમાં મહેમાન છે પોતે એમ માનતાં
ભ્રષ્ટતાનો રસાસ્વાદ લેતાં ખૂબ મસાલેદાર ખાધ શો.
ભારે હવા પરે એક અંધકાર રહેઠાણ કરી રહ્યો,
હોઠે પ્રકૃતિના શુભ્ર
હતું જે સ્મિત, તેનો તે શિકાર કરતો હતો,
તેણે નાખી હણી એને હૈયે શ્રદ્ધા જે સ્વભાવથકી હતી,
ને એની આંખમાં મૂકી ભય કેરી દૃષ્ટિ કુટિલતા ભરી.
જે લાલસા મરોડે છે આત્મા કેરી સ્વાભાવિક ભલાઈને
તેણે ચૈત્યાત્મની સીધી સહજ વૃત્તિના
સ્થાનમાં ઉપજાવીને પાપની ને પુણ્યની સ્થાપના કરી :
દ્વન્દ્વભાવી એ અસત્યે દઈ દુઃખ નિસર્ગને
તેનામાં જોડિયાં મૂલ્ય મના પામેલ મોજને
ઉત્તેજિત બનાવતાં,
કૃત્રિમ સાધુતામાંથી પાપ દ્વારા હતાં મુક્તિ અપાવતાં,
ધર્માધર્મથકી પુષ્ટિ અહંતા પામતી હતી
અને નરક માટેનું એ પ્રત્યેક હથિયાર બની જતું.
નકારાયેલ ઢેરોમાં એકધારા પથ કેરી સમીપમાં
સાદા પુરાણા આમોદો તજાયેલા પડયા હતા
વેરાને જિંદગી કેરો રાત્રિ મધ્યે થયેલા અવતારના.
મહિમા જિંદગી કેરો કલંકિત થઇ જઈ
ઝંખવાઈ શંકાસ્પદ બન્યો હતો,
સર્વ સૌન્દર્યનો આવી ગયો અંત બુઢાપો પામતા મુખે;
૧૭૩
શાપ્યો છે ઈશ્વરે જેન
એવા અત્યાચાર રૂપ શક્તિ સર્વ બની ગઈ,
ને આવશ્યક્તા જેની મનને છે
એવી એક કલ્પનાની સુષ્ટિ બની ગયું;
શોધે આનંદની શ્રાન્ત મૃગયાનું રૂપ લીધું હતું હવે,
જ્ઞાન સર્વ અવિદ્યાના સંદેહાત્મક પ્રશ્નને
રૂપે બાકી રહ્યું હતું.
અંધકારે ગ્રસાયેલા ગર્ભમાંથી ન હોય શું
તેમ તેણે નીકળી બ્હાર આવતું
જોયું શરીર ને મોઢું કાળા એક અદૃષ્ટનું
જિંદગીના બાહ્યવર્તી ચારુતાની પછવાડે છુપાયલું.
વ્યાપાર જોખમી એનો દુઃખકારણ આપણું.
એનો ઉચ્છવાસ છે સૂક્ષ્મ વિષ એક માનવી હૃદયોમહીં;
સંશયાસ્પદ એ મોંથી પાપ સર્વ શરૂ થતું.
ભૂત શો ભમવા લાગ્યો ભય હાવે સાધારણ હવામહીં;
ભરાઈ એ ગયો લોક ડારનારાં બળો વડે,
અને સહાય કે આશા માટે એણે જ્યાં જ્યાં નજર ફેરવી
ત્યાં ત્યાં ક્ષેત્રે, ગૃહે, શેરીમહીં નાખી છાવણી ને બજારમાં
દેહધારી પ્રભાવોનો ભેટો એને થતો ગયો :
હતા સશસ્ત્ર તે, ચિત્તે બેચેની ઉપજાવતા,
શિકારી શા સરંતા ને ચોર જેમ આવ-જા કરતા હતા.
દેવીઓનાં સ્વરૂપો ત્યાં કાળાં નગ્ન તાલબદ્ધ જતાં હતાં,
ઘોર અસુખને ભાવે હવાને ગભરાવતાં;
ભય ફેલાવતા પાય આવતા 'તા અણદીઠ સમીપમાં,
ધમકી આપતાં રૂપો સ્વપ્ન-જ્યોતિ પર એ આવતાં ચડી,
જેમની દૃષ્ટિ સુધ્ધાં યે મોટી આફત શી હતી
એવાં અનિષ્ટ ભાખંતાં સત્વો માર્ગે એની પાસે થઇ જતાં:
મોહિની ને મધુરતા ઓચિંતી ને ભયે ભરી,
મુખો લોભાવતાં ઓઠ ને આંખોને એની આગળ ઊંચકી,
૧૭૪
ઝાલનારી જાળ જેવા સૌન્દર્યથી સજાયલાં
એની નિકટ આવતાં,
પણ પ્રત્યેક રેખામાં જીવલેણ હતો છુપાયલો
ને ભયંકર રીતે એ પળમાં જ બદલાઈ જતાં હતાં.
કિંતુ ઢાંકેલ-ઢૂંકેલ હુમલો તે
જોઈ-જાણી શકતો એકલો જ એ.
પડયો 'તો પડદો એક આંતર દૃષ્ટિની પરે,
ભયકારક પોતાનાં પગલાંને છુપાવતું
બળ એક હતું તહીં;
બધુંએ પડતું જૂઠું તે છતાંયે પોતાને સત્ય માનતું;
હતાં બધાંય ઘેરામાં કિંતુ છે એ ઘેરો જાણતાં ન 'તાં :
કેમ કે કોઈ યે જોઈ શકતું ના
કર્ત્તાઓને પોતાના વિનિપાતના.
હતું આ બળની મ્હોરછાપ ને અધિકાર, તે
હજી પાછા રખાયેલા કાળા કોઈ જ્ઞાનના ભાનથી ભર્યો,
જ્યાંથી આવ્યાં હતાં પોતે તે રાત્રીની પ્રતિ પાછાં વળી જતાં
અઘોર પગલાંઓનો ઝાંખો માર્ગ જતો હતો,
તેને અનુસરી રાજા પણ ત્યાં ચાલતો હતો.
પ્રદેશે એક એ પ્હોંચ્યો જેને કો 'એ રચ્યો ન 'તો
ને સ્વામિત્વ જે પરે કોઈનું ન'તું :
પ્રવેશી શકતાં ત્યાં સૌ કિંતુ ઝાઝું ટકી ન શકતાં તહીં.
પાપ કેરી હવાની એ કોઈનીયે નહીં એવી જગા હતી,
ઘરબાર ન એકે ત્યાં છતાં ગીચોગીચ ભર્યો પડોશ એ
આ લોક ને નરકની વચગાળે સીમારૂપ રહ્યો હતો.
અસત્યતાતણું રાજ્ય ચાલતું ત્યાં હતું પ્રકૃતિની પરે :
ન જ્યાં સંભવતું સત્યરૂપ કાંઈ એવું સ્થાનક એ હતું,
કેમ કે હોય જે હોવાતણો દાવો તેવું કશું હતું ન ત્યાં :
ભવ્ય દેખાવને વીંટે ઘણું મોટું પોલ એક રહ્યું હતું.
ને તે છતાં કશુંયે ના પોતાની આગળેય ત્યાં
૧૭૫
સંદેહાત્મક હૈયામાં નિજ દંભ કબૂલતું :
વિશાળી વંચના સર્વ વસ્તુઓનો હતો સહજધર્મ ત્યાં;
વાંચનાને જ લીધે તે જીવી એ શકતાં હતાં.
લેતી પ્રકૃતિ આ જે જે રૂપો તેના અસત્યની
નિઃસાર શૂન્યતા એક હતી બાંયધરી બની,
ને અલ્પ કાળને માટે
એ તેમની હયાતી ને જિંદગીનો આભાસ ઉપજાવતી.
ઉછીના એક જાદૂએ આકર્ષીને
રિક્તમાંથી આણ્યાં 'તાં બ્હાર એમને;
ધારણ કરતાં તેઓ
પોતાનું જે નથી તેવા રૂપને ને પદાર્થને,
ને પોતે જે ટકાવી શકતાં નથી
તેવો રંગ બતાવતાં,
દર્પણો એ સત્યતાની માયાવી સૃષ્ટિનાં હતાં.
મેઘધનુષ શી એકેએક આભા હતી અસત્ય ઓપતું;
અસત્ સૌન્દર્ય શોભાએ સજતું 'તું મોહિનીએ ભર્યું મુખ.
વિશ્વાસ ના કશાની યે સ્થાયિતા પર શક્ય ત્યાં :
અશ્રુને પોષતો હર્ષ, અને રૂડું કૂડું જણાઈ આવતું,
પણ ના કોઈએ પુણ્ય લણ્યું પાપ થકી કદી:
પ્રેમ અલ્પ સમામાં જ દ્વેષમાં અંત પામતો,
અને મારી નાખતી પીડથી મુદા,
સત્ય અસત્યતા કેરું રૂપ લેતું
અને રાજ્ય મૃત્યુ કેરું જિંદગી પર ચાલતું.
પ્રહાસ કરતી 'તી કો શક્તિ એક વિશ્વની દુષ્ટતા પરે,
કટાક્ષ એક વિશ્વે જે વિપરીતો છે તે સૌ એકઠાં કરી
બાથમાં એકબીજાની બથવાને ફગાવતું,
મુખે પ્રભુતણે હાસ્ય કડવાશે ભર્યું તે પ્રેરતું હતું.
અળગી એ, છતાં એની બધે અસર વ્યાપતી,
ફાટવાળી ખરી કેરી નિશાની એ છાતી ઉપર છોડતી;
અમળાટે ભર્યું હૈયું ને નિરાળું સ્મિત નિસ્તેજતા ભર્યું
૧૭૬
જિંદગીના પાપપૂર્ણ હાસ્યપ્રધાન નાટયની
મશ્કરી કરતું હતું.
સૂચના આપતો એક જોખમી ઘોર રૂપના
આવાગમનનું તહીં
અઘોર પગલાંઓનો ધ્વનિ મંદ બની જતો
કે જેથી સમજી કોઈ શકે ના ને સાવધાન રહે નહીં;
સુણતું નવ કોઈ જ્યાં સુધી એનો ભયંકર
ગ્રાહ આવી પ્હોંચતો ના સમીપમાં.
અથવા તો બધું એક આવાગમનની શુભા
આગાહી આપતું હતું;
હવા અનુભવાતી ત્યાં હતી ભવિષ્યવાણિની,
અને આશા હતી સ્વર્ગીયતા ભરી,
શાસ્ત્રનાં વચનો માટે સહુ શ્રવણ માંડતા,
નિરિક્ષંતા નવો તારો નિહાળવા.
પિશાચ પડતો દૃષ્ટે કિંતુ જામો જ્યોતિનો અંગ ધારતો;
લઇ સહાય આવેલા સ્વર્ગોમાંથી
દેવદૂત સમો એ લાગતો હતો :
શાસ્ત્ર ને ધર્મને શસ્ત્રે સજ્જ એણે હતું અસત્યને કર્યું;
બુદ્ધિથી ઠગતો 'તો એ, સાધુતાથી આત્માને હણતો હતો,
અને સ્વર્ગે જતા માર્ગે સત્યાનાશ પ્રતિ એ દોરતો હતો.
શક્તિ ને હર્ષનો ભાવ આપવામાં અત્યુદાર બની જતો,
અને અંતરમાંથી જે સમે સૂચન આવતું
ત્યારે મીઠે અવાજે એ વળી પાછી ખાતરી આપતો હતો,
મનને યા બનાવી એ દેતો બંદી મન કેરી જ જાળમાં;
અસત્ય ભાસતું સત્ય એના તર્ક કેરી પ્રબળ યુક્તિએ.
દેતો દંગ બનાવી એ શ્રેષ્ઠોને ધર્મજ્ઞાનથી
ખુદ ઈશ્વરને કંઠે બોલતો ના હોય એ એમ બોલતો.
હવા ભરી હતી આખી દગાખોરી અને છળે;
સત્યવાદિત્વ તે સ્થાને હતી ચાલ પ્રપંચની;
સંતાઈ સ્મિતમાં રે'તો હતો છાપો અચિંતવ્યો,
૧૭૭
ખતરો ઓથ લેતો 'તો સુરક્ષાની
ને વિશ્વાસ બની જાતો પ્રવેશ દ્વાર એહનું :
સત્યની આંખની સાથે આવતું 'તું અસત્ય હસતે મુખે;
હતો સંભવ, પ્રત્યેક મિત્ર જાય શત્રુમાં પલટાઈ યા
બની જાસૂસ જાય ત્યાં,
ઝાલેલા હાથની બાંયે ઘાને માટે છે કટાર છુપાયલી,
ઘોર દુર્ભાગ્યનું લોહ-પાંજરું ત્યાં આલિંગન બની શકે.
વ્યથા ને ભય લેતાં'તાં પીછો જાણે કો સકંપ શિકારનો
ને ભીરુ મિત્રને કે'તાં હોય તેમ
મૃદુતાથી એની આગળ બોલતાં:
તરાપા મારતો થાય હુમલો અણચિંતવ્યો
ઉગ્રાવેગ ભર્યો ને અણદીઠ ત્યાં;
છાતી ઉપર કૂદીને ભય આવે એકેએક વળાંકમાં,
રાડ પાડી ઊઠતો એ વ્યથાના કારમા સ્વરે;
'ત્રાહિ ત્રાહિ ' પુકારે એ, કિંતુ કોઈ એની કને ન આવતું.
સૌ ચાલે સાવધાનીથી કેમ કે ત્યાં મૃત્યુ પાસે હતું સદા;
છતાંયે સાવધાની ત્યાં ચિંતા કેરો વૃથા વ્યય જ લાગતી,
કેમ કે રક્ષનારાં સૌ જીવલેણ જાળ પોતે બની જતાં,
અને જયારે
લાંબા ઉચાટે અંતે વ્હાર-ઉદ્ધાર આવતાં
ને ખુશી રાહતે શસ્ત્રહીન શક્તિ બનાવતાં
ત્યારે વધુ ખરાબીએ ભર્યા દુર્ભાગ્ય કાજ એ
મલકંતા માર્ગરૂપ બની જતાં.
હતી ના યુદ્ધ-મોકૂફી ઠરાવને ન 'તું સ્થાન સલામત;
ન કો સાહસ સૂવાનું કરતું ત્યાં
કે ધારેલાં શસ્ત્રો ઉતારવાતણું :
હતું જગત એ એક યુદ્ધનું ને ઓચિંતા હુમલાતણું.
ત્યાં જે હતા બધાયે તે પોતા માટે જ જીવતા;
સર્વ ત્યાં સર્વની સામે મોરચા માંડતા હતા,
છતાં ઉચ્ચતર શ્રેય સાધવાને માગતા મનની પ્રતિ
૧૭૮
એકસમાન વિદ્વેયે ભર્યા એ વળતા હતા;
હદપાર કરાયેલું હતું સત્ય તહીં થકી
કે રાખે હામ ભીડે એ મોઢું ઉઘાડવાતણી
ને સ્વપ્રકાશથી હૈયું દૂભવે અંધકારનું,
કે અરાજકતા છે જે જામેલી ત્યાં સ્થાપિત વસ્તુઓમહીં
તેમની બદબોઈ એ જ્ઞાનના ગર્વથી કરે.
બદલાયું પછી દૃશ્ય,
કિન્તુ એના હાર્દમાં તો એની એ જ હતી ભીષણતા ભરી:
સ્વરૂપ ફેરવી એનું એ જ જીવન તો રહ્યું.
રાજ્ય વગરની એક રાજધાની હતી તહીં :
રાજ્યનો કરનારો કો ન 'તો, માત્ર સમૂહો મથતા હતા.
જ્યોતિને જાણતી ના જે એવી જમીનની પરે
પુરાતન અવિદ્યાનું પુર એણે નિહાળ્યું સંસ્થપાયલું.
પ્રત્યેક ચાલતો 'તો ત્યાં એકલો ને પોતાના અંધકારમાં :
મતભેદ થતો માત્ર પંથો બાબત પાપના,
જાત માટે જ પોતાની રીતે જીવન ગાળવા
કે સાધારણ જૂઠાણું ને અધર્મ બળાત્કારે ચલાવવા
બાબતે ત્યાં મતભેદ થતા હતા.
સ્વ-મયૂરાસને બેઠો અહંકાર હતો ત્યાં રાજવી-પદે,
અસત્યતા હતી એની બાજુ બેથી રાણી ને સહચારિણી:
દેવલોક વળે જેમ સત્ય ને પ્રભુની પ્રતિ
તેમ ત્યાં તેમની પ્રત્યેક જગતે વળતું હતું.
વેપારે દુષ્ટતા કેરા કાયદેસર જે હતાં
પ્રતિષ્ઠાપૂર્ણ કાટલાં,
કપરાં ફરમાનોથી ત્યાં અન્યાય તેમને ન્યાય્ય ઠેરવે,
કિંતુ તોલા બધા જૂઠા હતા, એકે ન એકસરખો વળી;
એક હાથે ત્રાજવું ને બીજામાં તરવાર છે
એ હમેશાં એ રીતે નીરખ્યે જતી
કે રખે ધર્મલોપી કો શબ્દ ઊઠે અને નાખે કરી છતું
જૂના અંધેરનું એનું વિધિસૂત્ર પવિત્ર ત્યાં.
૧૭૯
ઘોષણા કરતી મોટી સ્વેચ્છાવૃત્તિ જ્યાં ત્યાં સંચરતી હતી,
નીતિ ને સુવ્યવસ્થાની વાતોને જલ્પતો જતો
દુરાચાર શિકારની જેમ પીછે પડયો હતો;
વેદી સ્વાધીનતા માટે ન 'તી એકે રચાયલી;
ધિક્કારાતી હતી સાચી સ્વતંત્રતા
અને એનો થઇ શિકાર ત્યાં જતો :
ક્યાંય જોઈ શકાતાં ના સામંજસ્ય, સહિષ્ણુતા;
પ્રત્યેક જૂથ પોતાના નરી ભીષણતા ભર્યા
નાગા નિયમની ઘોર ઘોષણા કરતું હતું.
શાસ્ત્રોના નિયમો કેરી મૂઠવાળું ચોકઠું એક નીતિનું
કે સહોત્સાહ માનેલો ને પ્રશસ્ય ગણાયલો
સિદ્ધાંત બનતો કોઠો
જેમાં ઉચ્ચ સ્વર્ગ કેરી સમાઈ સંહિતા જતી.
ભૂના અઘોર ગર્ભેથી નીકળેલા ક્રૂર કઠોર જાતના
યોદ્ધાઓને નાગરોનો અકડાતો ને ભયાનકતા ભર્યો
દોરદમામ આપતી
હતી કવચધારી ને લોહનાળવાળી આચાર-પદ્ધતિ.
પરંતુ એમનાં આત્મગત કાર્યો જૂઠો એ ડોળ પાડતાં;
બની 'તી તેમનાં સત્ય અને ધર્મ સત્તા ને ઉપયોગીતા,
તાર્ક્ષ્ય-લોલુપતા પંજે ઝડપે ઝાલતી હતી
લીપ્સાની પ્રિય વસ્તુને,
મરાતી તીક્ષ્ણ ચાંચો ને હતા ન્હોર વિદારતા
શક્તિહીન શિકારને.
મઝેનાં પાપની મીઠી તેમની ગુપ્તામહીં
વશ પ્રકૃતિને તેઓ વર્તતા 'તા, ધર્મજ્ઞ પ્રભુને નહીં.
વિરોધી વસ્તુઓ કેરી
ગાંસડીઓ વેચનારા વેપારીઓ અબોધ એ
પોતે આચરતા જે તે જો બીજો કોઈ આચરે
તો તેઓની પર જુલ્મ ગુજારતા;
એમના કોઈ સાથીના દુર્ગુણે જો પડતી દૃષ્ટિ એમની
૧૮૦
તો ઊઠતા ભભૂકી એ પ્રચંડ પુણ્યકોપથી;
વિસારી દોષ પોતાનો ઊંડાણોમાં છુપાયલો,
પડોશી કરતાં પાપ પકડાતો તો તે પામર લોક શા
તેહને પથરાટતા.
વ્યાવહારિક આંખોએ જોનારો જજ ભીતરે
ફેંસલાના ખોટા હુકમ આપતો,
સૌથી અધમ અન્યાય પાયા ઉપર ન્યાયના
પ્રસ્તુત કરતો હતો,
ખરાબ કામને તર્કબળે સાચાં ઠરાવતો,
વાણિયાવૃત્તિના 'હું' ના સ્વાર્થ ને કામનાતણા
ત્રાજવાને અનુમોદન આપતો.
આમ સમતુલા એક સચવાતી ને જીવી શકતું જગત્ .
એમના ક્રૂર પંથોને ચંડોત્સાહ હતો આગે ધકેલતો,
પોતાના ધર્મને છોડી બીજા ધર્મ 'પાખંડ' નામ પામતા,
દંડાતા ને રક્તે રાતા થતા હતા;
પૂછતા 'તા પ્રશ્ન તેઓ અને કેદી બનાવતા,
રીબાવી મારતા, બાળી દેતા,યા ઘા કરતા હતા,
ને જીવને બળાત્કારે સ્વધર્મ છોડવાતણી
કે મૃત્યુ ભેટવા કેરી તેઓ ફરજ પાડતા.
સંધટ્ટે સંપ્રદાયોના ને પંથોના ચાલતા ઝગડામહીં
લોહીથી ખરડાયેલી ગાદીએ ધર્મ બેસતો.
સેંકડો જુલમો સાથે દમનો ને સંહારો ચાલતા હતા,
છળ ને બળને યોગે એકતાની સ્થાપના કરતા હતા.
માત્ર આભાસને મૂલ્ય સત્યનું મળતું તહીં
આદર્શ બનતું લક્ષ્ય દુરાત્મ-ઉપહાસનું :
ધુત્કારાયેલ ટોળાથી, ને હસાતી મતિથી મતિમંતની
બહિષ્કૃત બની આત્મખોજ ત્યાં અટતી હતી;
મનાતી એ હતી કોઈ સ્વપ્નના સેવનારની
જાતને ઠગવા માટે જાળ એક વિચારની,
કપોલકલ્પના ઘેલી કે કો દંભી કેરી વાત બનાવટી,
૧૮૧
સહજસ્ફુરણા એની ભાવાવેગ વડે ભરી
અવિદ્યાનાં ચક્કરોમાં ખોવાયેલાં
તમોગ્રસ્ત મનો મધ્ય રેખામાર્ગ રચી જતી.
અસત્ય ત્યાં હતું સત્ય, અને સત્ય અસત્ય ત્યાં.
રાજ્યો નરકનાં હામભેર ભીડી સ્વર્ગમાર્ગે વળી જતા
યાત્રીએ ઊર્ધ્વના આંહીં અવશ્ય થોભવું પડે
યા જોખમે ભરેલે એ સ્થાને મંદ ગતિએ ચાલવું પડે,
અધરે પ્રાર્થના ધારી અને નામ મહનીય ધરી મુખે.
વિવેકબુદ્ધિના તિક્ષ્ણ શૂલાગ્રે જો સૌ શોધ્યું નવ હોય તો
જૂઠાણાની અંતહીન જાળમાં એ ભૂલેચૂકે પ્રવેશતો.
શત્રુનો લાગતો હોય શ્વાસ ગરદને થયા
તેમ ખભાતણી પૂઠે વારે વારે કરવી દૃષ્ટિ જોઈએ;
નહીં તો ચોર શો આવી ઘા દગાખોર થાય તો
ભોંયભેગા થવાયે ને પાપના તીક્ષ્ણ શૂળથી
પીઠે વીંધાઈ નાપાક એ જગાએ ત્યાં જડાઈ જવાય છે.
માર્ગે શાશ્વતના આવી રીતે થાય વિનિપાત મનુષ્યોનો
ને આત્માને એકમાત્ર મળેલી તક કાળમાં
દંડ રૂપે પડે છે કરવી જતી,
અને એના સમાચાર વાટ જોતા દેવો પાસ ન પ્હોંચતા,
ચૈત્યોને પત્રકે ચિહ્ ન 'ગુમ' એવું મુકાય છે,
વ્યર્થ નીવડતી આશા સૂચવંતું નામ એનું બની જતું,
મૃત સંસ્મૃત તારાનું પદ એને મળે પછી.
પ્રભુને હૃદયે રાખી રહેલાઓ જ એકલા
સુરક્ષિત હતા તહીં :
કવચે વીરતા કેરા ને શ્રદ્ધાની સમશેરે સજાયલા
રહીને ત્યાં તેમને ચાલવું પડે,
પ્રહાર કરવા હસ્ત સજ્જ રાખી ને આંખો શત્રુ શોધતી,
ભાલા જેવી દૃષ્ટિ આગળ નાખતા
વીરો ને લડવૈયાઓ જ્યોતિના સૈન્યના જતા.
બને મુશ્કેલ સૌ તો ય, એ પસાર ભય ઘોર થઇ જતો,
૧૮૨
વધુ શાન્ત અને શુદ્ધ હવામાં મુક્તિ મેળવી
એકવાર ફરી અંતે શ્વસવાનું,
હસવાનું કરી સાહસ એ શકે.
સાચા સૂરજની નીચે એકવાર ફરીથી એ કરે ગતિ.
જોકે નરક ત્યાં દાવો રાજ્યનો કરતું હતું
છતાં આત્મા શક્તિમંત હતો તહીં.
વિવાદ વણ રાજા આ
કોઈનીય નહીં એવી જગા પાર કરી ગયો;
આદિષ્ટકાર્ય શૃંગોનું એને સોંપાયલું હતું
અને એને મહાગર્તેય માગતો :
એના માર્ગમહીં આડું કોઈ ઉભું રહ્યું નહીં,
શબ્દ કોઈ હતો ના ત્યાં નિષેધતો.
કેમ કે માર્ગ નીચેની દિશા કેરો ઝડપી ને સહેલ છે,
ને હવે રાત્રિની પ્રત્યે એણે સ્વ-મુખ ફેરવ્યું.
વાટ જોતો હતો જયાદા અંધકાર
અને રાજય જયાદા ખરાબ જે હતું,
જો કૈં જયાદા ખરાબ સંભવી શકે
જયાં બધું યે પરાકાષ્ટારૂપ છે દુષ્ટતાતણી;
પરંતુ વસ્ત્રધારીને વસ્ત્રહીન સૌથી ખરાબ લાગતું.
ત્યાં કદાપી ન 'તો પ્રભુ,
ન' તું સત્ય કદાપિ ત્યાં, ન 'તી જ્યોતિ પરાત્પરા,
યા તો સત્તા જરા યે ત્યાં એમની ચાલતી ન'તી.
જેમ કો સરકી જાય ક્ષણ કેરી ઊંડી એક સમાધિમાં
મનની હદ ઓળંગી બીજી કો દુનિયામહીં,
તેમ એ એક સીમાને વટાવી પાર સંચર્યો,
જેની છૂપી નિશાનીને નેન ના નીરખી શકે
છતાં સંવેદના જેની થાય છે ચૈત્ય આત્મને.
એક કવચથી રક્ષ્યા અને ચંડ પ્રદેશે એ પ્રવેશિયો,
રાત્રિની કચરે છાઈ દીવાલોની
૧૮૩
ને જંગલી અને ગંદા લત્તાઓની વચે તહીં
જોયું કે ભટકી પોતે રહ્યો 'તો કો તજેલા જીવના સમો.
ગંદાં ને ઘૂસરાં એની ચોપાસે ઝુંપડાં હતાં
પડોશે ભવ્ય મ્હેલોના વિકૃતત્વ પામેલી શક્તિઓતણા,
આમાનુષી રહેઠાણો, મહોલ્લા દાનવોતણા.
રાખતો પાપમાં ગર્વ
પોતાની એ દુર્દશાને છાતી શી રાખતો હતો;
દુઃખ વૈભવની પાસે ભૂત શું ભમતું રહી
દાબતું'તું ક્રૂર કાળાં પરાં સ્વપ્ન-જિંદગીનાં પુરોતણાં.
દ્રષ્ટા આત્માતણી આગે જિંદગી ત્યાં બતલાવી રહી હતી
છાયે છાયેલ ઊંડાણો ચમત્કારતણાં નિજ અજીબ કૈં.
આશા વગરની દેવી એ હતી કો પ્રબળા પતિતા તથા
અંધકારે ગ્રસાયેલી, ઘોર કો ડાકિનીતણા
જાદૂ-મંત્રે વિરૂપિતા,
કંગાલ કોટડે કોક વેશ્યારૂપે મહારાણી ન હોય શું
તેમ નિર્લજજ ને નગ્ન ઉન્મત્તાનંદ માણતી
જિંદગી કરતી ઊંચું પોતાનું મુખ પાપિયું,
હતું જોખમકારી જયાં સૌન્દર્ય, મોહિની હતી
ભયહેતુ બની જતી,
શોભમાન સ્તનો પ્રત્યે આકર્ષીને કંપાયમાન ચુંબને
ત્રાસ વર્તાવતી હતી,
તેમના ગર્તની પ્રત્યે લોભાવીને લઇ જતી
આત્માના વિનિપાતને.
દૃષ્ટિના ક્ષેત્રની મધ્યે
જેમ ચિત્રપટે કોઈ યા તો ચાલી રહેલી કોઈ તાસકે
તેમ અશામ્ય ઓપંતા ઓથારોના
નિજ આડંબરોને એ ગુણાયેલ બનાવતી.
પૃષ્ટભૂમિ પરે કાળી આત્મારહિત લોકની
છાયા ને ધૂંધળી જ્યોતિ વચ્ચે એનાં નાટકો ભજવ્યે જતી,
ઊંડાણોની આર્ત્તિ કેરાં નાટકો એ લખાયલાં
૧૮૪
જીવંત વસ્તુઓતણા
વ્યથાવ્યાકુલતાપૂર્ણ જ્ઞાનતંતુતણી પરે:
ઘોરતાનાં મહાકાવ્યો પ્રતાપ રૌદ્રતા ભર્યો,
વિરૂપ પ્રતિમાઓ જે કીચડે જિંદગીતણા
ઈંડા જેમ મુકાયેલી ને સંસ્તબ્ધ બનેલ ત્યાં,
બીભત્સ રૂપવાળાંની રેલંછેલ અને તેવાં જ કર્મની,
પાષણભૂત હૈયામાં દયાભાવ સ્તંભિત કરતી હતી.
પાપનાં પટ-હાટોમાં
ને જયાં થતો અનાચાર તે નિશા-નિલયોમહીં
નામ જેને અપાયું છે કાયાના વ્યભિચારના
કીર્તિહારી કલંકનું,
ને નીચા કલ્પનાઓ જે છે આલેખેલ આમિષે
તેમણે કામવાસના
સુશોભનકલા કેરે રૂપે પરિણતા કરી :
આપી પ્રકૃતિએ છે જે બક્ષિસો તે
પ્રયોજીતને વિકારોએ વિરૂપી નિજ કૌશલે
જીવના મૃત્યુનું બીજ બોયેલું તે નિત્યજીવી બનાવતી,
પંક કેરે પાનપાત્રે મધ પાતી મત્ત કામોપભોગનું,
જંગલી જીવને રૂપ આપતી એ દંડ ધારંત દેવનું.
અપવિત્ર અને ક્રૂર વિધે કામે રચ્ચાંપચ્ચાં,
વૈરૂપ્ય ધારતાં મુખે,
જીગુપ્સા ઉપજાવંતાં, કારમાં કાળનૃત્ય શાં,
ચિત્રો રાત્રિતણા ઊંડા ગર્તોમાંથી આવી સામે પ્રકાશતાં.
કળા કારીગરી એની ઘોરતાને કરતી મૂર્ત્ત કૌશલે,
સ્વાભાવિક સ્વરૂપો ને સ્થિતિ પ્રત્યે ધારીને અસહિષ્ણુતા,
ઉઘાડી પાડતી નાગી રૂપરેખા અતિમાત્ર વિરૂપિતા,
ને ઠઠ્ઠાચિત્ર છે તેને પૂરેપૂરું સત્યરૂપ બનાવતી;
રૂપો વિકૃત પૈશાચી કળાકેરી કવાયત બતાવતાં,
રાક્ષસી મુખ-મો'રાંઓ ત્રાસકારી અને અશ્લીલતા ભર્યાં,
વિદારાતી ઈન્દ્રિયોને
૧૮૫
ગૂંદી ગૂંદી વ્યથાપૂર્ણ એમને એ અંગવિન્યાસ આપતાં.
ન આપે નમતું એવી એ પૂજારણ પાપની
દુષ્ટતાને મહત્તા ને ગંદકીને ગૌરવ આપતી હતી;
ઉરગોનાં ઓજ કેરી સત્તા વ્યાલસ્વરૂપિણી,
પેટે ચાલી જવાવાળી શક્તિ કેરા આવિર્ભાવ વિચિત્ર કૈં,
મહાત્મ્યો સર્પનાં માંડી બેઠાં આસન કર્દમે,
ઝલકે રગડા કેરી અર્ચા આકર્ષતા હતાં.
આખી પ્રકૃતિ ખેંચીને પોતાના ચોકઠાથકી
અને મૂળથકી બ્હાર કઢાયલી
અસ્વાભાવિક વિન્યાસે આમળીને હતી મુકાયલી તહીં :
જડતાપૂર્ણ ઈચ્છાને ઘૃણા તેજ બનાવતી;
યાતના ત્યાં બનાવતી
ભોજય રાતા મસાલાએ ભર્યું મસ મુદાતણું ,
દ્વેષને લાલસા કેરું કામ સોપયલું હતું,
અને આશ્લેષનું રૂપ ધારતી 'તી રિબામણી;
વિધિયુકત વ્યથા કેરાં નૈવેધોનું થતું અર્પણ મૃત્યુને;
અદિવ્યને સમર્પાતી હતી સેવા-સમર્ચના.
નવું સૌન્દર્યનું શાસ્ત્ર નારકીય કલાતણું
આત્મા ધિક્કારતો તેને ચાહવાને મન કેળવતું હતું,
ધ્રુજારીએ ભરાયેલી શિરાઓ પર લાદતું
હતું સ્વામી-નિષ્ટ કેરી અધીનતા,
સ્પંદાવતું બલાત્કારે એ અનિચ્છુ શરીરને.
સત્ત્વના સારને પાપે કલંકિત બનાવતા
આ હીણા રાજ્યની મહીં
અત્યંત માધુરીપૂર્ણ અને સંવાદિતાભરી
છે જે સુંદરતા તેને પ્રેરવાના મનાઈ-હુકમો હતા;
હૈયાના ભાવને મંદ બનાવીને પોઢાડયો નીંદરે હતો
ને તેનું સ્થાન આપ્યું 'તું ચાહીસાહી ઇન્દ્રીના રોમહર્ષને;
ઈન્દ્રિયોને રુચે એવી શેડો માટે સૂક્ષ્મ શોધ થતી જગે.
શીત સ્વભાવની સ્થૂલ બુદ્ધિ ન્યાયાધીશ સ્થાને હતી,
૧૮૬
ઇન્દ્રીનો ચટકો, ઠેલો ચાબખો, એ
એને માટે આવશ્યક બન્યા હતા,
કે જેથી શુષ્કતા રૂક્ષ અને એના મરેલા જ્ઞાનતંતુઓ
સંવેદતાં બની લ્હેવા માંડે આવેગ, શક્તિ, ને
તિકતતા જિંદગીતણી.
ફિલસૂફી નવી એક પાપના અધિકારનો
સિદ્ધાંત સ્થાપતી હતી,
પડતીનો સડો ધીરા ઝબકારે ભરેલ જે
તેમાં ગૌરવ માનતી,
કે વ્યાલ-શક્તિને દેતી વાણી કે જે સમજાવી મનાવતી,
ને આદિકાળના એક જંગલીને કરતી સજજ જ્ઞાનથી.
ચિંતનલીનતા માત્ર હતી ઝૂકી પ્રાણ ને દ્રવ્યની પરે,
પાછલે બે પગે ઊભો થયેલો કો બેકાબુ પશુરૂપમાં
પલટાયું હતું મન;
ભાંખોડિયાં ભરી ખાડે સત્યાર્થે એ ખોદવા માંડતું હતું,
અવચેતન-જવાળાના
ભભૂકાઓ વડે માર્ગ ખોજનો અજવાળતું.
અધોગર્તમહીં છે જે ગંદકી ને કોહવાણો છુપાયલાં
તે ત્યાંથી પરપોટાતાં ઊંચે આવી હવા ત્યાંની બગાડતાં :
આને એ આપતું નામ નિશ્ચયાત્મક વસ્તુનું
ને સાચી જિંદગીતણું.
આની બની હતી હાવે હવા દુર્ગંધથી ભરી.
ગુપ્ત રાત્રિથકી બ્હાર
જંગલી પશુનું જોશ સરપી આવતું હતું
ને વશીકરણે પૂર્ણ આંખોથી એ સ્વશિકાર નિરીક્ષતું;
રાજા અશ્વપતિની આસપાસમાં
પ્રહર્ષ પાશવી સુસ્ત અવસ્થામાં પડયો પડયો
હતો હાસ્ય કરી રહ્યો
જવાળાના છંટકારોને કાઢતા અગ્નિના સમો;
હવામાં ખડકાઈ 'તી લાલસાઓ હેવાની ઉગ્રતા ભરી;
૧૮૭
હિંસાકારી ટોળીઓ રક્ષસી બની
ઝોલે ઝોલાં વિચારનાં ડંખ દેતાં ઊમટી આવતાં હતાં,
ત્રાસજનક ગુંજાર સાથ જોશે મનની મધ્ય ઘૂસતાં
ક્ષેરી બનાવવા શકત પ્રકૃતિના દિવ્યમાં દિવ્ય શ્વાસને,
અનિચ્છુ પોપચાંઓમાં
બેળે બેળે કરી માર્ગ આંખો આગળ આણતાં
કૃત્યો જે કરતાં ખોલ્લું છુપાયેલા નારકીય રહસ્યને.
જે બધું ત્યાં હતું તે આ નમૂનાનું બન્યું હતું.
જાતિ ભૂતે ભરાયેલી એ ભાગોમાં નિવાસ કરતી હતી.
પૈશાચી શક્તિ સંતાઈ રહેનારી ઊંડાણોમાં મનુષ્યના
હૈયાના માનવી ધર્મે દબાયેલી ઊંચી નીચી થતી તહીં
પ્રશાંત પરમોદાત્ત દૃષ્ટિ દ્વારા વિચારની
શેહ ખાઈ દબાયલી,
ચૈત્યાત્માની આગના ને ભૂમિકંપતણે સમે
આવે ઊંચે અને લાવે બોલાવી એ જન્મની નિજ રાત્રિને,
બુદ્ધિને ઉથલાવી દે, કબજામાં લઇ જીવન ત્યાં વસે,
કંપતી પ્રકૃતિ કેસરી ભોમે મારે મુદ્રા નિજ ખરીતણી:
આ હતું એમને માટે સ્વીય સત્-તાતણું મર્મ ભભૂકતું.
એક મહાબલી ઓજ, દૈત્ય શો એક દેવતા
કઠોર બલવંતોની પ્રત્યે, દુર્બળની પ્રતિ
દુરારાધ્ય બની જતો,
એવી એ જાત માંડીને મીટ એના સ્થિરીભૂત વિચારનાં
પાષણી પોપચાંતણી
તાકી રહી હતી પોતે બનાવેલા ઉગ્ર નિર્ઘૃણ લોકને.
ઘોર ક્ષુધાતણે મધે હૈયું એનું ચકચૂર બન્યું હતું,
બીજાંના દુઃખથી એને હર્ષરોમાંચ આવતો,
સમૃદ્ધ સુણતી'તી એ ત્યાં સંગીત મૃત્યુનું ને વિનાશનું.
સત્તા, સ્વામિત્વ, એ બે ત્યાં એકમાત્ર હતાં સદગુણ ને શિવ :
પાપના વાસને માટે હતો એનો દાવો આખા જગત્ પરે,
૧૮૮
એના પક્ષતણું એકહથ્થું ઘોર રાજ્ય વાંછતી હતી,
પ્રાણીમાત્રતણું ક્રૂર ભાવિનિર્માણ માગતી.
કાળી જોહુકમી કેરા દમ કાઢી નાખતા ભારની તળે
એક આયોજને સર્વ રચાયું 'તું એકસમાન ધોરણે.
શેરીમાં, ઘરમાં, લોકબેઠકોમાં અને ન્યાયાલયોમહીં
ભેટો એને થતો હતો
સત્ત્વોનો જે જણાતાં 'તાં જીવમાન મનુષ્ય શાં,
ઊંચી વિચારની પાંખે ચઢી વાક્યો ઊંચાં જે વદતાં હતાં,
કિન્તુ જે સર્વ હીણું છે માણસાઈથકી અધ:
દુષ્ટતાપૂર્ણ ને નીચું, છેક નીચાં સર્પનાં સર્પણો સમું
તેને પોતામહીં આશ્રય આપતાં.
બુદ્ધિનો હેતુ છે દેવો પાસે દોરી લઇ જવું,
મનના સ્પર્શથી ઊંચે લઇ દિવ્ય શ્રેણિ પ્રાપ્ત કરાવવી,
તે બુદ્ધિ અજવાળંતા સ્વપ્રકાશે મહાકાય બનાવતી
તેમની રાક્ષસી વૃત્તિ કુટિલા જે સ્વભાવથી.
ઘણી યે વાર કો એક વળાંકે જોખમે ભર્યા
જાણીતા મુખનો ભેટો થતો ધ્યાને જોતો આનંદથી ભર્યો,
જ્યોતિની ઓળખી લેવા દૃષ્ટિ જયાં એ કરતો કૈંક આશ ત્યાં
અંતરાત્માતણી આંખ સાવધાન દૃષ્ટિ એની બનાવતી,
ને ઓચિંતી જણાતી ત્યાં મ્હોર-છાપ મારેલી નરકાલયી,
કે ન ભૂલ કરે એવી અતં:સંવેદના વડે
જોતાં આંખે ચઢે રૂડા તેજસ્વી રૂપની મહીં
દૈત્ય, પિશાચ ને કાળું ભૂત કોક બિહામણું.
મદોદ્ધત તહીં રાજય કરતું 'તું ઉષ્માહીન શૈલ હૃદયનું બલ;
હતું જબરજસ્ત એ,
થતાં આધીન સૌ એને ને બહાલી ધારો આસુર આપતો,
રાક્ષસી ક્રૂરતા ઘોર હાસ્ય ત્યાં કરતી હતી,
કારમાં કરતી કૃત્ય હર્ષભેર દૈત્ય-દારુણતા તહીં.
માણસાઈતણો ઠઠ્ઠો કરનારી એ વિશાળ બખોલમાં
વિચાર શક્તિએ સજજ વસતાં 'તાં જનવરો,
૧૮૯
દયા ને પ્રેમની રેખા જોવા કેરો શ્રમ એળે જતો બધો;
ક્યાંય માધુર્યનો સ્પર્શ જોવામાં આવતો ન ત્યાં,
એક માત્ર હતું જોર અને એના હતા મદદનીશ ત્યાં
લોભ ને દ્વેષ સાથમાં :
દુઃખમાં ન હતી કોઈ સાહ્ય ને ના હતું કોઈ ઉગારવા,
વિરોધ કરવાની કે ઉમદા કો શબ્દ ઉચ્ચારવાતણી
ન 'તી હિંમત કોઈની.
અત્યાચારી શક્તિ કેરી ઢાલે રક્ષાયલી રહી
રાજ્યે અઘોર પોતના ફરમાનો પરે નિજ કરી સહી,
રકત-રિબામણી સીલ રૂપે વાપરતી હતી,
પોતાના સિંહનાદોની ઘોષણા વિશ્વ આગળે
તમિસ્રા કરતી હતી.
મનને કરતું ચૂપ મૌન આંખે દાબડાળું ગુલામ શું
યા પાઠો શિખવાડેલા તેની માત્ર આવૃત્તિ કરતું હતું,
તે દરમ્યાન પ્હેરીને પાધ માથે, ભલા કો ભરવાડની
લઈને ડાંગ હાથમાં
પ્રભાવિત અને પાયે પડેલાં હૃદયો પરે
જીવતા મૃત્યુને જેઓ વ્યવસ્થિત બનાવતા
ને વેદીએ જૂઠ કેરી કરતા વધ આત્મનો.
તે મતો ને સંપ્રદાયોને અસત્ય સિંહાસન સમર્પતું.
આવતા ઠગવામાં સૌ
કે એમને સમર્પાતી એમની જ ઠગાઈ સેવનામહીં.
જીવી ના શકતું સત્ય ગૂંગળાવી મારતી એ હવામહીં.
વિશ્વાસ રાખતી 'તી ત્યાં દર્દશા નિજ હર્ષમાં,
ભય ને નબળાઈ ત્યાં હીનતાની
પોતાની ગહરાઈઓ આશ્લેષે રાખતી હતી;
જે સૌ છે હલકું, નીચું, કાર્પણ્યભાવથી ભર્યું,
મેલું, કંગાલ ને દુઃખપૂર્ણ તે સઘળું વળી
સંતોષની નિરાંતે ત્યાં નિજ કેરી સ્વાભાવિક હવામહીં
શ્વસતું 'તું, અને દિવ્ય મુક્તિ માટે ન ઝંખતું :
૧૯૦
ઉદ્ધતાઈ દખતા ને ઉપહાસ કરંત ત્યાં
અવસ્થાઓતણો જયાદા પ્રકાશની,
ગર્તોના અધિવાસીઓ તિરસ્કાર સૂર્યનો કરતા હતા.
આડે બાંધી સ્વયંસત્તા જ્યોતિને બ્હાર રાખતી;
છે એવી ભૂખરી જાત રાખવાનો દૃઢ સંકલ્પ સેવતી
પોતાનાં પ્રતિરૂપો છે અદ્વિતીય અને આદર્શ ભવ્ય છે
એવાં ખાલી બણગાં ફુંકતી હતી :
લૂંટનારાતણા સ્વપ્ન દ્વારા ભૂખ પોતાની ઠારતી હતી;
ગુલામીનો ક્રોસ હોય તાજ જાણે તેમ દેખાડતી જતી,
ગમગીન અને ક્રૂર નિજ સ્વાધીન રાજ્યને
બાથમાં ઘાલતી હતી.
નિર્લજજ જીભથી એક વૃષ-કંઠ બરડતો
એના કર્કશ ને નાગા ઘોંઘાટે એ ભરતો અવકાશને,
ને સત્ય સુણવાની જે ઘૃષ્ટતા બતલાવતા
તે સૌને ધમકાવતો,
એકાધિકારનો દાવો કરતો 'તો ફોડાતા કાનની પરે;
પોતાનો મત દેતી' તી ચૂપચાપ બહેરાયેલ સંમતિ,
બડાઈ મારતા ધર્મમતો રાત્રી મધ્ય ઘોષ ગજવતા,
એક વાર મનાતો જે દેવ તેવા
પતિતાત્મા પાસ ગર્વ નિજ ઘોર ગર્ત કેરો રખાવતા.
એકલો શોધવા માટે નીકળેલો રાજા અશ્વપતિ તહીં
સંચર્યો એ પ્રદેશોમાં બિહામણા,
ઉધઈનાં પુરો જેમ સૂર્યથી સચવાયલા;
આસપાસ હતાં ટોળાં, પગલાંઓ હતાં ધમકથી ભર્યાં,
હતો ઘોંઘાટ ચોપાસ, ભડકા ભડકી જતા,
એ સૌ વચ્ચે એ દબાઈ જતો હતો,
ઝાંખા અંધારથી ઝાઝા ઊંડા ને વધુ જોખમી
અંધારામાં પ્રવેશતો,
મનની પાસથી એની જ્યોતિને ઝૂંટવી જતાં
૧૯૧
બળો સામે મલ્લયુદ્ધ કરંત એ,
ને બાઝી તેમના રે'તા પ્રભાવોને પ્રહારથી
અળગા નાખતો કરી.
થોડા વખતમાં બ્હાર નીકળ્યો એ જ્યાં દીવાલો હતી નહીં.
કેમ કે વસતીવાળાં સ્થળો પૂઠે હવે મુકાયલાં હતાં;
શમવા માંડતી સાંજતણા પ્હોળા પટોતણી
વચ્ચે એ ચાલતો હતો.
અધ્યાત્મ રિક્તતા આછી આસપાસ એહની બઢતી હતી,
વેરાન ધમકી દેતું ને અનિષ્ટે ભરી એકલતા હતી,
અદીઠા હુમલા પ્રત્યે મનને જે ઉઘાડું રાખતી હતી,
કોરું પાનું હતું જેમાં ઈચ્છા થાતાં લખી સૌ શકતાં હતાં
સંદેશા કારમાં કાઠા કાબૂ વગર કોઈના.
સફરી ટપકાં જેમ નીચે જાતા માર્ગો પર પ્રદોષના,
ઉજ્જડ ખેતરો, ઓઘા અને છૂટી છવાયલી
ઝૂંપડીઓ તથા થોડાં વાંકાંચૂંકાં ભૂત શાં ઝાડમાં થઇ
સંચરી એ રહ્યો હતો,
મૃત્યુનું ને સચૈતન્ય શૂન્ય કેરું
ભાન આવી એની સામે ખડું થતું.
તે છતાં અણદીઠી ત્યાં પ્રાણ શક્તિ વિરોધી હજુ યે હતી,
મૃત્યુ જેવી જેની સમતુલ સ્થિતિ
જ્યોતિ ને સત્યની સામે થતી હતી,
ને જીવન બનાવી જે દેતી ગાળો ઠંડાગાર અભાવનો.
ઇનકાર કરંતા ત્યાં સુણ્યા એણે અવાજો ભય પ્રેરતા;
ઝોલેઝોલાં ઊભરાતાં ટોળાં માફક ભૂતનાં
એની પર વિચારોનાં થયાં આક્રમણો તહીં,
અંધકારતણાં છાયાભૂતો કેરી તાકી રહેલ મીટનો
ને જીવલેણ મોં સાથે પાસે આવી રહેલા ભયરૂપનો
એ શિકારી બની જતો,
નીચે હમેશ નીચે જ હંકારાતો સંકલ્પે અણજાણ કો,
એને માથે હતું વ્યોમ -જાહેરાત વિનાશની;
૧૯૨
ત્યાં નિરાશાથકી આત્મા રક્ષવાનો કરતો 'તો પ્રયત્ન એ,
કિંતુ ત્રાસ વધતી શર્વરીતણો
ને ઊંચે આવતો ગર્ત દાવો એના આત્મા પર કરંત, તે
હવે અનુભવંત એ.
વિરમ્યા તે પછી વાસા સત્ત્વોના ને સ્વરૂપો તેમનાં સર્યાં
અને નિર્જનતા એને નિજ નીરવતાતણી
ગાડીઓમાં લપેટતી.
ઓચિંતું લોપ પામ્યું સૌ બ્હાર કાઢી મુકાયેલા વિચાર શું;
આત્મા એનો બન્યો ખાલી ખાડો ઊંડો ધ્યાનથી સુણતો જતો,
જગનો મૃત માયાવી ભ્રમ જેમાં રહ્યો ન 'તો :
રહ્યું ન 'તું કશું બાકી, મુખ સુધ્ધાં ન પાપિયું;
એકલો જ રહ્યો એ ત્યાં રાત્રિ કેરા ભૂખરા વ્યાલ સાથમાં,
અનામી સાન્દ્ર કો એક હતી અસ્તિત્વહીનતા,
જીવતી લગતી'તી જે છતાં જેને તન ને મન ના હતાં,
તે નિકંદન સત્-તાનું કાઢવા તલસંત ત્યાં
કે જેથી એ હમેશાંને માટે નગ્ન સ્વરૂપમાં
રહી એકાકિની શકે.
બેડોળ ને ન સ્પર્શાયે એવી દાઢોમહીં કો હિંસ્ર સત્ત્વની
ઝલાયેલો, ગળે દાબ્યો, પેલા તલસતા અને
ચીકણો રગડો જાણે એવા એ ડબકા વડે,
આકર્ષાઈ રહેલો કો કાળા ને રાક્ષસી મુખે,
ગળી જતા ગળા દ્વારા ભીમકાય પેટમાં ઘોર નાશના,
તેમ અદૃશ્યતા પામ્યું સત્વ તેનું નિજ દૃષ્ટિ સમીપથી
ઊંડાણોમાંહ્ય ખેંચાતું,--ઊંડાણો જે એના પતન કારણે
બભુક્ષિત બન્યાં હતાં.
મસ્તિષ્ક મથતું એનું, તેને રૂપરહિતા એક રિકતતા
દાબી દેતી હતી તળે,
જડસો ઘોર અંધાર દેહને દમતો હતો,
હૈયાને થીજાવી દેતી કાને ફૂંકી ઘૂસરી એક સુચના;
ગૃહથી નિજ હૂંફાળા ખેંચાયેલી કો સર્પાકાર શક્તિથી
૧૯૩
જિંદગી શૂન્ય નિર્વાણ પ્રતિ નાશે ઘસડાઈ રહેલ તે
ડચકાં ભરતા શ્વાસ-દોરે બાઝી રહી 'તી નિજ સ્થાનને;
અંધકારમયી જીહવા દેહ અશ્વપતિનો ચાટતી હતી.
અસ્તિત્વ ગૂંગળાવાતું
જીવમાન રહેવાનો પ્રયાસ કરતું હતું;
રિક્ત આત્મામહીં એના ગળે-દાબી આશા પામી વિનાશને,
આસ્થા ને સ્મૃતિ લોપાઈ મૃત્યુ પામી ગઈ અને
આત્માને નિજ યાત્રામાં કરે જે સૌ સાહ્ય તે સાથ સંચર્યું.
તંગ ને દુખતા એકેએક જ્ઞાનતંતુની મધ્યમાં થઇ
થયો પસાર સર્પંતો નામહીન ભય ના વર્ણવ્યો જતો,
પૂઠે એની રહ્યો રેખામાર્ગ મર્મ ભેદતો ને પ્રકંપતો.
સમુદ્ર જેમ કો બદ્ધ અને સ્તબ્ધ ભોગની પ્રતિ વાધતો
તેમ અમાનુષી ને ના સહ્યું જાય એવા અશામ્ય દુઃખની
તેની પાસે શાશ્વતી આવતી હતી,
એના મૂક સદા રે'તા મનને ગભરાવતી.
આ એને છે સહેવાનું સ્વર્ગ કેરી આશા કેરા વિયોગમાં;
શાંતિ નિર્વાણની ના જ્યાં એવા ધીરા દુઃખ સ્હેનાર કાળમાં
ને રિબાઈ રહેલા અવકાશમાં
એને નિત્ય અસ્તિત્વ ધારવું રહ્યું,
શૂન્યતા વ્યથિતા એની અવસ્થા અંતહીન છે.
હૈયું હવે બન્યું એનું પ્રાણહીન ખાલી કો સ્થાનના સમું,
ને એકવાર તેજસ્વી જ્યાં વિચાર હતો તહીં
આસ્થા ને આશા માટેની માત્ર અશક્તિ છે રહી
ઝાંખા નિશ્ચલ ભૂત શી,
હારેલા આત્મની ધાસ્તી ભરેલી દૃઢ ધારણા,
--હતો અમર એ આત્મા કિંતુ દેવરૂપ એ ન હતો હવે,
ખોયો ચિદાત્મ ને ખોયો પ્રભુ, સ્પર્શ
ખોયો જ્યાદા સુખિયાં જગતોતણો.
રહ્યો કિંતુ ટકી એ ત્યાં, ભય ખોટો શમાવિયો,
ગૂંચળાં ગૂંગળાવંતાં સહ્યાં ધાસ્તીતણાં ને યાતનાતણાં,
૧૯૪
પાછી શાંતિ પછી આવી, આવી આત્મદૃષ્ટિ સર્વોચ્ચ શોભતી.
ખાલી ભીષણતા પામી જવાબ શાંત જ્યોતિનો :
નિર્વિકાર અને જન્મમૃત્યુરહિત દેવતા
મહાબલિષ્ટ ને મૂક જાગ્યો એની મહીં,અને
એ લોકે ભય ને પીડા હતી તેની સામે સંમુખતા ધરી.
દૃષ્ટિએ માત્ર કાબૂમાં આણી એણે ભરતીઓ નિસર્ગની;
નગ્ન નરકનો ભેટો કર્યો એણે ઉઘાડા નિજ આત્મથી.
૧૯૫
સાતમો સર્ગ સમાપ્ત
સર્ગ આઠમો
જૂઠાણાંનું જગત, પાપની માતા
અને અંધકારના આત્મજો
ત્યાર પછી અશ્વપતિ રાત્રિનું ગૂઢ હૃદય જોઈ શક્યો. પરમ સત્યને ને પ્રભુને બાતલ રાખી રાત્રિ પોતાના નિરાનંદ જગતની રચના કરતી હતી. મહાસુરો અને અરાજકતાના મહારાજો ત્યાંથી ઊભા થતા હતા અને દુઃખશોકનું નરક અનુભવમાં આણતા હતા.
એ જગત હતું ઉગ્ર અને અઘોર. સ્વર્ગના તારાઓથી એ હમેશાં વંચિત રહેતું, આત્મા જેવી સદ્-વસ્તુનો સદા ઇનકાર કરતું; એ હતું અસત્ અનંતનું પ્રવેશ દ્વાર. બધી જ ઉચ્ચ વસ્તુઓ ત્યાં વિપરીત બની જતી, દેવતાઓનેય દાનવ ધર્મ અનુસરવો પડતો.
પ્રભુ જાતને જયાં જાતથી છુપાવી છે ત્યાં આત્મરહિત જડતાના પાતાલગર્તને પ્રાણ સ્પર્શો ને આત્મચેતનાને પ્રકટાવવાનો માર્ગ શોધવા લાગ્યો, પણ રાત્રિમાંથી જુદો જ જવાબ આવ્યો. જીવને જબરજસ્ત ભૂખ્યા મૃત્યુંનું રૂપ લીધું, બ્રહ્માનંદ વિશ્વવ્યાપી દુઃખમાં ફેરવાઈ ગયો. એક વિદ્વેષી શક્તિ જન્મી અને એણે આત્માના આરોહણને અટકાવવાનું, જ્યોતિ બુઝાવી નાખવાનું, ચૂપચાપ છાનીમાની આવી પારણામાંના પરમાત્મીય બાળકને મારે નાખવા માટેનું પોતાનું કારમું કૃત્ય આરંભ્યું. એના કરતૂકને કારણે ઊર્ધ્વનો યાત્રી એનો શિકાર બની જાય છે, ને માણસની અંદરની દિવ્યતાનો દેહાંત થતાં શરીર માત્ર મન-સમેત જીવતું રહે છે.
વિનાશકારી સૂક્ષ્મ સત્તાઓ અજ્ઞાનની ઠાલથી રક્ષાયેલી રહે છે. પ્રભુનાં બારણાં એમણે સંપ્રદાયની ચાવીથી બંધ કર્યાં છે, પ્રભુની કૃપાને ધર્મનો કૂટ કાયદો અંદર આવવા દેતો નથી. જ્યોતિનો વણજારોને એમણે વચમાંથી રોકી રાખી છે. જ્યાં જ્યાં દેવોનું કાર્ય આરંભાય છે ત્યાં ત્યાં આડે આવીને તે એને અટકાવે છે, સત્યના
૧૯૬
વિજયોને પરાજયોમાં ફેરવી નાખે છે, જૂઠાણાને સનાતન સત્યનું નામ આપી ઉદઘોષે છે. આત્મરહિત પોતાના જગતમાંથી નીકળીને તેઓ પ્રભુની સામે પડે છે. રાત્રિના અંધકારમાં એમણે અડંગા નાખ્યાં છે ને આવતા દિવ્ય કિરણને એ પ્રવેશવા દેતી નથી. દેવોનાં સંતાનોનેય એ તમોગ્રસ્ત બનવી દે છે. એમની આ નારકીયતા-માંથી પસાર થયા વિના પરમોચ્ચ ધામે પહોંચાતું નથી. તેથી યાત્રીએ ધીર ને વીર બનવાનું હોય છે.
રાજા અશ્વપતિ આ નિરાશાજનક રાત્રિમાં પ્રવેશ્યો ને એને પડકાર આપતો આગળ વધ્યો. એના જ્યોતિર્મય આત્માના પગલાંથી પ્રવેશદ્વારના અંધકારને ધ્રાસકો પડયો. રાજાએ જોયું તો ત્યાં બધું ઊલટું જ હોય એવું લાગતું હતું. ત્યાંના જન્માંધ જીવો પાપને પુણ્ય સમજતા, નિરાનંદતાની શિક્ષા પોતે ભોગવતા ને બીજાઓને તે ભોગવવાની ફરજ પડતા. શોક, દુઃખ, દુરિત એમના સ્વભાવમાં નિત્યની વસ્તુઓ બની ગયાં હતાં બીજાઓની પીડા એમને પ્રસન્ન બનાવતી, શાંતિ એમને અશાંત બનાવી દેતી, ખૂનખાર ઝેરવેરનું ઝનુન એમને ચઢતું. આ હતો એમનો જીવનધર્મ. નિર્દય કાળમુખી કોઈ કારમી શક્તિની આરાધનામાં તેઓ ઘૂંટણિયે પડતા. દ્વેષ ત્યાંનો મોટો ફિરસ્તો હતો. દ્વેષ દુઃખને ને દુઃખ દ્વેષને પોતાની મિજબાની બનાવતાં.
ત્યાની નિર્જીવ વસ્તુઓમાં પણ આ વિપરીત ધર્મ પ્રવેશ્યો હતો. એ વસ્તુઓને જેઓ ઉપયોગમાં લેતા તેમનું અમંગલ થતું, કેમ કે એ હાથ વગર હાનિ પહોંચાડતી, ને ઓચિંતી હણી પણ નાખતી. બધી જ વસ્તુઓ ત્યાં સચેત ને સાથે સાથે દુષ્ટતાથી ભરેલી હતી.
અશ્વપતિ ત્યાં વિનાશે વાળતા ભૂતના ભણકારા સાંભળ્યા, દાનવી ચિહ્નોની મોહિનીઓ જોઈ, રક્તતરસ્યું વરુ ને ફાડી ખાનાર કૂતરાઓનું ભષણ સાંભળ્યું. નરકના હુમલા ને આસુરી પ્રહારો ઝીલતો ઝીલતો, વિષના ઘૂંટડા પીતો પીતો એ ગમે તેમ કરીને પણ પોતાના આત્માના પ્રકાશમાન સત્યને અખંડ સાચવી રહ્યો હતો.
આમ અચિત્ ના ગર્તમાં ગૂંગળામણ વેઠતો અશ્વપતિ એનું રહસ્ય પામ્યો. સંવેદનરહિત જગતનો સિલબંધ ઉદ્દેશ અને અજ્ઞાન રાત્રીનું મૂગું શાણપણ એને સમજાયું. એણે જોયું કે પરમાત્મા ત્યાં પોઢ્યો હતો અને એ અવસ્થામાં રહી વિશ્વની રચના કરતો હતો. ત્યાં હતું અજ્ઞાત ભાવિ, પોતાની પળની રાહ જોતું. લુપ્ત થયેલા તારાઓના ઇતિહાસ ત્યાંની વહીમાં લખાયેલો હતો. વૈશ્વિક સંકલ્પની સુષુપ્તિમાંથી એને ત્યાં પ્રકૃતિના રૂપાંતરનું રહસ્ય મળ્યું.
એક જ્યોતિ, એક અદૃશ્ય હસ્ત એના સાથમાં હતો, ને એને લીધે ભ્રાંતિ,
૧૯૭
ભૂલ ને વેદના આનંદની ઝણેણાટીમાં ફેરવાઈ જતાં હતાં. પોતે ત્યાં એક માધુર્યના આલિંગનોમાં હતો. એને જણાયું કે રાત્રિ તો સનાતનનું છાયામન અવગુંઠનમાત્ર છે, મૃત્યુ જીવનગૃહનું ભોયરું છે. વિનાશમાં એને સર્જનની ઝડપે ગતિ દેખાઈ, નરક સ્વર્ગે જતો ટૂંકો માર્ગ માલૂમ પડયો.
પછી તો અચિત્ નું જાદૂઈ કારખાનું તૂટી પડયું. આધ્યાત્મિક શ્વાસોછવાસ લેતી પ્રકૃતિનો બદ્ધ આત્માનો કરાર રદ થયો. અસત્યે સત્યને પોતાના વિરૂપ સ્વરૂપને સમર્પી દીધું. દુખ-દુરિતના ધારાઓનો અંત આવ્યો. રાત્રિમાં ઉઘાડ શરૂ થયો, પરમ સુખસભર શુભ પ્રભાત પ્રકટ્યું. કાળના વિદીર્ણ હૈયાના વ્રણો રુઝાઈ ગયા. ભેદો ભૂંસાઈ ગયા, કેમ કે પ્રભુ ત્યાં હતો. આત્માએ સભાન શરીરને પોતાના પ્રકાશથી દેદીપ્યમાન બનાવ્યું. જડતત્વ અને બ્રહ્યસત્તા હળીમળીને એકાકાર બની ગયાં.
પછીથી રાત્રિનું છૂપું હૈયું એ નીરખી શક્યો:
નરી અચેતના કેરા શ્રમે એના
કરી ખુલ્લી અપારા ઘોર રિક્તતા.
ખાલી અનંતતા એક હતી, આત્મા ન ત્યાં હતો;
ઇન્કારતો સદા કેરું સત્ય, એવો નિસર્ગ જે
તે શેખીખોર ને મિથ્થા સ્વાતંત્ર્યે સ્વવિચારના
પભુનો કરવા લોપ અને રાજ્ય એકલો જ ચલાવવા
આશા રાખી રહ્યો હતો.
હતો ન રાજ અતિથિ, સાક્ષી જ્યોતિ હતી નહીં;
સાહ્ય લીધા વિના સૃષ્ટિ
ને પોતાની નિરાનંદ સર્જવા માગતો હતો.
એની વિશાળ ને અંધ આંખ દૈત્ય-કાર્યો જોઈ રહી હતી,
હતા સાંભળતા એના બ્હેરા કાન અસત્ય, જે
એના મૂગા ઓઠ ઉચ્ચારતા હતા;
મોટાં રૂપો હતી લેતી મહાઘોર અને વિપથગામિની
એની સ્વછંદ કલ્પના,
આંદોલાતી હતી ક્રૂર ખ્યાલોવાળી
મનોહીન એની ઇન્દ્રિયચેતના;
૧૯૮
ઉત્પન્ન કરતાં એક પશુભાવી સિદ્ધાંત જિંદગીતણો
આપ્યો પાપે અને દુઃખે જન્મ દાનવ જીવને.
અરૂપ ગહનો કેરા થયા ઊભા અરજકો,
આસુરી જીવન જન્મ્યા ને બળો દૈત્ય સ્વભાવનાં,
વિશ્વવ્યાપી અહંકારો વાસનાએ, વિચારે ને વિકલ્પથી
સંકાજે ત્રાસ આપતા,
વિશાળાં મન ને જન્મ્યાં જીવનો જ્યાં હતો ના આત્મ અંતરે :
અધીરા વિશ્વકર્માઓ ભ્રમ કેરા નિવાસના,
વિશ્વ વ્યાપેલ અજ્ઞાન ને અશાંતિ છે તેના પટનાયકો,
શોક ને માર્ત્યતા કેરા પ્રવર્તકો,
અધોગર્તતણા કાળા કલ્પો મૂર્ત્ત પોતામાં કરતા હતા.
આવ્યો પોલાણમાં એક છાયાભાવી પદાર્થ, ને
જન્મી આકૃતિઓ ઝાંખી વિચારશૂન્ય શૂન્યમાં,
મળ્યાં વમળ સર્જતાં વિરોધી અવકાશને
જેની કાળી ગડીઓમાં આત્મસત્-તા કલ્પતી લોક નારકી.
ત્રિગુણા તમની પટ્ટી વીંધીને આંખ એહની
ઓળખી કાઢતી દૃષ્ટિ તેમની અંધ મીટની :
અસ્વાભાવિક અંધારે ટેવાઈ તે નિહાળતી
સત્યરૂપ બનાવેલી અસત્યતા,
અને રાત્રી બનાવેલી સચેતના.
ઉગ્ર, કરાળ ને રૌદ્ર એક ભુવન એ હતું,
ભીમરૂપ વિપત્કારી સ્વપ્નાંઓનું ગર્ભસ્થાન પુરાતન,
તમિસ્રે ગૂંચળું વાળી રહેલું કીટ-પોત શું
સ્વર્ગના તારકો કેરા
ભલાઓની અણીઓથી જે તમિસ્ર એને રક્ષિત રાખતું.
દરવાજો હતું એહ અસત્ એક આનંતનો,
હતું એ શાશ્વતી પૂરેપૂરી ઘોર સ્વતંત્ર અસ્તિઓતણી,
અધ્યાત્મ વસ્તુઓ કેરો નકાર હદપારનો.
આત્માને ભુવને જેઓ એકવાર સ્વયમેવ પ્રકાશતા,
બદલાઈ હવે તેઓ પોતાનું તિમિરે ભર્યું
૧૯૯
ઉલટું રૂપ પામતા :
ધબી સત્વ જતું એક અર્થહીન અભાવમાં,
જે તે છતાં હતું શૂન્ય વિશ્વોને જન્મ આપતું;
અચિત્ ગળી જઈ વૈશ્વ મનને ઉપજાવતું
હતું બ્રહ્યાંડ પોતાની પ્રાણહારી સુષુપ્તિથી;
પડેલો પરમાનંદ ભાન ખોઈ કાળા પ્રાણ-વિરામમાં,
વીંટળાયેલ પોતાની આસપાસ પડી 'તી પારમા મુદા
વળી પાછી કુંડાલાકારની મહીં,
પ્રભુનો શાશ્વતાનંદ,
જન્મ છે જ્યાં મહાપીડા ને મૃત્યુ ઘોર યાતના
ત્યાં મૂગા લાગણીહીન જગ કેરી જમીનમાં
સ્થાપી સ્થિર કરાયલા
ક્રોસની પર ખીલીઓ મારી દુઃખી દશામાં છે જડયો હજુ
વ્યથા ને શોખના જૂઠા મર્મવેધક રૂપમાં,
કે રખે સધળું પાછું અતિ શીઘ્ર
પલટાઈ જઈ રૂપ પરમાનંદનું ગ્રહે.
સર્પ-ત્રિકાતણા કાળા પોતા કેરા ત્રિપાદાસનની પરે
બેઠી છે ચિંતના પુજારિણી પાપવિકારની,
વિપરીત નિશાનીઓ દ્વારા શાસ્ત્ર વાંચતી એ સનાતન,
ચોકઠું પ્રભુતા કેરું જિંદગીનું ઉલટાવી દેતી જાદૂતણે બળે.
અંધકારસ્થ માર્ગોમાં આસનશ્રેણિ મધ્યના,
દીવા જ્યાં દુષ્ટ આંખોના છે ને બાજુ આવેલા ઓરડા મહીં
પ્રાણઘાતક સૂરોએ સ્તોત્રનું ગાન થાય છે
તે વિચિત્ર નારકીય અને કાળા ધર્મના આલયોમહીં
અપવિત્ર મંત્રશબ્દ ઉચ્ચારી અભિચારનો
અનિષ્ટ ભાખતી દીક્ષાધારિણી ગૂઢ ત્યાં
રહસ્યતાઓનો વિધિ પોતાતણો આચરતી હતી.
વ્યથાવ્યાકુલ હૈયાને અને દેહમાટીને લલચાવતો
હતું ત્યાં દુઃખ ખોરાક નિત્ય કેરો નિસર્ગનો,
હતી અત્યંત પીડા ત્યાં વિધિસૂત્ર મુદાતણું,
૨૦૦
સ્વર્ગીય સુખની ત્રાસ કરતો ત્યાં વિડંબના.
પ્રભુના બેવફા માળી બન્યું 'તું શુભ, તે તહીં
પાતું પુણ્યતણું પાણી વિશ્વના વિષવૃક્ષને,
બાહ્ય વચન ને કર્મ વિષયે સાવધાન એ
પાખંડનાં પ્રસૂનોની કલમોને દેશી પાપે ચઢાવતું.
ઉમદા વસ્તુઓ સર્વ સેવતી 'તી નીચેના લોક મધ્યના
પોતાના વિપરીતને :
દેવો કેરાં સ્વરૂપોને પાળવો પડતો હતો
ધર્મ દાનવ લોકનો;
મુખ સ્વર્ગતણું છદ્મ અને ફંદો બની નરકનો જતું.
મોઘ ગોચર દૃશ્યોને હૈયે ઘોર કર્મના અમળાટથી
ભરેલા મર્મની મહીં
સીમાતીત અને આછી અવલોકી એણે ત્યાં એક આકૃતિ;
જન્મેલી વસ્તુઓને સૌ ગળી જાનાર મૃત્યુની
પર આસીન એ હતી.
થીજેલું સ્થિર મોઢું ને સ્થિર એની હતી આંખો બિહામણી,
છાયા શા લાગતા એના પ્રલંબાવેલ હસ્તમાં
હતું ઘોર ત્રિશૂળ, ને
વીંધતી એ હતી સર્વ પ્રાણીઓને એક ભાગ્યવિધાનથી.
હતું નહીં કશું જયારે ચૈત્યહીન જડતત્વ વિના, અને
આત્મારહિત પોલાણ હતું હૃદય કાળનું,
ત્યારે સ્પર્શી પ્રાણશક્તિ પ્હેલ વ્હેલી સંજ્ઞારહિત ગર્તને;
ખાલીખમ હતું તેને જગાડીને
આશાનું ને દુઃખ કેરું એને ભાન કરાવિયું,
સ્વકીય દૃષ્ટિથી જેમાં પ્રભુ પોતે રહેલા છે છુપાયલો
તે અગાધ રાત્રિને ઘા કર્યો એણે પોતાના મંદ રશ્મિથી.
એ સૌ વસ્તુમહીં સત્ય સુપ્ત ને ગૂઢ તેમનું
શોધવા માગતી હતી,
ને સંજ્ઞાહીન રૂપોને પ્રેરનારો અનુચ્ચારિત શબ્દ જે
૨૦૧
તેને તે ઢૂંઢતી હતી;
અદૃશ્ય ઋતધર્માર્થે પ્રભુનાં ગહનોમહીં
વલખાં વીણતી હતી,
આછા અંધારથી પૂર્ણ અવચેતનતામહીં
એના માનસને માટે ફાંફાં એ મારતી હતી,
મથતી શોધવા માર્ગ આત્મા માટે અસ્તિત્વે આવવાતણો.
પરંતુ રાત્રિ મધ્યેથી અન્ય ઉત્તર આવિયો.
બીજ એક નખાયું 'તું એ રસાતલ-ગર્ભમાં,
મૂક ને ન શલાકાઓ શોધી કાઢેલ છોતરું
હતું વિકૃત સત્યનું,
હતો કોષાણુ કો એક અસંવેદી અનંતનો.
ગર્ભે પ્રકૃતિના ઘોર નિજ વૈશ્વ સ્વરૂપમાં
અવિદ્યાએ કર્યો સજ્જ જન્મ દારુણતા ભર્યો,
પછી અઘોર કો એક દૈવ વિનાશક મુહૂર્તમાં
સાવ અચિત્ તણી નિદ્રાથકી કૈંક સમુદ્ ભવ્યું,
મૂક શૂન્યે અનિચ્છાથી આપ્યો 'તો જન્મ એહને,
એણે વિનાશના ઘોર રાક્ષસી સ્વશરીરની
છાયા ભૂ પર પાથરી,
ઠંડાંગાર કરી દીધાં સ્વર્ગો એણે ધમકી આપતા મુખે.
આપણા વિશ્વને માટે વિજાતીય અસીમ કો
શક્તિ એક અનામી ને છાયા-ઘેર્યો એક સંકલ્પ ઉદભવ્યો.
માપ્યો ન કોઈથી જાય એવા એક કલ્પનાતીત આશયે
વિરાટ એક અસતે વાઘા રૂપતણા ધર્યા,
અચેત ગહનો કેરા અજ્ઞાને હદપારના
ઢાંકી શાશ્વતતા દીધી શૂન્યાકાર અવસ્તુથી.
શોધનાર મને લીધું સ્થાન જોનાર ચૈત્યનું:
ભીમકાય અને ભૂખ્યા મૃત્યુ કેરું રૂપ જીવન ધારતું,
બદલાઈ ગયો બ્રહ્યાનંદ વિશ્વવ્યાપી દુઃખસ્વરૂપમાં.
રહી તટસ્થ પોતાને પ્રચ્છન્ન રાખતો
હતો તે ખાતરી થતાં
૨૦૨
જીતી દિગ્દેશને લેતો ઘોર એક પ્રતિરોધ મહાબલી.
જૂઠાણું, મૃત્યુ ને શોક પર રાજા જેમ રાજ્ય ચલાવતા
એણે પૃથ્વી પરે ક્રૂર આધિપત્ય સ્થાપ્યું દોરદમામથી;
મૂળ શિલ્પતણી શૈલી ભૂના ભાગ્યવિધાનની
વિસંવાદી કરી દઈ
આદિ સંકલ્પ વિશ્વાત્માતણો એણે અસદરૂપ બનાવિયો,
પ્રક્રિયા દીર્ધ ને ધીરી ધૈર્ય ધારંત શક્તિની
મહામથનની સાથે સંયોજી, ને
અધોર પલટાઓની સાથે સંકલિતા કરી.
ભ્રમારોપ કરી મૂળ તત્વમાં વસ્તુઓતણા
રૂપ અજ્ઞાનનું એક આપ્યું એણે સર્વ-વિદ્ ઋતધર્મને;
એણે સંભ્રમમાં નાખ્યો જિંદગીના ગૂઢ આશય મધ્યના
ખાતરીબંધ સ્પર્શને,
જડતત્વતણી નિદ્રામહીં છે જે અંત:સ્ફુરિત જ્ઞાનથી
માર્ગદર્શન આપે છે તેને ચૂપ બનાવિયો,
વિરૂપિતા કરી નાખી જંતુઓ ને જનાવરો
કેરી સહજ-પ્રેરણા,
વિચારે જન્મ લેનારી માનવીની મનુષ્યતા
કરી નાખી એણે કુરૂપતા ભરી.
સાદી-સીધી પ્રભા આડે છાયા એક પડી ગઈ :
ગુહા-ગહવરમાં સત્યજ્યોતિ જે જલતી હતી,
ને રાજતો હતો દેવ દેવળે જે તેને સંગાથ આપતી,
ગુપ્તતાના સ્થિર કો પટ-પૂઠળે
વેદિકાગૃહમાં દૃષ્ટે કોઈની યે પડયા વણ પ્રકાશતી,
તે સત્યજ્યોતિ પે એક અંધકાર ફરી વળ્યો.
વિરોધી શક્તિ આ રીતે જન્મ પામી ભયંકરી,
શાશ્વતી જગદંબાના મહાબલ સ્વરૂપની
કરતી જે વિડંબના,
અને રાત્રિમહીં છાયામૂર્ત્તિ સ્વીય વિકૃતા વર્ણઘૂસરી
વિસ્તારી, કરતી હાંસી માની જ્યોતિર્મયી અનંતતાતણી.
૨૦૩
આરોહંતા ચૈત્ય કેરા ભાવાવેગ વચ્ચે અટક નાખતી,
લાદતી એ બલાત્કારે
ખમચાતી અને ધીરે ગતિ જીવનની પરે;
ગૂઢ વર્તુલરેખાની પર ક્રમવિકાસની
છે મુકાયેલ જે એના હસ્તનો ભાર દાબતો
તે દિશા બદલી નાખી એની એના વેગને મંદ પડતો :
એના છેતરતા ચિત્ત કેરી કુટિલ રેખને
ન જોઈ શકતા દેવો, ને લાચાર મનુષ્ય છે;
દાબી ચૈત્યાત્મ મધ્યેનો દઈ ઈશ-સ્ફુલિંગને
નિપાત પશુતા પ્રત્યે બલાત્કારે કરાવે એ મનુષ્યનો.
છતાં ભીષણતાયુક્ત ચિત્તે એના સહજફૂરણા ભર્યા
કાળને હૃદયે 'एक एव' કેરી વૃદ્ધિ અનુભવંત એ,
ને એ નિહાળતી ઢાળામહીંથી માનવીતણા
અમૃતાત્મા પ્રકાશતો.
પોતાના રાજ્યને વાસ્તે ધાસ્તી એની મહીં રહે
ને ભયે ને રોષે જાય ભરાઈ એ,
અટૂલા આત્મ-તંબૂની મહીંથી રશ્મિ નાખતી
જે પ્રત્યેક જોત અંધકાર મધ્યે પ્રકાશતી
હિંસ્રની જેમ તે એની આસપાસ ફર્યા કરે
ઘોર ચોરતણી ચાલે ચૂપચાપ આશા પ્રવેશની કરી
દિવ્ય બાલકને પૂરો કરી દેવા એના પારણિયામહીં.
કળી શકાય ના એવાં છે એનાં બળ ને છળ,
મોહિનીને ને મૃત્યુ રૂપ હોય છે સ્પર્શ એહનો;
શિકારના જ આનંદ દ્વારા મારી નાખતી સ્વ શિકાર એ;
શુભનેય બનાવી દે આંકડી એ ખેંચી નરકમાં જવા.
એને લીધે જગત્ દોડી જતું ઘોર પોતાની યાતના ભણી.
ઘણી યે વાર તો યાત્રી જતો શાશ્વતને પથે
કારણે વાદળાંતણા
મનના ઝંખવાયેલા ચંદ્રે ચાલે અલ્પસ્વલ્પ પ્રકાશમાં,
કે વિમાર્ગે લઇ જતી
૨૦૪
વાંકીચૂંકી ગલીઓમાં એકલો આથડયા કરે,
કે મળે નવ જ્યાં માર્ગ એવા રણ-પ્રદેશમાં
જઈ ગાયબ થાય છે,
ને પરાભવ પામીને એની સિંહ-છલંગથી
પરાજિત બની બંદી પડે એના પંજા નીચે ભયંકર.
અને કામી ઊંહકારે નાશકારક મોંતણા
મદમસ્ત બનેલા એ,
પવિત્ર અગ્નિનો એકવારનો જે સહચારી સખા હતો
ને મર્ત્ય માનવી જાય મરી ઈશ પ્રતિ ને જ્યોતિની પ્રતિ,
એને હૈયે અને ભેજે વિરોધી કો એક રાજ્ય ચલાવતો,
માતૃશક્તિતણી પ્રત્યે વેરભાવે વર્તનાર સ્વભાવનો.
પાર્થિવ પ્રકૃતિને જે મોટી મોટી બનાવતી
અને એનું મૂળ રૂપ બગાડતી,
તે આસુરી અને દૈત્ય-સ્વભાવી શક્તિઓતણી
આધીનતાતણો અંગીકાર પ્રાણ કરંત ને
સેવામાં એમની અર્પી દેતો સૌ નિજ સાધનો :
પાંચમા વ્યૂહનો શત્રુ બુકાનીમાં અવ દોરે વિચારને;
નિરાશાવાદના એના ચાલક મર્મરાટથી
શ્રદ્ધા હણાઈ જાય છે,
ને હૈયામાં રહીને કે બ્હારથી કાન ફૂંકતો,
પાપી ને તિમિરગ્રસ્ત જૂઠાબોલી પ્રેરણાઓ સુણાવતો,
દિવ્ય પદ્ધતિને સ્થાને નવીન સ્થાપના કરે.
આત્માનાં શૃંગને માથે એક નીરવતા ઠરે,
પડદા પૂઠના દેવમંદિરેથી પ્રભુ પાછો જતો રહે,
વધૂનો ખંડ છે ખાલી ને ઉષ્માહીનતા ભર્યો;
આભામંડળ સોનેરી ન હવે નજરે પડે,
પ્રસ્ફૂરે ન હવે શુભ્ર રશ્મિ અધ્યાત્મતાતણું,
ને સદાકાળને માટે ચુપકીદી છૂપો અવાજ ધારતો.
ચોકિયાત-મિનારાનો દેવદૂત
૨૦૫
યાદી કેરે ચોપડેથી ચેકી નાખે નામ એક લખાયલું;
સ્વર્ગમાં કરતી ગાન જવાળા એક ઠરી મૂક થઇ જતી,
સત્યનાશમહીં અંત આવે આત્મા કેરી વીરકથાતણો.
દુઃખપર્યવસાની આ વાત આંતર મૃત્યુની
દિવ્ય તત્વતણો જયારે અર્થદંડ અપાય છે
અને મન તથા દેહ મરવા કાજ જીવતાં.
કેમ કે પરમાત્મા દે રજા માધ્યમોને પ્રવર્તવાતણી,
અને છે સૂક્ષ્મ ને ભીમકાય ભીષણ શક્તિઓ
જેઓ ઢાલ બનાવે છે અવિદ્યાના બનેલા ઢાંકણાતણી.
ઓલાદો ઘોર ગર્તોની તામિસ્ર બલના કાર્યવાહકો,
વિદ્વેષી જ્યોતિના, તેઓ અસહિષણુ બને છે શાંતિની પ્રતિ,
સખા ને ભોમિયા કેરું લઇ રૂપ બનાવટી
મન આગળ આવતા,
હૈયે શાશ્વત સંકલ્પ છે જે તેની સામે વિરોધમાં પડે,
અને નિગૂઢ ને ઊર્ધ્વે ઉદ્ધારંતા
સ્વરૈકય સાધનારાને સંતાડે અવગુંઠને.
એની વિજ્ઞાનવાણીનાં બનાવતાં આપણે કાજ બંધનો;
દ્વારોએ પ્રભુનાં મારી દે એ તાળાં ચાવીએ સંપ્રદાયની,
ધર્મધારાતણા દ્વારા બ્હાર રાખે અશ્રાંતા પ્રભુની કૃપા.
માર્ગે માર્ગે પ્રકૃતિનાં નિજ થાણાં છે બેસાડેલ એમણે,
જ્યોતિની વણજારોને આવતાં અવરોધતા;
જ્યાં જ્યાં પ્રવૃત્ત થાયે છે દેવો ત્યાં ત્યાં આવી એ વચમાં પડે.
ઝૂંસરી છે નખાયેલી તમે છાયા હૈયા ઉપર વિશ્વના,
ઢાંકી રખાય છે એના ધબકારા પરમોચ્ચ મુદાથકી,
ને ઝગારા મારનાર મનની સીમ બાંધતી
પરિરેખા રચે બાધા સ્વર્ગના દિવ્ય અગ્નિના
પ્રવેશો સૂક્ષ્મ થાય ત્યાં.
કાળા સાહસિકો જીતી જતા હોય એવું હંમેશ લાગતું;
દેતા તેઓ ભરી પાપ-સંસ્થાઓએ નિસર્ગને,
૨૦૬
સત્યના વિજયોને દે પલટાવી પરાજયે,
છે સનાતન ધર્મો તો જૂઠાણાં, એ એવી ઉદઘોષણા કરે,
ને માયાવી અસત્યોથી લાદે પાસા વિનાશના;
વિશ્વનાં મંદિરોમાં એ બેઠા છે સ્થાનકો લઇ,
ને પચાવી પડયા છે એ એનાં રાજસિંહાસનો.
દેવોની ઘટતી જાતી તકો પ્રત્યે તિરસ્કાર બતાવતા,
સૃષ્ટિ જાગીર પોતાની છે જીતેલી એવો દાવો રજૂ કરે,
અને કાળતણા પોતે પોલાદી પ્રભુઓ બની
પોતાને અભિષેકીને માથે મુગટ પ્હેરતા .
પૂરા પાવરધા ઇન્દ્રજાળના ને મ્હોરાંના કાર્યની મહીં,
સૃષ્ટિના પતનોના ને પીડાઓના કળાકુશળબાજ એ,
માટીને મંદિરે પૃથ્વીલોકની જિંદગીતણા
વિજયી રાત્રિની યજ્ઞવેદીઓની એમણે રચના કરી.
પવિત્ર અગ્નિની ખાલી પડેલી પ્રાન્તભૂમિમાં
કોઈથી જાય ના ભેદી એવી આછા અંધારે ભર આડની
સામે આવેલ વેદીની પીઠે ચાલી રહેલી વિધિ ગૂઢ, ત્યાં
ધારી કિરીટ ગંભીર મંત્રપાઠે પુરોહિત
બોલાવી હૃદયે સ્વીય લાવે છે ઘોર સંનિધિ :
પ્રભાવપૂર્ણ આપીને નામ પાવન એમને
મંત્રાક્ષરો ચમત્કારી ઉચ્ચારે એ જાદૂઈ સંહિતાતણા
અને આવાહતો કાર્ય અણદીઠ પ્રસાદનું;
દરમ્યાન ધૂપની ને જપાતી પ્રાર્થના વચે,
જગ જેથી રહ્યું ત્રાસી તે સૌ ઘોર સતામણી
મેળવાતી, મનુષ્યના
હૈયા કેરી કટોરીમાં ફેનથી ઊભરી જતી,
ને ધર્મપૂત મદિરા રૂપે રેડી એ સમર્પાય એમને.
દેવતાઈ ધરી નામો દોરતા એ અને રાજ્ય ચલાવતા.
આવ્યા છે એ વિરોધીઓ બનીને પરમોચ્ચના
એમના એક લોકથી,
છે જ્યાં વિચાર ને શક્તિ પણ આત્મા નથી જહીં,
૨૦૭
ને વિશ્વની વ્યવસ્થાને સેવે તેઓ દુશ્મનાવટ દાખવી.
રાત્રીનો આશરો લે એ અને ત્યાંથી યુદ્ધની યોજના કરે.
અચિંની અસિ ને જ્યોતિર્મયી આંખ વિરુદ્ધમાં
ગાઢ અંધારને કિલ્લે બુર્જ પૂઠે એમનો વસવાટ છે
અસૂર્ય શાંત એકાંત મધ્યે સલામતી ભર્યો :
ભમતું રશ્મિ સ્વર્ગીય પ્રવેશી શકતું ન ત્યાં.
ધારી બખ્તર ને જીવલેણ છદ્મવેશે રક્ષાયલા રહી,
જાણે કે શિલ્પશાળામાં સર્જનાત્મક મૃત્યુની
દૈત્યરૂપ સુતો અંધકાર કેરા બેસીને ત્યાં પ્રયોજતા
પૃથિવી પરનું નાટય, રંગમંચ વિનાશાત્મક એમનો.
પડેલા વિશ્વનો જેઓ ઉદ્ધાર કરવા ચહે
તે બધાને અવશ્ય આવવું પડે
એમની શક્તિની કાળી કમાનો હેઠ કારમી;
કેમ કે દેવતાઓનાં પ્રભાપૂર્ણ બાળકોનેય નાખવા
અંધકારમહીં ખાસ એમનો અધિકાર છે,
હક છે ઘોરતા ભર્યો.
નરકાલયને પાર કર્યા વગર કોઈએ
પ્હોંચી ના સ્વર્ગમાં શકે.
વિશ્વોના સફારીને આ સાહસે ખેડવું પડે.
અતિપ્રાચીન આ દ્વન્દ્વયુદ્ધે યોધ બનેલ એ
પ્રવેશ્યો મૂક ને આશા છોડતી રાત્રિની મહીં
જ્યોતિર્મય નિજાત્માથી પડકારો આપતો અંધકારને.
ઊમરાના તિમિરે પગલાંએ ભયભીત બનાવતો
આવ્યો એ ઉગ્ર ને દુઃખપૂર્ણ એક પ્રદેશમાં
વસતા જ્યાં હતા જીવો આસ્વાદ જેમને કદી
મુદાનો ન થયો હતો;
જન્મથી અંધ લોકોની જેમ તેઓ જ્યોતિ શું તે ન જાણતા,
સૌથી ખરાબની સૌથી સારા સાથે કરતા તે બરાબરી,
એમની દૃષ્ટિએ પુણ્ય મુખ પાપતણું હતું,
૨૦૮
દુઃખ-દુરિત તેઓની સ્વાભાવિક હતી સ્થિતિ.
ઘોર શાસનની દંડ દેતી દારુણ પદ્ધતિ
દુઃખ ને શોકને દેતી હતી રૂપ સામાન્ય કાયદાતણું ,
હર્ષહીણું બની જાય જગ આખું એવો હુકમ કાઢતી;
એણે જીવનને દીધું પલટાવી
સખ્ત સ્નેહીતણા ધર્મપ્રકારમાં,
એણે રીબામણી દીધી બનાવી રોજરોજનો
તહેવાર સુખે ભર્યો.
સુખને દંડ દેનારો થયો પસાર કાયદો;
ઘોર પાપો ગણી હાસ્ય ને પ્રમોદ કેરી બંધ થઇ ગઈ :
મન પ્રશ્ન કરે ના તે લેખાતું 'તું શાણું સંતોષથી ભર્યું,
મંદતાપૂર્ણ હૈયાનું ઔદાસીન્ય શાંતિનું નામ પામતું :
નિદ્રા હતી ન ત્યાં, તંદ્વામાત્ર આરામમાં હતી,
આવતું મૃત્યુ, તે કિંતુ આપતું ના હતું રાહત અંત વા;
જીવ જીવ્યા જ હંમેશા કરતો ને સહ્યા જ કરતો વધુ.
વધુ ઊંડે તપાસીને
રાજા તાગ દુઃખના એ રાજ્યનો કાઢતો હતો;
યાતના પૂઠ એથીયે ચઢી જાતી અઘોર યાતનાતણા
જગનો ત્રાસ રાજાની આસપાસ વૃદ્ધિમંત થયો હતો,
ને એ ત્રાસમહીં મોટો દુષ્ટ આમોદ આવતો
થતો જે ખુશ પોતાની ને પરાયાંતણી ઘોર વિપત્તિથી.
ત્યાં વિચાર અને પ્રાણધારણા, બે લાંબી શિક્ષા બન્યાં હતાં,
બોજારૂપ હતો શ્વાસ, અને આશા શાપરૂપ હતી તહીં,
દેહ બન્યો હતો ક્ષેત્ર યંત્રણાનું ને પુંજીભૂત પીડનું;
એક દુઃખ અને બીજા દુઃખની વચગાળમાં
જોવાતી વાટ જે તે જ હતી આરામની સ્થિતિ.
હતો નિયમ આ ત્યાં સૌ વસ્તુઓનો
ને એને પલટો દેવાતણું સ્વપ્ન ન કોઈ સેવતું હતું :
કઠોર ગમગીનીએ ભર્યું હૈયું
ને ના હાસ્ય કરે એવું મન કર્કશતા ભર્યું
૨૦૯
ઓચાવીને બનતી અળખામણી
મીઠાઈ હોય ના તેમ હડસેલી સુખને મૂકતાં હતાં;
થકવી નાખનારી ને કંટાળો ઉપજાવતી
શાન્તાવસ્થા હતી તહીં :
દુઃખસહનથી માત્ર જિંદગીમાં રંગ કૈં આવતો હતો;
પીડા કેરા મસાલાની
ને મીઠાની અશ્રુઓના હતી એને જરૂરત.
મટી હોત જવાતું તો જાત રૂડું બધું બની;
તે ન તો કૈં મળે મોજ તીવ્રતાએ ભર્યાં સંવેદનો વડે :
ઈર્ષાની ઉગ્રતા હૈયું ખવાતું બાળતી હતી
ખૂનખાર ઝેરવેર અને લોલુપતાતણો
મરાતો ડંખ ત્યાં હતો,
લલચાવી જઈ ખાડે પડે એવી થતી ત્યાં કાન-ફૂંકણી,
ને દગાબાજ ઘા થતો,
મંદ ને દુઃખથી પૂર્ણ ઘડીઓ પર આ બધાં
ચમકીલાં છાંટણાં પડતાં હતાં.
દુર્દશાનું નાટય ચાલી રહેલું અવલોકવું,
અમળાતા દુખી જીવો દાંતા નીચે અભાગ્યના,
રાત્રિમાં શોકની દૃષ્ટિ દયાજનકતા ભરી,
મહાત્રાસ અને હૈયું ભયનું ઘણ મારતું,
આ સૌ ભર્યાં હતાં ભારે કટોરામાંહ્ય કાળના,
કડવા સ્વાદથી એના ખુશાલી ઉપજાવતાં
ને એની મોજ લેવામાં સહાય કરતાં હતાં.
આવી દારુણ સામગ્રી
રચતી 'તી જિંદગીની લાંબી નરકયાતના :
કાળા કરોળિયા કેરી જાળના તંતુ આ હતા
જેમાં જીવ ઝલાતો 'તો ધ્રૂજતો ને લપેટાયેલ તંતુએ;
આ હતો ધર્મ, આ ધારો હતો પ્રકૃતિનો તહીં.
હીન એક મંદિરે દુષ્ટતાતણા
કાળી કોક દયાહીન શક્તિની એક મૂર્તિને
૨૧૦
પૂજવાને વળી વાંકા શૈલહૈયાચોક ઓળંગવા પડે,
દુર્ભાગ્યનાં તલો જેવી ત્યાંની ફરસબંધીઓ
વટાવીને જવું પડે.
હર પથ્થર ત્યાં એક હતી ધાર તીક્ષ્ણ નિર્દય શક્તિની,
રેંસાયેલાં વક્ષ કેરા થીજી ગયેલ રકતથી
લબદાઈ લગાયલો
ગાંઠાળાં રૂક્ષ વૃક્ષો ત્યાં મરતાં માણસો સમાં
ઉભાં 'તાં અકડાયેલી સ્થિતિમાં યાતનાતણી,
હર બારી થકી બ્હાર ડોકિયું કરતો હતો
અનિષ્ટ ભાખતો હોતા હત્યા રૂપી મોટી મ્હેરતણે સમે
ગાતો સ્તોત્ર મહિમ્નનું
પુરો ઉન્મૂલ, પ્રધ્વંસ પામેલાં ગૃહે લોકનાં,
દાઝયા--તડફતા દેહો--હત્યાકાંડ હતો બોંબતણો બધો.
ગાતા એ, "શત્રુઓ ભોંયભેળા, ભોંયભેળા અમ થયેલ છે,
એક વારેય જે આવી પડે આડે અમારી મરજીતણી,
પ્રહાર તેમને માથે થાય છે, તે મર્યા પડયા;
કેવામોતા અમે છીએ, તું યે કેવો દયાળુ છે !"
પ્રભુની ઘોર ગાદીએ પ્હોંચવાને તેઓ આવું વિચારતા
ને પોતાનાં બધાં કર્મો જેની વિરુદ્ધ જાય છે
તેને આવા આદેશો પણ આપતા,
પોતાનાં કર્મને મોટું રૂપ દેતા વિભુનું વ્યોમ સ્પર્શતું,
પ્રભુને નિજ પાપોમાં સાગરીત બનાવતા.
ત્યાં દ્રવંતી દયા માટે સ્થાનની શક્યતા 'તી,
બળ નિર્ઘૃણ ને લોઢા જેવા ભાવો તહીં સત્તા ચલાવતા,
બેતારીખી બાદશાહી ત્રાસની ને તમિસ્રની
અમલી ત્યાં બની હતી :
આણે લીધું હતું રૂપ એક કાળમુખાળા દેવતાતણું,
પોતે સર્જી હતી ઘોર દુર્દશા જે તેનું પૂજન પામતો;
એણે રાખ્યું ગુલામીમાં હતું જગત દુ:ખિયું,
ને ચાલુ દુઃખની જોડે ખીલો મારી જડાયલાં
૨૧૧
હૃદયો નિ:સહાય જે
તે ગૂંદી કીચડે દેતાં
પોતાને તે છતાં એનાં પગલાં પૂજતાં હતાં.
હતું જગત એ શોક કેરું ને ઝેરવેરનું,--
શોક જેનો એકમાત્ર આનંદ ઝેરવેર છે,
ને ઝેરવેર જે માને બીજાંઓના શોકને નિજ ઉત્સવ;
દુઃખ સ્હેતા મુખે વ્યાપે વ્યાત્ત વક્રરેખાઓ કડવાશની;
દુ:ખાન્ત ક્રૂરતા જોતી પોતાની ત્યાં તક ઘોર અનિષ્ટની.
એ પ્રદેશે હતો દ્વેષ મહાદૂત સ્વર્ગનો શ્યામ વર્ણનો;
કાળા મણિ સમો હૈયે ટમકી એ રહ્યો હતો,
ચૈત્યને દહતો એની અમંગલ પ્રભાથકી
એના સામર્થ્થના ઘોર ગર્તે આળોટતો રહી.
વસ્તુઓ તહીંની આ દુર્ભાવોને ઝરતી લગતી હતી,
કેમ કે ઉભરાઈને જડમાં યે હતું મન પ્રવેશતું,
અને નિર્જીવ ચીજો યે
ઝીલેલી દુષ્ટતા દ્વારા દુષ્ટ ઉત્તર આપતી,
એમને ઉપયોગે જે
લેતાં તેઓતણી સામે બળો દ્વેષી પ્રયોજતી,
હાની પ્હોંચાડતી હાથ વિના ને કો વિલક્ષણ પ્રકારથી
ઓચિંતી નાખતી હણી,
નક્કી થયેલ શસ્ત્રો એ બની જાય ન દેખાતા નસીબનાં.
કે દુર્ભાગી જેલ કેરી ભીંત જીવો એ પોતે જ બનાવતા,
જ્યાં ધીરે સરતી હોરા દરમ્યાન સજા પામેલ જાગતા,
ઘડીઓ જ્યાં ગણાતી 'તી ઘોર ઘંટાનિનાદથી.
ભૂંડી પરિસ્થિતિ દ્વારા ભૂંડા જીવો વધુ ભૂંડા બની જતા:
હતી સભાન ત્યાં ચીજો ને બધી એ હતી વિકૃતિએ ભરી.
આ રસાતલને રાજ્યે હામ ભીડી રાજા આક્રામતો વધ્યો,
ગર્તે સૌથી વધુ ઊંડે, સૌથી તામિસ્ર હાર્દમાં
પ્રવેશ્યો ને કર્યો ક્ષુબ્ધ પાયો એનો અંધકાર વડે ભર્યો,
પ્રાચીન હકના એના દાવાની ને એની અબાધ શક્તિની
૨૧૨
સામે સ્પર્ધા ભર્યું સાહસ આદર્યું :
રાત્રિ મધ્યે ઝંપલાવ્યું જાણી લેવા એના અઘોર હાર્દને,
નરકે નારકી મૂળ શોધ્યું, શોધ્યું વળી કારણ તેતણું,
યાતના પૂર્ણ ઊંડાણો એનાં ખુલ્લાં
થયાં એના પોતાના ઉરની મહીં;
સુણ્યો કાન દઈ એણે શોર એની તુમુલાયિત આર્ત્તિનો,
સુણી ધબક હૈયાની એની પ્રાણહારી એકલતાતણી.
ઠંડીગાર અને બ્હેરી હતી ઉપર શાશ્વતી.
અવિસ્પષ્ટ અને ઘોર માર્ગોમાં સર્વનાશના
અવાજ સાંભળ્યો એણે ભૂતો કેરો મારવા કાજ દોરતો,
દૈત્ય સંકેતની એણે મોહિનીઓતણો ત્યાં સામનો કર્યો,
વિરોધી વ્યાલના છૂપા છાપા મધ્યે થઇ એ સંચર્યો વળી.
ડારનારા પ્રદેશોમાં ને રિબાતાં એકાંતો માંહ્ય એકલો
સાથી વગર ઘૂમ્યો એ માર્ગો મધ્ય થઇ નિર્જનતા ભર્યા,
ઘાટ વગરને વ્હેણે જુએ જ્યાં વાટ રગતિયું વરુ,
ને ઊભી ભેખડે કાળાં ગરુડો જ્યાં કરે ચીત્કાર મૃત્યુનાં,
શિકારી કૂતરા એને ફાડી ખાનાર ત્યાં મળ્યા,
માનવીઓતણાં હૈયાં પૂઠે જે પડતા હતા
ને ભસ્યા કરતા, દૈવ કેરાં ખુલ્લાં બીડોમાં થઇ દોડતા,
તલહીન રણક્ષેત્રો માંહે અગાધ ગર્તનાં
દ્વન્દ્વયુદ્ધો કર્યાં એણે છાયાલીન મૂક નિર્નેત્ર ગહવરે,
સહ્યા નરકના એણે હુમલા ને પ્રહારો આસુરી સહ્યા,
ને રુઝાવામહીં ધીરા એવા ક્રૂર ઘા ઝીલ્યા ભીતરે થતા.
અવગુંઠિત માયાવી શક્તિ કેરો બંદીવાન બનેલ એ
જૂઠાણાની જીવલેણ જાળ મધ્યે ઝલાયલો
ને જતો ઘસડાઈ એ,
વારે વારે શોક કેરા ફાંસાઓમાં ગૂંગળામણ વેઠતો,
કે ફેંકાતો ગળી જાતા શંકા કેરા કાળા કળણની મહીં,
કે ભૂલ ને નિરાશાના ખાડાઓમાં પુરાતો પટકાઈને;
ઝેરના ઘૂંટડા એણે પીધા એના રહ્યો એકે ન ત્યાં સુધી.
૨૧૩
આશા કે હર્ષ એકે જ્યાં આવવાને સમર્થ ના
એવે લોકે પૂર્ણ પાપરાજ્ય કેરી કસોટી કારમી સહી,
છતાં એણે નિજાત્માનું પ્રભાપૂર્ણ સત્ય અક્ષત રાખિયું.
ગતિ કે બળને માટે શક્તિમાન હતો ન એ,
જડતત્વતણા પૂરા નકારે કેદ અંધ એ,
મૂળાધારતણી કાળી જડતા શું જડાયલો
રાજા અશ્વપતિ હતો,
છતાં બે હાથની વચ્ચે ચૈત્યાત્માની જોત એણે ઝબૂકતી
ઝાલી રાખી મહામૂલ્ય ખજાના સમ સાચવી.
મનોવિહીન રિકતે ત્યાં સત્ત્વે એના ભીડી હામ પ્રવેશવા;
અસહિષ્ણુ મહાગર્તો હતા જે ત્યાં
તેમને ના હતું જ્ઞાન વિચારનું
કે સંવેદનનું કશું;
વિચાર વિરમ્યો, પામી લોપ ઇન્દ્રિય-ચેતના ,
તે છતાં યે ચૈત્ય આત્મા એનો જોતો હતો ને જાણતો હતો.
અણુશ: ખંડતારૂપ પામનારા અનંતમાં,
આરંભો મૂક છે જેના લુપ્ત આત્મા કેરી સમીપમાં,
પાર્થિવ વસ્તુઓ કેરી સૃષ્ટિની કૌતુકે ભરી
ક્ષુદ્ર નિ:સારતા કેરું ભાન એને થયું તહીં.
કાઢ્યો એણે તાગ કાળી તલહીન રહસ્યામયતા ભર્યા
નિઃસીમ વ્યર્થ ઊંડાણોવાળા એ અબ્ધિઓતણો,
જહીંથી મથને પૂર્ણ ઉદભવ્યો છે પ્રાણ મરેલ વિશ્વમાં,
કિન્તુ અચિત્ તણાં પોલા પ્રદોષે એ ગૂંગળાઈ જતો હતો.
તહીં અનુભવી એણે
મને જેને ગુમાવી છે તે સંપૂર્ણ એક્સ્વરૂપતામહીં
અસંવેદી વિશ્વ કેરી સીલબંધ યથાર્થતા,
લહ્યું અજ્ઞાન રાત્રીમાં રહેલા મૂક જ્ઞાનને.
પાતાળી ગુપ્તતામાં એ આવ્યો, જ્યાં નિજ ઘૂસરા
ને નગ્ન ગાદલા પાર કરે તિમિર ડોકિયું,
ને એ ઊભો જઈ છેલ્લી તાળે વાસી અવચેતન-ભૂમિએ,
૨૧૪
સદાત્મા છે જહીં પોઢયો
અને એને ન પોતાના વિચારોનુંય ભાન કૈં
ને પોતે છે રચ્યું વિશ્વ, ને રચ્યું છે પોતે શું તે ન જાણતો.
ઢળ્યું હતું તહીં ભાવિ અવિજ્ઞાત
વાટ જોતું પોતાની ઘટિકાતણી,
વિલુપ્ત તારકો કેરી તહીં છે નોંધની વહી.
વૈશ્વ સંકલ્પના ઘેરા ધારણે ત્યાં રાજાની નજરે પડી
ગુપ્ત ચાવી પ્રકૃતિની સ્વરૂપાંતરતાતણી.
એના સંગાથમાં એક હતી જ્યોતિ, અદૃશ્ય કર એક ત્યાં
હતો સ્ખલન ને દુઃખ પર મૂકી રખાયલો,
ઝણેણાટી ભર્યા મોદે પલટો એ પામી જાય તહીં સુધી,
ધક્કો માધુર્યનો એક ભુજાશ્લેષતણા લાગે ન ત્યાં સુધી.
નિહાળ્યો રાત્રિમાં એણે છાયારૂપી બુરખો શાશ્વતાત્મનો,
ને જાણ્યું મૃત્યુને એણે જિંદગીના ગૃહનું એક ભોંયરું,
નિહાળી નશામાં એણે સૃષ્ટિની ઝડપી ગતિ,
સ્વર્ગીય લાભના મૂલ્ય રૂપ એણે નુકસાન નિહાળિયું,
અને નરકને ટૂંકા રસ્તા રૂપ સ્વર્ગ દ્વારે લઇ જતા.
માયાના ગૂઢ ને ભેદી કારખાનામહીં પછી
ને ચમત્કારથી પૂર્ણ અચિત્ ના મુદ્રણાલયે
આદ્ય રાત્રિતણા શીર્ણ ફરમાઓ થઇ ગયા,
ને અવિદ્યાતણી પાકી પત્રછાપો છિન્નભિન્ન થઇ ગઈ.
બની પ્રકૃતિ જીવંત, શ્વાસોચ્છવાસ ઊંડો અધ્યાત્મ સેવતી,
કાઢ્યા એણે કાયદાઓ યંત્ર જેમ અકડાઈ પ્રવર્તતા,
કલમોને કરી નાખી રદ બદ્ધ આત્મા કેરા કરારની,
સમર્પી સત્યને દીધી જૂઠે પાછી પોતાની પીડિતાકૃતિ.
દુઃખના કાયદા કેરાં કોષ્ટકો રદ થૈ ગયાં,
ને સ્ફુર્યા તેમને સ્થાને પ્રભાએ પૂર્ણ અક્ષરો.
અણદીઠી અંગુલીએ પ્રવીણ લહિયાતણી
અંત:પ્રેરિત આલેખ્યા લેખ એના ફૂટડા ઝડપે ભર્યા;
પૃથ્વી ઉપરનાં રૂપો દસ્તાવેજો એના દિવ્ય બની ગયાં,
૨૧૫
મૂર્ત્તિમંત થઇ પ્રજ્ઞા મન જેને કરી વ્યક્ત શક્યું ન 'તું,
અચિત્-તાને ભાગડાઈ વિશ્વ કેરા નિ:શબ્દ ઉર માંહ્યથી;
રૂપાંતર લભી પાકી પદ્ધતિઓ ઊહાપોહી વિચારની.
ચૈતન્યને પ્રબોધંતો નિશ્ચેષ્ટ વસ્તુઓમહીં,
અવિનાશી તણી હીર-લિપિ એણે
કાળા અણુ પરે લાદી, લાદી મૂક પિંડપુંજતણી પરે,
પતિતા વસ્તુઓ કેરા ઝાંખા હૃદયની પરે
આલેખ્યું કોતરી એણે યશોગાન વિનિર્મુક્ત અનંતનું,
આલેખ્યું નામ તે છે જે પાયો શાશ્વતતાતણો,
જાગેલા હૃષ્ટ કોષોની પર એણે રેખાંકિત કર્યું વળી
અનિર્વાચ્ય કેરા ચિત્રમયાક્ષરે
પ્રેમનું મધુરું ગાન વાટ જોઈ રહેલું કાળ-વિસ્તરે,
ને આલેખ્યો ગ્રંથ ગૂઢ પરમાનંદ પર્વનો
અને સંદેશ આલેખ્યો અતિચેતન અગ્નિનો.
પછી પવિત્ર ઘબકો જિંદગીની થઇ પાર્થિવ દેહમાં;
નારકી ચમકારનું થયું મૃત્યુ, મારી ના શકતું હવે.
ઉઘાડ રાત્રિમાં આવ્યો અને સ્વપ્નગર્ત શી લુપ્ત એ થઇ.
રિક્ત આકાશને રૂપે પાવડાટી ખાલી જેને કરેલ છે
તે અસ્તિત્વતણા પોલાણની મહીં
સ્થાન આ ભૂમિકાએ જે છે લીધેલું અનુપસ્થિત દેવનું,
ત્યાં વિશાળી અંતરંગી પરમાનંદથી ભરી
આવી રેલાયલી ઉષા,
કાળના દીર્ણ હૈયાએ
બનાવેલી વસ્તુઓના ઘા રુઝાઈ ગયા બધા,
અને પ્રકૃતિને હૈયે કરી વાસ શક્યો ના શોક તે પછી:
અસ્તિત્વ ભેદનું શામ્યું, કેમ કે પ્રભુ ત્યાં હતો.
સચેત દેહને દીપ્ય કર્યો ચૈત્ય પુરુષે નિજ રશ્મિથી,
જડતત્વ અને આત્મા ઓતપ્રોત એકરૂપ બની ગયા.
આઠમો સર્ગ સમાપ્ત
સર્ગ નવમો
પ્રાણના દેવતાઓનું સ્વર્ગ
અધાત્મ તપસ્યા કરતાં કરતાં અશ્વપતિ જડતત્વથી માંડીને પ્રાણના રાજ્યોના સંપર્કમાં આવે છે અને જૂઠાણાનું જગત, પાપની માતા, તથા અંધકારગર્ભમાંથી જન્મેલી પૈશાચી, રાક્ષસી અને આસુરી શક્તિઓ જુએ છે, અને એ શક્તિઓમાં મારક મોહિની હોવા છતાં પોતાનામાં સાચી પરમાત્મનિષ્ઠા હોવાથી અને હૃદયમાં પ્રભુને પધરાવેલા હોવાથી સલામત બહાર આવે છે.
પ્રાણનાંય સ્વર્ગો છે ને એ સ્વર્ગોના અધિષ્ઠાતા દેવતાઓ પણ છે. રાજાની આગળથી જૂઠાણાની રાત્રિ સ્વપ્નવત્ સરી જતાં સુખભરી ઉષા ઊગી. પ્રભુનું સાન્નિધ્ય અનુભવાયું, ભેદભાવ ટળ્યા, આત્માએ દેહને દીપ્ત કર્યો, જડતત્વ અને પરમાત્મા એકાકાર બની ગયાં.
હવે રાજાની આસપાસ સુખશર્મનો મહાન દિવસ પ્રકાશ્યો. ત્યાં હતી મુક્ત અને મત્ત મુદા, આરામભેર એ શ્વાસોચ્છવાસ લેતી હતી, રત્ન-રઢિયાળા પ્રભુના હાસ્યમાં એને નિવાસ હતો, વિશ્વવ્યાપી પ્રેમને હૃદયમાં એની સેજ હતી, બધે અલૌકિક સુવાસ લહરતી હતી, શોકરહિત સ્રોતોનું કલગાન સતત સુણાયા કરતું હતું. ગંધર્વોનાં નગરો, કિન્નરોનાં ગાન, ધન્યાત્માઓનાં ગિરિશિખરો અને ખીણ પ્રદેશો સ્વાભાવિક સુન્દરતાનાં ધામો હતાં.
આવા પ્રાણની ભૂમિકાનાં સ્વર્ગોએ અશ્વપતિને આવકાર આપ્યો. રાજાએ જોયું કે આ સ્વર્ગોમાં પવિત્રતાની સ્વછંદિતાનાં રોમાંચ ધારતી શાંતિ હતી, પ્રેમનાં સોનેરી ને ગુલાબી સ્વપ્નાં ત્યાં સિદ્ધ થયાં હતાં, અભિલાષા સર્વશક્તિમાન જવાળા-રૂપે ઊંચે આરોહતી અને વિલાસિતામાં દેવોનો મહિમા દેખાતો હતો. સામાન્ય વસ્તુઓ ત્યાં ચમત્કારી બની જતી, દુઃખ આનંદમાં પલટો પામી જતું, હૃદયને અને ઈન્દ્રિયોને પૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત થતી, અને છતાંય કશુંય દીનહીનતામાં અધ:પતન પામતું નહીં.
રાજાને આ મધુરતાની તીવ્રતાનો, અને પૂરેપૂરી પવિત્રતાનો અનુભવ થયો. ત્યાંના સુખારામમાં એના વીર સ્વભાવે ઝીલેલા ઘા રુઝાઈ ગયા, એના આત્માનું આભામંડળ આનંદના બીબામાં નવેસર ઢળાયું, એનું શરીર સ્વર્ગીય શુકિતની જેમ ઝગમગવા લાગ્યું, એની પાર્થિવતાને સુરસદનની સંપત્તિઓ અનાયાસે પ્રાપ્ત થઇ ગઈ.
હવે રાજા અશ્વપતિ ઉચ્ચ દેવોના જેવો બની ગયો. એની નસોમાં મહાસુખનો મધુરસ વહેવા લાગ્યો, એનું શરીર અનંતદેવના અમૃતનું પવિત્ર પાત્ર બની ગયું. એનું હૃદય પરમાત્માના સ્પર્શથી ચકિત બની ગયું, પ્રેમનું રૂપ લઇ શાશ્વતતા એની સમીપમાં આવી, અજ્ઞેય આનંદનું એક મહાબિન્દુએની ઉપર ઊતર્યું અને પરમ-સુખના મહાસાગરે એના આત્માને પરિપ્લાવિત કરી દીધો. માનવી પિંડને શીર્ણ-વિશીર્ણ કરી નાખે એવું પરમસુખ અશ્વપતિમાં રમમાણ થવા લાગ્યું, અને દેવલોક જ જેને ધારણ કરવાને સમર્થ છે એવા પરમ પ્રહર્ષ એણે પોતામાં ધારણ કર્યો. અમૃતત્વે કાળને ને જીવનને કબજે કર્યાં.
મહાસુખતણો મોટો દિન એની આસપાસ ઝગી રહ્યો.
પ્રકાશ એ હતો કોઈ એક મોટો હર્ષ-પૂર્ણ અનંતનો,
ધારતો એ હતો સ્વીય સ્વર્ણવર્ણ હાસ્યની ભવ્ય દીપ્તિમાં
પ્રદેશો મુક્તિ પામેલા હૈયાના સુખશર્મના,
પ્રભુના મધથી મત્ત ને નિમગ્ન પ્રકાશમાં,
દિવ્ય નિત્ય નિરંતર.
માનીતો ને અંતરંગ સંબંધી દેવલોકનો,
હર્ષોપભોગ માટેનો દિવ્ય આદેશ પાળતો,
સત્તા ચલાવતો 'તો એ નિજાનંદતણી પરે,
નિજ શક્તિતણાં રાજ્યો પે એની પ્રભુતા હતી.
જે માટે સર્વ રૂપો છે સર્જાયાં તે
મહાસુખતણી એને માટે નિશ્ચિતતા હતી,
ભય, શોક અને દૈવી આઘાતોથી ન વિચાલિત એ થતો,
ભાગતા કાળને શ્વાસે થતો ના ભયભીત એ,
ઘેરો ના ઘાલતી એની આસપાસ વિપરીત પરિસ્થિતિ,
શ્વાસોચ્છવાસ હતો લેતો આરામે એ મીઠા સલામતીભર્યા,
સાવધાની રાખવી ના પડે એવા પ્રકારના,
મોતને નોતરું દેતી આપણી આ દેહનશ્વરતાથકી
એને મુક્તિ મળી હતી,
ગોથાં ખાનાર સંકલ્પતણા જોખમથી ભર્યા
ક્ષેત્રથી દુર એ હતો.
આવેશી સ્પંદનો કેરી પર એને
ન 'તી નિગ્રહ રાખવાની જરૂરત;
સ્નેહોષ્માયુક્ત સંતોષે પૂર્ણ સંવેદનાતણા
આશ્લેષે એ હતો પુલકથી ભર્યો,
પ્રાણાવેગતણી રાતી રુચિરા રશ્મિએ ભરી
શરતે દોડવા તણી
ધસારો કરતી વેગવંતી આશ્ચર્ય-ભાવના,
જવાલાએ ને પુકારે એ રોમાંચિત બની જતો,
પ્રભુના હાસ્ય કેરા એ રત્નરમ્ય લયે નિવસતો હતો
ને વિશ્વ-પ્રેમના વ્યાપ્ત હૈયે એ પોઢતો હતો.
અશૃંખલિત આનંદ બ્રહ્ય કેરો નિરાપદ બનેલ ત્યાં
ના પૃથ્વી પરની એવી પદ્મિનીની સુવાસમાં
ઊર્મિલાં ગીત ગાનારાં વેગવંત વહી જતાં
અશોક ઝરણાંઓને તટે તટે
વિલસંતાં ધણો સૂર્ય કેરાં ને ચન્દ્રમાતણાં
ગોચરોમાં ચરાવતો.
મહાસુખતણું મૌન હતું સ્વર્ગો લપેટતું,
અવિરામ પ્રભા એક શિખરોની પર સુસ્મિત વેરતી,
હર્ષાતિશયનો એક મર્મરાટ હતો અસ્પષ્ટતા ભર્યો,
હવામાં સ્પંદતો 'તો એ, મંત્રમુગ્ઘ ધરાને સ્પર્શતો હતો;
મહામુદાતણા બાહુ મધ્યે સતત સંસ્થિતા
ઈચ્છા કર્યા વિના મીઠા સ્વર કેરી આવૃત્તિ કરતો જતો
નિ:શ્વાસ ઘડીઓ સાથે વહેતો 'તો પ્રહર્ષનો.
પ્રભાવી મહિમાની ને શાંતિ કેરી કમાનની
નીચે અશ્વપતિ આગે વધ્યે જતો,
ઉચ્ચ ભોમે અને ધ્યાને લીન પર્વતધારની
પર યાત્રા કરંત એ,
કાચે જગતના જાદુગર કેરો જેમ હો કો નિહાળતો
પલાયન કરી જાતાં ચમત્કારી ચિત્રો ચૈત્ય-પ્રદેશનાં,
તેણે તેમ કર્યાં પાર દૃશ્યો અમર હર્ષનાં
અને નજરને માંડી ગહાનોમાં
રમ્યાતાનાં અને મોટી મુદતણાં.
ચેતનવંત સૂર્યોની જ્યોતિ એની આસપાસ બધે હતી,
પ્રતીકાત્મક ને ભવ્ય વસ્તુઓની
હતી એની આસપાસ ચિંતનસ્થ પ્રન્નતા;
ભેટવા ઉમટયાં એને મેદાનો ત્યાં પ્રભાએ પૂર્ણ શાંતિના,
ધન્યાત્માઓતણા શૈલો અને ખીણ-પ્રદેશો જંબુવર્ણના,
નિકુંજો હર્ષના ગાઢ ને મંજુસ્વર ધોધવા,
ને ઝાડીઓ નીલરક્ત કંપમાન વિવિક્તની;
નીચે ગંધર્વરાજોનાં નગરો લીન સ્વપ્નમાં
રત્ને ખચ્ચા વિચારોની ધુતિ શાં ત્યાં ઢળ્યાં હતાં.
અવકાશતણી સ્પંદમાન એવી ગુપ્તતાઓમહીં થઇ
આછેરું સુખિયું સર્પી આવતું 'તું સંગીત મંજુતાભર્યું,
સ્વર્ગના ચારણો કેરી સારંગીઓ
અણદીઠા હાથે વાગી રહી હતી,
હૃદયંગમ તેઓના સ્વર એ સુણતો હતો,
શ્વેત તે આસમાનિયા
ચંદ્રિકા જ્યાં હતી વ્યાપ્ત હવામાં સ્વર્ગલોકની,
ત્યાં મીઠા રાગના સૂરો અલૌકિક પ્રકારના
શાશ્વત પ્રેમનાં ગાતા હતા ગૌરવગીતડાં
તે સૌ એ સુણતો હતો.
એ અદભુત જગત્ કેરું શિર ને સારભાગ જે
તે નિરાળી હતી ઊભી નામહીન
ગિરિમાળા પરમાનંદ ધામની,
સૂર્યાસ્ત સમ ઝાળો એ કાઢતી 'તી સંધ્યા કેરી સમાધિમાં.
અણશોધાયલી જાણે કો નવીન અગાધતા
પ્રત્યે નિ:સ્પંદ આનંદે તલભોમ હતી નિમગ્ન તેમની;
ઢોળાવો એમના નિમ્ન દિશામાં ડૂબતા હતા
હાસ્યની ને સ્વરો કેરી ત્વરિતા ગતિમાં થઇ,
ગાતાં ઝરણાનાં વૃન્દો કરતાં પાર એમને,
પોતાના સુખિયા સ્તોત્રે ભક્તિગાન કરતાં નીલ વ્યોમનું,
પ્રવેશતાં અરણ્યોની છાયાલીન રહસ્યમયતામહીં:
મહાનીરવતા પૂર્ણ નિગૂઢમયતા મહીં
ઊર્ધ્વમાં ઉંચકાયેલાં
શિખરો એમનાં ઊંચે આરોહણ કરી જતાં
જીવનાતીત કો એક મહિમાની દિશા પ્રતિ.
પ્રાણના દેવતાઓનાં દેદીપ્યમાન નંદનો
સત્કાર કરતાં એનો સામંજસ્યોમહીં અમર એમનાં.
કાળમાં વિકસે છે જે તે બધી ત્યાં હતી સંસિદ્ધ વસ્તુઓ;
સૌન્દર્ય ત્યાં હતું બીબું સ્વાભાવિક જ સૃષ્ટિનું,
અને શાંતિ હતી ભોગે વિલસંતી રોમહર્ષ પવિત્રતા.
પ્રેમ ત્યાં કરતો સિદ્ધ સોનેરી ને ગુલાબી નિજ સ્વપ્નને,
અને બળ હતું એનાં દિવાસ્વપ્નો
અભિષિક્ત બનેલાં ઓજથી ભર્યાં;
ઈચ્છા આરોહતી ઊંચે
વેગવંતી અને સર્વસમર્થા અચિં રૂપમાં,
અને વિલાસ દેવોના પરિમાણે પ્રવર્તતો;
તારાઓના રાજમાર્ગે સ્વપ્ન સંચરતું હતું;
ચીજો સામાન્ય ને મીઠી પલટાઈ ચમત્કારો બની જતી:
ઝાલી લેવાયલો જાદૂભર્યા મંત્રે આત્માના અણચિંતવ્યા,
દિવ્ય ભાવાવેશ કેરા કીમિયાના પ્રભાવથી
દુઃખભાવ બલાત્કારે સ્વરૂપાંતર પામતાં
સમર્થ ધરતો રૂપ પ્રમોદનું,
સ્વર્ગ-નરકની વચ્ચે રહેલ વિપરીતતા
ને વિરોધ મિટાવતો.
મૂર્ત્તિમંત થયાં છે ત્યાં જિંદગીનાં સઘળા ઉચ્ચ દર્શનો,
આશાઓ ભમતી એની પુરાઈ છે,
ને એના મધપૂડાઓ સુવર્ણોજજવલ શોભતા
મધુભક્ષકની બ્હાર લપકંતી જિહવાએ છે ઝલાયલા,
જ્વલંત અનુમાનો છે એહનાં બદલાઈને
પરમાનંદથી પૂર્ણ સત્યો સાક્ષાત્ બની ગયાં,
એની જબ્બર હાંફો છે મૃત્યુમુક્ત શાંતિમાં સ્પંદહીન ત્યાં,
એની અથાગ ઈચ્છાઓ પામી છે ત્યાં સ્વતંત્રતા.
પૂર્ણતા-પૂર્ણ હૈયું ને પૂર્ણ સંવેદનો જહીં
એવી એ સ્વર્ગભૂમિમાં
એની ઉત્કટ ને સાવ શુદ્ધ મધુરતાતણી
અનંત મોહિનીને ત્યાં તોડવા ના નિમ્ન સૂર સમર્થ કો;
પગલાં પડશે ક્યાં તે અંત:સ્ફુરણને બળે
એ સુનિશ્ચિત જાણતી,
આત્માના દીર્ધ સંઘર્ષે જન્મી તીવ્ર વ્યથા પછી
સ્થિર શાંતિ મળી અંતે, મળ્યો વિશ્રામ સ્વર્ગનો,
ને શોકહીન હોરાની ચમત્કારી છોળોની ગોદ સેવતાં
ઘા રુઝાઈ ગયા એના વીર-ભાવી સ્વભાવના
શરીરે જે થયા હતા
એને આશ્લેષમાં લેતી ઊર્જાઓની ભુજામહીં--
ને ઊર્જાઓ સહેતી ના કો કલંક
ને ન બીતી મહાસુખ થકી નિજ.
જે દૃશ્યોની મનાઈ છે આપણી મંદ આંખને,
ચમત્કારી સુવાસો ને રંગો અદભુતરૂપ જે
તે સૌની મધ્યમાં એને મળ્યાં રૂપો
દૃષ્ટિને જે દિવ્ય દિવ્ય બનાવતાં,
હતું સમર્થ દેવા જે મનને અમરત્વ ને
હૈયાને આપવા બ્રહ્ય-બૃહત્તા શક્તિમાન જે
તે સંગીત તહીં તેણે શ્રવણો દઈને સુળ્યું,
ને જે જગાડતા ગૂઢ શ્રુતિને તે અશ્રાવ્ય લયને ગ્રહ્યા :
અનિર્વાચ્યા મૌનમાંથી સુણે કાન એમને આવતા અહીં,
શબ્દવર્જિત વાણીના સૌન્દર્યે સ્પંદમાન એ,
વિચારો આવતા એવા મોટા ગંભીર રૂપ કે
એમને કરવા વ્યક્ત અક્ષરો મળતા નહીં,
એવા વિચાર કે જેઓ
ઈચ્છા થાતાં વિશ્વને આ નવેસર બનાવતા.
ઇન્દ્રિયાનુભવશ્રેણી જવલંતાં પગલાં ભરી
અકલ્પ્ય સુખનાં શૃંગો પ્રતિ આરોહતી હતી,
એણે એના સત્ત્વ કેરા
આભામંડળને ઢાળ્યું નવે રૂપે હર્ષની દીપ્તિની મહીં,
આકાશી શુક્તિની જેમ દેહ એનો દમકારે ભર્યો થયો,
વિશ્વ પ્રત્યે ઉઘડેલાં એનાં દ્વારો
દ્વારા આવ્યા ઊમટી જ્યોતિસાગરો.
સ્વર્ગીય ક્ષમતા કેરું એના પાર્થિવ ભાગને
સંપ્રદાન થયું હતું;
મન ને માંસમાટીની બંધ ચોકી જકાતની
ઓળંગીને દાણચોરી કરી એને લાવવી પડતી ન 'તી
દેવતારૂપતા માનવતામહીં,
કેમ કે આ કશા કેરી જરાયે ના જરૂર જેહને પડે
એવી એક શક્તિ એની મહીં આવી ગઈ હતી.
પરમાનંદ માટેની અશ્રાન્ત ક્ષમતાતણી
મહોચ્ય માગણીથી એ જરાયે ના સંકોચ પામતી હતી,
સ્વીય અનંતતા, સ્વીય સૌન્દર્ય, સ્વીય રાગ ને
ઉત્તર સ્વ-અગાધનો
શોધવાને શક્તિમાન ઓજ એની મહીં હતું,
ને જ્યાં આત્મા અને દેહ પરમાનંદની મહીં
એકરૂપ બની જતા,
ને સ્વરૂપ અને રૂપ વચ્ચેની તકરારનો
અંત આવી જતો જેમાં એક્સ્વરૂપતા મહીં,
તે હર્ષપૂર્ણ મૂર્છાનો ભય એને હતો નહીં.
દૃષ્ટિ ને શબ્દમાંથી એ અધ્યાત્મ શક્તિ ખેંચતી,
ઇન્દ્રિયજ્ઞાનનો એણે
બનાવ્યો 'તો માર્ગ પ્હોંચી જવા માટે અગોચરે :
સામગ્રી સર્જતા 'તા જે જિંદગીના અંતરતર આત્મની
તે પ્રભાવો ઊર્ધ્વ કેરા એને રોમહર્ષણે ભરતા હતા.
નવજાત અવસ્થામાં હતો એનો સ્વભાવ પૃથિવીતણો
સાથી બનેલ સ્વર્ગનો.
સુયોગ્ય સહચારી એ કાલાતીત રાજરાજેશ્વરોતણો,
જીવતા-જાગતા એવા આદીત્યોના દેવતાઓ-સમોવડો,
અજ્ન્માઓતણા શુભ્ર વિનોદોમાં ભળંત એ,
લીલાધર ન દેખાતો કદી, તેના સુણતો કર્ણ-મર્મરો,
ને હૈયાને હરી લેતો
અને પ્રભુતણા પ્યારા હૈયા પ્રત્યે આકર્ષીને લઇ જતો
સાદ એનો સુણતો શ્રવણો દઈ,
ને સ્વર્ગ-સરિતો જેમ મધુ એની મુદાતણું
નિજ નાડીમહીં વ્હેતું હોય એવું ત્યાં એને લાગતું હતું,
એણે શરીર પોતાનું સુધાપાત્ર બનાવ્યું કેવાલાત્મનું.
ઓચિંતી પલકો માંહે આવિષ્કારક જોતની,
ભાવોદ્વેકી અર્ધમાત્ર ખૂલેલા ઉત્તરો મહીં,
અજ્ઞાત સંમુદાઓની સીમાએ એ પહોચિંયો;
એના ઉતાવળા હૈયે અણધાર્યો થયો પરમ સ્પર્શ કો,
આશ્ચર્યમયનો એને યાદ આશ્લેષ આવિયો,
શુભ્ર નિ:શ્રેયસોમાંથી ઈશારાઓ આવ્યા નીચે છલંગતા.
આવી શાશ્વતતા પાસે લઈને વેશ પ્રેમનો
ને કર્યું કબજે એણે કાલ કેરું કલેવર.
જરાક જેટલું આવે વરદાન આનંત્યો પાસથી છતાં
તેનાથી જિંદગીને જે આનંદલાભ થાય છે
તેનું માપ ના નીકળે;
પ્રતિબિંબિત ત્યાં થાયે કહ્યું જાયે ન તે સૌ પારપારનું,
બિન્દુ એક મહાકાય અવિજ્ઞેય મહાસુખતણું દ્રવ્યું,
પરાભૂત કર્યાં એણે અંગો એનાં
ને એ એના આત્માની આસપાસમાં
પરમાનંદનો દીપ્ત મહાસિંધુ બની ગયું :
ડૂબી એ તળિયે બેઠો વિરાટોમાં મીઠડાં ને જવલંત કૈં:
માનવી પિંડના ચૂરા કરી નાખે એવી ઘોર મુદા અને
પ્રહર્ષ દેવતાઓ જે ધારવાને સમર્થ છે
તે એણે નિજમાં ધર્યાં.
મૃત્યુમુક્ત સુખે સ્વીય ઊર્મિઓમાં સાધી એની પવિત્રતા
ને એના બળને નાખ્યું પલટાવી અમર્ત્ય શક્તિરૂપમાં.
કાળને કરતું કેદી અમૃતત્વ, વહી જીવનને જતું.
નવમો સર્ગ સમાપ્ત
સર્ગ દશમો
ક્ષુદ્ર મનનાં રાજ્યો અને દેવતાઓ
પ્રાણના સ્વર્ગનેય પાર કરવાનું છે. જ્યાં સુધી ઉચ્ચમાં ઉચ્ચની પ્રાપ્તિ ન થાય અને તેની અંદર જીવ ને જગત પોતાના સત્યસ્વરૂપમાં એકાકાર ન બની જાય ત્યાં સુધી આપણી યાત્રાનો અંત આવતો નથી. અધ-રસ્તે આવતાં સુખધામોની પારનાં લક્ષ્યો બોલાવતાં રહે છે અને આગળના સાહસ માટે આમંત્રણ આપે છે. આત્માને જે અખિલાત્મક અનંતતા જોઈએ છે તે પેલાં સ્વર્ગો આપી શકતાં નથી, ઊલટાનું તેઓ તો જીવને પ્રલોભાવી આગળ વધતો અટકાવે છે.
પ્રાણના સ્વર્ગથી ઊર્ધ્વમાં મનના પ્રદેશો શાંત પ્રકાશી રહ્યા છે. રાજા એ તરફ વળે છે. દિવસ અને રાત જ્યાં એકરૂપ બની રહેતાં હતાં, તે એ પ્રાણની ને વિચારની વચ્ચેનો પ્રદેશ હતો. ત્યાં જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર મળવા માટે આવતાં.
એને નીચલે છેડે આરંભનું મન હતું. એ પૃથ્વી પરથી આકાશમાં ને આકાશમાંથી પૃથ્વીની પ્રતિ નજર નાખતું. એ સત્યને જાણવા મથતું. શાશ્વતી માટે નહીં પણ તત્કાલ ને તત્ક્ષણ માટે જહેમત ઉઠાવતું. જેની સેવા એણે લેવાની છે તે શરીરનું એ પોતે સેવક બની ગયું હતું. ભૂલ કરતી ઇન્દ્રિયોનો એ આશ્રય લેતું; સંદેહ ને તર્ક-વિતર્કમાં પડતું એ અર્ધજ્ઞાતમાંથી અજ્ઞાતમાં ઊતરી પડતું. છાયા એને મૂળ સ્વરૂપ જેવી ભાસતી, અજ્ઞાન મંત્રીઓનાં કર્યો ઉપર એ મતું મારી આપતું, પોતે જેને બનાવ્યું છે તેને એ મૂઢ પોતાનું જ કારણ માની બેસતું.
ત્યાંથી ઉપર ચઢતાં રાજને રાત્રિ સાથે રમત કરતું, પ્રભાત દેખાયું. એ આરંભની જ્યોતિના રાજ્યમાં 'સુવર્ણ શિશુ' વિચાર કરતા થવાનો ને દૃષ્ટિ પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરે છે, મનનાં શરૂઆતનાં પગલાં ત્યાં ભરાય છે, એનું અજ્ઞાન ત્યાં આતુર જીજ્ઞાસા રાખે છે. પરંતુ એ તો માત્ર બાલોધાન જ છે, પ્રાણ અને મન એ જબરજસ્ત બાળકનાં ખિલોણાં છે.
પણ જ્ઞાન કંઈ બહારથી આવનાર અતિથિ જેવું નથી; એ તો છે આપણી જ અંદર, મનની પૂઠે પોઢેલું. એને જાગ્રત કરવું ને રૂપ આપવું એ કુદરતનું કામ છે.
આ મન અજ્ઞાનનાં ગાઢ ધુમ્મસોમાં શોધ કરે છે. અંદર જોતાં એને ત્યાં પ્રભુ જેવું કોઈ જણાતું નથી. એને ધીરે ધીરે આગળ વધવાનું છે, કેમ કે પૃથ્વી માત્ર ધીરી પ્રગતિ જ સહી શકે છે. પ્રાણનાં ને પિંડનાં બનેલાં ઓજારોનો એને આશ્રય લેવો પડે છે. જ્ઞાનની કરચોને રેણીરેણીને એ એને આખું બનાવવા માગે છે; સત્યને એ ગુલામ બનાવવા માગે છે, કુદરતની સ્વાભાવિક એકતાનો એ બહિષ્કાર કરે છે.
મનની એક ત્રિદેહી ત્રિપુટી છે. એની સેવા લેવામાં આવે છે. એમાંની નાનામાં નાની પ્રથમ મજબૂત બાંધાની છે, વામણો વિચાર જડ પ્રકૃતિના પાયા ઉપર કાર્ય કરે છે ને પોતાનાં બનાવેલાં ચોકઠામાં પોતે પકડાઈ જાય છે. જગતના મહાવરાઓને એ કુદરતના કાયદાઓ કહે છે, મનના મહાવરાઓને એ સત્યનું નામ આપે છે. અજ્ઞાનનો એ ખજાનચી છે, ઉચ્ચ ને વિશાળથી એ સંકોચાય છે, રૂઢિનાં ચક્કરોમાં એ અશ્રાંત ફર્યા કરે છે. ઇન્દ્રિયાધિષ્ટિત જગતને સાચવવા માટે એ ચોકીદાર કૂતરાનું કામ કરે છે.
વિશ્વની વિશાળ યોજના, આકાશના તારાઓની ક્ક્ષાઓ, લાખો જીવજાતિઓ એક મૂગા નિયમને અનુસરે છે. કુદરત એક શક્તિ રૂપે કાર્ય કરે છે, શિવ પોતાના નિશ્ચલ વક્ષ:સ્થલ ઉપર વિશ્વના વિરાટ નૃત્યને ટકાવી રાખે છે.
બીજે નંબરે આવે છે તે કુબ્જા બુદ્ધિ. વિચાર્યાં વગર એ ઝંપલાવે છે. એ ઊંચે ચઢે છે, નીચે પડે છે ને નરકમાં વિલીન થઇ જાય છે. સત્યને એ નીચે કીચડમાં ખેંચી લાવવા માગે છે. કાચીડાની માફક એ તરેહતરેહના રંગ ધારણ કરે છે, વિષયોરૂપી ભક્ષ્યની પ્રતિ લપકે છે. અજાણતાં એ સર્વસ્વરૂપ કંઈક છે તેની પ્રત્યે ધપતી રહે છે.
વિજય નહીં પણ પ્રયત્ન એનું આકર્ષણ છે. વિચારની પકડમાં જે આવતું નથી તેને એનો આવેગ પકડી લે છે. ખાલીખમમાં ખોજ કરી એ તેમાંથી ખજાનો મેળવે છે. વિધુતનું ત્રિશૂળ નાખી એના દાંતમાં એ અજ્ઞાનને પકડે છે. અજ્ઞાન એનું ક્ષેત્ર છે ને અજ્ઞાત એનો મહાલાભ.
ત્રણેમાં મોટામાં મોટી છે ત્રીજી શક્તિ તે છે યુક્તિપુર:સર કાર્ય કરનારી બુદ્ધિ. એણે વિશ્વનું માપ કાઢવાનું આરંભ્યું છે, એ માટેનાં સાધનો શોધી કાઢયાં છે. કુદરતનાં રહસ્યોનો તાગ લેવા માંડયો છે. ઈન્દ્રિયોના સકંજામાંથી છૂટી, પણ મનની મર્યાદા તોડી ન શકી. લક્ષ્ય વગરની એના વિચારોની સફર ચાલે છે, ઊભા રહેવા માટે એને એકે સ્થિર શિખર મળ્યું નથી, એક દૃષ્ટિમાં એ અનંતને સમાવી શકતી નથી. સંદેહ એને સતાવ્યા કરે છે, એનાં કિરણો માત્ર દીવાનું કાર્ય કરે છે; એમનાથી રાત્રિનો મહા-અંધકાર ટળતો નથી. ગાડાને ખેંચનાર બળદિયો બની એ માલની ગાંસડીઓ જગતના વ્યવહારના બજારમાં પહોંચાડે છે. જીવનનાં ને મનનાં બધાં ક્ષેત્રોને એ ચોક્કસ નિયમોમાં બંધિયાર બનાવે છે. એનું જ્ઞાન લાખો માથાં ધારણ કરે છે ને તે પ્રત્યેકને માથે પાઘડી રૂપે શંકા રહેલી છે.
તર્કબુદ્ધિનો પરિશ્રમ નિર્ણયાત્મક હોતો નથી. એની વકીલાત જેને સાચું
ઠરાવવા માગે તેને સાચું ઠરાવી આપે છે. સત્યનાં છોતરાં એ લે છે ને સત્યને પોતાને ઉશેટી દે છે. જડતત્વને જ એ એકમાત્ર સત્યતા તરીકે સ્વીકારે છે ને આત્માની ને પરમાત્માની એને જરૂર જણાતી નથી.
માણસને એ વિચાર કરતા પ્રાણી રૂપે સ્વીકારે છે, યુગોની ઉત્ક્રાંતિનું એને શિખર સમજે છે; પરંતુ જીવનનું જબરજસ્ત હૈયું જયારે ઊછાળીને ઉપર આવે છે, ને આત્મા જાગી ઉઠે છે ત્યારે એનું કર્યુંકારવ્યું બધું જ બેકાર બની જાય છે. પણ એક સ્પર્શ નિર્માણના નિયમને ફેરવી નાખે છે. મહત્તર મન મહત્તર સત્યનાં દર્શન કરે છે. બીજું બધું નિષ્ફળ નીવડયું હોય ત્યારે આપણી પોતાની અંદરથી જ રૂપાંતરની એક પૂર્ણ ચાવી મળી આવે છે. આપણી પૃથ્વીની ચેતના સૂર્ય સાથે સંલગ્ન થાય, આપણું મર્ત્ય જીવન આત્માની પાંખે ઊર્ધ્વમાં ઊડે ને આપણા અંતવંત વિચારો અનંતની સાથે વ્યવહાર કરતા બની જાય એવું આપણે માટે થાય છે.
ઉગતા સૂર્યનાં રાજ્યોમાં બધું જ જ્યોતિની એક શક્તિ બનીને જન્મે છે. અહીં જે વિરૂપ છે તે ત્યાં મંગળમય બની જાય છે. મધ્યસ્થા તર્કબુદ્ધિને એના કાર્ય-ક્ષેત્રની ઉપરના મહત્તર સત્યનું ભાન હોય છે. એનું ઊંડું હૃદય ઉચ્ચતર આદર્શોને માટે ઝંખે છે. એના કાર્યો વચગાળાની ભૂમિકાનાં જ છે. સમગ્ર દૃષ્ટિ અને સમગ્ર જ્ઞાન ન હોય ત્યાં સુધી કશુંય પૂરેપૂરું જોવામાં કે જાણવામાં આવતું નથી. આ સમગ્ર સત્ય એક દિન પ્રગટ થશે, વિજ્ઞાન વિશ્વને વિલોકશે ને મનને એ કાલાતીત જ્ઞાન, જીવનને એનું ધ્યેય અને અજ્ઞાનને એનો અંત આપશે.
મનની આ ત્રિપુટીથી ઊર્ધ્વના વાતાવરણમાં પારની વસ્તુઓના બે અભીપ્સુઓ આવેલા છે. મંદ જગતને ઊંચે ચડાવનારી શક્તિ ત્યાં રહેલી છે. કાળના કિલ્લાઓને એ જમીનદોસ્ત કરે છે, સૈકાઓને અજવાળતા વિચારોના પ્રદીપ પ્રકટાવે છે, મર્ત્ય અવકાશ પારની ચીજોના નકશા બનાવે છે, અશરીરી વિચારોને મૂર્ત્તિમંત બનાવે છે. એ વિશુદ્ધ વિચારનું મન પારના પ્રદેશનો ફિરસ્તો છે, જયોતિર્મય એવું એ દૂરના વાયુમંડળમાંથી વિશ્વ ઉપર દૃષ્ટિપાત કરે છે.
જેનામાં જગ ને જાત
સત્યરૂપ બને છે ને ધરે છે એકરૂપતા
તે સર્વોચ્ચતણી પ્રાપ્તિ નવ થાય તહીં સુધી
જેમ સર્વ કરી પાર છોડવાનું જ હોય છે
તેમ આ યે કરી પાર છોડવાની છે આવશ્યકતા હવે:
જ્યાં સુધી એ ન પ્હોંચાય ત્યાં સુધી આપણીય ના
યાત્રા બંધ પડી શકે.
અનામી લક્ષ્ય કો એક પાર જવા સદા સંકેત આપતું,
સદા દેવોતણો વાંકોચૂંકો માર્ગ ઊર્ધ્વે આરોહતો રહે,
ને ઊંચે ચડતો અગ્નિ આત્મા કેરો ઊર્ધ્વે નિર્દેશતો જતો.
આ ઉચ્છવાસ શત-રંગી મુદતણો
અને વિશુદ્ધ ને ઉચ્છ ભાવ પામેલા એહની
કાળ કેરી હર્ષની પ્રતિમાતણો,
ઉછાળાતો આમતેમ દોષમુક્ત સુખની ઊર્મિઓ પરે,
હથોડાતો એકતાલ રૂપતામાં પરમા સંમુદાતણી,
આ અપૂર્ણાંક પૂર્ણાંક આત્મા કેરો
ઝલાયેલો તીવ્રભાવી મહત્તામાં છેકની કોટિઓતણી,
સીમાએ બદ્ધ આ સત્ત્વ ઉઠાવાતું સર્વોચ્ચ સુખની પ્રતિ,
પારની વસ્તુઓ કેરા એક સ્પર્શતણા અનુભવે સુખી,
સીલ મારેલ પોતાની અલ્પ અનંતતામહીં,
કાળ સામે ખડા રે'તા કાળ-સર્જયા અનંત નિજ વિશ્વમાં,
ઠાંસી ઠાંસી ભરી દેતું પ્રભુ કેરા વિરાટ સુખશર્મની
એક નીપજ નાનકી.
નિત્યના સાંપ્રત પ્રત્યે ક્ષણો પ્રસરતી હતી,
હોરાઓએ શોધી કાઢી અમર્ત્યતા,
કિંતુ સંતુષ્ટ પોતામાં ભરેલું જે હતું ઉત્તમ તે થકી
અટકી એ પડતાં શિખરો પરે,
જેમનાં અગ્ર આવેલાં સ્વર્ગના અર્ધમાર્ગમાં
પોતે કદી ન આરોહી શકતાં શિખરાગ્ર જે
તેને નિર્દેશતાં હતાં,
જેની હવામહીં પોતે જીવવાને સમર્થ ના
તે મહામહિમા પ્રત્યે આંગળી ચીંધતાં હતાં.
સલામતી લહેવાને પોતાની મરજાદને
જીવ આ વળગી રહે,
તેને ઉન્નત ઉત્કૃષ્ટ પોતાની ક્ષેત્રની પ્રતિ,
સુરક્ષાપૂર્ણ પોતાની પરાકાષ્ઠાતણી પ્રતિ
આપે આમંત્રણો જે આ શિખરો તે
નકારે છે વધુ મોટા સાહસાર્થક સાદને.
મહિમા ને મધુરતા સંતૃપ્ત કામનાતણાં
મહાસુખતણા સ્વર્ણ-સ્તંભ સાથે જીવને બદ્ધ રાખતાં.
જેને અનંતતા આખી નિવાસાર્થે જરૂરની
તે આત્માની વ્યાપ્તિ માટે એ નિવાસ પૂરો પાડી શક્યાં નહીં.
તૃણ શી મૃદુ ને આછી નિદ્રા શી સ્મૃતિના સમાં
સુષમા ને સાદ પાછાં હઠી લીન થઇ ગયાં,
અકાળ ગમ જાનારા લાંબા ઉચ્ચ પથે યથા
સુણેલું મધુરું ગીત દૂર દૂર વિલીન થઇ જાય છે.
પ્રબલોત્સાહથી પૂર્ણ હતી માથે શાંતિ શુભ્ર વિરાજતી.
ચિંતને મગ્ન બ્રહ્યાત્મા દૃષ્ટિપાત કરતો જગતો પરે,
અદૃષ્ટ એક આભની સ્વછતામાં થઇ થતા
આકાશોના ઉજ્જવલંત સમારોહણના સમા
વિશાળા ને વિસ્ફુરંતા પ્રદેશો મનના રહ્યા
પ્રકાશી સ્પંદહીનથી.
કિંતુ વિસ્તાર ત્યાં એને પ્હેલ વ્હેલો રૂપારાખોડિયો મળ્યો,
જ્યાં હતા દિન ને રાત પરણેલાં અને એક સ્વરૂપમાં:
હતો એ પટ ઝાંખો ને સ્થલફેર કરતાં કિરણોતણો,
અળગો પાડતો 'તો એ જિંદગીના સચેતન વહેણને
નિજ સામ્ય-અવસ્થામાં અવસ્થિત વિચારથી.
શંકા ને યુક્તિથી યુક્ત અનુમાન માટે રાખેલ ભોમમાં
અનિશ્ચયો મળી સાથે બેચેનીએ ભર્યું રાજ્ય ચલાવતા,
જ્ઞાન અજ્ઞાનની સાથે ગોઠવેલો તહીં મેળાપ સાધતું.
ભાગ્યે જ દેખતું 'તું જે ને વિલંબે શોધી જે શકતું હતું
તેવું નીચાણને છેડે મન સત્તા મુશ્કેલીથી ચલાવતું;
એનો ને આપણો પૃથ્વીલોકનો છે સ્વભાવ પાસપાસના,
ને અનિશ્ચિતતાવાળી અને મર્ત્ય આપણી ચિંતનાતણી
સાથે છે એનો સંબંધ સગાઈનો,
એ જમીનથકી ઊંચે આકાશે દૃષ્ટિ નાખતી
ને આકાશથકી જમીનની પરે,
કિંતુ જે તળિયે છે ને છે જે પાર તેને તે ન પિછાનતી,
એને કેવળ પોતાની ગંધ આવે ને બાહ્ય વસ્તુઓતણી.
સમજી ન શકે પોતે યા ન જે બદલી શકે
એવા પ્રદેશની મહીં
થોકબંધ દબાણોમાં આકારોએ નિબદ્ધ ઘટનાતણાં
પ્રાણી-જીવ રહ્યો છે જ્યાં જીવી અર્ધ-સચેતન
ત્યાંથી ધીરે આપણું જે સમારોહણ થાય છે
તેનું સાધન આ પ્હેલું બન્યું હતું.
જુએ છે માત્ર એ, અને
કાર્ય કરી શકે છે એ નિશ્ચિત ક્ષત્રની મહીં,
ક્ષણેક લાગણી એને થાય છે સુખદુઃખેય થાય છે.
સત્યને શોખવા માટે મથતા જગની મહીં
દુઃખ ને કામના કેરા પથો પરે
દેહધારી તમોગ્રસ્ત જીવને જે ભાવો હંકારતા રહે
તેમને અસ્તિને માટે અહીંયાં એ મળેલ છે
પોતાની શક્તિ ને શક્તિ નિસર્ગની.
અજ્ઞાન જિંદગીનાં હ્યાં નિશ્ચિત થાય છે,
મ્હાવરાથી જણાયેલ હકીકતો
જુએ આ જિંદગી પાકા કાયદાના સ્વરૂપમાં,
તત્ક્ષણાર્થક સેવે છે શ્રમ, શાશ્વતતાર્થ ના,
પોતાની પ્રાપ્તિઓ વેચી મારે માંગો તત્કાલોત્થિત તોષવા:
પદાર્થજડતા કેરા મનની મંદ પ્રક્રિયા
શાસવું જોઈએ જેને અને લેવું જોઈએ ઉપયોગમાં
તે શરીરતણી સેવામહીં રહે
ને સ્ખલંતી ઇન્દ્રિયોના આશરાની જેને જરૂર હોય છે
તેનો જન્મ થયો એહ લસનારા અસ્પષ્ટ અંધકારમાં.
;લંગડાતી શરૂઆત કરી ધીરે ધીરે આગળ ચાલતું,
પરિકલ્પિતને ટેકો આપનારું દલીલનો,
સિદ્ધાંતમત પોતાના ગણી નિશ્ચય નિર્ણયો
તેમને રાજગાદીનું ઉચ્ચ આસન આપતું,
કરીને તર્ક એ અર્ધ-જ્ઞાતમાંથી જતું અજ્ઞાતમાં રહે,
હમેશાં બાંધતું એનું પડે તૂટી એવું ઘર વિચારનું,
ને પોતે હોય ગૂંથી જે જાળ તેને પાછી રદ બનાવતું.
અલ્પજ્ઞાની મનીષી એ જે પોતાની છાયાને આત્મ માનતો,
કરતો ગતિ એ ક્ષુદ્ર જિંદગીથી
અલ્પજીવી ક્ષુદ્ર બીજી જિંદગીઓતણી પ્રતિ;
સામંતો પર પોતાના આધાર રાખનાર એ
છે પરાધીન રાજવી,
અજ્ઞાન મંત્રિઓ કેરી આજ્ઞાઓની પર એ મારતો મતું,
છે ન્યાયાધીશ એ જેની પાસે માત્ર અરધાં જ પ્રમાણ છે,
અનિશ્ચયતણી પૂર્વધારણાનો
સાદ છે એ ખાલી શોર મચાવતો,
નિર્માતા જ્ઞાનનો છે એ અને એનું પ્રભવસ્થાન એ નથી.
મહાબલિષ્ઠ આ બંદી પોતાનાં કરણોતણો
નિજ નીચા સ્થાનને એ માને સૌથી ઊંચું સ્થાન નિસર્ગનું,
સૃષ્ટ સૌ વસ્તુઓ મધ્યે પોતાનો જ ભાગ છે તેહ વીસરી
ને અંહકારની સાથે નમ્રભાવી એ પોતાના ઘમંડમાં
જડતત્વતણા કીચતણું માને સંતાન નિજ જાતને
અને કારણ પોતનું માને પોતે છે જે સર્જેલ તેહને.
શાશ્વત જ્યોતિ ને જ્ઞાને
આરીહીને જવા માટે થયો છે જન્મ આપણો,
ચડવાની શરૂઆત
સાવ સીધી આપણી ત્યાં થાય છે મનુભાવથી;
આપણે આવવાનું છે બ્હાર તોડી ભારે પાર્થિવ ક્ષુદ્રતા,
આપણે શોધવાનો છે સ્વ સ્વભાવ અધ્યાત્મ અગ્નિને લઇ;
કીટની ચાલ છે ભવ્ય આપણાં ઊડણોતણી
પ્રાસ્તાવિક નિવેદના;
ભાવિના દેવને માટે પારણું છે આપણી માનુષી દશા,
આપણું મર્ત્ય દૌર્બલ્ય ઝુલણું છે એક અમર શક્તિનું.
ખધોતી શિખરો છે આ ઝાંખી ઝલકથી ભર્યાં,
જ્યાં સ્વાભાવિક સંખ્યાની સાથે ક્રીડા કરે ધૂતિ ઉષાતણી
દિનની વૃદ્ધિમાં સાહ્ય ને નિશાના નશામાં સાહ્ય જે કરે;
વિદ્યોતંત વિશાળા ત્યાં એક સેતુ માર્ગથી છટકી જઈ
આવ્યો અશ્વપતિ એક પ્રદેશે જ્યાં છે પ્રકાશ પ્રભાતનો
અને છે અર્ધ ઊગેલા સૂર્યનું રાજ્ય રાજતું.
કિરણોમાંહ્યથી એના
આપણા મનનું પૂર્ણ પ્રભામંડલ ઉદભવ્યું.
અજ્ઞાન ગહનો સાથે મધ્યસ્થ-ભાવ રાખવા
વિશ્વોના આત્મદેવે છે નિયુક્ત જેહની કરી
એવી દક્ષા બુદ્ધિ એક આદિ-આદર્શરૂપિણી
અર્ધ સમતુલા રાખી રહેલી સમ પાંખ પે
શંકાની ને વિચારની,
સત્-તાના ગુપ્ત અંતોની વચ્ચે આયાસથી ભર્યો
અવિરામ શ્રમ સેવી રહે હતી.
ચાલતા જિંદગી કેરા દૃશ્યે એક ગૂઢતા શ્વસતી હતી;
હતી પ્રકૃતિ કેરા એ ચમત્કારોતણી ધાત્રી છુપાયલી,
દ્વ્રવ્યના પંકમાંથી એ જિંદગીનાં અદભુતોને
રૂપાબદ્ધ બનાવતી:
નમૂના એ વસ્તુઓના આકારોના કંડારી કાઢતી હતી,
અસ્પષ્ટ અજ્ઞ વૈરાટે મન કેરા તંબૂ એ તણાતી હતી.
મહા જાદૂગરે એક યુક્તિના ને પ્રમાણના
પુનરાવૃત્ત થાનારાં રૂપોમાંથી રચી છે એક શાશ્વતી.
અને પ્રેક્ષક છે એવા ભટકંતા વિચારને
નક્કી સ્થાન કરી આપ્યું છે અચિત્ રંગમંચ પે.
પૃથ્વી ઉપર સંકલ્પે આ સર્વોત્તમ-બુદ્ધિના
જડતત્વતણો જામો પહેર્યો છે અદેહા એક શક્તિએ;
સેવી 'પ્રોટોન'-'ફોટોને' છબી લેનાર આંખને
પલટી નાખવા સૂક્ષ્મ વસ્તુઓને સ્થૂલ પાર્થિવ સૃષ્ટિમાં,
ને અદૃશ્ય બન્યું દૃશ્ય આકારરૂપતા ધરી,
અસ્પર્શગોચર સ્પર્શગમ્ય પિંડ બની ગયું :
ઇન્દ્રિયજ્ઞાનનો જાદૂ થયો યુક્ત કલા સાથ વિચારની,
એણે આખ્યાપતું નામ આપ્યું પ્રત્યેક વસ્તુને :
દેહ કેરી કલાબાજી કેરો વેશ કલ્પનાભાવ ધારતો,
ને નવાઈ ભર્યા ગુહ્યે અણુના કાયદાતણા
રચાયું ચોકઠું એક જેમાં કાર્ય ઈન્દ્રી-સંવેદનાતણું
પ્રતીકાત્મક પોતાનું વિશ્વનું ચિત્ર મૂકતું.
સધાયો 'તો ચમત્કાર એનાથીય મહત્તર.
મધ્યસ્થા જે બની 'તી તે જયોતિ કેરા પ્રભાવથી
શક્તિ દેહતણી, નિદ્રા-સ્વપ્ન વૃક્ષોતણાં ને વૃક્ષકોતણાં,
સ્ફૂરતું ઇન્દ્રિયજ્ઞાન પશુઓનું ને વિચાર મનુષ્યનો
ઊર્ધ્વસ્થ રશ્મિની દીપ્ત પ્રભા સાથે સંકળાઈ ગયાં હતાં.
વિચાર કરવા કેરા દ્વ્રવ્યના અધિકારનું
સમર્થન કરંતી જે એનામાં છે પ્રવીણતા,
તેણે સંવેદનાવંતા કોરી કાઢયા
માર્ગો માટીતણા માનસ કારણે,
ને અવિદ્યા કાજ જ્ઞાન માટે સાધન મેળવ્યું.
નિજ નાના ચોરસો ને ઘનો શબ્દતણા એણે સમર્પિયા
સત્યતાની જગા લેવા આલેખ્ય રૂપરેખામાં,
સ્મૃતિસાહ્ય કરંતી એ લિપિ જાડય-જડી હતી,
પોતાના કાર્યનો કયાસ કાઢવાને માટે જે અંધ શક્તિને
સાહ્ય રૂપ બની હતી.
દટાયેલી ચેતના કો ઊભી એની મહીં થઇ
ને પોતે માનવી છે ને જાગરૂક સચેત છે
એવાં એ સ્વપ્ન સેવતી.
પરંતુ હજુ યે સર્વ હતું અજ્ઞાન હાલતું.
આ વિશ્વરૂપ દેખાતી જે કરામત કારમી,
પાકી પકડમાં તેને લેનારું જ્ઞાન ના હજી
સુધી આવી શકયું હતું
કઠોર તર્કના યંત્રતણું નિષ્ણાત ખાસ એ ,
લાદી ચૈત્યાત્મ પે એણે યક્તિ અક્કડ એહની;
નવ શોધમહીં દક્ષા બુદ્ધિને સાથ આપવા
એણે કાપી કર્યો ખંડો સત્ય કેરા પ્રબંધાર્થે સહેલ જે,
કે પ્રત્યેક કરે પ્રાપ્ત પોતાને ભાગ આવતું
ભોજય-દ્રવ્ય વિચારનું,
ને પછી મડદું એની કલા દ્વારા હણાયલા
નવ-નિર્મિત સત્યનું :
સેવા આપી શકે એવો યથાતથ્ય યંત્રમાનુષ જૂઠડો
સ્થાન લેતો આત્મા કેરી વસ્તુઓની પ્રત્યેની સૂક્ષ્મ દૃષ્ટિનું :
એન્જિન ઓપ પામેલું કામગીરી દેવતાની બજાવતું.
સાચું શરીર ના કો'ને મળ્યું, આત્મા મરેલો લાગતો હતો ;
સત્ય-સમગ્રતા જોતી અંતદૃર્ષ્ટિ કોઈની પાસ ના હતી;
સૌ મહાત્મ્ય આપતા 'તો ચમકંતી પ્રતિષ્ઠાપિત વસ્તુને.
પછી એક ધસી આવ્યું મોજું નીચે છૂપી શિખરમાળથી,
બંડખોર પ્રભા કેરી અંધાધૂંધી થઇ ઝલકતી ખડી;
ઊંચે એણે કરી દૃષ્ટિ અને ફૂટ નિહાળ્યાં આંખ આંજતાં,
જોયું ભીતર એણે અને સૂતા દેવતાને જગાડિયો.
કલ્પનાએ દલો એનાં બોલાવ્યાં જે કરી સાહસ પેસતાં
અનાવિષ્કૃત દેશોમાં, જ્યાં હજી જે કોઈની જાણમાં નથી
એવાં સર્વે અદભુતો છે ચુપયલાં:
એણે નિજ ચક્ત્કારી શિર સુંદર ઊંચક્યું,
પ્રેરણાની બહેનોના વૃન્દ સાથે મળી કાવતરું રચ્યું
ધૂમિમંત પ્રભામેધે ભરી દેવા ગગનોને વિચારનાં.
ભ્રમ એક પ્રભાશાળી
ગૂઢતાની વેદી કેરી ધારે ધારો બની ગયો :
ને તમિસ્રા બની ધાત્રી પ્રજ્ઞાના ગૂઢ સૂર્યની,
કથા પુરાણની શુભ્ર પોતાના સ્તનના પયે
જ્ઞાનને ધવડાવતી;
પસાર શિશુ થાતું 'તું
પ્રભાહીન સ્તનોથી સુપ્રભાએ સ્ફરતા સ્તને.
આ રીતે કરતી કાર્ય શક્તિ વૃદ્ધિ પામતા વિશ્વની પરે;
પટુતા સૂક્ષ્મ એહની
પાછું ખેંચી રાખતી 'તી પૂર્ણ એવું જવાલામંડલ જોતનું,
આત્માના બાલ્યેને હૈયે હેતભેર હુલાવતી,
અને જે મુખ્ય આહારે કે બુદ્ધિક્ષેત્રના સૂકા પરાળથી
કે અસંખ્યાત તથ્થોના ઢેરોએ નીરણોતણા
કે સાધારણ ભોજયોએ આજકાલ આપણી વૃદ્ધિ થાય છે
તેનાથી નિજ માધુર્યે ને અમી શા રસે ક્યાંય બઢી જતી
કલ્પનાની કથાઓએ
આત્મા કેરા હજી કાચા બાલ્યને પરિપોષતી.
આવી રીતે વહી આવ્યાં પ્રાત:કાલી પ્રભા કેરા પ્રદેશથી
આકાશી ચિંતનો નીચે લોકમાં જડતત્વના;
સ્વર્ણશૃંગી ધણો એનાં પૃથ્વી કેરી હ્રદ્-ગુહામાં પ્રવેશિયાં.
આપણાં સાંધ્ય નેત્રોને ઉજાળે છે એનાં પ્રભાતરશ્મિઓ,
કાર્યના શ્રમની પ્રત્યે, ને સ્વપ્નાંઓ નિષેવવા,
નવીન સર્જવા માટે, લહેવાને સ્પર્શ સુંદરતાતણો,
જગને જાણવા માટે ને પોતાની જાતનેય પિછાનવા
એનાં કિશોર નિર્માણો પૃથ્વીચિત્તતણી સંચાલના કરે :
વિચાર કરવા કેરો અને આંખે દૃષ્ટિમંત થવાતણો
સમારંભ સુવર્ણ શિશુએ કર્યો.
એ ઉજજવલ પ્રદેશોમાં
મન કેરાં પ્હેલવ્હેલાં પગલાંઓ પડી આગળ જાય છે.
અજાણ સર્વથી કિંતુ ઉત્સુક સર્વ જાણવા,
ત્યાં આરંભાય છે એની કુતૂહલ વડે ભરી
ધીરી ધીરી તપાસણી;
હમેશાં શોધતું રે'તું
એ લેવા પકડે જાય આકારો આસપાસના,
હમેશાં રાખતું આશા વધુ મોટી વસ્તુઓ શોધવાતણી.
તીવ્રોત્સાહી અને વ્યાપ્ત સૂર્યોદય સમાતણી
આભાએ સ્વર્ણ-વર્ણની
આવિષ્કારતણી ધાર પર સાવધ એ વસે.
કિંતુ જે સૌ કરે છે એ તે છે નાના બચ્ચા કેરા પ્રમાણનું,
જાણે કે વિશ્વ ના હોય બાલોધાનતણી રમત એક કો,
અને મન તથા પ્રાણ ખિલોણાંઓ કોઈ દૈતેય બાળનાં.
ગૂઢ શાશ્વતતા કેરા અકૂલ સિન્ધુ મધ્યમાં
કાળ કેરા કિનારાની લઇ રેતી
બાંધ કો નકલી કિલ્લો ચમત્કારી રીતે ઘડીક સુસ્થિર,
કરે છે કાર્ય તેમ તે.
છે પસંદ કર્યું નાનું તીક્ષ્ણ શસ્ત્ર મહાસમર્થ શક્તિએ
રાગાવેશ ભરી મંડી છે એ ખેલે પરિશ્રમી;
જ્ઞાન અજ્ઞાન દેવાતણા મુશ્કેલ કાર્યની
છે એને સોંપણી થઇ,
એનો સંકલ્પ આરંભ કરે મૂળ એક અચેત શૂન્યથી
ને પોતે શિખવાડે જે
તેનું એને પોતાને યે જ્ઞાન મેળવવું પડે,
ને ધારણે ભરી એની બોડમાંથી જગાડવું
પડે છે જ્ઞાન એહને.
કેમ કે બ્હારના લોક મહીંથી આપણે ગૃહે
બોલાવ્યે જ્ઞાન ના આવે બની મ્હેમાન આપણું;
આપણા ગૂઢ આત્માનો છે એ મિત્ર, સંવાસી અંતરંગ એ,
આપણા મનની પૂઠે છુપાઈને નિદ્રાધીન થયેલ એ
જિંદગીની દીપ્તિઓની તળે ધીરે ધીરે જાગ્રત થાય છે;
બલિષ્ટ દેવ ઢંઢોળ્યા વિનાનો એ ભીતરે સૂઈ છે રહ્યો,
અને આવહવો, એને રૂપ દેવું એ છે કાર્ય નિસર્ગનું.
સત્યાસત્યતણી અંધાધૂંધી રૂપ બધું હતું,
શોધતું 'તું મન ગાઢાં ધુમ્મસોની મધ્યે અજ્ઞાનતાતણાં;
નિજ ભીતરમાં એણે જોયું કિંતુ જોયો ન ભગવાનને.
એક અંતરિમા કૂટનીતિએ સ્થૂલ દ્રવ્યની,
હયાતી ભોગવે સત્યો ક્ષણજીવી પ્રકારનાં
તેને માટે સત્ય કેરો ઇનકાર કર્યો હતો,
ને ધર્મમત ને તર્કે સંતાડીને રાખ્યો 'તો એહ દેવતા,
કે જેથી વિશ્વ-અજ્ઞાન ધીરે ધીરે પ્રજ્ઞાવાન બની શકે.
સર્વસત્તા ચલાવંતા મને ઊભું આ અંધેર કર્યું હતું,
લસતી ગિરિ-ધારેથી રાત્રિ મધ્યે દૃષ્ટિપાત કરી તળે
એણે આરંભ કીધો 'તો અચિત્ સાથે નિજ વ્હેવાર તે સમે :
બાધા પામ્યાં હતાં એનાં દીપ્ત નેત્રો પરદેશી પ્રદોષથી;
સાવધાન સમુત્સાહ એના ક્ષિપ્ર હસ્તોએ શીખવો રહ્યો;
ધરા ધારી શકે માત્ર ધીરી પ્રગતિની ગતિ.
તે છતાં યે પ્રાણશક્તિ અને પિંડ દ્વારા યોજી કઢાયલાં
કામચલાઉ ઓજારો જેને લેવાં પડે છે વપરાશમાં
તેવું જે બળ પૃથ્વીનું તેથી ન્યારું બળ એની મહીં હતું
સંદેહાત્મક આભાસો દ્વારા પૃથ્વી સઘળું અવલોકતી,
દૃષ્ટિ આકસ્મિકી કેરી ફૂટી જે સેડ છૂટતી
તેની સાહ્ય લઈને એ સઘળા ખ્યાલ બાંધતી
નાની જોતો જલાવંતી સ્પર્શો દ્વારા ફાંફાંમાર વિચારના.
ચૈત્યાત્માની દૃષ્ટિ અંતર્મુખી સીધી છે એની શક્તિ બ્હારની,
તૂટક આંચકે જોતી, અને જ્ઞાનતણા ભંગાર રેણતી,
સત્યને નિજ તંગીની બંદી-બાલા બનાવતી,
નિસર્ગ-એકતા ગૂઢ બહિષ્કારી ચરરૂપ સમસ્તને
નિશ્ચિત પરિમાણે ને પિંડપુંજે વિભાજી નાખતી હતી;
નિજ અજ્ઞાનનો એણે લીધો છે ગજ માપવા,
પોતાના ક્ષેત્રમાં મોટે અધિકારે અને દ્વષ્ટા સ્વરૂપ જે,
અને સૂર્ય જેનો અર્ધોદયે હતો,
તે એ મહત્તરા શક્તિ સીમાઓમાં રહીને કાર્ય સાધતી,
હતું પરંતુ સ્વામિત્વ એનું સ્વ-ક્ષેત્રની પરે;
હકે વિચારતી શક્તિતણા એ જાણતી હતી
અને એનો હતો દાવો દૃષ્ટિ કેરા બાલ-પ્રભુત્વની પરે.
ગમે તેવી ભલે કાળી કિનાર ત્યાં
છતાં આંખોમહીં એની કો મોટા દેવદૂતની
દૃષ્ટિની દીપ્તિઓ હતી,
જે દેવદૂત પોતાની પ્રેરણાથી જાણી લેતો પ્રવૃત્તિઓ,
ને દૂર દૂર જોનારી જોતથી નિજ દૃષ્ટિની
રચતો એક લોકને.
નિજ પ્રદેશમાં એ ના ઠોકરાતી કે નથી નિષ્ફલા જતી,
પરંતુ સંચરે છે એ સીમાઓમાં રહીને સૂક્ષ્મ શક્તિની
જેને પાર કરી ચિત્ત સૂર્ય પ્રત્યે પગલાંઓ ભરી શકે.
ઊર્ધ્વના અધિરાજત્વ માટે ઉમેદવાર એ,
સંચારમાર્ગ છે એણે કાપી કાઢયો રાત્રિથી જ્યોતિએ જતો,
ને જે સર્વજ્ઞતા હાથ નથી આવી તેની એ શોધમાં રહી.
ત્રિદેહી ત્રિપુટી એક વામણી તે એની ગુલામડી હતી.
ત્રણેમાં સહુથી નાની પહેલી, તે હતી સુદૃઢ અંગની,
નીચાં ભવાં હતાં એનાં અને ભારે જડબું સમચોરસું,
વિચાર વેંતિયો જેને મર્યાદામાં રહેવાની જરૂરત
હકીકત અને ઘાટ ઘાણથી કાઢવા ઘડી
હતો એ ઝૂકતો સદા.
તલ્લીન ને પુરાયેલો કોટડે બાહ્ય દૃષ્ટિના
પગ માંડી ખડો રે'તો એ નકકૂર પાયા પર નિસર્ગના.
પ્રશંસાપાત્ર શિલ્પી એ, કિંતુ કાચો વિચારક,
ટેવ કેરી ઘરેડો શું જિંદગીને જોડી દે એ રિવેટથી,
જડ દ્રવ્યતણા અત્યાચારને વશ વર્તતો,
ને જે બીબાંમહીં કાર્ય કરે પોતે તેનો બંદિ બની જતો,
પોતે જે સર્જતો તેની સાથે પોતે પોતાનો બદ્ધ રાખતો.
નિર્બાધ નિયમો કેરા નક્કી એવા ઢેર કેરો ગુલામ એ
જુએ છે કાયદા રૂપ ટેવોને દુનિયાતણી,
ટેવો મનતણી એહ જુએ છે સત્ય રૂપમાં.
નક્કર પ્રતિમાઓનો ને બનાવો કેરો એનો પ્રદેશ છે
ચકરાતાં રહે છે જે પ્રકલ્પોને વર્તુલે જર્જરાયલા
ને જાણીતાં અને જૂનાં કાર્યો કેરી કર્યા આવૃતિઓ કરે,
છે જે સામાન્ય ને જ્ઞાત તેનાથી તુષ્ટ એ રહે.
હતો નિવાસ પોતાનો ને જૂના સ્થાનની પરે
એહનો અનુરાગ છે:
ઘુષ્ટતાએ ભર્યું પાપ ગણી એ ફેરફારનો
ધિક્કાર કરતો હતો,
અવિશ્વાસતણી આંખે જોતો 'તો એ નવી પ્રત્યેક શોધને,
અગાડી ચાલતો પાય પછી સાવધ પાપથી
ને જાણે ઘોર ગર્ત હોય એમ બીતો એ અણજાણથી.
નિજ અજ્ઞાનનો શાણો સંઘરો કરનાર એ
સંકોચાઈ પાછો સાહસથી પડે,
ભવ્ય આશાતણી આગે પોપચાં પલકાવતો
વિશાળા ને ઉચ્ચમાંથી હર્ષે જે જોખમી મળે
તેને સ્થાને સુરક્ષાએ ભર્યું સ્થાન પગલાં માંડવાતણું
પસંદ કરતો હતો.
જગના મંદ સંસ્કારો શ્રમસેવી એના મનતણી પરે,
પ્રાય: ભૂંસાય ના એવી છાપો ધીરે પડેલ, તે
નિજ દારિધ્રને લીધે નિજ મૂલ્ય વધારતો;
ખાત્રીબંધ જૂની જે સ્મૃતિઓ, તે તેની મૂડી હતી જમા :
ઇન્દ્રિયગ્રાહ્ય છે જે એકલું જ સાવ સંપૂર્ણ લાગતું :
બાહ્યની વસ્તુતાને એ એકમાત્ર સત્યનું રૂપ આપતો,
પૃથ્વીની પ્રતિ જોનારી દૃષ્ટિ સાથે પ્રજ્ઞા એક બની હતી,
અને સુચિર જાણેલી વસ્તુઓ ને કર્મો નિત્ય કરાયલાં
એના આગ્રહિયા ગ્રાહ માટે એક કઠેરો જાય છે બની
જેની સલામતીમાં એ ચડે સીડી કાળની જોખમે ભરી.
સ્વર્ગની પર વિશ્વાસ એને માટે જૂના સ્થાતિપ માર્ગ છે,
હક માનવને જેમાં ફેરફાર કરવાનો કશો નથી
એવા અફર કાયદા,
પવિત્ર વારસો મોટા મરેલા ભૂતકાળનો,
યા તો જીવનનો એકમાત્ર માર્ગ પ્રભુ દ્વારા રચાયલો,
કદી બદલવાનો ના એવો પાકો ઘાટ એક નિસર્ગનો,
વિશ્વના સુમહત્ કાર્યક્રમનો એક ભાગ વા.
ભુવનોના પરિત્રાતા કેરા એક કૃપા-સ્મિતે
રખેવાળી કરંતા આ મનને છે પૃથ્વી ઉપર પાઠવ્યું
કે સૌ સ્થિત રહે નક્કી કરાયેલા નિજ આદર્શ રૂપમાં
ને ભૌતિક અવસ્થાથી પોતાની ના ચળે કદી.
સ્વકાર્યને વફાદાર રહી એ ઘૂમતું રહે
સોંપાયેલા રૂઢ એક ચકરાવે અથાક એ;
જીર્ણ-શીર્ણ થઇ જાતાં કાળ-કાર્યાલયોમહીં
રાખે બારીક ચોકી એ દીવાલોની સામે દાણ-ઘરોતણી,
કે પુરાણી રાત્રિ કેરી આસપાસ ધૂંધળા શા પ્રદેશમાં
પથરા પર નાના શા ચોક કેરા બેસીને ઝોકતો રહે,
ઘરને ફાડવા એના આવેલા કોક શત્રુની
સામે જેમ ભસે તેમ
પ્રત્યેક અણજાણીતી જ્યોતિ સામે ભસ્યા કરે,
છે એ કો શ્વાન શો ચોકી કરનારો આત્માના ઘર-વાસની,
ઇન્દ્રિયોના કઠેડાની જેની આસપાસમાં એક વાડ છે,
ઘૂસી અદૃશ્યમાંથી કો આવે ના ત્યાં તેની ખબર રાખતો,
પ્રાણે ત્યાં હોય નાખ્યાં જે ટુકડા ને
જડતત્વે નાંખ્યાં જે હોય હાડકાં
તેનાથી પુષ્ટિ પામતો,
કુત્તાવાસે વસે છે એ વસ્તુનિષ્ઠ નિશ્ચયાત્મકતાતણા.
ને છતાં પૂઠેળે એની વિશ્વવ્યાપી સામર્થ્ય એક ખડું:
માત્રાબદ્ધ મહત્તાએ રાખી છે નિજ સાચવી
વિશાળતર યોજના,
તાલબદ્ધ બનાવે છે સંચાર જિંદગીતણો
જેનો તાગ નથી તેવી તદેવતા;
બદલાય નહીં એવી કક્ષાઓ તારકોતણી
ચાસ પાડી રહેલી છે નિશ્ચેષ્ટ અવકાશમાં,
જીવોની જાતિઓ લાખો
રહી અનુસરી એક મૂગો નિયમ સૃષ્ટિનો.
અપાર જડતા વિશ્વ કેરી એનો બચાવ છે,
વિકારશીલમાંયે છે નિધિ સંચ્યો વિકારમક્તતાતણો;
જડતાની અવસ્થામાં નિમગ્ના ક્રાંતિ થાય છે,
નવો પોશાક પ્હેરીને ભજવે છે પુરાણું નિજ પાઠને;
તેજ:શક્તિ કરે કાર્ય અને સ્થાણુ છે મુદ્રાછાપ એહની :
શિવશંકરના વક્ષ:સ્થલે નૃત્ય વિરાટ ટકવાયલું.
ત્રણમાંની પછી આવી બીજી ધગશથી ભરી.
અવસર થયેલી એ હતી ખૂંધી રાતા અરણ્ય-રાસભે,
મહતી ગૂઢ જવાળા જે વિશ્વોને વીંટળાઈ છે,
ને ઘોર નિજ ધારે જે કોરી ખાતી જાય છે હૈયું જીવનું,
તેમાંથી કૂદકો મારી સિંહની યાળને ધરી
બુદ્ધિ આવી ઘૃષ્ટ સાહસથી ભરી.
એમાંથી અભિલાષાનું દીપ્ત દર્શન ઉદભવ્યું.
હજારો રૂપ એ લેતી, નામ નિ:સંખ્ય ધારતી :
જરૂરિયાત બાહુલ્ય ને અનિશ્ચિતતાતણી
આર મારી એક પ્રત્યે એને હંમેશ પ્રેરતી,
લઇ અસંખ્ય માર્ગોએ જતી મોટા વિસ્તારો પર કાળના,
ચક્કરોમાં થઇ અંત વિનાની ભિન્નતાતણાં.
એક કળાય ના એવી આગથી એ ભાળે છે હૃદયો બધાં.
પ્રભા પ્રસ્ફુરતી એક અંધારા સ્રોતની પરે,
સ્વર્ગ પ્રત્યે ભભૂકી એ, પછી નીચે ધબી અને
ગળાઈ ગર્તમાં ગઈ;
સત્યને કીચડે ખેંચી લાવવાને માટે એ ઊર્ધ્વમાં ચડી
વાપરી શક્તિ પોતાની ઉજ્જવલંતી મેલા ઉદ્દેશ સાધવા.
સોનેરી, આસમાની ને રાતો એક કાચિંડો ભીમકાય એ,
કાળો, રાખોડિયો, મેલો બભ્રુ વર્ણ બની જતો,
ટપકાં ટપકાંવાળી ડાળીએ એ બેસીને જિંદગીતણી
બુભુક્ષિત રહે તાકી ને મોં મારી ઝડપે સુખ-જંતુઓ
-ભાવતા નિજ ભોજયને;
ગંદો ખોરાક એ એના વૈભવી વપુ કાજનો
રંગોની દીપ્તીનો રાગ પ્રપોષતો.
કાળા વાદળના પુચ્છવાળો જવાલા-ભુજંગ એ
આવતો લઈને પૂઠે ચમકારા મારનારા વિચારની
મોટી ભૂંજર સ્વપ્નની,
ઊંચકાયેલ છે માથું, છે છાંટ બહુરંગિયા
કલગીઓ પરે તગતગ્યે જતી,
ધૂમ્રવર્ણી જીભથી એ જ્ઞાનને ચાટતો હતો.
ખાલીખમ હવા ચૂસી લેતી વમળ-ઘૂમરી
ખાલીખમતણે પાયે દાવા મોટા મોટા એ રાખતી હતી,
જન્મેલી શૂન્યમાંથી એ ફરી પાછી શૂન્ય પ્રત્યે જતી હતી,
છતાં ભાન વિના હંકારાતી 'તી સર્વદૈવે એ
જે સર્વરૂપ છે તેવા છૂપા કૈંકતણી પ્રતિ.
તીવ્ર ઉત્સાહવંતી, ના ધારણાની શક્તિ કિંતુ ધરાવતી,
ઓજસ્વી એક અસ્થૈર્ય હતું લક્ષણ એહનું,
સ્ખલવું સહજા વૃત્તિ, સંજ્ઞા સ્વભાવિકી હતી.
વિચાર વણ લેવાને માની તત્પર તુર્ત એ,
નિજાશાઓતણી સ્લાઘા કરનારા સૌને એ સત્ય માનતી;
વ્હાલાં એને લાગતાં 'તાં મનીષાનાં જાયાં સુવર્ણ શૂન્યકો,
મારી ઝડપ લેવા એ જતી ચારા માટે અસાર વસ્તુને.
અંધકારમહીં એને દીપ્તિમંત આકારો આવતા મળી;
છાયાના પડદાવાળી અર્ધ-જોત મહીં એ ડોકિયું કરી
રંગીન પ્રતિમાઓને પેખતી 'તી કલ્પનાના તરંગની
ગુહાગહવર પે આંકી કઢાયેલી ઉતાવળે;
અનુમાનતણી રાત્રી મધ્યે યા એ ચક્કરો લઇ ઘૂમતી
ને કેમેરે કલ્પનાના ક્ષણભંગુર જ્યોતિઓ
આશાસ્પદ ધરે દૃશ્યો ઊજળાં જે તેનાં બિંબન ઝીલતી,
ત્વરંતાં સપનાં કેરા ચરણો જિંદગીતણી
હવામાં સ્થિર સ્થાપતી,
સંચરંતાં સ્વરૂપો ને શક્તિઓ અવગુંઠિતા
ને અર્ધદૃષ્ટ સત્યોની મૂર્તિઓ જે ઝબકારે થતી છતી,
તેમની પડતી છાપ સંઘરી રાખતી હતી.
તર્કથી વણ દોરાયો યા દૃષ્ટિમંત આત્મથી,
પકડીને લઇ લેવા પોતા માટે એનો આતુર કૂદકો
એની પ્હેલી તથા છેલ્લી ચેષ્ઠા સ્વાભાવિકી હતી,
અશક્ય કરવા સિદ્ધ વેડફંતી હતી જીવનશક્તિ એ :
ધુત્કારી કાઢતી 'તી એ માર્ગો સીધા,
અને દોડી જતી 'તી એ વળાંકોમાં ગમે ત્યાં રખડયે જતા,
અને ન અજમાવેલી વસ્તુઓને
માટે છોડી હતી દેતી કરેલું હોય પ્રાપ્ત તે;
આસન્ન ભાવિને રૂપે જોતી લક્ષ્યો અસિદ્ધ એ,
ને કૂદી સ્વર્ગમાં જાવા પસંદ કરતી હતી
કારમી કો કરાડને.
રીત સાહસની એહ સેવતી 'તી જુગારે જિંદગીતણા,
ને આકસ્મિક લાભોને માનતી એ પરિણામો સલામત;
એની વિશ્વાસની દૃષ્ટિ નાસીપાસ ન 'તી સ્ખલનથી થતી,
આત્મમાર્ગોતણા ઊંડા ધર્મ કેરું એને જ્ઞાન હતું નહીં
અને નિષ્ફળતા એના ધગશે ભર ગ્રાહને
મંદ ના શકતી કરી;
એકાદ સિદ્ધિ પામેલી તક બાકી બધાયની
ગેરંટી આપતી હતી.
પ્રયત્નમાત્ર, ના પ્રાપ્તિ જય કેરી હતી જીવન-મોહિની.
અનિશ્ચિત વિજેત્રી એ અનિશ્ચિત પણોતણી,
સહજપ્રેરણા એને માટે બંધ રોકનારો બની હતી,,
ને એના તાતને સ્થાને હતું માનસ પ્રાણનું,
દોડતી એ હતી એની શરતે ને
એમાં પ્હેલી કે છેલ્લી આવતી હતી.
ને તે છતાં ન 'તાં એનાં કાર્યો નાનાં, નજીવાં કે નિરર્થક;
અંશ અનંતતા કેરા ઓજનો એ ઉછેરતી,
ને એના મનના તુક્કા વાંછતા તે
વસ્તુઓ ઉચ્ચ ઉત્પન્ન કરી એ શકતી હતી;
પ્રશાંત બુદ્ધિ ચૂકી જે જતી 'તી તે આવતું 'તું
એના રાગાવેગના ગ્રાહની મહીં.
ઉચ્ચ વિચાર વિધુમ્ન ધુમ્મસે જે સ્વર્ગો સંતાડતો હતો
તેમને કૂદકો મારી ભાવાવેશ એનો પકડતો હતો,
ગ્રહતો ઝબકારાઓ આવિષ્કાર કરતા ગુપ્ત સૂર્યનો :
ઊંડી તપાસણી રિક્ત કેરી એ કરતી, અને
એને ત્યાંથી ખજાનો લાધતો હતો.
અર્ધ-અંતર્જ્ઞાન એના ઇન્દ્રિયજ્ઞાનની મહીં
બની જાંબુડિયું જતું;
શૂલ વિધુતનું નાખી વીંધતી એ અદૃષ્ટને
અંધારામાં દેખતી એ ને પ્રકાશે આંખો પટપટાતી
હતી સંદિગ્ધતા ભરી,
અજ્ઞાન ક્ષેત્ર એનું ને અવિજ્ઞાત
હતું મોંઘી વસ્તુ વિજયલાભની.
આ સૌમાં સર્વથી મોટી શક્તિ તે અંતિમા હતી.
મોડી આવી હતી એહ દૂર કેરી ભૂમિકાથી વિચારની
વિવેચના વિનાના ને યદ્દચ્છાના ખીચોખીચ ભર્યા જગે,
સંવેદાતું હતું સર્વ જહીં સ્થૂલ પ્રકારથી
ને અંધ વિધથી થતું,
ને છતાં જ્યાં દૈવયોગ અનિવાર્ય જ લગતો,
ત્યાં આવી બુદ્ધિ શિલ્પી ને આસનસ્થિત દેવતા,
કટકે કાળના ઉચ્ચ કર્યો એણે નિવાસ સાંકડે ઘરે.
હતી નિપુણ એ સ્પષ્ટ યુક્તિમાં ને પ્રયુક્તિમાં,
મુખે ચિંતનની મુદ્રા, અને આંખો બારીક અવલોકતી,
હઠાવ્યું જાય ના એવું લીધું એણે પોતાનું દ્દઢ આસન,
પિશાચી શી ત્રણેમાં એ હતી સૌથી ડાહી ને દૈવતે ભરી.
લેન્સ ને માનદંડે ને શોધનારી શાલાકાએ સુસજ્જ એ
વસ્તુતાનું વિશ્વ જોતી ને તે મધ્યે જીવતા ને મરી જતા
સમૂહો અવલોકતી,
અવકાશતણી કાયા
અને ભાગી જતો આત્મા કાળ કેરો વિલોકતી,
ને લઇ હાથમાં પૃથ્વી અને તારા આ વિલક્ષણ વસ્તુઓ
વડે પોતે બનાવી શું શકે છે તે જોતી એ અજમાયશે.
બળશાળી અર્થપૂર્ણ શ્રમસેવી પોતાના મનની મહીં
વસ્તુતાનાં વિધાનોની રેખાઓ એ પોતાની પ્રકટાવતી,
અને સાથે પ્રયોજી બ્હાર કાઢતી
સ્વકાળ યોજના કેરા વળ ભૂમિતિએ રચ્યા,
નિજ ધીરા અર્ધ-કાપો સત્ય પ્રત્યે ગુણાકારે બઢાવતી :
સમસ્યા ને અવિજ્ઞાત પ્રત્યે અધીર એ હતી,
છે નિરંકુશ ને ન્યારું તેની પ્રત્યે રાખતી અસહિષ્ણુતા,
વિચાર લાદતી આગેકૂચની પર શક્તિની,
છે જે અગાધ તેને તે થવા સ્પષ્ટ નિદેશતી,
ગૂઢતાના વિશ્વને એ નિયમોનું બનાવવા
પ્રયત્ન કરતી હતી.
કશું એ જાણતી ન્હોતી,
કિંતુ આશા રાખતી 'તી જાણવાની સમસ્તને.
કાળા અચિત્ પ્રદેશોમાં એકદા જ્યાં વિચારશૂન્યતા હતી,
તામોગ્રસ્ત વિરાટે ત્યાં પોતાનું રશ્મિ પ્રેરવા
એને નિયુક્ત કીધી 'તી પરમોચ્ચ પ્રજ્ઞાએ કાર્યની પરે,
અપૂર્ણ જ્યોતિ પોતે તે ભૂલચૂક કરનારા સમૂહને
ઇન્દ્રિયજ્ઞાનના, ભાવના ને શબ્દતણા સામર્થ્થના વડે
દોરવી લઇ જતી,
પ્રક્રિયાઓ પ્રકૃતિની, સારદ્વવ્ય અને કરણ ખોજતી.
સારા જીવનમાં મેળ આણવાને કાબૂ દ્વારા વિચારના
મથી રહી હજીયે એ ગોલમાલ સાથે જંગી પ્રમાણનાં;
પોતાના શોધતા ચિત્ત વિના બીજું બધું એ નવ જાણતી
બચાવી વિશ્વને લેવા અવિઘાથી છે એનું આવવું થયું.
શતકોથી સર્વશ્રેષ્ઠ કાર્યકર્ત્રી બનેલ એ
છે જે અસ્તિત્વમાં તેને નિરીક્ષંતી ને ફરી ઘાટ આપતી,
સોંપણી અતિશે મોટી સવિશ્વાસ એણે હાથે ધરેલ છે.
પણે વાંકી વળેલી એ મહામૂર્તિ વિરાજતી
પોતાની કર્મશાળાના દીપ્ર દીપોતણી તળે,
ઠણત્કારો-રણત્કારો વચ્ચે સ્વ હથિયારના.
કઠોરતા ભરી મીટ એની સર્જક આંખની
વૈશ્વ માનસના માટી-મૃદુ દ્વવ્ય પર દોર ચલાવતી,
સ્વમસ્તિષ્કતણી રુક્ષ હોય છે જે બનાવટો
તેમની પાડતી ભાતો સદાની સ્થિરતાવતી :
છે ઉદાસીન એ મૂગી વિશ્વની માગણી ભણી,
અત્યંત ગાઢભાવી જે સત્યતાઓ તેનું એને ન ભાન કૈં,
વિચાર વણબોલાયો ને હૈયું નવ બોલતું,
તેની એને ન ચેતના,
પોતાના સંપ્રદાયો ને પોતાના લોહ-કાયદા,
બંદી બનાવવા માટે જિંદગીને છે તે માનસ-માળખાં,
ને યાંત્રિક નમૂનાઓ અસ્તિવંતી સઘળી વસ્તુઓતણા
એ ઘડી કાઢવા વળે.
દૃષ્ટ જગતને સ્થાને કલ્પનાનું વણી એ વિશ્વ કાઢતી :
રચે છે શબ્દ-જાળો એ અવાસ્તવ વિચારની
સૂક્ષ્મ સખત સૂત્રો જ્યાં છે છતાં જે અસાર છે,
એની પદ્ધતિઓ ખંડરૂપતા જે આપી દે છે અખંડને,
શાસ્ત્રો એનાં ઈશ્વરીય ને ઉત્પત્તિ-શાસ્ત્ર સંસાર સર્વનું
નકશાઓ આપી એ બતલાવતી,
અનાખ્યેયતણી વ્યાખ્યા આપતી એ પુરાણોની સહાયથી.
અસંખ્ય ફિલસૂફીઓ એની ચૂસ્ત છે મંડાયેલ મોરચે,
વિશાળા સત્યને તેઓ બળાત્કારે સંક્ડાશે સમાવતી,
બુદ્ધિની પાઠશાળામાં ટાંગેલા નકશા ન હો
તેમ મનતણી આછી હવામાં એ ઈચ્છાનુસાર એમને
કરી જગ્યા ગોઠવી આપતી હતી;
પિંડ પ્રકુતિ કેરો જે દૃશ્ય જગત-રૂપ છે
તેને વિચારની તીણી ધારે કોરી કાઢે એ સખ્ત રેખામાં,
રેલપાટા રચે એમ જેની ઉપર દોડતી
શક્તિ વિશ્વ-જાદૂના કરનારની
વિજ્ઞાનશાસ્ત્ર આ એનાં ચોકસાઈ ભર્યાં સંપૂર્ણ રૂપનાં.
માનવી અજ્ઞાન કેરી દીવાલો જે ખુલ્લી ને ભીમકાય છે
તહીં પ્રકૃતિની ગૂઢ મૂક ચિત્રલિપિની આસપાસ એ
સર્વસામાન્ય ને સ્પષ્ટ અક્ષરોએ લઈને લેખની લખે
સ્વ વિચારોતણો વિશ્વકોષ મોટા પ્રમાણનો;
એનાં ગણિતશાસ્ત્રોની સંજ્ઞાઆનું,
સંખ્યાઓનું અને ભૂલ વિનાનાં વિધિસૂત્રનું
બીજગણિત એ દે છે બનાવી, જેહની મહીં
વસ્તુઓના અહેવાલો સાર રૂપે રખાય છે.
જાણે કે હોય ના કોઈ વિશ્વવ્યાપી મસીદમાં
તેમ આલેખતી 'તી એ આયતો ત્યાં પોતાના કાયદાતણી,
જેમાં સુશોભનો રમ્ય આવતાં 'તાં નિસર્ગના,
પોતાની પ્રાજ્ઞતા કેરી કલા, વિદ્યા કેરું કૌશલ જ્યાં હતું.
આ કલા, આ કલાબાજી હતાં એકમાત્ર ભંડોળ એહનું.
વિશુદ્ધ બુદ્ધિનાં એનાં કાર્યો ઉત્કૃષ્ટ થાય ત્યાં
ઇન્દ્રિયોના સકંજાથી નીકળી એ પ્રત્યાહાર કરંત ત્યાં,
ભીંતોનું મનની ભાંગી પડવાનું થતું નહીં,
પૂર્ણ શક્તિતણા ચીરી નાખતા ઝબકારનો
મરાતો કૂદકો નહીં,
દિવ્ય નિશ્ચિતતા કેરો પ્રાત્ત:કાલી પ્રકાશ મળતો નહીં.
એનું જ્ઞાન અહીં ધારે મુખડાં લાખલાખ કૈં,
ને તે પ્રત્યેને માથે શંકા કેરી પાઘડી છે મુકાયલી.
સૌને એ પ્રશ્ન પૂછે છે પછીથી ને સર્વ શૂન્યે શમી જતું.
એનાં પુરાણ ને મોટાં પુરાણોનાં લખાણ જે
એકવાર પ્રભાવી ને મહાશિલ્પતણી કળા
બન્યાં 'તાં ભવ્ય તે આજે અલોપ થઇ જાય છે,
ને સ્થાન તેમનું લેવા સંજ્ઞાઓ કરડી અને
ક્ષણભંગુર આવતી;
પરિવર્તન આ ચાલુ એની આંખે ઉત્કર્ષ રૂપ લાગતું :
લક્ષ્યહીણી અંતહીણી આગેકૂચ રૂપ એનો વિચાર છે.
એવું શિખરે ના એકે જેની પર ખડી રહી
એક દૃષ્ટે જ જોઈ એ શકે આખા અનંતને.
નિર્ણાયાત્મ ના એવો ખેલ છે શ્રમ બુદ્ધિનો.
પ્રત્યેક પ્રબળો ભાવ પોતાના હથિયારને
રૂપે એનો ઉપયોગ કરી શકે;
પ્રત્યેક બ્રીફ સ્વીકારી એ પોતાની વકીલાત કરી શકે.
સર્વે વિચારની પ્રત્યેક ખુલ્લી એ ના જ્ઞાનને મેળવી શકે.
ન્યાયાધીશતણે સ્થાને બેસાડેલો અધિવક્તા સનાતન
અભેધકવચે તર્કયુક્તિ કેરા સજાવતો
સત્યની છન્ન ગાદિને
માટે યુદ્ધે ઊતરેલા હજારો યુદ્ધવીરને;
ને એમને ચઢાવીને ઉચ્ચ અશ્વપૃષ્ટ પર દલીલની
ને કોઈ પણ જ્યાં જીતે એવા ખાલી ખેલના ખાસ દંગલે
પ્રેરે છે શબ્દના ભાલા સામસામા ચલાવવા.
સમતોલપણે બેસી વ્યાપ્ત ખાલી હવામહીં
રાખી તટસ્થતા શુદ્ધ પક્ષાપક્ષી તજી દઈ
કપરી કૈં કસોટીઓ દ્વારા મૂલ્યો એ ચકાસે વિચારનાં.
એના સંપૂર્ણ દેખાતા હોય છે ન્યાયનિર્ણયો
તે છતાં યે નથી એકે ખાતરીબંધ એ મહીં;
અપીલ કરતો કાળ ચુકાદાઓ એના રદ બનાવતો.
આપણા આગિયા જેવા મનને રવિ-રશ્મિ શું
શુદ્ધ સ્વર્ગથકી નીચે ઊતરી હોય આવતું
એવું એનું જ્ઞાન જોકે જણાય છે
તે છતાં કિરણો એનાં રાત્રિમાં છે ધુતી દીપકમાત્રની;
અજ્ઞાન પર નાખે એ ઝભ્ભો ઝબકથી ભર્યો.
પણ નષ્ટ હવે એનો રાજાશાહી દાવો પ્રાચીન કાળનો,
સંપૂર્ણ હકથી રાજ્ય મનની ઉચ્ચ ભૂમિકા
પર એનું ચાલવાનું હવે નથી,
તર્ક કેરી બનાવેલી સંગીન સાંકળે હવે
અસમર્થ બાંધવાને વિચારને,
યા હવાઈ ઊજળા ઓસની મહીં
નહીં જોઈ શકે સત્ય કેરું નગ્ન સ્વરૂપ એ..
એ સ્વામિની અને દાસી દૃશ્ય આભાસમાત્રની
સ્ખલંતી દૃષ્ટિના માર્ગો પર યાત્રા કર્યા કરે,
યા પોતાનાં સાધનોએ પોતા માટે રચેલ છે
તે યંત્રસ્થિરતાબદ્ધ જગને અવલોકતી.
સિદ્ધ તથ્યતણે ગાડે જોડેલા બેલ જેમ એ
ગાંસડીઓ જ્ઞાન કેરી મોટી મોટી ધૂળમાં જડ દ્વાવ્યની
ખેંચી પ્હોંચાડતી બ્હોળા બજારે વપરાશના.
પુરાણો વૈતરા પાસે પોતાના એ શિક્ષા-અર્થી બનેલ છે;
ગોચરજ્ઞાન પામેલું
સાહ્ય એની માર્ગણામાં કરે કામ લવાદનું.
આને એ નિકષગ્રાવા રૂપે વાપરતી હવે.
જાણે ના જાણતી હોય કે છે સત્યતણાં છોડાં હકીકતો
તેન છોડાં રાખતી એ, ગર આધો ઉશેટતી.
વિલાઈ લય પામે છે પ્રાચીન જ્ઞાન ભૂતમાં,
યુગોની જે હતી શ્રદ્ધા તે મિથ્થા બનતી કથા,
પ્રબુદ્ધ ચિંતનામાંથી પ્રભુ બ્હાર પસાર થઇ જાય છે,
જેની જરૂર ના એવા ઉવેખેલા પુરાણા સ્વપ્નના સમો :
ચાવીઓ માત્ર ચાહે એ યંત્રાકાર નિસર્ગની.
પરિહાર્ય નહીં એવા શીલા જેવા
કાયદાઓ કેરો અર્થ ઘટાવતી,
જડદ્રવ્યતણી માટી ખોદે છે એ
કઠિના ને છુપાવી કૈંક રાખતી,
કરેલી સૌ વસ્તુઓની પ્રક્રિયાઓ આણવાને પ્રકાશમાં.
એની આતુરતાયુક્ત પ્રશંસંતી આંખોની તાક સામને
ખડું થાય લદાયેલું જંગી યંત્ર સ્વયંસંચાલનાતણું,
જહીં અટપટી અર્થહીન યાંત્રિકતામહીં
યદ્દચ્છા કરતી કાર્ય વ્યવસ્થિત પ્રકારથી
ને જે મહત્વથી પૂર્ણ કાર્ય નિષ્ફળ ના જતું :
યુક્તિબાજ, ડરી રે'તી સાવધાન અને ઝીણવટે ભરી,
જડસી, ચેતનાહીન, ચોક્કસ તરકીબથી
કરે પ્રકટ એ ભૂલ વિના કૂચ,
નકશો લે ખાતરીબંધ માર્ગનો;
વિના વિચાર આયોજે, વિના સંકલ્પ વર્તતી,
વિના હેતુ કરે સેવા લાખો એ હેતુઓતણી,
વિના મન રચે એક જગ બૌદ્ધિક યુક્તિનું.
ન સંચાલન કો એનો, ન કો કર્ત્તા, ને ન ભાવવિચાર કો :
પરિશ્રમ કરે એનું સ્વયંકાર્ય અકારણ;
ઓજ:શક્તિ પ્રાણહીન દુર્નિવારપણે પ્રેરણા પામતી,
અવશ્યંભાવિતા કેરે દેહે મસ્તક મૃત્યુનું
જન્મ જીવનને આપે ને ચૈતન્યતણી ઉત્પાદિકા બને.
પછી આશ્ચર્ય પામે કે હતું કેમ બધું
ને એ બધું આવ્યું કહીં થકી.
વિચારો આપણા ભાગો છે એ તોસ્તાન યંત્રના,
મનનો આપણાં સ્થૂલ દ્રવ્યના કાયદાતણી
માત્ર એક મનસ્વિતા,
વિદ્યા મર્મીતણી એક કલ્પનાનો તરંગ કે
પડદો એક આડશે;
ચૈત્યની કે આત્મની ના કૈં જરૂર હવે આપણને રહી :
પ્રશસ્યા સત્યતા એક છે ને તે જડતત્વ છે,
એ પ્રત્યક્ષ ચમત્કાર અનિવાર્ય પ્રકારનો,
સંગીન સત્ય સાદું ને સદાનું ને એકમાત્ર સમસ્તનું.
આત્મઘાતી સાહસી કો વ્યયે એક આત્મલોપી રહસ્યના
દ્વારા જગત છે સર્જ્યું, ને ખાલી અવકાશની
પર છુટાંછવાયાં છે વેરેલાં નિજ કાર્યને;
શક્તિ સ્વાત્મ વિખેરંતી લાંબા સમયની પછી
જે અપાર પોતે વિસ્તાર છે કર્યો
તેનો સંકોચ સાધશે :
અંત ત્યારે આવવાનો આ બલિષ્ઠ અર્થહીન પ્રયાસનો,
પૂર્વવત્ શૂન્ય ખુલ્લું ને ખાલી ત્યારે બની જશે.
આમ ન્યાય બની તાજદાર ભવ્ય વિચાર નવ બોલતો,
વિશ્વની કરતો વ્યાખ્યા
અને સ્વામી એના સર્વે નિયમોનો બની જતો,
સ્પર્શતો મૂક મૂળોને ને એની અવગુંઠને
રહેલી શક્તિઓ જંગી જગાડતો;
એનાં અચેતન જીનોને બાંધી એણે સેવામાં યુક્ત છે કર્યા,
જે જીનો અજ્ઞ મૂર્છામાં છે સૂતેલાં વણવાપર્યાં.
હતું ચોક્કસ ને સ્તબ્ધ ને અસંદિગ્ધ સર્વ કૈં.
પણ જયારે કાળજૂના શૈલ-પાયા ઉપરે જડતત્વના
એક અખિલ આવીને થયું ઊભું
દૃઢતાથી સ્પષ્ટાકાર સલામત,
ત્યારે ચોંકી સર્વ ઊઠયા ને શંકાના સમુદ્રે લથડી પડયા;
નકકૂર યોજના આ સૌ પીગળીને
અંતહીન પ્રવાહી રૂપ ધારતી;
રૂપો કેરી યોજનારી
નિરાકાર શક્તિ કેરો ભેટો એને થયો હતો;
ઓચિંતી અણદીઠેલી વસ્તુઓની ભાળ એને મળી ગઈ :
વીજળી ઝબકી એક અનાવિષ્કૃત સત્યથી,
ગૂંચવી નાખતા એના ઝબકારે ચમકી આંખ એહની
સત્ય ને જ્ઞાતની વચ્ચે ખોદી કાઢયો એણે એક અખાતને
જેથી અજ્ઞાન શું ભાસ્યું જ્ઞાન એણે જે બધું મેળવેલ તે.
એક વાર ફરી વિશ્વ આશ્ચર્યોથી તંતુજાળ બની ગયું,
જાદૂઈ અવકાશે કો એક જાદૂ કેરી એ પ્રક્રિયા બન્યું,
બુદ્ધિગમ્ય નહીં એવા ચમત્કાર કેરાં ગહન જેહનાં,
ને એના મૂળનો લોપ છે અનિર્વચનીયમાં.
એક વાર ફરી સામે આપણી થાય છે ખડો
કોરોમોરો અજ્ઞાતરૂપ એકલો.
મૂલ્યો ભાગી પડે, મોટા ધડાકો થાય ભાગ્યનો,
તૂટીફૂટી પડે એનાં કાર્યો ને તે થાય વેરવિખેર ત્યાં
એનું સોજું સાચવેલું ને રચેલું વિશ્વ લુપ્ત થઇ જતું.
ઓજ:શક્તિતતણા ઘોર વમળે કૂદતા જતા
અલિપષ્ઠ એકમો કેરું નૃત્ય શેષ રહ્યું હતું,
યદૃચ્છાની હતી બાકી રહેલી અસ્તવ્યસ્તતા :
સીમાબંધનથી મુક્ત શૂન્યમાત્રે ચાલતી સંતતા ગતિ
વિચાર વણ ને લક્ષ્ય વણ રૂપો નવીન નિપજાવતી :
અવશ્યંભાવિતા અને
નિમિત્ત ઉભયે ભૂતો હતાં આકારવર્જિત;
સત્-તા કેરા સ્રોતમાંહે જડતત્વ આપાતધટના હતું,
હતો નિયમ ખાલી કો
અંધ શક્તિતણી ટેવ ચાલતી ઘડિયાળ શી.
આદર્શો, નીતિ, ને તંત્રપદ્ધતિઓ પાયા વગરનાં હતાં
સ્વલ્પ સમયમાં જાતાં ધબી, યા તો મંજૂરી વણ જીવતાં;
અંધાધૂંધી બની જાતું બધું ઊંચે ઉછાળાતું
ને સંઘર્ષ તથા કલહથી ભર્યું.
ભાવો સંઘર્ષમાં રે'તા વિકરાલ જિંદગી પર કૂદતા,
કઠોર દાબને લીધે અવ્યવસ્થા દબાયેલી રહી હતી
અને સ્વતંત્રતા નામ હતું માત્ર કો છાયાભાસ ભૂતનું :
હાથમાં હાથ ઘાલીને સૃષ્ટિ સાથે સંહાર નાચતો હતો
વિદીર્ણા ને પ્રકંપંતી છાતી પર ધરતાણી;
કાલીના નૃત્યના એક લોકમાં સૌ ચકરાતું પ્રવેશતું.
આમ ગુલાંટિયાં ખાતી, ડૂબતી ને શૂન્યમાં વિસ્તર્યે જતી,
ટેકણો કાજ લેતી એ ઝાલી ઊભા રહેવાની જમીનને,
એણે જોયો માત્ર એક અણુઓના વિરાટને,
આછાંઆછાં બિંદુ-છાયું મૂળાધાર રૂપ વિરલે વિશ્વને
જેની ઉપર નકકૂર લોક કેરું આભાસી તરતું મુખ.
ઘટનાઓતણી માત્ર પ્રક્રિયા એક ત્યાં હતી,
અને પ્રકૃતિની પોચી પરિવર્તનશીલતા,
મૃત્યુથી મારવા માટે બલવત્તા ધરાવતી
અદૃશ્ય અણુના તોડફોડથી પ્રકટંત જે
શક્તિ સર્વસમર્થા તે હતી સર્જન કારણે.
હતી સંભાવના એક રહેલી કે શક્તિ કો એક હોય હ્યાં
જે પુરાણાં અપર્યાપ્ત સાધનોથી કરી મુક્ત મનુષ્યને
રાજમાન બનાવી દે રાજા પાર્થિવ ક્ષેત્રનો.
કેમ કે તે પછી બુદ્ધિ લે પોતાની પકડે આદ્ય શક્તિને
પોતાના રથને કાળ-માર્ગો પર ચલાવવા.
પછી સર્વેય સંસેવે વિચારંતી જાતિ કેરી જરૂરને,
સપૂર્ણ રાજ્યની સંસ્થા કરે ઊભી વ્યવસ્થા પૂર્ણ કેવલા,
વેતરે વસ્તુઓ સર્વ પૂર્ણતાના પ્રમાણીભૂત ધોરણે,
કરે ચોક્કસ કો ઊભું ન્યાય્ય યંત્ર સમાજમાં.
પછી વિજ્ઞાન ને બુદ્ધિ ઉપેક્ષી અંતરાત્મને
સ્થિર એક્સમું વિશ્વ સમાહિત કરી શકે,
બાહ્ય તથ્થો વડે ખોજો યુગોની ઓચવી શકે,
ને બલાત્કારથી લાદી શકે એ મનની પરે
એકવિધ નમૂનાઓ છે જ્યાં એવી શક્તિ એક વિચારતી,
આત્માનાં સ્વપ્નને માથે મૂકી તર્ક-ભારો જડપદાર્થનો
માનવી બનાવી દે પશુ તર્ક ચલાવતો,
ને એની જિંદગીને દે બનાવી સંમિતાકૃતિ.
શૃંગ પ્રકૃતિનું થાશે એ તમોગ્રસ્ત ગોલકે,
લાંબા યુગોતણા મોટા શ્રમ કેરું મહાફલ,
શિરોમુકુટ પૃથ્વીના થતા ક્રમવિકાસનો,
સિદ્ધિ જીવનકાર્યની.
આત્મા સૂઈ રહ્યો હોત તો આવું હોત કૈં બન્યું;
તો સંતોષે રહ્યો હોત માનવી ને રહેતો હોત શાંતિમાં,
ગુલામ પાસ પોતાના માગે છે જે નિજ કાર્ય કરાવવા,
તેવી પ્રકૃતિનો સ્વામી બનેલો હોત માનવી,
વિશ્વની દુર્વ્યવસ્થાએ બની રૂક્ષ
લીધું હોત સ્વરૂપ કાયદાતણું,
બંડખોર બની હૈયું ઘોર જો જિંદગીતણુ
થયું હોત નહીં ખડું,
અંતર્યામી ઈશને ના મળ્યો હોત મહત્તર પ્રબંધ જો.
કિંતુ છે વિશ્વનો આત્મા અનેક મુખ ધારતો;
પલટાવી શકે એક સ્પર્શમાત્ર ભાગ્યનો સ્થિર મોરચો.
આવે વળાંક ઓચિંતો, પ્રકટે પથ, શક્ય એ,
મન એક મહત્તર
જોવા પામે સત્ય એક મહત્તર,
કે બાકીનું બધું વ્યર્થ નીવડી જાય તે સમે
મળી આપણને જાય ચાવી એક આપણામાં છુપાયલી
પરિપૂર્ણ રૂપાંતર પ્રસાધતી.
દિવસો આપણા સર્પી જતા જે મૃત્તિકા પરે
ત્યાંથી આરોહણો કરી
પૃથ્વીની ચેતના સૂર્ય કેરી વિવાહિતા બને,
સવાર આત્મની પાંખે થઇ જાય મર્ત્ય જીવન આપણું,
આપણાં ચિંતનો સાન્ત સંગે સેવે અનંતનો.
ઊગતા સૂર્યોના શુભ્ર રાજ્યો મધ્યે
જ્યોતિની શક્તિના એક જન્મરૂપ સમસ્ત છે :
અહીં વિરૂપ છે તે સૌ શુભ રૂપ રક્ષી ત્યાં નિજ રાખતું,
અહીં સંમિશ્ર ને વ્યંગ તે બધું ત્યાં શુદ્ધરૂપ સમગ્ર છે.
પ્રત્યેક પગલું કિંતુ નથી સ્થિર પ્રકારનું,
છે એ ક્ષનેક વારનું.
નિજ કૃત્યો થકી પાર કેરા એક વિશાલતર સત્યની
પ્રત્યે રહેલ જાગ્રતા
મધ્યસ્થા શક્તિ બેઠી 'તી સ્વકાર્યો અવલોકતી
ને જે આશ્ચર્ય ને ઓજ
એમનામાં રહ્યાં 'તા તે સર્વ સંવેદતી હતી,
કિંતુ કાળતણા મોંની પૂઠળે શક્તિ જે હતી
તેને પિછાનતી હતી :
કરતી એ હતી કામ, અપાયેલા જ્ઞાનને વશ વર્તતી,
આદર્શરૂપ ને મોટી વસ્તુઓને
માટે એનું ઊંડું હૃદય ઝંખતું
અને જ્યોતીથકી જ્યાદા વિશાળી જ્યોતિની દિશે
ડોકિયું કરતું હતું :
એની શક્તિતણું ક્ષેત્ર સાંકડું કરતી હતી;
મજૂરી કરતી 'તી એ
વફાદાર રહી સ્વીય સીમાએ બદ્ધ ક્ષેત્રને,
પરંતુ જાણતી 'તી કે
પોતાની ઉચ્ચમાં ઉચ્ચ ને સૌથી વધુ વિસૃતતા
દૃષ્ટિ માત્ર અર્ધ-અન્વેષણા હતી,
એનાં સૌથી બલી કર્યો હતાં ગમનમાર્ગ કે
હતાં માત્ર અવસ્થા વચગાળાની.
કેમ કે બુદ્ધિના દ્વારા સૃષ્ટિ સૃષ્ટ ન 'તી થઇ,
અને ના બુદ્ધિના દ્વારા શક્ય દર્શન સત્યનું,
કેમ કે પડદા આડે આવી જાય વિચારના
ને ઉન્દ્રિયતણાં આડે આવે છે અવગુંઠનો,
અપૂર્ણ સાધનો કેરી લાગી ઝાંખપ જાય છે,
ને તેથી દૃષ્ટિ આત્માની ભાગ્યે સત્ય જોવા સમર્થ થાય છે :
ક્ષુલ્લક વસ્તુઓ જોડે બંધાયેલું રહે છે મન ક્ષુલ્લક :
કાળા અચિત્ તણા લોકે પામેલું અર્ધ જાગૃતિ,
એહ સંવેદતું માત્ર બાહ્ય સંસ્પર્શ આત્મનો;
અજ્ઞાન રાત્રિમાં ફાંફાં મારતો કો હોય જાને તજાયલો
તેમ તે નિજ સત્તવો ને રૂપો જોવા અંધ પ્રયાસ આદરે,
શિશુ માનસ કેરા ને ઇન્દ્રિયજ્ઞાનના લધુ
આ બીબામાં કામના છે
આક્રંદ બાલ-હૈયાનું મહામોદાર્થ ઊઠતું,
આપણી બુદ્ધિ ત્યાં માત્ર ખિલાણાંઓ બનાવી આપનાર છે,
નિરાળી ને બૂલથાપ ભરી એક
રમતો છે નિયમો ઘડનાર એ.
કિંતુ ઓળખતી 'તી એ વામણા સ્વ-સહાયકો,
નિશ્ચયી દૃષ્ટિએ જેઓ મર્યાદાબદ્ધ દૃશ્યને
દૂરનું લક્ષ્ય માનતા.
એણે જગત જે સર્જ્યું છે તે માત્ર હેવાલ વચગાળાનો
વસ્તુઓ અર્ધ-પ્રાપ્ત સત્ય પ્રત્યે જતા કો રાહદારનો,
બે આજ્ઞાનોતણી વચ્ચે કરે છે જે મુસાફરી.
એક કે જ્યાં સુધી કાંઈ રહી જાય છુપાયલું
ત્યાં સુધી જ્ઞાત ના કશું;
જોયું જયારે બધું હોય ત્યારે માત્ર સત્યનું જ્ઞાન થાય છે.
એક એવા સર્વરૂપ થકી આકૃષ્ટ એ થઇ
પોતાની જ્યોતિ છે તેથી વધુ ઉચ્ચ જ્યોતિને કાજ ઝંખતી;
પોતાના ધર્મપંથો ને સંપ્રદાયો દ્વારા છે જે છુપાયલું
તે ઝાંખ્યું છે એણે પ્રભુતણું મુખ :
જાણે છે એ કે મળ્યું છે એને જે તે
છે ખાલી રૂપ કો એક, છે જામો એકમાત્ર કો,
કિંતુ હંમેશા રાખે એ આશા હૈયે કરવા પ્રભુ-દર્શન
માગે સંવેદવાને એ એની સંમૂર્ત્ત સત્યતા.
મોરું હજી સુધી છે ત્યાં, મુખદર્શન થાય ના,
જોકે કો વાર છૂપી બે આંખો પ્રગટ થાય છે :
બુદ્ધિ દારી કરી દૂર શકે ના એ
ચમકારા મારતા મુખછદ્મને,
એના પ્રયાસ દે એને વધારે ચમકે ભરી;
પડીકાંઓમહીં બાંધી રાખે એ અવિભાજયને;
વિશાળા સત્યને ઝાલી રાખવાને
નિજ હસ્ત અતિશે લધુ લાગતાં
વિદેશીય વિભાગોમાં જ્ઞાનને એ કરી વિભક્ત નાખતી,
અથવા લોપ પામેલા સૂર્યના દર્શનાર્થ એ
જામેલા મેઘલા જૂથ માંહ્યથી ડોકિયું કરે :
પોતે જે હોય જોયું તે શું છે તે નવ જાણતી,
અંતવંતી વસ્તુઓના તાળાબંધી સ્વરૂપમાં
થઇ અનંતતા કેરાં રૂપો કોટિક એ જુએ,
એક દિવસ મોરમાં થઇ દીપ્ત મુખ પ્રાકટય પામશે.
અજ્ઞાન આપણું જ્ઞાનાવસ્થાનો એક કોષ છે,
ભ્રમણા આપણી માર્ગે જતાં થાય સંલગ્ન નવ જ્ઞાન શું,
એનો અંધાર છે જ્યોતિ-ગ્રંથિ કાળાશ ધારતી;
સૂર્ય પ્રત્યે વળે છે જે વાટ ઘૂસર તે પરે
વિચાર કરતો નૃત્ય-અવિદ્યા શું હાથ શું હાથ મેળવી.
વિચિત્ર સહચારિત્વે બન્નેને બદ્ધ રાખતી
ગ્રંથીઓને આંગળીઓ એની ફંફોસતી રહી
હોય, ત્યારે ય તેમની
લગ્ન પામેલ સંઘર્ષ-ક્ષણોમાંહ્ય કદી કદી
પ્રકાશ પથારી દેતા અગ્નિ કેરી ભભક ઊઠતી.
છે અત્યારેય એકાકી ચાલનારાં મહંત ચિંતનો અહીં :
અમોઘ શબ્દથી સજ્જ થઇ આવેલ એહ છે,
પ્રભુનાં લોચનો કેરા અનુમોદનરૂપ જે
છે અંત:સ્ફુરિતા જ્યોતિ તેનાં અંબરની મહીં;
શાશ્વતીની કિનારીથી આવતાં એ ભભૂકતાં
દૂરના સત્યની નેકી પુકારતાં.
આનંત્યોમાંહ્યથી એક આવશે અગ્નિ ઊતરી,
દૂરની સર્વજ્ઞતાની મહીંથી બ્હાર નીકળી,
સ્પંદહીન આત્મલીન એકાકીના પ્રદેશથી
પ્રકટંતા પ્રકાશંતા સાગરોની પરે થઇ
સમુહાત્તર વિજ્ઞાન દૃષ્ટિદાન દેશે જગતને અને
સત્-તાનું ને વસ્તુઓનું ઉર ઊંડું ઉજાળશે,
કાલાતીત જ્ઞાન એક મનને કાજ લાવશે,
લક્ષ્ય જીવનને, અંત અવિદ્યાને સમર્પશે.
શ્વાસોછવાસ ન યોલે જ્યાં સમશીતોષ્મ ઊર્ધ્વના
વાતાવરણની મહીં
વામણી ત્રિપુટીને ત્યાં દાબી દેતા સ્વ છાયથી,
સીમાહીન પાર કેરા અભીપ્સુઓ
અવકાશે પુરાયેલા, ભીંતો વચ્ચે સીમાબદ્ધ કરતા સ્વર્ગલોકની,
હોરાઓના અવિશ્રાંત ચાલતા ચકરાવામાં,
શાશ્વતી પ્રતિ જાનારા સીધા માર્ગો માટે ઝંખનથી ભર્યા,
ને પોતાના ઉચ્ચ સ્થાન થકી નીચે લોકે આ અવલોકતા,
સૂર્ય શી દૃષ્ટિવાળા બે દેવતાઓ રહેતા 'તા સાક્ષી અસ્તિત્વમાત્રના.
સત્તાશીલ શક્તિ એક ઊંચે લેવા પાછા પડેલ લોકને,
બદલાતી નહીં એવી જડભાવી જમીનની
ઉપરે ચાલવા કેરી ટેવ જેને હતી નહીં
તે જંગી ઉચ્ચ-પાંખાળા પ્રાણજાયા વિચારની
અસવાર બની હતી;
આસમાની અનંતતા
કેરો અભ્યાસ છે જેને તે એ સૂર્ય-પ્રકાશિતા
અને તારક-તેજીલી હવામાં સરતી હતી;
ન્યાળ્યું એણે દૂરવર્તી ને અય્રાપ્ત ધામ અમર-આત્મનું,
ને દેવોના સુણ્યા એણે દૂરથી આવતા સ્વરો.
મૂર્ત્તિભંજક ને કાળ-કિલ્લાઓ તોડનાર એ
સીમા ઉપરથી કૂદી જતી, માપ ધોરણોનું વટાવતી,
ગાળામાં શતકો કેરા દીપ્ત રે'તા વિચારો પ્રકટાવતી,
પ્રેરાતી કરવા કામો અતિમાનુષ શક્તિનાં.
સ્વયંપાંખે સજ્જ એનાં વિમાનો જ્યાં સુધી ઊડી જતાં હતાં
ત્યાં સુધી હુમલા મોટા પ્રતાપી એ લઇ જઈ
ભેટો લેતી ભવિષ્યનો,
સ્વપ્ન-સેવ્યા ભાગ્ય કેરા વિસ્તારોની ભાળ મેળવતી હતી.
દક્ષ વિચારણાઓમાં, અશક્ત સિદ્ધિએ જવા,
પોતાની ધારણાના એ નકશાઓ બનાવતી,
અને દર્શનની એની યોજનાઓ ઘડી એ કાઢતી હતી,
કિંતુ મર્ત્યાવિકાશના
શિલ્પના કાર્ય માટે એ હદપાર હતાં વિરાટ રૂપનાં.
મંડાતાં પગલાં ના જ્યાં એવી પાર કેરી વિશાળતા મહીં
અમૂર્ત કલ્પનાઓને મૂર્ત્તિમંત બનાવતું,
જિંદગી ને ઇન્દ્રિયોના પોકારોથી વિકાર નવ પામતું
મન શુદ્ધ વિચારનું
વિશ્વલીલાતણાં કર્યો અવલોકી રહ્યું હતું.
સંદેશહર સવોચ્ચ દૂત પારતણા એક પ્રદેશનો
બનેલું એ હતું જોતું જગ ઊંચાં એકાંત શિખરો થકી,
જાજવલ્યમાન જોતે એ હતું દૂર કેરી શૂન્ય હવામહીં.
દશમો સર્ગ સમાપ્ત
સર્ગ અગિયારમો
વિશાળતર મનનાં રાજ્યો અને દેવતાઓ
શ્રમકાર્યે લાગેલા મનની સીમાઓનો ત્યાં અંત આવ્યો, પણ વિચાર પોતાનાં સાધનોથી મહાન છે ને મર્ત્ય માનસનાં વર્તુલોથી પાર તેની ગતિ થાય છે. રાજાનો આત્મા વિચારની દૃષ્ટિ પાર વિસ્તર્યો. આત્માને કોઈએ બનાવ્યો નથી; એ છે સનાતન અને વિચાર દ્વારા એનું જ્ઞાન થતું નથી.
રાજા આરોહતો જાય છે. કલ્પનાતીત શૃંગો પર દૂર આદર્શ મનના વૈભવો દૃષ્ટિગોચર થાય છે. જ્ઞાત જગતની પાર એ આવેલું છે. જે અલ્પ આપણે છીએ તેનું મૂળ એ છે, ને આપણે જે કંઈ હજુ થવાનું છે તે સૌ એની અંદર રહેલું છે. પ્રાણના ઉડ્ડયનની ને સ્વપ્ની સરહદની પાર એ વિસ્તરેલું છે. એની અંદર આત્માનાં સત્યો જીવંત દેવસ્વરૂપો લે છે, ને તે પ્રત્યેક દેવ એક સૃષ્ટિ રચવાનો અધિકાર ધરાવે છે. આપણો એમની સાથે સગાઈનો સંબંધ છે, તે કારણે ત્યાંના દિવ્ય પ્રભાવોં આપણાં જીવનોમાં આવતા રહે છે. એ આપણી માતૃભૂમિ છે ને દ્રવ્યના જગતમાં અધિવાસ કરવા માટે આપણે ત્યાંથી અહીં આવેલા છીએ. આપણે ત્યાંથી નિર્વાસિત થયેલા છીએ છતાં આપણા આત્માને એ પોતાના અસલના વતનનાં સ્વપ્નાં આવતા રહે છે અને તે જ્યોતિર્મય ભૂમિકાઓમાં આરોહવા સમર્થ છે.
અશ્વપતિ અમરોના વાયુમંડળમાં પ્રવેશે છે. ત્યાં જ્ઞાન કર્મને દોરે છે, પદાર્થ વિચારના તત્વોનો બનેલો છે, ભાવ સ્વર્ગનું વિહંગ છે ને સ્વપ્નપાંખે ઊડે છે, સંકલ્પ દેવોનો સચેતન રથ છે, જીવન ચિંતનલીન શક્તિનો ભવ્ય પ્રવાહ છે, ને નિગૂઢ સૂર્યોનો સાદ એની ઉપર આંદોલાય છે; ત્યાં છે અમર સુખનું સુહાસ્ય, અકાળનો આનંદ, પ્રાજ્ઞતાનો પવિત્ર મર્મર, ત્યાં છે અનંતતાનો ઉચ્છવાસ, મુક્ત ને સર્વસમર્થ મનોમય પુરુષ ત્યાં નીલ કમલના ચિંતનમાં નિમગ્ન રહેલો છે. કાળની કિનારી ત્યાં શાશ્વતીના આકાશને સ્પર્શે છે, પ્રકૃતિ ત્યાં કેવલાત્મા સાથે સંભાષણ કરે છે.
રાજાના માર્ગમાં વ્યવસ્થિત વિચારનો ત્રિગુણ પ્રદેશ પ્રથમ આવ્યો. આ આરંભની ભૂમિકા આપણા માનવ મનની નજીકમાં છે. ત્યાંના દેવતાઓ આપણાં મહત્તર ચિંતનોના માર્ગો તૈયાર કરે છે. ત્યાં સર્વસર્જક શબ્દ માટે મધ્યસ્થ બનેલા બલિષ્ઠ રક્ષકો સ્વર્ગના યાત્રી આત્મા માટે પારની હજારો ચાવીઓ લઈને ઊભા છે. તેઓ મર્ત્યો માટે અમર્ત્ય અગ્નિ આણે છે. એ પ્રાણવંત દિવ્ય સાન્નીધ્યોએ આત્માને માટે જગતને કિંડરગાર્ટન બનાવ્યું છે. આત્માની કલ્પનાઓ માટે તેઓ બીબું બનાવે છે, સર્વ જેની અંદર આવેલું છે તેને તેઓ રૂપમાં સમાવે છે, કાર્યકારણની સાંકળી તેઓ ગૂંથે છે, અકાળને કાળની ક્ષણોનો ગુલામ બનાવે છે, મુક્તને જન્મની કારામાં નાખવામાં આવે છે, ને પરિણામે મન જેની ઉપર અમલ ચલાવી શકે એવું એક જગત રચાય છે. હજારો સૂર્યો તરફ નજર નાખતી પૃથ્વી પર સર્જાયેલું સામર્થ્ય પ્રકૃતિનો પ્રભુ બને, જડતત્વનાં ઊંડાણો ચૈત્યના તણખાથી તેજસ્વી બને, તે માટે તેમણે એક બ્રહ્ય સ્વરૂપની કોટીકોટી રહસ્યોથી ભરી ગતિને તિથિના ચોકઠામાં ને ક્ષેત્રની મર્યાદામાં બદ્ધ બનાવી છે.
એનાથી ઉપર મહાન દેવોની જાતિ વિરાજે છે. એમની આંખોમાં મુક્તિદાતા જ્ઞાનનો પ્રકાશ છે. મનમાં રહીને તેઓ અંતરથી સત્યને જાણે છે, કાળનાં રીઢાં રૂપોની આરપાર વેધક દૃષ્ટિ નાંખી શકે છે. તેઓ છે શક્યના શિલ્પીઓ ને અશક્યના ઇજનેરો. અનંતતાઓ, અજ્ઞેય સત્યો, ફૂટ સમસ્યાઓ એમનો વ્યવહારનો વિષય છે; અજ્ઞાતનો ને જ્ઞાતનો તેઓ યોગ સાધે છે. એક્સ્વરૂપ ત્રિગુણ યોજનામાં એમના દ્વારા ઢળાય છે. મહામાતાના આનંદના અકળ ને અદભુત ભાવોને તેમણે કાંસાની મૂર્તિમાં ઢાળ્યા છે. તેમને અન્ય સકળનું જ્ઞાન છે, પણ જે એકમાત્ર સત્ય છે તેનાથી તેઓ વંચિત રહ્યા છે. અતિશય જાણવાથી તેઓ અખિલને જાણી ન શકયા. પરાત્પર તેમને માટે રહસ્યમય જ રહ્યો.
ત્રિગુણા સીડીના વિશાળ શિખરે વિરાજતા હતા પ્રભાવશાળી વિચારક્ષેત્રના રાજાઓ. સ્થળ ને કાળમાં દૃષ્ટિપાત કરી તેઓ બધું અવલોકતા હતા. મન ત્યાં એક ઉચ્ચતર શક્તિને અજાણતાં સેવી રહ્યું હતું. એક જ્ઞાન, એક સત્યદૃષ્ટિ, એક શબ્દ, એક સ્વર, ને કેવળ સ્વરૂપનાં દર્શનો ભાવસંકલ્પનું બીજ રોપે છે ને તેમાંથી કાળમાં આવેલું બધું ઊગી નીકળે છે. ત્યાં પ્રકૃતિનું અજ્ઞાન સુદ્ધાં સત્યનું શસ્ત્ર બની જાય છે. જે નિત્ય વિદ્યમાન છે તે કાળનાં વર્ષોમાં વ્યક્ત થાય છે, જડતત્વમાંથી ક્રમે ક્રમે ઉત્ક્રાંત થઇ અમૃતત્વે આરોહે છે.
પણ બ્રહ્યસ્વરૂપનું સત્ય ગૂઢ છે, વર્ણનીય નથી. આત્માની આંખે જ એ પકડાય છે. અહંતા અને મન નથી હોતાં ત્યારે પરમાત્માનો શબ્દ સંભળાય છે. આપણા વિચારો માટે આ વસ્તુ પરદેશીય છે. પરંતુ ઉચ્ચતર વિચારના અધિનાયકોમાં ઈશ્વરદત્ત બળ હતું, તેથી તેઓ કેવળ સત્યને પકડી પડવાનું સાહસ આરંભતા. જે સનાતન શબ્દે જગતને અસ્તિત્વમાં આણ્યું છે તેના બીજાક્ષરો એમણે શોધી
કાઢયા, એનો સંગીતલય સાંભળ્યો, ને અશરીરી સંકલ્પને પકડી પડયો. નિરપેક્ષ કેવળ બ્રહ્યને, અગૃહીત અનંતતાઓને વાડામાં પૂરવાને તેમણે વાણીની ને વિચારની દીવાલો ઊભી કરી ને એક સ્વરૂપને ધારણ કરવા માટે ખાલીખમ શૂન્ય સર્જ્યું. મનનું ડહાપણ આટલાથી અટકી પડયું. એને એમાં જ પરિપૂર્ણતા જણાઈ. એને માટે વિચારવાનું ને જાણવાનું બીજું કશું જ બાકી ન રહ્યું. અધ્યાત્મ શૂન્યકારને એણે ગાદીનશીન કર્યો, વિરાટ મૌનને એણે અનિર્વચનીય માન્યું.
આ હતી વિચાર-પ્રદેશના ઉજ્જવલ દેવતાઓની રમત. સત્યની દેવીને તેમણે રાણી તો ગણી, પણ બંદી બનાવીને એને આરાધી, અને એ દેવીએ એમની આશાઓ પૂરી.
પરંતુ વિચાર કે શબ્દ શાશ્વત સત્યને પકડવા ને પૂરવા સમર્થ નથી. આપણું મિથ્થાભિમાની મૂઢ મન સત્યને શૃંખલાબદ્ધ કરવાનાં સ્વપ્નાં સેવે છે, પણ સત્યને બાંધવા જતાં આપણે પોતે જ બંધાઈ જઈએ છીએ. મોટા મોટા ઋષિમુનિઓની બાબતમાં પણ આવું જ બને છે, તેઓ પરમાત્મતત્વને મર્યાદિત બનાવતા હોય છે. આપણે તો વિચારમાંથી કૂદકો મારી સત્યદૃષ્ટિએ પહોંચવાનું છે, સત્યની જ સર્વોપરિતા સ્વીકારવાની છે, અને આત્મા સંપૂર્ણપણે સમર્પી દેવાનો છે. આવું થાય છે ત્યારે અવ્યક્ત સ્વરૂપ નિ:સ્પંદન મનમાં પોતાનું પ્રતિબિંબ પાડે છે, અકાળ-જ્યોતિ ઊતરીઆવે છે અને આપણે શાશ્વતમાં મગ્ન થઇ જઈએ છીએ.
સત્ય પોતાનાં રૂપો કરતાં વધારે વિશાળ છે, વધારે મહિમાવાન છે. ભલે આપણે એની અનેકાનેક માર્યાદિત મૂર્ત્તિઓ બનાવી એને આરાધીએ, છતાં સત્યની દૈવી શક્તિ કેવલ અદ્વિતીય છે, સ્વયંસ્વરૂપ છે, અનંત છે.
થઇ સમાપ્ત સીમાઓ તહીં કાર્યશ્રમે લાગેલ શક્તિની.
કિંતુ સત્-તા અને સૃષ્ટિ અટકી ન પડે તહીં.
કેમ કે મર્ત્ય ચિત્તનાં
વલયોને કરી પાર ગતિ થાય વિચારની,
નિજ પાર્થિવ ઓજાર થકી છે એ મહત્તર :
મનને સાંકડે સ્થાને સંકષ્ટાયેલ દેવતા
અનંતતાતણો છે જે માર્ગ એવા કોઈ એક વિરાટમાં
સર્વત: સટકી જતો.
એનો શાશ્વત સંચાર આત્માના ક્ષેત્રમાં થતો,
છે એ દોડી રહ્યો બ્રહ્યજયોતિની પ્રતિ દૂરની,
બ્રહ્મશક્તિતણો છે એ શિશુ ને દાસ સેવતો.
મન સુદ્ધાં પડે પાછું અનામી એક શૃંગથી.
વિચાર-દૃષ્ટિની પાર આત્મસત્-તા રાજાની વિસ્તરી ગઈ.
કેમ કે નિત્ય છે આત્મા, નથી એ સરજાયલો,
વિચારણાથકી એનું માહાત્મ્ય જનમ્યું નથી,
અને વિચારણા દ્વારા એનું જ્ઞાન ન આવતું.
પોતાને જાણતો પોતે, પોતે પોતામહીં રહે,
જ્યાં વિચાર નથી યા જ્યાં નથી રૂપ ત્યાં એની થાય છે ગતિ.
પદ એના સ્થપાયેલા છે સાન્ત વસ્તુઓ પરે,
પાંખો એની હામ ભીડી શકે પાર કરવાની અનંતને.
મોટા અને ચમત્કારી મેળાપોનું સ્થાન અદભુત એક ત્યાં
દૃષ્ટે એની પડયું એનાં પગલાંને નિમંત્રતું,
વિચાર પાર છે એવા એક દર્શનની પરે
જ્યાં વિચાર અવલંબન રાખતો
ને અચિંત્યથકી એક સૃષ્ટિને રૂપ આપતો.
પગલાં ભરવાને જ્યાં કલ્પના શક્તિમાન ના
તેવાં શિખરની પરે,
અશ્રાન્તા દૃષ્ટિનાં દિક્-ચક્રની મહીં,
શાશ્વતીના નીલવર્ણા અવગુંઠનની તળે
આદર્શ મનની ભવ્ય દીપ્તિઓ દૃષ્ટિએ પડી,
સીમાઓ પાર વિજ્ઞાત વસ્તુઓની જે હતી દૂર વિસ્તરી.
જે અલ્પ આપણે છીએ તેનું ઉદભવ-સ્થાન એ,
ને આપણે થવાનું છે જે અપાર વધારે તે વડે ભર્યું,
માનવી બળથી થાય તે સૌ કેરા આધાર સ્તંભરૂપ એ,
ધરાએ ન કરી સિદ્ધિ તે આશાઓતણું સર્જન એ કરે,
વિસ્તાર પામતા વિશ્વ પાર વિસ્તાર પામતું;
પાંખો એની પહોંચે છે સીમાઓ પાર સ્વપ્નની,
પ્રાણના ઊડણે છે જે પરાકાષ્ઠા તેની ઉપર એ જતું.
પરિબદ્ધ વિચારે ના, એવા જ્યોતિર્મય લોકે સજાગ એ,
ખુલ્લું પડેલ સર્વજ્ઞ બૃહત્તાઓતણી પ્રતિ,
નિજ-રાજ-પ્રભાવો એ નાખે છે હ્યાં આપણા જગની પરે,
મન્થર ઘટિકાઓના વેગથી કૈં બઢી જતો
પોતાનો વેગ આપતું,
અજેય ભાવથી કાળે પગલાં ભરતી જતી
પોતાની શક્તિ અર્પતું,
પ્રભુ ને માનવી વચ્ચે રહેલી ખોહની પરે
સેતુનું કરતાં કાર્ય સ્વ-સામર્થ્યો સમર્પતું,
અવિદ્યા ને મૃત્યુ સામે ઝૂઝે એવી નિજ જ્યોતિ ઉતારતું.
જ્યાં સૌન્દર્ય અને શક્તિ મિલાવીને હાથ શું હાથ ચાલતાં,
ત્યાં વિશાળા નિજ ક્ષેત્રે આદર્શ અવકાશના
પરમાત્માતણાં સત્યો રૂપ લે છે જીવંત દૈવતોતણું
ને તે પ્રત્યેકની પાસે અધિકાર છે લોક સર્જવાતણો.
શંકા- સ્ખલન ના જેને કાળો ડાઘો પોતાની ભ્રષ્ટતાતણો
લગાડી શકતાં એવી હવામહીં,
અચૂક જ્યોતિમાં જોતા સત્ય કેરા
ચિંતને મગ્ન એકાંતતણા સંપર્કમાં રહી,
જ્યાં દૃષ્ટિ લથડતી ના ને વિચાર ભમે ન ત્યાં,
આપણા લોકના ભારે હદપાર
અશ્રુઓના વેરાથી મુક્તિ મેળવી,
સ્વપ્નસેવી પ્રકાશંતી એની રચેલ સૃષ્ટિઓ
શાશ્વતીમાં રહેનારા ભાવકલ્પો મીટ માંડી વિલોકતી.
આદર્શ-રાજયગાદીના પ્રભુઓ ઊર્ધ્વ લોકમાં
પ્રજવલંતા સૂર્ય જેવા હર્ષમાં ને સાવ સંપૂર્ણ શાંતિમાં,
જ્યોતિની ખાટતરીવાળા પ્રદેશોમાં સુરક્ષી સુખશાંતિની
સંસદોમાં વિરાજતા.
છે ઘણા દૂર એ દેશો આપણા શ્રમકાર્યથી,
આપણી ઝંખનાથી ને પુકારથી,
નિશ્ચયાત્મકતા-હીન વિચારોને કાજ માનવ ચિત્તના
બંધ છે પૂર્ણતા કેરું રાજ્ય ને છે બંધ મંગલ મંદિર,
મર્ત્ય જીવનનાં મેલાં પગલાંથી દૂર છે દૂર એ બધું.
પરંતુ આપણા ગૂઢ આત્માઓ છે એના નજીકના સગા,
તેથી જ્યાં આપણે મોટો શ્રમ સેવી રહ્યા છીએ
તે અપૂર્ણ ધરાએ આ અપ્રાપ્ત દિવ્યતાતણો
ઉચ્છવાસ મળવા માટે રહે છે એક આવતો;
વિલસંતા વ્યોમ કેરા હેમ શા હાસ્યમાં થઇ
આપણાં વાજ આવેલાં અતૃપ્ત જીવનો પરે
પ્રકાશ પડતો, અને
આદર્શ ભુવાનોમાંથી આવે એક વિચાર ઊતરી અહીં,
ને મર્ત્ય આશની પ્હોંચ પાર આવેલ એમની
મહત્તાની, માગણીની અને અદભુતતાતણી
પ્રતિમા કો નવે રૂપે અહીંયાં પણ સર્જવા
માટે આપણને આપી પ્રેરણા એ ચલાવતો.
દુ:સહ દિવસો કેરી એકસામાન્યતામહીં
માનુષી ધર્મધારાઓ દ્વારા ખંડન પામતી
શ્રદ્ધા સાથી બની રે'તી જગના સુખદુઃખની,
બચ્ચું એ ગૂઢ આત્માની નિષિદ્ધા આસ્પૃહાતણું
શાશ્વતી પરના એના પ્રેમમાંથી પ્રજાયલું.
આસપાસતણો ઘેરો તોડી આત્મા આપણા મુક્ત થાય છે;
ભાવી નિજ ચમત્કારી મુખ આણે સમીપમાં,
ન્યાળે આપણને એનો દેવ નેત્રો લઈને વર્તમાનનાં;
અશકય જે માનતી 'તી તે ક્રિયાઓ બની સહજ જાય છે;
લહેતા આપણે વીરવર કેરી અમર્ત્યતા,
મર્ત્ય અંગોમહીં, બંધ પડતાં હૃદયોમહીં
જાગે સાહસ ને શક્તિ, મૃત્યુ જેને સ્પર્શવાને સમર્થ ના;
મર્ત્ય કાળતણી ધીરી ઢસડાતી ચાલને તુચ્છકારતો
સંક્લ્પાવેગ વેગીલો બને ચાલક આપણો.
ના આ પ્રોત્સાહનો આવે કો વિદેશીય વિશ્વથી:
છીએ નાગરિકો પોતે આપણે એ માતૃભૂમિક રાષ્ટ્રના,
દ્રવ્યની રાત્રિના હામ ભીડીને હ્યાં બનેલા અધિવાસીઓ.
હવે પરંતુ પામ્યા છે બાધાઓ હક આપણા,
પારપત્રો આપણાં રદ છે થયાં;
રહેતા આપણા દિવ્ય ધામમાંથી દેશપાર સ્વયં થઇ.
અમર્ત્ય મનના એક ભૂલા પડેલ રશ્મિએ
પૃથ્વીની અંધતા કેરો અંગીકાર કર્યો અને
આપણો માનવીઓનો એ વિચાર બની ગયું
અવિદ્યાને નિષેવતું.
નિર્વાસિત અને કામે લાગેલું આ અનિશ્ચિત ધરા પરે
અજ્ઞાન પકડે પ્રાણ કેરી હંકાઈ ચાલતું,
તમોગ્રસ્ત કોષથી ને દગો દેતી શિરા વડે
બાધાબદ્ધ બની જતું,
અચ્ચુત દેવતાઓનો છે સ્વાભાવિક જે હક
તે શર્મીય અવસ્થાઓ ને ઉચ્ચતર શક્તિઓ
કેરાં સ્વપ્ન નિષેવતું,
હજી એ કરતું યાદ નિજ જૂના ગુમાવેલા પ્રભુત્વને.
પૃથ્વીના ધુમ્મસે, કીચે અને પથ્થરની વચે
હજી એ કરતું યાદ પોતાના ઊર્ધ્વ લોકને
ને પોતાના ઊર્ધ્વવર્તી પુરને ભવ્ય જન્મના.
લપાતી એક આવે છે સત્ય કેરા લુપ્ત સ્વર્ગતણી સ્મૃતિ,
સમીપે એક આવે છે મહામોક્ષ, મહિમા સાદ આપતો,
ડોકિયું કરતું એક મહા-ઓજ અને એક મહામુદા
અળગી જે આપણાથી થયેલ છે.
મનોમોહક માર્ગોમાં અર્ધ-આવૃત જ્યોતિના
રોશનીદાર પોતાની છાયારૂપે ભટકયા કરનાર એ,
આ અંધ દેવતાઓનો ક્ષિપ્ર નેતા અનિશ્ચયી,
સંભાળનાર નાના શા દીપકોનો, સેવાસાધક દાસ આ,
પાર્થિવ ઉપયોગાર્થે
મન ને દેહના દ્વારા મ્હેનતાણો રખાયલો,
અશિષ્ટ સત્યતાઓની વચ્ચે ભૂલી પોતાનું કામ જાય છે;
તે ફરી મેળવે પાછો પરિત્યક્ત પોતાનો હક રાજવી
એકવાર ફરી ધારે નિજ જામો જામલી એ વિચારનો,
અને આદર્શનો દ્રષ્ટા અને રાજા છે પોતે એ પિછાનતું,
અજન્મા સાથ સંપર્ક કરાવી આપનાર ને
પેગામો લાવનારું છે પોતે એ સમજી જતું,
અને જાણી હતું લેતું કે આનંદ અને અમરતાતણો
પોતે વારસદાર છે.
અહીં જે માત્ર સ્વપ્નાં છે તે સાચી વસ્તુઓ બધી,
અજ્ઞાત આપણાં ઊંડાં ગહવરોમાં
છે સૂતેલો તેમનો સત્યનો નિધિ,
આપણાં અણ-પ્હોંચાયાં શૃંગોએ છે એમનું રાજ્ય ચાલતું,
વિચારમાં અને ધ્યાને
જ્યોતિના નિજ જામા એ પોતા પાછળ ખેંચતી
આપણી પાસ આવતી.
પરંતુ આપણી ઈચ્છાશક્તિ ને ભાવહીનતા
ભર્યું ઇન્દ્રિયનું જ્ઞાન વ્યવહારે જ વ્યાપૃત
વામણાં હોઈ ના લેતાં સત્કારી એ મહેમાનો સુરાલયી :
જુએ એ આપણી વાટ આદર્શ-શિખરો પરે.
સચવાઈ રહે યા એ અણદીઠ આપણા ગૂઢ આત્મમાં,
છતાં યે ઝબકે છે એ કો કો વાર જાગ્રતાત્મામહીં થઇ,
આપણાં જીવનોથી એ છુપાવેલો મહિમા નિજ રાખતા
નિજ સૌન્દર્ય ને શક્તિ સામે ના પ્રકટાવતા.
એમનો રાજવી સ્પર્શ
કો કો વાર લહેવાતો આપણા વર્તમાનમાં,
એમનાં લસતાં સિંહાસનો પ્રત્યે મથે છે ભાવી આપણું :
અધ્યાત્મ ગૂઢતામાંથી બ્હાર એ દૃષ્ટિ નાખતા,
મનના ગલિયારામાં પગલાંઓ ધ્વને અમર એમનાં :
જ્યોતિની ભૂમિકાઓમાં
આરોહીને જવા આત્મા આપણા શક્તિમાન છે,
જે મહાવિસ્તરોમાંથી આવ્યા છે એ
તે આવાસ આપણો સંભવી શકે.
પુનઃપ્રાપ્ત થતાં સ્વીય અધિકાર છાયારહિત જ્યોતિનો
અમરોની હવામાંહે મનીષી એ રાજા અવ પ્રવેશતો
અને વિશુદ્ધ ઓજસ્વી નિજ સ્રોતે કરતો પાન એ પુનઃ
અવિકારી તાલબદ્ધ શાંતિ ને સંમુદામહીં,
રાજસ્વતંત્રતાભોગી સીમામુક્ત પ્રકાશમાં
જોઈ એણે ભૂમિકાઓ ચ્યુત જે ન થઇ હતી,
જોયાં જગતને એણે સંકલ્પે સરજાયલાં,
જ્યાં જ્ઞાન કર્મને દોરી જાય છે ને
જડદ્રવ્ય બનેલું છે વિચારંત પદાર્થનું,
ભાવ છે જ્યાં સ્વપ્નસેવી પાંખો ઉપર ઊડતા
પંખી શા સ્વર્ગલોકના,
જેમ મા ને બાપ કેરા અવાજને
સત્યના સાદને તેમ પ્રતિ-ઉત્તર વાળતો,
આકાર સર્વને દેતા રશ્મિમાંથી
ઉલ્લસંતું રૂપ આવે છલંગતું,
દેવો કેરો સચૈતન્ય રથ સંકલ્પ છે જહીં
અને પ્રાણ દીપ્તિમંત છે પ્રવાહ ચિંતને લીન શક્તિનો
ઊંચકી લાવતો સૂરો ગૂઢના ભાસ્કરોતણા.
કાને કે'વાયલા સત્યતણું એ સુખ લાવતો,
અવકાશતણું હૈયું મધમીઠું બનાવતા
એના પ્રવાહમાં ધાવમાન જે એક હાસ્ય છે
તે આવે છે મૃત્યુમુક્ત ઉરમાંથી પરમોચ્ચ મુદાતણા,
એકાલતાતણો હર્ષ ત્યાં અગાધિત દોડતો,
અવિજ્ઞાતે થતો જ્ઞાન કેરો તેમાં દોડતો મર્મરધ્વની
ને ઉચ્છવાસ ન દીઠેલી એક અનંતતાતણો.
લસંતી સ્વચ્છતાઓમાં જંબુનીલમણિવર્ણ સમીરની
વિશૃંખલ અને સર્વશક્ત આત્મા મનોમય
આદર્શ-જ્યોતિના નીલ પદ્મ કેરી ચિંતના કરતો હતો.
અકાલ સત્યનો એક સ્વર્ગીય સૂર્ય સ્વર્ણનો
શબ્દે પ્રકાશના કંપમાન મૌનમહીં થઇ
આવિષ્કારતણા અંતહીન સાગરની પરે
રહસ્યમયતા રેલતો 'તો શાશ્વત જ્યોતિની.
જોડાતા ગોલકો જોયા રાજાએ દૂર દૂરમાં.
છેલ્લી જ્યાં કાળની ટૂકો સ્પર્શતી 'તી વ્યોમોને શાશ્વતીતણાં,
અને પ્રકૃતિ જ્યાં વાતો કરે છે કેવલાત્મ શું,
ત્યાં સમાધિલય પ્રત્યે ધ્યાનકેરી આરોહંત કિનાર પે
અજન્મા ઊર્ધ્વતાઓએ ચડતી 'તી સીડી વિચારની.
રાજ્ય ત્રયતણું આવ્યું પહેલું તો વ્યવસ્થિત વિચારનું,
નાનો આરંભ નિઃસીમ આરોહણાર્થ ઊર્ધ્વના :
મનોવ્યોમો ઇથરીય પ્રકાશંતાં હતાં ઉપરની દિશે,
જ્યોતિના બુરાજોવાળા શૂન્યે ટેક્યાં, નભને નભ દાબતું
હોય ના તેમ કૈં ગાઢ ને અનંત હતું ઊડણ ઊર્ધ્વનું;
એમનું ઉચ્ચમાં ઉચ્ચ
મથતું 'તું બની જાવા પડોશી શાશ્વતીતણું
હતું વિસ્તરતું સૌથી વિશાળું તે ભળી જાવા અનંતમાં.
કિંતુ અમર ઓજસ્વી અને દિવ્ય
હોવા છતાં પ્રદેશો જે આરંભે આવતા હતા
માનવી મનની પાસે હતા તે ને તેના સગા થતા હતા;
માર્ગો વિચારણાના જે છે મહત્તર આપણા
તેમને એમના દેવો દ્વારા રૂપ અપાય છે,
એમના બળનો અંશ આપણો સંભવી શકે :
આપણા અંતરાત્માઓતણી પ્હોંચ
માટે વિશાળતાઓ આ ગજા બ્હારતણી ન 'તી,
માનુષી આશને માટે
વધારે પડતાં ઊંચાં આ ઊંચાણો હતાં નહીં.
ત્રિગુણોડ્ડયન દ્વારા પહોચાતું હતું ત્રિગુણ આ જગે.
સામાન્ય બળને માટે સાવ સીધો હતો ઊભેલ તે છતાં
ઢોળાવા ઊર્ધ્વનો એનો આપણી પૃથિવીતણી
સમાવસ્થા પરે નીચી દૃષ્ટિએ ન્યાળતો હતો :
અતિશે જે નથી ઊભો ઢોળવાની પરે
ઊંડા ઊતરતા રેખામાર્ગો પર મુસાફરી
કરી વળી શકાતું 'તું
ને મર્ત્યોના લોક સાથે વ્યવહાર બની શક્ય જતો હતો.
સર્વ-સ્રષ્ટા શબ્દ સાથે કરવાને કાર્ય મધ્યસ્થતાતણું
ઊંચે જનાર સીડીના મહાસમર્થ રક્ષકો
વાટ જોતા હતા સ્વર્ગધામ પ્રત્યે જતા યાત્રિક જીવની;
એમના હાથમાં પાર કેરી ચાવી હજાર છે,
ચડતા મનને તેઓ જ્ઞાનસેવા હતા નિજ સમર્પતા,
ભરી જીવનને દેતા આનંત્યોથી વિચારનાં.
શ્રુતિશાળી હતા તેઓ વ્યાખ્યાતાઓ નિગૂઢ ધર્મતત્વના,
દિવ્ય સત્યતણા તેઓ મહાચાર્યો જ્વલતા જવાલના સમા,
મનુષ્યના અને ઈશ કેરા ચિત્ત વચ્ચે તેઓ દુભાષિયા,
મર્ત્યોને કાજ લાવે છે તેઓ અમર અગ્નિને.
રંગોની દીપ્તિઓ ધારી એ સંમુર્ત્ત કરતા 'તા અદૃશ્યને,
સનાતનતણા દીપ્ત સોપાનોના હતા તેઓ સુરક્ષકો,
સુર્ય સંમુખ ઊભા 'તા રચી વ્યૂહો વિભાસ્વર.
દૂરથી દેખાતાં તેઓ લાગતા'તો પ્રતિકોની પરંપરા,
આદર્શ રશ્મિને દૃષ્ટિ આપણી જે છાયાલિપિ સમર્પીત
તેની પ્રકાશવંતી એ મૂળ એવી પ્રતો હતા,
યા ગુઢ સત્યને મૂર્ત્ત કરતી મૂર્તિઓ હતા,
કિંતુ પાસે જઈ જોતાં હતા તેઓ દેવો, સાન્નિધ્ય જીવતાં.
સૌથી નીચે હતાં જેહ સોપાનો ત્યાં ચલતી ચિત્રવલ્લરી;
તરંગી ભૂષણોવાળી અને નાની છતાં સંપન્નતા ભરી,
એક જગતના આખા આશયાર્થે એમનામાં જગા હતી,
એની સંપૂર્ણતા કેરા હર્ષનાં એ પ્રતીકો સૂક્ષ્મ શાં હતાં,
બળો પ્રકૃતિનાં જિંદા બન્યા 'તાં ત્યાં વિચિત્ર પશુરૂપમાં,
અને સજાગ પોતાના પાઠ કેરી આશ્ચર્યમયતા પ્રતિ,
વિરૂપતા ન પામેલા પ્રભુ કેરી પ્રતિમા માનવી હતો,
સૌન્દર્ય-રાજ્યના સૌમ્ય સિક્કા શી વસ્તુઓ હતી;
વિશાળા કિંતુ વિસ્તારો હતા જેને એ સ્તરો સેવતા હતા
ઊર્ધ્વે આરોહતા આવિર્ભાવ કેરી સંમુખે ત્યાં ખડા હતા
વેશ્વ-કાળતણા ભોક્તા, કૃપાપાત્રો વિશ્વની સંમુદાતણા,
વાસ્તવ વસ્તુઓ કેરા વિભુઓ ને પ્રભુઓ પ્રહરોતણા,
યુવા પ્રકૃતિ કેરા ને બાલ પ્રભુતણા સખા
લીલામાં સાથ આપતા,
દબાણે મનના છૂપા સ્રષ્ટાઓ સ્થૂલ દ્રવ્યના,
વિચારો સૂક્ષ્મ જેઓના
ટેકો આપી ટકાવે છે સંજ્ઞાવિહીન પ્રાણને,
ને દોરે છે સ્વૈરભાવી જડસી શી બનાવોની પરંપરા;
યુવાન દેવતાઓની તિક્ષ્ણદૃષ્ટિ ખડી સંતતિ એ હતી,
પ્રાજ્ઞતાની પૂર્વ ભોમે જન્મેલા રાજબાલકો
વિશ્વસર્જનની ગુહ્ય લીલા કેરું મળ્યું હતું
એની શાળામહીં શિક્ષણ જેમને.
બાજીગર હમેશાંનો છે જે તેના શિલ્પકારોતણા મુખી,
ઘડનારા, માપનારા સંવિભાજિત વ્યોમના,
ગુપ્ત ને જ્ઞાતની કીધી તેમણે છે પોતાની એક યોજના
અને અદૃશ્ય રાજાનું એને ધામ બનાવ્યું છે નિવાસનું.
શાશ્વતાત્માતણી ગૂઢ આજ્ઞાને અનુવર્તતાં
તેમણે વસ્તુઓ કેરા પદાર્થમય મોખરે
બાલાત્માઓ કાજ એક બાલમંદિર છે રચ્યું
વિશાળું વિશ્વરૂપ આ,
મન-ઇન્દ્રિયના દ્વારા શીખે છે શિશુ જીવ જ્યાં;
વૈશ્વિક લિપિના એ ત્યાં અક્ષરોને ઉકેલતો,
અભ્યાસ કરતો વિશ્વ-આત્મા કેરા શરીરનો,
અને અખિલના ગુપ્ત અર્થ કેરી કરતો એ ગવેષણા.
બ્રહ્યાત્મા કલ્પતો જે જે તે સૌ માટે બીબું તેઓ બનાવતા;
માનવી પ્રકૃતિને તે એની પાસે દૃશ્ય ભાવો ધરાવતા,
અનંત વસ્તુઓને એ એમ અંતવંત રૂપો સમર્પતા
સનાતનતણી શાંતિ કેરી છોડી વિશાળતા
કૂદી અવ્યક્તમાંથી જે શક્તિ પ્રાકટ્ય પામતી
તેને પ્રત્યેકને ઝાલી લઇ તેઓ નિયમો નિષ્ઠ આંખથી
વિશ્વના નૃત્યમાં તેને પાઠ લેવા પ્રયોજતા :
સંવાદી નિયમોથી એ બાંધી દેતા તેની મુક્ત તરંગિતા
અને જાદૂગરીમાંહે વ્યવસ્થાબદ્ધ વિશ્વની
એને એની ભંગિમા ને દિશા લેવા કેરી ફરજ પાડતા.
સર્વને જે સમાવે છે તે સમાઈ પોતે રૂપ મહીં જતું,
કંડારી એકતા કાઢી માપ્યા જાય જે તેવા એકમોમહીં,
વિશ્વના સરવાળાનું રૂપ આપ્યું સીમાઓથી વિમુક્તને:
ટીપીને વક્રરેખાનું રૂપ આપ્યું અનંત અવકાશને,
અવિભાજ્ય કાળ નાની પળોમાં પલટાવિયો,
રહસ્યમયતા રૂપે ઢળાયેલા અરૂપની
રહે રક્ષાયલી, માટે પિંડબદ્ધ બનાવ્યું અતિસૂક્ષ્મને.
જાદૂ ક્રમિક સંખ્યાનો, મંત્ર સંજ્ઞાતણો તથા
અપરાજેયતા સાથે તેઓ કેરી કરામતો
લેવાય ઉપયોગે એ રીતે પ્રયોજતી હતી,
સૌન્દર્યે ને સાર્થતાએ લદાયલી
પકડતી હતી તન્ત્ર યન્ત્ર શક્તિ ચમત્કારકતાભરી,
નિર્ણયાત્મક તેઓના દૃષ્ટિદત્ત નિદેશથી
રૂપ ને ગુણ સંયુક્ત બનતાં સમતા ધરી,
અળગાં કરવાં શક્ય નહીં એવાં એકરૂપ બની જતાં.
પ્રત્યેક ઘટના પરે
મુદ્રિત કરતા તેઓ ચાપાકારો તેના વિધિવિધાનના,
સોંપણી ને કાર્યભાર કેરી છાપ લગાવતા;
મુક્તભાવી અને દિવ્ય એ પ્રસંગ રહે ન 'તી
પ્રત્યેક પળ ઈચ્છાથી પ્રેરાતી, યા ન 'તું સાહસ જીવનું,
ન 'તી રેખા દૃષ્ટપૂર્વે નાફરે યોજનાતણી,
લાંબી બનાવતી 'તી એ દૈવ-બદ્ધ એક નિગૂઢ શૃંખલા,
અવશ્યંભાવિતા કેરી લાંબી કૂચે
વધારાનું ડગલું એક એ હતી.
મર્યાદા એક બંધાઈ હતી એકેએક ઉત્સુક શક્તિની
ઈજારે જગને લેવા કેરી એની ઈચ્છાને અવરોધતી,
સામર્થ્ય ને ક્રિયા માટે કાંસ્ય ચીલો હતો નક્કી કરાયલો,
પ્રત્યેક પળને એનું સ્થાન નક્કી કરી અપાયેલું હતું,
શાશ્વતીથી ભાગનારા ભીમકાય કાળના ગાળિયાતણે
ગૂંચળે સ્થાન એ પૂર્વે સંકલ્પેલું બદલ્યું બદલાય ના.
અંકોડા શા દૈવ કેરા દુર્નિવાર એમના જે વિચાર, તે
કૂદકાની અને વીજવેગવંતી મનની દોડની પરે,
દુર્બળાં ને દૈવયોગી પ્રાણ-પ્રવાહિતા પરે,
અણુજાયી વસ્તુઓની સ્વતંત્ર વૃત્તિની પરે
સ્થિર કારણ ને વજ્રકઠોર પરિણામનું
નિર્માણ લાદતા હતા.
ભાવનાએ તજી દીધી સહજતા અસીમતા
માટી જેવા રૂપગ્રાહી સ્વભાવની
ને એને બદલે કોક કથાવસ્તુ સમાન સંકળાયલાં
પગલાંઓ કર્યાં અંકિત આગવા :
હતું અમર જે એકવાર કિંતુ
હવે પડયું હતું બંધ જન્મ ને અવસાનના,
તત્ક્ષણા ને ન સ્ખલંતી દૃષ્ટિથી વિરહાયલું,
અનુમાનતણા કોષો દ્વારા પુનઃ રચાયલું
જ્ઞાન શ્લથ અને નાશવંત દેહે હતું સ્થિર સ્થપાયલું;
આમ બંધાયલું વૃદ્ધિ પામતું એ, કિંતુ ના શકતું ટકી,
અને તૂટી પડી પોતે નવી એક વિચારણા
કેરા શરીરને માટે નિજ સ્થાન તજી જતું.
અનંતના વિશાલાક્ષ વિચારો દેવદૂત શા,
તેમને પૂરવા માટે રાખ્યું 'તું એક પાંજરું,
વિશ્વના નિયમો રૂપી સળિયાઓ
આડા-ઊભા ગ્રથી એને હતું બંધ કરાયલું,
અને દિક્-ચક્રની નાની વક્રરેખાતણા વાડોલિયામહીં
અનિર્વાચ્યતણી ઇન્દ્રધનુરંગ રમ્ય ધારંત દર્શના
ઘેરી રખાયેલી હતી.
આત્મા અકાળ જે તેને
બનાવાયો હતો બંદી કાળની ઘડીઓતણો;
ગ્રહી મન શકે જેને ને ચલાવી શકે શાસન જે પરે
એવું જગ બનાવવા
જન્મના કેદખાનામાં હતો નાખ્યો અસીમને.
હજારો સુર્યની પ્રત્યે દૃષ્ટિપાત કરનારી ધરા પરે
જે સર્જાયેલ છે તેહ બને પ્રકૃતિનો પ્રભુ,
ને ઊંડાણો દ્રવ્ય કેરાં બને દીપ્ત ચિદાત્મથી,
તે માટે તિથિ, ઢાળો ને મર્યાદાબદ્ધ ક્ષેત્રની
સાથે છે એમણે બાંધી
ગતિ કોટિક ગુહ્યોએ ભરેલી ' एक एव ' ની.
શ્રેણિબદ્ધ હતી ઊંચે જાતિ એક સર્વોચ્ચ દેવદૂતની,
વિશાળાક્ષી દૃષ્ટિએ જે ખોજતી 'તી અદૃષ્ટને.
એમનાં લોચનોમાંનાં મૌનપૂર્ણ ઊંડાણો મધ્યમાં થઇ
હતી પ્રકાશતી જ્યોતિ જ્ઞાનની મુક્તિ અર્પતી;
મનમાં તે રહેતા 'તા ને અંત:સ્થ રહીને સત્ય જાણતા;
એકાગ્ર હૃદયે એક દૃષ્ટિ પાછી સંકેલીને રખાયલી,
કાળનાં પરિણામોના પડદાની ને દૃશ્ય વસ્તુઓ તણા
પાકા ઢાળાતણી અને
રૂપ કેરી આરપાર જોવા સમર્થ એ હતી.
જે વિમર્શતણા તંગ પાશથી છટકી જતું
તે સૌને દર્શના જોતી અને પકડતી હતી;
ઢૂંઢતા ઇન્દ્રિયજ્ઞાને રાખેલાં રિક્ત સ્થાનને
દૃષ્ટિસંપન્ન તેઓના વિચારો પૂરતા હતા.
શકયતાના હતા મોટા શિલ્પીઓ એ, ઈજનેરો અશક્યના,
હતા અનંતતાઓના ગણિતે તે વિશારદો,
હતા અજ્ઞેય સત્યોના તેઓ સિદ્ધાંતવાદીઓ,
સમસ્યાની નિર્વિવાદ વસ્તુતાનાં સૂત્ર એ રચતા હતા.
તેઓ અજ્ઞાતને દૃશ્ય જગતોની સાથે સંયોજતા હતા.
પરિચારક ભાવે એ કાલાતીત શક્તિને સેવતા હતા,
તેના કર્યોતણાં કાલચક્રો કેરી
ગતિની એ કરતા 'તા ગવેષણા;
વટાવી વાડ નિ:શબ્દ એની એકાંતતાતણી
નિગૂઢ મનમાં એના શકતું 'તું પ્રવેશી મન એમનું,
એના ગુપ્ત વિચારોનો રેખાલેખ આંટી એ શકતું હતું;
શક્તિએ સીલ કીધેલી સંહિતાઓ
ને સંકેતાક્ષરો તેઓ ઉકેલતા,
એનાં રક્ષિત રાખેલાં સર્વ આયોજનોતણી
લેતા એ નકલો કરી,
એના નિગૂઢ પ્રત્યેક ક્રમણાના માર્ગ કેરા વળાંકનું
કારણ આપતા 'તા ને સ્થિર એનો નિયમેય બતાવતા.
અદૃષ્ટ બનતું દૃશ્ય અભ્યાસી આંખની કને,
સમજાવાઈ જાતી 'તી અચિત્ કેરી મોટી બેહદ યોજના,
સાહસી રેખ દોરતી શૂન્યાકારતણી પરે;
સમચોરસરૂપે ને ધનરૂપે
પલટાવી નાખવામાં આવતું 'તું અનંતને.
પ્રતીકની અને એના અર્થની રચના કરી,
આલેખી વૃત્તરેખાને પારની એક શક્તિની,
વૈશ્વ નિયમના ગૂઢ જ્ઞાનનું એ ચોકઠું રચતા હતા,
ને શોધી કાઢતા હતા 'તા એ
રેખા સમતુલા દેતી જિંદગીના શિલ્પ કેરા વિધાનની,
ને એના જાદુ કેરી ને રહસ્યમયતાતણી
બાંધતા 'તા ઈમારતો.
યોજનાઓ જ્ઞાન કેરી લાદી વિરાટની પરે,
અનંત ચિતિની મુક્ત યુક્તિ તેઓ
સાન્ત વિચારને તકેં ઠોકી બેસાડતા હતા,
લયો પ્રકૃતિના નૃત્યતણા ગુપ્ત વ્યાકૃત કરતા હતા,
ભુવનોના નાટ્ય કેરું કથાવસ્તુ હતા તેઓ સમીક્ષતા,
જે કૈં અસ્તિત્વમાં છે તે સર્વ માટે
રેખાંકન અને અંક ચાવી રૂપ બનાવતા :
વિશ્વાત્માના મનોવિશ્લેષણ કેરો પત્તો તેઓ લગાવતા,
રહસ્યો એહનાં પીછો લઇ પકડતા હતા,
અદ્વિતીયતણું રોગનિદાનશાસ્ત્ર વાંચતા.
સંભાવીની પદ્ધતિની થઇ નિર્ધારણા હતી,
ભાગતી શક્યતાઓનાં જોખમોનો અંદાજ નીકળ્યો હતો,
યથાર્થ વસ્તુઓ કેરો બેહિસાબ સરવાળો બનેલ તે
સાચો બતાવવા માટે ' લોગેરિધમ ' કોષ્ટકો
અવશ્યંભાવિતા કેરાં હતાં દોરી કઢાયલાં,
વ્યવસ્થાબદ્ધ કીધી 'તી ' एक ' ની ત્રિવિધા ક્રિયા.
પડદો ખસતાં એક ઓચિંતાંનો અદૃશ્ય શક્તિઓતણો
સમૂહ ગોળ ઘૂમંતો યદ્દચ્છાના હસ્તથી બ્હાર નીકળી
પડયો દૃષ્ટે કો વિરાટ આદેશવશ વર્તતો :
એ બળોના ગૂંચવાળા
ઉદ્દેશોના કાર્ય દ્વારા સધાતી એકતા હતી.
એમનેય ન જે જ્ઞાત તે મનોભાવ તેમનો
પ્રજ્ઞા એક તેમને સમજાવ
અરાજકપણું તેઓ કેરું એક સૂત્રે ઠાંસી ભરી દઈ,
એમના ઓજના જંગી નિરુદ્દેશપણાને લક્ષ્માં લઇ,
કૈં લાખો માર્ગ લેવાની તેઓ કેરી ટેવના અનુસારમાં,
નાફેર ગુપ્ત રાખેલી યોજનાની અલ્પમાં અલ્પ રેખની
અને સ્પર્શ કેરી વિવેચના કરી,
અદૃશ્યના મનોભાવો કેરા અંધેરમાંહ્યથી
ભાવિનિર્માણનો કેલ્કયૂલસ સંકલતી હતી,
વિશ્વગ્રાહક વિધાના ઉજ્જવલંત એહના અભિમાનમાં
મનનું જ્ઞાન સર્વજ્ઞ કેરી શક્તિથકી ઊંચે ચઢી જતું :
ઊડતાં ગારુડી પાંખે સામર્થ્યો શાશ્વતાત્મનાં
ઓચિંતા પકડાતાં 'તાં વણ-માર્ગ્યો તેમના વ્યોમની મહીં,
વિચારના ઈશારાને વશ તેઓ
પોતાનાં ચક્કરોમાંથી ઝૂકી ઊતરતાં હતાં:
પ્રત્યેક દેવતા ભેદી સ્વરૂપ પ્રકટાવવા
વશ બેળે થતો હતો,
અને પ્રકૃતિની બાજીમહીં સ્થાન નિજ નિશ્ચિત એ લઇ
શેતરંજી ખેલનારી ઇચ્છાના અણસારથી
વૈશ્વિક ભાગ્યને પાટે વાંકીચૂંકી ચાલમાં ચાલતો હતો.
અવશ્યંભાવિતા કેરાં પગલાંના પૃથુ ક્રમે
પ્રત્યેક પ્રભુનું કાર્ય સવિચાર પૂર્વથી જ ભખાયલું.
ને હિસાબી મન દ્વારા મૂલ્યમાં મૂલવાયલું,
ને ગાણિતિક એનામાં જે સર્વશક્તિમત્ત્વ છે
તેનાથી મેળવાયલું,
ચમત્કારતણું એનું દિવ્ય રૂપ ગુમાવતું,
વૈશ્વિક સરવાળામાં બનતું એક આંકડો.
મહાસમર્થ માતાના મીઠડા ને ભાવોદ્રેક વડે ભર્યા
મુક્ત હૈયામહીં જે હર્ષણા હતી
સર્વપ્રજ્ઞાનસંપન્ન ને ન શાસિત કોઈથી,
તેમાંથી જન્મ પામતા
એના ધૂની તરંગો ને મનોભાવો વીજની ઝડપે ભર્યા
તેમનું તત્વ આશ્ચર્યમય જાય હરાઈ ને
તેઓ કારણ ને લક્ષ્ય સાથે એક સંકળાઈ જતા હતા;
વિશ્વકાય વિરાટોની ગતિઓને જેહ બંદી બનાવતી
તે ગૂઢાકૃતિનું તેની સ્થાન લેતી પ્રતિમા એક કાંસ્યની,
આદર્શ એક મુખની યથાર્થ રૂપરેખામાં
પાંપણો પરની એની સ્વપ્નછાપ ભુલાયેલી હતી તહીં,
અનંતતાતણાં સ્વપ્નાં વહેવનારી નિજ બંકિમતા પરે,
લોભાવનાર આશ્ચર્ય એની આંખોતણું લુપ્ત થયું હતું;
એના સાગર શા મોટા હૈયા કેરા ધબકારા તરંગતા
સુવ્યવસ્થિત તાલોના કોઈ એક તરંગ શું
તેઓ બદ્ધ બનાવતા :
પોતાના ગહનોદ્દેશો જે પોતાથીય તે આવૃત રાખતી
તે પોતે પ્રકટી ઊઠી ઝૂકતા 'તા
તેઓ કેરી સ્વીકારપીઠિકામહીં.
જગતોના જન્મ-મૃત્યુ કાજ તેઓ નક્કી કો કરતા તિથિ,
દોરતા 'તા વ્યાસ અનંતતાતણો,
અદૃષ્ટ શિખરો કેરી દૂરવર્તી કમાનનું
લેવામાં માપ આવતું,
અગાધાદૃશ્ય ઊંડાણો જોવામાં આવતાં હતાં,
કે જેથી સર્વ કાળે છે શક્ય સંભવ જેહનો
તે વિજ્ઞાત બનેલું લાગતું હતું.
સંખ્યા, નામ અને રૂપ દ્વારા સૌ નિગ્રહાયલું;
અસંખ્ય ને અસંખ્યેય જેવું કાંઈ રહ્યું ન 'તું.
છતાંયે તેમનું જ્ઞાન મીંડાની મધ્યમાં હતું :
શોધી તે શકતા સત્યો, ધારીય શકતા હતા,
કિંતુ છે જે એકમાત્ર સત્ય તે મળતું નહીં :
સર્વોચ્ચ તેમને માટે અવિજ્ઞેય રહ્યું હતું.
અતિશેને જાણવાથી જાણવાને યોગ્ય અખિલ જે હતું
તેને તે ચુકતા હતાં :
અગાધ વિશ્વનું હૈયું અરીર્કિત રહ્યું હતું,
ને પરાત્પર છે તેણે રાખી 'તી નિજ ગુહ્યતા.
ત્રિગુણાત્મક સીડીના ઉદાર શિખર પ્રતિ
લઇ જતું હતું એક ઉદાત્તતર ઊડણ
વધુ સાહસથી ભર્યું,
ઝગારા મારતા સ્વર્ણ શૈલો જેવાં ખુલ્લાં સોપાન ત્યાં હતાં,
પ્રજવલંત કરી માર્ગ છેક ઊંચે જતાં કેવળ અંબરે.
થોડા ને ભવ્ય છે રાજરાજવીઓ વિચારના
બનાવ્યો છે જેમણે અવકાશને
ક્ષેત્ર નિજ વિશાળી ને સર્વદર્શન દૃષ્ટિનું
કાળ કેરું બેશુમાર મોટું કાર્ય સર્વત: અવલોકતી :
પૃથુતા ચેતના કેરી પોતાનામાં સર્વ કાંઈ સમાવતી
સ્પંદહીન સમાશ્લેષે સદાત્માને આધાર આપતી હતી.
પ્રકાશમાન અદૃષ્ટ એક સાથે બન્યા મધ્યસ્થ એ હતા,
પૃથ્વીએ પ્હોંચતા લાંબા સંચારમાર્ગની પરે,
અજ્ઞ પૃથ્વી જેમને અનુવર્તતી
અને સજ્ઞાન સ્વર્ગોયે જેમને વશ વર્તતાં
તે વિધાનો વિધાતાનાં હતા તેઓ છુપાવતા;
વિચારો તેમના ભાગીદારી રાખે એના વિશાળ શાસને,
સર્વ-શાસક છે એક મહતી ચેતના તહીં
અને મન સમર્પે છે કો ઉચ્ચતર શક્તિને
સેવા નિજ અજાણતાં;
છે એ વહનને માટે ન્હેર, ના મૂળ સર્વનું.
નથી વિશ્વ અકસ્માત થયેલો કાળને વિષે;
છે અર્થ એક પ્રત્યેક લીલામાં દૈવયોગની,
પ્રત્યેક મુખ-પાસમાં દૈવના છે સ્વતંત્રતા.
પ્રજ્ઞા એક પિછાને છે ને દોરે છે રહસ્યમય વિશ્વને;
સત્તવોને ને બનાવોને એના સત્ય-મીટ આકાર આપતી;
સ્વયંભૂ એક છે શબ્દ સૃષ્ટિનાં શિખરો પરે,
કાળનાં ભુવાનોમાં એ સ્વર છે શાશ્વતાત્મનો,
કેવળ બ્રહ્ય કેરાં એ દર્શનોનો દૂત સંદેશ લાવતો,
ભાવાર્થ ભાવનાનો એ રોપે છે રૂપની મહીં,
અને એ બીજ માંહેથી ઉદભવે છે વિકાસો કાળના બધા.
આપણા જ્ઞાનની સીમા પારનાં શિખરો પરે
સર્વજ્ઞાનમયી પ્રજ્ઞા વિરાજતી :
આવે છે ઊતરી એકમાત્ર અચૂક ઇક્ષણ,
ઊર્ધ્વમાંની હવામાંના એક નીરવ સ્પર્શથી
અવચેતન ઊંડાણોમાંની ગુપ્ત શક્તિ જાગ્રત થાય છે
ને એને થાય છે ભાન નિજ કાર્યોમાંના અજ્ઞાન જ્ઞાનનું,
પાડે ફરજ એ ઊંચે આવવાની અંધા બનેલ દેવને,
ઘડીયોના ગોળમાંથી એ પસાર થતાં થતાં
ને અંતવંત આંખો લે પીછો ત્યાંથી અંતર્ધાન થતાં થતાં,
કલ્પકાળતણા ગોળ ઘૂમરાતા વિસ્તારોને પટે પટે,
અવશ્યંભાવિતા કેરું અસંસ્કારી નૃત્ય નક્કી કરંત એ.
વિશ્વની ઘૂમરી કેરાં બલો અગ્રાહ્ય-રૂપ છે;
દૈવ જેને કહેવાતું તે આદિ પૂર્વદૃષ્ટિની
સ્થિરતા ધારતાં તેઓ મદમાતાં પોતનાં અંગની મહીં.
પ્રકૃતિ કેરું અજ્ઞાને સત્યનું હથિયાર છે;
ગતિ બદલવા એની છે અશક્ત આપણું મથતું અહં :
છતાંયે આપણામાં જે શક્તિ કાર્ય કરે છે તે સચેત છે,
અને સંકલ્પનું બાળ ન પ્રીછેલું છે દૈવભવિતવ્યતા.
આદેશ આપતી સત્યતણી દૃષ્ટિ વડે બધા
જીવો પ્રકાશમાં લાવે વિના ચૂક નિજ ગુપ્ત સ્વરૂપને,
પોતામાં જે છુપાવે છે તે થવાની પડે ફરજ એમને.
કેમ કે જે 'છે' થતો તે આવિર્ભૂત કાળનાં વરસોમહીં,
ને કોષાણુમહીં છે જે મંદગામી દેવ પૂરી રખાયલો
તે જીવદ્રમાંહેથી આરોહી અમૃતે જતો.
કિંતુ સંતાયલું, મર્ત્ય ગ્રાહમાં નવ આવતું,
બ્રહ્યનું સત્ય છે ગૂઢ, છે અનિર્વચનીય એ,
અનુચ્ચારિત એ માત્ર આત્મદૃષ્ટિ વડે જ પકડાય છે.
અહં ને મનના વાઘા ઊતર્યે સાદ એ સુણે;
વિલોકે જ્યોતિમાંથી એ જ્યોતિ નિત્ય મહત્તરા,
અને જીવનને ઘેરી રહેલી શાશ્વતી જુએ.
આપણાં ચિંતનો માટે પરદેશી છે મહત્તર સત્ય આ;
કરે છે કાર્ય જ્યાં એક મુક્ત પ્રજ્ઞા ત્યાં એ નિયમ શોધતા;
કે આપણે યદ્દચ્છાની માત્ર જોતા બાજી એક ફ્દૂક્તી,
યા પરિશ્રમ જંજીરે નંખાયેલો બલાત્કારતણે વશ
બંધાયેલા કાયદાએ નિસર્ગના,
યા નિરંકુશ સ્વાતંત્ર જોતા મૂકી વિચારહીન શક્તિનું.
ઈશ્વરોદભૂત પોતાના બળ કેરા ભાને ઘૃષ્ટ બની જઈ
સમૂળા સત્યને લેવા પકડે સ્વવિચારની
હામ એ ભીડતા હતા;
દેવ-વિયુકત એક દૃષ્ટિ કેરી નિરાકાર પવિત્રતા,
સહેતો રૂપ ના એવો નગ્ન એક પ્રત્યક્ષ અવબોધ જે
તે દ્વાર, મન જેને કદી પ્રાપ્ત કરી શક્યું
તેને તેઓ મનની પાસ લાવતા,
ને આશા જીતવા કેરી સર્વોચ્ચ સત્ય ધામને.
ઉઘાડું એક આજ્ઞાર્થ વાક્ય વિચારણાત્મક,
રચનાત્મક ને જેના વિના ચાલે નહીં એવા પ્રકારનું,
જે અવિચાર્ય છે તેને વિચારે અવતારતું :
ઇન્દ્રિયજ્ઞાનનો સૂક્ષ્મ અને નગ્ન અગ્નિ રૂપલ-પાંખનો,
બાહ્યની તૂકબંધીથી નિવૃત્ત કર્ણ ચિત્તનો,
તેણે બીજાક્ષરો શોધી કાઢ્યા શાશ્વત શબ્દના,
બ્રહ્યાંડો છે રચ્યાં જેણે તે લયોના છંદ-સંગીતને સુણ્યાં,
અને અમુર્ત્ત સંકલ્પ 'અસ્તિ ' કેરો
છે જે સૌ વસ્તુઓ માંહે તેને જ્ઞાન વડે ગ્રહ્યો.
આંકડાના માપદંડો વડે માપ્યો તેમણે અણસીમને,
સીમાબદ્ધ વસ્તુઓનું આલેખ્યું સૂત્ર આખરી,
અવધો વણનાં સત્યો કર્યાં મૂર્ત્ત પારદર્શક દર્શને,
કાળને ઉત્તરો દેતો કરી દીધો અકાળને
અને મૂલ્યાંકને માપ્યો અમેય પરમાત્મને.
અગૃહીત અનંતોને વાડાઓ ને વાડોની મધ્ય પૂરવા
વિચારની અને વાણીતણી ભીંતો કરી ઊભી અઠંગ કૈં,
ને શૂન્યસ્થાનને સર્જ્યું ધારવા એકરૂપને.
દૃષ્ટિની દૃષ્ટિએ તેઓ ધપ્યા આગે ખાલી શિખરની પ્રતિ,
શીત સૂર્યોજ્જવલા છે જ્યાં હવા એવા અઘોર અવકાશમાં.
એકીકરણને માટે નિજ નિર્દિષ્ટ કાર્યના,
નગ્ન વિરાટને જેહ ધારવા અસમર્થ છે
તે જીવન બહિષ્કારી શૂન્યરૂપ બનાવ્યો સમુદાયને,
સર્વરૂપતણો અર્થ મેળવ્યો ઇન્કારમાં,
ને ભાવાત્મકતા સારી શોધી કાઢી અભાવમાં.
વિશ્વ વિષયને સાદો કરી દીધો
એકમાત્ર કલમે કાયદાતણી,
ભરી પ્રકૃતિને દીધી દાબી દાબી વિધિના એ સૂત્રમાં;
સમસ્ત જ્ઞાનને એકરૂપ કીધું પ્રયત્ને ભીમ એમના,
બ્રહ્ય કેરી પ્રથાઓને મન કેરા બીજગણિતમાં ભરી,
જીવંત દેવસત્તાને રૂપ એક આપ્યું સંક્ષિપ્ત સારનું.
મન કેરી પ્રાજ્ઞતા હ્યાં આટલે અટકી પડી;
એણે અનુભવી એમાં પોતાની પરિપૂર્ણતા;
કેમ કે ન રહ્યું બાકી કૈં વિશેષ વિચારવા
અથવા જાણવા પછી;
અધ્યાત્મ-શૂન્યતામાં એ બેઠું સિંહાસને ચઢી
ને અનિર્વાચ્યને રૂપે માની લીધું નિજ વિરાટ મૌનને.
હતી રમત આ દીપ્ત દેવો કેરી વિચારના.
અકાલ જ્યોતિ આકર્ષી આણીને કાળની મહીં
હોરાઓમાં શાશ્વતીને બનાવી બંદી એમણે
યોજના આ કરેલ છે
કે વિચાર અને વાણી કેરી સુવર્ણ જાળમાં
સત્યની દેવતા કેરા ચરણોને ફસાવવા,
ને વિચારકની મોજ કાજ એને બંદીવાન બનાવવી
એના અમર સ્વપ્નોના બનેલા લધુ લોકમાં:
માનવી મનની ભીંતો વચ્ચે એણે કરવાનો નિવાસ ત્યાં,
સ્વ-પ્રજાજનને ઘેર રાજરાણી પડેલી કેદની મહીં,
પૂજા પાતી પવિત્રા એ
એના હૈયાતણા સિહાસનને હજી,
એના ચિંતનની મૌનમયી ભીંતે સંભાળીને અલાયદી
રખાયેલી ભવ્યભવ્ય સંપદ્ એની પ્રેમે પોષણ પામતી,
નિષ્કલંક પવિત્રતા
એની એજ સદા માટે ને સદા એક રૂપમાં,
એની સદા સમર્ચાતી દેવતા અવિકારિણી.
એના સ્વભાવને દેતી સંમતિ ને ઈચ્છાને અનુમોદતી,
અને શબ્દો અને કાર્યો મંજૂર કરતી અને
એમને એ પ્રેરણા નિજ આપતી,
સુણતા શ્રવણોમાં એ પ્રલંબાવે એમનાં અનુનાદનો,
કોતરી જે કઢાયો છે કાળની શાશ્વતી થકી
તે વિચાર તથા પ્રાણ કેરા દીપ્ત પ્રદેશને
ઓળંગીને જતી એની યાત્રામાં તે સાહચર્ય સમર્પતી,
અને એની ગતિની નોંધ રાખતી.
ઉચ્ચ ને વિજયી એના સિતારાને સાક્ષી રૂપે વિલોક્તી,
એનું દૈવત સેવંતું અભિષિક્ત ભાવાત્મક-વિચારને
એના દ્વારા થશે એનું આધિપત્ય નમતા વિશ્વની પરે;
પરવાનો બનેલી એ એનાં કૃત્યો ને ધર્મમાન્યતાતણો,
નેતૃત્વના અને શાસ્તા બનવાના એના દિવ્યાધિકારને
પ્રમાણપત્ર આપતી.
યા એના પિયુને રૂપે પોતાની એ પ્રેયસીને
પ્રેમાલિંગન આપતો,
એ ઇષ્ટદેવતા એની એના પ્રાણતણું પૂજન પામતી,
હૈયા કેરી એકમાત્ર મૂર્તિપૂજા માટેની મૂર્ત્તિ એહ છે,
એ હવે છે બની તની,
તેને માટે માત્ર એણે જીવવું જોઈએ હવે :
એણે છે આક્રમ્યો તેને ઓચિંતાની પોતાની સંમુદા વડે,
સુખી તેની બાથમાં છે એ અખૂટ ચમત્કૃતિ,
છે પ્રલોભન, આશ્ચર્ય મોહમગ્ન કરતું પકડાયલું,
લાંબા તલ્લીન પીછાને અંતે તેનો દાવો એની પરે હવે,
તેના દેહ અને આત્મા કેરો એકમાત્ર આનંદ એ હવે :
નથી છટકવું શક્ય દેવતાઈ એની અભ્યર્થનાથકી,
એની ઉપરના મોટા સ્વામિત્વે જે થાય રોમાંચ તેહનું
અવાસન ન આવતું,
છે મદોન્મત્તતા એ, છે પરમાનંદિની મુદા :
પોતાને પ્રકટાવંતી
એની ચિત્ત-અવસ્થાઓ કેરી ઉત્કટ ભાવના,
સ્વર્ગીય મહિમા એક ને વૈવિધ્ય બનેલ એ
એ પ્રેમીની દૃષ્ટિ માટે નિજ દેહ નિત્ય નવ બનાવતી,
કે આવૃત્તિ કરે આધ સ્પર્શની મોહિનીતણી,
એના ગૂઢ સ્તનોનો ને સ્પંદમાન એનાં સુંદર અંગનો
પ્રભાવંત પ્રહર્ષ જે
તેને અંત વિનાની ને ધબકારે ભરાયલી
નીવીન શોધનું ક્ષેત્ર જીવમાન બનાવતી.
પ્રફુલ્લિત થઇ એક નવો આરંભ ઊઠતો
વાણી ને હાસ્યની મહીં,
નવીન મોહિની એક પાછી લાવે જૂની હર્ષાતિરેકતા :
પ્રિયામાં લોપ પામે એ, એનું સ્વર્ગ પ્રિયા હ્યાં જાય છે બની.
સત્યને દેવતા સારે સ્મિત રમ્ય સ્વર્ણ રમતની પરે.
નિજ નીરવ ને નિત્ય આકાશોમાંહ્યથી લળી
મુક્ત એ દેવતા ભવ્યા, અને એણે દેખાવ આપવાતણો
કરી આપ્યું સ્વગુહ્યોનું માધુર્ય સૂર્ય-શોભતું.
એના આશ્લેષમાં મૂર્ત્ત નિજ સૌન્દર્યને કરી
આપ્યા અમર પોતાના અધરોષ્ઠ અલ્પ ચુંબન પામવા,
ને છાતી-સરસું કીધું મહિમાને પામેલું મર્ત્ય મસ્તક :
સ્વર્ગ નાનું હતું જેને માટે તેણે
ધરણીને ધામ પોતાતણું કર્યું.
માનવી હૃદયે એનું વસ્યું સાન્નિધ્ય ગૂઢનું;
કંડારી માણસે કાઢી પોતાના જ સ્વરૂપથી
મૂર્ત્તિ એની પોતાની કલ્પનાતણી:
સત્ય કેરી દેવતાએ મન કેરા સમાશ્લેષ-સમોવડું
નિર્મ્યું નિજ શરીરને.
આવી છે એ સાંકડી શી હદોમાંહ્ય વિચારની;
એણે નિજ મહત્તાને ભાવનાની છોટી શી કોટડીમહીં
પરાણે પૂરવા દીધેલ છે સ્વયં,
કોટડી બંધ જ્યાં બેસી એકલો કો વિચારક વિચારતો :
આપણાં સત્ત્વની છે જે ઊંચાઈઓ
તેના પ્રમાણમાં તેણે ઊંચાઈઓ નિજ નીચી કરેલ છે
ને પોતાની દિવ્ય દૃષ્ટે આંજી છે આંખ આપણી.
આમ સંતુષ્ટ પ્રત્યેક રહે પોતે કરેલી ઉચ્ચ પ્રાપ્તિથી
ને પોતાને ધન્ય માને મર્ત્યભાવથકી પરો,
આગવી નિજ ગાદીએ રાજતો રાજ સત્યનો.
કાળના ક્ષેત્રમાં એના ભોક્તા સ્વામી બનેલને
લાગતું કે એકમાત્ર દીપ્તિ એના મહિમાની ઝલાયલી
છે એકમાત્ર સજજ્યોતિ,
એના સૌન્દર્ય કેરી છે ઉજ્જવલંત સમસ્તતા.
કિંતુ વિચાર કે શબ્દ પકડી ના શકે શાશ્વત સત્યને :
એના સૂર્યતણા એકમાત્ર કિરણની મહીં
વિશ્વ સમસ્ત છે વસ્યું.
વાસેલા, સાંકડા, દીપે ઉજાળતા નિવાસમાં
આપણાં મનનોતણા,
મિથ્થાભિમાન પૂરેલા આપણા મર્ત્ય ચિત્તનું
સ્વરૂપે છે કે સાંકળોએ વિચારની
સત્યને છે બનાવી દીધ આપણું;
આપણે કિંતુ પોતાના પ્રકાશંતાં
બંધનોની સાથે કેવળ ખેલતા;
સત્યને બાંધવા જાતાં પોતાને જ આપણે બાંધીએ છીએ.
એક પ્રકાશતા બિંદુ દ્વારા સંમોહને પડી
જોતા ના આપણે કે લઘુ કેટલું
એનું રૂપ આપણે ધારીએ છીએ;
પ્રેરણા આપતી એની સીમાબંધનમુક્તતા
તે લહેતા ન આપણે,
ભાગીદારી આપણી ના એની અમર મુક્તિમાં.
દ્રષ્ટા ને ઋષિને માટે પણ આવું જ જાણવું;
કેમ કે માનવી ત્યાં યે કરે સીમિત દિવ્યને:
વિચારોમાંહ્યથી કૂદી આપણે છે જવાનું દૃષ્ટિની પ્રતિ,,
છે શ્વાસોચ્છવાસ લેવાના એની દિવ્ય હદ-હીન હવાતણા,
કબુલ કરવાનું છે એના સોદા સુવિશાળ વિભુત્વને,
એની કેવળ સત્તાને સમર્પાઈ જવાની હામ ભીડવી.
નિ:સ્પંદ મનમાં ત્યારે જીવંત દર્પણે યથા
અવ્યક્ત નિજ પાડે છે પ્રતિબિંબ સ્વરૂપનું;
આપણાં હૃદયો મધ્યે કાલમુક્ત આવે છે રશ્મિ ઊતરી
ને આપણે થતા ભાવાલીન શાશ્વતતામહીં.
કેમ કે સત્ય પોતે છે વધુ વ્યાપ્ત
ને મહાન પોતાનાં સર્વ રૂપથી.
હજારો મૂર્ત્તિઓ એની છે બનાવેલ એમણે
ને પ્રતિમાઓ જે પૂજે છે તેમની મહીં
તે થાય પ્રાપ્ત તેમને;
પરંતુ સત્ય પોતે તો પોતારૂપ રહે અને
પોતે અંતવિહીન છે.
અગિયારમો સર્ગ સમાપ્ત
સર્ગ બારમો
આદર્શનાં સ્વર્ગો
આદર્શ દૂરથી હરહંમેશ સંકેત કરતો હતો. અદૃષ્ટના સ્પર્શથી જાગૃત થયેલો વિચાર પ્રાપ્ત કરેલી વસ્તુઓની સીમા છોડી નવું નવું શોધી કાઢવા માટે અશ્રાંત ભાવે પ્રબળ પ્રયત્ન કરતો હતો. એને પગલે પગલે એક નવું જગત પ્રકટ થતું હતું. અમર ને અજન્મા જ્યોતિ માટે એ ઝંખતો હતો, માર્ગે નવાં નવાં અદભુતો ને નવા નવા આનંદો આવતાં હતાં. શાશ્વતના ધામે ઉતાવળે પગે જતા યાત્રીનાં પગલાનું સંવેદન પામવા માટે એક દેવનો આત્મા જાણે નિસરણીનું પગથીયું બની જતો.
સીડી ઝળહળતી હતી. અને બન્ને છેડે આદર્શનું એક સ્વર્ગ આવેલું હતું. એની એક બાજુએ રંગ પર મનોહર રંગ, એવાં અમર ગુલાબનાં રાજ્યો રમણીયતાથી મુગ્ધ કરતાં હતાં. મર્ત્ય શરીરમાં પુરાયેલા આત્માની ઉપરની દિશે સ્વર્ગીય શાંતિનાં પરચૈતન્યધામો હતાં, નીચે અચિત્ નાં અંધકારગ્રસ્ત વિષાદભર્યાં રાજ્યો હતાં, ને તેમની વચ્ચે ને આપણા જીવનની પૂઠે એ અમર ગુલાબ હતું. પ્રકૃતિના સમર્પાયેલા ઊંડા હૃદયમાંથી આરોહી એ પ્રભુને પદે પ્રફુલ્લતા પામતું હતું. અહીંય માનવ હૃદયમાં એની કળી ફૂટે છે અને પછી કોઈ સ્પર્શે, સાન્નિધ્યે, કે શબ્દે સારું જગત એક મંગલ મંદિર બની જાય છે, ને પછી તો બધું જ પ્રભુના પ્રભુનો આવિષ્કાર કરે છે. આપણાં ગુપ્ત કેન્દ્રો ફૂલની જેમ સ્વર્ગીય વાતાવરણ પ્રતિ ખુલ્લાં થઇ જાય છે અને આદર્શ પ્રેમનો, આદર્શ સુખનો અને આદર્શ સૌન્દર્યનો અનુભવ કરે છે.
અહીં જે કળી રૂપ હતું તે બધું ત્યાં પુષ્પિત ભાવ પામેલું છે. ત્યાં અગ્નિના ધામની રહસ્યમયતાછે, વિચારની દૈવી ભભક છે, સોનેરી મહાસુખ છે, સ્વર્ગીયતાની આનંદમગ્નતા છે. ત્યાં છે અદભુત સ્વરો, સૂર્યોનાં હાસ્ય, પ્રભુના પરમાનંદનાં કલરવ કરતાં વમળ-વ્હેણ, સ્વર્ણશુભ્ર ચંદ્રની દ્રાક્ષાવલ્લી, આપાણ
મર્ત્ય જીવનની જવલ્લે મુલાકાત લેતી ઝલક ને મધુરતા ત્યાં છે, અમર મહામુદાઓ ત્યાં આપણી બને છે. એક જ દાંડી પર ઝૂલતાં કોટિક ક્મલોની માફક ભુવન પર ભુવન ત્યાં અણદીઠી દિવ્યતાના આવિર્ભાવ પ્રત્યે ઊંચે આરોહે છે.
સનાતન સીડીની બીજી બાજુએ છે અમર અગ્નિનાં ઓજસ્વી રાજ્યો. એકવાર આ અગ્નિ પ્રજવલિત થયો તો તે પછી એ કદી બુઝાતો નથી. દિવસ અને રાત્રી આ અગ્નિને નિગૂઢભાવી શાશ્વત જ્યોતિએ લઇ જાય છે. અદૃશ્ય પરમાત્માના સિંહાસન સમીપ એમ એ સપ્રયત્ન પહોંચી જાય છે.
પતિતતા ન પામેલાં પ્રકાશમાન મહાબલો, અજન્મા ને અવિકારી વિશુદ્ધ શુભો, પરમસત્યના મહિમાનાં શિખરો, આ સૌ વિશાળતર વાયુમંડળમાં આપણા આત્માઓને બોલાવે છે. કાળ અને નિર્માણના માર્ગો પાર ઈશ્વરીય મનના આછા નીલમ આકાશમાં થઇ, અનંતના સુવર્ણમય આવિર્ભાવની દિશામાં તેઓ અંગુલિ-નિર્દેશ કરે છે. પણ માનવ બળ માટે આ આરોહ બેહદ મુશ્કેલ છે. માત્ર શાશ્વતની શક્તિ જ એ માટેનું સાહસ આરંભી શકે છે, કેમ કે એ જ આપણા પ્રેયમાત્રનું આવશ્યક બલિદાન આપી શકે છે. માણસનું પોતાનું બળ કેવળ દુર્બળતા છે, અપૂર્ણતાઓ એનો પીછો લીધેલો છે, અંધતા એને જોવા દેતી નથી, કીચડ એને ખૂંપાવે છે, અશુદ્ધિ મોટી બધા બને છે.
આદર્શના ધન્ય ભુવાનોમાં આમાંનું આડે આવતું નથી. ત્યાં સત્ય અને સંકલ્પ, શુભ અને શક્તિ એકબીજાની સાથે એકરૂપતામાં રહેલાં છે. ત્યાં મનુષ્ય દિવ્યતાનો સહભાગી બની જાય છે.
રાજા અશ્વપતિ ઈચ્છાનુસાર આ આદર્શનાં રાજ્યોમાં સંચર્યો, તેમનું સૌન્દર્ય સ્વીકાર્યું, તેમનો મહિમા પોતાનોં બનાવ્યો, પણ ત્યાં થોભ્યો નહિ, એ તો આગળ ચાલ્યો કેમ કે ત્યાં જે જ્યોતિ હતી તે અધૂરી હતી, ત્યાં પ્રત્યેક વિચાર પોતાનું આગવું રાજ્ય રચી એની ઉપર અમલ ચલાવવા માગતો હતો. ત્યાં વિચારોનાં મિલનમંડળોય હતાં, પૂર્ણતાની ચાવી ને સ્વર્ગ માટેનું પારપત્ર પણ હતું. પણ તેમ છતાં ત્યાં સૌ પોતપોતાનું અલગ અસ્તિત્વ રાખવા માંગતા હતા. એકબીજામાં ઓતપ્રોત થવાનું ને પરસ્પર લીન થઇ જવાનું તેઓ પસંદ કરતા નહોતા.સમસ્ત વિશ્વના વિરાટ આત્મામાં પોતાના આત્માને ઢાળવા ને અખિલ એકરૂપ બની જવા કોઈ માગતું નહોતું.
રાજા તો પરમને પામવા માગતો હતો, તેથી તે ત્યાંના નિવાસ માટેનો મળેલો અધિકાર છોડી વધારે દિવ્ય ભુવનોની દિશામાં આગળ વધ્યો. જ્યાં એક સર્વ-સામાન્ય જ્યોતિમાં સઘળી જ્યોતિઓ એકાકાર બની જાય છે, એક આનંદમાં જ્યાં બધા આનંદો અંતર્લીન થઇ જાય છે, એક મહિમામાં જ્યાં સૌ પોતાના મહિમાનાં દર્શન કરે છે, જ્યાં સર્વે ઉચ્ચ અને અભીષ્ટ અને સૌન્દર્યમય શક્તિઓ એકાત્મતા અનુભવે છે ત્યાં જવા એણે પગલાં ભર્યાં. કાળના માર્ગોને વટાવીને એ
ઊર્ધ્વમાં સંચર્યો, મૌનની ને સહસ્રગુણ શબ્દની પાર પહોંચવા એ ઊપડયો, અનશ્વર સત્યનો જ્યાં નિત્ય નિવાસ છે,અભેદ જ્યાં સહજ ધર્મ છે તે સનાતનમાં જવા એ ઊપડયો, જ્યાં જ્યોતિનાં બાળકોનું નિકેતન છે, જ્યાં આત્માની એકતામાં જ સર્વે સહજ ભાવે રહે છે ત્યાં જવાને માટે એણે યાત્રાનો પંથ લીધો.
આદર્શ હરહંમેશ દૂરમાંથી હતો સંકેત આપતો.
સ્પર્શે અદૃષ્ટના જાગી સીમા પ્રાપ્ત વસ્તુઓની વિવર્જતો,
જોશભેર નવું શોધી કાઢનારો, ન થાકતો,
પ્રત્યેક પગલે એક પ્રભાવંતા લોકોને પ્રકટાવતો,
અભિલાષા વિચાર રાખતો હતો.
અજ્ઞાત શિખરો માટે જ્ઞાત શૃંગો તજી જતો,
સાવેગ ઢૂંઢતો 'તો એ એકાકી ને અસાક્ષાત્કૃત સત્યને,
જ્યોતિ એ ઝંખતો 'તો જે મૃત્યુને ને જન્મને જાણતી ન 'તી.
પ્રત્યેક ભૂમિકા આત્માતણા દૂરવર્તી આરોહની હતી
રચેલી હ્યાં હમેશાં લહ્યા જાતા એક અખંડ સ્વર્ગની.
પ્રત્યેક પગલે યાત્રા કેરા અદભુતરૂપ એ
આશ્ચર્યની અને મોટી મુદા કેરી માત્રા અવનવી હતી,
આત્માની જબરી સીડી પર રૂપ લેતું પગથિયું નવું,
રત્નજોતે ઝબૂકતું ડગ મોટું ભરતું 'તું વિશાળ ત્યાં
જાણે કો જલતો જીવ હતો એક સ્ફુરંત ત્યાં
નિજ જવાલા વડે દેતો આધાર અમરાશને,
જાણે પ્રદીપ્ત કો દેવે અર્પ્યો 'તો નિજ આત્મને
કે શાશ્વતતણે ધામે ત્વરાથી અધિરોહિતા
યાત્રીનાં પગલાં કેરો લહે પોતે પદધ્વનિ.
પ્રકાશમાન પ્રત્યેક સીડી કેરા બન્નેય અંત-ભાગમાં
આદર્શ મનનાં સ્વર્ગો નજરે પડતાં હતાં,
સ્વપ્નને સેવતી નીલ ચમકે અવકાશની
જાણે કે ચંદ્રને લગ્ન વિભાસી વ્યોમના પટા.
એક બાજુ રંગ કેડે તરતા રંગ શાં હતાં
ઝગારા મારતાં રાજ્યો મનોહારી રમ્ય પાટલપુષ્પનાં,
જ્યાં વિમુગ્ધ થતો આત્મા મહિમામાં અને આશ્ચર્યભાવમાં,
જ્યાં અંતદર્શને હૈયું પ્રકંપંતું પ્રહર્ષણે,
અને સુન્દરતા-દત્ત જ્યાં આનંદ આપોઆપ થતો હતો.
મર્ત્યતાના ખોળિયામાં પુરાયેલા આત્માની ઊર્ધ્વની દિશે
સ્વર્ગીય શાંતિનાં રાજ્યો અતિચેતનવંત છે,
ને નીચે છે અચિત્ કેરો નિરાનંદ ગર્ત અંધારથી ભર્યો,
આપણી જિંદગી પૂઠે, વચગાળે,
મૃત્યુપાશમુક્ત પાટલપુષ્પ છે.
જીવ જેના શ્વાસ લે છે તે આચ્છાદી હવાની આરપાર એ
વિશ્વ સૌન્દર્ય કેરું ને હર્ષનું છે કલેવર,
અંધ દુઃખિત લોકે ના દીઠેલું, ના અનુમાનેલ જે વળી,
ને જે પ્રકૃતિના ઊંડા સમર્પાયેલ હાર્દથી
આરોહી પ્રભુને પાયે સદા માટે પ્રફુલ્લતું.
જિંદગીના યજ્ઞભાવી રહસ્યોનાં પોષણો પામતું જતું.
માનવી હૃદયોમાં હ્યાં પણ એની જન્મ પામેલ છે કળી;
એટલે સ્પર્શથી એક, એક સાન્નિધ્યથી યા એક બોલથી
પલટાઈ જતું વિશ્વ એક મંદિર-ભૂમિમાં
અને અજ્ઞાત પ્રેમીને પ્રકાશે આણતું બધું.
સ્વર્ગીય હર્ષ ને સૌખ્ય ફાટી ઊઠંત તે સમે
અંત:સ્થ દિવ્ય સત્તાને થાય આધીન જિંદગી
ને સમર્પી દે સહર્ષ નૈવેધે નિજ સર્વને,
ને ચૈત્યાત્મા ઊઘડે છે પરમાનંદની પ્રતિ.
આવે અનુભવે એક મહાસુખ કદીય જે
પૂરેપૂરું પડી બંધ શકે નહીં,
પ્રફુલ્લિત થઇ ઊઠે ઓચિંતાંની
રહસ્યમયતા ગુપ્ત કૃપાતણી
ને સોનેરી બનાવી દે લાલ ઈચ્છા આપણી ધરતીતણી.
આશાઓ આપણી મેલી અને આવેગપૂર્ણ જે
તેમના કર્મકાંડથી
પોતાના મુખને ઢાંકી રાખનારા જે મોટા દેવ, તે બધા
નિજ નામ અને મૃત્યુ વિહીન નિજ શક્તિઓ
પ્રત્યક્ષ પ્રકટાવતા.
ચંડ નિ:સ્પંદતા એક જગાડે છે ઘોરતા જીવકોષને,
ઉગ્રાવેગ જગાડે છે આત્મભાવ ધારી રહેલ પિંડનો,
ને જે માટે આપણાં છે જીવનો સરજાયલાં
તે ચમત્કાર પામે છે સિદ્ધિ અંતે કો અદભુત પ્રકારથી.
જવાલા એક પડે દૃષ્ટે શ્વેત નીરવ ગુંબજે,
પડે દૃષ્ટે મુખો અમર જ્યોતિનાં,
જન્મ-મૃત્યુ ન જાણે તે પડે દૃષ્ટે અંગો ઉજ્જવલતા ભર્યાં,
સૂર્ય કેરાં પનોતાંને પય પાનાર સુસ્તનો,
ને પાંખો કરતી ભીડ સમુત્સાહી મૌનો મધ્ય વિચારનાં
ને આંખો અવલોકંતી અધ્યાત્મ-અવકાશમાં
દૃષ્ટિગોચર થાય છે.
સ્વર્ગીય શક્તિનાં કેન્દ્રો આપણાં આવરાયલાં
પ્રફુલ્લે ફૂલની જેમ સ્વર્ગના વાયુમંડલે;
ઊર્ધ્વના રશ્મિએ રોમહર્ષ લ્હેતું મન સ્તંભિત થાય છે,
અનિત્ય દેહ સુદ્ધાંયે માણવાને ત્યારે સમર્થ થાય છે
આદર્શ પ્રેમ ને દોષ વિનાના સુખશર્મને,
હાસ્ય વિમુકિત પામેલું રૂખડા ને કારમા કાળગ્રાહથી,
અને સૌન્દર્ય ને નૃત્યલય કાળ-હોરાના ચરણોતણો.
આ, ઉચ્ચ ભૂમિકાઓમાં, અમરોની જાતનું જાય છે બની;
અહીં છે જે કળી રૂપે તે ત્યાં પુષ્પિત છે બન્યું.
જ્વાલાના ધામ કેરી છે રહસ્યમયતા તહીં,
દેવોપમ વિચારનો
ને સોનેરી સંમુદાનો ભભૂકો ભાસમાન ત્યાં,
આદર્શમયતા ભાવલીન છે ત્યાં દિવ્ય સંવેદનાતણી;
સ્વરો અદભુત છે ત્યાં ને હાસ્ય ત્યાં સૂર્યદેવનું,
છે નિનાદંત આવર્ત સરિતોમાં પ્રભુ કેરા પ્રહર્ષની,
સ્વર્ણ-સુધાકરી દ્રાક્ષાવલ્લીઓના છે ભેદ ગૂઢ મંડપો,
છાયા ઝબકતી એક જેની ભાગ્યે આવે હ્યાં મર્ત્ય જીવને
તે સૌ આગ્નેય ઉત્સાહ અને માધુર્ય છે તહીં.
જોકે ત્યાં કાળના હર્ષો જોવાને મળતા છતાં
હૈયે દબાયેલો સ્પર્શ અમૃતાત્મા કેરો અનુભવાય ત્યાં
અને સુણાય છે બંસીતણા સૂર અનંતના.
પ્રારંભના પ્રબોધો હ્યાં પૃથ્વી ઉપર હોય છે,
દિવ્ય હવામહીં હોય છે પળો પ્રવિકંપતી,
જમીને ઝંખતી એની કાળ કેરાં થાય સૂર્યમુખી સુમો
માંડતા મીટ પોતાની સ્વર્ણ-શાશ્વતતા પરે :
પરંતુ પરમાનંદો છે ત્યાં નાશ ન પામતા.
એક નાલ પરે કોટિ કમલો ડોલતાં લયે
રંગીન ને મુદામગ્ન એક ભુવનની પછી
બીજું ભુવન આરોહે
દૂરવર્તી કો અદૃષ્ટ પ્રભુ-પ્રાકટ્યની પ્રતિ.
સર્વકાલીન સીડીની બીજી બાજુ પરે હતાં
અમર્ત્ય અચિંનાં રાજ્યો રાજમાન મહૌજસે,
બ્રહ્યનાં પૂર્ણ કૈવલ્યો પામવાની અભીપ્સાને નિષેવતાં.
વિશ્વનાં શોક ને દુઃખ અને અંધારમાંહ્યથી,
દફનાવેલ છે પ્રાણ ને વિચાર જહીં તે ગહનોથકી
એકાકિની ચઢે ઊંચે અગ્નિજવાલા દેવોના ધામની પ્રતિ.
પવિત્ર ગુપ્તતાઓમાં આચ્છાદિત નિસર્ગની
મનની વેદીમાં સર્વકાળ એ પ્રજવળ્યા કરે,
સમર્પાયેલ દેવોના આત્મા એના પુરોહિતો,
ને એની યજ્ઞશાળા છે માનવીની મનુષ્યતા.
એ એક વાર પેટાયા પછી એના પાવકો ઓલવાય ના.
પૃથ્વીના ગૂઢ માર્ગોએ યાત્રા કરંત અગ્નિ એ
મર્ત્ય ગોલાર્ધની મધ્ય થઇ આરોહણો કરે,
દિવા-રાત્રતણી દોડે લાગેલાઓ ઉઠાવી એહને જતા
ને એ પ્રવેશતો અંતે ગૂઢ શાશ્વત જ્યોતિમાં
અને શુભ્રત્વ સાધીને, મહાયાસ કરી કરી,
દેખી શકાય ના એવા રાજ્યસિંહાસને ચઢે.
સોપાનો છે લોક એના એક ઊંચે આરોહનાર શક્તિનાં :
રાક્ષસી રૂપરેખાઓ ને સીમાઓ મહાસુર પ્રમાણની,
ધામો અભ્રષ્ટ ને ભ્રાજમાન ઓજસ્વિતાતણાં,
વિશુદ્ધ વણજન્મેલા અવિકારી શુભના લોક સ્વર્ગના,
તુંગતાઓ ભવ્યભવ્ય સત્ય કેરા જરાથી મુક્ત રશ્મિની
પ્રતીકાત્મક આકાશે હોય તેમ દૃષ્ટિગોચર થાય છે,
આવાહે છે આપણા એ આત્માઓને વિશાળતર વાયુમાં.
શિખરો પર પોતાનાં ઊંચકી એ જાય નિર્નિદ્ર અર્ચિને
નિગૂઢ પારપારે છે તેહનાં સ્વપ્ન સેવતાં,
દૈવના ને કાળ કેરા માર્ગો પાર કરી જતાં,
ઈશ-માનસના આછા નીલમી વ્યોમમાં થઇ
સૂચિસ્વરૂપ શૃંગોથી પોતાનાથી ઊંચે નિર્દેશ એ કરે
આવિષ્કાર પ્રતિ સ્વર્ણવર્ણ કોક અનંતના.
પ્રભુ કેરી પહાડીમાં ગગડાટ પડઘા હોય પડતો
તેવો આશ્ચર્યકારી છે અવિશ્રાંત સાદ પ્રચંડ તેમનો :
પર છે આપણાથી એ ને એ આપણને થવા
પર આપણથી આહવાન આપતાં,
આદેશ આપતાં ઊંચે અવિરામ આરોહ્યે જ જવાતણો.
વસે એ શિખરો દૂર દૂર જયાં ન પહોંચતો
ઉત્કંઠાએ ભર્યો પ્રસર આપણો,
છે એવા તુંગ કે મર્ત્ય બળ ને મર્ત્ય તુંગતા
કામે ત્યાં આવતા નથી,
આત્માનો નગ્ન સંકલ્પ પ્હેલવાની પ્રયત્નથી
ઉગ્ર આનંદને વેગે પરાણે ત્યાં ચઢી શકે.
માગે છે આપણી પાસે કઠોર અસહિષ્ણુ એ
એવા જારી પ્રયાસો કે જેને માટે
મર્ત્ય શક્તિ આપણી અસમર્થ છે,
ને જેને વળગી રે'વા નથી શક્તિ આપણાં હૃદયો મહીં,
કે ટકવી રાખવાને માટે દેહ સમર્થ ના:
બળ શાશ્વતનું એકમાત્ર છે જે આપણામાં રહેલ તે
આ આરોહણના ઘોર સાહસે છે સમર્થ હામ ભીડવા
ને સૌથી પ્રિય છે જે હ્યાં આપણું તે સર્વનું બલિદાન છે
સમર્થ હામ ભીડવા.
આપણું માનુષી જ્ઞાન સૂર્ય-વિશાળ સત્યની
ઝાંખી એક વેદિકાએ જલાયેલી મોંમબત્તી સમાન છે;
માનવીનો સદાચાર આવે ના બંધબેસતું
એવું એક વસ્ત્ર જાડા વણાટનું,
ને કાષ્ટ-પ્રતિમાઓને શુભ કેરી એ વાઘા છે સજાવિયા;
આવેશપૂર્ણ ને અંધું, લોહીલોહાણ કીચે ખરડાયલું,
ઓજ એનું ઠોકરાતું જતું એક અમર્ત્ય શક્તિની ભણી.
આપણા ઉચ્ચમાં ઉચ્ચ બળ પૂઠે પડી એક અપૂર્ણતા;
અંશો ને ઝંખવાયેલાં પ્રતિબિંબો આપણે ભાગ આવતાં.
સુખિયાં ભુવનો છે તે જેમણે પાત આપણો
નથી અનુભવ્યો, અને
જ્યાં સંકલ્પ અને સત્ય એકરૂપ રહેલ છે
ને છે જ્યાં શક્તિની સાથે શુભની એકરૂપતા;
ભૌતિક મન કેરા ના દારિધે છે દરિદ્ર એ,
રાખે છે સાચવી તેઓ પ્રભુનાં શ્વસનોતણી
સ્વાભાવિક બલિષ્ટતા,
સાન્દ્રતાઓ ક્ષિપ્ર એની નરી સહજતા ભરી;
પારદર્શક ને મોટો છે અરીસો પ્રભુનો આત્મરૂપ ત્યાં,
ને મહાસુખની એની સર્વોદાત્ત સત્તા છે સ્વાત્મનિર્ભરા
જ્યાં અમર્ત્ય સ્વભાવોનો પોતાનો ભાગ હોય છે,
વારસો, સહભાગીઓ છે તેઓ દિવ્યતાતણા.
ઈચ્છાનુસાર આદર્શ કેરાં રાજ્યોમહીં થઇ
રાજા સંચરતો હતો,
સૌન્દર્ય અપનાવંતો એમનું ને
મહત્તાયે એમની ધારતો હતો,
આશ્ચર્યમય ક્ષેત્રોના એમના વૈભવોમહીં
ભાગીદાર બની જતો,
છતાં ના તેમની ભવ્ય દીપ્તિઓના પ્રભાવની
નીચે આવી જતો થંભી, કિંતુ આગળ ચલતો.
સૌ ત્યાં સાન્દ્ર પ્રભારૂપ હતું, કિંતુ હતું આંશિકમાત્ર તે.
ફિરસ્તાની પાંખોવાળો ઉન્નત-શિર ભાવ ત્યાં
હતો પ્રત્યેકની મહીં,
એકીકરણ એ સર્વ જ્ઞાનનું કરતો હતો
એક મહાવિચારથી,
સોનેરી એક તાત્પર્ય અર્થે સર્વ કર્મને સમજાવતો,
સઘળી શક્તિઓને એકમાત્ર શક્તિ હેઠળ આણતો
ને એક સર્જતો લોક જેમાં એક એનું જ રાજ્ય ચાલતું,
પૂર્ણ આદર્શને માટે ધામ સંપૂર્ણતાતણું .
નિજ જીત અને શ્રદ્ધા કેરા પ્રતીકરૂપ જે
અનિર્વાણ હતી જવાળા યા પુષ્પ મ્લાન ના થતું,
એ ઉચ્ચ રાજ્યના ખાસ હકના ચિન્હરૂપ, તે
દ્વારે આવેલા યાત્રીને કર્યાં અર્પિત એમણે.
માર્ગનો મહિમાવંતો ફિરસ્તો એક ઓપતો
આત્માની ખોજને એક આદર્શરૂપ ભાવનું
માધુર્ય ને મહા-ઓજ આપતો ઉપહારમાં,
સત્યનો ઉત્સ આત્મીય ને શક્તિ શિખરાયિતા
એ પ્રત્યેક માન્યામાં આવતો હતો,
લેખાતો 'તો હાર્દ વિશ્વતણા તાત્પર્યનું અને
ગણાતો 'તો પૂર્ણતાની ચાવી, પારપત્ર સ્વર્ગતણું વળી.
છતાં હતા પ્રદેશો ત્યાં મળતા જ્યાં ભાવો કેવળરૂપ એ
ને મહાસુખનું ચક્ર રચતા 'તા હાથ શું હાથ મેળવી;
આશ્લેષે જ્યોતિના જ્યોતિ વિરાજતી,
થતો અગ્નિ હતો સંલગ્ન અગ્નિ શું,
કિંતુ એકાત્મમાં વિશ્વ કેરા આત્મા પોતાનો પણ પામવા,
અનેકગુણ લેવાને હર્ષ અનંતતાતણો
અન્યમાં કોઈ ના કાય નિજ લુપ્ત બનાવતો.
રાજા અશ્વપતિ ત્યાંથી
વધારે દિવ્યતા કેરા લોકે આગળ સંચર્યો :
ત્યાં સાધારણ માહાત્મ્યે, પ્રકાશે, પ્રમુદામહીં
હતાં સંયોગ પામેલાં ઉચ્ચ રમ્ય અને કામ્ય બધાં બલો,
નિજ ભૂલ્યાં હતાં ભેદ, રાજ્ય ભૂલ્યાં હતાં પૃથક્,
બન્યાં 'તા બહુસંખ્યાળી એક અખિલતા નરી.
વિખુટા પડતા કાળ-માર્ગોથી પાર ઊર્ધ્વમાં
ને મૌનની તથા તેના સહસ્રગુણ શબ્દની
પાર કેરા પ્રદેશમાં,
અવિકારી અનુલ્લંધ્ય પૂર્ણપાવન સત્યમાં
વિયોજાય નહીં એવી નિત્યની એકતામહીં
શાશ્વતીનાં પ્રભાવંત બાળકોનો નિવાસ છે
જ્યાં બધું છે એક એવા આત્મા કેરા વિશાળા શૃંગની પરે.
બારમો સર્ગ સમાપ્ત
સર્ગ તેરમો
મનોમય આત્મામાં
રાજાની યાત્રા એને એક ઉદાસીન આકાશમાં લાવી. મૌન ત્યાં વિશ્વના સૂરોને કાન દઈ સુણતું હતું, પણ આવતા કોટી કોટી સાદોને કશો ઉત્તર આપતું નહીં, અંતહીન પ્રશ્નને પ્રત્યુત્તર મળતો નહીં. ભુવનોની આરોહતી પરંપરાનો અહીં અંત આવી ગયો. જીવન જેના વિરાટ વિસ્તારોમાં એક ખૂણે પડેલું હતું એવા મનોમય આત્મા સાથે અશ્વપતિ એકલો ઊભો. દ્વન્દ્વોથી પર ને સર્વ પ્રતિ એકસમાન એ આત્મા ક્શાથીય વિચલિત થતો નહીં. એ હતો સર્વના કારણરૂપ અને એકલ સાક્ષી દ્વ્રષ્ટા. પ્રકૃતિની સઘળી ક્રિયાઓ ને પ્રક્રિયાઓને એ તટસ્થતાથી જોતો, એનાં અનંત રૂપોનો સ્વામી અને અનુમંતા હોવા છતાં પોતે કશું જ કરતો નહીં. પ્રભુની અકાળ નિ:શબ્દતામાં દ્રષ્ટા આત્માનો-પુરુષનો પ્રભાવશાળી પ્રકૃતિની સાથે યોગ થતો ને એ બેના સંયોગોમાંથી સારી સૃષ્ટિ સમુદભવતી.
આ મનોમય પુરુષની ભૂમિકામાં અશ્વપતિ સ્થિર થયો. ત્યાની સત્-તા અને ત્યાંનું મૌન તેનાં બન્યાં. અને જીવને શાંતિ મળી, એને વિશ્વસમસ્તનું જ્ઞાન થયું. પણ ગોચર સર્વ વસ્તુઓને સ્પર્શતી એક કિરણાંગુલીએ રાજાના માણસને બતાવ્યું કે એ કશું જ જાણવાને સમર્થ નથી. જેમાંથી સર્વ જ્ઞાન આવે છે ત્યાં તેણે પહોંચવું જોઈએ. મન અને મનનાં કારણો ગમે તેટલાં ઉદાત્ત બને તોપણ તેમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. મનનાં સાધનો કાળની બન્ક પરના બનાવતી ચેક જેવાં છે, સત્યના ખજાનામાં એ મૂલ્ય વિનાનાં છે. મન માત્ર હવાઈ રચનાઓ ઊભી કરે છે, કરોળીયાની જાળ જેવી તર્ક-જાળ બનાવે છે ને ઇન્દ્રિયોપભોગ ક્ષુદ્ર જીવ-જંતુઓને એમાં સપડાવે છે.
આપણું મન ભૂતકાળનાં ભૂતોથી ભૂતિયું બનેલુ ઘર છે. સત્ત્વને ને જીવનને વેડફી મારનાર કાર્યાલય છે, અજ્ઞાનનો રંગમંચ છે. બુદ્ધિ માત્ર બાંધકામ કરે છે ને શબ્દજાળમાં જીવને ઝાલે છે. દ્રષ્ટા અને સ્રષ્ટા મન એક પ્રતિનિધિ છે, પણ આ પ્રતિનિધિ પાસે માત્ર અર્ધદૃષ્ટિ છે. એ છે કે કેવળ એક પ્રતીક, પ્રભુનો જીવંત પિંડ નથી, મનની આંખે મનોમય પુરુષ સુધ્ધાં અજ્ઞેયની આછી છાયાનો આભાસ છે, એની મુક્તિ ને નિશ્ચલ શાંતિ કાળ-સર્જી વસ્તુઓથી નિવૃત્ત થઈને અળગી રહે છે,
એને સનાતનનું આત્મદર્શન નથી, એનામાં ઊંડી શાંતિ છે પણ ત્યાં અનામી શક્તિનો અભાવ છે. પોતાનાં બાળકોને ગોદમાં રાખતી તે સારા જગતને લઈને હૈયે ચાંપતી આપણી મહામાતા ત્યાં નથી. સૃષ્ટિના સ્વભાવના વાણાતાણામાં રહેલું મહાસુખ ત્યાં નથી, નથી ભાવની સઘનતા, નથી ત્યાં પ્રેમનું હૃદય. મનોમન કરતાં મહત્તર આત્માએ આપણી ખોજને ઉત્તર આપવાનો છે.
રાજાએ ઉપર દૃષ્ટિ કરી તો ત્યાં બધું ખાલી ને નિ:સ્પંદ દેખાયું-સુક્ષ્મભાવી વિચારનું માત્ર નીલાકાશ વિચાર ત્યાં અરૂપ આકાશમાં પલાયન કરી જતો. એણે નીચે જોયું તો ત્યાં બધું અંધકારમય અને અવાક્ પડ્યું હતું. આ બન્નેની વચગાળમાં ચિંતનનો ને પ્રાર્થનાનો પોકાર સંભળાતો હતો; સંઘર્ષ અને અશ્રાંત પરિશ્રમ ત્યાં ચાલતો હતો. અજ્ઞાનના કાંઠાઓ વચ્ચે જીવનનો મહાસાગર ઊછળી રહ્યો હતો. સત્ત્વો, શક્તિઓ, આકારો અને વિચારો ત્યાં તરંગાયમાણ થતા હતા. ત્યાં હતાં વિશ્વોને જન્મ આપનાર શૂન્યાકારતા, સર્જક મૃત્યુ, ને નિગૂઢ રિક્તતા. પ્રશ્નનોને જવાબ આપવાનો ત્યાંથી ઇનકાર આવતો હતો. અધ:પ્રદેશે હતું અચિત્ , મૂક ને અનિશ્ચિત પ્રકારનું.
અંધકારનાં ને પ્રકશનાં બે આકાશો આત્માની ગતિ અવરોધતાં હતાં. જીવની ત્યાં જીવનયાત્રા ચાલતી. ત્યાં જીવવા માટે મરવાનું ને મરવા માટે જીવવાનું આવશ્ક હતું. વિચારનાં ચક્કરોમાં બધાં ભમતાં ને પાછાં જ્યાંનાં ત્યાં આવી ઉભાં રહેતા. જીવન ત્યાં બંધનરૂપ હતું, નિર્વાણમાં લીન થઇ જવું એ જ છુટકારો હતો
.
આવ્યું નગ્ન ઉદાસીન એક અંબર આખરે,
મૌન જ્યાં વિશ્વનો નાદ ધ્યાનથી સુણતું હતું
કિંતુ કોટિક સાદોને કશોયે ના ઉત્તર આપતું હતું;
જવાબ મળતો ના કો જીવ કેરા અંતવિહીન પ્રશ્નને.
આવ્યો ઉત્સુક આશાઓતણો અંત ઓચિંતાની સમાપ્તિએ,
વિરામ એક ઊંડેરો પ્રચંડ સ્થિરતામહીં,
પંક્તિ એક 'ઇતિશ્રી' ની છેલ્લે પાને વિચારના,
હાંસિયો ને જગા ખાલી શબ્દવર્જિત શાંતિની.
શ્રેણી ક્રમિક ત્યાં થંભી ચઢતાં ભુવનોતણી.
વિશાળી વક્ર્રેખે ત્યાં ઊભો રાજા ટોચના અવકાશની,
એકલો સુબૃહત્ એક આત્મા સાથે મનોમય
જે પોતાનાં વિરાટોને એક ખૂણે સર્વ જીવન ધારતો.
સર્વસમર્થ, નિશ્ચેષ્ટ, અળગો ને અલાયદો
પોતામાંથી ઉદભવ્યું 'તું જગત્ , તેમાં ભાગ લેતો હતો ન કો:
વિજયસ્તોત્રોત્રગાનોની પ્રત્યે લક્ષ્ય ન આપતો,
પરાજયોતણી પ્રત્યે પોતાના એ ઉદાસીન બન્યો હતો,
સુણતો દુઃખ-પોકારો તો ય ચિહન ન કશું બતલાવતો,
શુભાશુભ પરે એની સમદૃષ્ટિ થતી હતી,
વિનાશ આવતો જોતો પણ પોતે હાલતોચાલાતો નહીં.
નિમિત્ત વસ્તુઓ કેરું સમભાવ, દ્રષ્ટા કેવળ એકલો,
સ્વામી રૂપસમૂહોનો પોતા કેરાં, પોતે પ્રવૃત્ત ના થતો
પરંતુ સૌ વિચારો ને કર્મો કેરો નિર્વાહ કરતો હતો,
સાક્ષી પ્રભુ પ્રકૃતિનાં કોટાનુકોટિ કાર્યનો
એની શક્તિતણી ચાલ-ચેષ્ટાઓને અનુમોદન આપતો.
આ નૈષ્કર્મ્ય મહાકાય રાજાના મનની મહીં
પ્રતિબિંબન પામતું.
આ સાક્ષી ચુપકીદી છે મનીષીનું છૂપું મથક મોખનું :
નીરવ ગહનો મધ્યે છુપાયેલા શબ્દની રચના થતી,
અવાજોએ ભર્યા ચિત્તે ને જગે શ્રમમાં લગ્યા
ગુપ્ત નીરવતાઓથી કર્મનો જન્મ થાય છે;
ચૈત્યાત્માના જન્મ કેરું નિગૂઢ સ્થાન મૌન, તે
ગુપ્તતામાં લપેટેલું રાખે બીજ બોતો જેને સનાતન.
પ્રભુના પરમોદાત્ત સંકેલેલા અકાળ સૂનકારમાં
દૃષ્ટિસંપન્ન આત્માનો ને સમર્થ શક્તિનો યોગ છે થયો;
મૌને સ્વરૂપને જાણ્યું ને વિચાર રૂપબદ્ધ બની ગયો :
શક્તિદ્વયથકી સૃષ્ટિ સ્વયંભૂ છે સમુદભવી.
નિ:સ્પંદ આત્મમાં રાજા નિવાસ કરતો હતો
અને એની મહીં નિ:સ્પંદ આત્મ એ;
એનાં અવાક અસ્માર્ત ઊંડાણો ધ્યાન આપતાં,
એનું વૈશાલ્ય ને સ્પંદહીનતા એ બની એનાં ગયાં હતાં;
એકાત્મભાવમાં એની સાથે આપ વિશાળ ને
શક્તિશાળી અને મુક્ત બની ગયો.
પોતાની કલ્પના કેરાં જેમ કોઈ દૃશ્યોની રચના કરે
અને તલ્લીન ના થાય પોતાનાં દર્શનો મહીં,
પણ પેક્ષકને રૂપે જુએ જાતે કલ્પી કાઢેલ નાટયને
તેમ અશ્વપતિયે પ્રેક્ષતો હતો
જગને ને નિરિક્ષંતો હતો એના પ્રવર્તક વિચારને
જેમની આંખમાં ભાર હતો જ્યોતિર્મયી ભવિષ્યવાણિનો,
પોતાના ચૈત્ય આત્માની મૂકતાથી સમુદભાવ્યાં
વાયુ-વિહિન-પદી તેનાં બળોને અવલોકતો.
બધું સમજતો 'તો એ ને બધું જાણતો હતો
હવે એવું જણાઈ આવતું હતું;
આવતી ન હતી ઈચ્છા, ને સંક્લ્પે આવેગ આવતો ન 'તો,
મોટો ગવેષણાકાર હતો વ્યગ્ર ને બેકાર બન્યો હતો;
કશાની માગણી ન્હોતી, ક્શાનીયે ન આવશ્યકતા હતી.
રહી એ શકતો 'તો ત્યાં આત્મા રૂપે, પ્રાપ્ત મૌન થયું હતું :
એને જીવે હતી શાંતિ, જ્ઞાન એને વૈસ્વ અખિલનું હતું.
પછીથી દૃષ્ટ યા સ્પૃષ્ટ, શ્રુત યા તો સંવેદિત થયેલ સૌ
વસ્તુઓ પર વિધોતી ઓચિંતી આંગળી પડી
ને એના મનને તેણે બતાવ્યું કે ન કશું શક્ય જાણવું;
જ્યાંથી સૌ જ્ઞાન આવે છે તેને એક કરવું પ્રાપ્ત જોઈએ.
આભાસતું બધું તોડોફોડી નાંખ્યું સંદેહાત્મક રશ્મિએ
ને કર્યો ઘા છેક મૂળો પર ચિંતનનાં અને
ઇન્દ્રિયોદભૂત જ્ઞાનનાં.
અજ્ઞાનને જગે તેઓ વૃદ્ધિગત થયેલ છે
પારના સુર્યને માટે અભીપ્સાઓ નિષેધતાં
રમતાં અજવાળે ને વરસાદે વધારે દિવવ્ય વ્યોમના,
તે ગમે તેટલે ઊંચે જાય તો ય કદી ના મેળવી શકે,
યા ગમે તેટલી સૂક્ષ્મ કરે તેઓ ગવેષણા
તો ય પાર પહોંચી શકતાં નથી.
વિચાર- સાધનોને યે શંકા ખાઈ જતી હતી,
પ્રક્ષેપાયો અવિશ્વાસ મનનાં કરણો પરે;
મન જેને ગણે સિક્કો સત્યતાનો પ્રકાશતો
તે સાબિત થયું તથ્થ, તર્ક પાકો, ચોખ્ખું યા અનુમાન કો,
દૃઢ સિદ્ધાંત ને અર્થ ખાતરીબંધ, કાળની
શરાફી બેન્કની પરે,
હતી કપટબાજીઓ, અથવા તો ખજાનામાંહ્ય સત્યના
મૂલ્ય જેવું નથી કાંઈ એવી માલમતા જમા.
અજ્ઞાન એક બેઠેલું હતું બેચેન ગાદીએ,
રાજસત્તા એની આપાતિકા હતી;
સંદેહાત્મક શબ્દોમાં, પ્રકાશંતાં તો ય પર્યાપ્ત જે નથી
એવું જરી-ઝગારાઓ મારનારાં રૂપોમાંહ્ય વિચારનાં
કરતું એ હતું જ્ઞાન-મૂર્ત્તિ કેરી વિડંબના.
અંધારે કરતું કામ, અર્ધ-જોતે અંજાઈ એ જતું હતું,
તૂટેલી આરસીમાંહે પડેલા પ્રતિબિંબને
માત્ર એ જાણતું હતું,
એ જોતું હતું તેહ સાચી વસ્તુ હતી છતાં
દૃષ્ટિ એની ખરી ન 'તી.
એના વિશાળ ભંડારે ભર્યા 'તા ભાવ તે બધા
ક્ષણના વાદળા કેરા જપના ધ્વની શા હતા,
વાદળું જે
ધ્વનિમાં જ થતું પૂરું ને નિશાની એકે મૂકી જતું નહીં.
ગૃહ પ્રલંબતું એક અનિશ્ચિત હવામહીં,
યુક્તિબદ્ધા જાળ ઝીણી જેની આસપાસ એની થતી ગતિ,
વિશ્વવૃક્ષ પરે થોડી વાર માટે રચાયલી,
ને પાછી જેહ સંકેલી લેવાતી નિજની મહીં,
ફંદો માત્ર હતો એ જ્યાં ઝલાતાં જીવજંતુઓ
ભોજય જીવનશક્તિનું,
ક્ષણિક જ્યોતિમાં પાંખો પેલવ પપલાવતાં
વિચારોનાં પતંગિયાં
મરી જાતાં ઝલાતાંમાં એક વાર મનનાં દૃઢ રૂપમાં,
વામણાં લક્ષ્ય નાના જે પરિમાણે માનવી મનના ઘણો
મોટો આભાસ આપતાં,
ટમકારા કલ્પનાના ઝળકંતા જાળિયાળા વણાટના
ને હવે જીવતી ના જે
એવી ધર્મશ્રદ્ધાઓના, જે બાવાંએ લપેટાયલી.
જાદૂઈ ઝૂંપડી ઊભી કરેલી નિશ્ચયોતણી
જેની બનાવટે ઘૂળ ચમકીલી અને ઉજ્જવલ ચંદ્રિકા
સામગ્રીરૂપમાં હતાં,
ને જેમાં પધરાવી 'તી એણે સ્વીય પ્રતિમા સત્યરૂપની,
તે થઇ ભોંયભેગી ને
જે અજ્ઞાનથકી પોતે ઉદભવી 'તી તેમાં પાછી મળી ગઈ.
પ્રતીકાત્મક તથ્યોની ઝીણી માત્ર જોત એક રહી હતી,
આ તથ્યો નિજ આભામાં સંતાયેલા રહસ્યને
પિછોડીમાં છુપાવતાં,
ને તેમના વડે રે'તાં જીવતાં જે જૂઠાણાં તે
પર ચાદર નાખતાં,
ને જ્યાં સુધી ખરી તેઓ પડતાં નહિ કાળથી
ત્યાં સુધી આમ ચાલતું.
હણાયેલા ભૂતકાળતણા ભૂતે ભરાયલું
ઘર છે મન આપણું,
ભાવો જ્યાં રૂપ લે શીઘ્ર સાચવીને રાખેલાં મડદાંતણું,
જીર્ણ ભૂતોતણી ભૂતાવળો જહીં,
ને સ્વાભાવિકતાઓ જ્યાં પ્રભુ કેરી બાંધેલી રૂઢ દોરથી
પેક્બંધ કરી ખાને રખાય છે
સાફ સોજા દફતરે તર્ક-બુદ્ધિના,
દફનાવાય જ્યાં મોટી ગુમાવેલી તકો તે ઘોર રૂપ એ,
જીવ ને જિંદગી કેરો જ્યાં ખોટો ખર્ચ થાય છે
તેવી ઓફિસના સમું,
સ્વર્ગની બક્ષિસો કેરો માનવીએ કર્યો હોય બિગાડ, ને
નિધિ પ્રકૃતિ કેરા જ્યાં વેડફાઈ ગયેલા હોય તે બધું,
રંગમંચ અવિદ્યાના નાટકાર્થે પ્રહાસના.
લાગતું જગ કો લાંબા કલ્પો કેરા નિષ્ફલ્ય-દૃશ્યના સમું :
બધું વંધ્ય બન્યું 'તું ને પાયો એકે સલામત રહ્યો ન 'તો.
આક્ષેપ કરતી જ્યોતિ-અસિનો હુમલો થતાં
આત્મવિશ્વાસ ખોયો 'તો રચનાકાર બુદ્ધિએ
શબ્દની જાળમાં બંદી જીવને જે બનાવતો
તે વિચારતણી સફળ યુક્તિમાં
અને એના વળાંકમાં.
જ્ઞાન સર્વોચ્ચ એનું તે હતું માત્ર અનુમાન પ્રકાશતું
વિશ્વોનું જબરું એનું હતું ઊભું કીધું વિજ્ઞાન જેહ તે
પસાર થઇ જાનારી હતી જ્યોતિ તલો ઉપર સત્ત્વનાં.
ઇન્દ્રિયાલેખિતા રૂપરેખા સિવાયનું કશું
બીજું તહીં હતું નહીં,
સનાતન રહસ્યોનું સ્થાન લેનાર એ હતું,
સત્યતાનું હતું રૂપ લીસોટાએ રચાયલું,
શબ્દરૂપી શિલ્પકારે કરેલી એક યોજના,
સ્થાન ઊંચું રચેલ કો,
લદાયેલું આભાસો પર કાળના.
સચરાચરનો આત્મા શંકાની છાયામાં હતો;
વિશ્વવ્યાપી શૂન્યતાના ખુલ્લા એક તળાવમાં
પ્લવતા પદ્મના પર્ણ સમ પ્રાય: સંસાર લાગતો હતો.
મહાન મન આ દ્રષ્ટા અને સ્રષ્ટા, માત્ર કો અર્ધ-દૃષ્ટિનું
હતું પ્રતિનિધિ બન્યું,
હતું નંખાયલો એક પડદો એ જીવ ને જ્યોતિની વચે,
હતું મૂર્ત્તિ, ન જીવંત શરીર જગદીશનું.
નિ:સ્પંદ આત્મ સુદ્ધાં જે હતો કાર્યો પોતાનાં અવલોકતો
તે ય અજ્ઞેયના ઝાંખા મુખભાગ જેવો કૈં લાગતો હતો;
સાક્ષી આત્મા વિશાળો તે છાય શો લાગતો હતો,
કાળ-નિર્મિ વસ્તુઓથી આત્મા કેરું ખાલી પાછા પડી જવું
એ જ એની હતી મુક્તિ અને એની શાંતિ નિષ્ક્રિયતાભરી,
એ સનાતનતા કેરું આત્મ-દર્શન ના હતું.
હતી ત્યાં ગહના શાંતિ, કિંતુ નામહીન શક્તિ હતી ન ત્યાં :
પોતાને હૃદયે ભેગાં કરે છે જે જીવનો નિજ બળનાં
તે મહાબળ ને મીઠી આપણી મા હતી ન ત્યાં,
અનંતના મહાહર્ષ કેરી અગાધતામહીં
વિશ્વને લઇ જાનારો ન 'તો એનો આશ્લેષ બાહુઓતણો,
સ્વભાવ સૃષ્ટિનો છે જે વૈભવી તે મહાસુખ હતું ન ત્યાં,
યા ન 'તો શુભ્રતાયુક્ત ભાવોદ્રેક પ્રભુની સંમુદાતણો,
પ્રેમ કેરા અમર્યાદ હૈયાની જે મહાજવાળામહીં હસે.
જે મનોમય જે આત્મા તેનાથી કો મહત્તર
આત્માએ આપવાનો છે
રાજા અશ્વપતિ કેરા ચૈત્યાત્માના પ્રશ્નને પ્રતિ-ઉત્તર.
કેમ કે હ્યાં ન'તી એકે પાકી ચાવી ઉકેલની
અને માર્ગ ખાતરીબંધ કો ન 'તો;
ઊંચે આરોહતા અધ્વ અજ્ઞાતે શમતા હતા;
એક દૃષ્ટિ કલાકાર પાર કેરી રચના કરતી હતી
વિપરીત નમૂનાઓ ને સંઘર્ષ કરતા રંગ રૂપમાં;
ખંડિત કરતી અંશ-અનુભૂતિ આખા એક અખંડને.
રાજાએ ઊર્ધ્વની પ્રત્યે કરી દૃષ્ટિ પરંતુ ત્યાં
સર્વ કાંઈ હતું ખાલી અને નિ:સ્પંદતા ભર્યું;
નિરાકાર રિક્તતામાં સૂક્ષ્મભાવી વિચારનું
વ્યોમ નીલમ શું નીલ સરી સટકતું હતું.
નીચે એણે કરી દૃષ્ટિ, કિંતુ સર્વ કાળું ને મૂક ત્યાં હતું.
અવાજ, વચગાળામાં, પડયો કાને પ્રાર્થના ને વિચારનો,
સંઘર્ષનો અને અંત કે વિરામ વિનાના શ્રમકાર્યનો;
વ્યર્થ અજ્ઞાન લિપ્સાએ ઉઠાવ્યો સૂર આપનો.
કોલાહલ અને આંદોલન એક અને પોકાર એક ત્યાં,
ફેણાતો પુંજ ને સંખ્યાતીત ચીત્કાર ઊઠતા,
તે રેલાતા હતા ચાલુ જિંદગીની મહાસાગર-ઊર્મિએ
મર્ત્ય અજ્ઞાનના એક કાંઠાથી અન્ય કાંઠડે.
એના અસ્થિર ને જંગી વક્ષ:સ્થળતણી પરે
સત્ત્વો, બળો અને રૂપો અને ભાવો તરંગ શા
આકાર-અધિકારાર્થે ધક્કાધક્કી માંહોમાંહે કરંત ત્યાં
કાળમાં આવતાં ઊંચે, પડતાં ને પાછા ઉપર આવતાં,
ને નિર્નિદ્ર ક્ષોભ કેરે તળે જે શૂન્યતા હતી
તે હતી મા જન્મદાત્રી મથંતાં ભુવાનોતણી,
ભીમકાય હતું સ્રષ્ટા મૃત્યુ, એક નિગૂઢ રિક્તતા હતી,
ટકાવી રાખતા 'તાં જે અયુકિતક અવાજને,
ઊર્ધ્વના શબ્દને બ્હાર હરહંમેશ રાખતાં,
ગતિહીન અને પ્રશ્નોત્તરીને ઇનકારતી
અવાજો ને પ્રયાત્રાની નીચે આરામમાં પડી
તમોલીન અચિત્ કેરી શબ્દહીન સંદેહાત્મકતા હતી.
અંધકાર અને જ્યોતિતણાં બે વ્યોમ-મંડળો
આત્મ-સંચારની સામે સ્વસીમાઓ વિરોધે મૂકતાં હતાં;
અનંતતા થકી આત્મા કેરી ઢાંકપિછોડીમાં
ચૈત્ય સંચરતો હતો
જીવો કેરા અને અક્લ્પકાલીન ઘટનાવલી
કેરા ભુવનની મહીં,
જ્યાં પડે મરવું સૌ જીવવા ને મરવા જીવવું પડે.
અમર્ત્ય નવતા પામ્યે જનારી મર્ત્યતાથકી,
પોતાનાં કુંડલાકાર કર્મચક્રોમહીં એ અટતો હતો,
કે સ્વ-વિચારનાં ચક્રો ફરતો દોડતો હતો,
છતાં યે મૂળ પોતાના રૂપથી એ વધારે કૈં હતો નહીં
ને આરંભે જાણતો 'તો તેથી જ્યાદા કશુંયે જાણતો નહીં.
'અસ્તિ' કારાવાસ, લોપ છુટકારો બન્યો હતો.
તેરમો સર્ગ સમાપ્ત
સર્ગ ચૌદમો
વિશ્વનો ચૈત્યાત્મા
વસ્તુ નિર્દેશ
અશ્વપતિની ખોજને એક ઢાંક્યો ઉત્તર મળ્યો. મનોમય અવકાશની દૂર ઝગમગતી પૃષ્ઠભોમમાં એક તગમગ કરતું મુખ દેખાયું. રહસ્યતામાં પ્રવેશવા માટેના એક એકાંત દ્વારના જેવું, જગતથી દૂર પ્રભુના ગુહ્યમાં લઇ જતા એક બોગદા જેવું એ જણાતું હતું.
વિશ્વના ગહન આત્મામાંથી આવતા સંદેશ જેવું કંઈક રાજાના મનમાં પ્રવેશ્યું. પોતાના ગુમાવેલા આધ્યાત્મિક ગૃહ પ્રતિ કોઈ જતો હોય તેમ રાજા એક રહસ્યમય અવાજથી દોરાતો દોરાતો આગળ ચાલ્યો.
એક જૂનું ભુલાયેલું માધુર્ય ડુસકાં ખાતું ખાતું આવ્યું. હવામાં ધૂપની સુવાસ તરતી હતી. અદૃશ્ય રહેલો પ્રેમી મનોહર મુખ ધારણ કરી ઓચિંતો આવતો હોય એવું લાગ્યું. એના સ્મિતના સૌન્દર્યથી જગત નવું બની ગયું.
એક અદભુત અશરીરી પ્રદેશમાં રાજા આવ્યો. ત્યાં વિરાજતો હતો અખિલ બ્રહ્યાંડનો નીરવ ચૈત્યાત્મા. એક આત્મા, એક સાન્નિધ્ય, એક શક્તિ, એક એકલ પુરુષ ત્યાં હતો. વ્યક્તિસ્વરૂપ હોવા છતાંય તે સર્વ-સ્વરૂપ હતો. પ્રકૃતિના મધુર તેમ જ ભયંકર ધબકારા એનામાં દિવ્ય બની ગયા હતા. વિશ્વ શિશુને એ પારણે ઝુલાવતો હતો, પોતાના હરખને હાથે દુઃખના આંસુ લૂછંતો હતો, અશુભને શુભમાં ને અસત્યને સુખભર સત્યમાં પલટો પમાડતો હતો. પ્રભુને પ્રકટ કરવાની એનામાં શક્તિ હતી. મર્ત્ય વસ્તુઓમાંના મૃત્યુને રદ કરનારી જવાળા એનામાં હતી.
ચૈત્યાત્માના રાજ્યમાં સર્વે અંતરંગ સંબંધથી સંકલિત થયેલાં હતાં. સમીપતા ને આત્મીયતા ત્યાં સહજ હતી. સ્થળકાળના આંતરાઓનું ત્યાં અસ્તિત્વ નહોતું. ભાવાવેશની ભભક, હૃદયને જોડતો માધુર્યનો અંકોડો, સમારાધને મચેલી ભક્તિનો ઉછાળો, અમર પ્રેમનું વાતાવરણ, સર્વમાં વિધમાન આંતર સુખ, સત્ય, સૌન્દર્ય, શુભ, અને આનંદ ત્યાં એકાકાર બની ગયેલાં હતાં.
સર્વ કંઈ ત્યાં ચૈત્યાત્મક તત્વનું બનેલું હતું. અંત:કરણો સાથે હળી મળી ગયેલાં હતાં. બાહ્ય સાધનની સહાય વિના સૌ એકબીજાને ત્યાં જાણતાં હતાં. આકારથી નહિ, આત્માથી ત્યાં રાજાને બધું વિજ્ઞાત થઇ જતું. ત્યાંના બધા પદાર્થો દેવોના દેહ જેવા હતા. ત્યાંનાં બધાં દૃશ્ય દેવતાઈ હતાં. આત્મા અને જગત્ ત્યાં એકસ્વરૂપ સત્યતા હતાં.
એક વારના દેહધારી જીવો ત્યાં જન્મપૂર્વની નીરવ એકાગ્ર અવસ્થામાં હતાં, અને આધ્યાત્મિક નિદ્રાના ઓરડાઓમાં બેઠેલા હતા. જન્મમરણના બંધનસ્થંભોથી છૂટી, કર્મના ક્ષેત્રમાંથી નીકળી તેઓ વિશ્વના ઊંડા આત્મામાં પાછા આવ્યા હતા. સમાધિલીનતામાં તેઓ જૂના અનુભવોને એકત્ર કરી નવા વ્યક્તિસ્વરૂપની યોજનાના ઘાટ ઘડતા હતા, ને નવા જન્મમાં જીવનના સાહસની વાટ જોતા હતા.
એનો એ જ હોવા છતાં આત્મા નવાં નવાં રૂપોમાં ઓળખાય નહિ એવો બની નવા નવા દેશોનો અધિવાસી બનતો રહેતો. એ પોતાના આત્મસત્યને જીવંત રૂપે ન જુએ અને જીવનમાં આવિર્ભાવ ન કરે, અને કાળના જગતમાં પોતાનું પ્રભુદત્ત કાર્ય પાર ન પાડે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલતો, જીવ જન્મમરણના વારોઓમાંથી પસાર થતો.
આ ચૈત્યાત્માના જગતમાં ભાવી જન્મના કાર્ય માટેની ને તે વખતે જે બનવાનું છે તેની તૈયારી કરવાનો વિશ્રામનો ગાળો મળતો.
આ ચૈત્યપ્રદેશથી પારમાં હતાં આનંદનાં ને શાંતિનાં રાજ્યો, પ્રેમનાં, પ્રકાશનાં ને આશાનાં મૂક જન્મસ્થાનો, સ્વર્ગીય પ્રહર્ષ ને વિશ્રામનાં પારણાંઓ.
વિશ્વના નાદો નિદ્રિત થતાં રાજાને સનાતની ઘડીનું ભાન થયું. ઇન્દ્રિયોના વાઘા વગરના બનેલા એના જ્ઞાને વિચાર કે વાણી વિના એકાત્મભાવથી સઘળું જાણ્યું. એના આત્મા ઉપરના પડદા હઠી ગયા, પરમાત્માની અનંતતામાંથી જીવનની રેખા સરી પડી. આંતર જ્યોતિના માર્ગો ઉપર, અદભુત સાન્નિધ્યોની મધ્યમાં, અનામી દેવોનાં નિરીક્ષતાં નેત્રો નીચે એનો ચૈત્યાત્મા આગળ ચાલ્યો. ફરીથી આરંભાતા અંત પ્રતિ, માનવ તેમ જ દિવ્ય વસ્તુઓના પ્રભવસ્થાન પ્રતિ, મૂક અને શાંતિ નિ:સ્પંદતામાં એક શક્તિસ્વરૂપે અશ્વપતિ આગળ ચાલ્યો.
ત્યાં તેને ' એકમાં-બે' એવા અમર સ્વરૂપનાં દર્શન થયાં, -એક જ આત્મા બે આલિંગિત દેહોમાં સર્જનાનંદમાં લીન એવું એ સ્વરૂપ હતું. એમના પરમાનંદની સમાધિ સંસારને ટકાવી રાખે છે. અને એમની પાછળ પ્રભાતકાલીન સંધ્યામાં અજ્ઞેયમાંથી ઉદભવેલી એક દેવી દૃષ્ટિગોચર થઇ. છદ્મવેશમાં રહી એ ખોજમાં નીકળેલા આત્માની રાહ જુએ છે, અણદીઠ માર્ગો પર યાત્રીને માર્ગદર્શન આપે છે, એકલ એકની સમીપ લઇ જતા માર્ગની રખેવાળી કરે છે. સૂર્યોમાં વ્યાપ્ત થઇ એ સત્તા ચલાવે છે. વિશ્વના દૃશ્યનું પ્રતીક એ વિચારી કાઢે છે. સર્વની ઉપર ને સર્વનો આધાર બનીને એ વિરાજેલી છે. આ વિશ્વ એ સર્વશક્તિમતી દેવીનું
મુખછદ્મ છે, યુગો એનાં પગલાંનાં મંડાણ છે, ઘટનાઓ એના સંકલ્પનાં સંમૂર્ત્ત સ્વરૂપો છે, સમસ્ત સૃષ્ટિ એની અંતવિહિન કલાકૃતિ છે.
અશ્વપતિનો આત્મા આ દેવીના ઓજનું સત્પાત્ર બન્યો. પોતાના સંકલ્પના અગાધ ભાવાવેશથી ભર્યો એ અંજલિબદ્ધ અવસ્થામાં પ્રાર્થનાપરાયણ બની ગયો. દેવીના હસ્તે નિત્યનું આવરણ ખસેડયું ને રાજાને એક અમર પ્રભાનાં દર્શન થયાં. અશ્વપતિએ માના મુખમંડળની રહસ્યમય રૂપરેખા નિહાળી. માની દુરારાધ્ય મહાપ્રભાથી ને પ્રમુદાથી એ પરાભૂત થયો. માના અપરિમેય આત્માના એક પરમાણુ જેવો એ પરમાનંદના પારાવારમાં ઉછાળા લેતો બની ગયો, પરમાત્માની હેમલ મદિરા પી મત્ત બની ગયો, ને ભક્તાત્માના પ્રેમપોકાર સાથે એણે પોતાના અણસીમ મનનું, નીરવ હૃદયનું સમર્પણ કરી દીધું ને માને ચરણે ભાન ભૂલીને સાષ્ટાંગ-પાત કરતો પડયો.
આવ્યો ઉત્તર પ્રચ્છન્ન એની પ્રસ્તુત ખોજનો.
મનોવકાશની દૂર ઝબકારા મારતી પૃષ્ટભૂમિમાં
આભાવંતું મુખ દ્વાર દૃષ્ટ આવ્યું દીપતા દરના સમુ;
એકાન્ત-દ્વારના જેવું લાગતું એ લીન આનંદચિંતને,
છૂપો આશ્રય, ને નાસી જવા કેરો માર્ગ નિગૂઢતામહીં.
અસંતુષ્ટ સપાટીના જગથી દૂર એ હતું,
હૈયે અજ્ઞાતના દોડી જઈને એ પ્રવેશતું,
હતું એ કૂપ યા કોઈ બોગદા શું પ્રભુનાં ગહનોતણા.
અરૂપાશબ્દ આત્માના ઘણાક સ્તરમાં થઇ
અંતિમ ગહને વિશ્વ-હૈયા કેરા પહોંચવા
ગૂઢ ઘરેડ આશાની હોય તેમ નીચે નિમગ્ન એ થયું;
ને એ હૈયા થકી આવ્યો ઊછળીને સાદ નિ:શબ્દતાભર્યો,
હજી અગમ્ય એવા કો મનને અનુરોધતો
ભાવાવેશી કો અદૃષ્ટ ઈચ્છાને અભિવ્યંજતો.
જાણે કે હોય ના સંજ્ઞા કરી બોલાવનાર કો
આંગળી ગુપ્તતા કેરી લંબાવેલી શુદ્ધ સ્ફટિક વાયુમાં,
નિર્દેશ આપતી એને પાસેના કો ગુપ્ત ઊંડાણમાંહ્યથી,
જાણે કે વિશ્વના ઊંડા આત્મામાંથી સંદેશો કોક હોય ના,
ધ્યાનમગ્ન મુદા કેરા પ્યાલામાંથી વહીને બ્હાર આવતા
સંતાતા હર્ષની જાણે હોય ના પૂર્વસૂચના,
તેમ મૂક અને સ્પંદમાન એક મહાનંદ પ્રકાશનો
ને ભાવોત્કટતા સાથે મૃદુતા કો ગુલાબી એક અગ્નિની
મન મધ્યે પ્રવેશ્યાં ત્યાં ચૂપચાપ આવતાં ને ઝભૂકતાં.
ખેંચતો હોય કો જેમ નિજ લુપ્ત આધ્યાત્મિક ગૃહ પ્રતિ
વાટ જોતા વ્હાલ કેરી હવે લ્હેતો સમીપતા,
નિસ્તેજતા ભર્યા કંપમાન સંચાર-માર્ગમાં
પીછો લેતાં અહોરાત્ર થકી એને લઇ હૈયે દબાવતા,
તેમ અશ્વપતિ યાત્રા કરતો 'તો
દોરાયેલા નિગૂઢા એક નાદથી.
મર્મરધ્વનિ એકાકી ને બહુ સ્વરનો બન્યો,
ને વારાફરતી પોતે સર્વસ્વરસ્વરૂપતા
ધારતો 'તો તે છતાંયે એકનો એક એ હતો.
અદૃષ્ટપૂર્વ આનંદે લઇ જાતો સાદ એક છુપાયલો
બોલાવતો ચિર-જ્ઞાત પ્રેમીના કંઠસૂરથી,
યાદ જેને નથી એવા મનને એ નનામો લાગતો હતો,
હૈયું રસળતું 'તું જે તેને પાછું જતો દોરી પ્રહર્ષણે.
સાદ અમર એ બંદી કર્ણને પકડી જતો,
પછી સત્તાશીલ એની
ગૂઢતાને કરી ઓછી જપ જેવો બની જઈ
ચકરાતો ચૈત્યની આસપાસ એ.
અટૂલી બંસરી કેરી ઝંખનાના જેવો એ લાગતો હતો,
ભટકયા કરતો 'તો એ સ્મૃતિ કેરે તટે તટે,
તર્ષતા હર્ષનાં અશ્રુ આંખોમાં ભરતો હતો.
તમરાંનો સાહસી ને તીવ્ર એક્તાનતાએ ભર્યો સ્વર
ચંદ્રહીણી રાત્રિ કેરી ચૂપકીને આંકતો તીક્ષ્ણ સૂરથી,
ને નિગૂઢા નીંદની નાડની પરે
ઉદાત્ત આગ્રહી જાદૂભર્યું વાધ જગાડંતું વગાડતો.
રૂપારણક શું હાસ્ય નૂપુરી ઘૂઘરીતણું
એકાંત ઉરના માર્ગો પર ચાલી રહ્યું હતું :
સદાનું એક નૈર્જન્ય એના નૃત્યે દિલાસો પામતું હતું:
ડુસકાં ભરતું એક આવ્યું જૂનું માધુર્ય વીસરાયલું.
યા કોઈ કોઈ વારે તો શ્રવણે પડતા હતા
લાંબા કો કારવાં કેરી ગતિ સાથે ચાલતા ઘંટડી-રવો,
યા તો સ્તવન કો એક સુવિશાળ અરણ્યનું,
ગંભીર ઘંટના નાદ જાણે હોય થતા કો દેવમંદિરે
એવું યાદ કરાવતું,
યા ગુંજારવ ભૃંગોના મધુમત્ત આનંદોત્સાથી ભર્યા
નિદ્રાઘેને લીન મધ્યાહનકાળના,
યા દૂર પડછંદાતું સ્તોત્ર યાત્રી સમુદ્રનું.
સ્પંદમાન હવા માંહે તરી ઘૂપ રહ્યો હતો,
મુગ્ધ કરંત સૌન્દર્ય ઓચિંતું વદને ધરી
પ્રેમી અદૃશ્યને આવ્યે હોય તેમ,
કંપમાન હતું હૈયે સુખ એક રહસ્યમયતાભર્યું,
હૃષ્ટ નિકટના હસ્ત એના નાસભાગ કરંત પાયને
પકડી શકતા 'તા ને સ્મિત એક કેરી સુન્દરતા વડે
જગ પામી પલટો શકતું હતું.
આવ્યો એક પ્રદેશે એ અશરીરી અને અદભુતતા ભર્યા,
ન 'તું નામ, ન 'તો શબ્દ એવી ભાવતણી ઉત્કટતાતણું
નિવાસ-સ્થાન જ્યાં હતું,
પ્રત્યેક તુંગતાને ત્યાં પ્રતિ-ઉત્તર આપતી
હતી અગાધતા એક એવું એને સંવેદન થતું હતું,
મળ્યો એકાંત ખૂણો જે સૌ વિશ્વોને આશ્લેષી શકતો હતો,
સચેત ગ્રંથિ દિક્ કેરી બનેલું બિંદુ ત્યાં મળ્યું,
કાળને હૃદયે એક ઘડી શાશ્વત ત્યાં મળી.
સારા જગતનો મૌન આત્મા ત્યાં રાજતો હતો :
સત્ , સાન્નિધ્ય અને શક્તિ એક ત્યાં વસ્તી હતી,
એક પુરુષ જે વ્યષ્ટિ અને સમષ્ટિ ઉભે હતો,
ને જે પ્રકૃતિનાં મિષ્ટ ને ભયંકર સ્પંદનો
દિવ્ય વિશુદ્ધ તાલોના રૂપમાં પલટાયલાં
હતાં તેમાં રસથી રમતો હતો.
કરી એ શકતો પ્રેમ પ્રેમના બદલા વિના,
સૌથી ખરાબને ભેટી સૌથી સારામાં એને પલટાવતો,
પૃથ્વી ના કારમા ક્રૌર્યો કેરા ઘાવ રુઝાવતો,
સર્વાનુભવને મોદ-પ્રમોદે પલટાવતો;
જન્મના દુઃખથી પૂર્ણ માર્ગોમાં વચમાં પડી
પારણાને ઝુલાવંતો હતો વૈશ્વિક બાલના
ને નિજાનંદને હસ્તે રુદનો સૌ શમાવતો;
અનિષ્ટ વસ્તુઓને એ
જતો દોરી એમનામાં છે છૂપું તે શુભ પ્રતિ,
આર્ત્ત અસત્યને ધન્ય સુખભાવી સત્યમાં પલટાવતો;
પ્રાદુર્ભાવો દિવ્યતાના કરવામાં શક્તિ એની રહી હતી.
અનંત, સમકાલીન પ્રભુના મન સાથે એ,
પોતામાં ધારતો એક બીજને, એક અચિંતને,
બીજ શાશ્વત જેમાંથી થાય છે નવ-જાત ને
અર્ચિ જેહ મિટાવે છે મૃત્યુ મર્ત્ય વસ્તુઓમાં રહેલને.
સજાતીય થતા ત્યાં સૌ આત્મરૂપ, સમીપના,
હતી વ્યાપેલ સર્વત્ર ઈશની અંતરંગતા,
આડ અનુભવાતી ના, અંતરાય જડ ને જડસો ન 'તો,
છોટું ના પાડતું છેટું, કરતો ના ક્રાળ વિકૃત ત્યાં કશું.
ઊંડાણોમાંહ્ય આત્માના આગ એક ભાવાવેગતણી હતી,
માધુર્યનો સદાસ્થાયી સ્પર્શ એક હૈયાંને જોડતો હતો,
એક આરાધના કેરી એકીભૂત મુદાતણો
હતો સ્પંદ લયે લીન વ્યોમે અમર પ્રેમના.
સુખ અંતરનું એક વસ્તું 'તું સમસ્તમાં,
વિશ્વ સંવાદિતાઓની હતી સંવેદનશીલતા,
સત્ય, સૌન્દર્ય ને શ્રેય ને આનંદ એકરૂપ બન્યાં હતાં,
તેમની શાશ્વતી માપી જાય એવી હતી નહીં
ને હતી એ સુરક્ષિતા.
સાન્ત જીવનનું ઊંડું ઊભરાઇ જતું હાર્દ હતું તહીં;
અરૂપ એક આત્મા ત્યાં રૂપ કેરો ચૈત્ય-આત્મા બન્યો હતો.
ચિત્યરૂપ હતું ત્યાં સૌ, યા બનેલું સાવ ચિત્યાત્મતત્વનું :
આકાશ ચૈત્યનું છાતું હતું ઘેરી ચૈત્યાત્મભૂમિને તહીં.
અધ્યાત્મ ભાનથી જ્ઞાન સર્વનું હ્યાં થતું હતું:
હતો વિચાર ના કિંતુ જ્ઞાન નિકટનું હતું,
પ્રવૃત્ત એક તાદાત્મ્યે ગ્રહાતી વસ્તુઓ બધી,
સહાનુભૂતિ આત્માની હતી અન્ય આત્માઓ શું અને વળી
ચેતનાનો ચેતનાની સાથે સંસ્પર્શ ત્યાં હતો,
આત્માને આત્મ જોતો ત્યાં અંતરમ દૃષ્ટિથી,
હૈયા આગળ હૈયું ત્યાં થતું ખુલ્લું વાણીની ભીત્તિઓ વિના,
એક ઈશ પ્રકાશંતાં રૂપોમાં કોટિકોટિ કૈં
દૃષ્ટિવંતાં મનો કેરી સર્વસંમતતા હતી.
પ્રાણશક્તિ હતી ના ત્યાં કિંતુ ઓજ ભાવોત્સાહ ભર્યું હતું,
હતું એ શ્લક્ષ્ણથી શ્લક્ષ્ણ, અગાધોથી અગાધ એ,
હતું અનુભવાતું એ સૂક્ષ્મ એક અધ્યાત્મ શક્તિરૂપમાં,
ઉત્તરો ચૈત્યને ચૈત્ય દેતો ત્યાંથી સસ્પંદ બ્હાર આવતું,
ગતિ ગૂઢ હતી એની ને પ્રભાવ પ્રગાઢ કૈં,
મુક્ત, સુખી અને સાન્દ્ર ઉપાગમન આત્મનું
થતું આત્માતણી પાસે, ને હતો ના પડદો કે નિરોધ કો,
અને જો હોત ના એ તો
આવ્યાં ન હોત અસ્તિત્વે જિંદગી-પ્રેમ કોઈ દી.
હતો ના દેહ ત્યાં, કેમ કે જરૂર દેહો કેરી હતી નહીં,
સ્વયં ચૈત્યાત્મ પોતાનું હતું અમર રૂપ ત્યાં,
અને અવર ચૈત્યોનો સ્પર્શ તત્કાલ પામતો-
સમીપ, સંમુદાદાયી, ઘન સ્પર્શ સાચો અદભુતતાભર્યો.
નિદ્રામાં જેમ કો ચાલે લસતાં સપનાં મહીં
ને એ, સભાન, જાણે છે સત્ય સ્વપ્નાંતણી રૂપકમાળનું,
તેમ જ્યાં સત્યતા પોતે પોતાની સ્વપ્નરૂપ છે
ત્યાં રાજા વસ્તુઓ કેરા આત્માથી ને તેમના રૂપથી નહીં
તેમને જાણતો હતો :
પ્રેમે એકત્વ પામેલા જેઓ દીર્ધ કાળ સાથે રહેલ હો,
તેમને જેમ હૈયાને હૈયા કેરો પ્રતિ-ઉત્તર આપવા
જરૂર શબ્દ કેરી ને સંજ્ઞાની પડતી નથી,
તેમ તે પંચભૂતોના માળખાથી મુક્ત જેઓ થયા હતા
તે જીવોની સાથે સંયોગ સાધતો
ને બધા વાણીની સંલાપ કરતો હતો.
હતાં અધ્યાત્મ-દૃશ્યો ત્યાં અલૌકિક પ્રકારનાં,
સરોવરો, ઝરાઓ ને ગિરિઓનું મનોહારિત્વ ત્યાં હતું,
હતી પ્રવાહિતા સાથે સ્થિરતા ત્યાં ચૈત્યાત્મ-અવકાશમાં,
મેદાનો ને હતી ખીણો, ને વિસ્તારો ચૈત્યાત્માના પ્રહર્ષના,
આત્માની ફૂલવાડીઓ-એવા બાગ હતાં તહીં,
દિવાસ્વપ્નતણી રંગ-છાંટવાળાં એનાં ધ્યાન હતાં તહીં.
શુદ્ધ અનંતના પ્રાણોચ્છવાસ રૂપ હવા હતી.
સુગંધી અટતી'તી કો રંગઝાંય ભર્યા આછા તુષારમાં,
જાણે કે મધુરાં સર્વે સુમનોની સુવાસ ને
રંગ મિશ્ર થઇ સ્વર્ગ-વાયુ કેરી કરતાં 'તાં વિડંબના.
આંખો નહિ, આત્માનો અનુરાગ જગાડતું
સૌન્દર્ય ત્યાં રહેતું 'તું નિરાંતે નિજ ઘમમાં,
હતું સુંદર ત્યાં સર્વ પોતાના અધિકારથી,
વાઘના વૈભવો કેરી કશી એને જરૂર પડતી નહીં.
દેવોના દેહના જેવી બધી ત્યાં વસ્તુઓ હતી,
ચૈત્યને કરતા વસ્રસજ્જ આત્મ-પ્રતીક શી
કેમ કે જગ ને આત્મા હતાં એક એવી કેવળ સત્યતા.
લીન બે જન્મ મધ્યેની સ્વરહીન સમાધિમાં,
રૂપો પાર્થિવ ધર્યાં 'તાં એકવાર પૃથ્વી ઉપર જેમણે
તે જીવો ત્યાં હતાં બેઠા
પ્રકાશમાન ખંડોમાં આધાત્મિક સુષુપ્તિના.
જન્મ ને મૃત્યુનાં સ્તંભસ્થાન પાર થયાં હતાં,
પ્રતીકાત્મક કર્મોનું ક્ષુદ્ર ક્ષેત્ર થયું 'તું પાર તેમનું,
થયાં 'તાં પાર સ્વર્ગો ને નરકો યે તેમના દીર્ધ માર્ગનાં;
વિશ્વના ગહનાત્મામાં તેઓ પાછા ફર્યા હતા.
ગર્ભ-સભર આરમે હવે સર્વ સંગૃહીત થયું હતું :
પરિવર્તન નિદ્રાનું હતાં પામ્યાં વ્યક્તિ-પ્રકૃતિ બેઉ યે.
સમાધિસ્થ અવસ્થામાં તે પોતાનાં સ્વરૂપો ભૂતકાળનાં
એકત્ર કરતા હતા,
પૃષ્ઠસ્થ સ્મૃતિની એક પૂર્વદર્શી ચિંતનમગ્નતામહીં,
-આગાહી આપતી 'તી જે નવા વ્યક્તિસ્વરૂપની,-
આગામી ભાવિના માર્ગ કેરા તેઓ નકશા દોરતા હતા :
હતા વારસદારો તે પોતાના ભૂતકાળના,
પોતાના ભાવિની શોધ માટે નીકળનાર ને
પોતે પસંદ કીધેલા ભાગ્યના મતદાર એ,
વાટ જોતા હતા તેઓ સાહસાર્થે નવીન જિંદગીતણા.
દુનિયાઓ ડૂલ થાય ત્યારે યે જે રહે પુરુષ અસ્તિત્વમાં,
હમેશાં એકનો એક છતાં રૂપોમહીં ઘણાં
ઓળખાયો જતો ના જે મન દ્વારા બહારના,
અજાણ્યા મુલકોમાં જે અજાણ્યાં નામ ધારતો,
પૃથ્વીના જીર્ણ પાને એ આંકે છે કાળને ક્રમે
પોતાના ગુપ્ત આત્માનું સ્વરૂપ વૃદ્ધિ પામતું,
ને આત્મા જાણતો 'તો જે, તેને શીખી લેતો અનુભવે કરી,
ને શીખ્યા કરતો આમ
જ્યાં સુધી સત્ય પોતાનું જીવમાન જોઈ એ શકતો નહીં
ને પ્રત્યક્ષ પ્રભુને કરી શકે.
એક વાર ફરી ભેટો તેમને કરવો પડે
જન્મ કેરા સમસ્યારૂપ ખેલનો,
ચૈત્યાત્માના હર્ષના ને શોક કેરા પ્રયોગનો,
અંધ કાર્ય ઉજાળંતા વિચારનો
અને આવેગનો ભેટો કરવો પડતો ફરી,
આંતર ગતિઓમાં ને બાહ્ય દૃશ્યોમહીં થઇ
વસ્તુઓનાં રૂપ પાર આત્મ પ્રત્યે યાત્રાઓ કરતા રહી
માર્ગોએ ઘટનાઓના સાહસો કરવાં પડે.
સૃષ્ટિના કેન્દ્રમાં આવ્યો હતો અશ્વપતિ હવે.
અવસ્થાથી અવસ્થામાં જીવ ભટકતો રહી
નિજારંભતણા સ્થાન કેરી પ્રાપ્ત કરે નીરવતા અહીં
વિશ્વના ચૈત્ય આત્માના રૂપવર્જિત ઓજસે,
નિશ્ચલ સ્થિરતામાં ને ચિંતનાએ ભર્યા ઉત્કટ ભાવમાં.
સર્જાયું હોય છે જે સૌ ને ફરીથી હોય છે અન્યથા થયું
તેને એકત્મની દૃષ્ટિ શાંત ને આગ્રહે ભરી
અનિવાર્યપણે પાછું રચે છે ને એ નવેસર જીવતું :
થોડા વખતને માટે શક્તિઓ, જીવનો અને
સત્ત્વો ને ભાવનાઓ સૌ લેવાયે છે પાછાં નિ:સ્પંદતામહીં;
ત્યાં પોતાના હેતુને ને વૃત્તિઓના પ્રવાહને
તેઓ ઢાળે ફરીથી નવ રૂપમાં,
નવે ઢાળે ઢાળીને સ્વ સ્વભાવને
નવે ઘાટે ઘડે છે એહને ફરી.
હમેશાં બદલાયે એ અને વૃદ્ધિ પામે છે બદલાઈને,
ને પસાર કરી તેઓ સફળ સ્થિતિ મૃત્યુની
ને પુનર્ઘટનાકારી લાંબી નીંદરની પછી
વૈશ્વિક કાળમાં કાર્ય તેમનું ના પૂર્ણ થાય તહીં સુધી
દેવો કેરી પ્રક્રિયામાં લે સંભાળી પોતાના સ્સ્થાનને ફરી.
જગતોનો હતો નિર્માણ-ખંડ હ્યાં.
કર્મ ને કર્મની વચ્ચે ગાળો એક રહ્યો હતો,
સ્વપ્ન ને સ્વપ્નની વચ્ચે, સ્વપ્નની ને જાગતા સ્વપ્નની વચે
હ્તો વિરોધ દેતો જે નથી શક્તિ કરવા ને થવાતણી.
વિરાજતા હતા પાર પ્રદેશો સુખશાંતિના
પ્રભા, આશા અને પ્રેમ કેરાં જન્મસ્થાનો નીરવતા ભર્યાં,
સ્વર્ગીય સંમુદા કેરાં ને વિશ્રાંતિતણાં એ પારણાં હતાં.
સૃષ્ટિ કેરા અવાજોના ગાઢ ધારણની મહીં
શાશ્વત પળનું ભાન જાગ્યું અશ્વપતિ મહીં;
એના જ્ઞાનથકી વાઘા સરી ઇન્દ્રિયના પડયા,
વિના વિચાર કે શબ્દ જાણતું એ થયું એકાત્મતાવડે,
નિજ આવરણોમાંથી મુક્ત એનો આત્મા જોતો સ્વરૂપને,
સરી જીવનની રેખા પડી આત્મ કેરી અનંતતાથકી.
શુદ્ધ અંત:સ્થ જ્યોતિના
માર્ગે માર્ગે મહાભવ્ય સાન્નિધ્યો મધ્ય એકલો
અનામી દેવતાઓની નિરીક્ષંતાં નેત્રની દૃષ્ટિની તળે
આત્મા એનો ચલ્યો આગે એક એવા સચેત શક્તિરૂપમાં
હરહંમેશ આરંભ પામતા અંતની પ્રતિ,
મૂકભાવી અને શાંત નિ:સ્પંદ સ્થિતિમાં થઇ,
માનુષી ને દિવ્ય સર્વે વસ્તુઓના ઉદભવસ્થાનની કને.
સ્વ ઓજસ્વી એકતાની અવસ્થામાં અવસ્થિતા
મૃત્યુમુક્ત એક-સ્વરૂપમાં-બેનાં
એને દર્શન ત્યાં થયાં,
એક્સ્વરૂપ આત્મા બે સમાશ્લિષ્ટ શરીરમાં,
બે સમાયુક્ત આત્માઓ એક્સત્તા ચલાવતા,
ઊંડા સર્જક આનંદે આસીન આત્મલીન ત્યાં,
જંગમ જગને ટેકો આપતો 'તો આનંદલય એમનો.
એમના પૃષ્ઠભાગે ત્યાં પ્રાત:સંધ્યા કેરા આછા ઉજાશમાં
હતી એક ઉપસ્થિતા
અજ્ઞાતમાંહ્યથી જેણે પ્રકટાવી આણ્યાં 'તાં એમને અહીં.
શોધતા જીવની જુએ છે એ હમેશાં છદ્મમાં રહી;
અપ્રાપ્ય શ્રેષ્ટ શૃંગોની ચોકિયાત બનેલ એ
યાત્રીને જાય છે દોરી અણદૃષ્ટ પથો પરે,
એક-કેવલની પાસે જતો માર્ગ કઠોર જે
તેની રક્ષા કરંત એ.
આરંભે દૂર પ્હોંચેલી પ્રત્યેક ભૂમિકાતણા
નિજ શક્તિવડે વ્યાપ્ત કરીને સૂર્ય વિશ્વના,
કરે એ રાજય પ્રેરંતી કાર્ય બહુલ એહનાં,
વિચારી કાઢતી એના દૃશ્ય કેરા પ્રતીકને.
એમને સહુને માથે છે ખડી એ સૌને આધાર આપતી,
સર્વ સમર્થ ને એકમાત્ર દેવી સર્વદા અવગુંઠિતા,
ને એનું ન કળ્યું જાતું મુખાવરણ છે જગત્;
યુગો છે પગલાં એનાં પદસંચારકાળનાં,
બનાવો તેમના એના વિચારોનું સ્વરૂપ છે,
ને સારી સૃષ્ટિ છે એનું કાર્ય અંત ન પામતું.
આત્મા એનો બનાવાયો હતો પાત્ર દેવીનો નિજ શક્તિનું;
અગાધ નિજ સંકલ્પ કેરા ભાવોદ્રેકમાં મૂકતા ધરી
અંજલિ પ્રાર્થના કેરી નિજ એણે પ્રસારી દેવતા પ્રતિ.
હૈયું રાજાતણું પામ્યું સર્વથી શ્રેષ્ઠ ઉત્તર.
ફેંકી જગત દેવાયાં હોય તેમ થયો સંકેત એક, ને
દેવીનાં દીપ્ત વસ્ત્રોની રહસ્યમયતા થકી
હાથ એક થયો ઊંચો અને એણે અડધો અળગો કર્યો
પટ શાશ્વત કાળનો.
પ્રકાશ એક દેખાયો સ્પંદહીન અનશ્વર.
સમસ્યા શી હતી આંખો દેવી કેરી હરતી મુગ્ધ ચિત્તને,
વિશાળાં ને વિભાસ્વંત ઊંડાણો એમનાં હતાં,
તે એક મુખની ગૂઢ રેખા પ્રત્યે એને આકર્ષતાં હતાં.
દુરારાધ્ય પ્રભાથી ને સંમુદાથી એની આભો બનેલ એ,
એના અસીમ આત્માનો અણુ પોતે,
મધુ ને વિધુતે તે એની શક્તિ કેરી પરાધીન બની જઈ
પરમાનંદના એના મહાસિંધુતટો પ્રતિ
ઉછાળાઈ રહ્યો હતો,
સુવર્ણ મદિરા ઘેરી પીને મત્તપ્રમત્ત એ,
નિ:સ્પંદતા નિજાત્માની વિદારાતાં ભક્તિ ને આસ્પુહાતણો
પોકાર એક પાડતો,
શરણાગતિમાં એનું મન નિ:સીમ અર્પતો,
નિજ નીરવ હૈયાનું સમર્પણ કરી દઈ
સાષ્ટાંગપાતમાં ભાન ભૂલી એને ચરણે એ ઢળી પડયો.
ચૌદમો સર્ગ સમાપ્ત
સર્ગ પંદરમો
વિશાળતર જ્ઞાનનાં રાજયો
અકાળ ઊંડાણોમાં ડુબેલો અશ્વપતિનો આત્મા ફરીથી બહારના સ્તરોમાં પાછો આવ્યો. એકવારનું અનુભવેલું બધું સુદૂરનું બની ગયું. સાક્ષી પુરુષની ને એના જગતની ઊર્ધ્વમાં એ અસીમ નીરવતામાં આવી ઊભો ને ભુવનો જેણે રચ્ચાં છે તે શબ્દની રહા જોવા લાગ્યો. વિસ્તરેલી કેવળ જ્યોતિ એની આસપાસ હતી. નિશ્ચલ ને નિરાકાર, નિ:શબ્દ ને નિ:સંજ્ઞ નિર્બાધ ને નિત્યાનંદમાં લીન એક ચેતના એની આસપાસ હતી. ત્યાં આવતો વિચારની પારનો વિચાર, કાન ન સંભાળે એવો નીરવ સ્વર સંભળાતો; જ્ઞાતા જ્યાં જ્ઞાત સ્વરૂપ બની જાય છે એવું ત્યાં જ્ઞાન હતું, પ્રિયા ને પ્રિયતમ જ્યાં એકરૂપ હોય છે એવો ત્યાં પ્રેમ હતો. અનંત પ્રતિના સાંતના સમર્પણનો ત્યાં અંત આવતો.
અશ્વપતિએ અજ્ઞેયના દરવાજા ઠોક્યા. ત્યાં જે અંતર્મુખી ને બહિર્મુખી દૃષ્ટિ પ્રાપ્ત થઇ તેનાં વડે એણે પરમાત્માના મહિમાના પ્રદેશો દીઠા. ત્યાં પ્રકાશમાન એક આત્માની દીપ્તિમંતી બહુરૂપતનાં દર્શન થયાં. હર્ષ હર્ષને ને પ્રેમ પ્રેમને ત્યાં પ્રત્યુત્તર આપતો હતો. બધા જ ત્યાં પરમાનંદનાં હાલતાં ચાલતાં ધામો હતાં, શાશ્વત ને અનન્ય એવા એકસ્વરૂપમાં રહેતા હતા. પ્રભુના સત્યનાં ત્યાં પ્રસ્ફોટનો થતાં. ત્યાંની વસ્તુઓ એ સત્યની વિશુદ્ધ અધ્યાત્મ-આકૃતિઓ હતી. ત્યાં વિશ્વથી ઊર્ધ્વમાં આવેલી શક્તિઓ જોવામાં આવી. વિશ્વમાં થતાં સર્વ પરિવર્તનોનું મૂળ ત્યાં હતું. ત્યાં અવસ્થિત થતાં રાજા આધ સ્રષ્ટાઓનો ને દ્રષ્ટાઓનો સમોવડો બની ગયો. ત્રિકાળ ત્યાં બાધક ભેદ ઊભો કરતો નહિ, એક જ દૃષ્ટિમાં તે ત્યાં સમાઈ જતો. ત્યાં સૌન્દર્યે સમુખનાં દર્શન દીધાં, સામાન્ય વસ્તુઓની ચમત્કારક્તાની પોથીની ચાવી ત્યાંથી મળી. મૌન જ્યાં ઘૂમરાતાં વિશ્વોના લયપ્રવાહી છંદને ધ્યાનથી સુણે છે ત્યાં તેણે ત્રિવિધ અગ્નિનાં સત્રો સેવ્યાં. સત્યતાનો અણબોલાયેલો સ્વર ત્યાં સંભળાયો. અમોધ શબ્દનું ત્યાં જન્મસ્થાન જોવામાં આવ્યું. અંત:સ્ફુરિત જ્ઞાનના
આદિત્યનાં કિરણોમાં એ વસ્યો, વિશ્વસ્વપ્નની સોનેરી કિનારે આરોહ્યો, અવિકારી સત્યને પટે પહોંચ્યો. અવર્ણનીય પ્રકાશની સીમાઓનો એણે સમાગમ સાધ્યો, અનિર્વચનીયના સાન્નિધ્યે એને રોમાંચિત બનાવ્યો.
એ ઊભો 'તો ઉપરની દિશે જાજવલ્યમાન કોટિઓની પરંપરા હતી. સૃષ્ટિને સેવતી પાંખો, સૂર્યનયન સંરક્ષકો, સુવર્ણ નારસિંહી મૂર્ત્તિ, અનશ્વર ઈશ્વરો ને નીરવ બેઠેલી સર્વજ્ઞતા ત્યાં દૃષ્ટિગોચર થયાં. જે જાણી શકાય એવું હતું તે સર્વને શિખરે એ પહોંચ્યો હતો. એની દૃષ્ટિ સૃષ્ટિના શિખરની તેમ જ પાયાના આધારની પાર પહોંચતી હતી. અંતિમ ગુહ્ય સિવાયનું બધું જ એનું ક્ષેત્ર બની ગયું હતું. અજ્ઞેયે પોતાની કિનારી લગભગ પ્રગટ કરી હતી.
શાશ્વતીઓ શાશ્વતીઓને સાદ કરતી હતી ને તેનીય પાર સંદેશા નીરવ પાઠવતી. ઊર્ધ્વથીય ઊર્ધ્વે અને નિમ્નથીય નિમ્ને કોટાનુકોટી શક્તિઓ મળતી ને એકમાં એકરૂપ બની જતી. એ સર્વેએ જીવનની સંવાદિતા સર્જી હતી ને તેમણે સારા અસ્તિત્વની ઉપર સત્તા સ્થાપી હતી. રાજા નિત્યપ્રબુદ્ધ જ્યોતિમાં નિવાસ કરતો હતો.
અસત્ય જ્યાં કદી જઈ શકતું નહોતું તેવો એ પ્રદેશ હતો. ત્યાં સર્વ પૃથક્ હોવા છતાંય એક હતા. અવ્યક્તસ્વરૂપનાં મહાસાગરમાં વ્યક્તપુરુષ ત્યાં વિશ્વાત્મામાં સ્થિર રહી ગતિ કરતો. એનાં કાર્યો પ્રભુની પારાવાર શાંતિનાં સાથીદાર હતા. દેહ ત્યાં દેહીને સોંપાયેલો હતો. ત્યાં દૂરનું ને નજીકનું આત્માવકાશમાં એકરૂપ હતું. ક્ષણોના ગર્ભમાં સમસ્ત કાળ રહેલો હતો. એકાત્મકતામાંથી પ્રક્ષિપ્ત જવાલા જેવી ત્યાં દૃષ્ટિ હતી. જીવન ત્યાં આત્માની અદભુત યાત્રા હતું, ને ભાવ વિશ્વવ્યાપી આનંદની લહરીરૂપ હતો.
બ્રહ્મની શક્તિના ને જ્યોતિના રાજ્યમાં રાજા અનંતતાના ગર્ભમાંથી આવ્યો હોય એવો નવજાત બની ગયો ને અકાલ બાલના જ્ઞાનની વૃદ્ધિ પામ્યો. સર્વની અંદર એ વિચારતો, ભાવાનુભવ કરતો. એની દૃષ્ટિમાં પ્રભાવ હતો. અપ્રકાશ્યની સાથે એનું આત્માનું સંધાન હતું, મોટાં મોટાં ચૈતન્યવંતાં સત્ત્વો સાથે એનું સખ્ય હતું, અદભુતાકર સત્તાઓ એની સમીપ આવતી, જીવનના પડદા પાછળના દેવો એની સાથે વાર્તાલાપ કરતા. આદ્ય શક્તિએ એને પોતાની ગોદમાં લઇ લીધો હતો. એના મસ્તિષ્કની આસપાસ પરાસ્ત કરી નાખતો પ્રકાશ ફરી વળ્યો હતો. સર્વને આશ્લેષમાં લેતા જ્ઞાને એના હૃદયને બંદીવાન બનાવી દીધું. અધિમનસનાં રહસ્યોનું એણે નિરીક્ષન કર્યું, પરમાત્માનો પરમાનંદ પોતામાં પધરાવ્યો. સૂર્યના સામ્રાજ્યની સીમાઓ પર એ સંચરતો હતો, અલૌકિક સંવાદિતાઓ સાથે એનો લયમેળ હતો, સૃષ્ટિને શાશ્વત સાથ એ સંયોજતો હતો. રાજાના અંતવંત અંશો એમની પરાકાષ્ટાઓ પર્યંત પહોંચ્યા હતા. એનાં કાર્યોમાં દેવોની પ્રવૃતિઓ ઢળાઈ ગઈ, એનાં સંકલ્પે વિશ્વશક્તિનો દોર હાથમાં લીધો.
ચૈત્યાત્માની અપ્રમેય એક ક્ષણતણી પછી
હતો જ્યાં ઉતાર્યો પોતે તે અકાળ અગાધોમાંહ્યથી પુન:
આ સપાટીતણાં ક્ષેતત્રો પ્રતિ પાછો ફરેલ એ
સુણતો કાળનાં ધીરાં પગલાંનો એક વાર ફરી ધ્વનિ.
જે એક વાર જોવાયું ને જીવાયું તે સુદૂર હતું હવે;
પોતે જ એક પોતાને માટે એકમાત્ર દૃશ્ય બન્યો હતો.
સાક્ષી પુરુષ ને તેનાં વિશ્વથી ઊર્ધ્વની મહીં
ઊભો એક પ્રદેશે એ હતાં મૌનો અસીમ જ્યાં,
વાટ જોતો શબ્દની જે બોલતો ને વિશ્વોને રચતો હતો.
વિશાળ કેવલા એક જ્યોતિ એની આસપાસ હતી તહીં,
હતી હીરાકના જેવી શુદ્ધિ શાશ્વત દૃષ્ટિની;
રૂપોથી રિક્ત પોઢી 'તી ચેતના એક નિશ્ચલા,
હતી જે મુક્ત નિ:શબ્દ, બાધા જેને લિંગ-નિયમની ન 'તી,
સદા સંતુષ્ટ જે રે'તી અસ્તિમાત્રને ને માત્ર સંમુદાથકી;
એક એવા આત્મ કેરી ખાલી અનંત ભૂમિએ
અસ્તિત્વમાત્ર પોતાની શાંતિમાં વસ્તું હતું.
મનના ક્ષેત્રમાંથી એ નીકળીને આરોહ્યો ઊર્ધ્વમાં હતો,
રાજ્ય પ્રકૃતિની રંગ-છાયાઓનું હતું પરિત્યજયું;
વસ્યો 'તો એ નિજાત્માની વર્ણહીન વિશુદ્ધિમાં.
અનિર્ધારિત આત્માની હતી એ એક ભૂમિકા
જે બની શકતી શૂન્ય, યા પૂર્ણાંક સરવાળો સમસ્તનો,
અવસ્થા એક જેમાં સૌ શમતું ને શરૂ થતું.
કેવલરૂપનાં રૂપો ક્લ્પતું જે તે બધું એ બની જતી,
વિલોકી શકતો આત્મા વિશ્વોને સ્થિત જ્યાં રહી
તે તુંગતુંગ ને મોટું શૃંગ વિરાટ એ હતી,
પ્રશાંતિનો હતી પ્રાદુર્ભાવ, મૂક ધામ એ જ્ઞાનનું હતી,
હતી સર્વજ્ઞતા કેરું એ અવસ્થાન એકલું,
સનાતનતણી શક્તિ માટે નીચે
કૂદવાને રાખેલું પાટિયું હતી,
આનંદમયને ધામે તલભોમ હતી શુચિ.
વિચાર પાર પ્હોંચે છે તે વિચાર અહીંયાં આવતો હતો,
શ્રવણો આપણા જેને સાંભળી શકતા નથી
તે અવાજ અહીં નીરવ હોય છે,
હોય છે જ્ઞાન જેનાથી જ્ઞાતા જ્ઞાતસ્વરૂપ જાય છે બની,
અહીં છે પ્રેમ જેનામાં
પ્રેમી પ્રેમપાત્ર સાથે એકરૂપ બની જતો.
અવસ્થિત હતા સર્વ મૂળની પૂર્ણતામહીં,
નિજ વૈશ્વિક કર્મોના દીપ્તિમંત સ્વપ્નને સરજી શકે
તે પૂર્વ ચુપકીદીમાં ને કૃતાર્થા પૂર્ણતાની મહીં હતા;
અધ્યાત્મ-જન્મનો જન્મ આ ઠેકાણે થતો હતો,
અનંત પ્રતિના સાંત કેરા સર્પણનું અહીં
સમાપન થતું હતું.
હજારો માર્ગ કૂદીને શાશ્વતીમાં જતા હતા
યા તો પ્રાકટય પામેલા
પ્રભુના મુખની ભેટે ગાતા દોડભેર જતા હતા.
જ્ઞાતે મુક્ત કર્યો એને સીમાબદ્ધ કરતી શૃંખલાથકી,
બારણાંનો જઈ ઠોક્યાં એણે અજ્ઞેયરૂપનાં.
પછી ત્યાંથી
નિજ શુદ્ધ વિરાટોમાં આત્મા કેરી જે અંતર્દૃષ્ટિ હોય છે
તેની સાથે તદાકાર બહિર્દૃષ્ટિ બનાવીને અમાપિતા
આત્મા કેરા પ્રદેશોનો જોયો એણે મહાવૈભવ દીપતો,
એનાં અસીમ કાર્યોનો મહિમા ને અજાયબી,
શક્તિ જોઈ અને ભાવોદ્રેકે એની શાંતિમાંથી છલંગતો,
જોયો પ્રહર્ષ જે એની ગતિમાં છે ને છે એનાં વિરામમાં,
પારી જિંદગી કેરી દીપ્ત-મીઠી જોઈ એણે ચમત્કૃતિ,
એક એનો એ જ સર્વમય અદભુત રૂપ જે
તેના દર્શનની એની અવિભક્ત જોઈ પકડ, જે હતી
કોટી નિર્દેશથી ભરી,
એનાં ખૂટે નહીં એવાં કર્મ જોયાં કાલરહિત કાલમાં,
જોયું આકાશ જે પોતે છે પોતાની અનંતતા.
ગુણકાંક મહાભવ્ય એક ભાસ્વંત આત્મનો,
હર્ષ દ્વારા હર્ષને પ્રેમ દ્વારા દેતો ઉત્તર પ્રેમને,
હતા જંગમ આવાસો સઘળા ત્યાં પ્રભુની સંમુદાતણા;
એક્સ્વરૂપમાં તેઓ રહેતા 'તા અદ્વિતીય સનાતન.
પ્રભુના સત્યના મોટા પ્રસ્ફોટો છે બલો તહીં,
ને પદાર્થ છે વિશુદ્ધ એનાં અધ્યાત્મ રૂપ ત્યાં;
આત્મા નથી છુપાઈ ત્યાં રહેતો નિજ દૃષ્ટિથી,
છે સચેતનતા સર્વ સુખો કેરો સમુદ્ર ત્યાં,
ને સારી સૃષ્ટિ છે એક ક્રિયા જ્યોતિતણી તહીં.
નિજાત્માના ઉદાસીન મૌનમાંથી
ઓજ ને શાંતિનાં એનાં ક્ષેત્રો તરફ વળ્યો,
ને જોઈ શક્તિઓ ત્યાં જે વિશ્વ માથે ખડી હતી,
કર્યા પસાર વિસ્તારો રાજ્ય કેરા પ્રમોદાત્ત ભાવના,
ને સૃષ્ટ વસ્તુઓ કેરા શૃંગોને ચહ્યું,
સર્વસમર્થ ઉત્પતિસ્થાન વિશ્વ-વિવર્તનું.
જહીં અંતરના ભવ્ય ભાવ મધ્યે છે વિચાર ગ્રહાયલો.
શાંતિના સિંધુની પાર તરી જ્યાં લાગણી જતી,
અને દર્શન આરોહે કાળની પ્હોંચ પાર જ્યાં
ત્યાં પોતાનાં ગૂઢ શૃંગો પ્રતિ જ્ઞાને એને આહવાન આપિયું.
આદિ સર્જક દ્રષ્ટાઓતણો એહ સમોવડો,
સર્વને પ્રકટાવંતી જ્યોતિના સહચારમાં
સંચર્યો એ પ્રદેશોમાં થઇ પાર પાર આવેલ સત્યના,
અંતવર્તી ને અસીમ સત્ય છે જે એક બહુ બન્યા છતાં.
હતું અંતર ત્યાં ભીમકાય વિસ્તાર સ્વાત્મનો;
મનની કલ્પનાઓની મિથ્થા દૃષ્ટિમાંથી મુક્ત થઇ જતાં
વિભક્ત કરતા કાળ કેરા ત્રિવિધ વિક્રમો
બાધાઓ રચતા ન'તા;
અનિવાર્ય અને ચાલુ રહેતો સ્રોત્ર એહનો
લાંબા પ્રવાહની એની આવિર્ભાવો કરનારી પરંપરા
આત્મા કેરી એકમાત્ર સુવિશાળ દૃષ્ટિમાં આવતી હતી.
વિશ્વે વ્યાપેલ સૌન્દર્ય મુખડું બતલાવતું;
આ લોકે રૂપના જાડા પડદાની પૂઠળે સચવાયલા,
અદૃશ્ય, ગહને લાધા અર્થો અશ્વપતિ કને
અમર્ત્ય નિજ સંવાદી મેળને પ્રકટાવતા,
ચાવી બતાવતા એને સામાન્ય વસ્તુઓતણા
આશ્ચર્યમય ગ્રંથની.
ઉદ્ધારંતી શક્તિ કેરાં પ્રમાણો બહુતાભર્યાં
તેમના એકતા દેતા ધર્મ સાથે પ્રકટીને ખડાં થયાં,
રેખાઓ પ્રકટી વિશ્વ કેરા ભૂમિતિકારના
શિલ્પની પ્રક્રિયાતણી,
અને સંમોહનો જાળ જગ કેરી ટકાવતાં,
ને જાદૂ જે રહેલો છે સાદી આકૃતિઓ તળે
તે બધાયે પામ્યાં પ્રકટરૂપતા.
શિખરો પર જ્યાં મૌન નિ:સ્પંદ હૃદયે સુણે
ધ્યાનથી ઘૂમરી લેતાં વિશ્વોનાં છંદ-ડોલનો,
ત્યાં તેણે યજ્ઞનાં સત્રો સેવ્યાં ત્રિવિધ અગ્નિનાં.
બે મહાખંડને પ્રાંતે ઘોર ઘેરી નિદ્રાના ને સમાધિના
હમેશાં વણબોલાયો શબ્દ એણે સાંભળ્યો સત્યતાતણો
જગાડંતો દૃષ્ટિના ગૂઢ સાદને,
શોધી કાઢ્યું જન્મસ્થાન અણચિંત્યા અને અમોઘ શબ્દનું
ને અંતર્જ્ઞાનના એક સૂર્ય કેરાં કિરણોમાંહ્ય એ વસ્યો.
મેળવી મુક્તિ બંધોથી મૃત્યુના ને સુષુપ્તિના
વૈશ્વિક મનના વિધુત્સાગરોનો અસવાર બની ગયો,
ને મહાબ્ધિ કર્યો પાર એણે આદિમ નાદનો;
દિવ્ય જન્મે લઇ જાતા છેલ્લા પગથિયા પરે
ચાલ્યો એ સાંકડી ધારે ધારે નિર્વાણની,જહીં
પાસે ઉચ્ચ કિનારીઓ હતી શાશ્વતતાતણી,
અને મારક ને ત્રાતા અગ્નિઓ મધ્ય સંસ્થિતા
આરોહ્યો સ્વર્ણની શૈલશ્રેણી સંસાર-સ્વપ્નની;
પહોંચ્યો એ મેખલાએ અવિકારી રહે છે તેહ સત્યની,
ભેટો એને થયો સીમાઓનો અવર્ણ્ય જ્યોતિની,
રોમાંચિત થયો સાન્નિધ્યે અનિર્વચનીયના.
પોતાથી ઊર્ધ્વમાં એણે પાયરીઓ જોઈ ભવ્ય ભભૂકતી,
પાંખો લેતી જોઈ પાંખો સૃષ્ટિના અવકાશને,
સૂર્યાક્ષ રક્ષકો જોયા, જોયું સ્વર્ણ નારસિંહ-સ્વરૂપને
મજલા ભૂમિકાઓના જોયા, જોયા નિત્ય રાજંત ઈશ્વરો.
સર્વજ્ઞતાતણા સેવાકાર્યે આસીન ત્યાં હતી
પ્રજ્ઞા નીરવતાયુક્ત મહાનિષ્ક્રિયતામહીં;
ન'તી એ કરતી ન્યાય, માપતી ના, જાણવા મથતી ન;તી,
કિંતુ કાન દઈને એ સુણતી'તી સર્વદર્શી વિચારને,
સુણતી 'તી ટેક પારપારના કો એક પ્રશાંત સૂરનો.
જ્ઞેય સર્વતણે શૃંગો એ પહોંચી ગયો હતો:
સૃષ્ટિના શીર્ષ ને પાયા પાર એની ગઈ 'તી દૃષ્ટિની ગતિ;
ભભૂકંતાં ત્રણે સ્વર્ગે નિજ સૂર્યો આણી દીધાં પ્રકાશમાં,
ને તમોગ્રસ્ત પાતાલે કર્યું ખુલ્લું પોતાના ઘોર રાજ્યને.
છેલ્લા રહસ્યને છોડી અન્ય સર્વ ક્ષેત્ર એનું બન્યું હતું,
કિનાર નિજ અજ્ઞેયે પ્રાયઃ પ્રકટિતા કરી.
આનંત્યો આવવા માંડ્યા ઉભરીને ઊંચે એના સ્વરૂપનાં,
એને બોલાવવા લાગ્યાં જગતો ગુપ્ત જે હતાં;
શાશ્વતીઓ શાશ્વતીઓને સાદ કરતી હતી
અશબ્દ નિજ સંદેશા એથી યે પાર ભેજતી.
ઊંડાણોના ચમત્કારમાંથી ઉપર આવતી,
અતિચેતન ઊંચાણો છે જે ત્યાંથી ભભૂકતી,
તીરછી ઘૂમરીઓમાં તેજીલી ગતિએ જતી
થતી સંયુક્ત કૈં કોટિ શક્તિઓ ને એકરૂપ બની જતી.
માપ ના નીકળે એમ વહેતું 'તું સૌ એક સિંધુની પ્રતિ :
જીવતાં સઘળાં રૂપો એનાં અણુ-ગુહો બન્યાં.
સર્વ જીવનનો મેળ સાધનારી શક્તિ વિશ્વસમસ્તની
સારા અસ્તિત્વને હાવે રાખતી 'તી નિજ મોટા નિયંત્રણો;
એ રાજાભવ્યતા કેરો અંશ એક રાજા અશ્વપતિ બન્યો.
યતેચ્છ એ રહેતો 'તો ન વિસ્મરંત રશ્મિમાં.
જ્યાં ના અસત્ય કો આવી શકે એવા એ ઊંચેના પ્રદેશમાં,
જ્યાં બધા ભિન્ન છે ને જ્યાં સઘળું એકરૂપ છે,
અવ્યક્તરૂપના મોટા અકૂલ સાગરે તહીં,
વિશ્વાત્મામાં સ્થિરીભૂત વ્યક્તિરૂપ અધિરૂઢ થઇ જતો;
રોમાંચિત થતો વિશ્વ-શક્તિ કેરાં મહાબલ પ્રયાણથી,
એનાં કર્મો હતાં સાથી પ્રભુકેરી અપરંપાર શાંતિનાં.
જોડે ગૌણ લગાડેલો મહિમા ને પ્રતીક એક આત્મનું,
એવું શરીર સોંપાયું ચૈત્ય પુરુષને હતું,
શક્તિનું એ હતું એક બિંદુ અમરતાભર્યું,
વિશ્વવ્યાપી નિરાકાર ને વિશાળા તરંગાતા વહેણમાં
હતું સમતુલા માટે એ રખાયેલ ઢીમચું,
ઉજળી જગતી કેરી સામગ્રી કામમાં લઇ
પરાત્પરતણી શક્તિ કંડારી કાઢતી 'તી જેહ પૂર્ણતા
ત્યાં ઢાંકણાતણી ધાર ચેતનાવંત એ હતું,
પોતામાં કરતું 'તું એ મૂત્ત તાત્પર્ય વિશ્વનું.
ત્યાં ચૈતન્ય હતું ગાઢો વણાટ સાવ એકલો;
ચિદાકાશમહીં એક હતાં દૂર-અદૂરનાં,
સર્વકાળતણો ગર્ભ ક્ષણો ત્યાં ધારતી હતી.
વિચારે પડદો ચીર્યો પરચૈતન્યનો હતો
દૃષ્ટિના સૂરમેળોને ભાવ ચક્રાકારે ચલાવતો હતો,
અને એકાત્મતામાંથી પ્રક્ષેપાતી હતી અર્ચિષ દૃષ્ટિની;
હતું જીવન આત્માની યાત્રા આશ્ચર્યથી ભરી,
વિશ્વના પરમાનંદ કેરી એક લહરી લાગણી હતી.
પરમાત્માતણા ઓજ અને જ્યોતિતણા સામ્રાજયની મહીં
અનંતતાતણા ગર્ભમાંથી કોક આવેલો હોય તેમ તે
આવ્યો પામી નવો જ્ન્મ શિશુ ને અણસીમ, ને
અકાળ બાળની પ્રજ્ઞા એનામાં વધતી ગઈ;
બૃહત્તા એ હતો એક જે જરાવારમાં સૂર્ય બની ગઈ.
એક મોટી અને જયોતિર્મયી નીરવતા હતી
એના હૃદયને મંદ સ્વરે કૈંક કહી રહી;
એનું જ્ઞાન હતું એક અંતર્દૃષ્ટિ અગાધ પકડાયલી.
ને બહિર્દૃષ્ટિ એની ના છેદાતી 'તી સંક્ષિપ્ત ક્ષિતિજો વડે:
વિચાર કરતો 'તો એ સર્વમાં,,સર્વમાં સંવેદતો હતો,
એની મીટમહીં શક્તિ ભરી હતી.
એકથ્ય સાથમાં એની કથાઓ ચાલતી હતી
વિશાળતર ચૈતન્યયુક્ત જીવો એના મિત્રજનો હતા,
એની પાસે આવતાં 'તાં સ્વરૂપો વધુ સૂક્ષ્મ ને
વધુ મોટા પ્રમાણનાં;
પ્રાણના પડદા પૂઠે રહી દેવો
એની સાથે સંવાદો કરતા હતા.
એનો આત્મા પડોશી છે બન્યો શૃંગપ્રદેશોનો નિસર્ગના.
પોતના બહુમાં એને લીધો છે આધ શક્તિએ;
એના મસ્તિષ્કને ઘેરી લેતી જ્યોતિ પરાભવ પમાડતી,
આશ્લેષે સર્વને લેતા જ્ઞાને એનું હૈયું છે કબજે કર્યું:
ઉઠયા વિચાર એનામાં
જેમને પૃથિવી કરું મન ધારી શકે ન કો,
એનામાં રમવા લાગ્યાં મહાબલો
વહ્યાં જે ન હતાં મર્ત્ય શિરાઓની મહીં કદી:
અધિમાનસનાં લાગ્યો રહસ્યો એ નિરિક્ષવા,
પ્રહર્ષ પરમાત્માનો એણે અંતરમાં ધર્યો.
સૂર્ય-સામ્રાજયની સીમા પરે વિચરનાર એ
તાલમેળે રહેતો 'તો સૂરતાઓ સાથે સર્વોચ્ચ ધામની;
સનાતનતણા લોક સાથે એણે સંયોજી સૃષ્ટિની કડી,
અંશો એના અંતવંત નિજ પૂર્ણ સ્વરૂપની
સમીપ સરતા ગયા,
દેવોની હિલચાલોને માટે એનાં કર્મ છે ચોકઠાં બન્યાં,
એના સંકલ્પને હાથે છે લેવાઈ લગામ વિશ્વ-શક્તિની.
પંદરમો સર્ગ સમાપ્ત
બીજું પર્વ સમાપ્ત
અજ્ઞેયની ખોજ
જગત ગમે તેટલું આપે તો પણ તે ઓછું જ પડે છે, કેમ કે એની શક્તિ અને એનું જ્ઞાન કાળે આપેલી બક્ષિસો છે, ને આત્માની પવિત્ર તૃષાને તે છિપાવી શકતી નથી. એકસ્વરૂપનાં એ બધાં માહાત્મ્યવંતાં રૂપો છે ને એનો કૃપાના ઉચ્છવાસથી જ આપણાં જીવનો ટકી રહેલાં છે. એ એક જ આપણું પોતાનું એકમાત્ર સત્ય છે, પરંતુ એની ક્રિયાઓથી આવૃત હોઈ એ આપણે માટે અગમ્ય છે, ગૂઢ સ્વરૂપ છે, નીરવ છે ને સ્પષ્ટ દેખાય કે સમજાય નહિ એવો છે.
રાજાની આગળથી વસ્તુઓને મનોહર બનાવનાર એનું સાન્નિધ્ય લોપ પામી ગયું હતું. પોતાના કારણથી રહિત બનેલું જગત જીવ્યા કરતું હતું પણ તે પ્રિયતમના ગયા પછીના પ્રેમની માફક અજ્ઞેયમાં જ્ઞાનમાત્રનો અંત આવ્યો. શક્તિ સર્વશક્તિ-માનમાં પાછી સંકેલાઈ ગઈ. અંધકારની એક ગુહા શાશ્વત જ્યોતિને રક્ષી રહી હતી. અશ્વપતિના પ્રયત્નપરાયણ હૃદયમાં એક નીરવતા જામી. જગતની કામનાઓના અવાજોથી મુક્ત થઇ તે અનિર્વચનીય પ્રતિ વળ્યો. એક મહાસમુદાય ને શાંતિ પોતાનામાં અને સર્વમાં સંવેદાતી હતી, છતાં તે હાથ આવતી નહિ; પાસે જતાં તે દૂર સરકી જતી ને તેમ છતાં તે એને બોલાવતી જ રહેતી.
એ એકના વિનાનું સર્વ તુચ્છ બની ગયું હતું; એનું સાન્નિધ્ય નજીવીમાં નજીવી વસ્તુનેય દિવ્ય બનાવી દેતું. એ દિવ્ય એકથી સર્વ કંઈ ભરપૂર હતું છતાં તે સ્પર્શગમ્ય બનતું નહોતું. કંઈ કોટિક ભુવનોને એ સર્જતું, પ્રલય પમાડતું. એ લાખો નામો ને રૂપો ધારણ કરતું, છતાં એ કોણ હતું તેની રાજાને ખબર ન પડી. એનાં આગેકદમને એક જંગી સંદેહ છાયાગ્રસ્ત બનાવી દેતો હતો, છતાં એ જેમતેમ કરીને ચાલતો રહ્યો. સમજાય નહીં એવાં બળો એની ઉપર દબાણ કરતાં હતાં અને મદદ પણ આપતાં હતાં. ચડતો ચડતો રાજા એક એવે શિખરે આવ્યો કે જ્યાં સર્જાયેલું કશું જ રહેતું નહોતું. જ્યાં બધી આશાને ને ખોજને અટકી પડવું પડે છે, એવી એક અસહિષ્ણુતા ને અનાવૃત સત્યની સમીપમાં એ આવી ઊભો.
ત્યાં અપાર પરિવર્તનપૂર્ણ શૂન્યાકારતા હતી. ત્યાં પોતે અત્યાર સુધીમાં જે કંઈ બનેલો હતો, ને હવે પછી જેમાં વિકાસ પામવાનો હતો તે સર્વને પાછળ મૂકવાનું હતું, યા તો જેનું કશું નામ નથી તે તત્ માં તેને રૂપાંતર પમાડવાનું હતું.
વિચારની ગતિનો અંત આવ્યો, સંકલ્પની ચેષ્ટા અટકી પડી, અજ્ઞાને ઊભી કરેલી ઈમારતો ધબી ગઈ અને વિશ્વના આધાર રૂપ જે આત્મા હતો તે સુદ્ધાં મૂર્ચ્છનામાં પડયો. સર્વ કંઈ સુખપૂર્ણ શૂન્યમાં શમી ગયું. વિશ્વનું મન કલ્પી શકે એવું કશુંય બાકી ન રહ્યું. સ્થળ અને કાળ લોપ પામવાને તૈયાર થયાં. અમર આત્મા અને ઈશ્વરી સત્ -તા અજ્ઞેયમાંથી ઉદભવેલી કપોલકલ્પિત કથા જેવાં બની ગયાં. તત્ માંથી સર્વ ઉદભવતું, તત્ માં સર્વ શમી જતું, પરંતુ તે तत् શું હતું તે કોઈ વિચાર કે દૃષ્ટિ કહી શકતાં નહોતા.
અવકાશના ભાન વિનાની એક બૃહત્તા વ્યાપેલી હતી. કાળથી વિચ્છેદાયેલી એક નિત્યતાએ, એક અદભુત ને અવિકારી શાંતિએ જગતને ને જીવને નિર્વાસન આપ્યું હતું.
આખરે રાજાની ખોજને એક અદ્વિતીય સત્યતાએ ઉત્તર આપ્યો. એની સામે એક ભાવહીન, શબ્દહીન, અગાધ શાંતિમાં પ્રવિલીન અભેદ રહસ્યમયતાથી ભરેલી એ આવીને ઊભી થઇ.
એના બૃહત્ સ્વરૂપમાં ન હતી. ક્રિયા કે ન હતી ગતિ. જીવનનો પ્રશ્ન જીવનના હોઠ ઉપર જ ત્યાં અંત પામતો. ભુવનોનો આયાસ પોતાના અજ્ઞાનની ખાતરી થતાં ત્યાં વિરમી જતો. જાણવાની જરૂરવાળું ત્યાં મન નહોતું, પ્રેમની જરૂરવાળું ત્યાં હૃદય નહોતું. એની અનામિતામાં વ્યક્તિરૂપ વિલય પામી જતું. એ હતું તે પોતે જ પોતાનું સત્ય હતું, અરૂપ, અલક્ષણ અને અવાક્ ; પોતે જ પોતાને પોતાના અકાળ આત્માથી જાણતું, ન સર્જાયેલું ને ન જન્મેલું. એને લીધે સૌ જીવતું, પોતે કોઈનાથી જીવતું નહીં. એ હતું અમેય, જ્યોતિર્મય અને રહસ્યમય, અવ્યક્તના પડદાઓ પૂઠે રક્ષાયેલું, પરિવર્તન પામતા વિશ્વના વ્યવસાયથી ઊર્ધ્વમાં, સર્વોચ્ચ ને નિર્વિકાર, સૌનું મૌન કારણ, ગૂઢ અને અગમ્ય, અનંત ને સનાતન, અચિંત્ય અને એકાકી.
અત્યંત અલ્પ છે સર્વ જે આપી શકતું જગત્ :
એનાં શક્તિ અને જ્ઞાન કાળના ઉપહાર છે,
ને છીપાવી શકે ના એ પવિત્રા આત્મની તુષા.
જોકે મહાત્મ્યવંતાં છે રૂપો આ એકરૂપનાં,
ને કૃપોચ્છવાસથી એના આપણાં જીવનો ટકે,
સમીપતર જોકે છે આપણી એ સક્ષાત્ સમીપતાથકી,
છતાંયે આપણે જે કૈં છીએ તેનું સાવ સંપૂર્ણ રૂપ એ;
પોતાની જ ક્રિયાઓથી આચ્છાદાઈ લાગતું 'તું સુદૂર એ,
અગમ્ય, ગૂઢ, નિ:શબ્દ અને અસ્પષ્ટતાભર્યું.
જેનાથી વસ્તુઓ સર્વ મનોહારી બની જતી
તે સાન્નિધ્ય થઇ લુપ્ત ગયું હતું,
એ જેનાં ચિહ્ ન આછાં તે મહિમાનો અભાવ લાગતો હતો.
નિજ કારણથી રિક્ત બનાવાયું જગ જીવી રહ્યું હતું,
મુખ પ્રીતમનું દૂર થતાં જેમ પ્રેમ તેવા પ્રકારથી.
પ્રયાસ જાણવા કેરો લાગતો 'તો મન કેરો વૃથા શ્રમ;
અજ્ઞેયરૂપમાં અંત આવતો સર્વ જ્ઞાનનો:
સત્તા ચલાવવા કેરો યત્ન મિથ્થા ગર્વ સંકલ્પનો હતો;
કાળ કેરો તિરસ્કાર પામેલી ક્ષુદ્ર સિદ્ધિ શું
સામર્થ્થ સૌ જતું પાછું ફરી સર્વસમર્થમાં.
અંધકાર-ગુહા એક રક્ષે શાશ્વત જ્યોતિને.
પ્રયાસ કરતા એને હૈયે એક ઠરી નીરવતા ગઈ;
વિશ્વની કામના કેરા સાદોમાંથી મુક્તિ એ મેળવી વળ્યો
અનિર્વાચ્ચતણા કાલાતીત આહવાનની પ્રતિ.
સત્ -તા એકા અંતરંગી, પરિચેય ને નામથી,
સંમુદા ને શાંતિ એક વિશાળી ને વશવર્તી બનાવતી,
સ્વમાં ને સર્વમાં સંવેદાતી તો ય પકડે નવ આવતી
આવતી પાસ ને લુપ્ત થતી એના આત્માની માર્ગણાથકી,
જાણે ના હોય હંમેશ લલચાવી પારપાર લઇ જતી.
નજીક આવતાં પાછી હઠી જાતી,
દૂરવર્તી એને બોલાવતી ફરી.
એના આનંદને છોડી કશું બીજું સંતોષી શકતું ન 'તું:
અનુપરિસ્થિતિમાં એની સૌથી મોટાં કર્યો નીરસ લાગતાં,
એના સાન્નિધ્યથી સૌથી નાનાં દિવ્ય બની જતાં.
એ જ્યારે ત્યાં હતી ત્યારે હૈયા કેરા ગર્તનાં પૂરણો થતાં;
કિંતુ ઉદ્ધારતી જયારે દેવતા એ પાછી ચાલી જતી હતી
ત્યારે અસ્તિત્વનું લક્ષ્ય શૂન્યકારમાં.
અસ્માર્ત ભૂમિકાઓની વ્યવસ્થાબંધ પાયરી,
પૂર્ણતા કરણો કેરી દેવતાઈ પ્રકારની
અનિત્ય ક્ષેત્રને માટે ટેકારૂપે પલટાવાયલી હતી.
કિંતુ સામર્થ્થ એ કોણ હતું તેની જાણ એને હજી ન 'તી.
અસ્પર્શગમ્ય ને તેમ છતાં જે કૈં છે તેને ભરનાર એ
કોટિક ભુવનોને એ રચતું ને મિટાવી નાખતું વળી,
હજારો નામ ને રૂપ ધારતું ને પાછાં ગુમાવતું હતું.
ધારતું એ હતું વેશ ઓળખાય નહીં એવા વિરાટનો,
કે એ ચૈત્યાત્મમાં સૂક્ષ્મ સાર રૂપે રહ્યું હતું:
ભવ્યતા દૂરની એને ભીમકાય બનાવતી
યા અસ્પષ્ટ રૂપમાં રાખતી હતી,
નિગૂઢ ગાઢતામાં એ પુરાયેલું હતું માધુર્યથી ભર્યું:
કદાચિત્ લાગતું 'તું એ કલ્પનાની કૃતિ કે કાય-કંચુક,
કે કદાચિત્ પ્હાડ જેવી પોતની જ છાયા શું ભાસતું હતું.
રાક્ષસી એક સંદેહ એની આગેકૂચને છાવરી રહ્યો.
એકાકી અમરાત્માને રાજા કેરા જેનું રિક્તત્વ પોષતું
તે તટસ્થ અને સૌને ટકાવંતા ખાલીખમ મહીં થઇ,
કો ગૂઢ પરમ પ્રત્યે પ્રલોભાતો,
સમસ્યારૂપ છે એવાં બળોની સાહ્ય પામતો,
ને તેમનાં દબાણોથી નિરુપાય બની જતો,
અભીપ્સા સેવતો, અર્ધ-ડૂબતો, ને ઊર્ધ્વે ઉદ્ ધૃત આવતો,
અપરાજેય આરોહ્યો એ વચ્ચે અટકયા વિના.
એક અસીમતા સંજ્ઞાહીન અસ્પષ્ટ સર્વદા
હતી ત્યાં ધ્યાનમાં લીન, જેની પાસે જવાનો માર્ગ ના હતો,
અંતવંતી વસ્તુઓને દંડીને જે શૂન્યરૂપ બનાવતી,
ને અસંમેયને રાજા સામે સંસ્થાપતી હતી.
પછી આરોહણે એના સુપ્રચંડ આવી અવધ એક ત્યાં:
કૂટે એક પહોંચાયું જ્યાં જાયેલું કો જીવી શકતું ન 'તું,
જહીં પ્રત્યેક આશાએ અને શોધે અટકી જ જવું પડે
એવી સીમારેખ એક આવી પ્હોંચી
અસહિષ્ણુ અને ખુલ્લી સત્યતાની સમીપમાં,
મીડું એક બન્યું જેની મહીં ગર્ભ
સીમાતીત પરિવર્તનનો હતો.
દિગ્મૂઢ જે બનાવી દે એવી એક કિનાર પે,
બધા યે જ્યાં છળવેશ સરી પડે,
ને પદત્યાગ પોતાનો કરીને જ્યોતિની મહીં
માનવીના મનને જ્યાં જવું પડે,
યા શુદ્ધ સત્યની ઝાળે ઝંપલાવી
ફૂદા પેઠે પંચત્વ પામવું પડે,
ત્યાં ઊભો એ, બળાત્કારે કરવી જ્યાં પડે ઘોર પસંદગી.
આ પૂર્વે જે હતો પોતે ને જે સર્વ પ્રત્યે વાધી રહ્યો હતો,
તે સૌને છોડવાનું છે હવે પૂઠે, યા રૂપાંતર એહનું
અનામી तत्-સ્વરૂપે છે સાધવાનું અવશ્ય ત્યાં.
એકાકી, સંમુખે એક અસ્પર્શગમ્ય શક્તિની
જે વિચારતણા ગ્રાહ માટે કૈં આપતી ન'તી,
આત્મા એનો શૂન્ય કેરા સાહસાર્થે સામે મોઢે જતો હતો.
રૂપનાં જગતો દ્વારા પરિત્યક્ત કરતો 'તો પ્રયત્ન એ.
ફૂલપૂર્ણા વિશ્વવ્યાપી અવિધા ત્યાં ડૂબીને તળિયે ઠરી;
યાત્રા વિચારની લાંબાં લેતી ચક્કર દૂરનાં
પોતાના અંતના સ્થાને જઈ અડી
ને કર્તૃ ભાવ સંકલ્પ નિષ્પ્રભાવ બનીને અટકી પડયો.
સત્-તા કેરી પ્રતીકાત્મ પ્રણાલીઓ સાહ્ય કૈં કરતી ન'તી,
ઈમારતો રચી'તી જે અજ્ઞાને તે ભોંયભેગી થઇ ગઈ,
ને વિશ્વ ધારતો આત્મા સુધ્ધાં ઓછો થતો થતો
ધુતિમંતી અપર્યાપ્ત સ્વસ્થામાં મૂર્છામગ્ન બની ગયો.
સૃષ્ટિ સૌ વસ્તુઓ ઊંડે અગાધે ઓસરી જતાં,
નાશ પામંત પ્રત્યેક આધાર પાર સંચરી,
અને સમર્થ પોતાના મૂળ સાથે આવી આખર યોગમાં,
પૃથક્-સ્વરૂપ સત્તાનો રહ્યો વિલય સાધવો
યા તો મનતણી પ્હોંચી શકે અભ્યર્થના ન જ્યાં
ત્યાં તેની પારના સત્ય-રૂપે જન્મ નવીન પામવો ફરી.
મહિમા રૂપરેખાનો, માધુર્ય તાલમેળનું,
નકારાયેલ ચારુત્વ સમ તુચ્છ સ્વરોતણા
બ્રહ્યાત્માના નગ્ન રૂપ મૌનમાંથી બહિષ્કૃત બની બધું
મૃત્યુ પામી ગયું સૂક્ષ્મ સુખપૂર્ણ અભાવમાં.
સ્રષ્ટાઓએ ગુમાવ્યાં ત્યાં પોતનાં નામ-રૂપને,
પ્રયોજીને રચ્યાં 'તાં જે મહાભુવન એમણે
તે ચાલ્યાં, લઇ લેવાયાં ને એકેક વિલોપાઈ ગયાં બધાં.
વિશ્વે દૂર કરી દીધું રંગરંગ્યું પોતાનું અવગુંઠન,
ને સૃષ્ટ વસ્તુઓ કેરી
મહાકાય સમસ્યાનો અકલ્પ્ય અંત આવતાં
દેખાયો દૂરથી દૃષ્ટ દેવ વિશ્વસમસ્તનો;
ચરણો દૃઢ મંડાયા
હતા એના સુપ્રચંડ પાંખો ઉપર પ્રાણની,
અંતરાભિમુખી ભેદભરી એની મીટ હીરકની હતી.
ઉકેલ નવ પામેલાં
કાળચક્રો મંદ પાછાં નિજ મૂળ ભણી વળ્યાં
અદૃશ્ય અબ્ધિમાંથી એ ફરી ઉપર આવવા.
એના સામર્થ્યમાંથી જે ઉદભવ્યું'તું તે હવે સૌ મટી ગયું;
વૈશ્વિક મન કલ્પે છે તેમાંનું કૈં રહ્યું ના અવશેષમાં.
થઇ શાશ્વતતા સજ્જ પ્રવિલીન થઇ જવા,
રંગારોપણના જેવી લાગતી શૂન્યની પરે,
અવકાશ હતો એક સ્વપ્નના ફફડાટ શો
આવતો 'તો અંત જેનો ગહનોમાં અભાવનાં,
આત્મા જે મરતો ના ને સ્વરૂપ દેવરૂપનું
અજ્ઞેયમાંહ્યથી હોય પ્રક્ષેપાઈ
એવી મિથ્થા કથાઓ લાગતાં હતાં;
तत्માંથી ઉદભવ્યું સર્વ બોલાવતું तत् મહીં વિરમીજવા.
કિંતુ तत् તે હતું શું તે ન કો વિચાર, દૃષ્ટિ વા
વર્ણવી શકતાં હતાં.
બાકી માત્ર રહેતું 'તું નિરાકાર રૂપ એકલ આત્મનું,
એકવાર હતું કૈંક તેની આછી છાયા કેવળ ભૂત શી,
નિ:સીમ સાગરે મગ્ન થાય છે તે પહેલાં અનુભૂતિ જે
કરે છે લોપ પામીને શમનારો તરંગ, તે,
જાણે છેક કિનારીએ ય શૂન્યની,
જ્યાંથી જન્મ્યો હતો પોતે તે મહાસિંધુરાજની
એને સંવેદના ખાલી રહી હો' અવશેષમાં.
અવકાશતણા ભાનમાંથી મુક્ત બૃહત્તા ચિંતને હતી,
કાપી મૂકી કાળમાંથી છૂટી પાડી દીધેલી એક નિત્યતા,
અવિકારી શાંતિ એક લોકોત્તર વિલક્ષણા
નીરવ ઈનકારંતી નિજમાંથી જગને અથ જીવને.
નિતાંત રૂક્ષ ને સાથી વિનાની એક સત્યતા
એના આત્માતણી ભાવાવેશે ભરેલ શોધને
અંતે ઉત્તર આપતી:
ભાવહીન શબ્દહીન ને નિમગ્ન અગાધ શાંતિની મહીં,
કો કદી ભેદવાનો ના
એવી એક ગુહ્યતાને પોતાનામાં સાચવી રાખતી હતી,
રહસ્ય, અસ્પર્શગમ્ય, ચિંતનમગ્ન એ
નિજ મૂક મહાઘોર સ્થૈર્ય એની સામે ધારી રહી હતી.
વિશ્વ સાથે ન 'તી એને સગાઈ કો પ્રકારની:
એના વિરાટમાં એકે ક્રિયા ન્હોતી, હિલચાલે હતી નહીં:
એના મૌનતણો ભેટો થતાં પ્રશ્ન
જિંદગીનો હોઠે એના શમી જતો,
સંમતિ નવ પામેલો પરમોચ્ચ પ્રકાશની
અજ્ઞાનના ગુના માટે ગુનેગાર
વિશ્વકેરો પ્રયાસ વિરમી જતો:
મન નામે હતું ના ત્યાં
અને સાથે ન 'તી એની જાણવાની જરૂરતે,
હતું હૃદય ના પ્રેમ કરવાની અપેક્ષા રાખનાર કો.
વ્યકિતસ્વરૂપ આખું યે નાશ પામ્યું એની અનામતામહીં.
બીજું કોઈ હતું ના ત્યાં,
ન 'તું કોઈ ભાગીદાર કે ન 'તું કો સમોવડું;
પોતે જ એક પોતાને માટે વાસ્તવમાં હતો.
શુદ્ધ અસ્તિત્વ એ હતો,
વિચાર ને મનોભાવ એને ના બાધતા હતા,
હતો એ એક ચૈતન્ય ન બંટાતી અમરા સંમુદાતણું,
અળગો એ રહેતો 'તો પોતા કેરી કેવલાનંતતામહીં,
એકલો ને અદ્વિતીય, અવર્ણનીય એકલો.
આત્મા એક નિરાકાર, અલક્ષણ, અશબ્દ એ,
અકાળ નિજ આત્માથી આત્માને અવબોધતો,
નિજ નિશ્ચળ ઊંડાણોમહીં નિત્ય પ્રબદ્ધ એ,
સર્જતો એ નથી, પોતે સર્જાયેલો નથી, એ જન્મતો નથી,
એક એના વડે સર્વ જીવતા ને પોતે જીવે ન કોઈથી,
અપ્રમેય પ્રભાવંત રહસ્ય એ
રહે આવરણોએ એ રક્ષ્યું અવ્યક્તરૂપનાં,
વિશ્વના પલટો લેતા મધ્યરંગતણી પરે
સર્વોપરી વિરાજંતો, નિર્વિકાર, એનો એ જ સદૈવનો,
અબોધગમ્ય ને ગૂઢ મૌન કારણ રૂપ એ
અનંત, સર્વકાલીન ને અચિંત્ય એક કેવલ રાજતો.
ભગવતી શ્રી માતાની આરાધના
જીવને જયારે પોતાના આત્માનો-કેવળ આત્માનો પૂરેપૂરો સાક્ષાત્કાર થાય છે ત્યારે એને એકમાત્ર નિ:સ્પંદતાનો ભેટો થાય છે. આ નિ:સ્પંદતા દીવાલ બનીને એને જગતથી અળગો પાડે છે. બધા ગોચર અનુભવોને એ ગળી જાય છે, મને જે જાણ્યું હોય તે બધું અસત્ બની જાય છે. અચિંત્ય અને અનામ માત્ર સ્થળ-કાળમાં અવિશિષ્ટ રહે છે. વિચાર સરી જાય છે, હર્ષશોક વિરમે છે, અહંભાવ મરી જાય છે. જન્મ-મરણ, કાર્ય ને નિર્માણમાંથી આપણો મોક્ષ થયેલો હોય છે.
પણ આ તો પરમાત્માની અસીમ નિ:શબ્દતા છે, સુખભરી ઊંડી ગહનતા છે. એ જ એક લક્ષ્ય હોય તો પછી જીવ જેને માટે જગતમાં આવ્યો છે તેનું શું ? આત્માની શક્તિનું શું ? આપણી જાત તેમ જ જગત બનેલ જે એક આપણામાં છે તેના તારકમંડળ નીચેના ઉદ્દેશનું શું ? છટકી જવામાં વિજય રહ્યો નથી, તાજ એમ મળતો નથી. પ્રભુનું અર્ધ કાર્ય જ થયેલું હોય છે, કશુંક પૂરું પ્રાપ્ત થયું નથી, ને જગત તો ચાલતું 'તું તેમ ચાલતું જ રહે છે. નિત્યની 'ના' નજીક આવી છે, પણ પરમ પ્રેમીની 'હા' ક્યાં છે ? 'ઓમ્' નું તથાસ્તુ ક્યાં છે ? પ્રહર્ષ ને પરમ શાંતિ વચ્ચે સેતુ બંધાયો નથી, દિવ્ય 'વધુ' નો ઉમળકો અને સૌન્દર્ય નથી. જેમાં મહાન વિરોધીઓનાં પરસ્પર ચુંબન થાય છે તે મહાખંડ ક્યાં છે ? પરિત્રાતા સ્મિત ને સોનેરી શિખર ક્યાં છે ? કાળો પડદો ઉઠાવાયો છે ને પ્રભુની ઘોર છાયા દેખાઈ છે, પ્રકાશનો પડદો ઉઠાવવાનું બાકી છે. રાજરાજના દેહનાં દર્શન કરવાનાં છે. પ્રભુના જન્મની ને કર્મની રહસ્યમયતા રહી ગઈ છે. અધૂરી લીલાનો કોયડો ઉકેલાયો નથી. વિશ્વનો લીલાધર છદ્મમાં હસે છે. માનવ મૂર્ત્તિના ને નામના મહિમાની પાછળ અંતિમ રહસ્ય છુપાઈ રહેલું છે. એક મોટી શુભ્ર રેખા લક્ષ્ય બની પણ દૂર-સુદૂર અવર્ણનીય સૂર્યના પ્રદેશો પ્રકાશી રહેલા છે. અકાળ પ્રતિ આંખ ઊઘડી છે, અનંતતાએ પોતાનાં આપેલાં રૂપ પાછાં ખેંચી લીધાં છે. પ્રભુના અંધકારની તેમ જ
જ્યોતિની આરપાર થઈ એણે પોતાનાં કિરણોને મૂળ સવિતામાં પાછાં વાળી દીધાં છે.
પરમાત્માની શૂન્યરૂપ એક સંજ્ઞા છે, એમાં બધું જ રહેલું છે. એના વાઘા વિદીર્ણ થાય છે ત્યારે જીવનું અજ્ઞાનમાત્ર હણાય છે, જીવ પોતે હણાતો નથી. 'नेति नेति' માં અંતિમ સર્વ આવી જતું નથી. નિર્વાણ કંઈ પ્રભુનો આખરી શબ્દ નથી.
સંપૂર્ણ નીરવતામાં એક સંપૂર્ણ શક્તિ સૂતેલી છે. એ જાગે છે ત્યારે તે લયલીન જીવને જગાડે છે ને કિરણમાત્રામાં પૂર્ણ સૂર્યને પ્રગટ કરે છે. જગત પરમાત્માનું પાત્ર બની જાય છે, માટીમાં પ્રભુના પૂર્ણ સ્વરૂપનું નિર્માણ શક્ય બની જાય છે. આત્માની મુક્તિ એક પ્રકાશમાન પગલું છે, પોતાને પૂર્ણતયા અહીં પ્રકટ કરવો એ પ્રભુની ઈચ્છા છે.
અશ્વપતિ આમ આત્માની ધાર પર ઊભો ત્યારે જ સાન્નિધ્યની પોતે ઝંખના કરતો હતો તે સાન્નિધ્ય એની સમીપમાં આવ્યું. એ હતું અદભુત ને મહામધુર, અનંત અને નિરપેક્ષ કેવળ પૂર્ણતાનું સ્વરૂપ. મા જેમ બાળકને તેમ તેણે જગતને ને જીવને હૈયે લીધાં. એ સુખમયી, સૌન્દર્યમયી અને જ્યોતિર્મયીએ અશ્વપતિને હૃદયે જતો સુવર્ણ માર્ગ રચ્ચો, અને રાજાના દ્વારા સારા સચેતન સંસારને સ્પર્શ કર્યો.
એના એક ક્ષણના માધુર્યે જગતના મિથ્થાત્વને મિટાવી દીધું. અચેતન વિશ્વમાં એક દિવ્ય હૃદયના ઘબકાર અનુભવાયા. પાર વગરના કાળને ભારને હરી લઇ એણે બધું સુખમય બનાવ્યું. પ્રભુની પ્રમદાનું રહસ્ય પકડાયું ને સૂર્યોનો પરિશ્રમ સાર્થક બની ગયો. કેમ કે પ્રભુની પાછળ વિરાજતી માતૃશક્તિ સર્વથી પર હોવા છતાંય કોઈનો ઇનકાર કરતી નહી. સર્વે દેવોની એ માતા હતી, સર્વે તેજોની એ જનની હતી.મધ્યસ્થા બની પૃથ્વીને એ પરમાત્માની સાથે સંયોજતી હતી. એની સાથે આત્માનું ઐક્ય થતાં અજ્ઞાનનો અંત આવતો, દુરિતોના દોર કપાઈ જતા, આસુરી વિરોધો અંતરાય ઊભો કરી શકતા નહીં. એના સાન્નિધ્યમાં જીવન લક્ષ્ય વગરના પતન જેવું રહેતું નહીં. નિર્માણમાં માત્ર મુક્તિ નહીં, વિશાળ અવકાશોમાં આવેલું મહાહૃદય અનુભવાતું. જ્વલંત પ્રેમ પ્રગટતો ને તે અજ્ઞાન-ગર્તની યાતનાઓને સમાપ્ત કરતો, એક અમર સ્મિતમાં દુઃખમાત્ર પ્રલય પામતું, પારાપારનું જીવન મૃત્યુનો વિજેતા બની જતું.
આ માતૃસ્વરૂપમાં સરૂપ અને અરૂપ ઉભય એક બની જતા, પ્રકાશ અને પેમ આગળ પાપ આવી શકતું નહિ, એક મુખધારી અનંતનાં દર્શન થતા. આ મહામાતા રાત્રિમાં છુપાયલી રહસ્યમયતા છે, સુવર્ણનો સેતુ છે, અલૌકિક અદભુત અગ્નિ છે. એ છે અજ્ઞાતનું ઓજસ્વી હૃદય, પ્રભુના અંતરમાં રહેલી મૌનમયી શક્તિ, અમોધ શબ્દ, ઊંચે આકર્ષતું ચુંબક, સૂર્યોને પ્રકટાવનાર સૂર્ય.
આખી પ્રકૃતિ એને માટે મૂક પોકાર કરે છે . એનાં દર્શન થતાં વાર અશ્વપતિનો આત્મા એની જવાળામાં ઝલાઈ ગયો. હવે તો એને માટે એ જ એક સર્વસ્વ બની ગઈ. રાજાનાં અન્ય લક્ષ્યો માની અંદર સમાઈ ગયાં, ને પાછાં દિવ્યતર રૂપે પુનઃપ્રાપ્ત થયાં. હવે અશ્વપતિ એક એને જ જીવનમાં જીવંત બનાવવાની ધગશ રાખતો બની ગયો. વિશાળભાવી આત્મસમર્પણ એનું એકમાત્ર મહાબળ બની ગયું. હવે માના પ્રેમનો, મના સત્યનો ને માના આનંદનો નિર્મુક્ત ને નિરામય બનાવતો સ્પર્શમાત્ર એની પ્રાર્થનાનો પોકાર બની ગયો, એની ઝંખનાનો વિષય બની ગયો. અશ્વપતિનો આત્મા મુક્ત બનીને મુક્ત ભાવે એક એને અર્પાઈ ગયો.
નરી નિ:સ્પંદતા એક અપ્રકાશ્ય પ્રકારની
ભેટે છે અંતરાત્માની પૂરેપૂરી થાય છે શોધ તે સમે;
નિ:સ્પંદતાતણી એક ભીંતે એને જગથી અળગો કરે,
નિ:સ્પંદતાતણો ઊંડો ગર્ત જાય ગળી ઇન્દ્રિયજ્ઞાનને,
ને મને હોય જાણ્યું જે
ને હજી શ્રમથી જેને ઇન્દ્રિયો વણવા ચહે
અને લંબાવવા માગે કલ્પનાના બિંબરૂપ અસત્યને,
તેને સૌને અવાસ્તવિક દે કરી.
અધ્યાત્મ મૌન આત્માનું વસવાટ કરી દે અવકાશમાં;
અવશેષે રહે એકમાત્ર અચિંત્યરૂપ જે
દિક્-કાળ પારનો બાકી અનામી એકલો રહે :
જિંદગીની બોજરૂપ ટળી જંજાળ જાય છે :
આપણી પાસથી દૂર સરી વિચાર જાય છે,
હર્ષ-શોક આપણા વિરમી જતા;
અહંતા મૃત્યુ પામે છે,
ને અસ્તિત્વ અને ચિંતાભારમાંથી આપણે મુક્ત થૈ જતા,
આપણા જન્મ ને મૃત્યુ, કર્મ ને ભાગ્ય, સર્વનો
અંત આવેલ હોય છે.
ઓ જીવ ! અતિશે વ્હેલો છે તું આમોદ માણવા !
પ્હોંચ્યો છે બ્રહ્ય કેરા સીમારહિત મૌનમાં,
કુદીને તું પડેલો છે સુખના દિવ્ય ગર્તમાં;
ફેંકી ક્યાં કિંતુ દીધાં તેં
આદિષ્ટ કાર્ય આત્માનું અને શક્તિય આત્મની ?
ક્યા મરેલ કાંઠાએ સનાતનતણા પથે ?
હતો જે એક તારામાં આત્મા ને વિશ્વ સામટો
તેના તેં તારકોમાંના ઉદ્દેશાર્થે કર્યું કશું?
નાસી જનારને માટે નથી વિજય ને નથી
મહામુકુટ સિદ્ધિનો !
કંઈક કરવાને તું આવેલો છે અજ્ઞાતમાંહ્યથી અહીં,
પણ સિદ્ધ થયું ના કૈં ને ચાલે છે તેમ ચાલી રહ્યું જગત્ ,
કેમ કે પ્રભુનું વિશ્વકાર્ય માત્ર અરધું જ થયેલ છે.
'નકાર' નિત્યનો માત્ર આવ્યો છે તુજ પાસમાં
તારી આંખોમહીં મીટ માંડી એણે હૈયું તારું હણેલ છે :
'હકાર' કિંતુ પ્રેમીનો કહીં છે સર્વકાળનો ?
ગુપ્ત હૈયાતણી ક્યાં છે અમર્ત્યતા ?
ક્યાં છે અવાજ ગાનારો સ્તોત્ર સર્જક અગ્નિનું ?
પ્રતીકાત્મક ઓંકાર, મહાશબ્દ ક્યાં છે ' તથાસ્તુ' બોલતો ?
સંયોજનાર ક્યાં સેતુ શાંતિને ને પ્રહર્ષને ?
ભાવાનુરાગ-સૌન્દર્ય ક્યાં છે દિવ્ય વધૂતણાં?
ક્યાં છે સદન ચૂમે જ્યાં મહિમાવંત શત્રુઓ ?
ક્યાં છે સ્મિત પરિત્રાતા ? ક્યાં છે સોના-શૃંગ સૌ વસ્તુઓતણું ?
નિગૂઢ જિંદગી કેરા મૂળમાં આ ય સત્ય છે.
પડેલો પડદો કાળો એક છે ઊંચકાયલો;
આપણે અવલોકી છે છાયા મોટી સર્વજ્ઞ પરમેશનિ;
પરંતુ જ્યોતિનો કોણે પડદો ઉંચકેલ છે
ને રાજરાજના દેહતણાં દર્શન છે ક્યાં ?
પ્રભુનાં જન્મ ને કર્મતણું ગુહ્ય ગુહ્યરૂપે રહી જતું
છેલ્લા અધ્યાયની સીલ તોડયા વગરની તજી,
અધૂરી નાટ્ય લીલાનો કોયડો યે રહે છે અણ-ઊકલ્યો;
વિશ્વલીલાતણો લીલાનટ હાસ્ય કરે છે છદ્મવેશમાં,
ને છતાં યે છેલ્લું અક્ષત ગુહ્ય તો
માનવી રૂપમાં મૂર્ત્ત મહિમાની
ને એક નામની સ્વર્ણ-પ્રતિમા પૂઠ છૂપતું.
લક્ષ્યનું રૂપ લેનારી શુભ્ર એક રેખા મોટી રહેલ છે,
કિંતુ તેની પારપાર
અનિર્વાચ્ય પ્રદેશો છે સૂર્ય કેરા ભભૂકતા.
ઉદભવસ્થાન ને અંત જેવું જે લાગતું હતું
તે વિશાળું હતું દ્વાર,
ખુલ્લું પગથિયું છેલ્લું શાશ્વતીમાં લઇ જતું.
અકાલતા પરે એક આંખો છે ઉઘડી ગઈ,
પોતે જે રૂપ આપ્યાં 'તાં તેમને લે પાછાં ખેંચી અનંતતા,
અને પ્રભુતણા અંધકામાં કે
એની ખુલ્લેખુલ્લી જ્યોતિમહીં થઇ
કોટિક કિરણો એનાં ફરી પાછાં પ્રવેશે સૂર્યની મહીં.
પરમાત્માતણી એક સંજ્ઞા છે શૂન્યરૂપિણી;
નગ્નસ્વરૂપ છોડાતી પ્રકૃતિ યે પ્રભુને પ્રકટાવતિ.
કિંતુ પ્રકૃતિની ભવ્ય શૂન્યતામાં સઘળું જ રહેલ છે :
આપણી પરથી એના વાઘા સજ્જડ જે સમે
વિદારીને કરાયા હોય વેગળા,
ત્યારે હણાય અજ્ઞાન આત્મા કેરું, પણ આત્મા હણાય ના.
અમર્ત્ય મુખને એક સંતાડી શૂન્ય રાખતું.
એક ઊંચા અને કાળા ઇનકારે બધું આવી જતું ન કૈં,
વિરાટ-કાય નિર્માણ અંત્ય શબ્દ ન ઇશનો,
જિંદગીનો અર્થ એ આખરી નથી,
ન આત્માની યાત્રાનું અવસાન એ,
ન એ તાત્પર્ય આ મોટા રહસ્યમય વિશ્વનું.
સંપૂર્ણ મૌનમાં સૂઈ રહેલી છે સંપૂર્ણ શક્તિ કેવલા.
જાગતાં એ છે સમર્થા લયે લીન જીવનેય જગાડવા
પ્રભાકિરણમાં પ્રાદુર્ભાવ મૂળ સૂર્યનો એ કરી શકે:
બ્રહ્યની શક્તિને માટે પાત્રરૂપ બનાવી વિશ્વને શકે,
માટીમાં પરમાત્માનો પૂર્ણ ઘાટ ઘડી શકે.
આત્માને કરવો મુક્ત એ છે માત્ર પગલું એક ઊજળું;
સ્વરૂપ કરવું સિદ્ધ અહીંયાં છે પ્રભુનો અભિલાષ એ.
ઊભો પોતે હતો સત્-તા કેરી ખુલ્લી કિનાર પે,
ને એના સત્ત્વના સર્વ ભાવાવેશે ભરેલા અનુરાગને
ને એની સર્વ ખોજને
રૂપરેખા વિનાના કો વિરાટમાં
પ્રલીન થઇ જવાનો ઉપસ્થિત સમો હતો
ઠીક તે સમયે પોતે ઝંખતો 'તો
ને સાન્નિધ્ય સરી આવ્યું અણચિંત્યું સીમપમાં.
પરમા ચરમા છે તે શાંતિના મૌનમાં થઇ,
આશ્ચર્યમય કો એક સર્વાતીતતણા ગહન હાર્દથી
દેહે અદભુતતાના ને સ્ફટિકોપમ દીપ્તિના
આવ્યું અનંત કો એક પૂર્ણ પ્રભાવથી ભર્યું,
જાણે કે નિજ આત્માની મીઠડી ને ગૂઢ સંક્ષિપ્તરૂપતા
આદિ આનંદને ધામે પલાયિતા
શાશ્વતીમાંહ્યથી બ્હાર આવી હોય બૃહત્તા રૂપની ધરી.
પ્રજ્ઞાનો એ હતી આત્મા, હતી આત્મા શક્તિનો ને મુદાતણો,
મા જેમ સ્વભુજાઓમાં લઇ લે નિજ બાળને
ઠીક તેમ જ તેણેયે પોતાને હૃદયે ધર્યાં
સારી પ્રકૃતિને, સારા જગને અથ જીવને.
વિલોપિત કરી નાખી સંજ્ઞારહિત શૂન્યને,
પાડી ભંગાણ ત્યાં ખાલીખમમાં ને નીરવ ચૂપકીમહીં,
સીમાથી મુક્ત છે એવું ભેદી અજ્ઞેયરૂપને,
ચેષ્ટારહિત ઊંડાણો કેરા સ્વાતંત્ર્યની મહીં
સુષમાએ ભરી એક સુખકારી આભા છાની પ્રવેશતી
ને વિસ્મિત કરી દેતા રશ્મિપુંજતણું સ્વરૂપ ધારતી,
ને અશ્વપતિને હૈયે જતો એક સ્વર્ણ-માર્ગ બનાવતી,
ઝંખતી ચેતનાવંતી વસ્તુઓને
એના દ્વારા નિજ સ્પર્શ સમર્પતી.
સર્વસૌંન્દર્યમયના માધુર્યે ક્ષણ-એકના
વિશ્વની ઘૂમરી કેરો મિથ્થાભાસ મિટાવિયો.
અચેત વિશ્વમાં દિવ્ય હૃદયે એક સ્પંદતી
આવી અનુભવે સૃષ્ટિ નિસર્ગની;
એણે ઉચ્છવાસને રૂપ આપ્યું એક સુખી નિગૂઢતાતણું
ને આણ્યો પ્રેમ આનંદે લેતો જે દુઃખને સહી;
પ્રેમ જે દુઃખનો ક્રોસ હર્ષભેર ઉપાડતો,
જગના શોકને આત્મપ્રસાદે પલટાવતો,
સુખી બનાવતો ભાર લાંબા અનંત કાળનો,
રહસ્ય પકડી લેતો પ્રભુની સુખશાંતિનું.
મહામુદા છુપાયેલી જીવને જે તેની સમર્થના કરી
આત્માને રાખતો 'તો એ ચમત્કારી એના માર્ગતણી દિશે;
મૂલ્યો અમર એ આણી હોરાઓને સમર્પતો,
અને બનાવતો ન્યાય્ય સૂર્યોના શ્રમકાર્યને.
કેમ કે પ્રભુની પૃષ્ઠભોમે એક હતું પરમ રાજતું.
માતૃ-શક્તિ એક ચિંતાપરા સેવી રહી 'તી વિશ્વલોકને;
છે તે સૌથી પરા તો ય એકેને ન નકારતી
ચેતનાએ ચમત્કારી મુખભાગ પોતાનો પ્રકટાવિયો :
આપણાં ભ્રષ્ટ માથાંની ઉપરે અવિનાશિની
પ્રહર્ષણભરી શક્તિ લહી એણે ઠોકરાતી હતી ન જે.
અમર્ત્ય સત્ય દેખાયું,
જે સૌ હ્યાં સરજાયે છે ને પછીથી જેનો નાશ કરાય છે
તેની નિત્યસ્થાયી શક્તિસ્વરૂપ છે,
માતા સૌ દેવતાઓની ને બધાંય બળોતણી,
જે મધ્યસ્થા બની યુક્ત કરી દે છે પૃથ્વીને પરમેશ શું.
આપણી સૃષ્ટિની રાત્રી પર રાજય જે સમસ્યા ચલાવતી
તે સમાપ્ત થઇ ગઈ,
આચ્છાદતી અવિદ્યાનો છદ્મવેશ હરાયો ને હણાઈ એ;
વસ્તુઓ પરના એના ભ્રાંતિએ ભર ચિત્તના
વાઘાઓ વેગળા થયા,
સર્યા મંદ મનોભાવો એની ઈચ્છા કેરા વિકૃતિ આણતા.
સર્વ જોનાર તાદાત્મ્યે માના ઉજ્જવલા ધરી
જ્ઞાન-અજ્ઞાન બન્ને ના શકત બાથડવા રહ્યાં;
વિરોધો આસુરી મોટા
વિશ્વની ચાલબાજીમાં સામસામા ધ્રુવો શત્રુત્વ દાખતા
દ્વિગુણા પડદા કેરો માયારોપ કરી ના શકતા હતા,
આપણી ને અંબિકાની વચ્ચે આડા પડી ના શકતા હતા.
ઋતજ્ઞાન હતું પાસે સ્વકાર્યોના છળવેશે છુપાયલું,
તમોગ્રસ્ત જગત્ જેના જામારૂપ બનેલ છે.
અસ્તિત્વ લાગતું ન્હોતું નિરુદ્દેશ અધ:પતનના સમું.
ને લાગતું ન નિર્વાણ મોક્ષ કેવળ એકલો.
ગુપ્ત શબ્દ મળ્યો 'તો ને જેની દીર્ધ કાળથી શોધ ચાલતી
હતી તે હાથ આવ્યું 'તું સૂત્ર માર્ગ બતાવતું,
અચેતન અવસ્થામાં જડતાએ ભરેલી વસ્તુઓતણી
ને મર્ત્ય જિંદગી કેરી તિરસ્કૃત દશામહીં,
પૂર્ણતા જ્યાં નથી એવા દેહ ને મનની મહીં
રહેવાની સજા જેને થયેલ છે,
આપણા તે જીવના જન્મનો અર્થ પ્રકાશિત થઇ ગયો.
હૈયું એક લહેવાયું વિશાળાં ને ઉઘાડાં ગગનોમહીં,
શુભ્ર અધ્યાત્મ ઉત્સોથી આવનારા દેદીપ્યમાન પ્રેમથી
અજ્ઞાન ગહનો કેરો શોક લુપ્ત થઇ ગયો;
અમર સ્થિરતામાં માના લય દુઃખતણો થયો.
જીતી લીધું મૃત્યુને હ્યાં પારના એક જીવને;
ભૂલ ના કરવી એ તો છે સ્વાભાવિક આ સ્થળે;
જ્યાં બધું જ્યોતિ ને પ્રેમ ત્યાં બુરાઈ આવી ના શક્તિ હતી.
એનામાં યોગ પામ્યા 'તા નિરાકાર અને સાકાર બેઈએ.
સારી અસીમતાથી યે દૃષ્ટિ એક ચઢી ગઈ,
મુખે એક કર્યું વ્યક્ત ખીચોખીચ અનંતને.
બળો સૃષ્ટિતણાં અંધ શોધે છે જે સીમામુક્ત મહામુદા,
તેને અવર્ણ્ય વિધિએ મૂત્તિમંત કરંતો અંગઅંગમાં
એનો સૌન્દર્યનો દેહ
વિરાજતો હતો ચંદ્ર જેમ ભૂમાનંદના સિંધુઓ પરે.
જન્મ, આયાસ ને ભાગ્યતણે માથે ઊભી રહેલ એહ છે,
એને સાદે ચક્કરો લે મંદ મંદ એમના યુગના ક્રમો;
કાલ-કાલિયનો પાયો માત્ર એના હસ્તો જ બદલી શકે.
રાત્રિ જેને છુપાવે છે તે રહસ્યમયતા એહની જ છે;
કીમિયાગર જે ઓજ આત્માનું તે તદીય છે;
છે એ સુવર્ણનો સેતુ, આશ્ચર્યમય અગ્નિ એ.
છે એ અજ્ઞાતનું હૈયું પ્રકાશતું,
પ્રભુનાં ગહનોમાં એ શક્તિ નીરવતાતણી;
છે એ ઓજ અને છે એ શબ્દ જેના વિના નિર્વાહ થાય ના,
છે એ ચુંબક મુશ્કેલ આરોહે ઊર્ધ્વ ખેંચતું,
છે એ તે સૂર્ય જેમાંથી
આપણા સર્વ સૂર્યોને આપણે પ્રકટાવતા,
અસાક્ષાત્કૃત ધામો જે વિશાળાં ત્યાંથકી લળી
આવનારો પ્રકાશ એ,
છે એ આનંદ સંકેતે આમંત્રે જે અશક્યથી,
મહાસામર્થ્થ છે સૌનું જે કદી યે નીચે અવતર્યું નથી.
સારી પ્રકૃતિ એને જ છે બોલાવી રહેલી મૂકભાવથી,
કે એના ચરણસ્પર્શે એ અનામય દે કરી
પીડાપૂર્ણ પ્રાણના ધબકારને,
માનવીના તમોગ્રસ્ત આત્મા પર મારાયલી
તોડે સીલ સમસ્તને,
ને પ્રદીપ્ત કરે અગ્નિ પોતાનો એ
વસ્તુઓના બંધ હૃદયની મહીં.
છે અહીં તે બધું એક દિન ધામ એના માધુર્યનું થશે,
પરસ્પર વિરોધી છે જે બધું તે
એના સંવાદિતા સજજ બનાવશે;
આપણું જ્ઞાન આરોહી રહ્યું છે એહની પ્રતિ,
એને માટે મારે છે ભાવ ફાંફાં બની ઉત્કટ આપણા
નિવાસ આપણો થાશે આશ્ચર્યોએ ભર્યા એના પ્રહર્ષણે,
એના આશ્લેષમાં દુઃખ આપણું પલટાઈને
મહામોદ બની જશે.
આપણો આત્મા સૌના યે આત્મા સાથે
એના દ્વારા એકરૂપ બની જશે.
રૂપાંતર લભી એની મહીં, એને અનુરૂપ બની જઈ
જીવન આપણું એને જે પ્રત્યુત્તર આપશે
તેથી સાર્થકતા થાતાં
ઊર્ધ્વે, એ પામશે સીમાહીન શાંત મહાસુખો,
ને નીચે, દિવ્યતા કેરા આશ્લેષે છે તે મહાદભુત વસ્તુને.
જાણે કે પ્રભુના ગાજવીજના ચમકારમાં
તેમ વિજ્ઞાત આ થતાં,
શાશ્વત વસ્તુઓ કેરા મહાહર્ષે રાજાનાં અંગને ભર્યાં;
આશ્ચર્ય ઉતર્યું એની હર્ષોન્મત્તા મુગ્ધ સંવેદના પરે;
પકડાઈ ગયો એનો આત્મા માની અસહિષ્ણુતા ઉદર્ચિએ.
એક વાર માનાં દર્શન પામતાં
એક એને જ રાજાનું હૈયું સ્વીકારતું થયું.
અવશેષે રહી માત્ર ભૂખ અંત વિનાની સંમુદાતણી.
બધાં યે લક્ષ્ય એનામાં લયલીન થઇ ગયાં,
અને પાછાં પ્રાપ્ત એની મહીં થયાં;
એનો આધાર એકત્ર થયો ને તે
નિર્દેશંતો સ્તૂપ એક બની ગયો.
બોવાયું એક આ રીતે બીજ અનંત કાલમાં.
ઉચ્ચારાતો શબ્દ એક, દર્શાવાતી અથવા જ્યોતિ એક કો,
ક્ષણ એક જુએ છે ને વ્યક્ત એને કરવા મથતા યુગો.
આમ અકાળમાંહેથી છલંગીને વિશ્વ આવ્યાં ઝબૂકતાં:
નિમિત્ત વારસો કેરું છે એક ક્ષણ શાશ્વત
એણે જે સૌ કર્યું 'તું તે હતું કામ તૈયારીનું જ ક્ષેત્રની;
એના તનક આરંભો માગતા 'તા ભીમકાય સમાપ્તિને :
કાં કે પોતે
તે બધું યે નવે રૂપે ઘડાવું જોઈએ હવે,
સંમૂર્ત્ત કરવા માટે એનામાં હર્ષ માતણો,
માનું સૌન્દર્ય-મહાત્મ્ય સ્થાપવાને એના જીવનમંદિરે.
પણ આત્મા હવે એનો જાત માટે બન્યો 'તો અતિશે બૃહત્ :
એના હૃદયની માગ માપી જાય નહીં એવી બની હતી :
મોક્ષ એનો એકલાનો સંતોષી શકતો ન 'તો,
પૃથ્વી ને માણસો માટે
માની જ્યોતિ અને માનો હર્ષ એ માગતો હતો.
કિંતુ અજ્ઞાન ને મૃત્યુકેરી સીલ પૃથ્વી પર મરાયલી
તોડવા અમથાં મારે વલખાંઓ શક્તિ ને પ્રેમ માનુષી;
બાલ-પકડના જેવું લાગતું 'તું
અત્યારે તો ઓજ એના સ્વભાવનું;
ઝાલી લેવા પ્રસારેલા હસ્ત માટે
વધારે પડતું છે સ્વર્ગ ઊર્ધ્વમા.
મથામણે વિચારે વા આ પ્રકાશ ન આવતો;
મનના મૌનમાં કાર્ય પરાત્પરતણું થતું,
ને હૈયું ચુપકીદીમાં સાંભળે છે અનુચ્ચારિત શબ્દને.
એકમાત્ર હતું એનું બળ પાર વિનાની શરણાગતિ.
કરવું જોઈએ કાર્ય શિખરોએ રહેતી એક શક્તિએ,
જિંદગીના બંધ કક્ષે
અમરાત્માતણી એણે અણવી જોઈએ હવા,
ને સાન્તને ભરી દેવું જોઈએય અનંતથી
વિદારી નાખવાનું ને હણવાનું છે જે સૌ ઇનકારતું,
કચડી નાખવાની છે લાલસાઓ અનેકશ :
જેમને કારણે એક છે ગુમાવેલ આપણે-
એક જેને કાજ સર્જાયાં છે જીવન આપણાં.
એનામાં અવ પોકાર બીજા દવાઓએ ચૂપ કર્યો હતો :
માત્ર તલસતો 'તો એ
આકર્ષી આણવા માટે માનાં સાન્નિધ્ય-શક્તિને
પોતાને હૃદયે. ચિત્તે ને શ્વસંત શરીરમાં;
આવાહી લાવવા નીચે એ ઝંખ્યા કરતો હતો
અંધકારમહીં દુઃખ સહેતી દુનિયાતણા,
રોગદોગ મિટાવતો
સ્પર્શ માના પ્રેમનો ને સત્યનો ને મુદાતણો.
આત્મા મુક્ત થઇ એનો માને માત્ર સમર્પાઈ ગયો હતો.
આત્માનું ધામ અને નવી સૃષ્ટિ
રજા અશ્વપતિએ અત્યાર પહેલાં જે બધું કર્યું હતું તેના કરતાં વધારે જબર-જસ્ત કામ બાકી રહ્યું હતું. જેની અંદરથી અખિલ અસ્તિત્વ આવેલું છે, વિચાર વડે ન પકડાયેલું સત્ય જે જાણે છે, ને સર્વ કંઈ જોનારી દૃષ્ટિથી જ સચરાચરની સંભાળ લઇ રહ્યું છે તેની તરફ એ હવે વળ્યો. પૃથ્વી પર અત્યાર લગી ન હતું તેવું એક બળ એને જોઈતું હતું, માનવી સંકલ્પની શક્તિથી અતિમહાન એક દૈવી શક્તિની સહાય એને જોઈતી હતી, હાલ માત્ર દૂરથી જ દેખાતા એક સત્યની જ્યોતિ, સર્વશક્તિ-માન મૂળમાંથી આવતી સંમતિ એ માગતો હતો. પરંતુ ઊર્ધ્વમાંથી ઉત્તર આવ્યો નહીં. અચેત અંધારમાંથી આવતો અવરોધ, જીવનનાં ઊંડાણોમાંથી ઊઠતો અસ્વીકાર, વસ્તુઓના ઉદભવમાંથી આવતો ઇનકાર એણે જોયો. એના પોતાના અચિત્ માં પ્રાણમાં અને મનમાં જે દગાબાજ તત્વો હતાં તેમનો બડબડાટ અને ફડફડાટ ને તેમની વિરોધી પ્રવૃત્તિ આડે આવતાં હતાં. પુરાણી આદર્શ લાગતી વસ્તુઓ ઉપરની પ્રીતિ, રૂપાળી દેખાતી અપૂર્ણતાઓ, મીઠી દુર્બળતાઓ વકીલાત કરી દયા યાચી રહી હતી. એ સૌને ભરાઈ રહેવા માટે ખાસ્સું અંત વગરનું અચિત્ એમને મળ્યું હતું.
રાજા સાવધ બન્યો. કામનાને લોહીલુહાણ કરી એના મૂળમાંથી એણે ખેંચી કાઢી ને એનું ખાલી થયેલું સ્થાન દેવોને આપ્યું. એનો અંતરાત્મા સાગર માફક ઊમટીને આગળ આવ્યો ને એના તનમન ઉપર ફરી વળ્યો. એની ચેતના વિશ્વને ભેટવા માટે વિસ્તરી. એણે પોતાની અંદરના સર્વને અંતર્યામીનું સામ્રાજય બનાવી દીધું. એને પ્રાપ્ત થયેલી વિશ્વરૂપતામાં એનાં મન સાથે બધાં મન, એના હૃદય સાથે બધાં હૃદય, ચૈત્ય સાથે ચૈત્ય, ને એનાં માંસમજ્જા સુધ્ધાં ભૂતમાત્ર સાથે એકાકાર બની ગયાં. રાજા કૃતાર્થ બન્યો. એ અવસ્થામાં એ વિશ્વ પારના આરોહણ માટે ને વિશ્વને બચાવી લે એવા અવતરણ માટે વાટ જોવા લાગ્યો. એના માનવી
વાઘા ઊતરી ગયા, સર્વશક્તિમાનની અવિચલ શાંતિમાં એ સ્થિર થયો ને એનાં અંગાંગ ઉપર પરાત્પર પરમાત્માનો હાથ મુકાયો.
એના આત્માએ હવે તારાઓના ક્ષેત્રરૂપ અવકાશને તજ્યો. પ્રભુના શ્વાસથી એની નૌકા ચાલવા લાગી. એ એક સર્વજ્ઞ સમાધિમાં લીન થયો. સત્ , અસત્ ને એ ઉભયથી રહિત અવસ્થામાં યાત્રા કરતો કરતો એ પોતના સનાતન મૂળે પહોંચ્યો. ત્યાં કશું પાંખ ફફડાવતું ન 'તું, ત્યાં આદિ કે અંત જેવું કશુંય ન 'તું, કલ્પોનો કામદાર ત્યાં આરામમાં ઠળેલો હતો. ત્યાં હતું બ્રહ્યની નિશ્ચલ શક્તિનું સામ્રાજય, સર્વજ્ઞ અને સર્વસમર્થ કેવળ શાંતિ ત્યાં વિરાજતી 'તી. સર્વને અવલોક્તા એક એવા બ્રહ્યાત્મા સાથે રાજા ત્યાં રહ્યો, ને પોતે અજન્મા અને અમર બની ગયો. ત્યાં નીરવતા હતી દેવતાઓના જન્મ પૂર્વની નીરવતા. વિશ્વશક્તિ ત્યાં પરમાત્માના આદર્શની મૂક ભાવે વાટ જોઈ રહી હતી.
પછી તો એક જીવંત એકતા રાજાના હાર્દમાંથી વિસ્તરતી અનુભવાઈ. મહા-સુખ, પ્રકાશ અને શક્તિ અને અગ્નિવિશુદ્ધ પ્રેમ એક બૃહત્ આશ્લેષમાં અંતર્ગત થયાં. અનેક જગતો હોવા છતાં તે સૌને આત્મા તો એક જ હતો. આ જ્ઞાનમાંથી એક અદભુત સર્જન સમુદભવ્યું. એમાં અસંખ્ય રૂપોમાં રમમાણ એકતાના હૃદયે સર્વનો નિવાસ હતો. કોઈ કોઈથી અળગું પડેલું ન 'તું, કેવળ પોતાની જાત માટે જીવતું ન 'તું; પ્રત્યેક પોતાની તેમ જ અન્ય સર્વની અંદરના પ્રભુ માટે જીવન ધારતું. મૌનના હૃદયમાંથી હાસ્ય ફૂટતું, શાંત અવકાશમાં સૌન્દર્ય લહેરિયાં લેતું. કાળના અગાધ જ્ઞાન હૃદયમાં જ્ઞાન પ્રકાશતું.
ત્યાં રાજાનું મન સંપર્ક સાધતાં અસંખ્ય મનોને પ્રત્યુત્તર આપતું. રાજાનો શબ્દ વિશ્વની વાણીના અક્ષરોનો બનેલો હતો. રાજાનું જીવન બ્રહ્યાંડની હિલચાલનું ક્ષેત્ર હતું. કરોડો કામનાઓ મેળમાં રહી એક જ લક્ષ્યની પ્રતિ ગતિમાન રહેતી. રાજાના હૃદયમાં કોટિ કોટિ જીવોનું સુખ એકનું જ હોય એવું બની ગયું હતું. એક-સ્વરૂપ સર્વસ્વરૂપ પ્રતિ ને સર્વસ્વરૂપ એકસ્વરૂપ પ્રતિ અભિલાષા રાખતો. બ્રહ્મની શુભ્ર તટસ્થતા આશ્ચર્યોની ક્રીડાભૂમિ બની ગઈ હતી. ગૂઢ એકલાની ગૂઢ શક્તિઓ ત્યાં મળતી. સનાતન દેવી પોતાના બ્રહ્યાંડમય ગૃહમાં સંચાર કરતી ને પ્રભુની માતાના સ્વરૂપમાં પોતના બાલક સાથે રમતી. પ્રભુને માટે વિશ્વ માનું પ્રેમનું હૃદય હતું. સનાતન સત્યો પ્રભુનાં રમકડાં હતાં. ત્યાં જડતત્વ આત્માની સઘનતાનું બનેલું હતું. કાળ ત્યાં શાશ્વતીનો પારદર્શક જામો હતો. અનંતતાના પુલિનો પર ગોચર જગત સત્યતાનું ગ્રીષ્મગુહ હતું.
આ આધાત્મિક અવસ્થાઓથી સમાન્તર એવી એમનાથી ઊલટી યોજના પણ કાર્ય કરતી હતી. બે ઇનકારોનો ભેટો થતો, પોતાનામાં રહેલા આત્માને ન
જાણનારું જગત ને પોતે જે જગતને બનાવ્યું છે તેને ન જાણતો આત્મા. ત્રણ શક્તિઓ એ વિસંવાદિતા પર અમલ ચલાવતી. આરંભમાં એક અજ્ઞાન શક્તિ, મધ્યમાં પ્રયત્ને મચેલો દેહધારી જીવ, અને અંતમાં જીવનનો ઇનકાર કરતો નીરવ આત્મા.
અજ્ઞાનનો અંધકાર કોશેટો બનીને આપણા ઉદાત્ત ભાવિને છુપાવી રાખે છે. એની અંદર પુરાયેલો પાંખોળો ચમત્કાર સમય પહેલાં નીકળીને પોતાના સૌન્દર્યને નિરાકાર વિરાટમાં રખે ને વેડફી મારે ને અજ્ઞેયની રહસ્મયતામાં ગરક થઇ જઈ જગતનું અલૌકિક ભાવી સિદ્ધ કર્યા વગર રખે ને એ તેને તજી દે એ એક ચિંતા રહેતી.
અત્યારે માત્ર ભ્રમણા માનતી એક નવી સૃષ્ટિ જૂનીમાંથી ઊભી થશે, જ્ઞાનને વાક આવશે, સૌન્દર્ય સ્વર્ગીય પ્રફુલ્લતા ધારશે, સુખદુઃખ પરિપૂર્ણ આનંદમાં નિમગ્ન થઇ જશે : પરમાત્મા પૃથ્વી ઉપર સચેતન બનશે, કાળના નૃત્યમાં શાશ્વતનાં આશ્ચર્યો જોડાશે.
અશ્વપતિને જયારે દૂરનું જગત વિદેશીય જેવું જણાતું હતું, આત્મા અને શાશ્વતી, એ બે જ સત્ય જણાતા હતા, ત્યારે મથામણમાં પડેલી ભૂમિકાઓમાંથી એક સ્મૃતિ આરોહીને એની પાસે આવી. એની સાથે આવેલા પોકારને નિગૂઢ પરમાત્માના એક રશ્મિએ ઉત્તર આપ્યો.
છેક નીચે અણસીમ એકતા વસી રહી છે. બીજ રૂપે રહેલો જીવ ત્યાં પોતાની સર્વશક્તિમત્તાની ને સર્વજ્ઞતાને છુપાવીને રહેલો છે. રાજાને જાતનું ને પોતે શા માટે જન્મ લીધો છે તેનું ભાન હતું. પોતાનમાં બે સત્વો હતાં, એક વિશાળ, મુક્ત અને કૂટસ્થ, બીજું ઉપરનાનો અંશ ને પ્રયાસપરાયણ, બદ્ધ અને આવેગી. એ બન્નેનો સંબંધ થઇ જાય તો તે બે ભુવનો વચ્ચે સેતુબંધ બની જાય.
બધું જ કંઈ સૂમસામમાં સમાપ્ત થતું નથી. રાતના દીવા જેવું રાજાનું હૃદય ક્યાંક સચેતન હતું ને એકલું નીચે ઢળેલું હતું. ત્યાંથી તે હવે ગૂઢ આરાધનાના ભાવમાં લીન બનીને પોતાના પ્રકાશના ને પ્રેમના પ્રભવ પ્રતિ વળ્યું. પોતે જેમને જોઈ શકતું ન 'તું તે ઊંચાઈઓ પ્રતિ એણે નજર નાખી, પોતે જેમને છોડી શકતું ન 'તું તે ઊંડાઈઓમાંથી એ ઝંખના કરી રહ્યું હતું. અર્ચના જ એનો એકમાત્ર ધર્મ હતો, પરમાનંદને વસ્તુમાત્રના કારણ રૂપે એણે પ્રમાણ્યો હતો; બીજું કોઈ જેમાં ભાગીદાર બની શકતું ન 'તું તે કઠોર મહાસુખનો એણે બહિષ્કાર કર્યો, શાંતિ માટે જ જે શાંતિ હતી તેનો અસ્વીકાર કર્યો, ને પોતે જેની સાથે તાદાત્મ્ય સ્થાપવા માગતું હતું તે જગદંબા તરફ એ વળ્યું. પૃથ્વી ને પૃથ્વીના માનવો માટે એ દેવીનું આગમન બધા માગતા હતા. અજ્ઞાત પ્રતિ એણે પ્રાર્થનાનો પોકાર પાઠવ્યો. માના પદધ્વનિને સુણવાની એની આશા હતી. નિ:સ્પંદ આત્મામાં થઈને આવવાવાળા પરમાત્માના આદેશના શબ્દની એ રાહ જોતું હતું.
પોતે જે સૌ કર્યું 'તું તે થકી જ્યાદા
જંગી કાર્ય બાકી રહી ગયું હતું.
જ્યાંથી અસ્તિત્વ સૌ આવે તેની તરફ એ વળ્યો,
આપણાં ચિંતનો પૂઠે છે જે સત્ય, ને જે નથી ગ્રહાયલું,
તેનું છે જ્ઞાન જેને જે
જે પોતાની સર્વદર્શી દૃષ્ટિ દ્વારા ચોકી વિશ્વતણી કરે
તે રહસ્યમહીંથી એ સંજ્ઞા રૂપે ઉપસ્થિત.
ગમ્ય જેહ નથી એવી નિજ ચૈત્યતણી નિ:સ્પંદતા મહીં,
સાન્દ્ર, એકાગ્ર, ને ભવ્ય, એકાકી ને ધીરભાવ વડે ભર્યો,
સંમૂર્ત્ત આશના જેવો બેઠો 'તો એ પ્રાર્થના-પીઠિકા પરે
ગતિહીન બની જઈ.
હજુ જે ન હતું પૃથ્વી પર તેવું બળ એ માગતો હતો,
મર્ત્ય સંકલ્પને માટે અતિશે જે મહાન છે
એવી શક્તિતણી સાહ્ય એ સંપ્રાપ્ત કરવા માગતો હતો,
અત્યારે દૂરથી માત્ર દેખાતું તે સત્યની જ્યોતિ ઝંખતો,
સર્વસમર્થ પોતાના
ઊર્ધ્વવર્તી મૂળ કેરી મંજૂરી માગતો હતો.
કિંતુ આભા બનાવી દે
એવાં શૃંગોથકી એકે શબ્દ આવ્યો નહીં નમી;
હતાં આવરણો ઢાંક્યાં કાલાતીત, આવ્યો એકે ઉઘાડ ના,
અસહાયા ઉદાસીના રિક્તતાથી પીડાતાં વરસો હતાં.
બદ્ધ માનવતા કેરા સ્વાભાવિક વણાટમાં
એણે અનુભવ્યો એક પ્રતિરોધ, જંગી, કટ્ટર, નીરવ;
અચિત્ ને અંધ આધાર આપણો જે ત્યાંથી એ આવતો હતો,
ઊંડાણોમાં પ્રાણ કેરાં હઠીલો ને મૂક જે ઇનકાર છે,
ને વસ્તુમાત્રને મૂળે જે અજ્ઞાન નકાર છે
ત્યાંથી એ આવતો હતો.
નિજ દૃષ્ટિથકી છૂપો
અવગુંઠનમાં રે'તો રાત્રિ સાથે
સહકાર પોતામાંયે હતો હજુ :
નિજ પાર્થિવ સત્તામાં
હજી એવું હતું કૈંક, અચિત્ સાથે રાખતું 'તું સગાઈ જે,
કેમ કે એ અચિત્ માંથી એનો જન્મ થયો હતો.
લુપ્ત ભૂતતણી સાથે છાયારૂપક એકતા
જગને ચોક્ઠે જૂને સંઘરીને રખાયલી
હતી છાની છુપાયલી,
ને તે પ્રત્યે ગયું ન્હોતું લક્ષ્ય દીપિત ચિત્તનું,
અને તે મન ને આત્મા આપે એને પસંદગી
તે માટે કાનમાં આવી જપતી 'તી હજીયે અવચેતને
અને સ્વપ્નદશામહીં.
તત્વો તેનાં દગાખોર પ્રસર્યાં 'તાં દાણા લપસણાસમાં
ને આશા રાખતાં 'તાં કે સત્ય જેહ ભીતરે આવતું હતું
તે પડે ઠોકરાઈને
અને પર્યટતા જૂના આદર્શોના અવાજ ત્યાં
રડતા સ્વરથી દિવ્ય દયા માટે આજીજી કરતા હતા
કે આપણી ધરા કેરી મનોહર અધૂરપો
અને મર્ત્ય અવસ્થાનાં મીંઠા મીંઠા દૌર્બલ્યોને મળે જગા.
બેવફા પ્રભુને જે આ હતું તત્વ તેની શોધ કરી કરી
તેને દેશપાર કાઢી મૂકવાનું નક્કી એણે કર્યું હવે.
સાવ ખુલ્લાં કર્યાં એણે છૂપાં સ્થાન સ્વભાવનાં,
અંધારાં ભોંયરાંઓ ને ખૂણાઓ સૌ શોધ્યાં અગ્નિ-સહાયથી,
જ્યાં શુભ્ર શુદ્ધિની સ્વર્ગતણી પાવક જવાળથી
બચવાને શોધતાં 'તાં આશરો અંધકારમાં
સહજવૃત્તિઓ દૂર કરાયલી
ને વિદ્રોહો રૂપબદ્ધ જેઓ હજુ થયા ન તે.
હતું અદિવ્ય તે સર્વ લાગતું 'તું નાશ પામી ગયા સમું :
છતાં કો અણુ શું છેક ભિન્ન તત્વ છટકી જાય, શક્ય તે,
ને અંધ શક્તિનું છૂપું કેન્દ્ર કોક રહે હજુ.
એનું કારણ એ છે કે અચિત્ સુધ્ધાં અનંત છે;
એના ગર્તોતણું માપ
કાઢવાનો જેમ જેમ વધુ આગ્રહ આપણો
તેમ તેમ વધારે એ વિસ્તરે છે,
વિસ્તરે છે અંત આવે ન ત્યાં સુધી.
રખે માનવ પોકાર કરી દે ભ્રષ્ટ સત્યને
એને માટે પછી એણે કામનાને
બળાત્કાર કરી ખેંચી કાઢી એનાં રક્ત ઝરંત મૂળથી,
ને થયેલી જગા ખાલી દેવોને અર્પિતા કરી.
નિષ્કલંક સ્પર્શ આમ ધારવા એ શક્તિમાન બની ગયો.
સૌથી જબ્બર ને છેલ્લું રૂપાંતર થયું હવે.
મહાસાગરની જેમ અંતરાત્મા એનો આગળ આવિયો,
અને ફરી વળ્યા તેના તરંગો ત્યાં મન ને દેહની પરે;
આશ્લેષે વિશ્વને લેવા વિસ્તરેલો
એનો આત્મા અંતર્બાહ્ય એકાકાર બનાવતો
વિશ્વવ્યાપી રાગમેળરૂપ જીવનને કરી
અંતર્યામીતણું એને મહારાજ્ય બનાવતો.
આ વિશ્વાત્મકતા એની બેશુમાર બની ગઈ
એવી કે તેમહીં એની ચૈત્ય-પ્રકૃતિએ તથા
ચિત્તભાવે સમાવેશ પોતાને અંતરે કર્યો
પ્રત્યેક ચૈત્ય-આત્માનો અને પ્રત્યેક ચિત્તનો,
એટલું જ નહીં કિંતુ બદલાઈ ગઈ બધી
જિંદગી માંસમાટીની ને શિરા-સ્નાયુઓતણી
ને જે જીવંત છે તે સૌ સાથે માંસમાટીમાં ને શિરાદિમાં
એકરૂપ બની ગઈ.
બીજાઓનો હર્ષ એને પોતાનો હર્ષ લાગતો,
ને બીજાઓતણો શોક એ પોતાના શોકના સમ ધારતો,
સારા યે વિશ્વને માટે એને હૈયે અનુકંપા ભરી હતી,
મહાસાગર જેવી વિશાળી એ
સૃષ્ટિ કેરા ભારને ધારતી હતી
ધારે છે ધરણી જેમ યજ્ઞ જીવસમસ્તનો,
નિગૂઢ પરમાત્માના આનંદે ને શાંતિએ રોમહર્ષિણી.
હતું ના ટીપણું હાવે અંતવિહિન ભેદનું,
આત્માની એકતા છૂપી એકાકાર બનાવતી,
સારો સ્વભાવ લ્હેતો 'તો એકમાત્ર મુદા ફરી;
જીવ ને જીવની વચ્ચે ફાટફૂટ હતી નહીં,
વિશ્વને ને વિભુની વચ્ચે હતો એકે ન આંતરો.
રૂપ ને સ્મૃતિની સીમા રચનારી
રેખા કેરો પરાભવ થયો હતો;
મન આચ્છાદતું ઝાલી બેળે ખેંચી કરાયું અળગું હતું,
ઓગાળી એ કાઢ્યું 'તું ને હવે એ સંભવી શકતું ન 'તું,
જેણે જગ બનાવ્યું છે તે દેખાતી હતી એકલ ચેતના;
જ્યોતિ જ્યોતિ અને ઓજ ઓજ સર્વ હતું હવે.
ક્ષુદ્ર સ્વરૂપનું ચક્ર હવે ચાલી ગયું હતું,
એની અંતિમ ને આછી નિશાની યે લોપ પામી ગઈ હતી;
પૃથગ્-ભાવી હવે સત્-તા સંવેદાતી હતી નહીં;
થઇ અલોપ એ હાવે જાતનેય ન જાણતી,
હતી પ્રલય એ પામી આત્મા કેરી વિશાળી એકતામહીં.
સર્વમયતણી એક ગતિરૂપ સ્વભાવ એહનો બન્યો,
પોતાને શોધતાં એને જણાયું કે स एव સર્વરૂપ છે,
હતો પ્રતિનિધિ એનો જીવ સર્વસ્વરૂપનો,
જે એક પરમાત્મા શું થવા યુક્ત
વળી પાછો જતો 'તો સ્વ-સ્વરૂપથી.
માનુષી વિધિનું સૂત્ર થઇ પાર ગયું હતું;
પૂર્ણપાવનને છાયાગ્રસ્ત હૈયું માનવી જે બનાવતું
તેણે ધબક ધારી 'તી દેવ કેરી મહાબલી;
છે જેને જ્ઞાન તે સત્યમહીં એનું
મન ખોજ કરનારું શમ્યું હતું;
વિશ્વ જીવનનો સ્રોત્ર હતું જીવન એહનું.
કૃતાર્થ એ હતી ઊભો વિશ્વ કેરી સર્વોચ્ચ રેખની પરે,
વાટ જોતો વિશ્વ પાર લઇ જાતા ચડાવની,
વાટ જોતો વિશ્વ કેરા પરિત્રાણે આવતા અવતારની.
પ્રભાવી મહિમા એક ને પ્રતીક પૃથ્વીને વીંટળી વળ્યાં,
આવિર્ભાવો આત્મસ્થ અવલોકતા,
અને પવિત્ર વિસ્તારો ઘેરાઓ ઘાલતા હતા,
પ્રાજ્ઞ અનંતતાઓનાં સાંન્નિધ્યો નિકટે હતાં,
તેજસ્વી દૂરતાઓ યે ઝુકી પાસે સગોત્ર શી.
ઇન્દ્રિયજ્ઞાનનો લોપ થયો ભવ્યરૂપ એ વિલસાટમાં,
શ્રણજીવી સ્વરો એના શ્રવણોથી સરી પડયા,
ને વિચાર ગુમાવીને સ્વસામર્થ્થ કો થાક્યા દેવના સમો
વિશાળો ને વિભાહીન ગયો ડૂબી ગૂઢના સાગરોમહીં.
મર્ત્ય ચિંતનના વાઘા ફગાવાઇ ગયા તળે
નિરપેક્ષા દૃષ્ટિ માટે જ્ઞાન એનું અનાવૃત તજી દઈ;
સંચલન પડયું બંધ દૈવનું ને બંધ પ્રકૃતિની પડી
સદા જાગૃત પ્રેરણા :
પ્હેલવાની ઉછાળાઓ ઠરી સંકલ્પના ગયા
નિશ્ચલા શાંતિમાં સર્વસમર્થની.
પ્રાણ પોઢી ગયો એનાં અંગોમાંહે
સુવિશાળ અને નિ:શબ્દતા ધરી;
નગ્ન દીવાલથી મુક્ત, ને અત્રસ્ત,
અમૃતત્વતણી દૃષ્ટિ સીમાહીન ધારી રહેલ એ.
પરવારી ગઈ છેલ્લી ગતિ ને તે સાથે સર્વ
સ્પંદહીન બની ગયું.
અદૃષ્ટ પરમાત્માના હસ્ત કેરો ભાર એની પરે હતો,
તેણે અંગો પરે એનાં બ્રહ્યમુદ્રા મારી માપી જતી ન જે,
ગળી અનંતતા એને ગઈ સીમાબંધમુક્ત સમાધિમાં.
ઉચ્છવાસે પ્રભુના પ્રેર્યો જેમ કોઈ નૌકા નિજ ચલાવતો
વિશાળા સાગરો મધ્ય થઇ જાય
તટો પ્રત્યે રહસ્યમયતાતણા,
નીચે અગાધ, અજ્ઞાત આસપાસ રહેલ છે,
તહીં અશ્વપતિતણા
આત્માએ તારકો કેરું ક્ષેત્ર અંધ, અવકાશ તજ્યો હવે.
માપિત જગને જે સૌ બનાવે છે તેનાથી દૂરદૂરની
ગુપ્ત શાશ્વતતાઓમાં ઝંપલાવી,
ફેણાતી મનની બાહ્ય સપાટીથી ફરી જઈ
સર્વજ્ઞાન સુષુપ્તિમાં
નિઃશબ્દ આપણામાંના વિરાટો પ્રતિ એ વળ્યો.
અધૂરી પ્હોંચ જ્યાં શબ્દ ને વિચારતણી, તે પાર ઊર્ધ્વમાં,
રૂપનો આખરી ટેકો છે તે દૃષ્ટિથકી પાર પ્રદેશમાં
પરચેતનની જ્યોતિ કેરા ઘેરા વિસ્તારોમાં વિલીન એ,
કે અલક્ષણ ને ખાલી શૂન્યાકારે કરતો એ મુસાફરી
માર્ગહીન અસંમેય મધ્યમાં સાવ એકલો,
યા અનાત્મા અને આત્મ અને આત્મવિહીનતા
પસાર કરતો જતો,
સચેત મનના સ્વપ્નકિનારાઓ પાર ઓળંગતો જતો,
અંતે જઈ પહોંચ્યો એ નિજ મૂલે સનાતન.
અશોક શિખરો માથે ઊડતો કો પોકાર ક્ષુબ્ધ ના કરે,
મર્ત્ય લીલાથકી ઊર્ધ્વે શુદ્ધ અસ્પૃષ્ટ વ્યાપ્ત છે
વાતાવરણ આત્માનું સૂમસામ અને નિશ્ચલતા ભર્યું.
ન ત્યાં આદિ, ન ત્યાં અંત;
જે સૌ છે ગતિમંતું તે સૌ છે ત્યાં શક્તિ સ્થાયી સદાયની;
ક્લ્પકાળતણો કાર્યશ્રમસેવી છે ઢળ્યો ત્યાં વિરામમાં.
ચાવીએ ચાલતી કોઈ સૃષ્ટિ શૂન્યમહીં ત્યાં ફરતી નથી,
ન ત્યાં કો રાક્ષસી યંત્ર જીવ જેને વિલોકતો;
કચૂડાટ કરે ના ત્યાં જંગી યંત્રો દૈવને હાથ ચાલતાં;
એક હી હૃદયે યોગ પુણ્યની સાથ પાપનો,
સ્વયં પ્રેમતણી બાથે સંઘર્ષી અથડામણો,
અસંગતિ અને દૈવયોગનાં મૂલ્ય કાઢવા
પ્રયોગ જીવને થાય તેની પીડા ત્યાં હતી ન ભયંકરી;
ખતરો ના મન કેરા જુગારનો
તટસ્થ દેવતાઓની હોડમાં જે મૂકે જીવન આપણાં,
જ્યોતિઓ ખસતી રે'તી, ને છાયાઓ વિચારની
ન 'તી ત્યાં પડતી બાહ્યવર્તી ચેતનની પરે,
ને છે જ્ઞાન જહીં એક અજ્ઞાન ખોજનાર તે
મૂક સાક્ષી આત્મ કેરા સ્વપ્નાનુભવની મહીં
અર્ધ-દૃષ્ટ જગત્ કેરો ભ્રમ ના ઉપજાવતી,
પગલાંની જિંદગીનાં અણજોડ ઠોકરાતી પરંપરા
જોવા ત્યાં મળતી ન 'તી,
આકસ્મિક પ્રયોજાતું જિંદગીનું સ્વરૂપ ને
સત્ય ને જૂઠની એની સમતોલપ્રમાણતા
પ્રવેશી શકતાં ન્હોતાં ગતિહીન એ નિર્વિકાર રાજ્યમાં,
એમને ત્યાં જીવવાને ન 'તું કારણ કોઈ કે
અધિકારેય ના હતો :
નિઃસ્પંદ નિત્યતામાં ત્યાં નિજમાં સમવસ્થિતા,
સર્વજ્ઞા ને સર્વશક્તિમતી સ્વશાંતિમાં રહી
બ્રહ્યની નિશ્ચલા શક્તિ માત્ર રાજ્ય ચલાવતી.
વિચાર સાથ સંઘર્ષ થતો ના ત્યાં વિચારનો,
ને ન સત્ય સત્યની સાથ બાખડે,
હકની ના પ્રતિસ્પર્ધી હક સામે લડાઈ ત્યાં;
ગોથાં ખાતાં અને અર્ધ-દેખાતાં ત્યાં ન જીવનો,
એક સંયોગથી બીજા અણધાર્યા સંયોગે સંચરંત જે,
અચિત્ અચિત્ સર્જ્યાં શરીરોમાં પરાણે ધબકંત તે
હ્રદયોના દુ:ખાનુંભવ ત્યાં નથી.
નિરાપદ અને ગૂઢ ને અમંદ અગ્નિના શસ્ત્રથી સજ્યા
રખેવાળો શાશ્વતીના સત્ય કેરા મોટા આધારની પરે
રાખતા 'તા સદા સ્થાપી ધર્મ એનો સનાતન,
ભવ્યભવ્ય એના અનંત ધામમાં.
મૂક અધ્યાત્મ પોતાના શયને ત્યાં નિર્વિકાર પડી પડી
પરા પ્રકૃતિ જાણે છે પોતાના આદિમૂળને,
અને નિશ્ચલ ભાવે એ નિત્ય કેરી શાંતિમાં સંસ્થિતા રહી
અનેકાનેક વિશ્વોના ચલનોને આપે છે અનુમોદનો.
સર્વ-કારણ, ને સર્વાધાર ને સર્વથી પૃથક્,
નિશ્ચલા સ્વ-અવસ્થામાં રહી સાક્ષી સમીક્ષતો,
આંખ અમિત મોટી સૌ સૃષ્ટ વસ્તુ નિરીક્ષતી.
અળગો, શાંતિમાં સૃષ્ટિ-ક્ષોભથી પાર ઊર્ધ્વમાં,
સનાતનીય શૃંગોમાં લયલીન બની જઈ
અકૂલ નિજ આત્મામાં સંરક્ષાયેલ એ રહ્યો ,
સાથી એનો હતો માત્ર एक एव વિશ્વને અવલોકતો.
મન અત્યંત ઓજસ્વી એવું કે જે ન બંધાતું વિચારથી,
પ્રાણ એવો અમર્યાદ કે આકાશ
એની ક્રીડા માટે નાનું બન્યું હતું,
એવો સીમાતીત આત્મા કે એને ના કાળની ખાતરી થતી,
આવું અશ્વપતિ માટે બન્યું હતું,
એણે અનુભવ્યો અંત વિશ્વના દીર્ધ દુઃખનો,
બન્યો આત્મા અજન્મા એ જે કદી મરતો નથી,
અનંતતાતણાં સત્રોમહીં સામેલ એ થયો.
આદિ એકાંતતા વિશ્વ-મર્મરાટ પરે પડી,
કાળ-જાયી વસ્તુઓની સાથે સ્થાપિત જે હતો
તે સંપર્ક મટી ગયો,
થઇ પ્રકૃતિની ખાલીખમ મોટી બિરાદરી.
બધી જ વસ્તુઓ પાછી અણાઈ 'તી
નિરાકાર પોતાના બીજરૂપમાં,
યુગચક્ર ઘડી માટે વિશ્વે નીરવતા ધરી.
જોકે પ્રકૃતિ પીડાર્ત્ત એણે છોડેલ જે હતી
તે વિશાળાં અસંખ્યાત નિજ ક્ષેત્રો
એની નીચે સાચવીને રહી હતી
છતાં એનું બેશુમાર મોટું કાર્ય
હઠી દૂર દૂર નષ્ટ થતું હતું,
જાણે કે આખરે જીવ વિનાનું કો સ્વપ્ન હો ન વિરમતું.
ઉચ્ચ નીરવતાઓથી શબ્દ એકે નીચે ના આવતો હતો,
એનાં એકાંત વેરાનોમાંહ્યથી કો ન 'તું ઉત્તર આપતું.
અવસાનતણી શાંતિ સ્પંદહીના કરી રાજ્ય રહી હતી,
દેવોના જન્મ પૂર્વે ની વિસ્તરેલી હતી અમર ચૂપકી;
આવૃત પરમાત્માના આખરી ફરમાનની
વિશ્વવ્યાપી શક્તિ એક વાટ જોઈ રહી હતી.
જાણે કો સિંધુ પોતાનાં અગાધોની કરતો હોય શોધ ના
ઓચિંતાંની તેમ એક દૃષ્ટિ નિમ્ન દિશે નમી;
જીવંત એકતા એક નિજ મર્મપ્રદેશે વિસ્તૃતા થઇ
ને અસંખ્ય સમૂહોની સાથે એણે સંયુક્ત નૃપને કર્યો.
એક મહાસુખે, એક જ્યોતિએ, એક શક્તિએ,
એક જવાલા-શુભ્ર પ્રેમે
પકડી સર્વને લીધું અણમેય એક આશ્લેશની મહીં;
અસ્તિત્વે એકતા કેરે હૈયે પ્રાપ્ત પોતના સત્યને કર્યું.
ને એ ઉભય સર્વેના આત્મા સાથે અવકાશ બની ગયાં.
લયો વિશ્વતણા મોટા
એક એવા ચિદાત્માના હૈયાની ધબકો હતા,
લહેવો ભાવ એ જવાલામયી શોધ હતી પરમદેવની,
સર્વે મન હતું એક વીણા અનેક તારની,
સર્વે જીવન સંગીત હતું મિલન પામતાં
અનેક જીવનોતણું ;
કેમ કે જીવનો ઝાઝાં હતાં કિંતુ આત્મા એક જ ત્યાં હતો.
આ જ્ઞાન વિશ્વના બીજ રૂપ હાવે બન્યું હતું :
ને સુરક્ષિત આ બીજ હતું રાખ્યું પટારામાં પ્રકાશના,
એને અજ્ઞાનના કોષની આવશ્યકતા ન 'તી.
પછી વિસ્મયકારી એ મહાશ્લેષ કેરી લયસમાધિથી,
ને एक एव એ હૈયા કેરાં સ્પંદનમાંહ્યથી
નગ્ન આત્માતણા વિજયમાંહ્યથી
નવીના ને અદભુતા કો સૃષ્ટિ એક સમુદભવી.
કળી શકાય ના એવાં આનંત્યો ઊભરી જતાં,
વણમાપી મુદા કેરા હાસ્યને બ્હાર વેરતાં,
બહુતાયુક્ત પોતાની એકતામાં નિવાસ કરતાં હતાં;
છે જ્યાં સત્-તા અબદ્ધા ને વિશાળ વ્યાપ્તિએ ભરી,
તે જગત્ કરતાં મૂર્ત્ત નિરહંકાર આત્મને
અતકિંત પ્રકારથી,
પ્રહર્ષ પરમાનંદી શક્તિઓનો
કરતો 'તો યુક્ત કાળ અકાળ શું,
ધ્રુવો છે જે એકમાત્ર મુદાતણા;
વૈશાલ્યો શુભ્ર દેખાયાં જ્યાં છે સર્વ લપેટાયેલ સર્વમાં.
વિપરીતો હતાં ના ત્યાં, ન 'તા ભાગો કાપી છૂટા પડાયલા,
બધા અધ્યાત્મ-અંકોડે બધા સાથે હતા ત્યાં સંકળાયલા
ને एक एव ની સાથે બંધાયેલા અવિચ્છેધ પ્રકારથી :
પ્રત્યેક અદ્ધિતીય ત્યાં
કિંતુ સર્વે જીવનોને પોતાનાં માનતો હતો,
ને અનંતતણી ભાવછટાઓને અંત પર્યંત સેવતો
પોતાની જાતમાં વિશ્વ રહેલું એ પિછાનતો.
અનંતતાતણી તેજી ઘૂમરીનું કેન્દ્ર દીપ્તપ્રભાવ એ
ધકેલાયેલ સર્વોચ્ચ નિજ અગ્રે અને ચરમ વિસ્તરે
લહેતો એ નિજાત્માની પરમાનંદદિવ્યતા
પુનરાવૃત્તિ પામેલી નિજ અન્ય અસંખ્યાત સ્વરૂપમાં.
અવ્યક્તિતરૂપનાં વ્યક્તિરૂપો ને પ્રતિમૂર્ત્તિઓ
પોતાના ક્ષેત્રમાં લેતો પરિશ્રાંત થયા વિના,
પ્રલંબાવ્યે જતો જાણે સ્વર્ગીય ગણનામહીં
સરવાળે ગુણાકારતણા હર્ષણથી ભર્યા
પુરાવૃત્તિ પાનારા શાશ્વતીના દશાંશકો.
કોઈ એ અળગું ન્હોતું, કોઈ માત્ર પોતા માટે ન જીવતું,
પોતામાં ને સર્વમાં જે હતો પ્રભુ
તેને માટે પ્રત્યેક જીવતો હતો,
પ્રત્યેક વ્યક્તિરૂપતા
અનિર્વાચ્યપણે ધારી રહેલી 'તી સમગ્રતા.
ત્યાં એકસ્વરતા સાથે હતી બદ્ધ ન એકતા;
હજોરો રૂપ પોતાનાં એ હતી બતલાવતી,
અવિકારી હતી એની સ્થિરતા જ્યોતિએ ભરી,
બળો જગતનાં જંગી નિજ ખામી વિનાના ખેલની મહીં
પરવા વણનું લાગે એવું સૂક્ષ્મ નૃત્ય જે યોજતાં હતાં,
જ્યાં નિત્યપલટો લેતાં અનિશ્ચેય પગલાં પડતાં હતાં,
ને સ્વાભાવિક સેવાનું દાસકાર્ય
જેઓ દ્વારા કરાવાતું હતું બળે,
તેમને ધારવા માટે
બદલાતું ન એવું એ હતી ક્ષેત્ર સદાકાળ સુરક્ષિત.
અભાસ નિજ આચ્છન્ન સત્ય પ્રત્યે જોતો 'તો મુખ ફેરવી
ને એકતાતણા હાસ્ય કરતા એક ખેલનું
ભેદને રૂપ આપતો;
અદ્વિતીયતણા અંશો રૂપે એણે બનાવ્યા પુરુષો બધા,
ને તે છતાંય છૂપા એ આત્મા કેરા પૂર્ણાંકો સઘળા હતા.
પ્રેમને કલહે મીઠે પલટાઈ સંઘર્ષ ગયો હતો
ખાતરીબંધ આશ્લેષ કેરા તાલમેળથી યુક્ત વર્તુલે.
સમાધાની સાધનારું સુખ એકાત્મતાતણું,
પૃથક્ તાને આપતું 'તું સુસંપન્ન સલામતી.
મળે પરમકાષ્ઠાઓ જોખમાળી જહીં તે રેખની પરે
ખેલાતો 'તો ખેલ ખેલો કેરો તૂટી પડે એ છેક ત્યાં સુધી,
આત્માના દિવ્ય લોપે જ્યાં આત્મપ્રાપ્તિ થતી હતી
એકતાના ભાવનો ત્યાં આવતો 'તો પરમાનંદ ઊછળી,
અવિભાજિત માધુર્ય જેનું સંમુદથી ભર્યું
સર્વસામાન્યતા કેરી અનુભૂતિ કરે કેવળબ્રહ્યની.
ડૂસકું દુઃખનું ક્યાંય ત્યાં જોવા મળતું નહીં;
એક હર્ષાગ્રથી બીજા હર્ષાગ્રે ત્યાં
અનુભૂતિ દોડ મારી જતી હતી :
વસ્તુઓનું હતું શુદ્ધ અને અમર સત્ય ત્યાં
પરમાનંદ એકલો.
સારી પ્રકૃતિ ત્યાં એક સચૈત્યન્ય મોખરો પ્રભુનો હતો :
સર્વમાં કરતી કાર્ય પ્રજ્ઞા એક સ્વયંસંચાલિતા અને
સ્વાત્મનિશ્ચયનિષ્ટ ત્યાં,
અસીમ જ્યોતિની એક હતી ત્યાં ભરપૂરતા,
ત્યાં પ્રામાણિકતા એક હતી અંત:સ્ફુરણાજન્ય સત્યની
સર્જક શક્તિનો એક મહિમા ને ભાવાવેગ હતો તહીં.
કૂદીને શાશ્વતીમાંથી અચૂક બ્હાર આવતો
વિચાર ક્ષણનો પ્રેરતો 'તો ક્ષણિક કાર્યને,
હૈયામાંથી મૌન કેરા
શબ્દ એક, હાસ્ય એક છલંગી આવતાં હતાં,
લય સુંદરતા કેરો શાંતિમાં અવકાશની,
જ્ઞાન એક કાળ કેરા અગાધ અંતરે હતું.
વિના સંકોચ સૌની પ્રત્યે ખુલ્લે ભાવે ત્યાં વળતું હતું :
એ બધી જ્યોતિએ પૂર્ણ જિંદગીના સ્પંદતા ઉરની મહીં
હતો પ્રેમ એક એવી અવિચ્છિન્ન મહામુદા
ગાઢ ને પુલકે પૂર્ણ એકાકારસ્વરૂપતા.
એકતા સાધતી વિશ્વગ્રાહી દૃષ્ટિ હતી તહીં,
શિરાને ઉત્તરો દેતી શિરા કેરી હતી સહાનુભૂતિ ત્યાં,
વિચારને ઉરે છે જે ધ્વનિ તેને સુણનારી હતી શ્રુતિ,
અને અનુસરંતી જે હૈયા કેરા અર્થોને લયથી ભર્યા,
હતો એક સ્પર્શ જેને ન 'તી જરૂર હસ્તની
સંવેદના લહેવાને ને આલિંગન આપવા,
આ બધાં ચેતનાનાં ત્યાં હતાં સહજ સાધનો
ને તે ચૈત્યાત્મની સાથે
ચૈત્યાત્માની ગાઢતાનો હતાં ઉત્કર્ષ સાધતાં.
અધ્યાત્મ શક્તિઓ કેરી ભવ્ય વૃન્દકવાધતા,
સ્વરગ્રામ ચૈત્ય કેરા માંહ્યોમાંહ્ય ચાલતા વ્યવહારનો,
ઊંડી મપાય ના એવી એકતાને સંવાદિત્વ સમર્પતાં.
આ નવા ભુવનો મધ્યે પ્રક્ષેપાયેલ એ બન્યો
વિશ્વને મીટમાં લેતી દૃષ્ટિનો એક અંશ, ને
અવસ્થાન જ્યોતિ કેરું સર્વસ્થાન-નિવાસિની,
તરંગ શાંતિના એકમાત્ર સાગરની પરે.
સંખ્યાતીત સંલપંતાં ચિત્તોને ચિત્ત એહનું
હતું ઉત્તર આપતું,
એના શબ્દો હતા વિશ્વ-વાણી કેરા જ અક્ષરો,
વિશ્વે વિરાટ વ્યાપેલા
ક્ષોભ કેરું ક્ષેત્ર એક હતું જીવન એહનું.
કોટી કોટી સંકલ્પશક્તિઓતણાં
પગલાંની એને સંવેદના થઇ,
એકમાત્ર ધ્યેય પ્રત્યે તાલબદ્ધ એ આગે વધતાં હતાં.
નવીન પામતો જન્મ નિત્ય નિત્ય સ્રોત ના મરતો કદી,
સહસ્રગુણ સંમોહકારી એના પ્રવાહે પકડાયલો,
રોમાંચિત થતો એની અમર્ત્યા માધુરીતણા
ભમરાઓતણી મહીં,
રાજા ત્યાંથી સંચાર કરતો હતો,
એના અંગેઅંગમાં ત્યાં ચકરાતી ગતિઓ શાંત ચાલતી
અંત આવે નહીં એવી મુદાતણી,
એકરૂપ જ છે એવા કૈં કોટિ કોટિઓતણો
પરમાનંદ એ હતો.
પૂર્ણતાના આ વિશાળા પ્રસ્ફોટનતણી મહીં
બદલાતા જતા વ્હેણે વસ્તુઓના સ્થિરતા નિજ લાદતી,
પ્રધોતંતી ભૂમિકાઓતણી એણે
પાયરીઓ જોઈ ક્રમિક વાધતી,
પ્રભુપૂર્ણ અવસ્થાના આ ઉચ્ચતમ રાજ્યને
અપાયેલી ઇનામમાં.
સાંધીને તાર પોતાના સાચા ધર્મતણો એકલ સત્ય શું
ઊજળી કોટિનો હર્ષ પોતાનામાં પ્રત્યેક નિવસાવતો,
પ્રત્યેક જણ સૌન્દર્યે એકલો ને પૂર્ણ આત્મપ્રકારમાં,
મૂર્ત્તિ ઢળાયલી એક ઊંડા કેવળ સત્યથી,
સુખિયા ભેદમાં સર્વ સાથે સંલગ્નતા હતી.
પડોશીના કાર્યભાગે સાહ્ય માટે સ્વશક્તિઓ
પ્રત્યેક અર્પતો હતો,
છતાં યે આપવાથી ના એને ઊણપ આવતી;
નફાખોરો નિગૂઢ વ્યવહારના
આદાને ને પ્રદાને એ વૃદ્ધિમંત થતા હતા,
અંગ પૂરક પોતાનાં અન્ય સર્વે એમને લાગતા હતા,
એકાકાર હતા તેઓ સામર્થ્થે ને સંપ્રહષે સમૂહના.
પૃથક્ નિજ સ્વરૂપોનું સંપ્રહર્ષણ માણવા
એકતા અળગી પોતે પડી જાય, તે અવસ્થામહીંય ત્યાં
એક કેવળ પોતાના એકાંતે સર્વરૂપની
ઝંખના કરતો હતો
ને એકરૂપને જોવા બહુ પાછો વળી નજર નાખતો.
સર્વપ્રકાશિકા સર્વસર્જિકા એક સંમુદા
દિવ્ય સત્યોતણા આવિર્ભાવ અર્થે કરતી શોધ રૂપની,
આભાઓને અનિર્વાચ્ય કેરાં પ્રતીકરૂપની
તેમની પોતપોતાની અર્થયુક્ત ગૂઢતા લક્ષ્યમાં લઇ
શ્રેણીબદ્ધ બનાવતી,
ને નીરંગ હવા કેરે વિસ્તારે ઝાંય રંગની,
તેમ સાક્ષી આત્મ કેરી શુભ્રા વિશુદ્ધતા પરે
તેમને પ્રકટાવતી.
આ રંગો પરમાત્માના સમપાર્શ્વ હતા સ્ફટિક હીરકો,
હતા સૌન્દર્ય એનું ને હતા શક્તિ,અને હતા
એનો આનંદ, જે કારણ સૃષ્ટિનું.
વિરાટ સત્ય-ચૈતન્ય એક આ સૌ સંજ્ઞાઓ ઊંચકી લઇ
પસાર કરતું કોક એક દિવ્ય બાલના હૃદય પ્રતિ,
ને એ હૃદય તેઓને હાસ્યોલ્લાસ સાથે વિલોકતું હતું,
આ સર્વોચ્ચ પ્રતીકોને લીધે આનંદ પામતું,
ને જે સત્યોતણું ધામ હતાં તે તેમના સમાં
એ પ્રતીકો જીવતાં ને સત્યસ્વરૂપ લાગતાં.
બ્રહ્ય કેરી તટસ્થતા
ચમત્કારોતણી ક્રીડાભૂમિરૂપ બની હતી,
ગૂઢ અકાળતા કેરાં બળો ગુપ્ત સંકેતે મળતાં તહીં :
એણે આકાશને કીધું પ્રભુ કેરું ધામ આશ્ચર્યથી ભર્યું,
એણે કાળપટે રેલ્યાં નિજ કર્યો જરારહિત ઓજનાં,
મનોમોહક ને મોટો હર્ષ દેનાર દર્શને
મુખ અદભુત સૌન્દર્યપૂર્ણ એના પ્રેમનું ને પ્રભાવનું
એણે આવરણો દૂર કરી આણ્યું પ્રકાશમાં.
નિજ બ્રહ્યાંડને ધામે સંચરંતી હતી દેવી સનાતની,
રમતી પ્રભુની સાથે માતા જેમ રમે સ્વ-શિશુ સાથમાં :
પ્રભુ માટે હતું વિશ્વ માનું હૃદય પ્રેમનું,
ને જે અમર સત્યો તે એનાં રમકડાં હતાં.
લુપ્ત-આત્મ અહીંનું સૌ દિવ્ય સ્થાન પોતાનું ત્યાં ધરાવતું.
બળો જે હ્યાં કરે દ્રોહ આપણાં હૃદયોતણો
ને જે પાપે પ્રવર્તતાં,
સર્વોચ્ચ સત્યરૂપે તે હતાં ત્યાં ને હતાં પૂર્ણ પ્રમોદમાં.
નિર્દોષ એક લોકે એ હતાં ઐશ્વર્યથી ભર્યાં,
આનંત્ય પર પોતાના હતું સ્વામિત્વ તેમનું.
તહીં મન હતું એક ભવ્યસૂર્યસ્વરૂપ, જ્યાં
દૃષ્ટિનાં રશ્મિઓ હતાં,
પ્રભાવે સ્વવિચારોના ઘાટ એહ હતું દેતું પદાર્થને,
વિહાર કરતું 'તું એ સ્વ-સ્વપ્નોના મહાવૈભવની મહીં.
કલ્પનાનો ચમત્કારી દંડ મોટું વશીકરણ સાધતો,
સાદ અજ્ઞાતને દેતો આવવાને હજૂરમાં
અને એને નિવાસસ્થાન આપતો,
સત્ય કેરી સપ્ત-રંગી પાંખો ચિત્તતરંગિયા
સોનેરી વાયુમાં પાર પ્રસારતો,
અથવા કરતો ગાન અંતર્જ્ઞાની હર્ષ-હૃદયની કને
ને સત્યરૂપને સમીપ લાવતા
સૂરો અદભૂતના સ્વપ્નલોક કેરા ગાયને એ પ્રયોજતો.
અજ્ઞેયને બનાવે જે પાસનું, વાસ્તવે ભર્યું,
તે તેની શક્તિએ एक પધરાવ્યો આદર્શમય મંદિરે :
વિચાર, મન, ને સૌખ્યભર્યા ઇન્દ્રિયવેદને
ઈશ-સામર્થ્યનાં શુભ્ર રૂપો એણે વસાવિયાં,
વ્યક્તિસ્વરૂપ જીવંત નિવસાવ્યાં એક પરમદેવનાં,
જે અનિર્વાચ્ચને વ્યક્ત કરે તે નિવસાવી સરસ્વતી,
અદૃષ્ટ સંનિધાનોને પ્રકટાવંત રશ્મિને,
અરૂપ જેમના દ્વારા પ્રકાશે છે તે શુદ્ધ આદિ રૂપને,
પ્રવેશ જે કરાવે છે શબ્દ દિવ્યાનુભૂતિને
અને જે ભાવાનાકલ્પો ઠઠબંધ ભરી દે છે અનંતને,
-તે સૌને નિવસાવિયાં,
વિચાર-વસ્તુતા વચ્ચે ઊંડું અંતર કો ન 'તું,
વિહંગ ઉત્તરો આપે જેમ કોઈ સાદ દેતા વિહંગને
તેમ તેઓ ઉત્તરો આપતાં હતાં;
વિચાર-વશ સંકલ્પ, ને સંકલ્પ-વશ કાર્ય થતું હતું,
જીવ ને જીવની વચ્ચે વણાયેલી હતી સુસ્વરમેળતા.
શાશ્વતી સાધના લગ્ને બનાવ્યો દિવ્ય કાળને.
ત્યાં હૈયે હર્ષ ધારીને ને હોઠે હાસ્યની છટા
જિંદગી નિજ ક્રીડાથી અવિશ્રાંતા, પ્રેભુની દૈવયોગોની
લીલાના સાહસે શુભ્ર લગાતાર રહી હતી.
એના અઠંગ ઉત્સાહે ધૂનધારી તરંગના,
રૂપાંતર પમાડંતા એના મોદ-પ્રમોદમાં
એણે કાળપટે આંક્યાં માનચિત્રો
બનાવોના મનોહારી ગૂંચાળા કોયડાતણાં,
નવીન પલટાઓથી પ્રલોભાઈ વળે પ્રત્યેક એ વળે
કદી ન વિરમે એવી જાતની શોધની દિશે.
રૂખડા બંધ હંમેશાં રચતી એ
તોડવા જે પડે સંકલ્પને બળે,
નવીન સર્જનો લાવે નાખવાને વિસ્મયે એ વિચારને,
લાવે હૃદયને માટે ભાવાવેગી કર્યો સાહસથી ભર્યાં
જ્યાં સત્ય અણધારેલા મુખ સાથે પ્રકટંતું પુનઃ પુનઃ,
યા જાણીતો હર્ષ જૂનો પુનરાવૃત્તિ પામતો,
મનોરંજક કો પ્રાસલય જાણે આવતો હોય ના ફરી.
માતૃ-પ્રજ્ઞાતણે હૈયે એ સંતાકૂકડી રમે,
વિશ્વની ભાવના જેની છે આબાદ એવી છે એ કલાવતી,
અસંખ્યાત વિચારોને એના ના એ ખુટાડી શક્તિ હતી,
સવિચાર સ્વરૂપોમાં અંતે એના મોટા સાહસનો કદી
આવી ના શકતો હતો,
નવા જીવનનાં સ્વપ્નાં કેરા એના પ્રયોગનો
ને પ્રલોભન કેરો યે કદી અંત આવી ના શકતો હતો.
એની એ જ અવસ્થા ને ફેરફારથકી એ નવ થાકતી,
અંત આવે ન એ રીતે ચલત્-ચિત્ર નિજ એ ખોલતી જતી,
દિવ્ય પ્રમોદનું નાટય એનું એ ગૂઢતા ભર્યું,
વિશ્વના પરમાનંદ કેરું એ કાવ્ય જીવતું,
અર્થસૂચક રૂપોની ઉકેલાતી જતી એ ચિત્રમાલિકા,
વિકાસ પામતાં દૃશ્યસ્થલો કેરો વલયાકાર વીંટલો,
આત્માને પ્રકટાવંતા આકારોનું ધુમંત અનુધાવન,
ચૈત્યને શોધતા, ચૈત્ય કેરી જોશભરી એ મૃગયા હતી,
દેવોનું હોય છે તેવું શોધવું ને કરવું પ્રાપ્ત એ હતું.
તત્વ પાર્થિવ આત્માનું દૃઢરૂપ બનેલું ત્યાં ઘનત્વ છે,
સ્વરૂપની સુખે પૂર્ણ બાહ્યતાની કલાકારીગરી તથા
ચિરસ્થાયી મૂર્ત્તિઓનો ભાંડાગાર બનેલ છે
જ્યાં વિશુદ્ધ મુદા કેરું જગ એક ઇન્દ્રિયો વિરચી શકે :
શાશ્વત સુખનું ધામ હતું એ ને
જેન કોઈ મજેદાર સરાઈમાં
તેમ કાળ-ઘડીઓને આવસસ્થાન આપતું.
ઇન્દ્રિયો ત્યાં હતી દ્વારો જેના દ્વારા ચૈત્યાત્માં બ્હાર આવતો;
મનનો સર્વથી છોટો બાલો વિચાર, તે ય ત્યાં
ઉચ્ચોચ્ચ વસ્તુઓ કેરો સ્પર્શ કોઈ સંમૂર્ત્ત કરતો હતો.
ત્યાં પદાર્થ હતો વીણા આત્મા કેરી રણત્કાર રવે ભરી,
પરમાત્મા તણા ચાલુ રે'તા વિધુદ્વિલાસને
ઝાલવાને માટેની જાળ એ હતો.
પ્રેમની સાન્દ્રતા કેરી હતો ચુંબક-શક્તિ એ,
જેનો તલસતો સ્પંદ અને પોકાર ભક્તિનો
આકર્ષી લાવતો પાસે પ્રભુકેરા ઉપાગમો
ગાઢ, મીઠા અને અદભૂતતા ભર્યા.
એની નક્કરતા પિંડ સ્વર્ગ કેરી બનાવટતણો હતો;
એનામાં જે હતું સ્થૈર્ય ને સ્થાયિત્વ મીઠડી મોહિનીતણું
ને તેજસ્વી હતી કુંભી બનેલી સંમુદાતણી.
દિવ્ય જ્ઞાનેન્દ્રિય દ્વારા વણાયેલાં હતાં એનાં કલેવરો,
ને આશ્લેષ આપતો જે ચૈત્યનો અન્ય ચૈત્યને
તેની પ્રગાઢતાને પ્રલંબાવ્યે જતા હતા,
બાહ્ય દૃષ્ટિ અને સ્પર્શતણી એની લીલા ભાવોષ્મણા ભરી
હૈયાના હર્ષનો ઓપ ને રોમાંચ કરતી પ્રતિબિંબિત,
મનના ઊર્ધ્વ આરોહી શોભમાન વિચારનું
ને આત્માની મુદા કેરું પ્રતિબિંબન પાડતી;
પ્રાણનો હર્ષ પોતાની જવાલાને ને પુકારને
સાચવી રાખતો સદા.
અત્યારે જે જતું રે' છે તે બધું ત્યાં રહ્યું અમર રૂપમાં,
અધ્યાત્મ જ્યોતિની પ્રત્યે રૂપગ્રાહી મૃદુતા દ્રવ્યની ધરી
ગૌરવે પૂર્ણ સૌન્દર્યે ને મઝાના તાલ ને મેળનીમહીં.
વ્યવસ્થાબદ્ધ હોરાઓ હતી એની ને તે શાશ્વત ધર્મની
ઘોષણા કરતી હતી;
દૃષ્ટિ આરામ લેતી 'તી મૃત્યુમુક્ત રૂપોથી રક્ષિતા રહી;
પારદર્શક પોશાક હતો કાળ તહીં શાશ્વતતાતણો.
શિલ્પી ગોચર-આલોકે જીવંત આત્મ-શૈલને
કંડારી બનાવ્યો 'તો સત્યતાનો આવાસ ગ્રીષ્મકાળનો
અનંતતાતણા અબ્ધિતટના પુલિનો પરે.
અધ્યાત્મ સ્થિતિઓના આ મહિમાની વિરુદ્ધમાં
સમાનાન્તર ને તો યે પ્રતિરોધી સ્વરૂપ જે
હતા તે પ્લવતા 'તા ને પ્રભાવ પાડતા હતા,
કરતા 'તા રાહુ-કાર્ય, ને છાયારૂપ ધારતા,
જાણે ના હોય દ્રવ્યત્વ પામ્યો સંદેહ એમ એ
ઝાંખ દેતા ઝબૂકતા :
આ બીજી યોજનાને બે બૃહત્કાય નકારો સાંપડયા હતા.
પોતામાં વસતો આત્મા પોતાનો જે ન જાણતું
તે જગત્ શ્રમ સેવે છે નિદાન નિજ શોધવા
ને પોતાની અસ્તિ કેરી જાણી લેવા જરૂરને;
પોતે જે વિશ્વ સર્જ્યું છે તેને જે જાણતો નથી,
જડે છે જે પુરાયેલો ને વિડંબિત પ્રાણથી,
તે આત્મા મથતો બ્હાર આવવાને અને મુક્ત થઇ જવા,
જ્ઞાન મેળવવા, રાજા બની રાજ્ય ચલાવવા;
હતા એક વિસંવાદે ગાઢ બદ્ધ બનેલ આ,
છતાં અન્યોન્યથી ભિન્ન દેશે જાતા મુદ્દલે મળતા ન આ.
શક્તિત્રયતણું રાજ્ય ચાલતું 'તું
એની તર્કરહિતા ગતિની પરે,
આરંભકાળમાં એક જ્ઞાનવિહીન શક્તિનું,
મધ્યાવસ્થામહીં એક દેહધારી પ્રયત્નશીલ જીવનું,
ને એના અંતમાં મૌન આત્માનું જે જિંદગીને નકારતો.
એક નીરસ દુર્ભાગી મધ્યકાર્ય પૃચ્છક મનની કને
સંદેહાત્મક પોતાના સત્યનો પટ ખોલતું;
એને ફરજ પાડે છે અજ્ઞ શક્તિ ભાગ ભજવવા નિજ
ને નોંધ લેવડાવે છે નિજ પૂરી ન થયેલી કથાતણી,
રહસ્યમયતા કેરી એની સંજ્ઞારહિતા યોજનાતણી,
ને આવશ્યકતા સાથે દૈવયોગ કેરા થયેલ લગ્નથી
રાત્રિમાં જન્મ પામેલા જીવના કોયડાતણી.
આ અંધાર છુપાવે છે આપણા ભવ્ય ભાવિને.
મહાન, મહિમાવંત સત્ય કેરો કોશેટો એ બનેલ છે,
નિજ કોષે નિરોધેલી રાખે છે એ પાંખવંત ચમત્કૃતિ,
કે રખે છટકી જાય બંદીખાનાથકી એ જડતત્વના
ને વિરાટ નિરાકાર કાજ મારે વેડફી નિજ રમ્યતા,
ને અજ્ઞેયતણે ગુહ્યે થઇ ગરક જાય એ,
ને આશ્ચર્યભર્યું ભાવી વિશ્વ કેરું તજે સિદ્ધ કર્યા વિના.
આજ સુધી મનાતી જે માત્ર કોઈ ઉદાત્ત સ્વપ્ન આત્મનું,
યા ભ્રાંતિ કલેશથી યુક્ત માનવીના શ્રમંત મનની મહીં
એવી એક નવી સૃષ્ટિ જૂનીમાંથી ખડી થશે,
અભિવ્યક્ત ન પામેલા જ્ઞાનને વાચ આવશે,
દાબી રાખેલ સૌન્દર્ય સ્વર્ગ કેરા પુષ્પ રૂપે પ્રફુલ્લશે,
અપાર પરમાનંદે સુખદુઃખ પ્રવિલીન થઇ જશે.
જીહ્ વા વગરની દેવવાણી આખર બોલશે,
પરચેતન પૃથ્વીની પર ચેતન ધારશે,
આશ્ચર્યો શાશ્વતાત્માનાં સહયોગી બનશે કાળ-નૃત્યનાં.
પરંતુ હાલ તો સર્વ લાગ્યું એક વ્યર્થ ફાલ વિરાટનો,
સ્વ-માં લીન મૂક દ્રષ્ટા સામે ભ્રાંત શક્તિ દ્વારા રખાયલો,
દરકાર ન દ્રષ્ટાને દેખાતા તે અર્થવિહીન દૃશ્યની,
થતી પસાર એ જોતો શોભાયાત્રા ચિત્રવિચિત્ર લાગતી,
યથા વાટ જુએ કોઈ આશા રાખેલ અંતની.
જોયું એણે જગત્ એક પ્રગટેલું થવાવાળા જગત્ થકી.
જોવાના-સંવેદવાના કરતાં એ
અનુમાન વધારે કરતો હતો,
દૂર દૂર ચૈતન્ય-પ્રાંતની પરે
ગોળો ભંગુર અસ્થાયી ઘૂમરાતો જતો હતો,
ને નષ્ટ સ્વપ્નના વ્યર્થ ખોખા જેમ તેની પર તજાયલો
આત્માના કોટલા કેરી ભાંગી જાય એવી પ્રતિકૃતિ સમા
એના દેહે ગૂઢ નિદ્રામહીં એકત્રતા ધરી.
એ આકાર વિજાતીય લાગતું 'તું છાયા મિથ્થા કથાતણી.
વિદેશી લાગતું 'તું એ હવે અસ્પષ્ટ ને દૂરતણું જગત્,
આત્મા ને શાશ્વતી માત્ર સત્યરૂપ હતાં તહીં.
પછી મથંત ભોમોથી આરોહીને આવી એની કને સ્મૃતિ,
એક વખતની વ્હાલી
હૈયે હેતતણે સેવી વસ્તુઓનો પોકાર એક લાવતી,
ને એ પોકાર જાણે કે પોતાનો જ લુપ્ત પોકાર હોય ના
તેમ ઉત્તર દેતું 'તું તેને રશ્મિ નિગૂઢ પરમાત્મનું.
કેમ કે ત્યાંય છે વાસ અસીમા એકતાતણો.
પોતાની દૃષ્ટિથી યે ના એ પોતાને ઓળખી શક્તિ હતી,
ત્યારે યે મગ્ન એ રે'તી પોતાના જ અંધારા સાગરોમહીં,
જડતત્વતણા સંજ્ઞાવિહીન સમુદાયમાં
સંતાયેલી રહે છે એ
ને ટકાવી રાખે છે એ વિશ્વ કેરી ચેતનાહીન એકતા.
આ બીજાત્મ વવાયેલો અનિર્ધારિતની મહીં
પોતાની દિવ્યતા કેરા મહિમાને ગુમાવતો,
નિજ ઓજસની સર્વશક્તિમત્તા છુપાવતો,
છુપાવતો નિજાત્માની સર્વજ્ઞાનસમર્થતા;
પોતાની જ પરા-ઈચ્છા કેરો એ કાર્યવાહક
જ્ઞાનને કરતો લીન અચિત્ કેરા અગાધમાં;
સ્વીકારી ત્રુટી ને શોક, મૃત્યુ તેમ જ દુઃખ એ
છુટકારાતણો દંડ ભરે અજ્ઞાન રાત્રિનો
ઉદ્ધારે સૃષ્ટિનો પાત પોતાના સારતત્વથી.
નિજ સ્વરૂપનું જ્ઞાન હતું એને
ને હતું જ્ઞાન શા માટે આત્મા એનો ગયો હતો
આવેગોએ ભર્યા અંધારની મહીં
ભેદ દ્વારા એકની જે કરવા પ્રાપ્તિ માગતી
તે સ્ખલંતી શક્તિ કેરા શ્રમમાં ભાગ પાડવા.
બે સ્વરૂપો હતા એહ, એહ રૂપે ઊર્ધ્વે મુક્ત અને બૃહત્,
બીજે રૂપે હતો એનો અંશ આંહીં મથંતો, બદ્ધ ઉત્કટ.
સંબંધ બેઉ વચ્ચેનો
બે લોકોને જોડનારો હજુ સેતુ બની શકે;
હતો ઉત્તર આછેરો, હતો ઉચ્છવાસ દૂરનો;
અપાર ચૂપકીદીમાં સમાપ્ત સઘળું ન 'તું.
રાત્રિદીપકના જેવું એની નીચે સુદૂરમાં
સચેત અથ એકાકી હૈયું એનું કયાંક પોઢી રહ્યું હતું;
તાજયેલું ઢળ્યું 'તું એ એકલું ને અનસ્વર,
ચેષ્ટાવિહીન અત્યંત ભાવાવેશે ભરેલા અભિલાષથી,
એનું જીવંત ને હોમ-હુત હૈયું સમર્પિત,
આરાધનાતણા ગૂઢ ભાવે લીન બની જઈ,
વળેલું નિજ દૂરસ્થ જ્યોતિના ને પ્રેમના ઉત્સની ભણી.
નિજ મૂગી આરજૂની પ્રભાવંતી શાંતિની સ્તબ્ધતામહીં
જોઈ ના શકતું પોતે તેવાં તુંગો પ્રત્યે એ દૃષ્ટિ માંડતું;
જે ઝંખાભર ઊંડાણો છોડવાને પોતે સમર્થ ના હતું
ત્યાંથી તલસતું હતું.
કેન્દ્રે નિજ વિશાળી ને ભાગ્યભાખી સમાધિના
નિજ મુક્ત અને ભ્રષ્ટ સ્વરૂપોની વચ્ચેના મધ્યમાર્ગમાં,
પ્રભુના દિન કેરી ને
મર્ત્ય કેરી રાત્રિ મધ્યે મધ્યસ્થરૂપતા ધરી,
આરાધના જ પોતાના એકમાત્ર ધર્મરૂપે કબૂલતું,
આનંદ અપનાવંતું
વસ્તુજાતતણા એકમાત્ર કારણરૂપમાં,
અન્ય કો 'નો ભાગ ના જ્યાં તે કઠોર સુખને ઇનકારતું,
જે શાંતિ જીવતી માત્ર શાંતિ માટે તેને 'ના' સંભળાવતું,
જેનું બની જવાનો એ સંકલ્પ સેવતું હતું
તે દેવી પ્રતિ એ વળ્યું.
નિજ એકાંત સ્વપ્નના ભાવોદ્રેક વડે ભર્યું
ઢળેલું એ હતું બંધ ને નિઃશબ્દ પ્રાર્થનાગ્રહના સમું,
જ્યાં એકાકી ને અકંપ રશ્મિએ રુચિરાયિતા
રૂપેરી ભોમ નિદ્રામાં છે પોઢેલી નિવેદિતા
ને જ્યાં અદૃશ્ય સાન્નિધ્ય ઘૂંટણે છે પડેલું પ્રાર્થનામહીં.
કોઈ અગાધ હૈયાએ મુક્તિ દેનાર શાંતિના
બાકીના સૌ હતું તુષ્ટ શમની સ્થિરતાથકી;
આ માત્ર જાણતું 'તું કે સત્ય એક પર પાર રહેલ છે.
ભાગ બીજા બધા મૂક હતા કેન્દ્રિત નીંદરે,
વિશ્વની ત્રુટી ને શોક નિભાવી જે રહેલ છે
તે ધીરી ને વિમર્શીને કાર્ય કરંત શક્તિને
નિજ સંમતિ આપતા,
સચરાચરનો લાંબો જે વિલંબ તેને બહાલ રાખતા,
ધૈર્ય ધારંત વર્ષોના કાલરહિત ભાવથી
પૃથ્વી ને માનવો માટે પોતે જેની માગણી કરતા હતા
તેણીના આવવા કરી વાટ જોઈ રહ્યા હતા;
આ હતી ક્ષણ આગ્નેય જે તેણીને હવે બોલાવતી હતી.
એકાકી અગ્નિને એહ ઠારવાને શ્રમ નિર્માણ ના હતું;
મન કેરી અને ઈચ્છાશક્તિ કેરી
રિક્તતાને ભરતી દૃષ્ટિ એહની;
વિચાર વિરમી જાતા
અવિકારી ઓજ એનું રહેતું ને વિવર્ધતું.
ચાવી જેની હતી કોક સચલા શાંતિ એક તે
મહાસુખતણી અંત:સ્ફુરણાએ સજાયલો,
જગના ઇનકારોની રિક્તતા મધ્યમાં થઇ
જિંદગીની ભીમકાય શૂન્યતામાં મંડયો એ ખંતથી રહ્યો.
નિઃશબ્દ પ્રાર્થના એની એ અજ્ઞાત પ્રત્યે પાઠવતો હતો;
ખાલી અસીમતાઓમાં થઇ પાછી આશાઓ નિજ આવતી,
તેમનાં પગલાંઓના ધ્વનિ પ્રત્યે કાન એ માંડતો હતો,
પરમેશ્વર પાસેથી સ્થિર આત્મામહીં થઇ
આદેશ-શબ્દ આવે જે તેહની એ પ્રતિક્ષા કરતો હતો.
દર્શન અને વરદાન
પછી ઓચિંતુ એક પવિત્ર હલનચલન શરૂ થયું. શૂન્યની નિર્જીવ નીરવતામાં અંતરમાં કોઈ એક પ્રેમલ પદરવ સંભળાયો. રાજાનું હૃદય એક ગૂઢ હૃદયના સંપર્કમાં આવ્યું, એક અગોચર સ્વરૂપે એના શરીરને ઘેરી લીધું, ને એના આત્માએ તેમ જ દેહે રોમાંચ અનુભવ્યો, રાજા પોતે આખોય પરમાનંદમાં નિમગ્ન બની ગયો. પોતે જેને આરાધતો હતો તે ભગવતી એના અંતરમાં પ્રવેશી, ને હૃદયાલયમાંથી જ્ઞાનનાં વચનો વદી :
" ઓ શક્તિના પુત્ર ! તું સૃષ્ટિનાં શિખરોએ ચઢયો છે, તું સનાતનનાં બારણાંએ એકાકી ઉભો છે. તેં જે મેળવ્યું છે તે તારું છે, પણ એથી અધિક માગતો નહીં. અજ્ઞાનના માળખામાંથી અભીપ્સા રાખનારા ઓ આત્મા ! અચિત્ માંથી ઉદભવેલા ઓ અવાજ ! મૂંગા માનવ હૃદયો માટે તું કેવી રીતે બોલવાનો હતો ? અંધ ધરાને દ્રષ્ટાના દર્શનનું ધામ શી રીતે બનાવવાનો હતો ? સંવેદન વિનાના ગોલકનો ભાર શી રીતે હળવો કરવાનો હતો ?
મનની પહોંચ પારની હું રહસ્યમયતા છું, સૂર્યોના પરિશ્રમનું લક્ષ્ય છે, જીવનના નિમિત્તરૂપ અગ્નિ છું, માધુર્ય છું. મારા અવતરણને ઉદબોધિત કર નહિ. અનંતનો ભાર સહન કરવાને માનવ અશક્ત છે. સમય પૂર્વે જન્મ પામેલું સત્ય પૃથ્વીને ભાંગી નાખશે. નિશ્ચલના ઉદાસીન આનંદમાં તું તારા હૃદયને મગ્ન બનાવતો નહિ. જગતમાં મૃત્યુ હોય ત્યાં સુધી તારો આત્મા બધાંથી અળગો પડીને શાંતિમાં શી રીતે રહી શકશે ? મુશ્કેલી અપનાવી લે, દેવોને યોગ્ય કર્મ કર. એકમાત્ર મનુષ્ય જ અચેતન જગતમાં પ્રબુદ્ધ થયેલું પ્રાણી છે. પ્રકૃતિનું ઘર એ અતિથિના આગમનથી ક્ષુબ્ધ થઇ ગયું છે. પ્રભુનો એ એક સ્ફુલિંગ છે, અજાણી
સુંદર શક્તિઓ પાછળ એ પડેલો છે. દૂરની ગૂઢ જ્યોતિને એ ઢૂંઢે છે, પણ એની પ્રભુ પ્રતિની પ્રવૃત્તિની સામે દારુણ દૈત્ય બળો આવી ઊભાં રહે છે. સમજી શકાય નહિ એવી શક્તિઓથી એ સંચાલિત થાય છે.અને પોતાના મહિમાનું કે ધ્યેયનું જ્ઞાન નથી. પોતે ક્યાંથી અને કયા ઉદ્દેશથી હ્યાં આવ્યો છે તે એ ભૂલી ગયો છે. એનો આત્મા અને સ્વભાવ એકબીજા સાથે ઝગડે છે. એનું જીવન આંધળાના ગોળીબાર જેવું છે. વિરોધોનો બનેલો એ એક કોયડો છે. માણસ જેની ઉપર રાજય કરવા આવ્યો છે તે એની ઉપર રાજય ચાલવે છે. એ પોતાના સ્વરૂપને શોધે છે, પરંતુ પોતે જ એનાથી ભાગે છે. જગતને એ દોરવા માગે છે, પણ એ પોતાની જાતને દોરી શકતો નથી. એ પોતાના આત્માને ઉગારી લેવા માગે છે, પણ પોતાના જીવનને ઉગારી શકતો નથી. એના આત્માએ આણેલો પ્રકાશ એનું મન ગુમાવી બેઠું છે. જ્ઞાન એને આકર્ષે છે, પણ જ્ઞાનનું મોં એણે કદી દીઠું નથી. એની વિદ્યા એક જબરજસ્ત અજ્ઞાનથી ઘેરાયેલી છે. પોતે જડ દ્રાવ્યના હજારો બંધોથી બંધાયેલો છે, છતાં એ દેવ બનવાને ઉધત થયેલો છે. એનો આત્મા એણે પોતે બનાવેલાં રૂપોમાં અટવાઈ ગયેલો છે.અમરો એના જીવનમાં પ્રવેશતા રહે છે, ભમતારામ મહેમાન માફક પ્રેમ આવે છે, ઘડી માટે સૌન્દર્ય એને ઘેરી લે છે, અપાર આનંદ આવી ચઢે છે, અમર માધર્યની આશાઓ લલચાવને જતી રહે છે. પૃથ્વીમાતા પોતાનામાં ગૂઢ રહેલું દેવત્વ માનવમાં પ્રકટ કરવાની ઈચ્છા રાખે છે, નિસર્ગના પાયા ઉપર સ્વર્ગનો કીમિયો થયેલો જોવા માગે છે.
હે રાજા ! યુગોએ જેને જન્મ આપ્યો છે તે જ્યોતિને તજી દઈ એને મરવા દેતો નહિ. માનવજાતના અંધ અને દુઃખી જીવનને સહાય કર. તારા આત્માની સર્વસમર્થ પ્રેરણાને આધીન થા. મારો પ્રકાશ તારા સાથમાં રહેશે, મારી શક્તિ તારું બળ બની જશે : ઊંચાનીચા થઇ રહેલા દૈત્યને તારા હૃદયનું સંચાલન કરવા દેતો નહિ. અધૂરું ફળ અને આંશિક જયલાભ માગતો નહિ. તારા આત્માને બૃહત્ બનાવવા માટેનું વરદાન માગ, માનવ જાતિને ઉંચે ચઢાવવાના આનંદ માટે માગણી કર. અંધ નિર્માણ અને વિરોધી શક્તિઓને માથે એક નિશ્ચલ મહાસંકલ્પ ઊભો છે, એની સર્વશક્તિમત્તાને તારાં કર્મનું ફળ સોંપી દે. રૂપાંતર પમાડનારી પ્રભુની ઘડી આવશે ત્યારે બધી વસ્તુઓ બદલાઈ જશે."
ભગવતીનો મધુર, મંગલ ને મહા-ઓજસ્વી સ્વર વિરમ્યો. શાશ્વત શાંતિની અનંત નિઃસ્પદતામાં અશ્વપતિના હૃદયે ઉત્તર આપ્યો : " એક વાર તારા મહિમા-વંતા મંગલ મુખનાં દિવ્ય દર્શન કર્યા પછી મર્ત્ય જીવનની મંદતા ભરી ક્ષુદ્રતામાં, મા ! હું શી રીતે રહી શકીશ ? સાચે જ, તું તારાં સંતાનોને નિઘૃણ નિર્માણ જોડે બાંધી દે છે. મા ! ક્યાં સુધી અમારો આત્મા અંધકારની રાત્રિ સામે લડતો રહેશે ? પરાજય અને મૃત્યુની ઝૂંસરી વેઠી લેશે ? અને જો મારે અહીં નીચેની ભૂમિકાઓમાં
તારું કાર્ય કરવાનું જ હોય તો તારો દૂરનો પ્રકાશ કેમ ફાટી નીકળતો નથી ? અમારામાં અત્યલ્પ બળ છે, કુદરતનાં આવરણોમાં થઈને અત્યલ્પ પ્રકાશ અમારી પાસે આવે છે, અત્યલ્પ આનંદને માટે અથાગ અમારે સહેવું પડે છે. અમારામાંથી કોઈ વિશ્વવિશાલ દૃષ્ટિવાળો ઉદય પામે, પરમ સત્યનું સુવર્ણ પાત્ર બને, પ્રભુનું દિવ્ય શરીર ધારણ કરવાને સજાય, દ્રષ્ટા, પ્રેમી અને અધિરાજ બનીને એ વિરાજમાન થાય, તેને માટે મહાયાતનાઓ સહેતા અમે ઘોર પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હે સત્યમયી ! હે ચૈતન્યમયી ! હે આનંદમયી પરમેશ્વરી ! વિલંબ ન કર, તારી શક્તિના એક શુભ્ર ને સાન્દ્ર ભાવને મૂર્તિમંત બનાવ, તારા એક જીવંત સ્વરૂપને પૃથ્વી ઉપર તારું કાર્ય કરવાને મોકલ, તારી અખિલ અનંતતાને એક શરીરમાં સઘન બનાવ. "
રાજાની પ્રાર્થના પ્રતિરોધ કરતી રાત્રિમાં શમી. પરંતુ એક સંમતિ આપતો સ્વર પ્રગકટ થયો. ભગવતીના મુખ ઉપર એક અદભુત પ્રકાશ તરવરવા લાગ્યો ને અમરના આનંદે એના અધરોષ્ઠ પર અક્ષરરૂપ લીધું :
" હે દૈવતવંતા અગ્રદૂત ! તારો પ્રાર્થાના-પોકાર મેં સાંભળ્યો છે. પ્રકૃતિના પોલાદી નિયમને તોડી નાખનાર એક ઉતરી આવશે. આત્માની એકલ શક્તિથી એ નિસર્ગના નિર્માણને પલટાવી નાખશે. એનામાં સર્વ સામર્થ્થો ને માહાત્મ્યો એકરૂપતા લેશે. પૃથ્વી ઉપર સૌન્દર્ય સ્વર્ગીય પગલે સંચાર કરશે. એના અલકોની અભ્રમાલામાં નિત્યાનંદ નિદ્રા લેશે, એનાં અંગોમાં અમર પ્રેમ પ્રભાવંતી પાંખો ફફડાવશે, એના હીરક હાસ્યમાં સ્વર્ગના સ્રોત્ર મર્મરતા લહેરાશે, એના ઓઠ પ્રભુનો મધપૂડલો બની જશે, એની છાતીએ સ્વર્ગનાં પુષ્પ પ્રફુલ્લશે, એનું બળ વિજેતાનું તરવાર હશે,એનાં નયનોમાંથી સનાતનની સંમુદા દૃષ્ટિદાન દેશે. મૃત્યુની ઘોર ઘડીમાં એક અલૌકિક બીજ વવાશે, સ્વર્ગના નંદનની કલમ પૃથ્વી-લોકે ચઢશે, પ્રકૃતિ મર્ત્ય પગલાંની પાર પહોંચી જશે ને એક અચલ સંકલ્પે સારી ભવિતવ્યતા બદલાઈ જશે."
આ અભય વચન ઉચ્ચારી ભગવતી અલોપ થયાં. રાજા જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થયો. ક્લ્પોનાં ક્ષેત્રોમાં સનાતન શોધે નીકળેલો સાધક પુનઃ પ્રબળ ભાવે મહાન કાર્યો કરવાને ઊભો થયો.
રહસ્ય અદૃશ્ય સૂર્યોમાંથી આવેલો એ ક્ષણભંગુર જગતના ભાગ્યનું ભવ્ય નિર્માણ કરતો હતો. માનવ રૂપે ઉત્ક્રાંત થયેલા પ્રાણીઓમાં એ એક દેવ હતો. એણે પોતાનું વિજયી મસ્તક સ્વર્ગોની પ્રત્યે ઊંચું કર્યું. જડ તત્વના જગત ઉપર એણે આત્માનું સામ્રાજ્ય સ્થાપ્યું. પ્રાણના પ્રભુએ-અશ્વપતિએ પૃથ્વીગોલકના અલ્પ ક્ષેત્રમાં પોતાનાં પ્રભાવશાળી ચંક્રમણો શરૂ કર્યાં.
ઓચિંતો તે પછી એક પવિત્ર ક્ષોભ ઉદભવ્યો.
શૂન્યના પ્રાણથી હીન મૌનની વચગાળમાં
એકાંતતા તથા સીમામુકત વિસ્તારની મહીં
પ્રિય કો પગલાં કેરો હોય તેવો આવ્યો અવાજ કંપતો,
સુણાતો અંતરાત્માના દઈ કાન સુણતા વિસ્તરોમહીં;
સ્પર્શે એક કરી દીધો હર્ષે વ્યગ્ર એના સારા સ્વભાવને.
પ્રભાવ એક આવ્યો 'તો મર્ત્ય ગોચરતા કને,
એના તલસતા હૈયા પાસે એક હતું હૈયું અસીમ ત્યાં,
વીંટળાઈ વળ્યું એક ગૂઢ રૂપ એના પાર્થિવ રૂપને.
એના સંપર્કથી સર્વ ભાગી છૂટ્યું મૌનની સીલમાંહ્યથી;
રોમહર્ષ લહ્યો આત્મા અને દેહે ધારીને એકરૂપતા,
અવર્ણ્ય એક આનંદ કેરી પકડની મહીં
અંકોડા-બદ્ધ એ થયા;
મન, પ્રાણ તથા અંગેઅંગ લીન પરમાનંદમાં થયાં.
જાણે અમૃતવર્ષાએ તેમ મત્ત બની જઈ
એના સ્વભાવના ભાવોલ્લાસે સભર વિસ્તરો
દામિનીએ દીપતીતી તેની પ્રત્યે વહી ગયા
મહસોએ ભર્યા મધે ગાંડાતૂર બની જઈ.
ઊભરાતા ચંદ્ર પ્રત્યે નિઃસીમ સિંધુના સમું
એનું સર્વ બની ગયું.
દિવ્યતાનું દાન દેતો સ્રોત એક રાજા કેરી શિરાતણો
બની સ્વામી ગયો હતો,
એના દેહતણા કોષો જાગ્યા 'તા આત્મભાનમાં,
પ્રત્યેક નસ આનંદસૂત્ર દીપ્ત બની હતી,
માંસ-મજ્જા મહાહર્ષે હતાં ભાગ પડાવતાં.
અજ્ઞાત ધૂંધળી નિમ્ન ચેતનાની ગુહાઓ દીપિતા બની
ને એ જેને ઝંખતી 'તી
તે પદધ્વનિ આવે છે એવું જાણી બની પુલકિતા ગઈ,
ઝબૂકતી શિખાઓએ ને પ્રાર્થંતી જીહવાઓએ ભરાઈ એ.
નિદ્રામાં લીન ને મૂક ને અચેતનથી ભર્યું
છતાં શરીર સુધ્ધાં યે રાજા કેરું દેવી કેરા પ્રભાવને
ઉત્તરો આપતું હતું.
આરાધતો હતો જેહ એકાને એ તે એનામાં હતી હવે :
દેખાયું અગ્નિ શું શુદ્ધ ઓજ:શક્તિ ભરેલું એક આનન,
શોભતી 'તી સ્વર્ગીય અલકાવલી,
એના અમર શબ્દોએ પ્રેરાયેલા અધરો સ્ફૂરતા હતા;
પ્રજ્ઞાની પાંદડી જેવાં પોપચાંઓ
ઢળ્યાં 'તાં સંમુદાનાં લોચનો પરે.
સંગે મરમરનો સ્તૂપ મનનોનો,એવું ભાલ પ્રકાશતું,
દૃષ્ટિનું એ હતું એક ગુહાગૃહ
ને બે શાંતિ ભરી આંખો સીમાતીત વિચારની
સ્વર્ગ પ્રત્યે નિહાળતી
મોટી સાગર શી મીટે માનવીની આંખોમાં અવલોકતી,
ને એણે ત્યાં દેવ જોયો ભાવિમાં જે પ્રાકટય પામનાર છે.
ઊમરના મને એક આકાર નજરે પડયો,
હૃદયાલયમાં એક સર્વશ્રેષ્ઠ પ્રજ્ઞાની સ્વર ઊચર્યો,
" ઓ હે ! શક્તિતણા પુત્ર ! શિખરો સૃષ્ટિના અધિરોહતા,
નથી કોઈ જીવ તારો સાથીદાર પ્રકાશમાં;
એકલો એક તું ઊભો રહેલો છે દ્વારો આગળ શાશ્વત.
છે જે તેં મેળવ્યું તે છે તારું, કિંતુ વધુ કૈં માગતો નહીં.
અજ્ઞાન-માળખે, આત્મા ! અભીપ્સા સેવનાર હે !
અચિત્ ના લોકથી ઊઠી આવનારા હે !
મૂંગા છે જેમનાં હૈયાં તે મનુષ્યો માટે તું કેમ બોલશે ?
શી રીતે અંધ પૃથ્વીને દેખતી આત્મ-દૃષ્ટિનું
નિકેતન બનાવશે ?
કે કરી હળવો દેશે ભાર ભૂ-ગોળનો જેને ન ભાન કૈં ?
મનની પ્હોંચની પાર કેરી છું હું નિગૂઢતા,
છું હું લક્ષ્ય સૂર્યોના શ્રમકાર્યનું;
મારો પાવક ને મારી મધુતા છે નિદાન જિંદગીતણું .
કિંતુ અત્યંત મોટો છે ભય મારો અને આનંદ માહરો.
જગાડતો નહીં માપ પારના અવતારને,
વિરોધી કાળને કાને ગુહ્ય મારા નામને નવ નાખતો;
અત્યંત દુર્બલાત્મ છે મનુષ્ય, તે
ભાર અનંતનો ધારવાને માટે સમર્થ ના.
અતિશે જલદી જન્મ થયો જો હોય સત્યનો
તો તે અપૂર્ણ પૃથ્વીને કદાચિત્ ખંડશ: કરે.
સર્વદર્શી શક્તિ માટે
રહેવા દે કામ એનો માર્ગ કાપી કરીને કરવાતણું :
તારી એકલ ને મોટી પ્રાપ્તિમાં થા નિરાળો રાજમાન તું,
નિજ એકાંત ને ભવ્ય જિંદગીથી જગની સાહ્ય સાધતો.
જવાલાનું નિજ હૈયું તું વિશાળા ને ઉદાસીન જ સર્વથા
નિશ્ચલ-બ્રહ્યના મોટે સુખે લીન કરે ન હું ન માગતી.
નિવૃત્ત થઇ વર્ષોની ફલહીન પ્રવૃત્તિથી
ભુવાનોનું તજી દે કાર્ય ઘોરપરિશ્રમી.
પડીને અળગો જીવોથકી લીન થાય કેવલ એકમાં
તે હું તારી પાસેથી માગતી નથી.
હોય પૃથ્વી પરે મૃત્યુ હજી અણજિતાયલું,
ને કાળ દુઃખદર્દોનું હોય ક્ષેત્ર તદા, કહે
તેજસ્વી તુજ આત્માને કેમ આરામ ગોઠશે ?
લદાયેલી શક્તિ કેરા ભારમાં ભાગ પાડવા
જીવરૂપે જન્મ તારો થયો હતો;
સ્વ-સ્વભાવતણી આજ્ઞા માન, પૂર્ણ કર નિર્માણ ભાગ્યનું :
આપત્તિ અપનાવી લે, ને સ્વીકાર સુરોને શોભતો શ્રમ,
ધીરી ચાલે ચાલનારો સર્વજ્ઞ હેતુ સાધવા
કર જીવનધારણા.
મનુષ્યજાતિમાં ગ્રંથિ સમસ્યાની છે ગાંઠીને રખાયલી.
ચિંતતાં ને પ્રયોજંતાં તુંગોથી એક વીજળી
ચાસતી જિંદગી કેરી હવાને ને
પથરેખા જેની લુપ્ત થઇ જતી,
એવો મનુષ્ય છે એક જાગનારો અચેત વિશ્વની મહીં,
ને વૃથા એ કરે યત્ન પલટાવી નાખવા વિશ્વ-સ્વપ્નને.
અર્ધ-ઉજ્જવલ કો પાર થકી એનું આવવાનું થયેલ છે,
અજાણ્યો એક કો છે એ મનોહીન વિરાટ વિસ્તરોમહીં;
છે મુસાફર એ એના વારંવાર બદલાતા નિવાસમાં
ઘણી અનંતતાઓનાં પગલાંઓ પડે છે આસપાસ જ્યાં
વેરાન અવકાશે છે તંબૂ એણે તાણેલો જિંદગીતણો.
દિવ્યલોકતણી દૃષ્ટિ ઊર્ધ્વમાંથી સ્થિર એને નિહાળતી,
ગૃહે પ્રકૃતિના છે એ મહેમાન અશાંતિ ઉપજાવતો,
સફારી પલટયે જાતા કિનારાઓ કેરી વચ્ચે વિચારના,
અજાણી ને મનોહારી શક્તિઓના શિકારે નીકળેલ એ,
દૂરસ્થ ગૂઢતાયુક્ત જ્યોતિ માટે રખડયા કરનાર એ,
માર્ગો પર વિશાળા એ છે નાનો શો સ્ફુલિંગ પરમેશનો.
એના આત્માતણી સામે સંઘબદ્ધ સર્વ ભીષણ મોરચે,
પ્રભાવ આસુરી એક
અવરોધી રહ્યો એની ઈશારાભિમુખ દૃષ્ટિને.
દયા વગરનું શૂન્ય ' ખાઉ ખાઉ ' કરે છે આસપાસમાં,
તમિસ્રા શાશ્વતી એને ફંફોસે નિજ હસ્તથી,
અતકર્ય શક્તિઓ એને ચલાવે છે પ્રવંચતી,
દૈત્ય જેવા દુરારાધ્ય દેવતાઓ પડે એના વિરોધમાં.
એક અચેત આત્માએ અને એક સુપ્તજાગ્રત શક્તિએ
એક જગત છે રચ્યું
જે વિયુક્ત થયેલું છે પ્રાણીથી ને વિચારથી;
કાળી આધાર-ભોમોનો એક કાલિનાગ તે
યદ્દચ્છા ને મૃત્યુ કેરા નાફેર કાયદાતણી
રક્ષા કરી રહેલ છે;
કાળને ને ઘટના મધ્ય જતા એના લાંબા મારગની પરે
કોયડો ધરતી સામે છાયામૂર્ત્તિ નારસિંહી તલાતલી,
ધૂસરી, ભીમ પંજાઓ ગળી જાતી રેતી ઉપર રાખતી,
આત્માને હણતા શબ્દે થઇ સજ્જ એનો માર્ગ નિહાળતી :
એના રસ્તાતણી આડે રાત્રિ કેરી છાવણી છે નાખયલી.
ચિરસ્થાયી કાળમાં છે એનો દિવસ તો પળ;
મિનિટો ને કલાકોનો છે એ ભોગ બની ગયો.
પૃથ્વી ઉપર આક્રાંત અને સ્વર્ગ કેરી એને ન ખાતરી,
અહીંયાં ઊતર્યો છે એ દુખિયારો અને ઉત્કૃષ્ટ તે છતાં,
સંયોજતી બની એક કડી અર્ધદેવ ને પશુ મધ્યની,
પોતાના મહિમાનું ના ભાન એને ને નથી ભાન લક્ષ્યનું;
પોતે કેમ અને ક્યાંથી આવ્યો છે તે એને યાદ રહ્યું નથી;
એનો આત્મા અને એનાં અંગો વચ્ચે લડાઈ છે;
વ્યોમોને સ્પર્શવા જાતાં
એની ઊંચાઈઓ નીચી અતિશે જાય છે પડી,
પિંડ એનો દટાયો છે પશુના પંકની મહીં.
એના સ્વભાવનો ધર્મ અસંબદ્ધ ને વિચિત્ર વિરોધ છે.
વિરોધી વસ્તુઓ કેરો કોયડો છે બનેલો ક્ષેત્ર એહનું :
મુક્તિ એ માગતો કિંતુ બંધનોમાં રે'વું એની જરૂર છે,
છે આવશ્યકતા એને અંધકારતણી જોવા માટે થોડા પ્રકાશને
થોડોક હર્ષ લ્હેવાને માટે એને શોક કેરી જરૂર છે;
વધુ મોટા જીવનાર્થે મૃત્યુ એને જરૂરનું.
બધી બાજુ જુએ છે એ ને વળે છે પ્રત્યેક સાદની પ્રતિ;
જેની સહાયથી પોતે ચાલે એવી
એની પાસે નથી નિશ્ચિત જ્યોતિ કો;
એનું જીવન છે ગોળીબાર શું આંધળાતણા,
રમી સંતાકૂકડીએ રહેલ એ;
શોધે સ્વરૂપને કિંતુ ભાગી જાય સ્વરૂપથી;
ભેટો સ્વરૂપનો થાતાં માને છે કે
એ પોતાથી જુદી જ કોક વસ્તુ છે.
બાંધતો એ સદા રે'તો, કિંતુ એને મળતી સ્થિર ભૂમિ ના,
હમેશાં ચાલતો રે'તો, કિંતુ ક્યાંય ન પ્હોંચતો;
જગને દોરવા માગે, દોરી ના જાતને શકે;
માગે ઉદ્ધારવા આત્મ, જિંદગીને ઉદ્ધારી શકતો ન એ.
એના મને ગુમાવી છે જ્યોતિ જેને લાવ્યો છે આત્મ એહનો;
શીખ્યો છે જે બધું એ તે
શંકાસ્પદ બની જાય જરીક વારમાં ફરી;
સ્વ-વિચારોતણી છાયા એને સૂરજ લાગતી,
પછી છાયા બની જાય બધું ને ના સત્ય જેવું કશું રહે :
જાણતો એ ન પોતે શું કરે છે તે, ને વળે છે કઈ દિશે,
સંજ્ઞાઓ એ બનાવી દે સત્યવસ્તુતણી અજ્ઞાનની મહીં.
સત્યના તારલા સાથે ગ્રથી દીધો છે એણે ભૂલભ્રાંતિને
પોતાની મર્ત્યતાતણી.
લસંત નિજ મોરાંથી આકર્ષે છે એને પ્રજ્ઞાવતી મતિ,
મો'રાં પાછળનું મોઢું કિંતુ એણે આવલોક્યું નથી કદી :
જંગી અજ્ઞાન છે એની વિદ્યાની આસપાસમાં.
દ્રવ્યમય જગત્ કેરા વાચાવિહીન રૂપમાં
વિશ્વની ગૂઢતાને એ ભેટવાને માટે નિયુક્ત છે થયો,
પ્રવેશ કાજનું એનું પારપત્ર જૂઠું છે ને જૂઠું વ્યક્તિસ્વરૂપ છે,
પોતે જેહ નથી તેહ થવા કેરી એને ફરજ છે પડી;
જે પરે કરવા રાજ્ય આવેલો છે પોતે તેહ અચિત્ તણી
આજ્ઞા એહ ઉઠાવતો
ને સ્વાત્માની સિદ્ધિ માટે ગરકી એ જાય છે જડતત્વમાં.
નીચી કોટીતણાં સ્વીય હંકારાતાં રૂપોથી જાગ્રતા થઇ
ભૂમાતાએ સમર્પી છે એના હસ્તોમહીં સ્વકીય શક્તિઓ
ને તે ભારે ન્યાસને એ સાચવીને રહેલો છે મુસીબતે;
માર્ગો ઉપર પૃથ્વીના મન એનું માર્ગ-ભૂલ્યો મશાલચી.
પ્રકાશિત કરી પ્રાણ વિચારાર્થે
અને જીવદ્રવ્યને વેદનાર્થ એ
પરિશ્રમ કરે ધીરા ને શંકાઓ સેવનારા દિમાગથી,
ને તર્કબુદ્ધિને ઝોલે ઝૂલતા પાવકોતણી
એહ સાહાય્ય મેળવી
પોતા કેરા વિચારને
અને સંકલ્પને માગે છે એ દ્વાર ચમત્કારી બનાવવા,
જેમાં થઇ જગત્ કેરા અંધકારે થાય પ્રવેશ જ્ઞાનનો
ને સંઘર્ષ તથા દ્વેષ કેરે દેશે રાજ્ય સ્થપાય પ્રેમનું.
મન જે સ્વર્ગ ને પૃથ્વી વચ્ચે સાધી સમાધાન શકે નહીં
ને હજારો પાસથી જે બદ્ધ છે જડતત્વ શું
એવો એ આત્મને ઊંચે લઇ જાય સભાન દેવતા થવા.
જ્ઞાનનો મહિમા તાજ બની એને માથે હોય વિરાજતો,
શુક્ર ને જાતિકોષોની આ કૃતિને,
આ જીવદ્રવ્ય ને વાયુમાંથી જન્મી
ચમત્કારી કૃતિને કીમિયાગરી
ઊંચે ચડાવવા માટે
મન ને આત્મનું રશ્મિ હોય અદભુત ઊતર્યું,
ને દોડે-સમર્પણે છે જે પ્રાણીઓનો સમોવડીયો
તે ત્યારે યે
તુંગતા સ્વ-વિચારોની અમરાત્મ શિખરો પ્રતિ ઊંચકે,
તે સમે યે માનવોનો મધ્યમાર્ગ એનું જીવન રાખતું;
મૃત્યુને ને દુઃખને એ સોંપી દે સ્વશરીરને
ને સોંપાયો હતો એને જે પદાર્થ
તેનો ભાર અતિશે એ પરિત્યજે.
શંકા રાખે ચમત્કારો પ્રતિ પોતે ચમત્કારો કરે છતાં,
ન માનનાર મસ્તિષ્કે અને ભોળી માન્યતાએ ભર્યા ઉરે
નિગૂઢ શક્તિઓ જેની રહે વંધ્ય એવો કો એક જીવ એ,
આરંભાયું હતું જ્યાંથી ત્યાં તજી દે જગતને અંત પામવા,
પૂરું કર્યા વિના કાર્ય કરે છે એ દાવો સ્વર્ગીય લાભનો.
આમ એણે ગુમાવી છે સૃષ્ટિ કેરી કેવલાત્મક પૂર્ણતા.
અર્ધે રસ્તે રોકતો એ સિતારો નિજ ભાગ્યનો :
વિશ્વ-જીવન છે એક વિશાળો ને વ્યર્થ પ્રયોગ જેહની
અજમાયેશ આવે છે ચાલતી ચિર કાળથી,
છે સંકલ્પન એ ઉચ્ચ સુષ્ઠુ સેવાયલું નહીં
ને પડાતું પાર સંદિગ્ધ રીતથી,
પોતાનું લક્ષ્ય ના જોતું ઠોકરાતું ગતિ આગળ એ કરે,
વાંકાચૂંકા ગ્રહે માર્ગ અજાણી ને જોખમી ભૂમિની પરે,
જે ચાલની પડી હોય ટેવ તેની સદા આવૃત્તિઓ કરે,
લાંબા પ્રયાણને અંતે
પીછેહઠ કરી કરી પાછું પડી હંમેશ જાય એ,
ને નિશ્ચિત નતીજો ના એવા સૌથી મુશ્કેલ વિજયો પછી
પરાવર્તિત થાય એ,
નહિ નિર્ણય પામેલી છે એ રમત એક જે
ખેંચાતી જ રહે અંત ન આવતાં.
બંધ બેસે નહીં એવા મહાવિપુલ વસ્ત્રમાં
એક ઉજ્જવલ ઉદ્દેશ તે છતાંયે છૂપું સ્વમુખ રાખતો,
એક જબ્બર અંધત્વ
ઠેસો ખાતું આશ રાખી રહે આગળ ચાલતું
જ્યોતિર્મયી યદ્દચ્છાની બક્ષિસોથી પોતાનું બળ પોષતું.
નિષ્ફળ નીવડી કામ આપે માનવ શસ્રના
તેથી નાસીપાસ દેવ નિદ્રા સેવે પોતાના બીજની મહીં,
પોતે રચેલ રૂપોમાં અટવાયેલ આત્મ એ.
પ્રભુ જેને રહ્યો દોરી તેની નિષ્ફળતા નિષ્ફળતા નથી;
સર્વ મધ્ય થઇ ચાલી રહી ધીરી
આગેકૂચ રહસ્યમયતા ભરી:
અવિકારી શક્તિએ છે વિકારી વિશ્વ આ રચ્યું;
સ્વયંસિદ્ધ થતું પારપારનું કૈં
પગલાંઓ માંડે છે માનવી પથે;
જીવને નિજ માર્ગોએ હંકારીને લઇ જતો,
જાણે છે પગલાં એનાં અને એનો માર્ગ અપરિહાર્ય છે,
ને નિષ્ફળ જશે કયાંથી લક્ષ્ય જયારે પ્રભુ છે પથદર્શક ?
માનવી મન થાકે કે દેહ છેહ દે ગમે તેટલો છતાં
રદ એને કરી નાખી સચેતન પસંદગી
ઈચ્છા એક અવશ્ય સિદ્ધ થાય છે :
લક્ષ્ય પાછું હઠે છે ને સીમાહીન વિશાલતા
અમેય એક અજ્ઞાતે નિવર્તી સાદ પાડતી.
વિશ્વ કેરી મહામોટી યાત્રાનું અવસાન ના,
શરીરી જીવને માટે નથી વારો વિરામનો.
જીવ્યા જ કરવાનું છે સદા એણે
કાળ કેરી બૃહત્ વક્રરેખાને આંકતા રહી.
બંધ-દ્વાર પારમાંથી અંત:સ્રોત્ર એક આવે દબાવતો
જીવ માટે નિષેધતો વિશ્રાંતિ ને સુખારામ જગત્ તણો,
સ્વરૂપ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ અટકી શકતો નથી.
દોરી જનાર છે એક જ્યોતિ, એક શક્તિ છે સાહ્યકારિણી;
ન લક્ષાતી, ન લ્હેવાતી એ એનામાં છે જોતી ને પ્રવર્તતી;
પોતે અજ્ઞાન, પોતાનાં ઊંડાણોમાં સર્વચૈતન્યવંતને
રૂપબદ્ધ કરંત એ,
પોતે માનવ, એ ઊંચે માંડે દૃષ્ટિ
અતિમાનુષ છે એવાં શિખરોની દિશા ભણી :
પરાપ્રકૃતિ સોનું લઈને એ ઉધારમાં
કરે છે માર્ગ તૈયાર અમૃતત્વે લઇ જતો.
મહા દેવો માનવીની પરે નજર નાખતા,
ચોકીદારો બનેલ એ
આજ કેરાં અશક્યોને પાયા માટે ભવિષ્યના
દે પોતાની પસંદગી.
સ્પર્શે શાશ્વતના એની કંપમાન ક્ષણભંગુરતા બને,
પડે અના અંતરાયો પદહેઠ અનંતના;
એના જીવનમાં થાય પ્રવેશ અમરોતણો :
એના સાન્નિધ્યમાં આવે એલચીઓ અદૃષ્ટના;
મર્ત્ય હવાતણા પાસે દોષયુક્ત મહિમા દિવ્ય-વૈભવી,
પ્રેમ પસાર થાયે છે એના હૃદયમાં થઇ,
મહેમાન અટંત એ,
એને સૌન્દર્ય ઘેરી લે ઘડી માટે એક જાદૂગરી ભરી,
આવિર્ભાવક આનંદ એક મોટો આવી એને મળી જતો,
અલ્પકાલીન વૈશાલ્યો એને મુક્ત બનાવે નિજ જાતથી,
આંખો સામે સદા રે'તા મહિમાની દિશાએ લલચાવતી
અમર્ત્ય માધુરી કેરી આશાઓ, તે પ્રલોભાવી તજી જતી.
અદભુત અગ્નિઓ આવિર્ભાવકારી
કરી પાર એહના મનને જતા,
વિરલાં સૂચનો એની વાણીને ઊર્ધ્વ ઊંચકે
ને એ ક્ષણેકને માટે
નિત્ય કેરા શબ્દ કેરી સગોત્રા જાય છે બની;
એના મસ્તિષ્કમાં લેતું ચકરાવા છદ્મનાટક જ્ઞાનનું,
ને અર્ધ-દિવ્ય ઝાંખીઓ દ્રારા એને કરી વ્યાકુળ નાખતું.
કોઈ કોઈ વાર હસ્ત પોતાના એ નાખે અજ્ઞાતની પરે;
કોઈ કોઈ વાર એનો શાશ્વતીની સાથે વ્યહવાર ચાલતો.
એક અદભુત ને ભવ્ય પ્રતિમૂર્ત્તિ-સ્વરૂપમાં
જન્મ એનો થયો હતો,
અને અમરતા, આત્મ-અવકાશ ચિદંબરી,
પવિત્ર પૂર્ણતા, છાયા વિનાની પરમા મુદા
છે ભવ્ય ભાવિનિર્માણ આ દુઃખગ્રસ્ત જીવનું.
મનુષ્યમાં નિહાળે છે પૃથ્વી-માતા પાસે આવી પહોંચતું
તે રૂપાંતર કે જેનો પૂર્વાભાસ
નિજ મૂક અને દીપ્ત ઊંડાણોમાં થતો હતો,
છે એક દેવ એ એનાં રૂપાંતરિત અંગથી
પ્રકટી બ્હાર આવતો,
સ્વર્ગનો કીમિયો છે એ પાયા પર નિસર્ગના.
રાજા ! તું છે વિશેષજ્ઞ
સ્વયંભૂ ને સદા ચાલુ રહેલા રાજવંશનો,
જુગોએ જન્મ આપ્યો છે જ્યોતિને જે
તેને ના મરવા દેતો ત્યાગ તેનો કરી દઈ,
માનવીની અંધ દુઃખી જિંદગીને હજી યે કર સાહ્ય તું :
નિજાત્માની વિશાળી ને સર્વસમર્થ પ્રેરણા
આધીન અનુવર્ત તું.
સાક્ષી રૂપે હતો એ ત્યાં મંત્રણામાં પ્રભુની રાત્રિ સાથની,
અમર્ત્ય શાંતિમાંથી એ દયાભાવે નીચે આવ્યો હતો નમી,
ને જે ઈચ્છા દુઃખપૂર્ણ બીજ છે વસ્તુઓતણું
તેનું ધામ બન્યો હતો.
આપ સંમતિ તું તારા ઉચ્ચ આત્મસ્વરૂપને,
કર સર્જન, લે સહી.
જ્ઞાનથી વિરમંતો ના, શ્રમ તારો સુવિશાળ બનાવ તું,
ગોંધી ના રાખતો તારી શક્તિને તું સીમાઓમાં ઘરાતણી;
અંત વગરના લાંબા
કાળ કેરા કાર્ય સાથે તારું સમકક્ષ બનાવ તું.
ખુલ્લાં શાશ્વત શૃંગોની પર યાત્રા કરંત તું
હજીય પગલાં પાડ બેતારીખ મુશ્કેલ માર્ગની પરે
રૂક્ષ જેની વક્રરેખા યુગચક્રો સાથે સંયોગ સાધતી,
દીક્ષાધારી દેવતાઓ મનુષ્યાર્થે કાઢતા માપ જેહનું.
મારો પ્રકાશ તારામાં હશે, મારું બળ તારું બની જશે.
અધીર દૈત્યને તારા હૈયા કેરો હાંકનાર બનાવ ના
અધૂરું ફળ ના માગ, પુરસ્કાર અપૂર્ણ ના.
માહાત્મ્ય આત્મને દેતું વરદાન એક કેવળ માગજે;
એક કેવળ આનંદ વાંછજે તું સ્વજાતિનો ઉત્કર્ષ સાધવાતણો.
અંધ નિર્માણને માથે અને માથે વિરોધી શક્તિઓ તણા
સ્થિર ને બદલાયે ના એવો એક ઉચ્ચ સંકલ્પ છે ખડો;
એની સર્વશક્તિમત્તા માટે તારા કર્મનું ફળ છોડ તું.
રૂપાંતર પમાડંતી પ્રભુની પળ આવતાં
બદલાઈ બધું જશે."
મહાનુભાવ ને મિષ્ટ ઓજસ્વી એ સ્વર મૌન શમી ગયો.
વિરાટે ચિંતને મગ્ન અવકાશે કશું હાવે હાલતુંચાલતું ન 'તું :
ધ્યાનથી સુણતા વિશ્વે છાઈ નિઃસ્પંદતા ગઈ,
શાશ્વતાત્માતણી શાંતિ કેરી મૂક હતી વ્યાપ્ત વિશાલતા.
કિંતુ અશ્વપતિ કેરું હૈયું એની પ્રતિ ઉત્તરમાં વધું,
વિરાટોના મૌન મધ્યે હતો પોકાર એક એ :
" તારા મુખતણા દિવ્ય મહિમાનાં અને સુંદરતાતણાં
વિશ્વના છદ્મની પૂઠે જેને દર્શન છે થયાં,
તે હું શી રીતે સંતુષ્ટ રહીશ મર્ત્ય કાળથી
ને પૃથ્વીની વસ્તુઓના મંદતાપૂર્ણ તાલથી ?
પોતાનો પુત્રકોને તું બાંધી જે સાથ રાખતી
તે નિર્માણ સાચે જ સુક્ઠોર છે !
અમે જેઓ છીએ પાત્રો મૃત્યુનિર્મુક્ત શક્તિના
ને શિલ્પીઓ મનુષ્યોની જાતિના દેવરૂપના,
ક્યાં સુધી તેમના આત્મા રાત્રિ સાથે ઝઝૂમશે,
પરાજય સહેશે ને મૃત્યુ કેરી વહેશે ક્રૂર ઝુંસરી ?
અથવા હોય જો મારે કરવાનું કાર્ય તારું ધરાતલે
માનવી જિંદગી કેરા દોષમાં ને ઉજાડમાં
ઝાંખા પ્રકાશમાં અર્ધ-ભાનવાળા માનુષી મનના રહી,
તો તારી દૂરની કોઈ જ્યોતિ કેમ ધસીને આવતી નથી ?
સેંકડો ને હજારો કૈં વર્ષો આવી પસાર થઇ જાય છે.
ધૂસરી ગમગીનીમાં ક્યાં છે રશ્મિ તારા આગમનોતણું ?
તારા વિજયની પાંખો કેરો ક્યાં ગગડાટ છે ?
થતા પસાર દેવોનાં પગલાંનો
ધ્વનિમાત્ર અમને સંભળાય છે.
પશ્ચગામી અને ભાવી-દર્શિની દૃષ્ટિની કને
આલેખાયેલ છે એક માનચિત્ર નિગૂઢ નિત્યને મને,
આવૃતિઓ કરે કલ્પો એના એ જ એમના ચકરાવની,
યુગો પુનઃ રચે સર્વ અને નિત્ય આસ્પૃહા રાખતા રહે.
અમે જે સૌ કર્યું છે તે ફરી પાછું હજીયે કરવુ પડે.
બધું તૂટી પડે છે ને બધું થાય નવું ફરી
ને એનું એ જ એ રહે.
વ્યર્થ વિવર્તતી જાતી જિંદગીમાં જંગી વિપ્લવ આવતા,
નવા-જાયા જમાનાઓ જૂના જેમ ઢબી જતા,
જાણે કે જગ આ જેને માટે છે સરજાયલું
તે બધું ના પડે પાર તહીં સુધી
શોકગ્રસ્ત સમસ્યાએ સ્વાધિકાર રાખેલો હોય સાચવી.
અત્યારે જે અમારામાં જન્મ પામેલ છે બળ
તે આત્યંતિક અલ્પ છે,
અત્યંત મંદ છે જ્યોતિ
જે આવે છે ચોર જેમ પડળોને કરી પાર નિસર્ગનાં
ને આનંદેય અત્યલ્પ જે આપી એ ખરીદી અમ દુઃખ લે.
જેને ના ભાન પોતાના માયાનાનું એવા જાડયભર્યા જગે
વિચારોના સકંજામાં જન્મના ચક્રની પરે
અમારી જિંદગી જતી,
અમારો જે નથી એવા કો આવેગ કેરાં શસ્ત્ર બની જઈ
અર્ધ-જ્ઞાન અને શ્રાંત થઇ શીઘ્ર જનારાં અર્ધ-સર્જનો
કરવા સિદ્ધ પ્રેરાતા અમે રક્ત હૈયાનું મૂલ્યમાં દઈ.
વિનાશવંત અંગોમાં પરાભૂત આત્મા અમર, એ અમે
બાધા-બાધ્યા, હઠાવાતા છતાંયે શ્રમ સેવતા;
મટી જતા, હતોત્સાહ થતા, થાકી લોથપોથ થઇ જતા
તે છતાં યે જિંદગીને ટકાવતા.
યાતના વેઠતા કાર્યપ્રયાસો કરતા અમે
કે મનુષ્ય વિશાળતર દૃષ્ટિઓ,
ઉદારતર હૈયાનો ઊભો થાય કો અમ મધ્યથી,
સંમૂર્ત્ત સત્યનું સ્વર્ણપાત્ર કોક સમુદભવે,
દિવ્ય પ્રયત્નનો કોક ઊભો થાય પ્રબન્ધક,
પ્રભુની પાર્થિવી કાયા ધારવા હોય સજ્જ જે,
પ્રસાદો જે પહોંચાડે અને આણે સંદેશો પ્રભુનો અહીં,
પ્રેમનો રાખનારો જે હોય, જે હોય રાજવી.
જાણું છું કે સૃષ્ટિ તારી નિષ્ફલા ના બની શકે.
કેમ કે ધુમ્મસોમાં યે મર્ત્ય કેરા વિચારનાં
અચૂક પગલાં ગૂઢ પડતાં તુજ હોય છે,
અને જોકે યદ્દચ્છાના વાઘાઓને અવશ્યંભાવિતા ધરે,
છતાં યે દૈવની અંધ ચલોમાંહ્ય એ રાખે છે છુપાયલી
તર્કસંગતતા મંદ અને શાંત પગલાંની અનંતનાં
ને અનુલ્લંધ્ય રાખે છે તેની ઈચ્છા કેરી ક્રમિક સાંકળી.
ઊંચે આરોહતી શ્રેણી રૂપે સારી જિંદગી છે સ્થપાયલી
ને ઉત્ક્રાંતિ પામનારો નિયમે યે દ્દ્રઢ છે વજૂના સમો;
છે જે આરંભ તે માંહે અંત સજ્જ કરાય છે.
આ વિચિત્રા ને વિવેકહીના પેદાશ પંકની,
પશુ ને પરમાત્માની વચ્ચેનો મધ્યમાર્ગ આ
શિરોમુકુટ ના તારી ચમત્કારક સૃષ્ટિનો.
જાણું છું કે એક આત્મા
વ્યોમ જેવો વિશાળો ને સમાવેશ કરનારો સમસ્તનો,
એક પ્રકૃતિ શું, એક સ્વર્ગ શું તુંગતા પરે,
અને અદૃશ્ય ઉત્સોના પરમાનંદથી ભર્યો
અચેત જીવકોષોમાંહી પ્રવેશશે,
દેવ એક આવશે નિમ્ન ભોમમાં
અને નિપાતથી એનું માહાત્મ્ય અદકું હશે.
શક્તિ એક થઇ ઊભી મારી ઘેરી નિદ્રાની કોટડીથકી.
કાળની લંગડાતી ને ધીરી છોડી દઈ ગતિ,
મર્ત્ય દૃષ્ટિતણો છોડી દઈ નિમેષ ચંચલ,
અતિમાત્ર જ્યોતિમાં જ્યાં મનીષી નીંદરે પડયો
ને સર્વસાક્ષિણી એક આંખ છે જ્યાં અસહિષ્ણુ જલી રહી
હૃદયેથી મૌનના ત્યાં નિર્માણ-શબ્દ આવતો
સુણ્યો એણે અંતહીન ક્ષણે શાશ્વતતાતણી
ને નિહાળ્યાં કાર્ય એણે કાળ કેરાં અકાળથી.
મનનાં જડસાં સૂત્રો ઉલ્લંઘાઈ ગયાં બધાં,
પરાભવ ગયો પામી અંતરાય મર્ત્યના અવકાશનો :
પ્રાકટય પામતી મૂર્ત્તિ આવનારી વસ્તુઓ બતલાવતી.
ભૂતકાળ થયો દીર્ણ શિવના ઘોર તાંડવે,
વિશ્વો તૂટી પડયાં હોય એવા એક કડાકો કારમો થયો;
જવાળાથી ને મૃત્યુ કેરી ગર્જનાથી આક્રાંત પૃથિવી થઇ,
પોતાની જ બુભુક્ષાએ બનાવાયેલ વિશ્વને
નાશ પમાડવા માટે મૃત્યુ એહ શોર મચાવતું હતું;
ખણણાટ થતો 'તો ત્યાં પાંખો કેરો પ્રણાશની :
હતો અસુરનો સિંહનાદ મારા શ્રવણો મધ્ય ગાજતો,
કવચે સજ્જ રાત્રીને યુદ્ધાહવાન અને તુમુલ નાદ એ
કંપમાન બનાવતા.
દેદિપ્યમાન મેં દીઠા અગ્રગામી સર્વસામર્થ્યવંતના,
વળતી જીવન પ્રત્યે તે કિનારી ઉપરે સ્વર્ગલોકની,
અંબરે નિર્મિતા સીડી જન્મની, તે પરે થઇ
તેઓ નીચે ટોળે ટોળે ઊતરી આવતા હતા;
દિવ્ય વૃન્દતણા અગ્રદૂત તેઓ પ્રભાત-તારકાતણા
પંથોમાંથી નીકળીને પ્રવેશતા
નાની શી કોટડીમાંહે મર્ત્યભાવી આપણી જિંદગીતણી.
જોયા મેં તેમને પાર કરતા યુગકાળની
ઝાંખી શી સાંધ્ય જ્યોતિને
સૂર્યચક્ષુ હતા તેઓ બાળકો કો ચમત્કારી ઉષાતણા,
હતા મહાન સ્રષ્ટાઓ,
વિશાળ તેમના ભાલે હતી શાંતિ વિરાજતી,
વિશ્વ કેરા મહાકાય બાધાબંધોતણા એ ભંજકો હતા,
હતા નિર્માણની સાથે કુસ્તીના કરનાર એ
ઈચ્છા કેરાં એનાં દંગલની મહીં,
મજૂરી કરનારાઓ હતા તેઓ ખાણોમાં દેવલોકની
અપ્રકાશ્યતણા તેઓ હતા સંદેશવાહકો,
હતા અમરતા કેરા તેઓ શિલ્પવિધાયકો.
આવ્યા 'તા તે માનવીના અધ:પતિત લોકમાં,
હજીય અમરાત્માની મહાદીપ્તિ તેમને વદને હતી,
પ્રભુ કેરા વિચારોની સાથે સંબંધમાં હજી
અવાજો એમના હતા,
બ્રહ્યજ્યોતિ વડે દેહો હતા સુંદર એમના,
લાવ્યા તેઓ હતા શબ્દ ચમત્કારી,
હતા લાવ્યા રહસ્યમય અગ્નિને,
પ્રમત્ત હર્ષનો પ્યાલો મદના દેવતાતણો
તેમના હાથમાં હતો,
સમીપે આવતા 'તા એ આંખો સામે વધુ દિવ્ય મનુષ્યની,
અજાણ્યું સ્તોત્ર આત્માનું ગવાતું 'તું એમના અધરો પરે,
કાળની પરસાળોમાં સુણાતો 'તો એમના પદનો ધ્વનિ.
જ્ઞાન, માધુર્ય, સામર્થ્થ અને પરમ શર્મના
હતા તેઓ ઉચ્ચકક્ષ પુરોહિતો,
આવિષ્કાર સૌન્દર્ય કેરા સૂર્ય-પ્રભ પંથોતણા હતા,
તરવૈયા હતા પ્રેમ કેરાં હાસ્ય કરતાં દીપ્ત પૂરના,
ને પ્રહર્ષણના સ્વર્ણ-દ્વારી નૃત્યગૃહના નર્તકો હતા,
એમને પગલે એક દિન દુઃખી દુનિયા પલટી જશે
ને ન્યાય્ય ઠરશે જ્યોતિ છે જે પ્રકૃતિને મુખે.
જોકે પારપાર ઊર્ધ્વે હજુએ છે ભાગ્ય વાર લગાડતું,
ને જેમાં શક્તિ હૈયાની આપણી ખરચાઈ છે
તે કાર્ય છે ગયું વ્યર્થ એવું જોકે જણાય છે,
છતાં યે આપણે જેને માટે દુઃખ સહેલ છે
તે સર્વ સિદ્ધિ પામશે.
પૂર્વે પશુ પછી જેમ માનવીનું આવાગમન છે થયું,
બરાબર થશે તેમ મર્ત્ય કેરી અદક્ષા ગતિની પછી,
વૃથા શ્રમ, પસીનો ને રક્ત ને અશ્રુઓ પછી
ઉચ્ચ વારસ આ દિવ્ય અવશ્યમેવ આવશે :
જેને વિચારવાની યે
માંડ માંડ હામ ભીડી શકે છે મન મર્ત્યનું
તેનું એ જ્ઞાન પામશે,
ને હૈયું મર્ત્યનું જેને માટે સાહસ ખેડવા
શક્તિમાન નથી, તેને એ કરી પાર પાડશે.
માનવી જિંદગી કેરા શ્રમનો વારસો લઇ
દેવોનો ભાર પોતાની પર એહ ઉપાડશે,
પૃથ્વી કેરા વિચારોને મળવાને
સામર્થ્ય સ્વર્ગનું ભૂનાં હૈયાંઓને મજબૂત બનાવશે,
કૃત્યો પૃથ્વીતણાં કૂટ અતિમાનુષ સ્પર્શશે,
પૃથુતા પામશે દૃષ્ટિ પૃથ્વી કેરી અનંતમાં.
ભારે, ન બદલાયેલું ભારકારી છે અપૂર્ણ જગત્ હજુ;
જુવાની કાળની ભવ્ય ગઈ ચાલી ને છે નિષ્ફળ નીવડી;
વર્ષો ભારે અને લાંબાં શ્રમકાર્ય આપણું ગણતું રહે,
ને હજી માનવાત્માની પર મારી મુદ્રાઓ મજબૂત છે,
ને પુરાતન માતાનું હૈયું છે થાકથી ભર્યું.
છૂપા પોતાતણા સૂર્યે સંરક્ષાયેલ સત્ય હે !
બંધ સ્વર્ગોમહીં એનાં ઊંડાણોમાં પ્રકાશતાં,
સંકેલાયેલ ચીજોની પર એનાં જે મહાબલ ચિંતનો
ચાલી રહેલ છે તેના અવાજ હે !
હે ઋતજ્ઞાનની દીપ્તિ ! માતા હે વિશ્વલોકની !
હે વિધાત્રી ! કલાકાર વધૂ હે શાશ્વતાત્મની !
કીમિયો કરતા તારા કર સાથે કર ઝાઝો વિલંબ ના,
કાળની એક સોનેરી પટ્ટિકા પર એહને
દાબી એને રાખતી ના નિરર્થક,
જાણે કે પ્રભુની પ્રત્યે
નિજ હૈયું ખોલવાની હામ કાળે ભીડવી નવ જોઈએ.
ઊર્ધ્વે જગતથી મુક્ત અને અપ્રાપ્ય તું, છતાં
વિશ્વની પ્રમુદા કેરા પ્રભવ પ્રસ્ફુરંત હે !
ઢૂંઢતા માણસો જેને બ્હાર ને ના જેને કદીય પામતા
એવા હે પરમાનંદમૂર્ત્તિ ગુપ્ત રહેલી ગહરાઈમાં !
મંત્રપૂતા જીભવાળી રહસ્યમયતા અને
દેવી ઓ હે કલાતણી !
તારી શક્તિતણો શુભ્ર ભાવાવેશ મૂર્ત્તિમંત બનાવ તું,
તારું સ્વરૂપ કો એક ઉચ્છવસંતું પાઠવ પૃથિવી પરે.
તારી શાશ્વતતાથી તું ભરી દે ક્ષણ એકને,
તારી અનંતતાને દે વસાવી એક દેહમાં,
લો એક મનને વીંટી સર્વજ્ઞાન જ્યોતિના સાગરોમહીં,
એક માનવ હૈયામાં તારો સર્વપ્રેમ એકલડો સ્ફુરો.
અમર્ત્ય મર્ત્ય પાયોએ પગલાંઓ પૃથિવી પર પાડતી
સ્વર્ગનું સર્વ સૌન્દર્ય સમૂહાવ અંગોમાં અવનીતણાં !
હે સર્વશક્તિમત્તા ! તું આવરી લે પ્રભુ કેરા પ્રભાવથી
ક્રિયાઓ ને ક્ષણો સર્વ મર્ત્ય સંકલ્પશક્તિની,
શાશ્વત બળથી એક ઘટિકાને મનુષ્યની
દે ઠસોઠસ તું ભરી,
એક સંકેતથી નાખ પલટાવી સારા ભવિષ્ય કાળને.
શિખરો પરથી એક મહાશબ્દ સુણાવ તું
અને એક મહાકૃત્યે તાળાં ખોલ ભાગ્યનાં બારણાંતણાં."
વિરોધ કરતી રાત્રીમહીં એની પ્રાર્થના તળીયે ઠરી
હજારો ઇનકારંતાં બળો દ્વારા દબયલી,
જાણે કે પરમે ઊંચે ચડવા એ હોય અત્યંત દુર્બલા.
કિંતુ સંમતિ દેનારો વિશાળો ત્યાં શબ્દ એક સમુદભવ્યો;
આત્મા સૌન્દર્યનો આવિર્ભાવ પામ્યો અવાજમાં :
પ્રકાશ તરવા લાગ્યો
ચમત્કારી દર્શનીયા મૂર્ત્તિ કેરા મુખની આસપાસ ત્યાં,
આનંદ અમરાત્માનો
રૂપધારી બન્યો એના અધરોષ્ઠતણી પરે.
" પોકાર મેં સુણ્યો તારો, અગ્રદૂત બલિષ્ઠ હે !
ઊતરી આવશે એક અને તોડી નાખશે લોહ-કાયદો,
કેવળ બ્રહ્યને બળે
પલટાવી નાખશે એ ભાગ્યરેખા નિસર્ગની.
આવશે મન એક જે
હશે સીમા વિનાનું ને સમાવેશ વિશ્વનો કરવા ક્ષમ,
સંચાલિત થતું ભાવાવેશોએ દેવલોકના
ઉત્સાહી શાંતિઓ કેરું ઉર મધુરું તીવ્ર આવશે.
સર્વે મહાબલો, સર્વે મહત્તાઓ એ એકે એકઠી થશે,
પૃથ્વી ઉપર સૌન્દર્ય ચાલશે સ્વર્ગલોકનું,
એના અલકની અભ્ર-જાલિકામાં પરમાનંદ પોઢશે,
ને પોતાને વાસ-વૃક્ષ પરે જેમ, તેમ તેને ક્લેવરે
અમર પ્રેમ પોતાની પ્રોજ્જવલંતી પાંખોને ફફડાવશે.
અશોક વસ્તુઓ કેરું એક સંગીત ગૂંથશે
એની મધુર મોહિની,
એના સ્વરતણી સાથે સિદ્ધોની વીણાઓ સૂર મિલાવશે,
એના હાસ્યે સ્વર્ગ કેરા સ્રોત્રો મર્મરતા થશે,
એના ઓષ્ઠ બની જશે મધપૂડા મહેશના,
એનાં અંગો હેમ-કલશો બની જશે ઈશની સંમુદાતણા,
અને એના સ્તનો પુષ્પો પ્રહર્ષનાં
હશે નંદન-ધામનાં
નિજ નીરવ હૈયે એ જ્ઞાનપ્રજ્ઞાન ધારશે,
એની પાસે હશે શક્તિ વિજેતાની તરવાર સમોવડી,
ને એનાં નયનો દ્વારા શાશ્વતાત્માતણી પરમ સંમુદા
મીટ માંડી વિલોકશે.
મુહુર્તે મૃત્યુના ઘોર વવાશે એક બીજ, ને
માનવી ભોમમાં શાખા સ્વર્ગ કેરી બની આરોપિતા જશે;
જશે પ્રકૃતિ ઓળંગી પોતા કેરું પગલું મર્ત્ય કૂદકે,
એક નિશ્ચલ સંકલ્પે પલટો ભાગ્ય પામશે."
અનંત જ્યોતિમાં જેમ થાય જવાલા અલોપ કો,
નિજ પ્રભવામાં જાય શમી અમરભાવથી
તેમ અલોપતા પામી મહાદીપ્તિ અને શબ્દ શમી ગયો.
પ્રતિધ્વનિ મુદા કેરો એક્દાનો નજીકનો,
સંવાદિતા સરી કોક દૂરની ચુપકી પ્રતિ,
સમાધિ-લયને કાને સંગીત વિરમી જતું,
સ્વરાવરોહ આહૂત સ્વરારોહો દ્વારા દૂર-સુદૂરના,
સંકેલાયેલા રાગોમાં સ્વર એક પ્રકંપતો.
અભિલાષ ભરી પૃથ્વીથકી એનું રૂપ પાછું વળી ગયું,
ત્યકત ગોચારતા કેરી પરિત્યાગી સમીપતા
આરોહી એ ગયું પાછું અપ્રાપ્ય નિજ ધામમાં.
ક્ષેત્રો અંતરનાં ખાલી પડયાં એકલ દીપતાં;
ખાલી ખાલી ચિદાકાશ અસામાન્ય બન્યું બધું,
ઉદાસી રણવિસ્તાર સમુ્જજવલિત શાંતિનો.
પછી પ્રશાંતિની દૂર ધારે એક રેખા સંચાલિતા થઇ :
સ્નેહોષ્માગ્રી સસંવેદ મૃદુ ઉર્મિ ધરાતણી,
તેજીલો, બહુસૂરીલો મર્મરાટ અને હાસ્યતણો ધ્વનિ
આવ્યાં અવાજનાં ગૌર પગલાં ભરતાં સરી.
મૌનના ઉરના ઊંડા મહિમાનાં બારણાં ઊઘડી ગયાં;
સાવ સંપૂર્ણ ને ચેષ્ટા વિનાની સ્પંદહીનતા
મર્ત્ય વાયુતણા શ્વાસોચ્છવાસને શરણે ગઈ,
સ્વર્ગો સમાધિનાં પાર વિનાનાં એ પિગાળતી
એ સમાપ્ત થઇ જાગ્રત ચિત્તમાં.
રહસ્યમયતા પૂઠે શબ્દહીન સુષુપ્તિની,
દૃષ્ટિથી દૂર આવેલાં પોતાનાં નિર્જનો પરે
ઢાળી દીધાં ઢાંકણાંઓ શાશ્વતીએ નિજ, સંપર્ક-પારનાં.
ભવ્ય વિરામ ને મોટો મોક્ષ પૂરા થઇ ગયા.
ખરતા કોઈ તારાથી હોય તેમ ભાગતી નિજ પાસથી,
ઉતાવળે સરી જાતિ ભૂમિકાઓ કેરી જ્યોતિમહીં થઇ
આત્મા એનો કાળ કેરું નિજ ધામ સમલવા
આવ્યો નીચે સુષ્ટ ચીજોતણા મોટા બજારમાં,
જ્યાં મચેલો હતો વેગ ને કોલાહલ લોકનો.
સ્વર્ગોનાં અદભુતો કેરો રથ એક વિશાળી નિજ બેઠકે
વહી જાનાર દેવોને ને તેજસ્વી ચક્રો ઉપર ચાલતો,
એવો અશ્વપતિ હવે
ધસ્યો અધ્યાત્મ દ્વારોમાં થઈને દીપ્ત દીપ્તિએ.
મૃત્યુલોકતણા કોલાહલે એને સત્કાર્યો નિજ મધ્યમાં.
એકવાર ફરીથી એ સ્થૂલ દૃશ્યોમહીં સંચારતો થયો,
ઊંચે ઉઠાવતાં એને શિખરોથી સૂચનો આવતાં હતાં,
ને ઘલામેલમાં મગ્ન માથું જયારે વચમાં વિરમી જતું
ત્યારે પ્રકૃતિની તાગ વિનાની ઊર્મિને અડી
આવનારા વિચારોનો સ્પર્શ એને થતો હતો,
જે વિચારો કરી સ્પર્શ જતા પાછા ઊડી ગુપ્ત તટો ભણી.
કલ્પના ક્ષેત્રમાં શોધ કરનારો એ સનાતન સાધક,
ઘેરાયેલો ઘડીઓના અસહિષ્ણુ દબાણથી
પ્રૌઢ ને ઝડપી કાર્યો માટે પાછો બલવાન બની ગયો.
જાગેલો ને રાત્રિ કેરા અજ્ઞ ગુંબજની તળે,
તારાઓના લોક એણે અસંખ્ય અવલોકિયા,
અતૃપ્ત પૂરનો પ્રશ્ન કરતો શબ્દ સાંભળ્યો,
રૂપ દેનાર ને માપ લેનાર મન સાથમાં
પરિશ્રમ નિષેવિયો.
ગૂઢ અદૃશ્ય સૂર્યોના દેશોમાંથી આવ્યો 'તો પર્યટંત એ,
ભંગુર વસ્તુઓ કેરા ભાગ્યને સિદ્ધિ અર્પતો,
ઉત્ક્રાંત પશુનું રૂપ લેનારો એક દેવતા,
એણે ઊંચું કર્યું માથું વિજેતાનું સ્વર્ગનાં ભુવનો પ્રતિ,
આત્માના રાજ્યને સ્થાપ્યું જડતત્વતણી પરે
ને સીમાએ બદ્ધ એના જગત્ પરે,
અપાર સાગરોમાંના જેમ એક નકકૂર શૈલની પરે.
સંદિગ્ધ પૃથિવી-ગોલ કેરા અલ્પાલ્પ ક્ષેત્રમાં
પ્રાણના પ્રભુએ પાછાં
પોતા કેરાં મહાશક્ત મંડલોને શરૂ કર્યાં.
ત્રીજું પર્વ સમાપ્ત
'સાવિત્રી' નો પ્રથમ ખંડ સમાપ્ત
જ્વાલાનો જન્મ અને બાલ્ય
જગદંબાનાં દિવ્ય દર્શન કરી, માનું વિશ્વોદ્વારક વરદાન મેળવી, અને એમના અલૌકિક આદેશને અપનાવી લઇ રાજા અશ્વપતિ પૃથ્વી ઉપરના પોતાના જીવનકાર્યને પૂરું કરવા પોતાના રાજ્યમાં પાછો ફર્યો.
પૃથ્વી તો પોતાની અંતહીન યાત્રામાં સૂર્યની પ્રદક્ષિણા કરતી જતી હતી. અવકાશના નિગૂઢ હૃદય સાથે એનું આત્માનુસંધાન તો ચાલ્યા જ કરતું હતું. એક અપ્રકટ ઘટના પ્રતિ એની ગતિ પ્રગતિ સાધતી થઇ રહી હતી. પ્રકાશના પ્રભુની પરિક્રમા કરતાં કરતાં એક પછી એક ઋતુમાં એનું જીવન પ્રવેશ કરતું હતું.
આકરો ઊનાળો આવ્યો અને ઉગ્ર મધ્યાહનોએ અત્યાચાર આદર્યો. ત્યાર પછી આવી વર્ષા ઋતુ. દૂરના સાગરોમાંથી તોફાનની પાંખે ઊડતાં ઊડતાં એનાં વાદળાં ઘનઘોર છવાવા માંડયાં. ઘોર ગડગડાટોએ અને આંજી દેતી વિદ્યુતોએ પૃથ્વીને ને સ્વર્ગને આક્રાંત કર્યાં, પૃથ્વીના પ્રિયતમ સૂર્યને સંતાડી દીધો અને એની દૃષ્ટિ પ્રિયતમા ઉપર ન પડે એવાં આવરણો આડે નાખ્યાં. દેવોનાં જાણે દુંદુભિઓ માથે ગડગડયાં, તેજસ્વી ભાલાઓ અફાટ ઊછળવા લાગ્યા. દિવસો સુધીની હેલીઓ, પ્રવાહોનાં પ્રબળ પૂર, નાનાંમોટાં નદીનાળાંની રેલમછેલ, કાદવનાં કળણો, રાત્રિમાં પલટાઈ ગયેલા દિવસો, કદીક ઝરમર ઝરમર તો કદીક ધોધમાર વરસાદ પછી વાતાવરણ ધીરે ધીરે સ્વચ્છ થવા માંડયું ને શરદે સૂર્યની સખી પૃથ્વીને શુભ્ર શુભ્ર સજી દીધી. પ્રભુ સમીપ પધારી રહ્યા હોય તે સમયે અનુભવાતી શાંતિ સમાગમ માટે આવી. કાળે પોતાના પરમાનંદના ખજાના ખોલી નાખ્યા. હૃદયની સુખમયી ધ્યાનમગ્નતા, આશા ને ઉલ્લાસ વાતાવરણમાં વ્યાપ્યાં ને અંતરાત્મા દિવ્યતર જ્યોતિ પ્રત્યે ઊર્ધ્વમુખ બની ગયો. આંતર દૃષ્ટિએ અદૃષ્ટ સૂર્યની આરાધના આરંભી.
ગર્ભસભર હોરાઓનું નિરીક્ષણ કરતી આમ ત્રણ વિચારવંત ઋતુઓ પ્રકાશને પગલે આવી અને ગઈ. પછી આવી હેમંત ને શિશિર ને અંતની અંતિકે આવેલા વરસે શાંત સુષમાની સૌમ્ય સુખમયતા ધારણ કરી.
હવે આવ્યો વસંતનો વારો. ઉત્સાહથી ઊભરાતો એ પ્રેમી નવ પલ્લવ ને પર્ણોના પુંજમાંથી છલંગ મારી બહાર આવ્યો ને વસુધા-વધૂને એણે આલિંગનમાં લીધી.
એના આગમનની સાથ સાતે રંગની શોભા પુરબહારમાં પ્રકટ થઇ, આનંદનાં રમણીય રાસચક્રો રચાયાં, એનો સાદ પારપારનાનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટેનો પોકાર બની ગયો. એને સ્પર્શે જીવનનું શ્રાંત હૃદય નવલોહિયું ને નંદનનંદન બની ગયું. પૃથ્વીને એણે દેવોના બાહુઓમાં સમર્પી, ને એકમાત્ર ચુંબનથી એને મનોહર બનાવી દીધી. પ્રભાધામની પ્રેરણાઓ રક્તમાં તરવરવા લાગી, કોકિલને કંઠે એણે પ્રેમની પાગલતાનો પ્રચાર કરવા માંડયો. રંગ, ઉમંગ અને પાંખવંતા પ્રેમગીતોએ સારી સૃષ્ટિને સૌન્દર્યનો સુવાસી આવાસ અને મંગળોનો મહોત્સવ બનાવી દીધો.
દેવોના આ અલૌકિક અવસરે પૃથ્વીના આનંદ માટેના પોકારને પ્રત્યુત્તર વાળ્યો અને આપણાં ઊર્ધ્વનાં ધામોમાંથી એક મહિમા ઊતરી આવ્યો, એક અલૌકિક પ્રદીપ પેટાવાયો, મધ્યસ્થ બનેલું રશ્મિ પૃથ્વીને સ્પર્શ્યું ને મનુષ્યના મનની ને પ્રભુના માનસની વચ્ચે આવેલી ઊંડી ખાઈ ઉપર એક પુલ બંધાયો. પોતાના દિવ્ય પ્રભવના ભાનવાળી એક શિવાત્મશક્તિ પૃથ્વીની અપૂર્ણતાના ઢાળમાં ઢળાઈ, પારપારની ભૂમિકાઓમાંથી મર્ત્ય જીવનનો બોજો માથે લેવાને એ પાછી અવતરી અને એણે અધૂરું રહેલું પોતાનું કાર્ય પૂરું કરવાને માટે પાછું હાથમાં લીધું.
એ હતી પ્રકૃતિના હૃદયમાં રહેલી ગૂઢજ્ઞાનમયી માતૃશક્તિ. શ્રમભર્યું કાર્ય કરી રહેલા ને અપેક્ષા રાખનારા હૃદયમાં આનંદ રેડવાનો હતો, જીવનનાં ઠોકરો ખાતાં બળોમાં દબાણ આણીનેય પૂર્ણતા પ્રકટાવવાની હતી, તમોગ્રસ્ત પાતાલોમાં પરમ ધામની ચેતના આણવાની હતી, મૂગા જડતત્ત્વને એના પોતાના પ્રભુનું ભાન કરાવવાનું હતું. આ લંબાતું જતું કામ પાછું એણે ઉપાડી લીધું. યુગો એને નિરુત્સાહમાં નાખી શક્યા ન હતા, મૃત્યુનો ને દુર્ભાગ્યનો વિજય એણે કબૂલ રાખ્યો ન હતો. એ શાશ્વતના બળનાં બીજ વેરે છે, હૃદયના કર્દમમાં દેવોનું નંદન રોપે છે, મૃત્યુના છળવેશની પાછળ અમૃતત્વ છુપાવી રાખે છે.
સાવિત્રી રૂપે આ શક્તિએ જન્મ લીધો. સૂર્યોની મહામુદાએ એને દિવ્ય અચેતનતાને પારણે ઝુલાવી. એના આત્માનો ને માનવ સ્વરૂપનો સંબંધ સ્થપાઈ ગયો. અંધકારની ગુહામાંચિન્મય જ્યોતિ ધીરે ધીરે વ્યાપી ગઈ, દિવ્યતાનું બીજ અંકુરિત થયું, મુકુલિત ને તે પછી પુષ્પિત થઇ ગયું. બાલિકાને પોતાના સુદૂરના દિવ્ય ધામની સ્મૃતિ હતી. એના બાલ્યની ચેષ્ઠાઓમાંય પૃથ્વીથી પર પારની જ્યોતિનું સાન્નિધ્ય વર્તાઈ આવતું હતું. શાશ્વતતાના ભાવોમાં ભાગીદારી હતી, દેવોને સહજ વિચારો એને આવતા હતા.
સર્વની વચ્ચે હોવા છતાં એનો સ્વભાવ નિરાળો હતો. એનું જીવન પૃથ્વી ઉપર સ્વર્ગની મુદ્રા મારતું હતું. એને માટે પ્રત્યેક પળ સૌન્દર્યના હૃદયનો ધબકાર બની ગઈ હતી. એનો આત્મા પિતા એવા સવિતા સૂર્યની સમીપમાં જ રહેતો હતો. સારી સૃષ્ટિ સાથે એ સહજ ગૂઢ એકતામાં રહેતી. એનો આત્મા દેવાત્માઓનું પ્રમાણ સાચવી રહ્યો હતો, હેમ-ધામમાં રહેલી આ દેવતાને ચમત્કારી ચન્દ્રમાઓમાંથી
ચક્રની આવતી કલ્પનાઓ પરમાત્મપુષ્ટિઓ પૂરી પાડી રહી હતી. એની અંદર અવતરેલી શક્તિ એના આખાયે આધારને ગહન સત્યોની સરૂપતા આપતી હતી.
પરા પ્રકૃતિ સાથે એ એકાત્મતામાં રહેતી હતી. એનામાં એક નવો આવિર્ભાવ મૂર્તિમંત થયો હતો. સત્યજ્યોતિ એનું માનસ બની ગઈ હતી. અલૌકિક લયો લહેતી શક્તિ એનું જીવન બની ગઈ હતી. એનો દેહ ગુપ્ત દેવત્વથી અનુપ્રાણિત બનેલો હતો. આગામી પ્રભુનું સ્વરૂપ એનામાં તૈયાર થઇ રહ્યું હતું.
સાવિત્રી મોટી થતી ગઈ તેમ તેમ એની અંદરની દિવ્યતા વધારે ને વધારે બાહ્ય સપાટી પર પ્રકટવા લાગી. ચારુતર ચિજજ્યોતિ, માધુર્યપૂર્ણ ગભીર દૃષ્ટિ એના દ્વારા ક્ષણભંગુર જગતને જોતી હતી. એનામાં એક મહયોધ સત્યના મણિમય સિંહાસનની ચોકી કરતો પહેરો ભરતો હતો. એનું હૃદય સ્નેહનો સુધાકર હતું, સર્વેને એ ચાહતું, ચૂપચાપ, અક્ષરે બોલ્યા વગર. સ્વર્ગની ગંગાની જેમ એની અંદર પ્રાણ પ્રવહતો હતો. અનેક ઉચ્ચ દેતાઓએ એને પોતાનું ધામ બનાવી હતી. સત્ત્વની સંવાદી એકતા એનામાં ભારોભાર ભરેલી હતી. અનેક સુસ્વરોનો સૂરમેળ એના જીવનનું સંગીત બની ગયો હતો.
એનું શરીર સ્વર્ગની પારદર્શક પ્રભાઓનો પાર્થિવ પુંજ હતું. દેવલોકોના દેશના પ્રવાહો ઉપર રચાયેલા સુવર્ણ-સેતુ જેવું એ શોભાયમાન હતું. કોઈ એક સરોવર-તટ પર ઊભેલા ચંદ્રિકાને ઝીલતા, વિશાળી ને વિભાસતી શાંતિના સહચર જેવા એકાકી તાલવૃક્ષ જેવું, પોઢેલા પર્વતો પરના તેજસ્વી આભામંડળ જેવું, રાત્રિમાં તારકમંડિત અદભુત મસ્તક જેવું એ મનોહર લાગતું હતું.
મદમત્તા કામનાની ફરતી ફેરફૂદડી
એક જ્યોતિતણી આસપાસ, જેને
સ્પર્શવાની હામ ભીડી શકે ન એ,
સુદૂરસ્થ અવિજ્ઞાત લક્ષ્ય પ્રત્યે વેગથી કરતી ગતિ
અનંતા સૂર્ય-યાત્રાને માર્ગે માર્ગે જતી ધરા.
અચિત્ ને હૃદયે શૂન્ય કેરે ઝોલે મન અર્ધ જ જાગ્રત,
સ્વપ્નમાંથી એણે જીવન આણિયું
ને અનંતતણા ચેષ્ટાવિહીન લયમાં થઇ
ચિંતના ને કર્મ કેરું અંતવંત એણે જગત આ વહ્યું.
એની સાથે દોડતું 'તું મૌન એક અવિકાર વિશાળવું :
બંદી વેગતણી ચક્ર ઉપરે રત્નથી ખચ્યા
અવકાશતણા ગૂઢ હૈયા સાથે
વ્યવહાર ચાલતો 'તો ધરાતણો,
તારાઓની અવિસ્પષ્ટ સ્થિર નીરવતામહીં
કો ગૂઢ ઘટના પ્રત્યે ગતિ એની થતી હતી,
કાળની ઘૂમરી દીર્ધ તાલમેળ એનો માપી રહ્યો હતો.
વંતાકી વર્ણની વાટ આસપાસ અખંડ કરતા ગતિ
રંગ્યા આરા સમા વેગે દિનો પર દિનો જતા,
ને હવાના જગાફેર કરનારા રંગોની મોહિનીમહીં
ઋતુઓ આવતી અર્થભરી નૃત્યવિધિમાં સંકળાયલી
બદલાતા વર્ષ કેરા રંગરાગ પ્રતીકાત્મક આંકતી.
ધરી કેરી જલતી ફલાંતિમ
ઉનાળે પગલાં માંડયાં સ્વ-પ્રતાપ સાથે ઉગ્ર બપોરના
ને મારી છાપ પોતાના જુલ્મી ચંડ પ્રકાશની,
સીલ મારી નીલ એણે ઓપદાર વિશાળા આસમાનની.
તે પછી આગ શી એની મૂર્છામાંથી
કે જામેલા ગઠ્ઠાઓ મધ્યમાં થઇ
ઉષ્ણતાની દીર્ણ પાંખે વર્ષા કેરો ભરતી-વેગ ઊમટયો,
બેચેનીએ ભરી તંદ્રા હવા કેરી વીજોએ ચમકાવતો,
પ્રાણદાયી પ્રવાહોના ફટકાઓ મારતો સુસ્ત ભૂમિને,
નભની ધૂંધળી નિદ્રા કેરાં દ્વારો રક્ષાતાં તારકો વડે
ભડકે ને ભડાકાએ છાઈ દેતો,
છાઈ દેતો ઝંઝા-પાંખી તમિસ્રતી,
મુખ પિંગળ પૃથ્વીનું ઢાંકી દેતો
ગીચોગીચ પડદે વાદળાંતણા
કે એના જારની સ્વર્ણવર્ણ આંખ એની ઉપર ના પડે.
ક્રાંતિના કટકો કાળ-ક્ષેત્રની પાર સંચર્યાં,
ઘેરી ભુવનને લેતાં વાદળાંઓ
આગેકૂચ અખંડ કરતાં જતાં,
તોફાનોની ઘોષણાઓ લઇ લેતી આકાશ અધિકારમાં,
દેવોની મોરચેબંધી ગગડાટો ઢોલ પીટી જણાવતા.
યાત્રી આવેલ પાડોશી અશાંત સાગરોથકી
કેશવાળી લઇ ગાઢી ધરાકેરી હોરાઓની મહીં થઇ
ચોમાસાનો ચલ્યો ઘોડો ભર્યો હણહણાટથી;
ઉપરાઉપરી ભાલા દૂતકાર્ય હવે કરે :
વિધુતો જબરી નાખે ચીરી ક્ષિતિજધારને,
અને સામસામેની છાવણીથકી
નંખાતી હોય તે રીતે નંખાતી દિગ્વિભાગથી
ઊંચી ખુલ્લી અને અંધી
વ્યોમ કેરી કિનારોને વિવાહિત બનાવતી :
મહાવર્ષાતણો મોટો ઉછાળો ને ચઢાઈ સુસવાટતી,
ધારાસારો દીર્ધ સીધા અને શોર પાંખવંત તુફાનનો,
વારે વારે દિશાફેર વાયરાનો, ધસતો વેગ વાયુનો,
પીડાતાં ને પડેલાં છે એવાં મેદાનમાં થઇ
તડામાર જતાં હતાં :
ડૂબેલી ધરતી-વાટે પાણી આકાશ-ઊતર્યાં
માર્ગ રેખા રચી જાતાં અને રેલો લાળ શો રચતાં હતાં.
પછી લાંબી ફલંગોએ બધું ઝડપભેર ત્યાં
સુસવાટા કર્યે જતું,
કે ઝંઝાવાતનો મોટો મચે શોર, કે નાદ જલધોધનો
બધુંયે ત્યાં બની જતું.
દિનની ધૂંધળી ભોમે ઢળકીને પડેલો ધૂંધકાર તે
ફેકાયેલો હતો મેલો સાંજે સાથે જોડી દેતો સવારને,
આળોટી કર્દમે ધારાસારમાં એ કાળો મેશ બન્યો હતો.
અર્ધ-અંધારનાં મેલાં વસ્ત્રો પ્હેર્યાં હતાં દિને.
જ્યોતિએ મુખડું જોયું અરીસામાં છારી-છાયા પ્રભાતના
ને હતું એ તહીં અર્ધ-આલોકાતી રાત્રિના મુખના સમું :
ઝાપટે, પડતાં ફોરા ને ઝમંતા ધુમ્મસે સહુને ગ્રહી
સૂકી જમીનને નાખી ફેરવી કળણો અને
કીચમાં બદબો ભર્યા :
પંકમાં પલટી પૃથ્વી, બન્યું વ્યોમ વિષાદે પૂર્ણ ઢીમચું.
બત્તીઓ જળમાં છેક તરબોળ બની હતી,
અંધાર-ભોંયરે પૂર્યો સૂર્ય જોવા કોઈએ નવ પામતું.
હવા આરામમાં હોય ગમગીની ભરી ને ધૂંધવાયલી
અને ના હોય વિક્ષોભ પરેશાન બનાવતો,
યા હોય રડતા મેઘ-વાટે એક આછું કિરણ આવતું,
વળી વળી આવનારાં અશ્રુઓના પટ પૂઠળ છૂપતું,
ત્યારે યે અજવાળાની આગાહી વ્યર્થ નીવડે
યા નકારાઈ જાય છે,
યા જરાવારમાં શિક્ષા પામેલી યા અલ્પકાલીન આશ શી
મૃત્યુને વશ થાય છે.
પછી છેલ્લો ને પ્રચંડ જલપ્રલય આવતો,
યા ઓસરી જતો નાદ સૌને શાંત બનાવતો,
કે વહે રગડો પાછાં સરકીને જનારાં મંદ પૂરનો,
યા મર્મર-જપો માત્ર અને લીલાં ડોલનો તરુઓતણાં.
બદલાયો હવે ભાવ પૃથિવીનો,
ઢળી લેતી એ વિશ્રામ નિરાંતનો,
સંતોષી પગલે ધીરી ઘડીઓ સંચરે હવે :
વિશાળી ને અવિક્ષુબ્ધ હવામાંહે જાગતી શાંતિની સ્મૃતિ,
સુખ સૂર્યતણી સાથીદાર છે પૃથિવી બની.
પ્રભુ પાસે આવતા હોય જે સમે
તે સમાની હોય તેવી સ્વસ્થતા ત્યાં આવતી 'તી સમીપમાં,
ધરા ને વ્યોમને જ્યોતિ ધ્યાનની લીનતાતણી
અજવાળી રહી હતી.
ને એકાત્મકતા એક ને એક પરમા મુદા
ભરતી 'તી એકાંત ઉર ધ્યાનનું.
અવકાશતણા મૂક માનસે કો સ્વપ્ન એક ટહેલતું,
કાળે ખુલ્લા કરી નાખ્યા ઓરડાઓ પોતાના સુખશર્મના,
પ્રવેશ્યો એક ઉત્કર્ષ, પ્રવેશી એક આશ કો :
અંતરતમ આત્માએ કો દિવ્યતર કૂટની
દિશાએ આંખ ઊંચકી,
અંતરતમ કો એક વિચારે ગુપ્ત એક કો
જવાલા પ્રજવલિતા કરી,
અદૃષ્ટ સૂર્યને એક સેવ્યો આંતર દૃષ્ટિએ.
ઋતુઓ ચિંતને મગ્ન ત્રણ આવી ને પસાર થઇ ગઈ
પગલાંઓ પ્રકાશતાં,
ને ગર્ભપૂર્ણ હોરાઓ બારીક અવલોકતી
એકને કેડ અન્યને,
જ્યોતિર્મય અગાધોમાં છુપાયલી
જવાળાનાં દર્શનો પાવા સાવધાન નિરીક્ષતી,
ભાવી પ્રચંડ કો જન્મ માટેનો એ સેવાતો 'તો ઉજાગરો.
આવી શરદ પોતાના ચંદ્રો કેરા ચકાસતા
મહિમામાં લઇ જતી,
નિજ પદ્માકરો કેરી ભવ્યતામાં શોભાસ્વપ્ન નિષેવતી,
હેમંત ઓસવંતીને પછી શિશિર આવતી,
હજી યે અર્ધ-સૂતેલી પ્રકૃતિના વક્ષ:સ્થલતણી પરે
ઠરેલા ને ઠારવાળા પોતાના કર મૂકતી
ક્ષીણ થાતા વર્ષ કેરું સૌન્દર્ય સ્વસ્થતાભર્યું
શિથિલાયિત ને સ્નિગ્ધ રંગઝાંયે ઘેરું ધેરું બનાવતી.
પ્રગાઢ પ્રેમથી પૂર્ણ આવ્યો વસંત તે પછી
પર્ણોમાંથી છલંગતો,
ને વધૂ વસુધા એણે લીધી ઉત્સુક બાથમાં;
એના આગમને જાગ્યા રંગો ઇન્દ્ર ધનુષ્યના
ઉદ્દીપિત બની જઈ,
હર્ષાગમનને માટે બાહુ એના મંડલાકાર ધારતા.
એનો સ્વર હતો સાદ આવતો પરમોચ્ચથી,
જેનો છૂપો સ્પર્શ-થાય આપણાં જીવનો પરે
ને જેણે વિશ્વ સર્જ્યું છે તે રોમાંચ રાખે નિત્યનવીન એ,
નવાં રૂપોમહીં પાછું રચે છે એ માધુર્ય પૂર્વકાળનું,
અને પ્રકૃતિની મીઠી મોહિનીને આપણાં ઉર આપતાં
જે પ્રત્યુત્તર તેહને
એવો રાખે સાચવીને
કે ના મૃત્યુ, ન વા કાળ ફેરફાર કશો તેમાં કરી શકે,
જૂનો આનંદ, સૌન્દર્ય ને પ્રહર્ષ અને જીવનમોદની
પ્રત્યે જાગ્રત રે'નારો સ્પંદ નિત્ય નવો રાખંત સાચવી,
નિત્ય નીવીનતાયુક્ત ને છતાં યે એનો એ જ હમેશનો.
એના આગમને જાદૂમંત્રનું કાર્ય છે કર્યું,
એને સ્પર્શે જિંદગીનું શ્રાન્ત હૈયું તાજું ને સુખિયું બન્યું;
એણે આનંદને સ્વેચ્છા-બંદી એને ઉરે કર્યો.
ધરાનાં ગાત્ર પે એનો ગ્રાહ એક યુવા દેવતણો હતો :
પોતાના દિવ્ય પ્રસ્ફોટ કેરા ભાવાવેશથી પલટાયલું
બનાવ્યું વસુધા કેરું વપુ એણે સુચારુ નિજ ચુંબને.
આવ્યો આનંદને માટે એ અધીર બની જઈ,
બંસી બજાવતો ઊંચે સ્વરે હર્ષોલ્લાસી કોકિલ કૂજને,
મયૂર-પિચ્છનો એનો સાફો વૃક્ષો પર પાછળ ખેંચતો;
એનો ઉચ્છવાસ આહવાન આપતો' તો
સ્નેહોષ્માએ ભરેલું સુખ માણવા,
એની મીટ હતી ઘેરી વિલાસે લીન નીલિમા.
ઓચિંતી સ્ફુરતી રક્તે સૌમ્ય સ્વર્ગીય પ્રેરણા,
પ્રભુના વિષયાનંદ કેરી સહજવૃત્તિ ત્યાં
હતી સમૃદ્ધિએ ભરી;
સૌન્દર્યે પ્રકટીભૂત સ્વરારોહ બધે વ્યાપ્ત થયો હતો,
જીવને હર્ષરોમાંચ માટે આગ્રહ રાખતો :
સરતી ઘટિકાઓને સ્પર્શતી 'તી ગતિઓ અમરાલયી.
ઇન્દ્રિયાનુભવે દિવ્ય સાન્દ્રતા ભાવની હતી,
એણે શ્વસનને યે કૈ રાગરાગી સુખરૂપ બનાવિયું;
દર્શનો ને સ્વરો સર્ગ ગૂંથતાં 'તાં એકા મોહક ચારુતા.
જિંદગી મંત્રથી મુગ્ધ પૃથ્વી-ગોલકની હતી,
માધુર્ય, જ્યોતિ, સંગીત તોફાને જ્યાં ચઢયાં હતાં,
રંગરાગ-મહામોદ રચતા 'તા મહોત્સવો,
ઋચા રશ્મિતણી, સ્તોત્ર સ્વરોનું ચાલતું હતું :
પુરોહિતોતણું વૃન્દ-મંત્રગાન થતું હતું,
ઝૂલતી ધૂપદાનીઓ પર વૃક્ષોતણી ડોલનથી ભર્યો
યજ્ઞ સુગંધનો દેતો ઘડીઓ કાળની ભરી.
ઘેરી લાલ ધરી જવાળા અશોક જળતા હતા,
અકલંકિત ઈચ્છાના ઉચ્છવાસ સરખી શુચિ
શુભ્ર જાઈ-જૂઈ મુગ્ધ વાયુને વળગી હતી,
પિતવર્ણા મંજરી આમ્રવૃક્ષની
પ્રેમોન્મત્ત પિકો કેરા પ્રવહંતા સ્વરને પોષતી હતી,
મધુમંજરિઓ મધ્યે સુવાસમાં
ગુંજાગાને મચી 'તી મધુમક્ષિકા.
કો મોટા દેવના સ્વર્ણ-સ્મિત જેવો પ્રકાશ સૂર્યનો હતો.
સારી પ્રકૃતિ સૌન્દર્ય-ઉત્સવે રાચતી હતી.
દેવોની આ અસામાન્ય ઉચ્ચ મહત્તવ ક્ષણે
પૃથ્વીની ઝંખનાને ને
મહાસુખાર્થના એના થતા તીવ્ર પુકારને
પ્રતિ-ઉત્તર આપતી
આપણી અન્ય ભોમોથી મહત્તા એક ઊતરી.
પૃથ્વીની વસ્તુઓ કેરા અવાજમાં
મૌન એક
નિર્વિકારપણે વ્યક્ત કરતું ગૂઢ શબ્દને,
ભરી ભૂલકણી માટી દેતો એક અંત:સ્રોત મહાબલી :
પ્રદીપ પ્રકટાવાયો એક, એક ઘડાઈ મૂર્ત્તિ પાવની.
માનુષી ને ઈશ કેરા મન વચ્ચે છે જે મોટી અખાત, ત્યાં
સેતુબંધ બની જતું
રશ્મિ મધ્યસ્થ કો એક પૃથ્વીને પરસ્યું હતું;
માનવાકૃતિમાં સ્વર્ગ સંક્રાંત કરતી પ્રભા
અજ્ઞાત સાથ સંયોજી આપતી 'તી આપણી ક્ષણજીવિતા.
ભાન જેને હતું પોતાતણા સ્વર્ગીય મૂળનું
એવો અવતર્યો આત્મા પૃથ્વી કેરા અપૂર્ણ માળખામહીં
ને પાત મર્ત્યતા મધ્યે થયો તેથી એણે રુદન ના કર્યું,
પરંતુ પૃથુ શાંત નેત્રે દૃષ્ટિ કરી સકલની પરે,
આપણાં તમ ને દુઃખ સામે જેણે પુરા યુદ્ધ કર્યાં હતાં
તે પરાત્પર ભોમોથી અહીં પાછી ફરી હતી
ને મર્ત્ય શ્વસનો કેરો ઉપાડયો 'તો બોજ એણે નવેસર,
એણે પાછું ધર્યું હાથે અસમાપ્ત પોતાના દિવ્ય કાર્યને :
મૃત્યુ ને કલ્પ-કાળોમાં થઇ જેનું હતું જીવન ચાલતું
તેણે અગાધ પોતાના હૈયા સાથે
ફરી પાછો કાળનો સામનો કર્યો.
પુરાણો ગાઢ સંબંધ પૃથ્વી કેરી દૃષ્ટિએ આવરાયલો,
ગુપ્ત સંપર્ક જે તૂટી ગયો 'તો કાળની મહીં,
લોહીની જે સગાઈ છે પૃથ્વી ને સ્વર્ગની વચે,
માનવી અંશ આયાસ ભર્યો હ્યાં શ્રમ સેવતો
ને હજીય ન જન્મેલી અસીમા જે શક્તિ છે તેમની વચે
ફરી પાછાં થયાં તાજાં, પ્રાદુર્ભૂત થયાં ફરી.
આરંભાયો ફરી યત્ન ગૂઢ ને ગહને થતો,
વિશ્વલીલાતણી હોડ શરૂ સાહસિકા થઇ.
કેમ કે ઘૂમતા અંધ આ ગોળા પર જ્યારથી
પ્રકાશ પાડતા ચિત્ત સાથે પ્હેલું જીવદ્રવ્ય પ્રકંપિયું
ને જડદ્વ્રવ્યને કોશે પ્હેલવ્હેલો પ્રાણનો હુમલો થયો
ને અચિત્ ઉપરે લાદી લાગણીની જરૂરને,
મૌને અનંતતા કેરા જાગિયો શબ્દ, ત્યારથી
હૈયે પ્રકૃતિના માતૃપ્રજ્ઞા એક કરી કાર્ય રહેલ છે
મહાશ્રમ અને માંગ કેરા હૈયા ઉપરે હર્ષ રેલવા
અને લથડતાં જાતાં બળો ઉપર પ્રાણનાં
પૂર્ણતાનું દબાણ એક આણવા,
અંધારાગર્ત પે દિવ્ય લાદવા ભાન સ્વર્ગનું
ને મૂક દ્રવ્યને ભાન પોતામાંના પ્રભુ કેરું કરાવવા.
જોકે આરોહવું ભૂલી જાય નીચે પડેલાં મન આપણાં,
જોકે માનવ સામગ્રી આપણી અવરોધતી
યા તો ભગ્ન થઇ જતી,
છતાંયે સાચવી રાખે મૂત્તિકાને દિવ્યતા અર્પવાતણી
આશા કરંત પોતાનો સંકલ્પ અકબંધ એ;
દાબી શકે ન નિષ્ફલ્ય, એને હાર ન પરાસ્ત કરી શકે,
થકવી ન શકે કાળ, શૂન્ય એને કરી તાબે શકે નહીં,
એનો આવેશ કૈં ઓછો યુગો દ્વારા થયો નથી,
મૃત્યુની કે દૈવ કેરી જીતને એ કબૂલ કરતી નથી.
નવા પ્રયત્નની પ્રત્યે જીવોને એ હરહંમેશ પ્રેરતી;
હરહંમેશ જાદૂએ ભરી એની અનંતતા
જડ નિશ્ચેષ્ટ તત્વોને બલાત્કારે બનાવે છે અભીપ્સતાં;
વેડફી મારવા કોઈ પાસે જાણે હોય આખી અનંતતા
તેમ શાશ્વતની શક્તિ કેરું એ બીજ વેરતી
અર્ધ જીવંત ને ભાંગી ભૂકો થાય એવા ઢાળાતણી મહીં,
રોપે છે સ્વર્ગનો હર્ષ ભાવાવેશી હૈયાના કીચની મહીં,
ખાલી પાશવ ખોખામાં માર્ગણાઓ રેડે એ દેવતાતણી,
મૃત્યુના છદ્મમાં રાખે સંતાડી અમૃતત્વને.
એ ઈચ્છાશક્તિએ એકવાર પાછો
ફરી ધર્યો દેહ આ દુનિયાતણો.
અધિકાર અપાયો'તો જેને સત્ય કેરા અવ્યય ધામથી
તેનું મન બનાવાયું, દૃષ્ટિ માટે
અને કર્મતણા વ્યાખ્યાન કારણે,
અને કરણ યોજાયાં અતિ ઉચ્ચ પ્રકારનાં
કે પૃથ્વીનાં ઇંગિતોમાં થાય પ્રકટ દિવ્યતા.
આ નવા અવતારના
દાબ નીચે રૂપરેખા રચાઈ એક રૂપની
જે પૃથ્વીને જ્ઞાત રૂપોથકી જ્યાદા હતું રુચિરતાભર્યું.
હતું આજ લાગી જેહ વાણી એક ભવિષ્યની
અને સંકેતરૂપ જે,
હતું વૃત્તખંડ એક પ્રકાશતો
મોહિનીએ ભર્યા એક અણદીઠ અખંડનો,
તે આવ્યું અંબરે મર્ત્યલોકની જિંદગીતણા,
આછા ઉજાશથી યુક્ત સંધ્યા ઘડી સમે
પાછી આવેલ સોનેરી શશી કેરી
શુભ્ર બીજકલા સમું.
આરંભે પ્રસ્ફુરંત એ
નથી ઘાટ હજી લીધો એવા કો ભાવના સમી
નિ:શબ્દ નીંદરે રક્ષી પોઢી એ નિષ્ક્રિયા રહી,
અંતર્લીના ને નિમગ્ના જડતત્વતણી જંગી સમાધિમાં,
ઊંડી ગુહા સમી ગૂઢ વિશ્વની યોજનાતણું
બાલ હૃદય એ હતી,
દિવ્યા અચેતના કેરા પારણામાં
સૂર્યોની વિશ્વમાં વ્યાપ્ત મુદાની એ ઝુલાવી ઝૂલતી હતી.
કોક આદેશ પામેલી શક્તિ અર્ધ-જાગેલે દેહમાળખે
પોષી રહી હતી મૂક પરમોદાત્ત જન્મના
મહિમાવંત બીજને,
પ્રાણવંતો આ નિવાસ જેને માટે હતો નિર્માણ પામિયો.
પરંતુ શીઘ્ર અંકોડો ચૈત્ય કેરો
નિ:સન્દેહ યોજાઈ રૂપ શું ગયું;
ઝાંખી ગુહામહીં આવી રેલાઈને પ્રભા ધીરે સચેતના,
બીજે રૂપ ધર્યું એક કળી કેરું અતિકોમલ અદભુતા,
ને કળીએ દિવ્ય મોટા પુષ્પને પ્રકાટાવિયું.
તત્કાલ એ જણાતી 'તી સ્થાપતી કો બલિષ્ઠતર જાતિને.
આવી 'તી એ અજાણ્યા ને સંદિગ્ધ ગોલકે અહીં,
ને બાલને હતું યાદ નિજ ધામ ભીતરે દૂર દેશનું,
રક્ષાયેલી રહી 'તી એ નિજાત્માના ઊજળા ઓરડામહીં,
એકલી માનવો મધ્યે સ્થિત દિવ્યતર સ્વીય સ્વભાવમાં.
એની બાલિશ ચેષ્ટાઓમહીં યે લાગતી હતી
પૃથ્વીથી જે રખાઈ છે હજી દૂર તે પ્રભાની સમીપતા,
ભાવો જેમાં ભાગ પાડી શકતી માત્ર શાશ્વતી,
અને વિચાર દેવોને જે સ્વાભાવિક ને સહજ હોય છે.
એના સ્વભાવને એકે ના આવશ્યકતા હતી,
વાયુમંડળમાં એક વીર્યવંત અલાયદા
એ તો આનંદમાં મગ્ન ઊડણો માણતો હતો,
વિશાળવક્ષ ને રંગે રિદ્ધ જેમ પંખી કોઈ નવાઈનું
સંતાયેલાં ફળોવાળી ડાળે વિરમતું જઈ
લીન કાનનના લીલા લીલમી મહિમામહીં,
અથવા ઊડતું દિવ્ય ને અગમ્ય ઊંચાં તરુ-શિરો પરે.
સામંજસ્ય ભરી એણે પૃથિવીને કરી અંકિત સ્વર્ગથી.
નર્યા આનંદના ક્ષિપ્ર લય સાથે એકતાર બની જઈ
પોતે પોતાતણી પાસે ગાતા એના પસાર દિવસો થતા;
હતી ધબક પ્રત્યેક પળ હૈયા કેરી સુન્દરતાતણા,
કલાકો બદલાઈને મિષ્ટસૂર
સંતોષસુખની સાથે સ્વરનો મેળ સાધતા,
જે સંતોષ કશા માટે માગણી કરતો ન 'તો,
કિન્તુ જીવન જે દેતું તે લેતો 'તો સર્વ કૈં ઉચ્ચ ભાવથી,
એના સ્વભાવના જન્મજાત હક્ક સમું ગણી :
આત્મા એનો રહેતો 'તો પિતા એના સવિતાની સમીપમાં,
પ્રાણ અંદરનો એનો નિત્ય હર્ષતણી નિકટમાં હતો.
મૂર્ચ્છામાંથી પ્રકૃતિની ફૂટી પ્રથમ ઊઠતો
જે પ્રાણોચ્છવાસ ફૂટડો,
તે પ્રહર્ષણને માર્ગે આરોહે ગગનો પ્રતિ,
સુખી ઉત્તેજનામાં જ પોતાની એ જીવતો લીનતા ધરી,
પોતાને કાજ પર્યાપ્ત તે છતાંયે વળેલો સર્વની પ્રતિ.
દેખાતો કોઈ સંબંધ એનો જગત સાથ ના,
નથી સંવાદ કો ખુલ્લો વસ્તુઓની સાથમાં આસપાસની.
છે એક એકતા ગૂઢ અને સહજ જેહને
કરણોની જરૂર ના
અને ઊભું રૂપ જે કરતી નથી;
જે છે તે સર્વની સાથે એ મૈત્રીમેળમાં વધે,
નિજ લીનાત્મતામાં એ સંસ્પર્શો સર્વ સંઘરે,
વાના ચુંબનને આપે સંમતિ એ હાસ્યપૂર્વક ઊછાળી,
સૂર્યના ને સમીરના
આઘાતો અપનાવી લે રૂપાંતરિતતા દઈ :
મહાસુખભરી ઝંખા એનાં પર્ણોમહીં મોજ મચાવતી,
એનાં પુષ્પોમહીં કંપે ભાવોત્સાહ જાદૂઈ ઝલકે ભર્યો,
શાખાઓ એહની સેવે અભીપ્સાઓ મૌનવંતી મુદામહીં.
છે સુન્દરતા કેરું નિમિત્ત એક દેવતા
ગૂઢે નિગૂઢ જે રહે,
આ સર્વ મોહિની કેરો છે એ આત્મા, અતિથિ અંતરંગ એ,
આ માધુર્યતણી પૂજારણ ને આ સ્વપ્ન કેરી સરસ્વતી.
અદૃશ્ય વિધિએ રે 'તી બચેલી એ આપણી અનુભૂતિથી
ગભીરતર જોતે એ તરબોળ રહે છે વનદેવતા,
તોફાનો ને શાંતિઓની સંવેદે છે કોઈ એક નવી હવા
અને નિગૂઢ વર્ષાએ અંતર્દેશે કંપાયમાન થાય છે.
આ દિવ્યતર ઊંચેની કક્ષાએ એ બાળામાં નજરે પડયું.
પૃથ્વીના ગાઢ સંબંધો ભેટવા એ જે સમે નમતી હતી
તે સમે યે આત્મ એનો દેવો કેરી દાખતો 'તો ઉદાત્તતા;
ઝૂકતો એ હતો કિંતુ જડ-રાજ્યે જાતને ન ગુમાવતો.
એનું ચકાસતું ચિત્ત અનુવાદ પામેલું કો હતું જગત્ ,
ચમત્કારી-ચંદ્ર-ચારુ કલ્પનાઓ શુભ્ર ને સંકુલાયલી
આદર્શ દેવતાને એ એના સુવર્ણ ધામમાં
અધ્યાત્મ પોષણે સ્વપ્નોતણા પોષી રહી હતી.
એના અંતરમાં એક હતી શક્તિ જે જોઈ શક્તિ હતી
રૂપોને જેમની પ્રત્યે બંધ છે આંખ આપણી,
આપણે સનિધાનો જે સંવેદી શકતા નથી
તેમનું જે ભાન ધરાવતી હતી,
સપાટી પરનાં રૂપો આપણાં જે તેમના કરતાં વધુ
ઊંડાણોનાં સ્વરૂપોને રૂપ દેતા ઇન્દ્રિયજ્ઞાનને
શક્તિ એ ઘડતી હતી.
એની નસોમહીં સૂર્યપ્રભા એક અદૃશ્યા દોડતી હતી
ને સ્વર્ગીય ઝગારાઓ રેલતી એ એના મસ્તિષ્કની મહીં,
જે પૃથ્વી જાણવાને છે શક્તિમાન તેનાથી બૃહતી વધુ
દૃષ્ટિ જગાડતા હતા.
એનું ઊછરતું બાલ્ય સત્યનિષ્ઠા ભરેલા એ પ્રકાશમાં
રૂપરેખા ધરીને રાજતું હતું,
એના આત્માતણા ઊંડા સત્ય કેરી પ્રભાવી પ્રતિરૂપતા
એના બાલ-વિચારો ધારતા રહી
રિદ્ધિમંતા બની પ્રસ્ફુરતા હતા,
અને અજ્ઞાનથી પૂર્ણ દૃષ્ટિ જે માનવીતણી
તેનાથી કંઈ ન્યારી જ દૃષ્ટિએ એ
આસપાસતણા સર્વ લોકોને અવલોકતી.
એને માટે પદાર્થો સૌ હતા રૂપો જીવતી વ્યક્તિઓતણાં,
ને બાહ્ય વસ્તુઓ કેરો પ્રતિ સ્પર્શ પ્રબોધતો
સગોત્ર પાસથી એને માટે સંદેશ લાવતો.
એને માટે હતી એકેએક વસ્તુ પ્રતીક કોક શક્તિનું,
હતી ઝબક તેજસ્વી
અર્ધવિજ્ઞાત આનંત્યો કેરા મંડલની મહીં;
વિજાતીય કશું ન્હોતું, કશું નિર્જીવ ના હતું,
અર્થહીન કશું ન્હોતું, ન 'તું કૈં જે ન નિમંત્રણ આપતું.
કેમ કે એ હતી એક પ્રકૃતિની સાથે એક મહત્તરા.
શાખા ને પુષ્પનો જેમ માટીમાંથી મહિમા છે સમુદભવ્યો,
મનુષ્ય પ્રકટયો જેમ વિચારંતો પશુજીવનમાંહ્યથી,
નવો આવિર્ભાવ તેમ પ્રકાશ્યો બાલિકામહીં.
જ્યોતિ કેરે મને, પ્રાણે ઓજાલય વડે ભર્યા,
દેહે છૂપી દિવ્યતાનું અનુપ્રાણન પામતા
આગામી દેવતા કેરી તૈયાર પ્રતિમા કરી;
પછી તો વરસો વધ્યાં ધીરે ધીરે છંદોના પ્રાસના સમાં,
વૃન્દકાર્યે મચેલા ને સમૃદ્ધ મર્મરે ભર્યા
દિનો પર દિનો ગયા,
એમણે બાલિકા કેરા સંવેદે મધુઓ ભર્યાં
અને અંગે અંગ એનાં ભર્યાં અને
ચંદ્રાનનતણી સિદ્ધિ કરી શોભન પૂર્ણિમા,
ત્યારે સ્વશક્તિને મૌને સ્વયં-રક્ષ્યું એનું માહાત્મ્ય એકલું
ન્યુન નામે બન્યું ન 'તું.
દબાણ કરતી આવી સપાટીની સમીપતર દેવતા,
સૂર્યે સ્થાન લઇ લીધું બાલ્યકાલ કેરી નીહારિકાતણું
અને સુનીલ એકાકી અંબરે એ રાજમાન થઇ ગયો.
ઊંચે એ ચઢવા માંડયો હાથ લેવા ક્ષેત્ર માનવતાતણું :
એનું નિરીક્ષવા ક્ષેત્ર બળવંતી વળી અંતર્નિવાસિની,
એના આત્માતણા ભાલે જ્યોતિ રમ્યતરા લસી
ને એની ચિંતને લીન દૃષ્ટિ મીઠી અને મંગલ કૈં બની;
વેદિના અગ્નિઓ જેમ જાગી ઊઠે રહસ્યમય મંદિરે
તેમ ગહન સૂતેલા સ્વર્ગ-પૃથ્વી ઉભેના ઉષ્મ પાવકો
દીર્ધપક્ષ્માળ ને દિવ્ય એની આંખોમહીં પામ્યા પ્રબોધતા.
એ સ્ફાટિક સમી બારીઓમહીંથી એક સંકલ્પ શોભતો
જેણે જીવનને માટે આણી આપી વિશાળી એક સાર્થતા.
એના ભાવતણો ખુલ્લો નિષ્કલંક મહાપટ
પૂઠે ધારી અભ્યાસી અર્ધચંદ્રની,
ઉદાત્ત જ્ઞાનની એક શક્તિ પ્રકાશમાં રહી
હતી જોતી ક્ષણભંગુર વસ્તુઓ.
ભેદિયો જયનો ચોકી માટેના જાગ-ટાવરે,
અભીપ્સા એહની એવી નીચે બોલાવતી હતી
ભાવી ઉચ્ચ પ્રકારનું;
પહેરો ભરતો મૌન યોધ એક એના સામર્થ્યના પુરે
ગાદી મણિમયી સાવ શુદ્ધ એવા સત્યની રક્ષતો હતો.
પ્રભામંડળથી યુક્ત પીયૂષી ચંદ્રના સમું
હૈયું એનું હતું સાન્દ્રભાવોત્સાહ વડે ભર્યું,
ચાહતું એ હતું સૌને, શબ્દ એ બોલતું નહીં
ને સંકેત સરખો કરતું નહીં,
કિંતુ પ્રહર્ષણે પૂર્ણ, એ પોતાના રહસ્યને
બનાવેલું રાખતું 'તું મૌનધારી વિશ્વ એક મહાસુખી,
ઉત્કટોત્સાહથી પૂર્ણ ને ભર્યું ભાવ-ડોલને.
સગૌરવ ત્વરાયુક્ત હર્ષપૂર્ણ મોજું જીવનશક્તિનું
સ્વર્ગના સ્રોત શું એની મહીં દોડી રહ્યું હતું.
એક સૌન્દર્યના ધામે ઘણા ઉચ્ચ દેવતા વસતા હતા;
છતાં અખિલ ને પૂર્ણ હતો ગોલ બાલા કેરા સ્વભાવનો,
હતો સુરાગ-સંવાદી બહુસૂરીલ ગાન શો,
હતો વિશાલ વૈવિધ્યે ભરેલા વિશ્વના સમો.
જે દેહ ધારતો 'તો આ મહિમા તે સુરાલયી
પારદર્શકતાવાળી જ્યોતિ કેરી મૂર્ત્તિ શો પ્રાય લાગતો.
સૂક્ષ્મદર્શનવેળાએ દીઠેલી વસ્તુઓતણી
ચમત્કારી મોહિની એ સ્મૃતિમાં લાવતો હતો
પરીઓના પરીવાહ પરનો એ સેતુ સ્વર્ણતણો હતો,
વિસ્તરેલી વિલાસંતી શાંતિનું સખ્ય સેવતા
સરોવરતટે એક શશી-સ્પૃષ્ટ તાલવૃક્ષ સમો હતો,
અમરો સંચરે ત્યારે નંદને પર્ણ હાલતાં
તેમનો મર્મરાટ શો,
પોઢયા પ્હાડોતણે માથે પ્રભામંડલ પાવકી,
રાત્રિમાં એકલા એક નિરાળા ને તારામંડિત શીશ શો.
અગ્નિશિખાની વૃદ્ધિ
જગદંબાનો મહિમા લઈને સાવિત્રી જન્મી, મદ્રદેશમાં રાજા અશ્વપતિની પુત્રીને સ્વરૂપે. એના આવિર્ભાવથી અલૌકિક સૌભાગ્યને પ્રાપ્ત થયેલા આ પ્રદેશમાં મોટા મોટા પર્વતો ઊભા હતાં, સૂર્યસ્નાન કરતાં વિશાળ મેદાનો આવેલાં હતાં, નિ:સીમ સાગરોને ભેટવા દોડતી મહાનદીઓ વહેતી હતી. એ હતો સર્જનનું ક્ષેત્ર, પરમાત્મશાંતિનું ધામ; જીવનના કોલાહલને શમાવી દેતી નીરવતાનો નિલય. સ્વર્ગની પ્રતિ છલંગતાં ચિંતનો, ધ્યાનમગ્નતા ને સ્વપ્ન-સેવનો એના સ્વભાવમાં હતાં. પ્રભુનાં ને મનુષ્યનાં ભવ્ય કાર્યોનું એ કાર્યાલય હતો. સૌન્દર્ય ને શોભાનો એ આવાસ હતો. ગૌરવો એને ગુરુપદે સ્થાપતાં હતાં. મૂર્તિમંત અગ્નિશિખાએ એને પસંદ કર્યો હતો.
સાવિત્રીના જન્મે ભવિષ્યના દેવતાઓને પૃથ્વી ઉપર આકર્ષી આણ્યા. ત્યાં વિકસેલી વિદ્યાઓ, ચિંતકોના અચિંત્યને ચિંતતાં ચિંતનો, માનવતાના ઊંડાણમાંથી ઉદભવેલી કલાઓ, સુંદરતા, નીતિ, અને સંસ્કારિતા સાવિત્રીની સેવામાં સંયોજાયાં. સાવિત્રીના બાલાત્માનાં ઊર્ધ્વનાં ઉડ્ડયનો ત્યાં આરંભાયાં, ગહન ગુહ્યોએ એને માટે પોતાનાં બારણાં ઉઘાડયાં. તે સમયની ને તે પ્રદેશની બૌદ્ધિક, હાર્દિક અને આધ્યાત્મિક પ્રાપ્તિઓનો સાવિત્રીને સમાગમ થયો, લલિત ક્લાઓએ અને વિજ્ઞાનનાં શાસ્ત્રોએ એના શિક્ષણને સુસંપન્ન બનાવ્યું.
પૃથ્વી એને માટે સ્વર્ગને જીતી લેવા માટેના પગ મૂકવાના પગથિયારૂપ બની ગઈ હતી, અને એનો આત્મા સ્વર્ગનીય સીમાઓ પાર જોતો, અજ્ઞેયની જ્યોતિનો સમાગમ સાધતો, પરમાત્મકાર્ય કરવાના ક્ષેત્રનાં સેવતો. એને સર્વત્ર એક આત્માનાં દર્શન થતાં, પ્રત્યેક જીવ એના પોતાના આત્માનો એક પૂરક અંશ હોય એવું એને લાગતું. સૌનેય એ પ્રભુ સાથે, પ્રભુના જગત સાથે અને એની પોતાની સાથે એકરૂપ બની ગયેલા જોવાની આકાંક્ષા રાખતી.
પરંતુ આસપાસના માણસો એની અભીપ્સાનો પ્રત્યુત્તર વાળી શકે તેટલા વિકસેલા ન હતા એનામાં રહેલી અવગુંઠિત દિવ્યતાની ઝાંખી બહુ થોડાંને જ થતી. લોકોના બાહ્ય જીવન માટે એનો મુક્ત ને મહિમાવંતો આત્મા આરાધનીય હોવા છતાં દૂરદૂરની વસ્તુ જેવો લાગતો. તેઓ આકર્ષાતા ખરા, પણ છેક નિકટની દિવ્યતાના સ્પર્શને સહેવા અસમર્થ હતા. જે શક્તિ તેમના પોતાનામાં તેઓ વસાવી શકતા નહિ તેની પ્રત્યે તેઓ અસહિષ્ણુતા પણ દાખવતા. સાવિત્રીની સમીપતા તેમને ગમતી, પોતાની માનુષી અપેક્ષાઓને પાર પાડવા માટે તેઓ એને સેવતા, પરંતુ એની સાથે એકતાર એક્તાન ને એકાકાર બની જવાની તેમનામાં તૈયારી ન હતી.
આમ સાવિત્રીને સમારાધનારા, એનો સ્નિગ્ધ આશ્રય શોધનારા, એનાં પ્રેમ અને પવિત્રતાથી પ્રભાવિત થઇ જનારા, મને કે કમને એના સાન્નિધ્ય માટે સ્પૃહા રાખનારા અનેક જન એની પાસે આવતા જતા, પરંતુ એમાંનું એક પણ એંનું સમોવડિયું નીવડતું ન હતું. એ જે હવાના શ્વાસોચ્છવાસ લેતી હતી તે એટલી તો નિર્મળ હતી કે ક્ષુદ્ર જીવો માટે તે ભારે થઇ પડતી. સાવિત્રી એટલી તો ઉચ્ચ હતી ને તે લોકો એટલા તો વામણા હતા કે સાવિત્રીને એમનાં નીચાણો પ્રતિ ઘણું ઘણું લળવું પડતું. એમને ઉપકારક થવા માટે એને એમની સપાટીએ ઊતરવું પડતું, એમનાં સુખદુઃખનું, એમના અજ્ઞાન અભિમાનનું ઓસડ કરવા માટે આ સિવાય બીજો ઈલાજ એની પાસે ન હતો; તેં છતાંય એનો ઉદાત્ત આત્મા તો શૃંગો પર સ્થિત રહેતો ને ત્યાં એ સર્વથી ન્યારા સ્વરૂપે વિરાજમાન રહેતી, અને પોતાના અલ્પાલ્પ બાહ્ય સ્વરૂપ દ્વારા એ માની માફક એમની સંભાળ લેતી ને સાત્તવિક સાહાય્ય સમર્પતી.
વૃક્ષો અને વેલીઓ, પુષ્પો અને પલ્લવો એમની સ્વાભાવિક સરળતાને લીધે એનાં પ્રેમને પ્રસન્ન પ્રત્યુત્તર વાળતાં,પણ માણસમાં કોઈ એક કાળી કલ્મષતા રહેલી હોવાથી તે પોતાના અજ્ઞાનને ને વિનિપાતને સ્વયં વળગી રહેતો અને દિવ્યતાના મુક્ત ને મંગલમય ભાવને ભેટવા ને અપનાવી લેવા તે આનાકાની કરતો અને એનો અંતરાત્મા જેની પ્રત્યે એને પ્રેરતો તેને માટે તત્કાલ તત્પર બની જતો નહીં.
આસપાસના આવા માણસોમાં એને એના આત્માનો એકે સમોવડો સાથી ન મળ્યો. સાવિત્રી પોતે તો પોતાના દિવ્ય સ્વરૂપમાં એક દેવતાની માફક રહેતી. એના સહચાર માટે અત્યાર સુધી અન્ય સર્વે સાવ નિષ્ફળ નીવડયા હતા, ને દિવ્ય બાલિકા નિર્જન એકાંતમાં પોતાની ફોરમ ફેલાવ્યે જતી હતી.
આ પ્રમાણે કંઈક સમય સુધી ચાલતું રહ્યું. સાવિત્રી એના નાનકડા વર્તુલમાં ઉત્સુક હૃદયોનું કમનીય કેન્દ્ર બનીને રહેતી હતી. છતાં ધીરે ધીરે એના દિવ્ય આત્માના પ્રાફુલ્લ્યે પોતાની સ્વર્ગીય સુવાસ ચોગરદમ પ્રસારવા માંડી અને એના અલૌકિક સૌન્દર્યનાં ને દેવોપમ દિવ્યતાનાં ગૌરવગાનની લહરી વિશ્વમાં વ્યાપવા લાગી. એની શક્તિ એનું સૌન્દર્ય અને એનું શીલ કંઠે કંઠે સ્તોત્રરૂપ બની ગયાં. પણ એની હારમાં ઊભો રહી શકે એવો કોઈ સહચર આગળ આવ્યો નહીં, એની આંખ
શું આંખ મિલાવી શકે એવું કોઈ નીકળ્યું નહીં, એને પોતાની વીરતાથી વરી કે હરી શકે એવું કોઈ ઓજ પ્રકાશ્યું નહીં : એની અલૌકિકતાથી સર્વ સંકોચાતા ને પોતાની સ્વલ્પતા સ્વીકારી પાછા સરી જતા.
સાવિત્રી ઉત્તુંગ શૃંગે એકલી શોભતી હતી, એનું હૃદય આનંદનું મંગલ મંદિર હતું. મહિમાવંતા મહાત્માઓની બાબતમાં જેવું બને છે તેવું એની બાબતમાં પણ બન્યું-ઓજસ્વી એકાંતમાં આવાસ, પ્રણતિઓ ને પૂજન, ને એના ભાગ્યનિર્માણની ઘડી ન આવી ત્યાં સુધી આમ ચાલતું રહ્યું.
પ્રદેશ પર્વતોનો ને સૂર્યસ્નાત વિશાળી સમભોમનો,
ને મહાસાગરો પ્રત્યે ધસી જાતી કૈં મોટી નદીઓતણો,
ક્ષેત્ર સર્જન કેરું ને આત્માની ચૂપકીતણું
મૌન જ્યાં નિજ ઊંડાણે ગળી જાતું જિંદગીની પ્રવૃત્તિઓ,
પ્રદેશ પાર આરોહી સ્વર્ગ પ્રત્યે કૂદનારા વિચારનો,
લોક ચિંતનમાં મગ્ન સ્વપ્નનો ને સમાધિનો,
પ્રભુ ને માનવી કેરી કૃતિઓમાં સૌથી બલિષ્ઠથી ભર્યો,
પ્રભુના સ્વપ્નના જેવી જહીં પ્રકૃતિ લાગતી,
ને સૌન્દર્ય તથા શોભા, ભવ્યતા જ્યાં નિવાસ કરતાં હતાં;
તહીં મૂર્ત્તિમતી અગ્નિશિખા કેરું બાલ્ય આશ્રય પામિયું.
હજારો વરસો કેરા પ્રભાવોની ચોકી એની પરે હતી,
ને ભવ્ય ભૂતકાલીન ગૂઢ દેવો દૃષ્ટિ એની પરે કરી
ભાવિના દેવતાઓને આવતા અવલોકતા,
આ ચુંબક વડે જાણે આકર્ષાઈ રહ્યાં 'તાં તેજ તેમનાં.
એના નિઃસ્પંદ હૈયાની સાથે વાતો કરતું 'તું ધરાતણું
જ્ઞાન નિમગ્ન ચિંતને;
મનનાં અંત્ય શૃંગોથી આરોહંતું દેવોને સાથ સેવવા,
વિશ્વ કેરાં વિરાટોમાં ડૂબકીઓ લગાવવા
વસુધાના વિભાસંતા વિચારોને
કૂદવાના પાટિયા શું બનાવતું
જ્ઞાન ચિંતક કેરું ને દ્રષ્ટા કેરું ન્યાળતું અણદીઠને
ને અચિંત્યતણું ચિંતન સેવતું,
અવિજ્ઞાતતણાં ખોલી નાખી તોતિંગ બારણાં,
ક્ષિતિજો માનવી કેરી તોડી નાખી જતું ઘૂસી અનંતમાં.
મર્ત્યનાં કર્મને સીમાહીનતામાં પ્રસાર મળતો હતો,
માનવી ગહરાઈઓમહીંથી જન્મતી હતી
કલા સુન્દરતા ઉભે;
સ્પર્ધા ઉદાત્તતા કેરી થતી ચૈત્ય-આત્મા સાથે સ્વભાવની.
સ્વર્ગનુકારને માટે નીતિમત્તા
માનવીને હતી ચાવી લગાવતી;
સૂરો સંસ્કૃતિના રિદ્ધ જે સામંજસ્ય લાવતા
તેથી સંવેદના થાતી સૂક્ષ્મગ્રાહી
અને એની પહોંચ બહુ વાધતી,
સુણાતું ન સુણાયેલું ને અદૃશ્ય બનતું દૃષ્ટિગોચર,
વિજ્ઞાત વસ્તુઓનાથી
પાર પારે ઉડાવાનું જીવ શીખી જતો હતો,
વૈશાલ્ય પામવાની ને સ્વ-બંધો તોડવાતણી
પ્રેરણાઓ હતું જીવન પામતું,
અમરોની ન દીઠેલી દુનિયાને માટે થાતું અભીપ્સતું.
સુરક્ષા સૃષ્ટિની છોડી મનની પાંખ સાહસી
એને લઇ જતી ઊંચે ન ખેડેલાં ક્ષેત્રોમાંહે વિચારનાં,
પાર સિંધુઓ ગૂઢ હતી પાર કરાવતી
સૂર્ય સમીપનાં તાક્ષર્ય-શૃંગો પર વસાવવા.
નિજ શાશ્વત ગાદીએ તહીં પ્રજ્ઞા વિરાજતી.
એના જીવનના સર્વે ઝોક એને લઇ જતા
પ્રતીકાત્મક દ્વારોએ, જે દ્વારા એ પ્રવેશતી
નિગૂઢ શક્તિઓ પાસે, પોતાની જ સગોત્ર જે;
સત્યની એ વિશેષજ્ઞા, પરમાનંદ-દીક્ષિતા,
નિગૂઢ પરિચારિકા,
એણે શિક્ષણ લીધું 'તું પ્રકૃતિની નિશાળમાં,
સર્જાયેલી વસ્તુઓના ચમત્કાર કેરું ભાન ધરાવતી
અદભુતાત્માતણી વેદી પરે એણે
નિજ હૈયાતણી ઊંડી ચિંતનાનાં રહસ્યો જઈને ધર્યાં;
અકાલ મંદિરે એની ઘટિકાઓ બની 'તી વિધિ ધર્મનો;
યજ્ઞ કેરી ક્રિયારૂપ એનાં કર્મ બન્યાં હતાં.
ઊર્ધ્વનાં ભુવનો કેરે લયે શબ્દ સજાયલો
પુણ્ય સાધનને રૂપે લેવાતો ઉપયોગમાં;
એના પ્રભાવથી બદ્ધ આત્મા મુક્ત બની જઈ
દેવોની-સ્વવયસ્યોની સાથે સંબંધ સાધતો.
કે જીવન-ઉરે જેહ શ્રમ સેવી રહેલ છે
તેનાં રૂપો અભિવ્યંજક ને નવાં
એ ધડી કાઢવામાં સાહ્ય આપતો;
એ જે અસ્માર્ત્ત છે આત્મા મનુષ્યોની મહીં ને વસ્તુઓમહીં,
અજ્ઞાત ને અજન્માની પ્રાપ્તિ માટે સાધનાશ્રમ સેવતો,
અનિર્વાચ્ય થકી એક જ્યોતિને એ વહી જતો
અંત્ય ગુહ્યોતણા આડા પડદાને વિદારવા.
પ્રગાઢ તત્ત્વજ્ઞાનોએ દોર્યું ધ્યાન પૃથ્વીનું સ્વર્ગની પ્રતિ,
કે પાયાઓ પરે વિશ્વ-વિશાળા અવકાશ શા
અતિમાનસ શૃંગોએ પ્રેર્યું ઊર્ધ્વે મન પાર્થિવ લોકનું.
બાહ્ય નયનને નંદે કિંતુ છે જે ભીતરે તે છુપાવતી
રેખાઓને વટાવી પારમાં જઈ
શિલ્પકાર્ય અને ચિત્રકળા અંતર્દૃષ્ટિની સ્થિર ધાર પે
કરી એકાગ્ર ચિત્તને
પ્રતિમા પ્રકટાવંતાં છે જે અદૃશ્ય તેહની,
ઉઘાડો પડતાં એક રૂપમાંહે સારો અર્થ નિસર્ગનો,
યા એક પિંડમાં લેતાં પકડી ભગવાનને.
ને સ્થાપત્ય અનંતનું
એનાં અંતરમાં ધ્યાને લીન રૂપો આણતું હ્યાં પ્રકાશમાં
વિશાળી પૃથુતાઓમાં ઊર્ધ્વગામી શીલાતણી :
સ્વર્ગીય આસ્પૃહાઓને નીચે સંગીત લાવતું,
ગીત મુગ્ધ કરી હૈયું લઇ જાતું ઊંડાણોમાં પ્રહર્ષણી,
વિશ્વ-પોકારની સાથે માનવીના પુકારની
સંયોજિત કરી કડી;
વિશ્વની કરતી વ્યાખ્યા ગતિઓ નૃત્યની લયે
દેહની ભંગિમાઓના ને અવસ્થાન-સૌષ્ઠવે
મનની કલ્પનાને ને મનોહૃદયભાવને
ઘાટમાં ઢાળતી હતી;
કારીગરીતણાં કાર્યો નાનાં ને સૂક્ષ્મ રેખનાં
બનાવી નિત્યની દેતાં ઝડપી ક્ષણની સ્મૃતિ,
યા તો કોતરણી કેરા કલાયુક્ત પ્રસારથી
પ્યાલા કેરા નમૂનામાં રહેલી અણદીઠની
રૂપસંયોજનાઓ જે તેને બ્હાર બતાવતાં :
જંગમ જગતો જેવાં ઢળાયેલાં કાવ્યો બૃહત રૂપમાં,
ઉછાળા મારતા છંદો સિન્ધુસૂરતરંગ શા,
હૈયે પ્રકૃતિના તાળાબંધી જે મહિમા હતા
તેમને ભારતી કેરા ખોચોખીચ સમર્પી વૈભવો હવે
રૂપોમાંહે પ્રકૃતિનાં જે સૌન્દર્ય અને ઉદાત્તતા હતાં
તેમને પ્રકટાવતા,
અની રાગાવેગ વંતી ક્ષણોને ને એના માનસભાવને
આપતા રૂપ કાવ્યનં,
અને ઈશ-શબ્દ કેરી સમીપમાં
શબ્દને માનવી કેરા ઉઠાવી ઊર્ધ્વમાં જતા.
મનુષ્ય નયનો જોઈ શકતાં 'તાં ભોમોમાં ભીતરોતણી;
અંકના નિયમો શોધ્યા માનવીના નિરીક્ષણે,
ને વ્યવસ્થાબંધ કીધી ગતિઓ તારકોતણી,
માનચિત્રોમહીં મૂક્યાં દૃશ્યમાન રૂપશિલ્પો જગત્ તણાં,
કર્યો પ્રકટ સંદેહ પ્રક્રિયાઓ પ્રત્યે એના વિચારની,
મન ને જિંદગી કેરો રેખાલેખ
સિદ્ધાન્તોના પાયા પર બનાવિયો.
સાવિત્રીએ ગણી ખાધ સ્વ-સ્વભાવતણું આ લીધ વસ્તુઓ,
કિંતુ આ એકલી એનો વિશાળાત્મા ભરવા શકત ના હતી :
થતી સીમિત લાભોએ માનવી ખોજ એ હતી,
હજી સહજ પોતાના પ્રકાશે નવ દેખતા
એક બાલક આત્માનાં મોટાં આરંભકાળનાં
પગલાં દૈવ-આધીન એ એને લાગતાં હતાં
ચકાસતા ટકોરાઓ મારીને જે હતો વિશ્વ પરીક્ષતો,
યા સત્ય-મનનો માપ કાઢતો ગજ ઝાલવા
પ્રસાર પામતો હતો;
અસંખ્ય બાજુઓ પ્રત્યે વૃદ્ધિ ચાલી રહી હતી,
કિંતુ સૌથી વિસાળું ના હતું દર્શન આત્મનું,
ન 'તો સ્પર્શ વિશાળો ને સીધો હજુ સમીપનો,
કલા ને જ્ઞાન દેવોનાં ન 'તાં પ્રાપ્ત થયાં હજુ.
જ્ઞાન મર્યાદથી મુક્ત, વધુ મોટું માનવીના વિચારથી,
સુખ એવું ઉચ્ચ કે જે હૈયાથી કે સંવેદે પ્રાપ્ત ના થતું
ને જે જગતમાં તાળાબદ્ધ હોઈ
છૂટવાની ઝંખના કરતું હતું,
આ પોતામાં લહેતી એ;
આત્મા એનો રૂપ કેરી વાટ જોતો હતો હજુ,
પ્રતિક્ષિપ્ત થયા વિના
એનો સહજ રાજત્વપૂર્ણ પ્રતાપ ઝીલવા
હોય સમર્થ એવા એ સ્વભાવો માગતો હતો,
એનું માહાત્મ્ય, માધુર્ય અને પરમ સંમુદા
સ્વામિત્વાર્થક સામર્થ્ય અને એની
વિશાળ પ્રેમની શક્તિ ઝીલે એવા સ્વભાવો માગતો હતો :
સ્વર્ગને જીતવા માટે પગલું માંડવાતણું
પૃથ્વી પગથિયું બની,
માર્યાદિત કરી દેતી સ્વર્ગ કેરી
સીમાઓની પાર ચૈત્ય વિલોકતો,
મહાજયોતિતણો ભેટો થતો એને
આવતી જે હતી અજ્ઞેયમાંહ્યથી,
સેવતો એ હતો સ્વપ્ન સર્વોચ્ચ કાર્યક્ષેત્રનાં.
સર્વમાં એક વિશ્વાત્મા છે એવા ભાનથી ભરી
સાવિત્રી જીવતાં હૈયાં ને મનુષ્ય સ્વરૂપોની ભણી વળી;
પ્રતિબિંબો હતાં એ સૌ એના ચૈત્ય સ્વરૂપનાં,
હતાં પૂરક ને એનાં પ્રતિરૂપો, નિજાત્મના
અંશો નિકટના બાહ્યવર્તી એ સઘળાં હતાં,
દેહ ને મનની ભીંતો અળગાં પાડતી હતી,
છતાં એના નિજાત્માની સાથે દિવ્ય સંબંધે સંકળાયલાં.
અદૃશ્ય વાડ ને છદ્મ-મોરચાઓ અભિભૂત કરી દઈ
ને જુદો જીવથી પાડે જીવને તે જીતી એકલતા લઇ,
ઈચ્છતી એ હતી એક સીમામુક્ત સમાલિંગન સર્જવા,
જેની મધ્યે વસાવે એ સર્વ જીવંત વસ્તુઓ,
એમને બ્હાર કાઢીને ભેદ કેરી ઊંડી અચેત ફાટથી
ને ઉદ્ધારી એમને સર્વને લઇ
દૃષ્ટિવંતી જ્યોતિ કેરા ભવ્યતા ભર ભાવમાં
એકાકાર બનાવી દે
પ્રભુ સાથે, જગત્ સાથે, ને પોતાની સાથે સમસ્ત એમને.
એના આહવાનને માત્ર થોડા ઉત્તર આપતા :
એથી થોડા લહેતા ' તા અવગુંઠિત દિવ્યતા
ને સ્વ-દૈવતની સાથે
એના દૈવતને સામ્યે સ્થાપવા મથતા હતા,
એની ઉત્તુંગતા પાસે જતા રાખી સગાઈ કો પ્રકારની.
જયોતિર્મય રહસ્યોની પ્રત્યે ઉદ્ધાર પામતા
કે સભાન થતા ઊર્ધ્વે ચૂપેલા મહિમા પ્રતિ,
ક્ષણના ઝબકારમાં છલંગીને એની ઓળખ પામતા,
સ્વર્ગીય એક વિસ્તારે ઝાંખી કરંત જ્યોતિની,
કિંતુ દર્શન ને ઓજ ટકાવી શકતા ન તે,
ને આવી પડતા પાછા જિંદગીના મંદ સામાન્ય ભાવમાં.
દિવ્ય પ્રયોગ માટેનું મન સાહસ સેવતું
લહેતા તે હતા પાસે કો વૈશાલ્ય પ્રત્યે વિકાસ સાધતું,
ઉત્સુકત પરસે સીમા અણજાણતી તેઓ તપાસતા
છતાં કેદ પુરાયેલા હતા તેઓ સ્વભાવે નિજ માનવી :
અશ્રાંત પગલે એ જે જતી તેની
સાથે તેઓ ચાલવાને સમર્થ ના;
એની વિશાળ વેગીલી ઇચ્છાશક્તિ આગે અત્યંત વામણા
અને આતુર તે હતા,
અજન્મા જે હતી દૃષ્ટિ અનંતની
તેનાથી દેખવા માટે હતો અત્યંત સાંકડો
સ્વભાવ તેમનો થાકી જતો અત્યંત મોટી વસ્તુઓ થકી.
કેમ કે જે હતા એના વિચારોના ભાગીદાર ઘનિષ્ઠ ને
એના કિરણની છેક પાસે ચાલી શક્યા જે હોત, તે જનો
સુદ્ધાં આરાધતા માત્ર
એની મહીં લહેવાતી શક્તિને ને પ્રકાશને
કિંતુ એના આત્મા કેરા પ્રમાણની
શકતા ના કરી તેઓ બરાબરી.
હતી એ મિત્ર ને તેમ છતાં એને સર્વથૈવ પિછાનવા
માટે મોટી હતી એ હદપારની,
મહત્તર પ્રભા પ્રત્યે ચાલતી એ એમને મોખરે હતી,
એમનાં હૃદયોની ને આત્મા કેરી
દોરનારી હતી એ ને હતી રાણીય એમની,
અંતરંગ હતી હૈયે છતાં દિવ્ય સુદૂરની.
પગલાં ભરતી મોટાં જોઈ એને જનો આશ્ચર્યથી ભર્યા
પ્રશંસા કરતા હતા,
માણસોના ગજા માટે હતાં જે અતિ દૂરનાં
તે શૃંગોએ ચઢવાના પ્રયાસમાં
દેવોને યોગ્ય આવેગે ધસતી એ છલંગતી
કે જવલ્લે ક્લ્પવાં પણ શક્ય તે
લક્ષ્યો પ્રત્યે ધીર ધિંગા બહુદેશી પરિશ્રમે
જોઈ એને જોશથી વધતી જતી
અહોભાવ ધરાવતા,
ને તો ય તે બની બેળે જતા એના સૂર્ય કેરા ઉપગ્રહો,
ને જતી કરવા એની જ્યોતિ કોઈ સમર્થ ના,
લંબાવી હાથ તે એને બાઝવાની આકાંક્ષા રાખતા હતા
યા તો એણે રચ્યા માર્ગો
પર ખાતા ઠોકરો એ પીછે પીછે જતા હતા.
અથવા અભિલાષા એ રાખી પ્રાણ અને પિંડ ઉભે વડે
હૈયાના પોષણાર્થે ને આલંબાર્થે એને બાઝી પડંત તે
ડોળા માનવના પ્રેમે એને આરાધતા હતા,
આત્મા મહાન એનામાં હતો તેને પકડી શકતા ન તે
કે સાન્નિધ્યથકી એના પલટી ના એના જેવા બની જતા.
કેટલાક નિજાત્મામાં સરોમાંચ એને સંવેદતા હતા;
લહેતા નિકટે એક મહત્તાને મનથી જે સમજાતી હતી નહીં;
એનું દર્શન આહવાન હતું આરાધનાતણું,
એની નજીકમાં હોવું તે એક અનુબંધતી
શક્તિ ઊંચી આકર્ષી લાવતું હતું.
આવી રીતે સમર્ચે છે મનુષ્યો એક દેવને
ન જેને જાણવા કેરું એમના જ્ઞાનનું ગજું,
જે એવો ઉચ્ચ ને મોટો છે કે ધરતો નથી
રૂપ સીમાબદ્ધ એને બનાવતું;
સંવેદે એક સાન્નિધ્ય તેઓ, એક ઓજને અનુવર્તતા,
આક્રમે એમનાં હૈયાં જેનો હર્ષ એવો સ્નેહ સમર્ચતા,
દિવ્યોત્સાહ જગાડે જે હૈયાની ધબકોમહીં,
હૈયાને ને જિંદગીને જે મહત્તા સમર્પતો
એવા એક નિયમે ચાલવા રહે.
નવી દિવ્યતરા એક હવા શ્વાસ માટે ખુલ્લી થયેલ છે,
અને ખુલ્લું થયેલું છે મનુષ્યાર્થે
જગ એક વધુ મુક્ત, સુખી વધુ :
સોપાનો ઉચ્ચ એ જોતો આરોહંતાં બ્રહમે ને બ્રહ્યજ્યોતિએ.
સાવિત્રીના દિવ્ય અંશો ચૈત્યાત્માની નિષ્ઠાને સાદે આપતા :
જોતો એ ને લહેતો એ, અને દૈવત જાણતો.
સંકલ્પ કરતો રાજ્ય સાવિત્રીનો
માણસોનાં કાર્યો પર સ્વભાવનાં,
અખૂટ જેહ માધુર્ય એના હૃદયમાં હતું
તે તેઓનાં હૃદયોને લુભાવતું,
ચાહતા તે હતા એક સત્ત્વ જેની
સીમાઓ તેમની સીમા પાર પાર પહોંચતી;
એના પ્રમાણને તેઓ પહોંચી શકતા નહીં
કિંતુ એનો સ્પર્શ તે સેવતા હતા,
સૂર્યને પુષ્પ આપે છે તેવો ઉત્તર આપતા
અર્પી એને આત્મ દેતા અને એથી કૈં ના અધિક માગતા.
મોટી અધિક પોતાથી ને વિશાળેય એટલી
હતી એ એમનાથી કે દૃષ્ટિ એને પહોંચી શક્તિ ન 'તી,
એને સમજવા માટે અપર્યાપ્ત એમનાં માનસો હતાં,
એને પૂર્ણતયા એ જાણતાં ન 'તા,
સંચાલિત થઇ એને શબ્દે જીવન એમનાં
એના જીવનને ઉત્તર આપતાં :
લહેતા એ હતા એની મહીં કો એક દેવતા,
એના આહવાનને આધીન વર્તતા,
માર્ગદર્શન એનું એ અનુવર્તતા
અને જગતમાં એનું કાર્ય એ કરતા હતા;
બળાત્કારે જીવનો ને સ્વભાવો એમના થતાં
એના જીવન ને એના સ્વભાવે સંપ્રવર્તતાં
જાણે કે પૃથિવી કેરી પરાકાષ્ઠા પાર ઊંચે ચઢાવવા
તેમના જ વિશાળતર આત્મના
સત્યે ધાર્યું હતું એનું સ્વરૂપ દિવ્યતાતણું .
એમને લાગતું 'તું કે કો મહત્તર ભાગ્યનો
થયો 'તો એમને ભેટો નિજ જીવનમાર્ગમાં;
એમનો હાથ ઝાલીને એમને કાજ માર્ગ એ
પસંદ કરતી હતી :
મોટી અજ્ઞાત ચીજોની પ્રત્યે તેઓ
એના દ્વારા સંચાલિત થતા હતા,
હતી આકર્ષતી શ્રદ્ધા,અને પોતે
એના છે એ આનંદ ખેંચતો હતો;
એનામાં વસતા તેઓ, એની આંખે જોતા જગતને હતા.
વળતા 'તા કેટલાક એની પ્રત્યે
રુચિ સામે થઈને સ્વ-સ્વભાવની;
અચંબાની અને બંડખોરી વચ્ચે વિભક્ત કો
આકર્ષાતા હતા એની મોહિનીથી
વશીભૂત એના સંકલ્પને થઇ,
એના બની જતા તેઓ અને એને પોતા કેરી બનાવવા
પ્રયાસ કરતા હતા,
અધીરાઈ દાખતા 'તા અધીન એ,
ને પોતે જે બંધનોની સામે સૌથી વધારે ફરિયાદનો
પોકાર કરતા હતા
તેમને દૃઢ બાઝીને રહેતાં 'તાં
લાલસાએ ભર્યાં હૃદય એમનાં.
એના સૌન્દર્ય કેરી ને પ્રેમ કેરી પ્રતાપે પૂર્ણ ઝૂંસરી
સામે તેઓ હતા બબડતા જતા,
અને હોત રડયા જો તે પડી હોત ગુમાવવી :
બીજા જીવનની અંધ
કામનાઓ લઇ એની પીછે પીછે જતા હતા,
ને તેઓ માગતા એને
પૂરેપૂરી એકમાત્ર પોતાની જ બનાવવા,
જે માધુર્ય હતું સર્વે જનો કાજ
તેને તેઓ પચાવી પાડવા માટે બની જાતા ઉતાવળા.
પૃથ્વી જે રીતે પોતાના આગવા ઉપયોગને
માટે દાવો કરે છે જ્યોતિની પરે,
તે રીતે લોક લેવાને સાવિત્રી માગતા હતા
અદેખાઈ ભર્યા માત્ર પોતાના બાહુચક્રમાં,
પોતાની છે બદ્ધ તેવી ચેષ્ટાઓ તે એની પાસેય માગતા,
ને પોતાની ક્ષુદ્રતાની પ્રત્યે ક્ષુદ્રભાવી ઉત્તર માગતા.
કે હતા તે ચિડાતા કે આવતી એ એમની પકડે નથી,
ને એને અભિલાષાના પાશે બાંધી
રાખવાની આશા એ કરતા હતા.
યા ઈચ્છેલો સ્પર્શ એનો સ્હેવા માટે જણાતાં અતિ આકારો
પોતે જેને હતા ચ્હાતા
તે અત્યાચારને માટે દોષપાત્ર એને જ ગણતા હતા,
અત્યુગ્ર સૂર્યથી જેમ
તેમ સંકોચ પામીને ભરાઈ જાતમાં જતા,
છતાંય ઇનકારેલી દીપ્તિ માટે ઉત્કંઠિત થતા હતા.
માટી દુર્બળ તેઓની ભાગ્યે જેને સહેવાને સમર્થ, તે
એના મધુર ને ભાવાવેગે સભર રશ્મિની
પર મુગ્ધ થતા રુષ્ટ સ્વભાવથી,
વાંછતા કિંતુ, વાંછેલો સ્પર્શ આવ્યે
એની સામે પોકારી ઊઠતા હતા,
જોવાની આટલી પાસે દિવ્યતાને યોગ્ય તેઓ હતા નહીં,
ધામ જે શક્તિનું પોતે બનવાને સમર્થ ના
તેની પ્રત્યે દાખતા અસહિષ્ણુતા.
કેટલાક અનિચ્છાએ આકર્ષાતા એના દિવ્ય પ્રભાવથી,
મીઠી પણ વિદેશી કો મોહિની શો લેતા 'તા એહને સહી,
અત્યંત ઉચ્ચ કક્ષાએ ચઢવા અસમર્થ એ
પોતાની ભૂમિએ એને ખેંચીને લાવવાતણી
આસ્પૃહા રાખતા હતા.
યા તો એની આસપાસ પોતાનાં અનુરાગથી
ભરેલાં જીવનોને તે બેળે બળે ચલાવતા,
આત્માઓને એમના છે જેણે દાસ બનાવિયા
તે એના મહિમાને ને એના કૃપા-પ્રસાદને
પોતાનાં હૃદયો કેરા માનુષી ઉપયોગની
સાથે બાંધી રાખવાની આશા અંતર રાખતા.
કિંતુ આ જગમાં એના સાદને જે
હૃદયોએ હતો ઉત્તર આપિયો
તેમાંનું ન હતું એકે શક્તિમાન થવા એનું સમોવડું,
સહચારી સખા થવા.
પોતાની તુંગતાઓને એમના શી બનાવવા
અમથી જ એ નીચે નમતી હતી,
ક્ષુદ્ર જીવોતણા શ્વાસોચ્છવાસ માટે
તે હવાની શુદ્ધિ ઝાઝી વધારે પડતી હતી.
આ સૌ સાથી સ્વરૂપોને બૃહત્તાઓ પ્રત્યે નિજ લઇ જવા
ને ભરી તેમને દેવા નિજ ઓજ એનું હૃદય વાંછતું,
કે જેથી કો શકિત દિવ્યતરા કેરો થાય પ્રવેશ જીવને
અને પ્રભુતણે પ્રાણે માહાત્મ્યોને પામે માનવના દિનો.
તેમની ક્ષુદ્રતા પ્રત્યે જોકે તે ઝૂકતી હતી
ઓજસ્વી ને ભાવપૂર્ણ સ્વહસ્તોએ
તેમનાં જીવનોને આવરી લઇ,
જરૂરો ને કમીનાઓ તેમની એ જાણતી સમભાવથી
ને તેઓની જિંદગીનાં છીછરાં શાં ઊંડાણોમાં તરંગતાં
ડૂબકી મારતી હતી,
હર્ષ ને શોકની હૈયા-ધબકોને તેમની મળતી હતી
અને તેમાં પોતે ભાગ પડાવતી,
તેમના દુઃખ ને ગર્વ કેરા ઘાવ રુઝાવવા
લળીને ઝૂકતી હતી,
નિજ એકાંત શૃંગોએ પોતાની શક્તિ જે હતી
તેને છૂટે હાથે એ આપતી હતી
તેની પ્રત્યે ઉઠાવીને લઇ જાવા
તેઓ કેરી અભીપ્સાના પુકારને,
ને જોકે સ્વબૃહત્તાની પ્રતિ આત્મા તેમના કર્ષતી હતી
ને પોતાનાં અગાધોના મૌનથી એ તેમને ઘેરતી હતી,
છતાં એ માત્ર પોતાના સ્થૂલ ને બાહ્ય ભાગથી
સોંપણી એ સમાલતી
તે તેઓની મર્ત્યતાની સાથે મિશ્ર કરતી નિજ અગ્નિને :
મહત્તર સ્વરૂપે એ અંતરે એકલી હતી,
કોઈનો યે દાવો ત્યાં નવ ચાલતો.
મૂક પ્રકૃતિનાં ક્ષોભ અને શાંતિમહીં ઘણીય વાર એ
હતી સંવેદતી એક સંનિધાન સ્વસ્થ ગંભીરતાભર્યું;
એની અંદરની શક્તિ પૃથ્વી કેરી અવમાનુષ સંતતિ
આકર્ષી લાવતી હતી;
પશુ-પંખી અને પુષ્પ-પાદપોનાં
પ્રદીપ્ત ધારતાં રંગ જીવનો વૈભવે ભર્યાં
નિજાત્માના વિશાળા ને મુક્ત આનંદ સાથ એ
સંયુક્ત કરતી હતી.
તેઓ સરળ હૈયાએ એને ઉત્તર આપતાં.
સંક્ષુબ્ધ કરતુ કૈંક તમોગ્રસ્ત નિવસે છે મનુષ્યમાં;
એ દિવ્ય જ્યોતિને જાણે છે, પરંતુ એથી વિમુખ થાય છે,
એને વધુ રુચે કાળું અજ્ઞાન વિનિપાતનું.
આકર્ષાઈ ઘણા જેઓ આવ્યા એની સમીપમાં
તેઓમાંથી ક્યાંય કોઈ એવો એને મળ્યો નહીં
જે એનાં ઉચ્ચ કાર્યોમાં ભાગીદાર બની રહે,
મળ્યો ના આત્મનો સાથી, પોતાના જ અન્ય એક સ્વરૂપ શો,
એની સાથે જ સર્જાયો, એકરૂપ પ્રભુ ને પ્રકૃતિ સમો.
કેટલાક મળ્યા જેઓ તેઓ માત્ર અંદાજે સરખા હતા,
સ્પર્શાયા તે, ભભૂક્યા તે, અંતે નિષ્ફળ નીવડયા.
માગણી અતિશે મોટી હતી એની,
શક્તિ એની વિશુદ્ધ હદપારની.
આમ સૂર્ય સમી આસપાસ કેરી ધરાને અજવાળતી,
અંતરતમ આકાશે તે છતાં યે ગોલ એક અલાયદો,
ગાઢમાં ગાઢથી એને દૂરતા કો વિખૂટી રાખતી હતી.
પ્રતાપી ને પૃથક્ એનો રહેતો 'તો આત્મા દેવો રહે યથા.
વિશાળા વિશ્વની સાથે કડી એની હજી જોડાયલી ન તી;
બાલાં ઉત્સુક હૈયાંના છોટા શા એક મંડલે
એના આત્માતણું રાજ્ય હતું આરંભકાળનું
અને પાઠશાળા યે માનુષી હતી,
જીવન-મૃત્યુ પાસેથી શિક્ષા એણે શરૂ કરી,
દેવોના બાલ-ઉધાને નિજ સંતુષ્ટ એ હતી,
ફૂલ જેમે પ્રફુલ્લે કો આવજા વણના સ્થળે.
પૃથ્વી ઉછેરતી 'તી એ નિવાસી અગ્નિજોતને
હજીયે જે ભાનવાન થઇ ન 'તી,
છતાં ઊંડાણમાં કૈંક સ્ફુરતું 'તું ને ઝાંખું જાણતું હતું,
હતી ગતિ અને સાદ અનુરાગભર્યો હતો,
સપ્તરંગી હતું સ્વપ્ન, હતી આશા સોનેરી પલટાતણી;
અપેક્ષાની છુપાયેલી પાંખ ફફડતી હતી,
નવું, વિરલ, સૌન્દર્યપૂર્ણ કૈંક ,
તેનું ભાન વૃદ્ધિગંત થતું હતું
અને તે કાળને હૈયે ચૂપચાપ સંચાર કરતું હતું.
પછી તો ભૂમિને સ્પર્શી એને અંગે આછી એક જનશ્રુતિ,
ભાખેલી અંતરાત્માએ છૂપી જરૂરિયાત શી
શ્વાસ લેતી બની ગઈ ;
સાવિત્રીની મળી ભાળ આંખને વ્યાપ્ત વિશ્વની.
ચારણી સ્તુતિના સૂરો ઊઠયા આશ્ચર્યથી ભર્યા.
ચાવી પ્રકાશની એક
રખાયેલી હજી આત્મ-સત્ તાની દેખભાળમાં,
સૂર્ય-શબ્દ પુરાણા કો ગુહ્યના ગૂઢ અર્થનો,
ઓઠેથી માનવો કેરે ઓઠે દોડ્યું, 'સાવિત્રી' નામ ગુંજતું;
પ્રેરિત કવિતા જેવું હતું એહ ઉદાત્ત અથ મીઠડું
જનશ્રુતિતણા વાની મહાકાવ્ય સમોવડી
વીણા ઉપર વાગતું,
કે કીર્ત્તિ કવયિત્રીને કંઠે આલાપ પામતા
સ્તોત્રાત્મક વિચાર શું.
કિંતુ આ ભક્તિનો માર્ગ હતો એક સુપવિત્ર પ્રતીક શો.
એના સૌન્દર્ય કેરી ને દીપ્તિમંત પ્રભાવની
થતી હતી પ્રશંસા, ના એને માટે પ્રાર્થના કોઈ આવતી,
સ્પર્શી શકાય ના એવાં હતાં એ ને પકડે આવતાં ન 'તા,
આથમ્યા દિનની સાથે રમતી હોય વીજળી
એવાં દૂર થકી દર્શન આપતાં
હતાં એ મહિમા એક અગમ્ય દિવ્યતાતણો,
કોઈ હૃદય આવ્યું ના જોડાવાને એના હૃદયની કને,
પાર્થિવ ક્ષણજીવી કો પ્રેમે એની શાંતિને આક્રમી નહીં,
એને હરી જવા કેરું બળ ન્હોતું કો વીર અનુરાગમાં;
પ્રતિ-ઉત્તર દેનારાં
એનાં લોચનને માટે માગણી ના કોઈ યે લોચને કરી.
એની અંદરની શક્તિ
અપૂર્ણ માંસમાટીમાં ભય-ક્ષોભ જગાડતી;
આપણી મૃત્તિકામાં જે પ્રતિભા છે સ્વાત્માને પરિરક્ષતી
તેણે વર્તી હતી દેવી નારી કેરા સ્વરૂપમાં,
ને પાછી પડતી 'તી તે સ્પર્શ પાસે પોતાની જાતિથી જુદા,
ઇન્દ્રિયે કરતા કાર્ય પ્રાણ કેરી સંકુચિત બનાવટે
બંધાયો છે સ્વભાવ પૃથિવીતણો.
મનુષ્ય-હૃદયો માગે મુગ્ધ ભાવે સગાઈ મૃત્તિકાતણી,
આત્માઓને સહે ના એ એકાકી ને ઉચ્ચ, જે આણતા અહીં
અમર્ત્ય ભુવનોમાંથી વૈશ્વાનરીય સૂચનો,
સ્વર્ગની સાથ સંબંધ બંધાવાને જીવો જે જનમ્યા નથી
તેમને કાજ અત્યંત ભૂમિકાઓ વિરાટ એ.
અત્યંત હોય જે મોટો તેને માટે છે ઐકાંતિક જીંદગી,
આરાધતો એકલો એ વિચરે છે વિશાળા વિજન સ્થળે;
પોતા જેવાં સર્જવાનો શ્રમ એનો વૃથા જતો,
સાથી એનો એકમાત્ર બળ અંતરમાં રહ્યું.
થોડોક કાળ સાવિત્રી માટે આવું બની ગયું,
સાશ્ચર્ય અર્ચતા 'તા સૌ, દાવા માટે ન 'તું સાહસ કોઈનું.
રેલુતું રશ્મિ સોનેરી મન એનું હતું ઊર્ધ્વ વિરાજતું,
હૈયું એનું હતું પૂર્ણ ભર્યું આનંદ-મદિર.
પૂર્ણતાના ગૃહે એક પ્રકટાવેલ દીપ એ,
પૂજારી વણના દેવમંદિરે એ મૂર્ત્તિ ઉજ્જવલ ને શુચિ,
આસપાસતણા મોટા સમૂહોની મધ્યમાં વસ્તી હતી,
એકલી આપમાં રે'તી, આવ્યો એનો દિન ત્યાં સુધી.
ખોજ માટેનું આમંત્રણ
નવસર્જનના મોખરા જેવું પ્રભાત આવ્યું. વિશાળતર સૂર્યપ્રકાશે વૃક્ષોમાં એક કંપ વ્યાપ્યો, આનંદના આગમને અંતરાત્મામાં વ્યાપી જાય છે તેવો.. પર્ણપુંજે છુપાયેલા કોકિલે સૂરીલો ટહુકો કર્યો, પરંતુ તે વખતે રાજા અશ્વપતિ જગતના મર્મર ધ્વનિઓથી વિમુખ અવસ્થામાં અગોચર અવાજો તરફ વળ્યો હતો. જીવનને વર્તુલના ઘેરામાં પૂરી રાખનારાં બારણાં સૂક્ષ્મમાં ઊઘડયાં અને વણજન્મી શક્તિઓનો દબાઈ રહેલો સ્વર એણે સાંભળવા માંડયો. પૂર્ણતાનું ધામ બનેલું જીવન, ચંચલ મનની નિશ્ચલતા અને નિશ્ચિતતા, રાહુગ્રાસથી મુક્ત થયેલો આનંદ, અજ્ઞાનમાં પરમ સત્યનું પ્રાકટય, ને મર્ત્યોને અમરો બનાવી દેતી દેવતાઈ ઝંખનની એક જબરજસ્ત જવાળા જાગી ને વિચારનાં વ્યોમમંડળોમાંથી ઊઠેલો એક શબ્દ અશ્વપતિના મસ્તિષ્કમાં પ્રવેશ્યો ને પડઘા પાડવા લાગ્યો :
" કોઈ એક શક્તિનાં ચલાવ્યાં ચાલનારાં ને દૈવથી હંકારતાં ઓ પૃથ્વીનાં સંતાનો ! તમારા ક્ષુદ્ર 'અહં' ની ને તુચ્છ વસ્તુઓની આસપાસ ક્યાં સુધી ચક્કરો માર્યા કરશો ? અમૃતતત્ત્વમાંથી તમે ઉત્પન્ન થયેલાં છો, તમારું જીવન વૃદ્ધિ પામતા દેવો માટેનું બદલાતું બીબું છે, તમારી ભીતરમાં એક દિવ્ય દ્રષ્ટા છે, એક મહાન સ્રષ્ટા છે, એક અણીશુદ્ધ દિવ્ય મહિમા છે. તમે પરમાત્માના વાતાવરણમાં પ્રબુદ્ધ થઇ શકો છો, મનની દીવાલોને તૂટી પડતી જોઈ શકો છો, સૂર્યની દૃષ્ટિએ પ્રકૃતિ પાર જોઈ શકો છો, સનાતનને બારણે જઈ તમારો પાંચજન્ય વગાડી શકો છો. પૃથ્વીના પરમોચ્ચ રૂપાંતરના તમો વિધાયકો છો, આત્માની ભોમના ભયપ્રેરક અવકાશો પાર કરીને પરાશક્તિના સ્વરૂપનો માતૃ-સ્પર્શ પામી શકો છો, માંસમાટીના ઘરમાં સર્વશક્તિમાનનો સમાગમ સાધી શકો છો અને બહુસ્વરૂપધારી એક્સ્વરૂપની સાથે જીવનને એકાકાર બનાવી શકો છો.
પરંતુ તમે જ્યાં પગલાં ભરો છો તે પૃથ્વીની ને સ્વર્ગની વચ્ચે એક આડો પડદો પડેલો છે. તમારાં બારણાં આગળ થઈને જાજવલ્યમાન અમર શક્તિઓ આવજા કરે છે. તમારા ક્ષુદ્ર સ્વરૂપની મર્યાદા ઓળંગી આગળ જવા માટેનાં રણશિંગા તમને બોલાવે છે. માણસોમાંથી થોડાક તો આ સાંભળે છે ને તેથીય થોડા તે માટેની અભીપ્સા રાખવાની હામ ભીડે છે. આશાનું ને નિષ્ફળતાનું મહાકાવ્ય પૃથ્વીના હૃદયને ભગ્ન બનાવી રહ્યું છે. એના સ્વરૂપ ને ભાગ્ય કરતાં એની શક્તિ અને સંકલ્પ વધારે મોટાં છે. અચેતનતાની જાળમાં ફસાઈ ગયેલી એ એક દેવી છે. મૃત્યુનાં ગોચરોમાં સ્વયં-બદ્ધ એ જીવનનાં સ્વપ્ન સેવે છે, નરકની યાતનાઓ જાતે વેઠતી એ આંનંદ માટે અભીપ્સા રાખતી રહે છે. એને ખબર છે કે એક ઉચ્ચગામી પગલું સર્વને મુક્ત મુક્ત બનાવી દેશે.પોતે દુઃખમાં પડેલી હોવા છતાં એ પોતાનાં બાળકોને માટે મહિમાની માગણી કરે છે.
મનુષ્ય પોતે મર્યાદિત હોઈ પરમોચ્ચનેય માર્યાદિત રૂપે જુએ છે, અલ્પ લાભો માટે એ અજ્ઞાનની શક્તિઓ પ્રત્યે વળે છે, આસુરી શક્તિઓના યજન માટે પોતાની વેદિઓ પ્રદીપ્ત કરે છે. દુઃખની માતા એવી અજ્ઞાનતાના પ્રેમમાં એ પડેલો છે, એના અંતરાત્માનો અવાજ માર્યો ગયો છે. એના મંદિરમાં એણે અસત્ મૂર્ત્તિ પધરાવી છે, મહામાયાની છાયાએ એ ઘેરાઈ ગયો છે. એના ઉદ્ધાર માટે જે કંઈ ઉધત થાય છે તે બધું જ નિષ્ફળ નીવડે છે. હજુ સુધી બહુ થોડાક જ દેવતાઓ મર્ત્ય દેહમાં દેખા દે છે."
આ શબ્દો ગૂઢ ગગનોમાં પાછા ફરી ગયા, પણ દેવોના દેદીપ્યમાન ઉત્તરરૂપ સૂર્યોજજવલ અવકાશોમાં થઈને સાવિત્રી ત્યાં ઉપસ્થિત થઇ. રાજર્ષિ અશ્વપતિ અંતરની દૃષ્ટિથી એને જોઈ રહ્યો હતો. સાવિત્રીમાં એને એના અદભુત સ્વરૂપનું દર્શન થયું, અને આપણા કવિએ તો એના મુખ દ્વારા સાવિત્રીના દિવ્ય છતાં માનુષી અને માનુષી છતાં દિવ્ય સ્વરૂપનું કવિત્વની પરાકાષ્ઠાએ પહોંચતું વૈભવી વર્ણન કર્યું છે. પોતાની પુત્રી રૂપે પ્રકટ થયેલી સવિતૃદેવની તેજોમયી શક્તિનાં દર્શન થતાં ઋતોના રાજાના અંત:કરણમાં અસીમનાં ક્ષેત્રોના વિચાર જાગ્યા.અને પ્રેમનાં ગહનોમાંથી પોતાની પ્રત્યે જોઈ રહેલી એ દેવમાનવ મૂર્તિને આત્માનાં શિખરો પરથી અવલોકતો રાજા આ પ્રમાણે સંબોધન કરવા લાગ્યો. આપણાં જીવનોને પલટાવી નાખે એવાં એનાં સહજ સ્ફૂરેલાં આકસ્મિક વાક્યો જાણે કોઈ નિગૂઢ રહીને બોલાવતું ન હોય એવા પ્રકારનાં હતાં. ભાગ્યનિર્માણના શબ્દો એને ઓઠે સરકી આવ્યા :
" ઓ શાશ્વતીની યાત્રાએ નીકળેલા આત્મા ! જીવનનાં જબરાં જોખમોની સામે શસ્ત્રસજજ બનીને આવેલા એ આત્મા ! યદૃચ્છા અને ભવિતવ્યતાને માથે તારાં વિજયી પગલાં માંડ. કોઈ પુરુષોત્તમને માટે પ્રારબ્ધે તને સાચવી રાખી છે. તું આ જગતમાં એકલવાયી રહેવા માટે આવેલી નથી. પ્રેમનું સૌન્દર્ય તારા
નિષ્કલંક કૌમારમાં જીવંત રૂપે આલેખાયેલું છે. સ્વર્ગીય સામર્થ્થનો ને સંમુદાનો સંદેશ લઈને તું આવેલી છે. જેની આગળ તું તારું દૈવી હૃદય ઉઘાડશે તેને તે સર્વ પ્રાપ્ત થશે અને એની સહાયથી એ પોતાના જીવનને મહિમાવંતું બનાવી દેશે.
તું હવે આ મહાન જગતની જાત્રાએ જા અને તારા આત્માના આત્મા જેવો જીવનસાથી શોધી લાવ. એ તારું પોતાનું જ અન્ય સ્વરૂપ હશે. એની સાથે તારી સહયાત્રાને માર્ગે તું આગળ વધ. તારી મૂગી જીવનવીણાને ઝંકાર કરતી બનાવી શકે એવા વીણાવાદકને શોધી લાવ, ને એની સાથે હાથ મિલાવી સ્વર્ગના જીવનરૂપ મહાપ્રષ્નનો તું સામનો કર. છદ્મવેશી અગ્નિપરીક્ષાઓને તું પડકાર દે, પ્રકૃતિતલથી પ્રભુનાં શિખરોએ આરોહ, પરમસુખના મુકુટધારી દેવોની સંમુખીન થા, અને કાળની પારના તારા મહત્તર પરમાત્મસ્વરૂપનો ભેટો કર."
સાવિત્રીનાં બંધ બારણાં ઊઘડી ગયાં ને એમાં થઇ એની દિવ્ય શક્તિઓ અંદર પ્રવેશી. તે રાત્રિને અંતે પ્રભાત પહેલાં તો એ વિશાળ વિશ્વમાં પોતાના પ્રેમના પ્રભુની શોધમાં નીકળી પડી.
નવા સર્જનનો અગ્રભાગ જે લાગતું હતું
તે સુપ્રભાત આવ્યું ને લાવ્યું સૂર્યપ્રભા એક મહત્તરા,
વધારે સુખિયાં સ્વર્ગો લાવ્યું એહ,
વસ્તુઓના સદાસ્થાયી મૂળમાંથી આવે છે જે પ્રકાશમાં
તે સંચાલિત સૌન્દર્યે ચિત્રચિત્ર પ્રકારના
ભારોભાર લદાયલું.
પ્રાચીન એક ઉત્કંઠ અભીપ્સાએ નાખ્યાં મૂળ નવાં ફરી.
હવાએ ઘૂંટડો ઊંડો ભર્યો પૂર્ણ ન થયા અભિલાષનો;
ભમતા વાયુની લ્હેરે તરુ ઊંચાં પ્રકંપતાં,
કંપે છે જેમ ચૈત્યાત્મા પાસે આનંદ આવતાં,
અને હરિત એકાંતતણે હૈયે સૂરીલી એક કોકિલા
હરહંમેશ અશ્રાંત પ્રેમના એક રાગથી
પાંદડામાં ટુહૂકાર રવે મચી.
ક્ષણભંગુર સાદો ને જવાબો જ્યાં બને મિશ્રપ્રવાહના
ત્યાં પૃથ્વીના મર્મરાટથકી દૂર વળી જઈ
રાજા અશ્વપતિ શ્રોત્ર માંડી કિરણ મધ્યથી
શ્રવણેન્દ્રિયને ભેટે તેથી ન્યારા અવાજો સુણતો હતો.
આપણી જિંદગી કેરી આસપાસ રહેલ છે
તે સૂક્ષ્મ અંતરાલમાં
અંતરાત્માતણાં દ્વારો વસાયેલાં સમાધિએ
ઉદઘાટિત થઇ ગયા :
અશ્રાવય જે હતો સૂર નિસર્ગે તે સુણાઈ શકતો હતો;
ઉત્કંઠ જીવનોની આ યુગો કેરી પદયાત્રામહીં થઇ,
વર્તમાનતણી ચિંતાજાળ કેરી ઊંડી તાકીદમાં થઇ,
વિશ્વની રિક્તતા કેરા તીવ્રોત્સાહે ભરેલા હાર્દમાંહ્યથી
નિ:શબ્દ સ્તોત્રો પુથ્વીનું અનિર્વાચ્ય પ્રત્યે ઊઠી રહ્યું હતું;
કાળના ઊજળા આડા આગળાઓતણી પૂથળ ગુંજતો
ન જન્મેલી શક્તિઓનો સ્વર એણે સુણ્યો દાબી રખાયલો.
ફરીથી જવાળ પોતાની ઊંચે પ્રેરી રહી જબ્બર ઝંખના,
માગતી માનવો માટે પૂર્ણતાની જિંદગી પૃથિવી પરે,
પ્રાર્થતી ધ્રુવતા એહ મને અધ્રુવતા ભાર્યા,
દુઃખ સ્હેતાં મનુષ્યોનાં હૃદયો કાજ માગતી
છાયામુક્ત મહાસુખ,
માગતી મૂર્ત્ત એ સત્ય અજ્ઞાન જગની મહીં,
મર્ત્ય સ્વરૂપને દિવ્ય બનાવી દે એવું દૈવત માગતી.
કૂદીને એક આવેલો શબ્દ કોઈ
દૂર કેરા વ્યોમમાંથી વિચારના
અવગુંઠિત સત્કારી લેનારા લિપિકારના
દ્વારા પ્રવેશ પામતો,
એના મસ્તિષ્કના માર્ગો ધ્વનાવંતો તેમની પાર સંચર્યો,
અંકિત કરતા જીવકોષો ઉપર છાપ એ
પોતાની મૂકતો ગયો.
" લોકો ઓ જગતી-જાયા ! શક્તિ કેરા દાબને વશ વર્તતા,
હંકારાયેલ દૈવથી,
ક્ષુદ્ર સાહસિકો ઓ હે ! અનંત જગની મહીં,
બંદીવાન બનેલાઓ ! વામણી મનુ-જાતિના,
ક્યાં સુધી ચાલતા રે'શો મનનાં ચક્કરોમહીં,
તમારી લઘુ જાતની
ને તુચ્છ વસ્તુઓ કેરી આસપાસ ફર્યે જતા ?
પરંતુ પલટાયે ના એવી ક્ષુદ્રતામાં જ જીવવું
એ હતો નહિ ઉદ્દેશ તમારી જિંદગીતણો,
અમથી પુનરાવૃત્તિ માટે ઘાટ ઘડાયો તમ ના હતો;
અમૃતાત્માતણા આદિ-દ્રવ્યમાંથી બનાવાયા હતા તમે;
શીઘ્ર આવિષ્કારકારી પગલાંઓ તમ કર્મો બની શકે,
વૃદ્ધિ પામંત દેવોને માટે બીબું
બદલાતું બની જાય એવી છે તમ જિંદગી.
ભીતરે એક છે દ્રષ્ટા, સ્રષ્ટા એક સમર્થ છે,
વિશુદ્ધ મહિમા દિવ્ય કરે ચિંતા તમારા દિવસોતણી,
બંદી પ્રકૃતિના કોષોમહીં સર્વશક્તિમાન બળો રહ્યાં.
તમારી સંમુખે વાટ તમ જોતું ભાવિ એક મહત્તર :
સંકલ્પ જો કરે સત્ત્વ આ અનિત્ય જાયેલું જગતીથકી
તો પોતાનાં કર્મને એ
સર્વોચ્ચ યોજના સાથે મેળમાં મેળવી શકે.
અત્યારે જે અજ્ઞ આંખે તાકે છે જગની પ્રતિ
ને અચિત્ ની રાત્રિમાંથી જાગેલો માંડમાંડ છે,
જુએ જે પ્રતિબિંબોને ને જુએ નહિ સત્યને,
તે મનુષ્ય દૃષ્ટિથી અમરોતણી
એ આંખોને ભરી શકે.
તમારાં હૃદયો મધ્યે દેવતાત્મા તે છતાં વૃદ્ધિ પામશે,
બ્રહ્ય કેરી હવામાંહે તમે પ્રબોધ પામશો,
ને તૂટી પડતી જોશો દીવાલો મર્ત્ય ચિત્તની,
મૂગું છોડયું હતું જેણે હૈયાને જિંદગીતણા
તે સંદેશો તમે સાંભળશો અને
જોશો પ્રકૃતિની પાર પોપચાંએ સૂર્ય પે મીટ માંડતાં,
ને સનાતનને દ્વારે શંખો તમ વગાડશો.
પ્રવર્તક ધરા કેરા મહોચ્ચ પલટાતણા,
ચૈત્યાત્માંના ભયે પૂર્ણ સ્થાનો સંક્રામવાતણું,
પૂર્ણ પ્રબુદ્ધ ઓજસ્વી માનો સ્પર્શ
પામવાનું કામ છે તમને મળ્યું,
તમારે મળવાનું છે દેહગેહમહીં સર્વસમર્થને,
કોટાનુકોટિ છે જેનાં અંગો એ એકરૂપનું
સ્વરૂપ સર્જવાનું છે તમારે જિંદગીમહીં.
જે પૃથ્વી પર ચાલો છો તમે તે તો માત્ર એક કિનાર છે,
એની ને સ્વર્ગની વચ્ચે પડદો એક છે પડયો,
જે જ્યોતિ છો તમે પોતે તેને રાખે સંતાડી તમ જિંદગી.
તમારાં બારણાં પાસે થઇ અમર શક્તિઓ
ભભૂકંતી વેગે પસાર થાય છે;
તમારાં શિખરો માથે દૂર દૂર ધ્વને છે દેવ-ગીતડાં,
તૂર્યો વિચારનાં જાત પાર જાવા તમને હાંક મારતાં,
થોડાક સાંભળે છે એ, એથી થોડા
હામ ભીડે અભીપ્સા રાખવાતણી,
મહામુદા અને દીપ્ત જવાલાના છે એ થોડા પ્રેમ-પાગલો.
આશા નિષ્ફળતા કેરું મહાકાવ્ય ભાંગે હૃદય ભૂમિનું;
એનું ઓજ અને એની ઈચ્છાશક્તિ
અતિક્રાંત કરે એના રૂપને અથ ભાગ્યને.
અચેતનતણી જાળે દેવી એક ઝલાયલી
મૃત્યુને ગોચરે જાતે બદ્ધ, સ્વપ્ન સેવતી જિંદગીતણાં,
નારકી યાતનાઓને જાતે સ્હેતી, આનંદાર્થ અભીપ્સતી,
વિરચંતી નિરાશાની પોતા કેરી વેદિઓ આશ કારણે,
જાણતી કે એક ઊંચું પગલું સૌ મુક્ત મુક્ત બનાવશે,
દુ:ખિતા ધરતી ખોજ મહિમાની
પુત્રો માટે પોતાના કરતી જતી.
પણ અંધારથી ઘેર્યાં માનવી હૃદયોમહીં
અગ્નિ એક છે ઊંચે અધિરોહતો,
અદૃશ્ય મહિમાધામ વિરાજે છે વણપૂજાયલું તહીં;
મર્યાદા બાંધતા રૂપમહીં જોતો મનુષ્ય પરમોચ્ચને,
અથવા માંડતો દૃષ્ટિ વ્યક્તિસ્વરૂપની પરે,
સુણતો એક નામ વા.
તુચ્છ મેળવવા લાભ વળે છે એ અજ્ઞાન શક્તિઓ પ્રતિ,
યા દીપકો પ્રજાળે છે વેદી કેરા આસુરી મુખ અર્ચવા,
દુ:ખોત્પાદક અજ્ઞાન પર એ પ્રેમ રાખતો.
એના યશસ્ય ઓજો છે મંત્રતંત્ર કેરા પ્રભાવની તળે.
દોરતો જે હતો એના વિચારોને
તે ગુમાવ્યો છે મનુષ્યે અવાજ અંતરાત્મનો,
અને છદ્મે છુપાવીને દેવવાણીતણું ત્રિપાદ-આસન
સત્યાભાસી મૂર્ત્તિ એક ચમત્કારી મંદિરે છે ભરાયલી.
મહામાયા લપેટે છે એને પોતાતણાં આવરણોમહીં,
આત્માનાં સૂચનો ઊંડાં બની નિષ્ફળ જાય છે,
નિષ્ફળા નીવડે લાંબી દ્રષ્ટાઓની પરંપરા,
મુનિયો ધ્યાનનું કાર્ય કરે નિ:સાર જ્યોતિમાં,
સમર્પે બાહ્ય સ્વપ્નાંને કવિઓ કાવ્યના સ્વરો,
આગાર વણનો અગ્નિ જિહવાઓને પ્રેરે પેગંબરોતણી.
સ્વર્ગની ઊતરે કિંતુ ફરે પાછી જાજવલ્યમાન જ્યોતિઓ,
ઉજ્જવલંતી આંખ આવે સમીપે ને ફરી પાછી વળી જતી;
શાશ્વતી શબ્દ ઉચ્ચારે, કિંતુ એનો શબ્દ કો સમજે નહીં;
અનિચ્છુ હોય છે ભાગ્ય, ને ગર્ત ઇનકારતો;
અચિત્ કેરાં મનોહીન જલો રોધે સર્વ કાંઈ કરેલને.
જરાક જેટલો ઊંચો પડદો મનનો થતો.
જાણે છે જ જ્ઞાનવાનો તેઓ માત્ર જુએ અરધ સત્યને,
બળવાનો ચઢે છે જે
તે ચઢે છે માંડ માંડ નીચા માથાવાળા શિખરની પરે,
પ્રેમની ઘટિકા માત્ર અપાયે છે ઝંખાએ ભર હાર્દને,
અર્ધી કથા કહી એની અચકાઈ જાય છે ગૂઢ ચારણ;
મર્ત્ય રૂપોમહીં દેવો હજુ અત્યંત અલ્પ છે."
નિજ વ્યોમોમહીં છુપાં અવાજ ઓસરી ગયો.
પરંતુ દેવતાઓના દીપ્ત ઉત્તરના સમી
આતપી અવકાશોમાં થઇ આવી સાવિત્રી ત્યાં સમીપમાં.
સ્વર્ગને ધારતા સ્તંભો જેવાં ઊંચાં વૃક્ષોમાં થઇ વાધતી,
સ્ફૂરાયમાણ રંગોએ ભર્યા અંગવસ્ત્રે નિજ સજયલી,
શાશ્વત ભુવનો પ્રત્યે જવાલાવંતી બનેલી લાગતી હતી,
મહી-મંદિર આકાશી છતવાળું, ત્યાંથી યાત્રિક-હસ્તથી
અદૃશ્ય દેવતાધામે
ઉતારાતી આરતીના જેવી એ શોભતી હતી.
આવિષ્કાર ઘડી કેરી આવી ભેટ સાવિત્રીના સ્વરૂપમાં :
જડસી દેહની આંખે માર્યાદિત થયા વિના
સર્વ કાંઈ ફરીથી સમજાવતાં
ઊંડાણોમાંહ્યથી રાજા એને જોઈ રહ્યો હતો,
સ્વચ્છ આવિષ્કાર કેરી કમાનમાં
થઇ જોતાં નવેસર પમાયલી,
હતી એ ભુવનાનંદ કેરા સૂચનના સમી,
તરસ્યા દેવતાઓને માટે અમૃતપાત્ર શી
એ કંડારી કઢાયલી,
અલૌકિક કલાકાર કેરી એ અદભુતા કૃતિ,
શ્રુતિમૂર્ત્તિ શ્વાસ લેતી હર્ષ કેરી સનાતન સ્વરૂપના,
હતી માધુર્ય કેરી એ જવાળા સ્વર્ણાગ્નિ-ગુંફિતા.
પરિવર્તન પામેલું પ્રતિમા-મુખ કોમળું
સ્વયંપ્રકાશ સંકેત બન્યું એક અગાધતર સૃષ્ટિનો,
પવિત્ર જનમો કેરી સ્વર્ણપત્રી તકતી એક એ હતું,
વિશ્વપ્રતીક ગંભીર જિંદગીમાંહ્યથી કોરી કઢાયલું.
અકલંકિત સુસ્પષ્ટ સ્વર્ગોના પ્રતિરૂપમાં
ભાલ એનું ઢળાયલું,
હતું ધ્યાનતણું પીઠ ને સુરક્ષા હતું ધ્યાનસ્થતાતણી,
હતું કક્ષા અને મંદહાસ્ય ચિંતાનિમગ્ન અવકાશનું,
એની વિચિંતતી રેખા પ્રતીકાત્મક વંક કો
હતી અનંતતાતણો.
અભ્રોના વૃન્દ શી એની અલકાવલિ મધ્યમાં
રાત્રિની પાંખની છાયે જાણે છાયાં એનાં આયત લોચનો
સોનેરી ચંદ્ર શા એના સ્વપ્નશીલ ભાલવિસ્તારની તળે
વિશ્વને ધારતા પ્રેમ ને વિચારતણા બે સાગરો હતાં
આશ્ચર્ય પામતાં જોઈ જિંદગીને પાર્થિવ લોકને
દૂર કેરા સત્યોને દેખતાં હતાં.
એક અમર તાત્પર્ય એનાં મર્ત્ય અંગોમાંહે ભર્યું હતું;
સોનેરી ફૂલદાનીની ઉગ્ર રેખામહીં યથા
તથા તે લગતાં વ્હેતાં લયવાહી સિસકારો મુદાતણો
જે સ્વર્ગધામની પ્રત્યે પૃથ્વી કેરી મૂગી આરાધનાથકી
પ્રકટી ઊઠતો હતો,
ને જે શાશ્વત ચીજોની પૂર્ણતાની દિશા ભણી
થતો 'તો મુક્ત જીવંત રૂપ કેરા સૌન્દર્યાર્થી પુકારમાં.
પારદર્શકતા પાસી અલ્પજીવી જીવતા પરિવેષ્ટને
અભિવ્યંજક દેવીને કરી ખુલ્લી એની દૃષ્ટિ સમીપમાં.
બાહ્ય દૃષ્ટિ અને મર્ત્યતણા ઇન્દ્રિયગ્રાહથી
છટકી જે જતી હતી,
મનોમોહક તે એના આકારોમાં રહેલી રૂપરાગતા
બની શક્તિતણી એક મૂર્ત્તિ ચિત્ર અર્થસૂચનથી ભરી,
પોતાની કૃતિઓમાંના એક માનવ રૂપમાં
ફરીથી ઊતરી નીચે આવતી ના કળાયે એ પ્રકાશથી,
ઉત્ક્રાંતિ પામતા વિશ્વે જે સ્વરૂપ હતું માટી પરે ખડું,
ને તરી આવતું 'તું જે સ્પષ્ટ સીધા જિંદગીના ઉઠાવમાં,
કોરી કઢાયલી દેવમૂર્તિ ભીંતે વિચારની,
વહેતી ઘટિકાઓમાં પ્રતિબિંબન પામતી,
છાયામાં પધરાવેલી જડ દ્રવ્યે
જેમ કોઈ મહામંદિર-ગહવરે.
મૂલ્યો મનતણાં અલ્પજીવી લુપ્ત થઇ ગયાં,
પાર્થિવ દૃષ્ટિનો ત્યાગ કર્યો દૈહિક ઇન્દ્રિયે,
અમરો બે મળ્યા આંખ સાથે આંખ મેળવીને પરસ્પર.
જાગીને ગાઢ જાદૂથી રોજના ઉપયોગના
બાહ્ય રૂપતણે વેશે છુપાવી જે રાખે છે આત્મ-સત્યને,
જાણીતાં ને લાડવાયાં અંગો મધ્ય થઇ અશ્વપતિ જુએ
નિજ પુત્રીતણે રૂપે લઇ જન્મ
આવેલા મહિમાવંતા ને અવિજ્ઞાત આત્મને.
ઊંડી ભીતરની દૃષ્ટિમાંથી ઊઠયા તત્કાલ તાતને મને
વિચારો જેમને ભાન નિજ ક્ષેત્રમર્યાદાનું હતું નહીં.
મનનો સાંકડો માર્ગ કરી પાર
પ્રેમ એને જ્યાંથી વિલોકતો હતો
તે વિશાળાં અને ચિંતામગ્ન ઊંડાણની પ્રતિ
બોલ્યો પિતા પછી વાક્યો જે અદીઠાં શૃંગોથી આવતાં હતાં.
શબ્દ થોડા અકસ્માત નીકળેલા
પલટાવી શકે જીવન આપણું.
કેમ કે આપણી વાણી કેરા પ્રચ્છન્ન પ્રેરકો
તાત્કાલિક મનોવસ્થા કેરાં સૂત્રો વપરાશે લઇ શકે
અને અભાન ઓઠોની પાસે શબ્દો ઉચ્ચારાવે અદૃષ્ટના.
" યાત્રી શાશ્વતતા કેરા, ઓ હે આત્મા !
છે આવેલો અહીંયાં તું અવકાશોથકી અમરધામના,
તારા જીવનનાં જંગી જોખમોને માટે છે શસ્ત્ર તેં સજ્યાં,
યદ્દચ્છા ને કાળ માથે મૂકશે તું વિજયી પાય તાહરા,
સ્વપ્રભામંડલે ઘેર્યો ચંદ્ર તારા જેવાં સ્વપ્ન નિષેવતો.
બલિષ્ઠ એક સાન્નિધ્ય હજી રક્ષા કરે તારા શરીરની.
છે સંભવિત કે સ્વર્ગો સાચવી તુજને રહ્યાં
આત્મા માટે મહાન કો,
તારું ભાગ્ય અને કાર્ય રખાયાં ક્યાંક દૂર છે,
અટૂલા તારલા જેમ આત્મા તારો નીચે અવતર્યો નથી.
કાંચનકાંત કૌમાર્યે પવિત્ર સચવાયલા
સ્નેહસુંદરતા કેરા સજીવ અભિલેખ હે !
સનાતનતણી સૂર્યશુભ્રા લિપિમહીં કહે,
કયો સંદેશ સ્વર્ગનો
તારી મહીં લખાયો છે શક્તિ ને સમુંદાતણો,
જેને શોધી કાઢનારો એનાથી મહિમાવતી
કરશે નિજ જિંદગી,
જયારે તું તેહની પ્રત્યે તારા હૈયા કેરાં રતન-સૂત્રને
ઉઘાડાં નાખશે કરી.
મૌનના પદ્મરાગ હે
અધરો ! ઝરતું જ્યાંથી મંદહાસ્ય અને સંગીત શાંતિનું,
તારકોજજવલ હે નેત્રો ! જાગનારાં મહતી મધુ રાત્રિમાં,
અને સૂક્ષ્મ સૌન્દર્યે સંકળાયલી
ને કલાકાર દેવોએ વળાંકોએ વિલાસતા
શ્લોકોમાં છે કરી બદ્ધ, એવી સ્વર્ણ કવિતા શાં શુભાંગ હે !
પ્રેમ ને ભાગ્ય બોલાવી રહ્યાં છે જ્યાં
ત્યાં તમારી મોહની લઇ સંચરો :
તારા જીવન-સંગીને માટે સાહસ ખેડતી
જા તું ગહન લોકમાં.
કેમ કે ક્યાંય પૃથ્વીના ઝંખનાએ ભર્યા ઉરે
તારી--અજ્ઞાતની વાટ જુએ છે કો પ્રેમી અજ્ઞાત તાહરો.
બળ છે તુજ આત્મામાં અને એને જરૂર ના
માર્ગદર્શક અન્યની
સિવાય એક જે તારા હૈયાની શક્તિઓમહીં
છે પ્રજવલંત ભીતરે
તારો સ્વભાવ માગે છે જેને તેહ તારું સ્વરૂપ દૂસરું
સમીપે સરતાં તારાં પગલાંની ભેટે સમીપ આવશે,
એ દેહાંત સુધી તારી યાત્રામાં સાથ આપશે,
પગલે પગલે તારે ચાલશે એ સહયાત્રી સમીપમાં,
વીણાવાદક એ તારા આત્મા કેરી તંત્રીનો અંતરંગિણી,
તારામાં મૂક છે તેને એ સ્વરોમાં ઉતારશે.
પછી તમે બની જાશો વીણાઓ બે સગાઈ સાથ સ્પંદતી,
ભેદના ને મોદ કેરા તાલમેળે એકરૂપત્વ ધારતી,
સમાન દિવ્ય તાનોમાં પ્રતિ-ઉત્તર આપતી,
પ્રાકટયે આણતી સૂરો નવા શાશ્વત વસ્તુના.
શક્તિ એક જ બન્નેને ચલાવશે
ને બન્નેને માર્ગદર્શન આપશે,
જ્યોતિ એક જ બન્નેની આસપાસ અને અંતરમાં હશે;
બલિષ્ઠ હાથ શું હાથ મિલાવીને
સ્વર્ગના પ્રશ્નરૂપી જે જિંદગી છે તેની સામે ખડાં થજો :
તોતિંગ છળવેશની
કારમી જે કસોટી છે તેહને પડકારજો.
ચઢી પ્રકૃતિમાંથી જા શૃંગોએ દિવ્યતાતણાં;
સુખસૌભાગ્યનો તાજ ધારનારા દેવો સંમુખ થા ખડી,
મહત્તર પછી પામ પ્રભુને જે
કાલાતીત તારું આત્મસ્વરૂપ છે."
બીજરૂપ હતો શબ્દ આ ભાવી સર્વ વસ્તુના.
કો માહાત્મ્યતણે હસ્તે ખોલી નાખ્યાં
એના હૈયાતણાં દ્વાર તાળાએ બંધ જે હતાં
ને બતાવ્યું કાર્ય જેને માટે જન્મ પામ્યું 'તું ઓજ એહનું.
યોગની શ્રુતિમાં જ્યારે ગહને મંત્ર ઊતરે
અંધ મસ્તિષ્કને ત્યારે કરી ક્ષુબ્ધ એનો સન્દેશ જાય ત્યાં
ને અંધરા અને અજ્ઞ કોષોમાં એ રાખે છે એહનો ધ્વનિ;
શ્રોતા સમજતો એક શબ્દરચિત રૂપને
ને નિર્દેશક એનામાં જે વિચાર તેના ધ્યાનમહીં રહી
મથતા મનના દ્વારા કરે યત્ન એ એને અવબોધવા,
પરંતુ સૂચનો માત્ર એને ઉજ્જવળ આવતાં,
પામતો એ ન એનામાં મૂર્ત્ત થયેલ સત્યને :
પછી પોતામહીં એને પામવાને મૌન એ સેવતો, અને
શ્રુતિનો ચૈત્ય-આત્માની ભેટો એને થતો ભીતરની મહીં :
છંદોલયે ભર્યા સૂરે શબ્દ કેરો ધ્વનિ આવૃત્તિ પામતો :
વિચાર, દૃષ્ટિ ને ભાવ અને ઇન્દ્રિયચેતના,
ને સત્તા દેહની જાતાં ઝલાઈ ત્યાં અનિવાર્ય પ્રકારથી,
ને મનુષ્ય સહે એક સંમુદા ને અમર્ત્ય પરિવર્તન;
સંવેદે એ બૃહદ્દ-ભાવ અને એક શક્તિરૂપ બની જતો,
સમુદ્ર સમ આવે છે સર્વ જ્ઞાન એની ઉપર ઊમટી :
હર્ષ ને શાંતિનાં નગ્ન સ્વર્ગોમાં એ સંચરે પલટાયલો
શુભ્ર અધ્યાત્મ રશ્મિએ,
પ્રભુનું મુખ એ જોતો, સુણતો એ પાર કેરી સરસ્વતી :
આના સમાન માહાત્મ્ય સાવિત્રીના જીવને ઉપ્ત ત્યાં થયું.
જાણીતી શક્તિઓ મધ્યે વિચારે મગ્ન ચાલતી,
સ્પર્શાતી નવ વિસ્તારો વડે એ ને પરીઓની ઈશારતે,
હજી હતી ન પોતાની બૃહત્તાઓ, તેમની પ્રતિ એ વળી;
અજ્ઞાત માધુરીઓની ધબકો હતું
પ્રલુબ્ધ ઉર એહનું,
પાસે એની હતાં હાવે રહસ્યો કો એક અદૃષ્ટ લોકનાં.
સ્મિતે સુહંત આકાશે પ્રાત:કાળ આરોહી ઉપરે ગયો;
શિખરાગ્રથકી નીલ નીલમાભ સમાધિના
નંખાયેલો નમ્યો નીચે દિન દીપ્ત સંધ્યાના સ્વર્ણવર્ણમાં;
પરિત્યક્ત પ્રકાશંત વસ્તુ શો વ્યોમમાર્ગમાં
ચંદ્રમા પ્લવતો હતો,
ને તે ભુલકણી સ્વપ્ન-કિનારીની નીચે પામ્યો નિમગ્નતા;
રાત્રિએ શાશ્વતી કેરી ચોકિયાત જ્વાલાઓ જાગતી કરી.
પછી સર્વ ફર્યું પાછું મન કેરાં ગુપ્ત ગહવરની મહીં;
દિવ્ય વિહંગની પાંખો પર આવ્યું અંધારું એક ઊતરી
ને બહિર્દૃષ્ટિથી એની ઈન્દ્રિયોને સીલ ભીતરમાં કરી
ને ઉઘાડયાં ઊંઘ કેરાં ઊંડાણો ઘોર કૈં.
જયારે પરોઢિયું આવ્યું સરકીને
રાત્રિ કેરી છાયા-ચોકીમહીં થઇ,
નવી જન્મેલી જ્યોતિએ
મુખદર્શનને માટે સાવિત્રીની ઈચ્છા ત્યારે કરી વૃથા;
જાગ્યો મહેલ, જોયું તો ખાલી પોતે બન્યો હતો;
હંમેશાંના હર્ષ કેરી હતી દૂર અધીશ્વરી ;
એનાં ચંદ્રપ્રભા જેવાં પગલાં રંગતાં ન 'તા
લસતાં મ્હેલનાં તલો :
સૌન્દર્યે ને દિવ્યતાએ લઇ લીધી હતી વદા.
ભાગી ગયો હતો હર્ષ ઢુંઢવાને માટે વિશાળ વિશ્વને.
ખોજ
જગતના માર્ગો સાવિત્રીની સમક્ષ ખલ્લા થયા. આરંભમાં તો નવાં નવાં દૃશ્યોએ એની આંખને રોકી રાખી, પરંતુ જેમ જેમ એ આગળ જતી ગઈ તેમ તેમ એક ઊંડી ચેતના એનામાં ઊભરી આવવા લાગી. પછી તો એને આવતા પ્રદેશો પોતાના જ હોય એવું લાગવા માંડયું. પોતે આ પહેલાં અનેક લોકોમાં જન્મી હતી, અનેક નગરો, નદીઓ અને મેદાનો પર એની આંખોનો દાવો હતો. માર્ગમાં અનેક અનામી સાથીઓ એને મળતા અને વાટની વાયુલહરી એના કાનમાં અનેક પુરાણીકથાઓ કહી જતી. એના અંતરમાં પુરાણી સ્મૃતિઓ સ્ફુરવા માંડી ને પોતે જાણે કોઈ પૂર્વનિશ્ચિત લક્ષ્ય પ્રતિ જઈ રહી હોય એવું એને લાગવા માંડયું. એને માટે નિર્માયેલા દેવતાઓ એનાં રથચક્રોને ચલાવી રહ્યા હતા. બધું જ એક પુરાણી યોજનાને અનુસરતું હોય એવું લાગતું હતું. એક અચૂક ભોમિયો અદૃશ્ય રહીને માર્ગ બતાવી રહ્યો હતો. અનેક જન્મોએ ગૂંથેલું સૂત્ર એના હાથમાં ઝલાયેલું હતું. માણસે પોતે જ રળેલા હર્ષોની ને આમંત્રેલાં દુઃખોની પ્રતિ એ ભોમિયો એને દોરી જાય છે. આપણે જે વિચારો સેવીએ છીએ ને જે કંઈ કર્મ કરીએ છીએ તેમાંનું કશું જ નિરર્થક હોતું નથી. આપણા અમર્ત્ય ભૂતકાળના એ સંરક્ષકોએ આપણા ભાગ્યને આપણાં પોતાનાં જ કર્મનું બાળક બનાવ્યું છે. અજ્ઞાત અતીતમાંથી ઉદભવેલા વર્તમાનમાં આપણે રહીએ છીએ. આપણાં ભુલાયેલાં કર્મોનું ફળ આપણે ભોગવીએ છીએ.
આમ હોવા છતાં આપણા ભાગ્યના એ દેવતાઓ એક પરમ સંકલ્પનાં માત્ર સાધનો છે ને તેમનાં કાર્યનું નિરીક્ષણ કરતી એક સર્વને જોતી આંખ ઉપર આવેલી છે. સાવિત્રી પોતના સતત્વનાં શિખરો પર એક શાન્ત સાન્નિધ્યનાં દર્શન કરતી હતી. એ સર્વજ્ઞ સાન્નિધ્ય એને માટે એના માર્ગના એકેએક વળાંકને પસંદ કરતું હતું.
આ સર્વોચ્ચ સાન્નિધ્યથી દોરવાયેલો સાવિત્રીનો રમણીય રથ હંકારાતો હતો. નગરો,નગરોનાં બજારો, દુર્ગો, બગો, મંદિરો અને રાજમહેલો આગળ થઈને રથ એને આગળ ને આગળ લઇ જતો હતો, ત્યાર પછી આવ્યાં ગામડાંઓ અને નેસડાઓ, ઘાસનાં બીડ ને ઝાડીઓ, નદીનાળાંઓ ને નિર્જન અરણ્યો. પૃથ્વીમાતા અહીં
સાચી માતા રૂપે પ્રકટ થયેલી દૃષ્ટિગોચર થતી હતી. દુનિયાનો દુઃખી જીવ ત્યાં એના હૃદયનો આશ્રય લઈ દુઃખદાહમાંથી છૂટી શકતો હતો, કુદરતનો કનૈયો બની શકતો હતો.
વળી ત્યાં વિસ્તર્યાં હતાં તપસ્વીઓનાં તપોમગ્ન તપોવનો, ચિંતનમાં લીન કુંજો અને કાનનો, સ્વભાવિક હર્ષોલ્લાસનાં ધામો, ગહનો ને ગુહાઓ, ગુહ્યોને સરસ્વતીના હોઠ આપતી કંદરાઓ, વ્યોમે વાધતી વેદિઓનું રૂપ લેતા ગિરિવરો, પ્રફુલ્લ પ્રભાતો, ને સુરખીભરી સંધ્યાઓ, વનચરોના વિરાવો ને વિહંગમોના વિલોલ કલરવો, ફૂલોના ફોરતા રંગો અને તમરાંના તીણા સ્વરે તમતમતી એની રાત્રિઓ અને રાત્રિના અંધકારમાં ચાલી રહેલા સંચારો હૈયાંને હરતા હતા. સર્જનહારનું સુખદ સાન્નિધ્ય ત્યાં અનુભવાતું, જ્યોતિ સાથે ગૂઢ ગોઠડીઓ મંડાતી, અને સનાતનની સાથે આત્માનુસંધાન સહજ ભાવે સધાતું.
ત્યાં પૃથ્વીમાતા થોડાક અધિકારી આત્માઓને પોતાની સુખશાંતિમાં ભાગ પડાવવા માટે પ્રેમથી બોલાવતી. એવા ભાગ્યશાળીઓને માટે વિશાળતા સ્વભાવિક બની જતી, ઉત્તુંગતાએ આરોહી તેઓ રહેતા. વીર્યવાન રાજર્ષિઓ પોતાનું રાજકાર્ય સમાપ્ત કરી એમણે ખેલેલાં યુદ્ધોનો થાક ઉતારવા અહીં આવતા અને પશુપક્ષીઓના સ્નેહલ સહવાસમાં ને પ્રસન્ન કરતાં પુષ્પોની પડોશમાં રહેતા. ત્યાં તેઓ પ્રકૃતિનાં સતત્વો ને તત્વો સાથે એકતા સાધી આનંદમાં રહેતા, ધ્યાનમગ્ન બની જતા, આત્માનાં ઉજ્જવલ એકાંતોમાં પ્રવેશતા અને સર્વનો આવિષ્કાર કરનારા પ્રકાશનાં દિવ્ય દર્શન કરતા.
ઋષિમુનીઓ ત્યાં અનંતના અંતરમાં ઊતરતા, તપસ્વીઓ ત્યાં તપની વિભૂતિઓ વિકસાવતા, ત્યાગીઓ ત્યાં અનિકેત નિવાસનો આશ્રય લઈ વિશ્વાત્માના મહા-સંકલ્પ સાથે એકતાર બની જતા અને પરાત્પરના આદેશની વાટ જોતા વિરાટમાં વિચરી રહ્યા હતા.
આ મહાત્માઓની આસપાસ એક સુભગ શિષ્યમંડળ ઊભું થતું, સજ્જીવનના સાધકો એમનું સેવન કરવા આવતા, સાચા જિજ્ઞાસુઓ જ્ઞાનામૃતનું પાન કરવા ને આત્માની તૃષા છિપાવવા એ આત્મજ્ઞાનના ઉત્સોએ આવતા ને અર્ચનીય ચરણોએ બેસતા. રાજપુત્રો યે રાજત્વની મહાશિક્ષા મેળવવા માટે ત્યાં દીક્ષાધારી બનીને રહેતા અને સિંહશિશુઓ સમાન એ સૌ ત્યાંની વ્યોમવિશાળતાઓમાં વિહાર કરતા.
ઋષિવરો ત્યાં સમભાવ સેવી વસ્તુમાત્રના ગહનાત્મામાં વિરાજમાન પરમાત્મ-દેવના પરમાનંદના શ્વાસોચ્છવાસથી વાતાવરણને પ્રભુમય બનાવી દેતા. એમની આસપાસનાં ઊછરતાં માનસોમાં એ અમર વિચારોનું વાવેતર કરતા, પારનાં સત્યો પ્રતિ માનવજાતને આરોહણ કરવાનું શિખવાડતા ને થોડાક અભીપ્સુ આત્માઓને માટે મોક્ષનાં દ્વાર ઉધાડી આપતા. એમનો સ્વાભાવિક પ્રભાવ, બ્રહ્યહૃદયમાંથી પ્રકટ થતી એમની વાણી તેમ જ એમનું પરમતત્ત્વથી ભરપૂર મૌન પૃથ્વીલોકની સહાયમાં સૂર્યના પ્રકાશનું સેવાકાર્ય કરતાં.
એકાત્મ એ સ્થાનની વિશિષ્ટાતા હતી. હિંસક પ્રાણીઓ પણ પોતાના શિકારની સાથે ત્યાં મીઠી મૈત્રી રાખીને રહેતાં. પૃથ્વીમાતાનો પ્રસરેલો પ્રેમ ક્ષેરવેરને સમાવી દેતો અને જગતનાં ઘવાયેલાં હૃદયોને સાજાંસમ હૃદયો બનાવી દેતો.
બીજા કેટલાક આરણ્યકો વિચારનાં વર્તુલોની રેખા તોડીને પારના પ્રકાશની પ્રતીક્ષા કરતા નિ:સ્પંદ મનમાં પહોંચી જતા અને એક અનામી શક્તિ અને પરમાત્મ-પ્રભાની વિદ્યુતોનો આનંદ અણુએ અણુમાં લઈને પાછા ફરતા. એમનું અંત:સ્ફુરિત જ્ઞાન છંદોમયી વેદવાણીમાં પ્રગટ થતું, તેઓ સ્વર્ગોને સર્જતા સૂક્ષ્મ સ્વરોને શ્રુતિગોચર બનાવતા, અને સૂર્યોને પ્રકટાવનારી મહાપ્રભાનું આવાહન કરતા, ત્રિકાળ-દર્શી અને ત્રિકાળજ્ઞાની કેટલાક વિહંગમો જેમ ઊડતા ઉડાતા વિશ્વસાગરની પાર વિરાટમાં વિલીન થઇ જતા. કેટલાક વિશ્વલીલાનું નિરીક્ષણ કરતા અને આત્માની ઉદાસીનતા દ્વારા સંસારને સહાય કરતા, તો કેટલાક જ્યાંથી કોઈ પાછું ફર્યું નથી ત્યાં જન્મમરણની શૃંખલાને તોડી નાખી જતા રહેતા.
છાયામાં થઇ જેમ કોઈ સૂર્યબિંબ તરતું તરતું આવે તેમ કાંચનવર્ણી કાંતિમતી ક્ન્યકાનો રથ પણ એ ધ્યાનધરણાનાં ધામોમાં થઇ આગળ વધ્યો. ત્યાં કોઈ કોઈ વાર તે ગોરજ સમયે આવતી ને કોઈ પર્ણકુટીમાં રાતવાસો કરતી અને સંધ્યાકાળના હોમહવનના મંત્રોચ્ચારો આત્મામાં ધ્વનતા બનાવતી. કોઈ કોઈ વાર તે એકાદ સરિતાને કાંઠે ઊભેલાં વૃક્ષોની નીચે રાત્રિ પસાર કરતી અને શાખાઓની સમર્પાતી ઉપાસનામાં સામેલ થઇ જતી. ત્યાં પુરાણાં મૌનોની સ્મૃતિ એના અંતરમાં જાગતી ને સનાતની શાંતિ સાથેની એની સગાઇ તાજી થતી, પરંતુ પ્રભાત પોતાની ઘાસ પાંદડાંની પથારી છોડી એ ઊભી થઇ જતી ને પોતાની ખોજમાં પાછી નીકળી પડતી.
આમ એ પહાડીઓમાં ને જંગલઝાડીઓમાં થઇ પ્રયાણને માર્ગે આગળ વધતી, વચ્ચે આવતાં ઉજ્જડ મેદાનોનાં માપ લેતી, આવતા રણવિસ્તારો વટાવતી ખોજ આગળ ચલાવતી, પણ માણસોમાં એ જેની શોધ કરી રહી હતી તે માનવપુત્ર એને ન મળ્યો. વસંતે વિદાઈ લીધી ને ગ્રીષ્મને માટે જગા કરી આપી. જ્વાળાની લપકતી જીભે બધું ચાટી લીધું ને આકાશે કાંસાના ઢાળાનું રૂપ ધારણ કર્યું.
માર્ગો જગતના ખુલ્લા સાવિત્રી સંમુખે થયા.
આરંભે નવ દૃશ્યોની શોભા કેરી અપૂર્વતા
વસી એને મને રોકો દેહની દૃષ્ટિ રાખતી.
પરંતુ જેમ જેમ એ
બદલાતી જગાઓને કરીને પાર સંચરી
ફૂટી ઊઠી તેમ તેમ તેનમાં કો નિગૂઢતર ચેતના :
ઘણાં સ્થાનો અને દેશો કેરી એ વાસિની હતી,
પ્રત્યેક ધરતી ખંડે ઘર એણે કર્યું હતું;
બધાં ગોત્રો અને રાષ્ટ્રો એણે નિજ કર્યાં હતાં,
ને એમ કરતાં ભાવિ આખી માનવ જાતનું
બની એનું ગયું હતું.
એને માર્ગે આવનારી જગાઓ અણજાણ આ
જ્ઞાત એને હતી પાડાપાડોશી શી ઊંડા આંતર બોધને;
લુપ્ત વિસ્મૃત ક્ષેત્રો શાં આવતાં 'તાં દૃશ્ય સ્થાનો ફરી ફરી,,
ધીરે ધીરે થતી તાજી ફરીવાર સ્મૃતિઓ શાં સમક્ષમાં
નદી-નગરો-મેદાનો
એની દૃષ્ટિ પરે દાવો પોતાનો કરતાં હતાં,
તારા આકાશના રાત્રે
પ્રસ્ફુરંતા હતા એના સખાઓ ભૂતકાળના,
પુરાણ વસ્તુઓ કેરી વાતો વાતો કાને મર્મરતા હતા,
અને પોતે એકવાર જેમને ચાહતી હતી
તેવા અનામ સાથીઓ માર્ગમાં મળતા હતા.
ભુલાયેલાં સ્વરૂપોના ભાગરૂપ બધું હતું.
અસ્પષ્ટ અથવા એક ચમકારે ઓચિંતાં સૂચનોતણા
અતીત શક્તિની રેખા યાદ એનાં કર્મોને આવતી હતી,
એના ગમનનો હેતુ સુદ્ધાં યે ન હતો નવો :
કો પૂર્વજ્ઞાત ને ઉચ્ચ ઘટનાની દિશા પ્રતિ
ઘણી વાર કરી હોય પોતે યાત્રા
ને પોતે એ કરતી હોય ના ફરી
એવું એના યાદવાળા ચૈત્યને લાગતું હતું.
હતી દોરવણી એક મૂક એનાં રથચક્રો ચલાવતી,
ને તેમની ત્વરા કેરા ઉત્કંઠિત કલેવરે
પ્રેરનારા દેવતાઓ છાયાળા છદ્મવેશમાં
અવગુંઠિત રૂપે ત્યાં સવારી કરતા હતા,
મનુષ્ય કાજ જેઓની જન્મથી જ નિમણુક થઇ હતી
અને જેમાં ફેરફાર થતો નહીં.
એનો આંતર ને બાહ્ય જિંદગીનો ધારો એ ધારતા હતા,
હતા આડતિયા તેઓ એના આત્માતણા સંકલ્પના, હતા
સાક્ષી ને અમલી કાર્ય કરનારા એહના ભાગધેયનું.
હતા નિશ્ચલ નિષ્ઠાના રાખનારા પોતાના કાર્યની પ્રતિ,
પોતાની પકડે તેઓ સાચવી રાખતા હતા
એના સ્વભાવની ચાલી આવનારી પરંપરા,
ને જૂનાં જીવનોએ જે તંતુ કાંતેલ તેહને
તે અતૂટ રાખી આગે વહી જતા.
એના નિર્માણની માપબદ્ધ ચાલે રહેતા એ હજૂરમાં,
એણે હાંસલ કીધેલા હર્ષોની ને આમંત્ર્યાં દુઃખની પ્રતિ
દોરી એને લઈ જતા,
અકસ્માત ભરાયેલાં પગલાંમાં વચ્ચે એ પડતા હતા.
આપણે જે વિચારીએ અથવા કહીએ છીએ
એમાંનું વ્યર્થ કે નિ:સાર ના કશું;
છૂટું મુકાયલું એક ઓજ પ્રત્યેક છે અને
એનો લીધો માર્ગ એ છોડતું નથી.
અમર્ત્ય આપણા ભૂતકાળ કેરા છાયાનિલીન રક્ષકો
આપણા ભાગ્યને બચ્ચું આપણા જ કર્મનું એ બનાવતા,
ને સંકલ્પે આપણા જે ચાસ પાડેલ છે શ્રમે
તેમાંથી વિસરાયેલાં આપણા કૃત કર્મનું
લણતા ફળ આપણે.
કિંતુ આ ફળ દેનારું વૃક્ષ અદૃશ્ય હોય છે,
ને અજ્ઞાત અતીતેથી જન્મેલા વર્તમાનમાં
આપણે જીવીએ છીએ,
તેથી તેઓ જણાયે છે ભાગો માત્ર એક યાંત્રિક શક્તિના,
યાંત્રિક મનની સાથે બંધાયેલા પૃથ્વીના નિયમો વડે;
છતાં પરમ સંકલ્પ એક કેરાં તેઓ સૌ હથિયાર છે,
નિરીક્ષાતા ઊર્ધ્વ કેરા સ્થિર એક સર્વાલોચક લોચને.
ભાગ્યનો ને યદૃચ્છાનો શિલ્પી એક પુર્વજ્ઞાન ધરાવતો
આપણી જિંદગીઓને ઘડે છે કો
પૂર્વદૃષ્ટ યોજના-અનુસારમાં,
પ્રત્યેક પગલાનું છે જ્ઞાન એને ને એના પરિણામનું,
ચોકી એ રાખતો નિમ્ન ઠોકરાતાં બલો પરે.
સાવિત્રીને હતું ભાન સ્વાત્મા કેરાં નીરવ શિખરો પરે,
કે શાંત એક સાન્નિધ્ય રાજતું 'તું એના મસ્તકની પરે,
ને એ જોતું હતું લક્ષ્ય અને પોતે પસંદ કરતું હતું
ભાગ્યનિર્માણ માટેના એકેએક વળાંકને,
પાયાની બેસણી રૂપે કરતું એ ઉપયોગ શરીરનો,
હતી પર્યટતી આંખો એની શોધક જ્યોતિઓ,
ને લગામો ઝાલનારા હસ્ત એનાં ઓજારો જીવતાં હતા.
બધું કાર્ય હતું એક પુરાણી યોજનાતણું,
માર્ગ તૈયાર કીધેલો એક અચૂક ભોમિયે.
મોટાં મધ્યાહન ને દીપ્ત અપરાહણોમહીં થઈ
જતાં પ્રકૃતિનો ભેટો સાવિત્રી કરતી હતી,
જોતી મનુષ્ય રૂપોને ને અવાજો જગના સુણતી હતી;
એ અંત:પ્રેરિતા લાંબા માર્ગને કાપતી હતી,
મૂગી સ્વહૃદયે જ્યોતિર્મય કંદરની મહીં,
ઊજળી વાદળી જેવી દિવસે દીપ્તિએ ભર્યા.
આરંભે વસતીવાળા પ્રદેશોની મહીં થઈ
એનો માર્ગ જતો હતો :
સિંહદ્વારોમહીં રાજ્યો કેરાં પ્રવેશ પામતો,
ક્ષેત્રોમાં માનવી કેરાં મહામુખર કર્મનાં
કળાકોતરણીવાળો રથ એનો નકશીદાર ચક્રની
પર માર્ગ રેખાએ ચાલતો હતો,
કોલાહલભર્યાં હાટો વટાવતો,
ચોકિયાત બુર્જોની બાજુએ થઈ,
મૂર્ત્તિઓએ શોભમાન દરવાજા
ને સ્વપ્નશિલ્પની ઉચ્ચ શોભાવાળા મુખભાગો કને થઈ,
નભના નીલમી નીલે ઝૂલનારા બાગોની બાજુએ થઈ,
કવચે સજ્જ રક્ષીઓવાળાં ઉચ્ચ સ્તંભશોભી
સભાગૃહ કને થઈ,
પ્રશાંત પ્રતિમા એક માનવી જિંદગી પરે
નિરિક્ષંતાં નેન જ્યાં રાખતી એવાં દેવસ્થાનો કને થઈ,
ને નિર્વાસિત દેવોએ ગુમાવેલી
નિજ શાશ્વતતાના અનુકારમાં
કોતરી હોય કાઢેલાં એવાં માર્ગે મંદિરોને વટાવતો
સાવિત્રીનો રથ આગે જતો હતો.
ઘણી યે વાર સોનેરી ઓપે શોભંત સાંજથી
તે રૂપેરી રમ્ય પ્રાત:સમા સુધી
નૃપોના સુપ્ત મ્હેલોમાં લેતી વિશ્રામ એ હતી,
રત્નદીપો જહીં ભિત્તિ-ચિત્રો પર ઝબૂકતા
જ્યોત્સ્નાએ ઊજળી ડાળો પર તાકી
રહેતી જ્યાં હતી જાળી શિલામયી,
સુણતી દઈને કાન ધીરી ધીરી સર્પતી શર્વરીતણા
અર્ધભાનમહીં સૂતી,
ને નિદ્રાના કિનારાઓ વચ્ચે પોતે સરતી અંધકારમાં.
પલ્લી ને ગામડે જોયો રથ એનો વહી પ્રારબ્ધને જતો;
હતાં જીવનધામો એ
નિજ ટૂંકી વહી જાતી જિંદગીમાં
પોતાના પેટને માટે ખેડતાં જે જમીનને
તેની પ્રત્યે હમેશાં ઝૂકતાં રહી
ચલાવ્યે રાખતાં જૂની ઘરેડોની પરંપરા,
બદલાય નહીં એવા આકાશી ગોળની તળે
એના એ જ કર્યે જાતાં મર્ત્ય કેરા મહાશ્રમો.
વિચારવંત પ્રાણીની બોજે લાદી જિંદગીમાંહ્યથી હવે
વળી એ મુક્ત ને શોક વિનાના વિસ્તરો પ્રતિ
હજી જે નવા ડોળાયા હતા હર્ષે ને ભયોએ મનુષ્યના.
આદિકાળતણી પૃથ્વી કેરું બાલ્ય હતું અહીં,
કાળબાધાથકી મુક્ત
વિશાળા હર્ષથી પૂર્ણ ને નિ:સ્પંદ અહીંયાં ચિંતનો હતાં,
મનુષ્યો હજી ના જે ચિંતાભારે ભર્યાં હતાં,
નિત્યના વાવવાવાળા કેરા રાજાશાહી એકર ત્યાં હતા,
તે હતાં ઘાસનાં બીડ લ્હેરી વાએ
તડકે જે મટકાં મારતાં હતાં :
યા લીલાં ધ્યાનમાં મગ્ન જંગલોની મહીં થઈ
અથવા રૂખડાં માથાંવાળી ડુંગરમાળના
મધ્યભાગમહીં થઈ,
અથવા મધમાખીના ઉદ્દામ ગુંજને ભર્યા
વનકુંજોમહીં થઈ,
કે રૂપેરી પ્રવાહોના લંબાઈને શમતા સ્વરમાં થઈ,
આશા કો ક્ષિપ્ર જાણે ના સ્વ-સ્વપ્નાંમાં સફરે હોય નીકળી
તેમ ઉતાવળે ચાલ્યો રથ જાતો કાંચની કન્યકાતણો.
જગ કેરા મહામોટા અમાનુષ અતીતથી
પ્રદેશ-સ્મૃતિઓ આવી, અવશેષો ચિરકાલીન આવિયાં,
જાગીરમાં અપાયેલી પુરાણી એક શાંતિને
આવી રશ્મિ-રિયાસતો,
ઘોડાઓની ખરીઓના અનભ્યસ્ત અવાજને
તેમણે ધ્યાનથી સુણ્યો,
ને નિરાપદ ને જંગી મૌનોએ ગૂંચવાયલાં
સાવિત્રીને કરી લીન લીલમી ગુપ્તામહીં,
ને મંદ ચૂપકીદીથી
ભરી અજબ જાળો જે પરીનાં પુષ્પની હતી
તેમણે રંગને ફંદે કન્યકાનાં ફસાવ્યાં રથચક્રને.
બલિષ્ટ આગ્રહી પાય કાળના કોમળા બની
આ એકાંત માર્ગોએ પડતા હતા,
રાક્ષસી પગલાં એનાં ભુલાયાં 'તાં
ને ભુલાયાં હતાં એનાં ઘોર ધ્વંસક ચક્કરો.
શ્રુતિ અંતરની જેહ દઈ કાન સુણે નિર્જન મૌનને
તે અસીમપણે ઝૂકી આત્મમગ્ન બની જઈ
સાન્દ્રતર અને શબ્દ ન કરંત વિચારનો
લયમેળ સાંભળી શકતી હતી,
જમા જે થાય છે શબ્દહીનતામાં જીવન પછવાડની,
ને મંદ મીઠડો સૂર પૃથ્વી કેરો ઉચ્ચાર નવ પામતો
મહાન ભાવથી પૂર્ણ એના સૂર્યચુંબિત ધ્યાનને લયે,
નિજ ઝંખનના નિમ્ન સ્વર સાથે ઉપરે ચઢતો હતો.
કોલાહલે મચેલી ને જડભાવી જરૂરોથી સુદૂરમાં
નિજ ઈચ્છાતણી અંધ બાહ્યતાથી મુક્ત એ શમતું તદા
શાંત ભાવે સર્વ કેરી ખોજે લાગેલ ચિત્તને
લાગ્યું કે ધરિત્રીના મૂક ને ધીર પ્રેમનો
આશ્લેષ થાકતો ન 'તો,
ને એ આપણને દેહ દેનારી મા
છે ચૈત્યાત્માતણી સત્તા એવું ભાન થતું હતું.
આ જીવ ઠોકરો ખાતો ક્ષેત્રોમાં ઇન્દ્રિયોતણાં,
આ પ્રાણી દિવસો કેરે ખલે કૂટો બની જતો,
પૃથ્વીમાતામહીં એહ
છુટકારાતણા મોટા વિસ્તારો મેળવી શકે.
હજુ ના દુનિયા આખી ચિંતા કેરો વસવાટ બની હતી.
પ્રદેશો રૂક્ષ એના ને ઊંડાણો લીન ચિંતને,
અવૈયકિતક વિસ્તારો અટૂલા પ્રેરણાભર્યા,
ને પ્રહર્ષણના અડ્ડા એના કૈં પ્રૌઢતા ભર્યા
હજી યે આપણે માટે આપણી મા હ્રદયે નિજ રાખતી.
પ્રતીકાત્મક ગુહ્યોને પોષ્યાં એણે ઓઠે ધારી સરસ્વતી,
વિશુદ્ધ દૃષ્ટિના એના સંસ્કાર્થે એ રક્ષી રાખતી હતી
સંમુદાના સ્તનો વચ્ચે કંદરાળી ઉપત્યકા,
ઉષાના અગ્નિઓ માટે વેદિઓ ગિરિઓતણી,
સમુદ્ર પોઢતો 'તો જ્યાં પુલિનો તે વિવાહોચિત વાલુના,
ને સમાગાન કૈં પ્રૌઢ એના ઈશશબ્દવાહી વનોતણું.
એની પાસે હતાં ક્ષેત્રો ઐકાંતિક વિનોદનાં,
આશ્લેષે જ્યોતિના મોદ માણનારાં મેદાનો ચૂપકી ભર્યાં,
પક્ષીઓના પુકારો ને પુષ્પોના રંગ સાથમાં,
વિસ્મયે વ્યાપ્ત વેરાનો ચંદ્રોની ચંદ્રિકાભર્યાં,
સંધ્યાકળો દૃષ્ટિવંતા ભૂખરા ને તારાઓ પ્રકટાવતા,
આનંત્યમાંહ્ય રાત્રીના હિલચાલ અંધકારમહીં થતી.
સુભવ્યા નિજ કર્તાની આંખે ઉલ્લાસ પામતી,
એનું સામીપ્ય સાવિત્રી લહેતી'તી ધરા-ઉરે,
પડદા પૂઠની જ્યોતિ સાથે સંલપતી હજી,
પારની શાશ્વતી સાથે હજી એનું અનુસંધાન ચાલતું.
થોડાક અધિકારી જે નિવાસીઓ તેમને તે નિમંત્રતી
નિજ શાંતિતણા સૌખ્યપૂર્ણ સંપર્કની મહીં
ભાગીદાર બની જવા;
બૃહત્તા ને તુંગતામાં વસતા 'તા તેઓ સહજ ભાવથી.
કર્તવ્ય-કર્મ પોતાનાં કરી પૂર્ણ
અને મુક્ત થઈ યુદ્ધ-પ્રયાસથી
આ વનોમાં થતા એના ગભીર અધિવેશને
વીર્યવંતા રાજર્ષિ આવતા હતા;
થતો સમાપ્ત સંઘર્ષ, સામે આરામ ત્યાં હતો.
સુખી તે ત્યાં રહેતા 'તા પશુ-પક્ષી-પુષ્પના સહવાસમાં,
સૂર્યપ્રકાશની સાથે, પર્ણો કેરા મર્મરાટતણી મહીં,
રાતે રઝળતા વન્ય વાયુઓના સુણતા સુસવાટ એ,
ને તારાઓતણાં મૂક અને અટલ મંડલો
સાથે ધ્યાનભાવમાં ઊતરી જતા,
નીલ તંબૂમહીં તેમ પ્રભાતોમાં નિવાસ કરતા હતા,
મહિમા સાથ મધ્યાહનોતણા એક બની જતા.
વધુ ઊંડે કેટલાક ડૂબકી મારતા હતા,
આત્મા કેરી અનાક્રાન્ત તારા જેવી શુભ્ર એકાંતતાતણી
પાવકીય ગુહામહીં
બાહ્ય જીવનની બાથમાંથી બોલાવતા સંકેતથી હતા,
ને રહેતા હતા તેઓ ડેરા નાખી
નિત્યજીવી પરમાનંદ સાથમાં;
મહામુદા અને મૌન કેરી નીરવતામહીં
સુણતા એ હતા ગહન શબ્દને,
અને જોતા હતા જ્યોતિ, આવિષ્કાર કરતી જે સમસ્તનો.
જીતી લીધા હતા ભેદ એમણે કાળના રચ્યા;
હતું જગ ગ્રથાયેલું એમના ઉર-તંતુથી;
મારે છે ધબકારા જે પ્રત્યેક હૃદયે રહી
તેની સાથે ગાઢ ગાઢ સજાયલા,
તેઓ સર્વમહીં છે જે એક આત્મા
તેને નિઃસીમ છે એવા પ્રેમ દ્વારા પહોંચતા.
એકતાર બની મૌન સાથે ને વિશ્વ-છંદ શું
બંદી બનાવતા ચિત્તતણી ગાંઠ કરી શિથિલ એમણે;
વિશાળી ને અવિક્ષુબ્ધ સાક્ષિદૃષ્ટિ થઈ 'તી સિદ્ધ એમને,
સીલમાંથી હતી છૂટી આત્મા કેરી મોટી આંખ નિસર્ગની;
આરોહ એમનો હાવે નિત્ય કેરો
તુંગોની તુંગતા પ્રત્યે ઊંચે આરોહતો હતો :
ઝૂકીને આવતું સત્ય તેઓ પાસે નિજ ઊધ્વેર્ધ્વિ ધામથી;
શાશ્વતીના ગૂઢ સૂર્યો તપતા'તા તેમનાં મસ્તકો પરે.
અનામી એ તપસ્વીઓ માટે નિકેતનો ન 'તાં,
વાણી, ગતિ અને ઈચ્છા દીધી 'તી એમણે તજી,
એકાકી એ હતા બેઠા અંતર્લીન બની જઈ,
પ્રકાશપૂર્ણ નિઃશબ્દ ધ્યાનનાં શિખરો પરે
આત્માનાં શાંતિએ પૂર્ણ સાનુઓએ નિષ્કલંક વિરાજતા,
કરી જગતનો ત્યાગ જટાધારી મુનિઓ આસપાસમાં
વૈરાગ્યવાન ને મોટા પહાડો શા વૃન્દ વૃન્દ વસ્યા હતા,
કો વિરાટ મનોભાવથકી જન્મ પામેલાં ચિંતનો સમા
અંત પામી જવા માટે વાટ જોતા આજ્ઞા કેરી અનંતની.
વૈશ્વ સંકલ્પની સાથે તાલમેળે દ્રષ્ટાઓ વસનાર એ
પૃથ્વીનાં રૂપકો પૂઠે રહી જે સ્મિત સારતો
તેમાં સંતોષ માનતા,
આગ્રહી દિવસો દુઃખ એમને આપતા નહીં.
ગિરિને ફરતાં લીલાં વૃક્ષો જેમ એમની ફરતે હતા
શિષ્યો તરુણ ગંભીર ગુરુ-સ્પર્શે ઘડાયલા,
રહેણીકરણી સાદી ને સભાન
વાણીનું તે હતા પામ્યા સુશિક્ષણ,
પોતાની ઉચ્ચતાઓને ભેટવા એ વૃદ્ધિમંત થતા હતા.
પથે શાશ્વતના દૂર દૂર ભ્રમંત સાધકો
નિજાત્માની તૃષા લઈ
આ પ્રશાંત સ્રોતોની પાસ આવતા,
ને કરી સ્નાન પાવિત્ર્યે મૃદુ દૃષ્ટિતણા તહીં
એક મૌન ઘડી કેરો ખજાનો ખર્ચતા હતા,
ને નિરાગ્રહ એ દૃષ્ટિ નિજ શાંતિ દ્વારા શાસ્તિ ચલાવતી
મેળવી આપતી માર્ગ શાંતિ કેરો પોતાના સત્પ્રભાવથી.
ભુવનોનાં રાજ્યતંત્રો કેરાં બાળ,
ભવિષ્યત્કાળના વીર નેતાઓ રાજપુત્રો, તે
એ વિશાળા વાતાવરણની મહીં
વ્યોમ ને સૂર્યમાં ક્રીડા કરતા સિંહના સમા
પામતા 'તા અર્ધભાન સાથે મુદ્રા પોતાની દેવના સમી :
જે ઉચ્ચ ચિંતનો કેરાં ગાન તે કરતા હતા
એ આદર્શ-અનુસાર ઘડાયલા,
સંગી આપણને જેહ બનાવે છે વિશ્વની પ્રેરણાતણા
તે મનોભાવની વ્યાપ્ત ભવ્યતાનું તેઓ શિક્ષણ પામતા,
ક્ષુદ્ર નિજ સ્વરૂપોમાં એ જરાયે શૃંખલાબદ્ધ ના થતા,
શાશ્વત હસ્તે હેઠે મૃદુ ને દૃઢતાભર્યા,
સાહસી ને સ્નિગ્ધ બાથે ભેટતા એ નિસર્ગને,
ને એનાં કાર્યને ઘાટ આપનારી
એના અંતરમાં છે તે શક્તિની સેવ સાધતા.
એકાત્મ સર્વની સાથે અને મુક્ત સંકોચનાર બંધથી,
સૂર્ય-ઉષ્મા ભર્યા એક મહાખંડ સમા બૃહત્ ,
વિશાળી સમતા કેરા પક્ષપાત વિનાના હર્ષની મહીં,
પ્રભુનો વસ્તુઓમાં છે જે આનંદ
તે માટે આ મુનિઓ જીવતા હતા.
સહાય કરતા ધીરા દેવો કેરા પ્રવેશને,
પોતાના જીવને જીવંત જે હતા
તે અમર્ત્ય વિચારોનાં બીજ બોતા કુમારાં માનસોમહીં,
જે મહાસત્યની પ્રત્યે માનવોની જાતે આરોહાવું રહ્યું
તેનું શિક્ષણ આપતા,
કે થોડાક જનો માટે મોક્ષનાં દ્વારો ખોલતાં,
મથતા આપણા વિશ્વલોકને જ્યોતિ આપતા,
આત્માઓ શ્વસતા 'તા એ
કાળની જડતાપૂર્ણ ધુરાથી મુક્તિ મેળવી.
વિશ્વ-શક્તિતણા સાથી ને સત્પાત્ર બનેલ એ
સૂર્ય માફક લેતા 'તા વપરાશે સ્વાભાવિક પ્રભુત્વને :
એમનાં વાક્ય ને મૌન હતાં સાહ્ય સમસ્તની.
એમના સ્પર્શથી એક ચમત્કારી સુખનો સ્રોત્ર ફૂટતો;
એ વન્ય શાંતિમાં રાજ્ય ઐક્યનું ચાલતું હતું,
શિકાર સાથ મૈત્રી ત્યાં શિકારી પશુ રાખતાં,
દ્વેષ-સંઘર્ષને બંધ પડવા સમજાવતો
પ્રેમ પ્રવાહતો 'તો ત્યાં ઉરથી એક માતના,
તેમનાં હૃદયો દ્વારા હતો ઘાવ રુઝાવતો
ઘવાયેલી કઠોર જગતીતણો.
બીજાઓ છટકી જાતા હદોમાંથી વિચારની,
જ્યોતિના જન્મની વાટ જોતું પોઢે મન જ્યાં ચેષ્ટાનો તજી,
ને અનામી કોક એક શક્તિએ એ પ્રકંપતા
પાછા ત્યાંથી ફરીને આવતા હતા
વિધુ ત્ ની વારુણી પીને મદમસ્ત અણુએ અણુએ બની;
વાણીના રૂપમાં કૂદી આવતું 'તું
અંતર્જ્ઞાન સહજ-સ્ફુરણાતણું,
સ્વર્ગોનાં વસનોરૂપ સ્વર સૂક્ષ્મ તેઓ સાંભળતા હતા,
સૂર્યોને સળગાવ્યા છે જેણે તેહ દીપ્તિને લાવતા વહી,
અનંતતાતણાં નામો અને અમર શક્તિઓ
કેરાં તેઓ ઋગ્-ગાન કરતા હતા,
છંદોમાં જે ગતિમંતાં જગતોનું પ્રતિબિંબન પાડતા,
દૃષ્ટિના જે હતા શબ્દતરંગો પ્રસ્ફુટી ઉપર આવતા
આત્માકેરાં મહાન ગહનોથકી.
અવ્યક્ત શક્તિનો એક ગતિહીન મહાસાગર સેવતા
કેટલાક રહ્યાં ન 'તા
વ્યક્તિ માટે અને પટ્ટી માટે એના વિચારની,
બેઠા 'તા એ મહોજસ્વી દૃષ્ટિ મધ્યે ભરી જ્યોતિ અનંતની,
કે સનાતન સંકલ્પ કેરા સહચરો બની
યોજના અવલોકંતા ભૂત-ભવિષ્ય કાળની.
વિહંગ સમ ઊડીને કેટલાક સંસાર સિન્ધુમાંહ્યથી
જ્યોતિર્મય નિરાકાર બ્રહ્ય રૂપ વિરાટમાં
વિલોપિત થઇ જતા :
કેટલાક નિરીક્ષંતા ચૂપચાપ સચરાચર-નૃત્યને,
કે ઉદાસીનતા ધારી વિશ્વ પ્રત્યે
તેના દ્વારા વિશ્વને સાહ્ય આપતા.
જ્યાંથી ના જીવ કો પાછો ફરતો તે સમાધિમાં
કેટલાકો લયલીન બની જઈ,
એકાંત આત્મની સાથે એકાકાર ન કશું અવલોકતા,
બંધ હંમેશને માટે રાખી ગૂઢ માર્ગ સૌ જગતે જતા,
જન્મ ને વ્યક્તિતતા કેરી ફગાવી દઈ શૃંખલા
એ વિમુક્ત બની જતા :
કેટલાક અનિર્વાચ્યે પ્હોંચતા 'તા સાથી વગર એકલા.
રવિનું રશ્મિ જે રીતે છાયાવાળા સ્થાનમાં સરતું જતું
તેમ કોતરણીવાળા રથે બેસી કાંત કાંચન કન્યકા
ધામોમાં ધ્યાનનાં આવી પહોંચી ત્યાં પ્રસર્પતી.
ઘણી યે વાર એ સાંજે પાછાં આવી રહેલાં ધણમાં થઇ,
એમની ઊડતી ધૂળે જયારે થાય છાયાઓ સાન્દ્રતા ભરી
અને કોલાહલે પૂર્ણ દિન ડૂબે નીચે ક્ષિતિજ ધારની
ત્યારે શાંત તપસ્વીના કોઈ એક કુંજે આવી પહોંચતી
વિશ્રામ આશ્રમે લેતી સાવિત્રી, ને એના ધીર
ધ્યાને સભર ભાવને
ને પ્રભાવી પ્રાર્થનાની ભાવનાને ઓછાડ સમ ઓઢતી.
યા તો કો કેસરી પેઠે નિજ યાળ ઉછાળતી
સરિતાની સમીપમાં
ને પૂજા કરતાં વૃક્ષો પાસે એના પ્રાર્થના કરતા તટે
ગુંબજાળી અને દેવસ્થાન જેવી હવાનો શાંત વિશ્રમ
આમંત્રતો હતો એનાં ત્વરતાં રથચક્રને
સ્વવેગ અટકાવવા.
મૌન સ્મરંત પ્રાચીન
મન જાણે હોય એવા પવિત્ર અવકાશમાં
સ્વરો અતીતના મોટા કરી સાદ રહ્યા 'તા ઉરને જહીં,
અને ચિંતન સેવંતા દ્રષ્ટાઓની મુક્તિ કેરી વિશાળતા
ઋજુ પ્રભાત કે ચંદ્રે ચકાસંતા અંધારે જાગતી રહી
સંસ્કાર એમના આત્મચરિતોનો મૂકી દીર્ધ ગઈ હતી,
ત્યાં શાંતિ-સ્પર્શની પ્રત્યે વળી વૃત્તિ જવાલાની દુહિતાતણી,
પ્રશાંત પોપચાં વચ્ચે થઇ એણે
કર્યું પાન ચૂપકીથી ભરેલી ભવ્યતાતણું
અને શાશ્વતકાલીના શાંતિ સાથે લહી એણે સગોત્રતા.
પરંતુ ફાટતો પો ને એને એની ખોજની યાદ આપતો,
ગામઠી ભોંયની શય્યા કે ચટાઈ છોડી એ ઊઠતી હતી
ને અધૂરો લઇ માર્ગ પ્રેરિતા એ પાછી આગળ ચાલતી,
ને મૌન દેવતાઓને પૂછીને પ્રશ્ન તે પછી
જવલંત પારપારે કો તારા જેમ થતી પસાર કામના
સમી અનુસરી જાતિ ભાગ્યકક્ષા પોતાની જિંદગીતણી.
ત્યાંથી આવી એ વિશાળા એકાન્ત વિસ્તરોમહીં
જ્યાં થઇને જનો જાતા જનતાની વસતીઓતણી પ્રતિ,
યા રહેવા કરતા 'તા પ્રયાસો ત્યાં
એકલા જ વિરાટે પ્રકૃતિતણા,
અને સહાયને માટે ન દેખાતી
જીવમાન શક્તિઓને પુકારતા.
હતું ના એમને ભાન નિજ નિઃસીમતાતણું,
પરાભૂત થતા 'તા એ નિજ વિશ્વતણી નિઃસીમતાથકી.
ગુણાકારે રહી પૃથ્વી બદલી સ્વમુખચ્છબી,
દૂરનો ને નનામો કો સ્વર એને આપતો 'તો નિમંત્રણો.
પર્વતો તાપસો જેમ વિજને વાસ સેવતા,
વનો સહસ્રશ: ગાતાં સ્તવનો મર્મરસ્વરે
હતાં બનાવતાં એને દ્વારો છદ્મવેશિની દિવ્યતાતણાં.
પડેલા સુસ્ત વિસ્તારો, મેદાનો સ્વપ્ન સેવતાં,
ડૂબી જાતા વ્યોમની મોહની તળે
મૃત્યુશય્યા પ્રભાહીન અને મંત્રમુગ્ધ સંધ્યાસમાતણી,
તેની પર યુગાંતે ના હોય તેમ સૂતી એ શાંત ભાવથી,
યા અડોઅડ ઊભેલું દલ ઉત્સુક પ્હાડનું,
ઢૂંઢ ઊંચકી માથું બખોલ સમ વ્યોમને,
એ વટાવી જતી હતી,
યા વિચિત્ર અને રિક્ ત પ્રદેશે એ કરતી 'તી મુસાફરી
જ્યાં નિરાલે નભે સૂનાં શૃંગોની શિબિરો હતી,
ચંદ્રમા પ્લવતો તેની નીચે મૂંગા ઊભાં 'તાં ચોકિયાત જે,
યા અડાબીડ એકાકી અરણ્યે અટતી હતી
ધ્વનતું 'તું હેમેશાં જે તમરાંના અવાજથી,
યા લાંબા ચમકીલા કો માર્ગે સાપોલિયા સમા
નિશ્ચલ જ્યોતિની ગોદે ભરાયલાં
ખેતરો ને ગોચારોને પસાર કરતી જતી,
યા હળે નવ ખેડાઈ યા તો ટોળે ચરાઈ ના
એવી કોક મરુસ્થલી
કરતી પ્રાપ્ત સાવિત્રી, જ્યાં સૌન્દર્ય હતું સાવ જ જંગલી,
ને તૃષાતુર ને નંગી રેતી ઉપર તે સ્થલે
પોઢતી નીંદરે હતી,
હિંસ્ર કો પશુના જેવી રાત્રિ કેરી
આસપાસ હતી આવેદના જ જ્યાં.
હજી યે સિદ્ધિએ પ્હોંચી ન 'તી શોધ ભાગ્યનિર્ણય આપતી;
જેને માટે મનુષ્યોની સંતતિમાં શોધ એ કરતી હતી
તે પ્હેલેથી જ નિર્માયું મુખ એને હજી યે ન મળ્યું હતું.
ભવ્ય નીરવતા એક હતી છાઈ રાજા શા દિનની પરે.
માસોએ સૂર્યનો પોષ્યો હતો આવેશ ભાવનો,
ને એના જળતા શ્વાસે ધરાને અવ આક્રમી.
શાર્દૂલો તાપના લાગ્યા મૂર્છા ખાતી ધરતી પર ઘૂમવા;
લોલાતી જીભનો સર્વ અવલેહ બની ગયું.
વસંતવાયુઓ લુપ્ત થયા; વ્યોમ ઢળાયું કાંસ્યના સમું.
ચોથું પર્વ સમાપ્ત
સાવિત્રી
પર્વ ૫
પ્રેમનું પર્વ
નિર્મિતિ મિલનસ્થાન
ખોજમાં નીકળેલી સાવિત્રીનો રથ તપોવનોના પ્રદેશમાં થઈને આગળ જતો હતો. પણ હવે નિર્મિત થયેલું સ્થાન અને નક્કી થયેલી ઘડી પાસે હતાં. અજાણતાં એ પોતાના અનામી લક્ષ્યની નજીક આવી પહોંચી હતી, વિધિ સર્વજ્ઞ છે અને એનું કામ આંધળા છળવેશો પાછળ ચાલતું હોવા છતાં એ એવું અચૂક હોય છે કે આ વિશ્વલીલામાં કશું જ પોતાના નક્કી થયેલા સમય પહેલાં કે નક્કી થયેલા સ્થાનના આવ્યા વગર બનતું નથી.
સાવિત્રી હવે એક એવે સ્થાને આવી પહોંચી કે જ્યાંથી હવા મૃદુ અને મંજુલ હતી; ત્યાં હતો તારુણ્યનો ને હર્ષનો નિર્મળ નિલય; વસંત અને ગ્રીષ્મ ત્યાં હાથ શું હાથ મિલાવીને હસતા હસતા એદીને વાદે ચઢયા હતા કે કોણે હવે અમલ ચલાવવો ?
આશાએ ત્યાં ઓચિંતી પાંખો ફફડાવી. પૃથ્વીના તલમાંથી જાણે એક આત્માએ બહાર ડોકિયું કર્યું, સામાન્ય સુખો અને સ્વપ્નો વીસરાયાં, કાળના અને આત્માના ભાગ્યનું અનુવર્તન કરતું સર્વ આગામી રૂપાંતર અનુભવવા લાગ્યું અને શાશ્વતીની આંખની નીચે નિવસનાર શાન્ત અને શુદ્ધ સૌન્દર્યની પ્રત્યે ઊર્ધ્વે ઉદ્ધારાયું.
પર્વતોનાં ઉત્તુંગ મસ્તકો ત્યાં આકાશ ઉપર આક્રમણ કરતાં હતાં, ને એમના શિલામય પાયે પૃથ્વી પ્રણિપાતપૂર્વક ઢળેલી હતી. નીચવાસમાં હતાં લીલમ જેવાં લીલાં વનો ને કાંતિમતી કિનારીઓ ને મોતીની સેર જેવાં લસલસતાં ઝરણાંઓ, સુખી પાંદડાંમાં ભૂલો પડેલો મર્મરાટ, શીળી અને સુગંધિત વાયુલહરીઓની ફૂલોની ફોરમોમાં થઇ ઠોકરાતી હિલચાલ, એક પગે ઊભેલો બગલો, વૃક્ષોને રત્ન-રળિયામણા બનાવી દેતા મયૂર અને કીર, ભરી દેતો હોલાઓનો કલ કોમલ કૂજનવર, અને રૂપલ પલ્વલોમાં આગિયા જેવી પાંખોવાળા કલહંસો. પોતાના
પ્રિયતમ દેવલોકની દૃષ્ટિની નીચે ઉઘાડે અંગે પૃથ્વી એકાકી આરામ લેતી પોઢી હતી. એની મહામુદા મત્ત ભાવે પ્રેમના સંગીતસ્વરો ઉદારતાથી રેલાવ્યે જતી હતી, પુષ્પોનું રંગરંગીન ભાતીગળ સૌન્દર્ય વેડફી નાખતી હતી. સમૃદ્ધ સુગંધે અને રમણીય
રંગોએ ફાગનો રાગ મચાવી મૂકયો હતો.
ગહન વનરાજિઓમાં અનેકાનેક અવાજો ઊઠતા, છાપાની છલંગો મરાતી, ચોરપગલે શિકારો ખેલાતા, અરણ્યના અશ્વની કેશવાળીઓ વીંઝાતી, સોનેરી ને નીલમવર્ણી ઉષ્મા અને આગની ભભકો ભળાતી. પોતાની આનંદમગ્નતામાં જીવનનું જોમ ત્યાં જુવાળે ચઢતું, કુદરતના છૂપાઆવાસોમાં અંતર્લીન થઇ જતું. આ સૌની પાછળ આદિકાળની મહાશાંતિ ધ્યાનલીન વિરાજતી હતી. કુદરતને કૃત્રિમ બનાવતો માણસ હજી સુધી ત્યાં ગડબડ મચાવવા ઘૂસ્યો ન હતો. પ્રકૃતિમાતા ત્યાં સુખારામ સેવતી સૂઈ રહી હતી. વિશ્વવ્યાપી આમોદપ્રમોદની અભીપ્સા સર્વત્ર સેવાઈ રહી હતી, વૃક્ષોની સાથ વેલો લીલીછમ ફાલીફૂલી રહી હતી અને વનનાં સત્ત્વો દુઃખના વિચાર માટે નવરાં પડતાં ન હતાં.
વનને અંતે એક જંગી ને પ્રચંડ પ્રદેશ આવેલો હતો. ત્યાં હતા જટાજૂટ ધારી પ્રશ્નો પૂછતા પહાડો. આત્માના તપોમય ત્યાગના જેવાં રિક્ત હતાં એમનાં શિખરો. સર્વશક્તિમાનના નૃત્યના મુદામગ્ન સ્મિતની પાછળના વિચારો વડે અવગુંઠિત અનંતતાઓ જેવા તેઓ જણાતા હતા. અટવીઓએ અટવાયેલા એ છેક સ્વર્ગ સુધી પહોંચતા હતા. પહાડી ગુહામાંથી નીકળેલા નીલકંઠ જેવા એ પ્રદેશમાં શિવનો શાશ્વત આત્મા પાછળ વિસ્તર્યો વિલોકાતો હતો. ત્યાં જબરજસ્ત મર્મરધ્વનિ શ્રવણોને ઘેરી લેતો. જગતનો ત્યાગ કરીને ચાલ્યા જતા જીવનો શોકઘેર્યો ને સીમા વગરનો સાદ જાણે ત્યાં સંભળાતો.
અકળસ્વરૂપા અંબિકાએ સાવિત્રીના સ્વલ્પ સુખના સમય માટે સ્થાન પસંદ કર્યું હતું. જગતનાં સુખદુઃખમાં અહીં જ એણે પોતાનો ભાગ ભજવવાનો આરંભ કર્યો. અહીંયાં એને ગૂઢ દિવ્યતાના દરબારો જોવા મળ્યા, સૌન્દર્યનાં ને આશ્ચર્ય-મયતાનાં છૂપાં દ્વારો અહીં એની દૃષ્ટિ સમીપ ઊઘડયાં. સોનેરી સદનમાં મર્મરતી પાંખોનાં અહીં એને દર્શન થયાં. માધુર્યનું મંદિર એની આગળ અહીંયાં પ્રકટ થયું.
કાળના શોકગ્રસ્ત માર્ગો ઉપર સાવિત્રીનો આત્મા એક અજાણ્યા મુસાફર જેવો હતો. અમૃતના ધામમાંથી એ આવી હતી ને અહીં એણે મૃત્યુની ને દૈવની દુરંત ઘૂંસરી ધારણ કરી હતી. વિશ્વના સુખદુઃખની વેદિમાં એ એક મહાયજ્ઞનું કાર્ય કરવા આવી હતી.
એ સાવિત્રીને આ અરણ્યના આંગણામાં પ્રેમનો ભેટો થયો.
કિંતુ દૈવે કર્યાં 'તાં જે સ્થળ ને કાળ નિશ્ચિત
તે નજીક હતાં હવે;
અજાણતાં જ આવી એ હતી પાસે નનામા નિજ લક્ષ્યની.
કેમ કે અંધ ને વક્ર
યદ્દચ્છાનો વેશ જોકે પહેરાવેલ હોય છે
સર્વજ્ઞાની ભાગ્યના કરતૂકને,
તે છતાં આપણાં કર્મ
પ્રતિપન્ન કરે કાર્ય એક સર્વજ્ઞ શક્તિનું
જે વસે કરતા બાધ્ય વસ્તુઓના સ્વભાવમાં
ને પોતાના સમા પ્હેલાં ને નક્કી સ્વ-સ્થાનના વિના
વિશ્વલીલામહીં ના સંભવે કશું.
આવી એ એક સ્થાને જ્યાં મૃદુ મંજુ હવા હતી,
આશ્ચર્ય લાગતું 'તું એ જુવાની ને પ્રમોદનો,
ઉચ્ચ પ્રદેશ એ એક હતો મુક્ત અને હરિત હર્ષનો,
જ્યાં વસંત અને ગ્રીષ્મ એક સાથે ઢળ્યા હતા,
અને તંદ્રાલુઓ મીઠો મૈત્રીપૂર્ણ આશ્લેષ આપતા રહી
હસતા હસતા વાદ કરતા 'તા કે કરે કોણ રાજ્ય તે.
વીંઝતી ત્યાં હતી મોટી પાંખો આશા અચિંતવી,
જાણે કે કોઈ આત્માએ ભૂમુખેથી કર્યું ના હોય ડોકિયું
ને એનામાં હતું જે સૌ
તે લહેતું હતું એક આગામી ફેરફારને
ને ભૂલી હર્ષ દેખીતા અને સ્વપ્નો ભૂલી સામાન્ય કોટિનાં
આજ્ઞાધીન થઇ કાલ-સાદને ને આત્માના ભવિતવ્યને
આંખો નીચે શાશ્વતીની રહેતી જે
તે પ્રશાંતા ને પવિત્રા એક સુંદરતા પ્રતિ
ઊર્ધ્વની પામતું ગતિ.
પર્વતોનાં મસ્તકોના મંડળે વ્યોમ આક્ર્મ્યું,
નભની વધુ પાસેનાં શિખરોએ ધસારો સ્પર્ધતો કરી,
નેતા બખ્તરિયા તેઓ બન્યાં બીજી બખ્તરે સજ્જ શ્રેણીનાં;
તેઓ કેરા પાષાણી પાયની તળે.
સાષ્ટાંગપાતમાં પૃથ્વી ઢળી હતી.
લીલમી વનરાજીઓ સ્વપ્નલીન નીચે પોઢી રહી હતી,
હતી કોરો કાંતિમંતી નિદ્રા જેમ અકેલડી :
જલો વિમલ વ્હેતાં 'તાં વિલસંતી મોતીની સેરના સમાં.
સુખિયા પાંદડાં મધ્યે ભૂલો એક ઉચ્છવાસ ભમતો હતો;
શીળી સુગંધથી પૂર્ણ મુદાભારે મંદ પાયતણી પરે
ઓછી ને ઠોકરો ખાતી લહરીઓ સમીરની
ફૂલો મધ્યે હતી લથડતી જતી.
બક ધોળો હતો ઊભો ગતિહીન જીવંત રેખના સમો,
મોર ને શુક ભૂમિને ને વૃક્ષોને રત્નોથી મઢતા હતા,
મૃદુ કૂજન હોલાનું રિદ્ધિમંત કરતું મુગ્ધ વાયુને,
ને રૂપલ તળાવોમાં અગ્નિ-પાંખી તરતા કલહંસડા
પોતા કેરા મહાપ્રેમી સ્વર્ગલોક
સાથે પૃથ્વી હતી પોઢી અકેલડી,
અંગો એનાં હતાં ખુલ્લાં રક્તનીલ પિયુની આંખની તળે.
વિલાસોત્સુક પોતાની આનંદોન્મત્તતામહીં
વેડફી મારતી 'તી એ સ્વ-સ્વરોનું સંગીત સ્નેહથી ભર્યું,
ન્યોછાવર કરી દેતી સ્વપુષ્પોની
ભાવોદ્રેકે ભરી રમ્ય સજાવટો,
સ્વ-સુગંધો અને રંગો રંગરાગે ખરચી નાખતી હતી.
આસપાસ હતો એક પોકાર, એક કૂદકો,
અને એક ત્વરા હતી,
શિકાર કરનારાંઓ એનાં ચોરપગલે ચલાતાં હતાં,--૬૫
માનવાસ્વતણી એની ગાઢ યાળ-જાળ લીલમ-વર્ણની,
એની ઉષ્માતણું સોનું અને નીલમ ઝાળનું
આવ્યાં 'તાં આસપાસમાં.
ઉલ્લાસી, ભોગની ભૂખી, પ્રમાદી, દિવ્યરૂપિણી,
જિંદગી દોડતી 'તી યા છુપાતી 'તી ગૃહોમાંસ્વસુખોતણાં;
સર્વની પૂઠળે ભવ્ય હતી શાંતિ નિસર્ગની
મગ્ન ચિંતનની મહીં.
આદિ શાંતિ હતી ત્યાં ને એના વક્ષમહીં હતા
ધરાયેલા અવિક્ષુબ્ધ ઝગડાઓ પશુપક્ષી સમસ્તના.
ન 'તો કૃત્રિમતાયુક્ત શિલ્પી આવ્યો મનુષ્ય ત્યાં
સુખી અભાન ચીજોને લેવાને નિજ હસ્તમાં,
હતી વિચાર ના, ન્હોતો માપ લેતો
કડી આંખે દેખનારો પરિશ્રમ,
જિંદગી હજુ શીખી ના હતી મેળ મોડવાનું સ્વ-લક્ષ્ય શું.
મહામાતા હતી પોઢી લાંબી-પ્હોળી ફેલાઈને વિરામમાં.
પ્હેલી પુરાયલી એની યોજનાને અનુરૂપ બધું હતું :
પ્રેરાયેલાં વિશ્વવ્યાપી આનંદાર્થક કામથી
નિજ લીલે સુખે પૂર્ણ હતી વૃક્ષો પ્રફુલ્લતાં,
ને એના વન્ય સંતાનો પીડા કેરે વિચારે મગ્ન ના થતાં.
અંત-ભાગે હતો એક ભૂવિભાગ વિરામમાં
ઢળેલો ભીમકાયાળો, કઠોરાકાર ને કડો,
ઊંડાણો ત્યાં હતાં એકબીજા શું અટવાયલાં,
ને પ્રશ્ન પૂછતા પ્હાડો હતા પુણ્યપવિત્ર ત્યાં,
ને હતાં શિખરો આત્મતપસ્યા શાં અકિંચના,
હતાં કવચધારી ને દૂર દૂર વિજને ભવ્ય લાગતાં,
સર્વસમર્થના મોદે નિમગ્ન સ્મિત પૂઠળે
વિચારાચ્છન્ન આવ્યાં જે આનંત્યો તેમના સમાં.
ચઢાઈ કરતું વ્યોમે
ઝાડીરૂપ જટાજૂટ ધારતું શિર અદ્રિનું,
જાણે કે શૈલ કિલ્લાથી નિજ શૈલ ગુહાતણા
કો નીલકંઠ સંન્યાસી અલ્પજીવી આનંદ દિવસોતણો
ત્યાંથી જોતો હોય ના દૃષ્ટિ ઠેરવી;
ને વિરાટે વ્યાપ્ત એનો આત્મા હોય આસીન પૃષ્ટભોમમાં.
એકાંતશ્રય કૈં મોટો, તેનો મોટો મર્મરધ્વનિ ઘેરતો
હતો શ્રવણને, ત્યાગ કરી જગતનો જતા
આત્માના શોકથી ગ્રસ્ત સાદ શો હદ પારના.
અસ્પષ્ટરૂપ માતાએ સાવિત્રીની ટૂંકી સુખભરી ઘડી
માટે સ્થાન આ પસંદ કર્યું હતું;
દુનિયાથી દૂર એવા આ એકાંતતણી મહીં
વિશ્વના હર્ષ-સંઘર્ષમહીં એણે નિજ ભાગ શરૂ કર્યો.
ગૂઢ રાજસભાઓ હ્યાં થઈ ખુલ્લી સાવિત્રીની સમીપમાં,
ગુપ્ત દ્વારો થયાં ખુલ્લાં અહીં સૌન્દર્યનાં અને
આશ્ચર્યમયતાતણાં,
પાંખો મર્મરતી સ્વર્ણસદને તે પામી પ્રકટરૂપતા,
મંદિર માધુરીનું ને પાવાકી પથ ઊઘડયા.
અજાણ્યો એક માર્ગોએ શોકે સભર કાળના,
અમરાત્મા મૃત્યુની ને ભાગ્યની ઝૂંસરી તળે,
વિશ્વોની સંમુદાનો ને દુઃખનો યજમાન જે
તે પ્રેમનો થયો ભેટો સાવિત્રીને આરણ્યમાં.
સત્યવાન
વિધિનિર્મિત ઘડી ને વિધિનિર્મિત સ્થાન હવે આવ્યું. ભાગ્યનિર્માણના આ દિવસે સાવિત્રીને બધું યાદ આવ્યું. ગહન ઊંડાણોમાં જવાને બદલે મનુષ્યોના નિવાસો તરફ વળતો માર્ગ, જબરજસ્ત એકસ્વરતાએ ભર્યું અરણ્ય, દીપિત દ્રષ્ટાના જેવું ઉપર ઊઘડેલું પ્રભાત, વ્યોમમાં વિલીનતા પામેલાં શિખરોની ભાવોત્કટતા, અંત વગરનાં વનોનો અપાર મર્મરધ્વનિ, આ સર્વ સાવિત્રીની સ્મૃતિમાં સ્ફૂર્યું.
ત્યાં એક અજાણ્યા જગતની કિનારીએ આનંદધામમાં પ્રવેશ કરાવતા ઝાંપા જેવું આશ્ચર્ય આપે એવું સ્થાન આવ્યું. એની નીરવતામાં ચમત્કારી સૂચનો ભર્યાં હતાં, સૂર્યપ્રકાશ એની ઉપર પથરાયેલો હતો. વનદેવતાઓની આંખો જેવાં ફૂલ ત્યાંથી ડોકિયાં કરતાં દેખાતાં હતાં, શાખાઓ કિરણોના કાનમાં કંઈક ગુપચુપ કહેતી હોય એવું લાગતું હતું, સુખના ઉચ્છવાસ સમી સમીરલહરીઓ સૂતેલાં તૃણ ઉપર થઈને સંચરતી હતી, સંતાઈ રહેલાં વનવિહંગોના પરસ્પર થતા સાદ આનંદ આપતા હતા. એ સુંદર અને નિશ્ચિંત નિલયમાં પૃથ્વીમાતા આત્માને શક્તિનાં ને શાંતિનાં ગાનગુંજન સંભળાવી રહી હતી.
એ નિર્જન જેવા દેખાતા પ્રદેશમાં મનુષ્યનો વસવાટ છે એવું સૂચવતી એકમાત્ર પગદંડી તીરની માફક વનની ગહનતા વીંધીને જતી હતી. ત્યાંના એકાંતના અસીમ સ્વપ્નને એણે આક્રાંત કર્યું હતું.
જે એકને માટે સાવિત્રીનું હૃદય આટલે દૂર આવ્યું હતું તે એકનો એને આ સ્થાને પ્રથમ ભેટો થયો. વનની મનોહર કિનાર પર લીલેરી ને સોનેરી શોભા વચ્ચે એણે દર્શન દીધાં. એ અદભુત પુરુષ જ્યોતિના જીવંત શસ્ત્ર સમો કે પ્રભુના સીધા ઉઠાવાયેલા ભાલા જેવો લાગતો હતો. પ્રભાતને જાણે એ દોરી રહ્યો હોય એવું
દેખાતું હતું. શાંત ને સુવિશાળ સ્વર્ગના જેવું ઉદાત્ત અને અવદાત એનું ભાલ પ્રજ્ઞાના પટ સમાન શોભતું હતું, સ્વભાવની સ્વતંત્રતાનું સૌન્દર્ય એનાં અંગોના વળાંકોમાં ઓજથી ઓપતું હતું, એના નિખાલસ મુખ પર જીવનનો આનંદ ઉલ્લસતો હતો, એની દૃષ્ટિ દેવોના પરોઢિયા જેવી હતી, એનું મસ્તક એક તરુણ ઋષિનું ને શરીરસૌષ્ઠવ હતું પ્રેમીનું ને રાજવીનું. કાનનની કિનારને એની કાંતિ કમનીય બનાવી રહી હતી. વિરોધી વિધિએ એને રાજપાટનું નાટક છોડાવી અહીં આણ્યો હતો, અને કુદરતના કુંજોમાં જગજૂની માને ખોળે મૂકયો હતો. અહીં પ્રકૃતિનો પાલિત પુત્ર બનેલો એ માનાં એકાંતોનો, મનોહર દૃશ્યોનો અને એની ગૂઢ વિદ્યાઓનો જ્ઞાતા બની ગયો હતો. માનો મહાપ્રભાવ એના જીવનમાં જીવંત બની ગયો હતો, વનવાસી પશુપંખી, પાદપો અને પુષ્પોની સાથે એના આત્માનો પણ સ્વાભાવિક વિકાસ થઇ રહ્યો હતો, સર્વમાં રહેલા એકાત્મા સાથે એણે એકતા સહજભાવે સાધી હતી, અખિલની આધ માતાનો આત્મલય એનાં કર્મોનો લયપ્રવાહ બની ગયો હતો.
દૈવના તે દિવસે પ્રારબ્ધે એનાં પગલાંને એ દિશાએ વાળ્યાં હતાં ને બરોબર એ સ્થળે આણ્યાં હતાં. બીજી બાજુ સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી હતી અને કુદરતની શોભાનું નિરીક્ષણ કરતી હતી. વૃક્ષો, વેલો અને પુષ્પો પર એની દૃષ્ટિ રમતી હતી, પહાડોનું ને આકાશનું અવલોકન કરતી હતી, ત્યાંના સુંદર ને સંવાદી દૃશ્યોના દર્શનમાં વ્યાપૃત બની હતી. ત્યાં અચાનક એની આંખ સત્યવાન જ્યાં ઊભો હતો તે દિશા તરફ વળી. પ્રથમ તો આ પુરુષોત્તમની પ્રતિ એનું ધ્યાન ખાસ ન ખેંચાયું ને તટસ્થતાપૂર્વક એ બીજે કયાંક વળી ગયું હોત ને આમ કદાચ દૈવનો દીધો અનેરો અવસર એ ચૂકી પણ ગઈ હોત; પણ ભાગ્યદેવતાએ વેળાસર એના સચેત આત્માને સ્પર્શ્યો. સત્યવાન ઉપર એની દૃષ્ટિ હવે સ્થિર થઇ અને બધું જ બદલાઈ ગયું.
આદર્શનાં સ્વપ્નાંઓમાં સરતા સાવિત્રીના મને પ્રથમ તો એને સ્થાનના દેવતા રૂપે કલ્પ્યો; નાજુક હવામાં આલેખાયેલો એ જાણે જીવનનો રાજા છે એવું એને લાગ્યું, પરંતુ આ તો માત્ર એક ક્ષણનું દિવાસ્વપ્ન જ હતું. કેમ કે ઓચિંતાની એના હૃદયે ભાવની ઉત્કટતાભરી દૃષ્ટિ એની ઉપર કરી અને પોતાના નિકટમાં નિકટ તાર કરતાંય વધારે નિકટ સ્વરૂપે એને ઓળખી લીધો. એનાં ઊંડાણોમાં એક નિગૂઢ ખળભળાટ જાગી ઊઠયો. સાવિત્રીની ઉપર સુવર્ણસુંદર દેવતાઓએ આક્રમણ કર્યું અને એના આત્માએ એને માટે એકેએક બારણું ઉઘાડી દીધું.
સાવિત્રીનો દોડતો જતો રથ થંભી ગયો અને સત્યવાને પોતાના આત્માનાં દ્વારોમાં થઇ બહાર દૃષ્ટિ કરી, અને એણે સાવિત્રીના સ્વરની મોહિની અનુભવી, એક ચમત્કારથી પૂર્ણ પૂર્ણ સૌન્દર્યનું સુવદન અવલોક્યું ને સમુદ્ર જેમ ચંદ્ર પ્રતિ વળે છે તેમ પોતે તેની તરફ વળ્યો. વસ્તુઓમાં એક નવીન દિવ્યતા દૃષ્ટિગોચર થઈ,
આરાધ્ય બની ગઈ, અને એનું આખું જીવન એક અન્ય જીવનની અંદર પ્રવેશ પામી ગયું. આશ્ચર્યભાવ ભર્યો એ ઘાસ ઉપર થઈને સાવિત્રીની સમીપમાં આવ્યો ને મીટ શું મીટનાં આલિંગન થયાં.
સાવિત્રીએ પણ સામે ઉદાત્ત ને અભિજાત ગૌરવપૂર્ણ પ્રશાંત મુખમુદ્રા નિહાળી અને એની આંતર દૃષ્ટિને યાદ આવ્યું કે આ તો તે જ મસ્તક છે કે જેણે એના ભૂતકાળનો તાજ પહેર્યો હતો, એના આત્મા ઉપર જેનો દિવ્ય દાવો છે એવો સત્તત્વનો સાથી અને સર્વાધિકારી સ્વામી. સત્યવાનેય સાવિત્રીમાં પોતાનાં ક્લ્પોનાં સ્વપ્નને મૂર્ત્તિમંત થયેલાં દીઠાં, પરમાનંદની રહસ્યમયતા એને માટે સ્થૂલ રૂપે પ્રકટ થયેલી જોઈ. સાવિત્રીએ પોતાના હૃદયમાં એનાં સમસ્ત લક્ષ્યોની નિગૂઢ ચાવી રાખી હતી એવું એને લાગ્યું. અમરના આનંદને પૃથ્વી ઉપર લાવનારો મહામંત્ર, જગતના જીવનને સૂર્યની નિકટે ખેંચી જનાર જાદૂ એણે સાવિત્રીમાં જોયા.
આત્મા પ્રત્યુત્તર આપતા આત્માને ઓળખી કાઢે છે ને કાળ એની આડે આવી શકતો નથી. આપણાં સઘળાં જ્ઞાનોની પારની વસ્તુને પિછાનનારી જે એક શક્તિ આપણી અંદર રહેલી છે તે છે પરમ ને એ સનાતનનાં ધામોમાંથી આવેલો હોય છે. એનો મહિમા સર્વને પલટાવી નાખવાની તાકાત ઘરાવે છે.
આ પ્રેમ પૃથ્વી પર પતિતાવસ્થાને જોકે પ્રાપ્ત થઈ ગયેલો જોવામાં આવે છે છતાંય પ્રેમ તે પ્રેમ છે. અનેક અધમ બળો એને ભ્રષ્ટ બનાવે, પ્રભુથી તે દૂર હોય, આપણી ઇન્દ્રિયો આપણને ઠગે, તો પણ આ પ્રેમની ઝાંખી કરી શકાય છે અને પરિણામે પરમાનંદ પ્રાપ્ત થઈ જાય છે.
પ્રેમ-પ્રભુને ધારણ કરી શકે એવું સત્પાત્ર વિરલ હોય છે, હજારો વરસો પછી કોઈ એકાદ આત્મા એને માટે તત્પર ને તૈયાર થયો હોય છે, ને એક જ એના અવતરણને ઝીલી શકે છે.
સાવિત્રીએ સત્યવાનને ને સત્યવાને સાવિત્રીને અજાણ્યાં હોવા છતાંય એક-બીજાને ઓળખી લીધાં. અનેક જન્મોનો ઉપસંહાર આ જન્મમાં થઈ ગયો. જેને માટે તેમણે લાંબી વાટ જોઈ હતી તે આનંદે તેમને ચકિત કર્યાં, જુદા જુદા માર્ગોએ આવેલાં પ્રેમીઓ પરસ્પર મળ્યાં. એકમાત્ર દૃષ્ટિના આઘાતે અંતરાત્માની સ્મૃતિ જાગી ઊઠી. સ્વર્ગમાં બે તારાઓ અન્યોન્ય પ્રતિ આકર્ષાય તેમ એ બન્ને એકબીજાની તરફ આકર્ષાયાં, હૃદયે હૃદયને ને આત્માએ આત્માને ઓળખી લીધો. આશ્ચર્યવશ બનેલાં બન્નેએ આનંદનો અનુભવ કર્યો. એક મૌન આત્મીયતાના ગાઢ સંબંધની ગૂંથણી કરી.
શાશ્વતીના કિરણમાં આમ એક ક્ષણ પસાર થઈ ને નવા સમાના અંતર્ગર્ભને ધારણ કરતી હોરા આરંભાઈ.
સાવિત્રીને સર્વ આવ્યું યાદ આ ભાગ્યના દિને,
ગંભીર ગહનોમાં જે હામ માર્ગ હામ જવાની ભીડતો ન 'તો
કિંતુ માનવ વાસોની ભણી ભાગી જવાને વળતો હતો,
ભૂમિ ઉજ્જડ જ્યાં એકતાનતા જબરી હતી,
પ્રભાત ઊર્ધ્વના જ્યોતિર્મય દ્રષ્ટા સમોવડું,
વ્યોમે વિલીન શૃંગોનો ભાવ ઉત્કટતા ભર્યો,
મર્મરાટ મહામોટાં અંતહીન વનોતણો,
-સાવિત્રીને સાંભર્યું ત્યાં સમસ્ત આ.
જાણે હર્ષે લઇ જાતો ઝાંપો કો એક હોય ત્યાં
તેમ ત્યાં તડકે છાયા સ્થાન કેરો આવ્યો એક વળાંક, જે
અઢેલીને હતો ઊભો ધાર એક અજાણી દુનિયાતણી,
ને વીંટાયો હતો મૌન સૂચને ને સંકેતે કોક જાદુના;
તાકતી વનદેવીઓ કેરાં નયનના સમાં
પુષ્પો અવનવાં કુંજોમહીં હતાં
પોતાનાં ગુપ્ત સ્થાનોથી ડોકિયું એ કરતાં 'તાં ઉઘાડમાં,
સ્થિર પ્રભાતણી સાથે કાને વાતો શાખાઓ કરતી હતી,
હર્ષના નાસતા એક ઉચ્છવાસ સમ દોડતી
હતી અલસ ને મંદ વાયુની ઊર્મિ ચંચલા,
તંદ્રાલુ તૃણપર્ણોને લીલે રંગે ને સોનાએ સજાવતી.
એકાંત વનને હૈયે છુપાયાલા
પાંદડાં મધ્યથી ત્યાંના નિવાસીઓ સ્વરે આમંત્રતા હતા,
મીઠા વિમુગ્ધ વાંછા શા ને રહેલા અદૃશ્ય ત્યાં
ઉત્તરો આપતા સૂર આગ્રહી મંદ સૂરને.
પૃષ્ઠે લીલમિયા મૂક દૂરતાઓ નિદ્રાધીન ઢળી હતી,
હતા પ્રકૃતિધામા એ ભાવાવેશી રહેલા અવગુંઠને,
સૌને માટે ન 'તા ખુલ્લા મુકાયલા,
દૃષ્ટિ પ્રકૃતિ કેરી જ પામતી 'તી પ્રવેશ ત્યાં,
જંગલી એ હતા લોપાયલા સમા.
રમ્ય આ આશ્રય-સ્થાને ચિંતામુક્ત હતી ધરા,
શક્તિ ને શાંતિનું ગાન આત્માને એ ગુંજનોથી સુણાવતી.
મનુષ્ય-પગલાંની ત્યાં એકમાત્ર નિશાની દૃષ્ટ આવતી:
વક્ષમાં આ વિશાળા ને ગુપ્ત જીવનના તહીં
તનવો તીરના જેવો એક માર્ગ જતો હતો;
એણે વીંધી હતું નાખ્યું એની એકાંતતાતણા
સીમાવિહીન સ્વપ્નને.
આ અનિશ્ચિત પૃથ્વીની પર એને પહેલી વાર હ્યાં મળ્યો
એ એક જેહને માટે હૈયું એનું આવ્યું 'તું દૂર આટલે.
જેમ પ્રકૃતિની પૃષ્ઠભૂએ ચિત્રિત આત્મ કો
ઉદ્દીપ્ત જીવનોચ્છવાસે સર્જેલા સ્વપ્નને ગૃહે
ક્ષણ માટે ખડો થતો
લીલા ઉઠાવ કરી ને સોનેરી રશ્મિ મધ્યમાં
વન કેરી કિનારીએ તેમ એ દૃષ્ટિએ પડયો.
જાણે કે હોય ના શસ્ત્ર જીવસંપન્ન જ્યોતિનું
તેમ ટટાર ને ઊંચો ભાલા શો પરમેશના
દેહ એનો દોરતો 'તો દિવ્ય દીપ્તિ પ્રભાતની.
વિશાળાં શાંત સ્વર્ગો શું ઉદાત્ત સ્વચ્છ શોભતું
ભાલ એનું હતું ધામ તરુણ પ્રાજ્ઞતાતણું,
હતી સ્વાતંત્ર્યની ઘૃષ્ટ શોભા એના અંગો કેરા વળાંકમાં,
ઉદાર વદને એના જીવનાનંદ રાજતો.
દૃષ્ટિ એની હતી પ્રૌઢ દેવો કેરું પરોઢિયું,
શિર એનું હતું જ્યોતિ:સ્પૃષ્ટ કોઈ યુવાન ઋષિશીર્ષ શું,
વપુ એનું હતું એક પ્રેમીનું ને નૃપાલનું.
શક્તિ એનીહતી દીપ્તિમંતો ઉદય પામતી,
હાલતી ચાલતી મૂર્ત્તિ હર્ષ કેરી હોય એવો ઘડાયલો
અરણ્ય-પૃષ્ઠની ધાર હતો એહ ઉજાળતો.
નીકળી વરસો કેરા મૂઢભાવી આતુર શ્રમમાંહ્યથી
વિરોધી ભાગ્યના શાણપણે દોર્યો આવેલો એ હતો અહીં
પુરાણી માતની ભેટે એના કુંજ-નિકુંજમાં.
દિવ્ય સંબંધમાં એના મોટો એહ થયો હતો,
સૌન્દર્ય અથ એકાંત કેરું પાલિત બાલ એ,
નિર્જન જ્ઞાનવાનોના શતકોનો હતો વારસદાર એ,
સૂર્યાતપ અને વ્યોમ કેરો ભ્રાતા બનેલ એ,
ઊંડાણો ને કિનારીની સાથ વાતો કરતો અટતો રહી.
લિપિબદ્ધ ન જે ગ્રંથ તેનો વેદજ્ઞ એ હતો,
એનાં રૂપોતણાં ગૂઢ શાસ્ત્રોના પરિશીલને
એના પાવન ભાવોનું ગુહ્ય એણે ગ્રહ્યું હતું,
ભણ્યો 'તો કલ્પનાઓ એ એની ભવ્ય ભુવનાકાર ધારતી,
પઢાવાયો હતો એહ પ્રૌઢિઓથી સ્રોત્ર ને કાનનોતણી,
સૂર્ય-તારક-જવાલાના સ્વર એને હતા શિક્ષણ આપતા,
જાદૂઈ ગાયકો ડાળે બેસી ગાઈ ગાઈને જ્ઞાન આપતા,
ને ચતુષ્પાદના મૂગા ઉપદેશે એને બોધ મળ્યો હતો.
આત્મવિશ્વાસથી પૂર્ણ પગલાંએ
એના મંદ અને મોટા હાથને એ સાહાય્ય આપતો હતો,
ફૂલ જે રીતે વર્ષાનું તે રીતે એ
આલંબન હતો લેતો ભૂમાતાના પ્રભાવનું,
અને પુષ્પ તથા વૃક્ષ સમી વૃદ્ધિ એ સ્વાભાવિક પામતો
એના આકાર દેનારા સમયોને સ્પર્શે પૃથુ થતો હતો.
હતું પ્રભુત્વ એનામાં હોય છે જે મુક્ત પ્રકૃતિઓમહીં
હર્ષ સ્વીકાર તેઓનો અને શાંતિ વિશાળવી;
સર્વમાં છે રહેલો જે એક આત્મા, તે સાથે એકરૂપ એ
પ્રભુને ચરણે દેતો સમર્પી અનુભૂતિ સૌ;
એનું મન હતું ખુલ્લું માના સીમા વિનાના મનની પ્રતિ,
માની આદ્ય શક્તિ સાથે તાલમેળે કર્મ એનાં થતાં હતાં;
મર્ત્ય વિચાર પોતાનો એણે માના વિચારને
વશીભૂત કર્યો હતો.
તે દિને રોજના એના માર્ગોથી એ બીજી બાજુ વળ્યો હતો;
કેમ કે એક જે જાણે ભાગ્યભાર પ્રતિક્ષણે
ને જે પ્રવર્તતો સર્વ સવિચાર-અવિચાર આપણાં પગલાંમહીં,
તેણે પ્રારબ્ધને મંત્રે મંતર્યાં 'તાં પગલાં સત્યવાનનાં,
અને એને હતો આણ્યો પુષ્પોવાળી કિનારીએ અરણ્યની.
આરંભ દૃષ્ટિ સાવિત્રી કેરી દૃશ્યે પ્રસન્ન મંજુ મેળના
રસથી રમતી રહી,
એકસમાન ભાવે એ જિંદગીનાં કૈંક કોટિ સ્વરૂપથી,
આકાશ, પુષ્પ ને પ્હાડો અને નક્ષત્ર આદિથી
કોષાગાર પોતાનો ભરતી રહી.
લીલું સોનું હતી જોતી એ તંદ્રામાં પડેલાં શાદ્વલોતણું,
મંદ પવનની લ્હેરે કંપમાન હતી તૃણ નિહાળતી,
વન કેરાં વિહંગોને સાદે વ્યાપ્ત શાખાઓને નિરીક્ષતી.
હતી પ્રકૃતિની પ્રત્યે સજાગા એ
છતાં અસ્પષ્ટતા યુક્ત હતી જીવનની પ્રતિ,
બંદી ઉત્સુકતાયુક્ત હતી આવી એ અહીંયાં અનંતથી,
મલ્લયુદ્ધે ઊતરેલી જિંદગીના મૃત્યુગ્રસ્ત નિવાસમાં,
એણે જોઈ મૂત્તિને આ અવગુંઠિત દેવની,
ગર્વ-હેતુ પ્રકૃતિનો, શક્તિ જોઈ, ભાવ જોયો મથતા એ ઇશનો,
વિચારશક્તિએ સજ્જ સત્ત્વ શ્રેષ્ઠ વિલોક્યું વસુધાતણું,
ફૂલ અંતિમ આ જોયું તારા-સુંદરતાતણું,
કિંતુ કોઈ કળાકાર
જાએ સામાન્ય રૂપાળાં રૂપો જેમ ને રાખે સંઘરી પછી
બાજુના એક છાયાળા સ્મૃતિના ઓરડામહીં,
તેમ તેણે જોયું સત્યવાનની મૂર્ત્તિની પ્રતિ.
દૃષ્ટિ એક કે વળાંક એક કોઈ કરી નિર્ણય આપતો
વિષમસ્થ આપણા ભવિતવ્યનો.
આમ એના સર્વ કેરો
જેની સાથે હતો સૌથી વધુ સંબંધ, તે સમે
છાવરી નાખતાં એની આંખોનાં પોપચાં તળે
ન સાવધ કરાયેલો મંદ બાહ્યવર્તી માનસના વડે,
દૃષ્ટિરૂપી ચાર દૂર ભમતો 'તો દરકાર કર્યા વિના
તટસ્થતા ભર્યો, ત્યાંનું સૌન્દર્ય માત્ર સેવતો
અને એને પ્રશંસતો,
દરકાર ન 'તો લેતો
એના દેહાત્મને એના પ્રભુ પ્રત્યે જગાડવા.
આમ ચાલી ગઈ હોત સાવિત્રી ત્યાં
યદ્દ્ચ્છાના અજ્ઞ માર્ગો પરે થઈ,
ને સાદ સ્વર્ગનો હોત ચૂકી, એણે
લક્ષ્ય હોત ગુમાવ્યું જિંદગીતણું,
કિંતુ સ્પર્શ્યો સવેળા ત્યાં દેવ એના સચૈતન્ય ચિદાત્મને.
દૃષ્ટિ સ્થિર થઈ એની, પકડાઈ, બદલાઈ ગયું બધું.
મન એનું વસ્યું પ્હેલું આદર્શ સપનાંમહીં,
અંતરંગ બની જેઓ પલટો દે સંકેતોને ધરાતણા,
ને જ્ઞાત વસ્તુઆને દે બનાવી એક સૂચના
અદૃષ્ટ ભૂવાનોતણી:
સ્થાનનો દેવતા જોતી સાવિત્રી સત્યવાનમાં,
દૃશ્યો મધ્યે ધરા કેરાં સ્થિત મૂર્ત્તિ પ્રતીકની,
પ્રભુ પ્રાણતણો રૂપરેખાધારીસુકુમાર સમીરમાં.
છતાં આ તો હતું માત્ર દિવાસ્વપ્ન ક્ષણેકનું;
કેમ કે સહસા એના હૈયે દૃષ્ટિ બ્હાર એની પરે કરી,
પ્રયોજી રાગથી પૂર્ણ દૃષ્ટિ, જેની કો વિચાર બરાબરી
કરવાને સમર્થ ના,
ઓળખી એકને લીધો સમીપતર જે હતો
હૈયા કેરા પોતાના ગાઢ તંતુથી.
થયું ચકિત સૌ એક ક્ષણમાં ને બદીવાન બની ગયું,
લેવાયું ને રખાયું સૌ ભાનભૂલી મુદામહીં,
અથવા કલ્પના કેરાં રંગીન પોપચાં તળે
ધરાયું ઊંચકાઈને સ્વપ્ન કેરી હવાઈ આરસીમહીં,
ફરીથી સજવા વિશ્વ ફાટી ઊઠયું ભભૂકતું,
ને એ જવાલામહીં જન્મ સાવિત્રીનો થયો નવી
વસ્તુઓને વિલોકતો.
એનાં ઊંડાણમાંહેથી ગૂઢ એક ગોલમાલ સમુદભવ્યો;
આરામે સ્વપ્ન સેવંતો જેમ કોઈ
બોલાવતાં સપાટાએ સીધો ઊભો થઈ જતો
તેમ જોવા પ્રાણ દોડયો એકેએક ઇન્દ્રિયદ્વારમાં થઈ :
અસ્પષ્ટ, હર્ષથી પૂર્ણ વિચારો ચંદ્રમાતણા
તુષારોએ ભરેલાં ગગનોમહીં,
કો એક વિશ્વ જન્મે છે તે સમાએ જાગતી હૃદયોર્મિઓ,
સોનેરી દેવતાઓના વૃન્દે જેને સમાક્રાન્ત કર્યું હતું
તે વિક્ષોભે ભર્યા તેના વક્ષ:પ્રદેશમાં થઈ
વેગે સંચરતાં હતાં:
આશ્ચર્યના પુરોધાઓ કેરે સ્તોત્રે પ્રબોધિત
એના ચૈત્યે કર્યાં ખુલ્લાં
પૂરેપૂરાં નિજ દ્વારો નવા આ સુર્યની પ્રતિ.
કિમીયાએ કર્યું કામ રૂપાંતર થઈ ગયું;
આદેશ સાથ આવેલા મુખે રાજ-જાદૂ સિદ્ધ કર્યો હતો.
બે પાસે આવતી આંખોકેરી અનામ જયોતિમાં
ભાગ્યનિર્માણ પામેલું સાવિત્રીના દિનોતણું
ત્વરાયુક્ત વળવું નજરે પડયું
ને એ અજ્ઞાત વિશ્વોની પ્રભાની પ્રતિ વિસ્તર્યું.
તે પછી ગૂઢ આઘાતે હૈયું એનું પ્રકંપતું
એની છાતીમહીં હાલ્યું, ને ડાળી પર પાસની
બેઠેલા નિજ સાથીને સાંભળીને વિહંગ કો
આપે ઉત્તર તે રીતે ઊઠયું પોકાર એ કરી.
ખરીઓ ખૂંદતી વેગે ને પૈડાંઓ અટકયાં ગોળ ઘૂમતાં,
રોકેલા વાયુની પેઠે રથ ઊભો રહી ગયો.
ને જોયું સત્યવાને ત્યાં નિજાત્મદ્વારમાં થઈ
અને અનુભવી એના સ્વચ્છ સ્નિગ્ધ સ્વરની મુગ્ધ મોહની,
જેણે દીધું ભરી એની જુવાનીનું વાતાવરણ જામલી,
ને એણે પૂર્ણ સૌન્દર્યે શોભામાન મુખ કેરી ચમત્કૃતિ
વારે વારે આક્રાન્ત કરતી લહી.
મકરંદે થઈ મા'ત નવાઈના મુખપુપષ્ટણા તથા
આકૃષ્ટ આત્મવિસ્તારો પ્રત્યે ખુલ્લા
થતા 'તા જે ભાલની આસપાસમાં
સમુદ્ર ચંદ્રની પ્રત્યે વળે તેમ વળ્યો એ દર્શન પ્રતિ,
સ્વપ્ન સુંદરતા કેરું ને રૂપાંતરતાતણું
નિજમાં દીધ આવવા,
મર્ત્ય મસ્તકની આસપાસ એણે જોયું મંડળ જ્યોતિનું,
આરાધી વસ્તુઓમાંની એક નૂતન દિવ્યતા.
આગમાં ઓગળી જાય તેમ એનો
સ્વયંબદ્ધ સ્વભાવ ઓગળી ગયો;
એનું જીવન લેવાઈ ગયું અન્ય કેરા જીવનની મહીં.
એના મસ્તિષ્કની ભવ્ય પ્રતિમાઓ અટૂલડી
નવા નિઃસીમને સ્પર્શે જાણે ના હોય તેમ ત્યાં
પડી પ્રણતિ અર્પંતી પ્રકાશંતી નિજ પર્યાપ્તતા તજી
અર્ચવાને દેવતા કો પોતાનો જે હતો તેથી મહત્તર.
અજ્ઞાત એક ઉદ્દામ શક્તિ દ્વારા
સાવિત્રીની પ્રત્યે ખેંચાઈ એ ગયો.
આવ્યો સાશ્ચર્ય એ પાર કરી હેમતૃણસ્થલી:
મીટ સાથે મળી મીટ નજીકથી
ને આશ્લેષ સધાયો દૃષ્ટિઓતણો.
મુખમુદ્રા હતી એક ઉમદા ને શાંત ગૌરવથી ભરી,
વિચારવર્તુલે જાણે હોય ઘેરાયલી નહીં
એવી વિશાલ ને ધ્યાનમગ્ન જ્યોતિતણી એક કમાન કો,
આભામંડલ કો ગુપ્ત અર્ધમાત્ર જાણે કે દૃશ્યમાન ના;
અંતર્દર્શનને એના હજી યાદ રહેલું જાણમાં હતું
કપાલ એક કે જેણે
પ્હેર્યો તાજ હતો એના સમસ્ત ભૂતકાળનો,
બે નેત્રો જે હતાં એના સ્થિર શાશ્વત તારકો,
સાથી શાસક બે નેત્રો દાવો જે કરતાં હતાં
એના ચૈત્યાત્મની પરે,
પ્રેમના ફ્રેમ જેવાં બે જિંદગીઓ ભર જાણેલ પોપચાં.
સાવિત્રીની મીટમાં સત્યવાનને
થયો ભેટો પોતાની ભાવિ-દૃષ્ટિનો,
આશા એક, સંનિધાન એક, એક અગ્નિ એને મળી ગયો,
ક્લ્પોનાં સ્વપ્નને એણે જોયાં મૂર્ત્ત બનેલ ત્યાં,
જેને માટે વિશ્વમાં આ અલ્પજીવી મર્ત્યતા ઝંખના કરે
તે રહસ્ય નિહાળ્યું ત્યાં એણે પરમ હર્ષનું
સ્થૂલ સ્વરૂપમાં એનું પોતાનું જ બની જેહ ગયું હતું.
મૂર્ત્તિ સોનલ આ એના સમાશ્લેષે સમર્પિતા,
એનાં સકલ લક્ષ્યોની ચાવી હૈયે પોતાના ગુપ્ત રાખતી,
આનંદ અમૃતાત્માનો પૃથ્વી ઉપર લાવવા
માટેનો મંત્ર એ હતો,
સ્વર્ગીય સત્યની સાથે મર્ત્યો કેરા વિચારને
સંયોજિત બનાવવા,
ઉરો પાર્થિવ ઉદ્ધારી લઈ જાવા સનાતન-સ્વરૂપના
સૂર્યોની નિકટે વધુ.
અવતાર લઈ હાલ આવેલા હ્યાં
આ મહાન બે આત્માઓતણી મહીં
શાશ્વતીમાંહ્યથી પ્રેમે શક્તિ આણી હતી તલે
નવું મથક પોતાનું મૃત્યુમુક્ત જિંદગીને બનાવવા.
ઉત્તરંગ થયો એનો અનુરાગ અગાધ ગહનોથકી;
ભુલાયેલાં દૂર કેરાં શિખરોથી
છલંગીને આવ્યો એ પૃથિવી પરે,
છતાં અનંતતા કેરો રાખ્યો એણે સાચવી સ્વ-સ્વભાવને.
ભૂના ભૂલકણા ગોળા કેરા મૂગા વક્ષ:સ્થળતણી પરે
અજાણ્યા જીવના જેવું મળવાનું જોકે દેખાય આપણું
તો યે ના પરદેશીઓ જેવાં જીવન આપણાં
ને અજાણ્યાં જેવાં એ મળતાં નથી,
અકારણ બળે એક પ્રેરાઈને અન્યોન્ય પ્રતિ એ વળે.
અળગા પાડતા કાળ આરપાર ઓળખી આત્મ કાઢતો
એને પ્રત્યુત્તરો દેનાર આત્મને,
રહોએ જિંદગી કેરા યાત્રી લીન ને આચ્છાદનની મહીં
વળતાં વાર પામે છે જાણીતાં દીપ્ત ગૌરવો
અજાણ્યા મુખની મહીં,
ને ક્ષિપ્ર પ્રેમના ચેતાવંતા અંગુલિ-સ્પર્શથી
આમોદાર્થે મર્ત્ય દેહ ધારનારો
અમરાનંદ પામીને લહે છે રોમહર્ષણો.
શક્તિ છે ભીતરે એક જાણે છે જે આપણી જાણ પારનું;
વિચારોથી આપણા આપણે છીએ મહત્તર;
આ દર્શન કરી દેતી ખુલ્લું કોક વાર વસુમતી અહીં.
જીવવું, કરવો પ્રેમ
એ છે નિશાનીઓ સીમાવિમુક્ત વસ્તુઓતણી.
પ્રેમ છે મહિમા દિવ્ય આવનારો શાશ્વતીનાં જગત્ થકી.
ભ્રષ્ટ, વિરૂપ કીધેલો, વિડંબાતો બળોથી હીન કોટિનાં
જે ચોરી એહનું નામ લેતાં, લેતાં એનું રૂપ
ને લેતાં સંમુદા હરી,
છતાં યે દેવ એ દેવા પલટાવી સઘળું યે સમર્થ છે.
અચેત આપણે દ્રવ્યે જાગતી એક ગુહ્યતા,
આપણી જિંદગીને જે નવે રૂપે ઘડી શકે
એવો એક પરમાનંદ જન્મતો.
વણ-ખુલ્યા ફૂલ જેવો આપણામાં પ્રેમનો વાસ હોય છે
વાટ જોતો વેગવંતી શ્રવણની અંતરાત્મની,
યા મંત્રમુગ્ધ નિદ્રામાં
વિચારો ને વસ્તુઓની વચ્ચે એ અટતો રહે;
બાલ-પ્રભુ કેરી લીલા રહેલો છે, શોધે છે એ સ્વરૂપને
અનેક હૃદયોમાં ને મનોમાં ને જીવતાં રૂપની મહીં :
સમજી એ શકે પોતે એવા સંકેત કાજ એ
વિલંબ કરતો રહે,
ને એ સંકેત આવે કે જાગી એ અંધ ઊઠતો
કોઈ એક સ્વરે દૃષ્ટે, સ્પર્શે યા તો મુખના એક માયને.
દેહ કેરું તમોગ્રસ્ત મન સાધન એહનું,
દૃષ્ટિ અંતરની દિવ્ય હવે ભૂલી ગયેલ એ,
નિસર્ગ-સૂચનો કેરા મોટા સમૂહ મધ્યમાં
માર્ગદર્શન કારણે
બ્હારની ચારુતા કેરી સંજ્ઞા કો એક એ ગ્રહે,
અભાસોમાંહ્ય પૃથ્વીના સત્યો સ્વર્ગીય એ પઢે,
દેવને બદલે દેવમૂર્ત્તિ કેરી સ્પૃહા કરે,
રૂપનાં અમૃતત્વોના ભાખે છે એ ભવિષ્યને
ને કંડારેલ આત્માને રૂપે લે છે સ્વીકારી એ શરીરને.
મર્મી દ્રષ્ટા સમો ભાવ પ્રેમનો ભક્તિએ ભર્યો
નાખે છે દર્શન દ્વારા દૃષ્ટિ અદૃશ્યની પ્રતિ,
લિપિમાં પૃથિવી કેરી જુએ છે એ આશય પરમાત્મનો;
પરંતુ મન માને છે ખાલી કે "એક આ જુઓ,
જેને માટે રાહ લાંબી જીવને મુજ જોઈ છે
ચરિતાર્થ થયા વિના,
જુઓ અચિંતવ્યો મારી જિંદગીનો મહાપ્રભુ."
હૈયાને કાજ ફંફોળે હૈયું, અંગ
પોકારે છે અંગ માટે પ્રતિ-ઉત્તર આપતા;
જે સર્વ એકરૂપે છે તે દબાણ કરે છે ઐકય કારણે.
પ્રેમ સ્વ-સત્ય શોધે છે અતિ દૂર રહીને ભગવાનથી,
જિંદગી આંધળી છે ને કરણો વંચના કરે,
ને એને કરવા ભ્રષ્ટ છે બળો જે કામે લાગી રહેલ છે.
શક્ય દર્શન છે તો ય અને શક્ય આવાગમન હર્ષનું.
પ્રભુના જન્મને ઝીલી શકે એવું જેમ વિરલ પાત્ર છે
તેમ વિરલ છે પ્યાલો
પ્રેમામૃતતણું મધ ધારવાની યોગ્યતા જેહની મહીં.
હજારો વરસો કેરે કાર્યે આત્મા થયો તૈયાર હોય જે
તે જીવંત બને ઢાળો પરમોચ્ચ જેની અંદર ઊતરે.
સાવિત્રી ને સત્યવાન
અજાણ્યાં આમ આકારે છતાં બન્ને પ્રીછતાં 'તાં પરસ્પર.
અજાણ્યાં આંખને જોકે, જોકે જીવન ને મન
ધારવાને નવો અર્થ બદલાઈ ગયાં હતાં,
છતાં અસંખ્ય જન્મોનો
ઉપસંહાર આ બન્ને શરીરોમાં થયો હતો
ને આત્માને કાજ આત્મા એનો એ જ રહ્યો હતો.
થતાં ચકિત આનંદે
જેને માટે હતી જોઈ વાટ દીર્ધ સમાથકી,
પ્રેમીઓ પોતપોતાના પૃથક્ માર્ગ પરે મળ્યાં,
અસીમ કાલ-વિસ્તારો પર યાત્રા કરતા એ મુસાફરો
પોતાના માનવી ભૂતકાળ કેરા સ્વયં-સંવૃત નિર્જને
દૈવે દોરાયલી યાત્રામાંથી ખેંચી પાસ પાસ અણાયલા,
ભાવી હર્ષતણા ક્ષિપ્ર પ્રહર્ષે પૂર્ણ સ્વપ્નમાં
ને આ આંખોતણા એક અચિંતા વર્તમાનમાં
સામ સામે ઉપસ્થિત થઈ ગયા.
આવિષ્કારો અર્પનારા માહાત્મ્યે એક દૃષ્ટિના
આઘાત રૂપનો પામી જાગી ઊઠી આત્માની સ્મૃતિ ઇન્દ્રિયે,
હતું બે જીવનો વચ્ચે જેહ ધુમ્મસ તે થઈ
ગયું વેરવિખેર સૌ;
અનાવૃત થયું હૈયું સાવિત્રીનું
અને એને પામવાને વળ્યું ત્યાં સત્યવાનનું;
તારો તારા વડે જેમ આકર્ષાતો અનંતમાં
તેમ અન્યોન્યની પ્રત્યે આકર્ષાઈ
આશ્ચર્યમાં પડી તેઓ મોદ પામ્યાં
ને મૂક મીટના દ્વારા ગ્રંથી દીધી ઘનિષ્ટતા.
શાશ્વતીના રશ્મિરૂપી પસાર ક્ષણ ત્યાં થઇ,
આરંભાઈ ઘડી ગર્ભે લઈ નૂતન કાળને.
સત્યવાન અને સાવિત્રી
ભૂતકાળની રવરહિત રહસ્યમયતામાંથી, ભુલાઈ ગયેલા સંબંધોની બાબતમાં અણજાણ વર્તમાનમાં એ બે આત્માઓ કાળના માર્ગોએ મળ્યા.
આહલાદક સ્વરના પ્રથમ સાદે, વિધિનિર્મિત મુખના પ્રથમ દર્શને ઉભયને અન્યોન્યનું ભાન થયગયું. અંદરથી પૂરેપૂરું ઓળખાણ હોય તો પણ બાહ્ય ઇન્દ્રિયોના અને મનના અજ્ઞાનના પડદા પાછળથી અલ્પમાત્રા બહાર પ્રકટ થય છે. આત્મા હૈયાને ખુલ્લું કરી દેનારા શબ્દને માટે, અંતરાત્માની આવશ્યકતાને પ્રકટ કરતી વાણી માટે પ્રયત્ન કરે છે. સ્મૃતિ જ્યાં વિલુપ્ત હતી, એકતા સંવેદાતી હોવા છતાં જ્યાં ચૂકી જવાતી હતી ત્યાં સત્યવાને સાવિત્રીને પ્રથમ સંબોધી :
" ઓ હે ! કાળની નીરવતામાંથી આવેલી તું કોણ છે ? તારા સ્વરે મારા હૃદયને અવિજ્ઞાત મહામુદા પ્રત્યે પ્રબુદ્ધ બનાવ્યું છે. શું તું કોઈ અમરી છે કે માત્ર માનવ શરીરે જ મર્ત્ય છે ? મનુષ્યોમાં તું કયે નામે ઓળખાય છે ? વસંત ને વસંતનાં પુષ્પોથી પણ તું વધારે પ્રફુલ્લ છે. શું સૂર્યપ્રકાશે તારું સોનેરી શરીર ધારણ કર્યું છે ? તને જોઈને લાગે છે કે મોટા મોટા દેવો પૃથ્વીના મિત્રો બની ગયા છે.
મારા યાત્રી આત્માએ ઘણું ઘણું જોયું છે ને જાણ્યું છે. પૃથ્વી પોતાની શક્તિઓને મારાથી છૂપી રાખી શકતી નથી. પરિચિત દૃશ્યોમાં પ્રભુ મારી સામે મીટ માંડે છે. ઉષાનો વિવાહોત્સવ મેં નિહાળ્યો છે; દિવસે અને રાત્રીએ પોતાનાં ગુપ્ત સ્વરૂપો મારી આગળ પ્રકટ કર્યાં છે; અલૌકિક આકાશવાણીઓ મેં સાંભળી છે; અપ્સરાઓની જલક્રીડાઓ મેં જોઈ છે; વનદેવતાઓનાં દર્શન કર્યાં છે અને સૂર્યનાં રાજ્સ્વરૂપોનો સાક્ષાત્કાર કર્યો છે. અને આજે આ તને જોઉં છું. તારું માનવી માધુર્ય, તારું સોનેરી હૃદય એક પૃથ્વીજાયાને પ્રત્યુત્તર આપી શકે, પૃથ્વીની સાદી વસ્તુઓ તારે માટે સુખદાયક બની શકે, અમારાં અન્નજળનો તું આસ્વાદ માણી શકે તો તારા રથમાંથી અહીં ઊતરી આવ અને અમારી અતિથિ બની જા. પાસે જ
મારા પિતાજીનો આશ્રમ છે-લતાવિતાનોથી આચ્છાદિત અને રંગબેરંગી મધુર વિહંગમોના ગાનથી ધ્વની ઊઠતો. ત્યાં મારી સાથે આવ અને પ્રકૃતિ રાણીના રાજ-પ્રસાદમાં પ્રવેશ. "
સાવિત્રી જરા વાર થંભી, જાણે કે હજીય એનાં વચનોને સાંભળતી ન હોય. પછીથી ધીર ભાવે ધીરેથી બોલી :
" હું છું મદ્રદેશની રાજકુમારી સાવિત્રી, પણ તું કોણ છે ? ક્યા સંગીતાત્મક નામથી જગતમાં તું જાણીતો થયેલ છે ? ક્યા રાજવંશના મહાવૃક્ષની તું સુખી શાખા છે ? અને તારા તેજસ્વી યૌવનને શોભે એવાં વીર કર્મો તજી અહીં તપોવનમાં તું કેમ વસે છે ? "
ને સત્યવાને સાવિત્રીને ઉત્તરમાં કહ્યું :
" હું છું મહરાજા ધુમત્સેનનો પુત્ર સત્યવાન. એક સમયે એમની આંખોનું તેજ જગતને આંજી નાખતું હતું ત્યારે આ મહાવૃક્ષોની પાછળ લીલમવર્ણા વનથી માંડીને પેલા પહાડોને પડખે આવેલા અને છેક દક્ષિણાકાશ સુધી પહોંચતા પ્રદેશ પર એમની આણ વર્તતી હતી, પરંતુ ભાગ્યદેવીની અવકૃપા થતાં હવે તે અંદરના તેમ જ બહારના એકાંતમાં અહીં વસો કરીને રહેલા છે. એમનો પુત્ર હું એમની સેવામાં અહીં રહું છું -- પ્રકૃતિના મહારાજ્યનો માલિક બનીને. અહીંનાં સર્વેય સત્ત્વો અને તત્વો મને અદભુત અનુભવો કરાવે છે. ભીતરમાં સંતુષ્ટ રહેતો મારો આત્મા જાણે છે કે દેવત્વ આપણો જન્મસિદ્ધ હક્ક છે. અહીં આવતાં પહેલાંય મારી અંદરના એક પૂર્વજ્ઞાને પૃથ્વી ઉપરની પ્રાણી-ચેતના પ્રતિ મને પ્રેર્યો હતો અને હાલ તો હું એની અંદર એનો અંતરંગ સંગી બનીને રહેલો છું. અરણ્યના અશ્વો, ફાળો ભરતાં હરણાંઓ, અક્લની આંખોથી જોતો કલકલિયો, સરોવરમાં સરતા હંસો, તરુપર્ણોના રહસ્યમય મર્મરાટો, ચમક-ચાંચિયાંઓ, મયૂરો અને અન્ય સુરંગી વિહંગો મારી સ્મૃતિમાં રંગની પીંછીથી ચીતરાઈ ગયેલાં છે. અહીંના આ પર્વતો અને પર્વતકાય મહાવૃક્ષો પ્રભુના વિચારનાં મૂર્ત્તિમંત સ્વરૂપો જેવાં મને જણાય છે, શાશ્વતીના સ્વરના લયો મને શ્રવણગોચર થાય છે, સનાતનનું સૂરીલું સંગીત હું સાંભળું છું.
આ બધું હોવા છતાંય હું પ્રભુના દેહને આલિંગન આપી શક્યો નથી, જગન્માતાના ચરણોએ આત્માની અંજલિ સમર્પી શક્યો નથી, મહાવનના મુનીઓ સાથે હું ધ્યાનમાં બેસતો ને સર્વમાં રહેલા એકાત્માના સાંનિધ્યની ઝાંખી કરી શકતો, પરંતુ પરમાત્માની સર્વોચ્ચ શક્તિ મને હજી સુધી મળી નથી, જડતત્વ એના પ્રભુ વગર હજુ પોઢેલું જ રહેલું છે. આત્માનો ઉદ્ધાર તો થયો છે પરંતુ શરીર હજી સુધી અવિદ્યાની અંદર મૃત્યુના સાથમાં રહેલું છે. પણ હવે તો તું આવી છે ને બધું બદલાઈ જવાનું : તારી કાંત કાંચનમયી કાયામાં મને જગદંબાનો અનુભવ થશે, તારા શબ્દો મને એના પરમ જ્ઞાનની પ્રભા સમર્પશે, આત્માની માફક શરીર પણ વિનિર્મુક્ત
બની જશે, મૃત્યુ ને અજ્ઞાનમાંથી એનો છુટકારો થશે."
તલ્લીન બની ગયેલી સાવિત્રી બોલી :
" હજુ આગળ બોલ, સત્યવાન ! તારી જાત વિષે બોલ, અંદરખાને તું કોણ છે તે સર્વ મને સંભળાવ. આપણા આત્માના ધામમાં આપણે સદૈવ સાથે જ રહેતાં હતું એવું મને લાગે છે. મારો અમર આત્મા કહે છે કે પૃથ્વી ઉપરનાં સંખ્યાબંધ રૂપોમાં જેને હું શોધી રહી હતી તે તું જ છે."
ને બીન આગ્રહભરી બંસરીને જેમ જવાબ વાળે તેમ સત્યવાન બોલ્યો, વાણીના વિવિધરંગી તરંગોમાં એનું હૃદય સાવિત્રી તરફ વહેવા લાગ્યું :
" ઓ અનવધ સૌન્દર્યની શ્રી, સુવર્ણા રાજકુમારી ! મારા શબ્દોથી કહી શકાય એનાથી ઘણું વધારે હું તને કહેવા માગું છું. દેવોએ પ્રકટાવેલી એક ઘડીના અલ્પાલ્પ સમીપ્યેય મારા જીવનને નવું બનાવી દીધું છે. અત્યાર સુધીમાં મેં જે જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેણે તો રહસ્યમયતાને વધારે રહસ્યમય બનાવી દીધી છે. હું સૂર્યમાં નહિ પણ માત્ર એના કિરણમાં રહેતો હતો. હું જગતને જોતો ત્યારે આત્માને ને આત્માને જોતો ત્યારે જગતને ગુમાવી બેસતો. મારાં પોતાનાં જ અન્ય સ્વરૂપોને ને પ્રભુના કલેવરને હું ખોતો. પણ હવે તારા ચરણોની સાથે કાંચનની કડી મારી પાસે આવી છે. તારા મુખમાં પ્રકાશતો પ્રભુનો સૂર્ય મને મળ્યો છે. તારા આગમને મારે માટે સર્વ કાંઈ સંસિદ્ધ થઇ ગયું છે. લગાર વધારે પાસે આવ, તારા જ્યોતિર્મય રથમાંથી નીચે ઊતર, અમારા આ તૃણાસ્તીર્ણ ભૂમિતલની અવહેલના કરતી નહિ. ઓ સંમુદાસ્વરૂપિણી સાવિત્રી ! મારા ને તારા ઉભયના આનંદ માટે મારા જીવનમાં પ્રવેશ કર. અમારા આ કાનનકુંજમાં મારી દોરી આવ. ફૂલોની ફોરમમાં પંખીઓના કલરવોને હમેશાં યાદ રહી જાય એવી પળને પ્રકટ થવા દે."
સત્યવાનના શબ્દોએ સાવિત્રીના આત્માને લલચાવી હોઠ ઉપર હાજર કર્યો ને એ માત્ર આટલું જ બોલી: "સત્યવાન ! તારાં વચન મેં સાભળ્યાં ને મને જ્ઞાન થયું છે. હું હવે જાણું છું કે તું, એકમાત્ર તું જ તે છે."
પછી એ રથમાંથી ઊતરી અને લીલા ઘાસ ઉપર થઈ એણે કાનન-કિનાર પરનાં થોડાં રંગબેરંગી ફૂલ ચૂંટયા ને પ્રેમને તાંતણે ત્વરિત અંગુલિથી તેમની એકવરમાળા ગૂંથી કાઢી અને તે સત્યવાનને કંઠે અર્પણ કરી. સત્યવાને સાવિત્રીને હૃદયે લીધી ને સરિતા સમુદ્રમાં સમાઈ જાય તેમ સાવિત્રીનો આત્મા સત્યવાનના આત્મા સાથે એકાકાર બની ગયો.
આ મંગળ પળે પ્રભુનો પોતાની પ્રેયસી સાથે પૃથ્વી ઉપર વિવાહોત્સવ ઊજવાયો. આદર્શના જગતમાં એક માનવ ક્ષણ સનાતન બની ગઈ.
પછી સત્યવાન એને પોતાના આશ્રમની દિશામાં દોરી ગયો અને નૈસર્ગિક સૌન્દર્યે સજાયેલી સાવિત્રીની ભાવી પર્ણકુટિ એને બતાવી. કુંજોના વિહંગોનાં મંગળ ગીતડાં સુણતી સુણતી સાવિત્રી આનંદાતિરેકમાં આવી ગઈ ને ધ્રૂજતે સ્વરે
સત્યવાનની વિદાય લેતાં બોલી : " અત્યારે તો મારે મારાં માતાપિતા પાસે દૂર જવું પડશે, પણ મારું હૃદય તો અહીં આ વનની કિનાર પાસેથી પેલી પર્ણકુટીમાં જ રહી ગયું છે. અલ્પ સમયમાં જ મારું પિયર એક પ્રિયજનના વિરહથી વ્યાકુળ થશે. આપણી આ એકતા પોતાના પુનઃપ્રાપ્ત મહાસુખથી કદી પણ વિખૂટી નહિ પડે, ને આપણામાં પ્રાણોચ્છવાસ ચાલતા હશે ત્યાં સુધી વિધિ પણ આપણાં જીવનોને અળગાં પાડી શકશે નહિ."
સાવિત્રી રથે બેઠી ને દોડતે ઘોડે રાજધાનીની દિશા લઈ ઊપડી. પરંતુ છેક સુધી પેલી વનની કિનાર, પેલી પર્ણકુટી અને તેમના અધિષ્ઠાતા દેવ જેવા સત્યવાનનું સચેતન ચિત્ર એના ચિત્તમાં ચિરંતન ચકાસતું રહ્યું.
ભૂતકાળતણા શબ્દહીન રહસ્યમાંહ્યથી
વિસરાયેલ સંબંધો વિષે અજ્ઞાન એવા વર્તમાનમાં
આ આત્માઓતણું કાળ કેરા માર્ગો ઉપરે મળવું થયું.
તે છતાં યે
મંજુ સ્વરતણા પ્હેલા સાદથી ને
પહેલે દર્શને દૈવે નક્કી કીધું હતું તે મુખડાતણા,
સાવધાન બનાવેલા આત્મા ગૂઢસ્થ એમના
તત્કાલ એકબીજાના ભાનવાળા બની ગયા.
બાહ્ય સંવેદના કેરા પડદા પૂઠળે રહી
જયારે ઊંડાણમાંહેથી આત્મા સાદ આત્માને હોય આપતો,
અને હૃદયને ખોલી નાખનારો
શબ્દ મેળવવા માટે કરતો યત્ન હોય છે,
અપેક્ષા ચૈત્યની ખુલ્લી કરનારી
ભાવાવેશ ભરી વાણી માટે સયત્ન હોય છે,
અજ્ઞાન મનનું કિંતુ છાઈ દેતું હોય છે દૃષ્ટિ આંતરા,
સીમાઓમાં થઈ પૃથ્વી-રચી માત્ર
થોડું બ્હાર થતું પ્રકટ હોય છે,
તથા મહત્ત્વથી પૂર્ણ ઘડીએ એ મળતાં ઉભયે હવે,
ઉંડાણોમાં પૂર્ણ રૂપે ઓળખાણ રહેલ છે
કિંતુ સ્મૃતિ વિલુપ્તા છે,
અને ચૂકી જવાયે છે સંવેદાયેલ એકતા.
સાવિત્રી શું સત્યવાન બોલ્યો પ્રથમ આમ ત્યાં :
"મૌનમાંથી કાળ કેરાં આવેલી મુજ પાસ હે !
ને છતાં એક અજ્ઞાત સંમુદાની
પ્રત્યે તારા સ્વરે મારું હૈયું પ્રબુદ્ધ છે કર્યું,
છે તું અમર, યા મર્ત્ય માત્ર કેવળ માળખે,
કેમ કે તુજ આત્માની મહીંથી આ પૃથ્વીના કરતાં વધુ
કૈંક વાતો મારી સાથે કરી રહ્યું,
ને તારી દૃષ્ટિએ ઘેરી મને લેતું પૃથ્વીથી અદકું કંઈ,
મનુષ્યોની સંતતિમાં કયા નામ વડે તું ઓળખાય છે ?
દિવસો મુજ આત્માના ભરતી તું ક્યાંથી પ્રકટ છે થઇ,
વસંત કરતાં જ્યાદા ઉલ્લસંતી,
મારાં પુષ્પોથકી જ્યાદા પ્રફુલ્લ હે !
મારા જીવનની સૂની સીમાઓ મધ્ય આગતા,
પ્રભા સૂર્યતણી રૂપે ઢળાયેલી કાંચની કન્યકાતણા ?
મહાન દેવતાઓ, હું જાણું છું કે છે મિત્રો પૃથિવીતણા.
આડંબરોમહીં સંધ્યાકાળના ને પ્રભાતના
યાત્રી આત્મા લઈ મારો દીર્ધ કાળ કરી છે મેં મુસાફરી
ભાવે ભરાઈ જાણીતી વસ્તુઓની ચમત્કારકતા
પોતે ઢાંકપિછોડીમાં શક્તિઓ જેહ રાખતી
તે મારાથી છુપાયેલી પૃથ્વી રાખી શકી નહીં :
ફરતો હું હતો જોકે પૃથ્વીનાં દૃશ્યની મહીં
ને સામાન્ય સપાટીઓ પર પાર્થિવ વસ્તુની
છતાં યે દૃષ્ટિ જોતી 'તી મારી એનાં રૂપે અંધ થયા વિના;
જાણીતાં દૃશ્ય મધ્યેથી મારી પ્રત્યે દેવતા દેખતો હતો.
સાક્ષી બની વિલોક્યાં છે મેં ઉષાના વિવાહોત્સવ મંગલો
દીપ્તિમંતા પડદા પૂઠે વ્યોમનાં,
સ્પર્ધા વા મેં કરી હર્ષે પગલાંની સાથે શુભ્ર પ્રભાતનાં
ઘેને ભર્યા કિનારાઓતણે માર્ગે પ્રભાતના
પગલાંઓ ભરેલ છે,
યા તો છે મેં કરી પાર તડકાની સોનેરી મરુભોમને
દીપ્તિ ને વહનિનાં મોટાં મેદાનો મધ્યમાં થઈ,
કે મળ્યો છે મને ચંદ્ર સરકંતો બની ચકિત વ્યોમમાં
રાત્રીની સંશયગ્રસ્ત વિશાળમયતામહીં,
અથવા છે મળ્યા તારા ચોકી કેરા લાંબા મારગની પરે,
ભાલા અનંતતાઓમાં ઊંચક્યા છે
એમ આગે ચલાવાતા કવાયતે,
મારી સામે કર્યાં ખુલ્લાં ગુપ્ત રૂપો દિને તેમ જ રાત્રીએ;
મૂર્ત્તિઓ મુજ પાસે છે આવી છૂપા તટોથકી,
ને સુખી વદનોએ છે કરી દૃષ્ટિ જ્યોતિ ને જવાલમાંહ્યથી.
આકાશના તરંગોને કરી પાર
જનારા સાંભળ્યા છે મેં સ્વરો ચિત્રવિચિત્ર કૈં,
કિન્નરીના ચમત્કારી ગાને મારા કર્ણ છે પુલકે ભર્યા;
સરોમાં કરતી સ્નાન અપ્સરાઓ પડી છે મુજ દૃષ્ટિએ,
પડી છે વનદેવીઓ દૃષ્ટે મારી
પાંદડાંમાં થઈ બ્હાર વિલોક્તી;
વાયુઓએ બતાવ્યા છે મને ઈશો તેમના ખૂંદતા જતા,
સહસ્ર સ્તંભની શોભા ધારનારાં ધામોમાંહે ભભૂકતા
આદિત્ય રવિરાજોનાં મને દર્શન છે થયાં.
મન મારું હવે તેથી સેવી સ્વપ્ન શકે અને
હૈયું મારું આશંકામાં પડી શકે
કે આપણી હવા પાર આવેલી કો ચમત્કારક સેજથી
ઊઠીને દેવતાઓના પ્રૌઢ એક પરોઢીયે
વજ્રીના ભુવનોમાંથી આવી છે તું અશ્વો તારા ચલાવતી.
જોકે સુન્દરતા તારી સ્વર્ગ કેરી
સાથે સખ્ય રાખનારી જણાય છે
છતાં મારી ભાવનાઓ જાણી વધુ ખુશી થશે
કે તારા અધરોષ્ઠોએ સ્મયમાન મર્ત્ય માધુર્ય થાય છે,
ને હૈયું ધબકી તારું શકે એક માનવી મીટની તળે
ને છાતી તુજ સોનેરી સ્પંદમાન દૃષ્ટે એક બની શકે,
ને શકે ઉત્તરો આપી ક્ષોભ એના જગ-જાયા અવાજને.
અમારા કાળથી કિલષ્ટ સ્નેહોને જો લહેવાને સમર્થ તું,
પૃથ્વીનાં સુખ જો સાદી વસ્તુઓનાં સંતોષી તુજને શકે,
માટી પર ધરા કેરી દૃષ્ટિ તારી સંતોષે જો રહી શકે,
કાયા કાંચન શી તારી સંમુદાના સ્વર્ગીય સાર રૂપ આ
કરવાને થાક સાથે ગેલ હોય સમર્થ જો,
-જે થાકની કૃપા દ્વારા દબાયેલી રહે છે અમ ભૂમિકા-
ક્ષણિક સ્વાદ કૈં સ્વાદુ
મૃદુતાએ ભરેલાં ભૂ-દીધેલાં ભોજનોતણો
ને છલંગી જતા વેગી પ્રવાહનું
મધુપાન
તને રોકી શકે જો રથથી અવતીર્ણ થા.
થવા સમાપ્ત દે યાત્રા તારી આ ને અમારી પાસ આવ તું.
પાસે આશ્રમ છે મારા પિતા કેરો લતાકુંજે છવાયેલો,
આ મૂક વૃક્ષરાજોની ઉચ્ચ શ્રેણીતણી પૂઠે છુપાયલો;
એને ગાનો સુણાવે છે રંગપિચ્છે રમ્ય ગાયકમંડળી,
શાખાઓ પર જે ભાવે ભર્યા છે રંગ-અક્ષરો
તેમને સૂરસંગીતે પુનરુક્ત બનાવતી,
ભરતી ઘટિકાઓને સ્વરમાધુર્યથી રાગલયોતણા.
અસંખ્ય મધમાખોના તને સત્કારતા ગુંજનમાં થઈ
આક્રાન્ત કર તું રાજ્ય અમારું આ વનનું મધમીઠડું;
દોરી મને જવા દે ત્યાં તને એક અતિસંપન્ન જીવને.
અકિંચન અને સાદી છે આરણ્યક જિંદગી;
છતાં યે છે સજાઈ એ ઝવેરાતે જમીનના.
વાયુ ત્યાં વન્ય વાયે છે દોડનારા ઝૂલતાં તરુ-મસ્તકો
વચ્ચે આગંતુકો બની,
પ્રશાંત દિવસો વેળા સ્વર્ગ કેરી શાંતિના જેહ સંતરી
તે ઊંચે વ્યોમના જામા જામેલી પર પોઢતા
ને નીચે કરતા દૃષ્ટિ ઋદ્ધિમંતી રહસ્યમયતા તથા
નિઃસ્તબ્ધ ચૂપકી પરે,
ને વૈવાહિક પાણીડાં ક્ક્ષાલીન કરતાં ગાન ભીતરે.
બૃહદાકાર ને કાને જપતા બહુરૂપિયા
આસપાસ રહેલા છે મોટા દેવો અરણ્યના,
તેમણે શતકો કેરાં નિજ વૈભવધામના
મ્હેમાન માનવીઓનાં જીવનોને લીધાં છે નિજ બાહુમાં.
વસ્ત્રાભૂષણ સોનેરી અને લીલાં પ્રભાતો અંગ ધારતાં,
સૂર્યપ્રકાશ ને છાયા દીવાલોએ સચિત્ર જવની તહીં
તારા આરામને યોગ્ય ગૃહખંડો બનાવવા."
જાણે કે સુણતી હોય હજી તેનો સ્વર તેમ ક્ષણેક તો
અટકી એ તોડવાને જાદૂ ઈચ્છા ન રાખતી,
તે પછી ધ્યાનમુદ્રામાં વદી ધીરે જવાબમાં,
" સાવિત્રી નામ છે મારું, છું હું મદ્રદેશની રાજ્યકન્યકા.
પરંતુ કોણ છે તું ? ને ક્યાં સંગીતમીઠડા
નામે પૃથ્વી પરે લોકો પિછાને છે તને ? કહે,
રાજાઓનું કયું વંશવૃક્ષ પાણી પીને સૌભાગ્ય-સ્રોત્રનું
આખરે સુખિયા એક શાખાએ છે સુપુષ્પે શોભતું બન્યું ?
તારું યૌવન તેજસ્વી જે કાર્યોની કરતું અભિયાચના
તે તજી દૂર હ્યાં માર્ગ વિનાના આ અરણ્યમાં
ઘર તેં કેમ છે કર્યું ?
ધામો છે તાપસોનાં હ્યાં ને પૃથ્વીનાં જંગલી છે જનાવરો,
જહીં તું એકલા તારા સાક્ષી આત્મા સાથે પર્યટનો કરે
મનુષ્ય વણના લીલા એકાંતે હ્યાં નિસર્ગના,
છે આસપાસ હ્યાં મૌનોતણું નિઃસીમ રાજ્ય ને
શાંતિઓનો આધ અંધ મર્મરાટ જ વ્યાપ્ત છે ?"
સાવિત્રીને સત્યવાને કહ્યું ઉત્તરમાં પછી :
"નિજ દૃષ્ટિ હતી જોતી જે દિનોમાં સ્પષ્ટ જીવનને તદા
શાલ્વરાજ ધુમત્સેન રાજ્યસત્તા ચલાવતા
હતા પેલા સઘળા દેશની પરે,
જે આ વૃક્ષાગ્રની પૂઠે થઈને દૂર જાય છે
લીલમોએ ભર્યા હર્ષે દિવસો નિજ ગાળતો,
વિશ્રબ્ધ કરતો વાતો સફરી સમિરો સહ,
દક્ષિણાકાશની પ્રત્યે પાછી દૃષ્ટિ કરી વળે
ને પાસથી અઢેલે છે ચિંતનોમાં નિમગ્ન ગિરિમાળને.
પરંતુ સમ પ્રારબ્ધે રક્ષા દેતો નિજ હસ્ત હઠાવિયો,
જીવતી રાત્રિએ ઘેરી લીધા માર્ગો એ વીર્યવાન વીરના,
દેદીપ્યમાન દેવોએ સ્વર્ગ કેરા
બેધ્યાન બક્ષિસો દીધી હતી તે લીધ સંહરી,
શૂન્ય આંખોથકી સાહ્યકારી રશ્મિ સુખિયું તેમનું હર્યું,
ને એ ચંચલ દેવીને ગયા દોરી એની નિકટતા થકી.
બાહ્ય પ્રકાશના મોટા રજ્યમાંથી બહિષ્કૃત,
દેખતા માણસો કેરો ગુમાવી સહવાસ, એ
બે એકાંતોમહીં વાસ કરીને નિજ છે રહ્યા-
એક અંતરના, બીજા સુગભીર મર્મરંતા અરણ્યના.
તે મહારાજનો પુત્ર, સત્યવાન, હું સંતોષે રહેલ છું,
કેમ કે મેં તને જાણી હતી નહિ હજી સુધી,
નિવાસ મુજ છે ઉચ્ચ સત્ત્વનો વસતીતણા
એકાંતમાંહ્ય આત્મના
ને મારી સાથ સંબંધ રાખનારા
પ્રાણપૂર્ણ આ જંગી મર્મરાટમાં
નિઃસીમતા મને પોષી રહી છે, હું શિષ્ય છું નિર્જનત્વનો.
મહાપ્રકૃતિ મા આવી પુનઃપ્રાપ્ત પોતાના શિશુની કને;
જડ માટી પરે બાંધી શકે માનવ, તે થકી
ઉદારતર રાજ્યે હું બની રાજા રહેલ છું;
ભેટો મને થયેલો છે સાદી-સીધી આદિમા ધરણીતણો,
બાલ પ્રભુતણી સાથે માણું છું હું ઘનિષ્ટતા.
વાસખંડોમહીં ભવ્ય શોભમાન સચિત્ર જવની વડે
મહાવિશાળ મ્હેલોમાં એના હું મુક્ત છું વસ્યો,
સ્નેહાળ આપણી સૌની માતાનાં લાડ માણતો,
એના ઘરમહીં મોટો થયો છું હું નિસર્ગના
ભાંડુઓ સાથ માહરા,
આશ્લેષે સ્વર્ગના ખાલી ને વિશાળા સૂતો 'તો હું નિરાંતનો,
સૂર્યપ્રકાશની શુભ્ર આશિષે છે આલિંગ્યું ભાલ માહરું,
ચંદ્રપ્રભાતણી રૌપ્ય સંમુદાએ સ્વચુંબને
પોઢાડયાં પોપચાં મારાં રાત્રિવેળા ભારે બનેલ છાયથી.
પ્રભાતો પૃથિવી કેરાં મારાં બની ગયાં હતાં
આછેરા મર્મરાટોએ પ્રલોભાઈ લીલે વાઘે સજાયલી
હોરાઓ સાથ ઘૂમ્યો છું પડી ભૂલો વનોમહીં,
વાને ને વારિઓ કેરા અવાજો પ્રતિ છું વળ્યો,
ભાગીદાર બન્યો છું હું સૂર્યના હર્ષની મહીં,
સાંભળી છે દઈ કાન સૃષ્ટિ કેરી સરસ્વતી :
મારી અંદરનો આત્મા સંતુષ્ટ જાણતો હતો
કે છે દેવોતણા જેવો જ્ન્માધિકાર આપણો,
ને વિશાળા વૈભવ છે ભર્યું જીવન આપણું,
અને પૃથ્વી તથા વ્યોમો સમીપસ્થ સંપદો એહની જ છે.
દોરી લાવ્યું મને દૈવ આ લીલી દુનિયામહીં
તે પ્હેલાં ભીતરે પૂર્વ-ઝાંખી દેતો થયો સ્પર્શ જગાડતો
ને મારા મનમાં પુર્વજ્ઞાન પ્રથમનું થયું
જે આવ્યું પૃથિવી કેરી મોટી મૂગી પ્રાણીની ચેતના કને;
જે જૂના ભભકા છોડી મહાભવ્ય ઝાંખા વિરાટ મર્મરે
આવ્યું હું કરવા વાસ તેની સાથે
હવે આવો ગાઢ સંબંધ રાખતી..
દૃષ્ટિ અંતરની એક ને સંવેદન ભીતરી
લાવ્યું એક પ્રબોધન,
પૃથ્વીની જીવતી ચિત્રમાળા એણે
જાણે સ્થાપી ઉઠાવીને આત્માની ગહરાઈમાં.
દૃષ્ટિવંતો મંત્ર એક પડયો પૂઠે મારા બાલ્ય-દિનોતણી,
રંગીન રેખામાં આંખે વસ્તુઓ જે ગ્રહી હતી
તે નવેસર દેખાઈ અર્થધોતી મન કેરી સહાયથી
ને આકારમહીં એણે ચાહ્યું લેવા પકડી અંતરાત્મને.
એક આરંભના બાલ-દેવે લીધો કબજો મુજ હસ્તનો,
એને પ્રેર્યો અને દોર્યો શોધતા નિજ સ્પર્શથી
લઈ પકડમાં લેવા
રૂપે ઉજ્જવળ ને રંગે એની આંખો સમીપે સંચરંત જે;
પાને ને પથરાએ એ આલેખાઈ માણસો સાથ બોલતાં.
સહવાસી હતા મારા મુલાકાતી ઉચ્ચ સુંદરતાતણા.
હેષાઓ કરતું ગર્વે વાયુ-યાળી
અમારાં ગોચરોમાં જે જવી જીવન ઘૂમતું
તેણે જોતા મનોભાવ પર મારા નાખ્યાં છે રૂપ વેગનાં;
સાંજના નભની સામે બિંદીવાળાં ટોળાંઓ હરણાંતણાં
આત્માના મૌનને માટે ગીતરૂપ બની જતાં.
ઓચિંતો વીજને વેગે અંધારાયેલ પલ્વલે
પડતો કલકોડિયો
મેં સનાતન કો આંખ સ્થાને છે અવલોકિયો;
સુનીલ સરને રૂપા-રંગધારી બનાવતો
તરતો મંદ હંસલો
છે જોયો મેં ચમત્કારી શ્વેતવર્ણ સરતો સ્વપ્નની મહીં;
આવેગે વાયુના કંપમાન પર્ણ બની જતાં,
અનંતતાથકી પાસે આવનારી પાંખો ભ્રમણશીલ, તે
અંતર્દ્દ્રુષ્ટિતણી મારી તકતીઓ પરે વસ્યાં;
ખડા ગિરિ અને વૃક્ષો વિચારો શાં આવતા પ્રભુ પાસથી.
સચેત કુસુમો જેવાં હવા કેરાં પ્રમુદંત પતંગિયાં,
તેજીલા પિચ્છકે છાયા લંબચંચૂ ઝબૂકતા,
વાયરે ચંદ્રકો આમતેમ મોર વિખેરતા
ભિત્તિ ચિત્રમયી હોય તેમ મારી સ્મૃતિને રંગતા હતાં.
કાષ્ઠ-પાષાણમાંથી હું દૃષ્ટિ મારી કંડારી કાઢતો હતો;
પડઘા ઝીલતો 'તો હું પરમોદાત્ત શબ્દના
ને છંદોમયતા દેતો લયવાહી તાલોને અણસીમના
અને સંગીતના દ્વારા સુણવા ધ્યાન આપતો
હું સનાતન સૂરને.
છુપો સ્પર્શ લહેતો હું, સુણતો એક સાદને,
લઈ ન શકતો બાથે કિંતુ મારા પ્રભુ કેરા શરીરને
કે વિશ્વમાતના પાય બે હાથે હું ઝાલી ન શકતો હતો.
મળતા 'તા મનુષ્યોમાં મને અંશો વિચિત્ર એક આત્મના
જે ખંડો શોધતો 'તો ને ખંડોમાં વસતો હતો :
પોતાની જાતમાં રે'તો હતો પ્રત્યેક જીવ ને
પોતાની જાત માટે જ માત્ર એ જીવતો હતો,
અને અન્યોતણી સાથે બાંધતો 'તો સંબંધો અલ્પ કાળના;
સપાટી પરના હર્ષ-શોક માટે નિજ ઉત્સાહ દાખતો,
ન સનાતનને જોતો એના ગુપ્ત નિવાસમાં.
વાતો પ્રકૃતિની સાથે કરી છે મેં,અને અજ્ઞાન રાત્રિમાં
પ્રભુના પ્રહરી અગ્નિ જવલતા નિર્વિકાર જે
તારાઓ તેમની સાથે થયો છું લીન ચિંતને,
ને સનાતન સૂર્ય કેરું રશ્મિ દિવ્ય સંદેશ લાવતું
જોયું છે પડતું ઘોર એવા વદનની પરે.
અરણ્યે ધ્યાનમાં લીન મુનિઓની સાથે હું બેસતો હતો :
હીરક-જ્યોતિના સ્રોતો રેલાતા ત્યાં જગાડતા,
સર્વમાં એક છે તેની હાજરીની ઝાંખીઓ મુજને થતી.
છતાં ઊણપ રે'તી 'તી આખરી છે તે પરાત્પર શક્તિની
ને જડ દ્રવ્ય નિદ્રામાં હજુ રે'તું પોતાના પ્રભુના વિના.
પામતો 'તો પરિત્રાણ આત્મા માત્ર, દેહ નષ્ટ અને આવક્
જીવતો મૃત્યુની સાથે ને પુરાણી અવિદ્યા સાથમાં લઈ;
અચિત્ એનો હતો પાયો ને એનું ભાવી શૂન્યતા.
પરંતુ આવવું તારું થયું છે ને બદલાઈ બધું જશે :
તારાં સુવર્ણ અંગોમાં જગદંબા લહીશ હું
ને પવિત્ર સ્વરે તારા એનાં જ્ઞાનવચનો સાંભળીશ હું.
શૂન્યના શિશુનો થાશે પુનર્જન્મ પ્રભુ કેરા સ્વરૂપમાં.
મારામાં દ્રવ્ય છે જેહ તે અચિત્ ની સમાધિ જડ ટાળશે,
આત્માની મુજ છે તેવી મુક્તિ મારો દેહ સુદ્ધાંય પામશે,
મૃત્યુના ને અવિદ્યાના પાશોમાંથી એ નિર્મુક્ત બની જશે."
હજી વિચારમાં મગ્ન સાવિત્રીએ એને ઉત્તરમાં કહ્યું :
" કહે મને વધારે તું, સત્યવાન ! વધારે તું કહે મને,
કહે તારે વિષે ને જે છે તું અંતરની મહીં
તે બધું મુજને કહે;
આપણા આત્મને ધામે જાણે સાથે રહેલાં આપણે હતાં
હરહંમેશથી તેમ માગું હું જાણવા તને.
જ્યાં સુધી હૃદયે મારે આવે જ્યોતિ
ને મારો અમરાત્મા જે સૌનાં સંવેદનો કરે
તે સંપ્રેરણ પામેલું મર્ત્ય મારું મન સૌ સમજી શકે
ત્યાં સુધી બોલતો રહે.
મારા જીવનના સ્વર્ણ વિસ્તારોની મહીં થઈ
પૃથ્વીની મુખમુદ્રાઓ અને રૂપોતણા મોટા સમૂહમાં
જેની શોધમહીં આત્મા હતો મારો તે છે તું, એક તું જ છે
એવું મારા મનને સમજાય છે."
અને અત્યાગ્રહી એક
સાદ દેતી બંસરીને જાણે એક હોય જવાબ આપતી
વીણા, તેમ સત્યવાન એના પ્રશ્નતણા ઉત્તરમાં વધો,
અને વીણાતણા રંગરંગવાળા તરંગમાં
એણે એની ભણી હૈયું પોતાનું રેલવ્યું પછી :
" સાવિત્રી અનવધાંગી ! શુભ્ર સ્વર્ણવર્ણ રાજકુમારીકા,
મારે માટે અજાણી તું છે જે સર્વ
ને અધૂરા શબ્દ મારા કહેવા જે સમર્થ ના,
તે બધાથી વધારે હું માગું છું ક્થવા તને,
પ્રેમનો ઝબકારો જે પ્રકટાવે તે બધું બોલવા ચહું.
પડદાને હઠાવંતા એક મોટા મુહૂર્તમાં
પામ્યો છું સ્વલ્પ સામીપ્ય
તેણે યે છે નવે ઘાટે ઘડી આ મુજ જિંદગી.
કેમ કે અવ જાણું છું કે જે સર્વ જીવ્યો હું મુજ જીવને
અને જે સર્વ હું હતો
તે ગતિ કરતું 'તું આ પળ પ્રત્યે
મારા હૈયાતણા નવલ જન્મની;
પાછી દૃષ્ટિ કરી જોઉં છું ઉદ્દેશ પ્રત્યે મારા સ્વરૂપના
તો મને થાય છે સ્પષ્ટ કે માટી પર ભૂમિની
તારે માટે જ તૈયાર આત્મા મારો થતો હતો.
છે બીજા માણસો કેરા તેવા એકવાર મારા દિનો હતા :
વિચારવું અને કર્મ કરવું જ બધું હતું,
ભોગ ભોગવવામાં ને શ્વસવામાં સમાઈ સઘળું જતું;
મર્ત્ય આશાતણી એ જ હતી વિસ્તીર્ણતા અને
હતી ઉત્તુંગતાય એ :
છતાંય ગહનાત્માની ઝાંખી આવતી હતી,
છે જે જીવની પૂઠે
ને જે એને પ્રવર્તાવી એની પાસે સ્વ-દૃશ્યો ભજવાવતો.
લહેવાતું હતું એક સત્ય જે સ્વ સ્વરૂપને
મનનો પડદા પૂઠે છુપાવી રાખતું હતું,
લહેવાતી મહત્તા જે પ્રવર્તંતી ઉદ્દેશ સાધવા,
ને અસ્પષ્ટપણે પૃથ્વીતણાં રૂપોમહીં થઈ
ડોકિયું કરતું કૈંક જે-રૂપ જિંદગી નથી
ને છતાં યે હોવી તો તેહ જોઈએ.
માર્યાં મેં આંધળાં ફાંફાં
રહસ્યમયતા માટે લઈ દીપ વિચારનો.
તાર્કિક શબ્દથી એની ઝલકોએ
અજવાળી અર્ધ-દૃશ્ય જમીનને
ને એક વારથી બીજે વારે આગળ ચાલતાં
આત્મા ને પ્રભુનાં શાસ્ત્રો કેરું એણે માનચિત્ર બનાવિયું.
એણે જે સત્ય ઉચ્ચાર્યું ને વિચાર્યું તે હું જીવી શક્યો નહીં.
દેખીતી વસ્તુઓમાં હું રૂપ એનું લેવાને પકડે વળ્યો,
મર્ત્ય માનસથી એનો ધર્મ નક્કી કરવાની ઉમેદથી
વિશ્વ-નિયમનું લાધું મેં બંધારણ સાંકડું
મુક્તિ માથે અનંતની,
બાહ્ય સત્યતણું લાધું કઠોર દૃઢ માળખું,
મનની યોજના લાદી એક યાંત્રિક શક્તિની.
ન શોધાયેલ અંધાર આં પ્રકાશે આણ્યો વધુ પ્રકાશમાં;
મૂળ ગુહ્યને એણે વધુ ગુહ્ય બનાવિયું.
વૈશ્વાવરણ પોતાનું એ વિશ્લેષી શક્યો નહીં,
અદભુતો કરનારનો છૂપો હાથ ન એહ નીરખી શક્યો,
ન રેખાકૃતિ એ આંકી શક્યો એનાં જાદૂ-આયોજનોતણી.
મારી મેં ડૂબકી એક દૃષ્ટિવંતા મને આંતર દેશના
ગુલામ ગભરાયેલો મનનો જે બનાવે છે પદાર્થને
તે છૂપા નિયમોનું ને જાદુઓનું મને જ્ઞાન થઈ ગયું.
નિકાલ ગુહ્યનો આવ્યો નહીં, એ તો ગાઢું ગુહ્ય બની ગયું.
સૌન્દર્ય ને કલા દ્વારા એનાં સૂચન પામવા
મેં પરિશ્રમ આદર્યો,
પરંતુ ભીતરે વાસ કરી જે શક્તિ છે રહી
તેના ઘૂંઘટને રૂપ હઠાવી શકતું નથી;
આપણા હૃદયો પ્રત્યે ફેંકે છે એ ખાલી નિજ પ્રતીકને.
એણે એક આત્મભાવ જગાડયો ને ગોચર જ્ઞાનની મહીં
છૂપો છે ધ્યાનમાં લીન મહિમા સૌ
તેની સંજ્ઞાતણી આવાહના કરી :
રશ્મિમાં હું રહેતો 'તો કિંતુ સૂર્ય-સંમુખે હતો નહીં.
જોતો 'તો જગને કિંતુ આત્માને ચૂકતો હતો,
ને જયારે પામતો આત્મા ત્યારે ખોતો હતો જગત્ ,
મારાં અન્ય સ્વરૂપો ને પ્રભુ કેરા દેહને હું ગુમાવતો,
કડી ગુમાવતો 'તો હું સાન્તની ને અનન્તની,
સેતુ આભાસ ને સત્ય વચ્ચેનો હું ગુમાવતો,
જે માટે જગ સર્જાયું તે ઉદ્દેશ ગૂઢ લુપ્ત થઈ જતો,
અમૃતત્વતણી લુપ્ત થતી માનવ ભાવના.
પરંતુ પગલે તારે મારી પાસે આવી હેમ-કડી હવે,
પ્રભુનો સ્વર્ણનો સૂર્ય તારા વદનથી હવે
મારી પર પ્રકાશતો.
કેમ કે અવ આવે છે તારી સાથે નવું રાજ્ય સમીપમાં,
ને ભરે શ્રવણો મારા દિવ્યતર સ્વરો હવે,
તારી દૃષ્ટિમહીં એક નવી સૃષ્ટિ
મારી પ્રત્યે તરી અદભુત છે રહી
અજાણ્યાં ગગનોમાંથી પાસે આવી રહેલી તારકા સમી;
પોકાર ભુવનોનો ને દીપ્યમાન દેવોની એક ગીતિકા
આવે છે તુજ સાથમાં.
સમૃદ્ધતર ઉચ્છવાસ ખેંચું છું ને
ચાલું છું ક્ષણો કેરા જોશે પૂર્ણ પ્રયાણમાં.
સ્વરૂપાન્તર પામીને મન મારું પ્રહર્ષણે
પૂર્ણ દ્રષ્ટા બનેલ છે
મહાસુખોર્મિઓમાંથી આવતું ફેન ઊછળી,
ને એણે પલટી નાખ્યું હૈયું મારું,
નાખી છે પલટી એણે ધરિત્રી આસપાસની :
તારા આગમને સર્વ ભરપૂર બની જતું.
તારી દૃષ્ટિ વડે મારી મહીં છે પલટો થયો,
તેથી હવા અને માટી અને સ્રોત તારે યોગ્ય બની જવા
વસ્ત્ર ભૂષા વિવાહોચિત ધારતાં,
ને તારા વર્ણની છાયા બની સૂર્યપ્રભા જતી.
તિરસ્કારી કાઢતી ના અમારી આ જમીનને,
જ્યોતિના રથથી તારા ઊતરી મુજ પાસમાં
આ શાદ્વલ પરે લીલા સમીપતર આવ તું,
તારે માટે રચાયેલાં છે અહીં ગુપ્ત સ્થાનકો,
ગુહાઓ લીલમી એની ઝંખે તારા રૂપને અવગુંઠવા.
આ મર્ત્ય સંમુદાને તું ક્ષેત્ર તારું, કહે, નહિ બનાવશે ?
ઓ મહાસુખ ! નીચે તું આવ તારા હેમચંન્દ્રી પદો લઈ,
પૃથ્વી કેરાં તલોને તું શ્રી સમર્પ
જે તલોની નિદ્રાએ પોઢતા અમે.
સાવિત્રી ઓ ! શુભ્ર સૌન્દર્યની રાજકુમારિકા,
મારે મોદે અને તારે હર્ષે પ્રેરાયલી બળે
તારે ધામે અને તારે મંદિરે તું પ્રવેશ મુજ જીવને.
આત્માઓ જ્યાં મળે છે તે મહાશાંતિતણી મહીં
મારી નીરવ ઇચ્છાથી દોરાયેલી આવ તું મુજ કાનને
મર્મરંતાં અને ઝાંખાં તોરણોને દે તારા પર ઝૂકવા;
નિત્યની વસ્તુઓ કેરા પ્રાણ સાથે બનીને એક તું રહે,
ધમકો તુજ હૈયાની મારા હૈયા કેરી નિકટની બનો,
આમ અંતે મંત્રમુગ્ધ ક્ષણ એક ફોરતાં ફૂલમાંહ્યથી
ઊછાળી બ્હાર આવશે,
ને એને કરશે યાદ સઘળા મર્મરધ્વનિ,
અને પ્રયેક પંખીડું સ્મરશે નિજ કૂજને.
અનુરાગ ભર્યાં એનાં વેણોથી લલચાઈને
આત્મા અગાધ સાવિત્રી કેરો એની પાંપણોની પરે ઠર્યો
ને એનાં લોચનોમાંથી અવલોકી રહ્યો એ સત્યવાનને;
ને રસાળા સ્વરે એના અધરોષ્ઠે સરી વધો.
આ વાક્યમાત્ર બોલ્યો એ ને તે સાથે બોલી નાંખ્યું બધાયને :
"ઓ સત્યવાન ! મેં સર્વ સુણ્યું તારું ને મને જ્ઞાત છે થયું;
જાણું છું કે તું જ એક, તું જ તે એકમાત્ર છે."
નકશીદાર પોતાના રથમાંથી પછી એ ભોંય ઊતરી,
મંજુલ સ્ખલતી એની હતી ત્વરા;
બહુરંગી વસ્ત્ર એનાં જોતે ઝબકતાં હતાં,
વાયુવિક્ષુબ્ધ ઘાસે એ આમતેમ ક્ષણેક ઘૂમતાં ગયાં,
એના અંગતણી આભા સાથે મિશ્ર થઈ ઝલક એમની,
ઊતરી બેસતા કોઈ કેરા રમ્ય પિચ્છક્લાપની
શોભાઓ સરજાઈ ત્યાં.
લસતા ચરણો એના લીલમી સ્વર્ણ શાદ્વલે
ભમતાં કિરણો કેરી સ્મૃતિને વેરતા હતા,
સ્થળ આગળથી અલ્પ કાળ માટે એ પસાર થઈ, તદા
અનુકતેચ્છા દુલારી શી ધરા કેરી હળવે દાબતા હતા.
પછી તો લસતાં તેજી ફૂદાં જેમ ત્વરા કરી
વન કેરી કિનારીના સૂર્યોજજવલ કરો થકી
સાવિત્રીના કરે લીધો
પુષ્પોના ગુચ્છનો ભાર રંગરંગીન રત્ન શો
સહચારી બન્યો 'તો જે લહરંતી વસંતનો.
માળા સરળ ને સાદા રૂપવાળી રચાઈ ત્યાં
ઝડપી આંગળીઓને પુષ્પગીત પઢાવતી
વિવાહ સ્તવની તૂકબંધીની જ્યાં હતી ગતિ.
ઘેરી સુગંધવાળાં ને રંગમાં તરબોળ એ
પુષ્પોએ રંગ-સંજ્ઞાઓ ઝંખાની નિજ મેળવી,
અને પવિત્રતા કેરું પ્રાફૂલ્લ્ય અનુરાગની
સાન્દ્રતાની સાથે એક બનાવિયું.
સંસ્કાર સંમુદાનો આ
પુષ્પપ્રતીક પોતાની અર્પેલી જિંદગીતણું,
લીધું એને મહામૂલું માનનારા કરોમહીં,
અને જે ગાઢ સામીપ્ય માટે આત્મા એનો ઉત્ક બન્યો હતો
તે સામીપ્યે જરા હાવે કંપમાન કરે ઊંચું કર્યું અને
આ માધુર્યતણો માલારૂપ બંધ,
એકતાની નિશાની સુખશોભાના,
પોતાનો પ્રેમ જે વક્ષ:સ્થલનો લોભ રાખતો
હતો તેને સમર્પિયું.
તુષાર-ધુમ્મસે છાયા પોતાના મહિમાથકી
પ્રકાશ્યો હોય ના જાણે કો કૃપાવંત દેવતા,
તેમ પાયે સત્યવાનતણા પડી
સાવિત્રીએ પદસ્પર્શ કર્યો એનો આરાધનાર હસ્તથી;
એના સંચારને માટે જગ એણે બનાવી નિજ જિંદગી,
એના આનંદનું ધામ બનાવ્યો નિજ દેહને,
સ્પંદતા નિજ હૈયાને સંમુદાનું સ્વરનારૂ બનાવિયું.
સાવિત્રી પ્રતિ એ ઝૂકીયો, સંપુટાયેલ આશ શો
લગ્નાભિલાષ બન્નેનો ભર્યો એણે પોતાના અભિલાષમાં;
ને જાણે એક સંપન્ન સૃષ્ટિ સારી
ઓચિંતાંની પોતાની હોય ના બની,
પોતે જે સૌ હતો તેની સાથ સંલગ્નતા ધરી
તદાકાર ન હો બની,
અખૂટ એક આનંદ જાણે એનો એકનો જ ન હો બન્યો,
તેમ સમસ્ત સાવિત્રી એણે આલિંગને ભરી.
ગાઢ ભાવભર્યાં ધીરાં વરસોમાં બંધાયેલ ઘનિષ્ઠતા
કેરી બન્યો નિશાની એ આશ્લેષ સત્યવાનનો
આગામી સંમુદા કેરો પ્હેલો મીઠો ઉપસંહાર એ હતો,
સારી લાંબી જિંદગીનો હતો સાર સંક્ષિપ્ત સાન્દ્રતાભર્યો.
બે આત્માઓ મળે જેમાં તે એક મહતી પળે
જેમ સરિત્ તરંગાતી મહાસિંધુમહીં રેલાઈ જાય છે,
સાવિત્રીએ લહ્યો તેમ નિજાત્માને
સત્યવાનમહીં પ્રવહતો જતો.
પ્રભુમાં જે સમે એક આત્મા જાય હળીમળી
એનામાં વસવા નિત્ય, એનો આનંદ માણવા
તેમ ચૈતન્ય સાવિત્રી કેરું મોજું સત્યવાનતણું બન્યું
ને તેનામાં વિલોપાયું પૃથગ્-ભાગી સર્વ સ્વરૂપ એહનું.
નભ તારા-ખચ્યું જેમ સુખી પૃથ્વી લે ઘેરી આસપાસથી
આનંદ-વર્તુલે તેમ સત્યવાને પોતાની જાતની મહીં
સાવિત્રીને ભરી તથા
કર્યું જગતને બંધ પોતાનામાં તેમ તેણી તણી મહીં.
બેશુમાર પૃથક્ તાએ એ બન્નેને એકરૂપ બનાવિયાં;
સાવિત્રીએ હતો એને ઘેરી લીધો એવું એ જાણતો હતો,
એને નિજાત્મામાં દીધી એણે પ્રવેશવા,
જેમ વિશ્વાત્મથી વિશ્વ ભરપૂર બની જતું,
જેમ મર્ત્યાત્મ ઊઠે જાગી શાશ્વતતામહીં,
જેમ અનંતની પ્રત્યે અંતવંત ઉઘાડું થઈ જાય છે.
આમ ક્ષણેક તો બન્ને રહ્યાં લીન બની અન્યોન્યની મહીં,
પછી મહામુદા કેરી તેમની એ લાંબી સમાધિમાંહ્યથી
થઈ નિવૃત્ત બેઉ એ
આવ્યાં નવે સ્વરૂપે ને નવા એક જગત્ મહીં,
પ્રત્યેક એકબીજાની એકતાનો એક અંશ હતાં હવે.
હતું જગત, તે કિંતુ સ્થાન માત્ર બેઉની આત્મપ્રાપ્તિનું,
યા તો સંલગ્ન તેઓના આત્મા કેરો દેહબંધ બૃહત્તર.
દીના ઉચ્ચ અને ઉજ્જવલ ગુંબજે
છેડા બાંધ્યા વિધાતાએ ઉષાના પરિવેશની
પ્રભાના રશ્મિ-સૂત્રથી,
સમર્પી તે સમે સેવા મુહૂર્ત્તે શુભ એક ત્યાં,
સૂર્યના સાક્ષ્યમાં હૈયાં જોડાઈ એક ત્યાં થયાં,
વિવાહ-વેદીનો વહનિ પ્રકટયો ને
શાશ્વત પ્રભુ કેરાં ને પ્રભુની પ્રેયસીતણાં
મનુષ્યરૂપમાં પાછાં વસુધાએ વિવાહમંગલો થયાં :
વિશ્વનાટકાના એક નવે અંકે
વિવાહયોગ પામેલાં બેએ કીધો શરૂ યુગ મહત્તર.
મૌને ને મર્મરે એહ લીલમી દુનિયાતણા
પવિત્ર મંત્રના જાપે પુરોહિત સમીરના
અને કર્ણો જપો મધ્યે પર્ણનાં મંડળોતણા
પ્રેમનું યુગ્મ યોજાયું ને એ એક બની ગયું.
સ્વાભાવિક ચમત્કાર થયો સિદ્ધ ફરીથી એકવાર ત્યાં :
નિર્વિકાર આદર્શ વિશ્વની મહીં
માનવીય પળે એક પ્રાપ્ત શાશ્વતતા કરી.
તેમનાં જીવનો કેરો જ્યાં મેળાપ થયો હતો
તે કેડીના માર્ગે માર્ગે થઈ પછી
સત્યવાન ગયો દોરી સાવિત્રીને
અને એને બતાવ્યું ત્યાં એનું ભાવિતણું જગત્ ,
પ્રેમનું આશ્રયસ્થાન અને ખૂણો સુખી એકાંતતાતણો.
અંત જ્યાં માર્ગનો આવ્યો ત્યાં વૃક્ષોની લીલેરી એક ફાટથી
જોયો એણે તાપસોના માર્ગો કેરા એક રેખાસમૂહને,
ને પ્હેલી વાર પોતાના હૈયા કેરા ભાવિના ગૃહની પરે
કરી દૃષ્ટિ કુટી જોઈ
છાવરી જે રાખતી 'તી જિંદગી સત્યવાનની.
વલ્લરીઓ અને લાલ પુષ્પવંતી લતાઓએ સુહામણી,
લીલમી શાંતિના શુદ્ધ રક્ષાયેલા સ્વસદ્મમાં
અલોકો વિખરાયેલા અને પિંગળ છે વધુ,
એવી સ્વપ્નામહીં સૂતી વન કેરી સુંદરી સમ શોભતી.
વનનો તાપસી ભાવ આસપાસ એની વિસ્તરતો હતો,
ને સ્વ એકાંતતા કેરાં ઊંડાણોમાં શમી જતો.
પછી અવર્ણ્ય ને ઊંડા આનંદે ઉચ્છલા થઈ,
અલ્પ ઊંડાણ શબ્દોમાં એના સ્ફુરણ પામતાં,
સુખિયા સ્વરથી બોલી ઊઠી એ ને સંબોધ્યો સત્યવાનને.
" હોઈશ દૂર હું ત્યારે
મારું હૃદય હ્યાં રે'શે પ્રાંતરે આ અરણ્યના,
અને આ પર્ણથી છાઈ કુટી કેરી સમીપમાં :
હવે જરૂર ના એને વધારે અટવાતણી.
પણ પાછા વળી મારે
મારા પિતાતણે ઘેર જોઈએ ઝડપે જવું,
જે પ્યારાં પગલાંઓના જાણીતા રવને હવે
અવિલંબ ગુમાવશે,
ને નહીં સુણવા પામે સ્નેહસેવ્યો સૂર યત્ન કર્યા છતાં,
કેમ કે જલદી પાછી અહીં આવીશ હું ફરી
ને પુનઃપ્રાપ્ત આનંદ એકતાનો વિયોજાશે નહીં કદી,
અને છે પ્રાણ ત્યાં સુધી
આપણાં જીવનોને ના વિખૂટાં પાડશે વિધિ."
એકવાર ફરી એણે
આરોહ્યો રથ પોતાનો કલાકોતરણી ભર્યો;
ને મધ્યાહનતણી આગ હતી જે ઉગ્ર તે તળે
લગામ ઝડપે ખેંચી અશ્વો કેરી ઊપડી એ ઉતાવળી,
દીપ્તિ મધ્યાહનની એના વિચારોની
અને સ્વપ્નોતણી દીપ્તિથકી અધિક ના હતી;
ઝડપી હૃદયે તો ય દેખતી 'તી સાવિત્રી સત્યવાનને,
શાંત નિર્મળતાઓમાં દૃષ્ટિ કેરા અંતરસ્થ જગત્ તણી,
શીળી સુવાસથી વ્યાપ્ત ઋદ્ધિમંતી વનની છાયની મહીં,
રૂક્ષ મોટાં થડો વચ્ચે છાયાલીન પથો પરે
વનના એક ખુલ્લા કો સ્થાન પ્રત્યે પગલાં માંડતો જતો
સત્યવાન સાવિત્રી દેખતી હતી
વૃક્ષો મધ્યભાગે એ કુટી માટે હતું મંદિરિયું રચ્ચું,
હતું એ આશ્રયસ્થાન નવી ઊંડી પોતાની સુખશાંતિનું,
એના આત્માતણું દેવસ્થાન, સદ્મ સ્વર્ગોથી સરસું વધુ.
અત્યારે આ એના સાથમહીં હતું.
એના હૈયાતણી સામે દૃશ્ય અખંડ આ હતું.
પાંચમું પર્વ સમાપ્ત
પર્વ ૬
વિધિનો શબ્દ
મર્ત્ય લોકની સીમાઓ આગળની મહાશાંતિના પ્રકાશિત પટને ઓળંગી ગાતા ગાતા દેવર્ષિ નારદ આવ્યા, અને શ્રમ ,શોધ, શોક અને આશાની ભૂમિકા તરફ વળ્યા. ત્યાં એક ગુપ્ત આત્મા શ્વસી રહ્યો હતો, મૃત્યુરસનો ત્યાં આસ્વાદ હતો, દેવોનો સનાતન શ્રમ ત્યાં ચલતો હતો.
પ્રાણીઓ અને મનુષ્ય જીવો ઉપર દૃષ્ટિપાત થતાં દેવર્ષિના ગાનના સ્વરો બદલાયા. હવે એમણે વૈકુંઠનાં ગણાં છોડી અજ્ઞાનનાં, દૈવનાં ગણાં આરંભ્યાં, ને પરિત્રાતા વિષ્ણુ ભગવાનનું નામ લેવા માંડયું. જગતનો ગૂઢ જન્મ, તારાઓની ઉત્પત્તિ, જીવનનો આરંભ, ચૈતન્યની ધબકો એમના ગાનનો વિષય બન્યો. અચિત્ રહસ્ય-મયતા, જ્યોતિ માટે ઝંખતો અંધકાર, માનવ હૃદયના પ્રત્યત્તરની રાહ જોતો પરમ પ્રેમ, અમૃતે આરોહતું મૃત્યુ, રાત્રિના હૃદયમાંથી પોકારતું પરમ સત્ય, પ્રકૃતિ-માતાનું ગૂઢ પ્રજ્ઞાન, જડ જગતમાંથી પ્રકટ થતો પ્રાણ, પશુમાં ને મનુષ્યમાં પ્રબોધ પામતું ચૈતન્ય, ભાવી મહિમા, અમર દેહો, પરમ રૂપાંતર ને પરમ આનંદ,-આ સૌના સૂરો એમના ગાનમાં પ્રકટ થવા માંડયા. અને એમનું ગાન સુણીને, આખરે પોતાના ઉદ્ધારનો દિવસ નજીક આવી રહ્યો છે એ વિચારે અસુરોની આંખો પણ ભીની થઈ ગઈ.
અમર ધામો ઉપર અધિકાર ધરાવનારા એ દિવ્ય માનવ પૃથ્વી ઉપર પધાર્યા, ને રાજા અશ્વપતિએ તથા રાણીએ પોતાના ગગનચુંબી રાજમહેલમાં એમનો આદરસત્કાર કર્યો. પતિપત્નીએ જગતની જંજાળમાંથી મૂહુર્તેક મુક્ત થઈ દેવર્ષિની દિવ્ય સંગીતમયી વાણીનો આસ્વાદ આરંભ્યો. માનવજાતના પરિશ્રમો. દેવોના પૃથ્વી ઉપરના ઉદ્દેશો, દુઃખની પૂઠે સ્પંદી રહેલો ગૂઢ આનંદ દેવર્ષિના સૂરોમાં આલાપાયો. પ્રેમનું પદ્મહૃદય, એની સત્યમયી સહસ્ર પાંખડીઓ આભાસો પાછળ અવગુંઠનમાં કેવી ઊંઘી રહી હતી તે એમણે ગાયું. પ્રત્યેક સ્પર્શે એ કેવી પ્રસ્પંદિત
થાય છે, ને એક દિવસ દિવ્ય પ્રેમીની પ્રાપ્તિ થતાં પ્રેમીના બાગમાં કેવી પ્રફુલ્લિત થઈ ઊઠશે અને મહાસુખના મધુર સ્વર સાંભળશે, એ એમણે ગાયું. પૃથ્વી પોતાની તામિસ્ર તંદ્રામાંથી જાગી ઉઠશે, એનાં મનનાં સ્વપ્નાંમાથી બહાર નીકળશે, અને પ્રકટ થયેલા પ્રભુના મુખનાં મંગળ દર્શન કરશે, આમ એ ગાતા હતા ત્યાં સાવિત્રીનો રથ આવી પહોંચ્યો અને પ્રેમના પ્રભામંડળથી પ્રકાશિત મનોહર મુખ સાથે ને આંખોમાં આનંદની ઝલક લઈ સાવિત્રી પિતાની સમીપમાં ઉપસ્થિત થઈ અને ત્યાં એણે પરમેષ્ઠીના પુત્ર નારદનાં દર્શન કર્યાં.
દેવર્ષિએ પોતાની અમર દૃષ્ટિ એની ઉપર ફેરવી અને જાણે પોતે કશું જાણતા ન હોય તેમ એને સોદગાર સંબોધી: : " કોણ આ વધૂ આવી છે, જવાળામાંથી જન્મી હોય એવી ને વિવાહના વૈભવોથી વિભાસ્વર ? કઈ વનવીથિઓમાંથી આ આંખોની મોહિની લાવી છે ? પૃથ્વી પર સોનેરી વિસ્તારો છે, છાયાલીન ગિરિઓ છે, ઝંખતાં ઝરણાં છે, મીઠો મર્મરધ્વનિ
શરવનમાં શમી જાય છે,-આવા કોઈ આનંદદાયક સ્થાનમાં તું થોભું હતી ને ? અજ્ઞાત આંખોની મીટની અસર નીચે આવી હતી ને ? તારાં ઊંડાણોને પ્રહર્ષણથી ભરનાર સ્વરને સાંભળ્યો હતો ને ? લાગે છે કે તેં એક અલૌકિક રસનું પાન કર્યું છે, મનુષ્યને અગમ્ય એવી અદભુત આભાઓથી અવ-ગુંઠિત થઈને તું આવી છે. અપ્સરાઓના વિહારો મધ્યે શું તું ગંધમાદનમાં ઘૂમી આવી છે ? દેવોના ક્યાં ધામોમાં તારાં પગલાં ભૂલાં પડયાં હતાં ? તેં દૈવી સૂરો સાંભળ્યા લાગે છે અને જાણે હજુય તે સાંભળી રહી હોય એવું લાગે છે. તારો આત્મા દેવોનો સહોદર છે, તારા મૌને એક અલૌકિક મહામુદાનું ફળ ચાખ્યું છે. તારું આત્મસૌન્દર્ય અનામય ઓપી રહ્યું છે. તારાં સ્વપ્નાંમાં સુરક્ષિત રહેલી તું એકાકી આનંદે છે.
અદૃશ્ય શૃંગો પર દૈવને જો સૂતું જ રાખી શકાય તો તારું ઉન્મીલન કેવું સુખી અને સ્વર્ગીય બની રહે ! વિપરીત ભાગ્ય સદાકાળ માટે સૂતેલું જ રહે તો કેવું સૌભાગ્ય ! "
નારદ બોલ્યા પણ તે માત્ર પ્રિય સત્ય જ બોલ્યા. મર્ત્યો ઉપર દયા દર્શાવી ગૂઢ જ્ઞાનને એમણે પ્રકટ કર્યું નહિ. પણ અશ્વપતિ વિચક્ષણ હતો. દેવર્ષિના શબ્દો પૂઠે સંતાયેલું સૂચન એના ધ્યાનમાં આવ્યું ને સાવધાન શબ્દોમાં એ ઉત્તરમાં વધો :
" હે અમર ઋષિરાય ! તમે તો સઘળું જ જાણો છો. તમારા શબ્દો પાછળ જો જોઈ શકતો હોઉં તો જણાય છે કે એક તરુણ જીવનના અરુણોદયનો દિવ્ય આરંભ થાય છે. અમૃતના ઉત્સોમાંથી એણે પાન કર્યું છે, સ્વર્ગપારના રહસ્યોનું એ અભીપ્સુ છે, ભુવનોની સર્જનહાર શક્તિ સાથે એનો આત્મવ્યવહાર ચાલે છે. આવા આત્માઓ જગતમાં જવલ્લે જન્મે છે. સ્વર્ગનું સુખસંગીત જીવનમાં ધ્વનાવનાર દેહ અને દેહી વિરલ હોય છે.
પણ આ આપની સાવિત્રીને જુઓ. કેવી એ સર્વાંગસુંદર છે ! એના સ્ફટિકોપમ આત્મામાં સ્વર્ગનાં પ્રભાતો પ્રકટ થઈ રહ્યાં છે, એનાં ઊંડાણોમાં આનંદધામો પ્રતિબિંબિત થાય છે. આ તરુણ આત્માએ અશ્રુનો સ્પર્શ અનુભવ્યો નથી. એના
ચમત્કારી જીવનની પળો હસતી હસતી પુલકાય છે. એનું આ આનંદમય જીવન અખંડિત રહે એવા એને આશીર્વાદ આપો. એનો પવિત્ર પ્રેમ અમૃતરસ રેલાવ્યા કરે અને પૃથ્વીને પ્રફુલ્લિત બનાવતો રહે એવાં આપનાં દિવ્ય વચન ઉચ્ચારો. એના જીવનનાં સુપ્રભાતોને રત્નરમણીય બનાવી દો.
મહાન આત્માઓ માટેની અગ્નિકસોટીમાંથી એને સલામત પસાર કરો. દેવોના સેતુ ઉપર થઈ એને શાશ્વત ધામે સુરક્ષતિ પહોંચાડો. આ બાલાના દિવસો શોકરહિત આનંદમાં ઉલ્લસતા રહે અને અહીં સ્વર્ગના સૂરો ધ્વનાવે એવી આપની કૃપાનું પાત્ર એને બનાવી દો."
પણ નારદ ચૂપ રહ્યા. એમને ખબર હતી કે નસીબ બળવાન છે ને શબ્દો નિરર્થક છે. થોડી વાર પછી માનવીના અજ્ઞાનને જાણે ગેલાવતા હોય તેમ એ બોલ્યા :
" કયા મોટા સમારંભ માટે સાવિત્રી ઉતાવળે રથે ગઈ હતી ? હિરથી હૈયું ભરીને ને સુલોચનોમાં સ્વર્ગ લઈને એ ક્યાંથી આવી છે ? કયા મહનીય મુખે એને અણધાર્યાં દેશન આપ્યાં છે ? "
રાજાએ ઉત્તર આપ્યો :
" લાલ અશોકે એને જતાં જોઈ છે ને આવતાં આવકારી છે. એને લાયક વર એની યાચના કરતો અહીં આવ્યો નહિ, તેથી પતિંવરા મધુરમૂત્તિં એ પોતે જ એની શોધમાં નીકળી. હવે હરખાતે હૈયે એ પછી ફરી છે. કુંવરી ! હવે તું પોતે જ બાકી રહેલો ઉત્તર આપ."
સાવિત્રી શાંત સ્વરે બોલી : " પિતાજી ! મેં તમારી આજ્ઞાને અમલમાં મૂકી છે. જેને માટે હું નીકળી હતી તે મને દૂરના દેશમાં મળ્યો છે. શાલ્વ રાજ્યના પ્રચંડ પહાડોની મધ્યે વનની એક એકાંત કિનારે, અત્યારે અંધ અને રાજ્યભ્રષ્ટ મહારાજા ધુમત્સેનનો પુત્ર સત્યવાન મને મળ્યો ને મેં એને પતિ રૂપે પસંદ કર્યો છે. હવે કશું બાકી રહેતું નથી."
આશ્ચર્યચકિત સૌ થોડી વાર તો ચૂપ રહ્યાં. પછી અશ્વપતિએ અંતરમાં દૃષ્ટિ કરીને જોયું તો સત્યવાનના નામ ઉપર એક ઘોર છાયા તરતી દેખાઈ, અને ઓચિંતી એક મહાજ્યોતિએ એની પૂઠ પકડી. પુત્રીની આંખોમાં આંખ પરોવીને રાજા બોલ્યો : " બેટા ! તેં રૂડું કર્યું છે. તારી પ્રેમપસંદગીને મારી અનુમતિ છે. તેં કહ્યું તેટલું જ હોય તો ચિંતાને અવકાશ નથી, બધું ઠીક થઈ જશે, અને કદાચ એથી વધારે કંઈ હશે તો તેને ય ઠેકાણે આણી શકાશે. અશુભ જેવું લાગતું હોય તો પણ તેની પાછળ શુભ સંકલ્પ જ છૂપું કાર્ય કરી રહેલો હોય છે. વિપરીતોની વચ્ચે થઈને આપણે પ્રભુ પાસે જ સરતા હોઈએ છીએ. તમસમાંથી જ્યોતિ પ્રત્યે આપણે વધીએ છીએ. મૃત્યુ આપણને અમૃતત્વે લઈ જનારો માર્ગ છે. અંતે તો શાશ્વત શ્રેયનો જ વિજય છે."
તે પળે જ નારદ દારુણ વેણ કાઢયાં હોત, પણ રાજા વચ્ચે જ ઉતાવળ કરી
બોલી ઉઠ્યો :
" હે પરમાનંદના ગાયક ! અંધને દારક દૃષ્ટિ આપતા નહિ, પૂર્વજ્ઞાન જબરજસ્ત કસોટી છે, દુર્બળ મર્ત્ય હૃદયપર તમે તે લાદતા નહિ. અમારી પાસેથી અત્યારે દેવત્વની આશા રાખતા નહિ. અહીં નથી કૈલાસ કે નથી વૈકુંઠ; અહીં તો છે કાળમીંઢ કરાળ પહાડો, લપસણા માર્ગો. દેવો દુર્બળ માનવ પર વધારે પડતા નિર્દય થતા લાગે છે. અહીં તો કાળના ને મૃત્યુના ભણકારા વાગતા રહે છે. દુર્દેવનું નિવારણ શક્ય ન હોય તો, હે મહામુનિ ! બોલતા નહિ."
નારદ મૌન રહ્યા. પણ ગભરાટમાં પડેલી રાણી બોલી ઊઠી :
" હે દેવર્ષિ ! આપનું આગમન શુભ અવસરે જ થયું છે. બે જીવનોના સુખી સંયોગને આપના આશીર્વાદથી અમર બનાવો. સત્યવાન સાચે જ સૌભાગ્યવાન છે કે મારી સાવિત્રીએ અસંખ્યોમાંથી એક એને જ જીવનના સાથી રૂપે વર્યો છે. દુરિત જેવું કંઈ હોય તો તમારી દિવ્ય આશિષથી એને દૂર કરો. અથવા તો ઘોર દુર્ભાગ્ય જ એ કુટુંબને માથે ઝઝૂમી રહ્યું હોય તો તે પણ જણાવો, કે જેથી આ અકસ્માત્ થયેલા માર્ગ વચ્ચેના મિલનમાંથી સાવિત્રીને બચાવી લેવાય."
નારદ ધીરેથી બોલ્યા :
" જેઓ માત્ર હંકારતાં જ હોય છે તેમને માટે પૂર્વજ્ઞાન શા કામનું ? સુરક્ષા માટે બારણાં ઉઘાડાં હોય તો પણ જેમનું આવી બન્યું છે તેઓ એમની પાસે થઈને આગળ પસાર થાય છે. ભાગ્ય એ ભગવાનના ચાપ પરથી છૂટેલા બાણ જેવું છે."
પણ રાણીનું માની મમતાથી ભર્યું હૃદય આખરે માનુષી હતું, તેથી તેણે તો આવેશમાં આવી જઈ વિશ્વવિધાતા સંકલ્પની ઉપર એક પછી એક આક્ષેપો ખડકવા માંડયા:
" દુદૈંવે એ શાલ્વ છોકરાનું રૂપ લઈને મારી સાવિત્રીને સકંજામાં લીધી છે. પૂર્વ જન્મનું વેર વાળવા ક્યાંથી એ હસતો હસતો વનમાંથી નીકળ્યો ! નારદજી ! અમારાં માનવી હૃદયો નરમ હોય છે, દયાથી એ દ્વવી જાય છે. પરાયા દુઃખે ય એ દુઃખી બની જાય છે, ને આ તો મારી પોતાની પુત્રી છે, એને માટે એ કેમ દુખી ન થાય ? દેવર્ષિ ! અમારે માથે દૈવનો મહાકોપ ઊતરવાનો હોય તો તે પણ છુપાવતા નહિ. જે હોય તે કહો."
પછી નારદ ઊંચે સ્વરે ઓચર્યા :
" રાણી ! તારે સત્ય જ સંભાળવું હોય તો લે એ આ રહ્યું. તારી પુત્રીએ જે સત્યવાનને પતિ તરીકે પસંદ કર્યો છે તે છે તો પરુષોત્તમ, પૃથ્વીનો પ્રભુતાએ પરિપૂર્ણ પરિપાક, સ્વર્ગોનીયે શોભા, સૌન્દર્યનો સર્વોત્તમ સાર, ધરતીની ખાણમાંથી ખોદી કાઢેલો દેવતા, દેવોનો માનવ રૂપે મહીતલે ઊતરેલો મહનીય મહિમા, પણ આજની ઘડીથી બરાબર બાર મહિના પછી આ જ દિવસે ને આજ ઘડીએ એનું મૃત્યુ થશે."
રાણી નિરાશાના ઉદગાર કાઢતી બોલી :
" તો પછી એનામાં પ્રકટ થયેલી બધી જ દિવ્યતાઓ નકામી છે. સાવિત્રી ! જા તું ફરી, તારી ખોજ આગળ ચલાવ, ને તારા સહચરને શોધી લાવ, પછી ભલેને એ સત્યવાન કરતાં ઓછો દિવ્ય હોત."
પછી સાવિત્રી મક્કમ મને બોલી :
" મા ! મારા હૃદયે જે એકવાર પસંદગી કરી તે કરી, હવે ફરીથી કરવાની રહેતી નથી. સત્યવાનને મરવું પડશે તો મને પણ મરતાં આવડે છે. દુર્દેવ મૃત્યુ કે કાળ-કોઈ અમારા આત્માઓને વિખુટા પાડવા શક્તિમાન નથી. નિયતિના નિયમને બદલાવું હોય તો બદલાય, મારા આત્માનો સંકલ્પ બદલાવાનો નથી."
ડૂસકાં ખાતી રાણીએ સાવિત્રીને ઘણીયે સમજાવી પણ તે એકની બે થઇ નહીં. એ બોલી :
" મારો સંકલ્પ સનાતનના સંકલ્પનો એક ભાગ છે. મારું ભાગ્ય મારા આત્માના સામર્થ્યનું સર્જન છે, મારું આત્મબળ બધું જ સહેવાનું સહી લેશે. મારામાં દાનવનું નહિ પણ દેવાધિદેવનું દૈવત છે. દેવો જેમ સ્વર્ગમાં તેમ હું પૃથ્વી ઉપર સત્યવાનના સાથમાં સંચરીશ. અમારું આયખું એક વર્ષ માટે હોય તો ય ભલે. હું જાણું છું કે અમારા પ્રેમજીવનનું નિર્માણ આ નહિ પણ કોઈ બીજું જ છે. એ કોણ છે ને હું કોણ છું તે હું જાણું છું. અમારા આત્માઓ અહીં પૃથ્વી પર શાને માટે આવ્યા છે તેનું મને ભાન છે. મેં સત્યવાનમાં સ્મિતમુખ પ્રભુનાં દર્શન કર્યાં છે."
પછી તો સૌ ચૂપ થઈ ગયાં.
મર્ત્યની ભૂમિની સીમા રચનારી મૌન સરહદોમહીં
મહાવિસ્તાર ઓળંગી દેદીપ્યમાન શાંતિનો
વિશાળા ને વિસ્ફુરંતા વાયુમંડળમાં થઇ
દેવલોક થકી આવ્યા ગાતા ગાતા દેવોના ઋષિ નારદ.
આકર્ષાઈ હેમવર્ણી ગ્રીષ્મની ધરતીથકી
આવી 'તી જે એમની નીચવાસમાં
ને જે દેવોતણા મેજે દીપ્ત ત્રાંસા વાડકા શી વિભાસતી,
ફેરફૂંદડીઓ ખાતી ચલાવાઈ એક અદૃશ્ય હસ્તથી,
ઝીલવા એક નાના શા સૂર્ય કેરી ઉષ્માને પ્રકાશને,
આવ્યા એ જગતે એક
જ્યાં હતાં શ્રમ ને શોધ, આશા ને શોક જયાં હતાં
અવકાશોમહીં આ જ્યાં મૃત્યુ ને જિંદગી વચે
આવ-જાની હતી રમત ચાલતી.
ચૈત્ય-ગગનની પાર કરી સીમા સ્પર્શને ગમ્ય જે નથી,
મનના જગતમાંથી એ પ્રવેશ્યા જ્યાં વસ્તુઓ સ્થૂલરૂપ છે,
અચિત્ આત્માતણી છે જ્યાં આસપાસ કરામતો,
ને છે કર્યો અંધ એક સુપ્તજાગ્રત શક્તિનાં.
એમની હેઠ લેતા 'તા ચક્કરો કોટી ભાસ્કરો :
ધારી અનુભવે વ્યોમસિંધુની ઊર્મિ એમણે;
પ્રથમ સ્પર્શનો હર્ષ અર્પ્યો આદિમ વાયુએ;
નિગૂઢ એક આત્માનો ઓજઃપૂર્ણ ઉચ્છવાસ ચાલતો હતો.
આ બૃહત્ બ્રહ્યાંડ કેરું સંકોચન-વિકાશન
કરતા ગુપ્ત સામર્થ્યે સર્જનહાર અગ્નિના
રચવા ને રૂપ દેવા પ્રકટાવી નિજ ત્રિવિધ શક્તિને,
અત્યંત સૂક્ષ્મ મોજાંઓ સ્ફુલિંગાત્મક તેમની
પ્રકટાવી નૃત્યની રૂપગૂંથણી,
એની નિહારિકાઓનાં એકમોએ
રૂપની ને પિંડની જે કરી 'તી તે કરી પ્રકટ સ્થાપના,
આધારભૂમિ જાદૂઈ ને આયોજન વિશ્વનું,
એની પ્રસ્ફોટ પામી'તી પ્રભા જેહ તારકોના પ્રકાશમાં;
રસ જીવન કેરો ને મૃત્યુ કેરો નારદે ત્યાં લહ્યો સહ;
પદાર્થઘનતા કેરા ગાઢ સંબંધમાં અને
રૂપો કેરા તમોગ્રસ્ત ઐક્યમાં ઝંપલાવિયું
ને આત્માની મૂક એવી એકતામાં ભાગીદાર બની ગયા.
જોયો વિશ્વાત્મને કામે લાગેલો નિજ એમણે,
આંખોએ એમની માપ્યા અવકાશો, તાગ્યાં ઊંડાણો દૃષ્ટિએ,
આંતર દૃષ્ટિએ માપી ગતિઓ ચૈત્ય-આત્મની,
શાશ્વત શ્રમ દેવોનો જોયો, દૃષ્ટિ
પશુઓ ને મનુષ્યોની જિંદગી ઉપરે કરી.
ગાનારનો મનોભાવ બદલાઈ ગયો અને
પ્રહર્ષ ને દયાભાવે સ્પર્શાયો સ્વર એમનો;
કદી ન કરમાતી તે જ્યોતિ કેરું ગાન સાવ શમી ગયું,
એકતાનું અને શુદ્ધ સદાની સંમુદાતણું
ગાન બંધ પડી ગયું,
અમર પ્રેમના હૈયા કેરું ગાન એમનું વિરમી ગયું,
અજ્ઞાનનું અને ભાગ્યદેવતાનું ગાન ગાન બની ગયું.
ગાવા નારદજી લાગ્યા ગાન હાવે શ્રીવિષ્ણુ ભગવાનનું,
નિગૂઢ વિશ્વનો જન્મ ગાયો, ગાયો મોદ ને ભાવ એમણે,
કેવી રીતે થયા તારા ને જીવન શરૂ થયું
ને ચૈત્ય-સ્પંદથી હાલી ઊઠયા મૂક પ્રદેશ ત્યાં,
તેમનું ગાન આરભ્યું.
અચિત્ નાં ને ગૂઢ એના આત્માનાં સ્તવનો કર્યાં
ના સંકલ્પ, ના વિચાર, ના સંવેદન, તે છતાં
સર્વને રૂપ આપતી
ને પોતે જે કરે છે તે જાણતી ના
એની સર્વશક્તિમંતી શક્તિની સ્તુતિઓ કરી,
અંધ, અચૂક એની જે રહસ્યમય ગૂઢતા,
શાશ્વત જ્યોતિની પ્રત્યે ઝંખતો અંધકાર જે,
અંધારા ગર્તમાં પાંખો નીચે રાખંત પ્રેમ જે,
જોતો વાટ માનવીના હૈયા કેરા જવાબની,
અને અમૃતતા પ્રત્યે આરોહી મૃત્યુ જાય જે
તેનાં ગાન આરંભ્યાં નારદે હવે.
રાત્રિનાં અંધ ઊંડાણોમાંહેથી જે સત્યનો સાદ ઊઠતો,
હૈયે પ્રકૃતિના ગુપ્ત જે પ્રજ્ઞા-માત છે રહી,,
ને એની મૂકતા દ્વારા ભાવના કાર્ય જે કરે,
ને રૂપાંતરતા દેતા હસ્તો એના ચમત્કાર કરંત જે,
શીલા ને સૂર્યમાં ગાઢ ઘોરી જીવન જે રહ્યું,
મન જે પડદા પૂઠે રાજે ગૂઢ મનોવિહીન જીવને,
અને જનાવરોમાં ને મનુષ્યોમાં જાગે છે જેહ ચેતના,
તે સર્વે નાં ગાન ગાયાં સુરર્ષિએ.
હજી યે જન્મવાનો છે મહિમા જે અને આશ્ચર્ય તેહનાં,
અવગુંઠન પોતાનું અંતે આઘું કરી દેનાર દેવનાં,
બનાવાયેલ છે દિવ્ય એવા દેહોતણાં અને
મહાસુખ બનાવાઈ છે એવી જિંદગીતણાં,
અમર્ત્ય ઓજને લેતી નિજાશ્લેષે અમર્ત્ય માધુરીતણાં,
હૈયું સંવેદતું હૈયું
ને વિચાર દૃષ્ટિ સીધી વિચાર પર નાખતો
તેનાં ને બંધ સૌ તૂટી પડે ત્યારે મળનાર મુદાતણાં
આલાપ્યાં ગાન નારદે.
ને એ ગાતા હતા ત્યારે
અસુરોનીય આંખોમાં હર્ષનાં અશ્રુ ઉભર્યાં,
ગાને નારદના આપ્યું એમને જે હતું તે પૂર્વદેર્શને,
કે દીર્ધ ઘોર જે કાર્ય કરી તેઓ રહ્યા હતા
તેહનો અંત આવશે,
જે પરાભવની આશા વૃથા તે રાખતા હતા
તે હવે તેમને થશે,
પોતે પસંદ કીધું 'તું તે દુર્ભાગ્યમાંથી એ છૂટશે હવે,
ને પોતે જે एक માંથી હતા આવ્યા તેમાં પાછા પહોંચશે.
જીતી લીધેક છે જેણે સદનો અમરોતણાં
દિવ્ય માનવ તે આવ્યો માનવોની પાસે ત્યાં પૃથિવી પરે.
ઝબૂકી વીજ કો જેમ ઊતરે તેમ ઊતર્યો
મહિમા એક ઊર્ધ્વથી,
આવતાં પાસ દે ખાયાં ઋષિનાં લીન નેત્ર બે
જોતાં પ્રકાશથી વ્યાપ્ત મેઘમંડળમાંહ્યથી,
વિચિત્ર વિલિખાયેલું શોભમાન મો'રા જેવું પુરણ કો
એમનું મુખ દેખાયું અજવાળે નીચે ઊતરતું જતું,
રાજા અશ્વપતિ કેરા મદ્રદેશે હવા ખાતા મહાલયે,
સુમનો ચઢતાં'તાં જ્યાં ઊંચે નાજુક આરસે.
વિચારશીલ વિદ્વાન રાજાએ ત્યાં કર્યો સત્કાર એમનો;
મહારાણી અને માતા સાવિત્રીની
માનવી ત્યાં વિરાજેલી રાજાના પાર્શ્વમાં હતી,
સત્ત્વે સુંદર ને ભાવે ભરી બુદ્ધિમતી તથા
યજ્ઞની જવાળની જેમ વિભાસી વાયુમાં થઈ
ધરાધામથકી સ્વર્ગધામ પ્રત્યે અભીપ્સા ઊર્ધ્વ રાખતી,
ત્યાં અસ્પૃષ્ટ રહી પૃથ્વીલોકે કેરા ધેરામાંથી ઘડી સુધી
પામરા જિંદગી કેરો ને ચિંતાનો વ્યાપાર વેગળો કરી
બેઠાં તે ઊચ્ચ ને છંદોમય સૂરે વૃત્તિ વાળી સ્વભાવની :
તે દરમ્યાન દેવર્ષિ સ્વરનો મેળ મેળવી
બોલ્યા વર્ણવતા મોટા શ્રમો માનવ જાતના,
ને પૃથ્વી પર દેવો શા માટેનો શ્રમ સેવતા
તે વાણીમાં કર્યું વ્યક્ત,
જે આશ્ચર્ય અને ગુહ્ય દુઃખ પાછળ છે રહ્યાં
તેનો સસ્પંદ આનંદ ગાયો છંદોમય સ્વરે.
તેઓ પાસે કર્યું ગાન પ્રેમના ઉર-પદ્મનું,
જ્યોતિર્મયી કળીઓ જ્યાં સત્ય કેરી સહસ્રશ:,
જે આભાસી વસ્તુઓથી અવગુંઠનમાં રહી
પોઢેલું છે પ્રકંપતું.
સ્પર્શે પ્રત્યેક એ કંપી ઊઠે છે ને કરે છે યત્ન જાગવા,
અને એ સુણશે એક દિન સૂર સુખ ને સંમુદાતણો
ને એ બાગે પ્રેયસીના પ્રફુલ્લિત બની જશે
જયારે શોધી કઢાયેલા પ્રભુ એના બંદી એને બનાવશે.
બલિષ્ટ ધ્રૂજતી એક પરમાનંદ-કુંડલી
અગાધ વિશ્વના હૈયામહીં લાગી વિસર્પવા.
સ્વ-દ્રવ્યજડતામાંથી ને મનોમય સ્વપ્નથી
જાગી એ ને પ્રકાશેલા પ્રભુના મુખની પરે
પડી નજર એહની.
આમ નારદ ગાતા 'તા અને હર્ષ પૃથ્વીના કાલની મહીં
પ્રસર્પી આવતો 'તો ને લેતો પકડ સ્વર્ગની
તેવામાં જ પડયો કાને ઘોડાના દાબડાતણો
અવાજ આપતો સાદ સાવિત્રીના ત્વરંતા ઉરના સમો;
આવી રાજકુમારિકા.
પ્રસાદ-ખંડમાં એનાં પગલાંઓ પડયાં ઝલક વેરતાં.
સુખે સભર આશ્ચર્ય હતું એની ઊંડી અગાધ મીટમાં,
આવી એ પલટાયેલી પ્રેમના પરિવેશથી;
તેજસ્વી ધુમ્મસે હર્ષ કેરા એની આંખો ઋદ્વ બની હતી,
દેવોના દૂતનું કાર્ય કરી કોઈ આવતું હોત તે વિધે
ઉદ્દાત કાર્ય પોતાના હૈયા કેરું અદા કરી
પોતાના પ્રેમને માટે અને એની નિત્યતા અર્થ ઊજળું
અનુમોદન દેવોનું લાવેલી નિજ સાથમાં,
મહૌજા સ્વપિતા કેરા સિંહાસન સમીપમાં
સાવિત્રી સમુપસ્થિતા :
ને આવિષ્કૃત પૃથ્વીએ સૌન્દર્યાર્થે સમુત્સુકા,
રૂપાંતરિત ને નવ્યા નિજ હૈયાતણી અદભુત જ્યોતિમાં
આશ્ચર્યમતા કેરા ગુલાબ શી,
માધુરી મહાસે પૂર્ણ જોઈ એણે પુત્રીની સ્વર્ગલોકના
ને એની આર્ચના કરી.
વિશાળી અમૃતા દૃષ્ટિ સાવિત્રી પર એમણે
કરી એને નિજ આંતર દૃષ્ટિની
જ્યોતિની મધ્યમાં ધરી,
અને અમર પોતાના
અધરોષ્ઠથકી જ્ઞાન સંકેલાયેલ રાખતાં
સંબોધી એમણે એને, " છે આ કોણ, અહીં આવેલ આ વધૂ,
જવલા-જન્મી, આસપાસ જેના જ્યોતિત શીર્ષની
વિવાહવૈભવો મારે ઝબકારા વિભાઓ નિજ વેરતા ?
ઓસે છાયેલ મૌનોની મહીં પાછી વળી જતી
કે ચંદ્રને દૃગે અર્ધ-દૃષ્ટ વારિ-કિનારની
કઈ કુંજગલી કેરી લીલા ઝબકમાંહ્યથી
મોહિનીભર આંખોનો લાવી છે તું પ્રભાવ આ ?
છે પૃથ્વી પાસ વિસ્તારો સોનેરી, છે ગિરિઓ લીન છાયમાં
લપેટી રાત્રિથી જે લે સ્વપ્નમગ્ન આભાસી નિજ મસ્તકો,
છે ઢંકાયેલ કાંઠાઓ રક્ષાયેલા સુખી વન-વિહારમાં
મુદામગ્ન બની જતા,
એમને ભેટમાં લેતા વાંકાચૂંકા બાહુઓ ઝંખના ભર્યા
અખંડ ધારથી વ્હેતા પ્રવાહના,
અનુરાગી ઊર્મિઓએ સમાલિંગન આપતી
એમને ઊર્ધ્વની પ્રત્યે અવલોકંત નિર્ઝરી :
એના વિશુદ્ધ આશ્લેષ કેરા શીત-શિખરી મર્મરોમહીં
કંપતા શરની સેજોમહીં તેઓ આત્મલુપ્ત બની જતા.
ને આ સૌ ગૂઢ સાન્નિધ્યો છે જેમાં એક આત્મનું
મહાસુખ લહેવાતું વિનાશ નવ પામતું,
ને તેઓ જગતી-જાયું હૈયું ખુલ્લું કરે આનંદની પ્રતિ.
થંભી તું ત્યાં હતી કે શું, પડી આશ્ચર્યની મહીં
અજાણી આંખડીઓને બરદાસ્ત કરી હતી ?
કે હતો સંભાળ્યો સૂર જેણે તારી જિંદગીના પ્રહર્ષને
હતી ફરજ પાડેલી બળાત્કારે ગળાઈ બ્હાર આવવા
ધ્યાનથી સુણતા તારા ચિદાત્માની મહીં થઈ ?
યા વિશ્વાસ કરે મારો જો વિચાર
વિલાસંતી આ તારી દૃષ્ટિની પરે
તો કે'શે કે તેં પૃથ્વીને પ્યાલે પાન કર્યું નથી,
કિંતુ આકાશ શા નીલ પડદાઓ પ્રભાતના
વટાવી સંચરી 'તી તું ને જાદૂઈ કો એક પ્રાંતરે તહીં
માનવી આંખને માટે સહ્ય તેથી વધુ ક્યાંય વિભાસતા
પ્રદેશોમાં ઘેરાઈ તું ગઈ હતી.
આનંદના અવજોનાં દલોના હુમલા તલે
ને પરીઓ કેરા કાનનકુંજમાં
સૂર્યપ્રકાશથી છાઈ શાખાઓની
તું મનોમોહિની મધ્યે ઝલાયલી,
ઘૂમે છે અપ્સરાઓ જ્યાં તે લસંતા
ગંધમાદનના ઢાળોતણી વાટે નીચે દોરાયલી હતી,
કોઈએ જે નથી દીઠી
તે ક્રીડાઓમહીં તારાં ગાત્રોએ ભાગ લીધો છે,
ને તારા માનવી પાય દેવ-સેવ્યાં સ્થાનોમાં સંચરેલ છે,
દેવ-વાણી સુણી મર્ત્ય તારા વક્ષે કંપ અનુભવેલ છે,
અને ઉત્તર આપ્યો છે તારા ચૈત્યે એક અજ્ઞાત શબ્દને.
મૃદુ ને મોદ માણંતા માતરિશ્વામહીં થઈ
પાસેથી ને દૂરમાંથી આવતા પાસ, તે ક્યા
દેવોના પદ-સંચારો ને બંસીઓ કઈ મોહક સ્વર્ગની
પુલકે ભર રાગો જે આસપાસ ઊંચે સૂરે વહાવતી
તે અત્યારે સાશ્ચર્ય સાંભળી તું રહેલ છે ?
એમણે મૌન પોષ્યું છે તારું ખાવા આપીને લાલ રંગનું
ફૂલ કોક ચમત્કારી સંમુદા સાન્દ્ર આપતું,
ને મહાસુખનાં ઝાંખાં શીશી-શૃંગો પર તેં પાય છે ધર્યા.
પ્રભાની પાંખવાળી ઓ ! કર પ્રકટ, ક્યાં થકી
લીલી જટિલ ઝાડીમાં થઈને તું આવી છે પાંખ વીંઝતી
તેજીલી ને રંગની રુચિએ ભરી ?
તારું શરીર લાગે છે કોઈ વસંતકાળના
વિહંગમતણા સૂર-સાદ સાથે રહેલું લયમેળમાં.
તારા હસ્તતણા ખાલી ગુલાબોમાં
પોતાનું જ છે સૌન્દર્ય ભરાયલું
ને રોમહર્ષ છે યાદ રહેલા પરિરંભનો,
ને તારામાં પ્રકાશે છે કુંભ કો દિવ્ય ધામનો,
ને એ છે સારથી સજ્જ હૈયું તારું ગૂઢ માધુર્યથી ભર્યું,
ઊભરાઈ જતું તાજા મધે અમૃતથી ભર્યા.
રંજના રાજવીઓની સાથે તારો વાર્તાલાપ થયો નથી.
સંગીત જિંદગી કેરું ભયપૂર્ણ તારે કાને ધ્વને હજી
દૂરના સ્વરમાધુર્યે ભરેલું ને દ્રુત દિવ્ય કિન્નરસ્વરના સમું,
યા પ્હાડોમાં થઈ જાતા જળ જેવું મૃદુ ઊર્મિ ઉછાળતું,
યા અનેક સમીરોના સુપ્રચંડ પ્રૌઢ સંગીતના સમું.
શશીશુભ્રા વસે છે તું નિજાનંદમહીં અંતર-આત્માના.
રૂપલા મૃગલી જેવી આવે છે તું કાનનોની મહીં થઈ,
પ્રવાલ પુષ્પ છે જ્યાં ને મુકુલો છે સ્વપ્નો વિલસને ભર્યાં
યા વાયુ-દેવતા એક પર્ણોમાં થઈ ભાગતી,
રત્ન-નેની ક્પોતી ઓ ! હિમ શી શુભ્ર પાંખ પે
ભમતી, ભાગતી તારી ઝાડીઓમાં વિશુદ્ધ અભિલાષની,
ન ઘવાયેલ સૌન્દર્ય વિષે નિજ ચિદાત્મના.
તારી પાર્થિવતા માટે વસ્તુઓ આ માત્ર છે પ્રતિમૂર્તિઓ
કિંતુ જે તુજમાં સુપ્ત છે તેનું એ સત્યમાં સત્ય સત્ય છે.
કેમ કે તુજ આત્મસત્ -તા છે આવી, છે દેવો કેરી બહેન એ,
મનોમોહક નેત્રોને તન તારું ધરાતણું,
મોદમાં સ્વર્ગ-જાયાઓ સાથે તારી સગાઈ છે.
ઓ હે ! આવેલ આ જંગી જોખમોએ ભરેલા જગની મહીં,
હાલ જે માત્ર દેખાય તારાં સ્વપ્નાંતણા વૈભવમાં થઈ,
પ્રેમ, સૌન્દર્ય ભાગ્યે જ જ્યાં નિવાસ સુરક્ષિત કરી શકે,
ત્યાં તું મોટું સત્ત્વ એક ભયંકર પ્રમાણનું,
એકાકી ચૈત્ય-આત્મા તું સ્વર્ણ-ધામે વિચારના
વસેલી છે સુરક્ષાની દીવાલોમાં પોતાનાં સપનાંતણી.
પીછો અદીઠ જે લે છે મનુષ્યોનાં બેભાન જીવનોતણો
તે નિર્માણ તજી સૂતું સુખનાં શિખરો પરે
આદર્શના સુવર્ણે જો હૈયું તારું તાળાબંધ રહી શકે
તો પ્રબોધ બને તારો એટલો જ ઊંચો ને સુખથી ભર્યો !
જો સદાકાળને માટે શક્ય હોય સૂતું નિર્માણ છોડવું ! "
બોલ્યા એ પણ શબ્દોમાં નિજ જ્ઞાન દીધું પ્રકટ ના થવા.
રમે છે વાદળું જેમ તેજસ્વી વીજ-હાસ શું
પરંતુ રાખતું વજૂ સંકેલી નિજ હાર્દમાં,
તે વિધે તેમણે મુક્ત કર્યાં માત્ર પ્રતિરૂપો જ ઊજળાં.
ઝમકે પૂર્ણ સંગીત કરે છે તે પ્રકારથી
નારદે નિજ વાણીથી વિચારોને પોતાના અવગુંઠિયા;
મર્ત્યો પ્રત્યે દયા દાખી વાત એ કરતા હતા
સજીવ સુષમા કેરી ને અત્યારે છે જે તે સંમુદાતણી,
મીઠી વાતો કરે જેમ સમુલ્લાસી વસંતની
હવાની સાથ વાયરો :
નિજ સર્વજ્ઞ ચિત્તે એ બાકીનું સૌ સંતાડી રાખતા હતા.
જેમણે એમની દિવ્ય સુણી વાણી તેમને કાજ સ્વર્ગની
દયા જે પડદો નાખે છે ભાવી દુઃખની પરે
તે સંમતિ જણાવે છે અમરોની અંતવિહીન મોદને.
અશ્વપતિ પરંતુ ત્યાં ઋષિજીને પ્રતિ-ઉત્તર આપતો;
ધ્યાનથી સુણતા એના
મને નોંધ હતી લીધી સંદેહાત્મક અંતની,
શબ્દો પાછળની છાયા ઓળખી 'તી અમંગળા,
પરંતુ પૃથિવી કેરી જિંદગીની
ભયે ભરેલ જે રૂપરેખાઓ છે આંકેલી, તે મહીં અહીં
દૈવ-સંમુખતા નિત્ય રાખનારા કેરી શાંતિ મુખે ધરી
એણે સાવધ શબ્દોમાં ઢાંકયા રાખ્યા વિચારને
ઉત્તર આપતા કહ્યું :
" અમર્ત્ય ઋષિ હે ! સર્વ અહીંનું જાણતા તમે,
પ્રતીકાત્મક રૂપોની કાંડારાયેલ ઢાલ જે
તમે રાખેલ છે સામે તમારા દિવ્ય ચિત્તની,
તે મધ્ય થઇ જો વાંચી શકું હું કૈં
રશ્મિ દ્વારા સ્વ-મનોકામનાતણા
તો હુંથી જાય છે જોયાં પગલાંઓ
યુવા એક દેવતાત્મા સમાણી જિંદગીતણાં,
લસંત લોચનો સાથે સુખભેર આરંભાયેલ ભૂ પરે;
અજ્ઞેયાત્મક ને અજ્ઞાત મધ્યમાં
સીમાઓ પર જન્મેલી ચમત્કાર ભર્યાં બે જગતોતણી,
અનંતનાં ભભૂકંત પ્રતીકો પ્રકટાવતી
અને આંતર સૂર્યોની મહાજ્યોતિમહીં વસી.
કાં કે વાંચેલ છે એણે ને તોડી છે સીલબંધી છુપાયલી,
કર્યું છે પાન આનંદ-કૂપોમાંથી અમર્ત્યના,
સ્વર્ગના અર્ગલો રત્ન-રચ્યા, તેની પારમાં દૃષ્ટિ છે કરી,
એણે પ્રવેશ કીધો છે અભીપ્સંતી રહસ્યમયતામહીં,
પામર વસ્તુઓ પાર વિશ્વ કેરી એની નજર જાય છે,
શક્તિઓ જે રચે વિશ્વો તેઓ સાથે એનો સંલાપ ચાલતો,
જ્યાં સુધી નીલમોના ને મૌકિતકોના રચ્યા પૂરે
પ્રકાશમાન દ્વારોમાં ને ગૂઢ ગલીઓમહીં
ને દેવોનાં દલો કેરી કૂચ પ્રૌઢ કર્મને પગલે બઢે.
માનવી જિંદગીઓમાં જોકે વિરામ આવતા
ને તે સમયને માટે મનુષ્ય કાજ રાખતી
ધરા ટૂંકાં અને પૂર્ણ કેટલાંક મુહૂર્તો પૂર્ણતાતણાં
ને ત્યારે પગલાં કાળ કેરાં અચેત, લાગતાં
અમરોના જીવનોની શાશ્વતી ક્ષણના સમાં,
છતાં વિરલ આ સ્પર્શ પામતું મૃત્યુનું જગત્ :
નક્ષત્રોની ઉગ્રતાએ ભરેલી ને મુશ્કેલ ગતિની મહીં
જવલ્લે ચૈત્ય ને દેહ એવો એક અહીંયાં જન્મ પામતો
જેનું જીવન સ્વર્ગીય સૂરતા સાચવી શકે,
ને જેનો લય આવૃત્તિ બહુસૂરી રાગ કેરી કરી શકે,
અશ્રાંત ધબકે જેહ હવામાં હર્ષની થઈ,
ડોલાવે અપ્સરાઓનાં અંગોને તે ગીત મધ્યે ઝલાયલો
જયારે એ તરતી હોય તેજ:પૂર્ણ જ્યોતિના મેઘના સમી
ચંદ્રમણિમયી ભોમે સ્વર્ગ કેરી એક આનંદ-ઊર્મિ શી.
જુઓ પ્રભા તથા પ્રેમે પ્રતિમા આ ઢળાયલી,
દેવતાઓતણા ભાવોત્સાહની શ્લોકબદ્ધતા,
પ્રાસાનુપ્રાસથી યુક્ત, યષ્ટિ કાંચન ઊર્મિની !
ઊભરાઈ જતો કુંભ સંમુદાનો--એવું એનું શરીર છે,
સોનેરી કાંસ્યની શોભાતણે ઘાટે ઘડાયલું ,
જાણે કે હોય ના પૃથ્વીતણી ગુપ્ત મુદાનું સત્ય ઝીલવા.
આંખો એની સ્વપ્ન-સર્જી આરસીઓ પ્રદીપ્ત છે,
યુક્તિ સાથે સજાયેલી સુરમાની કિનારી ઘેનથી ભરી,
સ્વર્ગના પ્રતિબિંબોને ઊંડાણોમાં પોતાનાં રાખતી હજુ.
જેવું શરીર છે એનું એવી એ અંતરેય છે,
ન હજી અશ્રુએ સ્પૃષ્ટ એના તરુણ આત્મમાં
અગ્નિના ટપકાં જેમ રૂપેરી પત્રની પરે
તેમ પ્રભાત સ્વર્ગીય પ્રભાવંતાં પુનરાવૃત્ત થાય છે.
એના સ્ફાટિક આત્માના નિષ્કલંક આશ્ચર્યે પૂર્ણ ભાવને
વસ્તુઓ સઘળી રમ્ય નવી શાશ્વત લાગતી.
અવિકારી નભોનીલ પ્રકટાવે વિશાળા સ્વ-વિચારને;
પ્લવમાન રહે ચંદ્ર ચમત્કારી
આકાશોમાં થઈ આશ્ચર્ય પામતાં;
કાળ ને મૃત્યુની હાંસી
કરતાં પૃથિવી કેરાં પુષ્પો પ્રસ્ફુટ થાય છે;
છે જાદૂગર જિંદગી,
મનોમોહક જે તેમાં પરિવર્તન આવતાં
તે સસ્મિત ઘડીઓની પાસમાં થઇ દોડતાં
પસાર થઇ જાય છે આનંદી બાળકો સમાં.
પણ જો જિંદગી કેરો આ આનંદ ટકી શકે
ને એના લયને લ્હેતા દિનોમાં ના
દુઃખ નાખી શકે કર્કશ સૂર કો !
પૂર્વજ્ઞાની દૃષ્ટિવાળા, જુઓ એને, ભક્ત ગાયક હે તમે,
ને આશીર્વાદ આપો કે બાલા આ ચારુતા ભરી
પોતાના પ્રેમના સ્વચ્છ ઉરમાંથી અશોકા જિંદગીતણી
અમીની ધાર રેલાવે પોતાની આસપાસમાં,
પૃથ્વીના શ્રાંત હૈયાના ઘા રુઝાવે પોતાની સંમુદા વડે,,
ને મહાનંદ વિસ્તારે સુખે સભર જાળ શો.
જેમ અલકનંદાના મર્મરંતા ઉર્મિલ સ્રોતને તટે
સુવિશાળ સ્વર્ણવર્ણં ઉદારાત્મ વૃક્ષ પુષ્પિત થાય છે,
જ્યાં મુગ્ધ વેગ ધારીને વહે છે જળ દોડતાં
કાલાઘેલા સ્વરે મિષ્ટ ઉષા કેરી દીપ્તિની સાથ બોલતાં,
ને સ્વર્ગની સુતાઓનો ઘૂંટણોની
આસપાસ લાગ્યાં રે'તાં હસતા ગાનને લયે,
ને શશી-સ્વર્ણ અંગો ને વાદળી સમ વાળવી
બાળાઓ ટપકાવંતી વારીબિંદુ મોતીડાં સમ ઊજળાં
ચમત્કાર લાગતાં,
પ્રભાપર્ણ સમાં તેવાં ખચ્યાં રત્ને આનાં યે સુપ્રભાત છે.
મનુષ્યો પર ઢાળે છે આયે એમ પોતાના સુખશર્મને.
પ્રભાવી શર્મની જવાળા રૂપે એનો અવતાર થયેલ છે,
અને અવશ્ય એ જવાળા પૃથ્વીને યે પ્રજવલંત બનાવશે :
દુર્દૈવ એહને જોશે જતી ને એ નક્કી કૈં બોલાશે નહીં
ઘણી યે વાર કિંતુ હ્યાં મા અસાવધ છોડતી
પોતાનાં વ્હાલુડાંઓને હસ્તોમાંહે નસીબના :
વીણા પ્રભુતણી મૂક બનતી ને
સાદ એનો પરમાનંદને થતો
નિરુત્સાહિત ફાવે ના પૃથ્વી કેરા અવાજોમાંહ્ય દુઃખના;
તંત્રીઓ ન કરે નાદ સંમુદાની અહીંયાં મોહિનીતણી
અથવા માનવી હૈયે વ્હેલી વ્હેલી બની નીરવ જાય એ.
અમારી પાસ પર્યાપ્ત ગાન છે શોકદુઃખનાં,
આપો આદેશ કે એના દિવસો સુખના અને
શોકરહિતતાતણા
એકવાર ફરી સ્વર્ગ ધ્વનાવે હ્યાં ધરા પરે.
કે જે મહાન છે આત્મા તેને માટે અવશ્ય છે
સદા અગ્નિપરીક્ષણો ?
દેવો કેરા ઘોર સેતુતણી પરે
શાશ્વત-ધામની યાત્રા કરનારી જિંદગી મર્ત્ય માનવી
પ્રેમ,શ્રદ્ધા અને પુણ્ય હર્ષને કવચે સજી
એકવાર થવા દેજો હેમખેમ પસાર વ્રણના વિના."
કિંતુ નારદ ના બોલ્યા; બેઠા એ ચુપકી ધરી,
કેમ કે જાણતા 'તા એ
કે શબ્દો છે નકામા ને સર્વસત્તાદ દૈવ છે.
એમણે દેખતી આંખે અવલોક્યું અદૃષ્ટમાં,
પછી માનવ અજ્ઞાન સાથે ક્રીડા કરંત એ
જાણે અજ્ઞાન છે પોતે તેમ પ્રશ્ન કરતા વળતું વધા :
" કયા મોટા કામ માટે રથચક્રો એનાં વેગે ગયાં હતાં ?
ને એ ક્યાંથી ફરેલી છે આ પ્રભાવ પોતાને હૃદયે લઈ,
ને એની આંખમાં સ્વર્ગ દૃશ્યમાન બનાવતી ?
છે કયા દેવનો ભેટો થયો એને અચિંતવ્યો ?
પરમોચ્ચ કયું એને મુખ જોવા મળી ગયું ? "
આપ્યો જવાબ રાજાએ રક્તાશોક નિરીક્ષતો
હતો એને જવા સમે
ને જુએ છે હવે એને જઈ પાછી ફરેલને.
ઊઠી એકા ઉજજવલંતી ઉષા કેરી હવામહીં
એકાંત ડાળથી થાકી ગયેલી કો પ્રોલ્લાસી પક્ષિણી સમી,
શોધવા નિજ સ્વામીને માધુરી આ અટવા નીકળી પડી,
ઝડપી પાંખે વીંઝીને પોતાનો માર્ગ કાપતી,
કેમ કે એ સ્વયં ના'વ્યો એની પાસે પૃથ્વી પર હજી સુધી.
દૂરના સાદથી દોર્યું ધૂંધળું શું વેગી ઊડણ એહનું
ગ્રીષ્મ કેરાં પ્રભાતો ને ભાસ્કરોજજવલ ભૂમિઓ
પર દોરા જેવો માર્ગ કરી ગયું.
બાકીનું સુખીયું સર્વ એની લાદી પાંખણોએ રહેલ છે
ને મુગ્ધ રક્ષતા ઓઠ છે હજી સંઘરી રહ્યા.
કુમારી ! હર્ષથી પૂર્ણભાવ છે તું સમાગતા,
ઓચિંતી તુજ હૈયાની ધબકોએ
જાણ્યું છે જે કર પ્રકટ નામ તે.
કોને પસંદ કીધો છે માનવોની મહીં તે રાજરાજવી ? "
ને દે ઉત્તર સાવિત્રી સ્થિર શાંત નિજ સ્વરે,
જેમ કો બોલતું હોય આંખો હેઠ અદૃષ્ટની :
" હે પિતા ! હે મહારાજ ! આપની મેં ઈચ્છા સિદ્ધ કરેલ છે,
જેને હું શોધતી 'તી તે મને દૂર પ્રદેશોમાં મળેલ છે;
અનુવર્તન મેં મારા હૈયા કેરું કરેલ છે,
સાદ એનો સુણેલ છે.
શાલ્વદેશતણા પ્રૌઢ પ્હાડોની ને
ધ્યાનલીન વનોની વચગાળામાં
નિજ પર્ણકુટીમહીં
નિવસે છે ધુમત્સેન, અંધ, દેશનિકાલ ને
પરિત્યક્ત, મહારાજા એકવાર મહાબલી.
એ ધુમત્સેનનો પુત્ર સત્યવાન મને મળ્યો
મોટી જંગલઝાડીની કિનારી પર નિર્જના.
કરી છે મેં પિતા મારી પસંદગી,
પાકી મારી પસંદગી."
આશ્ચર્યલીન સૌ બેઠાં ક્ષણવાર અવાક ત્યાં
પછી અશ્વપતિ સ્વાંતે કરી દૃષ્ટિ નિહાળતાં
જોતો સઘન કો છાયા પ્લવતી નામની પરે
ને અચાનક તોતિંગ જ્યોતિ એનો લેતી પીછો શિકારમાં;
નિજ પુત્રીતણાં નેત્રોમહીં એ નીરખી વધો :
" છે તેં રૂડું કર્યું ને છે મારી અનુમતિ તને.
જો આટલું જ હોયે તો રૂડું નિશ્ચય છે બધું;
એથી હોય વધારે જો તો યે સર્વ રૂડું જ સંભવી શકે.
માનવી દૃષ્ટિને લાગે ઈષ્ટ યા તો અનિષ્ટ એ
છતાં કલ્યાણ માટે જ છૂપી ઈચ્છા કેરું કાર્ય થઈ શકે.
આપણા ભાગ્યનો લેખ બે રીતે છે લખાયલો :
નિસર્ગના વિરોધોમાં થઈ જાતા આપણે પ્રભુ-સંનિધે;
અંધકારમહીંથી યે જ્યોતિ પ્રત્યે આપણી વૃદ્ધિ થાય છે.
મૃત્યુ છે આપણો માર્ગ અમૃતત્વે લઈ જતો.
' સર્વનાશ, સર્વનાશ, ' રડી ઊઠે હાર્યા પોકાર વિશ્વના,
છતાંય જય તો અંતે થાય શાશ્વત શ્રેયનો."
ત્યારે જ ઓચર્યા હોત મુનિ, કિંતુ થઈ રાજા ઉતાવળો
બોલી ઊઠ્યો અને રોકી રાખ્યો શબ્દ ભયંકર :
" પરમાનંદના ગાતા ! અંધને ના આપો દૃષ્ટિ ભયે ભરી,
સ્વાભાવિક હકે કાં કે તમે સર્વ જોયું છે સ્પષ્ટ રૂપમાં.
કસોટી કારમી જેહ આવે છે પૂર્વજ્ઞાનથી
તે લાદો ના પ્રકંપતા હૈયા ઉપર મર્ત્યના,
અમારાં કર્મમાં હાલ દેવતાની માગણી કરતા નહીં.
સ્વર્ગની અપ્સરાઓ જ્યાં ઘૂમે છે તે સુખી શૃંગો અહીં નથી,
નથી કૈલાસ કે તારા-રચી સીડી નથી વૈકુંઠની અહીં,
સીધા કઠોર-દંતાળા ડુંગરા માત્ર છે અહીં
હામ થોડા જ ભીડે જ્યાં ચડવાનો વિચારે કરવાતણી;
આવે ચક્કર જ્યાં એવા ખડકોથી
દૂર કેરા નીચે બોલાવતા સ્વરો,
ઠંડા લપસણા, સાવ સીધા મારગ છે અહીં.
દુર્બળા માનવી જાતિ પ્રત્યે દેવો અતિમાત્ર કઠોર છે,
વિશાળા નિજ સ્વર્ગોમાં વસે છે એ મુક્ત દારુણ દૈવથી
ને ભૂલી જાય છે તેઓ માનવીના પાય ઘાએ છવાયલા,
શોકને સાટકે મૂર્ચ્છા પામતાં અંગ એહનાં,
હૈયું એનું જતા ભૂલી સુણતું જે
કાળનો ને મૃત્યુ કેરો પદધ્વનિ;
મર્ત્યની દૃષ્ટિથી માર્ગ ભાવિનો છે છુપાયલો :
અવગુંઠિત ને ગુપ્ત મુખ પ્રત્યે માનવી કરતો ગતિ.
પગલું એક આગેનું અજવાળાય એટલી
માત્ર છે આશા એહની,
સામનો કરવા માટે સમસ્યાનો નિજ ઢાંકેલ ભાગ્યની
થોડાક બળને માટે કરે છે એહ માગણી.
અસ્પષ્ટ અર્ધ-દેખાતી શક્તિ એની વાટ જોઈ રહેલ છે,
જિંદગીના અનિશ્ચિત દિનો પરે
છે ઝઝૂમી રહ્યો મોટો ભય એવું ભાન એને થયા કરે,
એની ફૂંક થતી રક્ષે છે પોતાની ઝંખાઓ એ ઝબુકતી;
કોઈ ટાળી શકે ના જે તેવા ગ્રાહે એનાં ભીષણ આંગળાં
પોતાને પકડે લેતાં લહી એ શકતો નથી.
જો એ શક્તિતણો ગ્રાહ કરવા શ્લય શકત હો
તો જ કેવળ બોલજો,
છે સંભવિત કે લોહ-પાશમાંથી માર્ગ છે છૂટવાતણો :
કદાચ નિજ શબ્દોથી આપણને ઠગે છે મન આપણું,
ને ' દૈવ' નામ આપે છે આપણા જ ચુનાવને;
કદાચ આપણી ઈચ્છાશક્તિ કેરી અંધતા એ જ દૈવ છે."
પરંતુ ગભરાઇને બોલી ઊઠી રાણી રાજાતણી હવે :
" ઋષિરાજ ! તમારું જે થયું ઉજ્જવલ આવવું
તે સવેળ જ છે થયું
સુખી જીવનની ઉચ્ચ આ મહત્ત્વતણી ક્ષણે.
તો સુમંગલ વાણીથી અશોક ભુવનોતણી
હો तथास्तु સુપ્રસન્ન યોગે બે તારકોતણા
ને તમારો દિવ્ય શબ્દ દો સમર્થન હર્ષને.
ભો હ્યાં અમ વિચારોનો મહીં ખેંચી ન લાવતા,
અમારા શબ્દ મા સર્જો તે દુર્ભાગ્ય જેનો છે ડર એમને.
ભણકારા હ્યાં ના કો, ને મોકો નહિ શોકને
અનિષ્ઠ ભાખતું માથું કરી ઊંચું તાકવા પ્રેમની પરે :
પૃથ્વીના માણસોમાં છે સત્યવાન સૌભાગ્યવાન એકલો
આત્મા આખા સમૂહમાં
જેને જીવનના સાથી રૂપે આપી સાવિત્રીએ પસંદગી,
ને આશ્રમેય સદભાગી વન કેરો, જહીં તજી
મ્હેલ, સંપત્તિ ને ગાડી જશે મારી સાવિત્રી વાસ કારણે
ને જહીં સ્વર્ગ આણશે.
તો આશિષે તમારી લો મારો મુદ્રા અમર્ત્યની
આ આમોદી જીવનોના નિષ્કલંક શ્રેય ને સુખની પરે
અને અનિષ્ઠ છાયાને હડસેલી
કરો આધી આયુ કેરા એમના દિવસો થાકી.
માનવી હૃદયે આવી પડે ભારે અતિશે છાય કાળુડી;
હૈયું હિંમત ના ભીડે આ ધરાએ અતિમાત્ર સુખી થવા.
અતિ ઇજજવલ હર્ષોનો પીછો લેનાર ઘાવનો
ભય એને રહ્યા કરે,
દૈવ કેરા પ્રસારેલા હાથમાંનો ન દેખાનાર ચાબખો
એને ભય વડે ભરે,
મહાસૌભાગ્યની ઉચ્ચ પરાકાષ્ઠા પૂઠે છૂપેલ જોખમે
ડર એ દિલમાં થતો,
સ્મિત જીવનનું લાડ લડાવનતું સ્મિત છે વ્યંગથી ભર્યું,
દેવો કેરું હાસ્ય એને કંપમાન બનાવતું.
યા ઘોર નાશનો ચિત્તો લપાયેલો હોયે અદૃશ્ય પેંતરે,
યા તો અનિષ્ટની પાંખો પ્રસરી હો એ કુટંબતણી પરે,
તો તે પણ કહો, જેથી ફરી બાજુ પરે જઈ
જિંદગીઓ બચાવીએ અમારી એ
યદ્દચ્છાવશ આવેલા મારવર્તી વિનાશથી
ને પરાયા ભાગ્ય સાથે થઈ છે જે તેહ સંડોવણી થકી."
ને ધીરે રહી રાણીને આપ્યો ઉત્તર નારદે :
" જે હંકારાય છે તેઓ માટે છે શી સહાય પૂર્વદૃષ્ટિમાં ?
અવાજ કરતાં દ્વાર ખૂલે પાસે સલામત,
છતાં આવી બન્યું જેનું હોય છે તે આગે જ ચાલતો રહે.
દૈવે રચેલ તોસ્તાન રંગમંચતણી પરે
ભાવિનું જ્ઞાન છે માત્ર ઉમેરો દુઃખની મહીં,
બોજો રિબાવનારો ને છે પ્રકાશ નિરર્થક.
કવિ છે સર્વકાલીન મન વૈસ્વ
એણે સ્વ રાજવી અંકે નાટય કેરા
પ્રતિપંકિત પૃષ્ઠાંકિત કરેલ છે;
ભીમકાય નટો માંડે પગલાં અણદીઠ ત્યાં,
ને છૂપા અભિનેતાના છદ્મ જેવો રહેલો છે મનુષ્ય ત્યાં.
બોલશે હોઠે પોતાના શું યે એ ન જાણતો.
કેમ કે શક્તિ કો ગૂઢ બલાત્કારે પાય એના ચલાવતી
ને એના કંપતા ચૈત્ય કરતાં છે બલવત્તર જિંદગી.
એ કડી શક્તિની માંગો નકારી કોઈ ના શકે,
પોકાર, પ્રાર્થના કોઈ વાળી એને ન શકે નિજ માર્ગથી,
છે એ તીર વછૂટેલું ઈશ કેરી કમાનથી."
નથી ફરજ જેઓની પડતી શોકદુઃખની
તેઓના એ શબ્દ નારદના હતા,
જિંદગીનાં ચાલી રહેલ ચક્રને,
ક્ષણભંગુર ચીજોની વ્યગ્રતાને ચાલતી દીર્ધ કાળથી,
ને અશાંત જગત્ કેરા કષ્ટને ને એના ઉદ્દામ ભાવને
કરતા એ હતા સાહ્ય પ્રશાંતિથી.
જાણે છાતી વીંધાઈ નિજ હોય ના
તેમ માએ જોઈ શિક્ષા પુરાણી મનુજાતની
થયેલી નિજ બાલને.
બીજા ભાગ્યને યોગ્ય જેની મધુરતા હતી
તેને હતું અપાયેલું માત્ર મોટું પ્રમાણ અશ્રુઓતણું.
અભિલાષા રાખતી 'તી દેવો કેરા સ્વભાવની,
મહોજસ્વી વિચારોમાં મન એનું બન્યું બખ્તરિયું હતું,
પ્રજ્ઞાની ઠાલની પૂઠે સ્થિત એનો હતો સંકલ્પ સાબદો,
જ્ઞાનનાં સ્થિર સ્વર્ગોએ જોકે આરૂઢ એ હતી,
જોકે પ્રશાંત ને શાણી હતી રાણી રાજા અશ્વપતિતણી
છતાં યે એ હતી આખર માનુષી
અને શોકતણી પ્રત્યે દ્વારો એનાં અવ ખુલ્લાં થઈ ગયાં;
અટ્ટલ કાયદા કેરા આરસ-દેવતાતણા
પાષણ-ચક્ષુ અન્યાય પર એણે નિજ આક્ષેપ મૂકિયો;
વિશ્વ-શક્તિતણી સામે ટટાર-શિર ઊભતાં
જીવનોને મહાપત્તિ આપે છે બળ જેહ તે
એણે નિજાર્થ ના ચહ્યું :
નિષ્પક્ષ ન્યાયકર્ત્તાની સામે એને હૈયે અપીલ ત્યાં કરી,
ને વ્યક્તિભાવથી મુક્ત एक કેરે
માથે દોષ દુષ્ટતાનો ચઢાવિયો.
બોલાવ્યો સાહ્ય માટે ના એણે શાંત નિજાત્મને,
કિંતુ બોજા તળે જેમ સામાન્ય જન થાય છે
પડું પડું અને દુઃખ નિજ એ અજ્ઞ શબ્દમાં
સોદગાર બ્હાર કાઢતો,
તેમ રાણીએય હાવે વિશ્વ કેરા ધીર સંકલ્પની પરે
દોષારોપણ આદર્યું :
" મહાપત્તિ કઈ એના માર્ગ વચ્ચે સર્પી છે ચુપકી ધરી,
કાળા વનતણા કૂડા હૈયાથી બ્હાર નીકળી,
શાલ્વના છોકરા કેરું ધરી રૂપ સુહામણું
કયું અનિષ્ઠ આવીને મલકાતું થયું મારગમાં ખડું ?
કદાચ શત્રુ એ આવ્યો બાલાના પૂર્વ જન્મનો,
પુરાણા અપરાધોના છૂપા શસ્ત્રે સજાયલો,
અજાણ આપ પોતે યે એમ એણે એને અજ્ઞાતને ગ્રહી.
અહીંયાં પ્રેમ ને દ્વેષ કારમાં અટવાયલાં
કાળનાં જોખમો વચ્ચે આંધળા ભમનાર જે
આપણે તેમને મળે.
આપણા દિન અંકોડા છે કો એક દારુણ શું શૃંખલાતણા,
અવશ્યંભાવિતા વેર વાળી લે છે બેફામ પગલાં પરે;
ઓળખાય નહીં એવે વેશે આવે ક્રૂરતાઓ પુરાણની,
ઉપયોગ કરે દેવો ભુલાયેલાં આપણાં કરમોતણો.
છતાં વ્યર્થ બનાવાયો છે આખો યે કાયદો કડવાશનો .
આપણાં જ મનો ન્યાય તોળે દુર્ભાગ્યયોગનો.
કેમ કે આપણે શીખ્યા ન કશું યે,
આપણી જાત કેરો ને જાતોનો અન્ય લોકની
કરતા આપણે સાવ ખરાબ ઉપયોગ જે
તે કર્યા કરતા હજુ,
અને ભ્રષ્ટ સ્વ સ્વર્ગીય સ્વરૂપથી
પાતાળના પિશાચોને રૂપે પ્રેમ કાળુડો જાય છે બની.
વીફરેલા ફિરસ્તો એ સ્વ હર્ષોની સામે રોષે ભરાય છે,
કરે ઘાયલ એ તો યે લાગે મીઠા
ને જતા તે એમને ન કરી શકે,
એની મીટે બનાવ્યો છે નિઃશસ્ત્ર જેહ જીવને
તેની પ્રત્યે બની નિષ્ઠુર જાય એ,
પોતાની વેદનાઓને લઈ એ જાય ભેટવા
ધ્રૂજતા સ્વ શિકારને,
એની પકડને મંત્રમુગ્ધ જેમ
બાઝી રે'વા બળાત્કાર કરે એ આપણી પરે,
જાણે કે આપણે પ્રેમી હોઈએ ના આપણી યાતનાતણા.
આ એક મર્મવેધી છે દુઃખ જગતની મહીં
ને શોક પાસ છે બીજા ફાંસા ઝાલી લેવા જીવન આપણું.
આપણી દિલસોજીઓ બની જાય આપણી જ રિબામણો.
મારામાં બળ છે દંડ મારો ભોગવવાતણું
જાણીને ન્યાય્ય એહને,
કિંતુ હેરાન આ પૃથ્વી પર ખાતા ચાબખા અસહાય શા
જીવનો શોક ને દુઃખે
ઘવાઈ એ ઘણી વાર કમજોર બની જતું
ભેટો થાતાં આંખોનો દુઃખ વેઠતી.
શોકનું જ્ઞાન જેઓને નથી એવા દેવો જેવાં અમે નથી,
તેઓ તો ધીરતા ધારી દુનિયાના દુઃખને અવલોકતા,
પ્રશાંત દૃષ્ટિએ તેઓ જોતા ક્ષુદ્ર માનવી રંગમંચને
અને માનવ હૈયામાં
પસાર થઈ જાનારા અલ્પજીવી આવેગી અનુરાગને.
હલાવી અમને નાખે હજી યે હ્યાં પુરાણી દુઃખની કથા,
અત્યારે શ્વસતાં ના જે તે હૈયાંની પીડા સાચવતાં અમે,
માનવી દુઃખને જોઈ ધ્રુજારી અમને થતી,
બીજાં જે ભોગવે છે તે દુર્દશામાં અમે ભાગ પડાવતાં.
જરા ના જેમને આવે
એવાં રાગથકી મુક્ત અમારાં પોપચાં નથી.
અમને ક્રૂર લાગે છે સ્વર્ગ કેરી તટસ્થતા:
અમારી એકલાં કેરી પૂરતી ના કરુણાંત ક્થાવલી,
સર્વ કરુણ ને દુઃખો અમે નિજ બનાવતાં;
પસાર થઈ ચૂકેલા માહાત્મ્યાર્થે અમને શોક થાય છે,
ને મર્ત્ય વસ્તુઓ માંહે અશ્રુઓનો સ્પર્શ સંવેદતા અમે.
હૈયાને મુજ દારે છે અજાણ્યાનીય વેદના,
ને આ તો વ્હાલસોયું છે મારું સંતાન, નારદ !
સર્વનાશ અમારો જો હોય તો તે અમથી ન છુપાવતા.
ખરાબ સર્વથી છે આ, અજ્ઞાત મુખ ભાગ્યનું,
અનિષ્ઠ ભાખતો આ છે ભય મૂક
દેખાતો હોય તેનાથી સંવેદે વધુ આવતો,
પૂઠે બેઠકની દા'ડે, રાતે શય્યા સમીપમાં,
અમારાં હૃદયો કેરી છાયામાંહે ભાગ્ય સંતાયલું રહે,
પ્રહાર કરવા કેરી વાટ જોતી યાતના અણદીઠની.
જાણવું સર્વથી સારું,
સહેવાનું ગમે તેવું મુશ્કેલ હૂય એ ભલે."
ઉચ્ચ સ્વરે પછી બોલ્યા ઋષિ વિદ્ધ કરતા ઉર માતનું,
સાવિત્રીને સ્વસંકલ્પ લોહ જેવો બનાવવા
કેરી ફરજ પાડતા
શબ્દોએ એમના મુક્ત કરી સ્પ્રિંગ વિશ્વ કેરા અદૃષ્ટની.
માનવી હૃદયો કેરી વ્યથા કેરો કુહાડો તીક્ષ્ણ ધારનો
બનાવી મહા દેવો કાપી કાઢે પોતાના વૈશ્વ માર્ગને :
ક્ષણના હેતુને માટે નિજ નિર્માણ-કર્મના
માનુષી રક્ત ને અશ્રુ વેડફી એ મારે છે ખૂબ છૂટથી.
ન આ પ્રકૃતિનું વૈશ્વ સમતોલન આપણું,
પ્રમાણ ગૂઢ વા એની અપેક્ષાનું ને પ્રયોગોપયોગનું.
શબ્દ એકલ મૂકી દે છૂટી વિશ્વવિશાળી કાર્યશક્તિઓ,
યદ્દચ્છાવશ કીધેલું
કર્મ એક કરે નક્કી વિશ્વની ભવિતવ્યતા.
તેથી હવે ઘડીએ એ કરી દીધું નારદે મુક્ત ભાગ્યને :
" દાવો તેં સત્યને માટે કર્યો છે તો લે આપું સત્ય આ તને.
માનવો મધ્ય છે જેને સાવિત્રીએ વરેલ તે
છે ચમત્કાર પૃથ્વી ને સ્વર્ગના સંમિલાપનો,
મોખરે એ રહેલો છે પ્રયાત્રામાં નિસર્ગની,
એનો એકલ આત્મા સૌ કાળ કેરી કૃતિઓથી બઢી જતો.
છે એ કલમ કાપેલી નીલમી કો સ્વર્ગ કેરી સુષુપ્તિથી,
સત્યવાનતણો આત્મા છે આહલાદકતા ભર્યો,
છે એ કિરણ આવેલું પરાનંદે પૂર્ણ અનંતમાંહ્યથી,
સંમુદાના સ્તોત્ર પ્રત્યે થતું જાગ્રત મૌન એ.
દેવત્વ સહ રાજ્ત્વ એને માથે છે શોભાયમાન શેખરો;
મહાસુખતણા એક સ્વર્ગ કેરી
સ્મૃતિ એની આંખોએ સંઘરેલ છે.
આકાશે ચંદ્ર એકાકી સમાન સુહસંત એ,
વસંત વાંછતો તેવા મીઠા મુકુલના સમો
સૌમ્ય છે એ સ્વરૂપમાં,
તટો નીરવ ચૂમંતા સ્રોત શો સ્વચ્છતામહીં.
આત્મા ને ઇન્દ્રિયક્ષેત્ર ચમકાવે એ વિભાસંત વિસ્મયે.
ગ્રંથી જીવંત એ એક સોનેરી સ્વર્ગલોકની,
ઝંખતા જગની પ્રત્યે ઝૂકતો છે આસમાની અસીમ એ,
કાળનો આનંદ છે એ કેરી દેવું લીધેલો શાશ્વતીથકી,
તારો વૈભવવંતો એ, અથવા તો ગુલાબ સંમુદાતણું.
સમપ્રમાણ સાન્નિધ્યો છે એનામાં આત્મા ને પ્રકૃતિતણાં,
સમતોલ રહેલાં એ વિશાળા એક મેળમાં
અન્યોન્યે ઓગળી જતાં.
સ્વર્ગના સુખિયા લોકો કેરાં યે હૃદયો નથી
મર્ત્યનિર્માણના એના હૈયા જેવાં સત્યનિષ્ઠાળ મીથડાં,
જે સૌ આનંદને માને જગ કેરું દાન સહજ ભાવનું
ને દે આનંદ સર્વેને, સહજાત ગણી હક જગત્ તણો.
એની વાણી વહે એક જ્યોતિ આંતર સત્યની,
સામાન્ય વસ્તુઓમાં છે શક્તિ જેહ
તે સાથેના વિશાળાક્ષ વ્યવહારતણે બળે
અવગુંઠનથી મુક્ત મન એનું બનેલ છે,
છે એ દ્રષ્ટા ધરિત્રીનાં રૂપો મધ્યે અનાચ્છાદિત દેવનો.
નિર્વાત અથ નિઃસ્પદ વ્યોમ કેરી શાંતિપૂર્ણ વિશાલતા
વિશ્વ નિરીક્ષતી એક મન જેમ અગાધિત વિચારના,
પ્રભાતે પ્રમુદા પ્રત્યે ખુલ્લો કરેલ નીરવ
પ્રભોજજવલ અને ધ્યાનનિમગ્ન અવકાશ કો,
સુખી શૈલ પરે લીલાં વૃક્ષો કેરું ગૂંચવાયેલ જંગલ,
માળો મર્મરતો જેને બનાવ્યો છે પોતાનો મલયાનિલે,
--આ એનાં પ્રતિરૂપો છે, છે સાદૃશ્યો, સગાં સુંદરતામહીં,
ને ઊંડાણે છે એ એનાં સમોવડાં.
સંકલ્પ ચડવા માટે ઊંચકીને લઈ ઉલ્લાસને જતો
સ્વર્ગને શિખરે રે'વા અને એને બનાવવા
સાથી પાર્થિવ સૌન્દર્ય કેરી મોહકતાતણો,
મર્ત્ય આનંદનો ખોળો સેવનારી
અમરોની હવા માટે અભીપ્સા એ નિષેવતો.
એનું માધુર્ય ને મોદ આકર્ષે સઘળાં ઉરો
એમની સાથ રે'વાને અધિવાસી બની સુખી,
સ્વર્ગને સ્પર્શવા માટે બંધાયેલા મિનારના
જેવું છે બળ એહનું,
ખોદી કાઢયો દેવ છે એ જિંદગીની પાષણ-ખાણમાંહ્યથી.
અહો હાનિ !
જે તત્ત્વોનો બનેલો છે એનો દેહકોષ આ રળિયામણો,
માધુર્યો પ્રકટાવે એ જિંદગીમાં પોતાનાં તે અગાઉ જો
એને મ્રત્યુ કરી નાખે દીર્ણશીર્ણ એ પાંચે તત્વની મહીં,
ઉધાર દીધ દેવોએ ખજાનો અણજોડ એ
જાણે કે ન ધરા રાખી શકી ઝાઝી વાર સ્વર્ગીય લોકથી,
એવો વિરલ આ આત્મા, એવો દિવ્ય બનાવટે !
આ પ્રસન્ન ઘડી ઊડી બેસે બેફામ એક કો
કાળની ડાળખીએ તે ટૂંકા એક જ વર્ષમાં
સ્વર્ગે ધીરેલ પૃથ્વીને મહિમા સર્વશ્રેષ્ઠ આ
પોતાનો અંત પામશે,
આ વૈભવ થશે લુપ્ત વ્યોમથી મર્ત્ય લોકના :
મહિમા સ્વર્ગનો આવ્યો
કિંતુ એ એટલો મોટો હતો કે ના એ અહીંયાં ટકી શકયો.
વેગવંતી પાંખવાળા બાર માસ
સાવિત્રીને અને સત્યવાનને છે અપાયલા;
દિન આ આવતાં પાછો મરવાનું નક્કી છે સત્યવાનનું."
તેજસ્વી નગ્ન વિધુત્ શું વાક્ય આ નીકળી પડયું.
રાણી પરંતુ ચીત્કારી, " નકામી તો છે કૃપા સ્વર્ગધામની !
દેદીપ્યમાન દાનોથી કરે સ્વર્ગ મનુષ્યોની વિડંબના,
કેમ કે મૃત્યુ છે મધપાનમાત્ર ઊંચકીને લઈ જતો,
જે પાત્રે છે ભર્યો હર્ષ અત્યંત અલ્પ કાલનો,
ને અસાવધાન દેવો જે
એક ભાવોદ્રેકપૂર્ણ ક્ષણ માટે મર્ત્ય હોઠે સમર્પતા.
પરંતુ ઇનકારું છું હું કૃપા ની વિડંબના.
સાવિત્રી ! કર પ્રસ્થાન ફરી તારે રથે ચઢી
ને ફરી વસતીવાળા પ્રદેશોમાં કર તારી મુસાફરી.
અફસોસ ! વનો કેરા હરા હર્ષતણી મહીં
ખોટે માર્ગે દોરનારા સાદને છે હૈયું તારું નમી પડયું.
દુભાગ્યવશ માથું આ છોડ, તારી ફરી કર પસંદગી,
છે બાગવાન મૃત્યુ આ આશ્ચર્યમય વૃક્ષનો;
માધુર્ય પ્રેમનું પોઢી રહેલું છે
એના આરસ શા પાંડુર હસ્તમાં.
મધમીઠલડી શ્રેણી બની આગળ આવતો
લવ હર્ષ વહોરે છે અત્યંત કટુ અંતને.
તારી પસંદગી કેરી વકીલાત કરીશ ના,
કેમ કે છે મૃત્યુએ રદ એ કરી.
તારાં યૌવન ને કાંતિ ઉદાસીન જમીનની
પરે પડી ગયેલી કો ખાલી પેટી થવા સર્જાયલાં નથી;
ઓછા અપૂર્વ કો બીજા વર દ્વારા
વધારે સુખથી પૂર્ણ તારું સૌભાગ્ય સંભવે."
પરંતુ ઉગ્ર હૈયાથી સાવિત્રી ઉત્તરે વદી,-
સ્વર શાંત હતો એનો, મુખ એનું સ્થિર પોલાદ શું હતું:
" હૈયે મારે એકવાર છે કરેલી પસંદગી
ને ફરી એ કરશે ન પસંદગી.
જે શબ્દ ઉચ્ચરી છું હું તે ભૂંસાશે નહીં કદી,
પ્રભુને ચોપડે છે એ લખાઈને ચઢી ગયો.
એકવાર ઉચ્ચારાયેલ સત્ય જે
તે ભલે ને લુપ્ત થાય ધરા કેરા વાયુમંડળમાંહ્યથી
ભુલાઈ મનથી જાય, તે છતાં યે
અમર ધ્વનવાનું એ સર્વકાળ કાળની સ્મૃતિની મહીં.
ભાગ્યના હાથથી નાંખ્યા પાસાઓ તે પડતા માત્ર એકદા
દેવો કેરી એક શાશ્વતિકી ક્ષણે.
મારે હૈયે પ્રતિજ્ઞા છે સીલબંધ આપેલી સત્યવાનને :
સહીસિક્કો નથી ભૂંસી શકવાનો વિરોધી ભાગ્યદેવતા,
મુદ્રા મારી ન પ્રારબ્ધ, મૃત્યુ યા તો કાળ શકત મિટાવવા.
વિયુક્ત કરશે કોણ તેમને જેહ અંતરે
એક આત્મા બનેલ છે ?
મૃત્યુનો ગ્રાહ છે શકત શરીરો અમ ખંડવા
આત્માઓને ખંડવા એ સમર્થ ના;
મૃત્યુ એને લઈ લે તો મરવાનું આવડે છે મને ય, મા !
જે ચાહે કે શકે તે છો મારી સાથે કરતી ભવિતવ્યતા;
બલિષ્ઠ મૃત્યુથી છું હું ને છું મારા ભાગ્યથી હું મહત્તરા;
વિશ્વના નાશ કેડે યે મારો પ્રેમ રે'શે અખંડ જીવતો,
મારી અમરતા સામે નિરાધાર બની જઈ
સર્વનાશ મારાથી પડશે સરી.
દૈવનો કાયદો લેશે પલટો, ના સંકલ્પ મુજ આત્માનો."
સંકલ્પ વજ્રના જેવો, સાવિત્રીએ કાંસ્યે ઢાળ્યું સ્વભાષણ,
પરંતુ સુણતી રાણી કેરે ચિત્તે સ્વયં વાંછયા વિનાશનાં
વચનો સરખાં એનાં વચનો ધ્વનતાં હતાં,
છુટકારાતણી એકેએક બારી નકારતાં.
નિરાશાર્થે જ પોતાની માએ ઉત્તર વાળિયો;
ડૂસકાતી નિજાશાઓ મધ્યે ભારે હૃદયે શ્રમ કો કરે
વધારે દુખિયા તારમાંથી સૂર સાહ્ય કેરો જગાડવા
તેમ માતા આક્રોશ કરતી વદી:
" બેટા ! તું તુજ આત્માના ભર્યા વૈભવની મહીં
રહેલી અદકા મોટા જગત્ કેરી કિનાર પે,
ને અંજાઈ વિચારોથી તાહરા અતિમાનુષી
સમર્પી તું રહેલી છે શાશ્વતી મર્ત્ય આશને.
આ વિકારી અને અજ્ઞ પૃથિવી ઉપરે અહીં
છે પ્રેમી કોણ ને મિત્રેય કોણ છે ?
સૌ પસાર થઈ જાતું, એનું એ ન રહે કશું.
ક્ષણભંગુર આ ગોળા પરે કોઈ કોઈને અરથે નથી.
ચાહે છે હાલ તું જેને તે અજાણ્યો એક આવેલ છે, અને
વિદાય થઈ જશે એ દૂર કેરા અણજાણ પ્રદેશમાં.
થોડા વખતને માટે
જિંદગીનો રંગમંચ ભીતરેથી છે એને જે અપાયેલો
તે પરે ક્ષણનો એનો પાઠ પૂરો થઈ જતાં
જશે એ અન્ય દૃશ્યોમાં અને અન્ય નટો કને,
ને નવાં ને અજાણ્યાં મોં વચ્ચે હાસ્ય કરશે રડશેય એ.
ચાહ્યો છે દેહ તેં જે તે ઉદાસીન મહાબલ નિસર્ગમાં
જડ ને અવિકારી છે એવા દ્રવ્ય મધ્યે જગતજાતના
દૂર નંખાઈ જાય છે
ને બીજાંનાં જીવનોના આનંદાર્થે કાચું દ્રવ્ય બની જતો.
પરંતુ આપણા જીવો પ્રભુના ચક્રની પરે
ચકડોળે ચઢયા રે'તા ને હમેશાં આવે ને જાય છે વળી,
કૂંડાળામાંહ્ય જાદૂઈ સીમારહિત નૃત્યના
મહાન નટરાજના
સંયોજિત થતા તેઓ અને પાછા વિયોજિત થઈ જતા.
એના ઉદ્દામ સંગીતે
આપણી લાગણીઓ છે માત્ર ઊંચા સૂરો વિલય પામતા,
ઢુંઢતા એક હૈયાની ભાવાવેશે ભરેલી ગતિઓ થકી
બદલાતા બલાત્કારે
ઘડી કેરા ઘડી સાથે અંકોડાઓ જોડયા સતત જાય જ્યાં.
દૂરથી ઉત્તરો દેતું સ્વર્ગ કેરું ગાન આવાહવું અહીં,
પોકાર કરવો એક અગૃહીત મહાસુખતણી પ્રતિ
એટલી જ આપણે હામ ભીડતા;
એકવાર ગ્રહાતાં એ સંગીત સ્વર્ગલોકનું
એનો અર્થ આપણે ખોઈ બેસતા;
અત્યંત નિકટે જાતાં લયવાહી પોકાર દૂર ભાગતો
યા તો ક્ષીણ થઈ જતો;
ગૂંચવી નાખતાં એવાં પ્રતીકો છે માધુર્યો સઘળાં અહીં.
આપણે હૃદયે છે જે પ્રેમી તેની પૂર્વે પ્રેમ મરી જતો :
આપણા હર્ષ છે ભાંગી જાય એવે પાત્રે રાખેલ અત્તરો.
ઓ ! ત્યારે વ્હાણ ભાંગ્યું શું કાળના આ મહાસાગરની મહીં
શઢ જીવનના તાણે કામનાના ઝંઝાવાતતણી મહીં
ને અંધ ઉરને આપે સાદ એને સુકાને આવવાતણો !
વત્સે ! ઉદઘોષશે શું તું ને પછી અનુવર્તશે
શાશ્વતેચ્છાતણા નિયમ સંમુખે,
ઉદ્ધતાઈ ભરી તાનાશાહી આસુર ભાવની
જે ઉગ્ર નિજ ઈચ્છાને કાયદારૂપ જાણતી
જગતે જ્યાં નથી સત્ય, નથી જ્યોતિ અથવા ઈશ્વરે નથી ?
બોલે છે હાલ તું જે તે દેવો માત્ર બોલવાને સમર્થ છે.
તું જે માનુષી તેહ દેવો પેઠે વિચાર ના.
કેમ કે માનવી નીચો છે દેવોથી ને ઊંચો પશુઓથકી,
માર્ગદર્શનને માટે મળેલી છે એને બુદ્ધિ વિવેકની;
પક્ષી ને પશુઓ કેરાં કર્યો જેમ
હંકારાતો ન એ કામે, કરતો ન વિચાર જે :
સંચાલન કરે એનું ન નાગી અનિવાર્યતા
અચેત વસ્તુઓને એ ચલાવે છે જેમ સંવેદના વિના.
પચાવી પાડવા રાજ્ય દેવો કેરું ઉગ્ર ઉદ્દામ વેગથી
આગેકદમ આરોહે દૈત્ય-દાનવનાં દલો,
કે નારકીય વિસ્તારો કેરી સરહદે સરે.
એમનાં હૃદયો કેરા અવિચારી આવેગે ચાલતાં રહી
નિત્યના ધર્મની સામે એ પોતાનાં જીવનોને અફાળતાં,
પછડાતાં પડી ભાંગે પોતાના જ અત્યુગ્ર દ્રવ્યપુંજથી :
સવિચાર મનુષ્યાર્થે રચાયો મધ્ય-માર્ગ છે.
સતર્ક બુદ્ધિની જોતે પોતા કેરાં પગલાંની પસંદગી,
અનેક માર્ગમાંહેથી પોતા કેરા માર્ગ કેરી પસંદગી
પ્રત્યેકને અપાઈ છે ને પ્રત્યેકે નિજ મુશ્કેલ લક્ષ્યને
અનંત શક્યતાઓની મધ્યમાંથી
કરી માર્ગ પ્હોંચવાનુંય હોય છે.
સુંદર મુખની પૂઠે જવા માટે લક્ષ્ય તારું ન છોડતી.
તારા મનથકી ઊર્ધ્વે હશે જયારે ચઢેલ તું
ને રહેતી હશે શાંત બૃહત્તાની મહીં તું एक एव ની,
નિત્ય કેરો બની પ્રેમ શકવાનો માત્ર ત્યારે મહાસુખે,
ને દિવ્ય પ્રેમ લેવાનો સ્થાન ત્યારે માનવી સ્નેહગ્રંથિનું.
છે ઢાંકયો કાયદો એક, શક્તિ એક કઠોર છે :
તારા અમર આત્માને બલવાન બનાવવા
માટેનો એ તને આદેશ આપતી.
કર્મ, વિચાર, ગંભીર મિત આમોદરૂપ એ
નિજ અર્પે કૃપાઓ હિતકારિણી,
જે સોપાનો બને છે ચડવાતણાં
ને લઈ જાય છે દૂરતણાં છૂપાં પ્રભુનાં શિખરો પરે.
શાંતિએ પૂર્ણ યાત્રાનું રૂપ ત્યારે લેતું જીવન આપણું,
પ્રત્યેક વર્ષ ત્યાં એક ગાઉ દૂર દિવ્ય માર્ગથકી રહે,
પ્રતિપ્રભાત થાયે છે ખુલ્લું એક વિશાળતર જ્યોતિમાં.
કર્મો તારાં તને સાહ્ય કરે છે ને
ઘટનાઓ છે સંકેત-સ્વરૂપિતણી,
જાગર્તિ ને સુષુપ્તિ છે
અમૃતા શક્તિના દ્વારા તને આર્પાયલી તકો :
ઉદ્ધારી તું શકે આમ તારા શુદ્ધ અપરાજિત આત્મને
ને એ વિસ્તરતો સ્વર્ગે થાય છે ને વિશાળી સાંધ્ય શાંતિમાં
વ્યોમ જેવો ઉદાસીન અને સૌમ્ય
ધીરે ધીરે બૃહત્તાને પામે કાલાતીત શાંતિતણી મહીં."
દૃઢ-નિશ્ચય નેત્રોએ સાવિત્રીએ કિંતુ ઉત્તર આપિયો :
" મારો સંકલ્પ છે ભાગ સંકલ્પનો સનાતન,
મારા આત્માતણું ઓજ બનાવી જે શકે તે મુજ ભાગ્ય છે,
મારું નિર્માણ છે મારા આત્માની શક્તિની પ્રજા;
બળ મારું નથી અસુરનું બળ,
છે એ તો પરમેશનું.
મારી સુખમયી સત્ય સત્-તા મારી પાસે છે થઈ
મારા શરીરની પાર એક અન્ય કેરા આત્માતણી મહીં :
ઊંડો ને અવિકારી મેં પ્રેમાત્મા પ્રાપ્ત છે કર્યો.
તો પછી એકલી જાત માટે વાંછું હું કલ્યાણ કઈ વિધે,
કે અભીપ્સા કરી શુભ્ર ને શૂન્યાકાર શાંતિની,
અનંત નિજ એકાંત અને સુષુપ્તિમાંહ્યથી
આવવા બ્હાર જે આશે પ્રેર્યો છે મુજ આત્મને
તેને કેવે પ્રકારે હું હણી શકું ?
જે મહાદીપ્તિને માટે પોતે આવેલ છે અહીં
તેની ઝાંખી છે મારા આત્મને થઈ,
વસ્તુજાતતણી જવાળામહીં એણે
એક વિરાટ હૈયાને જોયું છે ધડકારતું,
જોઈ શાશ્વતતા મારી એની શાશ્વતતાતણા
સમાશ્લેશતણી મહીં,
અને થાકયા વિના મિષ્ટ કાળનાં ગહનોથકી
નિત્યના પ્રેમની ઊંડી શક્યતાની ઝાંખી એને થયેલ છે.
આ છે આ પ્રથમ સ્થાને, આ છે આનંદ આખરી,
એની ધબકની આગે છે દરિદ્ર
ભાગ્યશાળી હજારો વર્ષનાં ધનો.
મારે માટે મૃત્યુ-શોક નથી કાંઈ વિસાતના,
યા સામાન્ય જિંદગીઓ, યા દિનો સુખથી ભર્યા.
સાધારણ મનુષ્યોના જીવો સાથે છે મારે શું પ્રયોજન ?
યા સત્યવાનનાં ના જે તે નેત્રો ને અધરો શા હિસાબનાં ?
એના બાહુથકી પાછા ફરવાની નથી મારે જરૂર કો,
અને શોધી કઢાયેલા એના પ્રેમતણા સ્વર્ગીય ધામથી
ને નિઃસ્પંદ અનંતત્વે લઈ જતી
યાત્રાથીય વળી પાછા ફરવાની જરૂર ના.
સત્યવાનમહીં મારા આત્માને કારણે હવે
બહુમૂલ્ય ગણું છું હું મારા જન્મતણા ધન્ય સુયોગને :
સૂર્યાતપે અને સ્વપ્ને લીલામી મારાગોતણા
સ્વર્ગમાં દેવતાઓની જેમ એના સાથમાં સંચરીશ હું.
એક વરસ માટે જો, તો એ વર્ષ મારું જીવન છે બધું,
ને તે છતાંય જાણું છું
કે થોડાક કાળ માટે જીવવું ને ચાહવું ને મરી જવું
એમાં મારું ભાગ્યનિર્માણ ના બધું.
કેમ કે હું જાણું છું, શા માટે
આત્મા મારો આવ્યો છે પૃથિવી પરે
ને હું કોણ ને જેને ચાહું છું તે ય કોણ છે.
મારા અમૃત આત્માની મહીંથી મેં દૃષ્ટિ એની પરે કરી,
મને સ્મિત સમર્પંતા પ્રભુને મેં જોયો છે સત્યવાનમાં;
માવી મુખમાં મારી દૃષ્ટે શાશ્વત છે ચઢયો."
પછી તો કોઈ ના એના શબ્દો કેરો આપી ઉત્તર ત્યાં શક્યું.
બેઠાં મૌન ધરી સર્વે ભાગ્ય કેરી આંખોમાં અવલોક્તાં.
વિધિનો માર્ગ અને દુ:ખની સમસ્યા
નાફેર નિર્માણ ઉપર મૌનની મુદ્રા મરાઈ ગઈ. છતાં એ નિર્માણને સામો પ્રશ્ન પૂછતો એક અવાજ ઊઠયો . રાણી સામાન્ય ક્ક્ષાએ ઊતરી પડી નિશ્ચલ બેઠેલા ઋષિ તરફ વળી ને દૈવની અકળ ગતિને પૃથ્વી જે પ્રશ્ન પૂછે છે તે પ્રશ્ન પૂછવા લાગી, પૃથ્વીલોકના બહિસ્તલ ઉપરની ચેતનામાંથી એણે જગતના મૂક હૃદયમાં રહેલા દુઃખને ને અજ્ઞાન દૈવની વિરુદ્ધ ઊઠતા મનુષ્યના બળવાને એણે વાચા આપી :
" ઋષિરાય ! આ શોક અને દુઃખની દૃઢ દૈવરૂપ ધારતી ભયંકર રહસ્યમયતા ક્યાંથી ઉદભવી છે ? શું ક્રૂર કાયદો તમારા પ્રભુએ કર્યો છે ? કે પછી બીજી કોઈ દારુણ દાનવી શક્તિએ ? સ્વાભાવિક ક્રમે ચાલતા પ્રાણી-જીવનની સહજસ્ફુરણાને સ્થાને મનુષ્યના મને આ રોગ ઊભો કર્યો કે શું ? આમારું જીવન પીડા ને પોકાર સાથે જન્મ્યું છે. વિકાસ પામતા જીવ માટે સત્ય અને મુક્તિ વિલુપ્ત થયાં છે. હજારો અનિષ્ટો આક્રમણ કરતાં આવે છે ને જીવનના સ્વાભાવિક સુખને સમાપ્ત કરી દે છે, રોગ દોગ અમારાં શરીરોને સતાવતા રહે છે ને અંતે એમને મૃત્યુને હવાલે કરી દીધા વગર જંપતો નથી. અમારી પોતાની અંદર જ અમે સ્વ-શત્રુઓને સંઘરીએ છીએ. સ્ખલન, જૂઠાણું, પાપ અને શાપ અમને પજવ્યા જ કરે છે. પુણ્ય પણ અમારે માટે બંદીખાનું બની જાય છે. પગલે પગલે અમને પકડી લેવા માટે જાળ બિછાવાયેલી છે. માણસ પોતે જ ચાહીને નરકના સકંજામાં સપડાઈ જાય છે પોતાના સુખનો તેમ જ બીજાંઓના ભલાનો ભોગ આપતો રહે છે. માણસની પોતાની ઈચ્છા-શક્તિ મૃત્યુ, કાળ અને કમભાગ્યની સાથે કાવતરામાં ભળી જાય છે. નિષ્ફળ જીવનોની પરંપરાઓમાંથી માણસ પસાર થતો રહે છે. એનું જીવન એક નિરર્થક કથાવસ્તુનો કે એક પ્રસંગમાત્ર બની જાય છે. આ વિચિત્ર અને વંધ્ય વાર્તાનો કયાંથી આરંભ થયો ? કઈ શક્તિએ અમર આત્માને આ લોકમાં જન્મ લેવાઈ ફરજ પાડી ? પોતાના અમૃત્વના હકને જતો કરવાની મતિ કોણે એને આપી ? શું કોઈ મહાકાયાએ આ
આકાશ ભરતું તારકમંડળ રચ્યું છે ? તો પછી આત્માની સુરક્ષા શેમાં રહી છે ? સંભવ છે કે અમે જેને જીવ સમજીએ છીએ તે માત્ર એક સ્વપ્ન છે અને સનાતન આત્મા સમાધિમાં સંવેદાતી એક કપોલકલ્પના છે ?"
થોડી વાર ચૂપ રહી નારદ બોલ્યા અને મર્ત્યલોકની વૈખરીમાં એમણે ભાગ્યની સમજનાં ઊંડાં સૂચનો આપ્યાં :
" તો શું રાત્રિ છે માટે સૂર્ય એક સ્વપ્નું છે ? મર્ત્યના હૃદયમાં ગુપ્ત ભાવે સનાતનનો નિવાસ છે. અંતરાત્માની ગહન ગુહામાં એ વિરાજમાન છે. રાણી ! માત્ર તારી અને એની વચ્ચે અંધકારનો પડદો આડો પડેલો છે. તારા અજ્ઞાનનો ઝગમગાટ પ્રભુના મંગળ મુખને અવગુંઠિત કરી દે છે. તારું મન શાશ્વત જ્યોતિને ને તારા હૃદયની આશાઓ અને અપેક્ષાઓ શાશ્વતના સંકલ્પને સંતાડી રાખે છે. પૃથ્વી-લોકનાં સુખો અમર આનંદને તારી પાસે આવવા દેતા નથી, એ વચમાં અંતરાયરૂપ બની જાય છે.
આવું છે માટે દુઃખ જન્મ્યું છે, જડતામાંથી જગાડવા માટે એ આવ્યું છે. અજ્ઞાન છે ત્યાં દુઃખ આવવાનું જ. સુખદુઃખ જોડિયાં જન્મ્યાં છે, પણ પ્રથમ જન્મ્યું છે દુઃખ ને એની પછી જ સુખનો જન્મ સંભવ્યો છે.
દુઃખ એ દેવોનો ઘણ છે. એના પ્રહારથી મર્ત્ય હૃદયની શિલાજડતા તોડવામાં આવે છે ને જાગેલું ચેતન સૂર્ય પ્રતિ ઊંચે ચડવાનું શીખે છે. પૃથ્વીની પ્રસવપીડા હજુ પૂરી થઇ નથી. શતકો પર શતકો વીતે છે ને હજુ દેવસ્વરૂપનો જન્મ થયો નથી. પણ એ પુરાણી માતા હર્ષપૂર્વક બધું સહેતી રહી છે. પીડા ને પરિશ્રમમાંથી બધાં સર્જનો થાય છે.
ઘોર ગર્તોમાંથી પાપબળો જાગે છે, તેમની સામે મોરચા માંડવાના હોય છે. ઘમસાણોનો ઘોર નાદ મચતો રહે છે. માણસ જીવે ને પ્રભુનો જન્મ થાય તેને માટે માણસો મૃત્યુ વહોરે છે. ઘાટ આપતા ઘણોના ઘા મોટી યાતના તો છે, છતાં ભીતરમાંનો આત્મા એને આનંદથી અપનાવી લે છે. જે પોતાનું પરિત્રાણ કરવા માગતો હોય તેણે અકિંચન અને શાન્ત થવાનું છે, જે સમસ્ત જાતિનો ઉદ્ધાર કરવાને બહાર પડયો હોય તેણે તે જાતિના દુઃખમાં ભાગીદાર બનવાનું છે, જગદુદ્વારકોએ જગતના શોકદુઃખની ઝૂંસરી ને માનવોના ભાગ્યનો ભાર ખભે લેવાનો છે.
પ્રભુનો પુત્ર માનવીનો પુત્ર બનીને જન્મ્યો. એણે સનાતનનું ઋણ ફેડ્યું. જે પોતે સર્જનહાર છે તેને દુઃખના ને મૃત્યુના નિષ્ઠુર નિયમની નીચે આવવાનું થયું. એ પ્રભુ સાથે એકરૂપ બનેલો છે. જે ઘૂંસરી ઉતારવા પ્રભુ પૃથ્વી ઉપર આવે છે તે ઘૂંસરી એને પોતાને વહેવી પડે છે. પૃથ્વીના પાપશાપનો બોજો એના આત્મા પર લદાય છે. આસુરી શત્રુ શક્તિઓ એની સામે અડીખમ અડે છે. એનું જીવન એટલે સતત સંગ્રામ અને ઘોર ઘેરો. જગતનું ઝેર એને નીલકંઠ બનાવે છે. પોતાના યજ્ઞમાં એ પોતે જ બલિદાન બને છે. એને માટે વધસ્તંભનું નિર્માણ છે.
પણ મોટાં બલિદાનો વગર મોટાં સ્વર્ગો મળતાં નથી. પૃથ્વી ઉપર પ્રભુની શાંતિનું રાજ્ય સ્થાપવું હોય તેને બધું જ જીતવું પડે છે, બધું જ વેઠવું પડે છે. અંતરમાં રહેલા રિપુઓને જીત્યા વગર માણસ પોતાના દૈવી નિર્માણને સિદ્ધ કરી શકતો નથી. જગતને ઊંચે લઈ જવા માટે જ્ન્મેલાઓને આ આંતર યુદ્ધમાં થઈને પસાર થવું પડે છે. તે વગર મોટી પ્રાપ્તિઓ કરી કે કરાવી શકાતી નથી.
વિશ્વોદ્વાર મહાકઠિન કાર્ય છે. એનો બોજો અસહ્ય છે. કેમ કે જગત પોતે જ એની વિરુદ્ધ ઊભું થાય છે, ને જેમને બચાવવા એ આવ્યો હોય છે તે લોકો જ એના દારુણ દુશ્મનો બની જાય છે. આવો કોઈ ઉદ્ધારક આવે છે ત્યારે એના હાથે થોડાક ઉદ્ધાર પામે છે, બીજા ઘણા મથતા રહે છે ને ઘણા તો નિષ્ફળ જ નીવડે છે. પ્રભુના સૂર્યના સામીપ્યમાં જવા માટે માર્ગો છે ખરા, પરંતુ કેવળ પવિત્ર આત્માઓ જ પ્રકાશમાં પગલાં માંડી શકે છે.
પરંતુ એક આવશે-દિવ્ય કવચધારી ને અજેય. પ્રભુની રાત્રિનું તેમ જ પ્રભુના સૂર્યનું એનામાં પ્રજ્ઞાન હશે. બધા જ વિરોધોનું ને વિપરીતોનું એ સમાધાન સાધશે. અશુભો શુભમાં પલટાઈ જશે, શોક મહામુદાની ગોદમાં ભરાશે, પૃથ્વી પ્રભુના પ્રકાશનું પરમધામ બનશે, આ મર્ત્ય જિંદગી સનાતનની સંમુદાનું નિવાસ્થાન બનશે, શરીરને અમૃતત્વનો આસ્વાદ મળશે. આવું થશે ત્યારે જ વિશ્વોદ્ધારકનું કાર્ય પૂર્ણાહુતિ પામશે.
ત્યાં સુધી, હે મર્ત્ય ! દુઃખના મહાનિયમને સહી લે. પરમાત્માની શક્તિને તારા આત્માનો આશ્રય બનાવ, પરમ સત્ય પ્રત્યે વળ, પ્રેમ માટે પ્રાર્થના કર, શાંતિનું આવાહન કરતો રહે. તારું નિત્યનું જીવન એક દિવ્ય યાત્રામાં પલટાવી નાખ. ક્ષુદ્ર હર્ષો અને ક્ષુદ્ર શોકો હોવા છતાંય તું પ્રભુ પ્રત્યે પ્રયાણ કરી રહેલો છે. પણ સાવધાન ! ભૂલેચૂકેય તું આસુરી માર્ગ લેતો નહિ. અસુર પોતાના ક્ષુદ્ર અહંકારનું આધિપત્ય સ્થાપવા માગે છે. પોતાનાં ને પારકાં દુઃખો વડે એ એને પરિપુષ્ટ બનાવે છે. પોતાના 'હું' માં એ બ્રહ્યાંડને ગળી જવા માગે છે.
મર્ત્ય માનવ ! સહન કરવાનું આવે તો સહન કરી લે, પણ પ્રહારને નિમંત્રણ ન આપ. અનંતતા તારા આત્માનું લક્ષ્ય છે. પરમાનંદ પરમાત્માના માથાનો મુકુટ છે. દુઃખ માત્ર અજ્ઞાનનું મતું છે. આત્માનો પ્રારબ્ધ ઉપરનો વિજય એ શાંતિ છે. તારા આત્માનું સામર્થ્થ તને પ્રભુ સાથેની તદાત્મતા સમર્પશે. કેવળ પરમાત્માનાં શિખરો પર આનંદાનંદ દિગંબર સ્વરૂપે અટ્ટહાસ્ય કરે છે.
હે મર્ત્ય ! મૃત્યુ ને દૈવ સામે બાકરી બાંધતો માં. તેં પોતે જ એમને આમંત્રી આણ્યાં છે. એક સમયે તું પરમ સત્યમાં, પ્રભુના પ્રકાશમાં, પરમાનંદના ધામમાં હતો. પણ ત્યાંથી તું કુતૂહલવશ અવિદ્યામાં ઝંપાપાત કરીને ઊતર્યો છે. વિપરીતમાંય પરમાત્માનો પરિચય સાધવાની ઈચ્છા તેં અમલમાં મૂકી છે. એક વિશ્વવિરાટ છદ્મવેશમાં સનાતનનો આનંદ છુપાઈ રહ્યો છે."
પછી અશ્વપતિએ નારદને ઉત્તર આપ્યો :
" તો શું આત્મા ઉપર બહારના જગતનું રાજ્ય ચાલે છે ? એની કોઈ આંતરિક ઉપાય છે ખરો ? દૈવ શું વિશ્વશક્તિ દ્વારા લાંબે ગાળે સિદ્ધ થતો આત્માનો પોતાનો જ સંકલ્પ નથી ? મને લાગે છે કે સાવિત્રી એક અત્યંત ઓજસ્વી શક્તિ લઈને અવતરી છે. શું એ શક્તિ દૈવની પરમોચ્ચ પ્રતિસ્પર્ધી નથી ? "
પરંતુ નારદે સત્યને સત્યમાં છુપાવીને કહ્યું :
" નીચે થઈ રહેલું બધું જ ઊર્ધ્વમાં પૂર્વદૃષ્ટ હોય છે. એની દોરતી દોરી અમર દેવોના હાથમાં છે. દિવ્ય ઘામનો વધારે જ્ઞાનવાન પ્રેમ માનવ પ્રાર્થનાને ઈનકારે છે. ઈચ્છા, ભય ને આશા એને આંધળો બનાવી શકતાં નથી. તારી પુત્રીનો આત્મા એક દિવ્ય મહિમાનો મહાનિલય છે. એ પોતાને તેમ જ પોતાની આસપાસના સર્વેને અનેરું રૂપાંતર સમર્પશે. માનવોને જે દુઃખની જરૂરિયાત છે તેમાં એણે ભાગ પાડ્યો છે. ઊર્ધ્વમાંના પોતાના સહજાનંદને એણે અહીંના દુઃખમાં પલટાવી દીધો છે.
એક મહાજાદૂગરનાં મંત્રસૂત્રોએ જડ જગતના નિયમો બનાવ્યા છે. આત્માની અનુમતિ વગર એમને બદલી શકાતા નથી. પણ જાદૂગર પોતે ધારે તો બધું જ બદલી શકે છે. માનવ સંકલ્પ પ્રભુના સંકલ્પ સાથે એક બની જાય, માનવ વિચાર પ્રભુના વિચારોના પડઘા પાડે, તો માણસ પણ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન બની શકે છે. માનવ મન પ્રભુના પ્રકાશને ઝીલે, પ્રભુની શક્તિથી માનવની શક્તિ સંચાલિત થાય તો માણસ પોતે ચમત્કારો કરતો ચમત્કાર બની જાય, પ્રકૃતિનો પ્રભુ બનીને પરમે વિરાજે.
પ્રકૃતિ અને તારા આત્મા વચ્ચે ચાલતો વ્યવહાર,એ તારું ભાગ્ય છે, ને એમાં ન્યાયનિર્ણયનો આપનારો ઈશ્વર છે. માણસ જેને લક્ષ્ય બનાવે છે ને જે માર્ગ લે છે તે તેનું ભાગ્ય છે. અંતર્યામી પ્રભુ પ્રતિ બારણાં ઊઘડી જાય ત્યાં સુધી દેવોને માટે જે યજ્ઞ થાય છે તેનું નામ ભાગ્ય.
પ્રકૃતિના અજ્ઞાનમાં આવેલા ઓ આત્મા ! તારું ભગ્ય એક સંગ્રામ છે, એક અખંડ આગેકદમ કૂચ છે. આમ યુદ્ધને માર્ગે પ્રયાણ કરતો માણસ આખરે પરમ પ્રભુના પ્રકાશના શિખરે જઈને ઊભો રહે છે.
સત્યવાન મૃત્યુનો તું નકામો અફસોસ કરે છે. એનું મૃત્યુ એક મહત્તર જીવનનો આરંભ છે. મૃત્યુ એ આત્માને મળેલો મોટો અવસર છે. એક ચૈતન્યમયી શક્તિએ જીવનની યોજના ઘડી છે. એના મહાન શિલ્પકાર્યમાં જે મોટા મોટા શિલ્પકારો છે તેમાં સૌથી મોટી સાવિત્રી છે.
રાણી ! ગૂઢ સંકલ્પને બદલી નાખવાને મથતી નહિ. કાળમાં થતા અકસ્માતો એ વિશાળ યોજનાનાં પગથિયાં છે. પોતાના સંકલ્પને પ્રભુના સંકલ્પની સાથે એકાકાર બનાવનારની આડે આવતી નહિ. એ પોતે જ પોતાના વિપરીત ભાવિને ભેટવાને સમર્થ છે. અખિલ બ્રહ્યાંડની સામે અડેલું એનું એકલીનું બળ દૈવનો
સામનો કરશે ને એ કોઈ મનુષ્યની કે કોઈ દેવની મદદ માગશે નહિ. મહાત્માઓ જયારે કેવળ એકલવાયા બની ગયા હોય છે ત્યારે એમનું બળ પરાકાષ્ઠાએ પહોંચે છે, પ્રભુની શક્તિ એમનામાં પ્રકટ થાય છે. જે આત્મા એકમાત્ર પોતાની સાથે જ રહેતો હોય છે તેને પ્રભુનો ભેટો થાય છે.
એક એવો સમય આવશે જયારે સાવિત્રી સાવ એકલી પડી જવાની. એને સહાય કરવા ત્યારે કોઈ હશે નહિ. આખાય વિશ્વનું ભાવિ પોતાના હૃદયમાં લઈને એ એક આખરી કિનાર પર જઈ ઊભશે. કાં તો મહાવિજય, કાં તો મહાનિષ્ફળતા, એ બે જ એને માટે હશે. યા તો મૃત્યુની સામે યા તો પ્રભુની સામે એકલી એ ખડી થશે. નહિ કોઈ માનવ કે નહિ કોઈ કવચધારી દેદીપ્યમાન દેવ એને તે સમયે સહાય કરી શકે. રાણી ! દેવલોકની પ્રત્યે પોકાર કરતી નહિ. તારી સાવિત્રી પોતે જ પોતાનું પરિત્રાણ કરી લેશે. આ મહામથામણમાં તારું કોઈ સ્થાન નથી. તું પાછી હઠીને જોયા કર. વિશ્વનું ભાગ્ય અને સાવિત્રી-ઉભયને તું પ્રભુની સંભાળમાં સોંપી દે. વચ્ચે પડતી નહિ. સાવિત્રીને ને એના ઓજસ્વી આત્માને ભાગ્યને હવાલે એમને એમ છોડી દે."
આટલું બોલી નારદજી પૃથ્વીલોકમાંથી પોતાના ઊર્ધ્વના આનંદધામમાં સિધાવ્યા. ઊંચે તકાયેલું કોઈ તેજસ્વી તીર જાય તેમ એમનું જ્યોતિર્મય શરીર અદૃષ્ટમાં અંતર્લીન થઈ ગયું. પરંતુ એમની પાછળ અમર પ્રેમનું એમનું ગાન ત્યારેય પૃથ્વીલોકમાં ધ્વનિત-પ્રતિધ્વનિત થયા કરતું હતું.
મૌને સીલ કરી દીધો ચુકાદો જે કર્યો રદ જતો નથી,
નીકળ્યો દિવ્ય હોઠોથી શબ્દ વિધિવિધાનનો
નિર્માણ કરતો નક્કી જેને કોઈ ઉલટાવી શકે નહીં,
સિવાય કે સ્વયં સ્વર્ગતણો સંકલ્પ ફેરવે
પોતે નક્કી કરેલા નિજ માર્ગને.
યા તો એવું લાગતું 'તું; તે છતાં મૌનમાંહ્યથી
અવાજ એક ઊઠયો જે નાફેર નિર્માણને
પ્રશ્ન પૂછી રહ્યો હતો.
મથતી 'તી એક ઈચ્છા
નિર્વિકાર ઈચ્છાશક્તિ સામે વિરોધ આદરી,
એક માતાતણા હૈયે સાંભળી 'તી વાણી વિધિવિધાનની
મૃત્યુના સાદને એક મંજુરી શી થતી ધ્વનિત જે હતી,
ને જે જીવન ને આશા કેરા ઠંડા અંત શી નીકળી હતી.
ફરી બેસી ગઈ આશા ઓલવાયેલ આગ શી.
પોતે જે આત્માને રાખ્યો હતો રક્ષી, તેની એકાંતતા પરે
લહ્યો આક્રાંતતો એણે સીસા શા એક હસ્તને,
હતો એ કરતો ઘાવ ઓચિંતા દુઃખશસ્ત્રથી
એના નિશ્ચલ સંતોષે ને સામ્રાજ્યે
મુશ્કેલીથી મેળવાઈ હતી તે ચિત્તશાંતિના.
એ થોડી વાર સામાન્ય માનવોનો મનના સ્તરમાં પડી
ક્ષેત્ર જે મર્ત્ય શોકનું,
ભાગીદાર બની રાણી ધર્મમાં પ્રકૃતિતણા.
સામાન્ય માણસો કેરું ભાગ્ય એણે ઉપાડિયું,
સામાન્ય હૃદયો સ્હે છે કાળમાં તે સહ્યું સ્વયં.
અતકર્ય શક્તિની પ્રત્યે પૃથ્વી કેરા પ્રશ્નને વાચ આપતી
રાણી વળી હવે સ્થૈર્ય હજી ધારી બેઠેલા મુનિની પ્રતિ :
અસંતોષે પ્રકૃતિના ઊંડાણોના સમાક્રાંત થઈ જઈ,
પાડતી ભાગ પીડામાં હંકારાતી મૂગી સૌ વસ્તુઓતણી,
એમને સર્વ દુઃખે ને પોકારે અજ્ઞ એમના
સહભાગી બની જઈ,
ભાવાવેશે શોક શી ને સ્વર્ગને પ્રશ્ન પૂછતી
મા સાવિત્રીતણી વદી.
ખોઈ બેઠી જરાવાર અવસ્થા સ્વસ્થ આત્મની,
ભાગ્યે સામન્ય જીવોના ભાગીદાર જરાવાર બની ગઈ,
મૃત્યુનો ને કાળ કેરો ભારે હાથ એણે પોતા પરે ધર્યો,
યંત્રણા જિંદગી કેરાં પીડાગ્રસ્ત ઊંડાણોમાંહ્યની લહી.
આપી પોતાતણી વાણી સપાટીએ રહેતા જગ-જીવને
વિશ્વના મૂક હૈયામાં છે જે દુઃખ
અને માણસનું બંડ નિજ અજ્ઞ ભાગ્ય કેરી વિરુદ્ધમાં,
તેને વ્યક્ત કર્યાં એણે પોતાનાં વચનો વડે.
" ઋષિજી ! પૃથિવી કેરા સુવિચિત્ર દ્વૈધપ્રધાન જીવને
કઈ નિષ્ઠુર વિદ્વેષી અવશ્યંભાવિતા વડે,
કઈ ધૂને ભાવશૂન્ય ઈચ્છા કેરી એક સર્જનહારની,
નિરુદ્દેશ અકસ્માતે કયા, યા તો યદ્દચ્છાએ પ્રભાવિતા,
આપાતિક પદોમાંથી જેણે નિયમ છે ઘડયો,
પ્રારબ્ધ વિરચાયું છે ભાવમાંથી મુહૂર્તના,
શોક ને દુઃખની ઘોરતર જન્મી રહસ્યમયતા તથા ?
પ્રભુ તે શું તમારો છે જેણે ક્રૂર કાયદો આ રચેલ છે ?
યા કો ઘોર વિપત્કારી શક્તિએ છે બગાડ્યું કાર્ય એહનું,
ને ઊભો એ નિરાધાર રક્ષા કે ત્રાણ આપવા ?
આ પૃથ્વી પર જે વારે ભલા સાથે બુરું જોડિયું બન્યું
ત્યારે એક વવાયું 'તું
પ્રાણહારી બીજ જૂઠે આરંભે જિંદગીતણા.
ત્યારે પ્રથમ પ્રાકટ્ય મનનો રોગ પામિયો,
વ્યથા વિચારની એની પ્રકટી ને શોધ જીવનલક્ષ્યની.
પ્રાણીનાં કર્મની ખુલ્લે ખુલ્લી સાદાઈ જે હતી
તેને વળ દઈ એણે આપ્યાં રૂપો સારાંનાં ને ખરાબનાં;
દેહના દેવતાઓએ કાપી કાઢયો માર્ગ તે પલટાવતું,
ને જે તારકનું તેજ પડે નીચે વ્યોમોમાંથી વિચારનાં
જેવા સ્વલક્ષ્યની શોધે જિંદગી ભટકયે જતી
તેનો અનુસરે માર્ગ વાંકોચૂંકો એ અનિશ્ચિતતા ભર્યો;
માર્ગદર્શન એ આપે ભાવનાને
અને સંકલ્પને દોરે ડામાડોળ બનેલને.
અંતરતમ આત્માની દૃષ્ટિ કેરા-સૂચ્ચગ્ર સાથમાં
સહજપ્રેરણાની જે સલામ તદાત્મતા
હતી તે લુપ્ત છે થઈ,
પગલાં ખાતરીબંધ ભરાતાં જે સાદી ચાલે નિસર્ગની
તે મહીં બાધ આવતો,
વિકાસ પામતા સત્ત્વ કેરાં સત્ય ને સ્વાતંત્ર્ય શમી જતાં.
હજી ના જન્મનો ભોગ બન્યા આત્મા, તેમનો અધિકાર જે
તે પ્રાચીના પાપમુકત શુદ્ધિ ને શાંતિમાંહ્યથી
જિંદગી આપણી જન્મી દુઃખમાં ને રુદનસ્વરને લઈ,
નંખાયેલી અહીં નીચે સહેવાને
આ કઠોર જોખમોએ ભર્યા જગે.
જોકે પ્રકૃતિ પૃથ્વીની સત્કારે છે ઉચ્છવાસ સ્વર્ગલોકનો
જે જીવનતણી ઈચ્છા પ્રેરે છે જડતત્ત્વમાં,
છતાં હજાર આપત્તિ આક્ર્મે છે મર્ત્ય જીવનકાળને
ને સ્વભાવિક આનંદ જિંદગીનો એથી ક્ષીણ થઈ જતો;
આપણા દેહ છે યંત્રો બનાવાયેલ યુક્તિથી
એમના કિંતુ સર્વેય ય ભાગો માટે
ચલાકીથી એટલી જ પ્રયોજાઈ ગયેલ છે
ને દૈત્યોની યુક્તિ સાથે વિનિર્મિત થયેલ છે
મર્ત્ય જોખમ કેરો ને એના વિશિષ્ઠ દુઃખનો
અનિવાર્ય એમને યોગ્ય વારસો,
કાળ ને દૈવનો વેરો એમને ભરવો પડે,
એમની રીત સ્હેવાની ને રીત મરવાતણી.
આપણા ઉચ્ચ સ્થાનાર્થે છૂટકાનો દંડ આ ભરવો પડે,
નિશાની ને છાપ છે એ આપણી માણસાઈની.
દારુણ દલ રોગોનું આવે માનવ દેહમાં
પરવાનો પામેલું ત્યાં નિવાસનો,
જિંદગીને રિબાવે એ મૃત્યુ કેરાં પ્રભંધકો.
દુષ્ટતા ભર્યાં એવાં દરોમાં દુનિયાતણાં,
અવચેતનનાં એનાં બિલોના મારગોમહીં
તરાપ મારવા કેરી સંતાઈને રાહ જોઈ રહેલ છે
જીવનપુર ઘેરામાં છે જે તેને ઘેરતાં ભયજોખમે :
માનવીની જિંદગીના દુર્ગે દીધો પ્રવેશ તો
સુરંગ ફોડતાં એના બલ નીચે,
અંગો વ્યંગ દેતાં કે ઓચિંતા એને મારીય નાખતાં.
પોતે જ પોષીએ છીએ જીવલેણ બળો ભીતર આપણે ;
આપણા શત્રુને પોતે બનાવીએ છીએ અતિથિ આપણા:
તેઓ જનાવરો પેઠે નીકળીને પોતાનાં બિલમાંહ્યથી
સર્પી આવે અને કાપ્યે જાય તારો
વીણા કેરા દિવ્ય સંગીતકારની,
તારા આપ ઘસાઈને પાતળા થાય છે તદા
સંગીત લોપ પામે છે યા તો છેલ્લા દુ:ખાંત સ્વર સાથમાં
તૂટી વાદિત્ર જાય છે.
ઘેરો ઘલાયલો હોય એવા કિલ્લા જેવા આપણા સર્વથા :
જે થવા મથીએ છીએ આપણે તે સઘળું સ્વપ્નના સમું
જડ-અજ્ઞાનની ઘેરી નિદ્રામાં પલટી જતું.
વિસંવાદે વિશ્વ કેરા ને કુરૂપે માનુષી વસ્તુઓતણા
મન દુઃખ સહે છે પાંગળું બની.
જિંદગી છે ખજાનો જે બેકાર ખરચાય છે,
યા તો સસ્તે જતો રહે,
વ્યર્થ વેચાઈ જાયે એ બજારે અંધ ભાગ્યના,
કાળના દેવતાઓનો અમૂલો ઉપહાર એ
પરવા વણને લોકે ગુમાવતો યા રખાતો અપાત્રમાં,
ચૂકી જવાય છે જેને એવું આશ્ચર્ય જિંદગી,
છે એ કલા મરોડાઈ બની વિકૃત જે જતી;
સ્થાને કાળા તમોગ્રસ્ત શોધમાં નીકળેલ એ,
છે એ યોદ્ધો અપર્યાપ્ત સજાયો હથિયારથી
અને જે અડતો ઘોર વૈષમ્યોની વિરુદ્ધમાં,
ગૂંચવી નાખતું કામ છે અપાયેલ જેહને
એવો એક અપૂર્ણ કર્મકાર એ,
ઉભા કરેલ અજ્ઞાને પ્રશ્નો કેરો અજ્ઞાન ન્યાયકાર એ,
એનાં ઉડ્ડયનો સ્વર્ગ પ્રત્યેનાં, તે
છે બંધ ને નથી ચાવી એવાં દ્વારે પહોંચતાં,
એનાં પ્રસ્ફોટનો ભવ્ય કથળી કીચડે જતાં.
દાનો મનુષ્યને છે જે મળ્યાં પ્રકૃતિ પાસથી
તેમને છે શાપ એક અપાયલો
હાથે હાથ મિલાવીને સૌ પોતાના વિપક્ષી સાથ ચાલતું,
મિતિવિભ્રમ છે સાથી
મર્ત્ય એવા આપણા માનવીઓના વિચારનો,
સત્યના ગૂઢ હૈયામાં છે અસત્ય છુપાયલું,
પ્રોલ્લાસી નિજ પુષ્પોએ હર્ષ કેરાં પાપ પ્રસારતું વિષ,
કે આત્મા પર આંકે છે ડામના લાલ ડાઘને;
છે નીતિ ધૂસરો બંધ બંદીગૃહેય એહ છે.
આપણે કાજ પ્રત્યેક પગલે છે જાળ બિછાયલી.
વિવેકબુદ્ધિ ને આત્મજ્યોતિ માટે છે જેહ પરદેશનો
તેહ અંધારમાંહેથી પ્રકટે છે આપણાં કર્મનો ઝરો;
અજ્ઞાન ને અવિદ્યામાં આવ્યાં છે મૂળ આપણાં.
વધતી જ જતી નોંધપત્રિકા વિપદોતણી,
છે એ હિસાબ ભૂતનો
ને ભવિષ્યતણી પોથી અદૃષ્ટની :
નૈસર્ગિક અનિષ્ટોના સંખ્યાબંધ સમૂહ પે
સૈકાઓ ખડકે જાતા
માનવીની મૂર્ખતાઓ ને ગુના ઇનસાનના;
પાષણ-ભાર જાણે કે પૂરતો ના જગત્ તણો
તેમ દેવોતણે ચાસે બીજ જક્કી દુઃખ કેરાં વવાય છે
માનવીના સ્વહસ્તથી,
ભુલાયેલા ભૂતકાળે દટાયલાં
કુકર્મોમાંહ્યથી જૂનાં વિશાળો વધતો જતો
કરુણાંત પાક પ્રૌઢ લણાય છે.
કરી પસંદ પોતે જ
નારકીય સકંજામાં એ પોતે ચાલતો જતો;
આ મર્ત્ય જીવ પોતે જ પોતા કેરો શત્રુ સૌથી ખરાબ છે.
એનું પદાર્થ-વિજ્ઞાન શિલ્પી એના પોતાના ઘોર નાશનું;
પૃથ્વીને ઢૂંઢતો એહ એનાં સાધન લૂંટવા
અને પ્હોંચાડવા હાનિ સ્વ-જાતિને;
પોતાનું સુખ ને શ્રેય બીજાંઓનું એને હાથે હણાય છે.
એ કશું યે નથી શીખ્યો કાળથી ને કાળના ઇતિહાસથી;
કાળના યૌવને કાચા થતું જેમ જૂના સમયની મહીં
અજ્ઞાન પૃથિવી જયારે દોડતી'તી ઘોરી માર્ગે નસીબના,
તેમ રૂપો પુરાણાં છે વળગીને રહેલાં વિશ્વ-આત્માને :
શૂન્યે શમાવતાં યુદ્ધો જિંદગીની મિષ્ટ સસ્મિત શાંતિને,
સંગ્રામો, લૂટ ને પાયમાલી ને કતલો થતી
સામસામે ઝૂઝનારી જાતિઓની હજી રમત ક્રૂર છે;
સૈકાઓએ રચ્યું હોય તેને મૂર્ખ ઘડી એક કરે ઝબે,
બેકાબૂ ક્રોધ-ઉન્માદ કે ઝનૂને ભર્યો વિદ્વેષ દે કરી
જમીનદોસ્ત સૌન્દર્ય ને મહત્તા
રચાયેલાં માનવી પ્રતિભા વડે,
રાષ્ટ્રના શ્રમની મોટી પેદાશ પ્રલયે પડે.
એણે હોય કર્યું સિદ્ધ તે બધું એ
ધારે ખેંચી જતો ઘોર પ્રપાતની
સર્વનાશ અને પાત કેરી વીરકથામહીં
નાખતો પલટાવી એ પ્રતાપી નિજ ભવ્યતા;
ગંદકીને ને કિચ મધ્યે મને સંતોષ માનતી
ક્ષુદ્રતા જાય છે એની કીટ માફક સર્પતી,
દેવલોકતણો દંડ માગે એ નિજ મસ્તકે,
ને આળોટ્યા કરે પોતે પોતે સર્જેલ દુઃખમાં
છે એનો ભાગ કાર્તૃ ત્વે વિશ્વ કેરી કરુણાંત કથામહીં,
એનો સંકલ્પ ષડ્યંત્રે ભળેલો છે
મૃત્યુ, કાળ,અને ભાગ્ય કેરો સાથી બની જઈ.
અલ્પકાલીન પ્રકટ્યા એનું એક સમસ્યા ધરા પરે
નિત્ય આવૃત્તિ પામે છે, કિંતુ ઉચ્ચ પરિણામ ન લાવતું,
એ તો ભટકત રે'તો પ્રભુ કેરા ક્લ્પોનાં મંડલોમહીં,
વિશાળી જેમની દીર્ધજીવિતામાં
બંદી એની જિંદગી છે બની ગઈ.
એના આત્માતણી ખોજ વિશાળી ને
આશાઓ એહની પાછી હરહંમેશ આવતી
પોતાના માર્ગની વ્યર્થ ક્ક્ષા અનુસર્યા કરે,
ભુલાઈ તુર્ત જાનારી જિંદગીઓ કેરો મારગ કાપતી
નષ્ટ પરિશ્રમો કેરી ફ્લ્હીણી પુનરાવૃત્તિઓ કરે.
અર્થહીન કહાણીમાં સર્વ એક પ્રસંગ છે.
શા માટે એ બધું છે ને શા માટે આપણે અહીં ?
નિત્યાનંદતણી કોક સત્-તા પાસે
કે કો અવ્યક્ત નિઃસ્પંદ તુંગ શૃંગે અંતરહિત શાંતિના
પાછા ફરી જવા કેરું આપણા હો આત્મા કરું અદૃષ્ટ જો,
-કેમ કે આપણે છીએ तत् સ્વરૂપે
ને तत्માંથી આવવું આપણું થયું --
તો ક્યાંથી આ થયો ઊભો મધ્ય-રંગ વંધ્ય વિચિત્રતા ભર્યો
અંત આવે નહીં એવા કાળક્ષેત્રે રહેલો અમથો ટકી ?
અથવા હોય અસ્તિત્વ આ સત્ત્વોનું અવશ્ય જો
ને ટૂંકાં જીવનો કેરું તેમનાં અનિવાર્ય જો,
અવિધા ને અશ્રુઓની તો જરૂર શી હતી ચૈત્ય જીવને ?
શોક ને દુઃખને માટે ક્યાંથી પોકાર ઉદભવ્યો ?
અસહાયપણે યા તો આવ્યું સર્વ ક્યાંથી કારણના વિના ?
જન્મવા અમૃત્માને બલાત્કાર કર્યો કવણ શક્તિએ ?
એકદા શાશ્વતીનો જે હતો સાક્ષી સનાતન,
ક્ષણભંગુર ક્ષેત્રોમાં ડેરાતંબૂ નાખનારો અમર્ત્ય જે
તે વિચારો તથા સ્વપ્નાંતણા ખંડેરની મહીં
જિંદગીના અર્ધ-દીપ્ત અંધકારે પડાવ નિજ નાખતો.
આંનદધામથી કોણે પડવાને છે એને સમજાવિયું,
અને અમર જે એનો હક તેનું અપાવ્યું બલિદાન છે ?
કોણે લડેલ છે એની પર ઈચ્છા અખંડા જીવવાતણી
આ રૂપાળા અને શોક ભર્યા લોકમહીં ભટકતા રહી,
અને વીંઢારવા ભાર હર્ષનો ને શોકનો, પ્રેમનો વળી ?
યા જો કળાતણાં મૃત્યો પર આંખ સત્-તા કો હો ન રાખતી,
અવ્યક્તિભાવ તો કાઠી અવશ્યંભાવિતા કઈ
બળાત્કારે કરાવે છે શ્રમ વ્યર્થ અલ્પાયુ વસ્તુઓ કને ?
તો મોટી એક માયાએ તારકો વિરચેલ છે.
તો પછી ક્યાં રહેલી છે ચૈત્યાત્માની સલામતી ?
અસત્ ઘૂમંત સૂર્યોની મધ્યે ક્યાં સ્થાન એહનું ?
નહીં તો ધામ પોતાનું છોડી એ ભટક્યે જતો
કાળની યદ્દચ્છાની અંધ વીથી મધ્યે ભૂલો પડી જઈ,
ને ન નીકળવા કેરો માર્ગ એને મળતો વ્યર્થ વિશ્વથી.
અથવા રાજ્ય માયાનું ક્યાં આરંભાય છે અને
ક્યાં એનો અંત આવતો ?
છે સંભવિત કે જેને જીવ રૂપે
આપણે જાણીએ છીએ તે છે કેવળ સ્વપ્ન કો,
ને સનાતન આત્મા છે ભાનભૂલી દશામહીં
લ્હેવતી એક કલ્પના."
પછી થોડા મૌન કેડે આપ્યો ઉત્તર નારદે :
બોલ્યા એ પાર્થિવી વાણી સાથે મેળ સાધીને અધરોષ્ઠનો,
અને કૈંક હવે દૈવ કેરા ગહન અર્થનું
લદાયું મર્ત્ય વાણીના તૂટી જાય એવા સંકેતની મહીં.
દીપ્તિમંત બન્યું ભાલ એમનું દિવ્ય દર્શને,
અલૌકિક વિચારોની તકાતી શું બની ગયું,
જાણે કે લિપિએ બદ્ધ ન થયેલી ભાષાના અક્ષરો વડે
એની વિશાળતા માંહે દેવો કેરા હતા લેખો લખાયલા.
ને પ્રકાશમહીં કાર્ય કાળ કેરું થતું 'તું તે થયું છતું,
એનાં અદીઠ કાર્યો યે નજારે પડતાં હતાં,
કલ્પના ઊડણે એના થતી ખુલ્લી, એની પૂરી થયેલ ના
તે દૂર દૂર નંખાઈ યોજનાઓ દૂર દૂર વિલોકતી,
વિશ્વવિશાળ આ દૃષ્ટે માનચિત્ર રૂપે ત્યાં ક્યારની હતી :
" ત્યારે શું સૂર્ય છે સ્વપ્ન કેમ કે રાત હોય છે ?
મર્ત્યને હૃદયે ગૂઢ છે રહેલો સનાતન :
તારા આત્માતણે ધામે એનો ગુપ્ત નિવાસ છે,
જ્યોતિ એક ઝગે છે ત્યાં જેને દુઃખશોક શક્ ત ન લંઘવા.
તારી જાત અને તેની વચ્ચે ઉભો રહેલો અંધકાર છે,
ન સુણી કે ન સંવેદી શક્તિ તું
એ અભ્યાગતને આશ્ચર્યથી ભર્યા,
શકતી તું નથી જોઈ આનંદપ્રદ સૂર્યને.
છે અજ્ઞાનતણી જ્યોતિ, રાણી ! વિચાર તાહરો.
ઝગતો પડદો એનો છુપાવે છે તારાથી મુખ ઇશનું.
પ્રકાશિત કરે છે એ જગ એક જન્મ્યું છે જે અચિત્ થકી,
પણ એ અમૃતાત્માનો છુપાવે છે આશય જગમાંહ્યનો
પ્રકાશ મનનો તારા છુપાવી તુજથી રહ્યો
વિચાર શાશ્વતાત્મનો,
આશાઓ તુજ હૈયાની છુપાવી તુજથી રહી
સંકલ્પ પૃથ્વીતણાં બંધ તારાથી રાખતાં કરી
આનંદ અમૃતાત્મનો.
તેમાંથી થઇ છે ઊભી
કાળા ઘૂસી આવનારા દેવ કેરી જરૂરત,
જગતને ડારતો છે એ શિક્ષાદાતા, છે સ્રષ્ટા દુઃખરૂપ એ.
અજ્ઞાન હોય ત્યાં નિશ્ચે દુઃખને આવવું પડે;
છે તારો શોક પોકાર જ્યોતિને અંધકારનો;
છે અચિત્ દેહનો તારા મૂક આધાર મૂળનો
ને એ અચિત્ તણું સૌથી પ્હેલું સંતાન દુઃખ છે
અવચેત અવસ્થામાં પ્હેલેથી જ દુઃખ સૂતેલ ત્યાં હતું :
છાયા છાયામયે ગર્ભે અંધકાર વડે ભર્યા
જાગવાની અને હસ્તી માટે વાટ
જુએ છે એ પ્રાણ કેરો થાય સંચાર ત્યાં સુધી.
એક ઓરમહીં આવી સુખ સાથે આ ભયંકર શક્તિ યે.
જીગરે જિંદગી કેરા જન્મી'તી એ
પોતા કેરા જોડિયાને છુપાવતી;
પરંતુ જનમ્યું દુઃખ પહેલું ને
માત્ર તેની પછીથી સુખ સંભવ્યું.
ભોંય આરંભની કાઠી દુઃખે ખેડી વિશ્વ-ધારણઘેનની.
ઢેફામાંથી શરૂઆત દુઃખ દ્વારા આત્માના ચેતને કરી,
સળકી જિંદગી ઊઠી દુઃખ દ્વારા ઊંડે પડળ-પૂઠળે.
અટકાયતમાં, નીચે નિમગ્ન, જડદ્રવ્યના
લય મધ્યે છુપાયલું
સભાન નિજની પ્રત્યે થયું સ્વપ્નસેવી મન સુષુપ્ત જે;
પોતાનાં સપનોમાંથી એણે દૃશ્ય રાજ્યની રચના કરી,
અવચેતન અગાધોથી એણે રૂપો લીધાં સ્વકાર્ય સાધવા,
પછી પોતે બનાવેલું જગ આલોકવા વળ્યું.
દુઃખ ને સુખના દ્વારા, યુગ્મ દ્વારા જ્યોતિ ને અંધકાના
અચેતન જગે જોયો સચેત નિજ આત્મને,
નહીં તો ન કદી કોઈ ફેરફાર આવ્યો હોત અચેતમાં.
દુઃખ છે ઘણ દેવોનો, મર્ત્ય હૃદયની મહીં
બાધા છે જડસી જેહ, જીવતા પથરાતણી
જડતા મંદ છે જેહ તેને તોડી પાડવાને પ્રવર્તતો.
અભાવે માગવાની ને અશ્રુઓ સારવાતણી
એના હૈયા પરે બેળે લાદી ફરજ હોત ના,
તો ઢળેલો રહ્યો હોત આત્મા એનો નિરાંતના
સુખરામે, અને એને માનવીની પ્રારંભિક દશાથકી
આગળ વધવા કેરો આવ્યો હોત કદાપિય વિચાર ના
અને સૂર્ય દિશે ઊંચે ચડવાનું શીખ્યો હોત કદી ન એ.
પરિશ્રમે ભરી છે આ પૃથિવી ને
દુઃખ છે ત્યાં ઠસોઠસ ભરાયલું;
પીડા પ્રસવની અંતહીન એને મજબૂર કરે હજી;
સમાપ્ત શતકો થાય, ને પસાર યુગો અવરથા થતા,
ને હજી યે દેવ-જન્મ નથી એની મહીં થયો.
માતા પ્રાચીન આ સૌનો હર્ષથી સામનો કરે,
આમંત્રે એ તીવ્ર પીડા અને રોમહર્ષ ભવ્ય પ્રકારનો;
કેમ કે સર્જના સર્વ આવે સાથે દુઃખ ને શ્રમને લઈ.
પૃથિવી આ ભરેલી છે દેવોની વેદનાથકી.
કાળ કેરા પરોણાએ પ્રેરાયેલા શ્રમ તે સેવતા સદા,
ઈચ્છા શાશ્વતની સિદ્ધ કરવા મથતા રહે,
અને મર્ત્ય સ્વરૂપોમાં દિવ્ય જીવન સર્જવા.
ગર્તોમાથી ઊઠનારા પાપોનો સામનો કરી,
માનવી અજ્ઞાનનો ને એનાજક્કી બળોનો સામનો કરી,
માનુષી મનની ઘોર મૂર્ખતા સામને પડી
એના માનવ હૈયાની અંધ એવી અનિચ્છાની વિરુદ્ધમાં
મનુષ્યહૃદયોમાંહે ઈચ્છા એની પડવી પાર જોઈએ.
મોક્ષ માનવનો થાય ત્યાં સુધી છે આત્માનું ભાગધેય આ.
સમરાંગણની હોહા, પગલાંનો ધ્વનિ ને છે પ્રયાણ ત્યાં :
વિલપંતા સિંધુ જેવો એક પોકાર ઊઠતો,
મૃત્યુના ફટકાઓની નીચે હાસ્ય નિરાશાએ ભર્યું થતું,
દુર્ભાગ્ય-દંડમાં રક્ત, પરસેવો, શ્રમ ને અશ્રુઓ વહે.
જીવે મનુષ્ય ને જન્મે પ્રભુ, તેને માટે મરંત માનવો.
દુઃખ છે પ્રકૃતિ કેરો હસ્ત જે કાઢતો ઘડી
કંડારીને મનુષ્યોને મહિમાના સ્વરૂપમાં :
દૈવી નિર્દયતા સાથે પ્રેરાયેલો પરિશ્રમ
ટાંકણાથી ઘડી કાઢે અનિચ્છુ એક ઢાળને.
ધગશે પૂર્ણ સંકલ્પે અતિઘોર શ્રમના ઘણ ઊંચકી
વિશ્વમાં વિશ્વકર્માઓ દુરારાધ્ય વિશ્વના શિલ્પકાર્યમાં
કામે લાગી રહેલ છે :
પ્રૌઢ પ્રહારથી તેઓ પોતાનાં પોતને ઘડે;
પ્રચંડ અગ્નિમુદ્રાથી ઓળખાઈ એમના પુત્ર આવતા.
જોકે સ્પર્શ મહાઘોર ઘાટ દેનાર દેવનો
મર્ત્ય નાડીયંત્ર માટે છે અસહ્ય રિબામણી,
છતાં આગ્નેય આત્માનું બઢે છે બળ ભીતરે
પોતાનું જે પરિત્રાણ પ્રાર્થે તેણે
રહેવાનું છે સાદા શાંત ભાવમાં;
જાતિનું જે પરિત્રાણ પ્રાર્થે તેણે
ભાગ પડાવવાનો છે જાતિના દુઃખની મહીં :
સુભવ્ય પ્રેરણાનું જે કરે છે અનુવર્તન
તેણે આ જાણવું રહ્યું.
આવે છે જે મહાત્માઓ આ દુ:ખાર્ત્ત દુનિયાને બચાવવા,
કાળની છાયમાંથી ને કર્મના કાયદાથકી
આવે છે જે ઉગારવા
તેમને શોક ને દુઃખે જોતરાઈ જવાનું છે જરૂરનું :
જે ચક્ર તોડવાની તે આશાઓ હોય રાખતા
તેનાથી છે તે પોતે પકડાયલા
માનવી ભાગ્યનો ભાર વહેવાનો છે ખભા પર એમણે.
સ્વર્ગ-સંપત્તિ લાવે તે અને મૂલ્ય તેમનાં દુઃખ ચૂકવે.
યા તો સ્વ-પ્રાણથી તેઓ ભરપાઈ કરે છે જ્ઞાન-દાનની.
પ્રભુનો પુત્ર જન્મેલો રૂપે માનવ-પુત્રના
પીએ એ કડવો પ્યાલો, અંગીકાર પ્રભુના ઋણનો કરે,
જે સનાતનને માથે ચઢેલું તે દેવું પતિત જાતિનું,
એના સંકલ્પથી જેહ
બંધાઈ છે મુત્યુ સાથે અને સાથે મથતી જિંદગીતણી,
વ્યર્થ ઝંખી રહી છે જે આરામાર્થે
અને સીમા વિનાની શાંતિ પામવા.
હવે દેવું ભરાયું છે ને ભૂંસાઈ ગયો છે મૂળ આંકડો.
માનવી રૂપમાં દુઃખ સનાતન સહી રહ્યો,
કરારે મુક્તિના એણે સ્વરકતે છે સહી કરી :
દ્વારો એણે ઉઘાડ્યાં છે અમર્ત્ય નિજ શાંતિનાં.
ક્ષતિપૂર્ત્તિ કરે દેવ દાવાની મનુજીવના,
સહે છે સૃષ્ટિનો કર્ત્તા દુઃખ ને મૃત્યુનો વિધિ;
પ્રતીકારતણો ઘાવ ઊતરે છે અવતારી પ્રભુ પરે.
સ્વર્ગે લઈ જતો માર્ગ મર્ત્ય કેરો એના પ્રેમે રચેલ છે :
મર્ત્ય અજ્ઞાનના કાળા હિસાબે હ્યાં પાસાં બે સમ રાખવા
એણે અર્પણ કીધાં છે પોતનાં પ્રાણ ને પ્રભા.
પૂરું થઇ ગયું છે એ બલિદાન ઘોર ને ગૂઢતા ભર્યું,
સમર્પાયેલ વિશ્વાર્થે પભુ કેરા હોમાયેલા શરીરથી;
છે એના ભાગ્યમાં ગેથ્સેમની બાગ છેલ્લી જ્યાં પ્રાર્થના થઈ,
અને ક્રોસતણો ટિંબો કાલ્વરી છે નસીબમાં,
ઊંચકી જાય છે એ ક્રોસ માનવાત્મા જહીં ખીલે મારાય છે;
ટોળાના અપશબ્દો છે સાથ એને વળાવવા;
સ્વીકાર હકનો એના અપમાન અને ટાણાં વડે થતો;
એની સાથે મરાયેલા
બે ચોર કરતા ઠઠ્ઠો એના સુભવ્ય મૃત્યુનો.
ઉદ્વારકતણે માર્ગે ચાલ્યો છે એ રક્ત નીગળતે શિરે.
તાદાત્મ્ય પ્રભુ સાથેનું જેણે પ્રાપ્ત કરેલ છે
તે દેહમૃત્યુને સાટે મેળવે છે મહતી આત્મજ્યોતિને.
વિજયી બનતું એનું અમૃત જ્ઞાન મૃત્યુથી.
ક્રોસ ઉપરથી એનો અવાજ ઘોષણા કરે,
" છું હું, છું હું પ્રભુ"; હા, છે સર્વ કાંઈ પ્રભુ પ્રભુ";
પ્રતિઘોષ જગાવે છે સાદ અમર સ્વર્ગનો.
બીજ પ્રભુત્વનું મર્ત્ય હૃદયોમાં સુષુપ્ત છે,
વિશ્વવૃક્ષ [પરે પુષ્પ પ્રકટે છે પ્રભુત્વનું :
પ્રભુને કરશે સાક્ષાત્ સર્વ કોઈ જાત ને વસ્તુજાતમાં,
જગને કરવા સાહ્ય કિંતુ જયારે પ્રભુનો દૂત આવતો
પૃથ્વીના આત્મને દોરી જવા ઉચ્ચતર પ્રતિ,
ત્યારે છોડી નાખવા જે ઝૂંસરીને એ આવેલો હતો અહીં
તે ઝૂંસરી પડે એને પોતાનેય ઉપાડવી;
જે દુઃખ કરવા દૂર માગતો એ તે એને વેઠવું પડે :
દુર્દૈવથી ધરા કેરા હોય મુક્ત અસ્પૃષ્ટ જે
તે ના અનુભવ્યાં પોતે હોય એવાં અનિષ્ટનાં
શી રીતે ઓસડો કરે ?
વિશ્વની વેદનાને એ છાવરે નિજ શાંતિથી;
ને બાહ્ય દૃષ્ટિ જોકે ના નિશાની કોઈ દેખતી
ને શાંતિદાન પામે છે દીર્ણશીર્ણ માનવી ઉર આપણાં,
છતાં સંગ્રામ છે ત્યાં ને અણદીઠી કિંમતે ચૂકવાય છે;
આગ, સંઘર્ષ ને મલ્લયુદ્ધ ભીતર હોય છે.
દુઃખી જગતને જાય ઊંચકી એ પોતાને હૃદયે લઈ;
એનાં પાપતણો ભાર લદાયે છે એના વિચારની પરે,
શોક જગતનો એનો બની જતો :
પુરાણો બોજ પૃથ્વીનો બની ભારે એના આત્મા પરે ઢળે;
રાત્રિ ને શક્તિઓ એની ઘેરી લે છે પગલાં મંદ એહનાં,
સહેવો પડતો એને ગ્રાહ આસુર શત્રુનો;
એની આગેકૂચ એક યુદ્ધ છે ને છે યાત્રા એક એહની.
અનિષ્ટ જિંદગી કેરું કરે છે ઘા,
દુઃખથી દુનિયાના એ આક્રાંત થઇ જાય છે :
એના ગહન હૈયામાં મોં વકાસી રહ્યા છે વ્રણ કોટી કૈં.
એ અનિદ્ર કરે યાત્રા અંતહીના રાત્રિની મધ્યમાં થઈ;
એના માર્ગતણી આડે ભીડંભીડા વિરોધી શક્તિઓ કરે;
છે ઘેરો એક, છે યુદ્ધ એનું આંતર જીવન.
સંભવે મૂલ્ય આથી યે વધુ ભૂંડું
અને દુઃખ વધુ ઘોર પ્રકારનું :
એનું વિશાળ ઐકાત્મ્ય અને પ્રેમ સૌને આશ્રય આપતો
વિશ્વની વેદના એનાં ઊંડાણોમાંહ્ય લાવશે,
પ્રાણીમાત્રતણો શોક આવી એનાં બારણાં ઠોકશે અને
એના આવાસમાં આવાસ રાખશે;
સહાનુભૂતિનો એક દોર ઘોર બાંધવા શક્તિમાન છે
દુઃખ સમસ્તને એના એકલાના જ દુઃખમાં,
સર્વે વિશ્વોતણી સર્વ વ્યથાને એ એક એની બનાવતો.
ભેટો એને થાય એક પુરાણી શત્રુ-શક્તિનો,
વિશ્વના જીર્ણ હૈયાને કરતા દીર્ણ કોરડા
એની ઉપર ઊતરે;
એની આંખોતણી લે છે મુલાકાત રુદનો શતકોતણાં :
પહેરણ પહેરે એ રક્ત-લિપ્ત પ્રચંડ માનવાશ્વનું,
વિષે વિશ્વતણા એના કંઠને નીલ છે કર્યો.
જડ દ્રવ્યતણી રાજધાની કેરા ચૌટાના ચોકની મહીં
જિંદગી જે કહેવાતી તેહના વ્યવસાયના
ભાવતાલતણી વચે,
સદા સળગતા એક અગ્નિ-સ્તંભે છે એ બદ્ધ બની ગયો,
બળે છે એ આદિ એક અણદીઠ કિનાર પે
કે રૂપાંતર પામેલું દ્રવ્ય જાય બની પદાર્થ આત્મનો :
છે પોતાના જ યજ્ઞે એ પોતે જ બલિદાનમાં.
પૃથ્વીની મર્ત્યતા સાથે અમૃતરૂપ જે,
થતો પ્રકટ ને નાશ પામતો જે માર્ગો ઉપર કાળના,
તે તાલોએ શાશ્વતીના પ્રભુની પળ સર્જતો.
મરે છે એ, જગત્ જેથી નવો જન્મ પામે ને જીવતું રહે.
કરાલતમ આગોથી એ બચી જાય છે, છતાં
આવે ઉપરનો લોક નવ ઘૂસી ડુબાડંત સમુદ્ર શો,
તે છતાં યે ઉચ્ચ સ્વર્ગ થતું પ્રાપ્ત માત્ર દૂ:સાધ્ય હોમથી :
નારકી જગને જીતી લેવા જે હોય માગતો
યુદ્ધ ને યંત્રણા સામે તેને ઊભા થવું પડે.
માનુષી ગહનોમાં ને છૂપા કાળતણા હૃદે
પ્રચ્છન્ન શત્રુતા કાળી વસી એક રહેલ છે,
પ્રભુના કાર્યને દેવા પલટાવી ને વિરૂપ બનાવવા
માટેના હકનો દાવો કરંત એ.
છૂપો છાપો વિશ્વ કરી પ્રયાત્રા પર મારવા
દુશ્મનાઈ લપાઈ એક છે રહી;
વિચાર, વાચ ને કર્મ પર ચિહ્ ન મૂકી એ એક જાય છે :
સર્જાયેલી સઘળી વસ્તુઓ પરે
કલંકની અને ખામીતણી એ છાપ મારતી;
પૃથ્વી પર મનાઈ છે શાંતિ કેરી એ ના હણાય ત્યાં સુધી.
ન કો દુશ્મન દેખાતો, આસપાસ પરંતુ અણદીઠ એ,
ઘેરો ઘાલે શક્તિઓ જે અગોચર રહેલ છે,
અજાણ્યા દેશના સ્પર્શેા, વિચારો જે ન આપણા,
તે લે આપણને અંબી
ને ભલું કરતું હૈયું કરી વિવશ નાખતા;
સંદિગ્ધ જાળમાં એક છે ઝલાઈ ગયાં જીવન આપણાં.
જન્મ જૂના જમાનાથી વિરોધી શક્તિનો થયો :
ચડી એ આવતી મર્ત્ય માનવી જિંદગી પરે,
સીધો અમૃતનો પંથ એ એનાથી છુપાવતી.
શક્તિ એક પ્રવેશી છે ઢાંકી દેવા માટે શાશ્વત જ્યોતિને,
જે સનાતન સંકલ્પ તેની સામે છે એ શક્તિ વિરોધમાં
વાળી જુદી દિશાએ દે સંદેશા એ અમોઘ સત્ય શબ્દના,
વિશ્વની યોજના કેરી રૂપરેખા કરી વિકૃત નાખતી :
પાપ પ્રત્યે પ્રલોભાવે માનવીના હૈયાને ફંક એક કો,
પ્રજ્ઞાનચક્ષુ ને આત્મદૃષ્ટિને એ સીલબંધ બનાવતી,
અહીંનાં આપણાં દુઃખ કેરું એ આદિમૂળ છે,
મહાપત્તિ અને પીડા સાથે બાંધી પૃથ્વીને એહ રાખતી.
પ્રભુની શાંતિને જેઓ માગે નીચે ઉતારવા
તેમને આ શક્તિને જીતવી પડે.
માનવી હૃદયે વા સ કરતો ગુપ્ત શત્રુ આ
માણસે જીતવો પડે,
નહીં તો જાય ચૂકી એ ઊર્ધ્વના નિજ ભાવિને.
આ છે અંતરનું યુદ્ધ જે ટાળ્યું ટળતું નથી.
વિશ્વોદ્વારક નું ભારે કાર્ય મુશ્કેલ છે ઘણું;
બનતું વિશ્વ પોતે જ શત્રુ એનો વિરોધતો,
છે એના દુશ્મનો જીવો જેમને એ છે આવેલો બચાવવા.
ને છે બચાવવા કેરી ઈચ્છાવાળા પણ એના વિપક્ષમાં :
નિજ અજ્ઞાનની પ્રત્યે જગ આ પ્રેમ રાખતું,
એનું તિમિર ફંટાઈ વળે પાછું ઉદ્ધારનાર જ્યોતિથી,
તાજના બદલામાં એ વધસ્તંભ સમર્પતું.
લાંબી રાત્રિમહીં ધીરે ધીરે દિવ્ય પ્રભાવનાં
પડતાં હોય ટીપાંઓ એવું છે કાર્ય એહનું;
કાળની દીર્ધ યાત્રા એ જુએ છે ને જોતો અલ્પ જિતાયલુ;
થતો ઉદ્ધાર થોડાંનો, બાકીનાંઓ મથ્થા કરે
અને નિષ્ફળ નીવડે :
સૂર્ય એક થયો પસાર હોય છે,
છાયા રાત્રીતણી પાછી પડે છે પૃથિવીપરે.
હા, માર્ગો સુખિયા છે જે પ્રભુ કેરા સૂર્યની છે નજીકના;
પરંતુ હોય છે થોડા ચાલે છે જે માર્ગે સૂર્યે પ્રકાશતા;
આત્મા છે જેમનો શુદ્ધ
તેઓ માત્ર ચાલવાને છે સમર્થ પ્રકાશમાં.
છે બતાવાયલો માર્ગ બ્હાર નીકળવાતણો,
શોક, અંધાર ને બેડીમહીંથી છૂટવાતણો
માર્ગ મુશ્કેલ એહ છે;
કિંતુ થોડાક છૂટેલા કઈ રીતે વિશ્વને મુક્તિ આપશે ?
સમૂહ માનવીઓનો ઝૂંસરીની નીચે વાર લગાડતો.
છુટકારો ગમે તેવો હોય છો ઉચ્ચ, તે છતાં
જિંદગીને મોક્ષ એ નવ આપતો,
પૂઠે રહી ગઈ છે જે જિંદગી આ પતિતા પૃથિવી પરે
તેને મોક્ષ મળે નહીં.
કરી શકે નહીં મોક્ષ ઉદ્ધાર ત્યકત જાતિનો,
ન વા આપી શકે એને જય ને રાજ્ય ઇશનું.
આવવું જોઈએ એક
વધુ મોટી શક્તિએ ને વધુ વ્યાપક જ્યોતિએ.
જોકે પૃથ્વી પરે જ્યોતિ વધે છે ને રાત્રિ ઓસરતી રહે,
છતાં યે પાપનો નાશ એના પોતાના નિવાસે જ થાય ના,
ના કરે જ્યોતિ આક્રાંત અચિત્ આધાર વિશ્વનો,
ને હણાયેલ ના હોય વિરોધી બળ આસુરી,
ત્યાં સુધી સેવતા એણે રે'વાનું છે પરિશ્રમ,
કાં કે કાર્ય અર્ધમાત્ર થયેલ છે.
હજીએ એક એ આવે જેણે કવચ છે ધર્યું
ને પરાજેય જે નથી,
એનો નિશ્ચલ સંકલ્પ ભેટે છે ચંચલા ઘડી;
વિજયી શિરને એના વિશ્વના ઘા નમાવી શકશે નહીં;
છે એનાં પગલાં શાંત ને અચૂક વધતી રાત્રિની મહીં;
લક્ષ્ય દૂર સરે તો ય ગતિ એની નવ થાય ઉતાવળી,
રાત્રિમાં ઊઠતા ઊંચા સ્વરો પ્રત્યે ન એ વળે.
નીમ્નના દેવતાઓની એ સહાય ન માગતો;
ધ્રુવ ધ્યેય પરે એની આંખો સ્થિર થયેલ છે.
વળી બાજુ પરે જાય માનવી કે
વધુ સ્હેલા પંથો પસંદ એ કરે;
એ તો પરંતુ ઊંચા ને એકમાત્ર મુશ્કેલ માર્ગને જ લે
જે એકલો જ આરોહી શકે ઊંચે શૃંગોએ શાશ્વતાત્મનાં;
અનિર્વાચ્ચ સ્તરોએ છે ક્યારનો એ સુણ્યો એનો પદધ્વનિ;
પૃથ્વી ને સ્વર્ગને એણે બનાવ્યાં છે સ્વ-સાધનો,
પૃથ્વી ને સ્વર્ગની કિંતુ મર્યાદાઓ એનાથી છે સરી પડી;
અતિક્રાંત કરી દીધા એણે નિયમ એમનો,
કિંતુ સાધનરૂપે એ લે એને ઉપયોગમાં.
ઝાલ્યા છે પ્રાણના એણે હાથ ને સ્વ હૈયાને વશ છે કર્યું.
છળો પ્રકૃતિનાં એની દૃષ્ટિને ના દોરી ખોટી દિશે જતાં,
સત્યના દૂરના લક્ષ્ય પ્રત્યે એની દૃષ્ટિ છે દૃઢતા ભરી;
એના સંકલ્પને તોડી શકતો ના બ્હેરો વિરોધ દૈવનો.
ભયપ્રેરક માર્ગોમાં ને વિઘાતક વાટમાં,
આત્મા અભેધ ને હૈયું હણાયા વણનું લઈ
પૃથ્વીની શક્તિઓ કેરા વિરોધોની વચ્ચે એ જીવતો રહે,
છૂપા છાપા પ્રકૃતિના, દોરડા દુનિયાતણા
એને કૈં ન કરી શકે.
સુખદુઃખ અતિક્રાંત કરતો એ આત્માના મહિમા વડે
પાપ ને પુણ્યની સામે રહે ઊભો શાંત ને સમ દૃષ્ટિએ.
નારસિંહી સમસ્યાને એને યે ભીડાવી પડે
ને એના દીર્ધ અંધારે ઝંપલાવી ઊંડે ઊતરવું પડે.
પોતાની દૃષ્ટિથી યે જે પોતાને છન્ન રાખતાં
તે અચિત્ ગહનોમાં એ કરીને માર્ગ છે ગયો :
આ ચમત્કારથી પૂર્ણ જગતોને આપે છે ઘાટ જેહ તે
નિદ્રા પ્રભુતણી ગૂઢ એણે પ્રત્યક્ષ છે કરી.
મુક ઈશ્વરને એણે નીરખ્યો છે બનાવતો
ચોકઠું જડદ્રવ્યનું,
નિજ અજ્ઞાન નિદ્રાનાં સ્વપ્નોમાં સ્વપ્ન સેવતો,
ને નક્ષત્રો રચે છે જે શક્તિ એક અચેતના
તેનું એણે અવલોકન છે કર્યું.
પઢયો છે એ અચિત્ કેરી પ્રક્રિયાઓ અને નિયમ એહનો,
અસંબદ્ધ વિચારો ને કર્મ સ્તંભિત એહનાં,
અંધાધૂંધી યંત્રભાવી એની આવૃત્તિઓતણી,
સાદ એના અક્સ્માતી, જૂઠી રીતે સાચા કર્ણે જપો વળી,
આડે માર્ગે જતા દોરી ધ્યાન દેતા અવગુંથિત આત્મને.
આવે છે શ્રવણે એના બધી ચીજો, કિંતુ ના ટકતું કશું;
થયું સૌ મૌનથી ઊભું, પાછું એની ચૂપકીમાં ચળ્યું જતું.
એની નિદ્રાલુતાએ છે સ્થાપ્યું વિશ્વસમસ્તને,
ધૂંધળા જગથી એના મિથ્થા જગત લાગતું.
ઊઠેલું શૂન્યમાંથી ને વળેલું શૂન્યની પ્રતિ
કાળું સમર્થ અજ્ઞાન એહનું છે આરંભ પૃથિવીતણો;
રદ્દી પદાર્થ છે એહ જેના દ્વારા બન્યું બધું;
શક્ય છે કે ધબી જાય સૃષ્ટિ એનાં અગાધ ,ગહનોમહીં,
એનો વિરોધ રોકે છે આગેકદમ આત્મનાં,
છે એ માતા આપણી અજ્ઞતાતણી.
એના અંધાર ગર્તોમાં જ્યોતિ એણે અવશ્ય આણવી રહી,
નહીં તો દ્રવ્યની નિદ્રા જીતવાને કદી સત્ય સમર્થ ના,
ને આખી પૃથિવી મીટ માંડવાને નેત્રોમાં પરમાત્મનાં.
અંધારમાં રહેલી સૌ વસ્તુઓને
એના જ્ઞાને પડશે અજવાળવી
ને એની શક્તિએ સર્વે વિપર્યસ્ત
બનેલી વસ્તુઓ કેરી પડશે ગ્રંથિ છોડવી:
જૂઠાણાના સિંધુ કેરે સામે કાંઠે એહને પડશે જવું,
પ્રવેશ કરવો એને પડવાનો વિશ્વના અંધકારમાં
લાવવાને પ્રકાશ ત્યાં.
કરવું પડશે એની આંખો સામે હૈયું ખુલ્લું અનિષ્ટનું,
શીખવી પડશે એને વિશ્વવ્યાપી એની કાળી જરૂરત,
જાણવો પડશે એનો અધિકાર,
અને એનાં ઘોર મૂળો માટીમાંહ્ય નિસર્ગની.
જાણવો પડશે એને દૈત્ય-કર્મ પ્રેરનારા વિચારને,
જે ભૂલ કરતા ગર્વ આસુરીને ન્યાયયુક્ત બતાવતો,
પૃથ્વીનાં કુબ્જ સ્વપ્નોમાં છુપાયેલા અસત્યને
વાજબી જે ઠરાવતો :
એણે પ્રવેશવાનું છે રાત્રીની શાશ્વતીમહીં
ને યથા પ્રભુનો સૂર્ય જાણે છે એ તથૈવ છે
જાણવાનો પ્રભુના અંધકારને.
આને માટે જવાનું છે એને ગર્તતણે તલે,
અવિનાશી અને પ્રાજ્ઞ ને અનંત સ્વયં, છતાં
બચાવી વિશ્વને લેવા એને નરકની મહીં
કરવાની રહેલી છે મુસાફરી.
બધા વિશ્વો મળે છે ત્યાં સીમાઓ પર તેમની
ઉન્મજજન કરી બ્હાર આવશે એ શાશ્વત જ્યોતિની મહીં;
તહીં પ્રકૃતિનાં સર્વથકી ઉચ્ચ સોપાનોની કિનાર પે
પ્રત્યેક વસ્તુનો ગૂઢ ધર્મ સંસિદ્ધ થાય છે,
જે અન્યોન્ય પ્રત્યે વિરોધમાં હતાં
તેમનો દીર્ધકાલીન ભેદ ત્યાં જાય છે મટી,
દુઃખ ત્યાં રૂપ લે તીવ્ર અને જલદ હર્ષનું;
પાપ ત્યાં પલટાઈને મૂળરૂપ પોતાનું શુભ ધારતું,
પરમાનંદને હૈયે પોઢી ત્યાં શોક જાય છે :
પ્રશન્ન સુખનાં આંસુ સારવાનું શીખી ત્યાં હોય છે ધરા;
ભારોભાર ભરાયે છે આંખો એની ઉત્કંઠ સંમુદા વડે.
ત્યારે હ્યાં આવશે અંત વેદનાના ધર્મની સંહિતાતણો.
ધરતીને બનાવાશે ધામ સ્વર્ગીય જ્યોતિનું,
માનવી હૃદયોમાંહે સ્વર્ગ-જાયો
દ્રષ્ટા એક નિવાસ કરતો થશે;
પરચૈતન્યની જ્યોતિ સ્પર્શશે ચક્ષુ માનવી,
સત્ય ચૈતન્યનું વિશ્વ આવશે અવની પરે,
જડતત્ત્વ સમાક્રાંત કરશે એ પરમાત્મપ્રકાશથી,
અમર્ત્ય ચિંતનો પ્રત્યે મૌન એનું જગાડશે,
અને જગાડશે મૂક હૈયું એનું જીવંત શબ્દની પ્રતિ.
મર્ત્ય જીવન આ ધામ બની જાશે શાશ્વતી સંમુદાતણું,
પામશે દેહનો આત્મા આસ્વાદ અમૃતત્વનો.
વિશ્વોદ્વારકનું કાર્ય ત્યારે પૂર્ણ થઈ જશે.
ત્યાં સુધી છે વહેવાનું સ્વ-મૃત્યુબીજ જીવને.
ને ધીરી રાત્રિમાં શોકવિલાપ સુણવો રહ્યો.
હે મર્ત્ય ! લે સહી તું આ જગ કેરો મહાનિયમ દુઃખનો,
દુઃખિત દુનિયામાંના તારા મુશ્કેલ માર્ગમાં
તારા આત્માતણા આધાર-અર્થ તું
ઝૂક આશ્રય લેવાને બળનો દિવ્ય ધામના,
ઊર્ધ્વના સત્યની પ્રત્યે વળેલો રે',
પ્રેમ ને શાંતિને માટે સેવે સદભિલાષ તું.
મહાસુખતણું અલ્પ તને દાન થયું છે ઊર્ધ્વ ધામથી,
દિવ્ય સ્પર્શ તને એક થયેલો છે તારા માનવ આયખે;
રોજની જિંદગી તારી જાત્રા રૂપ બનાવ તું.
કેમ કે ક્ષુદ્ર હર્ષો ને શોકો દ્વારા જાય છે તું પ્રતિ.
જોખમે પૂર્ણમાર્ગ તું પ્રભુ પ્રત્યે ઉતાવળ કરીશ ના,
અનામી શક્તિની પ્રત્યે તારાં દ્વાર ન ખોલતો,
આસુરી પંથથી ઊંચે ચઢતો ના પભુ પ્રતિ.
નિજ એકલ સંકલ્પ ઋતધર્મ સામે એહ ખડો કરે,
એના માર્ગતણી આડે નાખે છે એ નિજ ગર્વ મહાબલી.
અમર્ત્ય સૂર્યની પાસે રહેવાને અભીપ્સતો
તોફાનોની ચઢી સીડી જોરભેર જતો એ સ્વર્ગની ભણી.
જિંદગી ને નિસર્ગની
પાસેથી અમરો કેરો બળાત્કારે લેવાને હક ઝૂંટવી
વિશ્વ, વિધિ, અને સ્વર્ગ ધસારાભેર જીતતો.
આવતો એ નથી દિવ્ય ગાદી પાસે વિશ્વસર્જનહારની
અને જોતો નથી વાટ
એને એની મર્ત્યતાથી ઉદ્ધારી ઊર્ધ્વ લાવવા
માટે સામે પ્રસારેલા હસ્તની પરમેશના.
બધું બનાવવા માગે પોતાનું એ, છૂટું એ કૈં ન છોડતો,
ક્ષુદ્ર સ્વરૂપ પોતાનું વિસ્તારીને
ભીડવા એ રહ્યો માગી અનંતને.
ખુલ્લા દેવોતણા માર્ગો અવરોધી બનાવતો
પોતાની સંપદા ભૂની હવાને ને પ્રકાશને;
એકહથ્થી બનાવી એ સચરાચર-શક્તિને
સામાન્ય માણસો કેરી જિંદગીની પર રાજ્ય ચલાવતો.
પોતાની ને પરાયાંની પીડાને એ સ્વ સાધન બનાવતો :
સ્વ સિંહાસન એ માંડે મૃત્યુ ને દુઃખની પરે.
સંભ્રમે ને શસ્રઘોષે એનાં બલિષ્ટ કર્મના,
નામના-બદનામીની હોહાના અતિરેકમાં,
દ્વેષ ને ઉગ્રતા કેરા એના ઘોર પ્રમાણથી,
પગલાં હેઠળે એનાં ધરા કેરા ધ્રુજાટથી,
સનાતનતણી શાંતિ સામે મૂકે સ્પર્ધામાં નિજ જાત એ,
અને અનુભવે છે એ પોતાનામાં મહિમા એક દેવનો :
છે શક્તિ પ્રતિમા એને માટે દિવ્ય સ્વરૂપની.
હૈયું અસુરનું એક છે સમુદ્ર આગનો અથ ઓજનો;
મૃત્યએ વસ્તુઓના ને વિનાશે, વિનિપાતમાં
ને પ્રહર્ષણ પામતો,
પોતાની ને પારકાંની પીડાથી એ પોતાનું બળ પોષતો;
લે એ આનંદ કરુણ્યે અને રાગાવેગમાં વિશ્વલોકના,
યુદ્ધ ને યાતના માગે એનો ગર્વ અને એનું મહાબલ.
દેહનાં દમનોમાં એ મહાગૌરવ માનતો,
ને જિતેન્દ્રિયતા કેરે નામે ઢાંકી દેતો એ ચિહ્ ન ઘાતણાં.
દૃષ્ટિ જિજ્ઞાસુની એના ઉરથી ઓસરી જતી
ને પામી શકતી ના એ જ્યોતિ શાશ્વતતાતણી;
ચૈત્યાત્મરહિતા એક રિક્તતા શું જોતો એ પારપારને,
કાળા અનંતને રૂપે લેતો એ નિજ રાત્રિને.
એનો સ્વભાવ તોતિંગ બનાવી દે અવાસ્તવિક શૂન્યને
ને મીડામાં નિહાળે એ એક કેવળ સત્યતા :
મુદ્રિત કરવા માગે નોજ એક રૂપ એ વિશ્વની પરે,
ને પોતાના નામમાત્રે ભરી દેવા માગે એ લોકવાયકા,
વિશાળા વિશ્વનું કેન્દ્ર બની એની પળો જતી.
એ સક્ષાત્ પ્રભુને રૂપે નિહાળે છે પોતાની ક્ષુદ્ર જાતને.
એનું નાનકડું 'હું' છે આખું વિશ્વ ગળી ગયું,
અનંતતામહીં એની અહંતા વિસ્તરેલ છે.
આદિ શૂન્યમહીં એક સ્પંદ શું મન એહનું
એના વિચારને આંકે હોરહીન કાળની સ્લેટની પરે.
ચૈત્યની અતિશે મોટી રીકતતા પર માંડતો
તોતિંગ ફિલસૂફી એ એક શૂન્યાત્મતાતણી.
એનામાં વાસ નિર્વાણ કરતું ને બોલતું ને પ્રવર્તતું,
અશક્ય ઢંગથી એક સચરાચર સર્જતું.
એનો અરૂપ આત્મા છે શૂન્ય એક સનાતન,
રિકત, અવ્યક્તરૂપા ને કેવલા છે સત્-તા આત્મિક એહની.
વિકાસ પામતા આત્મા માનવીના, લેતો એ પગલું ન તું,
પ્રભુની રાત્રિમાં એ ના નાખતો તું નિજાત્મને.
દુઃખને વેઠતો આત્મા ન ચાવી શાશ્વતીતણી,
કે સ્વર્ગ જિંદગી પાસે મોક્ષશૂલ્ક રૂપે શોક ન માગતું,
સહી લે, મર્ત્ય ! તું કિંતુ પ્રહાર નવ માગતો,
શોક ને યંત્રણા શીઘ્ર શીઘ્ર શોધી કાઢવાનાં જ છે તને.
તારા સંકલ્પને માટે અતિશે છે પ્રચંડ એહ સાહસ:
માનવી બળને માટે મર્યાદામાં માત્ર શક્ય સલામતી;
છતાં અનંતતા તારા આત્માનું પ્રાપ્ય લક્ષ્ય છે;
જગના અશ્રુએ પૂર્ણ મુખ પૂઠે એનો આનંદ રાજતો.
તારામાં શક્તિ છે એક તું જેને જાણતો નથી;
તું છે એક પાત્ર બંદિ સ્ફુલિંગનું.
થવા એ મુક્ત માગે છે કાળના કોષમાંહ્યથી,
ને એને જ્યાં સુધી પૂરી રાખશે તું ત્યાં સુધી સીલની વ્યથા:
પરમાનંદ છે તાજ શોભતો પ્રભુને શિરે,
છે એ શાશ્વત ને મુક્ત, એને માટે બોજારૂપ બની નથી
રહસ્યમયતા અંધ દુઃખની જિંદગીતણી :
દુઃખ મતું અવિદ્યાનું,
જિંદગીએ નકારેલો દેવ છે ગુપ્ત એની સાખ આપતું :
એને એ ન કરે પ્રાપ્ત
ત્યાં સુધી ન કદી અંત આવવો શક્ય દુઃખનો.
શાંતિ છે જીત આત્માની પરાસ્ત દૈવની પરે.
સહી લે; આખરે પ્રાપ્ત થશે માર્ગ તારા આનંદનો તને.
છે આનંદ જ સામગ્રી ગૂઢ જીવસમસ્તની,
દુઃખ ને શોક સુદ્ધાં યે છે વાઘાઓ વિશ્વાનંદતણા અને
છે છુપાઈ રહેલો એ તારા શોક અને પોકાર પુઠળે.
બળ આંશિક છે તારું, પ્રભુનું પૂર્ણ એ નથી,
ક્ષુદ્ર તારા સ્વરૂપે જે આક્રાંતા તે
ચેતના તુજ જાયે છે ભૂલી શ્રી ભગવાનને,
માંસમાટીતણી ઝાંખી છાયામાં ચાલનાર એ
સહી ન શકતી સ્પર્શ સુપ્રચંડ જગત્ તણો,
તેથી તું ચીસ પાડે છે ને કહે છે કે છે દુઃખ દુભાવતું.
ઔદાસીન્ય, વ્યથા, હર્ષ,-એમ વેશ ધારી ત્રણ પ્રકારના
રાજ્યો પ્રહર્ષણે પૂર્ણ નટરાજ છે વાટો પર વિશ્વની,
એ ત્રણેને કારણે તું પરમાનંદનું વપુ
પ્રભુનું નવ પેખતી.
સામર્થ્ય તુજ આત્મનું તને એક પ્રભુ સાથે બનાવશે,
મહામુદામહીં તારી પલટાશે મહાવ્યથા,
ઔદાસીન્ય બની ઊંડું પલટાશે શાંતિમાંહે અનંતની,
કે કેવલાત્મને શૃંગે બ્રહ્યાનંદ હસશે નગ્ન રૂપમાં.
મૃત્યુ ને દૈવની સામે ફરિયાદ કરતા મર્ત્ય જીવ હે !
તેં પોતે જ નિમંત્રી છે
તે પીડાઓ કાજ દેતો નહીં તું દોષ કોઈને;
આ કષ્ટોએ ક્લિષ્ટ લોક તેં પસંદ નિવાસાર્થે કરેલ છે,
તારી પીડાતણો તું પોતે જ સર્જનહાર છે.
એકવારતણો સીમામુક્ત અમૃત આત્મમાં,
સત્ય, ચૈતન્ય, ને જ્યોતિ કેરા વિરાટની મહીં,
તે જીવે બ્હારમાં કીધી દૃષ્ટિ સ્વ-સુખશાંતિથી.
એને અનુભવે આવ્યું બ્રહ્ય કેરું અંતહીન મહાસુખ,
પોતાને જાણતો 'તો એ મૃત્યુહીન, દિક્-કાલાતીત એક હી,
હતો શાશ્વતને જોતો, રહેતો 'તો અનંતમાં.
પછી, કુતૂહલે સત્યે નાખેલી એક છાયના,
આત્માના કોક અન્યત્વ પ્રત્યે એણે આંખો તાણી નિહાળિયું,
ખેંચાયો એ અજાણ્યા કો મુખ પ્રત્યે રાત્રિમાંથી વિલોકતા.
અભાવવાચિકા એણે સંવેદી ત્યાં અનંતતા,
રિક્તતા એક સ્વર્ગીય જેની અત્યંતતા સીમાવિવર્જિતા
પ્રભુને ને નિત્યના કાલ કેરી અનુકૃતિ કરી
ભૂમિકા પાડતી પૂરી વિપરીત જન્મ માટે નિસર્ગના,
સ્તબ્ધ, કઠોર ને પાકી અચિત્-તાને માટે જડપદાર્થની
જેમાં આશ્રય પામી 'તી અલ્પજીવી જીવની વૈભવી પ્રભા,
જેનાથી અજવાળાતાં હતાં જન્મ, મૃત્યુ ને અજ્ઞ જિંદગી.
ઊભું મન થયું તાકી રહ્યું એ રિક્તતા પ્રતિ
કદી સંભવ ના જેનો તેનાં રૂપો વિરચાયાં તહીં સુધી;
એણે આવાસ આપ્યો જે છે સમસ્ત તેનાથી વિપરીતને.
દેખાયું શૂન્ય આત્માના સીલબંધ મહાકારણરૂપમાં,
ખાલી અનંતમાં એનો મૂક આલંબ લાગતું,
જેનો ઘોર મહાગર્તે છે અવશ્ય થવું આત્મવિલોપન:
હતી પ્રકૃતિ અંધારી જીવની ને ધારતી બીજ એ હતી
આત્માનું જે છુપાયો 'તો
અને પોતે નથી એવો હતો આભાસ આપતો.
ચેતના શાશ્વતી ધામ બની આત્મવિવર્જિત
સર્વસમર્થ કો એક અચિત્ તણું;
હવા સહજ આત્માની હતી ના શ્વસવા હવે.
અચેતન જગે એક પરદેશી સમોવડો
આનંદ મર્ત્ય હોરાનો બની પ્રસંગ ત્યાં ગયો.
શૂન્યની ભવ્યતા પ્રત્યે ખેંચાતા કોઈ એક શો
આકર્ષાયેલ આત્મા ત્યાં ઝૂકયો ગર્તતણી પ્રતિ :
સાહસાર્થે અવિદ્યાના હતો એ રાખતો સ્પૃહા
ને આશ્ચર્ય, અચંબાને માટે અજ્ઞાતરૂપના,
ગર્ભે અંધેરના, ઊંડે ખાડે શૂન્યસ્વરૂપના
જે અનંત છુપાઈ 'તી શક્યતા તે માટે ઉત્સુક એ હતો,
યા યાદ્દચ્છિકતા કેરાં અગાધ નયનોથકી
હતો એ અવલોકતો,
થાક્યો 'તો એ સ્વસુખથી વિકાર નવ પામતા,
ધરી વિમુખતા પાછો વળ્યો 'તો અમૃતત્વથી :
અકસ્માતતણા સાદે, ભયની મોહિનીથકી
આકર્ષાયેલ એ હતો,
આકાંક્ષા રાખતો 'તો એ શોકના કરુણાંતની
દુઃખના નાટયની, સર્વનાશના ખતરાતણી,
ઘવાઈને જેમતેમ કરીને બચવાતણી,
સંગીતની મહાધ્વંસ કેરા, એની મનોમોહતાતણી,
ને ધડાકા સાથમાં પડવાતણી,
દયાના સ્વાદ કેરી ને રોગાવિષ્ટ પ્રેમ કેરા જુગારની,
અને સંદિગ્ધ છે એવા મુખની તગદીરના.
કડા પ્રયાસ કેરા ને કઠોર શ્રમના જગે,
યુદ્ધે વિલોપની ધારે મહાજોખમથી ભરી,
સંઘર્ષે શક્તિઓ કેરા ને સંદેહે વિશાળવા,
આનંદે શૂન્યતામાંથી સમુદ્ ભાવિત સૃષ્ટિના,
માર્ગો પર અવિદ્યાના મિલનોએ વિચિત્ર કૈં,
અર્ધ-વિજ્ઞાત આત્માઓ કેરા સ્નેહસમાગમે,
કે એકાકી મહત્તાએ ને સ્વ જગત જીતતી
પૃથક્ સત્ત્વતણી એકલ શક્તિએ
સાવ સલામતીવાળી એની શાશ્વતતાથકી
આવાહ્યો એહને હતો.
આરંભ અતિશે મોટા અવારોહણનો થયો,
મોટો દૈત્ય અવપાત શરૂ થયો,
કેમ કે આત્મ જે જોતો તે સત્ય એક સર્જતું,
ને આત્મા કલ્પના જેની કરે તેનું બને જગત્ .
અકાળથી છલંગીને આવનારા વિચારથી
સંભૂતિ સંભવી શકે,
બને સૂચક એ વિશ્વ-પરિણામતણો, અને
દેવોની માર્ગ-સૂચિકા,
નિત્યના કાળમાં એક યુગચક્રતણી ગતિ.
જન્મેલું આંધળી એક જંગી પસંદગીથકી
દિગ્ મૂઢ ને અસંતુષ્ટ આ રીતે છે આવ્યું મહાન આ જગત્ ,
અડ્ડો અજ્ઞાનતાનો આ ને આ નિવાસ દુઃખનો:
કામનાના તણાયા છે તંબૂઓ ત્યાં ને છે મથક શોકનાં.
છદ્મવેશ વિશાળો કો છુપાવે છે આનંદ શાશ્વતાત્મનો."
પછી ઉત્તરમાં અશ્વપતિ દેવર્ષિને કહે :
" તો શું બાહ્ય જગત્ રાજ્ય આત્મા પર ચલાવતું ?
ઋષિરાજ ! નથી તો શું ઉપાય અંતરે કશો ?
વિશ્વ કેરી શક્તિ જેને લાંબે કાળે પરિપૂર્ણ બનાવતી
તે સંકલ્પ જ આત્માનો જો ન દૈવ, તો શું છે દૈવ અન્ય કૈં ?
સાવિત્રી સાથ આવી છે શક્તિ એક મહાબલી
એવું હું માનતો હતો;
તે શક્તિ શું નથી દૈવ કેરી ઉચ્ચ સમોવડી ? "
પણ નારદજી બોલ્યા સત્યથી સત્ય ઢાંકતા :
" અશ્વપતિ !
આકસ્મિક ઘડીઓ ને પળોમાં દેવલોકની
જેને તટે પડે ભૂલાં યા દોડે પગલાં તમ,
તે યાદ્દચ્છિક માર્ગોના જેવું જોકે જણાય છે,
છતાં યે સ્વલ્પથી સ્વલ્પ સ્ખલનો યે
તમારાં છે પૂર્વદ્દૃષ્ટ જ ઊર્ધ્વમાં.
અજ્ઞાતમાં થઈ કાલસ્રોતને અનુવર્તતા
છે આલેખાયલા વૃત્તખંડકો જિંદગીતણા
એક અચૂક રીતથી;
પ્રશાંત અમરો જેને સાચવે છે
તે સંકેતસૂત્રે એ દોરવાય છે.
સીલબંધ વિચારે જે ન ઝલાતો
તેનાથી કૈં ઉદાત્તતર અર્થને
આલેખે છે પ્રતીકોના પ્રયોગથી,
પરંતુ પૃથિવી કેરા મનને શબ્દ માહરો
પ્રતીતિ આપશે કેવી રીતે આ ઉચ્ચ લેખની ?
દિવ્ય ધામતણો પ્રેમ વધુ સમજદાર છે,
મર્ત્યની તે પ્રાર્થના ઈનકારતો;
મર્ત્યની કામના કેરી ફૂંકે અંધ થયા વિના,
ભયનાં ને આશ કેરાં ધુમ્મસોએ મેઘાચ્છન્ન થયા વિના,
પ્રેમના મૃત્યુ સાથેના ઝગડાની ઉપરે એહ ઝૂકતો;
દુઃખનો હક સાવિત્રી કેરો એને માટે અદલ રાખતો.
આત્મામાં તુજ પુત્રીના એક માહાત્મ્ય છે વસ્યું,
છે જે સમર્થ દેવોને પલટાવી
પોતાની જાત એની ને સૌને યે આસપાસના,
પણ લક્ષ્યે પ્હોંચવાને છે આવશ્યક એહને
કરીને પાર જવાનું પાષણો દુઃભોગના.
સ્વર્ગ કેરી સુધા-પ્યાલી સમી છે એ રચાયલી,
ચિદાકાશતણે તત્ત્વે નિર્માયેલી
સાવિત્રીએ ઢૂંઢી છે અહીંની હવા,
છતાં યે માનવી દુઃખશોક કેરી જરૂરતે
ભાગીદારી છે આવશ્યક એહની,
આનંદહેતુ પોતાનો પીડામાં પલટાવવો
અનિવાર્ય જ એહને.
શબ્દોથી દોરવાયે છે મન મર્ત્ય મનુષ્યનું,
એની નિવૃત્ત થાયે છે દૃષ્ટિ દીવાલોની પૂઠે વિચારની
ને માત્ર અર્ધ-ખોલેલાં બારણાંમાં થઈ એ બ્હાર દેખતી.
આકાશની પટીઓમાં કાપે છે એ મર્યાદામુક્ત સત્યને
ને પ્રત્યેક પટીને એ સર્વે સ્વર્ગોતણે રૂપે પ્રમાણતો.
અનંત શક્યતા પ્રત્યે માંડી એ મીટ તાકતો
ને યદ્દચ્છાતણું નામ આપે છે એ ઘાટગ્રાહી વિરાટને.
દીર્ધકાલીન એ જોતો પરિણામો સર્વસમર્થ શક્તિનાં,
યોજતી પગલાંઓનો ક્રમ જેહ અંતવિહીન કાલમાં,
કિંતુ એની કીડીઓમાં કલ્પે છે એ અર્થરહિત સાંકળી
યા હસ્ત મૃત કલ્પે છે ઉષ્માહીન અવશ્યંભાવિતાતણો;
નિગૂઢ જગદંબાના ઉરને એ નથી ઉત્તર આપતો,
ચૂકી એ જાય છે માના હૈયા કેરા હિલોળા ભાવથી ભર્યા
અને અનુભવે છે એ નિષ્પ્રાણ કાયદાતણાં
અંગો ઠંડાંગાર ને અકડાયલાં.
વિશ્વ સત્યતણાં મુક્ત નિરપેક્ષ ડગોમહીં
ઈચ્છા અકાલની કાલે નિજ સંકલ્પ સાધતી
કઠોર યંત્ર શી ભાસે યા અર્થશૂન્ય દૈવ શી.
સૂત્રોએ એક માયાવી કેરાં કીધા કાયદા જડતત્વના
ને જ્યાં સુધી ટકે છે એ ત્યાં સુધી છે બદ્ધ સૌ એમના વડે :
કિંતુ પ્રત્યેક કર્માર્થે છે જરૂરી સંમતિ પરમાત્મની
અને સ્વાતંત્ર્ય ચાલે છે મિલાવીને કદમો કાયદા સહ.
મરજી હોય માયાવી કેરી તો હ્યાં બદલાઈ બધું શકે.
ઈચ્છા જો માનવી કેરી ઈશ્વરેચ્છા સાથે એક બની શકે,
પ્રભુ કેરા વિચારોનો પડઘો જો પાડે વિચાર માનવી,
તો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન મનુષ્યેય બની શકે;
કિંતુ એ હાલ ચાલે છે સંશયાળ રશ્મિમાંહ્ય નિસર્ગના.
પ્રભુની જ્યોતિને ઝીલી શકે છે તે છતાં મન મનુષ્યનું,
પ્રભુની શક્તિએ શક્તિ માનવીની સંચાલિત થઈ શકે,
આવું થતાં બને છે એ ચમત્કાર ચમત્કારો બતાવતો.
કેમ કે માત્ર આ રીતે બની રાજા શકતો એ નિસર્ગનો.
છે એ નિયત નિર્માણ, મરવાનું નિશ્ચે છે સત્યવાનને;
ઘડી નક્કી થયેલી છે, ને પસંદ થયો છે જીવલેણ ઘા.
બીજું જે કૈં થશે તે છે સાવિત્રીના આત્મામાંહ્ય લખાયલું.
પરંતુ ભાગ્યનો લેખ ઉઘાડો પાડનાર ના
ઘડી આવે તહીં સુધી
જુએ છે વાટ દુર્વાચ્ય અને મૂક લખાણ એ,
દૈવ છે સત્ય અજ્ઞાને કાર્ય અર્થે પ્રવર્તતું.
રાજા ! પ્રકૃતિ ને તારા આત્મા વચ્ચે
પ્રત્યેક ઘટિકાએ જે સોદો ચાલી રહેલ છે
ને નિર્ણાયક છે જેમાં એને પૂર્વદૃષ્ટિથી દેખતા પ્રભુ,
તે છે પ્રારબ્ધ તાહરું,
પ્રારબ્ધ સરવૈયું છે વિધિને ચોપડે ચઢયું.
પોતાના ભાગ્યને લેવા સ્વીકારી કે નકારવા
સમર્થન કરે જોકે એકે એહ અણદીઠ નિદેશનું,
તથાપિ એ લખે તારા જમાપાસે તારો ઇન્કાર ચોપડે :
કાં કે દુર્ભાગ્ય ના અંત, નથી સીલ નિગૂઢ એ.
ઊઠેલો જિંદગી કેરા કુરુણાન્ત મહાવિધ્વંસમાંહ્યથી,
દેહની યંત્રણામાંથી અને મરણમાંહ્યથી,
આત્મા ઊંચે ચઢે હારે બનેલો બલવત્તર;
પ્રત્યેક પતને એની દૈવી પાંખો વિશાળતરતા ધરે.
એનાં સુભવ્ય વૈફ્લ્યો સરવાળે બની વિજય જાય છે.
માનવ ! ઘટનાઓ જે તારે માર્ગે તને મળે
તે હર્ષશોકના જોકે કરે છે ઘા
તારા દેહ અને આત્માતણી પરે
છતાં તે ભાગ્ય ના તારું; સ્પર્શી જરાક એ તને
પસાર થઈ જાય છે :
મૃત્યુ સુદ્ધાંય કાપી ના શકે તારા આત્માના માર્ગની ગતિ :
તારું લક્ષ્ય અને માર્ગ કરતો તું પસંદ જે
તે છે પ્રારબ્ધ તાહરું .
તારા વિચાર ને તારું હૈયું ને કર્મ તાહરાં
હોમતું વેદિની મહીં
છે તારું ભાગ્ય લાંબો કો યજ્ઞ એક દેવોને કારણે થતો,
ને એ દેવો
નિગૂઢ તુજ આત્માને પ્રકટાવી તને પ્રત્યક્ષ ના કરે,
ના બનાવે તને એકરૂપ તારા હૃદયસ્થિત દેવ શું,
ત્યાં સુધી એ પ્રવર્તતો.
અજ્ઞાનમાં અવિદ્યાના ઘૂસી આવેલ, આત્મ હે !
અદૃષ્ટ પરમોત્તુંગો પ્રત્યે જતા યાત્રી હે ! શસ્રથી સજ્યા,
તારા આત્માતણું ભાગ્ય છે સંગ્રામ,
છે અંખડ આગેકદમજોશ એ
વિરોધી શક્તિઓ સામે અણદીઠ પ્રવર્તતી,
માર્ગસંચાર છે એક જડમાંથી અકાલાત્મે લઈ જતો.
અંધ, પૂર્વજ્ઞાનહીન કાળ મધ્યે થઈ સાહસ ખેડતો,
લાંબી જીવનમાળામાં થઈ બેળે બેળે પ્રગતિ સાધતો,
સૈકાઓમાં થઈ આત્મા મોખરાને આગે આગે ધકેલતો.
પૃથ્વીની સમ-ભોમોની ધૂળ ને કીચમાં થઈ
ને ભયોએ ભરેલા મોખરા પરે,
હત્યારા હુમલાઓમાં ને ઘવાઈ ધીરી પીછેહઠોમહીં,
કે આદર્શતણો તૂટ્યોફૂટ્યો કિલ્લો ટકાવતાં,
કે થાણાં પર એકાકી ઝાઝાં સામે ઝઝૂમતાં,
તાપણીઓ આસપાસ રાતે પડાવ નાખતાં,
પ્રતીક્ષા કરતાં ધીરાં તૂર્યો કેરી પ્રભાતનાં,
ક્ષુધામાં, સંપદોમાં ને દુઃખને દોહ્યલે સમે,
જંગી જોખમમાંહે ને વિજયે, વિનિપાતમાં
લીલી લીલી જિંદગીની ગલીઓમાં, રણની રેતની પરે
બોડાં બીડોમહીં ઊભી વાટે, સૂર્યે ન્હાતાં કટકને પથે,
અડોઅડ દલોમાં ને વેરતા પૃષ્ટભાગમાં
સદાયે ઘૂમતા સેનામુખ કેરા
અગ્નિઓના સંકેતે દોરવાયલું,
આગેકદમ વાધે છે સૈન્ય માર્ગભૂલેલા દેવતાતણું.
લાંબે ગાળે પછી હર્ષ અનિર્વાચ્ય લહાય છે,
ભુલાયેલું પછી એને સ્વરૂપ યાદ આવતું;
જે વ્યોમોથી પડયો 'તો એ તે પુનઃપ્રાત થાય છે.
આખરે મોખરા કેરું દુર્દાન્ત દલ એહનું
બળાત્કારે હરી લે છે અવિદ્યાના છેલ્લા સંચારમાર્ગ સૌ :
જ્ઞાત છેલ્લી હદો પાર કરીને એ નિસર્ગની
ઘોર અજ્ઞાતને જાણી લેવાની શોધ આદરી,
સીમાચિહ્ નો વટાવીને દેખાતી વસ્તુઓતણાં,
એક અદભુત ઊંચેની હવા મધ્ય થઈ આરોહતો જતો
ને અંતે સૃષ્ટિના મૂક મસ્તકે અધિરોહતો
આત્મા ખડો થતો દીપ્તિમંત શૃંગો ઉપરે પરમેશનાં.
મરવું પડશે સત્યવાનને, તું તેનો શોક વૃથા કરે;
છે એનું મૃત્યુ આરંભ જિંદગીનો મહત્તરા,
મૃત્યુ છે તક આત્મની.
વિશાળા આશયે એક આણ્યા છે આત્મ સંનિધે,
મહાન એક ઉદ્દેશ સધાવાને પ્રેમે ને મૃત્યુએ મળી
એક પ્રપંચ છે રચ્યો.
કેમ કે ભય ને દુઃખમાં થઈને સ્વર્ગનું સુખ આવશે,
આવશે ઘટના કાળ કેરી જે ના જોવા પામે અગાઉથી,
ઈંટોથી કૈં યદ્દચ્છાની અસ્તવ્યસ્ત રચાયું વિશ્વ આ નથી,
આંધળો દેવ ના કોઈ છે શિલ્પકાર ભાગ્યનો;
યોજના જિંદગી કેરી રચનારી સચેતા એક શક્તિ છે,
છે એક અર્થ પ્રત્યે રેખા ને વૃત્તખંડમાં.
છે શિલ્પકાર્ય આ એક ઉચ્ચ ને ભવ્યતાભર્યું,
નામવાળા ને નનામા છે અનેક કડિયાઓતણી કૃતિ,
જેમાં ન દેખતા હસ્ત અનુવર્તે અદૃષ્ટને,
અને એના શ્રેષ્ટ શિલ્પકારોમાંની સાવિત્રી પણ એક છે.
રાણી ! પ્રયાસ છોડી દે ગૂઢ ઈચ્છા બદલી નાખવાતણો;
કાળ કેરા અકસ્માતો છે સોપાનો એના વિરાટ યોજને.
નિજ એકલ ઈચ્છાને ને પ્રભુની ઈચ્છાને એક જાણતા
હૈયા કેરી તાગહીન ક્ષણો આડે ન આણતી
ક્ષણજીવી નિરાધાર તારાં માનવ અશ્રુઓ :
વિરોધી ભાવી પોતાનું ભેટવા એ સમર્થ છે;
બેસે છે અળગું એહ શોક સાથે મૃત્યુની સંમુખે રહી,
શસ્સ્રાસ્ત્રે સજ્જ એકાકી વિપરીત ભાવિનો સામનો કરી.
આ ગંજાવર વિશ્વે એ ઊભી છે અળગી પડી
નિજ નીરવ આત્માની ઈચ્છાશક્તિ કેરા સામર્થ્થથી સજી,
બલિદાનતણા એના ચૈત્યાત્માનો એનામાં ભાવ છે ભર્યો,
એનું એકલવાયીનું બળ સારા વિશ્વનો સામનો કરી
દૈવ સામને અડેલું છે ને નથી સાહ્ય માગતું
માનવીની અથવા કોઈ દેવની :
પૃથ્વીના ભાગ્યથી પૂર્ણ કોઈ વાર હોય છે એક જિંદગી,
ન એ પોકારતી ત્રાણ માટે કોઈ બળોને બદ્ધ કાળથી.
પ્રચંડ નિજ કર્યાર્થે છે એ પર્યાપ્ત એકલી.
તારું ગજું નથી જ્યાં તે સંઘર્ષે તું વચમાં પડતી નહીં,
છે આ સંગ્રામ અત્યંત ઊંડો, મર્ત્ય વિચારે ના તગાય એ,
દિગંબર બની આત્મા ઊભે સામે અનંતની
ત્યારે અનમ્ય બંધોને આ નિસર્ગતણા એ પ્રશ્ન જે કરે
તેની આડે ન આવતી,
મૌન શાશ્વતતા કેરા પગલાં હોય માંડતો
એકાકી મર્ત્ય સંકલ્પ, તે અત્યંત વિશાળવા
પ્રસંગે તું વચમાં આવતી નહીં.
સાથી વગરનો તારો સ્વર્ગમાં જેમ સંચરે
વૈશાલ્યો વ્યોમ કેરાં અચંબામાં પડ્યા વિના,
યાત્રા અનંતતા કેરી કરતો સ્વ-પ્રકાશથી
તેમ બલિષ્ઠ હોયે છે મહાત્માઓ જ્યારે એ હોય એકલા.
ઈશ-દત્ત મહાશક્તિ આત્મા કેરી એમનું બળ હોય છે,
જ્યોતિર્મય નિજાત્માની નરી નિર્જનતાથકી
આવનારું રશ્મિ એક માર્ગદર્શન હોય છે;
જે આત્મા આત્મની સાથે એકલો જ રહી શકે
તેને ભેટો થાય છે ભગવાનનો;
એનું વિવિક્ત છે વિશ્વ મિલનસ્થાન એમનું.
આવે દિવસ એવો કે
જયારે એને વિના સાહ્ય એકલું ઊભવું પડે
જગ ને જાતના ઘોર ભાગ્ય કેરી જોખમી એક ધાર પે.
એકલી નિજ છાતીની પર ભાવી વિશ્વનું એ વહી જતી,
પડેલા એકલા હૈયે વહેતી આશ માનવી
જીતવા કે જવા વ્યર્થ છેલ્લી એક કિનારે આશ-વર્જિતા;
એકલી મુત્યુની સાથે ને કિનારી નજદીક વિનાશની,
છેલ્લા ઘોર પ્રસંગે એ એકમાત્ર એનું માહાત્મ્ય એકલું,
કાળનો કારમો સેતુ એકલીએ કરવો પાર ત્યાં રહ્યો,
ને વિશ્વ-ભાવિના સર્વથકી ઉચ્ચ બિંદુએ પ્હોંચવું રહ્યું,
જ્યાં યા તો સૌ જિતાયે કે માનવાર્થે પડે સર્વ ગુમાવવું.
વિશ્વના ભાગ્યનિર્માણે નિર્ણયાત્મક જે ઘડી
તેના અઘોર એ મૌને એકલી એ હોય, હોય તજાયલી,
મર્ત્ય કાળતણી પાર આત્મા એનો ચઢી જઈ
હોય ઊભો મૃત્યુ સાથે અથવા તો પ્રભુની સાથ એકલો
બની અલાયદો મૌન ભરી ઘોર કિનાર પે,
ને અટૂલી પડી પોતે ઊભી હોય
પોતાની જાતની સાથે, મૃત્યુ સાથે ને સાથે ભવિત્વની,
કાળ-અકાળની વચ્ચે આવેલી એક ધાર પે
જયારે અવશ્ય છે અંત સત્ત્વ કેરો
કે ફરી બાંધવાનો છે નિજ આધાર જીવને,
ત્યારે એને એકલીને પડશે જીતવું તહીં,
પડશે યા ધબી જવું.
દેવ કવચધારી કો દીપ્તિમંત પાસે હોય નહીં ખડો.
પોકાર સ્વર્ગ પ્રત્યે ના,
કેમ કે એ એકલી જ છે સમર્થ બચાવવા.
આને માટે જ છે આવી
શક્તિ મૌનમયી કાર્ય લઈ આદિષ્ટ નીમ્નમાં;
માનવી રૂપ લીધું છે એની માંહે સચિત્ સંકલ્પ-શક્તિએ :
બચાવી શકશે એક એ જ જાત, બચાવી શકશે જગત્ .
રાણી ! પાછી હઠી ઊભ એ ગંજાવર દૃશ્યથી,
એની ને ભાગ્યની એની ઘડી વચ્ચે ન આવતી.
અવશ્ય આવવાની છે ઘડી એની
ને કો વચ્ચે પડવાને સમર્થ ના :
વિચાર રાખ ના એને વાળવાનો
એના દેવલોકપ્રેષિત કાર્યથી,
એના ઉત્તુંગ સંકલ્પથકી એને મથતી ના બચાવવા.
તારું એકે નથી સ્થાન ઘોર સંઘર્ષમાંહ્ય એ;
તારો પ્રેમ અને તારી ઉત્કંઠા પંચ ત્યાં નથી,
છોડી દે ભવનું ભાગ્ય અને એને
એકમાત્ર ભાળમાં ભગવાનની.
એને એના એકલીન બળે નિર્ભર છોડતો
દેખાતો પ્રભુ હોય, ને
બધું હચમચી ઉઠે, પડી ભાગે, ને જુએ માત્ર અંતને,
ને હૈયું ન કરે કામ, રહે માત્ર મૃત્યુ ને રાત્રિ, તે છતાં
ઘોર વિનાશની સામે
ઝૂઝવાને દેવ-દીધું બળ એનું સમર્થ છે,
છેક છેલ્લી કિનારીએ મૃત્યુમાત્ર જહીં સામે જણાય ને
ન કોઈ માનવી શક્તિ
બાધા નાખી શકે વચ્ચે યા તો સાહ્ય કરી શકે.
ગૂઢ સંકલ્પની આગે આડે આવી
આજીજીનો વિચાર કરતી નહીં,
એનો આત્મા અને એની શક્તિ વચ્ચે પડીશ ના,
છોડી દે કિંતુ તું એને એના ભવ્ય આત્મા ને ભાગ્યની પરે."
બોલ્યા નારદ ને બંધ પડયા, છોડી દૃશ્ય પાર્થિવ સંચર્યા.
પોતાના પરમાનંદધામની પ્રતિ એ પળ્યા.
તેજસ્વી તીર તાકેલું સીધું સ્વર્ગતણી પ્રતિ,
નિત્યના દિવ્ય દ્રષ્ટાનો દેહ એવો પ્રદીપતો
નીલ-લોહિત મધ્યાહન-મહિમા આક્રમી ગયો,
અને ઓસરતા તારા સમો અદૃશ્ય એ થયો,
અંતર્લીન બની જાતો આભમાંહ્ય અદૃષ્ટની;
છતાંય હજુ પોકાર સંભળાતો હતો એક અનંતમાં,
હજુ યે સુણતા આત્મા માટે મર્ત્ય ધરા પરે
એક ઉદાત્ત આઘેનું અમર સ્વરમાં થતું
શાશ્વત પ્રેમનું સ્તોત્રગાન ચાલી રહ્યું હતું.
છઠઠું પર્વ સમાપ્ત
એકતાનો આનંદ; મૃત્યુના પૂર્વજ્ઞાનજન્ય
અગ્નિપરીક્ષા અને હૃદયનો શોક
સત્યવાનને વરીને આવેલી સાવિત્રીની ને એનાં માતાપિતાની સમક્ષ રાણીના અત્યાગ્રહથી નારદે વિધિનું નિર્માણવાક્ય ઉચ્ચાર્યું અને સત્યવાનની જિંદગીનું હવે માત્ર એક જ વર્ષ રહેલું છે એવું સ્પષ્ટતાથી સંભળાવ્યું, અને પોતે દિવ્ય લોકમાં વિદાય થઇ ગયા. સાવિત્રીનો નિર્ણય છેવટનો હતો અને ગમે તે થાય તો પણ પોતે તે સર્વને માટે તૈયાર છે, એવું એણે એવા બળપૂર્વક ઉચ્ચાર્યું કે તે પછી કોઈને કશું બોલવાનું રહ્યું નહીં.
પ્રારબ્ધ પોતાને માર્ગે પ્રયાત્રા કરી રહ્યું હતું. માણસની આશાઓ અને અભિલાષાઓ એના રથનાં ચક્ર છે ને તેની ઉપર એનો અંધ સંકલ્પ અજ્ઞાત લક્ષ્યની પ્રતિ આગળ વધતો રહે છે. નસીબ માણસ પાસે બધું કરાવે છે. એનું જન્મસ્થાન છે આપણો ગુપ્ત આત્મા અને પ્રકૃતિ તેમ જ પ્રારબ્ધ માણસની સ્વતંત્ર કહેવાતી ઈચ્છા પાસે પસંદગી કરાવે છે.
પરંતુ મહંત આત્માઓ આ સામાન્ય સમતુલાને ઊલટાવી શકે છે અને આત્માને એના ભાગ્યનો નિર્માતા બનાવી દે છે.
સાવિત્રી પાછી રથે બેસીને સત્યવાનની વનકુટીર પ્રતિ જવા નીકળે છે. માર્ગમાંની ગિરિમાળાઓ, વનોપવનો, નદીનાળાંઓ, નગરો ને ગામડાંઓ વટાવતી વટાવતી એ શાલ્યદેશની સરહદ પરના અરણ્યમાં આવેલી સત્યવાનની કુટીરે જઈ પહોંચે છે. સાથે આવેલાં વહાલાંઓ ત્યાં એને અંધ રાજાને તથા રાણીને એની વિધિસર સુપરત કરીને દુઃખિત હૃદયે પાછાં ફરે છે.
સાવિત્રી વન્ય જીવનનો આનંદથી અંગીકાર કરે છે ને સાસુસસરાને સેવતી ને પતિપ્રેમમાં સ્વર્ગાધિક સુખ અનુભવતી શ્રમનાં કાર્યોમાં સહજ સ્નેહભાવથી જોડાઈ જાય છે, અને પ્રેમપૂર્વક પ્રેમને માટે જ જીવન ગુજારતી બની જઈ જંગલમાં મંગલ
માણવાનું મહાસુખ લે છે, અને મૃત્યુની છેક નજીકમાં જ રહેલો એનો આનંદ અમોલો બની જાય છે.
આરંભમાં તો વનનાં મનોહર દૃશ્યો, વનવિહંગોના મધુર કલરવગાનો, સૂર્યના સ્તોત્રનો સંભાર બની ગયેલો દીપ્યમાન દિવસ, મખમલ ઉપર મણિસ્ફટિકો પાથર્યા હોય એવી રળિયામણી રાત્રિ, સવારથી સાંજ સુધી ને સાંજથી સવાર સુધી હર્ષ-પ્રહર્ષનું હાસ્ય બની જતાં હતાં. સત્યવાનનું સાન્નિધ્ય સાવિત્રીને માટે સાતે સ્વર્ગોનું સામ્રાજ્ય બની જતું અને એની અનુપસ્થિતિ સ્મૃતિઓનું સ્વપ્ન.
એમને માટે સ્વર્ગનો ને પૃથ્વીનો પરમાનંદ એકાકાર બની ગયા હતા. ઉભયમાં એક જ પ્રેમની જોત જલતી હતી. પૃથ્વી ઉપરના પરમ સ્વર્ગમાં બે જીવનો એવાં તો ઓતપ્રોત થઇ ગયાં હતાં કે દુર્દેવ અને શોક એમના ભભૂકતા ભાવ આગળથી પલાયન કરી ગયાં હતાં.
ગ્રીષ્મનો ઉત્સાહી ઉચ્છવાસ ઓસરી ગયો ને વર્ષોએ આણ્યાં કાળાં વાદળાં, વિધુતોના વિલાસો, ધમકાવતા ધડાકાઓ, ઝંઝાઓના જોર-ઝપાટા ને ઝાપટાંની ઝડીઓ. રાત્રિનો ગમગીન અંધકાર સાવિત્રી માટે અમંગળ બની જતો; એના મર્ત્ય હૃદયને ભય ભીંસમાં લેતો; નારદનાં વચન એને યાદ આવતાં. પોતાને માટે હવે કેટલા થોડા દિવસો બાકી રહ્યા છે તેની ગણતરી કરતી, ને શોકનું એની ઉપર આક્રમણ થતું. સત્યવાનના સાથમાં પોતે હોય ત્યારે તો તે ભુલાઈ જતો, પરંતુ સવારે ઊઠતાં વાર એ પણ સાથે ઊઠતો. જેમ જેમ એ પ્રેમમાં વધારે ઊંડે ઊતરતી ગઈ તેમ તેમ એની યાતના પણ વધતી ગઈ. એનું હૈયું શોકનો ને મહાત્રાસનો ખોરાક બની ગયું.
પરંતુ સાવિત્રી પોતાના દુઃખને પોતાની ભીતરમાં છુપાવી રાખતી હતી. બહારથી કોઈને એની કશીયે ખબર ન પડે એવી રીતે એ બોલતી, ચાલતી ને વર્તતી. એનો રોજનો વ્યવહાર એવો ને એવો જ મીઠો અને મનોહર રહેતો. તેમાંયે સત્યવાનને તો એની અંતરવ્યથાની ગંધ સુધ્ધાંય ન આવે એવી એ ખાસ સાવચેતી રાખતી. તેમ છતાંય એને અડધીપડધી એની ખબર જાણે પડી જતી, ને સાવિત્રીને આનંદ આપવા માટે પોતાના અનિવાર્ય નિત્યક્રમમાંથી બચાવી બચાવીને તે બધો સમય એને માટે જ રાખતો, અને મધુર હૃદયંગમ વહાલનાં વચનોથી અને પ્રેમના પ્રાચુર્યથી એનું સમાધાન કર્યા કરતો. આટઆટલું કર્યા છતાંય સાવિત્રીની જે અગાધ ઊંડી આવશ્યકતા હતી તેને માટે તે બધું અપર્યાપ્ત જ નીવડતું.
એકાંતના સમયોમાં સાવિત્રીની આંખ સામે એના આગામી દિવસોનું વેરાન ઊભું થતું. કલ્પનામાં ને કલ્પનામાં પોતે પતિ પાછળ ચિતાપ્રવેશ કરી અનુગમન કરવાનાં ને પરલોકમાં એને સહચાર આપવાનાં સ્વપ્નાં સેવતી, પરંતુ શોકથી સિઝાતાં સત્યવાનનાં માબાપને એની જરૂર પડશે એ વિચારે એની કલ્પના અટકી પડતી. વળી કોઈ કોઈ વાર યુગોની મહાવ્યથા પોતામાં નિષ્કર્ષરૂપે એકત્ર થયેલી એ અનુ-
ભવતી. પોતાના આત્મમંદિરમાં પ્રેમનું મંદિર બનાવી છૂપા દેવતાઓને એ પોતાના શોકસંતાપનો ધૂપ સમર્પતી ને જીવનની વેદિમાં પોતાની જાત બલિદાનમાં હોમતી.
સત્યવાન અને સાવિત્રીમાં એવી તો એકતા આવી ગઈ હતી કે દેહની દીવાલો આડ ઊભી કરી શક્તિ નહિ; કોઈ પણ શક્તિ એમને વિખૂટાં પાડવાને સમર્થ નથી એવું સાવિત્રીને લાગ્યા કરતું હતું. એ પોતે ઘેર હોવા છતાંય વનમાં ગયેલો સત્યવાન ત્યાં શું શું કરી રહ્યો છે તે એ જોતી ને એના સાથમાં એનો સચેત આત્મા ત્યાં સંચાર કરતો. ક્ષણે ક્ષણે એના પ્રેમનું પ્રમાણ વધતું જ જતું હતું. પેમ એનું આખુંયે જીવન, આખીયે પૃથ્વી ને આખુંયે સ્વર્ગ બની ગયો હતો. જીવનમાંથી જન્મેલો પ્રેમ એમ તો હતો કાળનું બાળક, છતાંય માર્યા મરાય નહિ એવા દેવોના જેવો અમર એ પગલાં ભરતો હતો.
સાવિત્રીનો આત્મા દિવ્ય બળમાં વાધ્યો ને વિસ્તર્યો. કાળના ને વિધાતાના ઘણના ઘા ઝીલવા માટે એણે એરણનું રૂપ લીધું. શોકનો વિલાસ છોડી હવે એ શાંત થયો, સુદૃઢ બની ગયો ને પોતાના જબર જુદ્ધના કોઈ એક પરિણામની, મૃત્યુ અને અશ્રુ ઉપર એને વિજયવંત બનાવી દે એવા કોઈ કૃત્યની રાહ જોવા લાગ્યો.
વરસ હવે બદલાવાની અણી ઉપર હતું. તોફાનોએ પાંખો વીંઝવાનું બંધ કર્યું હતું, ગડગડાટોનો ઘોર શોર શમી ગયો હતો; મેઘમંડળમાંથી માત્ર મંદ મંદ મૃદંગરવ આવતો હતો, ગમગીન હવામાં વરસાદ ટપકતો ટપકતો વિદાય લેતો હતો. ભૂરાં ને ધીરે ધીરે પસાર થઈ જતાં વાદળાંથી પૃથ્વી ઘેરાયેલી હતી, ને એવી જ રીતે સાવિત્રીના હૃદયાકાશમાં શોકનાં વાદળ છાયાં હતાં. એનો શાંત ને નિઃસ્પંદ આત્મા પાછળ છુપાયેલો હતો, પણ તે પ્રકાશ આપતો ન હતો. ભુલાઈ ગયેલાં શિખરો ઉપરથી કોઈ અવાજ નીચે ઊતરી આવતો ન હતો; માત્ર એના ચિંતાનિમગ્ન દુઃખની એકાંતતામાંથી એનું માનવ હૃદય દેહના દૈવ સાથે સંભાષણ કરતું હતું.
ભાગ્ય પૂર્વદૃષ્ટ માર્ગ અવિકાર્ય લેતું પોતાતણો હતું.
આશાઓ ને આસ્પૃહાઓ મનુષ્યની
એના પ્રારબ્ધનો પિંડ વહી જાતાં ચક્રો યાત્રાતણાં રચે
ને દોરી જાય સંકલ્પ અંધ એનો અજ્ઞાત લક્ષ્યની પ્રતિ.
એની ભીતરમાં છે જે ભાગ્ય તેહ
એનાં કર્મ ઘડે છે ને રાજ્ય એની ઉપરે ચલાવતું;
એને મુખે અને રૂપે કયારનોયે એનામાં જન્મ છે ધર્યો,
એનું પિતૃત્વ આવેલું છે એના ગુપ્ત આત્મમાં;
દૈહ જીવનને દ્રવ્ય ઘડે છે હ્યાં એવો આભાસ થાય છે
અને પ્રકૃતિ પોતાની જ્યાં હાંકે ત્યાં જતો જણાય છે :
એનો સ્વભાવ ને ભાગ્ય
બળાત્કારે કરાવે છે એની મુક્ત ઈચ્છા પાસે પસંદગી.
વધુ મોટા મહાત્માઓ સંતુલા આ પરંતુ બદલી શકે
ને ચૈત્યને બનાવી એ શકે શિલ્પી સ્વભાગ્યનો.
અજ્ઞાન આપણું જેને છુપાવે છે તે આ નિગૂઢ સત્ય છે :
દુર્દૈવ એક છે માર્ગ આપણામાં છે તે સહજ શક્તિનો,
કસોટી આપણી ગુપ્ત આત્માની છે પસંદગી,
અવશ્યંભાવિતા સ્વાત્મા કેરો આદેશ માત્ર છે.
મધુરું પુષ્પના જેવું, કઠોર વજ્રના સમું
ભાવોદ્રેક ભર્યું શાંત સાવિત્રીનું
હૈયું આખું માણતું પરિપૂર્ણતા;
એણે પસંદ કીધું 'તું, ને અનમ્ય પોતાના બળને પથે
બેળે વાળી હતી એના પરિણામતણી પ્રતિ
વિશ્વ કેરી વંકાતી દીર્ધ રેખને.
એકવાર ફરી બેઠી ખરીઓથી ધ્વનતા દ્રુત એ રથે;
એને ઘરથકી લઈ
ત્વરમાણ દલો ચાલ્યાં કવચે સજજ યોધનાં,
ને નિર્ધોષ સુણાતો'તો રથો કેરો સૂદુરમાં.
સૂતેલી ધરતી જાગી પોતના મૂક ધ્યાનથી,
ઊંચી દૃષ્ટિ કરી જોતી સાવિત્રીને તંદ્રામાંથી વિશાળ એ :
આવી ડુંગરમાળાઓ આળોટંતી ઊજળા ધૂંધકારમાં,
ગ્રીષ્માકાશતણી નીચે લેટેલી સુખચેનમાં
આવી વિશાળ ભૂમિઓ,
આવ્યાં ક્ષેત્રો પરે ક્ષેત્રો વિસ્તરેલાં સૂર્યના તડાકામહીં,
વિશાળ ભભકે આવ્યાં નગરો ચંદ્રકાંત શાં,
આવી કેસરિયાળી કૈં સરિતો પીત વર્ણની,
લીલા લીલમ શી શાલ્વતણી સરહદે ગયાં
દોરી આ સૌ મદ્રરાજકુમારિકા;
લોહ-વિશાળતાઓનો , કઠોર શિખરોતણો
ને જંગી નિર્જનત્વોનો મુખભાગ બનેલી હદ આ હતી.
એકવાર ફરી આવ્યું દૈવનિર્દિષ્ટ એ સ્થાન સુહામણું,
કિનારીઓ પ્રસ્ફ્રરંત કુંજો કેરા પ્રમોદથી
જ્યાં પ્હેલી વાર જોયું 'તું સાવિત્રીએ મુખડું સત્યવાનનું,
ને જાગી સ્વપ્નમાં કોઈ જુએ તેમ સત્યવાને જહીંથકી
અકાળ એક સૌન્દર્ય અને સત્યતાનાં કીધેલ દર્શનો,
પૃથ્વી ઉપર જન્મેલા સ્વર્ગ કેરા શિશુનું નીરખ્યું હતું
માધુર્ય હેમની શોભા ધારનારા મયંકનું.
પાછો સરી ગયો ભૂત ને ભવિષ્ય સરી આવ્યો સમીપમાં :
ઘણે દૂર રહ્યા પૂઠે મદ્ર કેરા વિશાળા રાજમંડપો,
કોતરેલા શુભ્ર સ્તંભો, શય્યાખંડો શીળા આછા-ઉજાશીયા,
સ્ફાટિકી ભૂમિકાઓની મીનાકારી રંગઝાંય વડે ભરી,
મિનારયુક્ત મોટેરી શાળાઓ ને પવનોર્મિલ પલ્લવો,
ઉધાનો મધમાખોના ગુંજાગાનરવે ભર્યા,
શીઘ્ર જતા ભુલાઈ કે સ્મૃતિ ઓછી બની જતા
છોળોના છબકારાઓ ફુવારાનાં જલોતણા
મોટા હોજોમહીં બાંધેલ પથ્થરે,
વિચારમગ્ન મધ્યાહ્ન કેરી ધીર ગંભીર લયલીનતા,
શાંત સંધ્યાસમે સ્વપ્ન સ્તંભશ્રેણીતણું ધૂસર વર્ણનું,
રાત્રિને મોખરે જાતો સરી ધીરે થતો ઉદય ચંદ્રનો.
ઘણે દૂર રહ્યાં પૂઠે જાણીતાં મુખડાં હવે,
હસતા હોઠની પૂઠે રહેલી સ્નિગ્ધ જલ્પના
સુખભાવે ભરેલી ને કૌશેય સમ કોમલા,
પ્રગાઢ પ્રીતિનાં દૂર રહ્યાં મિલન હસ્તનાં,
ને સ્વજીવનની રાણી હતી જે એક તેહને
અર્પેલી અર્ચના કેઈ આભા દૂર રહી આરાદ્ધ આંખની.
અહીંયાં તો માત્ર આદિકાળતણું નૈર્જન્ય સૃષ્ટિનું :
હતો અવાજ હ્યાં માત્ર પક્ષી ને પશુનો થતો,-
હતી નિર્વાસના આંહીં યતિઓની અંધારાયેલ ઘોર આ
અમાનુષ અરણ્યમાં,
સ્વરો મનુષ્યના ના હ્યાં સુખાલાપ ભરેલા આવતા હતા,
એના જીવનના દૂર હતા ખીચોખીચ ઉલ્લાસના દિનો.
વાદળાની એક રાતી આંખવાળા વિશાળા સાંજના સમે
ઉઘાડે એક સંકષ્ટ, એક લીલી ફૂલે ફાલેલ ફાટમાં,
વ્યોમ ને ભોમની મીટ મધ્યમાંથી તેઓ આવી પહોંચિયાં
લીલી સંધ્યાતણા એક વિશાળા ગૃહવાસમાં.
દોરાયાં એ પછી આગે ધ્યાની એક ઝંખવાશ ભર્યા પથે
જે પ્રયત્ને જતો જંગી વૃક્ષોની છાયામાં થઈ,
સૂર્યપ્રકાશ દેવામાં કંજૂસાઈ બતાવતી
ક્માનોની તળે થઈ,
ને જોયાં એમણે નીચાં છાપરાં ત્યાં એક આશ્રમધામનાં,
આસમાનીતણા એક ધાબા નીચે અડોઅડ ખડાં કર્યાં :
વનના ઘોર હૈયાના સ્મિતના સુપ્રભાત શું
સ્થાન એ લાગતું હતું,
જંગી જંગલના ઝાડ જૂથ જૂથ હતાં ત્યાં અવલોકતાં
હતાં આશ્રય એ ગ્રામ્ય માનવીના વિચારનો
અને સંકલ્પશક્તિનો.
આવ્યા એ કુટિરાવાસે કાપકૂપી કરી કાચા રચાયલા :
અને સ્વ ગર્વ કેરું ને પ્રેમનું પાત્ર જે હતી
તે સાવિત્રીને સમર્પી પિતાને ને માતાને સત્યવાનની,
પૂછયો એકેય ના પ્રશ્ન એના ભાગ્યની વિલક્ષણતા વિષે :
મહાન આંધળો રાજા હતો રાજસ્થંભ પતિત તેજનો,
અને એક સમા કેરી મહારાણી ગૌરવે પૂર્ણ, તે છતાં
ચિંતાએ ક્ષીણ જે હતી,
અને હવે નિજાર્થે જે
જિંદગી પાસથી આશા ન એકે રાખતી હતી,
માત્ર જે એકના એક પુત્ર માટે સઘળું વાંછતી હતી,--
પૃથ્વીનો સર્વ આનંદ અને શ્રેયો સઘળાં સ્વર્ગલોકનાં
પક્ષપાતી દૈવ કેરી પાસેથી મેળવી લઈ
પોતાના પુત્રને માથે હતી ચ્હાતી ઉતારવા.
જેમ સ્વર્લોકનું તેમ પોતાનું જે પ્રેમપાત્ર બન્યો હતો
ને યુવા દેવના જેવી પ્રાજ્ઞતા ને સૌન્દર્યે જે સજ્યો હતો,
તેને આરાધતી માતા
એના ઉલ્લાસથી પોતે ઉલ્લાસિત બની જતી,
એના ભાગ્યમહીં વિશ્વાસ રાખતી,
જાણતી ન હતી પાસે આવી જેહ રહ્યું 'તું તે અનિષ્ટને.
સાવિત્રીને લઈ આવેલ લોક તે
વનધારે વિલંબાઇ કેટલાક દિનો રહ્યા,
વિયોગદુઃખને દીર્ધ કરનારા જનો સમા,
શોકે સભર સંસકત કર છૂટા પાડવાને ન માગતા,
છેલ્લી વાર જ જોવાની મુખ ઈચ્છા ન રાખતા,
આવતા દિનના શોકે હૈયું ભારે બનાવતા,
દૈવની બેતમા પ્રત્યે અચંબો બતલાવતા,
જે દેવ આલસી હસ્તે તોડી પાડે પોતનાં શ્રેષ્ઠ કાર્યને ;
દુઃખે લાદેલ ને ભારે હૈયે તેઓ છૂટા એના થકી પડયા,
જેન દૈવે અનિવાર્ય બળાત્કારે વિખૂટા આપણે થતા
કોઈ પ્રિયથકી જેને ફરી જોવા આપણે પામશું નહીં;
સંચાલિત થઈ એના અનોખા ભવિતવ્યથી,
સાવિત્રીના હૃદયની વરણીની સામે સહાયહીન એ
એને છોડી સિધાવ્યા સૌ એના આનંદના અને
એના પ્રારબ્ધ સાથમાં,
સંભાળ હેઠ મૂકીને જંગલી ત્યાં જંગી જંગલની તહીં.
એકવાર હતું જેહ નિજ જીવન, તેહને
પોતાની પૂઠળે તજી,
પતિની સાથ પોતાનું હતું તે સૌ સત્કારીને હવે પછી,
સત્યવાનતણી સાથે રહી એ ત્યાં અરણ્યમાં :
છેક મૃત્યુ સમીપેનો એ સ્વહર્ષ અમૂલો લેખતી હતી;
અળગી પ્રેમ સાથે એ પ્રેમ માટે જ જીવતી.
દિવસોની પ્રયાતત્રાને માથે જાણે સ્વરૂપે સમવસ્થિતા,
નિશ્ચલાત્મા હતા એનો કાલ કેરી ક્ષિપ્રતાને નિરીક્ષતો,
ગાઢાનુરાગ કેરી ને અપરાજય્ય શક્તિની
પ્રતિમા એ બન્યો હતો,
મિષ્ટ શાસક સંકલ્પ નિરપેક્ષ અધિકાર ચલાવતો,
દેવોની શાંતિ ને તીવ્ર તેજોબલ વડે સજ્યો,
અદમ્ય એ હતો, ન્હોતો પરિવર્તનશીલ એ.
સાવિત્રીને સમારંભે નીલ આકશની તળે
આવેલું વન-એકાંત લાગ્યું ભવ્ય ભભકાદાર સ્વપ્ન શું,
વેદિ શું ગ્રીષ્મની દીપ્તિમંત ને વહનિવૈભવી,
સુમનોએ સજ્યો મ્હેલ દેવોનો આભને અડયો,
પ્રહર્ષતણે હોઠે શોભતા સ્મિતના સમાં
દૃશ્યો એનાં હતાં બધાં,
ને એના સૌ સ્વરો બંદી-ગાયકો સુખના હતા.
આકસ્મિક લહેરે ત્યાં વાયુ કેરી આલાપ ઊઠતો હતો,
હતો ત્યાં મહિમા એક સૂર્ય કેરા ક્ષુદ્રમાં ક્ષુદ્ર રશ્મિમાં;
રાત્રી મખમલે સ્થાપ્યા આછા નીલ સ્ફટિક સરખી હતી,
હૂંફ લેતા અંધકાર કે જ્યોત્સ્નાના અગાધ સિંધુના સમી;
હતો દિવસ કો શોભાયાત્રા શો જંબુવર્ણની,
ને હતો સ્તોત્રગાન એ,
જ્યોતિના હાસ્યનું મોજું હતો એ સુપ્રભાતથી
તે સંધ્યાના સમા સુધી.
સ્મૃતિના સ્વપ્નના જેવી હતી સત્યવાનની ગેરહાજરી,
એનું સાન્નિધ્ય સામ્રાજ્ય હતું કો એક દેવનું.
પૃથ્વી ને સ્વર્ગના હર્ષો ઓગળીને બની એક ગયા હતા,
પસાર તરલા એક થતી જવાળા વૈવાહિક પ્રહર્ષની,
બની એક જવા આત્મા બે અન્યોન્ય પ્રત્યે ધસમસી જતા,
એક અર્ચિ:સ્વરૂપે બે દેહ દીપ્ત બન્યા હતા.
દ્વારો થયાં હતાં ખુલ્લાં ન ભુલાયે એવી મહામુદાતણાં :
બંદી બની ગઈ 'તી બે જિંદગીઓ એક પાર્થિવ સ્વર્ગમાં
અને દૈવ તથા શોક એ પ્રદીપ્ત ઘડીથકી
દૂર ભાગી ગયાં હતાં.
કિંતુ શીઘ્ર હવે ગ્રીષ્મ કેરો ઉચ્છવાસ ઉગ્ર એ
બલહીન બની ગયો,
વ્યોમમાં સર્પતાં આવ્યા ઘન-વૃન્દો નીલ-શ્યામલ વર્ણનાં
અને ટપકતાં પર્ણો પર વર્ષા નાઠી નિઃશ્વાસ નાખતી,
અને ઝંઝા બની ઝાડીતણો આરાવ રાક્ષસી.
ધડાકા ને ભડાકાઓ જીવલેણ તૂટીને પડતા હતા,
નાસતાં ઝાપટાંઓનાં પગલાંની ટપાટપો,
ને હાંફો વાયરા કેરી લાંબી અતૃપ્તિથી ભરી,
ગગણાટો શોક કેરા રવે તંગ થયેલી રાત્રિની મહીં,
એ સૌને કાન માંડીને સાવિત્રી સુણતી હતી
તે સમે શોક સારાયે વિશ્વ કેરો એની સમીપ આવિયો :
અંધકાર નિશા કેરો એને અશુભ શંસતા
સ્વ-ભવિષ્યતણા કાળા મોઢા શો લાગતો હતો.
છાયા ઊભી થતી 'તી સ્વ-પ્રેમીના સર્વનાશની,
ને એના મર્ત્ય હૈયાને લેતો 'તો ભય ભીંસમાં.
પળો ઝડપ ધારીને દયાહીન શરતે દોડતી હતી;
ચોંકતા 'તા વિચારો ને મન એનું સ્મરણે આણતું હતું
તિથિ ભાખેલ નારદે.
ચાલતો 'તો કંપ એક એની રિદ્ધિ કેરો હિસાબ રાખતો,
અપર્યાપ્ત હતા એવા વચમાંના દિનો એ ગણતી હતી :
એક ભીષણ પ્રત્યાશા એને વક્ષે ટકોરા મારતી હતી;
પગલાંઓ કલાકોનાં એને ભીષણ લાગતાં :
શોક એને દ્વારા આવ્યો અજાણી ને આવેગી વ્યક્તિના સમો :
નિર્વાસિત થતો જયારે હોય પોતે બાથમાં સત્યવાનની,
સવારે ઊંઘમાંથી એ ઊઠતી 'તી ત્યારે એ ઊઠતો હતો
તાકવાને એના વદનની પરે.
અવસાનતણી પીછો લેનારી પૂર્વદુષ્ટિથી
વૃથા ભાગી જઈને એ મહાનંદ-ગહ્વરોમાં પ્રવેશતી.
જેમ જેમ વધારે એ નિમગ્ના પ્રેમમાં થતી
તેમ તેમ વધારે એ વધતી 'તી મહાવ્યથા;
મિષ્ટમાં મિષ્ટ ઊંડાણોમહીંથી ઊઠતો હતો
એનો શોક ગાઢમાં ગાઢ જે હતો.
સ્મૃતિ તીવ્ર વેદનારૂપ ધારતી,
પ્રેમ-આનંદની એની અતિમાત્ર પાતળી પુસ્તિકાથકી
રોજ ફાડી નાખતું 'તું ક્રૂરતાથી પૃષ્ઠ એક સુવર્ણનું
આમ સુખતણા જોર-ઝપાટાના ઝોલા ઉપર ઝૂલતી,
તરતી અશુભાશંસા કેરી કાળી તરંગાવલિઓમહીં,
શોક ને ત્રાસને ખાણું સ્વ-હૈયાનું ખવાડતી,--
કેમ કે એ હવે બેઠા હતા એના ઉરના અતિથિ બની
કે પૃથક્ મારતા આંટા એના અંતર્મહાલયે,--
આંખો એની તાકતી 'તી આંધળી શી શર્વરીમાં ભવિષ્યની.
ચાલતી પ્રેમનાં પાત્ર અચેત વદનો વચે,
મનમાં પરદેશી શી, છતાં છેક પાસે હૃદયની મહીં,
પોતાની અળગી જાતમહીંથી એ જોતી ને અવલોકતી
હતી જગત, અજ્ઞાન હસતું ને પસાર સુખિયું થતું
અજ્ઞાત ભાગ્યની પ્રત્યે પોતાના માર્ગની પરે,
ને અચંબો પામતી એ મનુષ્યોનાં જોઈ બેફામ જીવનો.
પાસે હોવા છતાં તેઓ જાણે જુદા જગતો મધ્ય ચાલતાં,
ફરીથી ઊગશે સૂર્ય પાછો એવો હતો વિશ્વાસ એમને,
લપેટાઈ રહેતા એ ઘડી કેડે ઘડીતણી
આશાઓમાં અને કર્યોમહીં ક્ષુદ્ર પ્રકારનાં.--
ને સાવિત્રી એકલી જ રહેતી 'તી નિજ ભીષણ ભાનમાં.
સમૃદ્ધા સુખથી પૂર્ણા ગુપ્તતા જે અલાયદી,
રૂપેરી મંડપે જાણે,એકાદા પધરાવતી
હતી એને વિચારો ને સ્વપ્નાં કેરા નંદતા નીડની મહીં,
તેણે સ્થાન કરી આપ્યું
દુ:ખાન્ત ઘટિકાઓને એકાંતત્વવડે ભરી,
ને કો ભાગ પડાવે ના કે ના જાણે એવા એકલ શોકને,
શરીર ત્યાં હતું જોતું અતિ શીઘ્ર અવસાન સ્વ-હર્ષનું
ને મર્ત્ય પ્રેમનો મોદ ક્ષણભંગુરતા ભર્યો
અવસન્ન બની જતો.
મુખમુદ્રા શાંત એની મધુરી સ્થિરતા ભરી,
ચારુતાએ ભર્યાં એનાં નિત્યકર્મ છદ્મવેશ હતાં હવે;
નિઃસ્પંદતા અને આત્મશાંતિ માટે કરવા પ્રાપ્ત ભૂમિકા
વ્યર્થ એ નિજ ઊંડાણો ઉપરે અવલોકતી.
નિશ્ચલ નયને જેહ જિંદગીનું જુએ નાટક ચાલતું,
મન ને ઉરના શોક માટે ટેકો બની જતો,
માનવી હૃદયોમાં જે સહી લે છે વિશ્વને ને નસીબને
તે મૌની આત્મ અંત:સ્થ સાવિત્રીથી હજી ગુંઠનમાં હતો.
આવતી એક ઝાંખી કે ઝબકારાય આવતા,
સાન્નિધ્ય ગોપને હતું.
માત્ર એનું તીવ્ર હૈયું ને સંકલ્પ ગાઢાનુંરાગથી ભર્યો
ધકેલાયાં હતાં આગે ભેટવાને નાફેર ઘોર ભાગ્યને;
બચાવ વણના, નગ્ન, બંધાયેલાં માનવીય નસીબ શું
સક્રિય બનવા માટે તેઓ પાસે એકે સાધન ના હતું,
બચાવ કરવા માટે માર્ગ એકેય ના હતો.
આ વશે રાખતી 'તી એ, ન કશુંયે બહાર બતલાવતી :
હજુએ એ હતી બાલા જેને તે પ્રીછતા હતા
અને પ્રેમ જેની ઉપર રાખતા;
ભીતરે જે હતી શોકગ્રસ્ત નારી તેને જોતા હતા ન તે;
એની લાવણ્યથી પૂર્ણ
ગતિઓમાં ફેરફાર દેખાતો ન હતો કશો :
સૌ જેને સેવવા સ્પર્ધા કરતા તે
એકવારતણી આરાધિકા રાણી
હવે તો સર્વની સેવા કરનારી દાસી પોતે બની હતી,
ઝાડુએ ને ઘડે, કૂવે, કામથી એ જાતને ન બચાવતી,
કે શશ્રુષા અને સેવા સ્નિગ્ધ પાસે રહી એ કરતી હતી,
વેદિના ને રસોડાના અગ્નિ એ ઈંધતી હતી,
બળ જે અબળા કેરું કરવા છે સમર્થ તે
કશુંયે અન્યને માટે લેશે એ રાખતી ન 'તી.
એનાં સકળ કાર્યોમાં અનોખી એક દિવ્યતા
પ્રકાશી ઊઠતી હતી :
હિલચાલમહીં સૌથી સાદી એક આણી એ શકતી હતી
એકતા પૃથિવી કેરા કાંત કંચુક સાથની,
સાધરણ ક્રિયાઓને પ્રેમ દ્વારા ઊર્ધ્વગામી બનાવતી.
સર્વ-પ્રેમ હતો એનો અને એના એક સ્વર્ગીય રશ્મિથી
સુવર્ણ-ગ્રંથિને સ્થાને રહી પોતે
સૌને સૌને સાથે એ બાંધતી હતી.
કિન્તુ જયારે શોક એનો
આવ્યો જોર કરી છેક સપાટીની સમીપમાં
ત્યારે આ વસ્તુઓ સવે--એકદા જે પોતાની સંમુદાતણો
અનુબંધ બની 'તી ચારુતા ભર્યો--
એને લાગી અર્થહીન, ચમકંતા બાહ્યના કોચલા સમી,
કે યાંત્રિક અને ખાલી નિત્યના ક્રમના સમી,
કાયાનાં કાર્ય, ના જેમાં હતો લેતો ભાગ સંકલ્પ એહનો.
વિચિત્રા ને વિભકતા આ જિંદગી પૂઠળે સદા
આત્મા એનો જીવમાન અગ્નિના સિંધુના સમો
સ્વ-પ્રેમી પર સ્વામિત્વ હતો દાખવતો અને
વળગેલો રહેતો 'તો પ્રેમી કેરા શરીરને,
બાંધી આશ્લેષમાં લેતો પતિને ખતરે પડયા.
ધીરી નીરવ હોરાઓમહીં સારી રાત એ જાગતી હતી,
સત્યવાન હૈયા કેરા ને મુખડાતણા
ખજાનાના વિચારે લીનતા ધરી,
એના શિરતણા નિદ્રાબદ્ધ સૌન્દર્યની પરે
વ્હાલથી ઝૂકતી હતી
કે તપ્ત ગાલ પોતાનો મૂકી દેતી એના ચરણની પરે.
સવારે ઊઠતાં એના અધરો શું
એના લાગી રહેતા 'તા અધરો ને અંત એનો ન આવતો,
ન કદીય વિયોજાવા ઈચ્છા એ રાખતા હતા,
ચ્હાતા ન 'તા વિલંબાતા હર્ષ કેરી
મધમીઠી એ નાલીને ગુમાવવા,
એના શરીરને છાતીથકી આધું કરવા માગતા 'ન' તા,
સ્નેહોષ્માએ ભરી, પર્યાપ્ત ના એવી
આ સંજ્ઞાઓ પડે લેવી પ્રેમને ઉપયોગમાં.
કાલ-દારિધ્રની પ્રત્યે અસહિષ્ણુતા એનો આવેશ ભાવનો
ભાગતી ઘટિકાઓને પકડી રાખવા જતો,
એક દિવસમાં ખર્ચ શતકોનો કરવા માગતો હતો,
મુક્ત હસ્તે પ્રેમને ને પરમાનંદ-ઊર્મિને
માગતો 'તો ઉડાડવા;
અથવા મર્ત્ય કાલેયે એ પ્રયત્ન કરી કરી
પ્રગાઢ ઐકય દ્વારા બે માનવી જીવનોતણા,
અકાલતાતણે અર્થે ક્ક્ષા નાની બાંધવા માગતી હતી,
સત્યવાનના આત્મામહીં જેમાં આત્મા એકાંત એહનો
હોય પૂરી રખાયલો.
બધું હોય અપાયેલું તે છતાંયે માગ્યા એ કરતી હતી,
એના નિબીડ આશ્લેષથકી તૃપ્તિ ન પામતી,
પોકારી ઊઠવા આ એ ઝંખના રાખતી હતી,
" સુકોમલસ્વભાવી હે સત્યવાન ! ઓ પ્રેમી મુજ આત્મના !
આપ પ્રેમ, આપ પ્રેમ, વધારે પ્રેમ આપ તું,
જ્યાં સુધી તું શકે આપી આપ પ્રેમ આ તારા પ્રેમપાત્રને.
સંદેશ મુજ હૈયાનો પુલકાવી તારી પ્રત્યે લઈ જતી
નસેનસ પરે તારી જાતને તું આંકી દે રાખવા તહીં.
કેમ કે પડશું છૂટાં આપણે અલ્પ કાળમાં,
ને તેયે કેટલા લાંબા કાળ માટે, છે તેની જાણ કોણને ?
પ્રચંડ ચક્ર પોતાના રાક્ષસી ચકરાવમાં
ક્યારે આપણને ભેગાં કરશે ને પ્રેમ પાછો પમાડશે,
છે તેની જાણ કોણને ? "
એટલો તો બધો એને ચ્હાતી 'તી કે વિધિનું વેણ ઊચરી
એના સુખી શિરે ભાર પોતાનો એ લાદવા માગતી ન 'તી;
ઊછળી આવતો શોક પોતાનો એ પાછો હૈયે દબાવતી
ચુપચાપ રહેવા ત્યાં વિના સાહાય્ય એકલો.
પણ કોઈ કોઈ વાર સત્યવાન અર્ધું પામી જતો હતો,
યા આપણા વિચારોએ અંધ હૈયાં કેરા સંદિગ્ધ ઉત્તરે
અનુચ્ચારિત લેતો 'તો કૈં નહીં તો લહી એની જરૂરને,
અગાધ ગર્ત ઊંડેરી એની ભાવોદ્રકપૂર્ણ કમીતણો.
ઝડપે નિજ જાનારા દિવસોમાંહ્યથી બધો
જે સમો એ બચાવી શકતો હતો,--
લાકડાં કાપવા કેરા કામમાંથી અરણ્યમાં.
કે અરણ્યતણી વાટે ભોજયની શોધમાંહ્યથી,
કે સેવામાંહ્યથી અંધ જિંદગાની જીવતા નિજ તાતની,
સાવિત્રી કાજ તે સર્વ સમો એ રાખતો હતો,
સાન્નિધ્ય ને સમાશ્લેશ હતો એને સમર્પતો,
હૃદયંગમ વાણીના ઉપહાર આપતો મૃદુતા ભર્યા,
ને હૈયા પર હૈયાના ધબકારા ગાઢ એને સમર્પતો.
તલહીન હતી જેહ સાવિત્રીની જરૂરત
તેને માટે બધુંયે આ ઓછું જ પડતું હતું.
જો એની હાજરીમાં એ જરા વાર શોકને વીસરી જતી
તોયે એ હોય ના ત્યારે દુઃખસ્પર્શે એ ભરી નાખતો હતો
એકાકી પ્રતિહોરામાં પ્રતિબિંબન પામતું
આગામી દિવસો કેરું રણ એ દેખતી હતી.
જોકે એ છટકી જાવા માટેના મૃત્યુ-દ્વારના
દ્વારા આગ્નેય ઐકયની
નકામી કલ્પનાજન્ય માણતી 'તી મહામુદા
ચિતા-જવાળે સજાયેલું કલ્પી નિજ શરીરને,
છતાં એ જાણતી 'તી કે એની સાથે મરી જઈ
અને અનુસરી એને જામો એનો ઝાલીને નિજ હાથમાં,
આપણા અન્ય દેશોના સુખિયા સફારી બની
મીઠા કે ભય પ્રેરંતા પ્રદેશોમાંહ્ય પારના
પોતે જવું ન જોઈએ.
કેમ કે શોકથી ગ્રસ્ત એ માબાપ માટે એની હજી અહીં
જરૂરિયાત રે'વાની રિક્ત રે'તા આયખામાં સહાયની.
બહુશ: લાગતું એને કે વ્યથા સૌ યુગોતણી
એકમાત્ર દુખે એના બની સાર ભરાઈ 'તી દબાઈને,
એકાગ્રતા હતી પામી સૃષ્ટિ એક એની મધ્યે રિબાયલી.
આમ એ નિજ આત્માના એક નીરવ ઓરડે
ગુપ્ત શોકતણી સાથે રહેવાને પૂરીને નિજ પ્રેમને
મૂગી પૂજારિણી પેઠે રહેતી 'તી છુપાં દૈવત સાથમાં,
સંતોષાતાં ન 'તાં જેઓ
એના આયુતણા શબ્દ વિનાના અર્ધ્ય-અર્પણે,
જેમને કાજ એ ધૂપ-સ્થાને શોક હતી નિજ સમર્પતિ,
વેદી બની હતી એની જિંદગી ને બલિદાન હતી સ્વયં.
છતાંય હરહંમેશ સત્યવાન
ને સાવિત્રી વર્ધમાન થતાં અન્યોન્યમાં હતાં,
એવાં કે એમને છૂટાં પાડવા કો શક્તિ શકત ન લાગતી,
કેમ કે દેહ કેરીએ દીવાલો ભેદ પાડવા
અસમર્થ બની હતી.
સત્યવાન વને જયારે હતો અટંત તે સમે
સાવિત્રીનો સચેતાત્મા ઘણીવાર સાથમાં ચાલતો હતો,
ને જાણે એ સંચરંતો સાવિત્રીમાં જ હોય ના
તેમ તેની ક્રિયાઓને સાવિત્રી જાણતી હતી;
ઓછો સભાન એ રોમહર્ષ લ્હેતો
સાવિત્રીની જેમ દૂર હતો છતાં.
સાવિત્રીના પ્રેમરાગાનુરાગનું
પ્રમાણ હરહંમેશ વધતું જ જતું હતું;
શોક ને ભય ખોરાક બનતા 'તા મહાબલિષ્ઠ પ્રેમનો.
નિજ તીવ્ર વ્યથાથી એ વધતો ને ભરી દેતો જગત્ બધું,
હતો જીવન-સર્વસ્વ સાવિત્રીનું બનેલ એ,
એની અખિલ પૃથ્વી ને હતો અખિલ સ્વર્ગ એ.
જીવને જન્મ પામેલો, હોરાઓનું હતો એ બાલ, તે છતાં
હણ્યા નથી જતા એવા દેવો શો એ હતો અમર ચાલતો :
દિવ્ય બળે ભર્યો એનો આત્મા અસીમ વિસ્તરી
લેતો એરણનું રૂપ ઝીલવા ઘા કાળના ને નસીબના :
કે થાકીને શોક કેરા રાગાવેગી વિલાસથી
શોકાત્મા બનતો શાંત, મંદનેત્ર અને નિશ્ચલનિશ્ચયી,
નિજ જોશભરી ઝૂઝે વાટ જોતો કો એક પરિણામની,
કો એક કર્મની, જેમાં સદા માટે પોતે જાય શમી સ્વયં,
જીતી લે જાત, જીતી લે મૃત્યુને ને જીતી લે નયનાશ્રુઓ.
પલટાની કિનારીએ હવે વરસ થંભિયું.
જંગી પાંખો પરે વ્યોમે વાતા ઝંઝાવાતો સૌ વિરમી ગયા,
ને રોષે ભર વિક્રાંત ગર્જનો ના જગ આક્રામતાં હવે,
ને હજી સંભળાતી 'તી ગગને જપ-જલ્પના,
ને વિષાદી વાયુ-વાટે ટીપે ટીપે શ્રાંત વર્ષા થતી હતી,
ઢાંકતા 'તા ધરિત્રીને ધીરે ધીરે પ્લવતા ઘન ઘૂસરા.
આમ એના શોક કેરું ભારે આભ ઢાંકતું ઉર એહનું.
પૃષ્ઠ ભાગે હતો શાંત આત્મા છૂપો,
એ પરંતુ જ્યોતિ ના આપતો હતો :
વિસ્મૃત શિખરોએથી કો અવાજ ઊતરી આવતો ન 'તો;
માત્ર એકાંતમાં એના ચિંતાએ વ્યાપ્ત દુઃખના,
દેહના દૈવની સાથે બોલતું 'તું હૈયું માનવ એહનું.
ચૈત્ય પુરૂષની પ્રાપ્તિ માટેના
આત્માનુસંધાનનું ઉદાહરણ
સત્યવાનના આયુષ્યનું વરસ પૂરું થવાની અણી ઉપર આવી ઊભું છે. સાવિત્રીની આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ છે. છેક સમીપ આવી પહોંચેલા સત્યાનાશની દિશામાં દૃષ્ટિ રાખીને એ બેઠી છે.
એવે એની ચેતનસત્-તાના શિખર ઉપરથી એક અવાજ આવ્યો. કાળની ગતિનું એને જ્ઞાન હતું, શાશ્વત નિર્માણના અવિકારી દૃશ્યક્ષેત્રને એની દૃષ્ટિ જોતી હતી. એના સ્પર્શના અનુભવ સાથે સાવિત્રી એક સોનેરી પૂતળી જેવી સ્થિર બની ગઈ.સ્તબ્ધ બનેલું એનું હૃદય ને વિચારરહિત બનેલું એનું મન એ અવાજને સાંભળવા લાગ્યાં :
" ઓ અમર શક્તિ ! શું તું કાળની વેદી આગળ બાંધેલું બલિદાનનું પશુ બનવાને આ મર્ત્ય લોકમાં આવી છે ? નિઃસહાય હૃદયમાં શોકને પોષવા માટે શું તારું આગમન થયું છે ? કઠોર સૂકી આંખ સાથે તું ઊઠ, કાળનો ને મૃત્યુનો પરાજય કર."
સાવિત્રીએ જવાબ આપ્યો : " મારું બળ લઈ લેવામાં આવ્યું છે ને તે મૃત્યુને અપાયું છે. ઉદ્ધારક જ્યોતિનો ઉપહાસ કરતી અજ્ઞાનવશ માનવજાતિના ઉદ્ધારની આશા હું શા માટે સેવું ? અમારો પોકાર સાંભળી હાલી ઊઠે એવો શું કોઈ ઈશ્વર છે ? એણે તો નિષ્ઠુર નિર્માણના, અચેતનતાના અને મૃત્યુના હાથમાં અમને સૌને સોંપી દીધાં છે. મારે માટે તો હવે એક જ માર્ગ રહેલો છે, મારા પ્રેમીની પાછળ પળવું, ને એ જ્યાં જાય ત્યાં એનું અનુસરણ કરવું, અને સર્વ કાંઈ વિસારી એ જ્યાં હોય ત્યાં એના આશ્લેષમાં નિત્યનિલીન રહેવું. "
અવાજે ઉત્તર આપ્યો : " શું આટલું જ તારે માટે પૂરતું છે ? તું તો ઊર્ધ્વનો આદેશ લઈને આવેલી છે, ને તારું કામ અધૂરું રહી ગયું છે એવું તારા જાગેલા જીવને
જયારે જણાશે ત્યારે તે શું કહેશે ? દેવોનાં પગલાંઓનું અનુસરણ કરનાર તું જૂના-પુરાણા ધૂળિયા ધારાઓને બદલાયા વગરના એવા ને એવા જ રહેવા દેશે ? કોઈ નવો શબ્દ, કોઈ નવો પ્રકાશ પૃથ્વી ઉપર નહિ ઉતારે ? મનુષ્યનો આત્મા ઉદ્ધાર પામ્યા વિના શું એવો ને એવો જ પામર આ પૃથ્વીની અચેતનતામાં રહેશે ? ભાગ્યનાં ભવ્ય દ્વાર ઉઘાડવા માટે તારું આવાગમન થયેલું છે, અનંતને ધામે લઈ જતા સોનેરી માર્ગે મનુષ્યને દોરી જવા માટે તારાં પગલાં પૃથ્વી પર મંડાયાં છે. તો શું મારે હવે શરમથી નીચું મોં રાખીને આ રિપોર્ટ આપવાનો છે કે સાવિત્રીના શરીરમાં જગાડેલી તારી શક્તિ નિષ્ફળ નીવડી છે ને તારું કામ પાર પાડયા વગર પાછી ફરે છે ? "
સાવિત્રી ચૂપ થઈ ગઈ. પછી મર્ત્ય અજ્ઞાનના મહાસાગરોને તરી જઈને એની અંદરની દૈવી શક્તિ બોલી :
" હું તારો અંશ છું ને તારું કાર્ય સાધવા માટે અહીં આવેલી છું. આજ્ઞા આપ. હું તારો સંકલ્પ પાર પાડીશ. "
અવાજ ઓચર્યો : " તું અ લોકમાં શાને માટે આવી છે તેનું સ્મરણ કર, તારી અંદરના તારા ચૈત્યપુરુષને શોધી કાઢ, મૌનાવસ્થામાં પ્રવેશી પ્રભુનો પરમોદ્દેશ તારાં ઊંડાણોમાં શોધ, મર્ત્ય સ્વભાવને દિવ્ય રૂપાંતર પમાડ, પ્રભુનાં બારણાં ઉઘાડ, એના સમાધિમંદિરમાં પ્રવેશ કર. વિચાર વેગળો મૂક, મસ્તિષ્ક નિઃસ્પંદ બનાવી પરમાત્માનું વિરાટ સત્ય જગાડ,જાણઅને જો. સનાતનને તું જગતમાં જોશે, ને જગતની પ્રત્યેક પ્રવૃત્તિમાં તને ભેટો થશે. હૃદયના ધબકારાઓ ઉપર જય મેળવ, તારા હૃદયને પ્રભુમાં ધબકારા લેતું બનાવી દે. આવું થશે ત્યારે તું મારા સામર્થ્થનું ધામ બની જશે અને મૃત્યુ ઉપર વિજય મેળવશે."
પછી સાવિત્રી દુર્દેવવશ પોતાન પતિ પાસે બેઠી. કાળી રાત્રિ ગાજવીજ ને વરસાદના વાતાવરણથી ભરપૂર હતી. સાક્ષી સ્વરૂપે સ્થિત સાવિત્રી ત્યાં અંતરમાં પોતાના ચૈત્યપુરુષની ખોજમાં મગ્ન થઇ ગઈ.
એક સ્વપ્નદર્શન દ્વારા વિશ્વનો ભૂતકાળ એને પ્રત્યક્ષ થયો. ગુહાનિહિત બીજ ને નિગૂઢ મૂળ, વિશ્વના નિર્માણનો છાયા-છાયો આરંભ એને દેખાયો. કેવી રીતે અરૂપ અને અનિશ્ચેય આત્મામાં સૃષ્ટિએ પાપા પગલી કરી, દેહનો આકાર ચૈત્યનું ધામ બન્યો, જડતત્વ વિચાર કરતું બન્યું, ને વ્યક્તિનો વિકાસ થયો, અચિત્-માંથી ઉત્ક્રાંતિ સધાતાં કેવી રીતે માનવનો આવિર્ભાવ થયો, અને એણે ભયપૂર્ણ અદભુત લીલા ધરતી ઉપર ક્ષણભંગુર દેહમાં જીવન ટકાવી રાખવાની આશા સેવી, પોતાના નાશવંત નિલયમાં દેવસ્વરૂપને દીઠું, નીલ ગગનોના અસીમ વિસ્તારો નિહાળ્યા, ને અમૃતત્વનાં સ્વપ્નાં નિષેવવા માંડયાં, એ સર્વ સાવિત્રીએ જોયું.
અચિત્ જગતમાં સચિત્ ચૈત્યપુરુષ આપણા વિચારોની, આશાઓની અને સ્વપ્નાંની પૂઠે છુપાયેલો છે. માનવ મનને એ પોતાનો રાજપ્રતિનિધિ બનાવે છે ને પોતે કાળના કઠપૂતળા જેવો બની જાય છે. આ મન છે અત્યંત ચંચળ; ચુપકી
જેવું એ કશું જાણતું નથી. ઘણા ઘણા અનુભવો કરતું એ સ્વપ્ન, જાગ્રત ને સુષુપ્તિની અવસ્થાઓ પસાર કરી ઉપરના તેમ જ છેક નીચેના પ્રદેશોમાં વિહરવા નીકળી પડે છે. સ્વર્ગ સાથે એનો સંબંધ બંધાય છે ને નરક સાથે પણ એનો નાતો હોય છે. ક્ષુદ્રમાં એ ખદબદે છે ને વિરાટમાં એ વિચરે છે.
આમ મનુષ્ય પોતાના પાર્થિવ જીવનમાં પ્રભુનાં સપનાંને સજીવ બનાવતો રહે છે. પરંતુ જીવનના ક્ષેત્રમાં બધું જ આવેલું હોય છે. પ્રભુનો વિરોધ કરનારી કાળી શક્તિઓ પણ ત્યાં પ્રવૃત્ત થાય છે. માણસ અસુર, રાક્ષસ, પિશાચ, ભૂત, જીન વગેરે સર્વેને પોતાના અસ્તિત્વમાં સ્થાન આપે છે, અને નીચેના અવચેતનમાં રહેલાં એ જયારે ઊછાળીને ઉપર આવે છે ત્યારે તે મોટું ઘમસાણ મચાવી મૂકે છે. છેક સ્વર્ગલોક પર્યંત એમનો પ્રભાવ પ્રવર્તે છે ને પૃથ્વીને તો તેઓ જીવનું નરક બનાવી દે છે. આમ હોવા છતાંય એક રક્ષક શક્તિ છે, પરિત્રાણ કરતા હસ્ત છે, દિવ્ય નયનો માનવ ક્ષેત્રને જોતાં રહે છે.
વિશ્વની બધીય શક્યતાઓ માણસમાં મોજૂદ છે. એનો ભૂતકાળ એનામાં હજુય જીવે છે ને એને ભાવી પ્રત્યે હંકારતો રહે છે. એનાં અત્યારનાં કર્મ એના અગામી ભાગ્યનું નિર્માણ કરે છે. માણસના જીવનમંદિરમાં અણજન્મેલા દેવો છુપાઈ રહેલા છે.
મનુષ્યનું મન મનુષ્યની આસપાસ પોતાનું એક જગત રચે છે. થઈ ગયેલું સર્વ એનામાં ફરી પાછો જન્મ લે છે. શક્ય છે તે બધું જ એના આત્મામાં રૂપબદ્ધ સ્થિતિમાં રહેલું હોય છે. આપણાં જીવનોમાં દેવોના ગુપ્ત ઉદ્દેશો સધાય છે, પરંતુ એ ઉદ્દેશો માણસની તર્કબુદ્ધિ માટે જાણે અંધારામાં રહેલા છે, દૂર સુદૂરના સંકલ્પનો આદેશ કે નિરંકુશ દૈવયોગ નિશ્ચિત થયેલે સ્થળે ને સમયે સિદ્ધ થાય છે.
અવચેતનના અંધકારમાં આપણો ભૂતકાળ ભરાઈ રહેલો છે, પડદા પાછળનું એક વિરાટ અસ્તિત્વ મનુષ્યનો અમિત અંશ છે. ભૂતકાળ ભવિષ્યના પગ પકડી રાખે છે. જે નિગૂઢ છે તે માણસની વિધવિધ અવસ્થાઓમાં વિધવિધ પ્રકારે પ્રકટ થાય છે. એકવાર જે હતું તે કદીય પૂરેપૂરી રીતે મરી જતું નથી. આપણી ઉપર પરચૈતન્ય છે, આસપાસ જબરજસ્ત અજ્ઞાન છે ને નિમ્નમાં અંધકારગ્રસ્ત અરવ અચિત્ ઊંઘી રહેલું છે.
પણ આ તો જડ દ્રવ્ય પ્રત્યેની પ્રથમ દૃષ્ટિ થઈ. આપણે પોતે કે આપણું અખિલ જગત માત્ર આ નથી. ઊર્ધ્વમાં આપણું બૃહત્તર બ્રહ્યસ્વરૂપ આપણી વાટ જોઈ રહ્યું છે. એ છે અનંત સત્ય. એણે બ્રહ્યાંડ સર્જ્યું છે, અંધ પ્રકૃતિની અચિત્ શક્તિએ નહીં. એ પરમ સત્ય નીચે ઊતરી આવશે ને પૃથ્વીના જીવનને દિવ્ય બનાવશે. પ્રભુના સાન્નિધ્યમાં રહેતો આપણો ઊર્ધ્વસ્થ આત્મા છે અજર ને અમર. આપણે મૃત્યુથી મુક્ત થઈએ, કાળમાંથી અવસ્થાન કરીએ, અમૃતધામના નિવાસી બનીએ, પરમાત્માના પ્રકાશમાં ને પરમાનંદમાં શ્વાસો-
ચ્છવાસ લેવા માંડીએ, એવું એનું આહવાન છે.
જડતત્વમાં ગુપ્ત રહેલા ચેતનનો ક્રમવિકાસ સધાતાં સધાતાં એ મનુષ્યની કોટીએ પહોંચ્યું છે. માણસમાં મન સુધીનો વિકાસ થયો છે, પણ મનથીયે ક્યાંય અદભુત અતિમનસ મહિમાનો વિકાસ હજુ વાટ જોઈ રહ્યો છે. માનવ એની પ્રત્યે ગતિમાન બની ચૂક્યો છે. એના અભીપ્સુ આત્માએ અધ્યાત્મસૂર્યની ઉપર દૃષ્ટિ કરી છે, એને અમૃતત્વની ઝાંખી થઈ છે ને એ જીવનમાં પ્રભુને જીવંત બનાવવાની ઝંખના રાખી રહ્યો છે.
મહામાતાનો એક અંશ સાવિત્રીમાં ઊતરી આવ્યો હતો ને એણે એને પોતાનું માનવ ધામ બનાવી હતી. સાવિત્રી માનવજાતિને પ્રભુની પ્રતિમૂર્ત્તિ બનાવવા, પૃથ્વીને સ્વર્ગોપમ બનાવી દેવા યા તો પૃથ્વીની મર્ત્યતામાં ઉતારી લાવવા માટે અવતારી હતી. પરંતુ આ દિવ્ય કાર્ય સિદ્ધ કરવા માટે પ્રથમ માનવહૃદયની ગૂઢ ગુહામાં રહેલો ચૈત્યપુરુષ બાહ્ય સ્વભાવનાં અવગુંઠન દૂર કરી પ્રકૃતિમાં પ્રકટ થાય એ આવશ્યક હતું. એણે રાજા બનવાનું છે--સારાયે સ્વભાવના ને તેના એકેએક ભાગ વિભાગના. માણસના વિચારો ઉપર એણે અમલ ચલાવવાનો છે, દેહને ને પ્રાણને પોતાનાથી પરિપૂર્ણ ભરી દેવાના છે.
આ પરમોચ્ચ આદેશને આધીન થઈને સાવિત્રી બેઠી. કાળ, જીવન ને મૃત્યુ માત્ર પસાર થઈ જાનારા પ્રસંગો છે ને તે પોતાની ક્ષણિક દૃષ્ટિથી દૈવી દૃષ્ટિને આચ્છાદિત કરે છે. દૈવી દૃષ્ટિનું દિવ્ય કાર્ય છે મર્ત્ય માનવમાં બંદી બનેલા દેવને મુક્ત બનાવવાનું, ને હજીય જે જીવનમાં મોટું સ્થાન લઈ બેઠેલા છે તે અજ્ઞાનના સ્વભાવને આઘો કરીને અંતરાત્માને શોધી કાઢવાનું ને તેને જીવનનો અધિરાજ બનાવવાનું.
સાવિત્રી આ ચૈત્યાત્માને ઢાંકી રાખનારાં આવરણો દૂર કરવા લાગી.
નિર્નિદ્ર રાત્રિમાં જેવી બેસતી 'તી સાવિત્રી જાગતી રહી
ભારે પગે જતી ધીરી નીરવ ઘડીઓમહીં,
હૈયાના શોકનો ભાર હૈયામાંહે દબાવતી,
કાળના મૂક સંચાર પ્રત્યે આંખ તાકતી નિજ રાખતી
ને સદા-સરતા પાસે ભાગ્ય કેરી ઉપરે મીટ માંડતી,
તેવું એના આત્મ કેરાં શિખરોથી હતું આહવાન આવતું,
અવાજ આવતો, સાદ આવતો જે
રાત્રિ કેરી મુદ્રાઓ તોડતો હતો.
જ્યાં સંકલ્પ અને જ્ઞાન કેરું મિલન થાય છે
તે ભ્રૂ ભાગતણી ઉપરની દિશે
આક્રાંત કરતો આવ્યો મર્ત્યોના અવકાશને
સ્વર એક મહાબલી.
જોકે અગમ્ય ઊંચાણો પરથી એ આવતો લાગતો હતો
છતાંયે અંતરંગી એ હતો વિશ્વસમસ્તનો
ને કાળનાં પદો કેરો અર્થ એ જાણતો હતો,
ને વૈશ્વ દૃષ્ટિનો દૂર આલોક ભરનાર જે
નિત્ય નિર્માણનું દૃશ્ય અવિકારી હતું તે અવલોકતો.
જેવો એ સ્વર સ્પર્શ્યો કે દેહ એનો બની ગયો
સાવ સ્તંભિત સોનેરી પ્રતિમા શો લય-નિશ્ચલતાતણી,
ઉપલ પ્રભુનો જેને ચૈત્ય નીલ-જામલી અજવાળતો.
બધું સ્થિર બન્યું એના દેહ કેરા સ્થૈર્યની આસપાસમાં :
હૈયું એનું મંદ તાલબદ્ધ સ્વીય ધબકો સુણતું હતું,
કરી વિચારનો ત્યાગ મન એનું સુણી ચૂપ બની ગયું :
"જો નિઃસહાય હૈયામાં શોકને પોષવો હતો,
કે કઠોર અને શુષ્ક નેત્રે સર્વનાશ ઉદબોધતો હતો
તો હે આત્મા ! અને અમર શક્તિ હે !
અજ્ઞાન જિંદગીમાં આ ઉદાસીન નભો તળે
કાળની વેદીએ બાંધ્યું બનવા બલિદાન તું
આવી કેમ મૃત્યુબદ્ધ મૂક આ પૃથિવી પરે ?
ઉથ આત્મા ! કાળને ને મૃત્યુને જીત, ઊઠ હે ! "
પરંતુ ધૂંધળી રાતમહીં હૈયું
સાવિત્રીનું બોલ્યું ઉત્તર આપતાં :
" મારું બળ હરાઈને મૃત્યુને છે અપાયલું,
બંધ સ્વર્ગો ભણી મારા હાથ ઊંચા હું કયે કારણે કરું,
કે ઝૂઝું દૈવની સામે છે જે મૂક અને છે અનિવાર્ય જે,
કે જે બાઝી રહેલી છે પોતાના ભાગધેયને
ને મજાક કરે છે જે સમુદ્ધારક જ્યોતિની,
ને જુએ મનમાં એકમાત્ર મંદિર જ્ઞાનનું,
કર્કશ શિખરે એના અને એની અચિત્ આધાર-ભિત્તિમાં
સુરક્ષાનો જુએ શૈલ ને લંગર સુષુપ્તિનું
તે અજ્ઞાની જાતિ કેરો ઉદ્ધાર કરવાતણી
અમથી આશ શેં કરું ?
છે એવો ઈશ કો જેને એકે સાદ સંચાલિત કરી શકે ?
એ તો નિરાંતનો બેસી રહે છે નિજ શાંતિમાં,
ને એના સ્થિર ને સર્વશક્તિમાન વિધાનની
ને અચિત્ ને મૃત્યુ કેરા સર્વસમર્થ હસ્તતી
વિરુદ્ધ છોડતો એહ નિઃસહાય બળ મર્ત્ય મનુષ્યનું.
કાળી ફંદાભરી જળ ને નિરાનંદ બારણું
ટાળવાથી શી જુર છે મને ને છે વળી સત્યવાનને,
કે જીવનતણા બંધ ઓરડામાં બલિષ્ઠતર જ્યોતિને,
પામર માનવી લોકે વિશાળતર ધર્મને
આવાહી લાવવાની શી જરૂર છે ?
નમતું આપતા ના જે નિયમો પૃથિવીતણા,
અનિવાર્ય ઘડી યા તો મૃત્યુ કેરી,--
તેમને ટાળવા માટે શા માટે અમથી મથું ?
મારા પ્રારબ્ધની સાથે આ આચાર
મારે માટે અવશ્ય સર્વશ્રેષ્ઠ છે,
કે હું અનુસરું મારા પ્રેમીનાં પગલાંતણી
બની નિકટવર્તિની,
ને રાત્રિમાં થઈ સંધ્યામાંથી હું જઉં સૂર્યમાં,
પૃથ્વી ને સ્વર્ગ છે જેઓ પલ્લીઓ પાસપાસની
તેમની વચમાં વ્હેતી કાળી સરિતને તરી.
પછી હૈયે લઈ હૈયું આશ્લેષે ઢાળીએ અમે,
ન વિચાર વડે ક્ષુબ્ધ, ને ન ક્ષુબ્ધ અમારાં હૃદયો વડે,
મનુષ્ય, જિંદગી, કાળ અને એની ઘડીઓ સર્વ વીસરી,
શાશ્વતીનો સાદ ભૂલી, ને ભૂલી ભગવાનને."
સ્વરે ઉત્તર આપ્યો, " ઓ આત્મા ! છે શું પૂરતું આટલું જ આ ?
ને જયારે જાગશે તારો જીવ ને જવ જાણશે
કે જેને કાજ આવ્યો ' તો એ તે કાર્ય અસમાપ્ત જ છે રહ્યું
ત્યારે એ શું કહેવાનો ?
કે શાશ્વતીતણો એક લઈ આદેશ ભૂ પરે
આવેલા તુજ આત્માને માટે શું આ સમસ્ત છે ?
વર્ષો કેરા સાદોનો સુણનાર એ,
અનુયાયી દેવોનાં પગલાંતણો,
થઈ પસાર જાશે ને છોડી દેશે જૂના નિયમ ધૂળિયા
એમને બદલ્યા વિના ?
સારણીઓ નવી, શબ્દ નવો કો શું અસ્તિમાં આવશે નહીં ?
પૃથ્વી પર નહીં આવે નમી કોઈ મહત્તર પ્રકાશ શું ?
અને એ કરશે મુક્ત નહીં એને એની અચેતતાથકી ?
પરિવર્તન ના પામે એવા પ્રારબ્ધયોગથી
બચાવી શું નહીં લે એ જીવને માનવીતણા ?
શું તું આવી નથી દ્વારો ભાગ્ય કેરાં ઉઘડવા,--
લોહ-દ્વારો હમેશાં જે બંધ જેવાં જ લાગતાં,--
ને સાન્ત વસ્તુઓ મધ્ય થઈ શાશ્વતમાં જતા
સત્ય કેરા વિશાળા ને સ્વર્ણ માર્ગે દોરી માનવને જવા ?
સનાતનતણા રાજસિંહાસન સમીપ તો
લજ્જાવનત મસ્તકે
શું મારે કરવાનું છે જઈને આ નિવેદન,
કે છે નિષ્ફળતા પામી શક્તિ એની
જે તારા દેહમાં એણે પ્રદીપિત કરેલ છે,
કર્યા વિના અપાયેલું કાર્ય પાછી ફરે છે શ્રમસેવિકા ? "
બની મૂક ગયું હૈયું સાવિત્રીનું સુણી તદા,
શબ્દે એ ઊચર્યું નહીં.
વ્યગ્ર ને બળવાખોર હૈયું એનું કિંતુ અંકુશમાં લઈ,
ટટાર સહસા, શાંત શૈલ શી બલપૂર્ણ એ
મર્ત્ય અજ્ઞાનના પાર પારાવાર કરી દઈ,
મન કેરી હવા પાર ઊર્ધ્વે જેનું શૃંગ છે અવિકાર્ય , તે
શક્તિ એની મહીં જેહ હતી તેહ બોલી ઉત્તર આપતાં
નિઃસ્પંદિત અવાજને :
" છું અહીં અંશ હું તારો, કાર્ય તારું છે સોંપાયેલ જેહને,
ઊર્ધ્વે નિત્ય વિરાજંતુ તું જે મારું સ્વરૂપ તે
સંબોધે મુજ ઊંડાણો, હે મહાન અને અમર સૂર હે !
આદેશ આપ, કાં કે હું ઈચ્છા તારી પાડવા પાર છું અહીં."
" આવી છે કેમ તું તેને કર યાદ," સૂર ઉત્તરોમાં વધો,
:" ચૈત્ય સ્વરૂપ તારું તું શોધી કાઢ,
પુનઃપ્રાપ્ત ગુપ્તાત્મા નિજ તું કર,
ઊંડાણોમાંહ્ય તારાં તું શોધ મૌને તાત્પર્ય પરમાત્મનું,
પછી દિવ્ય બનાવી દે મર્ત્ય એવા સ્વભાવને.
ઉઘાડ પ્રભુનું દ્વાર, ને પ્રવેશ પ્રભુ કેરી સમાધિમાં.
વેગળો કર તારાથી વિચારને
જ્યોતિની નકલો જેહ કરે ચપળ વાંદરો :
પ્રભુ કેરી બેશુમાર ચૂપકીમાં
તારા મસ્તિષ્કને સાવ સ્પંદહીન બનાવ તું,
વિરાટ વિભુનું સત્ય પ્રબુદ્ધ કર અંતરે,
જ્ઞાનવાન બની જા તું, બની જા દૃષ્ટિમાન તું.
આત્માની દૃષ્ટિએ તારી ઢાંકી દેતી
અળગી કર તારથી ઇન્દ્રિયજ્ઞાનલીનતા :
તારા મનતણી મોટી રિક્તતામાં
સનાતનતણું જોશે વપુ તું વિશ્વની મહીં,
સુણાતા તુજ આત્માથી પ્રત્યેક સ્વરની મહીં
એને તું એક જાણશે :
સ્પર્શોના સૃષ્ટિના ભેટો તને એક એના સ્પર્શતણો થશે;
લપેટી તુજને લેશે વસ્તુઓ સૌ એના આશ્લેષની મહીં.
જીતી લે તુજ હૈયાના ધબકારા,
દે તું ધબકવા તારા હૈયાને પરમાત્મમાં:
પ્રભુનાં કાર્ય માટેનું યંત્ર તારો સ્વભાવ બનશે,અને
તારો સ્વર બની જાશે ધામ એના શબ્દ કેરા મહૌજનું :
ત્યારે નિવાસ તું મારી શક્તિ કેરો બની જશે
અને મૃત્યુ-માથે તું વિજયી થશે."
સાવિત્રી તે પછી બેઠી
દૈવ-દંડયા સ્વામી કેરી સમીપમાં,
હજી સ્તંભિત પોતાના સ્વર્ણવર્ણ અંગવિન્યાસની મહીં
આંતર સૂર્યના અગ્નિતણી એક પ્રતિમારૂપ લાગતી.
કાળી રાત્રિમહીં કોપ ઝંઝા કેરો જોસભેર ધસ્યે ગયો,
પડતી 'તી વીજ તૂટી કડાકા સાથ મસ્તકે,
હતી સૂસવતી વર્ષા, છાપરાએ પગલાં લાખ એહનાં
પટાપટ પડયે ગયાં.
ગતિ ને ઘોષની વચ્ચે શાંત નિષ્ક્રિયતા ધરી
મન કેરા વિચારોની સાક્ષી, સાક્ષી પ્રાણનાં ભાવરૂપની,
સાવિત્રી ભીતરે જોતી હતી, આત્મા પોતાનો શોધતી હતી.
સ્વપ્ને એક કર્યો ખુલ્લો એની આગે વિશ્વના ભૂતકાળને,
બીજ ગુપ્તહાલીન, મૂળ ગૂઢ પ્રકારનાં,
છાયાએ ગ્રસ્ત આરંભો વિશ્વના ભવિતવ્યના
પામ્યા પ્રકટરૂપતા :
પ્રતીકાત્મક દીવો જે હતો ગુપ્ત સત્યને અજવાળતો
તેણે વિશ્વતણો અર્થ સાવિત્રીને બતાવ્યો ચિત્રબિંબમાં.
આત્મા કેરા અનિશ્ચેય નિરાકાર સ્વરૂપમાં
નિગૂઢ પગલાં પ્હેલાં પોતાનાં સૃષ્ટિએ ભર્યાં,
દેહના રૂપને એણે બનાવ્યું ગેહ ચૈત્યનું,
વિચાર કરતા શીખ્યું જડતત્વ, વિકાસ વ્યક્તિનો થયો;
એણે જીવન-બીજાએ વસાયેલો વિલોકયો અવકાશને,
માનવી જીવને જોયો પામતો જન્મ કાળમાં.
અનંત શૂન્યમાંહેઠી પ્રકટી બ્હાર આવતો
આરંભે એક દેખાયો
ઝાંખો અર્ધ-ઉદાસીન ઓઘ સત્-તાતણો તહીં :
અચેતન બૃહત્ પ્રત્યે દૃષ્ટિપાત કરતી એક ચેતના,
અસંવેદી રિક્તતામાં સુખદુઃખ ઊઠયાં સળવળી તથા.
બધું એહ હતું કાર્ય આંધળી વિશ્વશક્તિનું :
કરતી એ હતી કાર્ય ને એને ભાન ના હતું
નિજ વિક્રાન્ત કાર્યનું,
શૂન્યકાર મહીંથી એ હતી વિશ્વ બનાવતી.
ખંડસ્વરૂપ જીવોમાં સચેતા એ બની હતી :
ક્ષુદ્ર અહંતણા એક ટાંકણીના માથાની આસપાસમાં
ક્ષુદ્ર સંવેદનાઓની અંધાધૂંધી મળી હતી;
એક સચેત જીવે ત્યાં અવસ્થાન પોતાનું મેળવ્યું હતું,
ગતિ એ કરતો 'તો ને શ્વાસોચ્છવાસ લઈ એ જીવતો હતો
સવિચારા બની એક સમગ્રતા.
અવચેતા જિંદગીના ધૂંધળા અબ્ધિની પરે
સપાટી પરની એક નિરાકાર ચેતના જાગ્રતા થઈ :
વિચારો ને લાગણીઓતણો સ્રોત આવજા કરતો થયો,
પામ્યું કઠિનતા ફીણ સ્મૃતિઓનું અને બન્યું
પડ એક પ્રકાશંતું રૂઢ સંવેદનાનું ને વિચારનું,
ધામ એક જીવંત વ્યકિતતાતણું
ને આવૃત્ત થતી ટેવો સ્થાયિતાની કરતાં 'તાં વિડંબના.
જાયમાન મને સેવી શ્રમ એક વિકારી રૂપને રચ્યું,
સરક્યા કરતી રેતી પરે ચલન પામતું
ગૃહ એક ખડું કર્યું,
પ્લવતા દ્વીપને સર્જ્યો અગાધ અબ્ધિની પરે.
શ્રમે આ સરજ્યુ એક ચેતનાવંત સત્ત્વને;
મુશ્કેલ નિજ ક્ષેત્રની
પર દૃષ્ટિ કરી એણે પોતાની આસપાસમાં
લીલી આશ્ચર્યથી પૂર્ણ ભૂમિએ ભયથી ભરી;
જીવી રે'વાતણી આશા રાખી એણે અલ્પજીવી શરીરમાં,
જડતત્વતણી જૂઠી શાશ્વતીની લઈને અવલંબના.
ગૃહે ભંગુર પોતાના લહ્યું એણે એક દેવસ્વરૂપને;
નીલાંબરો નિહાળ્યાં ને સ્વપ્ન એણે સેવ્યું અમરતાતણું.
અચિત્ ને જગતે એક ચૈત્ય પુરુષ ચેતન
છે આપણા વિચારો ને આશાઓ ને સ્વપ્નો પૂઠે છુપાયલો ,
ઈશ છે એ ઉદાસીન, કાર્યો પર નિસર્ગનાં
પોતાનું મારતો મતું,
ને સ્વ-પ્રતિનિધિસ્થાને મનને એહ છોડતો
દેખીતા રાજવી-પદે.
કાળને સાગરે એના તરતા ગૃહની મહીં
પ્રતિશાસક આ બેસી કરે કામ ને કદી નવ જંપતો :
કાળના નૃત્ય કેરું એ છે એક ક્ઠ-પૂતળું,
એ હંકારાય હોરાએ, એને ફરજ પાડતો
પોકાર પળનો જૂથબંધ પૂરી
પાડવાને જિંદગીની જરૂરત,
વિશ્વ કેરા અવાજોનાં જલ્પનોનો પડે ઉત્તર આપવો.
નથી નીરવતા જેવું મન આ જાણતું કશું,
જાણતું ના નિદ્રા સ્વપ્નવિવર્જિતા,
અખંડ ચકરાવામાં એહનાં પગલાંતણા
વિચારો લક્ષ્યમાં લેતા મસ્તિષ્ક મધ્યમાં થઈ
હમેશાં ચાલતા રહે;
યંત્ર માફક એ કાર્યશ્રમે મંડયું રહે, ના અટકી શકે.
અનેક મજલાવાળા ખંડોમાંહે શરીરના
સ્વપ્ના દેવના નીચે સંદેશા ઊતર્યા કરે,
એમની ભીડનો અંત ન આવતો.
સર્વ શત-સ્વરી છે ત્યાં મર્મરાટ, જલ્પાના ને વિલોડના
દોડધામ છે અશ્રાંત અહીંતહીં,
ત્વરા છે ગતિઓની ને પડે ના બંધ એવું બુમરાણ છે,
બ્હારનાં બારણાંઓએ થવાવાળા ટકોરાને દરેકને
ઉતાવળી બની તેજી ઉત્તરો દે પરિચારક ઇન્દ્રિયો,
આણે અંદર મ્હેમનો જિંદગીના,
પ્રત્યેક સાદની આવી આપી ખબર જાય છે,
હજારો પૂછપાછો ને સાદોને દે પ્રવેશવા,
સંદેશાઓ લઈ આવે વ્યવહાર રાખતાં માનસોતણા,
અસંખ્ય જિંદગીઓનું ભારે કામકાજ ભીતરમાં ભરે,
ને વ્યાપારો વિશ્વ કેરા સઘળાય સહસ્રશ:.
નિદ્રા કેરા પ્રદેશોમાં પણ આરામ અલ્પ છે;
અવચેતન સ્વપ્નોની ચિત્રવિચિત્રતામહીં
પગલાંની જિંદગીનાં કરે છે એ વિડંબના,
પ્રીતીકાત્મક દૃશ્યોને દેશે ઉચ્ચ પ્રકારના
પરિભ્રમણ એ કરે,
આછાં આછાં હવા જેવાં દર્શનો ને રૂપોએ ઝાંખપે ભર્યાં
ઠસોઠસ ભરી દે એ સ્વ-રાત્રિને
યા તો એને વસાવી દે આકારોથી હલકા તરતા જતા,
અને નીરવ આત્મામાં તો એ માત્ર ક્ષણ એકાદ ગાળતો.
અનંત અવકાશે એ મન કેરા કરી સાહસ જાય છે,
યા ભીતરી હવામાં એ નિજ પાંખો પ્રસારે છે વિચારની,
કે કલ્પના-રચે બેસી કરતો એ મુસાફરી
ભૂ-ગોલને કરી પાર તારાઓ હેઠ સંચરે,
અંતરિક્ષ-પથે જાય સૂક્ષ્મનાં ભુવનોમહીં,
જિંદગીનાં ચમત્કારી શિખરોએ ભેટો દેવોતણો કરે,
સંપર્ક સ્વર્ગનો સાધે, અજમાવી જુએ નરકને વળી.
છે નાની શી સપાટી આ માનવી જિંદગીતણી.
એ છે આ ને વળી છે એ સમસ્ત સચરાચર;
ચઢી એ જાય અજ્ઞાતે
એનાં ઊંડાણ ભીડે છે પાતલગર્ત સાહસે;
નિગૂઢતા ભર્યું એક આખું વિશ્વ છે તળાબંધ ભીતરે.
ગૃહખંડોમહીં મોટા વૈભવી ને સચિત્ર પટ-પૂઠળે
ગુપ્ત એક રહે રાજા અને એનું ભાન માણસને નથી;
આત્માના અણદીઠેલા આનંદોના ભોગની લાલસા ભર્યો,
એકાંતતાતણું મીઠું મધ એની આજીવિકા બનેલ છે :
અગમ્ય દેવતાધામે અનામી દેવ એક એ
ગુપ્ત અંતર્ગૃહે એના અંતરતમ આત્મના
તમિસ્ર-છાયથી છાયાં દ્વારો પૂઠે ઊમરા હેઠ રક્ષતો
રહસ્યમયતાઓને સત્-તા કેરી આવરીને રખાયાલી
કે મોટા ભોંયરાંઓમાં અચેતન સુષુપ્તિનાં
કારાબદ્ધ કરાયલી
સકાલાદભુતનું ધામ પ્રભુ પૂર્ણ પવિત્ર જે
તે એના ચૈત્ય-આત્માની રજતોજજવલ શુદ્ધિમાં,
મુકુરે પરમોદાત્ત પ્રતિબિંબન ઝીલતા
જાણે કે હોય ના તેમ, નિજ દિવ્ય પ્રભાવનાં,
મહિમા-મહસો કેરાં, કાળની શાશ્વતી મહીં
નિજાત્મ સર્જના કેરાં પ્રક્ષેપાક્ષેપણો કરે.
મનુષ્ય પ્રભુનાં સ્વપ્ન કરે સિદ્ધ જીવને જગતીતણા.
પરંતુ સઘળું છે ત્યાં, પ્રભુ કેરાં વિપરીતોય છે તહીં;
નાનો શો મોખરો એક છે મનુષ્ય કાર્યો કેરો નિસર્ગનાં,
વિચાર કરતી રૂપરેખા એક ગુહામાં લીન શક્તિની.
જે સૌ છે નિજમાં તે એ એનામાં પ્રકટાવતી,
પોતાના મહિમાઓ ને અંધકારો એનામાં ગતિમંત છે.
માનવી જિંદગી કેરું ગૃહ માત્ર દેવોએ જ નથી વસ્યું :
છે છાયામૂર્ત્તિઓ ગૂઢ ત્યાં અને છે બળોયે અંધકારનાં
અનિષ્ટોએ પૂર્ણ ઊંડા નિલયોમાં રસાતલી,
અતિઘોર નિવાસીઓ છાયા-ઘેર્યા જગત્ તણા.
શક્તિઓ છે જે પોતાના સ્વભાવની
તેમને રક્ષવામાં જે બેતમા બતલાવતો
તે મનુષ્ય વસાવે છે નિજ ધામે શક્તિઓ જોખમે ભરી.
અવચેતનના ગૂઢ ગુહા-ગર્તે બંધને છે રખાયલાં
બળો આસુર ને ચંડ ચંડિકાનાં અને ઘોર પિશાચનાં,
ને ઊંડી બોડમાં પેટ ઘસડી ચાલતું પશુ :
તંદ્રામાં તેમની ઘોર ઊઠતા ગગણાટ ને
ઊઠતાઘોર મર્મરો.
ઊંડાણોમાં જિંદગીનાં છુપાયલી
રહસ્યમયતા એક રક્ષસી બળવો કરી
પ્રચંડ શિર પોતાનું કો કો સમય ઊંચકે,
રહસ્યમયતા કાળમીંઢ નીચે પડેલાં જગતોતણી,
વિરોધી અધિરાજાઓ માથાં ઊંચાં કરે ભીષણ ભાસતાં.
એનાં ઊંડાણોમાં નીચે જે ભયંકર શક્તિઓ
દાબ નીચે રહેલ છે
તે એની પર સ્વામિત્વ સ્થાપે છે યા સાહ્યસેવક થાય છે;
એ ગંજાવર રૂપોએ આક્ર્મે છે દેહનું ગેહ એહનું,
એનાં કાર્યોમહીં કાર્ય એમનું એ કરી શકે,
ઉપદ્રવ મચાવી એ શકે એને વિચારે અથ જીવને.
મનુષ્યોની હવામાંહે ઊછળીને ઊંચે નરક આવતું,
અને વિકૃતિ દેનારા શ્વાસે સ્પર્શ કરતું એ સમસ્તને.
વિરલાં વિષના બાષ્પ જેવાં ભૂરાં વિસર્પી બળ આવતાં,
એનાં બંધ ગૃહદ્વારો કેરી ફાટો દ્વારા છાનાં પ્રવેશતાં,
જેમાં વિશાળ ને સ્વચ્છ એ સ્વજીવન જીવતો
તે ઉચ્ચ મનની ભીંતો વિવવર્ણિત બનાવતાં,
પાપ ને મૃત્યુની મૂકી જતાં દુર્ગંધ પૂઠળે :
ભ્રષ્ટ વિચારનાં માત્ર વહેણો ના પ્રભવે એહની મહીં,
નિરાકાર પ્રભવો ના માત્ર ઊઠે પ્રચંડ બળથી ભર્યા,
સાન્નિધ્યો કિંતુ આવે ત્યાં અને આવે રૂપો ઘોર પ્રકારનાં :
ભયપ્રેરક આકારો ને મોઢાંઓ કાળાં પગથિયાં ચઢી
કો વાર તાકતાં એના આવાસોમાં નિવાસના,
કે આમંત્રાયલાં એક ક્ષણ કેરા આવેશી કાર્ય કારણે
એના હૃદય પાસેથી કરી દાવો માગે ઘોર જકાત એ :
ઊંઘમાંથી જગાડેલાં ફરીથી એ પાછાં બાંધ્યાં જતાં નથી.
દિનના અજવાળાને દુઃખ દેતાં ને નિશાને ડરાવતાં,
ઇચ્છાનુસાર આક્રાન્ત કરતાં એ એના બાહ્ય નિવાસને,
નર્યા અંધારનાં ઘોર રહેવાસી ભયાનક
પ્રવેશીને પ્રભુ કેરા પ્રકાશમાં
અસ્તવ્યસ્ત કરી નાખે એ સમસ્ત પ્રકાશને.
એમણે હોય સ્પર્શ્યું કે જોયું તે સૌ તેઓ નિજ બનાવતાં,
વસે પ્રકૃતિના નીચા તલમાં ને સંચારો મનનાં ભરે,
વિચારની કડીઓ એ તોડે, તોડે ચિંતનાના અનુક્રમો,
શોરબકોર સાથે એ ચૈત્યાત્માની સ્થિરતા મધ્ય ઘૂસતાં,
યા તો અઘોર ગર્તાના વાસીઓને આમંત્રી એહ લાવતાં,
નિષિદ્ધ મોજ માટેની બોલાવી એ લાવે સહજવૃત્તિઓ,
અટ્ટાહાસ્ય જગાડે એ ખુશાલીનું પૈશાચિક પ્રકારનું,
નીચાં તલોતણા ભોગવિલાસી રંગરાગથી
જિંદગીની ભૂમિકાને એ સકંપ બનાવતાં.
અતિભીષણ પોતાના બંદીઓને અસમર્થ શમાવવા
નિઃસહાય ગૃહસ્વામી સાવ આભો બની ઉપર બેસતો,
આવ્યું છે લઈ લેવામાં ઘર એનું ને એ એનું રહ્યું નથી.
બાંધી લેવાય એ બેળે બનેલો ભોગ ખેલનો,
કે પ્રલોભાઈને પોતે ગાંડા મોટા ઘોંઘાટે હર્ષ પામતો.
બળો ભીષણ આવ્યાં છે ઊંચે એના સ્વભાવનાં,
બંડખોરોતણી છુટ્ટીતણો આનંદ લૂંટતાં.
ઊંડાણોમાંહ્ય અંધારે સૂતાં 'તા એ ત્યાંથી જાગ્રત થાય છે,
દૃષ્ટિથી દૂર કારામાં હતાં તે ના ઝાલ્યાં રહી શકે હવે;
એના સ્વભાવ કેરા જે આવેગો તે ઈશ એના બન્યા હવે.
એકવાર શમાવેલાં કે જેઓએ બનાવટી
નવાં નામ અને વસ્ત્રો ધરેલ છે
તે પાતાળતણાં તત્ત્વો, રહેલી છે આસુરી શક્તિઓ તહીં.
સંતાડી રાખતો ઘોર મ્હેમાનો આ હીન સ્વભાવ માનવી.
વિશાળો તેમનો ચેપ ગ્રસી લે છે કદાચિત્ વિશ્વ માનવી.
બળવો એક બેફાટ કરી દે છે તાબે માનવ જીવને.
ઘેરથી ઘેર વિદ્રોહ આ મહાકાય વાધતો;
મૂકી દેવાય છે છૂટાં નરકાલયનાં દલો
કરવા કાર્ય તેમનું,
બધાંયે બારણાંમાંથી આવે એ બ્હાર નીકળી
પૃથ્વીના પંથકો પરે,
લોહીની લાલસા સાથે ને સંકલ્પ કરીને હણવાતણો
એ ચડી આવતાં, અને
રૂપાળું પ્રભુનું વિશ્વ ભરે ત્રાસે ને ખૂનામરકી વડે.
મૃત્યુ અને શિકારીઓ એના રોકે ભાગ બનેલ ભૂમિને;
દ્વારે દ્વારે કરે છે ઘા ફિરસ્તો વકરાયલો :
દુઃખનો દુનિયા કેરા ઠટ્ટો અટ્ટહાસ્ય ભયંકર,
દાંતિયાં સ્વર્ગની પ્રત્યે કરે કત્લેઆમ સાથ રીબામણી.
છે શિકાર બન્યું સર્વ એ વિનાશક શક્તિનો;
ડોલતી દુનિયા, કંપી ઊઠતી એ નખશિખ સમૂળગી.
માનુષી હૃદયોમાંહે આ અનિષ્ઠ છે નિસર્ગે વસાવિયું,
રહેવાસી વિદેશી ને મહેમાન છે એ જોખમકારક :
વસાવે જીવ જે એને તેનું સ્થાન હરી લઈ
ઘરમાલિકને બ્હાર કાઢી મૂકી
કબજો એ લઈ લેતું નિવાસનો.
વિરોધી કરતી ઈશ કેરો એક શક્તિ છે વિપરીત જે,
સર્વસમર્થતા પાપ કેરી છે જે મુહૂર્તની
તેણે કુદરતી કાર્યો કેરો સીધો માર્ગ રુદ્ધ કરેલ છે.
જે દેવને નકારે એ, કરે છે તે દેવની એ વિડંબના,
વધુ એનું ધરે છે એ, ધરે છે મુખ એહનું.
પાપપુણ્યમય સ્રષ્ટા અને પ્રલયકાર એ
નાશ મનુષ્ય ને એના વિશ્વનો એ કરી શકે.
પરંતુ શક્તિ છે એક સંરક્ષંતી ને છે હસ્ત બચાવતા,
પ્રશાંત નયનો દિવ્ય માનવીના ક્ષેત્રને અવલોકતાં.
જુએ છે બીજમાં વાટ વૃક્ષ તેમ
વિશ્વની શક્યતાઓ સૌ જુએ વાટ મનુષ્યમાં :
ભૂત એનો એનામાં જીવમાન છે;
અને હાંકી રહ્યો છે એ પગલાંઓ એના ભવિષ્યકાળનાં;
એનાં અત્યારનાં કર્મ ઘડે એના આગામી ભવિતવ્યને.
એના જીવનને ગેહે છુપાયા છે અણજન્મેલ દેવતા.
અર્ધ-દેવો અવિજ્ઞાત કેરા એના મનને છાવરી રહ્યા,
ઢાળે એ એમનાં સ્વપ્નો જીવમાન ઢાળાઓમાં વિચારના,
જે ઢાળાઓમહીં સર્જે મન એનું સ્વ-વિશ્વને.
પોતાનું રચતું વિશ્વ મન એનું એહની આસપાસમાં.
જે બધું સંભવ્યું છે તે ફરી પાછું એનામાં નિજ જન્મ લે,
ને જે સૌ સંભવે છે તે રૂપધારી એના આત્મામહીં બને.
થઈ પ્રકટ કર્મોમાં
વ્યાખ્યાતા બુદ્ધિનો તર્ક જેને અસ્પષ્ટ ઝાંખતો
એવા દેવોતણા ગુપત હેતુની
આલેખે છે પંક્તિઓ એ માર્ગો ઊપર વિશ્વના.
વિલક્ષણ દિશાઓમાં દોડે જટિલ યોજના;
માનુષી પૂર્વદૃષ્ટિથી
એમનો અંત છે પાછો સંકેલીને રખાયલો.
વ્યવસ્થાપક સંકલ્પ છે જે એક, તેનો ઉદ્દેશ દૂરનો
કે વ્યવસ્થા જિંદગીના ગમેતેમ થનાર દૈવયોગની
શોધી કાઢે અવસ્થાન સ્થિર એનું ને ઘડી ભવિતવ્યની.
બુદ્ધિની દૃષ્ટિથી વ્યર્થ નીરખાતી સપાટી જેહ આપણી,
આક્રાન્ત જેહ તત્કાલ ઊઠનારા અદૃષ્ટથી,
ને કાળના અકસ્માતો અસહાય બનીને નોંધતી રહે,
અનૈચ્છિક વળાંકો ને કુદકાઓ આલેખે જિંદગીતણા.
અત્યલ્પ આપણામાનું પહેલેથી પોતાનાં પગલાં જુએ,
અત્યલ્પને જ સંકલ્પ ને સોદ્દેશ ગતિનો વેગ હોય છે.
બાહ્યાવબોધ પૂઠેની વિશાળી એક ચેતના,
તે મનુષ્યોતણો માપ વિનાનો એક ભાગ છે.
અવચેતન અંધારું છે આધાર એનો ગૂઢ ગુહામય.
વ્યર્થ વિલોપ પામેલો માર્ગો ઉપર કાળના
ભૂત હજીય જીવે છે સ્વરૂપોમાં ચેતનાહીન આપણાં,
અને છૂપા પ્રભાવોના ભારે એના ઘડાય છે
ભાવી કેરો આત્માવિષ્કાર આપણો.
આમ છે સઘળું એક અનિવાર્ય જ સાંકળી
ને છતાંયે જણાયે છે અકસ્માતો કેરી એક પરંપરા.
ઘટિકાઓ વિસ્મરંતી જૂના કર્મો કેરી આવૃત્તિઓ કરે,
મરેલો આપણો ભૂત આપણા ભવિતવ્યની
ઘૂંટી કેરી આસપાસ વીંટળાઈ વળેલ છે,
નવા સ્વભાવનાં પાછાં ખેંચે છે એ પગલાં પ્રભુતાભર્યા,
કે એના દફનાવેલા શબમાંથી જૂનાં ભૂત ખડાં થતાં,
જૂના વિચાર ને જૂની લાલસાઓ
ને મરી પરવારેલા ફરી પાછા આવેગો જીવતા થતા,
ઊંઘમાં થાય આવૃત્ત,
કે જાગ્રત અવસ્થામાં ચલાવે એ મનુષ્યને,
ને તર્કબુદ્ધિના એના માથાનું ને
રક્ષા કરંત સંકલ્પશક્તિ કેરું ઉલ્લંઘન કરી જઈ
ઓઠની આડને બેળે તોડનારા બોલાવી શબ્દ નાખતાં,
અને અચિંતવ્યાં કર્મ એની પાસે કરાવતાં.
નવી જે આપણી જાત તેમાં જૂની જાત છે એક છૂપતી;
આપણે જે હતા એકવાર તેથી જવલ્લે જ બચી જતા :
ટેવોના સંચરો કેરા ઝાંખા ઉજાશની મહીં,
અવચેતનનાં કાળાં ગલીયારાંતણી મહીં,
વસ્તુઓ સૌ વહી જાય શિરાઓ ભારવાહિની,
મન નીચાં તલો કેરું ચકાસી ન જુએ કશું,
દ્વારપાળો નથી કાંઈ બારીક અવલોકતા,
ને પસાર થવા દેતી સહજસ્મૃતિ આંધળી
સેવામુક્ત કરાયેલી જૂની ટોળી અને રદ કરાયલાં
પારપત્રો પ્રયોજાઈ જતાં પુનઃ,
એકવાર હતું જીવ્યું તે કશુંયે ન સંપૂર્ણ મરી જતું.
અંધારાં બોગદાંઓમાં
વિશ્વની અસ્તિ કેરાં ને આપણી અસ્તિનાં વળી
હજી જીવી રહેલો છે પરિત્યક્ત સ્વભાવ ભૂતકાળનો;
એના હણાઈ ચૂકેલા વિચારોનાં શવો ઊંચાં કરે શિરો
અને મનતણી રાત્રી-યાત્રાઓની લે મુલાકાત ઊંઘમાં,
ગૂંગળાવેલ આવેગો એના લેતા શ્વાસ ઊઠે અને ચલે;
છાયાભાસમયી એક રાખે અમરતા બધું.
ક્રમો પ્રકૃતિ કેરા સૌ સાચે અપ્રતિરોધ્ય છે :
છૂપી જમીનમાંહીથી પરિત્યક્ત પાપનાં બીજ ફૂટતાં;
હૈયામાંથી બ્હાર કાઢી મૂક્યું હોય અનિષ્ટ જે
તેની સામે ફરી પાછું એકવાર થવું આપણને પડે.
આપણા જીવતા જીવને કરી નાખવા ઝબે
આવે પાછાં સ્વરૂપો મૃત આપણાં.
વર્તમાનમહીં જીવે એક અંશ જ આપણો,
ગુપ્ત એક જયો ફાંફાં મારે ઝાંખા અચિત્ મહીં;
અચિત્ ને જે રહેલું છે પટ પૂઠે છુપાયલું
તેમાંથી છે થયો ઉદભવ આપણો,
ને અનિશ્ચિત આભામાં મન કેરી આપણે રહીએ છીએ
ને જેનો હેતુ અર્થ છુપાયેલો આપણી દૃષ્ટિથી રહે
તેવા એક સંદેહાત્મક વિશ્વને
જાણવા ને વશે લેવા પ્રયત્ન કરીએ છીએ.
આપણી પર રાજે છે પરચેતન દેવતા
રહસ્યમયતામાંહે છુપાયેલો સ્વ-જ્યોતિની :
એક વિરાટ અજ્ઞાન આપણી આસપાસ છે,
મનુષ્ય-મનનું જેને ઉજાળે છે રશ્મિ અસ્પષ્ટતા ભર્યું,
સૂતું છે આપણી નીચે અચિત્ અંધકાર ને મૌનથી ભર્યું.
કિંતુ આરંભની માત્ર છે આ સ્વાત્મદૃષ્ટિ ભૌતિક દ્રવ્યની,
અવિદ્યામાંહ્ય આવેલી એક સોપાન-માલિકા.
જે બધું આપણે છીએ તે નથી આ
યા નથી એ બધું જગત આપણું.
જુએ છે આપણી વાટ જ્ઞાનનું જે મહત્તર
છે તે સ્વરૂપ આપણું,
વિરાટે સત્ય-ચૈતન્યે વાટ જોતી જ્યોતિ એક પરાત્પરા :
મનંત મનની પાર આવેલાં શિખરોથકી
અવલોકન એ કરે,
જીવન પારની એક દીપ્તિમંત હવામહીં
એનો સંચાર થાય છે.
એ નીચે ઊતરી આવી
પૃથ્વી કેરી જિંદગીને દિવ્યરૂપ બનાવશે.
સત્યે જગત છે સર્જ્યું,
અંધ પ્રકૃતિની કોઈ શક્તિએ એ રચ્યું નથી.
દિવ્યતર વિશાળાં ના વિરાજંતાં અહીંયાં શૃંગ આપણાં,
પરચૈતન્યની ભવ્ય ભભકે એ રાજે શિખર આપણાં,
તે મહર્મહિમાવંતાં છે સાક્ષાત્ પ્રભુને મુખે.
સ્વરૂપ આપણું છે ત્યાં આવ્યું શાશ્વતતાતણું,
જે દેવ આપણે છીએ તેનું છે મૂર્ત્ત રૂપ ત્યાં,
યુવા નિર્જર છે દૃષ્ટિ એની જોતી અમર્ત્ય વસ્તુઓ તહીં,
મૃત્યુ ને કાળથી મુક્ત
થઈએ આપણે તેનો એનો આનંદ છે તહીં,
એની અમરતા, જ્યોતિ અને એની પરમા છે મુદા તહીં.
ગૂઢ ભીંતોતણી પૂઠે બેઠેલું છે બૃહત્તર
આત્મસ્વરૂપ આપણું :
અદૃશ્ય આપણા ભાગોમાં માહાત્મ્યો રહેલાં છે છુપાયલાં,
જિંદગીના અગ્રભાગે આવવાની ઘડીની રાહ દેખતાં:
ઊંડા અંતરના વાસી દેવો કેરી લહેતા સાહ્ય આપણે :
કો એક ભીતરે બોલે, આવે જ્યોતિ આપણી પાસ ઊર્ધ્વથી.
રહસ્યમય પોતાના ખંડમાંથી પ્રવર્તે આત્મ આપણો;
દબાણ આણતો એનો પ્રભાવ આપણા ઉરે
અને મનતણી પરે
ધકેલી એમને જાય એમનાં મર્ત્ય રૂપની
મર્યાદાઓ વટાવવા.
શિવ, સૌન્દર્ય ને ઈશ માટે છે શોધ એહની,
અસીમ આપણો આત્મા આપણે અવલોકતા
દીવાલો પાર જાતની,
અર્ધ-જોતી બૃહત્તાઓ પ્રત્યે વિશ્વ કેરા કાચમહીં થઈ
આપણે મીટ માંડતા,
આભાસી વસ્તુઓ પૂઠે સત્ય માટે કરતા શોધ આપણે.
વિશાળતર આલોકે કરે વાસ મન આંતર આપણું ,
વિલોકે આપણી પ્રત્યે વિભા એની ગુપ્ત દ્વારોમહીં થઈ;
જયોતિર્મય બને ભાગો આપણા ને
પ્રજ્ઞાનું મુખ દેખાયે પ્રવેશદ્વારમાં ગૂઢ વિભાગના :
બાહ્ય ઇન્દ્રિયના ગેહે આપણા એ જયારે અંદર આવતી
ત્યારે ઊંચી થાય છે દૃષ્ટિ આપણી
ને આપણે વિલોકંતા ઊર્ધ્વમાં ને જોતા આદિત્ય એહનો.
જેને જીવનનું નામ આપણે આપીએ છીએ
તે છે એક અલ્પ શો અંશ વામણો,
એને આલંબ આપે છે પોતા કેરી આંતર શક્તિઓ વડે
આત્મા એક પ્રાણ કેરો મહાબલી;
આપણે સર્પણે એહ પાંખો બે બલથી ભરી
ચઢાવી આપવાને શક્તિમાન છે.
આપણા દેહનો સૂક્ષ્મ આત્મા રાજંત અંતરે,
પ્રભુ કેરા વિચારોની છે જ્યોતિર્મય છાય જે
તેવાં સાચાં સ્વપ્ન કેરા એના અદૃશ્ય મ્હેલમાં.
મનુષ્યજાતિના અંધકારગ્રસ્ત આરંભોમાં અધોમુખી
માનવી વિકસ્યો નીચે નત એવા નરવાનર રૂપમાં.
ઊભો ટટાર એ દેવસમાણો રૂપ ને બલે
અને આ જગતી-જાયી આંખોમાંથી
ચૈત્યાત્માના વિચારોએ કર્યું બહાર ડોકિયું :
ટટાર માનવી ઊભો, મનીષીનું એણે મસ્તક ધારિયું :
એણે આકાશની સામે કરી દૃષ્ટિ
ને પોતાના સખા તારક નીરખ્યા;
આવ્યું દર્શન સૌન્દર્ય ને મહત્તર જન્મનું
હૃદય-જ્યોતિ-ધામેથી ધીરે પ્રાકટય પામતું
ને સ્વપ્નાંની વિભાસંત
હવાની શુભ્રતામાંહ્યે એણે સંચાર આદર્યો.
એણે જોઈ નિજાત્માની
સંસિદ્ધિ નહિ પામેલી અવસ્થાઓ અસીમ કૈં,
સેવી એણે અભીપ્સા ને
જાયમાન અર્ધ-દેવ કેરો આવાસ એ બન્યો.
છાયાગ્રસ્ત ગુહાઓની મહીંથી નિજ જાતની
નિગૂઢ સ્થિત જિજ્ઞાસુ ખુલ્લામાં એહ આવિયો :
સાંભળ્યું દૂરનું એણે સ્પર્શ્યું અસ્પર્શગ્મ્યને,
દૃષ્ટિ સ્થિર કરી એણે ભાવિમાં ને અદૃષ્ટમાં;
પ્રયોજી શક્તિઓ એણે
પૃથ્વીનાં કરણો જેને વાપરી શકતાં નથી,
મનોવિનોદના ખેલ જેવું એણે કરી દીધું અશકયને;
પકડયા ટુકડા એણે સર્વજ્ઞના વિચારના,
ને સર્વશક્તિમત્તાનાં વેર્યાં એણે સૂત્રો વિધિ વિધાનનાં.
આમ મનુષ્ય પોતાના ગૃહે નાના ધરાની ધૂળના બન્યા,
વિચારના અને સ્વપ્નતણા અદૃષ્ટ સ્વર્ગની
પ્રત્યે પામ્યો વિકાસ, ને
અનંતે ટપકા જેવા લધુ ગોલાકની પરે
વિશાળા વિસ્તારો મધ્યે મનના એ પોતાના અવલોકતો.
આખરે એક લાંબી ને સાંકડી શી સોપાનસરણી ચડી
ઊભો એ એકલો ઉચ્ચ છાપરે વસ્તુઓતણા
અને એણે જ્યોતિ જોઈ એક આધ્યાત્મ સૂર્યની.
અભીપ્સુ એ કરે પાર સ્વ પાર્થિવ સ્વરૂપને;
મર્ત્ય ચીજોતણા ઘેરામાંથી એ મુક્તિ મેળવી,
નવજાત નિજાત્માના વૈશાલ્યે સ્થિત થાય છે,
ને પોતે વિરલા વાતાવરણે સમતાપના
હોય તેમ ફરે શુદ્ધ અને મુક્ત આધ્યાત્મિક પ્રદેશમાં.
દિવ્યતાનિ દૂરવર્તી રેખાઓનો અંત લુપ્ત થયેલ એ,
નાજુક સૂત્રને સાહી ચડી જાય પોતાના ઉચ્ચ મૂલમાં;
પ્રભવે જાય એ પ્હોંચી પોતાના અમૃતત્વના,
આવાહી પ્રભુને લાવે એ પોતાના મર્ત્ય જીવનની મહીં.
આ સર્વ ગૂઢ આત્માએ સાવિત્રીમાં કર્યું હતું :
પોતાના માનવી અંશે આવે તેમ
મહાબલિષ્ટ માતાનો અંશ એની મહીં આવી ગયો હતો :
વિશ્વમાં દેવતાઓનાં વિધાનોમાંહ્ય કાર્યનાં,
વિશાળ વિરચાયેલી યોજનામાં
સાવિત્રીને હતી એણે સંસ્થાપી કેન્દ્ર-સ્થાનમાં;
દૂર દૃષ્ટિ રાખનારા એના આત્મા કેરા ગાઢાનુરાગથી
માનવી જાતિને ઘાટ પ્રભુના જ સ્વરૂપનો
આપવાનાં સ્વપ્ન એ સેવતી હતી
ને આ મોટા અને અંધ ને મહામથને મચ્યા
જગને જ્યોતિની પ્રત્યે દોરવા ઈચ્છતી હતી,
કે નવી સૃષ્ટિને શોધી કાઢવા કે સર્જવા માગતી હતી.
પૃથ્વીએ પલટો પામી સ્વર્ગતુલ્ય બનવું જોઈએ સ્વયં
યા તો મર્ત્ય અવસ્થામાં પૃથ્વી કેરી સ્વર્ગે ઊતરવું રહ્યું.
કિંતુ આવો થવા માટે અધ્યાત્મ પલટો બૃહત્
દેવાંશી ચૈત્ય-આત્માએ આઘી આડશને કરી,
માનવી જીવના હૈયા કેરી ગૂઢ ગુહાથકી
પગલાં માંડવાનાં છે સાધારણ સ્વભાવના
ભીડંભીડા ઓરડાઓતણી મહીં,
અને પ્રકટ રૂપે છે ઊભવાનું અગ્રે એહ સ્વભાવના,
રાજ્ય ચલાવવાનું છે વિચારો પર એહના,
ને ભરી નાખવાના છે દેહ ને પ્રાણ બેયને.
બેઠી આજ્ઞાધીન એહ ઊર્ધ્વ કેરો આદેશ અપનાવતી :
કાળ, જીવન, ને મૃત્યુ
પસાર થઈ જાનારી ઘટનાઓ બન્યાં હતાં,
એના અલોકમાં વિધ્ન નાખનારાં નિજ ક્ષણિક દૃષ્ટિથી,
જે આલોકે વિધ્ન વીંધી જવાનું 'તું કરવા મુક્ત દેવતા
જે બનેલો હતો બંદી દૃષ્ટિવંચિત મર્ત્યમાં.
અજ્ઞાન મધ્ય જન્મેલો નિમ્ન સ્વભાવ, તે હજી
સ્થાન અત્યંત મોટેરું લેતો 'તો ને
હજી એના આત્માને અવગુંઠતો,
બાજુએ હડસેલીને એને એણે
કરવાનું હતું પ્રાપ્ત નિજ ચૈત્ય-સ્વરૂપને.
અંતરના પ્રદેશોમાં પ્રવેશ
પામર બાહ્ય પ્રકૃતિના આવરણમાંથી નીકળીને સાવિત્રી અંતરના પ્રદેશોમાં પ્રવેશ કરે છે. તરેહતરેહના ગણગણાટોમાં વ્યગ્ર રહેતા મનમાંથી છૂટીને એ એક અજબ પ્રકારે અંતરમાં જાય છે. પોતે જાણે એક નરી ચૂપકી હોય એવી બની જાય છે. પણ પાછી એ પોતાના વિચાર કરતા મનના સ્વરૂપમાં આવી અને સામાન્ય માનવી જેવી બની ગઈ. સપાટી પરના સ્વરૂપને જ આત્મસર્વસ્વ માનતા ભૂત-કાળના માનવ અજ્ઞાનમાંથી એ માર્ગ શોધતી હતી, ત્યાં એક અવાજ આવ્યો :
" તારે પોતાને માટે જ નહીં પણ માનવજાત માટે તું મેળવવા માગે છે. પ્રભુ પોતે માનવતા ધારણ કરે તો જ તે માનવને પ્રભુમાં વિકસિત કરી શકે છે. તુંય તારા જડ શરીરમાં ધુલોકમાં જન્મેલા તારા આત્મસ્વરૂપને પ્રાપ્ત કર."
સાવિત્રી શરીરમાંથી નીકળીને વેંતપૂર બહાર ઊભી, ને ત્યાં રહી પોતાની સૂક્ષ્મ સત્તાનાં ઊંડાણોમાં નજર કરી જોયું તો એને લાગ્યું કે પોતે ગૂઢ ચૈત્ય-આત્મા છે. આંતર જીવના અબનૂસના દરવાજા ઉપર એણે દબાણ કર્યું અને અધ્યાત્મ સ્પર્શના આ અત્યાચાર સામે એણે ફરિયાદ કરી. અંદરથી એક અવાજ આવ્યો : " પાછો જા, ઓ પૃથ્વીના જીવ ! પાછો જા, નહિ તો રિબાઈ રિબાઈને દીર્ણ વિદીર્ણ થઈ તું મરી જશે."
ઊમરા ઉપરનો સર્પ ફૂંફાડા મારતો ઊભો થયો, અંધકારના શિકારી સારમેયો મોં ફાડીને ઘૂરક્યા, ભૂતપિશાચોએ ભવાં ચઢાવી તાકવા માંડ્યું, વિકરાળ હિંસ્રે થિજાવી નાખે એવી ગર્જના કરી, પણ તેમ છતાં સાવિત્રીએ બારણા ઉપર દબાણ વધાર્યું અને એ ઊઘડયું. વિરોધક બલોએ પોતાની રક્ષક સેના પાછી લઈ લીધી. સાવિત્રી અંદરનાં જગતોમાં પ્રવેશ પામી અને મહામહેનતે પોતાના ચૈત્ય પ્રતિ માર્ગ કરવા લાગી.
એક ખતરનાક હદ પાર કરતાં સાંધ્ય અંધાર આવ્યો. પ્રાણ ત્યાં અવચેતનમાં ડબૂકતો હતો, યા તો જડતત્ત્વમાંથી મનની અરાજકતામાં પ્રવેશવા પ્રયત્ન કરતો હતો. સ્વચ્છંદી સત્ત્વો ને અસંયત બલો ત્યાં ગોલમાલ મચાવી રહ્યાં હતાં. ત્યાં હતું તો બધું, પરંતુ કશુંય એના નિયત સ્થાનમાં ન 'તું. એમ કરતાં કરતાં એ રૂપ હોય એવી વસ્તુઓના પ્રદેશમાં આવી, પણ ત્યાંય પ્રાણના પોકારો ને ગોટાળો તો હતો જ. ચૈત્ય આત્મા ત્યાં હતો નહિ. એકેએક બળ ત્યાં પોતાની જાત સિવાય બીજા કોઈની પરવા કર્યા વિના પ્રવર્તતું હતું અને વિવેકબુદ્ધિને એના જડમૂળમાંથી ઉખેડી નાખવા માગતું હતું. બળ વિનાનો ચૈત્ય છુપાઈને સૂઈ રહ્યો હોય ને માત્ર ઇન્દ્રિયોની સહજવૃત્તિઓ જ ત્યાં હોય એવું લાગતું હતું. પણ મનને ખાડામાં નાખી દીધું હોય ત્યાં મહિમા ને જવાલા ક્યાંથી આવે ? એના વિનાનું બધું અવ-ચેતન અંધકારમાં લીન થઈ જાય છે ને સ્વભાવના માર્ગો પર માત્ર અરાજકતા જ ચાલતી હોય છે ને ત્યાં નથી હોતો પ્રકાશ, નથી હોતો આનંદ ને નથી હોતી કશી શાંતિ.
આ જોખમને સાવિત્રીએ આઘું હડસેલી મૂક્યું, પોતાના સંકલ્પબળથી ત્યાંનાં ધાડાંનો સામનો કર્યો અને પરિત્રાતા નામ ઉપર મનને સ્થિર કર્યું. પરિણામે આસપાસનું બધું શાંત અને સ્થિર બની ગયું અને પોતે નિર્મુક્ત થઈ ગઈ. સ્થૂલ મનનું અને અચિત્ ની ભૂંજરનું દબાણ દબાઈ ગયું, પણ ત્યાં તો પ્રાણે પોતાનું રાક્ષસી માથું ઊંચક્યું. એની ઉપર ચૈત્ય પુરુષનું કે મનનું શાસન ચાલતું ન હતું. મહાસાગરની ભરતીની જેમ એ ઊછળી આવ્યો. પ્રભુએ એની નિર્બંધ શક્તિને વશ વર્તવું જોઈએ એવી એની માગણી હતી. હૃદયનું એ અનુમોદન માગતો 'તો, સાવિત્રીનો આત્મા એવી લાલસા ઉપર મહોરછાપ મારે એવું એ ઈચ્છતો હતો. સારી પ્રકૃતિની ક્ષુધા એનામાં ભરેલી હતી. પાતાળોમાંથી એનું પ્રલોભન આવતું, મધ-મીઠું મધ ને મૃત્યુ એ આણતો, મારનાર બળને એ બોલાવતો, હાનિકારક હર્ષોને માટે જતો, ઊર્ધ્વે આરોહતો, ગર્તોમાં ગરક થતો, મધુર અનુરાગ અને તીવ્ર દ્વેષ, તડકોછાંયડો, હાસ્ય અને રુદન, સ્વર્ગમાં વિશ્વાસ અને નરક સાથેનો નાતો, આવા આવા વિરોધોમાં એ વિહરતો. ભય, હર્ષ, નિરાશા, અને જાદૂગરી ભર્યો આ પ્રાણ હવે દૂર ઓસરી ગયો. બધું શાંત થઈ ગયું. સાવિત્રીનો આત્મા નીરવ અને નિર્મુક્ત બની ગયો.
આત્માની વ્યાપક ચૂપકીદીમાં થઈને આગળ વધતાં સાવિત્રીએ એક ઝગમગ થતા વ્યવસ્થાપિત અવકાશમાં આવી. ત્યાં પ્રાણની ઉદ્દામ સ્વચ્છંદતા ઉપર અંકુશ મુકાયો હતો. એની પ્રચંડતાઓ ત્યાં દબાવી દેવાયેલી હતી, એનું બંડખોર બળ શૃંખલિત બનાવવામાં આવ્યું હતું. એને નસીબે હવે મુક્તિ વગરનો મહિમા રહ્યો હતો. એના સેવકો-મન અને ઇન્દ્રિયો-એના આવાસ ઉપર રાજ્ય ચલાવતાં હતાં. બુદ્ધિનું સમતોલ રાજ્ય હવે સુવ્યવસ્થા અને શાંતિ સાચવતું હતું. બુદ્ધિના
ધારાધોરણોમાં આત્માનું સર્વશક્તિમાન સ્વાતંત્ર સપડાવવામાં આવ્યું હતું, ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત બનાવાયું હતું, વિચારને જડ જમીન જોડે જડી દેવામાં આવ્યો હતો. જિંદગી જનાનખાનાની એક બાઈ જેવી બની ગઈ હતી. પ્રાણનું સાહસ અને સ્વચ્છંદના સપાટાઓ ચાલ્યા ગયા હતા.
કર્મ અને વિચારના ચણતરથી એક દીવાલ રચાઈ હતી. અલ્પ આદર્શો ચૈત્યાત્માને સીમિત બનાવી દેતા હતા. એક આગવા ઈશ્વરને આરાધના અર્પતી હતી. વિશ્વને માટે બંધ રાખેલાં બારણાંવાળા મંદિરમાં વિશ્વસ્વરૂપ પ્રભુની પ્રાર્થના થતી હતી. અથવા તો નિરાકારની આગળ બધા ઘૂંટણિયે પડતા, પાવક પ્રેમની પ્રતિ મન બંધ રહેતું, ધાર્મિક માન્યતાઓ અધ્યાત્મ સત્યની ઉપર સીલબંધી કરતી.
અહીં આત્મા નહિ, મન માત્ર હતું અને એ જ આત્માનું ને ચૈત્યનું સ્થાન દાવો કરી લઈ લેતું. આત્મા વિચારના મહિમામાં ડૂલ થઈ ગયો હતો. એક પ્રકાશ સૂર્યને અદૃશ્ય બનાવી રહ્યો હતો. અહીં બધું જ સ્થિર હતું, સ્વસ્થાનમાં હતું, અંતિમ હતું. આવા તર્કબદ્ધ, શિલીભૂત સ્થાનમાંથી એક જ્ઞાની આગળ આવ્યો ને ઈશ્વરવાણી જેવાં વાક્યો ઊચાર્યો :
" ઓ આંતર જગતના જાત્રી જીવ ! ઓ જીવનની પૂર્ણતાના અભીપ્સુ ! તારે જે જોઈતું હોય તે અહીંથી મેળવી લે. અહીં સત્ય છે, અહીં પ્રભુની સંવાદિતા છે. અમારા પત્રકમાં તારું નામ નોંધાવી દે; પ્રભુએ જીવનને માટે સંમત કરેલું સઘળુંય અહીંયાં છે. અહીં છે છેલ્લી દીવાલની સલામતી, જ્યોતિની તરવારની ચમકતી ધાર અહીંયાં છે, દોષમાત્રથી મુક્ત મહાસમુદાયનો મણિ અહીં ઝબકારા મારી રહ્યો છે. સ્વર્ગનો ને સંસારનો માનીતો બનીને, ઓ હે જીવ ! તું અહીંયાં રહે."
પરંતુ એ તર્કબુદ્ધિના માર્યાદિત બનાવતા, હૃદયની ભાવોષ્મા વિનાના સ્વયમ-સંતુષ્ટ રાજ્યમાં સાવિત્રીએ ગહન દૃષ્ટિનો છુટકારો, હૃદયનો પશ્ન કરતો આંતરિક અવાજ નાખ્યો ને જવાબમાં કહ્યું, "ભલે તમને તમારું સત્ય મળ્યું હોય, સનાતન નિયમ મળી આવ્યો હોય, ભલે તમે શ્રદ્ધાના અચળ ખડક ઉપર ઊભો હો, ને તમારી ખોજ પૂરી થઈ ગઈ હોય, આભાસી વસ્તુઓનું વ્યવસ્થાબદ્ધ જ્ઞાન તમને ભલે મળ્યું હોય, તમને એ મુબારક હો ! પણ હું હ્યાં રોકાઈ જવા માગતી નથી, મારે તો મારા ચૈત્ય આત્માની પ્રાપ્તિ કરવી છે."
સૌને અચંબામાં નાખીને સાવિત્રી આગળ ચાલી. નિજાત્માની નીરવતામાં થઈને જતાં એક માર્ગ આવ્યો. ત્યાં જગતની ગૂઢ દીવાલે પહોંચવા માટે નીકળેલું ઉત્સાહપૂર્ણ, પ્રદીપ્ત પગલાંએ ચાલતું, સૂર્યોજજવલ નયનોથી નિહાળતું એક વૃન્દ જોવામાં આવ્યું. એ હતા આપણાં ગૂઢ માહાત્મ્યોમાંથી આવતા સંદેશવાહકો, ગુપ્ત આત્મગુહામાંથી આવેલા મહેમાનો. તેઓ આપણી અધ્યાત્મ નિદ્રામાં આક્રમણ કરી ઘૂસી આવતા હતા ને આપણી જાગ્રત અવસ્થા ઉપર અસીમ આશ્ચર્યમયતા,
આવ્યા જ કરતી દીપ્તિમંત ભાવનાઓ, અણજન્મી સત્યતાનાં સૂચનો આપતાં સ્વપ્નાં વેરતા હતા. અદભુત દેવતાઓ, આશાની વીણા સાથે આવેલા દૈવતવંતા દેવો, મોટાં મોટાં શિશસુભગ સુદર્શનો, અભીપ્સાનું સૂર્યોત્કીર્ણ ઉત્તમાંગ, તારકોમાંથી કંડારી કાઢેલાં અંગો, સામાન્ય જીવનને ઉદાત્ત અને અભિજાત બનાવી દેતા ભાવો એ ઉદાર હાથે આપતા હતા.
સાવિત્રી એ વૃન્દમાં ભળી જઈ એમણે ધારણ કરેલી અધ્યાત્મજ્યોતિને ઝંખવા લાગી ને એમના અનુકરણમાં પ્રભુના જગતને બચાવી લેવાની લાલસાથી લાલાયિત થઈ. પણ એણે પોતાના હૃદયમાં ઉદભવેલા ઉચ્ચ આવેશો લગામમાં લઈ લીધા, કેમ કે એને ભાન હતું કે પોતે તો પોતાના ચૈત્ય આત્માની શોધમાં નીકળેલી છે. જેઓ પોતાની જાતનો ઉદ્ધાર કરે છે તેઓ જ બીજાઓનો ઉદ્ધાર કરી શકે છે. ઊલટસૂલટ અર્થમાં એણે જીવનની સમસ્યાના સત્યની સંમુખતા સાધી. પેલું વૃન્દ દુઃખી જનો માટે જ્યોતિ લઈને બહારના જગત તરફ જતું હતું ને એની પોતાની આંખો સર્વના શાશ્વત પ્રભવસ્થાન પ્રત્યે વળેલી હતી. હાથ ઊંચા કરીને એણે પેલા વૃન્દને ઊભા રહી જવા માટે પોકાર કર્યો :
" ઓ સુખિયા દેવો ! તમે જ્યાંથી આવો છો તે જ સાચે તમારું ધામ હોવું જોઈએ. મારે ગૂઢ અગ્નિનું ઉત્પત્તિસ્થાન જોવું છે, મારા અંતરમાંના ગુપ્ત ચૈત્ય-પુરુષનું ગહન ધામ જોવું છે. ત્યાં જવાનો માર્ગ મને બતલાવતા જાઓ."
નિદ્રાના દૂરના કિનારે, આંતર જગતની એક આઘેરી પૃષ્ઠભોમમાં આવેલી એક અસ્પષ્ટ અરવતા તરફ આંગળી ચીંધી એક જણ બોલ્યો :
" સાવિત્રી ! અમે તારા ગુપ્ત ચૈત્યાત્માંથી આવીએ છીએ. અમે છીએ સંદેશવાહકો, નિગૂઢના દેવતાઓ. અમે જગતને સૌન્દર્ય પ્રતિ, વસ્તુઓમાં રહેલી અદભુતતા પ્રતિ જાગ્રત કરીએ છીએ, દિવ્યતાનો સ્પર્શ સમર્પીએ છીએ, પાપ મધ્યે પુણ્યની અમર જ્યોતિ જગાવીએ છીએ, અજ્ઞાનતાના માર્ગો ઉપર જ્ઞાનની મશાલ ધરીએ છીએ. તારો ને માનવમાત્રનો જ્યોતિ માટેનો જે સંકલ્પ છે તે અમે છીએ. પ્રભુની ઓ માનવ પ્રતિકૃતિ ! પ્રભુના ઓ છદ્મવેશ ! પેલા વળાંક લેતા જગતના મુખ્ય માર્ગે જા, એના મૂળ સુધી જા. જ્યાં વિરલાઓનાં પગલાં પડયાં છે એવી એક નીરવતામાં એક ખુલ્લા પાષણ પર પ્રજ્વલિત પાવક જોવામાં આવશે, ને ગહન ગુહામાં તારા ચિદાત્માનાં તને દર્શન થશે."
પછી સાવિત્રી એ દિશા તરફ વળી. અજ્ઞાત ગહાનોમાંથી થોડાંક દેદીપ્યમાન સ્વરૂપો પ્રકટ થયાં અને એને પોતાની અમર આંખોએ જોવા લાગ્યાં. ત્યાંથી ચિંતન-નિમગ્ન ચૂપકીદીમાં એકે અવાજ હતો નહીં. ત્યાં ચૈત્ય આત્માનું મૌન સાન્નિધ્ય અનુભવાતું હતું.
આરંભે મનના કાર્યવ્યગ્ર ગણગણાટથી
અંત:ક્ષણતણા જાદૂ વડે એ બ્હાર નીકળી,
જાણે બજારની ભીડતણા ઘોંઘાટમાંહ્યથી
આવી ના શું હોય કોઈ ગુહામહીં,
ચૂપ કો રિકતતા એક સુકઠોરા આત્મા એનો બની ગઈ :
જેની લેવા મુલાકાત આવતો ના હતો સૂર વિચારનો
તે તેનું મન જોતું 'તું તાકી તાકી કો એક શૂન્ય સિન્ધુની
મૂક અનંતતા પ્રતિ.
ઓસર્યાં શિખરો એનાં ને ઊંડાણો પૂઠે બંધ થઈ ગયાં;
એની સમીપથી સર્વ ગયું ભાગી એને શૂન્ય તજી દઈ.
પરંતુ જવ એ આવી પાછી પોતના વિચાર-સ્વરૂપમાં,
તવ એ માનુષી પાછી બની પૃથ્વીતણી ગઈ,
જડતત્ત્વતણો પિંડ, બંધ દૃષ્ટિતણું ગૃહ,
અજ્ઞાનના વિચારોને કરનારું મન બેળે બની ગઈ,
બેળે કામે લગાડેલી પ્રાણશક્તિ કર્મો કેરા પડાવમાં
જ્યાં સીમિત કેઈ દેતું ક્ષેત્ર એનું જગ છે જડતાતણું.
સપાટી પરના વ્યકિતરૂપને જે નિજાત્મારૂપ માનતો
તે મનુષ્યતણા અજ્ઞાન ભૂતના
કોક્ડામાં થઈ માર્ગ સાવિત્રી નિજ શોધતી
આશ્ચર્યચકિતા એક અજ્ઞાની જનના સમી.
નિગૂઢ શિખરો કેરો નિવાસી કો બોલ્યો એક અવાજ ત્યાં :
" શોધે છે તું મનુષ્યાર્થે, ન તું ખાલી નિજ અર્થે જ શોધતી.
માનુષી મનને ધારે પ્રભુ પોતે જ જો અને
મર્ત્ય અજ્ઞાનનો છદ્મવેશ વાઘામહીં સજે,
અને વામન પોતાને બનાવી દે ત્રિવિક્રમ,
તો જ મનુષ્યને રૂપ પ્રભુનું પામવામહીં
એ સાહાય્ય કરી શકે.
વૈશ્વિક મહિમા કાર્ય કરે ધારી છળવેશ મનુષ્યનો,
ને શોધી એહ કાઢે છે દરવાજો છે જે ગૂઢ અગમ્ય તે,
ને સોનેરી દ્વાર ખોલી નાખે છે અમૃતાત્મનું.
મનુષ્ય માનવી છે તે પ્રભુ કેરાં
માનવી પગલાંઓનું અનુવર્તન આદરે.
જ્યોતિનું કરવાનું છે તારે દાન મનુષ્યને
સ્વીકારીને એહના અંધકારને,
છે મહાસુખ દેવાનું સ્વીકારીને એહના દુઃખશોકને.
જડ-જાયા શરીરે તું શોધ તારા સ્વર્ગ-જાયા ચિદાત્મને."
પછી બહાર સાવિત્રી નિજ દેહ કેરી દીવાલમાંહ્યથી
તરંગાયિત નીકળી
ને વેંતપૂર એ ઊભી બહાર નિજ જાતથી,
ને ઊંડાણોમહીં જોયું નિજ સૂક્ષ્મ સ્વરૂપનાં,
ને કળીમાં પદ્મ કેરી તેમ તેણે એના હૃદયની મહીં
પોતાના ગુપ્ત ને ગુહ્ય ચિદાત્માનું એધાણ અવલોકિયું.
બારણે ત્યાં છાયલીન ભીતરી જિંદગીતણા,
દૈનિક મનને જેહ
રચી આડ જવા ના દે ઊંડાણોમાંહ્ય આપણાં,
જવા ના દે તે બધું જે જીવે માત્ર અમુચ્છવાસે શરીરના,
સાવિત્રીએ ટકોરો જ્યાં માર્યો, દાબ્યું બારણું અબનૂસનું,
ત્યાં દ્વારે જીવતા કીધો કિચૂડાટ ગમગીન મિજાગરે :
કચવાતે મને એણે ફરિયાદ જડભાવ ભરી કરી
અત્યાચારતણી સામે આત્માએ કીધ સ્પર્શના.
મહીંથી ગરજી ઊઠયો ઘોષ એક ભયંકર :
" જા પાછો, જીવ પૃથ્વીના,
નહીં તો તું રીબાવાઈ વિદારાઈ મરી જશે."
અંધારા અબ્ધિના જેવો ઊઠયો એક મર્મરાટ ડરામણો,
રાક્ષસી ગૂંચળાંવાળો જીવલેણ ફણા રક્ષક ઊંચકી
ફુંફાડા મારતો ઊઠયો મહાનાગ ઊમરા પરનો તહીં,
ઘૂરક્યા જડબાં ફાડી સારમેયો શિકારના,
ભૂત-પિશાચ-વેતાલો ચડાવીને ભવાં તાકી રહ્યાં તહીં,
ત્રાડો હિંસાળની દેતી થિજાવી રક્ત ત્રાસથી,
તર્જના ગર્જવા લાગી રવે ભીષણતા ભર્યા.
ધડકાવણ સંકલ્પ સાવિત્રીનો અક્કડ આગળા પરે
જોશભેર દબાણ લાવતો ગયો :
વિરોધ દાખવ્યે જાતો દરવાજો
હીંચકાઈ આખોયે ઊઘડી ગયો,
ભીષણ ચોકિયાતોને
પાછા વાળી લીધા પેલાં બળોએ પ્રતિરોધતાં;
ભીતરી ભુવનો મધ્યે સાવિત્રીનો આત્મા પ્રવેશ પામતો.
અવચેતનના દ્વાર રૂપ એક સંકડાયેલ માર્ગમાં
મુશ્કેલી ને કષ્ટ સાથે સાવિત્રી શ્વસતી હતી,
ઇન્દ્રિયાવેદના કેરા અવગુંઠનની મહીં
રહેલા અંતરાત્માને શોધવા મથતી હતી.
ઠાંસી ઠાંસી ભરાયેલા સૂક્ષ્મ દ્રવ્યતણી મહીં,
શક્તિના આંધળા એક મોટા ઢેરે ભરાયેલી બખોલમાં,
દોરી વિમાર્ગ જાનારી જ્યોતિઓના વિરોધમાં,
ન દેખી શક્તિ દૃષ્ટિતણા વિકટ વિધ્નમાં
બળાત્કારે કર્યો એણે માર્ગ ચૈત્ય પ્રત્યે શરીરમાં થઈ.
અવચેતન અંધારે જિંદગી જ્યાં ડબૂકતી,
યા જડદ્રવ્યમાંહીથી એ પ્રયાસ કરી કરી
મન કેરા ગોલમાલે પ્રવેશતી,
ઝોલેઝોલાં ભમે છે જ્યાં સત્ત્વો ભૌતિક તત્ત્વનાં,
જ્યાં પાંખો ફફડાવીને
ઊડે અસ્પષ્ટ આકારો અર્ધ-દેહી વિચારના,
ને કાચા થાય આરંભો અનિયંત્રિત ઓજના,
સાવિત્રી તે સ્થાનમાં થઈ સંચરી.
મુશ્કેલીએ ભરી એક સંકડાશ હતી આરંભમાં તહીં,
હતું દબાણ ત્યાં એક અનિશ્ચિત બલોતણું
ને સંકલ્પોતણું પ્રવહતા જતા;
કેમ કે ત્યાં હતું સર્વ, કિંતુ સ્થાને પોતાના ના હતું કશું.
ઉઘાડ આવતો કોક વાર, દ્વાર બેળે ખુલ્લું થયું હતું;
અવકાશોમહીં ગુપ્ત આત્મા કેરા એ પસાર થતી હતી
અને સંચારમાર્ગોમાં ચાલતી 'તી એ અભ્યંતર કાળના.
આખરે વસ્તુઓ કેરા રૂપે એક એણે માર્ગ કર્યો બળે,
આરંભાતી સાંતતા ત્યાં, હતો લોક તહીં સંવેદનાતણો :
પરંતુ હજુ ત્યાં સર્વ ગોટાળામાં હતું અને
સ્વત:-પ્રાપ્ત ન 'તું કશું.
હતો ના ચૈત્ય આત્મા ત્યાં, હતા માત્ર પોકારો જિંદગીતણા.
ઠસોઠસ અને શોરે ભરી ઘેરી વળી એને હવા તહીં.
અર્થ કેરી અવજ્ઞાઓ કરનારા અવાજો ઝુંડ ઝુંડ ત્યાં,
બસૂરો એક સંઘર્ષ બૂમો કેરો
અને સાદ વિપરીત હતા તહીં;
દૃષ્ટિને લંઘતાં ટોળેટોળાંમાં દૃશ્યદર્શનો,
અર્થ-અન્વય ના એવી ધક્કાધક્કી હતી ક્રમે,
ઠાસી ભારે ભર્યા હૈયામહીં થઈ
લાગણીઓ ધસીને આવતી હતી,
માર્ગ પ્રત્યેક પોતાનો કરતું 'તું અસંગત અલાયદો,
પ્રેરણ સ્વ અહંતાનું છોડી એને કશાનીય પડી ન 'તી.
સર્વસામાન્ય સંકલ્પ વિનાનું એકઠું થવું,
વિચાર સ્થિર તાકીને જોતો અન્ય વિચારને
ને તાણ આણતો તંગ થતા મસ્તિષ્કની પરે,
ઉખેડી નાખવા જાણે માગતો એ બુદ્ધિને નિજ સ્થાનથી
ને જીવનતણા માર્ગ-બાજુની ખાળકૂઈમાં
ફેંકી દેવા માગતો એ હોય જાણે મૃત એના શરીરને;
આવી રીતે ચોકિયાત ચૈત્ય કેરો હણાયલો
અને તજાયલો પંકે પ્રકૃતિના પડયો ર્ હે વીસરાયલો.
આ પ્રકારે પ્રાણ-શક્તિ મનના આધિપત્યને
ખંખેરી અળગું કરે,
ત્યાગી શાસન આત્માનું દે સ્વભાવ,
અને માત્ર આદિ તાત્ત્વિક ઓજસો
અસીમ વિષયાનંદે મહિમા માણતાં બને,
રંગરાગે મચે મત્ત નિર્વિશેષ મહાસુખ.
હતી ઇન્દ્રિય કેરી આ સહજ-પ્રેરણા જહીં
ચૈત્ય આત્મા હતો નહીં,
કે જયારે ઊંઘતો ચૈત્ય શક્તિહીન છુપાયલો,
કિંતુ ભીતરમાં હાવે જાગે છે દેવ પ્રાણનો
અને પરમને સ્પર્શે ઉદ્ધારે ઊર્ધ્વ જિંદગી.
પરંતુ ઘોર ગર્તે જો ફગાવાઈ દેવાતું મન હોય તો
મહિમા દિવ્ય ને જવાલા આવવાનાં કઈ વિધે ?
કેમ કે ન મનોહીન દેહે પ્રકાશ સંભવે,
આત્મ-સંવેદના કેરો ન પ્રહર્ષ, ન મુદા જિંદગીતણી;
અવચેતન અંધારું બધુંયે બનતું પછી,
મરાઈ જાય છે મુદ્રા અચિત્ કેરી પાને પ્રકૃતિના પછી,
નહીં તો મત્ત કો એક અવ્યવસ્થા મસ્તિષ્ક ઘુમરાવતી
જતી ઝડપથી માર્ગો પર ધ્વસ્ત નિસર્ગના,
અંધાધૂંધી અસ્તવ્યસ્ત આવેગી વૃત્તિઓતણી
જેમાં ન શક્તિ આવી જયોતિ,આનંદ, શાંતિ કો.
આ અવસ્થા હવે એને ધમકી આપતી હતી,
હડસેલા સાથ એણે નિજથી દૂર એ કરી.
લાંબી અંત વિનાની ને ઉછાળાએ ભરી કોક ગલીમહીં
ઉતાવળે જતા ખૂંદી નાખનારા સમૂહમાં
હંકારાઈ જતું હોય કોઈ તેમ ઘડી પર ઘડી હતી
પગલાં માંડતી એ ને છૂટકો મળતો નહીં,
સ્વસંકલ્પબળે ભાન વિનાના જડ જૂથના
હુમલાને હઠાવતી;
કાઢી બહાર એ ઘોર ભીંસમાંથી ઘસડી એ જતી હતી
નિજ સંકલ્પને, ને જે કરે રક્ષા તે મહાનામની પરે
કરતી 'તી સ્થિર એ સ્વ વિચારને :
તે પછી સ્થિર ને ખાલી થયું સર્વ; ને એ મુક્ત બની ગઈ.
આવ્યો એક મહામોક્ષ, આવ્યો શાંત વિશાળ અવકાશ કો.
અદૃશ્ય સૂર્યથી એક આવનારા અનાવૃત પ્રકાશની
રિકત પ્રશાંતિની મધ્યે એ અલ્પ કાળ સંચરી,
અશરીરી સુખાવસ્થારૂપ જે રિકતતા હતી,
અનામી શાંતિની એક મહાસુખદ શૂન્યતા.
પરંતુ મોખરો હાવે વધુ જબ્બર જોખમે
ભર્યો આવ્યો સમીપમાં :
દૈહિક મનનો દાબ ને ભૂંજર અચેતના
લક્ષ્યહીન વિચારોની ને સંકલ્પ સાવિત્રીથી સરી પડયાં.
ઝઝૂમ્યું નિકટે આવી
જિંદગીનું ઘોર માથું અવચેત ને વિરાટ પ્રમાણનું,
મનનું ને ચિદાત્માનું જે ન શાસન માનતું.
એણે એક ધસારામાં
ઉચાળા મારતો વેગ સંયોજયો સર્વ શક્તિનો,
જોખમી સિધુઓ કેરા જોર જેવું એણે સ્વ બળને કર્યું.
એના નીરવ આત્માની નિઃસ્પંદ સ્થિતિની મહીં,
શુભ્રતાની મહીં એના અવકાશીય ધ્યાનની
જુવાળ એક ને એક વેગવંત ઓઘ પ્રાણ-પ્રદેશનો
ઘૂસ્યો જોર કરી ગ્રીષ્મકાળની વાલુકાતણા
પટે પાંડુર જે રીતે સપાટે પવનોતણા
ભીડભાડે મચ્યાં મોજાં ઊતરી પડે;
એણે કાંઠા ડુબાડયા ને આરોહંત તરંગનો
બની પર્વત એ ગયો
બેશુમાર હતો એનો ઘણો મોટો ઘોષ આવેશથી ભર્યો.
દોડતાં દોડતાં એણે સાદ દીધો એના સુણંત આત્માને,
માગણી કરતો 'તો એ કે ઉચ્છૃંખલ શક્તિના
વશવર્તી બને પ્રભુ.
હતો એ બધિરા એક શક્તિ મૂકાવસ્થા પ્રત્યે નિમંત્રતી,
મૂગા વિરાટમાં એજ હજારો સ્વર એ હતો,
પ્રમોદ પકડી લેવા કેરા એના પ્રયત્નને
માટે દાવો કરી ટેકો હૈયાનો એહ માગતો,
પ્રવૃત્તિ અર્થની એની જરૂરને
માટે અનુમતિ ચ્હાતો હતો એ સાક્ષિચૈત્યની,
માગતો 'તો મ્હોરછાપ સાવિત્રીના ઉદાસીન ચિદાત્મની
શક્તિ કેરી નિજ લોલુપતા પરે.
સાવિત્રીના નિરીક્ષંતા આત્માની પૃથુતામહીં
મોટો આડંબરી એણે પ્રાણોચ્છવાસ આણ્યો આવેગથી ભર્યો;
એના ધોધ-ધસારાએ વિશ્વ કેરી આશાઓ ને ભયો વહ્યા,
સારા જીવનકેરો ને સારી પ્રકૃતિનો વહ્યો
અસંતુષ્ટ પોકાર ભૂખથી ભર્યો,
ને તીવ્ર લાલસા જેને પૂરવા ના શકત સારીય શાશ્વતી :
ચૈત્યનાં શૈલ-એકાંતો પ્રત્યે જવા માટે એ સાદ પાડતો,
ને ચમત્કારની પ્રત્યે અગ્નિ કેરા મૃત્યુ જેનું કદીય ના,
સર્જક ધબકારમાં જિંદગીના છુપાયલી
અવર્ણ્ય આદિ કો એક સંમુદાયની સાથે એ બોલતો હતો;
રસાતલી ન દીઠેલાં ઊંડાણોમાંથી ખેંચી લાવતો હતો
અવ્યવસ્થિત આનંદમત્તતાનું પ્રોલોભન
અને જાદૂ અજાયબી,
પૃથ્વીતણે પ્રકાશે એ રેલતો 'તો
અને અટપટી મોટી મોહિનીઓતણી ભુલભુલામણી,
અને કુદરતી કાચા ઘૂંટડાઓ માથે કેફ ચઢાવતા
અને નિષિદ્ધ ઉલ્લાસ કેરી તેજી અને માર્મિક ગુઢતા
પિવાતી જગના કામવાસનાના અતલાતલ કૂપથી,
લાલસા ને મૃત્યુ કેરી મધ જેવી મીઠડી વિષ-વારુણી,
કિંતુ એને કલ્પતો એ પ્રાણનાં દૈવતોતણા
મહિમાના મહાસવો,
ને પ્રહર્ષણનો સ્વર્ણ-દંશ સ્વર્ગીય માનતો.
યુગોના ઘટનાચક્રે ચાલનારી કામનાની અનંતતા
અને જેણે બનાવ્યું છે અસાક્ષાત્કૃત વિશ્વને
વિજ્ઞાત વિશ્વ છે તેથી બૃહત્તર
ને અવિજ્ઞાત છે તેથી સમીપતર છે કર્યું,
શિકારી કૂતરા જેમાં મન ને જિંદગીતણા
શિકારે નીકળેલ છે,
તેની ગૂઢ રહસ્યાત્મક પ્રક્રિયા,
એણે ઊંડું પ્રલોભાવ્યું અસંતુષ્ટ અંતરે એક પ્રેરણ
ને પ્રવૃત્ત કર્યું એને જે અસિદ્ધ અને સદૈવ દૂર છે
એને માટે અભિલાષ નિષેવવા,
ને સીમિત કરી દેતી
ધરાની આ જિંદગીને આરોહણ બનાવવા
શૂન્યે અદૃશ્ય થાનારાં ઊંચેનાં શિખરો પ્રતિ,
ખોજ એક મહિમાર્થે અશકયના.
જે કદાપી ન 'તું જ્ઞાત તેનાં એ સ્વપ્ન સેવતું,
જે કદી ન થયું પ્રાપ્ત તેને ગ્રાહે લેવા લંબાવતું કરો,
જલદી જ ગુમાવાતી હૈયાની હર્ષણાથકી
મોહિનીઓતણો પીછો લઈને એ પ્રવેશતું
દિવ્યાનંદધામની સ્મૃતિની મહીં;
મારક બળની સામે એણે સાહસ આદર્યું,
હર્ષો સામે હાનિકારી ખડું હિંમતભેર એ,
અસિદ્ધ વસ્તુઓ કેરા પ્રતિબિંબિત રૂપની
ને જાદૂઈ મોહિનીના વિરૂપાંતર સાધતા
નૃત્ય માટે આવનારા આમંત્રણતણી પ્રતિ,
રાગાવેગતણો ભોગ પ્રેમનાં પ્રાંગણોતણો,
લાતાલાતી ને ઉછાળા ઝાડ થનાર જંગલી
જનાવરતણા સૌન્દર્ય ને જીવન સંગના,
તે સૌ સામે ઊભું એ ધૃષ્ટતા ધરી.
આણી એણે બૂમ એની, ને જુવાળ વિરોધી શક્તિઓતણો,
ભાસ્વંત ભૂમિકાઓના સ્પર્શની એહની ક્ષણો,
આરોહો અર્ચિઓ કેરા આણ્ય એણે
અને આણ્યા મહાયત્નો વ્યોમને લક્ષ્ય રાખતા
વાયુઓ પર બાંધેલ એના સ્વપ્ન-મિનારાઓ ભભૂકતા,
અંધકાર અને ઘોરગર્ત પ્રત્યે થતાં એનાં નિમજ્ જનો ,
મધુ માર્દવનું એનું, ને તીક્ષ્ણ મધ વૈરનું,
સૂર્ય ને વાદળા કેરાં , હસ્ય ને અશ્રુઓતણાં
આણ્યાં એણે પોતનાં પરિવર્તનો,
એના અતલ ને ભોએ ભર્યા ખાડા, ગળી જાનાર ગહવરો,
એનો ભય અને હર્ષ, સંમુદા ને નિરાશાની વિષાદિતા,
ગુહ્ય જાદૂગરીઓ ને એની સરળ પદ્ધતિ,
મહાન ભાઈચારાઓ, ગતિઓ ઊર્ધ્વ પ્રેરતી,
આસ્થા સ્વર્ગમહીં એની વ્યવહાર એનો નરક સાથનો.
આ શક્તિઓ ન 'તી બુઠ્ઠી, જડ ભારે ભરેલી જગતીતણા,
દેતી 'તી એ સુધાસ્વાદ, દેતી 'તી દંશ ઝૈરનો
દૃષ્ટિમાં જિંદગી કેરી હતો એક ઉત્સાહ ઓજથી ભર્યો
જે ઘૂસર હવામાંહે રાત્રિ કેરી
હતો આકાશને જોતો આસમાની સ્વરૂપમાં:
ભાવાવેશતણી પાંખે પ્રભુ પ્રત્યે આવેગો ઊડતા હતા.
પોતાની ઉચ્ચ ઘાટીથી
વિચારો મનના વેગી ગતિએ પ્લવતા હતા,
ઇન્દ્રધનુષ્યના રંગોવાળી યાળ સમાણી દીપ્તિ ધારતા,
અંતઃસ્ફુરણની શુદ્ધ જ્યોતિ કેરા અલંકાર ન હોય શું;
એ જવાલા-પાદની એની છલંગોને વિડંબી શકતા હતા :
અવાજો મનના ચાળા પ્રેરણાના તાનના પાડતા હતા,
સ્વરભારવતી એની અચૂકતા
અને ઝડપ કેરા ને
દેવોની વીજવેગીલી સ્વર્ગગામી છલંગના
ચાળા એ પડતા હતા.
સંદેહજાળને છેદી નાખતી તીક્ષ્ણ ધાર ને
વિવેકબુદ્ધિની એની તરવાર પ્રાયઃ સ્વર્ગીય લાગતી.
છતાંયે સર્વ એ જ્ઞાન હતું લીધું ઉધારમાં
સૂર્યના જ્ઞાન પાસથી;
જે રૂપોમાં આવતું એ તે હતાં ના જન્મ પામેલા સ્વર્ગથી :
હતું જોખમકારી ને નિર્બાધ બળ એહનું,
પ્રભુના મધની સાથે વિષને એ ભેળવી શકતું હતું.
આ ઉચ્ચ ને પ્રકાશંત પીઠે જૂઠની સવારીય શક્ ય છે;
સાનંદ ઢળતું સત્ય બાહુઓમાં ભ્રમના ભાવથી ભર્યા,
વ્હેણ સાથે સરી જાતું ઓપવાળી ઉલ્લાસી નાવડી મહીં :
સત્યે સ્વ-રશ્મિની ધારે હતું રાખ્યું આલેશાન અસત્યને.
પ્રાણના નિમ્ન દેશોમાં હ્યાં વિરુદ્ધો સર્વ સાધે સમાગમો;
તાકે છે સત્ય ને આંખે પાટા સાથે કરે છે નિજ કાર્યને,
અહીં અજ્ઞાન રાખે છે પ્રાજ્ઞતાને નિજાશ્રયે.
ઉત્સાહી ઝડપે પેલી ખરીઓનિ પૂરપાટ થતી ગતિ
લઈ જઈ શકે એક વચમાંના ભયપૂર્ણ પ્રદેશમાં,
અમર્ત્ય જિંદગી કેરો જામો પ્હેરી મૃત્યુ છે ચાલતું જહીં.
અથવા તો પ્રવેશે એ ખાઈમાં ભ્રાંત રશ્મિની
જ્યાં બંદી કે બલિદાનો બને જીવ સત્યાભાસી પ્રકાશના,
ને ફંદામાં ફસાયેલા કદી ત્યાંથી છટકી શકતા નથી.
તેઓ આડતિયાઓ છે, નથી શેઠ, ફંદામાં કાળના રહી
પ્રાણના કામનાઓને પૂરવા એ હમેશાં વૈતરું કરે.
શરીર તેમનાં જન્મ પામેલાં કો શૂન્યના ગર્ભમાંહ્યથી
ક્ષણનાં સપનાંઓમાં જીવાત્માને જાળબદ્ધ બનાવતાં,
પછીથી પામતાં નાશ વમી અમર આત્મને
જડદ્રવ્યતણા ઉદરોમાંહ્યથી,
એને શૂન્યાકાર કેરી મોરી મધ્યે ફગાવતાં.
પસાર તે છતાં ત્યાંથી કેટલાક થઈ શકે
પકડાઈ કે હણાઈ ગયા વિના;
સત્યની પ્રતિમાને તે વહી જાય નિજ રક્ષિત હાર્દમાં,
ભ્રમભૂલતણી આડવાળી પકડમાંહ્યથી
લેતા તે જ્ઞાન ઝૂંટવી,
ક્ષુદ્ર સ્વાત્મતણી અંધ ભીંતો પાર તોડીને માર્ગ મેળવે,
અને આગે કરે યાત્રા પ્હોંચવાને વિશાળતર જીવને.
આ સર્વ સ્રોતની જેમ સાવિત્રીની સામે થઈ વહી ગયું,
અને દર્શનની એની દૃષ્ટિને લાગતું હતું
કે જાણે કો શબ્દહીન ઉચ્ચસ્થાની દ્વીપની આસપાસમાં
અજાણ્યા દૂરના પ્હાડો પરથી આવતાં જળો
મચ્યાં કોલાહલે હતાં,
ઉપરાઉપરી ભીડાભીડ મોજાં એમનાં આવતાં હતાં,
તે ઓહિયાં કરી જાતાં સાંકડા એહના તટો
ને ઉદ્દામ શ્વેત ફીણતણું ભૂખ્યું જગ એક બનાવતાં :
કરોડો ચરણોવાળો વ્યાલ એક ઉતાવળો,
ફીણ ને ઘોષની સાથે
પીધેલા કો દૈત્ય કેરા ઘોર ઘોંઘાટથી ભર્યો,
પ્રભુના વ્યોમમાં યાળ અંધારાની ઉછાળતો,
ઓસરી એ ગયો ઓટે, રહી માત્ર દૂરની એક ગર્જના;
પછી પાછી હસી એક હવા વ્યાપ્ત વિશાળી શાંતિએ ભરી :
નીલ આકાશ ને લીલા ધરા, ભાગીદાર સૌન્દર્ય-રાજ્યનાં
બની સુખતણાં સાથી પૂર્વની જેમ જીવતાં;
અને વિશ્વતણે હૈયે હસી ઊઠયો આનંદ જિંદગીતણો.
હતું નિઃસ્પદ સૌ હાવે, હતી ભૂમિ સૂકી શુદ્ધ પ્રકાશતી.
આ સર્વમાંહ્ય સાવિત્રી કરતી ન હતી ગતિ,
મોઘ મોજાંમહીં મગ્ન થતી નહીં.
બૃહત્તામાંહ્યથી મૌન આત્મા કેરી
જિંદગીનો શોર ભાગી ગયો હતો;
આત્મસત્તા હતી એની મૂક ને મુક્તિ માણતી.
પછી આત્માતણા મોટા મૌનમાંથી કરી આગે મુસાફરી
આવી એ દીપ્તિમંતા ને સુસ્થિત અવકાશમાં.
રહેતી 'તી જિંદગી ત્યાં સ્થપાયેલી સશસ્ર સ્થિર શાંતિમાં;
બળવાન અને બંડખોર હૈયું એનું સાંકળમાં હતું.
કેળવાઈ હતી એહ મિત-વેગી ધારવાને વિનીતતા,
ન'તી એ રાખતી જોરદાર એના ઝપાટાઓ છલંગતા;
એણે લાપરવાઈએ ભરી ખોઈ
હતી ઓજઃપૂર્ણ ચિંતનલીનતા
ને ગુમાવી હતી એની ભરપૂર ભવ્યતા રાજતેજની;
જબરી ધામધૂમો ને બાદશાહી જેવો એનો બિગાડ સૌ
નિયંત્રિત થયાં હતાં,
મત્તતા ભર મસ્તીની પર એની કાબૂ આવી ગયો હતો,
ઉડાઉ ખરચો એનાં કપાયાં 'તાં કામનાના બજારનાં,
મજબૂર બનાવાયો હતો આપખુદ સંકલ્પ એહનો,
એની તરંગિતા કેરું નૃત્ય દાબ નીચે આવી ગયું હતું,
દંગો ઇન્દ્રિયનો બાંધ્યો ગયો 'તો કો
નિરુત્સાહી ભાવની શૂન્યતા વડે.
જિંદગીના જોશ કેરી છલંગોને
ઢાળી 'તી એમણે પાકી રચેલી માર્ગરેખમાં.
એને ભાગ્યે મુક્તિમુક્ત હતું રાજ્ત્વ એકલું;
રાજા સિંહાસનારૂઢ પ્રધાનોની આજ્ઞાઓ પાળતો હતો :
મન ને ઇન્દ્રિયો એના ચાકરો તે
એને ગેહે હતા રાજ્ય ચલાવતા,
અને બખ્તરિયા એક જૂથથી નિયમોતણા
રક્ષતા 'તા બુદ્ધિ કેરા સમતોલિત રાજ્યને,
વ્યવસ્થા રાખતા 'તા ને શંતિ સાચવતા હતા.
એનો સંકલ્પ રે' તો 'તો
કાયદાની વજ્ર જેવી દીવાલોમાં પુરાયલો,
શોભાવવાતણો ઢોંગ કરતી સાંકળો થકી
શક્તિ એની બળાત્કારે બેઈલાજ બની હતી,
કલ્પનાને કેદ એક કિલ્લામાંહે કરી હતી,
મનોમોજી અને સ્વેચ્છાચારી એની કૃપાનું પાત્ર જે હતી;
સંતુલા સત્યતા કેરી અને સંમિતિ બુદ્ધિની
સ્થાનમાં કલ્પના કેરા હતી દેવાઈ ગોઠવી,
ને વાસ્તવિકતાઓને ચોકી માટે વ્યૂહબદ્ધ કરી હતી,
સિંહાસનતણે સ્થાને ચૈત્યાત્માને મળ્યો 'તો મંચ ન્યાયનો,
અને રાજ્યતણે સ્થાને જગ નાનું વિધિ ને વિધિસૂત્રનું:
જમાનાઓતણું જ્ઞાન પંડિતોની પ્રથામહીં
સંકોચાઈ ગયું હતું,
પરમાત્માતણું સર્વશક્તિમાન સ્વાતંત્ર્ય ન હતું અહીં :
વિશાળું જીવનક્ષેત્ર પંતૂજીને મને વશ કર્યું હતું,
કિંતુ કંગાલ ને ક્ષુદ્ર કોટડીઓ વાસ માટે વરી હતી,
ને તેય અતિશે મોટા અને જોખમથી ભર્યા
વિશ્વથી દૂરમાં હતી,
કે અનંતમહીં એનો આત્મા લીન રખે ને થાય એ ભયે.
વિશાળા ભાવનાનાય વિસ્તારે ત્યાં કાપ મુકાયલો હતો
અને એને અપાયું 'તું રૂપ સિદ્ધાંતવાદનું
ને એ બાંધી રખાયો 'તો સ્થિર સ્તંભે વિચારના,
કે નક્કર જમીને એ જડાયો 'તો દ્રવ્ય સાથે રિવેટથી :
નહીં તો લુપ્ત થતો 'તો આત્મા એનાં પોતાનાં શિખરો પરે :
આદર્શનો શિરોમાન્ય કરી ગર્વધારી બૌદ્ધિક કાયદે:
વિચાર સ્થાપતો ગાદી સારહીન હવામહીં,
ઉવેખીને ધરા કેરી નરી નીરસ તુચ્છતા :
રોકીને રાખતો બ્હાર સત્યતાને સ્વ-સ્વપ્નોમાંહ્ય જીવવા.
બધું યા તો જતું માંડી પગલાંઓ ક્રમોએ બદ્ધ વિશ્વમાં :
જિંદગીનું રાજ્ય એક ચાલાવાતા ખંડનું રૂપ ધારતું,
એના વિચાર સેના શા શ્રેણિબદ્ધ શિસ્તપાલન સેવતા;
કેળવાયેલ ને સોની ટુકડીની નાયકી કરતું મન
આપતું હુકમો જે જે તે તેના અનુસારમાં
ગણવેશ પહેરીને હતા રાખી રહેલ એ
નક્કી થયેલ પોતાના સ્થાનની તર્કસંગતિ.
યા તો પ્રત્યેક પોતાના સ્થાને તારા જેમ પદ ધરી જતો,
યા તો નિશ્ચિત ને રાશિબદ્ધ વ્યોમે પ્રયાણ કરતો હતો,
યા તો સામંતચક્રે એ પોતાનું પદ રાખતો
વ્યોમના ના ફેરફાર પામનારા વિશ્વવર્તી પદક્રમે.
યા તો કુલીન નિર્દોષ નેત્રોવાળી કો એમ કન્યકા સમું,
બુરખા વણ જાહેર માર્ગોએ છે જવાની જેહને મના
જિંદગીએ બદ્ધ એકાંત વાસોમાં હરવું ફરવું રહ્યું,
એનો ભાવ વિહારોમાં કે બાગોના રાહોએ જ રહી શકે.
જિંદગીને અપાયો 'તો માર્ગ એક સલામત અને સમ,
મોટાં મુશ્કેલ શૃંગોએ જવા માટે મથતી એ ન સાહસે,
કે કો એકલ તારાના પડોશે ચડવાતણું
કે જોખમતણી ધારે જવાનું કો સાવ સીધા પ્રપાતના,
ન એ સાહસ ખેડતી,
કે ફેને વીંટળાયેલી ભગ્નતરંગમાળનું
ભયે ભરેલ જ્યાં હાસ્ય ત્યાં જવાની હિંમત ભીડતી ન 'તી,
સાહસોનાંઊર્મિગીતો ન 'તી ગાતી,
શોખ ન્હોતી રાખતી જોખમોતણો,
કે એના અંતરાવાસે દીપ્ત ના કો દેવતાને નિમંત્રતી,
કે તજી લોકસીમાઓ સીમા ના જયાં તહીં જઈ
ભાવાવેશે ભર્યે હૈયે ભેટતી ના ભવના ભજનીયને,
કે અંતરતણી આગે ભુવને ના હતી આગ લગાડતી.
ગધે જીવનના એક સંયમી ઉપનામ એ,
સંમત સ્થાનમાં માત્ર રંગ એને પૂરવો પડતો હતો,
કલ્પનાભાવની ક્ક્ષા બ્હાર એને ન 'તી છૂટ જવાતણી,
લયમેળોતણી મધ્યે અતિશે ઉચ્ચ કે બૃહત્
મર્યાદાનો કરી ભંગ એ જઈ શકતી ન 'તી.
આદર્શની હવામાંયે ઊડતો જવ હોય એ
ત્યારેય નીલ આકાશે ઉડ્ડયન વિચારનું
ન 'તું લુપ્ત થઈ જતું :
વ્યોમોમાં દોરતો 'તો એ પુષ્પની પ્રતિરૂપતા
જ્યાં શિસ્તબદ્ધ સૌન્દર્ય ને સ્વારસ્યે શોભમાના પ્રભા હતી.
મિતાચારી સાવધાન આત્મા રાજ્ય ચલાવતો
હતો જીવનની પરે :
એનાં કાર્યો હતાં શસ્ત્રો વિમર્શંત વિચારનાં,
એટલાં તો હતાં ઠંડાં કે એ પોતે ભભૂકવા
કે ભભૂકાવવા વિશ્વ શક્તિમાન હતાં નહીં,
કે કૂટનીતિની ચાલો રૂપ તેઓ હતાં સાવધ બુદ્ધિની,
પૂર્વકલ્પિત ઉદ્દેશ્ય માટેનાં સાધનોતણી
કરી જોતાં ચકાસણી,
કે એ સર્વોચ્ચ કક્ષાએ યોજના કો શાંત સંકલ્પની હતાં,
કે દેવોના ગુપ્ત કોષો જીતી લેવા માટેની ચાલ યુદ્ધની
અંતરર્યામી કોઈ ઉચ્ચ સેનાનીના નિદેશની,
કે વેશપલટે રે'તા રાજા માટે
જીતી લેવા મહિમાધામ કો જગત્ ,
ન એ સહજ આત્મનું પ્રતિબિંબન પાડતાં,
સત્-તા અને અવસ્થાઓ એની તેઓ હતાં સૂચવતાં નહીં,
ન સચૈતન્ય આત્માનાં તેઓ ઉડ્ડયનો હતાં,
નિઃસ્પંદ પરમાત્માની સાથેની જિંદગીતણી
ઘનિષ્ઠતાતણાં ન 'તાં પ્રતીક પાવન
કે શાશ્વતતણે પંથે પવિત્ર ગતિ એહની.
યા તો શરીરને માટે ઉચ્ચ કો ભાવનાતણા
ગૃહ એક રચાયું 'તું ગોઠવીને ઈંટો છેક અડોઅડ;
કર્મ-વિચાર બન્નેએ પાકો સંયોગ મેળવી
રચી 'તી ક્ષુદ્ર આદર્શો કેરી ભીંત
સીમાબદ્ધ કરતી ચૈત્ય આત્મને.
ધ્યાન સુધ્ધાંય ધ્યાતું 'તું બેસી સંકટ આસને;
ઐકાંતિક પ્રભુ પ્રત્યે પૂજાભાવ વળ્યો હતો,
એક મંદિરમાં વિશ્વરૂપને પ્રાર્થતો હતો
જે મંદિરતણાં દ્વારો વિશ્વ માટે હતાં બંધ રખાયલાં:
પડતું 'તું ઘૂટણે યા અશરીરી અવ્યક્તરૂપ અર્ચતું
મન એક વસાયેલું પ્રેમપોકાર ને પ્રેમાગ્નિની પ્રતિ :
તર્ક વાદ પરે સ્થાપ્યો ધર્મ હૈયું સૂકવી નાખતો હતો.
હતો એ યોજતો કાર્યો નિબાર્ધ જિંદગીતણાં
નિયમે નીતિશાસ્ત્રના,
અથવા કરતો હોમ અગ્નિજવાળા વિનાના શીત યજ્ઞમાં.
પડયો 'તો ધર્મનો ગ્રંથ એના પવિત્ર પાટલે,
ભાષ્યના રેશમી દોરે લપેટીને રખાયલો:
સિદ્ધાંતમતથી એનો દિવ્ય અર્થ સીલબંધ બન્યો હતો.
[ શાંત પ્રદેશ હ્યાં એક હતો કીલિત ચિત્તનો,
પ્રાણ હ્યાં ન હતો સર્વ કાંઈ, ને ના
ભાવોદ્રેક કેરો અવાજ હ્યાં હતો;
પોકાર ઇન્દ્રિયગ્રામ કેરો ડૂબી ગયો 'તો ચૂપકી મહીં.
ન 'તો ચૈત્ય, ન 'તો આત્મા, મન કેવળ ત્યાં હતું;
ને પોતે ચૈત્ય ને આત્મા હોવા કેરો દાવો એ કરતું હતું.
પોતાને પેખતો આત્મા મનના એક રૂપમાં,
લોપ પામી જતો પોતે મહિમામાં વિચારના,
જે વિચાર હતો જ્યોતિ સૂર્ય જેમાં પામી અદૃશ્યતા જતો.
સાવિત્રી અવ આવી કો દૃઢ ને સ્થિર સ્થાનમાં,
જ્યાં નિઃસ્પંદ હતું સર્વ
અને જ્યાં વસ્તુઓ સર્વ નિજ સ્થાન સાચવી રાખતી હતી.
પ્રત્યેક કરતું પ્રાપ્ત પોતે જેની પ્રાપ્તિની શોધમાં હતું
અને એને હતું જ્ઞાન સ્વ લક્ષ્યનું.
સૌમાં અંત્ય પરાકાષ્ઠા પામેલી સ્થિરતા હતી. ]*
* ( સાંકડી જિંદગીના આ પગપાળા વિચાર ને
સંકલ્પ નીકળ્યા બ્હાર નાના એક ખંડના અવકાશમાં
જ્યાં ન 'તો ચૈત્ય, ને ચિત્ત વિચાર કરતું જહીં
ક્ષુદ્ર નિશ્ચિતતાઓથી રહી તુષ્ટ પ્રપાસ કરતું હતું,
એ એને લાગતું અગ્ર સત્-તા કેરા વૃત્તખંડતણું અને
જિંદગીની ખોજ કેરું અંતે આવેલ વર્તુલ.
હતું એ સ્વર્ગનું ધામ અભિષિક્ત આરામાર્થે વિચારના
જ્યાં કશું ઢૂંઢવાનું કે જાણવાનું ન 'તું બાકી રહી ગયું,
હતું મંદિર એ એક સુજ્ઞ સંતુષ્ટ પ્રાણનું. )
તહીં આગળ આવી કો ખડો એક મહતત્વે પૂર્ણ મસ્તકે
અને દંડે એના હાથમહીં હતો;
એની ચેષ્ટા અને એના અવાજમાં
મૂર્ત્તિમંતી આદેશાત્મકતા હતી;
કંડારાઈ હતી એની વાણી જ્ઞાને પાષણીભૂત રૂઢિના,
દેવવાણીતણી ગંધ એનાં વાક્યોમહીં હતી.
" ઓ મુસાફર યા યાત્રી અંતર્વર્તી જગત્ તણા,
નસીબદાર છે તું કે પામ્યો છે તું પરમોચ્ચ વિચારની
નિશ્ચયાત્મક પ્રોજજવલંતી અમારી સપ્રભા હવા.
જિંદગીના શ્રેષ્ઠ માર્ગ માટે ઓ હે અભીપ્સું ! તું
અહીંયાં કર પ્રાપ્ત તે;
વિરમી શોધમાંથી જા અને શાંતિમહીં રહે.
અમારું ધામ છે ધામ વૈશ્વ નિશ્ચિતિનું ધ્રુવા.
અહીં છે સત્ય, છે આંહી પ્રભુની સ્વરમેળતા.
દે તારું નામ નોંધાવી વિશિષ્ટોની વહી મહીં
અલ્પોની સંમતિ દ્વારા થઈ દાખલ જા, અને
લે તારું જ્ઞાનનું સ્થાન, લે તારી માનસે જગા,
જિંદગીની ઓફિસેથી કઢાવી લે તારી ટિકિટ વર્ગની.
ને જે ભાગ્યે બનાવી છે
અમારા માંહ્યની એક તને તેને પ્રશંસ તું.
જે બધું હ્યાં સૂચિપત્રી ગ્રંથે બદ્ધ થયેલ છે,
પ્રભુ જીવનને જેની આપે છે છૂટ, તે બધું
અને જે કાયદા કેરી યોજનામાં પડેલ છે
તે સર્વ જાણવા કેરી શક્તિ છે મનની મહીં.
આ છે અંત અને એની પાર બીજું કશું નથી.
આખરી દીવાલ કેરી છે અહીંયાં સલામતી,
અહીંયાં સ્પષ્ટતા સ્વચ્છ જ્યોતિની તરવારની,
અહીંયાં છે જય એક જ સત્યનો
અહીંયાં જવલતો હીરો નિર્દોષ સંમુદાતણો.
સ્વર્ગ ને પ્રકૃતિ કેરું કૃપાપાત્ર, નિવાસ કર આ સ્થળે."
પરંતુ અતિસંતુષ્ટ જ્ઞાનીને એ આત્મવિશ્વાસ દાખતા
દેતી ઉત્તર સાવિત્રી, એના જગની મહીં
દૃષ્ટિની મુક્તિ ઊંડેરી ને સંદેહ બતાવતો
શબ્દ અંતરનો નાંખી હૃદયે જન્મ પામતો.
કેમ કે હ્યાં ન 'તું હૈયું બોલતું, માત્ર બુદ્ધિની
પ્રભા દિવસની સ્પષ્ટ હતી રાજ્ય ચલાવતી,
માર્યાદિત કરી દેતી, ઠંડીગાર ને ભરી ચોકસાઈથી.
" છે તેઓ સુખિયા જેઓ વસ્તુઓની આ અરાજકતામહીં,
કાળનાં પગલાંઓની થતી આ આવજામહીં
મેળવી શકતા એકમાત્ર સત્ય અને ધર્મ સનાતન :
આશા, શંકા અને બીકે એ અસ્પષ્ટ રહી જીવન જીવતા.
સુખિયા છે જનો જેઓ
આ અનિશ્ચિત સંદિગ્ધ જગમાં સ્થિર માન્યતા
પર લંગર નાખતા,
યા તો ઉર્વર ભૂમિમાં હૈયા કેરી ઉપ્ત છે જેમણે કર્યું
બીજ નાનું અધ્યાત્મ ધ્રુવતાતણું.
સૌથી વધુ સુખી છે તે જે ઊભા છે શ્રદ્ધાના શૈલની પરે.
પસાર પણ મારે તો થવાનું છે
તજીને આ અંત પામેલ ખોજને,
તજીને સત્યનું પૂરું પરિણામ આ
દૃઢ ને અવિકાર્ય જે,
અને જગતના તથ્થતણું શિલ્પ તજી સંવાદિતા ભર્યું,
આભાસી વસ્તુઓ કેરા વ્યવસ્થાએ બદ્ધ આ જ્ઞાનને તજી.
હ્યાં રહી શકતી ના હું, કેમ કે ઢૂંઢું છું મુજ આત્મને."
શુભ્ર સંતુષ્ટ એ વિશ્વે કોઈયે ના વધું કાંઈ જવાબમાં,
યા તો અભ્યસ્ત માર્ગોએ માત્ર તેઓ પોતપોતાતણા વળ્યા,
એ હવામાં પ્રશ્ન જેવું સુણી આશ્ચર્ય પામતા,
કે વિચારો પાર પ્રત્યે હજી પણ વળી શકે
અને વિલોકી બની વિસ્મિત એ જતા.
પરંતુ બબડયા થોડા વટેમાર્ગુ સગોત્ર ગોલોકોતણા;
આપ્યો નિર્ણય પ્રત્યેકે સાવિત્રીએ ઉચ્ચારેલ વિચારનો
પોતાના પંથના રૂઢ સિદ્ધાંત અનુસારમાં,
" તો છે આ કોણ કે જેને નથી જ્ઞાન
કે આત્મા એક નાનામાં નાની છે ગ્રંથી કે છે દોષ સ્રાવનો,
જેનાથી મનના સુજ્ઞ રાજ્યે વ્યાપે અશાંતતા,
કે જે મસ્તિષ્કને કાર્યે અવ્યવસ્થિતતા ભરે,
કે જે પ્રકૃતિના મર્ત્ય ગ્રહે રે'નાર ઝંખના,
કે કર્ણમાં જપાયેલું સ્વપ્ન પોલા વિચારની
ગુહામાંહ્ય મનુષ્યની,
લંબાવવા ચહે છે નિજ સ્વલ્પ દુઃખી જીવનકાળને,
કે બાઝી જિંદગીને જે રહે છે મૃત્યુસાગરે ? "
બોલ્યા બીજા, " નહીં, એ તો ઢૂંઢે છે નિજ આત્માને.
પ્રભુના નામની છે જે છાયા વૈભવશાલિની,
છે પ્રકાશ નિરાકાર આદર્શના પ્રદેશનો,
મન કેરો પવિત્રાત્મા છે જે પરમપૂરષ;
સીમાઓ કિંતુ એની ના સ્પર્શી કો'એ કે જોયું મુખ એહનું.
પ્રત્યેક ચૈત્ય છે ક્રોસે ચઢાવેલો પુત્ર પરમ તાતનો,
મન છે ચૈત્ય કેરો એ એકમાત્ર પિતા, ચિન્મય કારણ,
ભૂમિકા જે પરે કંપે અલ્પ કાળ માટેની ભંગુર પ્રભા,
મન સર્જક છે એકમાત્ર દૃશ્ય જગત્ તણો.
જે બધું છે અહીંયાં તે છે વિભાગ આપણા જ સ્વરૂપનો;
મનોએ આપણાં સર્જ્યું છે જગત્ જ્યાં આપણે રહીએ છીએ."
ગૂઢવાદી અન્ય એક ને અસંતુષ્ટ આંખનો,
જે હણાયેલ પોતાની માન્યતા ચાહતો હતો
ને જે એના મૃત્યુના શોકમાં હતો,
તે બોલ્યો, " છે રહ્યું એક જે શોધે પારપારને ?
શોધી હજી શકશે શું માર્ગ, ખોલી શકાશે દ્વાર શું હજી ? "
આમ એ સંચારી આગે મૌન વ્યાપ્ત નિજ આત્મામહીં થઈ.
આવી એ એક માર્ગે જ્યાં હતી ભીડ ઉત્સાહી એક વૃન્દની,
પાવકીય પદે દીપ્ત તેઓ આગે જતા હતા,
આંખમાં એમની સૂર્યપ્રભા હતી,
ધસતા એ હતા આગે પ્હોંચવાને ગૂઢ દીવાલ વિશ્વની,
બાહ્ય મનમહીં જાવા ઢાંક્યાં દ્વારમહીં થઈ
જ્યાં નથી આવતી જ્યોતિ, આવતો ના અવાજેય નિગૂઢનો,
અવગૂઢ આપણાં જે છે માહાત્મ્યો ત્યાંના સંદેશવાહકો,
ગુપ્ત આત્મગુહામાંથી આવનારા તેઓ અતિથિઓ હતા.
અધ્યાત્મ ધારણે ઝાંખા ઘૂસી તે આવતા હતા,
યા જાગ્રત અવસ્થાની ઉપરે આપણી હતા
એ મહાશ્ચર્ય વેરતા,
વેરતા 'તા વિચારો એ આવજા જે કરતા 'તા પ્રભાપદે,
અજાત સત્યતા કેરી સૂચનાઓવાળાં સપન સારતા,
વિચિત્ર દેવીઓને એ લાવતા 'તા
જેમની આર્દ્ર ને ઊંડી આંખોમાં જાદુઓ હતા,
અનિલાલખિયા દેવો બળવંતા આશાના બીનને લઈ,
હેમવર્ણી હવામાંહે સરકંતાં
મહાન દર્શનો ચંદ્રચંદ્રિકાએ ચકાસતાં,
સૂર્યસ્વપ્ન અભીપ્સાનું ધારતા નિજ મસ્તકે,
ને કંડારેલા નક્ષત્રો જેવાં છે અંગ જેમનાં,
સામાન્ય હૃદયોને જે અર્પતા 'તા ઉદાત્તતા
એવા ભાવોવડે ભર્યા.
દેદીપ્યમાન એ વૃન્દે સાવિત્રી સાથમાં ભળી,
ઝંખના સેવતી તેઓ ધારતા 'તા તે આધ્યાત્મિક જ્યોતિની,
તેમની પેઠે લેવાને ઉગારી પ્રભુનું જગત્
ઉતાવળી બની એકવાર લાલાયિતા થઈ;
પરંતુ નિજ હૈયાનો ઉચ્ચાવેગ લીધો એણે લગામમાં;
જાણતી એ હતી કે છે સૌથી પ્હેલાં શોધવાનો નિજાત્મને.
પોતાને જે ઉગારે છે તેઓ માત્ર ઉગારી અન્યને શકે.
ઊલટા અર્થમાં એણે જિંદગીની સમસ્યા રૂપ સત્યની
પ્રત્યે સંમુખતા ધરી;
તેઓ લઈ જતા જ્યોતિ દુખિયારા જનો કને
બાહ્ય જગતની પ્રત્યે ત્વરમાણ આતુર પગલે વધ્યા;
સાવિત્રીની હતી આંખો ફેરવેલી શાશ્વત પ્રભવ પ્રતિ.
લંબાવી હાથ સાવિત્રી ટોળાને રોકવા વદી;
" પ્રકાશમાન દેવોના સુખિયા સમુદાય ઓ !
બતલાવો મને માર્ગ, જાણો છો તે, મારે જ્યાં જોઈએ જવું,
કેમ કે ઊજળો દેશ એ તમારો નિવાસ છે,
મારે મેળવવાનું છે જન્મસ્થાન ગુહાનિહિત અગ્નિનું
ને મારા ગૂઢ આત્માનું ધામ ઊંડાણમાંહ્યનું."
વધો જવાબમાં એક નિર્દેશી મૌન ધૂંધળું
નિદ્રા કેરી કિનારીએ સુદૂરની
અંતર્જગતની કોઈ પૃષ્ઠભૂમિએ દૂરવર્તિની.
" ઓ સાવિત્રી ! અમે તારા ગુપ્ત આત્મામહીંથી આવીએ છીએ.
સંદેશવાહકો છીએ, દેવતાઓ નિગૂઢના,
નીરસ જડસાં મૂઢ જીવનોને મનુષ્યના
સહાય કરીએ છીએ,
દીપ્તિએ ને દિવ્યતાએ કરીને સ્પર્શ તેમને
સૌન્દર્ય અને વસ્તુજાત કેરી આશ્ચર્યમયતા પ્રતિ
પ્રબુદ્ધ કરીએ છીએ;
પાપમાં પ્રજવલાવીએ છીએ જવાલા સાધુતાતણી
અને અજ્ઞાનમાર્ગોએ જ્ઞાન કેરીમશાલ ધરીએ છીએ;
તારી ને સર્વ લોકોની જ્યોતિ પ્રત્યે અભીપ્સા તે અમે છીએ.
માનુષી પ્રતિમા, છદ્મવેશ ઓ પરમેશના,
શોધે છે જે દેવતા તે તારામાં જ તું છુપાવેલ રાખતી,
ને જેને તેં નથી જાણ્યું તેહ સત્ય વડે તું જીવમાન છે,
વંકાતા વિશ્વના માર્ગે માર્ગે જા તું છે એનું મૂળ જ્યાં તહીં.
જવલ્લે કોઈ પ્હોંચ્ચા છે ત્યાંની નીરવતામહીં,
ખુલ્લી શિલા પરે જોશે જળતો અગ્નિ તું તહીં,
ને તારા ગૂઢ આત્માની જોશે તું ગહના ગુહા."
પછી અનુસરી મોટો માર્ગ બંકિમ જે જતો
ને થતો સાંકડો જેહ હ્રાસ પામી જઈ ક્રમે,
વિરલા ને ઘવાયેલા યાત્રી-પાપ જહીં
ત્યાં સાવિત્રી પછી આવી.
અજ્ઞાત ગહાવરોમાંથી પ્રકટયાં ત્યાં થોડાંક રૂપ ઊજળાં
ને એમણે નિહાળ્યું ત્યાં એની પ્રત્યે શાંત અમર આંખથી.
ન 'તો અવાજ ત્યાં એકે ધ્યાનમગ્ન મૌનમાં ભંગ પાડવા;
હતી અનુભવાતી ત્યાં ચૈત્યાત્માની સ્વરહીન સમીપતા.
ચૈત્યાત્માની ત્રિવિધ શક્તિઓ
અહીં એક નીચી ઉદાસીન ભોમ આગળથી આરોહવાનો ઉત્સાહ આરંભાતો હતો. ત્યાં કાળા વાળના વાદળમાં ચંદ્રમા સમાન વદનવાળી એક સ્ત્રી દેખાઈ. ખડ-બચડી જમીન ઉપર આવેલા એક ઘાયલ કરતા તીણા પથ્થર ઉપર એના પગ રાખેલા હતા. જગતની ટૂકો ઉપરની એ દિવ્ય દયા હતી અને સંસારને પોતાના દુઃખભર્યા દેહ રૂપે સ્વીકારી લઈ એ સર્વે ના સંતાપ અવલોકી રહી હતી. સાત સંતાપોની એ માતાના હૃદયે સાત ઘા ઝરતા હતા. એક ઊંડી કરુણાના રસમાં એ લીન હતી. એણે કોમળ સ્વરે શરૂ કર્યું :
" ઓ સાવિત્રી ! હું તારો છૂપો આત્મા છું. મારાં સંતાનોના સંતાપો હું મારા હૃદયમાં લઈ લઉં છું. દેવોના નિર્દય સમારની નીચે દુઃખથી અમળાનારાઓનો હું આત્મા છું, હું સ્ત્રી છું, ધાત્રી છું, ગુલામડી છું, પરોણા ખાતું પશુ છું. મને મરનારના હસ્ત ઉપર પણ હું હેતથી હાથ ફેરવું છું, મારા પ્રેમને તુચ્છકારનારની પણ હું સેવાચાકરી કરું છું, માનીતી રાણીને સ્થાને રહું છું ને લાડવાયી ઢીંગલી પણ બનું છું. હું અન્નપૂર્ણા છું, પૂજાતી ગૃહદેવતા છું. આચરાતા લાખલાખ અત્યાચારો જોયા છતાંય હું કશું કરી શકી નથી. બચાવવાનું બળ મારામાં નથી. માત્ર મારી નિષ્ફળ પ્રાર્થના ઊર્ધ્વે આરોહતી રહી છે. મારામાં એક અંધ શ્રદ્ધા અને દામણી દયા રહેલાં છે. પ્રભુ પ્રત્યે પેખતી આશા મારામાં છે. ' હું આવું છું ' એવું પ્રભુ કહે છે પણ હજી સુધી એ આવ્યો નથી. છતાંય હું જાણું છું કે એ આખરે આવશે."
એ જેવી બોલાતી બંધ પડી તેવો જ એના દયાભાવના જવાબમાં એક સમયનો દેવ એવા એક રિબાતા અસુરોનો અવાજ ગાજી ઉઠ્યોઃ
" હું વિષાદોનો માનુષ છું. મારી વેદનાઓનો આનંદ લેવા માટે પ્રભુએ પૃથ્વી બનાવી છે. વિશ્વવિશાળ ક્રોસ ઉપર મને ખીલે મારેલો છે. અનિર્વાણ અગ્નિની મેં શોધ કરી છે ને પોતે પેટાવેલા પાવકમાં હું ફૂદા માફક બળું છું. હું
કરવા માગું છું તે હું કદી કરી શકતો નથી. મારા વિચારની ધારથી નરક, અને મારા સ્વપ્નના મહિમાથી સ્વર્ગ મને રિબાવે છે. હું છું બંડખોર પણ નિઃસહાય. ભવ અને ભાગ્ય મને છેતરે છે અને મારી મહેનતનું બધું પડાવી લે છે. મને ગુલામીના પાઠો પઢાવાય છે. પ્રભુ સામે ને માનવ સામે મારો વિરોધ છે. દયા દુર્બળતા છે. એકવાર મારો જવાળામુખી ફાટી નીકળશે તો હું સારા સંસાર ઉપર મારું સામ્રાજય સ્થાપીશ ને ઈશ્વરની જેમ મનુષ્યોનાં સુખદુઃખનો ઉપભોગ કરીશ. દુઃખ સહેવામાં મારી શ્રેષ્ઠતા રહેલી છે. હું દુષ્ટ છું ને દુષ્ઠ રહીશ; હું દુઃખ વેઠીશ, જહેમત ઉઠાવીશ, રડીશ અને ધિક્કારીશ."
સાવિત્રીએ સંભાળ્યું ને પોતાના દયાના સ્વરૂપની પ્રતિ વળી ઉચ્ચાર્યું : " ઓ દિવ્ય દયાની દુઃખમયી દેવી ! તું મારું જ એક પ્રકટ અંશસ્વરૂપ છે. તું છે તેથી મનુષ્યો દુર્ભાગ્યવશ થઈ જતા નથી. એક દિવસ બળ લઈને હું પાછો આવીશ ને તારાં અંગો ઓજથી ઊભરાઈ જશે, જ્ઞાન તારા ભાવિક હૃદયનું સંચાલન કરશે, તારો પ્રેમ માનવજાતને બાંધશે, દુઃખ દુનિયામાંથી દેશનિકાલ થશે, રાક્ષસી ક્રૂરતામાંથી જગત મુક્ત બનશે ને સર્વે સદાકાળ સુખશાંતિમાં સહેલશે."
સાવિત્રી આગળ ચાલી. ત્યાં આત્માના ઊર્ધ્વમાર્ગે સર્વ કંઈ સુંદર હતું. અહીં એક શિલામય સિંહાસન ઉપર એક સ્ત્રીનાં દર્શન થયાં. સોનેરી-જામેલી એનાં વસ્ત્રો હતા. એના હાથમાં હતું ત્રિશૂલ ને વજ્ર; એક પોઢેલા સિંહની પીઠા ઉપર એના પાય હતા. પાતાળનાં સત્ત્વો એનાથી ભય પામતાં હતાં. એ હતી શક્તિસ્વરૂપિણી દેવી. એ બોલી:
" સાવિત્રી ! હું તારો ગુપ્ત ચિદાત્મા છું. આ જગતમાં ઊતરી આવીને હું દૈવી ને આસુરી શક્તિઓના યુદ્ધને જોઈ રહી છું. હું દુર્ભાગીઓને સહાય કરું છે, વિનાશ પામવા બેઠેલાઓને બચાવી લઉં છું. દલિતોના પોકારો પ્રત્યે મારા શ્રવણ વળેલા છે. અત્યાચારીઓનાં સિંહાસન હું ઉથલાવી નાખું છું. તજાયેલાઓ અને તુરંગનો ત્રાસ વેઠનારાઓ મારા આવાગમનની વાટ જોતા હોય છે. હું છું દુર્ગા, અસુરવિનાશિની, દૈત્યોને એમની બોડમાં જ પૂરા કરનારી દેવી. સૌભાગ્યશાળીઓની હું લક્ષ્મી છું. સંહાર-સમયે હું કલીનું મુખ ધારણ કરું છું. પ્રભુએ મને એના કામની સોંપણી કરી છે ને કશાનીય પરવા કર્યા વગર હું તે કરતી રહું છું. થોડાકને હું પ્રકાશ પ્રત્યે દોરી જઉં છું, થોડાકને હું બચાવી લઉં છું, પણ મોટા ભાગના અરક્ષિત રહેલા પાછા પડે છે. મારા કઠોર કાર્યને માટે મેં મારા હૃદયને કઠોર બનાવ્યું છે. ધીરે ધીરે પૂર્વમાં પ્રકાશ પ્રકટે છે, જગત ધીરે ધીરે પ્રભુને માર્ગે પ્રગતિ કરે છે. પ્રભુ જયારે પૃથ્વીના આત્માને મળવા પ્રકટ થશે ત્યારે હું સ્વર્ગના રૂપેરી દરવાજાનો રૂપારવ સાંભળીશ."
આના ઉત્તર રૂપે નીચેના માનવ લોકમાંથી એક પ્રતિધ્વનિ આવ્યો. શૃંખલિત વામણા દૈતેય માનસમાં થઈ એ પસાર થયો હતો. કામનાના આ મોટા જગતનો
અહંકાર બોલતો હતો. માણસના ઉપયોગ માટે એ પુથ્વી અને સ્વર્ગ ઉપર અધિકાર ધરાવવા વાંછતો હતો. વિચાર કરતું પશુ પ્રકૃતિનો પ્રભુ બનવા માગતું હતું. એની પીડાઓ એની પ્રગતિનું સાધન છે. એનું મૃત્યુ અમૃતત્વની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. એનો આત્મા પ્રકૃતિનો મહેમાન છે, એનું સચેત મન પ્રકૃતિનો બળવાન ને બંડખોર સેવક છે. અવાજ આવ્યો:
" હું પૃથ્વીની શક્તિઓનો વારસ છું, એના કીચડમાં વિકસિત થતું દૈવત છું. સ્વર્ગના સિંહાસન પર મારો દાવો છે. પાંચે તત્ત્વો મારે માટે જ અસ્તિત્વ ધરાવે છે. હું એમને મારી સેવામાં પલોટું છું. અજ્ઞાન અને અબળ જન્મેલો હું પ્રકૃતિથી વધારે મોટો અને ઈશ્વરથી વધારે ડાહ્યો છું. પ્રભુએ અધૂરું રાખેલ હું પૂરું કરું છું. પ્રથમ સ્રષ્ટા પ્રભુ, તો હું અંતિમ સ્રષ્ટા છું. પંચ તત્ત્વ ઉપર પ્રભુત્વ મેળવીને હું મારા ચમત્કારોનાં યંત્રો ચલાવીશ. સ્થૂલ તેમ જ સૂક્ષ્મના કાયદા મારા કબજામાં આવશે. પૃથ્વીનો પ્રભુ બનીને હું સ્વર્ગને સર કરીશ."
સાવિત્રી પોતાની શક્તિના સ્વરૂપને સંબોધી બોલી:
" ઓ શક્તિસ્વરૂપિણી દેવી ! તું મારા આત્માનો એક અંશ છે. કાળના મહા-પ્રયત્નને ને મનુષ્યજાતિને મદદગાર થવું એ તારું કામ છે. તું છે તેથી તો માણસ આશા રાખે છે ને હામ ભીડે છે, આત્માઓ સ્વર્ગારોહણ કરી શકે છે ને પરમાત્મ -દેવની સમીપમાં દેવો સમાન ચાલી શકે છે. પણ જ્ઞાન વગરની એકલી શક્તિ હવાઈ છે, એ શાશ્વત વસ્તુઓનું મંડાણ કરી શક્તિ નથી. એક દિન હું પાછી આવીશ અને પ્રકાશ લાવીશ. તારું જ્ઞાન તારી શક્તિ ઉભય બૃહદાકાર બની જશે. મનુષ્યો દ્વેષરહિત બની જશે, દુર્બળતા દૂર થઈ જશે, અહંકાર ઓગળી જશે ને બધું જ બળપૂર્ણ, પરમાનંદપૂર્ણ ની જશે."
આગળ આરોહતાં સાવિત્રી એક ઉન્નત ને સુખારામ ભર્યા સ્થાનમાં આવી.. એક જ દૃષ્ટિએ ત્યાંથી બધું જોઈ શકાતું હતું, સર્વ ત્યાં સામંજસ્યભર્યું હતું. ત્યાંના સ્ફાટિકશુચિ પ્રકાશમાં એક દેવી બિરાજેલી હતી. એણે મંદ સંગીતમય સુસ્વરે સાવિત્રીને સંબોધી :
" સાવિત્રી ! હું તારો ગૂઢ આત્મા છું. ઘવાયેલી વેરાન પૃથ્વીના ઘા રુઝાવવા ને એના હૃદયને સુખશાંતિએ ભરવા માટે હું આવેલી છું. હું છું શાંતિ ને છું પ્રેમપૂર્ણ દયાભાવ, હું મૌન છું, વિશ્વના નકશાનો અભ્યાસ કરતું જ્ઞાન છું, શુભમાં શુભ માટે હું શ્રમ સેવું છું, પ્રભુ માટે કાર્યરત રહું છું, સ્ખલનોનેય આરોહણનાં પગથિયામાં પલટાવી દઉં છું.
પ્રભુ અનેક સ્વરૂપોએ મનુષ્યમાં વૃદ્ધિ પામે છે, ને માનવ માટીને સ્વર્ગના સુવર્ણનું રૂપ આપે છે. પ્રભુ શુભ છે, પ્રભુ અનિષ્ટો સામેનું પવિત્ર યુદ્ધ છે, ચિતાભસ્મમાંથી ઊભી થતી મુક્તિ છે, વિકટ વાટની રક્ષા કરતી મરણિયણ વીરતા છે, ઘોર રાત્રિના હૃદયમાં પહેરો ભરતો સંતરી છે. પ્રભુ જ્ઞાન છે, એકલવાયો ઉન્નત
વિચાર છે, પયગંબરી શબ્દ છે, મનોહર સૌન્દર્ય છે, સત્ય છે, બૃહદાત્માની મહા-સંપત્તિ છે, અણુમાં અંતર્લીન અનંતતા છે, મૃત્યુની ભુજાઓમાં ભરાયેલી અમરતા છે. સાન્ત વસ્તુના વિચારને અનંતતા વરશે, શાશ્વતતા કાળનું કાંડું પકડશે ત્યારે મનુષ્ય પોતાની ક્ષુદ્રતામાંથી મુક્ત થશે અને પ્રભુનો અંતેવાસી બની જશે. તે દરમિયાન હું પૃથ્વી ઉપર દેવાત્માઓને ઉતારું છું, આશાનું ઉદ્દીપન કરું છું, રાય અને રંકને શાંતિ સમર્પું છું, અજ્ઞ તેમ જ પ્રજ્ઞની ઉપર કૃપા દર્શાવતી રહું છું. પૃથ્વી કબૂલ થશે તો હું એને બચાવી લઈશ."
એ બોલી ને પાતાળપ્રદેશમાંથી એક વિકૃત અને ધ્રૂજારીએ ભરેલો પડઘો આવ્યો. ઇન્દ્રિયોથી શૃંખલિત થયેલું માનવ મન ઈશ્વરી શક્તિ સામે ગર્વિષ્ઠ આક્રોશ કરવા લાગ્યું. માણસ સપાટીઓ જ જુએ છે, થોડાક ઊંડાણમાં ઊતરી શકે છે, પણ સત્યના આત્માને જોઈ શકતો નથી. આકળો બનીને એ જ્ઞાન માટે તરવાર ચલાવી જુએ છે, પણ એના ઘાથી સત્યનો આત્મા કાં તો છટકી જાય છે, કાં તો મરણશરણ થાય છે, એને તર્કસિદ્ધિ ગોચર વસ્તુ ખાતરીબંધ જણાય છે. એનું જ્ઞાન અજ્ઞાનના મહાસાગરના કાંઠા ઉપરના કાંકરા જેવું જ હોય છે. આમ છતાંય ઊઠેલા આક્રોશમાં ભવ્યતાનો સ્વરભાર હતો, વિશ્વવ્યાપી કારુણ્ય એના સૂરમાં કંપમાન બનેલું હતું :
" હું પ્રભુના મોટા અજ્ઞાની જગતનું મન છું, ને એનાં રચેલાં પગથિયાં પર થઈ જ્ઞાનની દિશામાં આરોહતું રહું છું. છે તે સર્વની શોધે લાગેલો હું વિચાર છું, જડ પદાર્થ ને ગોચરતાની સાંકળે બંધાયેલો દેવ છું, કાંટાળી વાડમાં પુરાયેલું પશુ છું, એરણ સાથે અટવાઈ ગયેલો લુહાર છું. મેં આકાશના અને આકાશના તારાઓના માપસર નકશા દોર્યા છે, એમના આયુષ્યનો અડસટ્ટો કાઢ્યો છે, પૃથ્વીના પેટાળમાં પ્રવેશી ત્યાંની સંપત્તિ બહાર ખેંચી કાઢી છે. પદાર્થ વિજ્ઞાનની પદ્ધતિએ મેં ઘણું ઘણું પ્રાપ્ત કર્યું છે, પૃથ્વીનું, જીવનનું, જીવાણુઓનું, વનસ્પતિનું, માણસની ઉત્પત્તિ અને વંશાવલિનું જ્ઞાન મેં મેળવ્યું છે. પ્રભુ જો કામ કરતો હોય તો તેનાં રહસ્યો મેં શોધી કાઢયાં છે. જોકે હજુ કેટલુંક રહસ્યમય જેવું રહી ગયું છે તો પણ તે ઝાઝો સમય એવું નહિ રહે.
મારી મોટી ફિલસૂફીઓ તાર્કિક અનુમાનો છે, ગૂઢ સ્વર્ગો ભેજાની કલ્પનાની કરામતો છે, બધું જ અડસટ્ટો છે, સ્વપ્ન છે. એમાં પડયા વિના મને મારી મર્ત્ય સીમાઓમાં રહીને જ કામ કરવા દો. પ્રાણીમાત્રને મર્યાદા છે ને તેમાં જ એને રહેવાનું છે. માણસ શી રીતે અમર અને દિવ્ય બની શકે ? માયાવી દેવતાઓ એવાં સ્વપ્ન ભલે સેવે, વિચારવંત મનુષ્ય તેમ નહિ કરે."
સાવિત્રીએ સ્વર ને એનો વિકૃત ઉત્તર સાંભળ્યો, ને એ પોતાના પ્રકાશના સ્વરૂપ પ્રત્યે વાળીને બોલી :
" ઓ પ્રકાશની દેવી ! સુખ અને શાંતિની માતા ! તું જ મારો એક પ્રકટ
અંશ છે. તું છે તેથી આત્મા વિસ્મૃત શિખરોએ આરોહશે ને ચૈત્ય પુરુષ સ્વર્લોકના સ્પર્શથી જાગ્રત થશે. તું છે તેથી જીવ શિવની સમીપ સરે છે, દ્વેષ હોવા છતાંય પ્રેમ પ્રવૃદ્ધ થાય છે, અંધકારગર્તમાં જ્ઞાન અણહણાયેલું રહી ચાલે છે. પરંતુ કેવળ બુદ્ધિની કઠોર શિલામયી ભોમ ઉપર સ્વર્ગની સુવર્ણ વર્ષાથી કંઈ વળવાનું નથી. એના વડે પૃથ્વીની માટીમાં અમર વૃક્ષ ફાલવા ફૂલવાનું નથી, જીવનતરુની ડાળીએ બેસી દિવ્ય વિહંગમ ગાવાનું નથી, સ્વર્ગના સમીરો મર્ત્યલોકના વાયુમંડળમાં વાવાના નથી. અંત:સ્ફુરણાનાં કિરણો તું વર્ષાવશે તોય માનવનું મન એને પાર્થિવ પ્રકાશ જ માની લેશે ને એનો આત્મા આધ્યાત્મિક અહંભાવમાં અલોપ થઈ જશે, એનો ચૈત્ય આત્મા સાધુતાની કુટીરમાં જ સ્વપ્ન સેવતો ભરાઈ રહેશે ને માત્ર પ્રભુની પ્રકાશમયી છાયાને જ ત્યાં અવકાશ મળશે. માણસની શાશ્વત માટેની ક્ષુધા તારે પોષવાની છે, એના હૃદયને દેવોના અગ્નિથી ભરી દેવાનું છે, એના દેહમાં ને જીવનમાં પ્રભુનાં પગલાંને નીચે ઉતારી લાવવાનાં છે.
એક દિવસ પ્રભુનો હસ્ત હસ્તમાં લઈ હું પાછી ફરીશ અને તને પરમપૂર્ણનાં દર્શન થશે. તે અવસરે પરમપાવન વિવાહોત્સવ ઊજવાશે અને પ્રભુના પરિવારનો પ્રસવ થશે. ભુવને ભુવને જ્યોતિ ઝળહળવા માંડશે, શાશ્વત શાંતિ સર્વત્ર વ્યાપી જશે."
નિમ્ન, નત, ઉદાસીન ભૂમિકામાંહ્યથી અહીં
આરોહણાર્થનો આધ ભાવાવેગ શરૂ થયો;
નારી એક હતી બેઠી સજી વસ્ત્રે ઝાંખા ઉજાશથી ભર્યા,
મુખ એનું શશી-શુભ્ર વાદળા શા કાળા વાળમહીં હતું.
માટીનાં રૂખડાં ઢેફાં સાવ સાદા એના આસનમાં હતાં,
એના ચરણની નીચે તીણો ને ઘા કરતો પથરો હતો.
એ હતી કરુણા દિવ્યા શિખરો પર વિશ્વના
સ્પર્શતાં 'તાં દુ:ખશોક જેને સૌ પ્રાણવંતનાં,
જોતી 'તી એ દૂર દૂર ભીતરી મનમાંહ્યથી
બ્હારની વસ્તુઓ કેરું સંદેહાત્મક આ જગત્ ,
જૂઠા દેખાવ છે જેમાં અને સત્યાભાસી આકૃતિઓ જહી,
આ શંકાસ્પદ બ્રહ્યાંડ વિસ્તરેલું અજ્ઞાનાત્મક શૂન્યમાં,
પીડાઓ પૃથિવી કેરી, તારકોનો પરિશ્રમ અને ત્વરા,
જોતી જીવનનો જન્મ મુશ્કેલીએ થતો અને
અંત આતંકથી ભર્યો.
પોતાના દુઃખના દેહરૂપે વિશ્વતણો સ્વીકાર એ કરી
સાત સંતાપની માતા સાત ઘા ધારતી હતી
ને વીંધાઈ એમનાથી હૈયું એનું લોહિયાળું બન્યું હતું :
વિલંબિત થતી એને મુખે સુન્દરતા હતી
ઉદાસીનપણાતણી,
પુરાણાં અશ્રુને અંકે આંખો એની ઝંખવાઈ ગઈ હતી.
વેદનાથી વિશ્વ કેરી હૈયું એનું વિદારાઈ ગયું હતું
ને લદાયું હતું ભારે
કાળમાં જે હતા શોક અને સંઘર્ષ, તે વડે,
એક વ્યથિત સંગીત
એના ભાવ ભર્યા સૂર પૂઠે ખેંચાઈ આવતું.
તલ્લીન ગાઢ કારુણ્ય કેરી મોટી મુદામહીં,
સૌમ્ય રશ્મિ કરી ઊંચું ધૈર્યવંતી સ્વદૃષ્ટિનું
મૃદુ મીઠા અને શિક્ષાદાયી શબ્દોમહીં એ મંદ ઊચરી:
" હે સાવિત્રી ! હું તારો ગૂઢ આત્મ છું.
આવી છું જગની પીડામહીં ભાગ પડાવવા,
લઈ હું લઉં છું હૈયે મારે દુઃખો મારાં બાળકડાંતણાં.
તારકોની તળે છે જે દુઃખશોક ત્યાં હું ધાત્રી બનેલ છું;
દેવો કેરા દયાહીન દંતાળ હેઠ જે બધા
આક્રોશ કરતા દુઃખે અમળાઈ રહેલ છે
તેમનો હું ચિદાત્મ છું.
છું હું નારી તથા ધાત્રી, દાસી છું હું, પશુ છું પીટ પામતું;
કર્યા છે જેમણે ક્રૂર ઘા તે હસ્તોતણી સંભાળ હું લઉં;
જે હૈયાંએ ઉવેખ્યો છે મારો પ્રેમ અને ઉત્સાહ, તેમની
સેવામાં સજ્જ હું રહું;
છું હું આરાધિતા રાણી, ઢિંગલી લાડ માણતી,
અન્નદાત્રી અન્નપૂર્ણા ને છું હું ગૃહદેવતા
પૂજા-અર્ચન પામતી.
જે સૌ દુઃખ સહે છે ને જે સૌ આક્રન્દનો કરે
તે સૌમાં હું રહેલ છું.
પૃથ્વીથી મોઘ આરોહી જતી છે મુજ પ્રાર્થના,
મારાં જીવંત સતત્વોની પીડાઓથી હું આક્રાંત થયેલ છું,
છું હું આત્મા દુઃખની દુનિયામહીં.
રિબાતી માંસમાટીની ને રિબાતાં ઉરોતણી
સ્વર્ગે જે ચીસ ના સુણી
અને પાછી ફરીને જે દેહે ને હૃદયે પડી,
તેણે વિદીર્ણ કીધો છે આત્મા મારો
નિઃસહાય શોકથી ને પ્રકોપથી.
પોતાની ઝૂંપડીમાં મેં નિહાળ્યો છે બળતો કૃષિકારને,
મેં રેંસાતું નિહાળ્યું છે શબ મારેલ બાળનું,
મેં બળાત્કારનો ભોગ બેનેલી ને
નગ્ન કરાયલી, ખેંચી જવાતી સ્ત્રી કેરી છે ચીસ સંભાળી
નારકી કૂતરાઓ શા ટોળા કેરી ભસાભસતણી વચે,
જોયા હું કરતી 'તી, ના હતી શક્તિ મારામાં રક્ષવાતણી.
પ્રભુએ પ્રેમ આપ્યો છે મને, એની શક્તિ આપી નથી મને.
પરોણાએ ચલાવાતા કે તેજીએ પ્રેરતા ચાબખા વડે
પશુના જોતરાયેલા શ્રમકાર્યે છે પડાવેલ ભાગ મેં;
પક્ષી ને પશુની ભોએ ભરેલી જિંદગીમહીં
છું ભાગીદાર હું બની,
એની શિકારની ખોજ રોજ લાંબી દૈવ-આધીન ખાધની,
લપાઈને, દબાઈને એનું ક્ષુધિત ઘૂમવું,
તીક્ષ્ણ ચાંચે અને પંજે પકડાતાં પીડા ને ત્રાસ એહના
એ સૌમાં મુજ ભાગ છે.
સામાન્ય જનના નિત્ય-જીવને મુજ ભાગ છે,
એનાં છોટાં સુખોમાંહે ને છોટી ફિકરોમહીં
દબાણે તકલીફોના ને અનિષ્ટોતણી જડ જમાતમાં,
ન રાહતતણી આશા, એવી શોકસરણીમાં ધરાતણી,
ન ઈચ્છેલા, નિરાનંદ કંટાળો આપતા શ્રમે,
બોજામાં દુઃખના એના, ફટકાઓમહીં એના નસીબના
મારો ભાગ રહેલ છે.
દયા બની રહું છું હું લળેલી દુઃખની પરે,
છું ઘવાયેલ હૈયાને રૂઝ દેતું મૃદુ સ્મિત,
સહાનુભૂતિ છું જેહ જિંદગીની કરે ઓછી કઠોરતા.
અદૃષ્ટ મુખ ને હસ્ત મારા સંવેદે મનુષ્ય સમીપમાં;
બની છું દુઃખ સ્નેહનાર ને એનો આર્ત્તનાદ હું.
કપાયેલ મરાયેલા માણસોની સંગાથે હુંય છું ઢળી,
બંદીની કોટડીમાં હું કારાવાસે એની સાથે રહેલ છું,
કાળની ઘૂંસરી મારે ખભે ભારે બનેલ છે :
સૃષ્ટિના બોજમાંથી હું ના કશું ઇનકારતી,
સહ્યું છે મેં બધું ને હું જાણું છું કે સહેવાનું હજીય છે :
છેલ્લી નિદ્રામહીં જયારે જશે ડૂબી જગત્ તદા
કદાચ હુંય પોઢીશ મૂક શાશ્વત શાંતિમાં.
સહી છે મેં શાંતભાવી સ્વર્ગ કેરી તટસ્થતા,
ક્રૂરતા મેં નિહાળી છે દુઃખ સ્હેતા જીવો પ્રત્યે નિસર્ગની
ને તે વેળા ચૂપચાપ ત્યાં થઈને જતો પ્રભુ
જોયો છે મેં, જે સહાય કરવા વળતો ન 'તો.
છતાં પોકાર મેં કીધો નથી એની ઈચ્છા કેરી વિરુદ્ધમાં
ને આક્ષેપ નથી મૂક્યો વિશ્વમાંના એના નિયમની પરે.
માત્ર આ દુઃખના મોટા ને કઠોર જગને પલટાવવા
છે ઊઠી મુજ હૈયાથી એક ધૈર્યધારણાવંત પ્રાર્થના;
ઈશ્વરાધીનતા એક પાંડુવર્ણી શિર મારું ઉજાળતી,
મારામાં કરતાં વાસ અંધ શ્રદ્ધા અને દયા;
ઓલવી ન શકતો જે કદી એવા હું વૈશ્વાનરને વહું,
સૂર્યોને જે ટકાવે છે તે વહું કરુણા વળી.
હું છું આશા મીટ માંડે છે જે મારા પ્રભુ પ્રતિ,
પ્રભુ મારો ન આવ્યો જે મારી પાસે હજી સુધી;
સ્વર એનો સુણું છું હું, ' આવું છું હું ' એવું હમેશ જે કહે:
જાણું છું કે આવશે એ એક દિવસ આખરે."
અટકી એ, અને એની દિવ્ય આ ફરિયાદમાં
હતી કરુણતા તેના જવાબમાં
નીચાણમાંહ્યથી એક પડઘાના સમાન ત્યાં
ઉપાડી લઈને ઘોર ટેક બોલ્યો અવાજ એક રોષનો,
ઘનગર્જનના જેવો કે કોપેલા હિંસ્રની ત્રાડના સમો,
જે જનાવર ગર્જે છે ઊંડાણોમાંહ્ય આપણાં,
એકદા જે હતો દેવ એવા એક
યંત્રણા વેઠતા દૈત્ય કેરો અવાજ એ હતો.
" છું મનુષ્ય વિષાદી હું, છું હું તે જેહ વિશ્વના
વિશાળા ક્રોસ પે ખીલે મારીને છે રખાયલો;
નિર્મી છે પ્રભુએ પૃથ્વી માણવાને મજા મારી વ્યથાતણી,
મારો ભાવાવેશ એણે બનાવ્યો છે વિષય સ્વીય નાટકે.
મોકલ્યો છે મને એણે નગ્ન એના કડવા જગની મહીં
ને મર્યો છે મને એના દંડાઓથી શોકના ને વ્યથાતણા,
કે હું આક્રોશતો એના ચરણોમાં પેટ ઘસડતો પડું
ને અર્પું અર્ચના મારી મારા લોહી ને મારાં અશ્રુઓ વડે.
ચિરાતો ગીધની ચાંચે પ્રોમીથિયસ હું જ તે,
મનુષ્ય શોધ છે જેણે કરી અમર અગ્નિની,
જગાડી જવાળ એણે જે તેમાં પોતે બળનારો પતંગ શો;
છું ઢૂંઢનાર જેને ના કદી પ્રાપ્તિ થઇ શકે,
છું યોદ્ધો જે કદીયે ના જયશાળી બની શકે,
છું દોડનાર હું જેને કદીયે ના થયો સ્પર્શ સ્વ લક્ષ્યનો;
મારા વિચારની ધારે મને નરક રીબવે,
દીપ્તિએ મુજ સ્વપ્નોની મને સ્વર્ગ રીબાવતું.
મારા માનવ આત્માથી થયો છે લાભ શો મને ?
પરિશ્રમ કરું છું હું પશુ પેઠે, પશુ પેઠે મરી જાઉં.
મનુષ્ય બળવાખોર, છું દાસ નિઃસહાય હું;
ભાગ્ય ને મુજ સાથીઓ
પચાવી પાડતા મારું મ્હેનતાણું મને.
મારી દાસત્વની સીલ રક્તે મારા શિથિલાયિત હું કરું,
દુખતી મુજ બોચીથી ખંખેરી હું
નાખું છું ઢીંચણો અત્યાચારોના કરનારના,
કિંતુ તે પીઠ પે મારી બીજા જુલમગારને
અસવાર બનાવવા:
મારા શિક્ષણદાતાઓ ગુલામીનો મને પાઠ પઢાવતા,
મારા ભાગ્યતણા કષ્ટદાયી કરારની પરે
બતાવતી મને મ્હોરછાપ ઈશ્વરની અને
મારી પોતાતણી સાચી સહી વળી.
રાખ્યો છે પ્રેમ મેં, કિન્તુ મારી ઉપર કોઈએ
પ્રેમ રાખ્યો નથી મારો થયો છે જન્મ ત્યારથી;
બીજાઓને અપાયે છે મારું કર્મોતણું ફળ;
મારે માટે રહે છે જે બધું તે છે મારા વિચાર પાપિયા,
મારો કૃપણ કંકાસ પ્રભુની ને માનવીની વિરુદ્ધમાં,
જેમાં મારો નથી હિસ્સો તે ધનોની અદેખાઈ જ એકલી
ને નથી જે બન્યું મારું તે સૌભાગ્ય પ્રત્યેનો દ્વેષ દાઝતો.
જાણું છું કે રહેવાનું ભાગ્ય મારું એનું એ જ હમેશનું,
બદલ્યું જાય ના એવું છે એ કાર્ય એક મારા સ્વભાવનું;
મારે ખાતર રાખ્યો છે પ્રેમ મેં, ના પ્રેમના પાત્ર કારણે,
મેં મારી જાતને માટે સેવ્યો છે પ્રેમ, ને નથી
બીજાઓનાં જીવનોને બનાવ્યાં પ્રેમપાત્ર મેં.
પ્રત્યેક આપ પોતે છે કાયદાએ નિસર્ગના,
આ પ્રકારે બનાવ્યું છે ક્રૂર ઘોર પોતાનું પ્રભુએ જગત્ ,
આ પ્રકારે ઘડેલું છે ક્ષુદ્ર હૈયું મનુષ્યનું;
ટકાવી શકતો માત્ર બલથી ને છલથી જન જિંદગી:
કેમ કે છે દયા એના દિલની બલહીનતા,
એની ભલાઈ છે એક શૈથિલ્ય નાડીયંત્રનું,
એની માયાળુતા મૂડી રોકાયેલી આશાએ બદલાતણી,
એનું પરોપકારિત્વ મુખ બીજું ' અહં' તણું :
કરે એ જગની સેવા કે જેનાથી સેવા એની કરે જગત્ .
જાગે દૈવત મારામાં દૈત્યનું એકવાર જો,
ઊઠે એટનાથકી જાગી એન્સિલેડસ જો, તદા
સારા જગતનો નાથ બનીને રાજ્ય હું કરું,
ભોગવું પ્રભુની પેઠે સુખદુઃખ મનુષ્યનાં.
પરંતુ પ્રભુએ માંરુ પ્રાચીન બળ છે હર્યું.
મંદા બનેલ હૈયામાં મારા સંમતિ મંદ છે,
ઉગ્ર સંતોષ છે એક વ્યથાઓથી મારી ખાસ પ્રકારની,
જાતીલાંઓથકી જાણે મને તેઓ વધુ ઉચ્ચ બનાવતી;
માત્ર દુઃખ સહીને હું બઢિયો જાઉં છું બની.
ભીમકાય અનિષ્ટોનો હું છું ભોગ બની ગયો,
દૈત્ય-દારુણ કર્મોનો છું હું કર્તા,
સર્જાયો છું અનિષ્ટાર્થે , ભાગ્યે મારે અનિષ્ટ છે;
અનિષ્ટરૂપ છે મારે બનવાનું, જીવવાનું અનિષ્ટથી;
કરી શકું ન બીજું કૈં હું જે છું તે થયા વિના;
સ્વભાવે મુજને જેવો બનાવ્યો છે
તેવું મારે રહેવાનું જ છે રહ્યું.
સહું છું, શ્રમ સેવું છું, રડું છું હું;
વિલપું છું, કરતો રહું છું ઘૃણા."
સાવિત્રીએ સુણ્યો સાદ, સુણ્યો એનો પ્રતિધ્વનિ,
ને દયાના નિજાત્માની દિશામાં એ વળી વદી:
" દૈવી ઓ દુઃખની, માતા દિવ્ય વિષાદની,
અસહ્ય વિશ્વનો શોક સહેવાને
તું અંશ મુજ આત્માનો એક આગે કરેલ છે.
છે તું તેથી જનો તાબે થાય ના વિધિદંડને,
પરંતુ સુખને માટે પ્રાર્થે, દૈવ સામે રહે ઝઝૂમતા;
છે તું તેથી અભાગીઓ આશા રાખી શકે હજી.
પરંતુ તુજમાં શક્તિ છે આશ્વાસનની, અને
પરિત્રાણતણી નથી.
બળની આપવાવાળી બની પાછી આવીશ દિન એક હું.
અને શાશ્વતને પ્યાલે પિવડાવીશ હું તને;
પ્રભુના શક્તિના સ્રોતો તારા અંગેઅંગમાં વિજયી થશે
અને પ્રજ્ઞાતણી શાંતિ
ભાવાવેશે ભર્યા તારા હૈયાને રાખશે વશે.
તારો પ્રેમ બની જાશે બંધ માનવજાતિનો,
અને તારો દયાભાવ રાજમાન થતો રાજા બની જશે
કર્યો કેરા નિસર્ગનાં :
વિલોપાઈ જઈ દુઃખ ગુજરી જગથી જશે;
સૃષ્ટિ મુક્ત બની જાશે પશુ કેરા પ્રકોપથી,
રાક્ષસી ક્રૂરતામાંથી ને એના કષ્ટમાંહ્યથી.
હરહંમેશને માટે શાંતિ ને શર્મ ત્યાં હશે."
વધી આગળ સાવિત્રી ઊર્ધ્વ માગે નિજાત્મના.
પર્ણ-પિચ્છી વૃક્ષકો ને ખડકો ચઢાણે હતાં
દીપ્તભાવી ભવ્ય શોભાવડે ભર્યાં,
શાંત સમીર હૈયાને ઉષ્મા દેતો ચાટુકાર બન્યો હતો,
નાજુક તરુઓમાંથી સૂક્ષ્મ એક સુગંધી શ્વાસ ઊઠતો.
બધું સુંદરતાયુક્ત, સૂક્ષ્મ, ઉચ્ચ ને વૈચિત્ર્યભર્યું બન્યું.
ભીમકાય અહીં એક ગાદી કેરા આકારે કોતરાયલા
શીલાપટ પરે નારી હતી એક વિરાજિતા
સોનેરી ને જામલી ચમકે સજી,
હતી ત્રિશૂળધારી એ અને વજ્રે સજાયલી,
પાયા એના હતા પીઠે એક પોઢેલ સિંહની.
એના ઓઠો પરે એક હતું સ્મિત ભયંકર,
એની આંખોતણે ખૂણે સ્વર્ગ્ય અગ્નિ કરી હાસ્ય રહ્યો હતો;
શૌર્ય ને શક્તિ સ્વર્ગીય એને દેહે પુંજીભૂત બન્યાં હતાં,
પાતાળી દેવતાઓના જયની એ તર્જના કરતી હતી.
એના મસ્તકની આસપાસ એક આભામંડળ જે હતું
તે જવાળાઓ કાઢનારી વિધુતોનું બન્યું હતું,
સર્વોપરિત્વની મોટી મેખલાથી જામો એનો સજયો હતો,
ને એની સાથ રાજંત હતાં રાજત્વ ને જય,
વિશ્વ કેરા વિશાળા સમરાંગણે
સપાટ સામ્યની સામે મૃત્યુના, ને સૌને સમ બનાવતી
બળવાખોર રાત્રીની સામે એ રક્ષતાં હતાં
શ્રેણિબદ્ધ શક્તિઓની વ્યવસ્થિત પરંપરા,
અવિકારી મૂલ્યો ઉદાત્તતાતણાં,
તુંગતાઓ શિખરોએ વિરાજતી,
સત્ય કેરું આભિજાત્ય હક ખાસ ધરાવતું,
ને આદર્શતણા શાસક સૂર્યમાં
ત્રિપુટી પ્રાજ્ઞતાની ને પ્રેમની ને પ્રહર્ષની,
અને એકમાત્ર એકતંત્ર રાજ્ય કેવલાત્મક જ્યોતિનું.
મનની ભીતરી ભોમે વિરાજંતી ભવ્યરૂપ નિજાસને
માતા શક્તિમયી જોતી હતી નીચે વહેતી વસ્તુઓ પ્રતિ,
આગળ વધતાં કાળ-પગલાંના ધ્વનિને સુણતી હતી,
સૂર્યોનાં ચક્કરો જોતી હતી અપ્રતિરોધ્ય એ,
અને સાંભળતી 'તી એ ગગડાટ પ્રભુ કેરા પ્રયાણનો.
લોલકાતાં બળો વચ્ચે સંઘર્ષમાંહ્ય એમના
એની જ્યોતિર્મયી આજ્ઞા કેરો શબ્દ શ્રેષ્ઠ સર્વથકી હતો,
રણનાદ સમી એની વાણી નિનદતી હતી,
કે યાત્રીના સ્તોત્રગાન સમી હતી.
હારી ગયેલ હૈયામાં ફરી આશા જગાડતો
સમર્થ સૂર સંવાદી મંત્ર જેવો એનો ઉચ્ચ સમુચ્ચર્યો:
" ઓ સાવિત્રી ! હું તારો ગુપ્ત આત્મ છું.
છું આવી હું ઊતરીને માનવી લોકની મહીં
અને પ્રવૃત્તિ એની હું નીરખું છું એક નિર્નિદ્ર આંખોથી,
આવી છું જ્યાં ધરા કેરા ભાગ્યની છે કાળુડી વિપરીતતા,
ને જ્યાં ઉજ્જવળ ને કાળાં બળોનું ઘમાસાણ છે.
પૃથ્વીના ભય શોકે ભરેલા મારગો પરે
કરું અભાગિયાંઓને હું સહાય
ને બચાવી લઉં છું હું સર્વનાશતણા ભોગ બનેલને.
બદલો બળવંતોને તેમના બળનો દઉં,
બળ મારું દુર્બળોનું બની બખ્તર જાય છે;
લાલાયિત જનોને હું દઉં હર્ષ તેમની લાલસાતણો:
ટોળાની તાળીઓ કેરું અનુમોદન પામતા
દાનાઓ ને મહાનોને ન્યાયયુક્ત ઠરાવંત નસીબ હું,
પછીથી કચેરી નાખું તેમને હું
લોહ-નળી એડી હેઠ અદૃષ્ટની.
લળેલો કાન છે મારો દલિતોના આર્ત્ત પોકારની પ્રતિ,
નાખું છું ઉથલાવી હું અત્યાચારી રજાઓનાં સિંહાસનો :
બહિષ્કૃત, શિકારાર્થે શોધાતાં જીવનોતણો
ક્રૂર જગતની સામે પોકાર એક ઊઠતો
આજીજીએ ભરી મારી પાસે અપીલ લાવતો,
એ અવાજ ત્યકતનો ને અનાથનો
ને કારાગારમાં પૂર્યા એકાકી બંદિવાનનો.
મારા આગમને લોકો લે વધાવી શક્તિ સર્વસમર્થની
યા તો સાભાર આંસુએ સ્તવે એની કૃપા ઉદ્ધારકારિણી.
વિશ્વને આક્રમી લેતા દૈત્યને હું દઉં દંડ પ્રહારથી
ને એની લોહીએ લાલ બોડે રાક્ષણને હણું.
છું હું દુર્ગા દૃપ્તની ને બલવંતો કેરી ઉપાસ્ય દેવતા,
છું હું લક્ષ્મી રાજરાણી નિષ્કલંક અને સૌભાગ્યવંતની:
કલીનું મુખ હું ધારું કરું સંહાર તે સમે,
ખૂંદુ હું પગની નીચે શબો દૈત્યદલોતણાં.
પ્રભુએ છે મને સોંપ્યું નિજ ઉર્જિત કાર્યને,
પાઠવી છે મને જેણે તેની સેવું ઈચ્છા લાપરવાઈથી,
નિઃશંક ભયની પ્રત્યે, પરિણામ પ્રત્યે પાર્થિવ હું તથા.
પુણ્ય ને પાપ કેરા ના તર્કવિતર્કમાં પડું
પણ મારે ઉરે એણે મૂકેલા કર્મને કરું.
ડરું ના સ્વર્ગ કેરા હું ભ્રૂ ભંગે રોષથી ભર્યા,
નારકી હુમલો લાલ આવે તેથી ડગું નહીં;
નાખું હું કચડી દેવલોકના પ્રતિરોધને,
ચાંપું ચરણની હેઠ પિશાચોની બાધાઓ લાખ લાખ હું.
માર્ગે પ્રભુતણે દોરી જાઉં છું હું મનુષ્યને
અને એની કરું રક્ષા રક્તવર્ણા વરુ ને વિષવ્યાલથી.
મેં એના મર્ત્ય હસ્તે છે સ્થાપી મારી તરવર ધુલોકની
ને વક્ષસ્ત્રાણ દેવોનું છે પ્હેરાવેલ એહને.
મનુષ્યમનનો મૂઢ ગર્વ ખંડિત હું કરું
અને વિશાળતા પ્રત્યે સત્ય કેરી જઉં દોરી વિચારને;
સાંકડી સફાલીભૂત જિંદગી હું વિદારું છું મનુષ્યની
ને સૂર્યે માંડવા મીટ બેળે પ્રેરું આંખો શોકાર્ત્ત એહની,
કે મરે એ મહી માટે અને જીવે નિજાત્મમાં.
જાણું છું લક્ષ્ય હું, જ્ઞાન મને છે ગુપ્ત માર્ગનું :
અદૃશ્ય ભુવનો કેરા નકશાનો મેં અભ્યાસ કરેલ છે;
યુદ્ધનો મોખરો છું હું, હું સિતારો પ્રયાણનો.
પરંતુ પ્રતિરોધે છે બોલ મારો જગ જંગી હઠે ભર્યું,
ને માનવી ઉરે છે જે વક્રતા ને અનિષ્ટ, તે
બુદ્ધિથી બળિયાં છે ને છે ઊંડાં ઘોરગર્તથી.
ને વિરોધી બલો કેરો વિદ્વેષ ચતુરાઈથી
પાછું મૂકે ફેરવીને ભાગ્યના ઘડિયાળને
ને સનાતનની ઈચ્છા થાકી જ્યાદા બળવાન જણાય એ.
અનિષ્ટ વિશ્વનું ઊંડું અતિશે છે
ને ઉન્મૂલ કરી એને નાખવું એ અશક્ય છે :
વિશ્વનું દુઃખ એવું તો વિશાળું છે
કે ન પ્રાપ્ત થતું ઓસડ એહનું.
મારી પાસે થઇ થોડા જે જ્યોતિ પ્રતિ જાય છે
તેમને હું માર્ગદર્શન આપતી;
થોડાકને બચાવું છું, મોટો ભાગ બચાવ્યા વણનો રહી
પડી પાછળ જાય છે;
થોડાકને કરું સાહ્ય, મથામણ કરી કરી
ઘણા નિષ્ફળ જાય છે :
કરતી હું રહું મારું કાર્ય કિંતુ કરી કઠણ કાળજું :
પ્રકાશ પૂર્વમાં ધીરે ધીરે છે વધતો જતો,
માર્ગે પ્રભુતણા વિશ્વ ધીરે ધીરે વધ્યે જતું.
મારા કાર્ય પરે સીલ પ્રભુની છે મરાયલી
અને એની શક્ય નિષ્ફળતા નથી :
વિશ્વના આત્મને જ્યારે મળવાને બહાર આવશે પ્રભુ
ત્યારે ઊઘડતાં દિવ્ય દ્વારો કેરો રવ રૌપ્ય સુણીશ હું."
બોલી એ ને નિમ્ન કેરા માનવી લોકમાંહ્યથી
મળ્યો જવાબમાં એનાં વચનોને પડઘો વિકૃતાયલો;
અવાજ આવતો 'તો એ ખર્વ અસુર સત્ત્વના
મન કેરા અવકાશોમહીં થઈ,
વિરૂપાંગ શૃંખલાએ બદ્ધ છે જેહ દેવતા
જે પોતાની બંડખોર સામગ્રીને સ્વભાવની
વશમાં આણવાતણા
અને ઓજાર પોતાનું બ્રહ્યાંડને બનાવવા
કેરા મહાપ્રયાસે વ્યગ્ર હોય છે.
કામનાના આ મહાન સચરાચરનું ' અહં'
પૃથ્વીની ને બૃહદાકાર સ્વર્ગની
માનવી ઉપયોગાર્થે દાવા સાથે માગણી કરતું હતું,
પૃથ્વી ઉપર પોતે જે ઘડી જીવન છે રહ્યું
તેને માથે માનવી છે વિરાજતો
તેનો પ્રતિનિધિ છે એ, તેનો સચેત આત્મ છે,
વિકાસ પામતી જ્યોતિ તે શક્તિનું પ્રતીક છે,
અને જે દેવતારૂપ થવું પ્રકટ જોઈએ
તેનું આધારપાત્ર છે.
વિચાર કરતું પ્રાણી, પ્રકૃતિનો ઉધામા કરતો પ્રભુ,
એણે એને બનાવી છે ધાત્રી, શસ્ર, ગુલામડી,
અને વેતનમાં એને ને એને પરિલાભમાં,
છટકાય ન જેનાથી એવા ઊંડા નિયમે વસ્તુઓતણા
આપે છે નોજ હૈયાનો શોક, આપે દેહનું મૃત્યુ ને વ્યથા;
બને માણસનાં દુઃખો સાધનો પ્રકૃતિતણાં
વૃદ્ધિ ને દૃષ્ટિ માટેનાં અને સંવેદનાતણાં;
મૃત્યુ માણસનું સાહ્ય કરે એને પ્રાપ્તિમાં અમૃતત્વની.
હથિયાર અને દાસ એ પોતાની દાસી ને હથિયારનો
શ્લાઘા સ્વતંત્ર સ્વેચ્છાની ને મહોચ્ચ પોતાના મનની કરે,
એને પ્રકૃતિ પોતાના ચૂન્યા માર્ગો પર જાય ધકેલતી,
સ્વામી સ્વામિત્વની નીચે આવે છે એ, શાસ્તા શાસિત થાય છે,
સ્વયંચાલિત યંત્ર એનું બને છે એ સચેતન,
ભોળે ભાવે કામનાથી એની એ ભોળવાય છે.
એનો ચૈત્યાત્મ મ્હેમાન એનો છે, છે રાજમૂક અચેષ્ટન,
એનું શરીર છે એનો યંત્રપુત્ર,
અને છે જિંદગી એની એહની જીવનપ્રથા,
સચેત મન એનું છે બલી બંડખોર સેવક એહનો.
અવાજ એ ચઢયો ઊંચે
ને પ્રહાર કર્યો એણે અંતરસ્થ કો એક સૂર્યની પરે :
" હું પૃથ્વી પરનાં ઓજો કેરો વારસદાર છું,
ધીરે ધીરે બનવું છું સિદ્ધ મારા ભૂમિના અધિકારને;
એના દિવ્યત્વ પામેલા કર્દમે છું દેવ હું વૃદ્ધિ પામતો,
આરોહું હું કરી દાવો ગાદી ઉપર સ્વર્ગની.
જન્મેલો સર્વને અંતે પૃથ્વીનો હું બની પ્રથમ છું ખડો;
એની મંદ સહસ્રાબ્દીઓ જોતી 'તી વાટડી મુજ જન્મની.
જોકે વાસ કરું છું હું મૃત્યુ-ઘેરેલ કાળમાં,
ને અનિશ્ચિત છું સ્વામી હું મારા દેહનો ને મુજ આત્મનો
જેમને ઘરને સ્થાને મળ્યું નાનું ટપકું તારકો વચે,
મારે માટે અને મારા ઉપયોગાર્થે તે છતાં
વિશ્વ છે વિરચાયલું.
વિનાશ પામતી માટીમહીં અમર આત્મ હું,
છું હું માનવને રૂપે હજી અવિકસ્યો પ્રભુ;
હોય એ ન છતાં છે એ મારામાં સંભવી રહ્યો.
મારા માર્ગ પરે સૂર્ય અને ચંદ્ર પ્રદીપકો;
ફેફસાંને કાજ મારાં શ્વાસ લેવા હવાની શોધ છે થઈ,
વિશાળા ભીંતની આડ વિનાના અવકાશને
સ્વરૂપે એ અનુકૂલિત છે બની,
પાંખાળા રથનાં મારાં ચક્રો એને ચીરીને માર્ગ મેળવે,
તરવા, સરવા નાવે મારે માટે સિંધુ છે સરજાયલો,
એ મારું સ્વર્ણ-વાણિજ્ય વહે છે પીઠની પરે :
મારી મોજતણા નૌકાતલે સરકતા જતા
ચિરાઈ હાસ્ય એ કરે,
દૈવ ને મૃત્યુની એની કાળી તાક કેરી હાંસી કરંત હું.
પૃથ્વી ભૂ-તળિયું મારું ને આકાશ છાપરું જિંદગીતણું .
અનેક મૌનથી પૂર્ણ યુગોમાં સૌ તૈયાર થયું હતું.
પ્રયોગો પ્રભુએ કીધા પ્રાણી-આકૃતિઓ લઈ
ને તૈયાર થયું સર્વ તે કેડે જ જન્મ મારો થયો પછી.
જન્મ્યો દુર્બળ ને નાનો અને અજ્ઞાનપૂર્ણ હું,
જીવ એક નિરાધાર મુશ્કેલીઓતણા જગે,
ટૂંકાં વર્ષોમહીં મારાં મૃત્યુને પડખે લઈ
કરું છું હું મુસાફરી :
મોટો પ્રકૃતિથી છું હું થયો, શાણો અદકો પરમેશથી.
કદી પ્રકૃતિએ જેનું સ્વપ્ને સેવ્યું હતું નહીં
તેને મેં સિદ્ધ છે કર્યું,
શક્તિઓ ઝૂંટવી એની જોતરી છે મારું કાર્ય કરાવવા,
આપ્યો છે ઘાટ મેં એની ધાતુઓને, નિપજાવેલ છે નવી;
દૂધમાંથી બનાવીશ કાચ ને કપડાં વળી,
લોઢું મખમલી, પાણી બનાવીશ અભંગુર શિલામય,
કલાકારીગરી કેરી ચાલાકીથી કરે છે પ્રભુ તેમ હું
રચીશ બહુશઃ રૂપો એક આદ્ય તત્ત્વથી જીવકોષના,
કોટિશઃ જીવનો એકમાત્ર પ્રકૃતિ ધારતાં,
કલ્પનાથી જાય કલ્પ્યું મનમાંહે અગોચર પ્રકારનું
તે સર્વે ને સ્થૂલ રૂપે નવે ઘાટે ઘડીશ હું
ઘાટગ્રાહી ઘન નક્કર રૂપમાં;
પટુતા મુજ જાદૂની બીજા સર્વે જાદૂઓથી બઢી જશે.
એવો એકે ચમત્કાર નથી જેને કરીશ નહિ સિદ્ધ હું.
ઇશે અપૂર્ણ છોડયું જે તેને પૂર્ણ કરીશ હું,
ગૂંચોવાળા ચિત્તમાંથી અને અર્ધા વિરચાયેલ ચૈત્યથી
એનાં પાપ અને ભૂલ કરી નાખીશ દૂર હું;
એણે નવું ન નિર્મ્યું જે તે નિર્મીશ નવીન હું :
એ હતો આદિ સ્રષ્ટા, હું છેલ્લો સર્જનહાર છું.
જેમાંથી જગતો એણે બનાવ્યાં છે
શોધ મેં તે અણુઓની કરેલ છે :
વિશ્વ શક્તિ આધ ઘોરરૂપ કાર્યે પ્રયુક્ત તે
છલંગ મારતી સજાતીય શત્રુઓ નાખશે હણી,
નાબૂદ કરશે રાષ્ટ્ર કે સમાપ્ત જાતિને નાખશે કરી,
હતાં જ્યાં હાસ્ય ને હર્ષ ત્યાં છોડાશે મૌન કેવળ મૃત્યુનું.
યા અદૃશ્ય અણુ કેરું વિખંડન
પ્રભુની વાપરી શક્તિ સુખો મારાં વધારશે,
વિત્તની કરશે વૃદ્ધિ, ને અત્યારે ચાલતો વિદ્યુતો વડે
રથ મારો, તેને વેગ સમર્પશે
અને મારા ચમત્કારોતણાં ચક્ર ચલાવશે.
પ્રભુના હાથમાંથી હું એનાં જાદૂગરીનાં સાધનો લઈ
એનાં ઉત્તમ આશ્ચર્યોથકી મોટાં સાધીશ તેમના વડે.
કિંતુ એ સર્વ મધ્યે મેં સમતોલ રાખ્યો છે સ્વ વિચારને;
મારા સ્વરૂપનો છે મેં કર્યો અભ્યાસ, ને કર્યું
છે પરીક્ષણ વિશ્વનું,
જિંદગીની કળાઓની પર મારું છે પ્રભુત્વ સ્થપાયલું.
કેળવી જંગલી જીવ એને મારો મિત્ર છે મેં બનાવીયો;
સાચવે ઘર એ મારું અને મારી ઈચ્છાની રાહ એ જુએ
ઊંચી આંખ કરી કરી.
મેં મારી જાતિને શિક્ષા આપી છે સેવવાતણી
અને આજ્ઞાધીનતા રાખવાતણી.
વૈશ્વિક લહરીઓની રહસ્યમયતાતણો
ઉપયોગ કરી દૂર-દૃષ્ટિ મેં મેળવેલ છે,
સુણું છું હું શબ્દો દૂર સુદૂરના :
છે મેં આકાશને જીત્યું અને સારી પૃથ્વી છે નિકટે ગ્રથી :
અલ્પ સમયમાં ગુહ્યો જાણીશ મનનાંય હું :
જ્ઞાન-અજ્ઞાનની સાથે મારી રમત ચાલતી,
પાપ ને પુણ્ય છે મારી શોધ કેરી કરામતો,
જેમની હું પર પાર જઈ શકું
યા તો પ્રભુત્વની સાથે જેમને હું ઉપયોગે લઈ શકું.
જાણીશ ગૂઢ સત્યો હું, કબજે હું કરીશ ગૂઢ શક્તિઓ.
દૃષ્ટિમાત્રે કે વિચારમાત્રે મારા શત્રુઓને હણીશ હું,
સઘળાં હૃદયો કેરી અનુચ્ચારિત લાગણી
સંવેદી હું લઈશ ને
જોઈશ ને સાંભળીશ માણસોના સંતાડેલ વિચારને.
બનીશ પ્રભુ પૃથ્વીનો, તે પછી હું જીતીશ સ્વર્ગલોકને;
બનશે સહયોગીઓ દેવો મારા કે મારા પરિચારકો,
મારી સેવેલ એકે ના ઈચ્છા જાશે મરી વણપુરાયલી :
સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા, બન્ને મારાં બની જશે."
સાવિત્રીએ સુણ્યો સૂર અને એનો વિરૂપ પડઘો સુણ્યો
ને પોતાના શક્તિ કેરા આત્મા પ્રત્યે વળી એ આમ ઉચરી :
" મહાબલતણી માતા ! માતા કર્મોતણી ને માત ઓજની,
તું છે મારા ચિદાત્માનો અંશ એક
મનુષ્યજાતિને સાહ્ય આપવા ને
કાળ કેરા કાર્યને સાહ્ય આપવા
પ્રાદુર્ભૂત કરાયલો.
તું છે માણસમાં તેથી રાખે છે એ આશા ને હમ ભીડતો;
તું છે તેથી મનુષ્યોના આત્મા સ્વર્ગે આરોહી શકતા અને
સાન્નિધ્યે પરમાત્માના દેવો જેમ ચાલવાને સમર્થ છે.
કિંતુ પ્રજ્ઞા વિનાની છે શક્તિ વાયુ સમોવડી,
શ્વસી એ શકતી શૃંગો ઉપરે ને ચૂમી આકાશને શકે
કિંતુ નિર્મી શકે ના એ છેક પારતણી શાશ્વત વસ્તુઓ.
આપ્યું છે માનવોને તેં બળ, આપી પ્રજ્ઞતા તું શકી નથી.
એક દિવસ આવીશ પાછી હું જ્યોતિને લઈ,
ત્યારે આદર્શ આપીશ હું તને પરમેશનો;
પ્રભુ જેહ પ્રકારે તે પ્રકારે તું જોશે જીવાત્મા ને જગત્
પ્રતિબિંબન પામેલાં ચૈત્યાત્માના તારા સ્વચ્છ સરોવરે.
જેવી વિશાળ છે તારી શક્તિ તેવું જ્ઞાન તારું બની જશે.
જીવનોને મનુષ્યોના તજી જાશે ભય ને બલહીનતા,
શમી અંતરમાં જાશે અહંતાનો અવાજ,ને
વિશ્વને ભોજયને રૂપે
દાવા સાથે માગનારી એની સિંહગર્જનાય શમી જશે,
મહાબલ બની જાશે બધું, જાશે બની સર્વ મહામુદા
અને શક્તિ સુખે ભરી."
હજીય ચઢતાં ઊંચે ઊર્ધ્વ માર્ગે નિજાત્માના
આવી પ્રવેશ પામી એ ઉચ્ચ એક સુખિયા અવકાશમાં,
મિનારો એક મોટો ત્યાં હતો દર્શનનો, બધું
અવલોકી શકાતું 'તું જહીં થકી.
ને કેન્દ્રિત થયું 'તું જ્યાં સર્વ એક જ દૃષ્ટિમાં,
જેમ દૂરત્વને લીધે પૃથક્ દૃશ્યો એક શાં જાય છે બની
ને પરસ્પર સંગ્રામ કરનારા રંગોમાં મેળ આવતો.
નિઃસ્પંદિત હતો વાયુ ને સુગંધે હવા ગાઢ ભરી હતી.
કલગાન વિહંગોનું ગુંજાર મધમાખોતણો હતો,
ને હતું સર્વ ત્યાં છે જે સાધારણ પ્રકારનું,
નૈસર્ગિક અને મીઠું ને છતાંયે
હૈયા ને આત્મની સાથે દિવ્યતાનો ગાઢ સંબંધ રાખતું.
સામીપ્ય પુલકે પૂર્ણ હતું આત્મા કેરું સ્વ-મૂળ સાથનું,
ને પ્રત્યક્ષ લાગતી 'તી ગૂઢમાં ગૂઢ વસ્તુઓ
સમીપસ્થ ને યાથાતથ્યથી ભરી.
જીવંત કેન્દ્રરૂપે એ શાંતિની દર્શનાતણા
અહીંયાં એક બેઠી'તી નારી સ્વચ્છ અને સ્ફાટિક જ્યોતિમાં :
એની આંખોમહીં સ્વર્ગે સ્વપ્રકાશ અનાવૃત કર્યો હતો,
ચંદ્રપ્રભા સમા એના હતા પાય, અને હતું
મુખ એનું તેજસ્વી સૂર્યના સમું :
મૃત ને દીર્ણ હૈયાને સ્મિત એનું પુનર્જીવન પામવા
અને શાંતિતણા હસ્ત લહેવાને મનાવી શકતું હતું.
સુણાતું મંદ સંગીત સ્વર એનો પ્લવમાન બની ગયો :
" હું છું તારો ગૂઢ આત્મા, હે સાવિત્રી !
ઘવાયેલી ને અટૂલી પડેલી પૃથવી પરે
આવી છું ઊતરી નીચે દુઃખ એનાં શમાવવા,
હૈયું એનું હુલાવીને એને આરામ આપવા,
ને અંબાના અંક મધ્યે એનું મસ્તક મૂકવા,
જેની એ પ્રભુનાં સ્વપ્ન સેવે, એની શાંતિને થાય માણતી,
અને કઠોર ને કિલષ્ટ પૃથિવીના દીનોના તાલની મહીં
સ્વરમેળ સુસંવાદી તાણી આણે ઊર્ધ્વનાં ભુવનોતણો.
પ્રકાશમાન દેવોનાં એને હું દર્શનો દઉં
અને તડફડી એની જિંદગીને બળ ને સાંત્વના દઉં;
વસ્તુઓ ઉચ્ચ અત્યારે છે જે માત્ર શબ્દો ને માત્ર રૂપકો
તેમને હું કરું ખુલ્લી એની આગળ તેમના
શક્તિ કેરા સ્વરૂપમાં.
ચોર પેઠે પ્રવેશંતી છું હું શાંતિ
યુદ્ધે લોથપોથ હૈયે મનુષ્યના,
રાજ્યે નરકના એનાં કૃત્યોએ સરજાયલા
છું હું સરાઇ વાસો જ્યાં દેવદૂતો કરી શકે;
છું હું સદભાવ જે આપે આશીર્વાદો દયાભાવ ભર્યા કરે;
છું હું નીરવતા કોલાહલ પૂર્ણ સંચારે જિંદગીતણા;
છું હું જ્ઞાન દઈ ધ્યાન વિશ્વ કેરો નકશો નિજ ન્યાળતું.
જે અસંગતતાઓ છે માનવી હૃદયે ભરી,
ભલાઈ ને બુરાઈ જ્યાં સુએ સાથે અડોઅડ જ સેજમાં
ને જ્યાં પ્રકાશની પૂઠે પડેલો છે અંધકાર પદે પદે,
એનું સૌથી વિશાળું જ્યાં જ્ઞાન અજ્ઞાન માત્ર છે,
ત્યાં છું હું શક્તિ સેવંતી શ્રમ સર્વોચ્ચ કારણે,
કરતી પ્રભુને માટે કામ, ઊંચે શિખરો પ્રતિ પેખતી.
પાપ ને ત્રુટિનેયે હું પગલાંને માટે પગથિયાં કરું,
અને પ્રકાશ પ્રત્યેની
લાંબી યાત્રાતણું રૂપ આપું સૌ અનુભૂતિને.
અચેતનમહીંથી હું ઊભું ચેતનને કરું
ને મૃત્યુમાં થઈ દોરી જઉં અમર જીવને.
બહુ છે પ્રભુનાં રૂપો જે દ્વારા એ વૃદ્ધિ પામે મનુષ્યમાં;
મારે એ દિવ્ય કેરી
છાપ એના વિચારો ને એનાં આચરણો પરે,
માનવી મૃત્તિકા કેરા માપને એ ઊંચાઈઓ સમર્પતાં,
કે રૂપાંતર ધીરેથી પમાડીને
એને સ્વર્ગતણું સોનું બનાવતાં.
પ્રભુ છે શુભ જે માટે માનવીઓ કરે યુદ્ધ અને મરે,
પ્રભુ છે ધર્મનું યુદ્ધ અધર્માસુર સામને,
છે એ મુક્તિ ચિંતામાંથી પોતાની જે મૃત્યુથી મુક્ત ઊઠતી,
છે એ શૌર્ય ટકીને જે કરે રક્ષા મરણોન્મુખ માર્ગની,
કે અટૂલો એ ટટાર રહે ઊભો છિન્નવિચ્છિન્ન મોરચે,
કે ઘોર પડછંદાતી રાતે છે ચોકિયાત એ.
એ છે મુગટ ઝાળોમાં જળાવેલા શહીદનો,
અને સાનંદ કીધેલું સંત કેરું ઈશ્વરપ્રણિધાન એ,
અને એ વીરતા છે જે કાળ કેરા ઘાવ લેખવતી નથી,
મૃત્યુ ને દૈવની સાથે મલ્લ યુદ્ધે ઊતરેલું મહાબલ
છે એ ઓજસવંતનું.
મહિમોજજવલ ગાદીએ છે મૂર્ત્તિમંત જ્ઞાન એ,
મનીષીના રાજ્યની એ પ્રશાંતા એકતંત્રતા.
છે એ વિચાર ઉત્તુંગ ને એકાકી અજ્ઞાન જનસંઘથી
પર ઊંચે વિરાજતો :
છે એ પેગંબરી શબ્દ, દ્રષ્ટાની આર્ષ દૃષ્ટિ એ.
છે એ સૌન્દર્ય પીયૂષ ભાવાવિષ્ટ ચિદાત્મનું,
છે એ સત્ય કરે આત્મા જેનાથી પ્રાણધારણા.
છે એ વૈભવસંપત્તિ આધ્યાત્મિક વિરાટની
રેડતી સ્વાસ્થ્ય દેનારા પ્રવાહોમાં દરિદ્રી જિંદગી પરે;
છે એ શાશ્વતતા એક હોરામાંથી બીજા હોરાતણી મહીં
લલચાવાયલી જતી,
છે એ અનંતતા એક નાના શા અવકાશમાં :
મૃત્યુના બાહુઓમાં એ રહેલું અમૃતત્વ છે.
છું હું આ શક્તિઓ ને એ આહવાને મુજ આવતી.
આમ માનવ આત્માને ઉઠાવી હું લઈ જતી
સમીપતર જ્યોતિની.
પરંતુ નિજ અજ્ઞાને વળગેલું રહે છે મન માનવી,
ને પોતાની ક્ષુદ્રતાને વળગેલું રહે હૈયું મનુષ્યનું,
ને દુઃખશોક માટેના પોતાના અધિકારને
જિંદગી જગતીતણી.
કાળને શાશ્વતી જયારે લઈ લે હાથની મહીં,
સાન્ત-વિચારની સાથે કરે લગ્ન અનંતતા,
ત્યારે જ જાતથી મુક્તિ માનવી મેળવી શકે
અને વાસ પ્રભુ સાથે કરી શકે.
તે દરમ્યાન દેવોને લાવું છું હું ધરા પરે;
આણું છું આશ હું પાછી નિરાશ હૃદયોમહીં;
આપું છું શાંતિ દીનોને અને ગૌરવવંતને
મૂર્ખની ને મનીષીની પર મારા ઢોળું છું હું પ્રસાદને.
હું બચાવીશ પૃથ્વીને બચી જાવા પૃથ્વી કબૂલ જો થશે.
ત્યારે વણઘવાયેલો પ્રેમ આખર માંડશે
પગલાંઓ માટી પર મહીતણી;
મનુષ્યમન સ્વીકારી લેશે સત્યતણા સર્વોપરિત્વને,
ને દેહ ધારશે પારાવાર મોટા પ્રભુના અવતારને."
બોલી એ ને અધોવર્તી અજ્ઞાનભૂમિકા થકી
આવ્યો પોકાર ને આવ્યો પડઘો પ્રવિકંપતો
નગ્ન વિરૂપ રૂપમાં.
શૃંખલાએ ઇન્દ્રિયોની બદ્ધ માનવ ચિત્તનો
આક્રોશ ઊઠતો હતો,
નિજ દેવોપમા શક્તિ કેરી જાતો
ફરિયાદ લઈ ગૌરવથી ભરી,
જે મર્ત્યના વિચારોની વાડે પુરયલી હતી,
સાંકળે પૃથ્વીલોક કેરા અજ્ઞાનની બંધાયલી હતી.
બંદી બનેલ પોતાના દેહનો ને માથાનો મર્ત્ય માનવી
મહાસામર્થ્થથી પૂર્ણ નિખિલત્વ પ્રભુનું જોઈ ના શકે
કે પડાવે ભાગ એની વિશાળી ને ઊંચી એકાત્મતામહીં,
અંતર્કિત રહ્યો છે જે જ્ઞાનહીન આપણાં હૃદયોમહીં
ને પોતે સર્વની સાથે એક, તેથી વસ્તુઓ સર્વ જાણતો.
મનુષ્ય માત્ર જુએ છે સપાટીઓ જ વિશ્વની.
પછી ગોચરની પૂઠે શું સંતાઈ રહેલ છે
તેની વિસ્મિત એ થોડી કરે ખોજ નીચેનાં ગહનોમહીં;
પરંતુ પડતો બંધ જરાવારમહીં જ એ,
અસમર્થ પ્હોંચવાને હાર્દમાં જિંદગીતણા
કે સંબંધ બાંધવાને સ્પંદમાન હૈયા શું વસ્તુઓતણા.
જુએ છે એ સત્ય કેરા અનાવૃત શરીરને
જોકે પડી ભ્રમે જાય વાઘા પાર વિનાના જોઈ એહના,
કિંતુ એ અવલોકી ના શકે એના અંતરસ્થિત આત્મને.
પછી ઉદ્દામ વેગે એ કેવળ જ્ઞાન કારણે
વિગતો સૌ વિદારે ને કરે છે ઘાવ, ખોદતો :
ઉપયોગાર્થ ધારે એ છે આકારે જ જે ભર્યું;
સદ્-વસ્તુ છટકી જાય યા મરી એ જાય એની છરી તળે.
ખીચોખીચ ખજાનાઓ ભર્યા અનંતતાતણા
તે એને ભાસતા માત્ર ખાલી વિસ્તાર યા જંગી મરુસ્થલી.
એણે છે સાન્તને કીધું પોતાનું ક્ષેત્ર કેન્દ્રનું,
વિશ્લેષણ કરે છે એ એની આયોજનાતણું
ને એની પ્રક્રિયાઓની પર સ્થાપે પ્રભુત્વને,
સંચાલન કરે છે જે સર્વનું તે
એની દૃષ્ટિથકી છુપાયલું રહે,
પૂઠે અદૃશ્ય છે તેને ચૂકી જાય એની આંખ નિરીક્ષતિ.
એની પાસે અંધ કેરો સૂક્ષ્મ અચૂક સ્પર્શ છે,
ધીરા યાત્રિક કેરી યા દૃષ્ટિ છે દૂર દૃશ્યની;
આવિષ્કાર સંપર્કો ચૈત્યાત્માના એના બની ગયા નથી.
છતાંયે આવતી એની પાસે જ્યોતિ આંતર-સ્ફુરણાતણી
અને અજ્ઞાતમાંહેથી પ્રેરિત જ્ઞાન આવતું;
પરંતુ ખાતરીબંધ લાગે એને
માત્ર બુદ્ધિ અને સંવેદના ઇન્દ્રિયજ્ઞાનની,
વિશ્વાસપાત્ર સાક્ષીઓ માને એ માત્ર તેમને.
આમ બાધિત થાયે એ, એળે એનો ભવ્ય પ્રયત્ન જાય છે;
એની અજ્ઞાનતા કેરા મહાસાગરને તટે
જ્ઞાન એનું કાંતિમાન કાંકરાઓ નિરીક્ષતું.
એ પોકારતણા તેમ છતાં ભવ્ય હતા ભાર સ્વરોતણા,
એના ધ્વનિમહીં કંપમાન થાતો હતો કરુણ વિશ્વનો.
" મન છું હું ઈશ કેરા મોટા અજ્ઞાન લોકનું,
એણે રચેલ સોપાનો દ્વારા ઊંચે આરોહી જ્ઞાનમાં જતું;
આવિષ્કારક સૌનો હું છું વિચાર મનુષ્યનો.
દ્રવ્યે ને ઇન્દ્રિયગ્રામે શૃંખલાએ બદ્ધ હું એક દેવ છું,
કાંટાની વાડમાં પૂરી રાખેલું એક છું પશુ,
વૈતરું કરતું પ્રાણી છું હું નીરણ માગતું,
છું હું લુહાર બાંધેલો નિજ એરણ ને ધમણભઠ્ઠીએ.
છતાંય ગાંઠ ઢીલી મેં કરી છે ને વિસ્તાર્યું મુજ સ્થાન છે.
માનચિત્ર બનાવ્યાં છે વ્યોમોનાં મેં,
તારાઓનું પૃથ્થક્કરણ છે કર્યું,
કક્ષાઓ વર્ણવી છે મેં ઘરેડોમાં આકાશી અવકાશની,
કોસોનું માપ કાઢયું છે સૂર્યોને જે આધા અન્યોન્યથી કરે,
કાળમાં તેમના દીર્ધ આયુ કેરી છે મેં ગણતરી કરી.
ખોદીને હું પ્રવેશ્યું છું પેટાળે પૃથવીતણા
ને એની ભૂખરી મંદ માટીએ જે રાખ્યાં છે ધન સંઘરી
તેમને પડ ફોડીને આણ્યાં છે મેં પ્રકાશમાં.
પડે પથ્થરના એના થયાં જે પરિવર્તનો
કર્યું છે મેં વર્ગીકરણ તેહનું
ને શોધી તિથિઓ કાઢી છે મેં એના ચરિત્રની,
બચાવી પૃષ્ઠ લીધાં છે આખી આયોજના કેરાં નિસર્ગની.
ઉત્ક્રાંતિ-તરુની રૂપરેખા મેં સજ્જ છે કરી,
ડાળ ને ડાળખી,એકે એક પર્ણ છે નિજ સ્થાનમાં જ જ્યાં,
ગર્ભ પર્યંત કાઢયું છે પગેરું મેં રૂપોના ઈતિહાસનું,
અને વંશાવળી છે મેં બનાવી જે જીવે છે તે તમામની.
છે શોધ્યું મેં જીવતત્વ, જીવકોષ ને જાતિ જીવકોષની
ને જીવ એકકોષીય,--પૂર્વજો મનુજાતના,
આદિ રૂપો દીનહીન જેઓમાંથી થયો પ્રકટ માનવી;
કેવી રીતે થયો એનો જન્મ ને એ કેવી રીતે મરી જતો
તેનું જ્ઞાન મને પ્રાપ્ત થયેલ છે;
ન કિન્તુ હજુ જાણું હું એક આ કે શો એ ઉદ્દેશ સાધતો,
કે કશું લક્ષ્ય છે કે ના, કે છે ઉદ્દેશ કે નહીં,
કે પૃથ્વી પરની શક્તિ કેરાં વ્યાપક કર્મમાં
પુરઃપ્રેરણા કો ઋદ્ધ સર્જનાત્મક સહૈતુક હર્ષનું
છે રહ્યું કે નથી રહ્યું.
એની અટપટી છે મેં
પ્રક્રિયાઓ ગ્રહી, બાકી નથી એકે રહી ગઈ :
એની યંત્રાવલી જંગી આખી છે મુજ હાથમાં;
મેં મારા ઉપયોગાર્થે બનાવી છે બંદી વૈશ્વિક શક્તિઓ.
એનાં અત્યણુ તત્વોમાં મેં ઝીણી દૃષ્ટિ છે કરી,
અદૃશ્ય અણુઓ એના ખુલ્લા થઈ ગયેલ છે :
જેને પઢી ગયું છે હું એવો ગ્રંથ બધું દ્રવ્ય બનેલ છે.
માત્ર થોડાંક પાનાંઓ વાંચવાનાં હવે બાકી રહેલ છે.
રહો જીવનના છે મેં જોયા, જોયા મનના પણ માર્ગ મેં;
કીડી ને વાંદરાની મેં પદ્ધતિઓ પઢેલ છે
ને મેં વર્તન શીખ્યું છે માનવીનું અને કીટક જવનું.
પ્રભુ જો કરતો હોય કામ તો મેં છે એનાં ગુહ્ય મેળવ્યાં.
પરંતુ હજુ સંદેહે રહેલું છે કારણ વસ્તુઓતણું,
એમનું સત્ય ભાગે છે રિક્તતામાં પીછો લેવાય છે તદા;
બધુંય સમજાવાયું હોય ત્યારેય ના કશું
થયું વિજ્ઞાત હોય છે.
કોણે પસંદ કીધી છે પ્રક્રિયા ને ક્યાંથી છે શક્તિ ઉદ્દભવી
તે નથી જાણતું હું ને નહીં જાણું કદી પણ કદાચ હું.
રહસ્ય એક છે જન્મ આ પ્રચંડ નિસર્ગનો;
રહસ્ય એક છે સ્રોત્ર મનની ભ્રમજાલનો,
રહસ્ય એક છે તુક્કો બહુરૂપી બનતી જિંદગીતણો.
જે હું શીખેલ છું તેની સામે વિવાદ આદરી
યદ્દચ્છા કૂદકો ભરે;
જે મેં રચેલ છે તેને ગ્રહી દૈવ વિદારતું.
જડદ્રવ્યતણી શક્તિ કેરાં કાર્યો પ્હેલેથી જોઈ હું શકું,
કિંતુ જોઈ શકું ના હું પ્રયાત્રને ભાગ્ય કેરી મનુષ્યના :
એની પસંદગીના ના
એવા માર્ગો પરે એને હાંકી લઈ જવાય છે,
ચાલતાં ચક્રની નીચે ખૂંદાયેલો પડંત એ.
મહાન દર્શનો મારાં અનુમાનો છે તર્ક અનુસારનાં;
માનવાત્મા પરે દાવો કરતાં સ્વર્ગ ગૂઢનાં
કલ્પના કરતા માથા કેરું ઊંટવૈદું છે ધૂર્તતા ભર્યું :
છે સર્વ સ્વપ્ન યા તો છે સટ્ટાબાજી વિચારની :
અંતે જગત પોતે જ બની સંદેહ જાય છે :
ઠઠ્ઠો અત્યણુનો દ્રવ્યપુંજની ને રૂપની મશ્કરી કરે,
હાસ્ય એક ધ્વની ઊઠે સાન્ત છદ્મવેશમાંથી અનંતના.
કદાચ જગ છે ભ્રાંતિ આપણી દૃષ્ટિની થતી,
પુનરાવૃત્ત થાનારી યુક્તિ સંવેદનાતણા
પ્રત્યેક ચમકારમાં,
અસત્ય સત્યતા કેરા દબાણે જન્મ પામતી
દૃષ્ટિથી જીવને નાખી ભ્રમણામાં દેતું એક અસત્ મન,
અથવા નૃત્ય માયાનું આવરી લે અણજન્મેલ શૂન્યને.
પહોંચી હું શકું એક વિશાળતર ચેતના
તોયે છે શો લાભ એથી વિચારને ?
એને સદા અનિર્વાચ્ય એના દ્વારા પ્રાપ્ત સદ્-વસ્તુ થાય, કે
એ નિરાકાર આત્માનો લઈ પીછો છેક એની ગુહા સુધી
કરી લે પ્રાપ્ત એહને,
કે અજ્ઞેય બનાવાય નિશાન ચૈત્ય-આત્મનું
તેથી કારજ શું સરે ?
નહીં, દો કરવા કાર્ય મને મારી મર્ત્ય મર્યાદાની મહીં,
જિંદગી પારની મારે જિંદગી નવ જોઈએ,
યા તો મનતણી શક્તિ પાર કેરું વિચારવું;
આપણી અલ્પતા રક્ષા આપણી છે અનંતથી.
જામી ગયેલ ઠંડીથી એકાકી ને નિર્જના ભવ્યતામહીં
મોટા શાશ્વત મૃત્યુથી મરવાને મને બોલાવ તું નહીં,
શીત વિરાટ આત્માની અમર્યાદિતતામહીં
છોડી દેવાયલું નગ્ન ગુમાવીને પોતાની માનવીયતા.
પ્રત્યેક જીવ જીવે છે મર્યાદાઓ વડે સ્વીય સ્વભાવની
ને એ ટાળી શકે કેવી રીતે ભાગ્ય પોતાનું સહજાત જે ?
છું માનવીય હું, રે'વા મને દો માનવીય તો,
અચિત્ માં હું પડું મૂગું ને પોઢી જઉં ત્યાં સુધી.
મોટો ઉન્માદ છે આ, છે એક કપોલકલ્પના
કે માટીની મહીં છૂપો રહેલો છે પ્રભુ, એવું વિચારવું
ને સનાતન જે સત્ય તે રહી કાળમાં શકે,
અને બોલાવવું એને
કરવાને પરિત્રાણ જાતનું ને જગત્ તણું.
જે મૂળતત્ત્વો પોતે બનેલો છે
ખુદ તેને રૂપાંતરિતતા દઈ
શી રીતે માનવી મૃત્યુમુક્ત દિવ્ય બની શકે ?
માયાવી દેવતાઓ આ સ્વપ્નને સેવતા ભલે,
નહીં સેવે માનવીઓ વિચારતા.
સાવિત્રીએ સુણ્યો સુર, સુણ્યો વિકૃત ઉત્તર
ને વદી એ જ્યોતિ કેરા નિજાત્માની ભણી વળી :
"દૈવી જ્યોતિર્મયી, માતા આનંદ અથ શાંતિની,
મારા આત્માતણો છે તું અંશ પ્રાદુર્ભૂત કરાયલો,
ઉદ્ધારી જીવને એનાં ભુલાયેલાં શિખરોએ લઈ જવા,
ને સ્પર્શોએ સ્વર્ગ કેરા ચૈત્યાત્માને જગાડવા.
તું છે તેથી જતો આત્મા પ્રભુ કેરી સમીપમાં,
તું છે તેથી વૃદ્ધિ પામે પ્રેમ વિદ્વેષ છે છતાં,
ને રાત્રિગર્તમાં જ્ઞાન ચાલે વણહણાયલું.
પરંતુ બુદ્ધિની કાઠી પથરાળ જમીનની
પર સ્વર્ગતણી સ્વર્ણ વર્ષાના વરસાદથી
માટીમાં પૃથવીની ના તરુ નંદનબાગનું
પુષ્પે પામે પ્રફુલ્લતા,
ને દિવ્ય લોકનું પંખી આવી બેસે ડાળોએ જિંદગીતણી
અને મર્ત્ય હવા કેરી મુલાકાતે આવે સ્વર્ગ-સમીરણો.
વિભાઓ વરસાવે તું અંત:સ્ફુરિત જ્ઞાનની
તે છતાં માનવી કેરું મન એને પૃથ્વીની માનશે પ્રભા,
આધ્યાત્મિક અહંભાવે ડૂબશે આત્મ એહનો,
કે જ્યાં પ્રભુતણી શુભ્ર છાયામાત્ર આવવાને સમર્થ છે
ત્યાં સાધુત્વતણી દીપ્ત કોટડીમાં પુરાયલો
ચૈત્ય એનો રહેશે સ્વપ્ન સેવતો :
તારે ઉછેરવાની છે ભૂખ એની શાશ્વત વસ્તુ કાજની
ને સ્વર્ગ્ય અગ્નિએ એનું ભરવાનું છે હૈયું તીવ્ર ઝંખતું,
પ્રભુને આણવાના છે એના દેહ અને જીવનની મહીં.
પ્રભુના હાથ શું હાથ મિલાવીને
હું આવીશ ફરીથી એક દી અહીં
અને તું મુખડું જોવા પામશે પરમાત્મનું.
સંપાદિત થશે ત્યારે પાણિગ્રહણ પાવન,
પ્રભુનો જન્મશે ત્યારે પરિવાર ધરાતલે.
હશે પ્રકાશ ને શાંતિ સઘળાં ભુવનો વિષે."
ચૈત્ય પુરુષની પ્રાપ્તિ
ચૈત્ય પુરુષની ગૂઢ ગુહાને શોધતી સાવિત્રી આગળ ચાલી. પ્રથમ તો પ્રભુની એક રાત્રિમાં એનો પ્રવેશ થયો. જ્યોતિ બુઝાઈ ગઈ, શક્તિ શમી ગઈ. મને વિચાર છોડયા , હૃદયે છોડી આશાઓ. એક પ્રકારની નિષ્પાપ અજ્ઞાનતા આરાધનાના ભાવમાં હોય એવું લાગ્યું. સાવિત્રીના શુદ્ધ આત્મા સિવાયનું અને સમર્પિત હૃદયની ઝંખના સિવાયનું સર્વ લોપાઈ ગયું હતું. સાવિત્રી પોતે નહિવત્ બની ગઈ હતી, કેવળ પ્રભુ જ સર્વ કાંઈ હતો. જગત એક શૂન્યાકાર નરી રાત્રિરૂપ બની ગયું હતું, તેમ છતાં સઘળાંય વિશ્વો કરતાં એમાં વધારે ભર્યું હોય એવું લાગતું હતું. કાળે સંઘરેલા સર્વ કરતાંય વધારે એમાં સંવેદાતું હતું. આ અંધકાર અજ્ઞેયને જાણતો હતો.
સાવિત્રી આ અઘોર રાત્રિમાં એક છાયામૂર્તિ સમી સરી હતી. નીરવ ને નિરવકાશ બૃહત્તા એના આત્માનું સ્થાનક બની ગઈ.
એમ કરતાં કરતાં એક પરિવર્તન પાસે દેખાયું. લક્ષ્યની મહસુખદ નિકટતા અનુભવાઈ. ઉષાનું મુખ દેખાયું. આનંદયજ્ઞનો પુરોહિત દિવસ આવ્યો. મર્ત્ય પ્રકાશનો જામો એણે પહેર્યો હતો ને જામલી રંગના ખેસની માફક સ્વર્ગ એની પાછળ ખેંચાઈ આવતું હતું. સૂર્ય એને ભાલે સિંદૂરી તિલક હતો. પવિત્ર પર્વતમાં આવેલી ગૂઢ ગૂહા સાવિત્રીએ ઓળખી કાઢી. એને લાગ્યું કે એ જ એના ચૈત્યાત્માનું ગુપ્ત ગૃહ છે. કો મહાશૈલમાં કોતરી કાઢેલા મંદિરમાં પ્રભુએ જાણે આશ્રય લીધો હોય એવું અનુભવાતું હતું. ગૂઢ પ્રકારની પ્રતીકાત્મક કંડારેલી કલાકૃતિઓની ત્યાં પ્રચુરતા હતી. ઊંઘતો હોય એવો ઊમરો ઓળંગીને સાવિત્રી અંદર ગઈ ને જોયું તો પોતે મહાન દેવતાઓની મધ્યમાં હતી. પથ્થરમાં તેઓ પ્રાણવંતા બનેલા હતા ને મનુષ્ય આત્મા ઉપર સ્થિર નયને જોઈ રહ્યા હતા. આસપાસની દીવાલો ઉપર મનુષ્યોનાં અને પ્રાણીઓનાં જીવનદૃશ્યો છાયેલાં હતાં ને દેવોનાં જીવનોના
ઉદાત્ત અર્થ સાવિત્રીને અવલોકતા હતા. પ્રભુનાં સ્વરૂપોનો ત્યાં વિસ્તાર વાધેલો હતો. અમૃતત્વ પ્રતિ જીવન અને મૃત્યુના પરાવર્તનનું દૃશ્ય ત્યાં આલિખિત થયેલું હતું.
ત્યાં શ્વસંત મનુષ્યોનો પદરવ ન 'તો, માત્ર જીવતીજાગતી ચિદાત્માની સમીપતા અનુભવાતી. સઘળાં ભુવનો અને ભુવનોના ભગવાન ત્યાં હતા, ત્યાંનું એકેએક પ્રતીક એક એક સત્યતા હતું અને જે દિવ્ય સાન્નિધ્યે એને પ્રાણવાન બનાવ્યું હતું તે સાન્નિધ્યને એ ઉપસ્થિત કરતું હતું.
આ સર્વ સાવિત્રીએ દીઠું, અંદરથી અનુભવ્યું અને અવબોધ્યું. કોઈ વિચારણા દ્વારા નહિ પણ આત્મા દ્વારા આ જ્ઞાન એણે મેળવ્યું. સૂર્ય-ચંદ્ર-અગ્નિનો નહીં એવો પ્રકાશ ત્યાં હતો. એ હતો અંતરમાં રહેલો, અંતરમાં અવલોકતો અને રહસ્યમયતાને એ શબ્દથી થાય તે કરતાંય વધારે આવિષ્કારક બનાવતો હતો.
આપણી દૃષ્ટિ અને ઇન્દ્રિયો ભૂલ કરે છે, એક આત્માની દૃષ્ટિ જ સર્વથા સત્ય હોય છે. સાવિત્રી એ ગૂઢ સ્થાનમાં સંચરતી હતી ત્યારે એણે અનુભવ્યું કે પોતે પરમાત્માની પ્રિયતમા છે. ત્યાંના દેવો પ્રભુનાં જ સ્વરૂપો અને દેવીઓ પ્રભુની પ્રિયતમાનાં જ સ્વરૂપો હતાં. પોતે સૌન્દર્યની અને સંમુદાની માતા હતી, બ્રહ્યાના સર્જનાત્મક આશ્લેષમાં રહેલી સરસ્વતી હતી, સર્વસમર્થ શિવશંકરના અંકમાં વિરાજમાન વિશ્વશક્તિ હતી, એ જગત્પિતા અને પોતે જગન્માતા હતી, એ કૃષ્ણ અને પોતે રાધા હતી, પોતે ભક્ત હતી અને ભક્તના ભગવાન હતા.
છેલ્લા ખંડમાં સુવર્ણ સિંહાસને વિરાજમાન એક અદભુતસ્વરૂપિણીનાં દર્શન થયાં. એનું વર્ણન કોઈ પણ દૃષ્ટિની શક્તિ બહારનું હતું. માત્ર લાગતું 'તું કે એ વિશ્વસમસ્તનો ઉત્સ છે. પોતે જેનું એક અટતું ઓજ હતી એવી એ મહાશક્તિ હતી. અદૃશ્ય સૌન્દર્ય, વિશ્વની કામનાનું લક્ષ્ય, જ્યાંથી જ્ઞાનકિરણ પ્રસરે છે તે મહાસૂર્ય, જેના વિના જીવન સંભવતું નથી એવો અપૂર્વ મહિમા, આ સૌ એ એક હતી. ત્યાંથી આગળ જતાં સર્વ કાંઈ નિરંજન નિરાકાર અને નીરવ બ્રહ્યસ્વરૂપ બની જતું હતું.
તે પછી એક બોગદામાં થઈ એ બહાર આવી. ત્યાં એક અમર સૂર્ય પ્રકાશતો હતો, ને જવાલા તથા જ્યોતિનું બનેલું એક ગૃહ હતું. દ્વારરહિત જીવંત અગ્નિની દીવાલ સાવિત્રીએ પાર કરી ને ત્યાં એને પોતાના ગુપ્ત આત્માનો ભેટો થયો.
ક્ષણભંગુરતામાં એક અમર સત્તા ત્યાં ઊભી હતી. એની આંખોમાં શાંત સુખમયતા હતી, એમાં થઈને અનંતતા અંતવંત વસ્તુઓને અવલોકતી હતી, પ્રભુની સુખાન્તિકામાં એ એક પાઠ ભજવતી હતી. અહીં એ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરતી હતી, વિશ્વને સાથ આપતી 'તી, કાળ અને ઘટનાઓ સાથે કંદુકક્રીડા કરતી હતી. સ્મિતપૂર્વક સૃષ્ટિનાં સુખદુઃખને એ આવકારી લેતી, અજ્ઞાનના વાઘાઓમાં નૃત્યવિહાર કરતી સત્યસ્વરૂપ છે એવી સર્વ વસ્તુઓને એ જોતી, સમર્થ આત્મશાંતિપૂર્વક એ કાળનાં વર્ષોને વટાવતી અમૃતત્વ પ્રત્યે ગતિ કરી રહી હતી.
પરંતુ માની મમતાથી પ્રેરાઈ એણે અંગુષ્ઠપ્રમાણ પોતાનો એક અંશ હૃદયના ઊંડાણમાં રાખ્યો હતો. એ અંશ પોતાનો પરમાનંદ વિસારે પાડી પીડાઓની સામે થાય છે, ઘાવ ઝીલે છે, તારાઓના પરિશ્રમ વચ્ચે પરિશ્રમ સેવે છે. દ્વંદ્વોના આઘાતો ને પ્રત્યાઘાતો વહોરી લે છે અને તે છતાંય પોતે અક્ષત રહે છે, અમર હોય છે, ને માનવ રંગમંચ ઉપરના અભિનેતાને આધાર આપે છે.
આના દ્વારા એ દૈવી સત્તા પોતાનો મહિમા અને પોતાનું મહૌજ આપણને આપે છે, અને મથામણમાં પડેલા લોકનો બોજો આપણી પાસે ઉપાડાવે છે. દિવ્યતાના આ માનવ અંશમાં પોતાના કાળગત આત્માની મહત્તાને એ પ્રતિષ્ઠાપિત કરે છે, માનવ જીવને પ્રકાશથી પ્રકાશમાં ને બળથી બળમાં ઉદ્ધારીને લઇ જાય છે, કે જેથી અંતે એ સ્વર્ગીય શિખરો પર સમ્રાટ બનીને વિરાજમાન થાય.
આ જવાલામય ને પ્રકાશમય ધામમાં સાવિત્રી ને સાવિત્રીનો ચૈત્ય આત્મા મળ્યાં.માનવ જીવે પોતાના સત્ય આત્મસ્વરૂપને પિછાની લીધું. પોતે ગુપ્ત આત્મા અને એનો માનવ અંશ, શાંત અમરાત્મા અને મથંત જીવ છે જાણી લીધું, અને પછી તો એક ચમત્કારી રૂપાંતરની ઝડપે ઉભય એકબીજા તરફ ઘસ્યાં અને એકરૂપ બની ગયાં.
એકવાર ફરી સાવિત્રી માનુષી બની ગઈ. આંતર દૃષ્ટિના સૂર્યના પડદા પાછળ સૂક્ષ્મ લોકે ઊંડે ઓસરી ગયો. પરંતુ હવે સાવિત્રીની અધખૂલી હૃદય-કમળની કળી પ્રફુલ્લ બની ગઈ. એનો નિગૂઢ ચૈત્યાત્મા એક મૂર્ત્ત સ્વરૂપમાં આવિર્ભાવ પામી પ્રકાશતો હતો. આત્મા અને મન વચ્ચેની અંતરાય બનેલી દીવાલ રહી ન 'તી. ગહન હૃદયધામમાં વિરાજમાન એનો આત્મા ભુવાનોની મહામાતાનું આવાહન કરતો હતો. પરમોચ્ચ પ્રકાશના એક ઝબકારાની સાથે આદિશક્તિની ચિન્મયી મૂર્ત્તિ ઊતરી આવી અને એણે સાવિત્રીના હૃદયને પોતાનું પવિત્ર મંદિર બનાવી દીધું. પરંતુ જયારે એના ચરણ હ્રત્પદ્મને સ્પર્શ્યા ત્યારે અચેત, અનાત્મ અને અમના રાત્રિમાંથી એક જગત હલમલ થઈ ઊઠયું, એક જવાલામયી સર્પાકાર શક્તિ નિદ્રામાંથી જાગી ઊઠી અને તોફાન મચાવતી ઉપર ચઢી. એના આગ્નેય ચુંબને સાવિત્રીનાં ચેતનાકેન્દ્રોને જાગ્રત કર્યાં. મહસ અને મહામુદાથી ઊભરાતાં એ ઉલ્લસવા ને હસવા લાગ્યાં. આરોહેલી કુંડલિની શક્તિએ શિરના શિખર પર શાશ્વતના મહાવકાશ સાથે સંયોગ સાધ્યો. સહસ્રદલથી માંડીને તે મૂલાધાર પર્યંત એણે ગૂઢ સ્રોત્રને એકત્ર કર્યો, અને આપણાં દેર્શનાતીત શિખરોને અદૃષ્ટ ગૂઢ ઊંડાણો સાથે સંયોજીત કરી દીધાં.
ઊર્ધ્વે આધશક્તિ બિરાજેલી હતી--શસ્ત્રાસ્ત્રથી સજ્જ, અદભુત ને અલૌકિક શક્તિસંપન્ના. એને ચરણે શાંત ને સમર્થ પવિત્ર સિંહાસન સત્ત્વ પ્રણિપાતે પડેલું હતું, ને એની આંખોમાં અગ્નિ તગતગી રહ્યો હતો. આ દર્શને બધું જ દિવ્ય રૂપાંતર પામી ગયું. અજ્ઞાનના આંતરાઓ તૂટી પડયા, સત્ત્વનો એકેએક ભાગ
આનંદનો ઉત્કંપ્ અનુભવવા લાગ્યો. દેવતાઓ પ્રકટ થયા, પ્રત્યેક ઘટનામાં મહામાતાનો હસ્ત દૃષ્ટિગોચર થયો.
વિચારતા મનની પ્રવૃત્તિ ચાલી રહી છે તે મસ્તિષ્કના મહાક્મલમાં, જ્યાંથી દૃષ્ટિનાં ને સંકલ્પનાં બાણ વછૂટે છે તે ભવાં વચ્ચેના આજ્ઞાચક્રમાં, વાણી ને અભિવ્યકિત કરતું મન જ્યાંથી ઉદય પામે છે તે કંઠના વિશુદ્ધ ચક્રમાં સુખમય સમુદ્વાર આવ્યો ને ત્યાં નવું કાર્ય આરંભાયું. અમર વિચારો ઉદભવ્યા, પ્રત્યેક વસ્તુએ પોતામાં રહેલો પ્રભુનો ગૂઢ ઉદ્દેશ પ્રકટ કરવા માંડયો, જીવનના અંધ અને અંધાધૂંધી ભરેલા રાજ્ય ઉપર સંકલ્પનો પ્રશાંત પ્રભાવ પ્રવર્તવા લાગ્યો. પ્રત્યેક કાર્ય પ્રભુનું કાર્ય બની ગયું.
હૃદયકમળમાં પ્રેમે પવિત્ર વિવાહગાન આરંભ્યાં, પ્રાણ તથા પિંડ પરમાનંદનાં પવિત્ર દર્પણો બની ગયાં, બધા જ ભાવો ભગવાનને આત્મનિવેદન કરવા લાગ્યા.
નાભીકમળના પ્રભાવી પ્રસરણમાં ગર્વિષ્ઠ મહત્ત્વાકાંક્ષાઓ અને જબરજસ્ત લાલસાઓમાં વિનીતતા આવી ગઈ અને ઉદાત્ત અને શાંત સત્તાનું શસ્ર બનીને પૃથ્વીલોકમાં એ પ્રભુને કાર્યે પ્રવૃત્ત થઈ.
સ્વાધિષ્ઠાનના સાંકડા ચક્રસ્થાનમાં ત્યાંની બાલિશ ને વામણી વાસનાઓની ક્રીડાએ કાળમાં ક્ષુદ્ર દેવતાઓની ધિંગામસ્તીનું રૂપ લીધું.
કુંડલિની જ્યાં પોઢેલી હતી ત્યાં જડદ્રવ્યની જંગી શક્તિઓ ઉપર પ્રભુત્વ પ્રકટયું અને જીવનના અલ્પ વિસ્તારમાં એમનો અનલ્પ ઉપયોગ પ્રયોજાયો, ને સ્વર્લોકના ઊતરી આવતા મહાસામર્થ્થને માટે સુદૃઢ ભૂમિકા તૈયાર થઈ ગઈ.
આ સર્વની પાછળ આવેલો સાવિત્રીનો સર્વોપરી ચૈત્યાત્મા અમલ ચલાવતો હતો. અજ્ઞાનના આવરણમાંથી છૂટેલો એ દેવોનો મિત્ર બન્યો હતો, વિશ્વનાં સતત્વોનો સાથી ને શક્તિઓનો સહચર બન્યો હતો. જગન્માતાના હાથમાં સમર્પાઈ ગયેલો એ માનવતાનો મહામેળ ઊભો કરતો હતો.
આપણા અજ્ઞાન જીવનનો સત્તાધીશ સાક્ષી વ્યક્તિની દૃષ્ટિનો ને પ્રકૃતિના પાઠનો સ્વીકાર કરે છે, પરંતુ એકવાર ગૂઢનાં દ્વારો ઊઘડી જાય છે ત્યારે પડદા પુઠળનો પ્રભુ પુરઃસર બની પગલાં ભરે છે. અજ્ઞાનમાં જ્ઞાન ઊતરી આવે છે, દુઃખદાયક ગ્રંથિ પોતાની પકડને શિથિલ બનાવે છે, મન આપણું સ્વાધીન શસ્ત્ર બની જાય છે, ને પ્રાણ ચૈત્યાત્માનાં રંગઢંગ અને રૂપ ધારણ કરે છે. પછી તો આપણી અંદરનું બધું જ પરમાનંદ પ્રત્યે પ્રમુદિત પ્રવૃદ્ધિ પામે છે, પ્રકૃતિને સ્થાને પ્રભુની પરાશક્તિ પ્રવર્તે છે, આપણાં મર્ત્ય અંગોમાં અમરોનો આનંદ અને ઓજ સ્રોત્ર:સ્વરૂપે વહેવા માંડે છે, આપણા શબ્દ પરમસત્યની સરસ્વતી બની જાય છે, આપણો પ્રત્યેક વિચાર પ્રકાશના તરંગનું રૂપ લે છે, ને પાપ-પુણ્ય વિદાય થઈ જાય છે, આપણાં કાર્યો પ્રભુના સહજ શુભ-શ્રેયની સાથે સુમેળ સાધે છે ને સર્વોત્તમની સેવામાં પ્રયોજાય છે. અસુંદર, અશુભ અને અસત્ય સઘળા
ભાવો અવચેતનના અંધારામાં જઈને શરમના માર્યા પોતાનું અમંગળ મુખ છુપાવી દે છે ને મન જયઘોષ ગજવે છે :
" ઓ મારા આત્મા ! આપણે સ્વર્ગ સરજ્યું છે, અહીં અંતરમાં પ્રભુના રાજ્યને પ્રાપ્ત કર્યું છે, અવકાશને શાંતિના સાગરમાં ફેરવી નાંખ્યો છે, દેહને પરમાનંદની રાજધાની બનાવ્યો છે. જીવન અને મૃત્યુ વચ્ચેનો અલ્પ ગાળો આખરે પૂર્ણતાની આરંભની અવસ્થા બની ગયો છે. લોષ્ટ-કાષ્ઠમાંથી મહાદેવોનું મંદિર ઊભું કરાયું છે. વિશ્વની વાત જવા દો, તો પણ એક માણસની પૂર્ણતાય જગતનું પરિત્રાણ કરવા સમર્થ છે. સ્વર્ગોની સમીપતા સધાઈ છે, પૃથ્વીનો ને ધુ લોકનો પ્રાથમિક વિવાહ થઈ ગયો છે, સત્ય અને જીવન વચ્ચે ઊંડો ધર્મસંબંધ સ્થાપાયો છે, માનવ કાળમાં પ્રભુની છાવણી નંખાઈ છે."
થઈ પસાર એ આગે ગુહા ગૂઢ ઢૂંઢતી ચૈત્ય-આત્માની.
પ્હેલાં તો પગલાં એણે માંડયાં એક પ્રભુની રાત્રિની મહીં.
કરે છે સાહ્ય જે જ્યોતિ શ્રમે મંડેલ લોકને
તે બુઝાઈ ગઈ બધી,
મથે ને ઠોકરો ખાય આપણી જિંદગીમહીં
તે એ શક્તિ જ્યોતિ કેરી શમી ગઈ;
આ અક્ષમ મને એના વિચારોને કર્યા જતા,
મથતે હૃદયે એની છોડી દીધી આશાઓ વ્યર્થ જે જતી.
બેકાર સૌ બન્યું જ્ઞાન, ભાવનાનાં રૂપો બેકાર સૌ બન્યાં,
પ્રજ્ઞાએ ભયને ભાવે અવગુંઠયું શિર નીચું કરી દઈ
વિચાર-વાણીને માટે સત્ય એક સંવેદી અતિશે બૃહત્ ,
અરૂપ ને અનિર્વાચ્ચ, અવિકારી, એકરૂપ હમેશનું,
જેમ કો જન આરાધે અરૂપ પરમાત્મને
તેમ નિર્દોષ અજ્ઞાન પુણ્યપાવનતા ભર્યું
અદૃષ્ટ જ્યોતિને આરાધતું હતું,
જેની પર કરી દાવો શકતી એ હતી નહીં
કે પોતાની બનાવી એ જેહને શકતી નહીં.
ખાલીપણાતણી એક સરલા શુચિતામહીં
પડયું ઘૂંટણિયે એનું મન અજ્ઞેયસંમુખે.
વિલોપન હતું પામ્યું એના નગ્ન સ્વરૂપવણનું બધું,
એના આધીન કીધેલા હૈયા કેરી પ્રણતા ઝંખના વિના
કશુંયે ન રહ્યું હતું.
હતું ન બળ એનામાં કશુંયે, ના ઓજનું અભિમાન કો;
ઊર્ધ્વ પ્રજવલતી ઈચ્છા એની બેસી ગઈ હતી
શરમાઈ, પૃથક્ સત્-તાતણું મિથ્થાભિમાન જે,
અધ્યાત્મિક મહત્તાની આશા ભાગી ગઈ હતી,
મોક્ષ એ માગતી ન્હોતી, સ્વર્ગનોય કિરીટ ના :
અત્યંત ગૌરવે પૂર્ણ લાગતી 'તી હવે એને મનુષ્યતા.
એની જાત હતી ના કૈં, પ્રભુ માત્ર હતો બધું,
છતાંય પ્રભુને પોતે જાણતી ના,
કિંતુ છે એ એટલું જાણતી હતી.
પવિત્ર એક અંધાર વ્યાપ્ત ભીતરમાં હવે,
એક ગહન ને મોટા નગ્ન અંધકારરૂપ હતું જગત્
સર્વે ભર્યાં ભર્યાં વિશ્વોથકી જ્યાદા શૂન્ય આ ધારતું હતું,
કાળે જે સૌ વહેલું છે તેથી જ્યાદા રિક્ત આ વેદતું હતું,
મૂક અસીમ ભાવે આ અંધકાર
હતો અજ્ઞાતનું જ્ઞાન ધરાવતો.
પણ સર્વ હતું રૂપહીન, શબ્દહીન, અંતવિહીન ત્યાં.
જેમ કો છાય છાયાએ છાયેલા દૃશ્યમાં ચલે,
ક્ષુદ્ર કો શૂન્ય કો ઘોરતર શૂન્યમહીં થઈ,
ખાલી શી રૂપરેખામાં વ્યક્તિરૂપ વિભાવરી
વ્યક્તિત્વવણની ઊંડી અગાધ કો રાત્રિને હોય લંઘતી
તેમ નીરવ સાવિત્રી ચાલતી 'તી રિક્ત કેવલરૂપિણી.
અનંત કાળમાં પામ્યો આત્મા એનો વિશાળા એક અંતને;
એના આત્માતણું સ્થાન બની એક અનાકાશ અનંતતા.
પરિવર્તન અંતે ત્યાં આવ્યું પાસે, ભંગ શૂન્યમહીં પડયો;
અંતરે લહરી એક સ્ફુરી, વિશ્વ વિલોડિત થયું હતું;
એકવાર ફરી એનો અંતરાત્મા આકાશ એહનું બન્યો.
લહેવાતું હતું લક્ષ્ય-સામીપ્ય સંમુદાભર્યું;
પવિત્ર ગિરિને ચૂમી લેવા સ્વર્ગ લળ્યું તળે,
ઉત્કટ અનુરાગે ને આનંદે કંપતી હવા.
ગુલાબ દીપ્તિ કેરું કો એક સ્વપ્નાંતણા વૃક્ષતણી પરે,
એવું મુખ ઉષા કેરું ચંદ્રચારુ સંધ્યામાંથી સમુદ્ ભવ્યું.
એના જગતના પૂજા કરતા મૌનની મહીં
આવ્યો દિવસ આનંદ-યજ્ઞ કેરો પુરોહિત;
જામારૂપે હતી એણે એક મર્ત્ય પ્રભા ધરી,
જામેલી ખેસની જેમ સ્વર્ગને એ ખેંચી પૂઠળ લાવતો.
ને રાતા રવિનું એણે હતું સિંદૂરિયા ધર્યું
ચિહન જાતિ જણાવતું.
જાણે કે સ્મૃત કો જૂનું સ્વપ્ન સાચું પડયું ન હો,
તેમ પેગંબરી એના મનમાંહે
પ્રીછી એણે અવિનાશી પ્રભા એ આસમાનની,
સુખિયા એ હવા કેરું પ્રીછયું માધુર્ય લોલ કૈં,
મનની દૃષ્ટિથી ઢાંકી અને ઢાંકી જિંદગીના પ્રવેશથી
પવિત્ર ગિરિની પ્રીછી ગુહા ગૂઢ
ને એને ઓળખી લીધું વાસસ્થાન નિગૂઢ નિજ ચૈત્યનું.
જાણે કે દેવતાઓના ઊંડાણો કો આવેલા ગૂઢ ગહવરે,
અપવિત્ર કરી દેતા સંસ્પર્શથી વિચારના
ભાગેલા સત્યનું છેલછેલ્લું આશ્રયસ્થાન એ,
જાણે કે શૈલ કોરીને બનાવાયેલ મંદિરે
સંતાડીને એકાંતે સચવાયલું,
પ્રભુનું આશ્રયસ્થાન ભજનારી અજ્ઞાન જગજાતથી,
અંતઃસંવેદનાથીયે જિંદગીની એ નિવૃત્ત રહ્યું હતું
જટિલા કામનાથીયે હૈયા કેરી પછવાડે હઠી જઈ.
અદભુતા ચિંતને લીન સાંધ્યજ્યોતિ નેત્ર સંમુખ ત્યાં થઈ,
પવિત્ર સ્થિરતા ધારી રહી 'તી એ નીરવ અવકાશને.
વિસ્મિત કરતો એક ધૂંધકાર મોટાં શૈલ-દ્વારો આચ્છાદતો હતો,
હતાં જે કોતરાયેલાં દ્રવ્ય કેરા લયના સ્થૂલ પ્રસ્તરે.
બારસાખ પરે હેમ-ભુજંગો બે વીંટળાઈ વળ્યા હતા,
એને આચ્છાદતા શુદ્ધ ને ભીષણ નિજૈાજથી,
જોતા 'તા બ્હાર એ પ્રજ્ઞાતણાં ઊંડાં ને ઉદ્ ભાસિત નેત્રથી.
વિશાળી વિજયી પાંખોવડે એને એક ગરુડ ઢાંકતો.
અર્ચિઓ આત્મમાં લીન દિવાસ્વપ્નતણી સુસ્થિરતા ભરી
એવાં કપોત બેઠાં'તાં ગીચોગીચ
ધ્યાનમગ્ન ધોરાઓ પર ભૂખરા,
અંગવિન્યાસ કંડાર્યા હોય જાણે શ્વેતવક્ષાળ શાંતિના.
ઊમરાની કરી પાર નિદ્રા અંદર એ ગઈ
ને જોયું તો હતી પોતે મોટી મોટી દેવોની મૂર્ત્તિઓ વચે,
સચૈતન્યા શિલામાં ને જીવતી શ્વાસના વિના,
સ્થિર દૃષ્ટે વિલોકંતી આત્માને માનવીતણા,
વિશ્વાત્માનાં સ્વરૂપો એ હતાં કાર્યવિધાયક,
અવિકારી શક્તિ કેરાં પ્રતીકો વિશ્વમાંહ્યનાં.
અર્થસૂચક અકારો વડે ભીંતો છવાયલી
ત્યાંથી એની પ્રતિ જોઈ રહ્યાં હતાં
દૃશ્યો માનવ કેરી ને પશુની જિંદગીતણાં
આ અસંખ્યાત વિશ્વોની શક્તિ ને અનિવાર્યતા
અને વદન સતત્વોનાં ને વિસ્તારો વિશ્વના અવકાશના,
આરોહી ઊર્ધ્વ જાનારી ભૂમિકાઓતણો સંદેશ પાવન
અને ખૂટે નહીં એવો સંક્ષેપે સંભળાવતાં.
વિસ્તારો એમના સીમા વિનાના તે
ઈશારાએ સૂચવંત અનંતતા,
પરમાત્માતણું તેઓ વિસ્તારણ બન્યા હતા,
ને ધીરભાવથીતેઓ સત્કાર સર્વનો કરી
હતા વસાવતા રૂપપ્રતીકો પ્રભુનાં અને
એનાં નાનાં તથા મોટાં કાર્યો મહૌજથી ભર્યાં,
ભાવાનુરાગ એનો ને એનાં જન્મ તથા જીવન-મૃત્યુને,
પ્રત્યાવર્તન એનું જે અમૃતત્વે લઈ જતું.
સ્થાયી શાશ્વતની પ્રત્યે છે સમારોહ એમનો,
એકસમાન સર્વત્ર શુદ્ધ અસ્તિત્વની પ્રતિ,
કેવલા ચેતના પ્રત્યે, સંપૂર્ણા શક્તિની પ્રતિ,
અકલ્પનીય ને રૂપરહિતા સંમુદા પ્રતિ,
પ્રમોદ પ્રતિ કાલસ્થ,
સત્-તાની ત્રિપુટી કેરી કાલાતીત રહસ્યમયતા પ્રતિ,
ત્રિપુટી જે
છે સર્વમય ને એક છતાં આપ જ આપના
વિના અન્ય કશુંય ના.
શ્વાસ લેતા મનુષ્યોનું પગલું ન હતું તહીં,
ન 'તો નાદ, હતું માત્ર ચૈત્યાત્માનું સાન્નિધ્ય જીવમાન ત્યાં.
છતાંયે ભુવનો સર્વ અને પોતે પ્રભુયે ત્યાં વિરાજતા,
કેમ કે સત્યતારૂપ હતું પ્રતિ પ્રતીક ત્યાં,
એ એને પ્રાણ દેનારું સાન્નિધ્ય લાગતું હતું.
સાવિત્રીએ આ સમસ્ત જોયું, જાણ્યું અને ભીતરમાં લહ્યું
મનના કો વિચારે ના, પરંતુ નિજ આત્મથી.
પ્રકાશ નવ જન્મેલો સૂર્ય-ચંદ્ર-કૂશાનુથી,,
પ્રકાશ જે રહેતો 'તો અંતરે ને જોતો અંતરમાં હતો,
તેણે દૃષ્ટિતણી રેડી અંતરંગીય સ્પષ્ટતા,
શબ્દ કરી શકે તેના કરતાંયે વધારે પ્રકટાવતું
કરી દીધું રહસ્યને :
આપણી દૃષ્ટિ ને જ્ઞાન ઇન્દ્રિયોનું
ભ્રમણામાં નાખનારી દૃષ્ટિ ને સ્પર્શ આપતાં,
અને દર્શન આત્માનું એકમાત્ર સાચું કેવળ સર્વથા.
એ ગૂઢ સ્થાનમાં જયારે આ પ્રકારે એ પસાર થતી હતી
ઓરડાથી ઓરડામાં, અને કોરી કાઢેલાં શૈલમાંહ્યથી
દ્વારથી અન્ય દ્વારમાં,
ત્યારે સંવેદતી એ કે
પોતે જે સૌ હતી જોતી તેની સાથે એકરૂપ બની હતી.
એના અંતરમાં જાગી ઊઠી એક સીલબંધ તદાત્મતા;
પ્રેયસી પરમાત્માની છે પોતે એ જ્ઞાન એને થઈ ગયું :
આ દેવો ને દેવતાઓ હતાં માત્ર પ્રભુ ને પ્રભુપ્રેયસી:
સૌન્દર્ય ને મુદા કેરી હતી માતા સ્વમેવ,
વિરાટ સર્જનાશ્લેષે બ્રહ્યા કેરા હતી પોતે સરસ્વતી,
વિશ્વશક્તિ વિરાજંતી અંકે સર્વસમર્થ શિવ શંભુના,--
પિતાગુરુ અને માતા છે જે સૌ જીવનોતણાં
અને જે જોડિયા દૃષ્ટે વિરચેલાં ભુવનો અવલોકતાં,
હતી કૃષ્ણ અને રાધા
સદા માટે સંમુદાના સમાલિંગનમાં રહ્યાં,
આરાધનાર આરાધ્ય લુપ્તસ્વત્વ એકસ્વરૂપ ધારતાં.
છેલ્લા ખંડમહીં એક બેઠું 'તું હેમ-આસને
જેનું સ્વરૂપ ના એકે દર્શને જાય વર્ણવ્યું,
લહેવાતું હતું માત્ર અપ્રાપ્ય મૂળ વિશ્વનું,
પથ-ભૂલી હતી પોતે શક્તિ જેની તે મહાબળ એ હતું,
હતું અદૃશ્ય સૌન્દર્ય, હતું લક્ષ્ય વિશ્વની કામનાતણું,
સઘળું જ્ઞાન છે જેનું રશ્મિ એક એવો સૂરજ એ હતું,
હતું એ મહિમા એક સંભવે ના જેના વગર જિંદગી.
ત્યાંથી વિદાય લેતું 'તું સર્વ નીરવ આત્મમાં,
ને બની સઘળું જાતું નિરાકાર, શુદ્ધ, સાવ અનાવૃત.
ત્યાંથી એ નીકળી બ્હાર
બોગદામાં થઈ છેલ્લે શૈલી ખોદી કઢાયલા,
ને આવી બ્હાર જ્યાં સૂર્ય હતો અમર રાજતો.
જવાલામય અને જ્યોતિર્મય એક નિવાસસ્થાન ત્યાં હતું,
ને દ્વારા વણની એક
ભીંતી એણે કરી પાર પ્રાણવાન હુતાશની,
ત્યાં ઓચિંતો થયો એને ભેટો ગુપ્ત નિજ ચૈત્ય-સ્વરૂપનો.
ક્ષણભંગુરતા મધ્યે હતી ઊભું સત્ત્વ ઓપતું,
ક્ષણજીવી વસ્તુઓ શું ખેલતું 'તું અમર્ત્ય એ,
દયા ને દુઃખ ના જેને છે સમર્થ મિટાવવા
તે શાંત સુખનાં એનાં વિશાળાં લોચનોથકી
અનંતતા
સાંત રૂપો પરે દૃષ્ટિ નિજ ફેરવતી હતી :
નીરવ પગલાં હોરાઓનાં એ અવલોકતી
ને સનાતનની લીલા કેરાં ચાલી રહેલાં દૃશ્ય દેખતી,
વરણી કરતી એની ઈચ્છા કેરી રહસ્યમયતામહીં
દિવ્ય સુખાન્તિકી માંહે ભાગ લેનાર એ હતી,
હતી પ્રતિનિધિ સંજ્ઞાવતી એ પરમાત્મની,
આપણી માનવી જાતિમહીં પ્રત્યાયુક્ત એ પ્રભુની હતી,
વયસ્યા વિશ્વની, રશ્મિ પરાત્પરતણું હતી,
મર્ત્ય દેહતણે ગેહે આવી 'તી એ
કાળને ઘટના સાથે ખેલવા ખેલ કંદુકે.
આનંદ જગમાંહે જે તે અહીંયાં એની પ્રવૃત્તિ સત્તમા,
લીલાનો ભાવનોત્સાહ એનાં નેત્ર ઉજાળતો :
પૃથ્વીના હર્ષ ને શોક સત્કારાતા એના ઓષ્ઠતણે સ્મિતે,
સુખ ને દુઃખને સાટે હાસ્ય એ આપતી હતી.
વસ્તુઓ સર્વ જોતી એ સત્ય કેરા છદ્મનાટકરૂપમાં
વાઘા અજ્ઞાનના જેમાં છળવેશ બન્યા હતા,
વટાવી કાળનાં વર્ષો જતી જે અમૃત પ્રતિ :
સૌની સામે થવા શકત હતી એહ સમર્થ સ્વાત્મશાંતિથી.
પરંતુ મન કેરો ને જિંદગીનો જાણે છે એ પરિશ્રમ
તેથી માની જેમ એને લાગણી થાય છે અને
ભાગીદાર બને છે એ જીવનોમાં સ્વબાળનાં,
પ્રકટાવે એક નાનો અંશ નિજ સ્વરૂપનો,
જે જરાય નથી મોટો અંગૂઠાથી મનુષ્યના
ને છુપાવી રખાયો છે હૈયા કેરા પ્રદેશમાં
દુઃખના સામના માટે અને ભૂલી જવાને પરમા મુદા,
વ્યથામાં ભાગ લેવા ને સહેવા ઘા ધરાતણા,
ને તારાઓતણા મોટા શ્રમ વચ્ચે પરિશ્રમ નિષેવવા.
આ આપણીમહીં હાસ્ય કરતો, અશ્રુ સારતો,
સહી પ્રહાર લેતો ને વિજયોલ્લાસ માણતો,
અને તાજ માટે સંઘર્ષ સેવતો,
બની જઈ તદાકાર મન સાથ ને દેહ-પ્રાણ સાથ એ
ચાબખા ભાગ્યના ખાઈ લોહીલુહાણ થાય છે,
ચઢે ક્રોસ પરે, ને તે છતાં અવ્રણ એ રહે
આત્મા અમરતાતણો
માનવીને રંગમંચે અભિનેતાને આલંબન આપતો.
આપણે કાજ એ આના દ્વારા પાઠવતી રહે
દુર્ગતિના મહાગર્તોમહીં થઈ
શૃંગોએ પ્રાજ્ઞતા કેરાં ધકેલી લઈ જાય એ;
બળ આપણને આપે કરવાને આપણાં કર્મ નિત્યનાં,
સહાનુભૂતિ આપે એ બીજાંઓના દુઃખે ભાગ પડાવતી
અને સ્વજાતિને સાહ્ય આપવાને
આપે છે આપણામાં રહ્યું છે બલ અલ્પ તે;
આપણે કરવાનું છે આપણા ભાગનું કાર્ય જગત્ તણું,
નાના શા માનવાકારે કરવાનો છે પૂરો પાઠ આપણો,
ખભે ઉઠાવવાનું છે પછાડા મારતું જગત્ .
છે આપણીમહીંનું આ દેવરૂપ નાનું શું ને વિરૂપિત;
માનવી અંશમાં આ દિવ્યતાતણા
કાલવાસી ચિદાત્માના મહિમાની કરે એ પધરામણી
જ્યોતિથી જ્યોતિમાં ઓજથકી ઓજે ઉદ્ધારીને લઈ જવા,
કે અંતે સ્વર્ગને શૃંગે મહારાજા બનીને થાય એ ખડો.
દેહે દુર્બલ એ તોયે હૈયે એને છે અજય્ય મહાબલ,
ચઢે એ ઠોકરો ખાતો
ઊંચે ધારી રખાયેલો એક અદૃશ્ય હસ્તથી,
છે એ મહાશ્રમે મંડયો આત્મા મર્ત્ય સ્વરૂપમાં.
અહીં આ અર્ચિ કેરા ને જ્યોતિ કેરા નિકેતને
થયું મિલન સાવિત્રી કેરું ને ચૈત્ય આત્મનું;
એમણે એકબીજાની પર દૃષ્ટિ કરી અને
છે પોતે, કોણ તે પામી ગયાં તહીં,
દેવતા ગુપ્ત રે'નારો ને એનો અંશ માનવી,
પ્રશાંત અમરાત્મા ને જીવ સંઘર્ષ સેવતો.
તે પછી ચમત્કારી ને વેગીલા સ્વરૂપાંતર સાથ એ
અન્યોન્યમાં ધસી પેઠાં, એકરૂપ બની ગયાં.
એકવાર ફરી પાછી સાવિત્રી માનવી બની
માટી ઉપર પૃથ્વીની મર્મરંત નિશામહીં
ઝાપટાંના ઝપાટાઓ ઝીલતાં જંગલોમહીં
ગામઠી ઝૂંપડીમાંહે બેઠેલી ધ્યાનને લયે:
આંતર દૃષ્ટિના સૂર્યપટ પૂઠે
પેલું સૂક્ષ્મ જગત્ ઊંડે અંતરે ઊતરી ગયું.
હવે પરંતુ હૈયાની એની અર્ધ-ઊઘડી પદ્મની કળી
પ્રફુલ્લિત થઈ 'તી ને
હતી ખુલ્લી ખડી પૃથ્વીલોકના રશ્મિની પ્રતિ;
સાવિત્રીનો ગુપ્ત આત્મા પ્રકટીને પ્રતિમામાં પ્રકાશતો.
ચૈત્ય ને મનને છુટા પાડતી ભીંત ના હતી,
હતી નિગૂઢ ના વાડ જિંદગીના દાવાઓથી બચાવતી.
આત્મા એનો હતો બેઠો નિજ ઊંડા અંબુજાવાસની મહીં
સંગેમરમરના જાણે આસનોપરિ ધ્યાનના,
મહાબલિષ્ઠ માતાને બ્રહ્યાંડોની બુલાવતો
કે આવી ને એ બનાવી દે નિજ ધામ પૃથ્વીના આ નિવાસને.
જેમ કો ઝબકારામાં પરમોત્તમ જ્યોતિના
આદિશકિતતણી એક પ્રતિમા પ્રાણથી ભરી,
મુખ એક, રૂપ એક એને હૃદય ઊતર્યું
અને મંદિર પોતાનું ને પવિત્ર ધામ એને બનાવિયું.
કિંતુ પ્રકંપતે પુષ્પે સ્પર્શ જયારે એના ચરણનો થયો
ત્યારે આંતર આકાશ આંદોલાયું
અને બલિષ્ઠ ત્યાં એક હિલચાલ શરૂ થઈ,
જાણે જગત કો એક ઢંઢોળાયું
ને અચિત્ ની ચૈત્યહીન મનોહીન નિશાથકી
એણે પ્રાપ્ત કર્યો હોય નિજાત્મને :
નિદ્રામાંથી થઈ મુક્ત ઊઠી જવાલામયી એક ભુજંગમી.
ઊભી ગૂંચળાં એનાં ઊર્મિ જેમ ઉછાળતી,
ઊભી ટટાર ને એને માર્ગે જોશભેર તોફાનના સમી
આરોહી, ને જવલંતા સ્વમુખે સ્પર્શ્યાં
સાવિત્રીનાં ચક્રો યૌગિક દેહનાં.
અને આગ્નેય ચૂમીએ નિદ્રભંગ થયો ના હોય તેમનો
તેમ તેઓ પ્રફૂલ્લ્યાં ને હાસ્યપૂર્ણ બની ગયાં
ભારોભાર ભરાઈને જ્યોતિએ ને મહામુખે;
પછી શાશ્વતના વ્યોમ સાથે યુક્ત થઈ એ મસ્તકોપરિ.
સહસ્રદલમાં શીર્ષે ને મૂલાધારની મહીં
પદ્મમાં જડ દ્રવ્યના,
ગઢે પ્રત્યેક સ્વર્ગીય ને પ્રત્યેક ગ્રંથિમાં પ્રકૃતિતણી
ગૂઢ પ્રવાહને એહ એકત્ર રાખતી હતી,
જે પ્રવાહ વડે યોગ સધાયે છે અદૃશ્ય શિખરોતણો
ને ઊંડાણોતણો દૃષ્ટ ન જે પડે,
બૃહત્ બ્રહ્યાંડની સામે કમજોર રક્ષા જે આપણી બને
તે કિલ્લાઓતણી સેર રાખે એ સચવાયલી,
આત્માભિવ્યકિતની રૂપરેખાઓ આપણી લઈ.
આદ્યશકિતતણી એક હતી મૂર્ત્તિ વિરાજતી
મહાસમર્થ માતાનું હતું ધાર્યું જેણે રૂપ અને મુખ.
હતી સશસ્ત્ર ને ધાર્યાં હતાં એણે નિજાયુધ અને ધ્વજ,
જેનું નિગૂઢ સામર્થ્થ નથી કોઈ જાદૂ શકત વિડંબવા,
બહુરૂપા છતાં એકા બેઠી 'તી એ શકિત રક્ષણકારિણી :
મુદ્રા અભયની એનો ઊંચકેલો કર લંબાવતી હતી,
કોઈ સહજ ને વૈશ્વ બળ કેરા પ્રતીક શું
પ્રાણી પવિત્ર લંબાઈ હતું બેઠું એના ચરણની તળે,
મૌન જવાલા હતી આંખે, હતો પિંડ એનો જીવંત શકિતનો.
સર્વમાં ઉચ્ચ ને દિવ્ય રૂપાંતર થઈ ગયું :
કાળા અચિત્ તણી તોડી દીવાલ અંધ નીરવા,
વર્તુલોનું અવિધાનાં વિલોપન કરી દઈ
શકિતઓ ને દિવ્યતાઓ ફાટી ઊઠી ભભૂકતી;
એકેક અંશ આત્માનો પ્રમુદાએ પ્રકંપતો
જુવાળે સુખના પામી પરાભવ પડયો હતો,
માનો જાતો હતો હાથ પ્રત્યેક ઘટનામહીં,
પ્રત્યેક અંગ ને જીવાણુંમાં એનો સ્પર્શ સંવેદ્તો હતો :
કાર્યવ્યાપારનું ક્ષેત્ર બનાવ્યું છે જેને વિચારતા મને
તે મસ્તિષ્કતણા પદ્મ કેરા પ્રદેશની મહીં,
ભાવાંની વચગાળાના પદ્મના દુર્ગની મહીં
છોડે છે બાણ બે જ્યાંથી દૃષ્ટિ-સંકલ્પરૂપ એ,
માર્ગમાં કંઠના પદ્મ કેરા જ્યાંથી વાણી પ્રકટ થાય છે
અને જ્યાંથી અભિવ્યક્તિ કરતું મન ઉદભવે,
અને આવેગ હૈયાનો ધાય શબ્દ અને વાસ્તવની પ્રતિ,
સુખપૂર્ણ સમુદ્વાર આવ્યો, આવી નવી કાર્યતણી પ્રથા.
વિચારો અમરાત્માના લેતા સ્થાન આપણી બદ્ધ દૃષ્ટિનું,
લેતા સ્થાન ધરા કેરા મંદ ખ્યાલોનું ને સંવેદનોતણું;
વધુ ગહન ને દિવ્ય અર્થ સર્વે વસ્તુઓ ધારતી હવે.
પ્રસન્ન સ્વચ્છ સંવાદી સૂરતાએ
એમના સત્યની રૂપરેખાને અંકિતા કરી,
સંતુલા ને તાલમાનો વિશ્વ કેરાં વ્યવસ્થિત કર્યાં ફરી.
પ્રત્યેક રૂપ પોતાનું ગૂઢ રેખાંકનને બતલાવું,
જે માટે એ રચાયું 'તું તે તાત્પર્ય પ્રભુનું પ્રકટાવતું,
ને પ્રભાવ પ્રાણપૂર્ણ
કરતું 'તું છતો એના કલાકાર વિચારનો.
મહાબલિષ્ઠ માતાની વરણીનો બનીને માર્ગ ન્હેરનો
સંકલ્પે અમરાત્માના
પ્રશાંત નિજ કાબુમાં લીધું રાજ્ય આપણી જિંદગીતણું
આંધળું કે સ્ખલનો સાથ ચાલતું;
દારિધ્રોએ અને આવશ્યકતાઓ વડે ભર્યું
પ્રજાસત્તાક સ્વચ્છંદે વર્તતું એકવારનું,
ડામાડોળ મહારાજા મન આગળ એ નમ્યું,
આધીન જિંદગી હાવે વધુ દિવ્ય આજ્ઞાને અનુવર્તતી
ને પ્રત્યેક ક્રિયા એક ક્રિયા પ્રભુતણી બની.
રાજ્યે હૃદયપદ્મના
પ્રેમ પવિત્ર પોતાનું ગાતો ગાન વિવાહનું
પ્રાણ ને દેહને પુણ્ય હર્ષ કેરા અરીસાઓ બનાવતો
ને સમર્પાઈ જાતા તા સ્વયં સર્વ ભાવો પરમદેવને.
નાભિપદ્મતણા ક્ષેત્રે વિશાળા ને રાજોચિત પ્રકારના
એની ગર્વી મહેચ્છાઓ ને ગુર્વી લોભલાલસા
કેળવાઈ બનાવાતી હથિયારો પ્રૌઢ શાંત પ્રભાવનાં
કરવા પ્રભુનું કાર્ય માટી પર ધરાતણી.
નિમ્નના સાંકડા કેન્દ્ર કેરા ભાગોમહીં ક્ષુલ્લકતા ભર્યા
રોજની ખર્વ ઈચ્છાઓ કેરો એનો ખેલ બાલીશ ચાલતો,
પલટો પામતો તેહ મીઠી એક રમતે ઉધમાતિયા
કાળમાં જિંદગી સાથે ક્ષુદ્ર દેવો કેરા કલ્લોલની મહીં.
હતી કુંડલિની સૂતી એકદા જ્યાં ઊંડા સ્થાનની મહીં
જડતત્ત્વતણી જંગી શક્તિઓની પરે પકડ આવતી
વિશાળા ઉપયોગોને માટે નાની જગામાં જિંદગીતણી;
ભૂમિકા સુદૃઢા સજ્જ કરાઈ 'તી
મહૌજાર્થે સ્વર્ગ કેરા ઊતરી આવતા તળે.
સર્વની પૂઠળે સત્તા સાવિત્રીના
અમરાત્મા તણી ચાલી રહી હતી :
સ્વાવગુંઠન અજ્ઞાન કેરું એણે ફગાવ્યું બાજુએ હતું
બનીને મિત્ર દેવોનો વિશ્વ કેરાં સત્ત્વો ને શક્તિઓતણો,
સ્વ માનવી અવસ્થાનો સુસંવાદ એણે દીધો હતો રચી;
ને સાવિત્રી
મહતી વિશ્વની માતા કેરા હસ્તોમહીં સર્વસમર્પિતા
અચિત્ કેરા જગત્ કેરી સમસ્યામાં
માનો સર્વોચ્ચ આદેશમાત્ર એક અધીના અનુવર્તતી.
ચૈત્યાત્મા ગુપ્ત પૂઠેથી ટકાવી સર્વ રાખતો,
છે એ સ્વામી અને સાક્ષી છે એ અજ્ઞ આપણી જિંદગીતણો,
દૃષ્ટિ પુરુષ કેરી એ સ્વીકારે ને ભૂમિકા પ્રકૃતિતણી.
કિંતુ જયારે એકવાર દ્વારો ગુપ્ત ખુલ્લાં કરી નખાય છે
ત્યારે છુપાયલો રાજા બહાર પગલું ભરી
આવે પ્રકૃતિ-મોખરે;
ઊતરી એક આવે છે જ્યોતિ અજ્ઞાનની મહીં,
એની ભારે કષ્ટદાયી ગાંઠ ઢીલી પકડે નિજ થાય છે :
બને છે મન કાબૂમાં આવેલું એક સાધન
અને જીવન ધારે છે રંગ ને રૂપ ચૈત્યનાં.
બધું સુખભર્યું પામે વૃદ્ધિ જ્ઞાન અને આનંદની પ્રતિ.
લેતી પ્રકૃતિનું સ્થાન શક્તિ ભગવતી પછી
ને દેહ-મનનાં કર્યો ધકેલી એ ચલાવતી;
આવેગી આપણી આશો ને સ્વપ્નાંની બનેલી એહ સ્વામિની,
આપણાં ચિંતનો કેરી ને સ્વપ્નાંની
વહાલી એ સર્વસત્તાક શાશિકા,
વહી આવે આપણામાં નિજ ઓજ નિઃસીમ સાથમાં લઈ,
પ્રહર્ષણ અને શકિત
અમૃતાત્માતણી મર્ત્ય અંગોમાં એ પ્રવેશતી.
એક નિયમ સૌન્દર્ય કેરો આંતર દેશનો
ઘડે જીવન આપણાં;
બને છે આપણા શબ્દો સહજા વાણિ સત્યની,
છે એક ઊર્મિ પ્રત્યેક વિચાર જ્યોતિ-સાગરે.
પછી પાપ અને પુણ્ય અખાડા વિશ્વના તજે;
આપણાં મોક્ષ પામેલાં હૈયાંમાં એ દંગલે ન પછી મચે :
આપણાં કર્મ સાધે છે સંવાદ પરમાત્મના
સાદા સ્વાભાવિક કલ્યાણ શું પછી
કે નિષેવે ધારો સર્વોચ્ચ ધર્મનો.
અમનોહર ભાવો સૌ દુષ્ટતાએ અને જૂઠ વડે ભર્યા
દારુણા દુર્વ્યવસ્થામાં તજે છે નિજ સ્થાનકો,
અવચેતન અંધારે છુપાતા શરમાઈને;
તદા વિજયનો ઘોષ મન ઊર્ધ્વે ઉઠાવતું :
" ઓ આત્મા, આત્મ ઓ મારા, સર્જ્યું છે સ્વર્ગ આપણે,
હૈયે હ્યાં પ્રભુનું રાજ્ય કર્યું છે પ્રાપ્ત આપણે,
કોલાહલે મચ્ચા એક અજ્ઞાન લોકની મહીં
એનો દુર્ગ રચેલ છે.
જ્યોતિની બે નદીઓની વચ્ચે જીવન આપણું
ખાઈબંધ બનેલ છે,
શાંતિ કેરે અખાતે છે પલટાવી દીધું આકાશ આપણે
ને મહામોદનું ધામ બનાવ્યું છે શરીરને.
શું વધારે, શું વધારે, કરવાનું વધારે હજુ હોય જો ? "
ઉત્ક્રાંતિ પામતા આત્મા કેરી મંદ ચાલતી પ્રક્રિયામહીં,
મૃત્યુ ને જન્મ વચ્ચેની અલ્પકાલ ટકનારી દશામહીં,
પ્રારંભની અવસ્થા છે પૂર્ણતાની પહોંચાયેલ આખરે;
કાષ્ઠ-પથ્થરના જેવી સામગ્રીથી આપણી પ્રકૃતિતણી
છે મંદિર બનાવાયું ઉચ્ચ દેવો કરી વાસ જહીં શકે.
મહામથામણે મંડયું જગ એક બાજુએ રાખતા છતાં
પૂર્ણતા એક જનની પરિત્રાણ વિશ્વ કેરું કરી શકે.
નવી એક પમાઈ છે નભો કેરી સમીપતા,
પૃથ્વી ને સ્વર્ગનો પ્હેલો છે વિવાહ થઈ ગયો,
સત્ય ને જિંદગી વચ્ચે ધર્મસંધિ ગહના છે થઈ ગઈ :
છાવણી પ્રભુની નંખાઈ છે માનવ કાળમાં.
સર્ગ છઠઠો
નિર્વાણ અને સર્વને ઇનકારતી
કેવાલાવસ્થાની શોધ
વર્ષાએ વિદાય લીધી. બડબડતાં વાદળાં વેરાઈ ગયાં. આકાશ શાંત અને સ્વચ્છ બની ગયું. શરદના શશિયરે જ્યોત્સ્નાજાળમાં જગતને ઝાલ્યું. સાવિત્રી સૃષ્ટિની સાથે સુપ્રસન્ન હતી. એણે નિજાત્માની પ્રાપ્તિ કરી હતી, લક્ષ્યવસ્તુ જાણી લીધી હતી. એનામાં થયેલું અદભુત રૂપાંતર અનુચ્ચારિત રહ્યું હતું, છતાંય એણે પોતાનો ચમત્કારી પ્રભાવ આસપાસ વિસ્તારવા માંડયો હતો. વૃક્ષોનો મર્મરધ્વનિ વાયુ સાથે એની વાતો કરતો હતો, પુષ્પો પોતાના રુચિર રંગોથી અજ્ઞાત આનંદનું ઉલ્લેખન કરતાં હતાં, પંખીઓનો કલરવ સ્તોત્રગાન બની ગયો હતો, જંગલના જનાવરો વેરભાવને વિસારી સુખભર સહવાસ સેવતાં હતાં, વનના મુનિઓનું ધ્યાન એકાએક ઊર્ધ્વભાવે આરોહતું બની ગયું હતું : સામાન્યમાં સામાન્ય વસ્તુ પણ અલૌકિક બની જઈ સર્વમાં વિરાજમાન એક પરમાત્માને અર્પાયેલા અર્ધ્યનું રૂપ લેતી હતી.
સાવિત્રીના અંતરમાંથી પ્રકાશ પથરાતો જતો હતો; એના સામીપ્યથી સુખો વધારે સુખિયાં બનતાં ને દુઃખોને દિલાસો મળતો. સત્યવાનના મસ્તક ઉપર હવે એ કાળો કાળ જોતી ન 'તી, પણ એને બદલે સુવર્ણમય આભામંડળ વિલોકતી. હવે એ એને સદૈવ સાથમાં ને હેમખેમ જીવતો જોતી ને તેય વનમાં નહીં પરંતુ નગરના ભવ્ય નિવાસમાં, રાજોચિત રસાલાઓ સાથે જોતી. આમ એ કેટલોક કાળ સોનેરી સંચારોમાં વિચરી. આ હતો કાળ-રાત્રિ પહેલાંનો દિવસ.
આમ એકવાર એ પ્રેમથી પુલકિત બનેલી બેઠી હતી ત્યાં એના હૃદયમાં નીચેના પાતાલગર્તે મોં ફાડયું અને એક અનામી મહાભયે એની નાડીઓને ખેંચવા માંડી. એનો જોખમભર્યો ઉચ્છવાસ વિશ્વ ઉપર વ્યાપી ગયો, સ્વર્ગ અને પૃથ્વી, ઉભયની ઉપર એ છવાયો, જીવનના આનંદને એ કપોલકલ્પિત કથા જેવો જાણે
બનાવી દેવા માગતો હતો. અર્ધદૃષ્ટ અને અદૃશ્ય કોઈક પોતાના પંજામાં પકડી લઈ સાવિત્રીના દેહને ને દેહના દૈવતને મિટાવી દેવા માગતું હતું. જગતને અને જીવનના ઉદ્દેશને અસત્ બનાવી દેતો એક અનુચ્ચારિત વિચાર એણે પોતાના અંતરમાં સાંભળ્યો :
" અપૂર્ણ મનુષ્યના પશુ-શરીરમાં વ્યક્તિસ્વરૂપ દેવત્વનો દાવો કરનારી તું કોણ છે ? અનુકત શબ્દને સાંભળી, અવર્ણનીય જ્યોતિથી અંજાઈ જઈ, અજ્ઞેયને રૂપ આપવાનાં ને તારા હૃદયના આનંદને અનુમોદિત બનાવવાનાં સ્વપ્નાં સેવતી નહિ, તારા હૃદયમંદિરમાં ભગવાનને બોલાવતી નહિ, પ્રભુ સાથે બેસીને માનુષી સુખનો આસ્વાદ લેવાના અભિલાષ રાખતી નહિ. મેં મૃત્યુએ સર્વ કાંઈ સર્જ્યું છે ને તે સર્વને હું ભરખી જઉં છે. હું ભયંકર કાલી છું, હું છું માયા,મારી ફૂંકથી હું માનવ સુખ રંજાડું છું, જીવનની ઈચ્છાને ઝબે કરું છું, અસ્તિત્વના આનંદનો અંત આણું છું. શૂન્યકાર શાશ્વતી જ માત્ર સત્ય છે. ઓ જીવ ! અસત્ સ્વપ્નાં સેવી નહિ, જાતને જાણ ને મિથ્થા અસ્તિત્વમાંથી મુક્ત થઈ જા."
અસહિષ્ણુ રાત્રિમાં આ ભીષણ અવાજ ઓસરી ગયો. સાવિત્રીનું આંતર જગત ઉજ્જડ બની ગયું. વંધ્ય નીરવતાએ એના હૃદય ઉપર પોતાનો બોજો લાધો. પરંતુ એક મહત્તર આવાજ ઊર્ધ્વમાંથી ઊતરી આવ્યો. એ હતો હૃદયને ને હૃદયના આત્માને સ્પર્શતો શબ્દ, રાત્રિના અવાજ પછી આવેલો પ્રકાશનો શબ્દ. સૂર્યના મહાબળે તોસ્તાન તોફાનના તોરને ત્યાંથી ભગાડયો:
" ઓ આત્મા ! તારા રાજ્યને શત્રુઓ સમક્ષ ખુલ્લું કરી દેતો નહિ. કાળને ને દુર્ભાગ્યને માર્ગ ન મળી આવે તે માટે તારા મહાસુખના મહિમાને શક્ય હોય ત્યાં સુધી છુપાવી રાખવાનું કબૂલ કર. પણ યાદ રાખજે કે કેવળ તારે માટે જ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી. આખા બ્રહ્યાંડને તારું બનાવવાનું સાહસ કર. જાતે શૂન્યમય બની જવાથી ડર નહીં, એ રીતે જ તું સર્વસ્વરૂપ બની જશે. પૃથ્વી ઉપરના નાનકડા માનવી બનવાનું સ્વીકાર, કેમ કે એ પ્રકારે મનુષ્યને પ્રભુમાં પોતાનું સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત થશે. સાવિત્રી ! આ મથી રહેલા જગતમાં અંધ અને દુઃખી મર્ત્ય જાતિને સહાય કરવા માટે તું આવી છે. તારા જીવનને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો સેતુ બનાવી દે. જગતને બચાવી લેવા માટે જગતનું દુઃખ તારે જાત પર વહોરી લેવું પડશે. મર્ત્યતાથી અતિશય ઊંચે વિચારનારને મર્ત્ય પહોંચી શકતો નથી. મનુષ્યોમાંનો કોઈ એક દિવ્યતાનાં શિખરોએ આરોહતો જોવામાં આવે તો અન્ય મનુષ્ય એને જોઈને પોતે આરોહવાની આશા સેવે અને આરોહણ શીખે. પ્રભુએ પૃથ્વી ઉપર જન્મ લઈ માણસ બનવાનું છે, કે જેથી માણસ પ્રભુમાં વિકાસ પામે. જગતને બચાવી લેવા માગતો હોય તેણે જગત સાથે તદાકાર બનવાનું છે, દુઃખ સહેનારાં સર્વેને પોતાના હૃદયમાં આશ્રય આપવાનો છે, સર્વે જીવોનાં સુખદુઃખને પોતાની ઉપર લઈ લેવાનાં છે. એના આત્માએ વિશ્વથીયે
વિશાળ બનવાનું છે. શાશ્વતતા જ મૂળ વસ્તુ છે, વ્યક્તિરૂપતા ક્ષણજીવી છે, આત્મા કાળથી પણ પુરાણો છે, સૃષ્ટિ આત્મચૈતન્યમાં બનેલી એક ઘટનામાત્ર છે, સ્વાતિ આદિ મહાતારકો માત્ર અગ્નિના તણખા છે ને આત્માના એક ખૂણામાં ઘૂમી રહ્યા છે. બ્રહ્યાંડનો પ્રલય એક પળમાત્રનું તોફાન છે. તો બધા વિચારોને દેશનિકાલ કરી દે અને પ્રભુનું પરમ શૂન્ય બની જા, કાળનાં કર્મને પ્રલીન થઈ જવા દે, નામરૂપમાંથી નીકળી જા ને એકમાત્ર પ્રભુને જ અવકાશ મળે એવી નિર્મૂળ બની જા."
આ અવાજ સાંભળી સાવિત્રીએ નીરવ રાત્રિમાં નિજ ચૈત્યાત્માની ગહનતામાં નિમજ્જન કર્યું. સાક્ષી ભાવે એ સર્વ જોવા લાગી અને પોતાની આંતર પ્રકૃતિમાં ચાલી રહેલી ક્રિયાપ્રક્રિયાની પ્રેક્ષિકા બની ગઈ. .
પોતાના સત્ત્વમાં ખળભળી ઊઠેલા સર્વને એણે ઉપર આવવા દીધું. કશાને એણે બોલાવ્યું નહિ, કશાને ફરજ પાડી નહિ, કશાને મના કરી નહિ. ચાલી રહેલી અટપટી ક્રિયા-પ્રક્રિયાનું અનુસરણ કર્યું તો દૃશ્યો પાછળ રહીને જે પ્રેરતો હતો તેને સાંભળ્યો, પાતાળ પ્રદેશમાંથી મીટ માંડી જોઈ રહેલાં બળોને નિહાળ્યાં, ને આત્માને મુક્તિ આપનારી નીરવ જ્યોતિ જોઈ. પણ સૌથી વધારે તો વિચારવૃત્તિ ક્યાંથી ઉદભવે છે તે જોવા માટે એની દૃષ્ટિ પ્રવૃત્ત થઈ. જે બહારના મસ્તિષ્કમાંથી વિચાર આવતો દેખાય છે ત્યાં અટકયા વિના ઊંડે ઊતરીને જોવા માંડયું તો જણાયું કે આપણા અણદીઠ સૂક્ષ્મ શરીરમાંથી યા તો વિશ્વના ક્ષેત્રમાંથી એ આવતો હતો. કોઈ કોઈ વાર એના ચૈત્યાત્મામાંથી અદભુત પ્રકાશમાન અનાવૃત વિચાર નીકળતો, હૃદયમાંથી પ્રાણ, પ્રેમ અને સત્યને શોધતું જવલંત મુખ પ્રકટતું ને એના પ્રભાવથી જીવન રૂપાંતર પમાડતી આશાથી અદભુત બની જતું.
ભવાં વચ્ચેના કેન્દ્રમાં એક દૃષ્ટિ યુક્ત સંકલ્પ વિમર્શતો હતો. કાંતિમાન કવચધારી ફિરસ્તાઓ જેવા વિચારો મગજ પાછળ ચમકતા, પ્રાર્થનાપરાયણ બની પાર્થિવ રૂપોમાં સ્વર્લોકનાં કિરણો વેરતા. એના નાભિકમળ આગળથી વિશાળાં વિશ્વોનાં સંવેદનો કંઠના ચક્ર ઉપર આક્રમણ કરતાં અને દિવ્ય વાણીને પ્રેરનારા પોતાના ધ્વનિઓ લાવતાં. એથી નીચે કામનાઓ પોતાની મૂક સ્પૃહાઓને રૂપ આપતી અને સ્થૂલ માધુર્યને ને મુદાને અને વસ્તુઓ તથા ચૈત્ય ઉપરની પકડને પોકારમાં પલટાવતી. એના દેહના વિચારો પોતાની ઝંખનાઓને મસ્તિષ્કના ગૂઢ કમલે લઇ જતા. પણ બાહ્ય મનમાં બંદી બનેલા માનવ માટે આ સૌને એને બારણે પોતાનો પારપત્ર બતલાવવો પડતો ને ભેજાની પેદાશરૂપે પસાર થવું પડતું. માત્ર આંતરિક મનની સાથે જ તેઓ સીધેસીધી વાત કરે છે અને ચૈત્ય પાસે પ્રકૃતિના દૂતો રૂપે જાય છે. સાવિત્રીના આત્મગૃહના ઓરડાઓ એની આગળ એનામાં થઇ રહેલું બધું ને ત્યાં આવેલા મહેમાનોને પ્રકટ કરતા હતા.
અદૃશ્ય પ્રતિ એની આંખ ઊઘડી. આ આંખો જેમને જોઈ શકતી નથી તે
આકારો અવલોકાયા, મર્ત્ય કાન જેમને સાંભળી શકતા નથી તે સ્વરો સંભળાયા, અસ્પર્શગમ્યના સ્પર્શનું મુદામાધુર્ય અનુભવાયું; એનામાં દૂરદૃષ્ટિ અને દૂરશ્રુતિ કાર્ય કરવા લાગી. જગતના મહાન વિચારો એના પોતાના વિચારોના ભાગ બની ગયા, અવચેતનનાં અસંબદ્ધ સૂચનોએ સ્પષ્ટ રૂપ લેવા માંડયું. પરચૈત્યન્યમાંથી વિચારો ઊતરી આવ્યા. પડદા પાછળની સત્તામાંથી સોનેરી માછલીઓની માફક વિચારો વિલસવા લાગ્યા.
આ વિશ્વ એક અખંડ સમગ્રતા છે. દિવ્ય શિખરો પ્રતિ વિકસતો જતો માનવ ભૂતપિશાચ અને વેતાલો સાથે સંવાદો કરે છે. માનવમાંનો દેવ હજીય આરંભના હેવાન સાથે જ આવાસમાં રહે છે. શાશ્વતની શક્તિઓ અકાળમાં અકાળ અને કાળમાં નિત્ય જન્મ લેનારી હોય છે.
આપણા બાહ્ય મનમાં જે છે તે બધું જ ત્યાં જન્મેલું હોતું નથી, એ બધું બનાવવામાં આવેલી નાશવંત વસ્તુ હોય છે, જીવંત વ્યક્તિની છાપ લઈને મનોમય યંત્રમાં બનેલું એ બહાર નીકળે છે. બધું કુદરતની કરામત છે. આપણે સર્જીએ છીએ તેમાંનું કશું જ સર્વાંશે આપણું નથી. પ્રતિભાશાળી વ્યક્તિઓય એમને અમર બનાવતી કૃતિઓ ઉપરની રહસ્યમયતામાંથી મેળવે છે. આપણા મનની ડખલગીરી વિના જે સર્જાય છે તે દિવ્ય બની જાય છે. આપણા ચૈત્યાત્માનો સ્વીકાર જ આપણો પોતાનો હોય છે. આ સ્વતંત્ર, એક્વારનો પરમોચ્ચ, સૃષ્ટિપૂર્વનો સ્વયંભૂ જગતનો સ્વીકાર કરે છે ને પોતે પ્રકૃતિનો બદ્ધ સેવક બને છે. જ્યાં સુધી પ્રકૃતિ એને છોડતી નથી કે પોતે પ્રભુનો દાસ બનતો નથી ત્યાં સુધી તે છે તેવો જ રહે છે.
આપણી ચેતના વૈશ્વિક છે, અનંત છે, પરંતુ જડદ્રવ્યની દીવાલ આપણે તોડી નાખતા નથી ત્યાં સુધી આપણે આત્માની અનંતતામાં અવસ્થિત થતા નથી, ને આપણા જગતના પ્રભુ બની શકતા નથી. આપણું અધ્યાત્મ સત્ય તો દેહ અને વિચાર પાર આવેલું છે.
સાવિત્રી પ્રકૃતિમાંથી મુક્ત થઇ અને એ મુકતાવસ્થામાં રહી એણે પ્રભુની સનાતન શાંતિને સમર્પિત થઈ જવાનો સંકલ્પ સર્વેની ઉપર સક્રિય બનાવ્યો. પરિણામે એની પોતાની અંદરનું સર્વ કાંઈ શાંત થઈ ગયું. ભાવો ને વિચારો શબ્દ ને ક્રિયા માટે પોકારતા હતા, પણ નિઃસ્પંદ બનેલું મસ્તિષ્ક એમને ઉત્તર આપતું ન 'તું. બધું જ નીચે દાબી રખાયેલું હતું ને તે ગમે ત્યારે ફાટી નીકળે એવો સંભવેય હતો.
પણ પછી તો આય બંધ પડયું ને શરીર શિલા સમાન બનેલું દેખાયું. બધું જ એક બેશુમાર જબરજસ્ત ખાલીખમ રિક્તતારૂપ બની ગયું. પરંતુ હજીય તે શાશ્વતી નીરવતાથી અને પરમાત્માના પરમારામથી દૂર હતું. હજીય દૂરની દુનિયામાંના રડયાખડયા વિચારો આવતા રહેતા. એમનો આગમનમાર્ગ પ્રકાશમાં ઊંડે ઊંડે
છુપાયેલો રહેતો. એ આવતા ખરા, પણ એક સંકલ્પ એમને રોકતો અને એમની ઊપર એક શક્તિનો ફ્ટાકો પડતો એને
તેઓ અનંતતામાં અનર્લીન થઈ જતા. આખરે આ વ્યાપાર પણ બંધ પડી ગયો. બધું જ નિઃસ્પંદ બની ગયું. નીરવ અવકાશમાં નીરવ આત્મા-અકાલ ને એકાકી સર્વત્ર વ્યાપી ગયો.
આ મહાભયંકર નરી નિઃસ્તબ્ધતામાં એક પરમ શૂન્યાકારતાની ઝાંખી થઈ. એ સર્વેનો ઇનકાર કરતી 'તી અને પ્રકૃતિને રદબાતલ કરી અત્માનોય અસ્વીકાર કરવાનો સર્વોપરી દાવો કરતી હતી. નિરંજન, નિરાકાર ને નિઃસંજ્ઞ કેવળ ચૈતન્યે મનનું સ્થાન લઈ લીધું હતું. સાવિત્રીનું સતત્વ નામમાત્ર બની ગયું 'તું. જગત બન્યું 'તું આત્મા ઉપર આલેખાયેલું ચિત્રમય પ્રતીક, રૂપનું ને શબ્દ એક સ્વપ્ન. ન 'તી સંવેદના, ન 'તી લાગણી; હૃદય અચેત લયે ધડક્યા કરતું 'તું; ચેતનાનું કાર્ય-પ્રતિકાર્ય બંધ પડી ગયું હતું. સાવિત્રીનું શરીર જોતું, હલતું, ચાલતું ને બોલાતું 'તું. વિચારની સહાય વિના સૌ સમજતું, કહેવાનું કહેતું, કરવાનું કરતું. કાર્ય પાછળ કર્ત્તા પુરુષ ન 'તો. એના કાર્યની ને દૃષ્ટિની પાછળ જે પ્રત્યક્ષાવબોધ હતો તે જો જતો રહે તો વસ્તુમાત્ર શમી જાય ને સાવિત્રીનું અંગત જગત અસ્તિત્વ વગરનું બની જાય એવી દશા હતી. એમાં દૃષ્ટિની તદાકારતા હતી. જ્ઞાનની પ્રક્રિયા વગર એને જ્ઞાન થતું. જગતને એ જતું જોતી ને સાથે સાથે એની અનહદ અવાસ્તવિકતાને પણ જોતી. સર્વ કાંઈ માયાની રચનારૂપ જણાતું. જે એક સત્ય હતું તે દીકકાળથી અળગું પડીને ઊભું હતું. એનું સત્ય રૂપથી, રેખાથી ને રંગથી છટકી જતું. આંખ એને આકાર આપી શક્તિ ન 'તી શ્રુતિ એને સુણવાનો મોઘ પ્રયત્ન કરતી, ઈન્દ્રિયોને એ ઉત્તર આપતું ન 'તું, મનને એ બોલાવતું નહિ. અજ્ઞેય-માંથી અખંડ આવતો એ અશ્રવ્ય સ્વર હતું, એક વિશ્વતોગામી બિંદુ હતું, જેને ન 'તું માપ, ન 'તી સ્થિરતા, ન 'તી દૃશ્યતા. અસ્તિત્વ રૂપે જેનો આભાસ થાય છે તે સર્વેનો એનો ઈનકાર અનંત હતો, ક્લ્પાયેલી કે વિચારાયેલી નહિ એવી વસ્તુઓનો એનો હકાર પણ અનંત હતો. શાશ્વતતાની અને અનંતતાની આ એકાકી અદભુત સત્યતાને પ્રકટ કરવાની શકિત મનમાં ન 'તી. જગત એના પ્રકાશમાંથી થયેલો સ્ફુલિંગનો પ્રસ્ફોટ છે, ક્ષણો એની અકાલતાના ઝબકારા છે. એ तत् નું દર્શન થતાં મન આગળથી બધી જ વસ્તુઓ-અશરીરીની ઝબકો-અદૃશ્ય થઈ જાય છે. એના મુખની આગળ દ્રષ્ટા વગર દેખતા ચેતનની એ ઢાલ રાખે છે, જ્યાં જ્ઞાન, જ્ઞાતા કે જ્ઞાત નથી એવું સત્ય રાખે છે, જ્યાં પ્રેમી ને પ્રેમપાત્ર નથી એવો નિજાનંદ-મગ્ન પ્રેમ રાખે છે, શાંતિસંપૂર્ણતામાં સર્વસમર્થ શકિત રાખે છે, કોઈ પણ જેનો આસ્વાદ લેવાની આશા કરી શકે નહિ એવો પરમાનંદ રાખે છે.
નિરાકાર મોક્ષ સાવિત્રીને મળ્યો. મગજમાં ને માંસમાટીમાં એકવારની દટાઈ રહેલી એ દેહથી, મનથી અને પ્રાણથી ઊર્ધ્વે આરોહી હતી. વ્યક્તિસ્વરૂપ એ રહી ન 'તી. પોતે જે હતી તેમાંથી એ નીકળી ગઈ હતી ને અનંતતામાં પ્રવેશી હતી.
ઇન્દ્રિયોના પ્રદેશમાંથી શરણાર્થિની બનેલી, વિચારની આવશ્યકતામાંથી વિદાય થયેલી, જ્ઞાન તેમ જ અજ્ઞાનમાંથી મુક્ત બનેલી, સત્યાસત્યમાંથી પરિત્રાણ પામેલી એ સ્વયંભૂ શબ્દ ને અનાવૃત વિચાર પાર પરચૈતન્યમયાના ઊર્ધ્વ ધામની સહભાગિની બની ગઈ હતી. એકમાત્ર કોઈ અંતિમ વિલોપન બાકી હતું. આત્માની સ્મૃતિ હજુ હતી અને એ એને અસ્તિત્વહિનતાથી અલગ અખ્તિ હતી. એ तत् માં હતી પણ तत्स्वरूप હજી બની ગઈ ન 'તી. શૂન્યતાની આટલી બધી સમીપતામાં રહેલું આ એનું છાયાસ્વરૂપ એવું હતું કે જેને આધારે એ ફરીથી જીવન માટે અવલંબબિંદુ બની શકે, અચિંત્યમાંથી નિવૃત્ત થઈ કો ગૂઢ વિરાટ પસંદ કરે તે રૂપ ધારણ કરી શકે. અજ્ઞેયનો આદેશ આવે તો સાવિત્રી શૂન્યાકાર બની શકે યા તો જો સર્વશક્તિમાન શૂન્ય આકાર લે તો વ્યક્તિસ્વરૂપે આવિર્ભાવ પામી વિશ્વનો ઉદ્ધાર કરી શકે એવી સંભાવના હતી.
અત્યારેય એનો દેદીપ્યમાન આત્મા મૌન ને શૂન્યતામાંથી ભભૂકતો પાછો આવી શકતો હતો. સર્વાદભુતસ્વરૂપનો એક પ્રકાશમાન અંશ, સર્વને સમર્થન આપતા કેવલસ્વરૂપની એક શક્તિ, સનાતન સત્યની વિલસતી આરસી એવી એ સર્વમાં સંસ્થિત एकને સ્વમુખનું પ્રકટ રૂપ બતલાવે, ને મનુષ્ય જીવોને એમની ઊંડી એકાત્મતાનું દર્શન કરાવે, યા તો વિશ્વના દિવસ અને રાત્રિની પાર પ્રભુની પરમ શાંતિમાં પ્રબોધિત કરે એવી શક્યતા હતી. પણ અત્યારે તો આ અવાસ્તવિક અને આઘેનું હતું, નિગૂઢ રિક્તતામાં ઢાંકી રખાયેલું હતું. અનંત શૂન્યતામાં અંતિમ સંકેત રહેલો છે, યા તો જે સત્યસ્વરૂપ છે તે અજ્ઞેય છે. એકાકી કેવલે અત્યારે તો સર્વને નકાર્યું : એની એકાંતતામાંથી એણે અજ્ઞાનના જગતને મિટાવી દીધું અને ચૈત્યાત્માને એની સનાતન શાંતિમાં ગરકાવ કરી દીધો.
પ્રશાંત ગગનોમાંથી શાંત ધીરો સૂર્ય નીચે નિહાળતો.
પીછે હઠી જતી હારી છિન્નભિન્ન
ઉદાસીન રક્ષાકારી હરોલ શા
વરસાદો છેલવેલ્લા વગડાને વટાવતા
બબડાટે ભર્યા ભાગી ગયા હતા,
યા બેકાર બન્યા 'તા, ને સૂસૂસૂસૂ જપ પર્ણોમહીં થતો,
કે આકાશતણા મોટા નીલ મોહક જાદુએ
પોતાના સ્મિતના ઊંડા હર્ષ કેરી પુનઃપ્રાપ્તિ કરી હતી.
ઝંઝાવલીઢ તાપોના દબાણોથી
મુક્ત એની મૃદુતાયુક્ત ભવ્યતા
મેળવી આપતી સ્થાન હતી ઉષ્મ ને સૌમ્ય દિવસોતણા
વૈભવોના વિલાસને,
શરચ્ચંદ્રોતણો સ્વર્ણ-ખજાનો શર્વરીતણો
પરીઓની હવા કેરી લહેરીઓમહીં થઈ
તરી-લાદ્યો તરતો આવતો હતો.
અને જીવન સાવિત્રી કેરું પ્રસન્નતા ધરી
ભૂના જીવનની પેઠે પરિપૂર્ણ બન્યું હતું;
એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ 'તી ને
જાણતી એ હતી લક્ષ્ય નિજાત્મનું.
જોકે ગુપ્ત ઉરે એના રાજ્ય એનું અનુચ્ચાર્યું રહ્યું હતું,
--રાજ્ય એના ચમત્કારી અંતર્દેશે થયેલા ફેફારનું
છતાંએ મોહિની એની
જાદૂઈ સૌ લહેતાં'તાં રે'નારાં આસપાસનાં :
વૃક્ષો કેરા મર્મરાટો વાયુઓને એ વિષે વદતા હતા,
ઉલ્લાસી રંગમાં પુષ્પો કરતાં 'તાં વ્યક્ત અજ્ઞાત હર્ષને,
કલશોરો વિહંગોના ભક્તિગાન બન્યા હતા,
પોતાના કલહો ભૂલી રહેતાં 'તાં પ્રાણીઓ સુખચેનમાં.
લીન વિશાલ ને ઊંડા સંપર્કે અણદીઠના
વનના તાપસો સૌમ્ય ઓચિંતી પામતા હતા
મહત્તા એમની ત્યાંના એકાંત ધ્યાનની મહીં.
એની અંતરવસ્થાની આ પ્રભોજજવલ પૂર્ણતા
બ્હારના ક્ષેત્રમાં એના ઊભરાઈ જતી હતી,
સૌન્દર્યે ભરતી 'તી એ મંદ સામાન્ય સ્વાભાવિક વસ્તુઓ,
બનાવી કર્મને દેતી ચમત્કારી
ને બનાવી દેતી 'તી દિવ્ય કાળને.
ક્ષુદ્રમાં ક્ષુદ્ર ને સૌથી વધુ ક્ષુલ્લક કાર્ય જે
તેયે બની જતું મિષ્ટ, મોદપૂર્ણ, ને ભવ્ય ધર્મનો વિધિ,
બૃહત્ બ્રહ્યાંડનાં બ્રહ્યાત્માને અર્ધ્ય અપાયલું
કે પ્રત્યેક અને સર્વમહીં છે જે एक તેની ઉપાસના.
સૌને આક્રામતી એક જ્યોતિ એના આત્માની જ્યોતિમાંહ્યથી;
એના હ્રત્સ્પંદનું નૃત્ય મહામોદ સંક્રાંત કરતું હતું :
એને ભાગ અપાતો જે સુખમાં તે સુખ જ્યાદા સુખી થતું,
ને એ પાસે જતી ત્યારે દુઃખ થોડો દિલાસો પામતું હતું.
સત્યવાનતણા પ્યારા મુખની ઉપરે હવે
ન એ જોતી હતી કાળો પ્રાણહારી પ્રભાવ ભાગધેયનો;
ગૂઢના સૂર્યની આસપાસ એક સુવર્ણ-વર્ણ વર્તુલે
નવી જન્મેલ ને ભાવી ભાખનારી એની દૃષ્ટિ સમક્ષમાં
પ્રાદુર્ભૂત કરી એક પ્રભાવી જિંદગીતણી
ચક્રાવર્તિત ગોલતા.
દર્શનોની મહીં એનાં
ને ઉલ્લેખાયલાં ઊંડાં સ્વપ્નાંમાં સત્યતા ભર્યાં,
ભાવિનો પડદો ભારે ખસેડાતો હતો ક્ષણેક, તે સમે
બલિદાને ઢળાયેલો જોતી એહ હતી ના સત્યવાનને
ગુહામાં મૃત્યુની ઘોર કો ક્રૂર ફરમાનથી,
કે પોતાથી દૂર કેરા પ્રદેશોમાં પ્રમોદના
ઉઠાવાઈ જવાતો નિજ પાસથી
પૃથ્વીનું ઉષ્મતાયુક્ત મુદામાધુર્ય વીસરી,
વીસરી એકતા પ્રેમાશ્લેષના ગાઢ ભાવની,
સ્વાત્મલીન મહાનંદે અમરાત્માતણા મુક્ત બની જતો.
હમેશાં એ હતો એના સાથમાં, જીવ જીવતો,
ઘનિષ્ટ મુગ્ધ આંખોએ આંખોને નિજ ભેટતો,
પ્રાણધારી દેહ એક સમીપે સ્વ દેહ કેરા પ્રહર્ષની.
હવે કિંતુ ન એ જંગી જંગલી જંગલોમહીં
પક્ષી ને પશુઓ કેરી જિંદગીના દિવસોની સગાઈમાં,
ને ભૂખરા ધરા કેરા ખુલ્લા હૈયા સાથે સમતલી બની,
પરંતુ ઉચ્ચ આવાસોમહીં બૌદ્ધિક જીવનો
જીવનારા મનુષ્યોના સમુદાયતણી મહીં,
મહાચિત્રપટોવાળા ખંડોમાં ને સ્ફટિકી ભૂમિઓ પરે,
શસ્રસજજ પુરે યા તો બાગ કેરા પ્રમોદ-પથની પરે,
દૂરતામાં સ્વવિચારોથકીયે નિકટે વધુ,
દેહ દેહતણી પાસે ને આત્મા પાસ આત્માની,
જાણે કે એક છે શ્વાસ ને સંકલ્પેય એક છે
તેમ બંધાયલાં તેઓ રહી એક વર્તુલે દિવસોતણા
પ્રેમ કેરા અદૃશ્ય વાયુમંડળે
પૃથ્વી ને વ્યોમની જેમ અવિચ્છેધ સંગાથે ચાલતાં હતાં.
આ પ્રમાણે મુહુર્તેક ચાલી એહ સુવર્ણ પથની પરે;
અગાધ ઘોર અંધારી રાત્રિ કેરી પૂર્વનો સૂર્ય આ હતો.
એ એકવાર બેઠી 'તી જયારે ઊંડા મહાસુખદ ચિંતને
કંપતી નિજ પ્રેમના ગાઢાલિંગનથી હજી
ને નિજાનંદને સેતુ પૃથિવી ને સ્વર્ગ વચ્ચે બનાવતી,
ત્યારે હૈયાતળે એના ઓચિંતાંનું ફાટી પાતાળ નીકળ્યું.
વિશાળો ને નામહીન ભય એની નદીઓ ખેંચતો હતો
જે રીતે અર્ધ-મારેલો સ્વ શિકાર
ખેંચી જાય જંગલી કો જનાવર;
જ્યાંથી હોય છલંગી એ આવ્યો એવી બોર્ડ જેવું હતું ન કૈં :
એ એનો ન હતો, કિંતુ છુપાવી રાખતો હતો
અદૃષ્ટ નિજ કારણ.
પછી ધસમસી આવ્યો ઉત્સ એનો ભીમકાય ભયંકર.
અરૂપ ભય આકાર વિનાની ને અંતવિહીન પાંખથી
ત્રાસોત્પાદક ઉચ્છવાસે એના દેતો ભરી જગત્ ,
રાત્રિથી સહ્ય તેનાથી વધુ ગાઢો જે અંધકાર એ હતો
તેણે ગગનને દીધું છાવરી ને પોતાની પૃથવી કરી.
નિઃશબ્દ મૃત્યુનો આગે રેલાતો ઊર્મિ-ઊભરો,
ધ્રૂજતા ધરતી-ગોળ કેરી દૂર કિનારની
વળાંક લઈ આવિયો;
પ્રચંડ પગલે એના તારાજ સ્વર્ગને કર્યું,
ગૂંગળાતી અને ભારે વ્યથા રહેતી
હવાનેયે ચાહ્યું એણે મિટાવવા,
ને એ રીતે જિંદગીના હર્ષ કેરી કથાનો અંત આણવા.
સાવિત્રીનું સત્ત્વ સુધ્ધાં લાગતું એ નિષેધતું
સ્વભાવ જીવતો એનો જેનાથી તે સર્વ લુપ્ત કરી દઈ,
એનો દેહ અને આત્મા મથતું એ મિટાવવા,
હતીં પકડ એ કોક અર્ધ-દૃષ્ટ અદૃશ્યની,
મહાસિંધુ હતું એહ ત્રાસનો ને સત્તાધારક શક્તિનો,
હતું કો વ્યક્તિરૂપ, હતું કાળી અનંતતા.
વિના વિચાર કે શબ્દ સાવિત્રીને
બૂમ પાડી લાગતું એ સુણાવતું
સંદેશો સ્વ શ્યામ શાશ્વતતાતણો
ને પોતાના મૌનો કેરો મહાભીષણ માયનો :
ઉદભવેલું નિરાનંદ રાક્ષસી કો વિરાટથી,
દુઃખ ને ભયના એક અતલાતલ સિંધુથી
કલ્પાયેલું અંધ એક અનપેક્ષ સ્વરૂપથી,
નિજાનંદથકી હીન સત્-તાની એક ચેતના,
વિચાર શૂન્યતાવાળી, સુખ માટે સમર્થ ના,
જેને ખાલી લાગતી 'તી જિંદગી ને
જેને ચૈત્યાત્માની પ્રાપ્તિ ક્યાંયે નવ થતી હતી,
અવાજ એક હૈયાની વાચાહીન વ્યથા આગળ આવતો
ને ન બોલાયલા શબ્દો કેરો એક અર્થ કઠોર લાવતો;
સુણ્યો સ્વગહનોમાંહે સાવિત્રીએ અનુંચ્ચાર્યા વિચારને
જે વિચારે અસદ્-રૂપ બનાવ્યું જગને અને
અસદ્-રૂપ જિંદગીનો અર્થ સર્વ બનાવિયો.
" રે છે તું કોણ જે દાવો કરે છે નિજ તાજનો
ને જુદા નિજ જન્મનો,
માયવી સત્યતાનો નિજ ચૈત્યની,
અપૂર્ણ માનવી કેરા પશુના દેહની મહીં
વ્યક્તિસ્વરૂપ દેવત્વ પર પૃથ્વીતણા અજ્ઞાન ગોલકે ?
દુઃખની દુનિયામાં ના રાખ આશા તું સુખી બનવાતણી,
વણ-બોલાયલો શબ્દ સુણતી શ્રવણો દઈ,
ને અંજાઈ જતી અવર્ણ્ય રશ્મિએ,
ને પ્રદેશ કેરી પાર વાચાહીન પરચૈતન્યવંતનો
દેહ અજ્ઞેયને દેવા કેરાં સ્વપ્ન ન સેવતી,
કે તારા મનનો મોદ થાય મંજૂર તેહનાં
ને મહાસુખને ભારે લાદવાનાં મૂક નિઃસ્પંદ બ્રહ્યને
સપનાં સેવતી નહીં,
એની નંગી નિરાકાર સંતતાને અપવિત્ર બનાવવા
કે બોલાવી લાવવા શ્રી પ્રભુને નિજ ધામમાં
ને તેની સાથ બેસીને માનુષી સુખ માણવા
માટેનાં સ્વપ્ન સેવ ના.
સર્જ્યું છે સઘળું મેં ને હું ભક્ષી સઘળું જઉં ;
છું હું મૃત્યુ અને કાળી કરાળા છું માતા હું જિંદગીતણી,
છું હું દિગંબરા કાલી જગમાં શ્યામરૂપિણી,
છું હું માયા અને સારા સચરાચરને ઠગું.
મારી ફૂંકે ઉજાડી હું નાખું છું સુખ માનવી,
ને હણું જીવનેચ્છા હું, હર્ષ હસ્તીતણો હણું
કે પાછું સૌ પળી જાય શૂન્યાકારતણી મહીં
અને માત્ર રહે બાકી છે જે શાશ્વત ને છે નિરપેક્ષ જે.
કાં કે હોઈ શકે સાચું ખુલ્લેખુલ્લું છે જે શાશ્વત માત્ર તે.
બાકીનું સહુ છાયા છે, ઝબકારો મનોમુકુરની મહીં,
મન છે આરસી એક નતોદારી
અજ્ઞાન જે મહીં જોતું અસત્ નિજ સ્વરૂપનું
પ્રભાવી પ્રતિબિંબન,
ને નક્કર અને ભવ્ય જગ એક પોતે જોઈ રહેલ છે
એવું એ સ્વપ્ન સેવતું.
માનવીના વિચારો ને આશાઓના નિર્માતા ચૈત્ય જીવ ઓ !
છે તું પોતે જ નિર્માણ પળો કેરા પ્રવાહનું,
છે માયાભાસનું કેન્દ્ર, કે શિરોબિન્દુ સૂક્ષ્મ તું,
અંતે તું જાતને જાણ, વ્યર્થ અસ્તિથકી પામ વિરામ તું."
અસહિષ્ણુ અંધકાર, પડછાયો નકારંત અબાધનો
ઉછાળા મારતો પાસે થઈને સંચરી ગયો,
અને આવી ગયો ઓટે સાવિત્રીમાં એ અવાજ ભયંકર.
સ્વરે અંતરનું એનું જગ છોડયું ઉજાડાયેલ પુઠળે :
વેરાન મૌનનો ભાર એનું હૃદય દાબતો,
એનું આનંદનું રાજ્ય રજે અવ રહ્યું ન 'તું;
ખાલી રંગ પરે એનો ચૈત્યાત્મા જ રહ્યો હતો,
અજ્ઞાત શાશ્વતી ઈચ્છા પ્રતીક્ષતો.
પછી તો શિખરોએથી વધુ મોટો આવ્યો અવાજ ઊતરી,
હૈયાને સ્પર્શતો શબ્દ આવ્યો, શોધી કાઢતો ચૈત્ય આત્મને,
શબ્દ પ્રકાશનો રાત્રિ કેરા શબ્દતણી પછી:
હાક ગર્તતણી ખેંચી લાવી ઉત્તર સ્વર્ગનો,
પ્રભાવ સૂર્યનો પીછો લેતો આવ્યો ઝંઝા કેરા પ્રભાવનો :
" ઓ ચૈત્યાત્મા ! કરી ના દે ખુલ્લું તારું રાજ્ય શત્રુતણી પ્રતિ;
સંતાડી રાખવાનું લે કબૂલી તું સ્વ રાજ્ય સંમુદાતણું,
કે રખે કાળ ને દૈવ શોધી કાઢે એની મારગવીથિઓ
ને તારાં બારણાં ઠોકે વજ્રઘાતી અવાજથી.
પૃથક્ સ્વરૂપનો તારો ખજાનો તું
સંતાડેલો રાખ છે શક્ય ત્યાં સુધી
પ્રકાશમાન પ્રાકારો પૂઠે તારા આત્માનાં ગહનોતણા
જ્યાં સુધી ન બની જાય એ વિભાગ વિશાળતર રાજ્યનો.
નથી કિંતુ નિજાર્થે જ પ્રાપ્તિ આત્મસ્વરૂપની :
એક જિતાયલા રાજ્યે પરિતુષ્ટ બનીને તું રહે નહીં;
કરી હિંમત હોડે તું મૂક સર્વ
સમસ્ત વિશ્વને તારું પોતા કેરું બનાવવા,
વિશાળતર રાજ્યોમાં કરી માર્ગ પ્રવેશવા
વાળ તું નિજ શક્તિને.
તું બધુંય બની જાય તેને માટે શૂન્યાકાર બની જવા
કેરો ભય ન રાખતી;
પરમાત્માતણી લે તું સ્વીકારી રિક્તરૂપતા
કે સ્વ-સંપૂર્ણતા પામે તારી અંદરનું બધું.
તારી નવીન જન્મેલી દિવ્યતામાં વિક્ષેપ પડવા દઈ
સ્વીકાર માનુષી નાની બનવાનું ધરા પરે
કે માનવ કરે પ્રાપ્ત નિજાત્માની પૂર્ણતા પ્રભુની મહીં.
જો માત્ર નિજ અર્થે જ મર્ત્ય કેરે લોકે આવેલ હોય તું,
અમરાત્મા પ્રભુના અંધકારમાં
સ્થપાવાને રાજ્ય તારું પ્રભાઓએ પ્રકાશતું,
એક ચમકતો તારો અચિત્ કેરા પ્રદેશમાં,
અવિદ્યામાં ઊઘડેલું દ્વાર એક પ્રભા પ્રતિ
તો આવવાતણી તારે ક્યાં જરૂર હતી કશી ?
સહાય કરવા માટે અંધ દુઃખી મર્ત્ય માનવ જાતને,
જોઈ જે શક્તિ ન્હોતી તે આંખોને જ્યોતિ પ્રત્યે ઉઘાડવા,
પરમાનંદને નીચે આણવાને હૃદયે દુઃખશોકના,
પૃથ્વી ને સ્વર્ગની વચ્ચે જાત તારી સેતુરૂપ બનાવવા
મહામથામણે મંડયા જગે તારો અવતાર થયેલ છે;
માગતી હોય લેવા જો બચાવી તું પ્રયાસપર વિશ્વને
તો વિશાળું વિશ્વ કેરું દુઃખ તારું બનાવ તું :
જેને શમાવવાનો છે દાવો તારો
તે દુઃખ છે સહેવાનું તારે પોતે જરૂરનું;
દિનના લાવનારાને સૌથી કાળી રાત્રિમાં ચાલવું પડે.
ઉદ્ધાર કરવા માગે જગનો જે
તેને એના દુઃખ કેરા ભાગીદાર થવું પડે.
દુ:ખાનુભવ ના જેને, દુ:ખોપાય ક્યાંથી તે મેળવી શકે ?
શિખરેથી મર્ત્યતાના જો એ ચાલે અત્યંત દૂર ઊર્ધ્વમાં
તો શી રીતે મર્ત્ય પ્હોંચી શકવાનો માર્ગ અત્યંત ઉચ્ચ એ ?
પોતામાંના એકને જો સ્વર્ગ કેરાં શિખરો અધિરોહતો
મનુષ્યો અવલોકે તો તેઓ આશા કરી શકે
એ પ્રચંડ આરોહો શીખવાતણી.
પ્રભુએ જન્મવાનું છે ને થવાનું છે મનુષ્ય ધરા પરે
કે મનુષ્યે બની જાય પ્રભુ જેવો પ્રભાવમાં.
બચાવી વિશ્વને લેવા માગે છે જે
તેને વિશ્વ સાથે એક થવું પડે,
દુઃખી સૌ વસ્તુઓ હૈયે પોતાને ધારવી પડે,
ને સૌ જીવંતના હર્ષ-શોકને વેઠવા પડે
એના આત્માને વિશાળ વિશ્વથીય થવું પડે,
અને લ્હેવું પડે કે છે મૂળતત્ત્વ શાશ્વતી જ સ્વભાવનું
તત્ક્ષણોત્થ પરિત્યાગી વ્યક્તિસ્વરૂપતા નિજી
કાળના જન્મ પ્હેલાંનો છે પોતે એ જ્ઞાન એને થવું ઘટે,
સૃષ્ટિ છે ઘટના એક એના ચૈતન્યની મહીં,
સ્વાતિ નક્ષત્ર ને આર્દ્રા કણો કેવળ અગ્નિના
એના અસીમ આત્માના ખૂણામાં એક ઘૂમતા,
ને પોતે જે બનેલો છે શાંતભાવી અનંતતા
તેમાં પ્રલય છે વિશ્વ કેરો એક તોફાન ક્ષણકાળનું.
વિશ્વવ્યાપી શૃંખલા તું જરા ઢીલી કરવા હોય માગતી
તો જા પાછી હઠી ભાવે છે રચ્યું વિશ્વ તે થકી,
અનંતમાંહ્યથી તારે મને જેની પસંદગી
કરી છે તે થકીયે થા નિવૃત્ત તું,
છે તારી ઈન્દ્રિયોએ જે અર્થ અત્યણુ-નૃત્યને
આપ્યો છે તે થકી પાછી વળી જજે,
જાણી તું શકશે ત્યારે શી રીતે છે મહાબંધન આવિયું.
વિચાર માત્રને તુંથી કરી દેશનિકાલ દે
ને બની જા શૂન્ય તું પરમાત્મનું.
તું અવિજ્ઞેયને ત્યારે કરી દેશે અનાવૃત
ને તારાં શિખરોએ તું અતિચૈતન્યનું ચૈતન્ય પામશે;
અનંતતાતણી દૃષ્ટિ તારી દૃષ્ટિથકી વેધક જાગશે,
અવિજ્ઞેયતણી આંખોમહીં તું અવલોકશે;
નિષ્પ્રભાવ અને જૂઠી જણાતી વસ્તુઓમહીં
છુપાયેલું સત્ય પ્રાપ્ત થશે તને,
વિજ્ઞાત વસ્તુઓ પૂઠે
રહસ્યમયતા કેરો પૃષ્ઠભાગ તને પ્રાપ્ત થઈ જશે.
એકાકાર બની જાશે પ્રભુની તું સત્યતા સાથ કેવલા
ને એ પોતે બન્યો છે તે ચમત્કાર વિશ્વ શું
અને હજી થવાનો છે વધુ દિવ્ય જે ચમત્કાર તેહ શું,
જયારે પ્રકૃતિ અત્યારે જે અચેતન છે પ્રભુ
તે સનાતનની જ્યોતિ પ્રત્યે કાચત્વ ધારશે,
દૃષ્ટિ એની પ્રભુ કેરી બની જશે,
અને પ્રભુતણાં શક્તિપૂર્ણ માંડી પગલાં એહ ચાલશે
અને અધ્યાત્મ આનંદે ભરાઈ જિંદગી જશે,
ને જડદ્રવ્યની સત્-તા બ્રહ્યાત્માની સ્વેચ્છાથી બનશે વધૂ.
કબૂલ શૂન્ય થાવાનું ને ન કોઈ થવાનુંય કબૂલ તું,
ફગાવી મનને દે ને નામરૂપથકી પાછળ જા હઠી.
જાતને તું મિટાવી દે જેથી માત્ર રહે પ્રભુ."
આમ બોલ્યો મહાશક્ત સાદ ઊંચે ઉઠાવતો,
સાવિત્રીએ સુણ્યો અને
માથું એણે નમાવ્યું ને બની ચિંતનલીન એ,
નિજ સ્વરૂપમાં ઊંડી કરી દૃષ્ટિ, એકાંતે નિજ આત્મના
નીરવા રાત્રિની મહીં.
રહી તટસ્થ એ ઊભી અનાસક્ત અને સ્થિરા
જાતમાં ચાલતું નાટક ન્યાળતી,
નિજ અંતરના દૃશ્ય કેરો અભ્યાસ આદરી,
આવેગો ને શ્રમો એણે વિલોક્યા જિંદગીતણા
અને ભીડે ભર્યા મોટા માર્ગોમાં મન-દેશના
અખંડ પદસંચાર સુણ્યો એણે ચાલતા સ્વ-વિચારનો.
હલવા માગતું 'તું જે તે બધાને દીધું ઉપર આવવા;
પોતે બોલાવતી ના કૈં , ક્શાનેયે ન 'તી ફરજ પાડતી,
કશાનેયે મનાઈ ના કરતી એ, કાળની પ્રક્રિયા પરે
અને પ્રકૃતિની ઈચ્છા કેરી મુક્ત મનસ્વી પ્હેલની પરે
એણે છોડયું હતું બધું.
સંકુલ માનવી નાટય આમ એ અનુવર્તતી,
દૃશ્યો પાછળનો એણે સુણ્યો શબ્દ સૂચના આપનારનો,
વિલોકી મૂળની વસ્તુવ્યવસ્થા વદતી વહી,
અને વિષય વાદિત્રવર કેરો શક્તિ દ્વારા રચાયલો.
માનવી ગહવરોમાંથી ઊછાળીને જે બધું બ્હાર આવતું
તે એણે અવલોકિયું,
ઝાડી મધ્યે જિંદગીની ઘૂમનારી શોધ માટે શિકારની
પશુભાવી જોઈ સહજવૃત્તિઓ,
હૈયાને કાનમાં કે'તા આવેગો અવલોકિયા,
અને ગર્જન્ત આવેશ
લઈ પીછો આક્ર્મન્તો જોયો શિરાસમસ્તને;
જોઈ એણે શક્તિઓ જે તાકી તાકી ગર્તમાંથી નિહાળતી
ને આત્માને મુક્તિ દેતી જોઈ નિઃશબ્દ જ્યોતિને.
કિંતુ સૌથી વધારે તો
દૃષ્ટિ એની પડી જન્મ કેરી પૂઠે વિચારના.
સપાટી પરની ચિત્તદૃષ્ટિથી મુક્તિ મેળવી
અટકી એ નહીં કેસ ઓફિસેથી આવેલો અવલોકવા,
જોવા મસ્તિષ્કના કાર્યાલયે બ્હાર પાડેલાં પરિપત્રને,
વિચારના અવાજો ને શબ્દો નિઃશબ્દ થાય જ્યાં
તે નિર્માણી નિહાળવા,
ભીતરે સંઘરાયેલા અવાજો ના માણસોએ સુણાયલા,
એના ચમકતા સિક્કા કેરી ટંકશાળ ને નિધિ એહનો
થંભતી ના હતી એ અવલોકવા.
પ્રતીકાત્મક ખેલામાં મન કેરી
હતાં આ તો માત્ર વ્હેવાર-પાટિયાં,
ગ્રામોફોનતણી ગોળ ચકતીઓ, પુનરુત્પાદની પટી,
સંજ્ઞાઓની સૂચિપત્રી સંકેતાક્ષર ને સંકેતપદ્ધતિ.
અદૃશ્ય આપણા સૂક્ષ્મ દેહે વિચાર જન્મતો,
અથવા એ પ્રવેશે ત્યાં વિશ્વના ક્ષેત્રમાંહ્યથી.
સાવિત્રીના ચૈત્યમાંથી ઘણીવાર બહાર ડગ માંડતો
અનાવૃત વિચાર કો,
રહસ્યમય હોઠો ને હતી એની આંખો આશ્ચર્યકારિણી;
કે એના ઉરમાંહેથી પ્રકટંતું મુખ એક જ્વલંત કો,
ને એ પ્રાણ તથા પ્રેમ તથા ગાઢ ભાવથી પૂર્ણ સત્યને
માટે નજર નાખતું,
કે અભીપ્સા સ્વર્ગ માટે રાખતું, કે વિશ્વને ભેટતું હતું,
કે પલાયિત ચંદા શી કલ્પનાને
માનવીના સામાન્ય દિવસોતણા.
મંદ આકાશની પાર દોરી લઈ જતું હતું,
શંકા-ઘેર્યા નિશ્ચયોમાં વિધાના વસુધાતણી
શ્રદ્ધાનું દિવ્ય સૌન્દર્ય મૂર્તિમંત બનાવતું
જાણે કે એક મેલા શા ઓરડામાં છાપ-ફૂલનો
સોનેરી ફૂલદાનીનું એક ગુલાબ જીવતું
પ્રહાસ કરતું હતું.
એના હૃદયને ગુહ્યે બેઠેલો કો એક જદૂકરામતી
બેળે ભરાવતો આગે પગલું ને દૃષ્ટિ ઊંચે કરાવતો,
ને પ્રકાશિત હૈયામાં પરિણામે
છલંગીને આશ્ચર્ય આવતું હતું,
કાયાપલટ દેનારી આશા દ્વારા જિંદગી અદભુતા થતી.
ચિંતતો તો ભવાં વચ્ચે એક સંકલ્પ દેખતો;
મસ્તિષ્ક પૂઠળે ઊંભા હતાં શુભ્ર દેવદૂત વિમર્શનો
કવચો ઝબકંતાં 'તાં તેમનાં ને
પ્રાર્થનામાં હતાં અંજલિબદ્ધ એ,
ભૌતિક રૂપમાં રશ્મિ દિવ્ય એ રેડતાં હતાં.
એના હૃદયમધ્યેથી કલ્પનાઓ ભભૂકી ઊર્ધ્વમાં જતી,
ને અલૌકિક સૌન્દર્ય, સ્પર્શો સૌથી ચઢિયાતા પ્રહર્ષના,
યોજનાઓ ચમત્કાર કેરી, સ્વપ્નાં મુદાતણાં :
એના નાભીચક્રની આસપાસમાં
ઝૂમખે ઝૂમખે રહી
વિશાળાં વેદનો એનાં ભર્યાં-પૂર્યાં બનેલા ભુવનોતણાં
અરૂપા ભાવના કેરી ગતિઓ મૂક રેલતાં;
ને સંવેદનશાળી ને અલ્પકાય પુષ્પને કંઠદેશના
આક્રમી લાવતાં એ ત્યાં પોતાનાં અનુનાદનો
અનુચ્ચારિત ને મૂક,
દિવ્ય વાણીતણાં મૂર્ત્ત સ્વરૂપો પ્રજવલાવવા.
હતી નીચે કામનાઓ વિરચંતી નિઃશબ્દા નિજ વાંછના,
અને દૈહિક માધુર્ય ને મહામોદ કાજની
આસ્પૃહાઓ, વસ્તુઓની પરના ગ્રાહ તેમના
ને ચૈત્યોની પરનાં પરિરંભણો
હતી ઉતારતી એક સાદ કેરા સ્વરોમહીં.
વિચારો વપુના એના ચઢતા 'તા એનાં સચેત અંગથી
ને ગૂઢ મસ્તકે તેના તૃષાઓ તીવ્ર તેમની
ઉઠાવીને લઈ જતા
જ્યાં અનિર્વાચ્યનો ભેટો કરે પ્રકૃતિ-મર્મરો.
કિતું બાહ્ય મને બંદી બનેલા મર્ત્ય કારણે
એને દ્વારે પડે સૌને પારપત્રો પોતાનાં બતલાવવાં;
છળવેશે રહી યા ઓ ટોપીયે અધિકારની
અને છદ્મ મુખનું ધારવું પડે,
યા તો મસ્તિષ્કની પેદાશને રૂપે પસાર પડતું થવું,
અજ્ઞાત એમનું ગુપ્ત સત્ય રે'તું ને છૂપું મૂળ એમનું.
માત્ર ભીતરમાં છે તે મન સાથે વાત પ્રત્યક્ષ તે કરે,
કલેવર ધરે તે ને વાણી કેરું સ્વરૂપ લે,
તેમનો માર્ગ દેખાતો, અને સંદેશ તેમનો
સંભળાતો અને જ્ઞાત થઈ જતો,
જન્મસ્થાન અને જાતિ-ચિહન પ્રકટ થાય છે
અને અમરની દૃષ્ટિ-સંમુખે તે કબૂલાયેલ ઊભતાં,
સાક્ષી આત્મા સમક્ષે તે છે આપણા સ્વભાવના
દૂત સંદેશવાહકો.
અભેદ્ય ને રખાયેલા સંકેલેલા મર્ત્ય ઇન્દ્રિયજ્ઞાનથી
આત્મા કેરા ગૃહના ખંડ ભીતરી
તેમની ઘટનાઓ ને મહેમાનોય તેમના
સાવિત્રીની સમીપે કરતા છતા;
અદૃશ્ય ભીંતની ફાટોમાંથી આંખો દેખાતી અવલોકતી
અને અદૃષ્ટ દ્વારોની ગુપ્તતાની મહીં થઈ
મનની આગલી નાની ખોલીમાં આવતા હતા
વિચારો, માનવીની જે પરિસીમિત પ્હોંચનો
વિસ્તાર કરતા હતા,
અર્ધ-બૂઝેલ યા ક્ષીણ થઈ જાતી આદર્શની મશાલને
જે ઊંચી કરતા હતા,
યા તો સાન્તમહીંથી જે અનંત પ્રતિ તાકતા.
દૃષ્ટિ એક થઈ ખુલ્લી મંડાતી જે હતું અદૃશ્ય તે પરે,
ને મર્ત્ય નેત્ર ન્યાળે ના તે રૂપોને લહેનારી બની ગઈ,
સ્વરો ના જેમને મર્ત્ય શ્રવણો સાંભળી શકે
મહાસુખદ માધુર્ય જ્ન્મનારું સ્પર્શે અસ્પર્શગમ્યના,
લાગે આપણને ખાલી હવા શી તેહ વસ્તુઓ
ત્યાં સામગ્રી નિત્યની અનુભૂતિની,
ને સાધારણ ખોરાક ઇન્દ્રિયો ને વિચારનો,
લહેતી તેમને થઈ.
સૂક્ષ્મ પ્રદેશનાં સત્ત્વો પામ્યાં પ્રકટરૂપતા,
અને પાર્થિવ દૃશ્યોની પૂઠે છુપાં રહેલાં દૃશ્ય ઊઘડયાં;
જોયું જીવન એણીએ મહાખંડોતણું દૂર સુદૂરના,
ને દૂરના અવાજોની પ્રત્યે કાને ન 'તી બધિરતા રહી;
અજ્ઞાત માનસો મધ્યે થતી એણે સંવેદી હિલચાલને;
એની આંખોતણી સામે થવા લાગ્યા બનાવો ભૂતકાળના.
અંશો એના વિચારોના હતાં જંગી જગ કેરાં વિચારણો,
ભાવો હમેશના મૂગા અને જેમાં ભાગ કો ન પડાવતું,
ભાવનાઓ કદીયે જે વાણીમાં વ્યક્ત ના થઈ,
સૂચનાઓ અસંબદ્ધ ધૂંધળા અવચેતની
ઊંડાણે અમળાયેલો ને વિચિત્ર
અર્થ એક ઉઘાડો નાખતી કરી,
ન્યારું રહસ્ય તેઓની વાણીનું બબડાટિયા,
સત્યતા તલ નીચેની, તેની સાથે સંયુક્ત તેમની કડી
પ્રકાશે લાવતી હતી.
અદૃષ્ટ દૃષ્ટિએ આવ્યું, બન્યું શ્રવણગોચર:
અદૃશ્ય શૃંગથી આવે ઝપાટીને ગરુડો જેમ ઊતરી
પરચૈતન્યના ક્ષેત્ર થકી તેમ વિચારો ઝંપલાવતા,
પડદા પૂઠનાં ગૂઢ ગહનોથી
વિચારોની ઝલકો ઊર્ધ્વ આવતી,
સંતાયેલા સિંધુમાંથી માછલીઓ પેઠે સુવર્ણ-વર્ણની.
આ વિશ્વ છે વિશાલી ને અખંડિત સમગ્રતા,
વિરુદ્ધ વર્તતાં એનાં બલોને દે
જોડી એક ઊંડી આત્મઘનિષ્ઠતા.
પ્રભુનાં શિખરો પાછી દૃષ્ટિ નાખે મૂગા અટલની પરે.
તેથી માનવ ઉત્ક્રાંત થતો દિવ્યતમ તુંગોતણી પ્રતિ
હજુયે પશુ ને જીન સાથે સંભાષણો કરે;
તારાઓ તાકતી આંખોવાળો માનવદેવતા
મૂળના પશુની સાથે હજી વાસો એક જ ઘરમાં કરે.
ઊંચેનું ભેટતું આવે નીચેનાને,
સઘળું છે માત્ર એક જ યોજના.
આમ અનેક જન્મારા જોયા એણે વિચારના,
જો જે શાશ્વત છે તેના જનમો સંભવી શકે;
કેમ કે શાશ્વતાત્માની શક્તિઓયે એના જેવી જ હોય છે,
છે અકાળ અકાળે એ, નિત્ય જન્મ ધારતી કાળની મહીં.
એણે આ પણ જોયું કે છે બાહ્ય મનમાંહ્ય જે
તે બધું છે બનાવેલું, ન જન્મેલું, પેદાશ નાશવંત છે,
ઘડી કઢાયલું તેજે ધરા કેરા નિર્માણીમાં શરીરની.
છે આ મન ક્રિયાશીલ યંત્ર નાનું, ક્ષીણ એ થાય ત્યાં સુધી
ઉત્પાદન કર્યે જાતું અવિશ્રામ
સામગ્રી મેળવી કાચી બાહ્ય જગતમાંહ્યથી,
શિલ્પી ઈશે રૂપરેખા દોરી છે તે નમૂનાઓ બનાવવા.
ઘણીવાર વિચારો જે આપણા તે પૂરો તૈયાર માલ છે
બ્રહ્યાંડમાં બનાવાયો ને અંદર અણાયલો
કાર્યાલયતણા એક નિઃશબ્દ બારણે થઈ,
વીથિકાઓ કરાવીને પસાર અવચેતની,
પછી કાળ-બજારે એ મુકાયે છે બનાવટ નિજી કહી.
કેમ કે એ હવે છાપ ધારે જીવંત વ્યક્તિની;
ચાલાકી એક કે ખાસ રંગ એક
કરે દાવો કે તેઓ વ્યક્તિના જ છે.
કારીગરી પ્રકૃતિની અન્ય સર્વ છે જેમ તેમ આય છે.
આપણને અપાયાં છે કામ, છીએ ઓજારો માત્ર આપણે;
સર્જીએ આપણે છીએ તેમાંનું ના આપણું સર્વથૈવ કૈં;
કરે છે કાર્ય જે શક્તિ આપણામાં તે શક્તિ આપણી નથી:
પ્રતિભાવના સુધ્ધાંયે કોક ઊંચા પારની ગુપ્તતામહીં
છુપાયેલા મૂળમાંથી પોતાની કૃતિ મેળવે,--
કૃતિ જેહ સમર્પે છે એને અમર નામના.
શબ્દ, રૂપ, મોહિની ને મહિમા ને મનોજ્ઞતા
આદિષ્ટ કાર્ય પામેલા તણખા છે એક અદભુત અગ્નિના;
પ્રભુ-પ્રયોગશાળાના નમૂનાનો જે પેટંટ ધરા પરે
ધરાવે એ, તે સુનેરી વેષ્ટનોમાં લપેટાયેલ રૂપમાં
એની આગળ આવતું;
પ્રેરણાના ટપાલીના ટકોરાને માટે એ કાન માંડતો,
ને અમૂલક આવેલો ઉપહાર લઈ લે નિજ હસ્તકે,
ગ્રહીતા મનના દ્વારા ઉપહારે થોડો બિગાડ થાય છે,
યા એના મગજે એમાં મેળવેલી નિજ પેદાશ હોય છે;
અલ્પમાં અલ્પ વૈરૂપ્ય થાય ત્યારે દિવ્યમાં દિવ્ય હોય એ.
જોકે 'હું' માનવી કેરું પોતાના ઉપયોગને
માટે દાવો કરે છે વિશ્વની પરે
છતાં વૈશ્વિક કાર્યાર્થે ડાઈનેમો મનુષ્ય છે;
મોટે ભાગે પ્રકૃતિનું કાર્ય એની મહીં થતું,
ઉચ્ચ બાકી રહેલું કરતો પ્રભુ :
એનું પોતાતણું તો છે માત્ર સ્વીકૃતિ ચૈત્યની.
આ સ્વતંત્ર, એકવાર સર્વોચ્ચ શક્તિરૂપ જે,
સર્જાયું વિશ્વ તે પૂર્વે સ્વયંભૂરૂપ જે હતો,
સ્વીકારી વિશ્વને પોતે બંધાઈ તે બને દસ નિસર્ગનો,
અને એવો જ એ રહે
જ્યાં સુધી પ્રકૃતિનો એ બને ના મુક્ત માનવી,
-કે બની ના જાય એ દાસ ઈશનો.
મોખરે આપણા મર્ત્ય આ અભાસ રહેલ છે:
પછવાડે રહેલું આપણી અસ્તિનું સત્ય મહત્તર :
છે વૈશ્વિક અને સીમાતીત ચૈતન્ય આપણું,
પરંતુ આપણે જયારે
જડદ્રવ્યતણી ભીંત તોડી નાખી માર્ગ કીધેલ હોય છે
ત્યારે જ આપણે બ્રહ્ય-બૃહત્તામાં છીએ સમર્થ ઊભવા,
અને પ્રભુ બની રે'વા આપણી જગતીતણા,
મન સાધન જ્યાં માત્ર ને ઓજાર શરીર છે.
કેમ કે આપણા સત્ત્વતણું સત્ય દેહના ને વિચારના
જન્મથી ઊર્ધ્વમાં રે 'છે દિગંબર સ્વરૂપમાં,
ને અબદ્ધ રહીને એ ઉંચાઈથી વિશ્વને અવલોકતું.
સાવિત્રી મનમાંહેથી ચઢી જાવા એના નિયમથી બચી
કે પોઢી જાય એ ઘેરી કો છાયામાંહ્ય આત્મની
કે અદૃષ્ટતણે મૌને બની નીરવ જાય એ.
એ આરોહી ગઈ ઊંચે અને ઊભી બની મુક્ત નિસર્ગથી
ને છેક ઊર્ધ્વથી એણે જોયું જીવન સૃષ્ટિનું,
ત્યાંથી સર્વ પરે ઢાળ્યો સ્વસંકલ્પ મહાપ્રભાવથી ભર્યો
કે સૌ જાય સમર્પાઈ પ્રભુ કેરી કાલાતીત પ્રશાંતિને :
પછી શાંત બની સર્વ ગયું એના આત્માના અવકાશમાં,
માત્ર ક્ષુદ્ર વિચારો કો ઊંચે આવતા ને પડી જતા
મૌન સાગરને હૈયે શાંતિમાન વિચાર શા,
કે એકાંત તળાવે કો પથચૂક્યો પથરો પડતાં અને
સ્વપ્ન સેવંત આરામ એનો ક્ષુબ્ધ થઈ જતા
લહરીઓ પ્રસરે, તે પ્રકારથી.
નિર્માણી મનની તેમ છતાં કામ કરતી અટકી હતી,
ડાઈનેમોતણા સ્પંદ કેરો ન્હોતો અવાજ ત્યાં,
નિઃસ્પંદ જિંદગી કેરાં ક્ષેત્રોમાંથી સાદ કો આવતો ન 'તો.
પછી એ ચલનો સુધ્ધાં એનામાંથી પડી બંધ ગયાં બધાં;
ખાલી વિશાળ કો ખંડ સમ એનું લાગતું 'તું હવે મન
કે અવાજ વિનાના કો શાંતિએ પૂર્ણ દૃશ્ય શું.
નિરાંત માણસો આને કહેતા ને મોંઘેરી શાંતિ માનતા.
પરંતુ વધુ ઊંડેરી
એની દૃષ્ટિ સમીપે તો હજુયે એ બધું હતું,
ઢાંકણા હેઠના અંધાધૂંધી કેરા ચઢતા ઊભરા સમું;
શબ્દ ને કર્મને માટે લાગણીઓ ને વિચારો પુકારતાં,
કિંતુ મૌનિત મસ્તિષ્કે એમને ના જવાબ મળતો કશો :
બધું દાબી રખાયું 'તું હજી કિંતુ મટી કૈં ન ગયું હતું;
ફાટી નીકળવા કેરી પ્રતિક્ષણ વકી હતી.
પછી તો આટકયું આયે; શીલા દેહ દીસતો.
બધું હતું હવે એક વિશાળી ને શક્તિસંપન્ન શૂન્યતા,
પરંતુ ચુપકીદીથી શાશ્વતીની બહિષ્કૃત હજી હતું;
કેમ કે હજુયે દૂર શાંતિ કેવળની હતી
અને દૂર હતો સિંધુ મૌન કેરો અનંતના.
કેટલાક વિચારો તો હજી એનું એકાંત લંઘતા હતા:
ઊંડાણોમાંહ્યથી એ ના ઊછળી આવતા હતા
કે નિરાકારતામાંથી અંતરેથી ફેંકતા ઉપરે ન 'તા
પામવા રૂપબદ્ધતા,
દેહ કેરી અપેક્ષાને વદતા ના,
કે આહવાન મન કેરું શબ્દમાં મૂકતા ન 'તા.
માનુષી કાળમાં જન્મ્યા કે બનાવ્યા લાગતા એ હતા નહીં,
દૂરની દુનિયામાંના બાળકો એ હતા વૈશ્વ સ્વભાવના,
આકારો ભાવનાઓના સજજ પૂરેપૂરા શાબ્દિક બખ્તરે,
અવકાશે વિજાતીય મોકલેલા મુસાફરો.
આવતા લાગતા 'તા એ દૂર કેરા કોક વિસ્તારમાંહ્યથી
મોટા ધોળા સઢો જેવી જાણે પ્રૌઢ પાંખો પર વહાયલા,
ને અંત:શ્રુતિ પાસે એ સુખપૂર્વક પ્હોંચતા,
જાણે કે ચૈત્ય આત્માની પાસે રાજ-પ્રવેશનો
હતા વાપરતા તેઓ અધિકાર હકે મળ્યો.
હતો હજુ સુધી ઊંડે છુપાયેલો જ્યોતિમાં માર્ગ તેમનો.
પછી ઘુસણિયા તેઓ ક્યાંથી આવ્યા, તેનો પત્તો લગાવવા
જોતા એણે જોઈ એક આધ્યાત્મિક અપારતા
વ્યાપેલી ને વીંટનારી વિશ્વના અવકાશને
પારદર્શક ને સ્પર્શગમ્ય છે તે
હવાને આપણી જેમ આકાશતત્ત્વ વીંટતું,
ને તે મધ્યે થઈ શાંત આવનાર જોયો એણે વિચારને.
ઘાટબંધી તથા નાકાબંધી વિષે ન જાણતું
બાર નજીક આવેલું વ્હાણ જેમ સર્પે સરલ રીતથી
પ્રવેશપત્રની સીલ પર વિશ્વાસમાં રહી
તેમ વિચાર આવીને જતો મૌન મસ્તિષ્ક-નગરી કને
પોતાના રોજના આશા કરતા કુરજા પ્રતિ,
પણ બાધક સંકલ્પ એની સામે ખડો થતો
અને ભેટો થતો એને શક્તિના ફટકાતણો,
ને એ ડૂબી જઈ લીન થઈ જાતો અમેયમાં.
લાંબા ખાલી વિરમાન્તે પડતો અન્ય દૃષ્ટિએ
અને એક પછી એક ઓચિંતાના બીજા ઉપર આવતા,
અનાશંસિત મ્હેમાનો મન કેરા અદીઠથી
એકાકી સાગરે જેમ સઢો હોય સુદૂરમાં.
વ્યાપાર કિંતુ આ અલ્પ કાળમાં અટકી પડે,
મન કેરે કિનારે ના એકે પણ પહોંચતો.
પછી સર્વ બન્યું સ્તબ્ધ, ન કશુંયે હાલતુંચાલતું હવે :
ગતિહીન, સ્વાત્મલીન, કાલરહિત, એકલો
મૌન આત્મા જતો વ્યાપી મૌન વ્યોમાવકાશમાં.
પૂરી નિઃસ્પંદતામાં એ ખુલ્લેખુલ્લી અને ભીષણતાભરી
સર્વેને ઇનકારંતા એક પરમ શૂન્યની
થઈ ઝાંખી;
અસત્ નિગૂઢ એ દાવો જબરો કરતું હતું
મિટાવી નાખવા કેરો નિસર્ગને
અને ચૈત્ય-આત્માના ઇનકારનો.
નગ્ન સ્વરૂપનું ભાન સુધ્ધાં ફિક્કું અને આછું બની ગયું :
વ્યક્તિસ્વૃરૂપતાહીન, સંજ્ઞાહીન, અલક્ષણા
રૂપોથી રહિતા, ખાલીખમ ને શુદ્ધ ચેતના
મનના સ્થાનમાં હતી.
આત્મા એનો જણાતો 'તો પદાર્થ એક નામનો,
આત્મા ઉપર આંકેલું ચિત્રરૂપ પ્રતીક વિશ્વ લાગતું,
સ્વપ્નું એક મૂર્તિઓનું, સ્વપ્નું એક સ્વરોતણું
એક વિશ્વરૂપ આભાસ સર્જતું,
કે આત્માને અર્પતું 'તું આભાસ એક વિશ્વનો.
હતું આ આત્મ-દર્શન;
અક્ષમી એ ચૂપકીમાં
લઈ રૂપ શકે એવો ન 'તો કોઈ ખ્યાલ કે ના વિમર્શ કો,
આકાર વસ્તુઓ કેરો રચનારી ન 'તી ઇન્દ્રિયપ્રક્રિયા,
એકમાત્ર હતી આત્મદૃષ્ટિ, કોઈ વિચાર ઊઠતો ન 'તો.
સ્તબ્ધ હૃદયમાં ભાવ હતો સૂતો છેક ઊંડાણની મહીં
કે હતો દફનાયેલો શાન્તિ કેરા શ્મશાનમાં:
લગણીઓ બધી ચેષ્ટાહીન, શાંત અથવા મૃત લાગતી,
જાણે કે ઉર-તંત્રીઓ તૂટી કાર્ય કરવા શકત ના હતી,
અને હર્ષ તથા શોક ઊઠવાને ન સમર્થ ફરી કદી.
ધડક્યા કરતું હૈયું તાલે એક અચેતન
કિંતુ ત્યાંથી આવતો ના કો જવાબ, કે ન પોકાર આવતો.
ઘટનાઓતણી વ્યર્થ હતી ઉશ્કેરણી થતી;
બાહ્ય સંસ્પર્શને દેતું કશુંયે ના હતું ઉત્તર અંતરે,
ન 'તી સળવળતી એકે શિરા ને ના પ્રતિકાર્ય થતું કશું.
ને છતાંયે હજી એનો દેહ જોતો, બોલતો, ચાલતો હતો;
સમજી શકતો 'તો એ વિના સાહ્ય વિચારની,
કહેતો એ હતો જે જે હતું કે'વું જરૂરનું,
કરતો એ હતો જે જે કરવાનું જરૂરનું.
હતું નહીં ક્રિયા પૂઠે કોઈ વ્યક્તિસ્વરૂપ ત્યાં,
પસંદ કરવા માટે કે પસાર કરવા યોગ્ય શબ્દને
મન કોઈ હતું નહીં :
ભૂલ ના કરતા રૂડા યંત્ર પેઠે કાર્ય સૌ કરતું હતું.
જૂની ટેવોતણા આંટા જાણે ચાલુ ન રાખતું
ને જૂના ને ન ખૂટેલા બળે જાણે ધકેલાઈ રહ્યું ન હો
તેમ એન્જિન જે કામ માટે પોતે બન્યું હતું
તે કામ કરતું હતું :
સાવિત્રીની ચેતના ના ભાગ લેતાં જોયા સૌ કરતી હતી;
એ ધારી રાખતી 'તી સૌ, ભાગ લેતી હતી ના એ કશાયમાં.
પ્રારંભ પ્રેરતો એકે હતો સંકલ્પ ના બલી;
સ્થિર શૂન્ય પાર જતી એક અસંગતિ
સંબધિત ઉદ્દચ્છાની વ્યવસ્થામાં સરી હતી.
એકમાત્ર હતી શક્તિ શુદ્ધિમંત પ્રત્યક્ષ અવબોધની
જે એના કાર્ય ને દૃષ્ટિ પછવાડે હતી ખડી.
જો એ નિવૃત્ત થાયે તો લોપ પામી સઘળી જાય વસ્તુઓ,
અંત અસ્તિત્વનો આવે એના પોતાતણા અંગત વિશ્વનો,
એણે જે ઘર બાંધ્યું 'તું લઈ ઈંટો વિચારની
અને ઇન્દ્રિયજ્ઞાનની
અવકાશતણા જન્મ પછી આરંભકાળમાં
તેની અસ્તિ મટી જતી.
આ દર્શન હતું દૃષ્ટ સાથે તાદાત્મ્ય રાખતું;
જે સૌ જાણી શકાતું 'તું તે સૌને એ જાણતું જ્ઞાનના વિના,
નિષ્પક્ષ ન્યાળતું 'તું એ થતા પસાર વિશ્વને,
પરંતુ એ જ સર્વોચ્ચ અને નિશ્ચલ દૃષ્ટિએ
એની અલગતર્તીય અસત્-તાને પણ એ દેખતું હતું.
વિશ્વલીલાતણું રૂપ એ હતું અવલોકતું
કિંતુ મૃત જણાતાં'તાં રૂપોમાંનાં વિચાર ને
તદંતર્ગત જિંદગી,
વિલોપાઈ ગયાં'તાં એ લોપે એના પોતા કેરા વિચારના :
ખાલી શરીરનું ખોખું હજી આગ્રહ રાખતું.
દેદીપ્યમાન પોતાની છાયારૂપ સઘળું લાગતું હતું,
દૃશ્યોની ને મૂર્તિઓની એક વૈશ્વ ચલચિત્રપટી સમું :
સ્થાયી પુંજ અને રૂપરેખાઓ પર્વતોતણી
રેખાકૃતિ હતી એક મૌન માનસની પરે
સ્વપ્નદર્શી દૃષ્ટિ કેરા ચાલુ સતત તાલથી
ધારતી એ ધ્રૂજારીએ ભર્યું ઘનત્વ જૂઠડું;
લીલમી બહુતાઓથી પોતા કેરી હતું વન સજાવતું
પ્રદર્શને સ્વરંગોના અવિસ્પષ્ટ ને ખાલી અવકાશને,
એક ચિત્રતણા રંગો ઢાંકી દેતા બહિસ્તલીય રિક્તતા
મારતી ઝબકારા જે કિનારીએ વિલોપની;
નેત્રોની ભ્રમણારૂપ નીલાકાશ બનેલું છાપરું હતું
મને રચેલ માયાના આભાસી જગની પરે
અસત્ આકાશની નીચે ચાલી રહેલ માણસો
પૂઠું કાપી બનાવેલાં અને પ્રચલ પૂતળાં
સમાણા લાગતા હતા,
અને અદૃષ્ટ હસ્તોએ ધકેલાતા જમીન ઉપરે થઈ
કે કલ્પનાતણી ફિલ્મે ચિત્રો એ ચાલતાં હતાં:
એમનામાં ન 'તો જીવ કે ન 'તી પ્રાણશકિતયે.
વિચાર સમ દેખાતાં દોલનો મસ્તિકે થતાં,
પ્રત્યેક સ્પર્શને ઠોકે નસ કેરો પ્રત્યુત્તર ક્ષણેકનો,
હર્ષ, શોક અને પ્રેમભાવ રૂપે
લહેવાતાં સ્પંદનો હૃદયે થતાં,
--આ સર્વ તેમની જાત જેવું શરીર જે હતું
તે શરીરે આવતા આચકા હતાં,
જે શરીર ઘડાયું 'તું અણુઓથી ને સંગઠિત ગેસથી,
માયા કેરું બનાવેલું હતું નિર્મિત જૂઠ જે,
સૂતેલા શૂન્યના દીઠા સ્વપ્ન જેવું હતું જીવન જેહનું.
વનની વીથિઓમાંથી એકલાં કે સમૂહમાં
પલાયિત થતાં પ્રાણી હતાં દૃશ્ય સંચારણ કરી જતા
સૌન્દર્યનું અને શ્રીનું કલ્પેલું કો સર્વસર્જક લોચને.
છતાં વિલીન થાતા એ દૃશ્ય પૂઠે કૈંક અસ્તિત્વમાં હતું;
સાવિત્રી વળતી જ્યાં જ્યાં કે ગમે તે વિલોકતી
ત્યાં ત્યાં એ આવતું લક્ષ્યે
ને છતાંએ છુપાયેલું રહેતું 'તું મન ને દૃષ્ટિ પાસથી.
સત્યસ્વરૂપ જે એક તે આચ્છન્ન રહેતું અવકાશથી,
કાલના ખ્યાલથી ન્યારું અળગું એ ખડું હતું.
રૂપ, રેખા અને રંગથકી એનું સત્ય છટકતું હતું.
અવાસ્તવિક બાકીનું બન્યું સર્વ આપોઆપ મટી જઈ,
આ એકલું સદાસ્થાયી ને વાસ્તવિક લાગતું,
છતાંયે વાસ એનો ના હતો ક્યાંય,
હતું કાળ-હોરાઓની બહાર એ.
દૃષ્ટિના શ્રમને એક આ જ ન્યાય્ય બનાવતું,
પરંતુ દૃષ્ટિ ના એને માટે રૂપ-નિરધાર કરી શકે;
અતૃપ્ત શ્રોત્રને એક આ જ રાજી કરી શકે
કિંતુ શ્રુતિ વૃથા કાન ધરે ચૂકી જવાતો ધ્વનિ પામવા;
ન ઇન્દ્રિયને આપે ઉત્તરો ને બોલાવે મનને ન એ.
અજ્ઞેયમાંહ્યથી નિત્ય બોલે છે જે ને ગ્રહ્યો નવ જાય ને
ન સંભળાય જે સૂર તે રૂપે એ સાવિત્રીને જઈ મળ્યું.
વિશ્વવ્યાપી એક બિન્દુરૂપે એ એહને મળ્યું,
પરિમાણ વિનાનું ને સ્થિર ના, દૃશ્યમાન ના,
એના બહુગુણી તાલતણી કેવળ એકતા
સ્વરાઘાતો આણતી 'તી અદ્વિતીયા એની શાશ્વતતા પરે.
એની સંમુખ ઊભું એ વિરાટ શૂન્યની નિઃસીમતા બની,
' છે' એવું લાગતું જે સૌ તેની પ્રત્યે 'નથી' કેરી અનંતતા,
અનંત 'હા' હમેશાંની ક્લ્પાતી ને
ન ક્લ્પાતી, વિચારાતી ન, તે સૌ વસ્તુઓ પ્રતિ,
સદાની શૂન્યતા, કૈંક સરવાળો ન પામતું,
આકાશહીન ને સ્થાનહીન ક અનંતતા.
છતાંયે લાગતી ખાલી શબ્દમાત્ર શાશ્વતી ને અનંતતા,
એની આશ્ચર્યકારી એ એકાકી સત્યતા પરે
અસમર્થ મને મોઘ લગાડેલા હતા કેવળ શબ્દ એ.
જગત્ પ્રસ્ફોટ પામેલો એની જ્યોતિથકી માત્ર સ્ફુલિંગ છે,
પળો સૌ ઝબકારા છે આવનારા એની અકાળતા થકી,
અશરીરતણા મંદ આભાસો વસ્તુઓ બધી
જે અલોપ થઈ જાય મનમાંથી થતાં દર્શન तत् તણું.
સંમુખે મુખની એના ઢાલ પેઠે
એણે ધારી રાખી છે એક ચેતના
જે દ્રષ્ટા વણ દેખે છે, ધાર્યું છે સત્ય એક જ્યાં
નથી જ્ઞાન, નથી જ્ઞાતા, ને જ્ઞાત વસ્તુયે નથી,
ધર્યો છે પ્રેમ જે મુગ્ધ નિજનંદ પરે રહે,
ને જ્યાં પ્રેમી નથી ને ના પ્રેમપાત્રેય છે જહીં
વિરાટે આણવા ભાવોદ્રેકતા વ્યક્તિભાવની,
ધારી છે શક્તિ જે શાંત છતાં સર્વસમર્થ છે,
ને મહાસુખ જેને ના ચાખવા કો કદી આશા કરી શકે.
એણે રદ કરી જાત ધોખાબાજ ને વિશ્વાસ કરાવતી;
અકિંચનત્વનું સત્ય એનું શ્રેષ્ઠ સૂત્ર માર્ગ બતાવતું.
આખું અસ્તિત્વ જો ત્યાગ અસ્તિ કેરો કરી શકે,
ને અસત્ ના બાહુઓમાં સત્ સમાશ્રય મેળવે
ને ચેકી જો અસત્ નાખે નિજ ગોળાવ શૂન્યનો
તો થોડીક પ્રભા દેખા દે સત્-સત્યતાતણી.
સાવિત્રીને મળી આવી મુક્તિ રૂપવિવર્જિતા.
એકવાર દટાયેલી જીવતી એ મસ્તિષ્કે અથ માંસમાં,
દેહ, મન તથા પ્રાણમહીંથી એ ચઢી હતી;
હવે રહી હતી ના એ વ્યક્તિ એક એક જગતની મહીં,
અનંતતામહીં પોતે છટકીને ગઈ હતી.
એકવાર હતું જેહ સ્વ-સ્વરૂપ તે અદૃશ્ય થયું હતું;
ચોકઠું વસ્તુઓનું ના હતું એકે, ને 'તું જીવસ્વરૂપ કો.
ઇન્દ્રીઓના દેશમાંથી આવેલી શરણાર્થિની,
જરૂરિયાત ટાળી 'તી એણે અવ વિચારની,
જ્ઞાન-અજ્ઞાન બન્નેથી બની મુક્ત ગઈ હતી,
પરિત્રાણ હતી પામી સત્યથી ને અસત્યથી,
સ્વયંભૂ શબ્દની પાર ને નગ્ન ભાવનાથી પણ પાર જે,
પાર પ્રારંભની ખુલ્લી ઘન ચૈતન્ય-ભોમથી
એકાંત ઊર્ધ્વ જે ધામ પરચેતનવંતનું,
હતી તેની મહીં એ સહભાગિની;
સત્ત્વો કો ન હતાં ત્યાં, ત્યાં સ્થાન અસ્તિત્વને ન 'તું,
ન 'તું પ્રલોભને એકે હોવાની હર્ષણાતણું.
વર્ણવી જાય ના એવી એ લોપાઈ ગઈ હતી,
વ્યક્તિરૂપ ન કો એકે, શૂન્યાકાર બની હતી,
વિલોપાઈ જતું ચિહન જામલી અવિષ્ટ કો,
બનેલી ભૂતકાલીન હવે એવી
જાત કેરી આછેરી માત્ર અંકના,
અવિજ્ઞેયમહીં એક બની 'તી એહ બિંદડી.
મિટાવ આખરી થોડો માત્ર બાકી રહ્યો હતો,
અવર્ણનીય અસ્પષ્ટ હતું બાકી પગલું પૂર્ણ નાશનું :
હજીએ ત્યાં હતી એક સ્મૃતિ સત્-તાસ્વરૂપની
ને એ એને રાખતી 'તી શૂન્યાકારથી પૃથક્ :
હતી એ तत् મહીં કિંતુ तत्- સ્વરૂપ હજી ન 'તી.
એની જાતતણી છાયા જે આ છેક શૂન્ય કેરી સમીપની
તેનો ટેકો લઈ જાત
ફરીથી જીવવા માટે શકિતમાન થતી હતી,
ફરી એ શકતી પાછી ચિંતનાતીતમાંહ્યથી,
ને કો ગૂઢ બૃહત્તાએ ચાહ્યું હોય તે બની શકતી હતી.
ને અજ્ઞેયતણો આદેશ હોય જે
તેને અનુસરી ઠીક પોતે શૂન્ય સ્વયં બને
યા બની ને નવી પ્રાપ્ત કરે સર્વસ્વરૂપતા,
કે જો સર્વશકિતમંત શૂન્ય ધારે સ્વરૂપ તો
પ્રકટે એ બની કોઈ ને ઉદ્ધાર કરે વિશ્વસમસ્તનો .
વળી શીખી શકે એ જે ગૂઢ શૂન્યે ભરેલ છે,
દેખીતો બ્હાર જાવાનો માર્ગ યા તો બંધ અંત સમસ્તનો
દૃષ્ટિથી આવરાયેલા આંધળા અંધકારનો
સંચાર સંભવી શકે,
અને એની અવસ્થા આ
અનિર્વાચ્ચતણી પાસે જનારા ગુપ્ત માર્ગથી
શ્યામીભૂત સૂર્ય કેરા કોચલાનો રાહુગ્રહેય સંભવે.
અત્યારેય પ્રભાવંત આત્મા એનો મૌન ને શૂન્યતાથકી
જવાલામાલાવંત પાછો ફરવાને સમર્થ છે,
અંશ એક પ્રકાશંત સર્વાશ્ચર્યસ્વરૂપનો,
શકિત સૌને સમર્થંત કો કેવલસ્વરૂપની,
સદાના સત્યનું એક દેદીપ્યમાન દર્પણ
છે એકરૂપ જે સર્વમહીં તેને બતાવવા
પ્રાદુર્ભાવ પામેલું મુખ એહનું,
આત્માઓને મનુષ્યોના ગહનસ્થા તેમની એકરૂપતા.
અથવા વિશ્વનાં રાત્રિદિનથી પર પારમાં
એ પ્રબુદ્ધા બની જાય પ્રભુની શાંતિની મહીં,
અને સાંત્વિત આરામ સેવે એની શુભ્ર શાશ્વતતામહીં.
અવાસ્તવિક ને દૂર અત્યારે કિંતુ આ હતું
કે આચ્છન્ન નિગૂઢા ને અગાધ રિક્તતામહીં.
અનંતા શૂન્યતામાંહે હતો સંકેત આખરી,
નહીં તો જે અવિજ્ઞેય તે જ કેવળ સત્યતા.
સર્વને ઇનકારંતું એકાકી એક કેવલ:
નિજ એકાંતતામાંથી એણે લુપ્ત કર્યું અજ્ઞાન વિશ્વને
ને નિમગ્ન કરી દીધો જીવાત્માને એની શાશ્વત શાંતિમાં.
છઠો સર્ગ સમાપ્ત
વન હૃદયમાં આવેલા એ નાનકડા આશ્રમમાં મુનિઓની શાંતિના વાતાવરણમાં નિત્યનો જીવનક્રમ એને એ જ પ્રકારે રાતદિવસ ચલ્યા કરતો હતો. પુરાતન માતાએ પોતાના શિશુને પોતાની છાતી સરસું ચાંપી રાખ્યું હતું, અને જાણે મૃત્યુ ને પરિવર્તન છે જ નહિ એમ એના જીવંત આત્માને અને દેહને પોતાના આશ્લેષમાં રાખ્યો હતો.
સાવિત્રીના અંતરમાં અભૂતપૂર્વ પરિવર્તન થઈ ગયું હતું , પણ બહારની નજરે એ લોકોને દેખાતું ન 'તું. જ્યાં એકમાત્ર પ્રભુની અનંતતા હતી ત્યાં તેઓ માનવ વ્યક્તિને જ જોતો. સૌને માટે એ એની એ જ સાવિત્રી હતી, માહાત્મ્ય, માધુર્ય અને પ્રકાશ પાથરતી સાવિત્રી.
પણ સાવિત્રી અંદરખાને હતી એક રિક્ત ચેતનસત્તા. એના શબ્દ પાછળ ને એની ક્રિયા પાછળ સંકલ્પ ન 'તો, એની વાણીને દોરવા માટે વિચાર મસ્તિષ્કમાં રૂપ ન 'તો લેતો. વ્યકિતભાવરહિતા એ બોલતી ચાલતી. ગૂઢમાં રહેલું કોઈ એના દેહની સંભાળ રાખતું 'તું, એને ભાવિના કાર્ય માટે સંરક્ષણ હતું.
સર્વનું પ્રભવસ્થાન એવું એક અદભુત શૂન્ય એના હૃદયનું નિવાસી બની ગયું હતું. એની મર્ત્ય અહંતા પ્રભુની રાત્રિમાં પ્રલીન રાત્રિમાં થઈ ગઈ હતી. એની અહંતાના કોશેટા જેવી એની કાયા તો હતી, પણ તેય જાણે અસત્ સત્તાના સાગરમાં તરી રહી હતી. પવિત્ર પરમાત્મા પિતા ને પુત્ર વગરનો બની ગયો હતો. નિર્વિકાર, નીરવ, એકાકી અને અગમ્ય બની ગયેલું એનું સત્ત્વ મૂળની સ્થિતિને પ્રાપ્ત થઈ ગયું હતું.
આવું હોવા છતાંય ઊંડી અભાવાવસ્થામાં સર્વ કંઈ લોપ પામી ગયું ન 'તું. સાવિત્રીનો આત્મા સાવ શૂન્યની પ્રતિ ગતિ કરી રહ્યો ન 'તો. એનું મુખ એક અવ-ગુંઠિત અવાક સત્યની દિશામાં વળેલું હતું. આ એના હૃદયની નીરવ ગુહામાં નિલીન હતું ને ત્યાં રહ્યું રહ્યું મહામથામણમાં પડેલા જગતને જોતું હતું, એને અથે ની
શોધને પ્રેરતું 'તું ને પોતે શોધાઈ જવાની દરકાર રાખતું ન 'તું.
કોઈ એક નિગૂઢ પોતાના અશરીરી પ્રકાશના સંદેશા નીચે મોકલતું હતું, આપણો જે નથી એવા વિચારની વિધુતો વિલસાવતું હતું. સાવિત્રીના નિશ્ચલ માનસને પાર કરીને એ અર્ચિષોને આકાર આપતી વાણીને પકડી લેતું, એક શબ્દમાં પ્રજ્ઞાનના હૃદયને ધબકતું બનાવતું, મર્ત્ય ઓઠથી અમર્ત્ય વસ્તુઓ ઉચ્ચારતું હતું. ઋષિમુનિઓની સાથે ચાલતી પ્રશ્નોત્તરીમાં સાવિત્રી મનુષ્યો માટે અશક્ય એવા આવિષ્કારો કરતી. કોઈ સુદૂરના ગુહ્યે એના ક્લેવરનો કબજો લીધો હતો અને એને એ પોતાના રહસ્યમય ઉપયોગ માટે વાપરતું. આથી સાવિત્રીના મુખ દ્વારા અવર્ણ્ય સત્યો અને અચિંત્ય જ્ઞાન પ્રકટ થતાં ને શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈ જતા. મુનિઓને લાગતું કે એમણે પોતે જેની માત્ર દૂરથી ઝાંખી કરી હતી તે સર્વ સાવિત્રી જાણતી હતી. પણ એના વિચારો એના મગજમાં રચાતા ન 'તા એનું ખાલી થઈ ગયેલું હૃદય તાર વગરની સિતારી જેવું હતું. એનું શરીર નિરાવેગ સ્થિતિમાં રહેતું અને એના પોકાર પર એનો દવો ન 'તો, એ માત્ર અલૌકિક જ્યોતિર્મય મહિમાને પોતામાં થઈને પસાર થવા દેતું. એના આત્માના ગૂઢ ધ્રુવો ઉપર આવેલું શકિતનું એક અનામી ને અદૃશ્ય દ્વન્દ્વ હજુ કાર્ય કરતું 'તું. સાવિત્રીની દૈવી રિક્તતા એનું કાર્યસાધન હતું. એમાંનું એક હતું નીચેની અચેતન પ્રકૃતિ ને બીજું હતું પરચૈતન્ય રહસ્યમયતા, મનુષ્યોના વિચારોને સ્પર્શવા માટે એ શબ્દને પ્રયોજતી, ને વિરલ એવી અપૌરુષેય વાણી પ્રકટતી.
પણ હવે સાવિત્રીના શાંત અને સૂના મનોવિસ્તારમાં બાહ્ય સ્વરનો સ્વાંગ ધરીને એક વિચાર સંચર્યો, ને સીધેસીધો એના શુદ્ધાવબોધના અવકાશીય કેન્દ્રમાં આવ્યો. સાવિત્રીની આત્મસત્તા શરીરની દીવાલો ને દરવાજાઓમાં જરા જેટલીય પુરાઈ રહી ન 'તી. એ તો પરિધિ વિનાના મહાવર્તુલમાં પલટાઈ જઈ વિશ્વની સીમાઓ વટાવી ગઈ હતી. ન 'તું ત્યાં કો રૂપ કે લક્ષણ, ન 'તી પરિધિરેખા, ન 'તી તલભૂમિ, ન 'તી ભીંત ને ન 'તું વિચારનું છાપરું. છતાંયે એ એક નિશ્ચલ અને નિઃસીમ મૌનમયી શાંતિમાં રહીને જ સમસ્તને જોતી. એની અંદરનું બધું જ એક નિઃસ્પંદ ને સમસ્થિત અનંતતા બની ગયું હતું. અદૃષ્ટ અને અજ્ઞાત એક એનામાં પોતાના અવસરની રાહ જોઈ રહ્યો હતો.
સાવિત્રી સૂતેલા સત્યવાનની પાસે બેઠી હતી. અતિ ઘોર રાત્રિમાં એ અંદરથી જાગ્રત હતી. એની આસપાસ અજ્ઞેયની અસીમતા વિસ્તરી હતી. આ સમયે એના અંતરમાંથી એક અવાજે બોલવાનું આરંભ્યું. એ અવાજ એનો પોતાનો ન 'તો, તેમ છતાં એણે એના વિચારને ને ઇન્દ્રિગ્રામને આધીન બનાવી દીધાં. આ અવાજ સાથે સાવિત્રીની અંદરનું તેમ જ બહારનું બધું બદલાઈ ગયું. સર્વ કંઈ હતું, સર્વ કંઈ સજીવ હતું, સર્વ કંઈ એકરૂપ હતું. અસત્ય સંસાર શમી ગયો. બ્રહ્ય, એક આત્મા સૃષ્ટ વસ્તુઓને વિલોકતો હતો. એ પોતાની અંદરથી અસંખ્યાત રૂપોને
પ્રક્ષિપ્ત કરતો ને પોતે જે જોતો ને સર્જતો તેની સાથે તદરૂપ હતો. નકારને જેમાં સ્થાન નથી એવું એ સત્ય હતું, અસત્તાનું ભાન સંહારાયું હતું. બધું જ હતું સચૈતન્ય, અનંતનું બનેલું. સર્વમાં શાશ્વતતાનું તત્ત્વ હતું. એ ને અકલ એક હતાં. આ અસત્ શૂન્યમાં વિસ્તાર પામતું મીડું ન 'તું. એ એનું એ જ હોવા છતાંય દૂરનું ન 'તું લાગતું. એ હતું સાવિત્રીના પુનઃપ્રાપ્ત આત્માના આશ્લેષમાં. એ હતું એનો આત્મા અને ભૂતમાત્રનો આત્મા. અસ્તિમતી સર્વ વસ્તુઓની સત્યતા એ હતું. જે સર્વ જીવંત હતું, સંવેદનશીલ ને દૃષ્ટિયુક્ત હતું, તેનું એ ચૈતન્ય હતું સરૂપ-અરૂપ, ઉભયનું એ મહાસુખ હતું. એ હતું એકાલરૂપ ને કાલરૂપ પણ એ જ હતું. એ હતું પ્રેમ અને પ્રેમપાત્રનો ભુજાશ્લેષ. એક સર્વદર્શી મનમાં એ હતું દૃષ્ટિ ને વિચાર. પ્રભુનાં શિખરો પર એ આત્માનો આનંદ હતું.
સાવિત્રીએ કાળમાંથી અકાળમાં પ્રવેશ કર્યો હતો. દિગ્-વિસ્તારમાંથી બહાર સરકી જઈને એ અનંત બની હતી. ઊંચે આરોહતો એનો આત્મા અગમ્ય શિખરોએ પહોંચ્યો, અગાધ ઊંડાણોમાં નિમજજન કરતાં એ મૌન રહસ્યમયતાનો અંત પામ્યો નહિ. સાવિત્રી શૃંગોની પારના શૃંગે અને ઊંડાણોની પારના ઊંડાણે પહોંચી; સનાતનને એણે આત્માવાસ બનાવ્યો; મૃત્યુને આશ્રય આપનાર અને કાળચક્રને ધારણ કરનાર સર્વમય પોતે બની ગઈ.
આત્માની અનંતતામાં સર્વે વિરોધો પણ સત્યરૂપ હતા. एक પરાત્પરની આશ્ચર્ય-મયતાના હૃદયમાં વિશ્વાત્મા સાથે એકાત્મક એક વ્યક્તિ સર્વને સર્જતી ને સર્વના સર્વેશ્વરસ્થાને હતી. મન એના સ્વરૂપ ઉપરની ને પોતે જે સર્વ બન્યો છે તેની ઉપરની એક અસંખ્યગુણ દૃષ્ટિરૂપ હતું. વિરાટ રંગમંચ પર જીવન એનું નાટક હતું, વિશ્વ એનું શરીર ને પ્રભુ એનો આત્મા હતો.
સાવિત્રીના આત્માને જગતને જીવંત પ્રભુરૂપે જોયું. એણે એકસ્વરૂપને જોયો ને જોયું કે જે કંઈ છે તે સર્વ એજ છે. કેવલબ્રહ્યના આત્માવકાશરૂપે એણે એને પિછાન્યો . અનંત કાળની યાત્રામાં એણે એનું અનુસરણ કર્યું. પ્રકૃતિમાં થઈ રહેલું સર્વ એની પોતાની અંદરની ઘટનાઓ હતી. વિશ્વના હૃદયની ધબકો એની પોતાની હતી. સર્વે સત્ત્વો એની પોતાની અંદર વિચરતાં, સંવેદતાં ને ચેષ્ઠા કરતાં હતાં. વિરાટ વિશ્વમાં એનો નિવાસ હતો, એનાં અંતરો પોતાના સ્વભાવની સીમાઓ હતાં, એની અંતરંગતાઓ એના પોતાના જીવનની અંતરંગતાઓ હતી. એના મનની સાથે પોતાના મનનો પરિચય હતો. એનું શરીર પોતાના શરીરનું વિશાળતર માળખું હતું. અનંતતા એનું સ્વાભાવિક ગૃહ હતું. અમુક એક જગાએ એ રહેતી નહિ, એનો આત્મા સર્વત્ર હતો. પૃથ્વીએ એને જન્મતી જોઈ, બધાંય ભુવનો એનાં સંસ્થાનો હતાં. પ્રાણનાં ને મનનાં બૃહત્તર જગતો એનાં પોતાનાં જ હતાં. સર્વે આત્માઓનો એ એકાત્મા હતી. વૃક્ષોમાં ને પુષ્પોમાં એ અવચેતન જીવન હતી, વસંતની મધુમંજરી રૂપે ફૂટી નીકળતી, ગુલાબની ભાવાવેશભરી ભવ્યતામાં
પોતે પ્રદીપિત થતી. અનુરાગના ફૂલનું એ રાતું હૃદય હતી, સરનાં સરોજોમાં એ શુભ્ર સ્વપ્ન હતી. અવચેતનામાંથી એ મને ગઈ હતી, માનવહૃદયમાં ગુપ્ત રહેતી એ દેવતા હતી. મનુષ્યના આત્માને પ્રભુ પ્રત્યે આરોહણ કરતો એ અવલોકતી હતી. વિશ્વબાગની એ વિશાળ કયારી હતી. પોતે કાળ હતી ને કાળમાંનાં પ્રભુનાં સ્વપ્ન હતી. એ હતી અવકાશ અને પ્રભુના દિવસોની વિશાળતા.
જ્યાં સ્થળ-કાળ નથી ત્યાં હવે એ આરોહી. પરાત્પર ચેતના એનું નૈસર્ગિક વાયુમંડળ બની ગઈ. અનંતતા એના ચલનની સ્વભાવિક ગતિ હતી. સાવિત્રીમાં રહીને શાશ્વતતા હવે કાળ ઉપર દૃષ્ટિપાત કરતી હતી.
હૈયે અરણ્યના આવ્યા નાના આશ્રમની મહીં,
સુર્યપ્રકાશમાં, ચંદ્રપ્રભા ને અંધકારમાં
રોજની જેમ રોજિંદું માનવોનું હતું જીવન ચાલતું,
બદલાતો નહીં એવા એના નિત્યતણે ક્રમે,
બ્હારનાં અલ્પ કાર્યોની એની એ જ ઘરેડમાં,
તપસ્વી મુનિઓ કેરી સુખે સભર શાંતિમાં.
ભૂમિના દૃશ્યનું જૂનું સૌન્દર્ય સ્મિત સારતું;
માયાળુ સહુની પ્રત્યે રહેતી 'તી સાવિત્રી પણ પૂર્વવત્ .
પુરાણી માત છાતીએ લગાડેલું રાખતી નિજ બાળને,
આશ્લેષમાં લઈ લેતા સ્વહસ્તોથી ગાઢ દબાવતી,
જાણે કે નિત્ય એની એ રહેનારી વસુંધરા
નિત્ય માટે નિજાશ્લેષે સાચવી શક્તિ હતી
પ્રાણવાન જીવને ને શરીરને,
જાણે કે મૃત્યુ ના, અંત ના, ને ના પરિવર્તને.
ટેવાયેલા બાહ્ય ચિહ્નોતણો અર્થ ઘટાવવા
નવું કશું ન એનામાં કોઈએ અવલોક્યું,
કર્યું એની અવસ્થાનું કોઈએ અનુમાન ના;
તે વ્યક્તિ એક જોતાં 'તા હતી માટે પ્રભુની જ્યાં અનંતતા,
હતો નિઃસ્પંદ આત્મા જ્યાં, અને જંગી હતી જ્યાં શૂન્યરૂપતા.
સૌને માટે હતી એની એ જ એ તો સાવિત્રી પૂર્ણતા ભરી:
માહાત્મ્ય એક, માધુર્ય એક ને જ્યોતિ એક એ
પોતામાંથી રેલતી 'તી પોતા કેરા નાના જગની પરે.
અભ્યસ્ત મુખ સર્વેને એનું એ જ જિંદગી બતલાવતી,
બદલાયા વિના જૂની ઘરેડે સૌ કૃત્યો એનાં થતાં હતાં,
જે શબ્દો બોલવાને એ ટેવાઈ 'તી તે જ એ બોલતી હતી,
ને હમેશાં કરી 'તી જે વસ્તુઓ તે એ કર્યા કરતી હતી.
ધરાના અવિકારી મોં પ્રત્યે એની આંખો બ્હાર વિલોક્તી,
જૂની રીતે ચાલતું સૌ મૂક ચૈત્યની આસપાસમાં,
હતી અંતરમાંહેથી રિક્ત એક ચેતના અવલોકતી,
એનામાંથી બધું ખાલી થયું 'તું ત્યાં
હતી માત્ર શુદ્ધ કેવળ સત્યતા.
શબ્દ ને કર્મની પૂઠે એકે સંકલ્પ ના હતો,
વાણીને દોરવા માટે એને માથે રચાતો ન વિચાર કો:
એનામાં રિક્તતા એક વ્યક્તિભાવવિવર્જિતા
બોલતીચાલતી હતી,
ન લ્હેવાતું, ન દેખાતું, જાણવામાં ન આવતું
કૈંક કદાચ કાર્યાર્થે ભાવી કેરા
એના દેહતણી સંભાળ રાખતું,
કે એનામાં પ્રવર્તંતી હતી પ્રકૃતિ પૂર્વના
નિજ શકિતપ્રવાહમાં.
કદાચ ધરતી 'તી એ અદભુતાકાર શૂન્યતા
પોતાને હૃદયે જેને બનાવી 'તી સચેતના;
આપણા ચૈત્ય જીવોનું છે એ મૂળ,
ઉત્સ ને સરવાળો છે ઘટનાઓતણો વિશાળ વિશ્વની,
છે ગર્ભાશય ને ઘોર વિચારની,
મીડું છે પ્રભુનું, આત્મસત્-તા કેરી સમગ્રતા
છે એ શૂન્યાકાર વર્તુલની મહીં.
લેતી એહ હતી એની વાણીને ઉપયોગમાં
અને એનાં કાર્ય દ્વારા કાર્ય એ કરતી હતી,
હતી સૌન્દર્ય એ એનાં અંગોમાં ને પ્રાણ ઉચ્છવાસનો હતી;
આદિ ગુહ્યે હતું ધાર્યું મુખ માનવ એહનું.
આમ અંતરમાં લોપ પામી 'તી એ પૃથગ્-ભાવી સ્વરૂપમાં;
પ્રભુની રાત્રિમાં મર્ત્ય 'હું' એનું 'તું મરી ગયું.
બાકી દેહ રહ્યો 'તો જે કોટલુ 'હું' તણું હતો,
સંસારસિંધુના સ્રોત્ર અને ફેન વચમાં તરતો જતો,
સ્વપ્ન-સિન્ધુ નિરીક્ષાતો ગતિહીન ઇન્દ્રિયજન્યજ્ઞાનથી
અસત્ય સત્યના એક રૂપમાં.
અવ્યકિતભાવિની પૂર્વદૃષ્ટિ જોઈ કયારની શકતી હતી
વ્યકિતસ્વરૂપતા મૃત્યુ પામતી ને વિશ્વ વિરામ પામતું,
વિચારરહિતા બ્રહ્યજ્ઞાનની એ દશા હતી
જેમાં હાલેય ને પ્રાયઃ સમાપિત જ લાગતું,
અનિવાર્ય જ લાગતું;
આ બે જતાં બની મિથ્થા ગયું 'તું પર પારનું,
પવિત્રાત્મા પિતા-પુત્ર વિનાનો સંભાવ્યો હતો,
કે એકવાર આવેલું હતું જે અસ્તિની મહીં
તેના આધારરૂપ, सत्,
સંકલ્પ ના કદી જેણે કર્યો 'તો આ વિશ્વ વંઢારવાતણો
તેને ઐકાંતિકાવસ્થા નિજ મૂળ પુનઃ પ્રાપ્ત થઈ હતી
ને તે શાંત, નિરાવેગ, એકલું ને અગોચર
મૌનમાત્ર બન્યું હતું.
છતાં ગહન આ નાશમહીં ન 'તું નિર્વાણમાં શમ્યું;
આત્મસત્-તા શૂન્ય પ્રત્યે પ્રયાણ કરતી ન 'તી.
રહસ્યમયતા કોઈ હતી એક સર્વથીય બઢી જતી,
ને સત્યવાનની સાથે એકલી એ જે સમે બેસતી હતી
ઘનિષ્ઠ ગહના રાત્રી કેરી નીરવતામહીં,
મન નિશ્ચલ રાખીને પોતાનું સત્યવાનના
શોધનારા ને પ્રયાસ કરનારા મનના સાથની મહીં,
ત્યારે તે વળતી સત્ય કેરા ઢાંકયા નિઃશબ્દ મુખની પ્રતિ
જે હતું છન્ન હૈયાનાં મૂક એકાંતની મહીં,
કે વિચારે સમારૂઢ છેલ્લા શિખર પાર જે
વાટ જોઈ રહ્યું હતું,
આ દૃશ્ય આપ, જે જોઈ રહ્યું છે મથતું જગત્ ,
આપણી ખોજને પ્રેરી રહેલું જે
પામવાની પોતે ન પરવા કરે;
આવ્યો ઉત્તર એ દૂર કેરા વિરાટમાંહ્યથી.
કૈંક અજ્ઞાત, અપ્રાપ્ત, તર્કાતીત નિગૂઢ કૈં
હતું પાઠવતું નીચે સંદેશાઓ અશરીરી સ્વજ્યોતિના,
વીજના ઝબકારાઓ નાખતું 'તું
આપણો જે નથી એવા વિચારના,
ને સાવિત્રીતણા ચેષ્ટાહીન નીરવ ચિત્તને
કરી પાર જતું હતું:
જવાબદાર ના એવા પ્રભાવે સ્વપ્રભુત્વના
આકાર દીપ્તિઓને એ દેવા માટે વાણીને ગ્રહતું હતું,
શબ્દમાં પ્રાજ્ઞતા કેરા હૈયાને ધબકાવતું
ને મર્ત્ય અધરોસ્ઠોથી અમર્ત્ય વસ્તુઓને વાચ આપતું.
જે જયારે સુણતી'તી એ મુનિઓને અરણ્યના
ત્યારે પ્રશ્નોત્તરી વેળા મનુષ્યોને અશકય જે
તેવા અદભુત ને ઉચ્ચ આવિષ્કારો
સાવિત્રીની પાસથી આવતા હતા,
ગુપ્ત ને દૂરનું કૈંક અને કોક સ્વ ગૂઢ ઉપયોગને
માટે પકડમાં લેતું હતું એના શરીરને,
અવર્ણનીય સત્યોને માર્ગ દેવા
મુખ એનું લેવાતું હાથમાં હતું,
ચિંત્યું જાય નહીં એવું જ્ઞાન ઉદગાર પામતું.
નવા જ્ઞાનોદયે આશ્ચર્ય પામતા
અને આક્રાન્ત રેખાએ જ્યોતિની કેવલાત્મની
મુનિઓ વિસ્મયાવિષ્ટ થતા એથી, કેમ કે લાગતું હતું
કે પોતે દૂરથી કોક વાર જેની ઝાંખી કેવલ પામતા
તેનું એને થઈ જ્ઞાન ગયું હતું.
આ વિચારો ન 'તા રૂપ લેતા એના મસ્તિષ્કે ઘ્યાન આપતા,
ખાલી હૈયું હતું એનું તંત્રીરહિત બીન શું;
આવેગ વણનો દેહ દાવો ન્હોતો કરતો નિજ સૂરનો,
પસાર કિંતુ થાવા એ દેતો 'તો નિજમાં થઈ
દીપ્તિમંત મહત્ત્વને.
શકિત એક દ્વિકા આત્માતણા ગૂઢ ધ્રુવો પરે
હજીએ કરતી કાર્ય, ને અનામી અને અદૃશ્ય એ હતી :
દિવ્ય રક્તત્વ સાવિત્રી કેરું શસ્ર બનેલું તેમનું હતું.
અચિત્ પ્રકૃતિ પોતાના બનાવેલા
વિશ્વ સાથે વ્હેવાર કરતી હતી,
અને હજીય લેતી 'તી દેહ કેરાં સાધનો ઉપયોગમાં,
જે સચેતનતાયુક્ત શૂન્ય પોતે બની હતી
તેની મધ્ય થઈ સરકતી હતી;
મનુષ્યોના વિચારોને સ્પર્શવાને અતિચેતન ગુહ્યતા
એ શૂન્યતાતણા દ્વારા નિજ શબ્દ આદિષ્ટ કરતી હતી.
અપૌરુષેય આ વાણી પરમા તો વિરલા હજુયે હતી.
પરંતુ અવ જે મધ્યે મન એનું
શાંતભાવી અને રિક્ત વિધમાન રહ્યું હતું
તે નિશ્ચલ અને વ્યાપ્ત અધ્યાત્મ અવકાશમાં
વૈશ્વ વિશાલતાઓની મધ્યેથી કો યાત્રી પ્રવેશ પામિયો:
બ્હારના સ્વરથી સજ્જ થઈ એક આવ્યો વિચાર ભીતરે.
સાક્ષી મનતણો એણે બોલાવ્યો ના,
ચૂપાચૂપ ઝીલનારા હૈયા સાથે એણે વાત કરી નહીં;
આવ્યો સીધો એ વિશુદ્ધ જ્ઞાનના ધામની કને,
જે એકમાત્ર ચૈતન્યતણું કેન્દ્ર હતું હવે,
જો કેન્દ્ર એ કહેવાય જ્યાં બધુંયે અંતરાલ જ લાગતું;
ન હવે બંધ દીવાલો ને દ્વારોએ શરીરનાં
સત્ત્વ એનું હતું જેહ વૃત્ત પરિધિરિક્ત, તે
વિશ્વની સર્વ સીમાઓ વટાવીને
ક્યારનું હવે પાર ગયું હતું
ને હજીયે વધારે ને વધારે એ વ્યાપતું 'તું અનંતમાં.
હતું આ સત્ત્વ પોતે જ સીમાઓથી મુક્ત પોતાતણું જગત્ ,
જગત્ જેને ન 'તું રૂપ, ન વૈશિષ્ટય, કે હતી ઘટના ન જ્યાં,
ન 'તી કો ભૂમિકા, ન્હોતી ભીંત, ન્હોંતું છાપરુંય વિચારનું,
છતાં જે જાતને જોતું અને જોતું આસપાસતણું બધું
અચલા ને અમર્યાદા એક નીરવતામહીં.
વ્યક્તિ એકે હતી ના ત્યાં, મન કેન્દ્રિત ના હતું,
લાગણીનું ન 'તું સ્થાન બનાવોની થતી જે પર તાડના,
પ્રતિકાર્યતણું તાણ આણતા ને તેને આકાર આપતા
પદાર્થો પણ ના હતા.
આ આંતર જગે કોઈ હતી ના ગતિશીલતા,
હતું સમસ્ત નિઃસ્પંદ, એકસમ અનંતતા.
અદૃષ્ટ ને અવિજ્ઞાત સાવિત્રીમાં વાટ જોઈ રહ્યો હતો.
અત્યારે કિંતુ બેઠી એ હતી સૂતા સત્યવાન સમીપમાં,
અંતરે જાગ્રતા, એની આસપાસ બેશુમાર હતી નિશા
અજ્ઞેયની બૃહત્તા મધ્ય ઘેરતી.
એના હૃદયમાંથી જ સ્વરે એક બોલવાનું શરૂ કર્યું,
સ્વર એનો પોતાનો એ હતો નહીં,
છતાં વશ કર્યાં એણે ચિંતનાને અને ઇન્દ્રિગ્રામને.
બોલતો એ હતો ત્યારે સાવિત્રીનું
અંતર્-બાહ્ય બદલાતું ગયું બધું;
વિદ્યમાન હતું સર્વ, સઘળું જીવતું હતું;
બધુંયે એક છે એવી એને સંવેદના થઈ;
અસદરૂપ જગત્ કેરું અસ્તિત્વ ઓસરી ગયું :
મનથી વિરચાયેલું વિશ્વ નામે ન 'તું હવે,
બનાવટ અને સંજ્ઞાતણા દોષ કેરો આરોપ પામતું;
આત્મા એક, જીવ એક જોતો 'તો સૃષ્ટ વસ્તુઓ,
ને અસંખ્યાત રૂપોમાં પોતાને ઢાળતો હતો
ને પોતે જે હતો જોતો ને પોતે જે બનાવતો
તે-સ્વરૂપ સ્વયં હતો,
પ્રમાણ સઘળું હાવે બન્યું એક આશ્ચર્યાત્મક સત્યનું,
સત્ય એવું હતું કે જ્યાં સ્થાન ઇન્કારને ન 'તું,
હતું એ એક સત્-તા ને હતું જીવંત ચેતના,
સાવ સંપૂર્ણ સત્યતા.
અવાસ્તવિક ત્યાં સ્થાન મેળવી શકતું ન 'તું,
અવાસ્તવિકતા કેરો ભાવ હણાયલો હતો :
સચેત ત્યાં હતું સર્વ ને બનેલું અનંતનું,
હતું સંપન્ન ત્યાં સર્વ તત્ત્વે શાશ્વતતાતણા.
તે છતાંયે હતું એનું એ જ અપાઠગમ્ય આ;
સ્વપ્નની જેમ એ વિશ્વ નિજમાંથી કાઢતું લાગતું હતું,
જે આદિ શૂન્યમાં નિત્ય માટે લુપ્ત થઈ જતું.
આ પરંતુ ન 'તું એકે સર્વવ્યાપી બિન્દુ અસ્પષ્ટતા ભર્યું,
કે અસત્ય અભાવે કો મીડું બૃહત્પ્રમાણનું.
એનું એ જ હતું એ, ના હવે કિંતુ જરાયે દૂર લાગતું
સજીવાશ્લેષને માટે પુનઃપ્રાપ્ત એના ચૈત્યસ્વરૂપના.
આત્મા એનો હતું એ ને હતું આત્મા સમસ્તનો,
અસ્તિવંતી વસ્તુઓની હતું વાસ્તવ સત્યતા,
જે સર્વ જીવતું 'તું ને હતું સંવેદતું ને દેખતું હતું
તેની એ ચેતના હતું:
હતું અકાળતા એહ અને કાળેય એ હતું,
હતું અરૂપતાની ને રૂપની એ મહામુદા.
હતું એ પ્રેમસર્વસ્વ અને એક પ્રેમીના બાહુઓ હતું,
સર્વદર્શી મને એક દૃષ્ટિ-વિચાર એ હતું,
પ્રભુનાં શિખરોએ એ હતું આનંદ આત્મનો.
સાવિત્રી કાળની પાર સંચારી ને પ્રવેશી શાશ્વતીમહીં,
અવકાશતણીબ્હાર સરકીને બની અનંતરૂપ એ;
આરોહીને ગયો એન આત્મા પ્રાપ્ત ન એવાં શિખરો પરે,
અને ન પરમાત્મામાં અંત એને નિજ યાત્રાતણો મળ્યો.
નિમજ્જન કર્યું એણે અગાધ ગહનોમહીં,
ને એને હાથ આવ્યો અંત મૌન રહસ્યમયતાતણો
જે એક એકલે હૈયે ધારતી 'તી ચરાચર સમસ્તને,
છતાંયે સૃષ્ટિના સ્વર સમૂહોને આશ્રય આપતી.
એ વિરાટ હતી સર્વ અને એમ હતી બિન્દુ અનત્ન એ,
શૃંગની પારનું શૃંગ ને ઊંડાણ ઊંડાણો પારનું હતી,
સનાતનમહીં એનું હતું જીવન ચાલતું,
ને જે આશ્રય આપે છે મૃત્યુને ને ધારે છે કાલચક્રને
તે સમસ્તયે એ હતી.
હતો જે માપથી મોટો, પરિવર્તન પારનો
ને પરિસ્તિતિથી પર
તે બૃહદરૂપ આત્મામાં વિપરીતો સત્યરૂપ હતાં બધાં.
વિશ્વાત્મા શું એકરૂ, વ્યક્તિ એક,
પરાત્પરતણા આશ્ચર્યના હૃદયની મહીં
અને વૈશ્વ વ્યક્તિતાનું રહસ્ય જે
તેવો એક હતો સૃષ્ટા અને ઈશ્વર સર્વનો.
પોતાની પર ને પોતે જે-સ્વરૂપ બન્યો હતો
તેની ઉપરની એક અનેકશઃ
દૃષ્ટિરૂપ હતું મન,
જિંદગી નાટય એનું ને વિરાટ મંચ રંગનો,
બ્રહ્યાંડ દેહ એનો ને આત્મા એનો હતો પ્રભુ.
સમસ્ત એક ને એક માત્ર સીમારહિતા સત્યતા હતું,
અસંખ્યાત સ્વરૂપોમાં હતું એનો પ્રપંચ સૌ.
જીવંત પ્રભુને રૂપે આત્મા એનો જોતો જગતને હતો;
જોતો 'તો एक ને એ ને જાણતો 'તો કે હતો સર્વરૂપ सः.
જાણતી એ હતી એને નિજાકાશરૂપ કેવળ ભ્રહ્યના,
સ્વાત્મા સાથે એકરૂપ, ભૂમિકા હ્યાં સઘળી વસ્તુઓતણી,
જેમાં પર્યટતું વિશ્વ શોધમાં તેહ સત્યની
જે અજ્ઞાનતણા મો'રા પૂઠે એના સાચવી છે રખાયલુ :
અનંત કાળની આગેકૂચમાં એ એને જ અનુવર્તતી.
ઘટનાઓ પ્રકૃતિની ઘટનાઓ એનામાં જ થતી હતી,
ધબકો વિશ્વના હૈયા કેરી એની પોતાની ધબકો હતી,
એનામાં સઘળાં સત્ત્વ વિચાર કરતા હતાં,
લાગણીઓ લહેતાં ને ચલનો કરતાં હતાં;
હતી નિવાસિની પોતે વિશ્વ-વિશાલતાતણી,
દૂરતાઓ હતી એની સીમાઓ સ્વ-સ્વભાવની,
એની નિકટતાઓ તે ગાઢતાઓ નિજ જીવનની હતી.
વિશ્વના મનની સાથે મન એનું હતું પરિચયે રહ્યું,
વિશ્વનો દેહ તે એના દેહ કેરું વિશાળતર ચોકઠું,
જેમાં હતી રહેતી એ ને પોતાને એક જ્યાં જાણતી હતી,
બહુ સંખ્યત્વ પામેલી સમૂહોમાંહ્ય એહના.
સત્ત્વ પોતે એકમાત્ર હતી તોય હતી સલક વસ્તુઓ;
હતું વિશ્વ નિજાત્માના વિશાળ પરિધિસ્થળે,
બીજાઓના વિચારો શું હતી એની ઘનિષ્ઠતા,
વિશ્વવિશાળ પોતાના હૈયા સાથે
ભાવો ગાઢ બનેલા તેમના હતા,
તેમના દેહ પોતાના બહુ દેહો હતા નિકટના સગા;
જાતમાત્ર હવે ના એ, એ હતી સચરાચર.
અનંત્યોમાંહ્યથી એની પાસે સૌ આવતું હતું,
અનંત્યોમાં હતી વ્યાપી ગઈ પોતે સચેતના,
સ્વાભાવિક હતું એનું નિજ ધામ અનંતતા.
ક્યાંય વાસ ન 'તો એનો, આત્મા એનો વ્યાપ્યો 'તો સઘળે સ્થળે,
નક્ષત્રરાશિઓ દૂર કેરી એની ફરતે ફરતી હતી;
પૃથ્વીએ જન્મની એને હતી જોઈ,
વિશ્વો સર્વ હતાં એની વસાહતો,
પોતાનાં જ હતાં એનાં વિશ્વો પ્રાણ-મન કેરાં મહત્તર;
સારી પ્રકૃતિ પોતાની રીતે એને
સર્જતી 'તી પુનઃ પુનઃ,
નિસર્ગ-ગતિઓ એની ગતિઓની મોટેરી નકલો હતી.
સઘળાં આ સ્વરૂપોનું એકમાત્ર હતી આત્મસ્વરૂપ એ,
એનામાં હતી એ ને એનામાં સર્વ એ હતાં.
હદ પારતણી આધ આ હતી એકરૂપતા
જેમાં વ્યક્તિત્વ પોતાનું એનું લુપ્ત થયું હતું :
લાગતું જે હતું જાત જેવું તે તો હતું બિંબ સમષ્ટિનું.
હતી પોતે વૃક્ષની ને પુષ્પ કેરી અવચેતન જિંદગી,
ફૂટી નીકળતી પોતે મધુમંતી કળીઓમાં વસંતની;
ભાવે ને ભવ્યતામાં એ જળતી 'તી ગુલાબની,
ગાઢાનુરાગ ફૂલ કેરું હૈયું હતી એ લાલરંગનું,
હતી પદ્માકરે પદ્મ કેરી સ્વપનાલુ શુભ્રતા.
મને ચઢી હતી એહ અવચેતન પ્રાણથી,
હતી વિચાર એ, હૈયે વિશ્વ કેરા હતી ઘાઢાનુરાગ એ,
હૃદયે માનવીના એ હતી આચ્છાન્ન દેવતા,
માનવીના ચૈત્ય કેરું પ્રભુ પ્રત્યે અધિરોહણ એ હતી.
એનામાં ફૂલતું વિશ્વ, એ એની કયારડી હતી.
હતી એ કાળ ને સ્વપ્નાં પ્રભુનાં કાળની મહીં;
હતી આકાશ પોતે ને પ્રભુ કેરા દિવસોની વિશાળતા.
આ અવસ્થામહીંથી એ અધિરોહી સ્થળકાળ હતાં ન જ્યાં;
પરચૈતન્યનું ધામ એને માટે સહજાત હવા હતું,
અનંતતા હતી એની હિલચાલ માટે સ્વાભાવિક સ્થલ;
હતી શાશ્વતતા એના દ્વારા દૃષ્ટિ નાખતી કાલની પરે.
સાતમું પર્વ સમાપ્ત
વનમાં મૃત્યુ
સૂતેલા સત્યવાનની સમીપમાં સાવિત્રી હતી. સુંદર સોનેરી સવારનો સમય હતો. સાવિત્રીની દૃષ્ટિ પોતાના ભૂતકાળ ઉપર ફરવા લાગી. પોતે જે હતી ને પોતે જે કંઈ કર્યું હતું તે સર્વ ફરીથી જીવંત બન્યું. એક આખું વર્ષ સ્મૃતિઓના સવેગ ને સવમળ વહેતા પ્રવાહમાં એના અંતરમાં થઈને પુનઃપ્રાપ્ત ન થઇ શકે એવા ભૂતકાળમાં ભાગી ગયું.
પછી એ ઊઠી સેવાકાર્ય સમાપ્ત કરી વનમાં સત્યવાને એક શીલા પર સાદી આલેખેલી દુર્ગા દેવીને પગે પડી અને ત્યાં એના આત્માએ પ્રાર્થના કરી, શી પ્રાર્થના ને તો માત્ર એનો જીવ ને દુર્ગા જ જાણતા હતાં.સંભવ છે કે અનંતિની જગદંબા શિશુની સંભાળ લેતી એણે અનુભવી ને એક અવગુંઠિત મૌન શબ્દને સુણ્યો.
આખરે એ રાજમાતા પાસે ગઈ, ઓઠ ને અંત:કરણ ઉપર પૂરેપૂરો સંયમ રાખ્યો ને મનની વાત જરા જેટલીય બહાર ન પડી જાય ને માના સુખસર્વસ્વનો અંત ન આણી દે, એમ બહારથી કશુંય બતાવ્યા વગર વિનીત ભાવે વદી :
" મા ! એક આખા વરસથી હું સત્યવાન સાથે લીલમ જેવા વનની કિનારીએ રહું છે, પણ હજુ સુધી મારી કલ્પનાઓને રહસ્યમયતાથી ઘેરી લેતા વનહૃદયનાં મૌનમાં ગઈ નથી, એની હરિયાળી ચમત્કારકતામાં વિચરી નથી. આજે સત્યવાન સાથે જવાની મારામાં પ્રબળ ઈચ્છા જાગી છે. એનો જેની ઉપર પ્રેમ છે તે ત્યાંના જીવન મધ્યે હાથમાં એનો હાથ લઇ હું વિહરવા ચાહું છું, એ જે ઘાસ ઉપર ચાલ્યો છે ત્યાં ચાલવા માગું છું. વનનાં ફૂલોનો પરિચય કરવાની, આરામ-પૂર્વક વનનાં વિહંગોનાં ગાન સાંભળવાની, ચમકતાં પ્રાણીઓની દોડધામ જોવાની ને અરણ્યના ગૂઢ મર્મર ધ્વનિઓ સુણવાની મારા હૃદયમાં સ્પૃહા જાગી છે. પ્રાર્થના છે કે આપ મને અનુજ્ઞા આપો અને મારા હૃદયને આરામ અનુભવવા દો."
રાજમાતાએ એને રજા આપી અને કહ્યું, " વત્સે ! જા, તારા સમજુ મનની
ઈચ્છાને અનુસાર. તું તો અમારા ઘરની રાણી છે, અમારા ઉજજડ દિવસો ઉપર દયા કરીને સેવા માટે સ્વયં આવેલી એક દેવી છે. દાસી બનીને તું અમારી સેવાશુશ્રુષા કરે છે, છતાં ઉપર રહીને પૃથ્વીની સેવા કરતા સૂર્યદેવની માફક તું જે કંઈ કરે છે તેનાથી પર રહે છે. "
પછી સાવિત્રી દુર્દૈવવશ પતિ સાથે વનમાં સંચરી. પ્રકૃતિ જ્યાં પ્રભુની રહસ્યમયતા સાથે વ્યવહારસંબંધ રાખે છે, સૌન્દર્ય અને સુભવ્યતા અને અનુચ્ચારિત સ્વપ્ન જ્યાં અનુભવાય છે ત્યાં એ સત્યવાનની સાથે ગઈ. સાવિત્રીનો સંગાથ હોવાથી સત્યવાન મોટા ઉલ્લાસમાં હતો. વનની સંપત્તિ, ભાતભાતના રંગ ને તરેહ-તરેહની ફોરમવાળાં ફૂલ, વૃક્ષોને વળગેલી વેલો, વિવિધ વર્ણનાં પીંછાથી રૂપાળાં લાગતાં પંખીઓ વાટમાં સત્યવાન સાવિત્રીને સોત્સાહ બતાવતો. પંખીઓના પરસ્પર પાઠવેલા પ્રેમના પોકારો તરફ સાવિત્રીનું ધ્યાન ખેંચતો, વન ને વનનું બધું જ એને કેવો સાથ આપતું હતું ને પોતાના અંતરંગ વયસ્યો જેવું બની ગયું હતું તે સત્યવાને સાવિત્રીની આગળ સવિસ્તાર વર્ણવ્યું,
સાવિત્રી ઊંડાણમાં રહીને બધું સાંભળતી, તે વર્ણવાતી વસ્તુઓને ખાતર નહીં, પણ સત્યવાનના મધુર લાયવાહી શબ્દોને અંતરમાં અનામત સંઘરી રાખવાની સ્પૃહાથી, કેમ કે સ્વલ્પ સમયમાં જ એ સ્વરો બંધ પડી જવાના હતા તેનું એને જ્ઞાન હતું. હવણાં, હવણાં જ જાણે એ સ્વરો સદંતર બંધ પડી જશે એવી આશંકા એને થયા કરતી. આસપાસમાં જરા જેટલોય સળવળાટ થતાં એ ચોંકી ઊઠતી અને જમરાજાને જોવા આંખો ફેરવતી. એવામાં સત્યવાન અટકયો. લાકડાં કાપવાનું કામ ત્યાં જ પૂરું કરી નાખી પછીથી સાવિત્રીની સાથે નિરાંતે વનવિહાર કરવાનો એનો વિચાર હતો.
સાવિત્રીના પ્રાણ હવે તો ઘડીઓમાં નહીં પણ પળોમાં આવી રહ્યા હતા. લાકડાં કાપતો કાપતો સત્યવાન તો મૃત્યુ ઉપરના જયના ને સંહારાયેલા અસુરોના વિષયના વેદમંત્રો મોટેથી લલકારતો હતો અને વચમાં સાવિત્રીને પ્રેમનાં ને પ્રેમથીય મીઠડાં મજાકનાં કોમળ વચનો સંભળાવતો. ને સાવિત્રી ચિત્તો જેમ શિકાર પર છાપો મારી એને બોડમાં ઘસડી જાય તેમ સત્યવાનના શબ્દો પર તરાપ મારી એમને ઝડપી લેતી ને ઊંડે હૃદયગુહામાં લઇ જતી.
દુર્દૈવ આવી પહોચ્યું. સત્યવાનના શરીરમાં તીવ્ર પીડાનો સંચાર થવા લાગ્યો. એનો ઘેરાયેલો પ્રાણ હૃદયના દોર તોડી છુટો થઈ જવા મથવા લાગ્યો. પણ ક્ષણેક આ પીડામાંથી મુક્તિ મળતાં સત્યવાન પાછો કુહાડી ચલાવવા લાગ્યો, પરંતુ આ વખતે એના ઘા આંધળા બની ગયા હતા.
હવે જગતનો મોટો કઠિયારો આવી પહોંચ્યો અને એણે સત્યવાનની ઉપર કુહાડી ચલાવી. સત્યવાનનું હૃદય ને મસ્તિષ્ક ફરીથી દીર્ણવિદીણ થવા માંડયું અને એણે પોતાની કુહાડી દૂર ફગાવી દીધી ને સાવિત્રીને સંબોધી : " સાવિત્રી !
સાવિત્રી ! સાવિત્રી ! મને કોઈ ચીરી નાખતું હોય એવું મને દુઃખ થાય છે. જરાવાર તારા ખોળામાં માથું મૂકી મને સૂઈ જવા દે. તારો હાથ દુર્દૈવને દૂર રાખશે, તારો સ્પર્શ થતાં મૃત્યુ પસાર થઈ જશે."
પછી સાવિત્રી પાસેના એક બીજા લીલાછમ વૃક્ષને અઢેલીને બેઠી અને સત્યવાનને સાંત્વન આપવા એનાં અંગોને પ્રેમથી પંપાળવા લાગી. એના પોતાના અંતરમાંથી શોક ને ભય મરી પરવાર્યા હતા. એક જબરજસ્ત શાંતિ એની ઉપર છવાઈ ગઈ હતી. સત્યવાનની યાતનાને મટાડવાની એક વૃત્તિ જ માત્ર એનામાં રહી હતી. પછી તો એ પણ સરી ગઈ ને દેવોની માફક અશોક અને ઓજસ્વી ભાવે એ વાટ જોવા લાગી.
સત્યવાનનો વર્ણ વિવર્ણ બનતો જતો હતો. એની આંખોમાં નિસ્તેજતા આવવા માંડી હતી, પણ એ પૂરેપૂરી બની જાય તે પહેલાં એણે એક નિરાશાનો પોકાર કરી સાવિત્રીને કહ્યું : " સાવિત્રી ! સાવિત્રી ! ઓ સાવિત્રી ! ઉપર મા જરા ઝુક ને હું મરી જઉં તે પહેલાં એકવાર મને ચૂમ. "
સાવિત્રી ઝૂકીને એને ચુંબન અર્પતી હતી ત્યાં જ એના પ્રાણ શમી ગયા.
હવે સાવિત્રીએ જોયું તો જણાયું કે તેઓ ત્યાં એકલાં ન 'તા એક સચેત, બૃહદાકાર ઘોર સત્ત્વ ત્યાં હતું. સાવિત્રીએ પોતાની છેક પાસે જ એક મૌનમયી નિઃસીમ છાયા નીરખી. એક ભયંકર ચુપકી સ્થાન ઉપર છવાઈ ગઈ હતી. પક્ષીઓ બોલતાં બંધ પડી ગયાં હતાં, જનાવરો અવરજવર કે અવાજ કરતાં ન 'તાં. સર્વનું નિકંદન કરનારી એક ભીષણતાથી અને મહાત્રાસથી જગત ભરાઈ ગયું હતું. કોઈનીયે પરવા ન કરનાર એક દેવની છાયાએ બધું ગ્રસી લીધું હતું. સાવિત્રી સમજી ગઈ કે દૃશ્યમાન મૃત્યુદેવ ત્યાં ઊભો હતો ને સત્યવાન પોતાના આશ્લેષ-માંથી નીકળી ગયો હતો.
( આ પર્વ પૂરું કરાયું ન હતું. કર્ત્તાએ સર્ગ ૩ નું જેને નામ આપ્યું છે તે આ સર્ગ એમણે મૂળના લખાણમાંથી સંકલિત કર્યો છે ને કોઈ કોઈ જગાએ નવેસર લખ્યો છે. )
હવે અહીં સુનેરી આ મહતી ઉષસી સમે
નિદ્રાધીન પતિ પાસે પોઢેલી એ કરી નજર ન્યાળતી
પોતાના ભૂતકાળમાં,
મરવાની પળે જેમ જન કોઈ દૃષ્ટિ પાછળ ફેંકતો
સૂર્યથી અજવાળાયાં ક્ષેત્રો પે જિંદગીતણાં,
જ્યાં પોતેય અન્ય સાથે દોડતો ખેલતો હતો
ઊચકી શિર પોતાનું ભીમકાય કાળા ઘોર પ્રવાહથી
જેનાં ઊંડાણમાં એને સદા માટે થવાનું મગ્ન છે રહ્યું.
પોતે જે સૌ હતી પૂર્વે ને જે સર્વ કર્યું હતું
તે ફરીથી બન્યું જીવંત જીવને.
આખું વરસ વેગીલી અને વમળથી ભરી
સ્મૃતિઓની શર્ત-દોડે એના અંતરમાં થઈ
ગયું ભાગી ફરી પ્રાપ્ત ન થતા ભૂતકાળમાં.
પછી નીરવ એ ઊઠી અને પુજાર્ચના કરી,
એક વનશિલાએ જે સત્યવાને સાદી કોરી રચી હતી
તે મહામાતૃદેવીને પગે એ જઈને પડી.
શી કરી પ્રાર્થના એણે તે તદાત્મા અને દુર્ગા જ જાણતાં.
કદાચ અંધકારાયા ભીમકાય અરણ્યમાં
એ સંવેદી રહી હતી
અનંતા મા રેખેવાળી કરતી નિજ બાળની,
કદાચ સ્વર આચ્છાન્ન કો નિઃસ્પંદ શબ્દને બોલતો હતો.
આવી એ આખરે પાંડુ રાજમાતા સમીપમાં.
સાવિત્રી જઈને બોલી, કિંતુ ઓઠે ચોકી-પ્હેરો હતો અને
મુખ શાંતિ ભર્યું હતું,
કે ભૂલોભટક્યો કોક શબ્દ ને કો આકાર દે દગો રખે
કે નથી જાણતું એવે માને હૈયે જઈ હણે
સમસ્ત સુખની સાથે જીવવાની જરૂરતે,
જે દુઃખ આવવાનું છે તેના ઘોર ઘોર પૂર્વ-પ્રબોધથી.
માત્ર જરૂરના શબ્દો પામ્યા ઉચ્ચાર-માર્ગને :
બાકીનું સૌ દબાવેલું રાખ્યું એણે યંત્રણા વેઠતા ઉરે
અને બહારની શાંતિ બળાત્કારે લાડી સ્વવચનો પરે :
" એક વરસથી છું હું વસેલી હ્યાં સાથમાં સત્યવાનના
વિશાળા વનની લીલી લીલમી ધારની પરે,
તોતિંગ તુંગ શૃંગોના લોહમંડળની વચે,
વનમાં વ્યોમનાં નીલવર્ણ રંધ્રો તળે, છતાં
નથી નીરવતાઓમાં આ મહાવનની ગઈ,
જેણે મારા વિચારોને ઘેર્યો છે ગૂઢતા વડે,
કે નથી ભમી એનાં લીલાં આશ્ચર્યની મહીં,
ખુલ્લું પરંતુ આ નાનું સ્થાન માત્ર મારું જગત છે બન્યું.
હવે પ્રબલ ઇચ્છાએ આખું મારું હૈયું છે કબજે કર્યું
કે સત્યવાનની સાથે સંચરું હું સાહીને કર એહનો
એણે જીવન ચાહ્યું છે તેહ જીવનની મહીં
ને એ જે પર ચાલ્યો છે તે સ્પર્શું હું તૃણાદિને
અને અરણ્યપુષ્પોને ઓળખું ને દુખારામ ભરી સુણું
પક્ષીઓને અને દોડાદોડી કરંત જિંદગી
ચમકીને સ્થિર પાછી થઈ જતી,
સુણું હું દૂરની શાખાઓના સંપન્ન મર્મરો
ને સુણું કાનની વાતો રહસ્યોએ ભરેલી જંગલોતણી.
છૂટી આપો મને આજે, આપો મારા હૈયાને આજ વિશ્રમ."
આપ્યો ઉત્તર માતાએ,
" શાંતસ્વભાવ ઓ બાલરાણી ! રાજ્ય ચક્ષુઓએ ચલાવતી,
તારા સુજ્ઞ મને છે જે ઈચ્છા તે અનુવર્ત, જા.
દેવી તને ગણું છું હું શકિતશાળી સમાગતા
કરી અમારા આ વેરાન દિવસો પરે;
દાસી માફક સેવે છે તેથી તું ને તે છતાં પર તું રહે
તારાં સકલ કાર્યોથી ને અમારાં મન જે સર્વ કલ્પતાં
તેનાથીય રહે પરા,
રહી ઉપર જે રીતે પૃથવીને સૂર્ય સમર્થ સેવતો."
પછી દુર્દેવનો ભોગ પતિ ને જાણકાર સ્ત્રી
હાથે હાથ મિલાવીને ચાલ્યાં ગહન એ જગે,
સૌન્દર્ય, ભવ્યતા, સ્વપ્ન અણવર્ણ્ય લહેવાતાં હતાં જહીં,
હતું અનુભવાતું જ્યાં પ્રકૃતિનું મૌન રહસ્યથી ભર્યું,
પ્રભુની ગુહ્યતા સાથે અનુસંધાન સાધતું.
હર્ષે પૂર્ણ સત્યવાન સાવિત્રીને પડખે ચાલતો હતો,
કેમ કે નિજ લીલેરા ધામાઓમાં સાથે એ સરતી હતી :
બતાવતો હતો એને વનના વૈભવો બધા,
તરેહવાર સૌગંધે અને રંગે ભર્યાં નિઃસંખ્ય ફૂલડાં,
લાલ લીલી વેલડીઓ વળગેલી મૃદુ ને પીવરાંગિની,
વિચિત્ર-રિદ્ધરંગીન પાંખોવાળાં વિહંગમો,
મીઠાશભર સેવતી દૂરની ડાળીઓથકી
આવનારા એકેએક અવાજને
તાર સૂરે લઈ નામ ગાન આરંભનારનું
મળતા મિષ્ટ ઉત્તરો.
બોલ્યો એ પ્રિય પોતાને સઘળી વસ્તુઓ વિષે :
એના કૌમારના સાથી ને સાથે ખેલનાર એ,
હતા એ સમકાલીન સખાઓ જિંદગીતણા
અહીં આ જગમાં ભાવ પોતે જેનો પ્રત્યેક જાણતો હતો :
સામાન્ય માણસો માટે કોરા એવા વિચારોમાંહ્ય એમના
પોતે ભાગ પડાવતો,
પ્રત્યેક જંગલી ભાવે ભરેલી લાગણીતણો
લહેતો 'તો જવાબ એ.
એ ઊંડા ભાવથી સત્યવાનને સુણતી હતી,
જાણતી એ હતી કે આ અવાજ અલ્પ કાળમાં
પડી બંધ જશે, સ્નિગ્ધ શબ્દો સુણાવશે નહીં,
તેથી તેના સ્વરારોહો મીઠા ને પ્રિય લાગતા
એકાકી સ્મૃતિને માટે સંઘરી એ રાખવા માગતી હતી
જે સમે સાથમાં એના નહીં એ હોય ચાલતો
ને સદંતર ના શકત પ્યારા શબ્દ સુણાવવા.
પણ શબ્દોતણા અર્થ પર એનું મન અલ્પ જતું હતું;
વિચાર આવતો એને મૃત્યુ કેરો ને નહીં જિંદગીતણો
કે એકાકી અંતનો જિંદગીતણા.
એના હૃદયમાં પ્રેમ યાતનાના કંટકોથી ઘવાયલો
પ્રત્યેક પગલે દુઃખ સાથે પોકારતો હતો
વિલાપ કરતો રહી,
" હવણાં, હવણાં , દૈવાત્
સ્વર એનો સદાકાળ માટે બંધ પડી જશે."
કો સંદિગ્ધ સ્પર્શથીયે દુઃખ નીચે દબાયલી
આંખો કો કો વાર એની જોતી 'તી આસપાસમાં,
જાણે કે એમને જોવા મળે નિકટ આવતો
કાળો ભીષણ દેવતા.
કિંતુ થંભ્યો સત્યવાન.
ચાહ્યું એણે અહીં કામ પોતા કેરું પતાવવા,
જેથી સુખભર્યાં બન્ને સંકળાઈ ને નિશ્ચિંત બની જઈ
ભમે મુક્ત મને લીલા અને આદિકાળની ગૂઢતા ભર્યા
ગહને ત્યાં હાર્દ મધ્યે અરણ્યના.
નિઃશબ્દ એ રહી પાસે સાવધાન નિરીક્ષતિ,
પોતે જેને હતી ચ્હાતી ને પ્રસન્ન એના વદનનો અને
વપુ કેરો વળાકો ના એકેયે એ ચૂકવા માગતી હતી.
અત્યારે જિંદગી એની સેકંડોમાં, ન કલાકો મહીં હતી,
પ્રત્યેક પળ કેરો એ પૂરેપૂરો કસી લાભ ઉઠાવતી
વેપારી જેમ કો પાજી રહે ઝૂકી પોતાના માલની પરે,
બાકી રહેલ પોતાના સ્વલ્પ સોના પ્રત્યે કાર્પણ્ય દાખતો.
હેર્ષે ભર્યો સત્યવાન કોઢી ચલાવતો,
મોટેથી એ હતો ગાતો અંશો એક ઋષિના મંત્રસૂક્તના,
ગાજતા જે હતા મૃત્યુંજયત્વે ને સંહારે અસુરોતણા,
ને કો કો વાર થોભી એ સાવિત્રીને મીઠાં વચન પ્રેમનાં
ને પ્રેમથીય મીઠેરી મજાકોનાં વચનો સંભળાવતો :
ને ચિત્તી સમ એ એના શબ્દો પર છલંગતી
ને લઈ એમને જાતી સ્વ હૈયાની ગુહામહીં.
કરતો એ હતો કામ તેવે એની પર દુર્ભાગ્ય ઊતર્યું.
પીડાના ઉગ્ર ને ભૂખ્યા
શિકારી કૂતરા એના શરીરે સોંસર્યા સર્યા,
બચકાં ભરતા ચૂપાચૂપ સંચરતા જતા,
અને પીડાપૂર્ણ એનો પ્રાણ ઘેરાયલો બધો
તોડી જીવનની હૈયા-દોરી છૂટો થઇ જવા
પ્રયાસ કરતો હતો.
પછી જાણે હોય છોડયો સ્વ-શિકાર જનાવરે
તેમ સાહાય્ય પામેલો, ક્ષણ એક રૂડી રાહત-લ્હેરમાં
ફરી જોરમાં આવ્યો અને ઊભો સુખારામભર્યો થયો.
ને સમોદ સવિશ્વાસ શ્રમકાર્ય એણે નિજ શરૂ કર્યું,
પણ પ્રહાર જોતા 'તા ઓછું એના કુઠારના.
હવે પરંતુ મોટેરા કઠિયારે
કોઢીનો ઘા સત્યવાન પરે કર્યો,
અને એનું કાપવાનું કામ બંધ પડી ગયું :
પછી હાથ કરી ઊંચો સત્યવાને પીડાના શસ્રના સમી
કુહાડી તીક્ષ્ણ પોતાથી ફગાવી દીધી દૂરમાં.
સમીપે ગઈ સાવિત્રી નીરવ વેદના ભરી
અને એને લઈ લીધો સ્વબહુમાં,
ને પોકારીઊઠયો એ એહની પ્રતિ,
" સાવિત્રી ! મુજ મસ્તિષ્ક અને હૃદયમાં થઈ
મહાપીડા ચીરતી એક જાય છે,
જાણે કે જીવતી ડાળી છોડી એને કુહાડી હોય કાપતી.
કપાતું હોય છે પોતે અને નિશ્ચે મરવાનું જ હોય છે
ત્યારે વૃક્ષ ભોગવે જે મહાવ્યથા
તેવી મહાવ્યથાથી હું છું વિદીર્ણ થઈ રહ્યો.
જરા વાર મને તારે ખોળે દે શિર મૂકવા,
અને દુદૈવથી તારે હાથે મારી રક્ષા તું કરતી રહે :
કદાચ સ્પર્શશે તું તો મૃત્યુ દૂર સરી જશે."
સાવિત્રી ત્યાં પછી બેઠી વિશાળા વિટપો તળે
સૂર્યને વારતા જેઓ હતા શીતળ ને હરા,
ટાળ્યું એણે વૃક્ષ જેને સત્યવાને હતું કાપ્યું કુઠારથી;
એક સૌભાગ્યવંતા કો વૃક્ષરાજતણે થડે
અઢેલી, હૃદયે રાખી રક્ષતી એ હતી ત્યાં સત્યવાનને,
ને વેદના ભર્યા એના શિરની ને શરીરની
ઉપરે હસ્ત પોતાના ફેરવી એ હતી સાંત્વન આપતી.
હતા મૃત હવે એને ઉરે સર્વ ભય ને શોક સર્વથા
અને શાંતિ મહતી ઊતરી હતી.
એની વ્યથા ઘટે એવી ઈચ્છા, વૃત્તિ વ્યથાના પ્રતિકારની,
એકમાત્ર મર્ત્ય બાકી રહેલી લાગણી હતી.
તે પસાર થઈ ગઈ :
દેવો સમાન એ વાટ રહી જોઈ અશોકા ઓજસે ભરી.
બદલાયો હવે કિંતુ વર્ણ એનો રોજનો માધુરી ભર્યો,
એણે ધૂસરતા ધારી અને એની આંખો ઝાંખી થઈ ગઈ,
પોતે જેને હતી ચ્હાતી તે પ્રકાશ સ્વચ્છ ત્યાં ન રહ્યો હતો.
માત્ર બાકી હતું મંદ મન સ્થૂલ શરીરનું,
ઉજજવલાત્માતણી દીપ્ત દૃષ્ટિ જેમાં હતી નહીં.
પરંતુ પૂર્ણ એ જાય વિલાઈ તે પહેલાં એકવાર એ
બોલી ઉઠયો સ્વરે ઉચ્ચ
નિરાશામાં અંતકાળ કેરી સંસકિત રાખતી,
" સાવિત્રી ! ઓહ સાવિત્રી ! સાવિત્રી ! મુજ આત્મ ઓ !
ઝુક મારી પરે, ચૂમ મરવાને સમે મને."
ને જેવા પાંડુરા એના ઓઠ તેના ઓઠને દાબતા હતા
તેવા ગયા વિલાઈ તે
જવાબ વાળવા કેરું ખોયું માધુર્ય એમણે;
સત્યવાનતણો ગાલ ઢળી પડયો
સાવિત્રીના સોનેરી કરની પરે.
સાવિત્રીએ વળી ઢૂંઢયું મુખ એનું પોતાના જીવતે મુખે,
જાણે કે ચુંબને એના સમજાવી કરી ફરી
પાછો આણી એ એના જીવને શકે;
પછી એને થયું ભાન કે તેઓ એકલાં ન 'તા.
આવ્યું તહીં હતું કૈંક સચૈતન્ય વિરાટ વિકરાલ કૈં.
પોતાની નિકટે એણે લહી એક છાયા ઘોર પ્રમાણની
મધ્યાહ્નને થિજાવંતી, અંધકાર એની પીઠે બન્યું હતો.
સ્થાન ઉપર વ્યાપી 'તી ભયપ્રેરક ચૂપકી :
વિહંગોનો ન 'તો નાદ ને અવાજ ન 'તો જાનવરોતણો.
મહાત્રાસ-વ્યથા તીવ્ર વિશ્વને ભરતાં હતાં,
સંવેધ રૂપ જાણે કે હતું લીધું રહસ્યે સર્વનાશના.
બે મહાઘોર આંખોથી મન વૈશ્વ હતું વિશ્વ વિલોકતું,
અસહ્ય દૃષ્ટિથી એની સર્વને તુચ્છકારતું,
અમર્ત્ય અધરોષ્ઠો ને ભાલ વિશાલ ધારતું,
નિજ નિઃસીમ ને નાશકારી ચિંતનમાં રહી
જોતું 'તું વસ્તુઓ સૌ ને જીવો સર્વ દયાજનક સ્વપ્ન શાં,
અક્ષુબ્ધ અવહેલાથી નકારંતું એ આનંદ નિસર્ગનો,
ભાવ નિઃશબ્દતાયુક્ત એની ગહન દૃષ્ટિનો
વસ્તુઓ ને જિંદગીનું નિઃસારત્વ પ્રકટાવી રહ્યો હતો,
હોવું હમેશને માટે જોઈએ જીવને છતાં
જે એવું ન હતું કદી,
અલ્પકાલીન ને વ્યર્થ આવતું ને જતું સંતત એ ફરી,
જાણે કે નામ કે રૂપ નથી જેનું એવી નીરવતાથકી
છાયાએ દૂરના એક પરવા ના કરતા દેવતાતણી
માયાવી વિશ્વને દંડ હતો દીધો પોતાની શૂન્યતાતણો,
આભાસ કાળ મધ્યેનો એના વિચાર-કર્મનો
અને એની શાશ્વતીની વિડંબના
કરીને રદબાતલ.
સાવિત્રીને થયું જ્ઞાન કે સાક્ષાત્ ત્યાં યમ ઊભો હતો
ને પોતાની બાથમાંથી સત્યવાન સર્યો હતો.
આઠમું પર્વ સમાપ્ત
કાળા શૂન્ય પ્રત્યે
સાવિત્રી હવે ઘોર વનમાં એકલી પડી ગઈ. પતિનું શબ એની છાતી સરસું હતું. નિરાધાર વિચારોથી એ પોતાની મહાહાનિનું માપ કાઢતી ન 'તી, આંસુથી દુઃખની શૈલમુદ્રાને તોડતી ન 'તી. હજુય એ ભયંકર દેવનો સામનો કરવા ઊભી થઈ ન 'તી. એનું મન સત્યવાનની સાથે મરી ગયું હતું. નિષ્પ્રાણ પતિદેહ એણે ગાઢ આશ્લેષમાં રાખ્યો હતો, જાણે કે એના આત્માને એ હજીય ખોળિયામાં રાખવા માગતી ન હોય.
પછી જીવનની અદભુત ક્ષણોએ થાય છે એવો એક અસાધારણ ફેરફાર એનામાં થયો. એ પળ આવી જયારે આત્મા પોતાના મહસના મૂળ પ્રતિ ઊર્ધ્વ ઊંચકાય છે, પડદો ચિરાઈ જાય છે, વિચારનો કરનારો રહેતો નથી, એક આત્મા જ જયારે જોતો હોય છે અને એને બધું જ્ઞાન થઈ જાય છે. તેવે વખતે આપણાં ભવાં ઉપર રાજમાન એક પ્રશાંત શકિતનાં દર્શન થાય છે; એ શકિત પ્રકૃતિનું સંચાલન કરે છે, જીવન ઉપર નજર નાખે છે ને વસ્તુઓના વમળને કાબૂમાં લઈ લે છે. દૈવી વિચારો આવવા માંડે છે ને એ પાર્થિવ મનને અચંબામાં નાખી દે છે. માનવી માટી એક અદૃષ્ટ એવા સુમેળ સાધનારાને હાથે ઘડાય છે, એક નવી દૃષ્ટિ ઊઘડે છે, નવા સ્વરો દેવોના સંગીતને આપણામાં દેહધારી બનાવે છે.
માનવી નયનો જેને જોઈ શકતાં નથી એવો પ્રકૃતિમાં છુપાઈ રહેલો આત્મા રાત્રિનાં આકાશોમાં ભુવનોમાંના પોતાના માળામાંથી ઊંચે ઊડયો, આત્મ-વિસ્મૃતિના દોર કપાઈ ગયા. સાવિત્રીને વિશ્વાવકાશમાં પ્રક્ષિપ્ત શકિતનાં દર્શન થયાં. પોતાના સ્વરૂપસર્વસ્વનું મૂળ, કલ્પ-કાળમાં ધીરે ક્રમે સંમૂર્ત્ત થતો સંકલ્પ, સનાતન સત્યનો એક ખંડ, અવિચલિત શકિતનું અનુરાગી ઓજાર એણે જોયું. ભુવનને ભરી દેતા એક સાન્નિધ્યે, એક સર્વાંતરવર્તી સર્વમયે એનું જીવન ધારણ કર્યું. એક પ્રભુતા, એક નીરવતા, એક ક્ષિપ્રતા સાવિત્રીના અટલ-
ગર્તો ઉપર છવાઈ ગઈ. પ્રકાશને પાછળ ખેંચી લાવતી એક શકિત ઊતરી; કાળની પળોને એણે અનંતતા સાથે સાંકળી લીધી. સાવિત્રીના આત્મામાં આ ઘેરી શકિત ઊંડે ઊતરી ગઈ ને સાવિત્રી પલટાઈ ગઈ. સાવિત્રીના સહસ્રદલ કમલમાં એ પ્રવેશી. એની મર્ત્યતાને એ માર્ગદર્શન આપતી હતી, એનાં કાર્યોને કરતી હતી, એના શબ્દોનું ઉદભવસ્થાન બની ગઈ. આ શકિતને કાળ કશું કરી શકતો ન 'તો; એ સર્વસમર્થ હતી; શાંત, નિશ્ચલ ને નીરવ એ સાવિત્રીની ઉપર વિરાજી રહી હતી.
સાવિત્રીનું સત્ત્વસમસ્ત એ શકિતની સાથે સંલગ્ન બની ગયું. એ યુવા દિવ્યતાએ એનાં પાર્થિવ અંગોને દૈવી બળથી તરબર કરી દીધા. દુઃખ, શોક ને ભય રહ્યા ન 'તા. હવે એની સઘળી ક્રિયાઓ એ દેવતાની શાંતિમાંથી જ સંભવતી હતી. સાવિત્રી હવે દીનહીન માનવ પ્રથાને પાર કરી ગઈ હતી; એનામાં એક સર્વોપરી શકિત અને દૈવી સંકલ્પ પ્રવર્તવા લાગ્યાં હતાં.
અવ એણે મૃત સત્યવાન ઉપર ક્ષણેક દૃષ્ટિપાત કર્યો ને પછી પોતાનું ઉદાત્ત મસ્તક ઊંચક્યું , ને યમરાજના ઘોર સ્વરૂપ ઉપર મીટ માંડી. એ અંધકારમય દેહસ્વરૂપની ભયપ્રેરક આંખોમાં સંહાર કરતા દેવોની દયા હતી. નિત્યની રાત્રિ આ ઘોર સ્વરૂપ લઈ દુઃખિત જગતના જીવોને પોતાના અગાધ ઊંડા હૃદયમાં આશરો આપતી હતી.
સાવિત્રીની ને યમદેવની આંખો મળી. આખાયે વિરોધી જગતના અવાજ જેવો યમનો ભીષણ અવાજ આવ્યો : "આશ્લેષ છોડી દે, તારો ભાવાનુરાગનો આશ્લેષ છોડી દે. તું માત્ર પ્રકૃતિની દાસી છે, અવિકારી નિયમનું વિકારી ઓજાર છે. તારો બળવો નકામો છે. તારો આશ્લેષ છોડી દે. રડીને ભૂલી જા. તારા ઉત્કટ અનુરાગને જીવતી કબરમાં દફનાવ. એકલી પાછી ફર, તારા પૃથ્વી-લોકના નિષફળ જીવન પ્રત્યે પાછી ફર."
અવાજ અટકયો. સાવિત્રી ન હાલી કે ન ચાલી. માનવગમ્ય બની અવાજ પાછો આવ્યો :
" રે ! તુંય એની માફક જવાની છે. શું તું તારી ભાવાવેશભરી પકડને હર-હંમેશ રાખવાની છે ? એના જીવને મૃત્યુની શાંતિ ને નીરવ આરામ નહિ લેવા દે ? પકડ છોડી દે. આ એનું શરીર પૃથ્વીનું તેમ જ તારું છે. એના આત્મા ઉપર હવે એક મહત્તર શકિતનો અધિકાર છે. સ્ત્રી ! તારો પતિ દુઃખિત થાય છે."
સાવિત્રીએ સત્યવાનના શરીરને આશ્લેષમાં રાખતું પોતાનું હૃદયબળ સંહારી લીધું. ને પછી શરતમાં ઊતરેલો કોઈ પોતાનો ડગલો અળગો કરી સંકેતની રાહ જુએ તેમ તે સ્થિરીભૂત ત્વરાની પ્રતિમા સમી ઊભી ને સનાતન ગહવરમાંથી આવનારા આવેગની રાહ જોવા લાગી. હવે યમરાજ રાત્રિ જેમ શ્રાંત ભૂમિઓ ઉપર ઝૂકે છે તેમ ઝૂક્યો ને ક્ષણ વારમાં પાછો ભયંકર સ્વરૂપે ટટાર થઈ ગયો, એટલે
મૃત માટીના માળખામાંથી એક બીજો દેદીપ્યમાન સત્યવાન પ્રકટયો ને પાર્થિવ દિવસે મર્ત્ય નારી ને દેવની વચ્ચે મૂર્ત્તિમંત મૌન આશ્ચર્ય ઊભો.
મર્ત્યલોકની હવાને અપરિચિત ભવ્યતાભર્યું સત્યવાનનું એ નવું સ્વરૂપ મનોવાંછિત માનવ સ્વરૂપ નહોતું તેથી સાવિત્રીના મનને એનાથી સંતોષ થતો ન'તો. આત્મા આત્માને ઓળખતો હતો, હૃદય પ્રિય હૃદયનું અનુમાન કરતું'તું, પણ સાવિત્રીને માટે એ ગોચરગમ્ય બની શકતો ન 'તો.
આ નવો સત્યવાન બે પ્રદેશો વચ્ચે સ્થિર ઊભો રહ્યો ને કોઈ અંધ આજ્ઞાની રાહ જોતો હોય તેમ રાહ જોવા લાગ્યો. પૃથ્વીના ક્ષેત્ર ઉપર પૃથ્વીની નહિ એવી બે શકિતઓ, એક અપાર્થિવ ને બીજી પાર્થિવ પિંડમાં એકની બન્ને બાજુએથી પ્રયાસમાં પડી હતી. મૌન સામે મૌનનું ને બૃહત્તા સામે બૃહત્તાનું યુદ્ધ ચાલતું હતું. પણ હવે ગમનમાર્ગનો આવેગ આવ્યો ને સત્યવાન ચાલવા માંડયો, ને એની પાછળ યમ. સાવિત્રી પણ યમની પાછળ ચાલી. એની માનવી ગતિ દેવની ગતિ બરોબર બની હતી. પોતાના પ્રેમીનાં પગલાંમાં પોતાનાં પગલાં માંડતી સાવિત્રી પારનાં ભયાનક મૌનોમાં ચૂપચાપ ચાલતી હતી.
આરંભમાં એક અંધ દબાણ કરતી ઝાડીમાં થઈ એ ચાલી. આસપાસ જમીન ઉપર અજાણ્યાં અમાનુષી પગલાં પડેલાં હતા. રસ્તોય જાણે દીઠો ના હોય એવો હતો. વનનો લીલમ પડદો ચોગરદમ ઝબૂકતો હતો. ડાળાં અંતરાઈ કરતાં 'તાં. આસપાસ પદડાંનું મર્મરધ્વનિએ ભર્યું સૌન્દર્ય લીલા ઝભ્ભા જેવું જણાતું હતું. પણ ધીરે ધીરે આ મર્મરાટ વિદેશીય જેવો બનતો ગયો. પોતાનું શરીરેય એને ભાર રૂપ લાગવા માંડયું. પોતે એક દૂરના દૃશ્યમાં આવી ગઈ હતી. સત્યવાનનો દેદીપ્યમાન આત્મા ચૂપચાપ આગળ સરતો હતો ને એની પાછળ અસ્પષ્ટ લાગતી મહાન છાયા ચાલતી હતી.
સાવિત્રીની ઇન્દ્રિયો હજીય પૃથ્વીની મૃદુ હવા નિકટતાથી અનુભવતી હતી. આછી આછી સુવાસો ને દૂરના સાદ સ્પર્શતા 'તા. પૃથ્વી અળગી બની ગયા છતાંય હજુ અંતિકે હતી. સાવિત્રીની આસપાસ એ માધુર્ય, લીલાશ, પ્રમોદ ને સૌમ્ય સ્નિગ્ધ રંગોની ચમક ગૂંથતી હતી. એ પુરાણી માતા પોતાના બાળકને પોતાનું સાદું, સુંદર ને સુપરિચિત જગત સમર્પતી' તી. પણ હવે એનાં અંગોનો ઐન્દ્રિય કાબુ એના અનંતયાત્રાના દેવ ઉપર રહ્યો નહિ. એ બે એમાંથી મુક્ત થઈ ગયા. એમના મહાન માર્ગે આવતી એક અતિસૂક્ષ્મ સરહદ પાર કરતાં વાર ને નીરવ દેવ દૂરનો ને મહાબલિષ્ટ બની ગયો. પોતે જે આત્માની ઉપર પ્રેમ રાખતી 'તી તે અન્ય અવકાશોમાં પ્રવેશ્યો એટલે નિકટતા રાખતો બંધ પડયો.
આની સાથે જ સાવિત્રીનો આત્મા ઉગ્ર ને જ્વાલા જ્વાલા બનીને સત્યવાન પ્રત્યેક ઊડયો , ને એનો આ આવેગ સાવિત્રીને ઇન્દ્રિયોની સીમાઓ પાર લઈ ગયો. સાવિત્રીના ચૈત્યાત્મા ઉપરથી મર્ત્ય અંગોનાં આવરણ સરકી ગયા.
સાવિત્રીની સમાધિમાં હવે ન રહ્યો સૂર્ય, ન રહી પૃથ્વી, ન રહ્યું જગત. વિચાર, કાળ અને મૃત્યુ, એના અવબોધમાં અસ્તિ વિનાનાં બની ગયાં. સાવિત્રી સાવિત્રીનેય વીસરી ગઈ. એનો ઉગ્ર સાગર-સંકલ્પ સત્યવાનમય બની ગયો ને અનામી અને અનંત એવી સાવિત્રી એની આસપાસ ભરતીએ ભરાઈ, એનો આત્મા સત્યવાનના આત્મામાં સુકતાર્થ બની ગયો. પ્રેમની અમર ક્ષણ પ્રાપ્ત થઈ હતી. શાશ્વતીની સશુભ્ર શકિતમાંનું મહામોતી મળી ગયું હતું.
હવે પાછી એકવાર એ કાળ પ્રતિ પ્રબોધતા પામી, વસ્તુઓની રૂપરેખા રચવા દૃષ્ટ અને જ્ઞાતની સીમાઓમાં પાછી ફરી. આત્માના દૃશ્ય ક્ષેત્રમાં ત્રણે આગળ ચાલ્યાં. સાવિત્રી સ્વપ્નના ખંડોમાં જાણે સરતી ન હોય તેમ સરતી લાગવા માંડી. વારંવાર વટાવેલાં ક્ષેત્રો ભુલાયેલા લક્ષ્યો પ્રતિ ભાગી જતાં હતાં.
આમ નીરવ પ્રદેશમાં ને નવી જ દુનિયામાં એ ત્રણે એકલાં જ મુસાફરી કરી રહ્યાં હતાં. ત્યાં કોઈ જીવ ન 'તો, માત્ર જીવંત ભાવો જ હતા. એમની આસપાસનો પ્રદેશ વિચિત્ર, રવરહિત ને જાદૂઈ જેવો હતો. માથા ઉપર એવાં જ વિચિત્ર દૂરનાં આકાશો હતાં. અચિત્ ની નિદ્રાની રહસ્યમયી સમસ્યા જેવા અંધકારનાં પ્રતીકો,, ભૂતાવળની છાયાઓ, ઊઘડતાં ભયંકર જડબાં, મારી નાખનારી નિગૂઢતા યાત્રીને આકર્ષતાં હતાં. બધું જ કાળી રાત્રિનું કાળું શિલ્પ હતું.
પછી અંધકારમાં થતી યાત્રાની સીમા આવી. ત્યાં જ્યોતિર્મય બનેલો સત્યવાન ઊભો રહ્યો અને ફરીને એણે પોતાની અદભુત આંખો સાવિત્રી પ્રત્યે વાળી. પણ ત્યાં યમરાજ પાતાળોના પોકારે ગાજી ઊઠયો : " ઓ હે મર્ત્યા ! તારી ક્ષણજીવી જાતિની પાસે પાછી ચાલી જા. મૃત્યુ સાથે એના ઘર સુધી જવાની આકાંક્ષા છોડી દે. જ્યાં કાળનું પણ મરણ થાય છે ત્યાં તારો શ્વાસ જીવવાનો નથી. તારા મનોજભાવમાં સ્વર્ગીય સામર્થ્થ છે એવું માની લેતી નહિ. તારા ધરાના આધાર પરથી એ તારા આત્માને ઊંચે નહિ લઈ જાય. ભૂમિ વગરના શૂન્યમાં તારા પાયાને નહિ ઊંચકી રાખે, માર્ગ વગરના અનંતમાં તને આધાર નહિ આપી શકે. માનુષી મર્યાદાઓમાં જ મનુષ્ય સલામત છે. ભયંકર દેવીને તારા આત્માનું સંચાલન સોંપે નહિ, નિરાધાર વિચારો શો તારો જીવ નાશ પામશે. માણસ મનનાં કાર્યોથી પ્રકૃતિને ત્રાસ આપે છે અને પોતે મોટો રાજવી બની ગયો છે એવો ખોટો ખ્યાલ રાખે છે. દિવ્યતાનાં સ્વપ્ન સેવતા ઓ નિદ્રાધીન જીવ ! કાળનું તું શોક-સભર ફીણમાત્ર છે. તારા ક્ષણભંગુર પ્રેમો સનાતન દેવતાઓને બાધક બનતા નથી."
આ ભયંકર અવાજ અરવતામાં ઓસરી ગયો. રાત્રિની દારુણ દંષ્ટ્રાઓએ એને નિઃશબ્દ સંમતિ આપી. પરંતુ સાવિત્રીએ ઉત્તર ન આપ્યો. એનો ઉત્તુંગ અનાવૃત આત્મા મર્ત્યતાની મેખલામાંથી મુક્ત થયો હતો. એક આદિ ઓજથી ભર્યા સંકલ્પ સાથે એ ઊભો. એક શિલ્પિત મૂર્તિની માફક મધરાતની જામેલી ઘોર નીરવ ગર્તાઓ સામે સાવિત્રી અગ્નિના એ ઓજસના એક સ્તંભની માફક ઊભી.
જંગી જંગલમાં આમ એ એકાકી રહી ગઈ,
આસપાસ હતું એક જગ ઝાંખું જ્યાં વિચાર હતો નહીં,
તજાયેલા ઉરે એના હતું પતિતણું શવ
અસહાય વિચારોએ કાઢતી એ ન 'તી માપ સ્વ-હાનિનું,
વ્યથાની શૈલ સીલો ના અશ્રુઓથી ઉખેડતી:
દારુણ દેવનો ભેટો કરવા એ હજુ ઊભી થઈ ન 'તી .
પ્યારો જે દેહ પોતાનો હતો તે દેહની પરે
આત્મા એનો લળ્યો હતો,
મહાનિઃસ્પદતા સાથે હાલ્યા ચાલ્યા વિના નિઃશબ્દતા ધરી,
જાણે કે મૃત્યુ પામ્યું 'તું મન એનું સાથમાં સત્યવાનની.
પરંતુ માનવી હૈયું ધબકારા એનામાં મારતું હજુ.
એનો આત્મા નિજાત્માની હજી પાસે હતો એ ભાન સાથે એ
રાખી રહી હતી ગાઢ દાબી એના મૂક નિર્જિવ દેહને,
જાણે કે જે હતું ઐક્ય એમનું તે એને સાચવવું હતું
ને આત્માને ખોળિયામાં હજીયે રાખવો હતો.
ઓચિંતાનો પછી આવ્યો પલટો એહની મહીં
આવે આશ્ચર્યકારી જે ક્ષણો વેળા આપણી જિંદગીતણી
અને માનવ આત્માને પકડી જેહ પાડતો
ને એના જ્યોતિના મૂળ પ્રત્યે એને ધરતો ઊર્ધ્વ ઊંચકી.
ચિરાઈ પડદો જાતો અને નામે રહેતો નહિ ચિંતક :
જોતો કેવળ આત્મા ને જ્ઞાત સર્વ થઈ જતું.
ત્યારે દેખાય છે એક શાન્ત શકિત વિરાજતી
આપણાં મસ્તકો પરે
એ આપણા વિચારો ને કૃત્યોથી ડગતી નથી,
એની નિઃસ્પદતા ધારે નિનાદો જગતીતણા :
નિશ્ચલા એ ચલાવે છે સૃષ્ટિને ને જિંદગી અવલોકતી..
એ દૂર-દૃષ્ટ પોતાના ઉદ્દેશોને આકાર અવિકાર્ય દે;
કશું ન અડતું એને
તૃટિ ને અશ્રુઓ વચ્ચે એ શાંતિ નિજ સાચવે,
આપણી મથતી ઈચ્છાશક્તિઓની પાર રાજે અમેય એ,
દૃષ્ટિ એની વશે રાખે વસ્તુઓની વિક્ષુબ્ધ વમળાવળી.
પોતે જે મહિમા જોતો એની સાથે પોતાનો યોગ સાધવા
આત્માની વૃદ્ધિ થાય છે :
અવાજ જિંદગી કેરો અંતહીન સ્વરો શું મેળ મેળવે,
મહતી વૈદ્યુતી પાંખો ઉપરે પળો
અને દિવ્ય વિચારોથી અચંબામાં મન પૃથ્વીતણું પડે.
ચૈત્યાત્માની દીપ્તિ ને સાન્દ્રતામહીં
ઉછાળાતો બીજ-ચંદ્ર એક અદભુત જન્મનો,
રહસ્યમયતા કેરું શૃંગ જેનું પ્લવતું શૂન્યમાં
જાણે કો બળવંતા ને મૌન સભર વ્યોમમાં,
મુદામુગ્ધ વિચાર જાય છે બની;
જીવતી મર્ત્ય માટી આ સઘળી પકડાય છે
અને સ્પર્શોતણા એક વેગીલા વહનિ-વ્હેણમાં
અદીઠ એક સંવાદો સાધનારાતણે હાથે ઘડાય છે.
નવીન દૃષ્ટિ આવે છે, અને સૂરો નવીન આપણીમહીં
મૂર્તિમંત બનાવે છે સંગીત દેવલોકનું.
આવે નીચે ઝંપલાવી ઝંખનાઓ અનામી મુક્ત મૃત્યુથી,
દેવસ્વરૂપ ખોજ કેરાં દોડી આવે વ્યાપક કંપનો,
ને વણે એ શાંતિ કેરા સમર્થ ક્ષેત્રની પરે
ઉચ્ચ એકાંત આનંદોન્મત્તતા અભિલાષની.
એક ક્ષણતણાં ઊંડાણોમહીં આ સાવિત્રીમાં સમુદ્ ભવ્યું.
ભુવનો મધ્યે આવેલા લસંતા નિજ નીડથી
નિસર્ગમાં છુપાયેલો
આત્મા ઉડયો હવે આવિર્ભૂતા અસીમ દૃષ્ટિએ,
જે દૃષ્ટિ વસ્તુઓ જોતી, માનવીના વિચારનાં
પૃથ્વીનાં પોપચાં માટે હતી અર્ગલબદ્ધ જે.
અપાર અગ્નિની જેમ આરોહ્યો એ આકાશો શર્વરીતણાં.
આત્મવિસ્મૃતિના દોર આમ દીર્ણ થઈ ગયા.
દૂરનાં શિખરો પ્રત્યે હોય જેમ ઊર્ધ્વે કો અવલોકતું,
પોતે અલાયદું કાર્ય કર્યું 'તું જ્યાં એકાકી મનમાં રહી
એકમાત્ર મિનારામાં શ્રમ સેવંત સ્વત્વના,
પુરાણું ને પ્રબલિષ્ઠ જેમ કોઈ નિર્વાત શૃંગની પરે,
તેમ પોતા થકી તેણે ઊર્ધ્વમાં અવલોકતાં
પોતે ભાસી હતી જે ને પોતે જે કૈં કર્યું હતું
તે સમસ્તતણું મૂળ જોયું, જોઈ
શકિત એક પ્રવિક્ષિપ્તા વિશ્વના અવકાશમાં,
કલ્પે સેવેલ સંકલ્પ જોયો ધીરે દેહધારી બનેલ તે,
ટુકડો તારકોયુક્ત જોયો શાશ્વત સત્યનો,
એક અચલ શકિતનું જોયું શસ્ત્ર ભાવોદ્રેક વડે ભર્યું.
ધ્યાનથી સુણતું વિશ્વ ભરી દેતું હતું સાન્નિધ્ય એક ત્યાં,
કેદ્રસ્થ सर्व ધાર્યું તું સાવિત્રીનું જેણે અસીમ જીવન.
પ્રભુત્વ, મૌન ને વેગ-એવું કો એક જે હતું
તે ચિંતનસ્થ વ્યાપ્યું 'તું ઊંડાં અગાધની પરે,
સાવિત્રી આપ જે હતી.
જાણે અશ્રુત સૂરોના સંઘગીતરૂપ વસનની મહીં
એક અવતરી શકિત
અંતહીન જ્યોતિઓને ખેંચી પાછળ લાવતી;
અનંતતાતણી સાથે સાંકળી કાળની પળો
ધરીને આવરી એણે, સાવિત્રીનેય આવરી
સીમાતીત પ્રકારથી :
ગઈ એ ઊતરી એના આત્મામાં ને એ રૂપાંતરિતા થઈ.
પછી મહાન કો શબ્દે પૂર્ત્તિ પામ્યા વિચાર શી
એ ઓજ:શકિતએ રૂપ ધર્યું એક પ્રતિકનું;
આત્માવકાશ સાવિત્રી કેરો એને સ્પર્શે લાગ્યો પ્રકંપવા,
જાણે અમર પાંખોથી એમ એણે એને આવારિતા કરી;
અધરોષ્ઠે હતી એના વૃત્તરેખા અનુચ્ચારિત સત્યની,
વિજ્ઞાન-વિધુતો કેરું પ્રભાચક્ર કિરીટસ્થાનમાં હતું,
ગૂઢ પદ્મે પ્રવેશી એ શિરે એને વિરાજતા
હજાર પાંખડીવાળું ધામ છે જે શકિતનું ને પ્રકાશનું.
અમર્ત્ય દોરનારી એ એહની મર્ત્યતાતણી,
એનાં કર્મોતણી કર્ત્રી, અને એના શબ્દોનો ઉત્સ એ હતી,
કાળ ભેદાય ના એવી, હતી સર્વશકિતમાન સ્વરૂપ એ,
શાન્ત, નિશ્ચલ ને મૂગી ઊભી 'તી એ સાવિત્રી પર ઊર્ધ્વમાં.
એ ઓજસ્વી ઘડી સાથે બધું એની મહીંનું યોગ પામિયું,
જાણે માનવતા એકવાર જે એહની હતી
તેનો શેષભાગ છેલ્લો હણાયો મૃત્યુએ હતો.
હસ્તે લઈ લઈ કાબૂ આધ્યાત્મિક વિશાળવો,
અરીસો સ્વર્ગના વ્યોમ કેરો દેતી બનાવી જીવનાબ્ધિને,
એનાં પાર્થિવ અંગોમાં આવેલી યુવ-દિવ્યતા
દેવતાઈ બળે એના ભરતી મર્ત્ય ભાગને.
પૂરું થઈ ગયું એનું વળગેલું દુઃખ ને ભય દારતો :
સરી શોક ગયો 'તો ને મન એનું બની સ્થિર ગયું હતું,
સર્વસત્તાક સામર્થ્થ સાથે એનું નિરાંતે ઉર સ્પંદતું.
હૈયાના દોરના ગ્રાહમાંથી મુક્તિ મળી હતી,
સર્વ કર્મ હવે એનાં સ્ફુરતાં 'તાં દૈવી કો શાંતિમાંહ્યથી.
અત્યાર લગ પોતાને વક્ષે જેહ મૃતદેહ રહ્યો હતો
તેને એણે શાંત ભાવે વન કેરી માટી ઉપર મૂકિયો
બરદાસ્ત કર્યું દૂર વળવાનું મૃત્યુ પામેલ પિંડથી:
એકલી એ થઈ ઊભી ભેટવાને ભયપ્રેરક દેવને.
એ મહત્તર આત્માએ વશીભૂત કરતી દૃષ્ટિ ફેરવી
જિંદગી ને વસ્તુજાતતણી પરે,
અટકો વેઠતા એના ભૂતકાળ દરમ્યાન રહેલ જે
અધૂરું એહને માટે તે કાર્ય વારસે એને મળ્યું હતું,
જે સમે મન ઉત્સાહે શીખતું 'તું, કરતું 'તું પરિશ્રમો,
ને ઓજારો હતાં રૂડા આકાર વણનાં અને
ચલાવતાં હતાં રાભી જ રીતથી.
ઉલ્લંઘાઈ હતી હાવે કંગાલ માનવી પ્રથા;
શકિત પ્રભુત્વવંતી ત્યાં હતી દિવ્ય હતો સંકલ્પ એક ત્યાં.
છતાં ક્ષણેક એ થંભી હાલ્યાચાલ્યા વિના રહી,
દૃષ્ટિ નીચી કરી જોયો મૃત જેહ એના પાય કને હતો;
પછી ઝંઝા થકી પાછું થાય વૃક્ષ ટટાર કો
તેમ તેણે કર્યું ઊંચું ઉદાત્ત નિજ મસ્તક;
એની મીટતણી સામે ઊભું 'તું કૈં અપાર્થિવ,
અઘોર, ભવ્ય, નિઃસીમ ઇનકારરૂપ અસ્તિત્વમાત્રનો,
જેણે ધર્યું હતું રૂપ ઘોરતાનું અને અદભુતતાતણું.
એની ડરામણી આંખોમહીં કાળું સ્વરૂપ એ
સંહાર કરતા દેવો કેરી ઊંડી કરુણા ધારતું હતું.
દારુણ અધરોષ્ઠોએ શોક્પૂર્ણ વ્યંગ્યતા વંકતી હતી,
બોલતા એ હતા શબ્દ વિનાશનો.
રાત્રી સનાતની ઊઠી દયાભાવી, એક અમર વકત્રના
ઘોર સૌન્દર્યની મહીં,
અગાધ નિજ હૈયામાં સૌ જીવોનો સત્કાર કરતી સદા,
તેમની યાતનાથી ને જગતજનિત દુઃખથી
પ્રાણીઓને આશ્રયસ્થાન આપતી.
એનો આકાર સત્યત્વ પામેલી શૂન્યતા હતી,
ક્ષણભંગુરતા કેરા કીર્તિસ્તંભો જેવા અવયવો હતા,
અશ્રાંત શાંતિનાં મોટાં પોપચાંઓ ભવાં તળે
મૌનપૂર્વક જોતાં 'તાં અમળાતી સર્પિણી સમ જિંદગી.
અક્ષુબ્ધ એમની કાલરહિતા, બૃહતી અને
વિકાર વણની દૃષ્ટે
પસાર વ્યર્થ થાનારાં જોયાં 'તાં ચક્ર કાળનાં,
અસંખ્ય તારકો કેરા અવસાન પૂઠે એ જીવતી હતી,
અને આશ્રય આપ્યો 'તો હજી એણે
એના એ જ ગોલકોને પરિવર્તન ન પામતા.
બન્નેએ એકબીજાનો આંખોથી સામનો કર્યો,
એક બાજુ હતી નારી, બીજી બાજુ હો વૈશ્વિક દેવતા :
સાવિત્રીના
સુબલિષ્ઠ અને સાથી વિનાના ચૈત્યની પરે
અસહ્ય નિજ નૈર્જન્યો સૂનાં ખડકતાં જતાં
અમેકાનેક એકાંતો આવ્યાં પાસે અમાનુષી.
આશાને કરતી મના
રિક્ત શાશ્વતતાઓએ નિજ જંગી અને નિર્જીવ દૃષ્ટિને
સાવિત્રી પર ઠેરવી,
ને એના કાનને માટે
પૃથ્વી કેરા અવાજોને ચુપચાપ બનાવતો
શોકઘેર્યો અને ઘોર સ્વર સમુદ્ ભવ્યો,
લાગતો એ હતો સારા વિરોધી વિશ્વનો સ્વર.
ગાજયો એ, " અળગો તારો કર ગ્રાહ ભાવપ્રભાવથી ભર્યો,
દાસી પ્રકૃતિ કેરી ઓ, પરિવર્તન પામતા
ઓજાર પરિવર્તે ના એવા નિયમના, વૃથા
ઘૂંસરી હેઠ મારી, ઓ બળવાખોર, બાથડી,
કરી શિથિલ દે તારો ગ્રાહ મૂળનિસર્ગનો;
ભૂલી જ આંસુ ખેરવી.
ભાવાનુરાગને તારા દાટ એની જીવતી ઘોરની મહીં.
એકવારતણા વ્હાલા, આત્મા કેરા તજાયલા
દેહને દે તજી હવે :
પૃથ્વી ઉપરની તારી નિઃસાર જિંદગી પ્રતિ
પાછી જા એકલી વળી."
અટકયો એ, ન હાલી એ, અને એ ઊચર્યો ફરી
માનુષી તારને માપે નીચે લાવી સ્વરચાવી મહાબલી,
છતાંયે ઘોર પોકાર બોલાયેલા શબ્દો પાછળ જે હતો
તે બધા ખેદ કેરા ને હમેશાંની ઘૃણાતણા
પડઘા પાડતો હતો,
દૂર આથડતાં મોજાં કેરી ભૂખ પેઠે વિલપતો હતો.
" શું તું હંમેશને માટે તારા ભાવાવેશનો ગ્રાહ રાખશે,
જ્યાં તું પોતે જ છે એના જેવો જીવ, અંત જેનો અવશ્ય છે,
શું એના જીવને લેવા નહીં દે તું
મૃત્યુની શાંતિ ને આરામ મૌનનો ?
તારી પકડને ઢીલી બનાવી દે;
છે ધરાનું અને તારું શરીર આ,
એનો જીવ હવે એક છે મહત્તર શકિતનો.
નારી ! તારો પતિ દુઃખિત થાય છે."
સાવિત્રીએ હર્યું પાછું હજીએ જે દેહને સત્યવાનના
આશ્લેષીને રહ્યું 'તું તે નિજી હૃદયનું બળ,
દેહ એનો હતો નીચે એના ખોળાથકી તહીં
મૃદુતાથી મુકાયેલો સુંવાળા ઘાસની પરે,
જે પ્રમાણે ઘણીવાર પહેલાં એ નિત્યકર્મ નિષેવવા
ઊઠી ધોળે પરોઢિયે
મૂકી એને પથારીમાં નિદ્રાધીન જતી હતી :
એ અત્યારેય જાણે કે બોલાવાઈ હોય તેમ ખડી થઈ
કરી એકત્ર પોતાનું બળ કેવળ એકલું,
દોડ-શરતમાં જેમ નિજ પ્રાવાર સેરવી
રાહ સંકેતની કોઈ જુએ નિશ્ચલ વેગથી.
કયે માર્ગે જવું તે એ જાણતી ના : ઊર્ધ્વનો આત્મ એહનો
હતો નિગૂઢ શિખરે એના ગુપ્ત સ્વરૂપના
ગિરિશૃંગે જેમ કોઈ ચોકિયાત રખાયલો.
નિર્વાત સિન્ધુ પરના નિઃસ્પંદ સઢના સમા
એના નીરવ ચૈત્યાત્મા સાથે એક પવાકીય-પદી અને
બળવંતી પાંખવાળી દીપ્તિ મૌન-ભભૂકતી
સાવધાન નિરીક્ષતી.
સફેદ ને નિરાવેગ સામર્થ્ય લંગરાયલું
એવી અરૂઢ એ હતી,
ને સનાતન ઊંડાણોમાંહ્યથી દૂર-ધારના
ક્યા ઉલ્લોલ આવેગે ઊઠવું જોઈએ અને
નાખવો જોઈએ ઊર્મિ-ઉછાળને,
તેને માટે પ્રતીક્ષા કરતી હતી.
યમરાજ પછી ઝૂક્યો નીચે નિઃસીમ, ઝૂકતી
જેમ રાત્રિ પરિશ્રાંત પ્રદેશોએ સંધ્યા આછી બની જતાં,
વિલાતાં રશ્મિઓ જયારે તોડી પાડે દીવાલ દિક-ચક્રની,
ને હજી ચંદ્રથી હોય પ્રદોષે ના રહસ્યમયતા ધરી.
પૃથ્વીને સ્પર્શતા એના અલ્પકાલી ઝુકાવથી
ઘોર અદભુત છાયાવી દેવ સીધો ખડો થયો,
ને જેમ સ્વપ્નમાંથી કો સ્વપ્ન અવર જાગતું
તેમ મરેલ માટીનું તજીને તુચ્છ માળખું
બીજો પ્રકાશથી પૂર્ણ સત્યવાન
શયાન ધરતીમાંથી સાવ સીધો થયો ઊભો અચિંતવ્યો,
અદૃષ્ટ ભુવનો કેરી કિનારી પર ઉદભવી
જાણે કો પગલાં માંડી આવ્યું હોય અદૃશ્ય હદ પારથી.
પૃથ્વીને દિવસે ઊભો એ ચમત્કાર નીરવ
મર્ત્ય નારી અને દેવ-ઉભેના અંતરાલમાં.
જાણે કો મૃત્યુ પામેલો દીપ્તિ ધારી દેવતાઈ સ્વરૂપની
આવ્યો હોય એવો એ લાગતો હતો,
મર્ત્યો કેરી હવા માટે વિદેશીય હતો ભવ્ય સુભવ્ય એ.
લાંબા સમયથી ચાહી વસ્તુઓને મન ઢૂંઢી રહ્યું હતું,
અજાણ્યા રંગ જોઈ એ નાસીપાસ પડી પાછું જતું હતું,
જોતું એને હતું ને ઝંખતું હતું,
અસંતુષ્ટ રહેતું 'તું મધુરા ને મહોજજવલ સ્વરૂપથી,
અત્યંત શુભ્ર સંકેતો સ્વર્ગ કેરા માની એ શકતું ન 'તું;
વિભાસમાન આભાસ
આશ્લેષાર્થે જિંદગીના અજાણ્યો અતિશે હતો,
સ્થૂલ સૂર્યોતણી ઉષ્મામહીં જેનો ઉછેર છે
તેવાં હૂંફ આપનારાં સર્જનોને હતું જીવન વાંછતું,
ઇન્દ્રિયો વ્યર્થ સંવેદો પામવાને મથતી દીપ્ત છાયનો:
માત્ર હજીય આત્માને આત્મા ઓળખતો હતો,
પુરાણા પ્રિય હૈયાનું અનુમાન હૈયું લેતું હતું કરી
બદલાઈ ગયેલું એ હતું છતાં.
બે પ્રદેશોતણી વચ્ચે સત્યવાન ઊભો 'તો, ડગતો ન 'તો,
કિંતુ સ્થિર અને શાંત અપેક્ષામાં બળે ભરી,
જેમ દૃષ્ટિ વિનાનો કો આજ્ઞા માટે હોય શ્રવણ માંડતો.
એમ એ સ્થિર ઊભાં 'તાં પૃથ્વીના ક્ષેત્રની પરે,
શકિતઓ પૃથવીની ના, જોકે એક માનવી મૃત્તિકામહીં.
એકની બેઉ બાજુએ બે આત્માઓ કરતા 'તા મુકાબલો;
મૌન સાથે મૌનનો ને બૃહત્ સાથે બૃહત્ તણો
સંગ્રામ ચાલતો હતો.
પરંતુ પ્રેરણાવેગ લહેવાયો હવે ગમનમાર્ગનો,
તારાઓને ટકાવી જે રાખે છે તે મૌનમાંથી પ્રવર્તતો,
દૃશ્ય જગતના સીમાપ્રાન્તને સ્પર્શવાતણો.
દેદીપ્યમાન એ આઘે જવા ચાલ્યો; અને પૂઠળ એહની
યમ ધીરે રહી ચાલ્યો નિજ નીરવ પાયથી,
જેમ સ્વપ્ને રચ્ચાં ક્ષેત્રે છાયામૂર્ત્તિ સરી ગોવાળ કો જતો
નિજ નીરવ વૃંદોથી છૂટા એક પડેલા જીવ પૂઠેળે,
ને સાવિત્રીય ચાલી ત્યાં મૃત્યુ પૂઠે સનાતન
દેવની ગતિની મર્ત્ય ગતિ એની કરતી 'તી બરાબરી.
ચુપચાપ સ્વપ્રેમીનાં પગલાંએ મુસાફરી
કરતી, માનુષી પાય નિજ માંડી એના ચરણ-ચિહનમાં,
ચાલી એ પારનાં મૌનોમહીં જોખમથી ભર્યાં.
આરંભે એ ચલી અંધ આપદામાં અરણ્યની
અમાનુષી અજાણ્યાં જ્યાં જમીને પગલાં હતાં,
અણદીઠ પથે જાણે કરતી એ મુસાફરી.
લીલી ને પ્રતિબિંબાતી પૃથિવી ને એહની આસપાસમાં
ઘેરતો 'તો પદો એના વનો કેરો પડદો ઝબકયે જતો :
ગાઢું વિલસતું વિધ્ન તેની ડાળોતણું એના શરીરને
છાયામધ્ય થઈ આવે વધવામાં અવરોધી રહ્યું હતું
સ્પર્શગમ્ય મર્મરોની સમૃદ્ધ સૃષ્ટિની મહીં,
અને લીલમના જામા જેમ એની ફરતે લ્હેરતું હતું
સઘળું મર્મરાટોએ ભર્યું સૌન્દર્ય પર્ણનું.
પરંતુ પરદેશી આ બન્યો શબ્દ ક્રમશઃ વધુ ને વધુ,
અને નિકટનું એને સ્વ-શરીરેય લાગતું
હતું બોજારૂપ જેને આત્મા એનો ધારતો દૂરભાવથી.
પોતે રે'તી હતી દૂર ઊર્ધ્વના એક ક્ષેત્રમાં
જ્યાં એકાગ્રલયે બદ્ધ અનુધાવંત દૃષ્ટિને
જણાતાં 'તાં સાન્નિધાનો નિરાકાશ એક ઉન્નત સ્વપ્નમાં,
પ્રકાશમાન જ્યાં જીવ ચુપચાપ આગે સરકતો હતો,
ને અસ્પષ્ટ હતી પૂઠે મહાછાયાય ચાલતી.
હજીએ શોધતો હસ્તો કેરા એક પ્રણયી વૃન્દ સાથમાં
જે જૂની તેમની ઈચ્છાઓના દ્વારા વીનવાતા સમાર્દવ,
સાવિત્રીની ઈન્દ્રિયોએ લહી પૃથ્વીતણી હવા
સૌમ્ય સમીપતાવાળી વળગેલી એમને આસપાસથી,
અને વિક્ષુબ્ધ ડાળોમાં અવબોધ્યાં સમીરનાં
અસ્પષ્ટ પડવાવાળાં પગલાં મંદતા ભર્યાં :
એણે અનુભવી આછી સૌરભો ને
સ્પર્શ્યાં એને અહવાનો દૂરદૂરનાં;
જાણે કે હોય નિ:શ્વાસ કો ભુલાયેલ લોકનો
તેમ સ્વર અને પાંખોતણો ફફડતો ધ્વનિ
આવ્યો વન-વિહંગનો.
ઊભી 'તી અળગી પૃથ્વી, છતાં નિકટ એ હતી :
સાવિત્રી ફરતું એણે નિજ માધુર્યને વણ્યું,
નિજ લીલાશ, આમોદ અને વ્હાલી અને વિલસતી પ્રભા
વણી જીવંત રંગોની દીધી રુચિરતા ભરી,
સૂર્યપ્રકાશ સોનેરી મધ્યાહ્નને જે એના આવી પહોંચતો.
આસમાની આસમાનો અને મોટી ચૂમી વ્હાલ બતાવતી.
પુરાણ કાળની માએ સમર્પ્યું નિજ બાળને
સાદું જગત પોતાનું માયાળુ ને જાણીતી વસ્તુઓતણું .
પરંતુ અવ જાણે કે એના અનંત માર્ગના
દેવતાને નિગ્રહંતા ગ્રાહે દેહેન્દ્રિયોતણા
એ આત્માઓને વિમુક્ત કર્યા ન હો
કો સીમાના અસંવેધ આગળાઓ વટાવવા
ને લેવાને નિજ માર્ગ મહત્તર,
તેમ નીરવ એ દેવ બઢયો બલિષ્ઠતામહીં
ને બીજા અવકાશોમાં બની દૂરતણો ગયો,
ને જેને ચાહતી 'તી એ તે આત્માએ એના જીવન સાથની
પોતે કબૂલ રાખી 'તી ગુમાવી સમીપતા.
બહુ મોટા, હવાહીન, ને ના સળવળાટ કે
રવ, એવો એક ઊંડા અજાણ્યા અવકાશમાં
દેખાયા તે બૃહત્તાને પામીને દૂરમાં જતા
કો આયત અને ઝાંખી દૂરતાથી
આકર્ષાઈ થયા દૂર ઉષ્માપૂર્ણ પૃથવીના પ્રભાવથી,
અને દૂર સાવિત્રીથીય એ થયા.
હવણાં હવણાં લાગ્યું કે તેઓ છટકી જશે.
પછી એના દેહ કેરા માળખામાંથી ભડકેલો ભભૂકતો
આત્મા એનો ઉગ્ર ઊડયો સત્યવાનતણી પ્રતિ.
આ પ્રકારે વ્યોમ-ઘેર્યા નિમજજંતા ખડકો પરના નિજ
માળામાંથી, ચડી ઊંચે આવતું મૃત્યુ જોઈને
અત્યંત ત્રસ્ત ને પુણ્યપ્રકોપે પૂર્ણ વેગથી
બચ્ચાંને ભયમાં જોઈ ચિલ્લાતી તીવ્ર વેગથી
ઊતરી આવતી ઉગ્ર ગરુડી કો સોનેરી અગ્નિપુંજ શી,
વિરામ કરતી લોહ સમ ચંચૂ પર ગુસ્સે થઈ જઈ.
આમ જવલંત ઉદ્દામ ધસારા સાથે આત્મના
વિભક્ત કરતી એણે કરી પાર સીમાઓ ઇન્દ્રિયે રચી;
નિસ્તેજ ત્યકત કોષો શાં મંદ નીચે નખાયલાં,
એના આત્માથકી પાછાં પડયાં એનાં અંગો મરણને વશ.
ગૂઢ એક દેહનિદ્રાતણી ક્ષણે
એની સમાધિને જ્ઞાન સૂર્ય કેરું રહ્યું નહીં,
રહ્યું ના જ્ઞાન પૃથ્વીનું, રહ્યું ના જ્ઞાન વિશ્વનું;
વિચાર, કાળ ને મૃત્યુતણો ભાવ રહ્યો ના અવબોધમાં :
જાણતી એ ન 'તી જાત, સાવિત્રી વીસરાઈ 'તી.
બધુંય એક સંકલ્પ કેરો ઉગ્ર મહાસિન્ધુ બન્યુ હતું
જેમાં અપાર આશ્લેષ મધ્યે બંદી બન્યો હતો,
એક સર્વોચ્ચ તાદાત્મ્યે એના સ્વામિત્વમાં હતો,
હતો એનું લક્ષ્ય, હર્ષ હતો એનો, હતો પ્રભવ એહનો,
સત્યવાન જ એકલો.
હાર્દમાં નિજ આત્માના બંદી આત્માધિરાજ એ
હતો ધડકતો તાલમેળયુક્ત એજ હૃદયના સમો
સ્વ-સ્વરૂપ છતાં ભિન્ન અને ભાજન પ્રેમનું,
ઘેરી લેવાયલો , બાથે રાખેલો ને અવકાશ ધબી જતાં
બચાવીને રખાયેલો મહાનિધિ.
એની અનામની આસાપ પોતે
અંતહીન અને ઉલ્લોલ ઊછળી,
એના આત્મામહીં પામ્યો સાવિત્રીનો આત્મા નિજ પ્રપૂર્ણતા,
સર્વકાળતણી સંપત્તિએ ભર્યો,
જાણે કે થઈ 'તી પ્રાપ્ત પ્રેમની અમર ક્ષણ,
મોતી એક શુભ્ર શુકિતમહીં શાશ્વતતાતણી.
પછી ગળી જતા સિંધુ-ગર્ભમાંથી સમાધિનાં
તરબોળ બની એનું મન ઊંચે આરોહ્યું જ્યોતિની પ્રતિ
દર્શનાના રંગો કેરા પ્રવાહમાં,
અને કાળ પ્રતિ એકવાર પાછું પ્રબુદ્ધ એ
ફર્યું પાછું વસ્તુઓની રૂપરેખા બનાવવા,
દૃષ્ટ ને જ્ઞાતની સીમાઓમહીં વાસ રાખવા.
એના ચૈત્યાત્મને ક્ષેત્રે હજી આગે ચાલતાં એ ત્રણે હતાં.
સ્વપ્નના ખંડકો મધ્ય થઈ જાણે પોતે હોય ન ચાલતી
તેમ દર્શનની મૂર્ત્તિ, લાગતી એ હતી આગળ ચાલતી,
બીજા વિચિંતકોને એ પોતા જેવા પ્રકલ્પતી
ને તેઓથી પ્રક્લ્પાતી પોતે તેઓતણી એકાંત નીંદરે.
અગૃહીત, અસત્ , તોયે જાણીતાં દૃશ્ય પૂર્વનાં,
અવાસ્તવિકતાયુક્ત સ્મૃતિ કેરી દરાર શાં
અનેક વાર ચાલી 'તી પોતે જેમાં, કદી કિંતુ રહી ન 'તી,
તે વિના પરવા ભાગી જતાં એની કને થઈ
લક્ષ્યો પ્રત્યે ભુલાયલાં.
અવાજ વણના દેશોમહીં તેઓ કરતાં 'તાં મુસાફરી
નવા જગતમાં એક એકલાં જ્યાં જીવો જેવું હતું ન કૈં,
હતા માત્ર મનોભાવ જ જીવતા.
વિચિત્ર, ચૂપ જાદૂઈ દેશ એક એમની ફરતે હતો,
અને ઊર્ધ્વે હતાં વ્યોમ વિચિત્ર દૂરદૂરનાં,
શંકાશીલ હતું સ્થાન વસ્તુઓ સ્વપ્ન સેવતી
જ્યાં પોતામાં જ રે'તી અવિકારી પોતાનો ભાવ જીવતી.
જાદૂઈ ઘાસ, જાદૂઈ મેદાનો વૃજવર્જિત,
જાદૂઈ ત્યાં જતો રસ્તો, ભય જેમ ઉતાવળો
પોતે સૌથી ત્રસ્ત જેથી એની પ્રત્યે જ દોડતો,
ચેતનાયુક્ત શૈલોના સ્તંભોની મધ્યમાં થઈ
માયાભાસક ભૂત શો;
શૈલ-ખડકો એ ઘોર હતા ઊંચા, હતાં દ્વારો વિચિંતતા,
વિચારો પ્રસ્તરો જેવા જેઓ પાર આવેલી ઘોર રાત્રીમાં
ભીમકાય સ્વતાત્પર્ય ગુમાવતા.
અચિત્ ની શિલ્પ શી નિદ્રા કેરો ગહન કોયડો,
પ્રાચીન અંધકારે છે જે પ્રવેશમાર્ગ તેનાં પ્રતીક, ને
એના ઘોર મહાકાય રાજ્ય કેરી સમાધિઓ,
આકર્ષાઈ મારનારી રહસ્યમયતા પ્રતિ
ભૂતિયા મારગે યાત્રિક જે જતો
તેની જોતી વાટ દાઢો મૂક ભીષણ હોય ના
એવાં ઊંડાણોતણું મુખ-બારણું,
ક્રૂર નિશ્ચલ એવાં એ માર્ગ મધ્યે એને નીરખતાં હતાં;
ઉભાં 'તાં એ સંતરી શાં મૂકભાવી અવશ્યંભાવિતાતણા,
મૂંગા માથાં સાવધાન અમંગલ તમિસ્રનાં,
બૃહત્પ્રમાણ અંધારી દુનિયાના
કંડારેલા નાકના અગ્રભાગ શાં.
પછી તો શીત ને શુષ્ક ભારે રેખે પહોંચતાં
છાયલીન પ્રયાણોની કિનારીએ સ્પર્શ્યા ચરણ એહના,
અવરુદ્ધ વળ્યો સત્યવાન શુભ્ર પ્રકાશતો,
નિજ અદભુત આંખોથી
સાવિત્રીની ભણી એણે જોયું નજર ફેરવી,
પણ ત્યાં ઘોર ગર્તોના ઘોષથી યમ ગાજતો :
" મર્ત્યો ઓ ! જા વળી પાછી નાશવંતી તારી જાતિતણી કને;
મૃત્યુ સાથે એને જવાની રાખ ના સ્પૃહા,
જાણે કે કાળનેયે જ્યાં પડે મરવું, તહીં
જીવવાને શ્વાસ તારો સમર્થ હો.
માનતી ના કે મનોજ ભાવાવેશ છે તારું બળ સ્વર્ગનું
જે તારા જીવને ઊંચે લઈ જાશે પૃથ્વીના નિજ મૂળથી,
ને તોડીને પાંજરું જડ પિંડનું
તારા સ્વપ્નતણા પાય નિરાધાર શૂન્યમાં એ ટકાવશે,
ને વહી તુજને જાશે માર્ગહીન અનંત મધ્યમાં થઈ.
માત્ર માનવ સીમામાં રહે રક્ષિત માનવી.
વિશ્વાસ મૂકતી ના તું અસત્ એવા પ્રભુઓમાંહ્ય કાળના,
સ્વપ્નની પ્લવતી ભોમે એમણે જે રચેલ છે
તે ના અમર માની આ લેતી તારા સ્વરૂપને.
દેવી દારુણ મા પ્રેરો તારા ચૈત્યસ્વરૂપને.
જહીં એ પામશે નાશ નિઃસહાય વિચાર શું
તે લોકોમાં બઢાવાને ઉગ્રભાવી અતિક્રમણ તાહરું.
જીવને તુજ આશાઓ કેરા શીત સીમાસ્તંભ પિછાન તું.
વ્યર્થ સજજ ઉછીના તું ભાવસંકલ્પના બળે
માનવી મરજાદાની ને એની મિત શકિતની
બ્હારનું ભરવાને તું પગલું ઘૃષ્ટ થા નહીં.
અજ્ઞાની, ઠોકરો ખાતો, પુરાયેલો અલ્પ સરહદોમહીં,
જગના નકલી રાજા કેરો પોતે પ્હેરે મુગટ માનવી,
મનનાં કરતૂકોથી સૃષ્ટિને ત્રાસ આપતો.
નિદ્રાધીન સેવનારી સપનાં દિવ્યતાતણાં,
કંપમાન જાગ મૌનો મધ્યે વૈરાગ્ય રાખતાં,
જે મહીં સત્ત્વના તારા તાર થોડાક દૂબળા
મૃત્યુને શરણે જશે.
જીવો અનિત્ય, છો શોકે ભરેલું ફીણ કાળનું,
શાશ્વત દેવતાઓને ક્ષણજીવી પ્રેમો ના તમ બાંધતા."
સ્વીકાર કરતા મૌને સ્વર એ ઘોર ઓસર્યો,
વિશાળું સાન્દ્ર જે એને ઘેરતું લાગતું હતું,
રાત્રિના દાઢમાંહેથી આવતી 'તી શબ્દરહિત સંમતિ.
સ્ત્રીએ ઉત્તર ના આપ્યો. આત્મા ઉચ્ચ ને અનાવૃત એહનો
મર્ત્યતાની મેખલાથી થઈ મુક્ત ગયો હતો,
નિશ્ચિત ભાગ્યની સામે, પ્રણાલીઓ સામે નિયતિ-ધર્મની
ઊભો ટટાર એ આધ ઓજ કેરો શુદ્ધ સંકલ્પ ધારતો.
નિશ્ચલા પ્રતિમા જેમ પાયાના નિજ મંચ પે,
મૌનમાં એકલી, ખુલ્લી બૃહત્ પ્રત્યે બની જઈ,
મોં સામે ખડકાયેલાં
મધ્યરાત્રીતણાં મૂક ગહનોની વિરુદ્ધમાં
અગ્નિ ને ઓજનો એક સ્તંભ એવી સાવિત્રી ઊર્ધ્વ ઊઠતી.
નિત્યની રાત્રિમાં યાત્રા અને અંધકારનો અવાજ
રાત્રિની ભાવશૂન્ય ભયાનક કિનાર પર ત્રણ જણ જરાક થંભ્યાં. જાણે કે એક આખા જગતનું આવી બન્યું હોય તેમ તેઓ નિત્યની નીરવતાની ધારે વાટ જોવા લાગ્યા. સામે છાયામયી સમાં પાંખો અંધારાં હતાં, પાછળ ઝાંખી નિષ્પ્રાણ સંધ્યા મૃત મનુષ્યની દૃષ્ટિ જેવી જણાતી હતી, પારમાં ભૂખી રાત્રિ સાવિત્રીના આત્મા માટે સ્પૃહા રાખી રહી હતી.
તેમ છતાંય સાવિત્રીનો જવાલા જેવો જ્વલંત આત્મા એક મશાલની માફક જળતો 'તો ને ભીષણ અંધકાર હૈયા તરફ તકાયેલો હતો. સ્ત્રીએ પહેલી વાર પાતાલગર્તનો સામનો કર્યો. એનો અમર અને અભય આત્મા નિષ્ઠુર ને દૃષ્ટિહીન કાળા વેરાન સામે ઊભો ને પ્રકાશથી સજજ થઈ ભીષણ ને રંગરાગ વગરની રિક્તતામાં એણે પગલું ભર્યું. ત્રણે જણાં જાણે સ્વપ્નમાં સરતાં હોય તેમ સરવા લાગ્યાં. ભૂત ને વર્તમાન અકાળમાં લોપ પામ્યા, ભવિષ્ય શૂન્યતામાં સમાપ્ત થઈ ગયો. તિમિરના જગતમાં તેઓ ચાલતાં દેખાતાં પણ ક્યાંય આગળ વધતાં જણાતાં ન 'તાં. કાળો અંધકાર મહાગહવર સમાં ગાળામાં સાવિત્રીને ગળી ગયો. વિચાર ત્યાં વિરમી જતો 'તો, શ્વાસ ત્યાં ચાલી શકતો ન 'તો, જીવ કશું યાદ રાખી કે સંવેદી શકતો ન 'તો. અહીં નિત્યનો નકાર હતો. પ્રભુનું પરમ સત્ય હોવાનો, સચૈતન્ય આત્મા હોવાનો, દૃષ્ટિ ઉઘાડતો શબ્દ હોવાનો, મનનો સર્જનહાર પ્રહર્ષ હોવાનો, પ્રેમ-જ્ઞાન-હૃદયાનંદ હોવાનો જે કોઈ અહીં દાવો કરે છે તે સર્વને માથે નિત્યનો નકાર ગાજતો 'તો. સોનેરી દીપિકાની જેમ સાવિત્રી ત્યાં છાયાઓમાં અદૃશ્ય થઈ ગઈ.
ન 'તો માર્ગ, ન 'તું લક્ષ્ય. દૃષ્ટિરહિતા એ આગળ ચાલ્યા કરતી હતી. એ ભયાનક વેરાનમાં એને કોઈનો સાથ ન 'તો, ઘોર મૃત્યુદેવ પણ દેખાતો ન 'તો,
જ્યોતિર્મય સત્યવાન પણ દૃષ્ટિગોચર ન 'તો. તેમ છતાં સાવિત્રી નાસીપાસ થઈ નહિ, ઊલટું વધારે ગાઢ ભાવથી એણે પોતાના પ્રેમપાત્રને પકડી રાખ્યો. આ પ્રકારે જયારે સત્યવાન જીવંત હતો ત્યારે વનવીથિઓમાં અલોપ થઈ જતો 'તો. પણ અત્યારે તો ઘોર કાળો ખાધરો ઉભય વચ્ચે આવી ગયો ને સાવિત્રી એકલી પડી ગઈ.
જીવનના મડદા ઉપર થઈને એ ચાલી, ને નિર્વાણ પામી ગયેલા જીવોની અંધતામાં અંતર્લીન થઈ ગઈ. એકલવાયી એ યાતનાઓથી ભરી રિક્તતામાં મૃત્યુ હોવા છતાંય જીવી ને વિજયી બનતી રહી.
હવે અંધકારમાં પ્રથમ તો એક અમર અનિર્વાણ આછી પ્રભા ઝબકી-મૃત સ્મૃતિ ફરી જીવિત થવા ઈચ્છતી હોય તેમ. ભૂલા પડેલા ચંદ્રના કિરણની માફક એ ભમતી હતી ને રાત્રિ સમક્ષ રાત્રિની ઘોરતા પ્રકટ કરતી હતી. અંધકાર સર્પાકાર અમળાતો હતો. એની કાળી ફણાઓનાં રત્નોનો ગૂઢ પ્રકાશ દેખાતો હતો. પ્રકાશમાત્ર એને પીડાકારક લાગતો હતો. એની ઉપર પ્રકાશનું આક્રમણ થાય તે એને માટે અસહ્ય હતું, તેથી તે એને ગૂંગળાવી મારવા માગતો હતો. પરંતુ પ્રકાશ ફાવતો રહ્યો ને વૃદ્ધિંગત થયો.
સાવિત્રી પોતાના લોપાયેલા આત્મા પ્રત્યે પ્રબુદ્ધ થઈ ને અત્યારે અદૃશ્ય પોતાના પ્રેમી ઉપર દુરંત દાવો ચાલુ રાખી રહી. પરિણામે ફરીથી એણે યમનો પદરવ સાંભળ્યો ને સત્યવાન પણ એને પ્રકાશમાન છાયારૂપે દેખાયો. યમરાજે પોતાનો પ્રાણહારી સ્વર રાત્રિમાં ધ્વનાવ્યો :
" આ તમોમયી અનંતતા મારી છે. અહીં છે નિત્યની નિશાનો નિવાસ, અહીં છે શૂન્યની નિગૂઢતા. જોયો આ તેં તારો પ્રભવ ? હજુય શું તું ટકી રહીને પેમ રાખવા માગે છે ? "
સાવિત્રી કંઈ ન બોલી. એણે આંતર દૃષ્ટિથી જોયું કે પોતાના જીવનનો ઉત્સ અમર છે. એને જ્ઞાન થયું કે પોતે તો અજન્મા છે, સનાતન છે. પોતાની અમર્ત્ય દૃષ્ટિ સાવિત્રી ઉપર સ્થિર ઠેરવી યમ બોલ્યો : " આ અપ્રજાત શૂન્યમાં તું હજી જીવતી રહી છે, તો પણ સત્યવાન વિના જ થોડી વાર જીવવા જેટલો જ વિજય તને મળ્યો છે. જે દેવી તારા હૃદયને હજુ ધડકતું રાખી રહી છે તે તારા દુઃખદ સ્વપ્ન સમ અસ્તિત્વને લંબાવી તારી શાશ્વત શાંતિને વિલંબિત બનાવી રહી છે. માણસ પોતાની જાતને મોટી બનાવી તેને ઈશ્વરનું નામ આપે છે. પોતાનાથી વધારે અચેત આકાશની પ્રતિ સહાય માટે પોકાર ઉઠાવે છે. જે દેવોનાં અનિમેષ નેત્રો પૃથ્વી ઉપર ચોકી રાખે છે તે દેવોએ જ માણસ ઉપર મનનો બોજો લાધો છે. માણસ તો માત્ર પશુ છે ને દેવો એને ચરાવે છે. એને આપવામાં આવેલું જ્ઞાન નિરર્થક છે. અખૂટ ઈચ્છાઓ એને ચાબકારે છે. પરંતુ જો તું હજીય આશાળુ રહેતી હોય ને પ્રેમ
કરવા માગતી હોય તો તારા શરીરમાં પાછી જા ને દૈવ સાથેની બાંધછોડથી જે માધુર્યૌ મળે છે તે માણ. પણ સત્યવાનને પાછો મેળવવાની આશા તો રાખતી જ નહિ. પણ તેં પ્રકટ કરેલા અદભૂતપૂર્વ બળને જેવો તેવો ઉપહાર ઘટતો નથી, તેથી તારા ઘવાયેલા જીવનને સાંત્વન મળે તે માટે તને મનપસંદ વરદાનો આપી શકું છું. એક સાર જીવનની આશાઓની પુર્ત્તિ થાય એવું પસંદ કરી લે."
સાવિત્રીના માનસમાં લસલસતા વિચારો લહર્યા. આખરે એ બોલી : " ઓ મૃત્યુના મહાઘોર મોરા ! હું તને નમતી નથી. તું છે કાળું જૂઠાણું. મને મારી અમરતાનું ભાન છે, મારા આત્માની વિજયી શકિતનું ભાન છે. હું તારી પાસે યાચના કરવા નથી આવી. દીપ્તિમંત દેવોના દ્વન્દ્વયુદ્ધમાં દૈવતવંતો આત્માય હઠીલો બનશે. દુર્બળોને દયાથી અપાતી ભૂંડી ભીખ હું માગતી નથી. મારો પરિશ્રમ યુધ્ધે ચઢેલા દેવોનો પરિશ્રમ છે. જડતત્વ ઉપર મનનો મહાનિયમ મૂકીને અચિત્ શકિત પાસેથી તેઓ આત્માની અભીપ્સિત વસ્તુ મેળવે છે.
મારી પ્રથમ માગણી છે કે મારા પતિએ પોતાના કૌમાર્યકાળથી પોતાના સુંદર જીવનને માટે જેનાં જેનાં સ્વપ્નાં સેવ્યાં હોય તે સઘળું આપ--આપવું જ પડે તો આપ ને તાકાત હોય તો ના પાડ."
યમે હકારમાં ઘૃણાપૂર્વક માથું નમાવ્યું અને કહ્યું : " મારો સ્પર્શ થતાં જ પડી ભાગનારાં સ્વપ્નાં પ્રત્યે કૃપાલુ ભાવે તને વરદાનો આપું છું. જા, સત્યવાનનો અંધ પિતા દેખતો થશે ને ગુમાવેલો રાજ્યવૈભવ પુનઃ પ્રાપ્ત કરશે. હવે સત્વર પાછી ફર, નહિ તો મારા નિષ્ઠુર નિયમો અંતે તારી ઉપર દારુણ દૃષ્ટિ ઉઘાડશે."
પણ સાવિત્રીએ ઉપેક્ષક દેવને ઉત્તરમાં કહ્યું :
" હે વિશ્વાત્મક દેવ ! હું તારી સમોવડિયણ જન્મી છું. તારી નિયમાવલિઓની શીલાકઠોર મીટથી હું કંપતી નથી.મારો આત્મા પોતાના જીવંત અગ્નિથી એમને ભેટશે. તારી તામિસ્ર છાયાઓમાંથી પુષ્પો ધારતી પૃથ્વી માટે સત્યવાન મને તું પાછો આપ. માનવી અંગોની મધુર ભંગુરતામાં હું એને સહારે મારા આત્માનો ઉજજવલ સંકલ્પ સિદ્ધ કરીશ, પુરાણી પૃથ્વીમાતાનો બોજો એની સાથે ઉપાડીશ, પ્રભુ પાસે લઈ જતા જગતના માર્ગોએ એને અનુસરીશ, અથવા તો જો મારે માટે સનાતનનાં આકાશો ઊઘડશે ને અમારી આસપાસ અલૌકિક ક્ષિતિજો સુદૂર સરકતી જશે ત્યારેય અનંત અજ્ઞાતમાં અમે સહયાત્રીઓ બનેલાં રહીશું. એના સાથમાં મેં કાળની યાત્રાઓ કરેલી છે. એને પગલે જઈ હું ગમે તેવી રાત્રિને ભેટીશ, અથવા અનાક્રાંત પર-પારમાં અમારા આત્માઓ ઉપર અકલ્પ્ય ને અદભુત ઉષાઓનો ઉદય થશે. એના આત્માને તું જ્યાં લઈ જશે ત્યાં હું પણ એને અનુસરતી આવીશ."
પોતાના અફર નિયમને સાગ્રહ આગળ કરતા યમનો ઘોર ઘોષ સંભળાયો :
" ઓ ક્ષણજીવી જીવ ! શું તને દૈવી પાંખો પ્રાપ્ત થઈ છે કે મારા તારકો ઉપર પગલાં પાડતા પગ મળ્યા છે ? તારી મર્ત્ય મર્યાદાઓ ને તારો ભજવવાનો ભાગ તું ભૂલી ગઈ લાગે છે. મેં મૃત્યુએ સર્વ કાંઈ બનાવ્યું છે, ને સર્વનો હું વિનાશ પણ કરું છું. તારી કંગાલ પ્રાપ્તિઓને લઈને વહેલી વહેલી નાસી છૂટ. મારી આપેલી યાતનાઓ કાળ નહિ શમાવી શકે. લે હું મારી પકડ લઈ લઉં છું, નાસી છૂટ."
પણ સાવિત્રીએ ઘૃણા સામે ઘૃણા દર્શાવી જવાબ વળ્યો: " રાત્રિએ કલ્પેલો દેવ કોણ છે ? એવો તે એ કેવો દેવ છે કે એ પોતાની રચેલી સૃષ્ટિનો પોતે જ તિસ્વીકાર કરે છે ? એવો દેવ મારા મનોમંદિરનો નિવાસી નથી, મારા હૃદયના પવિત્ર ધામનો પ્રભુ નથી. મારો પ્રભુ સત્ય સંકલ્પ છે, એ એના માર્ગોએ જય મેળવતો હોય છે. મારો પ્રભુ પ્રેમ છે ને એ મધુરતાપૂર્વક સહુ કાંઈ સહી લે છે. એ છે અદભુત, એ છે આત્મસારથિ. એ અક્ષત રહી અસિધારાઓ ઉપર ચાલે છે, પતાળોમાં પ્રવેશે છે ને ત્યાનું એનું દિવ્ય કાર્ય કરે છે, એ શિખરોએ આરોહે છે, ખુલ્લે પગે કઠોરમાં કઠોર ભૂવનોમાં પગલાં માંડે છે. ઓ હે મૃત્યુ ! એ તારા વિશ્વને નવે રૂપે ઘડશે."
જરા વાર તો કશો જવાબ ન આવ્યો. આગળ ચાલતાં એક ભયંકર ધારે તેઓ અટક્યાં, ને મૃત્યુએ માનવ આત્માને ઉત્તર આપ્યો: " આ તારો દેહ ક્ષણિક છે, આગિયાના અંધકારમાં થતા નૃત્ય જેવું તારું અસ્તિત્વ છે. ઓ અમરતા ઉપર દાવો કરતા હૃદય ! યાદ રાખ કે માત્ર મૃત્યુ જ સ્થાયી છે, અચિત્ શૂન્ય માત્ર શાશ્વત છે. હું એ અકાળ શૂન્ય છું.સીમારહિત છું, એકમાત્ર છું. હું જ સર્વનો ઈશ્વર છું, બીજો એકે ઈશ્વર નથી. મારા વિના માણસને બીજો એકે આરો નથી. હું મૃત્યુ જ તારા આત્માનો આશ્રય છું. હું સર્વથા શૂન્યાકાર છું. તેં મને તારા આત્મા સાથે મલ્લયુદ્ધનું અહવાન આપ્યું તેથી જ મેં રૂપ ધારણ કર્યું છે. મારે શરીર નથી, મારે જીભ નથી, નથી આંખ ને કાન. एक એ જ સંતાન છે. નથી સત્યવાન કે નથી સાવિત્રી. પ્રેમ ત્યાં આવતો નથી. ત્યાં કાળ નથી, નથી આકાશ. એ જીવંત રૂપ લેતો નથી, એનું એકે નામ નથી. એને નિજ અસ્તિત્વ માટે કોઈની અપેક્ષા નથી.એ પોતે જ છે એકાકી અમર આનંદ. તો જો તું અમરતા વાંછતી હોય તો સ્વયંપર્યાપ્ત બની જા. તારા આત્મામાં જ જીવ. જેની ઉપર તારો પ્રેમ છે તેને ભૂલી જા. મારું અંતિમ મૃત્યુ તને જીવનમાંથી ઉગારી લેશે. પછીથી તું આરીહીને તારા અનામી આદિમૂળમાં જશે."
પણ સાવિત્રીએ એ અઘોર સ્વરને ઉત્તર આપ્યો : " ઓ મૃત્યુ ! તું તર્ક-યુક્તિ લડાવે છે, હું તેવું નથી કરતી. બુદ્ધિ માપે છે, તોડે છે, યા તો નિરર્થક રચે છે. એને પોતાના કાર્યમાં વિશ્વાસ નથી. પણ હું પ્રેમ છું, હું જોઉં છું, હું કાર્ય કરું છું, હું સંકલ્પ સેવું છું."
મૃત્યુદેવે એક ઘેરા ઘેરતા અવાજે ઉત્તર આપ્યો : " રે ! જ્ઞાન પણ મેળવ. જ્ઞાન થતાં તું એ સર્વમાંથી પાછી ફરી જશે."
સાવિત્રીએ માનવજાતની વતી મૃત્યુને ઉત્તર આપ્યો : " હું જયારે હરહંમેશ પ્રેમ રાખતી હોઈશ ત્યારે મને જ્ઞાન પણ થશે. મારી મારી અંદરનો પ્રેમ વિકારોથી આવરાયેલા સત્યને જાણે છે. હું જાણું છું કે જ્ઞાન એક વિશ્વવ્યાપી આશ્લેષ છે. હું જાણું છું કે એકેએક સતત્વ હું પોતે જ છું. અનંતરૂપ એક પ્રભુ હૃદયે હૃદયે રહેલો છે; હું જાણું છું કે પ્રશાંત પરાત્પર પરમાત્મા જ વિશ્વનો આધાર છે, અવ-ગુંઠનમાં રહેલો એ અંતર્નિવાસી છે, નીરવ પ્રભુ છે. એનું ગુપ્ત કાર્ય હું સંવેદું છું. એ છે અંતરંગ અગ્નિ. એનો સચરાચરના સ્વરનો મર્મરધ્વનિ મને સંભળાય છે. હું જાણું છું કે મારું આગમન પ્રભુમાંથી આવેલી એક લહેરી છે. મારા જન્મમાં પ્રભુના સઘળા સૂર્યો સચિત્ હતા. આપણામાં જે પ્રેમી છે તે મૃત્યુનું અવગુંઠન ધારીને આવેલો છે. તને જીતી લેવા, હે મૃત્યુદેવ ! મન અને હૃદય લઈને માણસ જન્મ્યો છે.
પોતાના સામ્રાજ્ય ઉપર નિર્ભર રહેલા મૃત્યુએ કશો ઉત્તર ન આપ્યો. પણ પોતાની ગુપ્ત તરવારથી સજજ, એક સ્થિર મૂર્ત્તિ, અસ્પષ્ટ છાયા, એક અર્ધદૃષ્ટ ઉદાસીન મુખ વાદળાંમાં દેખાયું. રાત્રિનો સાંધ્ય સંભાર એને માથે જટાજૂટ હતો, ચિતાભસ્મ એના ભાલમાં ત્રિપુંડ્ર હતું.
સાવિત્રીએ ફરી પાછું અનંત રાત્રિમાં પર્યટન આરંભ્યું. એની આસપાસ અંધકારનું વેરાન ગોટવાયેલું હતું. એની ગળી જતી રિકતતા અને નિરાનંદ મૃત્યુ સાવિત્રીના માનોવિચારનો, જીવનનો ને પ્રેમનો વિરોધ કર્યે જતાં હતાં. ભૂત-છાયા સમાં અર્ધદૃષ્ટ ત્રણે આછેરા અંધકારમાં આગળ ચાલ્યાં.
ક્ષણેક સઘળાં ઊભાં રાત્રિ કેરી
થિજાવી નાખતી ઘોર કિનાર પે
જાણે કે મરવા કેરો મહાદંડ પામ્યું ના એક હો જગત્,
ને જોવા વાટ એ લાગ્યાં કાંઠે નિત્યતણી નીરવતાતણા.
મેઘે છાયાં ડરાવંતાં ભવાં જેવું ઝાંખી નીરવ ચૂપકી
મહીંથી તેમની પ્રત્યે વ્યોમ ઝૂકી રહ્યું હતું.
વિચારો જેમ ઊભા રે' નિરાશામાં નાખતી ધારની પરે
જહીં અંતિમ ઊંડાણો શૂન્યમાં ઝંપલાવતાં,
પામે અવશ્ય જ્યાં અંત્ય સ્વપ્ન અંત ત્યાં તેઓ અટકી ગયાં;
છાયા-પાંખો સમાં સામે તેમની તમસો હતાં,
અને પાછળની સંધ્યા તેજોહીન ને પ્રાણ રહિતા હતી
દૃષ્ટિ જેવી કો મરેલ મનુષ્યની.
પાર બુભુક્ષિતા રાત્રી સાવિત્રીના જીવને ઝંખતી હતી.
પરંતુ હજુયે એના મંદિરાયિત ઓજના
એકાંત ગોખમાં આત્મા એનો ચેષ્ટાહીન અર્ચિ-સમુજજવલ
બળતો 'તો મૂક સીધો પ્રજવલંત મશાલ શો,
બારીવાળા ઓરડાની મહીંથકી
અંધકાર તણી કાળી છાતી સામે તકાયલી.
સ્ત્રીએ સર્વથકી પ્હેલો ગર્તનો સામનો કર્યો,
ખેડ્યું સાહસ યાત્રાનું નિત્યની રાત્રિમાં થઈ.
જ્યોતિઃશસ્ત્રે સજ્જ એણે અગાડી પગલું ભર્યું
ઘોર ને રંગથી રિક્ત રિક્તમાં ઝંપલાવવા;
ભયનો ક્રૂર નિને ત્ર વેરાન પ્રદેશના
એના અમર નિર્ભીત આત્માએ સામનો કર્યો.
માનુષી પગલાંઓએ સાવિત્રીનાં ગૂઢ વિરચતાં ગતિ,
બીડેલાં પોપચાં સામે સરતી મૂર્ત્તિઓ સમાં
રાત્રિની મેશના જેવી ભૂમિ સામે તેઓ ચાલી રહ્યાં હતાં,
ક્રિયા તરી રહેલી ને પ્રવહંતી તેમની ગતિ લાગતી:
સ્વપ્નાંમાં તેમ એ સર્વ સર્પતાં ને આગે સરકતાં હતાં.
ખડકોનાં દ્વારવાળી ભારે ભીંતો પૂઠે છોડાયેલી હતી;
પાછા સરી જતા કાળ કેરા જાણે સંચારો મધ્યમાં થઈ
વર્તમાન અને ભૂત પામ્યા લોપ અકળામાં;
ઝાંખા જોખમની ધારે નિરોધાઈ
ભવિષ્યકાળ ડૂબીને શૂન્યે ડૂલ થઈ ગયો.
ઢબી જનાર આકારો મધ્ય તેઓ અસ્પષ્ટ વળતા હતા;
અંધકારતણા લોક કેરી આછી થઈ જતી
દોઢીઓએ કર્યો સત્કાર તેમનો,
જ્યાં તેઓ ખસતાં લાગ્યા છતાં સ્થિર જ ત્યાં હતાં,
ક્યાંય ના વધતાં આગે છતાં તેઓ ચાલતાં લાગતાં હતાં,
મૂગું જલૂસ ઝાંખા કો ચિત્રે જાણે ચિત્રી રાખેલ હોય ના,
ન વાસ્તવિક દૃશ્યે કો ચેતનાવંત મૂર્ત્તિઓ.
રહસ્યમયતા એક મહાત્રાસ કેરી નિઃસીમતાતણી,
એવી જંગી દયાહીન રિક્તતાએ
નિજ ભૂખ્યું બળ ભેગું કર્યું બધું
ને વીંટળાઈ એ ધીરે ગહનોથી નિજ નિઃસબ્દતા ભર્યાં,
રાક્ષસી કંદરા જેવા ને બેડોળ ગળામહીં
ગળી એને ગઈ એ ગૂંગળાવતા
છાયાઓએ ભરેલા નિજ ઢેરમાં,
અધ્યાત્મ યાતના ક્રૂર હતી એ એક સ્વપ્નની.
અભેધ ભયના એક
પડદા શો અંધકાર એના ઇન્દ્રિય-પિંજરા
આસપાસ ઝઝૂમતો ,
વૃક્ષો જયારે બની જાય છાયાના ડબકા સમાં
ને વિલાઈ જતી છેલ્લી આભા સૌહાર્દ દાખતી,
ત્યારે જેમ શિકારીઓ દ્વારા બદ્ધ બેલની આસપાસમાં
વન મધ્યે વીંટળાઈ વળે ખાલી નહીં એવી વિભાવરી.
વિચાર મથતો લોકે અહીં વ્યર્થ બન્યો હતો;
જીવવા ને જાણવાનો સ્વપ્રયાસ એણે દીધો હતો તજી,
પોતે ન 'તો કદી એવી અંતે એને ખાતરી થૈ ગઈ હતી
પામ્યો એ નાશ, સૌ એના ક્રિયા કેરા સ્વપ્નનો અંત આવિયો :
થીજી ગયેલ આ મીડું પરિણામ કળુડું એહનું હતું.
આ ઘોર શૂન્યના ગૂંગળાવતા દાબની મહીં
વિચારી શકતું 'તું ના મન, શ્વાસી શ્વસી ના શકતો હતો,
શક્તિમાન ન 'તો ચૈત્ય સ્મરવા કે સંવેદવા સ્વરૂપને;
પોલાણ લાગતું 'તું એ વાંઝણી રિક્તતાતણું ,
પોતે પૂર્યો હતો જેહ સરવાળો
તેને ભૂલી ગયેલું શૂન્ય એ હતું,
સર્જનહારના હર્ષ કેરો ઇનકાર એ હતું,
સાચવી રાખવા જેને
ન 'તી વિશાળ વિશ્રાંતિ, ન 'તું ઊંડાણ શાંતિનું.
જે સર્વ હ્યાં કરે દાવો સત્ય હોવાતણો પ્રભુ,
ને સચેતાત્મ હોવાનો, ને હોવાનો શબ્દ દૃષ્ટિ ઉઘાડતો,
સર્જનાત્મક આનંદ હોવાનો મનનો, અને
હોવાનો પ્રેમ ને જ્ઞાન અને હરખ હાર્દનો,
તે સૌ માથે પડયો આવી અસ્વીકાર અસીમ એ
નિત્ય કેરા નકારનો.
જેમ તિમિરમાં લુપ્ત થાય હેમ-પ્રદીપ કો
એકાંક્ષાથી આંખડીની લઈ દૂર જવાયલો,
તેમ અદૃશ્ય સાવિત્રી છાયાઓમાં થઈ ગઈ.
ન 'તી ગતિ, ન 'તો માર્ગ, ન 'તો ત્યાં અંત, લક્ષ્ય ના :
અખાતોમાં અસંવેદી દૃષ્ટિહીન ગતિ એ કરતી હતો,
યા કો પ્રચંડ ને કાળા અજ્ઞાન વિજને થઈ
હંકાર્યે રાખતી હતી,
યા આકસ્મિકતા કેરા ઘોર હસ્તે એકઠા જે થયા હતા
તે મહાપવનો કેરા મૂગા વંટોળિયામહીં
ચકરાતી જતી હતી.
એ ભયંકર વિસ્તારે એની સાથે તહીં કોઈ હતું નહીં :
હવે જોતી ન 'તી એ ત્યાં અવિસ્પષ્ટ અતિભીષણ દેવને,
એની આંખે હતો ખોયો દીપ્તિમંત પોતાના સત્યવાનને.
આ કારણે છતાં એનો આત્મા હારી ગયો નહીં,
પરંતુ બ્હારથી જેઓ પકડે ને મેળવે છે ગુમાવવા
તે મર્યાદાબદ્ધ ઇન્દ્રિયગ્રામથી
વધારે ગાઢ ઊંડાણે રાખી એણે પકડી પ્રિય વસ્તુને.
આમ તેઓ રહેતાં 'તાં પૃથ્વી ઉપર તે સમે
એને કુંજગલીઓમાં ભટકંતો એણે અનુભવ્યો હતો,
ને એ કુંજગલીઓનું દૃશ્ય એની પોતાની ભીતરે હતું,
ને એ દૃશ્યે દરારો તે પરિદૃશ્યો નિજ આત્માતણાં હતાં
જે પોતાનાં ખોલતાં 'તાં રહસ્યો સત્યવાનની
શોધ ને સંમુદા પ્રતિ,
કાં કે સતર્ક રે'નારું જે માધુર્ય સાવિત્રીને ઉરે હતું
તેને માટે સત્યવાન જે જે સ્થાન
પસંદ કરતો પ્યારાં પગલાં નિજ માંડવા
તે તે સધ: બની જાતું સ્થાન જેમાં
સાવિત્રીનો આત્મ આલિંગને લેતો હતો એના શરીરને,
મૂક ભાવાવેશપૂર્ણ બનતો 'તો પગલે સત્યવાનના.
પરંતુ અવ બન્નેની વચ્ચે એક ગર્ત નીરવ આવિયો,
પડી ઘોર ઊંડાણ કેરી એકાંતતામહીં,
સ્વરૂપથીય પામેલી બહિષ્કાર, દૂર સુદૂર પ્રેમથી.
ચૈત્યાત્માના દુઃખ કેરી ધબકોએ કાળ જયારે મપાય છે
ત્યારે લાંબી ઘડીઓ જેહ લાગતી
તેવી લાંબી ઘડીઓમાં કરી એણે મુસાફરી
રિક્ત નીરસતાપૂર્ણ અસત્ અંધારની મહીં
માંડીને પગલાં મુર્દા ઉપરે જિંદગીતણા
નિર્વાણગત જીવોની અંધતામાં વિલોપિતા.
શૂન્યની યાતનામાં એ મૃત્યુ હોવા છતાં જીવી એકલડી,
હજીએ એ જય મેળવતી હતી;
એના બલિષ્ટ આત્માને દાબવાનું નિરર્થક થતું હતું :
એની ભારે અને લાંબી દુઃખની એકતાનતા
ધીરે ધીરે ગઈ થાકી ઉગ્ર એની આત્મરીબમણીથકી.
આરંભે, ઓલવી જાય નહીં એવી એક મંદપ્રભ ધુતી
ઝાંખી પરંતુ અમરા ઝબૂકી અંધકારમાં,
મૃતાત્માઓ કને જાણે પુનર્જીવન વન વાંછતી
સ્મૃતિ એક સમાગતા,
જેહ પ્રકૃતિની જન્મકાળની નીંદને સમે
મનમાંથી વિલોપાઈ ગઈ હતી.
ભમતી એ હતી ભૂલા પડેલા શશિરશ્મિ શી
પ્રકાશે આણતી રાત્રી સામે એના ઘોરતાના સ્વરૂપને;
સર્પાકાર હતો સૂતો ફેલાયેલો અંધકાર ઉજાશમાં,
એની કાળી ફણાઓએ પ્રભા ગૂઢ રત્નરમ્ય વિરાજતી;
સંકોચાતી હતી એની વલીઓ મંદતાવતી
સુંવાળી ચળકે ભરી,
ધારતી કુંડલાકાર અને સરકતી હતી,
જાણે કે ક્રૂર પીડા શો લાગતો 'તો સર્વ પ્રકાશ તેમને,
ઉપાગમન આશાનું આછેરુંયે એમને કષ્ટ આપતું.
રાત્રીને લાગતું 'તું કે
જડ એનું રાજ્ય કાળું સમાક્રાન્ત થયું હતું;
દીપ્તિ કોક શુભ્ર શાશ્વતતાતણી
ભમતા સત્યની આછી આ આભાએ ધમકાવી રહી હતી
એના સામ્રાજ્યને શાશ્વત શૂન્યના.
દુરારાધ્ય બળે સ્વીય અસહિષ્ણુ બનેલ એ
ને એ પોતે જ છે સત્ય એવો વિશ્વાસ રાખતી,
ગૂંગળાવી મારવા એ મથી નાજુક રશ્મિને
જે હતું જોખમે ભર્યું;
સર્વને ઈનકારંતી અસીમમયતાતણા
ભાન સાથે શૂન્યતાનું નિજ એણે ઘોર મસ્તક ઊંચક્યું,
મુખ અંધારનું એનું છે તે સૌને ગળી ગયું;
એણે પોતામહીં જોયો અંધકારમય કેવલરૂપને,
પરંતુ હજુયે જ્યોતિ જીતી ને એ હજુયે વધતી ગઈ
ને સાવિત્રી ગુમાવેલા સ્વ સ્વરૂપ પ્રત્યે પામી પ્રબોધતા;
એનાં અંગોએ નકાર્યો શીત આશ્લેષ મૃત્યુનો,
દુઃખના ગ્રાહમાં એના હૈયા કેરી ધબકો વિજયી થઈ;
હવે સાવ ન દેખાતા પોતાના પ્રેમપાત્રના
આત્મા પર નિજાનંદ માટે દાવો
આત્મા એનો સાગ્રહ કરતો રહ્યો.
એની આગળ એ લોકતણી નિઃસ્પંદતામહીં
ફરી પાછો સુણ્યો એણે દેવતાનો પદધ્વનિ,
અને એનો પતિ સત્યવાન મૂગા એહ અંધારામાંહ્યથી
પ્રકાશમાન છાયાને રૂપે પ્રાકટ્ય પામિયો.
પછીથી મૃત ને ઘોર પ્રદેશે એ ગાજ્યો એક મહાધ્વનિ :
શ્રાંત કો તરવૈયાને કાને જંગી તરંગ શો,
શોર મચાવતો, લોહ-હૈયાની એ હતો ઘાતક ગર્જના,
મૃત્યુએ રાત્રિને પ્રાણહારી પોકાર પાઠવ્યો.
" અંધકારમયી મારી છે આ મૌન અનંતતા,
છે આ નિવાસનું સ્થાન નિત્યસ્થાયી નિશાતણું,
રહસ્યમયતા છે આ શૂન્યાકારસ્વરૂપની,
મિથ્થાત્વ જિંદગી કેરી કામનાઓ કેરું જ્યાં દફનાય છે.
ક્ષણભંગુર હૈયા ઓ ! જોયું તેં તુજ મૂળને ?
જાણ્યું ને તું સ્વપ્નરૂપા શામાંથી સરજાઈ છે ?
સાચોસાચી આ નરી ને નગ્ન નિઃસારતામહીં
હમેશાં ટકવાની ને ચ્હાવાની તું શું હજી આશ રાખતી ? "
સ્ત્રીએ ઉત્તર ના આપ્યો.
જાણતી રાત્રિ કેરા ને વિચારંતા મૃત્યુ કેરા અવાજનો
એના આત્માએ સ્વીકાર કર્યો નહીં.
અનાદિ નિજ આનંત્યમહીં એણે નિજાત્મના
પરિબદ્ધ નથી એવા વિસ્તારોમાં થઈને પાર પેખિયું;
નિજ જીવનના એણે જોયા અમર ઉત્સ ત્યાં,
જાણ્યું એણે કે અજન્મા અને શાશ્વત છે સ્વયં.
કિન્તુ તેમ છતાં અંતહીન રાત્રી મૂકી એની વિરુદ્ધમાં
ઘોર મૃત્યુતણો દેવ દારણા નિજ દૃષ્ટિની
અમર્ત્ય સ્થિરતા સ્થાપી સાવિત્રીની આંખો ઉપર, ઊચર્યો:
" અજન્મા શૂન્યતા પૂઠે જોકે તું જીવમાન છે,
કિંતુ જેહ બલાત્કાર આદિ કેરા વિરચ્યો છે વિચારને,
નિશ્ચલા બૃહતી માથે
બેળે ફરજ લાદી છે સ્હેવા ને જીવવાતણી,
તેને કદીય માફી એ નહીં આપે ટકશે કાળ ત્યાં સુધી,
માત્ર દુઃખદ તેં જીત મેળવી છે
જરાક જીવવા કેરી સત્યવાનતણા વિના.
હૈયાની ધબકોને જે તારી સહાય આપતી
તે તને આપવાની છે શું પુરાતન દેવતા ?
તે લંબાવી રહી ખાલી શૂન્ય એવું અસ્તિત્વ તુજ સ્વપ્નનું
ને જીવન-શ્રમ દ્વારા વિલંબિત બનાવતી
નિદ્રાને તુજ શાશ્વતી.
વિચાર કરતી માટી કેરી એક શ્રમજીવી ચમત્કૃતિ,
કાળનો બાળ ચાલે છે ભ્રમણાઓ વડે સજ્યો.
આસપાસ લહેવાતું ને પોતે જેહથી ડરે
તે શૂન્ય ભરવા માટે-શૂન્ય પોતે જ્યાંથી આવેલ છે અને
જાય છે જેહની પ્રતિ,
બૃહત્ બનાવતો જાત પોતાની એ
અને એને પ્રભુનું નામ આપતો.
નિજ દુઃખી થતી આશાઓને સાહાય્ય આપવા
સ્વર્ગોને એ પુકારતો.
સતૃષ્ણ હૃદયે જોતો નિજથી ઊર્ધ્વની દિશે
અવકાશો શૂન્ય પોતાનાથી વધુ અચેતન,
પોતાને જેહ છે તેવોયે જેઓને મનનો અધિકાર ના,
નિજ જૂઠી નીલિમાના વિના જેઓ ખાલી છે અન્ય સર્વથી
ને તેઓને વસાવે એ શક્તિઓથી ધુતિમંતી દયામયી.
કેમ કે સિંધુ ગર્જે છે આસપાસ એની ને ધ્રૂજતી ધરા
એના પગતણી નીચે, અને અગ્નિ છે એને છેક બારણે
અને ઘૂરકતું મૃત્યુ શિકારાર્થે ઘૂમે જીવનને વને.
ઝંખતો જેમની સાથે તે સાન્નિધ્યો વડે પ્રેરિત એ થઈ
મંદિરોમાં દુરારાધ્ય અર્પે છે નિજ આત્મને
ને સર્વને સજે છે એ નિજ સ્વપ્નાંતણી સુંદરતા વડે.
નિર્નિદ્ર નેત્રોથી જેહ દેવતાઓ પૃથિવીને નિરીક્ષતા
ને જંગી ઠોકરો એની દોરતા અવકાશમાં,
તેમણે માનવીને છે આપ્યો બોજો એની માનસ શકિતનો;
અનિચ્છુ હૃદયે એના પેટાવ્યા છે એમણે નિજ પાવકો
અને એની મહીં રોપી છે અસાધ્ય અશાંતિને.
અજાણી પગથીઓએ મન એનું શિકારે નીકળેલ છે;
નકામી શોધખોળથી કાળનું મન રંજતું,
વિચારથી બનાવે છે એ ગભીર રહસ્ય નિજ ભાગ્યનું
ને સ્વીય હાસ્ય ને સ્વીય અશ્રુઓને આપે છે રૂપ ગાનનું.
સ્વપ્નાં અમરનાં એની મર્ત્યતાને તંગ તંગ બનાવતાં,
એની ભંગુરતાને એ આપે કષ્ટ પ્રાણોચ્છવાસે અનંતના,
શમે ના કોઈયે ખાધે એવી ભૂખો એનામાં એમણે ભરી;
ઢોરઢાંખર છે એ ને એના ગોવાળ દેવ છે.
એનું શરીર છે રાશ જેનાથી એ નિબદ્ધ છે,
શોક, આશા અને હર્ષ એને માટે તેઓ નીરણ નાખતા :
વાડે અજ્ઞાનની બાંધી એમણે છે એની ગૌચરભૂમિને.
એના ભંગુર ને રક્ષા વિનાના વક્ષની મહીં
અનુપ્રાણિત કીધી છે એમણે એક વીરતા
જેનો ભેટો લેવાને મૃત્યુ આવતું,
પ્રાજ્ઞતા એક આપી છે ઉપહાસ કરે છે રાત્રિ જેહનો,
આંક્યો છે માર્ગ યાત્રાનો જે ન જોતો નિજ લક્ષ્ય અગાઉથી.
અનિશ્ચિત જગે એક શ્રમો સેવે લક્ષ્યવિહીન માનવી
શમતો શાંતિમાં ના જે સ્થિર એવા વિરામોએ સ્વદુઃખના
અનંત કામના કેરા કોરડાઓ ખાતો પશુ સમાન એ,
બંધાયેલો રથે દેવોતણા ભીમભયંકર.
પરંતુ હજુએ આશા રાખવા તું સમર્થ હો
અને પ્રેમ હો તું હજુય માગતી
તો ધરા સાથ બાંધે છે તેઓ જેને તે દેહે તુજ જા ફરી,
ને યત્ન જીવવા કેરો
કર હૈયાતણા તારા અલ્પસ્વલ્પ રહેલા અવશેષ શું.
આશા રાખ ન લેવાની તારે માટે પાછો સત્યવાનને.
પરંતુ ઓજને તારા તાજ કોઈ નાનો શો ઘટતો નથી,
તેથી દઈ શકું છું હું ઉપહારો, ઘવાયલા
તારા જીવનને સાંત્વન આપવા.
ક્ષણભંગુર જીવો કરારો ભાગ્ય શું કરે,
ને જમીને જડયાં હૈયાં ચૂંટી માધુર્ય લે માર્ગ-કિનારનું,
તે જો કબુલ હો તારી ઈચ્છાને તો તારાં બનાવ છૂટથી.
ઠગનારા પુરસ્કાર સાટે પસંદ લે કરી
આશાઓ જિંદગીતણી."
જેવો એ અટક્યો ઘોર અવાજ ક્રૂર ને કડો
ને સાવિત્રીમહીં ઊઠયો અંત આવે ન એ વિધે
સળવળાટ વિચારોનો જન્મી કો મૌનમાંહ્યથી,
એક પ્રકંપતા ઓધે શશિસુભ્ર શૈલોની માલિકા સમો,
એનું અગાધ ને મૂક સિન્ધુ જેવું હૈયું પાર કરી જતો.
બોલી આખર એ; એનો અવાજ રાત્રિએ સુણ્યો :
" તને ન નમતી હું, ઓ ભીમકાય મુખના છદ્મ મૃત્યુના,
સંત્રસ્ત માનવી જીવ માટે છે તું કાળું જૂઠ નિશાતણું ,
અસત્ ને વસ્તુઓ કેરો અંત અપરિહાર્ય તું;
તું ભયંકર છે ઠઠ્ઠો અમરાત્મા ઉપરે આચરાયલો.
ચાલું છું ભાન રાખી હું મારામાં અમૃતત્વનું.
છું વિજેતા આત્મ, ભાન મને છે મુજ શકિતનું,
યાચના કરતી આવી નથી હું તુજ બારણે :
હણાયા વણ હુ જીવી રહેલી છું રાત્રિનો ગ્રાહ છે છતાં.
મારો આરંભનો તીવ્ર શોક મારા
સ્થિતપ્રજ્ઞ મનને ન ચળાવતો;
અશ્રુઓ અણઢાળેલાં મારાં મોતી બળ કેરાં બનેલ છે :
મારી ભંગુર બેઠંગી માટીને મેં રૂપાંતરિત છે કરી
અતં:પુરુષની એક દૃઢ સ્થાપત્યમૂર્ત્તિમાં.
દેદીપ્યમાન દેવોની મલ્લકુસ્તીમહીં હવે
આત્મા મારો નકારોની સામને આ જગત્ તણા
હઠીલો ને શકિતશાળી બની જશે.
અધીન માનસો કેરાં ટોળાં સાથે નીચતા નહિ દાખવું,
જે ઉત્સુક અને તૃપ્ત હસ્તો સાથે વીણવા કાજ દોડતાં
તેના કીચડ ને ઝાઝા ખૂંદતા પાય મધ્યથી
દુર્બળોને અપાયેલાં ક્ષુદ્ર ક્ષુદ્ર અનુદાનો દયાતણાં
વીણી લેતાં અવજ્ઞા પામવા છતાં.
છે મારો શ્રમ સંગ્રામે મચેલા દેવલોકનો:
તારકો પાર છે જેની રાજ્યસત્તા તે સંકલ્પ જવલંતને
લાદીને મંદતાયુક્ત અનિચ્છુ વરસો પરે
જડદ્રવ્યતણાં કર્યો પર તેઓ મનનો ધર્મ સ્થાપતા,
ને પૃથ્વીની અચિત્ શકિત પાસેથી તે
ચૈત્યાત્માની ચાહનાની વસ્તુની પ્રાપ્તિ સાધના.
પ્હેલી આ માગણી મારી,
પતિ મારા સત્યવાને વનની મોહિનીમહીં
નિજ નિર્મલ ને લાંબા બાલ્ય કેરાં એકાંત સ્વપ્નમાંહ્યથી
જાગી, સુંદર પોતાના જીવનાર્થે
હતું જે ના અને જેની હો એણે કામના કરી
તે આપવું પડે તો લે આપ, યા તો પાડ ના શકિત હોય તો."
યમે શિર કર્યું નીચું તિરસ્કારભર્યા ઠંડા હકારમાં,
યમે જેણે બનાવી છે પૃથ્વી આ સ્વપ્નના સમી,
ને જે સૌ દાન દીધાં છે
તેમનો છે કર્યો જેણે ઉપહાસ બનાવી વ્યર્થ એમને.
ઊંચા ઘોર વિપત્કારી સ્વરની સાથ એ વધો :
" મારે સ્પર્શે ભગ્ન થાતાં સ્વપ્નાં પર કૃપા કરી
લાલસાપૂર્ણ હૈયાને એના અંધ પિતાતણા
આપું છું હું રાજ્ય, સત્તા, મિત્રો, લોપ પામેલો મહિમા વળી,
એની શાંતિભરી વૃદ્ધાવસ્થા માટે આપું છું સાજ રાજવી,
પાંડું આડંબરો ક્ષીણ થતા માનવ આયુના,
જિંદગીના પાત કેરાં રૂપારંગી માહાત્મ્યો હ્રાસ પામતાં .
વૈરી દુર્ભાગ્યથી ડાહ્યો જે વધારે થયેલ છે
તેને પાછી અપાવું છું માલમત્તા જેને માયામહીં પડી
જીવ પસંદગી આપે વ્યક્તિભાવ વિનાની રિક્તતાતણા
સાદા ઉત્કૃષ્ટ સ્થાનમાં.
વિશાળતર વિસ્તાર જેઓ માટે હોત શક્ય બની શક્યો
ને ગભીરતરા દૃષ્ટિ તેઓ કેરી અગાધ રાત્રિની મહીં,
તે આંખોને દિલાસો, જા, આપું છું હું પ્રકાશનો.
આને અંતે માણસે એ ઈચ્છા રાખી હતી અને
યાચના વ્યર્થ કીધી 'તી અને આશા નિષેવી નેહથી હતી.
મારા જોખમથી પૂર્ણ રાજ્યોના મહિમાથકી
પાછી જા, મર્ત્ય ! તું તારી અનુજ્ઞાત અલ્પીયા ભૂમિકામહીં !
પાછી જો ઝડપી પાયે, કે રખે જે મહાન નિયમોતણું
તેં ઉલ્લંઘન કીધું છે
તેઓ તારી જિંદગીનો આણવાને અંત પ્રવૃત્ત થાય, ને
તારી સામે કરે ખુલ્લી અંતે આંખો નિજ આરસના સમી."
જવાબમાં કહ્યું કિંતુ સાવિત્રીએ તુચ્છકારંત છાયને :
" હે વિશ્વાત્મન્ ! જન્મ મારો આત્મારૂપે થયો તારા સમોવડો.
હું મારી મર્ત્યતામાંય અમર્ત્ય છું.
કર્મનિયમ ને દેવતણાં પાષણ નેત્રથી
જોતી તારી અવિકાર્યા આરસ-શ્રેણિઓતણી
નિશ્ચલા દૃષ્ટિની સામે નથી હું પ્રવિકંપતી.
એમને ભેટવા માટે
આત્મા મારો છે સમર્થ નિજ જીવંત અગ્નિથી.
પાછો આપી મને દે તું તારી છાયામહીંથી સત્યવાનને
વિસ્તારોમાંહ્ય પૃથ્વીના પુષ્પપુંજે પ્રફુલ્લતા,
મીઠી ભંગુરતા સાથે એનાં માનવ અંગની,
સંકલ્પ મુજ આત્માનો દીપ્તિમંતો
એના સાથમહીં પાર ઉતારવા.
એની સાથે હું વહીશ બોજો પ્રાચીન માતનો,
પ્રભુ પ્રત્યે લઈ જાતો પૃથ્વીનો માર્ગ એહની
સાથે અનુસરીશ હું.
નહીં તો શાશ્વતાકાશો
મારે માટે થશે ખુલ્લાં ને તે વેળા અમારી આસપાસમાં
દૂર દૂર સરી જાશે ક્ષિતિજો ચિત્ર ચિત્ર કૈં,
ને અનંત અવિજ્ઞાતે સાથે સાથે અમારી સફરો થશે.
કેમ કે પાય માંડયા છે એની સાથે મેં માર્ગો પર કાળના,
પગલે પગલે એના યાત્રા હું કરતી રહી
ગમે એવી નિશાનેયે ભેટવાને સમર્થ છું,
અથવા પારનું છે જે ખડાયા વણનું તહીં
કલ્પી જાય નહીં એવી ઉષા અદભુત ઊઘડે
તો તેને અપનાવવા.
જ્યાં જ્યાં દોરી જશે એના જીવને તું ત્યાં ત્યાં પીછો લઈશ હું."
કિંતુ એના દવા કેરા વિરોધમાં
ઝૂમતાં નિર્જનોમાંથી નિશાતણાં
આવ્યો અવાજ ઓજસ્વી ડારતો ને ઘૃણાભર્યો,
અપ્રશામ્ય, અવિકાર્ય, શાસનાદેશનો આગ્રહ રાખતો,
બદલ્યે જાય ના એવો કર્મધર્મ
ને સૃષ્ટિ વસ્તુઓ કેરી તુચ્છતાને માટે આગ્રહ રાખતો,
અવિજ્ઞેય અગાધોની સમસ્યાની મહીંથી જન્મ પામતો.
ઝંઝાકેશાવળીવાળા દૈત્ય લંગતો પેઠે છ
સિંધુ જે વાર પોતાનું ઘોર હાસ્ય કો તારા પર નાખતો,
સ્મરતો સર્વ આનંદ સ્વોર્મિઓએ જેને ડૂલ કર્યો હતો,
તેમ નારીતણા સીમાહીન હૃદય સામને
શાસન કરતી રાત્રી કેરા અંધકારમાંહ્યથી
સર્વસમર્થ ઊઠયો ત્યાં મહાઘોષ વિશ્વવ્યાપક મૃત્યુનો:
"અભીપ્સા રાખતા હામભર્યા નાજુક સત્ત્વ હે !
શું તારી પાસ છે પંખો દેવોની કે
પાય મારા તારાઓ પર ચાલતા,
કે તું ભૂલી ગયેલી છે સીમાઓ સ્વવિચારની
ને તારી મર્ત્ય ભૂમિકા ?
તારા જીવે રૂપ લીધું તે પહેલાં વળાયા એમના.
મારા શૂન્યમહીંથી મેં મૃર્ત્યુએ એ ગોલકો સરજયા હતા;
એમનામાં રચી છે મેં વસ્તુઓ સૌ, હું નાશ તેમનો કરું.
વિશ્વોને મેં બનાવ્યાં છે જાળ મારી, પ્રત્યેક હર્ષ પાશ છે.
જિંદગી ભરખી જાતી છે ક્ષુધા એક, પ્રેમ જે
શિકાર પર રાખે છે પોતાની પીડ વેઠતા,
વસ્તુઓમાં એ મારી પ્રતિમૂર્ત્તિ જો.
મારો પર્યટતો શ્વાસ, હે ! તુજ જીવ છે,
છે કલ્પેલી સ્મિતે મારે એહની ક્ષણજીવિતા,
ભાગ, કંગાલ લાભોને પાકી પકડમાં લઈ,
શમાવશે નહીં શીઘ્ર કાળ જેને
એવાં મારાં દીધાં દુઃખે વિદારિત
તારા કંપમાન વક્ષ પ્રત્યે કર પલાયન.
મારી બધિર શકિતની આંધળી ઓ ગુલામડી,
જેની પાસે કરવું હું
પાપકર્મ બલાત્કારે કે શિક્ષા હું દઈ શકું,
કરાવું કામના જેથી મારી હું કોરડા શકું
નિરાશા અથ શોકના,
લોહીલુહાણ જેનાથી મારી પાસે તું આવી જાય આખરે,
સમજી જાય કે પોતે નથી તું કૈં,
મારું માહાત્મ્ય આવે તુજ જાણમાં,
ને નિષિદ્ધ સુખી ક્ષેત્રો પ્રત્યે તું જાય ના વળી
ને એ માટે પ્રયાસે આદરે નહીં,
જે ક્ષેત્રો છે રખાયેલાં
તે જીવો કાજ કે જેઓ મારો નિયમ પાળતા,
રખે ને તેમના ઘેરા નિલયોમાં જાય તારો પદધ્વનિ
ને બેચેન લોહવક્ષા નિદ્રામાંથી જગાડે ચંડ શકિતઓ
જે પુરાયેલ ઈચ્છાની ઉપરે વેર વાળતી.
ડરજે કે રખે ભાવાવેશે આશા રાખી જ્યાં જીવવાતણી
તે વ્યોમોની મહીં માંડે અવિજ્ઞાત કેરી વીજો ઝબૂકવા,
ને ત્રસ્ત, એકલી, ખાય ડૂસકાં તું, ને તારી પૂઠળે પડે
શિકારી કૂતરા સ્વર્ગ કેરા, ને તું ઘવાયેલી,તજાયલી
પલાયન કરે લાંબી સૈકાઓની રિબામણમહીં થઈ,
અનેક જિંદગીઓથી પણ શક્ય
નથી અંત એ અવિશ્રાંત રોષનો,
શમે ન નરકે એ કે ન દયાએય સ્વર્ગની.
તારી ઉપરનો કાળો અને શાશ્વત કાળનો
લઈ ગ્રાહ લઈશ હું :
રાખી હૃદય શું દાબી દૈવે તારે દીધા ભીખેલ દાનને
શાંતિમાં લે વિદાય તું,
શાંતિ ન્યાય્ય હોય માણસ કાજ જો."
અવજ્ઞાથી અવજ્ઞાનો પરંતુ સામનો કરી
આપ્યો ઉત્તર મર્ત્યાએ -સાવિત્રીએ એ ભયંકર દેવને:
" કોણ છે દેવ આ જેને કલ્પ્યો છે તુજ રાત્રિએ,
તિરસ્કાર ભરી રીતે તિરસ્કાર્યાં ભુવનો જેહ સર્જતો,
મિથ્થાભિમાનને માટે બનાવ્યા છે જેણે સ્ફુરંત તારકો ?
નથી તે એ વિચારોમાં મારા જેણે નિજ મંદિર છે રચ્યું
ને મારું માનવી હૈયું બનાવ્યું છે પવિત્ર પાયભૂમિકા.
છે મારો પ્રભુ સંકલ્પ
જે પોતાના માર્ગોએ વિજયી થતો,
પ્રેમ છે પ્રભુ મારો જે સમાધુર્ય સહે બધું.
આશા એને સમર્પી છે મેં યજ્ઞબલિદાનમાં,
સંસ્કારવિધિમાં મારી આસ્પૃહાઓ સમર્પિત કરેલ છે.
છે અદભુત ને સૂત અને છે દ્રુતવેગ જે
તેને નિષેધશે કોણ યા તો એની ગતિને અવરોધશે ?
કોટી જીવન-માર્ગોનો છે એ યાત્રી,
પિછાને પગલાં એનાં જ્યોતિઓ સ્વર્ગધામની,
નરકાલયના ખડગે ખચેલા ચોકની મહીં
પડે છે પગલાં એનાં પીડાનુભવના વિના;
તહીં એ ઉતરે નિત્યાનંદની ધાર આણવા.
પ્રેમની હેમ-પાંખોમાં
છે તારા શૂન્યને ક્ષુબ્ધ કરવાની સમર્થતા:
આંખો પ્રેમતણી તાકે તારા જેમ મૃત્યુની રાત્રિની મહીં,
કઠોરતમ લોકોમાં પ્રેમ નગ્ન પાયથી પગલાં ભરે.
સેવે એ શ્રમ ગર્તોમાં, ઉલ્લસે શિખરો પરે,
એ તારા વિશ્વને, મૃત્યો ! નવેસર બનાવશે."
બોલી એ, ને જરાવાર કો અવાજે આપ્યો ના પ્રતિ-ઉત્તર,
તે દરમ્યાન ચાલ્યા એ કરતાં 'તાં માર્ગ-રહિત રાત્રિમાં,
ને પાંડુ નેત્રના જેવો એ પ્રકાશ હતો હજુ
અંધારને પરેશાન કરતો ત્યાં નિજ સંદિગ્ધ દૃષ્ટિથી.
એકવાર ફરી આવ્યો ઊંડો ને ભયથી ભર્યો
વિરામ એ અસત્ યાત્રામહીં અંધ સૂનકારમહીં થતી;
એકવાર ફરી ઊઠયો રિક્તતામાં વિચાર ને
શબ્દ એક, અને આપ્યો મૃત્યુદેવે જવાબ મનુ-જીવને :
" તું શાની આશા રાખે છે ? શાને માટે અભીપ્સતી ?
આ તારા દેહને માટે
મહાસુખતણું સૌથી મધુરું છે પ્રલોભન,
દુઃખાક્રાંત, નાશવંત ને અનિશ્ચિત રૂપનું,
થોડાં વરસને માટે સુખ દેવા
લથડંતા તારા ઇન્દ્રિયગ્રામને,
તનના તલસાટોનું મધ આપી, આપી ધગશ હાર્દની,
ભાગનારી ઘડી કેરી દેદીપ્યમાન મૂર્ત્તિને
લેવા આશ્લેષમાં ચ્હાતું નકામી એકતામહીં.
ને તું, તું કોણ છે ? જીવ ! તેજસ્વી સ્વપ્નમાત્ર તું
અલ્પજીવી લાગણીઓ ને વિચારોતણું ચમકથી ભર્યા,
રાત્રિ મધ્ય થઈ શીઘ્ર જતા ખધોતવૃન્દનું
વિરલ એક નૃત્ય તું,
ખમીર ચમકારાઓ મારતું તું
જિંદગીના સૂર્યોદભાસિત કર્દમે.
હે હૈયા ! કરશે શું તું દાવો અમરતાતણો,
સર્વકાલીન સાક્ષીઓ સામે પોકાર આદરી
કે તું ને તે શકિતઓ છો અંતહીન ટકી રે'નાર સર્વદા ?
મૃત્યુમાત્ર ટકી રે 'છે ને રહે છે ટકી અચેત રિક્તતા.
છું સનાતન હું માત્ર, રહું છું માત્ર હું ટકી.
છું બૃહત્ નિરાકાર ને અત્યંત ભયંકર,
છું હું તે રિક્તતા જેને જનો નામ આપે છે અવકાશનું,
સર્વને ધારવાવાળી છું હું અકાળ શૂન્યતા,
સીમારહિત છું હું, છું નિઃશબ્દ एक एव હું.
'सोऽहम्' છું મૃત્યુ હું, મારા વિના પ્રભુ ન અન્ય કો.
ગહનોમાંહ્યથી મારાં જન્મ્યા છે સૌ, મૃત્યુથી જીવતા રહે;
ગહનોમાંહ્ય મારાં સૌ ફરે પાછા ને મટી જાય છે પછી.
સૃષ્ટિ એક રચી છે મેં મારી અચેત શકિતથી.
આશાળુ હૃદયોને ને જીવવાની લાલસાભર અંગને
સર્જે ને સંહારે છે જે તે નિસર્ગરૂપ છે શકિત માહરી
એનું ઓજાર ને દાસ બનાવ્યો મેં મનુષ્યને,
જેનું શરીર છે મારી મિજબાની
અને એની જિંદગી મુજ ભોજ્ય છે.
માનવીને નથી બીજી સાહ્ય મૃત્યુ સિવાય કો;
અવસાન થતાં એનું એ મારી પાસ આવતો
આરામ, શાંતિ પામવા.
હું, મૃત્યુ, આશરો એકમાત્ર છું તુજ જીવનો.
મનુષ્ય જેહ દેવોને પ્રાર્થતો તે
સાહ્ય તેને આપવાને સમર્થ ના;
તેઓ મારી કલ્પનાઓ અને માનસભાવ છે
પ્રતિબિંબિત એનમાં માયા કેરા પ્રભાવથી.
જુએ છે જેહને તારા અમરાત્મા સ્વરૂપ તું
તે તારી માંહ્યનું મૃત્યુ છે સેવંતું સ્વપ્ન શાશ્વતતાતણું.
છું હું અચલ જેનામાં વસ્તુઓ સૌ કરે ગતિ,
છું શૂન્યાકાર હું નગ્ન જેમાં થાય સમાપ્ત સૌ:
મારે દેહ નથી, મારે નથી જીભેય બોલવા,
માનુષી આંખ કે કાન દ્વારા મારો વ્યવહાર થતો નથી;
માત્ર તારા વિચારે છે રૂપ એક સમર્પ્યું મુજ શૂન્યને.
અભીપ્સુ દિવ્યતાની ઓ ! છે તેં આહવાન આપિયું
મને કુસ્તી કાજ તારા આત્મા સાથે, છે મેં તે એક કારણે
ધાર્યું વદન, ધાર્યું છે રૂપ, વાચા ધરેલ છે.
પરંતુ સર્વના સાક્ષીરૂપ કો એક સત્ત્વ હો
તો તારી તીવ્ર ઈચ્છાને શી રીતે સાહાય્ય શકશે કરી ?
અળગો નીરખે છે એ એકાકી અથ કેવલ,
અનામી શાંતિમાં છે એ ઉદાસીન તારા પોકારની પ્રતિ.
આત્મા વિશુદ્ધ છે એનો, વ્રણહીન, એક ને ગતિહીન છે.
અનંત એક ન્યાળે છે અચિત્ ક્ષેત્ર મરે જ્યાં સર્વ વસ્તુઓ,
તારાઓ ફેન છે જહીં.
एक જીવંત છે સર્વકાલ. ત્યાં સત્યવાન કો
બદલાતો ન 'તો જન્મ્યો, ને સાવિત્રી ન કોઈ ત્યાં
અલ્પ જીવન પાસેથી નિજ માટે માગે રિશ્વત હર્ષની.
રૂસતી રડતી આંખો લઈને ત્યાં કદી પ્રેમ ન આવતો,
નથી ત્યાં કાલ, કે ના ત્યાં વ્યર્થ વિસ્તાર વ્યોમના.
ધારતું એ ન જીવંત મુખ કોઈ, નામ એકે ન એહનું,
ન એને દૃષ્ટિ, ના હૈયું ધબકંતું, માગતું એ દ્વિતીય ના
એની અસ્તિત્વતણી સાહ્યે કે હર્ષોમાં એના ભાગ પડાવવા.
છે એને આનંદ એકાકી અમૃતત્વે વિરાજતો.
અમૃત્વતણી ઈચ્છા હોય તો તું
એકલી નિજ આત્માને માટે પર્યાપ્ત જા બની :
નિવાસ નિજમાં રાખ; ભૂલી જા ચાહે છે તે મનુષ્યને.
મારું અંતિમ ઓજસ્વી મૃત્યુ તારો
સમુદ્ધાર કરશે જિંદગીથકી;
ને તું આરોહશે તારા અનામી પ્રભવે પછી."
સાવિત્રીએ કિંતુ આપ્યો ઉત્તર ઘોર શબ્દને :
"યુકિતથી બોલતા મૃત્યુ ! યુકિત હું ન પ્રયોજતી,
યુકિત પર્યાવલોકે ને ખંડે, કિંતુ કરી મંડન ના શકે,
કે મંડાણ કરે મોઘ,
કેમ કે એ અવિશ્વાસ સ્વકાર્ય પર રાખતી.
હું છું, હું પ્રેમ રાખું છું,
જોઉં છું, આચરું છું હું, અને સંકલ્પ સેવું છું."
યમે ઉત્તરમાં એને કહ્યું એના ઘેરા ને ઘેરતા રવે:
" વળી જ્ઞાનવતી થા તું, થતાં જ્ઞાન પ્રેમથી તું વિરામશે,
વિરામશે સ્વસંકલ્પથકી તારા હૈયાથી મુકિત મેળવી,
એમ તું નિત્યને માટે લેશે આરામ ને સ્થિર બની જશે,
કબૂલ તું કરી લેશે વસ્તુઓની અનિત્યતા."
પરંતુ માનવી માટે સાવિત્રીએ આપ્યો ઉત્તર મૃત્યુને :
યદા મેં નિત્યને માટે સેવ્યો પ્રેમ હશે તદા
મને જ્ઞાન થઈ જશે.
મારી અંદરનો પ્રેમ
પિછાને છે સત્ય, જેને છિપાવે છે સઘળાં પરિવર્તનો.
જાણું છું કે જ્ઞાન એક છે આશ્લેષ મહા બૃહત્ :
જાણું છું કે ભૂતમાત્ર મારું આત્મસ્વરૂપ છે,
કોટાનુકોટિ જે एक તે છુપાઈ હૃદયે હૃદયે રહ્યો.
પ્રશાંત પરમાત્મા છે ધારી ભુવનને રહ્યો,
છે પ્રચ્છન્ન નિવાસી એ, ઈશ નીરવ એહ છે :
ગુપ્ત એનું લહું કાર્ય અંતરંગ અગ્નિ હું એહનો લહું;
અંતરિક્ષી શબ્દનો હું સુણું છું મર્મરધ્વનિ.
મારો આગમ જાણું છું છે તરંગ આવતો પ્રભુ પાસથી.
કેમ કે સૂર્ય એના સૌ મારા જન્મે ચિત્પ્રકાશી રહ્યા હતા,
અને જે એક છે પ્રેમી આપણામાં
તે આવ્યો 'તો મૃત્યુના છળવેશમાં.
પછી મનુષ્યનો જન્મ થયો ઘોરરાક્ષસી તારકો વચે,
જીતી લેવા તને જેને વરદાને મળ્યાં 'તાં મન ને ઉર."
નિજ નિષ્ઠુર સંકલ્પ કરી શાશ્વતતામહીં
સ્વ સામ્રાજ્યતણી જેને ખાતરી છે,
ખાતરી છે બખ્તરે સજ્જ શકિતની,
તે મૃત્યુદેવતા કાંઈ બોલ્યો ના ઉત્તરે ફરી,
ઉપેક્ષા કરતો જેમ કરે કો સ્વ શિકારના
મોંથી નીકળતા ઉગ્ર નિઃસહાય સ્વરોતણી.
ઊભો એ મૌન ધારીને લપેટાઈ તમિસ્ત્રમાં,
નિશ્ચલ પ્રતિમા એક, છાયા અસ્પષ્ટભાસતી,
સજ્જ વિભીષિકાઓએ નિજ ગુપ્ત કૃપાણની.
અભ્રોમાં અર્ધ-દેખાતું પ્રકટ્યું મુખ શ્યામળું;
રાત્રિનો સંધિકાલીન મૌલી એની હતો જટા,
ચિતાભસ્મ હતી એને ભાલે ચિહ્ન ત્રિપુંડ્રનું.
એકવાર ફરી અંતરહિતા રાત્રિની મહીં
પરિવ્રાજક એ બની,
મૃત ને રિક્ત નેત્રોનો અંધ નિષેધ પામતી,
મૂગા નિરાશ વિસ્તારોમહીં એણે નિજ યાત્રા કરી.
આસપાસ હતું એની
ગોટાઓ ગબડાવંતું કંપમાન વેરાન અંધકારનું,
રિક્તતા જે ગળી જાતી ને નિરાનંદ મૃત્યુ જે
તે હતાં દાખતાં રોષ સાવિત્રીના વિચારની
અને જીવનની પ્રત્યે ને એના પ્રેમની પ્રતિ.
લાંબી આછી થતી રાત્રિ મધ્યે બેળે એનાં પ્રેરાયલાં ત્રણે
અપાર્થિવ પથે પોતા કેરા અર્ધ-દૃષ્ટ સરકતાં હતાં,
ઝાંખા અંધારમાં છાયાભાસની મૂર્તિઓ સમાં.
નવમું પર્વ સમાપ્ત
આદર્શમય સ્વપ્નસૃષ્ટિનો સંધિપ્રકાશ
હજીએ શૂન્યાકારમાં રહેલા કાળુડા સ્વપ્નમાં થઈને ત્રણે ચાલતાં હતાં,--યમ, સત્યવાન અને સાવિત્રી. અભાવાત્મક એ પ્રદેશમાં ક્યાં, તેની ખબર પડતી નહોતી. એક અંધકાર બીજા વધારે ગાઢ અંધકારમાં, ને મૃત્યુ વધારે નિઃસાર મૃત્યુમાં લઇ જતું હતું. આવું હોવા છતાંય આ નિરાશામાં નાખી દેતા અંધકારમાં એક પ્રભાવ વિનાનો લાગતો ને જાણે પીડાતો હોય એવો પ્રકાશરશ્મિં એમની પાછળ પડેલો હતો,--કો મૃત્યુ પામેલી શાશ્વતતાના ઝાંખા શા ભૂત જેવો.
સાવિત્રીએ અસ્તિત્વમાં રહેવાની ઘૃષ્ટતા દાખવી હતી, ક્ષણભંગુર જીવનો ભાગ ભજવવાનો ઇનકાર કર્યો હતો, સ્વર્ગની સાથે સરસાઈ કરવાની હિંમત બતાવી હતી, અમરતાનો દાવો કર્યો હતો અને દિવ્યતાનો સંકલ્પ સેવ્યો હતો, તેનું પ્રાયશ્ચિત એ અંધકારમાં જાણે કે એ કરી રહી હતી, નિરાનંદ જિંદગીનો દંડ એને મળ્યો હતો, નિત્યની રાત્રિમાં એનો આત્મા આ અપરાધને ખાતર દુર્ભાગ્યની શિક્ષા સહેતો ભટકી રહ્યો હતો.
પણ માયા પરમાત્મસ્વરૂપને સંતાડતો કેવળ એક બુરખો છે. માયાએ નહિ પણ રહસ્યમય સત્યે આ પારાવાર સૃષ્ટિની ઉત્પત્તિ સાધી છે. અજ્ઞાન મનમાં ને પિંડનાં પગલાંઓમાં સનાતન પ્રજ્ઞા અને આત્મજ્ઞાન કાર્ય કરી રહેલાં છે. અંધકાર એટલે સ્વયં-સંતાયેલી જ્યોતિનો જાદુ, મૃત્યુ એટલે નિત્યના જીવનનું સાધન. મરણ એક સીડી છે, બારણું છે, ઠોકરાતું પગલું છે, ને જીવે એમાં થઈને એક જન્મથી બીજે જન્મે જવાનું હોય છે. મૃત્યુ છે એક ચાબખો,--હંકારીને અમૃત્વે લઇ જતો.
સનાતન રાત્રિ છે સનાતન દિવસનો પડછાયો. રાત્રિ નથી આપણો આરંભ કે નથી આપણો અંત. આપણે પરમોચ્ચ પ્રકાશમાંથી આવ્યા છીએ, પ્રકાશથી પ્રાણ-ધારણા કરીએ છીએ, પ્રકાશ પ્રત્યે જઈ રહ્યા છીએ. આમ હોવાથી નિત્યસ્થાયી શૂન્યકારમાંય પ્રકાશ પ્રભવતો હતો. એક સુવર્ણમય અગ્નિએ આવીને રાત્રિના
હૃદયને દગ્ધ કર્યું. અચેતન સચેતન બન્યું, શર્વરીમાં સંવેદના જાગી ને વિચાર પ્રકટ્યો. તમિસ્રા પાછળ હઠી ને મથીને ધીરે ધીરે ઉપર આવતા પ્રભાત સામે સ્વ-સંરક્ષણ કરતી કરતી કાળના એક ઘૂસર ઢોળાવે પલાયન કરી ગઈ.
દેવોની એક પ્રભાત-સંધ્યા હોય છે. નિદ્રાવસ્થામાંથી એમનાં અદભુત સ્વરૂપો જાગી ઊઠે છે ને પ્રભુની દીર્ધ રાત્રિઓ ઉષ:કાળથી ન્યાયસંગત બની જાય છે. નવ-જન્મની ભાવોત્કટ દીપ્તિ ફાટી નીકળે છે, સ્વપ્નસેવી દેવતાઓ દૃશ્યમાન વસ્તુઓ પાર આદર્શ જગતોને પોતાની ચિંતનાઓમાં રચે છે. ગહન ગુહામાં ભરાઈ રહેલી એક પારાવાર અભિલાષા પ્રવૃત્ત થાય છે. અંધ અંધકારનો ભાર ઓસરી જાય છે, રાત્રિનો વિષાદ મરણશરણ થાય છે.
સાચાં બનેલાં સ્વપ્નોમાં સરકીને સાવિત્રી પ્રવેશી. ત્યાંના સૌ જ્યોતિનું માર્ગણ કરતા હતા, આનંદનું અનુધાવન કરતા હતા, પ્રેમની પાછળ પડયા હતા. ત્યાં દૂરના પ્રહર્ષો પાસે આવતા, આનંદની ઊંડી આશંસાઓ આપણા ઉપાગમનની રાહ જોતી. મૌકિતવર્ણી અસ્પષ્ટતા ત્યાં તરતી હતી, વધારે પડતો પ્રકાશ ત્યાંથી હવાથી સહ્યો જતો ન 'તો, અસ્પષ્ટ દેખાતાં ખેતરો, ગોચરો, વૃક્ષો ત્યાં ઊભાં હતાં, ઝાંખાં જણાતાં ગો-ધણો ધુમ્મસમાં વિચરતાં હતાં. ત્યાં અસ્પષ્ટ જીવોના દેહવિહીન પોકારો,અસ્પષ્ટ રાગના ધ્વનિઓ આત્માને સ્પર્શતા 'તા, ને એમનું અનુસરણ કરવા જતાં અગોચર દૂરતાઓમાં અગોચર બની જતા હતા. આદર્શના આ વિસ્તારોમાં સર્વે સુખ ભર્યાં સંચરતાં હતાં, દેવોનાં દોરાયાં હોય તેમ દોરાતાં 'તાં, ઝાંખી કલ્પનાઓની જેમ પંખીઓ ઊડતાં ને કલરવથી હૃદયને ક્ષુબ્ધ કરતાં. સૂર્યદેવની ગાયોનાં ધણ ધુમ્મસમાં થઈ સૂર્ય પ્રતિ પાછાં ફરતાં.
પરંતુ ત્યાં કશુંય સ્થાયી રૂપરેખામાં રહ્યું ન 'તું. મર્ત્ય ચરણોને સ્થિર ઊભા રહેવા માટે ત્યાં સ્થાન નહોતું. પ્રમોદ સતત એના એ જ સૂરો કાઢતો 'તો ને એક સ્થાયી જગતનો આભાસ ઊભો કરતો હતો. આશાભર્યું હૃદય આકર્ષાયા કરતું હતું, કેમ કે ત્યાં હતું તે સર્વ પોતાની મોહનીને નવે નવે રૂપે નિરંતર પ્રકટાવ્યા કરતું 'તું. કદી પણ નહિ ગ્રહાયેલી વસ્તુઓનો ત્યાં અખંડિત સ્પર્શ થયા કરતો હતો, ને આ વસ્તુઓ હતી અદૃશ્ય દિવ્ય ભુવનોના અંચલની કિનાર જેવી. અદૃશ્ય થઈ જતા તારકોના માર્ગો ઉપરના રંગો જેવા રંગો ને ક્ષણજીવી ઝબકારાઓ વાતાવરણમાં વરસતા હતા ને જાદૂઈ સ્વર્ગો પ્રાતિ પાછળ પાછળ જવાનું આમંત્રણ આપતા હતા, પ્રત્યક્ષતા નહિ પામેલા પરમાનંદના સાદ કાનમાં મૂર્છિત થઈ જતા.
આ નાસભાગ કરતાં સત્ત્વો ને અડાય નહિ એવી આકૃતિઓ જ ત્યાં દૃષ્ટિ ઉપર દાવો કરતી અને ચૈત્યાત્માની મુલાકાત લેતી. માનવ ચરણો માટે ત્યાં સ્થિર ભૂમિ નહોતી, જિંદગીનો ઉચ્છવાસ ત્યાં સંમૂર્ત્ત થઈ શકતો નહિ. આવી આ મજેદાર અંધાધૂંધીમાં આનંદ નાચતો નાચતો સામે થઈને પસાર થતો, સુન્દરતા હતી પણ તે રૂપરેખામાં પકડાતી નહિ. પણ પ્રમોદ ત્યાં પુનરાવૃત્તિ પામી પામીને સ્થિર જગતનું
ભાન જગાડતો. દેખાય નહિ એવા દિવ્ય ભુવનોની કિનારીનો સ્પર્શ અનુભવાતો. પૃથ્વીલોક કે સર્વવિજયી સ્વર્ગલોક ક્યારેક પણ આપી શકે એના કરતા વધારે મધુરતા ત્યાંના ચમત્કારી આમોદપ્રમોદમાં રહેલી લાગતી. ત્યાંના એકેએક અવાજમાં એક અનનુભુત મહાસુખનો સૂર સંભળાતો.
સ્વર્ગ નિત્યયુવાન છે અને પૃથ્વી અત્યંત દૃઢ ને જરીપુરાણી છે. એમના સર્જનાત્મક સંપ્રહર્ષો અતિશય દીર્ધકાલીન બની જાય છે. એમની રૂપયોજનાઓ અતિમાત્ર નિશ્ચિત હોય છે. એ સનાતન શૈલો ઉપર કંડારાઈ ગયેલી હોય છે ને શાશ્વત વસ્તુઓ સાથે એ સુગાઢ સંબંધ રાખે છે. પ્રભુની ખાણોમાંના જીવંત ખડકોમાંથી એ ખોદી કઢાયેલી હોય છે. એમનામાં પૂરેપૂરી સ્પષ્ટતા હોય છે, એ સર્વથા મહાન અને અત્યંત અર્થયુક્ત હોય છે. એમને ધુમ્મસો સંતોષ આપતાં નથી, અનિશ્ચિતતાથી મૃદુ ઉપચ્છાયાથી એમને નિરાંત વળતી નથી.
પરંતુ આ આદર્શમય સ્વપ્નસૃષ્ટિમાંનું સર્વ કાંઈ કેવળ પરમસુખની કિનાર-માત્રને જ સ્પર્શે છે, કો દિવ્ય આશાના ચમકતા સ્કંધપ્રદેશ સુધી જ પહોંચે છે, કો પરમ રમણીય અભિલાષના અધ્ધર ઊડતા સંચારી ચરણ પર્યંત જાય છે. પ્રભાતના શુક્રતારક પરથી આવેલા આગંતુક જેવું ત્યાંનું સૌ પ્રકાશે છે, પૂર્ણતાના પ્રારંભનો સંતોષ પ્રકટ કરે છે, દિવ્ય ભુવનની કંપાયમાન કલ્પનાઓના પગરણ જેવું હોય છે. અન્વેષણની ઉત્કટ ભાવના સાથે એ ભળી જાય છે, અશ્રાંત હર્ષનાં શીકરોથી રોમહર્ષાયમાણ બને છે. ત્યાં બધું હોય છે છાયામય, ઊપસતા રંગચિત્ર જેવું હોતું નથી. જવાળામાળા ઉપર ઝબૂકતાં મુખ, રંગના ડબકામાં ઉદભવતા અદભુત આકારો, રૂપેરી ધુમ્મસમાં પ્રકટ થઈ પલાયન કરી જતાં દૃશ્યોની પરંપરા જેવું ત્યાનું સર્વ સંભવે છે.
આ આદર્શમયમાં હર્ષમાં ઉતાવળ આવી જાય છે, અર્ધ-નિષિદ્ધ સુખો ઝડપી લેવાતાં હોય છે, દેવોના નંદનબાગ જેવું બધું જણાય છે ખરું, પણ એને પરમાનંદનો પરિચય થયેલો હોતો નથી. સાવિત્રી ત્યાં સરતી હતી, અને જાણે એ સર્વનો અંત ન આવે એવી સ્પૃહા રખતી હતી. વાદળાંમાં થઈને કોઈ પર્વત ઉપર પગલાં ભરતું હોય, અને ઊંડાણોમાંથી આવતો અદૃશ્ય સ્રોત્રોનો સ્વર સાંભળતું હોય, ને આસપાસ રહસ્યમય અવકાશ વીંટળાઈ વળ્યો હોય, એવી અવસ્થામાં તે ગતિ કરતી હતી. એકબીજાને બોલાવતા યાત્રીઓના મીઠા ટહુકાઓમાં હોય છે એવી પ્રલોભક મીઠાશ ત્યાં સાદ કરતી હતી. એની હૃદયતંત્રી ઉપર ભાવ જગાડતાં સૂચનો રહ્યાં હતાં, અનિકેત વિચારો એના મનને સરાગ બનાવતા વળગી રહ્યા હતા, હાનિ-કારક નહીં એવી કામનાઓ એની એ જ રહીને સંતોષાયા વગરની સારંગીની માફક એના હૃદયમાં ગાતી હતી.
આ ગોચર બનેલા મનોમયમાં પોતાનાં રઢિયાળાં રશ્મિઓએ સજ્જ સત્યવાન સમસ્ત મોહિનીનું કેન્દ્ર બની ગયેલો લાગતો હતો. સાવિત્રીનાં સતૃષ્ણ સ્વપ્નાંની
મનોહરતાનો એ મુખી હતો અને એના ચૈત્યાત્માની તરંગી કલ્પનાઓનો હતો એ મહાનાયક. મૃત્યુદેવની વિભીષણ વિભૂતિ પણ એ અસ્પર્શગમ્ય આકાશોના વિલ-સનને છાયાગ્રસ્ત કરી શક્તિ નહોતી. યમરાજની કારમી છાયા સૌન્દર્યને અને હાસ્યને સવિશેષ આવશ્યક બનાવી દેતી હતી. કાળનો કાળો વિરોધ આદર્શમયની દૃષ્ટિને વધારે સતેજ બનાવતો હતો; એનો વિષાદ-વર્ણ આનંદને અધિક તેજસ્વી ને હૃદયપ્રિય બનાવતો હતો. વેદના પણ મહાસુખના નિમ્ન સૂરનું સ્વરૂપ લેતી 'તી, ક્ષણભંગુરતા અમરતાનો પ્લવમાન અંચલ બની ગઈ હતી. કિરણ, ધુમ્મસ અને અર્ચિષની સહચરી બની ગયેલી સાવિત્રી તરી રહેલા વિચારોની મધ્યમાં એક વિચાર જેવી બની ગઈ હતી. અંતર્વર્તી શુભ્ર ચૈત્યાત્મચિંતનોની મધ્યમાં સ્વપ્નદ્રષ્ટા મનથી જવલ્લે જોવાતી, સ્વપ્નદ્રષ્ટા મનથી જવલ્લે જોવાતી, સ્વપ્નસૃષ્ટિના સુખથી અર્ધ-પરાજિતા, સાવિત્રી જદૂગરીના એ જગતમાં જઈ રહી હતી, તેમ છતાંય એણે પોતાના ચૈત્યાત્મ ઉપરનું પોતાનું સ્વામિત્વ સાચવી રાખ્યું હતું. મહાસમર્થ સમાધિમાં પ્રવેશેલો એનો ઊર્ધ્વસ્થ આત્મા ત્યાનું બધું જોતો હતો, તો પણ કોઈ એક ધ્રુવ ને સનાતન તારકની માફક પોતાના પરાત્પર કાર્યને માટે અક્ષરે અરૂઢ રહેલો હતો.
હજીય સર્વ અંધારું હતું ઘોર અને વેરાન એકલું;
કશોય પલટો ન્હોતો, અને આશા પલટાની હતી નહીં.
રિક્તતાના નિવાસે આ કાળા સ્વપ્નતણી મહીં
શૂન્યના દેશમાં ક્યાંયે ન જતી ગતિ સેવતાં
નિરુદ્દેશ વહી જાતાં હતાં તેઓ લક્ષ્ય કે ધ્યેયના વિના;
મૂક, અજ્ઞેય ને રૂપ વિનાનાં છે એવાં વિજનમાં થઈ,
અહેતુ બૃહતે કોક ભાવાત્મક અસત્ તણા
દોરતો 'તો અંધકાર વધુ ગાઢ અંધકારતણી પ્રતિ,
ને હતું દોરતું મૃત્યુ વધુ નિઃસાર મૃત્યુએ.
પીડાતી જ્યોતિનું એક રશ્મિ કાર્ય ન સાધતું,
ખોલેલા મહિમા કેરી સ્મૃતિ જેવું હતાશ તમમાં થઈ
એમનાં પગલાં કેરી લઈ પૂઠ રહ્યું હતું;
વૃદ્ધિ એ પામતું ત્યારે પણ ત્યાં એ અવાસ્તવિક લાગતું,
છતાં અશામ્ય ને નિત્ય, એકલું નિષ્પ્રભાવ એ
મૃત કો શાશ્વતી કેરા ભૂત શું પાંડુ વર્ણના,
પ્રદેશ શીત ને ભીમભાવી શૂન્યસ્વરૂપનો
કરી તંગ રહ્યું હતું.
વાળવું પડશે એને હવે દેવું, એવું જાણે હતું કંઈ,
નિઃસાર ધૃષ્ટતા એની અસ્તિની ને વિચારની,
કો મહોજજવલ માયા કે જેણે એના જીવની કલ્પના કરી
તેનું એને પડશે ઋણ ફેડવું.
સંકલ્પ અસ્તિનો એનો એનું ઊંડું અને આદિમ પાપ છે,
ને છેલ્લું સર્વથી મોટું પાપ એનું અધ્યાત્મ અભિમાન છે
કે બનેલી ધૂળમાંથી સ્વર્ગ કેરી કરી એણે બરાબરી,
તિરસ્કાર કર્યો કીચે ઊંચાનીચા થઈ રહેલ કીટનો,
ગર્હિત ક્ષણજીવી ને પ્રકૃતિસ્વપ્નથી જન્મેલ છે કહી,
પાઠ નકારતી પોતે ક્ષણભંગુર જીવનો
ને દાવો કરતી કે છે પોતે જીવમાન પાવક ઇશનો,
અને અમર ને દિવ્ય થવાની રાખતી સ્પૃહા,
છટવું પડશે એને સર્વથી વધુ આ થકી
સહી પાર વિનાનાં પરિપીડનો.
એ ભયંકર ને ભારે ને ઉઘાડા તમિસ્રમાં
પ્રાયશ્ચિત કર્યું એણે સર્વ માટે આરંભી આદિ કર્મથી
જેમાંથી કાળના ભાનતણો ભ્રમ સમુદભવ્યો,
અચિત્ કેરી વિદારાઈ સીલબંધી સુષુપ્તિની,
આદિ કાળતણી જાગી બંડખોરી માફી જેને મળી નથી,
જેણે શૂન્યની ખંડી શાંતિ ને મૌનની સ્થિતિ,
જે પ્રક્લ્પેલ આકાશ કેરી નિઃસારતામહીં
આભાસી વિશ્વ દેખાયું અને ઉભું
થયું જીવન ઉત્પન્ન કરતું શોક-દુઃખને
તે પૂર્વે અસ્તિમાં હતી:
મોટો નકાર સદરૂપ કેરું મુખ હતું અને
નિષેધ કરતો 'તો એ કાળ કેરી વિફલ પ્રક્રિયાતણો :
અને જયારે નહીં હોય જગ ને જીવ કોઈયે,
કાળનો પગપેસારો મટી જયારે ગયો હશે
ત્યારે એહ ટકી રે'શે શાંતિ સાથે અશરીરી સ્વરૂપમાં
બચાવાયો વિચારથી.
અભિશપ્તા સ્વદેવત્વતણો જેહ હતો પ્રભવ તે મહીં,
શિક્ષા સ્હેતી રહેવાને સદા માટે મહાસુખવિવર્જિતા,
એની અમરતા એને માટે દંડ બનેલ છે,
અપરાધે અસ્તિ કેરા આત્મા એનો દુર્દૈવવશ છે બન્યો,
હમેશાં ભમતો રે'તો નિત્યની રાત્રિની મહીં.
અવગુંઠન છે કિન્તુ માયા કેવલરૂપનું,
નિગૂઢ એક સત્યે છે રચ્યું વિશ્વ વિશાળ આ :
અજ્ઞાની મનમાંહે ને દેહનાં પગલાંમહીં
પ્રજ્ઞાન ને સ્વયંજ્ઞાન છે પ્રવૃત્ત સનાતન સ્વરૂપનાં.
અચિત્સ્વરૂપ છે નિદ્રા પરચેતન-આત્મની.
અબુદ્ધિગમ્ય બુદ્ધિએ
છે રચ્યો અતિદુર્બોધ વિરોધાભાસ સૃષ્ટિનો;
જડતત્ત્વતણાં રૂપોમહીં ઠાંસી ભરાયલો
આધ્યાત્મિક વિચાર છે,
અદીઠો બ્હાર ફેંકે છે એ એક મૂક શકિતને
અને યંત્રતણા દ્વારા સાધે એક ચમત્કૃતિ.
અહીં છે તે બધું એક છે રહસ્ય ઊલટાં ચાલનારનું :
અંધાર જાદુ છે એક સ્વયં-છન્ન પ્રકાશનો,
દુઃખ દુઃખદ છે મ્હોરું કો નિગૂઢ પ્રહર્ષનું
અને છે મૃત્યુ ઓજાર નિત્યની જિંદગીતણું.
યમ જોકે ચાલી આપણી બાજુએ જીવનને પથે
દેહારંભેય અસ્પષ્ટ પાસે એ હોય છે ખડો,
મોઘ માનવ કર્મોને માથે અંત્ય આપદા એહ હોય છે,
છતાં છે કોયડો દૂજો એના સંદિગ્ધ મોંતણો :
મૃત્યુ છે એક સોપાન, દ્વારા એક, ડગ છે ઠોકરાયલું
આત્માએ ભરવાનું જે હોય છે એક જન્મથી
બીજા જન્મમહીં જવા,
જીતનો ધારતી ગર્ભ ઘૂસરી એક હાર છે,
ચાબખો છે ચલાવી જે લઈ આપણને જતો
મૃત્યુમુક્ત અવસ્થા ગમ આપણી.
અચિત્ તણું જગત્ આત્મા કેરી જાતે છે બનાવેલ કોટડી,
નિત્યના દિનની છાયા રૂપ છે રાત્રિ નિત્યની.
રાત્રિ ના આપણો આદિ, રાત્રિ ના અંત આપણો;
છે એ તમોમયી માતા જેને ગર્ભે છીએ છૂપેલ આપણે,
વિશ્વના દુઃખની સામે અતિશીઘ્ર જાગરાથી બચી જઈ.
સર્વોચ્ચ જ્યોતિમાંહેથી રાત્રિ મધ્યે છીએ આવેલ આપણે,
જ્યોતિથી જીવીએ છીએ, જ્યોતિ પ્રત્યે જઈએ આપણે છીએ.
અહીં આ મૂક એકાકી તમના ધામની મહીં,
હૈયે શાશ્વતકાલીન છે એવી શૂન્યતાતણા
એ મંદ રશ્મિ દ્વારાયે હવે જીત જ્યોતિ કેરી થતી હતી.
અતં:સરણ આછેરું
એનું શાર પાડતું 'તું અંધ-બધિર પુંજમાં;
પામ્યું એ પલટો પ્રાયઃ એક લસંત દૃષ્ટિમાં
જેણે આપ્યો હતો વાસો સ્વર્ણસૂર્યતણી આભાસમૂર્ત્તિને
બિંબ જેનું બન્યું કીકી આંખની શૂન્યતાતણી.
પ્રવેશ્યો અગ્નિ સોનેરી અને એણે દહ્યું હૃદય રાત્રિનું;
સ્વપ્નને સેવવા લાગી એની કાળી ધૂંધળી અમનસ્કતા;
અચિત્ સચેતતા પામ્યું,
રાત્રિ સંવેદવા લાગી અને લાગી વિચારવા.
આક્રાન્ત નિજ સામ્રાજ્ય કેરી સર્વસત્તાક રિક્તતામહીં
અસહિષ્ણુ અંધકાર થઈ આછો અળગો ઓસરી ગયો,
રહ્યા થોડા શ્યામળા જ અવશેષો આભાને એબ આપતા.
કિન્તુ ક્ષીણ થતી ધારે મૂક લોપ પામતા અવકાશની
હજી એ વ્યાલનો મોટો દેહ રુષ્ટ જેવો આભાસ આપતો;
આયાસ કરતી ધીરી ઉષા સામે પડેલ એ
સ્વભૂમી રક્ષતો 'તો એ રિબાતી ગૂઢતાતણી,
મૃત ને યાતનાગ્રસ્ત વાતાવરણમાં થઈ
ઘસડી એ જતો 'તો નિજ ગૂંચળાં,
લઈ વળાંક ભાગ્યો એ કાળ કેરો લઈ ઢોળાવ ધૂંધળો.
દેવતાતણો એક પ્રાત:સંધિપ્રકાશ છે;
જાગી નિદ્રાથકી ઊઠે સ્વરૂપો એમનાં અદભુત લાગતાં,
ને ઉષ:કાળથી ન્યાય્ય ઠરે લાંબી નિશાઓ પરમેશની.
નવ જન્મતણા ભાવાવેશ સાથે ફાટી ઊઠે સુભવ્યતા,
આંખોનાં પોપચાં સામે રઝળે છે રંગપાંખાળ દર્શનો
દુષ્ટિ પાર દેખે છે દેવતા સ્વપ્ન દેવતા,
અને નિજ વિચારોમાં આદર્શ ભુવનો રચે,
ભુવનો જે સમુદ્ ભાવિત થાય છે
અગાધ એક ઉંડેરે હૈયે એકવાર જે નિવસી હતી
તે કામનાતણી અંત વિનાની ક્ષણમાંહ્યથી.
નિર્નેત્ર તમનો ભાર હતો ચાલી ગયો અને
રાત્રિનો સઘળો શોક મૃત્યુ પામી ગયો હતો:
પોતાનાં સ્વપ્નને સાચાં પડેલાં કો જુએ છે જેમ જાગતાં
તેમ ભાંભોળતા હસ્તે અંધ એક હર્ષથી ચકિતા થઈ
સાવિત્રી સરકી એક દુખિયા ધુમ્મસી જગે
સંધ્યા કેરા પ્રકાશના,
જ્યાં હતાં દોડતાં સર્વે જ્યોતિ પૂઠે, હર્ષ ને ઓરમ પુઠળે;
ત્યાં પ્રહર્ષો દૂર કેરા સમીપતર આવતા,
પ્રત્યાશંસાઓ પ્રગાઢ પ્રમોદની
પકડાઈ રહેવાને માટે ઉત્સુક સર્વદા,
ને કદીય ગ્રહાતી, ને છતાં ન્યારી સંમુદા શ્વસતી હતી.
મોતીડાંની પાંખોવાળી એક અસ્પષ્ટતા તહીં
ભાગતી તરતી હતી,
હતી હવા અતિજ્યોતી સહેવાની ન 'તી જે હામ ભીડતી.
હતાંત્યાં ધૂંધળાં ક્ષેત્રો ને અસ્પષ્ટ હતાં શિલિત ગોચરો,
તર્યે જાતા ધૂંધકારે
હતાં અસ્પષ્ટ દૃશ્યો ત્યાં ઉદરે ઝાંખપે ભર્યા;
અસ્પષ્ટ અટતા જીવો, અશરીરી હતો પોકાર એમનો,
અગૃહીત સુસંવાદી દૂરતાઓતણી મહીં
પૂઠ લેતાં ભાગતી 'તી સૂરતાઓ કરીને સ્પર્શ ચૈત્યને;
સૂક્ષ્મભાવે સરી જાતાં સ્વરૂપો ને શકિતઓ અર્ધ-દીપતી
લક્ષ્ય ના ઈચ્છતી એકે પૃથ્વીની ના એવી સ્વગતી કારણે,
સુખપૂર્વક અસ્પષ્ટ આદર્શ ભૂમિઓમહીં
હતી ભટકતી જતી,
કે હતી પ્લવતી પાય મૂકવાની જગા વિના
કે મીઠી સ્મૃતિની ભોમે તેમની ચાલની ગતિ
દિવાસ્વપ્નતણાં પાડી પગલાંઓ જતી હતી;
કે પોતાના વિચારોના માપે ઓજસથી ભર્યા
દેવોના દૂરના મંદ ગાને તેઓ દોરાઈ ચાલતી હતી.
લહરે ધોતતી પાંખો કેરી પાર કર્યું આકાશ દૂરનું;
મંદ ને કરતા ક્ષુબ્ધ અવાજો અભિલાષના
કરતાં વિહગો ઊડયાં કલ્પનાઓ સમાં પાંડુર વક્ષની,
સ્વર ભાંભરવા કેરા અર્ધાકર્ણિત કર્ષતા
હતા માંડેલ કર્ણને,
જાણે કે ઝગતી ગાયો હતી ત્યાં સૂર્યદેવની
ધુમ્મસે લીન ને જાતી સવિતા પ્રતિ સંચરી.
આ પલાયક સત્ત્વો, આ આકારો છટકી જતા
એકલા જ હતા દાવો કરતા દૃષ્ટિની પરે
ને લેતા ભેટ ચૈત્યની,
નૈસર્ગિક નિવાસીઓ હતા એ એહ લોકના.
કશુંયે કિન્તુ ત્યાં ન્હોતું સ્થિર કે ના રહેતું દીર્ધકાળ કૈં;
મર્ત્ય પાય જમીને એ ટકી ના શકતા હતા,
ધારી શરીર કો પ્રાણોચ્છવાસ ઝાઝું ઠરી ત્યાં શકતો નહીં.
રમ્ય એ દુર્વ્યવસ્થામાં નાચતી કૂદતી મુદા
આંખો સામે થઈ ભાગી જતી હતી
અને સુન્દરતા રેખા-રૂપ સુસ્થિર ટાળતી
રહસ્યમયતાઓમાં રંગ કેરી નિજ અર્થ છુપાવતી;
છતાં પ્રમોદ હંમેશાં એના એ જ સ્વરો આવર્તતો હતો
અને એક ટકી રે'તા જગ કેરું હતો ભાન જગાડતો;
આકારોમાં હતું એક સામંજસ્ય નવાઈનું,
એના એ જ વિચારો ત્યાં હમેશાંના વટેમાર્ગુ બન્યા હતા,
અખંડિતપણે સર્વ નવતાએ સર્જતું 'તું સ્વચારુતા,
આશા સેવંત હૈયાને હમેશાં લલચાવતું,
જેને સાંભળવા વાટ હમેશાં જેમ કો જુએ
એવા સંગીતના સમું
કે વાર વાર આવે કો એવા છંદ કેરા પ્રાસાનુપ્રાસ શું.
કદી ન પકડાયેલી વસ્તુઓનો થતો સતત સ્પર્શ ત્યાં,
સીમાપ્રાન્તતણો દિવ્ય અદૃશ્ય ભુવનોતણો.
તિરોભૂત થતા તારાઓનો જાણે હોય સરણમાર્ગ ના
તેમ ત્યાં પ્લ્વતા વાતારણે વર્ષતા હતા
રંગો ને જ્યોતિઓ સાથે ઝલકો લોપ પામતી,
બોલાવતાં હતાં જેઓ જવા પૂઠે જાદૂઈ સ્વર્ગની મહીં,
ને મૂર્ચ્છા શ્રવણે પાતા પ્રત્યેક સાદની મહીં
અસાક્ષાત્કૃત આનંદ કેરો સ્વર રહ્યો હતો.
ઝંખતે હૃદયે રાજ્ય ભકિતભાવતણું હતું,
પવિત્રતાતણા ભાવ કેરો પ્રભાવ ત્યાં હતો,
એક દુગ્રાહ્ય સાન્નિધ્યે પરીઓના પ્રદેશના
સૌન્દર્યનું અને ઝાલ્યા ન પ્રમોદનું
હતું સત્તા ચલાવતું,
જેનો ક્ષણિક રોમાંચ છટકી ભાગતો હતો,
આપણી માંસમાટીને ગમે તેવો અવાસ્તવિક લાગતો
છતાં ઘણો વધારે એ હતો મીઠો જ્ઞાત સર્વ પ્રહર્ષથી
પૃથ્વી કદાપી જે આપી શકતી કે
સ્વર્ગ આપી શકતું સર્વતોજયી.
સ્વર્ગ નિત્યયુવા, પૃથ્વી અતિશે જરઠા દૃઢા
વિલંબિત બનાવી દે હૈયાને નિશ્ચલત્વથી :
તેમના સર્જનાનંદો રહે સ્થાયી અતિ દીર્ધ સમા સુધી,
તેમની ઘૃષ્ટતાયુક્ત રચનાઓ અતિશે નિરપેક્ષ છે;
દિવ્યાયાસતણી તીવ્ર વેદનાથી એ કંડારી કઢાયલી
શિલ્પકારે ખડી રે'છે શૈલો પર સનાતન,
કે એ કોરી કઢાયેલી પ્રાણવંતા પ્હાડોમાંથી પરેશના
રૂપની પૂર્ણતા દ્વારા બની અમર જાય છે.
નિત્યની વસ્તુઓ સાથે તેમનો છે સંબંધ ગાઢ ગાઢ કૈં :
પાત્રો અનંત અર્થોનાં
અત્યંત સ્વચ્છ છે તેઓ, અતિશે છે મહાન,અર્થથી ભરી;
ન કો ધુમ્મસ કે છાયા પરાભૂત દૃષ્ટિની સાન્ત્વના કરે,
ન અનિશ્ચયની સૌમ્ય ઉપચ્છાયાય શાંતિ દે.
એ માત્ર સ્પર્શતી સ્વર્ણ કિનારી સંમુદાતણી,
કો દૈવી આશનો સ્કંધ સ્પર્શતી ચમકે ભર્યો,
ઉત્કૃષ્ટ કામનાઓના સ્પર્શે ચરણ ઊડતા.
પ્રભાત-તારકામાંથી આવ્યા આગંતુકો સમી
રાત્રિ ને દિન વચ્ચેની ધીરે કંપી રહેલી એક ધાર પે
તે પ્રકાશી રહી હતી,
આરંભો પૂર્ણતા કેરા પરિતુષ્ટ, સ્વર્ગીય એક લોકનાં
શરૂ કેરાં કંપમાન કલ્પનો રૂપ એ હતી :
અનુધાવનના ભાવાવેગે તેઓ સંમિશ્ર બનતી હતી,
રોમાંચિત થતી હર્ષ-શીકરી છંટકાવથી
અતિશે તનુ હોવાથી હર્ષ જેહ પરિશ્રાન્ત થતો નહીં.
બધું આ લોકમાં છાયાભાસ રૂપ હતું, ના ચિત્ર રંગનું,
પંખે પાવકના કૂદી રહેલાં વદનો સમું,
અથવા અદભુતાકારો સમું કે'ઈ ધાબે રંગે છવાયલા,
પલાયી પરિદૃશ્યો શું રંગતાં રૌપ્ય ધુમ્મસો.
ભડકી દૃષ્ટિથી પાછું અહીં દર્શન ભાગતું,
ને સુણી સહસા ના લે કાન તેથી શરણ સ્વર શોધતો,
સર્વાનુભવ હ્યાં એક હતો હર્ષ ઉતાવળો.
છતાંઘણો વધારે એ હતો મીઠો જ્ઞાન સર્વ પ્રહર્ષથી
પૃથ્વી કદાપિ જે આપી શકતી કે
દિવ્યાયાસતણી તીવ્ર વેદનાથી એ કંડારી કાઢયલી
શિલ્પકાર ખડી રે' શૈલો પર સનાતન,
નિત્યની વસ્તીઓ સાથે તેમનો છે સંબંધ ગાઢ ગાઢ કૈં :
અત્યંત સ્વચ્છ છે તેઓ, અતિશે છે મહાન, અર્થથી ભરી;
અતિશે તનું હોવાથી હર્ષ જેહ પરિશ્રાંન્ત થતો નહીં.
અહીં ઝૂંટાયલા હર્ષો હતા અર્ધ-નિષેધાયેલ વસ્તુઓ,
નાજુક પડદા પૂઠે થતા ભીરુ વિવાહો આત્મ આત્મના,
પ્રથમા કામના થાતાં જયારે કો અમરીતણું
અસ્પષ્ટ ઊછળે હૈયું
અને એનો શુભ્ર આત્મા રૂપાંતરિત થાય છે,
પરીઓનાં પ્રભાબિંબે ઓળંગાતો બને નંદન ઘોતતું,
અપેક્ષાના દીપ્ત દંડે પ્રકંપતો;
પરંતુ પરમાનંદ ન કશુંયે હજી પણ પિછાનતું.
અશ્રાંત મોદના ભાગી જતા હરખની મહીં
આ રૂપાળા પ્રદેશે સૌ વસ્તુઓમાં હતી દિવ્ય વિચિત્રતા,
જાદૂઈ પલટા કેરો એક આગ્રહ રાખતી.
વાડો અદૃશ્ય થાનારી કરી પાર,
કરીને પાર ક્ષેત્રોની સૂચનાઓ ઉતાવળી,
એના ચરણ પાસેથી સત્વર સરકી જતી
વીથિકાઓતણી વચે
યાત્રા એ કરતી 'તી ને એનો અંત ન વાંછતી:
વાદળામાં થઈ જેમ કરે કોઈ યાત્રા પર્વતને કટે
ને ગુપ્ત ગહનોમાંથી ઊઠી પાસે આવતો સ્વર સાંભળે
અદૃશ્ય ઝરણાંતણો,
તેમ ગૂઢાકાશ કેરે ભ્રમે ઘેરી સાવિત્રી ચાલતી હતી,
અશરીરી સ્પર્શોની લહેતી 'તી મનોજ્ઞતા,
માધુર્ય સુણતી કાને ઉચ્ચ આછા સ્વરોતણું ,
સુરીલા ને પ્રલોભાવી દેતા સાદે મુસાફરો
જાણે નિમંત્રતા હોય ઢુંઢતા પવનો પરે.
પુરાણું ને છતાં નિત્ય નવું જાણે હોય સંગીત એક કો,
તેમ હૃદયતંત્રીઓ પર એની
સૂચનાઓ રહી 'તી ભાવ પ્રેરતી,
મળ્યો વાસો ન 'તો તોય વિચારો તીવ્ર ભાવથી
પુરાવૃત્તિ રાખીને મને એના થઈ સક્ત ગયા હતા,
ક્ષત ના કરતી એવી કામનાઓ
સ્વર્ગ કરી સિતારી શી ગાતી હૃદયમાં હતી,
એના એ જ સ્વરૂપે ને સદા પૂર્ણ થયા વિના
સુખી કેવળ અસ્તિથી.
શકતું 'તું ટકી આમ સર્વ તોય
કશું આવી શકતું નહિ અસ્તિમાં.
મનની ન બની હોય દૃશ્ય એવી આ મનોહરતામહીં
એના અદભુતતાયુક્ત કિરણોએ સજયલો
સાવિત્રીની દૃષ્ટિ સામે સત્યવાન બન્યો હતો
કેન્દ્ર એ સૌન્દર્ય કેરી મનોમોહકતાતણું,
મુખી તલસતાં એનાં સ્વપ્નાંની સુષમાતણો
ને નાયક તરંગોનો એના ચૈત્ય-સ્વરૂપના.
ન પ્રભાવી પ્રતાપેય મુખનો મૃત્યુદેવના
ને ન એની નિરાનંદ વિષણ્ણતા
એ પલાયિત થાનારાં અંબરોના સ્પર્શાતીત પ્રભાવને
બનાવી શકતાં શ્યામ કે મારી શકતાં હતાં.
આવશ્યક કરી દેતો હતો સુંદરતાને અથ હાસ્યને;
વધુ ઉજજવલ ને વ્હાલો આનંદ બનતો હતો
વૃદ્ધિ પામી યમના ઘૂસરત્વથી;
એનું અસિત વૈષમ્ય કરતું 'તું તેજ આદર્શ દૃષ્ટિને,
અનુચ્ચારિત અર્થોને હૃદયાર્થે હતું ઘેરા બનાવતું;
પરમાનંદનો નિમ્ન કંપમાન સ્વર દુઃખ બન્યું હતું,
ક્ષણભંગુરતા કોર પ્લવમાન અમરતાતણી,
ઝભ્ભો પળેકનો જેમાં લાગતી એ હતી અધિક સુંદરી,
એનું વિરુદ્ધવર્ત્તિત્વ દિવ્યતાને એની તેજ બનાવતું.
રશ્મિ, ધુમ્મસ ને જવાલા કેરી સહચરી સખી,
ચંદ્રોજજવલ મુખે એક દીપ્તિમંતી ક્ષણ આકર્ષિતા થતી
પ્લવમાન વિચારોની વચ્ચે પ્રાયઃ એક વિચાર લાગતી,
આસપાસતણા સ્વપ્નસુખે અર્ધ-જિતાયલી
ચૈત્યના શુભ્ર ને અંતર્મુખી ચિંતન-મધ્યમાં
જોવમાં આવતી ભાગ્યે સ્વપ્નદર્શનિયા મને
જમીને એક જાદૂઈ થોડી વાર એ હતી ચાલતી છતાં
હજીયે નિત્ય ચૈત્યાત્માતણી એ સ્વામિની હતી.
ઊર્ધ્વે આત્મા હતો એનો સુમહાન સમાધિમાં,
જોતો 'તો એ બધું કિંતુ રહેતો 'તો સ્વકાર્યાર્થે પરાત્પર,
નિર્વિકાર સદા કેરા સ્થિર તારકના સમો.
મૃત્યુની શુભવાર્તા અને આદર્શની અસારતા
પછી પાછો એ પ્રશાંત અને પ્રશામ્ય અવાજ ગાજ્યો,--આશાનો વિનાશ કરતો ને જીવનનાં સોનેરી સત્યોને નિરસ્ત કરી નાખતો.
" પ્રકૃતિના બંદિ જીવ ! તું આ આદર્શના પ્રદેશોમાં અસાર અમૃતમયતાનો આનંદ લે છે તો ખરો, પણ જાણ કે તારી આસ્પૃહાઓ જ્યાંથી જન્મી છે તે આ જગત છે. જો આ અશરીરી દેવતાઓનાં હવાઈ અંગવસ્ત્રો જેવા ને જ્યોતિની ઝૂલ સમાન નાસભાગ કરતા આકારો. કદીયે નહિ જન્મેલી વસ્તુઓનો વિનોદ, આશા પ્રત્યે આલાપાતું આશાનું ગાન, વાદળાને વિલસાવતું વાદળું, છાયામૂર્ત્તિને મળવા જતી ઝંખના ભરી છાયામૂર્ત્તિ : કેવાં તેઓ પરસ્પર મધુરતાથી મળે છે ને મધુરતાથી એકબીજાનો પીછો લે છે. અહીંનું બધું જ ચકતી છાયાનો સ્વપ્નમાર્ગ છે.
તારી દૃષ્ટિનો નીલાકાશ રચે છે, મેઘધનુષ્યની કમાન આંકે છે, તારી મર્ત્ય લાલસા તારે માટે ચૈત્યાત્મા બનાવી દે છે. પ્રેમ તારા અભિલષતા દેહાણુઓનો એક આવેશ છે, લોલુપતાના સંતોષ માટે માંસ પાસે માંસને સાદ કરાવે છે, તારું મન પ્રત્યુત્તર આપતા મનને પ્રેરાઈને શોધે છે ને ક્ષણભર માની લે છે કે એને એનો સાથી મળી ગયો છે. જીવન આધાર શોધે છે, અન્યને જીવને પુષ્ટિવંતું બને છે, હૃદયને ને દેહને પોતાનું ભોજન બનાવે છે. પ્રેમના નાશવંત કીચડને સાજ સજાવવા માટે અમૃતાત્માની શાળ પર તેં આદર્શનું અંબર વણ્યું છે; પણ આદર્શ કદીયે વસ્તુતા પામ્યો નથી. દેહમાં પુરાતાં વાર એની આય ઓસરી જાય છે.
અશરીરી મનોહર આદર્શ દેખાય છે ભવ્ય પણ હોય છે મૂક. ચાલવા માટે એની પાસે પગ નથી, આપવા માટે હાથ નથી. દેખાવે એ ગમે તેટલો આકર્ષક હોય તો પણ છેવટે તો એ હવાઈ છે. કંઈ સંગીન હોય તો તે માત્ર પૃથ્વી જ છે. સ્વર્ગો હોય તો તે પોતાના પ્રકાશમાં લીન રહેલાં છે, કોઈ સનાતન સત્ય સત્તા ચલાવતું હોય તો તે પ્રભુના કોઈ એક અઘોર શૂન્યમાં. દુઃખની દુનિયામાં આદર્શ શી રીતે
પગલાં માંડવાનો હતો ? અહીં તો જડમાંથી બધું જન્મ્યું છે, જડ વડે પોષાય છે; અહીં બધું જ વૈતરું છે, ખાલી આશારૂપ છે, અહીંયાં થતી યાત્રા અમથી ટાંટિયાતોડ છે, ને લક્ષ્યસ્થાને માત્ર મૃત્યું છે.
અવતારો આવ્યા ને આવ્યા તેવા ગયા. ઋષિમુનિઓનાં ચિંતનોથી કશું વળ્યું નથી, પેગંબરોના પોકારો પોકળ હતા. પૃથ્વીલોક તો બદલાયા વિનાનો એવો ને એવો જ રહ્યો છે. એને પોતાની પતિતાવસ્થા પ્રિય છે, અને ગમે તેવી સર્વશકિત-મત્તાય એની અપૂર્ણતાનો અંત આણવા અસમર્થ છે. તું આદર્શની ઉપાસિકા બની છે, પ્રેમનો આદર્શ તું આરાધી રહી છે, પણ એ થોડીક ચમત્કારિતા બતાવીને પસાર થઈ જવાનો ને જગત હતું તેવું જ પાછું બની જવાનું. આ મુગ્ધ કરતું માધુર્ય, દિવ્ય લાગતો રોમાંચ, સોનેરી સેતુ, શાશ્વતી સાથે સંયોજક રજ્જુ,-આ બધું કેટલું નાજુક, કેટલું કમજોર, કેટલું તકલાદી છે ! સત્યવાન જો જીવતો હોત તો તારો પ્રેમ મૃત્યુ પામી ગયો હોત. પણ એ હવે મરણશરણ થયો છે ને પ્રેમ જીવશે. સત્યવાનનું તને પરિચિત મુખ ક્યાંયે વિલીન થઈ જશે ને એનું સ્થાન લેવા નવાં મુખો આગળ આવશે.
પ્રેમ ઓચિંતો પ્રકટ થાય છે ત્યારે માણસ એક સૂર્યલોકમાં પ્રવેશ કરે છે અને એને માટે બધું અદભુત બની જાય છે. પણ પ્રેમના ગુલાબમાં એક કીટ રહેલો હોય છે, ને તે એના રળિયામણા હૃદયને રંજાડી મૂકે છે. એકાદ શબ્દ, એકાદ કાર્ય એ દેવતાને દેહાંતદંડની શિક્ષા કરે છે. પ્રેમ દેવલોકના ખાદ્ય પદાર્થથી જ જીવી શકતો નથી. પૃથ્વીનો રસ એને જીવતો રાખે છે. પ્રેમનો હ્રાસ ને નાશ હજારો પ્રકારે થાય છે. આદર્શની આભાઓ ઓસરી જતાં ક્રૂર વસ્તુસ્થિતિ મનુષ્ય ઉપર મીટ માંડતી બની જાય છે.
આ વિટંબણામાંથી મૃત્યુએ તને તેમ જ સત્યવાનને બચાવી લીધાં છે. આ દગાખોર દુનિયામાં પશુજીવન જીવવા માટે એને પાછો બોલાવતી નહીં. મારા રાજ્યમાં એને આરામથી સૂવા દે, કેમ કે પ્રેમ સુધ્ધાં ત્યાં શાંતિની સોડમાં સૂતેલો છે.
તું પૃથ્વીલોક પ્રતિ પાછી વળ. સ્વપ્નમાં ગરક થઈ ગયેલા જીવને કઠોર જરૂરિયાતો કશાઘાત કરીને જગાડે છે. શુદ્ધમાં શુદ્ધ આનંદ જેવો આરંભાય છે તેવો અંત પણ અવશ્ય પામે છે. માટે મારી ગહન નિઃશબ્દ શાંતિમાં સર્વ સમર્પી દે ને સર્વ કાંઈ ભૂલી જા."
પણ કાળા કાળને સાવિત્રીએ ઉત્તર વાળ્યો :
" હે યમરાજ ! તેં તો જોખમકારક સંગીત શરૂ કર્યું ! થાકેલી આશાઓને તું તારી બંસરીથી પ્રલોભાવી રહ્યો છે. તારાં જૂઠાણાંમાં તેં સત્યના વિષાદભર્યા સ્વર ભેળવી દીધા છે. મારો પ્રેમ હૃદયની ભૂખ નથી, માંસમાટીની લાલસા નથી. એ આવ્યો છે પ્રભુ પાસેથી ને પ્રભુની પાસે પાછો જાય છે. જિંદગી ને મનુષ્ય ઘણું બધું વિકૃત બનાવી દે છે, છતાંય તે સર્વની મધ્યે દિવ્યતાનો મર્મરધ્વનિ સુણાય છે,
સનાતન ધામોનો ઉચ્છવાસ અનુભવાય છે. એક દિવસ આ મારું મહાન ને મીઠડું જગત દેવોના ઘોર કપટવેશો વેગળા કરશે, પાપ-પીડામાંથી બહાર નીકળશે, ને સાન્ત્વના પામેલાં આપણે જગદંબાનું મુખદર્શન કરીશું ને આપણા સરળ આત્માઓને એના ખોળામાં ઢાળી દઈશું. ત્યાર બાદ સ્વર્ગના રઢિયાળા રાગ સંભળાશે, ને એકલા દેવાત્માઓ જ નહીં પણ દાનવી જીવોય ઉદ્ધારાશે. મા એ પોતાના બળવાખોર બાળકોને માટેય પોતાના બાહુ પ્રસારશે.
છદ્મવેશધારી પ્રેમી આપણા આત્માઓને ગૂઢ બંસરી બજાવી આકર્ષશે. એ પ્રેમી મારે માટે સત્યવાન બનેલો છે. સૃષ્ટિના આરંભથી અમે નર-નારીનો પાઠ ભજવતાં આવ્યાં છીએ. અનેક જગતોમાં ને અનેક જન્મોમાં એ શિકારીની માફક મારી શોધમાં નીકળ્યો હતો ને હુંય એની દિશામાં અધીર વેગથી ધાતી હતી. માટે જો કોઈ વધારે આનંદમય દેવતા હોય તો પ્રથમ તે સત્યવાનનું સ્વરૂપ ધારે ને સત્યવાનના આત્મા સાથે એના આત્માને એકાકાર બનાવી દે. કેમ કે મારે માટે સત્યવાન જ મારું સર્વસ્વ છે, મારા હૃદયમાં એ એક દેવતા જ પ્રેમના સિંહાસને સમારૂઢ છે. યમરાજ ! આગળ ચાલ. આ ભૂતછાયાના બનેલા સુંદર દેખાતા જગતને વટાવી આગળ ચાલ. હું અહીંની નિવાસિની નથી."
પણ મૃત્યુદેવે પોતાનો પ્રશાંત ને પીડક પ્રભાવ શબ્દોમાં ભરી સાવિત્રીના હૃદય ઉપર પ્રહાર કર્યો :
" તું તારા વિલસંતા વિચારોના ભ્રમમાં રહે છે, અધાત્મદોરે બંધાયેલી બંદી બનીને ઘસડાય છે. તું તારી ઇન્દ્રિયોના સંકલ્પની દાસી છે, હૃદયના ગાઢાનુરાગે ભર્યા તારા શબ્દોને ગરુડની જેમ સૂર્યના સમાગમ માટે ઊંચે ઉડાડે છે, પગ રાગાવેગી હૃદયમાં જ્ઞાન વસતું નથી. પૃથ્વી ઉપર સ્વર્ગની રચના કરવાની તારી આકાંક્ષા અર્થરહિત છે. આદેશ ને ભાવનાની રચના કરનારું મન જિંદગીના ગર્ભમાંથી જન્મેલું અન્નમયનું બાળક છે. આકાશમાં એની ગતિ ભવ્ય પ્રકારની હોવા છતાં પૃથ્વી ઉપર એ પંગુ બની જાય છે. બંડખોર પ્રાણને એ ભાગ્યે જ ઘડી શકે છે, ઇન્દ્રિયોના ઘોડાઓને એ જવલ્લે કાબૂમાં રાખી શકે છે. સ્વર્ગ સામે એ મીટ તો માંડે છે, પણ એનાં કર્મ કાચી ધાતુના જેવાં જ હોય છે. જડદ્રવ્ય જ સર્વ કાંઈ છે. મન ને પ્રાણના પરવારી ગયા પછી એ એકલું જ બાકી રહે છે ને જો એનો અંત આવે તો બધું જ અંત પામી જાય છે.
તારો આત્મા મન-માળીના બાગનું એક ફૂલ છે--જડપદાર્થની ક્યારીમાં ઉત્પન્ન થયેલું. તારા વિચાર એ જડદ્રવ્યની કિનાર આગળથી પસાર થતાં રશ્મિઓ છે, તારો પ્રાણ એ દ્રવ્યના દરિયામાં ઊછળીને શમી જતો તરંગ છે. જડદ્રવ્ય મનને ઈન્દ્રિયોને ખીલે બાંધી રાખે છે, પ્રાણની તરંગ ધૂનોને ભારેખમ નિત્યક્રમ સાથે ચપસી રાખે છે, પ્રાણીઓને નિયમને દોરે બાંધી રાખે છે. જડદ્રવ્યના ખડકમય પાયા ઉપર બધું ઊભું છે, ને એ પડી ભાગે તો બધુંય પડી ભાગે છે. તેમ છતાં જડ-
દ્રવ્યેય એક આભાસ છે, પ્રતીક છે, શૂન્યાકાર મીડું છે. એનું સ્વરૂપ એક શકિતના નૃત્યનું આવરણ બની છેતરે છે. અવાસ્તવિક કાળનું એ નક્કર લાગતું મુખ છે, અવકાશની રિક્તતાને અંકિત કરતું બિન્દુઓનું ક્ષરણ છે. સ્થાયી લાગતી ગતિમાંય છેવટે તો પલટો આવે છે, ને છેલ્લામાં છેલ્લો પલટો છે મૃત્યુ.
આ બધું આભાસી શકિતના આભાસી આકારો છે. મૃત્યુદેવની દયા હોય છે ત્યાં સુધી શ્વાસોચ્છવાસ લઈ બધું ક્ષણભર જીવે છે. અચિત્ દ્રવ્યની કૃપાથી વિચાર ને ક્રિયા ચાલે છે. ઓ વિચારની ગુલાબી વિલાસિતાની વ્યસની ! મનોમય સ્ફટિકમાં દેખાતાં દર્શનદૃશ્યો જોવા દૃષ્ટિને અંતર્મુખી કરતી નહીં. નયનો નિમીલિત કરીને દેવસ્વરૂપોનાં સ્વપનાંમાં સરતી નહીં. આખર આંખો ઉઘાડવાનું કબૂલ ને તું તથા તારું જગત જે સામગ્રીનાં બન્યાં છો તે જો.
અચિત્ શૂન્યકારમાં અચિત્ એવું કંઈક હાલતું ચાલતું જન્મ્યું. એને પોતાના સત્યથી સંતોષ ન થયો. એના અજ્ઞાન હૃદયમાંથી એવું કંઈક જન્મ્યું કે જે જોતું હ્ત, સંવેદતું હતું, પરમ કરતું હતું. એણે પોતાની ચેષ્ટાનું નિરિક્ષણ કર્યું ને ભીતરમાં એક જીવાત્માની કલ્પના કરી. સત્ય માટે એ ભંભોળવા મંડયું ને આત્માના ને પ્રભુના સ્વપ્નમાં એ સરકી ગયું.
બધું અચેતન હતું ત્યારે બધું ઠીક હતું, મારું--મૃત્યુનું રાજ્ય ચાલતું ને શાંત અસંવેદી હૃદયે હું બધી યોજનાઓ ઘડતો. પણ પછી તો ત્યાં વિચારે પ્રવેશ કર્યો અને એણે વિશ્વની સંવાદિતાને વણસાવી મારી. કેમ કે હવે તો જડદ્રવ્ય આશા રાખવા માંડયું, વિચાર સેવવા લાગ્યું ને સંવેદનોનો અનુભવ કરતું બની ગયું, નસોમાં હર્ષ-શોકનો સ્રોત્ર શરૂ થયો, મનમાં એક અજ્ઞાન દૈવત જાગી ઊઠ્યું. આખી કુદરત ડામાડોળ થઈ ગઈ ને એની પુરાણી શાંતિનો લોપ થયો. જીવનની સુખદુઃખની જાળમાં ઝલાયેલા જીવો અસ્તિત્વમાં આવ્યા. જડદ્રવ્યની નિદ્રાનું, મનની મર્ત્યતાનું, પ્રકૃતિના પિંજરમાં મૃત્યુની રાહ જોતા જીવોનું, ઢૂંઢતા અજ્ઞાનમાં પડેલી ચેતનાનું દૃશ્ય ઊભું થયું. આ જગતમાં અટવાયેલી તું હરેફરે છે--ગૂંચવાયેલા માનસ માર્ગો પર, અંત વગરના જીવનના નિષ્ફળ ચકરાવામાં તારા ચૈત્યાત્માને શોધે છે ને અહીંયાં પ્રભુ છે એવું માની લે છે. પણ આ જડસા યંત્રમાં આત્માને માટે સ્થાન ક્યાં છે ? પ્રભુ માટે અવકાશ ક્યાં છે ? ગેસ, જીવદ્રવ્ય, શુક્રાણું ને જાતિ-નિર્ણાયક તત્ત્વમાંથી તું જન્મી છે. મનની મહાકાય મૂર્તિને તું પ્રભુ નામ આપે છે. અજ્ઞાનના વિરૂપિત કરતા અરીસામાં તારી ચેતના આસપાસના જગતનું પ્રતિબિંબ પાડે છે ને કલ્પનાના તારા જોવા દૃષ્ટિ ઊંચે વાળે છે. તારા આત્મા માટે તું અમરતાનો દાવો કરે છે, પરંતુ અપૂર્ણ માનવ-પગલે પગલે પોતાને હાનિ પહોંચાડતો દેવ--અમર થાય તો એનું દુઃખ પણ અમર બની જશે. જ્ઞાનનો ને પ્રેમનો તું દાવો કરે છે, પણ જ્ઞાન તો છે ભ્રમણાની બનાવટ ને પ્રેમ છે પૃથ્વીના રંગમંચ ઉપર અંગછટાનો પ્રદર્શક. પરીઓના
નૃત્યનું એ ઉત્સાહથી અનુસરણ કરે છે. એ છે હૃદયમાં રહેલું મધ ને વિષ, જે દેવ-લોકનું અમૃત મનાય છે ને પિવાય છે.
વળી પૃથ્વીલોકનું માનુષી જ્ઞાન કોઈ મોટી ગૌરવશાળી શકિત નથી, ને પાર્થિવ પ્રેમ સ્વર્ગધામમાંથી ઊતરેલો કોઈ ધુતિમંત દેવતા નથી. એમની પાસે જે પંખો છે તે છે મીણની ને જો એ સૂર્યની ગમ વધારે આગળ ઊડવા જાય તો પીગળી જાય છે તેઓ પડે ને પછડાય. દિવ્ય જ્ઞાનનું રાજ્ય પૃથ્વી ઉપર હોતું નથી. દિવ્ય પ્રેમ પૃથ્વી ઉપર પ્રાપ્ત થતો નથી, ને સ્વર્ગમાં પણ એ હશે કે કેમ તેની ખાતરી નથી. તારું મન જડદ્રવ્યની એક ચાલાકી છે ને તે છતાંય તું તારી જાતને એક દેદીપ્યમાન સૂર્ય માની બેઠી છે. તારું જીવન એક સત્વર પસાર થઈ જતું ભવ્ય સ્વપ્ન છે, સુખશર્મના ને સુપ્રભાતના એક કિરણથી અંજાઈ ગયેલા તારા હૃદયની એક ભ્રમણા છે. પગ મૂકી ઊભા રહેવાની જમીન જાય છે ત્યારે જડદ્રવ્યનાં એ સર્વ સંતાનો અવસાન પામે છે. અને શકિત એટલેય શું ? એ છે માત્ર પુરાણા શૂન્યાકારમાં ચાલી રહેલી એક ચેષ્ટા. બધું જ સ્વપ્નમાંના એક સ્વપ્ન જેવું છે. આદર્શ મનનો એક રોગ છે, તારી વાણીનો ને વિચારનો સંનિપાત છે, તને ખોટી દૃષ્ટિએ ઉઠાવનાર સૌન્દર્યનું સુવિચિત્ર માદક મઘ છે. તારા અભિલાષની બનેલી કપોલકલ્પિત ઉદાત્ત કથા તારી માનુષી અપૂર્ણતામાં ભાગીદારી રાખે છે. એને કદીય સ્વર્ગીય સ્વરૂપ પ્રાપ્ત થવાનું નથી, કાળમાં એ કદીય પ્રત્યક્ષ સિદ્ધ થવાની નથી.
તો ઓ વિચારોની વૈભવી ભવ્યતાથી ભરમાયેલા જીવ ! સ્વર્ગનાં સ્વપ્ન સેવતા ઓ પૃથ્વી પરના પ્રાણી ! પૃથ્વીલોકના ધર્મને અધીન થા. તારા આયખાના દિવસો પર જે પ્રકાશ પડે તેનો સ્વીકાર કર. જીવન જેટલો આનંદ આપવા માગતું હોય તેટલો આનંદ લઈ લે, નસીબના ચાબખા પડે તો તે કસોટી કબૂલ કર, જે જે શ્રમ કરવા પડે તે કર, જે જે શોક સહેવો પડે તે સહી લે, જે જે ચિંતાઓમાંથી પસાર થવું પડે તે તે ચિંતાઓમાંથી પસાર થા. આખરે તો મારી શાશ્વત નિદ્રાની શાંતિ તારે માટે આવશે ને તારા ભાવાવેશ ભર્યા હૃદયને નીરવ બનાવી દેશે. પછીથી તું જેમાંથી આવેલી છે તે મહામૌનની નિઃશબ્દતામાં વિલીન થઈ જશે."
અપ્રાશામ્ય અને શાન્ત પછી ગાજ્યો અવાજ
નિરસ્ત કરતા આશા, જિંદગીનાં સ્વર્ણ સત્યો વિલોપતા
સ્વરભારો પ્રાણહારી કરતા ઘા કંપમાન હવા પરે.
પેલો લોક મનોહારી થઇ ઓછો નાજુક તરતો હતો
અચંદ્ર સંધિકાઓના અંધારાની ઝાંખી કિનારની પરે
પ્રાયઃ વિદાયવેળાની અલ્પજીવી મુકતામય વિલાસ શો.
" બંદી પ્રકૃતિ કેરો ઓ બહુદર્શનથી સજ્યા,
વિચાર કરતા જીવ આદર્શના પ્રદેશમાં,
સૂક્ષ્મભાવી ચમત્કારી માનવીને મને જેને રચેલ છે
તે અવાસ્તવતા યુક્ત અમૃત્વે તારા આનંદ માણતા,
છે આ જગત જેમાંથી આસ્પૃહાઓ તારી ઉદય પામતી.
જયારે એ રચતો ધૂળમહીંથી શાશ્વતત્વને
વિચાર માનવી ત્યારે ભ્રાંતિ દ્વારા પરિષ્કૃતા
પ્રતિમાઓ પર રંગ ચઢાવતો;
પોતે કદી ન જોવાનો જેમને તે
મહિમાઓ ભાખતો એ અગાઉથી,
પરિશ્રમ કરે સૌમ્ય પ્રકારે એ પોતાનાં સ્વપ્નની વચે.
જો આ રૂપો જતાં ભાગી જ્યોતિની ઝાલરો લઈ,
અમૂર્ત્ત દેવતાઓનાં જો વસ્ત્રો આ હવાઈ જે;
જન્મી શકે કદી ના જે એવી ચીજોતણું જો આ પ્રહર્ષણ,
આશાને ટહુકારે છે આશા જો આ પ્રસન્નામર મંડળી;
મેઘને મેઘ સંતોષે,
ઝંખતી છાયની પ્રત્યે સમાધુર્ય ઝૂકે છાય લળી લળી,
સમાધુર્ય સમાસ્લિષ્ઠા, સમાધુર્ય અનુધાવિત થાય, જો.
બન્યો આદર્શ જેમાંથી તે ઉપાદાન-દ્રવ્ય આ:
વિચાર રચનાકાર, હૃદયેચ્છા એની આધારભૂમિ છે,
એમના સાદને કિન્તુ નથી સાચું કશું ઉત્તર આપતું.
ન આદર્શ વસે સ્વર્ગે, ન વસે પૃથિવી પરે,
છે એ માનવના આશોત્સાહ કેરો એક ઉન્માદ ઊજળો
પોતાના જ મનોમોજી તરંગોને મધે મત્ત બનેલ જે.
છે એ લસંત છાયાની સરણી સ્વપ્નની બની.
તારી દૃષ્ટિતણી ભ્રાંતિ નભો નીલમિયાં રચે,
તારી દૃષ્ટિતણી ભ્રાંતિ વૃત્તખંડ આંકે મેઘધનુષ્યનો;
મર્ત્ય તારી લાલસાએ તારે માટે આત્મા એક રચેલ છે.
તારે દેહે ફિરસ્તો આ જેને તું પ્રેમ બોલતી,
તારા ભાવતણા રંગોથકી જેહ નિજ પાંખો બનાવતો,
ખમીરે દેહના તારા તેનો જન્મ થયેલ છે,
ને એનું ઘર છે એવા દેહ સાથે એનું મૃત્યુ અવશ્ય છે.
છે ભાવાવેશ એ તારા જીવકોષોતણો ઝંખનથી ભર્યા,
છે હાડમાંસ એ સાદ કરતું હાડમાંસને
લાલસા નિજ પૂરવા;
એ તારું મન છે શોધે છે જે એક મન ઉત્તર આપતું
ને કલ્પી ક્ષણ લે છે કે એને સાથી પોતાનો પ્રાપ્ત છે થયો;
એ તારી જિંદગી છે જે માર્ગ આલંબ માનુષી
ટકાવી રાખવા માટે જગ મધ્યે અટૂલા અબલત્વને
કે એ અન્યતણે પ્રાણે ભક્ષ દે નિજ ભૂખને.
શિકાર શોધતું છે એ કો જનાવર જંગલી
થંભી જાતું લપાઈ જે
ફૂલે ભવ્ય પ્રફુલ્લેલી ઝાડીમાં પેંતરો રચી
ઝડપી ભક્ષ્યને માટે લેવા હૃદય-દેહને :
આ જનાવરને કલ્પી લે છે અમર, દેવ તું.
માનવી મન ! તું વ્યર્થ યાતના દે ઘડી કેરા પ્રમોદને
અનંતતાતણી દીર્ધ રિક્તતામાં થઈ વિતતિ પામવા
અને દેવો ભરી એના રૂપહીન ભાવરહિત ખાધરા,
અચેત ગર્તને રાજી કરી નાશવંત છે જેહ વસ્તુઓ
તેમને શાશ્વતી કેરો સ્થાયી ભાવ સમર્પવા
તારા હૈયાતણી ભાંગી જનારી હિલચાલને
ઠગે છે તું બહાનાએ તારા આત્માકેરી અમરતાતણા.
બધું હ્યાં બ્હાર આવે છે પ્રકટી શૂન્યતાથકી;
ઘેરાયેલું ટકે છે એ રિક્તતાને કારણે અવકાશની,
ઉદ્ ધૃત ક્ષણ માટે એ એક અજ્ઞાન શકિતથી,
પછી ધબી જતું પાછું જન્મ એને દેનારા શૂન્યની મહીં :
કેવળ મૂક એકાકી હોઈ હમેશનો શકે.
પ્રેમ માટે નથી સ્થાન એ એકમાત્રની મહીં.
વિનાશી પ્રેમનો પંક વાઘાઓએ સજાવવા
ઉછીની અમરાત્માની શાળે છે તેં વૃથા વણ્યો
જામો આદર્શનો ભવ્ય ભભકાએ ભર્યો ઝાંખો થતો ન જે.
આદર્શ ના કદી સિદ્ધ છે કરાયો હજી સુધી.
રૂપે બંદી બનેલો ના જીવી એ મહિમા શકે;
પિંડ મધ્યે પુરાતાં એ શ્વસવાને નથી સમર્થ સર્વથા.
અસ્પર્શગમ્ય, આઘેનો, નિત્ય શુદ્ધસ્વરૂપ એ
રાજા પોતાતણી દીપ્તિધારીણી રિક્તતાતણો
અનિચ્છુ ઊતરે છે એ નીચે ભૂતલ-વાયુમાં
નિવાસ કરવા માટે માનવીના હૈયાના શુભ્ર મંદિરે :
એને હૈયે પ્રકાશે એ પ્રિરિત્યક્ત એના જીવનથી થઈ.
અવિકારી, અશરીરી, સુન્દર, ભવ્ય, મૂક એ
ચેષ્ટારહિત રાજે છે નિજ સિંહાસને સુપ્રભ શોભતા;
હોમ ને પ્રાર્થના મૂગો એ સ્વીકારે મનુષ્યની.
ઉત્તર આપવા માટે માનવીને એની પાસે અવાજ ના,
ચાલવાને નથી પાય, ઉપહારો લેવા માટે નથી કરો :
હવાઈ પ્રતિમા છે એ નવસ્ત્રા ભાવનાતણી,
અશરીરી દેવની એ અક્ષતા પરિકલ્પના,
એનો પ્રકાશ પ્રેરે છે ચિંતાશીલ મનુષ્યને
સર્જવા ભૌમ સાદૃશ્ય વસ્તુઓનું વધુ દિવ્યસ્વરૂપિણી.
પ્રતિબિંબ પડે એનું રંગાયેલું કર્મો પર મનુષ્યનાં;
એનાં સ્મારક રૂપે છે સંસ્થાઓ માનવીતણી,
એને નામે મતું મારે છે મનુષ્ય
મરીને પરવારેલી પોતાની રૂઢીઓ પરે;
સદગુણો માનવી કેરા આકાશીય જામો આદર્શનો ધરે
ને એના મુખની રૂપરેખા કેરું પ્રભામંડલ ધારતા:
એમની ક્ષુદ્રતાને એ છુપાવે દિવ્ય નામથી.
છતાં એ ઊજળું બ્હારનું પૂરતું ના છુપાવવા
દૃષ્ટિ એમની પૃથ્વીલોક કેરી બનાવટ :
માત્ર છે પૃથિવી ત્યાં ને નથી પ્રભવ દિવ્ય કો.
હોય જો સ્વર્ગલોકો તો સ્વપ્રકાશે છે તેઓ આવરાયલા,
હોય શાશ્વત જો સત્ય તો અજ્ઞાત ક્યાંય છે રાજ્ય એહનું
અફાટ પ્રભુને શૂન્યે એ પ્રદીપ્ત રહેલ છે;
કાં કે સત્ય પ્રકાશે છે અસત્યોથી દૂર દૂર જગત્ તણાં;
દુઃખી પૃથ્વી પરે સ્વર્ગો શી રીતે ઊતરી શકે
કે તણાતા જતા કાળે કરે વાસ કઈ રીતે સનાતન ?
આર્ત્ત પૃથ્વીતણી ભોમે કઈ રીતે આદર્શ પગ માંડશે,
છે જ્યાં શ્રમ અને આશા રૂપ કેવળ જિંદગી,
જડદ્રવ્યતણું બાળ પોષતું જડ દ્રવ્યથી,
ચૂલાના સળિયા નીચે બળતો મંદ અગ્નિ જ્યાં,
જ્યાં મૃત્યુલક્ષ્યની પ્રત્યે થક્વંતું ઘસડાતે પગે જવું ?
અવતારો વૃથા જીવ્યા ને મરી ગયા વૃથા,
ચિન્તના મુનિની વ્યર્થ ગઈ, વ્યર્થ ગઈ વાણી નબીતણી;
વ્યર્થ દેખાય છે ઊર્ધ્વગામી પંથ પ્રકાશતો.
ભ્રમંત સૂર્યની નીચે બદલાયા વિનાની છે ધરા પડી;
એને પતન છે વ્હાલું પોતાનું ને કોઈ સર્વસમર્થતા
મર્ત્ય અપૂર્ણતાઓ ના એવી લુપ્ત કરી શકે,
સીધી લીટી સ્વર્ગ કેરી બળાત્કારે
લાવી નવ શકે વક્ર અજ્ઞાને માનવીતણા,
કે મૃત્યુલોકને દેવલોક કેરો અધિવાસ કરી શકે.
યાત્રીણી ઓ ! આરૂઢા સૂર્યને રથે.
મહાપૂજારીણી ! કલ્પના પવિત્ર મંદિરે,
જે ધારા-ધાબામાં ધર્મવિધિથી એક જાદુઈ
અર્ચે આદર્શ ને શાશ્વત પ્રેમને,
શું છે આ પ્રેમ તે જેને દેવરૂપ તારો વિચાર આપતો,
આ પુરાણકથા પુણ્ય ને આખ્યાન અમર્ત્ય આ ?
એ તારી માંસમાટીની છે સચેતન ઝંખના,
ને તારી નસનાડીનું છે યશસ્વી પ્રદીપન,
સ્વપ્નપ્રભાવી છે એ ગુલાબ
પાંખડીઓ ધરતું તુજ માનસે,
તારા હૈયાતણો છે એ મહાહર્ષ રક્ત રુચિર રાજતો,
ને હૈયાની છે એ તારી રિબામણી.
એ રૂપાન્તર ઓચિંતું છે તારા દિવસોતણું,
પસાર થઈ જાતું એ અને જેવું હતું રહે જગત્ .
ધારે છે એ મનોહારી માધુરીની ને સાથે વેદનાતણી,
એના ઝંખનનો રોમહર્ષ એને દિવ્યરૂપ બનાવતો,
વર્ષોનાં ગર્જનો માથે નંખાયેલો છે એ સેતુ સુવર્ણનો,
તને શાશ્વતતા સાથે બાંધી દેનાર દોર એ.
ને છતાં અલ્પકાલીન અને ભંગુર કેટલો !
દેવોએ માનવી માટે વેડફેલો
કેટલો શીઘ્ર ખર્ચાઈ જતો ભંડાર આ અહો !
આત્માનું આત્મ સાથેનું આ સામીપ્ય સુખે ભર્યું,
દેહના સહચારિત્વમાંથી આ મળતું મધુ,
આ હર્ષ અતિ-ઉત્કૃષ્ટ, આ શિરાગત સંમુદા,
આ ઉદભાસમ આશ્ચર્યકારી ઇન્દ્રિયવર્ગનું
વેડફાઈ કેટલું શીઘ્ર જાય છે !
પ્રેમ મરી ગયો હોત, સત્યવાન જો રહ્યો હોત જીવતો;
સત્યવાન મરી કિન્તુ ગયેલ છે
ને શોકગ્રસ્ત હૈયામાં તારા થોડીવાર પ્રેમેય જીવશે,
સ્મૃતિની ભીંતથી એનું મુખ ને દેહ જ્યાં સુધી
નહીં ભૂંસાય ત્યાં સુધી,
જે ભીંતે આવશે અન્ય દેહો ને આવશે મુખો.
ઓચિંતો પ્રેમ ઊઠે છે ફાટી જે વાર જીવને
ને વારે સૂર્યને લોકે પ્હેલવ્હેલો મૂકે છે પાય માનવી;
પોતાના તીવ્ર ભાવે એ સંવેદે છે પોતાના દિવ્ય તતત્વને:
પરંતુ પૃથ્વી કેરો એકમાત્ર ટુકડો રળિયામણો
તડકાએ છવાયલો
સ્વર્ગના પ્રસ્ફુોટ કેરું રૂપ અદભુત ધારતો.
સર્પ ત્યાં હોય છે, કીડો હોય છે ત્યાં હૈયામાંહ્ય ગુલાબના.
હણી દેવને નાખે એ શબ્દ એક, કૃત્ય એક ક્ષણેકનું;
છે સન્દેહે ભરી એની અમર્ત્યતા,
હજાર માર્ગ છે એને પીડાવાના ને મૃત્યુ પામવાતણા;
એકલા દિવ્ય આહારે પ્રેમ જીવી શકે નહીં,
પૃથ્વીના રસથી માત્ર જીવતો એ રહી શકે.
કેમ કે ગાઢ તારો જે હતો ભાવ
તે કામુક હતો માંગ સંસ્કારી ઓપથી સજી;
હતો એ દેહની ભૂખ, હૈયાની ભૂખ એ હતો;
તારી જરૂર થાકે ને અટકે કે વળે અન્ય દિશા ભણી
કે ભેટો પ્રેમને થાય કટુ દ્રોહે ઘોર નિર્ઘ્રુણ અંતનો,
કે કેરી અળગાં નાખે રોષ કઠોર ઘા કરી,
કે ના સંતોષ પામેલી ઈચ્છા તારી વળે અન્ય જનો પ્રતિ,
જયારે પ્રથમ પ્રેમનો
આનંદ ઢળતો નગ્ન બનેલો ને હણાયલો :
લેતી ધગશનું સ્થાન મંદ એક વિરક્તતા
કે વ્હાલી લાગતી એક ટેવ પ્રેમ કેરી વિડંબના કરે :
બાહ્ય એક ટકી રે'તી એકતા અસુખે ભરી,
કે જીવનતણો મધ્યમાર્ગ રૂઢ બની જતો.
દિવ્ય સાહસના દ્વારા સ્વર્ગની શકિતઓતણા
અધાત્મ ભૂમિકા કેરા એક આભાસની મહીં,
એકવાર નખાયું 'તું બીજ જ્યાં એકતાતણું
ત્યાં સંઘર્ષે મચે છે બે સદા કેરા સાથીઓ હર્ષના વિના,
બે અહંકાર બાંધેલા પટે એક તાણાતાણી કર્યે જતા,
મન બે ભેદ પામેલાં વિચારોએ પોતાના ઝગડયે જતા,
હમેશાં અળગા એવા જીવો બે ભિન્ન ભાવના.
આમ આદર્શ જાયે છે બની જૂઠો જગતે માનવીતણા;
નગણ્ય અથવા ઘોર લઈ રૂપ ભ્રમનો ભંગ આવતો,
કઠોર વસ્તુતા જિંદગીની મીટ માંડે છે આત્મની પરે :
અમુર્ત્ત કાળમાં ભાગે મોકૂફ સ્વર્ગની ઘડી.
આમાંથી તુજને મૃત્યુ બચાવે છે, બચાવે સત્યવાનને:
જાતમાંથી થઈ છટો છે સલામત એ હવે;
જાય છે એ કરી યાત્રા મૌનમાં ને મહાસુખે.
પાછો બોલાવ ના એને દ્રોહોમાં દુનિયાતણા,
દીનહીન અને ક્ષુદ્ર જિંદગીની પ્રત્યે પશુ-મનુષ્યની.
દે નિદ્રા સેવવા એને પ્રદેશોમાં મારા શાંત વિશાળવા
મૃત્યુ કેરા મહામૌન સાથે સંવાદમાં રહી,
જહીં શાંતિતણે હૈયે પોઢી રહેલ છે.
અને તું એકલી પાછી વળ તારા ક્ષણભંગુર લોકમાં :
જ્ઞાનથી તુજ હૈયાને શિક્ષા આપ, પડદો દૂર દે કરી,
સ્પષ્ટ જીવંત શૃંગોએ ઉદ્ધારાયો જો તું તારા સ્વભાવને,
શિખરોથી ન કલ્પેલાં કર દૃષ્ટિ સ્વર્ગ કેરા વિહંગની.
કેમ કે જવ સ્વપ્નાને નિજાત્મા તું સમર્પશે,
અવશ્યંભાવિતા તીવ્ર તને તુર્ત સપ્રહાર જગાડશે;
આરંભ શુદ્ધમાં શુદ્ધ છે આનંદતણો થયો
અને અંત પણ એનો અવશ્ય છે.
જાણશે તુંય કે નાખ્યા વિના એકેય લંગર
હૈયું તારું લઈ ગોદે આત્મા તારો નિત્યના સાગરોમહીં
રાખે નિબદ્ધ એહને.
યુગચક્રો વૃથા તારા મનનાં દીપ્તવૈભવી.
ભૂલી જા હર્ષ, ભૂલી જા આશા, જા ભૂલી અશ્રુઓ,
ને સુખી શૂન્ય કેરા ને નિઃશબ્દા સ્થિર શાંતિના
મહાગહન હૈયામાં સમર્પી દે
તારા ભાવાવેશે પૂર્ણ સ્વભાવને,
સોંપાયેલો મારી નિગૂઢ શાંતિને.
ભૂલી જા સૌ બની એક અગાધ મુજ શૂન્ય શું.
તારા નિષ્ફળ આત્માની શકિત કેરો ભૂલી જા તું વૃથા વ્યય,
ભૂલી જા ચકરાવો તું પરિશ્રાંત સ્વજન્મનો,
હર્ષ, મથન ને પીડા ભૂલી જા તું,
ભૂલી જા તું ખોજ અધ્યાત્મની સંદેહથી ભરી,
જે ખોજનો થયો પ્હેલો પ્રારંભ ભુવનો યદા
ઊઠયાં પ્રસ્ફોટ પામીને ગુચ્છો શાં અગ્નિ-પુષ્પનાં,
ને પ્રજવલંત ને પ્રૌઢ વિચારોએ મનના વ્યોમમાં થઈ
યાત્રાનો ક્રમ આદર્યો,
અને કાળ અને એના કલ્પો પ્રસર્પતા થયા
બૃહતોના પટો પરે,
અને જીવો લઈ જન્મ પ્રકટયા મર્ત્યતામહીં."
ઉત્તર કિન્તુ સાવિત્રી દેતી તામસ શકિતને :
" હે મૃત્યુ ! છે મળ્યું હાવે તને સંગીત કારમું
દુઃખ સુસ્વરતાવાળા વાણી તારી પિગાળતું,
આશાઓ પાસ થાકેલી બજાવીને તારી મોહક બંસરી
સંભળાવી રહ્યો છે તું જૂઠાણાંઓ
ભેળવીને સત્ય કેરા વિષાદી રાગ તે મહીં.
મના પરંતુ છે મારી
તારા અવાજને મારા આત્માને હણવાતણી.
મારો પ્રેમ નથી હૃદયની ક્ષુધા,
મારો પ્રેમ નથી માંસમાટીનો એક લાલસા;
આવેલો પ્રભુમાંથી એ મારી પાસે પ્રભુ પાસે જશે ફરી.
જીવને ને મનુષ્યે જે કર્યું વિકૃત છે બધું
તેમાંયે સંભળાયે છે હજી કણે જપ સ્વર્ગીયતાતણો,
શાશ્વત ભુવનોમાંથી આવનારો પ્રાણોચ્છવાસ લહાય છે.
સ્વર્ગ-સંમત, માનુષ્ય માટે આશ્ચર્યથી ભર્યો
મધુરો એક આગ્નેય લય ભાવપ્રકર્ષનો
સ્તવનો પ્રેમનાં કરે.
છે આશા એક ઉદ્દામ ને અનંત એના પોકારની મહીં,
વિસ્મૃત શિખરોએથી આવનારાં આહવાનોથી ધ્વનંત એ,
ને જયારે એહના રાગો શમી જાય
ઊર્ધ્વ-પાંખે ઊડનારા જીવો માટે એમના સ્વર્ગધામમાં
ત્યારેયે જલતો એનો પ્રાણોચ્છવાસ રહે છે પાર જીવતો,
અદૃશ્ય અંબરો મધ્યે પ્રજવલંતા સદાયે શુદ્ધ રૂપમાં
સૂર્યો કેરા પ્રહર્ષોએ પૂર્ણ અંતરની મહીં
સ્વરરૂપે શાશ્વતી સંમુદાતણા.
દિન એક નિહાળીશ મારા મોટા અને મધુર વિશ્વને
દેવોના છળવેશોના ઘોર વાઘા ઉતારતું,
ત્રાસનો બુરખો કાઢી નાખતું ને
પાપકેરો જામો દૂર ફગાવતું.
પ્રશન્ન આપણે જાશું મુખ પાસે આપણી અંબિકાતણા,
આપણા સરલાત્માઓ એને અંકે સમર્પશું;
લીધી છે પૂઠ જેની તે સંમુદાને લઈને બાહુમાં તદા,
દીર્ધ સમાથકી જેને શોધ્યો છે તે દેવે ત્યારે પ્રકંપશું,
અનપેક્ષિત તે વારે પામશું સૂર સ્વર્ગનો.
માત્ર વિશુદ્ધ દેવોને માટે આશા ન એકલી;
એક હૈયાથકી રોષભેર જેઓ નીચે કૂદી પડયા હતા,
ચૂકયા 'તા શુભ્ર દેવો જે તેની સંપ્રાપ્તિ સાધવા
તે ઉગ્ર તિમિરે ગ્રસ્ત દેવતાઓ સુધ્ધાંયે છે સુરક્ષિત;
એક માતાતણી આંખો ઠરી છે તેમની પરે
ને જે પ્રેમે પ્રસારેલા હસ્ત છે તે
સ્વ-વિદ્રોહી સુતોનીય સ્પૃહા કરે.
એક આવ્યો હતો નિત્ય પ્રેમ, પ્રેમી અને પ્રિયતમા બની,
એણે રચી હતી પોતા માટે ક્રીડાભૂમિ આશ્ચર્યકારિણી
અને ગૂંથ્યા હતા તાલો એક અદભુત નૃત્યના.
તહીં નૃત્યતણાં ચક્રો ને જાદૂઈ વલણોમાંહ્ય આવતો
એ આકર્ષણને યોગે, પ્રતિવારિત ભાગતો.
એના મનતણાં વક્ર સ્વચ્છંદી પ્રેરણોમહીં
અશ્રુનું મધુ આસ્વાદે, પરિતપ્ત હર્ષને હડસેલતો,
એ હસે છે અને રોષે ભરાય છે,
અને સંગીત તૂટેલું બન્નેયે આત્મનું બને,
ને સમાધાન સાધી એ શોધી કાઢે સ્વર્ગીય લય છંદનો.
વર્ષોનો પટ વીંધીને હમેશાં એ આવે છે પાસ આપણી,
પુરાણું જ છતાં મીઠું નવીન મુખડું ધરી.
અર્પે આપણને હાસ્ય મુદા એની, કે છુપાઈ નિમંત્રતી,
જ્યોત્સ્નાને ઝીલતી ડાળોવાળાં સ્પંદમાન કાનનમાંહ્યથી
સુણાતા દૂરના સૂર મનોહારી અદૃશ્ય બંસરીતણા
લલચાવી જતા જેઓ આપણી રોષ દાખતી
ખોજને ને ભાવે ઉત્કટ દુઃખને.
પ્રેમી છદ્મ ધરી શોધે ને આકર્ષે આત્માઓ ચૈત્ય આપણા.
મારે માટે ધર્યું એણે નામ ને એ સત્યવાન બની ગયો
કેમ કે નર ને નારી છીએ આરંભથી અમે,.
જન્મેલા યુગલાત્માઓ એક અમર અગ્નિથી.
ને બીજા તારકોમાંયે પ્રકટયો શું મારે હતો ન એ ?
ઝાડીઓમાં જગત્ કેરી કેવો એ મુજ પૂઠળે
પડતો સિંહની પેઠે રાત્રિવેળા ને કેવો અણચિંતવ્યો
માર્ગો મધ્યે મળી જાતો ને સુભવ્ય સોનેરી નિજ કૂદકે
લેતો 'તો પકડી મને !
અતૃપ્ત મુજ કાજે એ ઝંખતો 'તો કાળના ક્રમમાં થઈ,
કો કો વાર થઈ રુષ્ટ, કો કો વાર શાંતિ મીઠલડી ધરી,
સ્પૃહા મારી રાખતો એ થયો વિશ્વારંભ પ્રથમ ત્યારથી.
મહાપૂરોમહીંથી એ મત્ત મોજા સમો ઉપર આવતો,
અને સુખસમુદ્રોમાં જતો તાણી મને એ નિઃસહાયને.
આવી પહોંચતા એના બાહુ મારા પડદાની પૂઠના ભૂતકાળથી;
સ્પર્શ્યા છે એ મને સ્નિગ્ધ અનુનીત કરનારા સમીર શા,
એમણે છે મને ચૂંટી લીધી કંપમાન પ્રસન્ન પુષ્પ શી,
અને નિર્દેય જવાળામાં બાળેલીને લીધી છે સુખ-બાથમાં.
મનેયે એ મળેલો છે રમ્ય રૂપોમહીં મુગ્ધ સ્વરૂપમાં,
ને એના દૂરના સાદ પ્રત્યે ધાઈ ગઈ છું મુદિતાત્મ હું,
ને ઘણાયે ઘોર આડા
આગળાઓ વટાવીને એની પાસે કરી જોર ગયેલ છું.
વધુ સૌભાગ્યશાળી ને વધુ મોટો હોય જો કોઈ દેવતા
તો ધારણ કરે પ્હેલાં મુખ એ સત્યવાનનું,
ને જેની પર છે મારો પ્રેમ તેના
આત્મા સાથે એ એકાત્મકતા ધરે;
એ જો આમ મને માગે
તો જ એને માટે હું કામના કરું.
કેમ કે એક હૈયું જ ધબકે છે મારા હૃદયની મહીં
અને સિંહાસનારૂઢ છે તહીં એક દેવતા.
યમ ! અગ્રે સર, છાયાભાસી આ વિશ્વ પાર જા,
કેમ કે છું નહીં એક નાગરી હું એના નાગરિકોમહીં.
આરાધું છું અગ્નિરૂપ પ્રભુને હું, પ્રભુને સ્વપ્નરૂપ ના."
એક વાર ફરી કિંતુ યમે ઝીક્યો એના હૃદયની પરે
મહાપ્રભાવ પોતાની શાંતિનો ને ભયંકર અવાજનો:
" વિચારો તુજ છે એક ઊજળો મતિવિભ્રમ.
અધ્યાત્મ દોરથી ખીંચી જવાતી એક બંદિની,
ઇન્દ્રિયગ્રાહ્ય સંકલ્પ કેરી સ્વીય દાસી ઉત્સાહ દાખતી,
તારા હૃદયની રાતી દીપ્તિની પાંખ ધારતા
શબ્દો તું સૂર્યની ભેટે મોકલે છે ગરુડોપમ ઊડતા,
પરંતુ જ્ઞાનનો વાસ ભાવાવેશી ઉરે નથી;
શબ્દો હૃદયના પાછા પડે અણસુણાયલા
પ્રજ્ઞા કેરી રાજગાદી સમીપથી.
વૃથા છે વાંછના તારી રચવાની સ્વર્ગ ભૂલોકની પરે.
શિલ્પી છે મન આદર્શ કેરું ને ભાવનાતણું,
જિંદગીના ગર્ભમાંથી જન્મેલું એ શિશુ છે જડતત્ત્વનું,
માબાપને મનાવી એ
ઊર્ધ્વની ભૂમિકાઓની પ્રત્યે વાળી દે છે ચરણ એમના,
અદક્ષ અનુવર્તે એ બૂરી રીતે માર્ગદર્શક સાહસી
પરંતુ મન વ્યોમે જે કરે ભવ્ય મુસાફરી
તે પૃથ્વી પર ચાલે છે લંગડાતે પગલે મંદતાધરી;
મુશ્કેલીથી ઘડે છે એ બંડખોર સામગ્રી જિંદગીતણી,
મુશ્કેલીથી નિગ્રહે છે ઇન્દ્રિયોના ઘોડા છલંગ મારતા :
એના વિચાર સ્વર્ગોમાં સાક્ષાત્ સીધું વિલોકતા;
દૈવી ખાણમહીંથી એ સુવર્ણ નિજ મેળવે,
કર્મો એનાં કાર્ય કાચી સામાન્ય ધાતુનું.
તારાં સૌ ઉચ્ચ સ્વપ્નાંઓ જડદ્રવ્ય કેરે મને રચેલ છે
દ્રવ્યના કેદખાનામાં મંદ એને કાર્યે આશ્વાસ આપવા,
જે જડદ્રવ્ય છે એકમાત્ર આવાસ એહનો,
જ્યાં એ એકમાત્ર સાચું જણાય છે.
સત્યતાની એક નક્કર મૂર્ત્તિએ
કાળનાં કાર્યને ટેકો આપવાને છે કંડારેલ સત્ત્વને;
દૃઢ પૃથ્વી પરે દ્રવ્ય બેઠું છે બળવાન ને
ખાતરીબંધ રૂપમાં.
સૃષ્ટ સૌ વસ્તુઓમાં છે પહેલું જનમેલ એ,
હણાય મન ને પ્રાણ ત્યારે અંતે એક એ સ્થિત હોય છે,
ને એનો અંત આવે તો સહુનો અંત આવતો.
બીજું બધું છે એનું પરિણામ અથવા એક છે દશા :
તારો ચૈત્યાત્મ છે એક ફલ અલ્પ સમાતણું
જડ દ્રવ્યતણા તારા ક્ષેત્રે એક જમીનના
મનરૂપી માળીએ સરજાયલું;
જે છોડ પર એ થાય, તેની સાથે એનોયે અંત આવતો,
કેમ કે પૃથિવી કેરા રસમાંથી
એ પોતાનો રંગ સ્વર્ગીય મેળવે :
દ્રવ્ય-ધારે થઈ જાતી ધુતિઓ જે, તે છે વિચાર તાહરા,
દ્રવ્ય-સાગરમાં જાતું શમી મોજું જે, તે છે તુજ જિંદગી.
સત્યની મિત સંપત્તિ સાવધાન સમાલતું,
વેડફી મારતી શકિતથકી રક્ષી
સત્યની સંઘરી રાખે સ્થપાયેલી હકીકતો,
ઇન્દ્રિય-તંબુને થંભે મનને બદ્ધ રાખતું,
જિંદગીના તરંગોને સીસા-ભારે ઘૂસરા નિત્યના ક્રમે
કરી દે બદ્ધ કીલકે,
અને નિયમને દોરે બાંધી દે ભૂતમાત્રને.
એ રસાયનનું પાત્ર રૂપ પલટ આણતું.
મન ને પ્રાણને જોડી દેનારો છે સરેશ એ,
જડદ્રવ્ય થતાં સ્ત્રસ્ત દીર્ણશીર્ણ સઘળું જાય છે ધબી.
શિલાખડકને માથે જેમ, તેમ છે સર્વ દ્રવ્ય પે ખડું.
છતાં જમીન ને બાંયધર આ ચાંપતી થતાં
માંગ પ્રત્યયપત્રોની ધોખાબાજ છે એવું સિદ્ધ થાય છે :
એક આભાસ ને એક પ્રતીક, એક શૂન્ય એ,
એનાં રૂપોને ન મૂળ હક કો જન્મવાતણો:
નિશ્ચલ સ્થિરતા કેરું છે એનું જે સ્વરૂપ, તે
છે આવરણ બંદી કો ગતિની ઘૂમરીતણું,
ઓજઃશકિતતણા નૃત્યે પગલાનો અનુક્રમ,
હમેશાં જે મહીં પાય એની એ જ નિશાની જાય મૂકતા,
નક્કર મુખનો ઘાટ અવાસ્તવિક કાળનો,
ટપકાટપકી આંકી દેતી ટીપે રિક્તતા અવકાશની:
ફેરફાર ન જ્યાં એવી ગતિ એક સ્થાયિતાયુક્ત લાગતી,
છતાંયે આવતો ફેરફાર, મૃત્યુ આખરી ફેરફાર છે.
સર્વથી વધુ જે સત્ય એકદા લાગતું હતું,
તે છે ભાસ અભાવાત્મક શૂન્યનો.
છે એનાં રૂપ ફાંસાઓ, ફસાવી જે બંદી ઇન્દ્રિયને કરે;
અનાદી શૂન્યતા એના શિલ્પની રચનાર છે :
આલેખેલાં યદ્દચ્છાએ સ્વરૂપોના વિના બીજું કશું ન ત્યાં,
દેખીતી શકિતના દેખીતા આકારો વિનાયે ત્યાં નથી કશું.
દયાથી મૃત્યુની સર્વે જરાવાર સ્વશે ને જીવતા રહે,
અચિત્ કેરી કૃપાથી સૌ વિચારે ને ચેષ્ટને રે' પ્રવર્તતા.
વ્યસની સ્વ-વિચારોના ગુલાબી રંગરાગની,
નિજ અંતરમાં તારી દૃષ્ટિને વાળતી નહીં
જોવાનો દર્શનો તારા મનોરૂપ સ્ફટિકે સ્ફુરણો ભર્યાં,
દેવોનાં રૂપનાં સ્વપ્નાં સેવવા ના બીડતી તુજ પોપચાં.
આંખો ઉઘાડવાનું તું કબૂલ કર આખરે,
ને તું ને જગ જેમાંથી બન્યાં છો તે પદાર્થ જો.
નિઃસ્પંદ ને અચિત્ શૂન્યે અનાખ્યેય પ્રકારથી
પામ્યું પ્રકટતા એક અચિત્ એવું હાલતુંચાલતું જગત્ :
સુરક્ષિત મુહૂર્તેક , સુખી સંવેદના વિના,
પોતાના સત્યથી પામી એ સંતોષ રહ્યું નહીં.
કેમ કે કૈંક જન્મ્યું ત્યાં એના અજ્ઞાન અંતરે
જોવાની, જાણવાની ને ભાવ લ્હેવાતણી ને ચાહવાતણી
શિક્ષા જેને થઈ હતી,
હતું નિરીક્ષતું કર્મ પોતાનાં એ,
ચૈત્ય એક ભીતરે કલ્પતું હતું;
ફંફોળા સત્યને માટે માર્યા એણે ને સ્વપ્ન-કલ્પના કરી
આત્માની અથ ઈશની.
સર્વ સારું હતું જયારે હતું ચેતનહીન સૌ.
હતો હું, મૃત્યુ, રાજા ને રાજસત્તા મારી રાખી રહ્યો હતો,
સંકલ્પ વણની, ચૂક વણની મુજ યોજના
હું ઘડી કાઢતો હતો,
શાંત સંવેદનાહીન હૈયે સરજતો હતો.
મારું અસત્ તણું સર્વોપરી ઓજ પ્રયોજતી,
શૂન્યને રૂપ લેવાની બેળે ફરજ પાડતી,
અંધ ને અવિચારંત શકિત મારી ભૂલચૂક કર્યા વિના
યદ્દચ્છાથી રચી એક નિશ્ચલત્વ દૈવનિર્માણના સમું,
અવશ્યંભાવિતા કેરાં વિધિસૂત્રો તરંગી રીતથી રચી,
શૂન્યાકારતણા પોલા પ્રદેશ પર સ્થાપતી
ખાતરીબંધ વૈચિત્ર્ય નિસર્ગાયોજનાતણું.
અવકાશ બનાવ્યો મેં નિગ્રહીને ખાલી આકાશતત્વને;
વિસ્તાર પામતા જાતા ને સંકોચન પામતા
સુમહાન માતરિશ્વાતણી મહીં
અગ્નિઓ વિશ્વના આશ્રય પામિયા :
કરી આઘાત સર્વોચ્ચ આદિ સ્ફુલિંગની પરે,
આછાં આછાં પ્રસાર્યાં મેં
એનાં શ્રેણીબદ્ધ સૈન્યો શૂન્યાકારતણી મહીં,
નિગૂઢ દીપ્તિઓમાંથી કર્યા તૈયાર તારકો,
અદૃશ્ય નૃત્યની વ્યૂહબદ્ધ પલટણો કરી,
અણુ ને વાયુમાંથી મેં રચ્યું સૌન્દર્ય ભૂમિનું,
રાસાયણિક જીવંત દ્રવ્યમાંથી રચ્યો જીવંત માનવી.
પછી વિચાર પેઠો ને એણે નાખ્યો બગડી મેળ વિશ્વનો :
આશા, વિચાર, ને ભાવ રાખવાનું જડતત્ત્વે શરૂ કર્યું,
સેન્દ્રિય દ્રવ્ય ને નાડી લાગ્યાં હર્ષ ને વ્યથા ઘોર ધારવા.
સ્વ-કાર્ય શીખવા માટે અચિત્ વિશ્વ મચ્યું શ્રમે;
જન્મ્યો મનમાં વૈયકિતક અજ્ઞાન દેવતા
અને સમજવા માટે શોધ્યો એણે કાયદો તર્ક-બુદ્ધિનો,
વિરાટ વ્યકિતતાહીન, માનવીની કામનાના જવાબમાં
પ્રસ્પંદિત થઈ ગયું,
ડામાડોળ કરી નાખ્યું કલેશે એક હૈયું વિશાળ વિશ્વનું,
અંધ અસ્પંદ જે હતું,
અને પ્રકૃતિએ ખોઈ સુવિશાળ મૃત્યુમુક્ત સ્વ-શાંતિને.
વિરૂપ ને કળાયે ના એવું આવ્યું દૃશ્ય આ આ પ્રકારથી,
જેમાં જોવો ફસાયેલા
મળે જોવા જિંદગીના સુખ ને દુઃખની મહીં,
જડદ્રવ્યતણી નિદ્રા અને માનસ મર્ત્યતા,
જુએ છે વાટ જ્યાં સત્ત્વો મૃત્યુ કેરી કારાગારે નિસર્ગના,
ને ચૈતન્ય તજાયું છે જહીં ઢૂંઢી રહેલી અજ્ઞતામહીં.
આ છે જગત, તું જેમાં માર્ગ-ભૂલી કરે ગતિ
ગૂંચવાયેલ માર્ગોમાં મનના માનવીતણા,
માનુષી જિંદગી કેરાં તારાં અંત વિનાનાં ચક્કરોમહીં
ઢૂંઢતી નિજ આત્માને અને માની લેતી કે પભુ છે અહીં.
પરંતુ બૃહદાકાર જડસા યંત્રની મહીં
ચૈત્યાત્માર્થે જગા છે ક્યાં, છે સ્થાન પ્રભુ કાજ ક્યાં ?
ભંગુર પ્રાણને ચૈત્ય-આત્મા તું નિજ માનતી,
ગેસ, જીવદ્રવ્ય, શુક્રાણુ ને જાતીયકોષથી
જેનો જનમ છે થયો,
મનુષ્ય-મનની મોટું રૂપ પામેલ મૂર્ત્તિને
પ્રભુરૂપે પ્રમાણતી,
છે નંખાયેલ જે તારી છાયા વ્યોમાવકાશમાં.
ઊર્ધ્વ ને નીમ્નના શૂન્ય મધ્યે તારી અવસ્થિતા
ચેતના પ્રતિબિંબાવે આસપાસતણું જગત્
વિરૂપિત કરી દેતા અવિદ્યારૂપ દર્પણે,
અથવા તો વળે ઊંચે ક્ષલવાને તારકો કલ્પનાતણા.
યા પૃથ્વી સાથ જો અર્ધ-સત્ય કો હોય ખેલતું
ભોંયે છાયામયી કાળી પોતાની નાખતું પ્રભા,
તો માત્ર સ્પર્શતું તે ને જતું મૂકી ધાબું ઉજ્જવળ લાગતું.
નિજાત્માર્થે કરી દાવો માગે તું અમૃતત્વને,
અપૂર્ણ માનવી માટે અમૃતત્વ પરંતુ એ,
પ્રયેક પગલે ઈજા દેવ જેહ પ્હોંચાડે નિજ જાતને
તેને માટે બની જાશે યુગચક્ર અંતવિહીન દુઃખનું.
તારા હક્ક તરીકે તું પ્રજ્ઞા ને પ્રેમ માગતી;
પરંતુ જ્ઞાન આ લોકે કૃતિ છે ભ્રમણાતણી,
જે છે કાંતિમતી એક કૂટણી અજ્ઞતાતણી,
અને છે માનુષી પ્રેમ પૃથ્વીના રંગમંચ પે
કલા અંગભંગની બતલાતો,
ને કરે એ સહોત્સાહ પરીઓના નૃત્ય કેરી વિડંબના.
નિચોડ બ્હાર કાઢેલો કઠોર અનુભૂતિથી,
પીપોમાં સ્મૃતિની જ્ઞાન સંઘરાયું મનુષ્યનું,
મર્ત્ય પીણાતણો રૂખો કટુ છે સ્વાદ એહનો :
કામુક ગ્રંથિઓમાંથી ઝરતો રસ મીઠડો,
લડાવંતો રિબાવંતો નસોને જલને ભરી,
મધ ને વિષ છે પ્રેમ રહેલો હૃદયાંતરે,
ને એનું એ કરે પાન માની એને સ્વર્ગલોકતણી સુધા.
પૃથ્વીની માનવી પ્રજ્ઞા ગર્વ લેવા જેવી મોટી જ શકિત કો,
ને નથી પ્રેમ આવેલો પ્રકાશંતો ફિરસ્તો ગગનોથકી.
તેઓ રાખે અભીપ્સા જો મંદ એવા ઘરાના વાયુ પારની,
ભંગુર મીણની પાંખે લઈને સૂર્યની દિશા,
અસ્વાભાવિક ને બેળે થતું ઊડણ એમનું
ઊંચે પ્હોંચી શકશે કેટલે સુધી ?
પણ પૃથ્વી પરે રાજ્ય શક્ય ના દિવ્ય જ્ઞાનનું,
ને દિવ્ય પ્રેમ ના શક્ય પામવો પૃથિવી પરે;
જન્મ્યાં છે સ્વર્ગમાં તેઓ ને સ્વર્ગે જ રહી શકે,
અથવા તો તહીંયે તેઓ સ્વપ્ન પ્રકાશતાં.
નહિ, તું જે બધું છે ને કરે છે તે બધુંયે સ્વપ્ન શું નથી ?
તારું મન અને તારો પ્રાણ હાથચલાકીઓ
શકિતની જડદ્રવ્યની.
જો તારું મન દેખાયે તને ભાસ્વંત સૂર્ય શું
ચલાવે પ્રાણ તારો જો સ્વપ્ન એક ક્ષિપ્ર ને દીપ્તિ દાખતું,
તો તારા મર્ત્ય હૈયાનો ભ્રમ છે તે, છે અંજાઈ ગયેલ એ.
કિરણે સુખના યા તો પ્રકાશના.
હકે પોતાતણા દિવ્ય જીવવાને અશક્ત એ,
ઝબકંતો અસત્-ભાવ છે પોતાનો તેની પામેલ ખાતરી,
આધારભૂત પોતાની કપાઈ ભૂમિકા જતાં
જડતત્ત્વતણાં જાયાં જડતત્ત્વે જતાં મરી.
જડતત્ત્વેય પામે છે લય અસ્પષ્ટ ઓજમાં
ને ઓજઃશકિત છે એક ગતિ પ્રાચીન શૂન્યની.
છે આદર્શતણા રંગો અવાસ્તવિક, તેમને
સિંદૂરી ધારણી-ધાબે લગાડાશે કઈ રીતે દૃઢત્વથી,
સ્વપ્નની મધ્યનું સ્વપ્ન પડવાનું સાચું દ્વિગુણ શી વિધે ?
ભ્રામક જ્યોતિ શી રીતે બનશે એક તારકા ?
આદર્શ રોગ છે તારા મન કેરો, ઊજળો સંનિપાત છે
તારાં વાણી-વિચારનો,
છે સૌન્દર્યતણું મધ ચમત્કારી
ઉઠાવીને તને જેહ અસત્-દૃષ્ટે લઈ જતું.
એ તારી કલ્પનાઓની બનેલી છે ઉમદા એક કલ્પના,
એનો અવશ્ય છે ભાગ માનવી તુજ ઊણપે :
એનાં પ્રકૃતિમાંનાં જે રૂપો છે તે નિરાશ ઉરને કરે,
સ્વર્ગીય રૂપ પોતાનું એને પ્રાપ્ત કદી પણ થશે નહીં,
ને કદીય કરી સિદ્ધ શકાશે એહ કાળમાં.
આત્મા ઓ ! દોરવાયેલા ખોટે માર્ગે વિભાથી સ્વ-વિચારની,
ઓ જીવ પૃથિવી કેરા, સ્વર્ગ કેરું સપનું નિજ સેવતા,
થા આધીન ધરા કેરા ધર્મને, જા અર્પાઈ, સ્થિર શાંત થા.
સ્વીકાર જ્યોતિ જે તારા દિવસો ઉપરે પડે;
જિંદગીના અનુજ્ઞાત્ સુખમાંથી તું લેવાય તેટલું,
ભાગ્યના ફટકાઓની કસોટીની પ્રત્યે અધીનતા ધરી
અવશ્ય જે પડે સ્હેવાં તે સહી લે
શ્રમ, શોક અને ચિંતા આવેલાં તુજ ભાગમાં.
ભાવાવેશે ભર્યું હૈયું તારું મૌન શમાવતી
આવશે દીર્ધ ને શાંતિ રાત્રિ મારી સદા સુષુપ્તિની :
ત્યાં તું આવેલ છે જ્યાંથી તે મહામૌનમાં નિવૃત્તિ પામજે."
પ્રેમ અને મૃત્યુનો વાદવિવાદ
જીવનની આગેકૂચને કોઈ એક આદિ શૂન્ય પ્રતિ દોરી જતો યમદેવનો વિષાદ-જનક ને વિનાશકારી અવાજ ઠંડો પડયો. પણ સાવિત્રીએ એ સર્વશકિતમાન દેવને ઉત્તર આપ્યો :
" ઓ કાળમુખા વિતંડાવાદી ! સત્ય વસ્તુને તું સત્ય વસ્તુના વિચારથી સંતાડે છે, પ્રકૃતિના જીવંત મુખને તું જડ પદાર્થોથી ઢાંકી દે છે, મૃત્યુના નૃત્યને સનાતન-તાનું અવગુંઠન બનાવે છે. તારું તત્ત્વજ્ઞાન કઠોર છે, ગ્લાનિભર્યું છે. સત્યની સહાય લઈને તું અસત્યને સાચું ઠરાવવા માગે છે. તું જે સત્ય ઉચ્ચારે છે તે મારી નાખનારું સત્ય છે. હું તને બચાવી લેતા સત્યથી ઉત્તર આપું છું.
એક એવા પ્રભુએ જડ જગતથી આરંભ કર્યો છે, શૂન્યાવકાશને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે, રાત્રિને પ્રકાશના પ્રવિકાસની પ્રક્રિયા અને મૃત્યુને અમૃતત્વ પ્રત્યેનું પ્રેરણાબળ બનાવ્યું છે. અકાળ પરમાત્માએ શૂન્યાવકાશમાં પ્રવેશીને વિશ્વસમસ્તને સર્જ્યું છે અને આત્માને કાળના જગતમાં સાહસ ખેડવા મોકલ્યો છે અને જીવને વિશ્વયાત્રાનું અનુસરણ કરતો બનાવ્યો છે.
વિચાર વિરચાયો, ચૈત્યાત્માની ચિનગારી ચગમગી, ગુપ્ત ભાવે પ્રવૃત્ત થયો ઉદીયમાન અગ્નિ. અભાવાત્મકતામાં એક મહાસમર્થ શકિતએ કાર્ય આરંભ્યું. પરિણામે જડ દ્રવ્યમાંથી સૂતેલું જીવન જાગ્યું, જાગેલા જીવનમાંથી સૂતેલું મન જાગ્યું, વિશ્વનું હૃદય ધબકવા લાગ્યું, આંખો જોવા લાગી. વિચારે ફંફોળવાનું આરંભ્યું ને એણે વાણીની શોધ કરી અને અજ્ઞાનના ગર્તો ઉપર પ્રકાશના પુલ બાંધવા માંડ્યા.
તિર્યંચો વચ્ચે મનુષ્ય ટટાર ઊભો થઈ ચાલવા માંડ્યો. એણે જીવનનું નવ-નિર્માણ કર્યું, વિશ્વનું માપ લેવા માંડ્યું, જગત ઉપર અમલ ચલાવતા નિયમો શોધ્યા, જીત્યા ને તેમનું નિયમન કરી કામે લગાડી દીધા. માણસ પોતાની પરિસ્થિતિનો
પ્રભુ બન્યો, આકાશનો અસવાર બન્યો, તારકોએ પહોંચવાની આશાનો ઉપાસક બન્યો. અને હવે એ અર્ધ-દેવ બનીને મનની બારીઓમાં થઈ પાર જુએ છે, ચૈત્યના પડદા પાછળ છુપાઈને અજ્ઞાત વસ્તુને અવલોકે છે, ને પરમ સત્યના મુખ ઉપર પોતાની મીટ માંડે છે. સનાતના સૂર્યના કિરણે એને સ્પર્શ કર્યો છે, પરા પ્રકૃતિના પ્રકાશમાં એ પ્રબુદ્ધ થયો છે, મહિમાની પ્રદીપ્ત પાંખોને એ પેખે છે ને પ્રભુના ઊતરી આવતા બૃહદ્દ બળને પ્રત્યક્ષ કરે છે.
હે મૃત્યુદેવ ! તું અધૂરા જગતને જુએ છે, અપૂર્ણ મનને અને અજ્ઞાન જીવનોને જુએ છે ને કહે છે કે ઈશ્વર નથી, સઘળું વૃથા છે. પણ બાળક શું મોટું નહિ થાય ? જ્ઞાન-પ્રજ્ઞાનના પાઠ નહિ શીખે ? એક નાના શા બીજમાં શું વિશાળ વૃક્ષ નથી રહ્યું ? એક છેક તનક શુક્રાણુમાંથી વિશ્વનો વિજેતા જન્મશે, પરમજ્ઞાનમય પુરુષાવતાર પ્રકટ થશે. છુપાઈ રહેલા પ્રભુમાંથી ભુવનારંભ થયો છે, પ્રકટ સ્વરૂપ પ્રભુ પ્રત્યે એ ધીરે ધીરે આગળ વધે છે.
શરીર આત્માનો કોશેટો છે. આપણી અપૂર્ણતા પૂર્ણતા માટે પ્રયત્નશીલ છે. જડતત્વ જગતના મહાજાદૂગરની રચના છે. એની અંદર એક મહાશ્ચર્ય રહેલું હોવા છતાં એને પોતાને તેની ખબર નથી. અખિલ બ્રહ્યાંડ પરમાત્માની ગુપ્ત રહેલી મહાશકિતની સાક્ષી પૂરે છે. સૂર્ય છે એના મહિમાનો પ્રભાપુંજ, ચંદ્ર છે એની વિલસતી વિભૂતિ, નીલાકાશના મહાસ્વપ્નમાં એનો પ્રભાવ પ્રકટ થાય છે. લીલાં વૃક્ષોમાં એનું સૌન્દર્ય હસી ઊઠે છે, પુષ્પમાં એના સૌન્દર્યની મનોહર ક્ષણોનો જયજયકાર થાય છે. ઉલ્લસતો નીલ સાગર એનાં ગૌરવગાન ગાય છે, સરિતાનો સરતો સ્વર સનાતનની સિતારીમાંથી સમર્મર જાગ્રત થાય છે.
આ જગત એટલે બાહ્યતામાં સંસિદ્ધિ પામેલો પ્રભુ. એની અકળ કળા બુદ્ધિને ને ઈન્દ્રિયોને આહવાન આપે છે. એહ અજ્ઞાન શકિતની અંધ ને જડસી ક્રિયાઓ દ્વારા, ક્ષુદ્ર વસ્તુઓના આધાર ઉપર, ક્ષુલ્લ્ક રજકણમાંથી એણે ચમત્કારી ચરાચરની રચના કરી છે. મનની પંગુતા, જીવનની અપક્વ અવસ્થા, પાશવ છળવેશે, પાપની પ્રવૃત્તિઓ જોવામાં આવે છે, છતાં તે તો માત્ર એની લીલાના પ્રસંગો છે, એના ભયાનક નાટકનાં સોપાનો છે. એ સૌની પાછળ એક ગહન યોજના રહેલી છે, એક પારનું પ્રજ્ઞાન પોતાનાં પગલાં માટે માર્ગ મેળવતું હોય છે. એ સર્વમાં રાત્રિની છાયામાં રહી પોતાના પ્રભુને મળવા જતી પ્રકૃતિનું દૃશ્ય દૃષ્ટિગોચર કરી શકાય છે.
સર્વસમર્થ વિશ્વમાતાએ પ્રભુને પોતાની સૃષ્ટિમાં ગૂઢ પૂરી રાખ્યો છે, સર્વજ્ઞને અજ્ઞાનની નિદ્રામાં નાખ્યો છે, સર્વશકિતમાનને જડપદાર્થની પીઠે સવાર બનાવ્યો છે, અમૃતત્વને એણે મૃત્યુ દ્વારા નિશ્ચત બનાવ્યું છે. સનાતને પોતાના જ્ઞાનને અજ્ઞાનનું મુખછદ્મ પહેરાવ્યું છે, પાપની કયારીમાં પુણ્યનું બીજ બોયું છે, ભ્રમને સત્યનું પ્રવેશ દ્વાર બનાવ્યો છે, શોકના અશ્રુજળે પરમસુખના છોડને પાણી પાવાનું રાખ્યું છે. આમ દ્વિવિધ સ્વભાવે જે અદ્વિતીય છે તેને આવરી લીધો છે. એનાં પરસ્પર
વિરોધી બન્ને પાસાંઓ સંઘર્ષમાં પડયાં છે, પરંતુ તેમ છતાં ઠોકરો ખાતો માર્ગદર્શક ઠોકરો ખાતા સમસ્તને અજ્ઞેય લક્ષ્યે લઈ જાય છે.
જાણે કે કોઈ આસુરી જાદૂ થયો ન હોય, તેમ સનાતન શકિતઓ તિર્યગ્ દિવ્યતાની મૂર્ત્તિઓ બની જાય છે ને એ જાનવરનું કે વેતાલનું મસ્તક ધારણ કરે છે. એના કાન હરણના બની જાય છે, વનદેવતાઈ ખરીઓ એમને પગે આવે છે, એમની દૃષ્ટિમાં દૈત્યનો વાસો થઈ જાય છે. મનને તેઓ અટપટી ભુલભુલામણીમાં ફેરવી નાખે છે, હૃદયને તેઓ પૂરેપૂરું પલટાવી નાખે છે. ભયંકર મહેફિલો મંડાય છે. પ્રભુનો માર્ગ કાપી કાઢનાર જ્ઞાન પણ આ ભીષણ લીલામાં ભાગીદાર બની જાય છે, એની આદેશપત્રની કોથળી ક્યાંય ગુમ થઈ જાય છે ને એ માર્ગભ્રષ્ટ બની જાય છે. પરિણામે તે તટ સમીપના છીછરા પાણીમાંનાં નાનકડાં માછલાં જેવા ક્ષુદ્ર વિચારોને જાળમાં ઝાલવા મંડી પડે છે ને ગહન જળમાં રહેલાં સત્યનાં મોતીથી વંચિત બની જાય છે. મર્ત્ય દૃષ્ટિ અજ્ઞાનની આંખે જોવા માંડે છે. ઊંડાણોમાં રહેલી વસ્તુ એને દેખાતી નથી. ભ્રમની લાકડીને ટેકે આપણું જ્ઞાન ચાલતું રહે છે, જૂઠા મતો ને જૂઠા દેવોની ઉપાસનામાં પડી જાય છે, યા તો કોઈ એક અસહિષ્ણુ પંથે ધર્માન્ધતાથી ધૂંઆંપૂંઆં થતું રહે છે. યા તો સત્ય-પ્રકાશની સામે એ એક ઇનકાર ઊભો કરી દે છે. એ માનવ-દ્વેષી બની જાય છે માનવમાં રહેલા દેવતાને દંડ દઈ દફનાવી દે છે, ઘોર રક્ષસી માથું આસમાને પહોંચાડી તારાઓને ભૂંસી નાખે છે ને મનના મેઘાડંબરથી સૂર્યને સંતાડી દે છે.
આવું હોવા છતાંય પ્રભુનો પ્રકાશ છે. પ્રકૃતિને બારણે એ વાટ જોતો ઊભો છે. અજ્ઞાનના મહાસાગર પર એ પ્રકાશમાન તારો છે. જ્ઞાનની અભિવૃદ્ધિ થતાં એ અંતરમાંથી ભભૂકી ઊઠે છે. એ છે મનમાં રહેલો મહયોધ, સમરાંગણમાં એ અભેધ કવચ છે, સારંગપાણિનું સારંગ છે.
પ્રકાશનાંય પ્રભાતો આવે છે, ને એ આવે ત્યારે તત્ત્વદર્શનો જાગી ઊઠે છે અને વિચારનાં વાદળ-છાયાં શિખરો પર આરોહે છે. પદાર્થ-વિજ્ઞાન પ્રકૃતિનાં ગુપ્ત રહસ્યો બાધા વિદારી બહાર કાઢે છે અને પ્રકૃતિએ બંદી બનાવી રાખેલી શકિતથી પ્રકૃતિ ઉપર મેળવે છે. જીવ શિવની મૃત્યુંજયતામાં પ્રવેશ કરે છે અને મનુષ્યનું જ્ઞાન પ્રભુનો પારપારનો પ્રકાશ બની જાય છે. નીરવ બની ગયેલો વિચાર જવલંત શૂન્યાકારમાં દૃષ્ટિપાત કરે છે, ઊર્ધ્વનાં રહસ્ય શિખરો પરથી નિગૂઢ નાદ ઊતરી આવે છે ને મહાગહન નિશા સાથે એ સંભાષણ કરે છે.
અજ્ઞાન પૃથ્વીલોકથી ઊર્ધ્વમાં આરોહતી ભૂમિકાઓમાંથી એક હસ્ત અદૃશ્યના પ્રદેશો પ્રતિ ઊંચકાયેલો છે. તે ત્યાં આવેલાં અજ્ઞાતનાં અવગુંઠનો અળગાં કરે છે, ને અંતરાત્મા સનાતનનાં નયન શું નયન મિલાવે છે , નહિ સુણાયેલો શબ્દ સાંભળે છે, વિચારને આંજી દેતી ને અંધ બનાવી દેતી ભભૂકતી જવાળામાં થઈને પાર જુએ છે, સત્યનાં પય પીએ છે ને શાશ્વતીનાં રહસ્યો ઋત-જ્ઞાન મેળવે છે.
હે યમરાજ ! આમ જે બધું રાત્રિના અંધકારમાં નિમગ્ન થઈ સમસ્યારૂપ બની ગયું તે પાછું ભાસમાન સૂર્ય સાથે સંયોગ સાધવા ઊર્ધ્વે ઉદ્ધારાય છે. અત્યારે તારું જે સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે તેનું રહસ્ય આ છે. અંધકારે પ્રભુના પ્રદેશોનો કબજો લીધો ત્યારે જડ જગત તારા અમલ નીચે આવ્યું, સનાતનનું મુખ ઢંકાઈ ગયું, સૃષ્ટિનો સર્જક આનંદ નિદ્રાલીન થઈ ગયો, ને જગતી પોતાના સત્ય સ્વરૂપને ભૂલી ગઈ. તેમ છતાંય એની સ્મૃતિ વિવિધ પ્રકારે જાગ્રત થતી રહે છે; અને મૃત્યુ ને અજ્ઞાન શાસન ચલાવે છે ને પ્રકૃતિ વિષાદવદના બની ગઈ છે, છતાંય ધરિત્રીએ પોતાની આદિકાલીન ચારુતા સાચવી રાખી છે. પણ એનો અંતર્નિવાસી પ્રભુ અવગુંઠિત બની ગયો છે. એનું સત્ય સ્વૃરૂપ એને પ્રાપ્ત થયું નથી, તેથી એ રડે છે ને પોતાનાં સંતાનોને રડાવે છે. કેમ કે જીવનના વિશુદ્ધ આનંદને એક શાપ નડે છે. પાપને પ્રકૃતિની પરમમુદાનું બાળક બનાવી દેવામાં આવ્યું છે ને એ પરમમુદાને પ્રાપ્ત કરવા માટે કાળા-ધોળા બધાય ઉપાયો આવકારાય છે, ક્ષણિક સુખને માટે શાશ્વતતાનું બલિદાન અપાય છે. પ્રભુની પરમાનંદમય સૃષ્ટિનો કબજો એક અજ્ઞાન શકિતએ લઈ લીધો છે. મૃત્યુની અગાધ અસત્યતાએ જીવન ઉપર સામ્રાજ્ય સ્થાપ્યું છે.
વસ્તુમાત્રના ગહન મૂળમાં એક આનંદ ગુપ્ત રહેલો છે. આપણો ઊર્ધ્વસ્થ આત્મા એના નીલાંબરી શ્વાસોચ્છવાસ લે છે, આપણું હૃદય ને શરીર એનો અસ્પષ્ટ સાદ સંવેદે છે, આપણી ઇન્દ્રિયો એને માટે આંધળાં ફાંફાં મારે છે, એનો સ્પર્શ કરે છે ને ગુમાવે છે. પ્રભુના આનંદને આકાશે અવકાશ આપ્યો છે, પ્રભુના આનંદને માટે આપણા જીવોનો જન્મ થયો છે. જે કંઈ છે તે સર્વની અંદર આ અદભુત આનંદનો પસારો થયેલો છે. અજ્ઞાનમાં ઉપસ્થિત થતા શોકમાં, દુઃખમાં ને શ્રમકાર્યમાં, કઠિન પરિસ્થિતિઓમાં, ને મૃત્યુની અસ્તિ છે તે છતાંય અસ્તિનો આનંદ સાગ્રહ રહેલો છે. આપણા પ્રત્યેક અનુભવમાં એ ઉદભૂત થાય છે, પાપમાં તેમ જ પુણ્યમાં પ્રાકટ્ય પામે છે, કર્મના ધર્મની પરવા કર્યા વગર નિષિદ્ધ ભૂમિકામાંય ઊગવાની એ ઘૃષ્ટતા કરે છે. સુખ-દુઃખમાંથી એ પુષ્ટિ મેળવે છે, ભય ને જોખમ એના બળને સતેજ બનાવે છે. પ્રકૃતિની નાની-મોટી, ભવ્ય-અભવ્ય, સુંદર-અસુંદર, સર્વે વસ્તુઓમાં એનો વિહાર થાય છે ને એ આસુર તેમ જ દૈવ સ્વરૂપ પ્રત્યે વાધે છે. જીવનનું માધુર્ય એ માણે છે, તિક્ત મદિરાનું પાન કરે છે, દૈવી અને દાનવીય પ્રણાલીઓમાં એ પગલાં માંડે છે, ઊર્ધ્વે ઊછળે છે, પાતાળમાં ભૂસકો મારે છે, વિશ્વના મહાવિસ્તારોને પોતાનું વિહારસ્થાન બનાવી દે છે.
પણ આ ખાતરનાક ખેલ હમેશ માટે ચાલતો નથી. પરમોચ્ચ સત્ય માનવને સાદ કરે છે. પ્રજ્ઞાન અને પ્રહર્ષ પોતાની સંપૂર્ણ સિદ્ધિ મુકિત પામેલી પૃથ્વી માટે તૈયાર કરી રહેલાં છે. અંતે તો આત્મા સનાતન સદ્ધસ્તુ પ્રત્યે વળે છે ને પ્રત્યેક મંદિરમાં પ્રભુને ભેટવા માટેનો પોકાર કરે છે, ને ચિરવાંછિત ચમત્કાર સિદ્ધ થાય છે.
અમર આનંદ ગગનતારકો પર પોતાની દિવ્ય આંખો ઉઘાડે છે. એનાં બૃહદાકાર અંગો સળવળવા લાગે છે, એનાં પ્રેમનાં ઊર્મિગીતથી કાળ રોમહર્ષ અનુભવે છે, અખિલ અવકાશ શોભામાન નિઃશ્રેયસે ભરાઈ જાય છે. વાણી ને વિચાર વગરના નિઃસ્પંદ સાગર ઉપર પ્રસન્નતાની પાંખો પ્રસારી એ તોળાય છે, સત્યના સૂર્યના હેમલ હાસ્યમાં સ્નાન કરે છે. આ અવસ્થાએ આરોહવા માટે શૂન્યમાંથી સૃષ્ટિ સમુદ્ ભવી છે, એને માટે આત્મા અગાધ ગર્તમાં નીચે ઊતરી આવ્યો છે ને એણે જડતત્ત્વની શકિતને પોતાના ઓજથી ભરી છે, રાત્રિ મધ્યે જ્યોતિનું મહામંદિર રચવાનું ને મૃત્યુના પ્રદેશમાં અમૃતત્વને પુનઃ વસાવવાનું કાર્ય કરવાનું રાખ્યું છે.
પૃથ્વી પંકમાંથી આરંભ કરે છે ને સ્વર્ગાકાશમાં સમાપ્તિ પામે છે. કામનામય પાશવ પ્રેમ પ્રભુના પ્રેમમાં પરિણત થાય છે. દેહ દેવદેવનું દેવળ બને છે. પરમ પ્રેમ સચરાચરને પોતાના આશ્લેષમાં લે છે. રાત્રિનું તમિસ્ર અને મૃત્યુનું મારક કાર્ય નિષફળ નીવડે છે. એકાત્મકતાનો ઉદય થતાં સંઘર્ષમાત્ર શમી જાય છે. બધું જ સમજમાં આવી જાય છે ને પ્રેમને હૃદયે નિલીન થઈ જાય છે.
હે મૃત્યુદેવ અંતરમાં તું જિતાઈ ગયો છે. મારો પ્રેમ પ્રભુની પરમ શાંતિમાં વિરાજમાન થયો છે. પ્રેમે સ્વર્ગો પાર સંચારવાનું છે, એની માનુષી પ્રથાને પ્રભુતાની પ્રથામાં પલટાવવાની છે. મેં તારી પાસે જીવંત સત્યવાનની માગણી કરી છે તે કેવળ મારી કાયાના કે હૈયાના હર્ષ માટે નહીં, પણ અમને પરમાત્મદેવે સોંપેલા પવિત્ર કાર્યની સિદ્ધિને માટે. અમારાં જીવન પ્રભુના પાઠવેલા દૂત બનીને પૃથ્વી ઉપર આવેલાં છે. પ્રભુના પ્રકાશને અજ્ઞાન લોક માટે પ્રલોભાવીને પૃથ્વી ઉપર લાવવા માટે, મનુષ્યોનાં ખાલી હૃદયોને પ્રભુ પ્રેમથી ભરવા માટે, પ્રભુના પરમાનંદથી વિશ્વને થયેલાં દુઃખવ્રણો રુઝાવવા માટે અમારું આવાગમન થયેલું છે. સ્ત્રીરૂપા હું પ્રભુની શકિત છું, પુરુષરૂપ સત્યવાન સનાતનનો પ્રતિનિધિ છે. અમારા પ્રેમ ઉપર પરમાત્માની મહોરછાપ મરાઈ છે, ને એ મહોરછાપને હું તારી સામે સંરક્ષી રહી છું, કેમ કે પ્રેમે પૃથ્વી ઉપર રહેવું જોઈએ. પ્રેમ છે પૃથ્વીને ને સ્વર્ગને સંયોજનારી સુંદર કડી, પૃથ્વી ઉપર પ્રભુનો એ દિવ્ય દૂત છે. પ્રેમ છે પરાત્પર ઉપરનો મનુષ્યનો દાવો."
પણ યમ કટાક્ષમાં હાસ્ય સાથે નીરુત્સાહિત કરતો બોલ્યો : " આ પ્રકારે જ મનુષ્યો વૈભવવંતા વિચારો દ્વારા સત્યને છેતરે છે. તુંય તેમ દેહની નગ્ન લાલસાઓને ને હૃદયના લોલુપ ભાવાવેગોને ઢાંકવા માટે ધૂર્ત મન નાજુક વસ્ત્રો વણાવે છે, ખરું ને ? આમ કરવાને બદલે જો તું તારા વિચારોને સાચા સીધા અરીસા જેવા બનાવી દે તો સારું, કે જેથી તેમનામાં જડદ્રવ્યનાં ને મર્ત્યતાનાં વફાદાર પ્રતિબિંબો પડે અને તને જ્ઞાન થાય કે જેને તું તારો આત્મા માને છે તે માત્ર માંસમાટીની જ એક બનાવટ છે. તારા સ્વપ્ન-સર્જ્યા પ્રભુનો મહિમા માનવીના મલિન હૃદયમાં શી રીતે નિવાસ કરી શકશે ? ને જે બે-પગાળા જંતુમાં દેવતાઈ
અમર આનંદ ગગનતારકો પર પોતાની દિવ્ય આંખો ઊઘાડે છે. એનાં બૃહદાકાર અંગો સળવળવા લાગે છે, એનાં પ્રેમના ઊર્મિગીતથી કાળ રોમહર્ષ અનુભવે છે. અખિલ અવકાશ શોભામાન નિઃશ્રેયસે ભરાઈ જાય છે. વાણી ને વિચાર વગરના નિઃસ્પંદ સાગરો ઉપર પ્રસન્નતાની પાંખો એ તોળાય છે, સત્યના સૂર્યના હેમલ હાસ્યમાં સ્નાન કરે છે. આ અવસ્થાએ આરોહવા માટે શૂન્યમાંથી સૃષ્ટિ સમુદ્ ભવી છે, એને માટે આત્મા અગાધ ગર્તમાં નીચે ઊતરી આવ્યો છે ને એણે જડતત્ત્વની શકિતને પોતાના ઓજથી ભરી છે, રાત્રિ મધ્યે જ્યોતિનું મહામંદિર રચવાનું ને મૃત્યુના પ્રદેશમાં અમૃતત્વને પુનઃ વસાવવાનું કાર્ય કરવાનું રાખ્યું છે.
પૃથ્વી પંકમાંથી આરંભ કરે છે ને સ્વર્ગાકાશમાં સમાપ્તિ પામે છે. કામનામય પાશવ પ્રેમ પ્રભુના પ્રેમમાં પરિણત થાય છે. દેહ દેવદેવનું દેવળ બને છે. પરમ પ્રેમ સચરાચરને પોતાના આશ્લેષમાં લે છે. રાત્રિનું તમિસ્ર અને મૃત્યુનું મારક કાર્ય નિષ્ફળ નીવડે છે. એકાત્મકતાનો ઉદય થતાં સંઘર્ષમાત્ર શમી જાય છે. બધું જ સમાજમાં આવી જાય છે ને પ્રેમને હૃદયે નિલીન થઈ જાય છે.
હે મૃત્યુદેવ અંતરમાં તું જિતાઈ ગયો છે. મારો પ્રેમ પ્રભુની પરમ શાંતિમાં વિરાજમાન થયો છે, પ્રેમે સ્વર્ગો પાર સંચરવાનું છે, એની માનુષી પ્રથાને પ્રભુતાની પ્રથામાં પલટાવવાની છે. મેં તારી પાસે જીવંત સત્યવાનની માગણી કરી છે તે કેવળ મારી કાયાના કે હૈયાના હર્ષ માટે નહીં, પણ અમને પરમાત્મદેવે સોંપેલા પવિત્ર કાર્યની સિદ્ધિને માટે. અમારાં જીવન પ્રભુના પાઠવેલા દૂત બનીને પૃથ્વી ઉપર આવેલાં છે. પ્રભુના પ્રકાશને અજ્ઞાન લોક માટે પ્રલોભાવીને પૃથ્વી ઉપર લાવવા માટે, મનુષ્યોનાં ખાલી હૃદયોને પ્રભુ પ્રેમથી ભરવા માટે, પ્રભુના પરમાનંદથી વિશ્વને થયેલાં દુઃખવ્રણો રુઝાવવા માટે અમારું આવાગમન થયેલું છે. સ્ત્રીરૂપા હું પ્રભુની શકિત છું, પુરુષરૂપ સત્યવાન સનાતનનો પ્રતિનિધિ છે. અમારા પ્રેમ ઉપર પરમાત્માની મહોરછાપ મરાઈ છે, ને એ મહોરછાપને હું તારી સામે સંરક્ષી રહી છું, કેમ કે પ્રેમે પૃથ્વી ઉપર રહેવું જોઈએ. પ્રેમ છે પૃથ્વીને ને સ્વર્ગને સંયોજનારી સુંદર કડી, પૃથ્વી ઉપર પ્રભુનો એ દિવ્ય દૂત છે. પ્રેમ છે પરાત્પર ઉપરનો મનુષ્યનો દાવો."
પણ યમ કટાક્ષમાં હાસ્ય સાથે નિરુત્સાહિત કરતો બોલ્યો : " આ પ્રકારે જ મનુષ્યો વૈભવવંતા વિચારો દ્વારા સત્યને છેતરે છે. તુંય તેમ દેહની નગ્ન લાલસાઓને ને હૃદયના લોલુપ ભાવાવેગોને ઢાંકવા માટે ધૂર્ત મન પાસે નાજુક વસ્ત્રો વણાવે છે, ખરું ને ? આમ કરવાને બદલે જો તું તારા વિચારોને સાચા સીધા અરીસા જેવા બનાવી દે તો સારું, કે જેથી તેમનામાં જડદ્રવ્યનાં ને મર્ત્યતાનાં વફાદાર પ્રતિબિંબો પડે અને તને જ્ઞાન થાય કે જેને તું તારો આત્મા માને છે તે માત્ર માંસમાટીની જ એક બનાવટ છે. તારા સ્વપ્ન-સર્જ્યા પ્રભુનો મહિમા માનવીના મલિન હૃદયમાં શી રીતે નિવાસ કરી શકાશે ? ને જેને તું માણસ કહે છે તે બે-પગાળો જંતુમાં દેવતાઈ
સ્વરૂપ કોણ જોઈ શકશે ? મનનાં રંગરોગાન ચઢાવેલાં મહોરાં અળગાં કર. કુદરત તને જે જીવ-જંતુ બનાવવા માગે છે તે બન. મોઘ જન્મનો ને સાંકડા જીવનનો સ્વીકાર કર, કેમ કે સત્ય છે નંગા પથ્થર જેવું ને મૃત્યુ જેવું કઠોર. એનાં જેવી તુંય બની જા."
પણ સાવિત્રીએ સંતાપકારી દેવને જવાબમાં કહ્યું :
" હા, હું માનુષી છું, પણ મારા દ્વારા મનુષ્ય તને પગ નીચે ખૂંદશે ને અમર શિખરોએ આરોહશે, શોક, દુઃખ, દૈવ અને દેહાંતદંડની પેલી પાર જશે; કેમ કે મનુષ્યમાં પ્રભુ પોતાની ઘડીની રાહ જોઈ રહ્યો છે. મારામાં પ્રભુનો નિવાસ છે, પ્રભુ મારાં કર્મોને પ્રેરે છે. હું છું પરમાત્મ જ્યોતિનું સજીવ શરીર, એની શકિતનું વિચાર કરતું શસ્ત્ર. માનવ હૃદયમાં હું પરમના પ્રજ્ઞાનને પિંડધારી બનાવું છું. પ્રભુનો હું વિજય છું, ઈશ્વરનો અવિનાશી સંકલ્પ છું. મારામાં અનામ અને નિગૂઢ નામ, ઉભય વિધમાન છે."
મૃત્યુદેવે અવિશ્વાસી અંધકાર પોકાર પાઠવ્યો : " ઓ કલ્પના ધામની પૂજારણ ! પ્રથમ તું કુદરતના નાફેર કાયદાઓને બદલી બતાવ. અશક્યને તારો નિત્યક્રમ કરી બતાવ. બે નિત્યની વિરોધી વસ્તુઓનો મેળ તું શી રીતે સાધવાની છે ? તારો સંકલ્પ સત્યને શી રીતે એક બનાવશે ? જયાં જડદ્રવ્ય જ સર્વ કાંઈ છે ત્યાં આત્મા કેવળ સ્વપ્ન છે; જ્યાં આત્મા સર્વ કાંઈ છે ત્યાં જડદ્રવ્ય છે જૂઠાણું. સત્ અસત્ સાથે સંયોગ સાધી શકવાનું નથી. પ્રભુ તરફ વળનારે જગતને છોડવું પડશે, આત્મામાં રહેવા માગનારે જીવનનો ત્યાગ કરવો પડશે. આત્માનો સમાગમ જેણે શાધ્યો છે તેણે જાતને જતી કરી છે. મનના મનમાન્યા માર્ગોએ ગયેલા જ્ઞાનીઓ નિર્વાણના સલામત બંદરે પહોંચ્યા છે. શરીરનું મરણ માણસને જડ દ્રવ્યના દ્વાર દ્વારા શાંતિએ લઈ જાય છે, આત્માનું મૃત્યુ એને અંતિમ મહાસુખે પહોંચાડે છે. હું મૃત્યુ જ પ્રભુ છું. હું સર્વનો સર્વાશ્રય છું. "
સાવિત્રીએ કૃતાન્તને ઉત્તર આપ્યો : " મારું હૃદય તારી તર્કબુદ્ધિ કરતાં વધારે ડાહ્યું છે, તારા પાશો કરતાં વધારે બળવાન છે. વિશ્વસમસ્તમાં એ એક મહાહૃદયને ધડકી રહેલું અનુભવે છે, પરમાત્માનો પ્રકાશમાન હસ્ત જુએ છે, વિશ્વાત્માને કાર્ય કરી રહેલો અવલોકે છે. છાયા ઘેરી રાત્રિમાં એ એના પ્રભુની સાથે એકલું પોઢે છે. અખિલ બ્રહ્યાંડનાં શોકને ધારણ કરવાનું એનામાં સામર્થ્ય છે. પોતાના પ્રભા-પંથ પર પ્રભુની શાન્તિમાં રહી એ પોતાની શુભ્ર કક્ષામાં યાત્રા કરતું રહેશે. અનંત આનંદનો મહાસિંધુ પી જવાની એનામાં તાકાત છે, ને તે છતાં એ પોતાનો અધ્યાત્મ સ્પર્શ ગુમાવવાનું નથી, અનંતની અપાર શાંતિમાંથી વિચલિત થવાનું નથી."
યમ બોલ્યો: " તારો આત્મા આવો ઓજસ્વી છે ? તું આવી મુક્તનિર્મુક્ત છે ? માર્ગનાં મધુરાં સુમનોને સેવ્યા છતાંય માર્ગભ્રષ્ટ નહિ થાય એવી છે ? જો
ખરેખાત તું એવી જ હોય તો તારી શકિતનો પરચો આપ, મારા નિયમોથી તું બંધાયેલી નથી તે પ્રત્યક્ષ કરી બતાવ."
સાવિત્રી બોલી: "જીવનના મર્મરતા લીલા વનમાં હૂંફાળા હયાના ગાઢ હર્ષો મને અવશ્ય મળશે,--એના છે તેથી મારા, અથવા તો એને માટે હોય એવા મારા, કેમ કે અમારો આનંદ એક છે. મને વિલંબ થશે તો અમારે માટે ને પ્રભુને માટે કાળ તો છે જ. હું પડીશ તો પણ શું એનો હસ્ત મારી નજીક નથી ? સર્વ એક જ યોજના અનુસારનું છે. આત્માને પ્રત્યુત્તર ગહન બને છે ને તે ધ્યેયની સમીપતર લઈ જાય છે."
શૂન્યાત્મક મૃત્યુએ તિરસ્કારપૂર્વક ઉચ્ચાર્યું: " તો આમ પૃથ્વીલોકનું સુખ પસંદ કરીને જાણકાર દેવો આગળ તું તારી મહાશકિત પ્રકટ કરે છે ! જાત માટે તું બધું માગે છે ને છતાં જાતથી ને જાતના કપટવેશોથી નિરાળી રહે છે ! તો લે, હું તને તારા જીવે ઝંખેલી બધી વસ્તુઓ આપું છું. એક માત્ર સત્યવાન તને કદી આપવાનો નથી, કેમ કે મારો સંકલ્પ કદી ફરતો નથી."
સાવિત્રી બોલી: " રે ! જો અંધકારની આંખો સત્ય સામે સીધેસીધું જોઈ શકતી હોય તો મારા હૃદય પ્રત્યે દુષ્ટિ કરીને જો, ને હું કોણ છું તે જાણી લઈ તારી ઈચ્છા હોય તે, યા તો તારે આપવું પડે તે આપ. બાકી, એક સત્યવાન સિવાય હું બીજા કશા માટે દાવો કરતી નથી."
ચુપકીદી વ્યાપી યમદેવે નીચે માથે ભાવ વગરની સંમતિ આપી: " મરણથી ને કઠોર ભાગ્યથી બચેલીને તને આપું છું--જીવતા સત્યવાને તારા માટે પોતાના હૃદયમાં જે જે ઈચ્છયું હતું તે બધું આપું છું: અક્ષત ઉષાઓ અને પ્રતાપી મધ્યાહનો તારા જીવન માટે આપું છું : રૂપે, હૃદયે અને માનસે તારા જેવી પુત્રીઓ, સ્વરૂપવાન અને વીર્યવાન પુત્રો અને તારા પ્રિયતમ પતિ સાથેના મિલનનું અક્ષુણ્ણ માધુર્ય તને આપું છું. પૌત્રપૌત્રીઓનો ને સારાયે પ્રેમાળ મહાકટુંબનો અન્યોન્યને આનંદ આપતો ને સેવા સમર્પતો મનોહર મેળો તને આપું છું. વત્સે ! તારી તજાયેલી પૃથ્વી પર પાછી જા."
સાવિત્રી વદી: " પણ આ તારાં વરદાનો તો પોતાનો જ વિરોધ કરે છે. હું એકલી જ પાછી ફરું તો પૃથ્વીની વાડી શી રીતે ફાલવા--ફૂલવાની હતી ? "
યમે પાછી રુષ્ટ રાડ પાડી; છટકી જતા શિકારને સિંહ ત્રાડ પાડી વઢતો હોય તેમ: " પૃથ્વી ઉપરના અતિ સમૃદ્ધ જીવન વિષે તું શું જાણે છે ? એક માણસ મરી ગયો તેથી કંઈ બધો આનંદ મરી જતો નથી. તું કંઈ અંત સુધી અસુખમાં રહેવાની નથી. તારા ખાલી થયેલા હૃદયને ભરવા માટે બીજા નવા અતિથીઓ આવશે."
પણ સાવિત્રીએ કહ્યું : મને સત્યવાન પાછો આપ. એક એ જ મારા સત્ત્વનો સ્વામી છે. ક્ષણભંગુર વસ્તુઓમાં સનાતન સત્યને લહેતા મારા આત્માને તારા વિચારો પોલા ને પોકળ જણાય છે."
યમ બોલ્યો: " પાછી ફર ને તારા જીવને અજમાયશ આપ. અલ્પ સમયમાં જ તને જણાશે કે અન્ય અનેકોમાંય સૌન્દર્ય છે, શકિત છે, સત્ય છે, અને તું જયારે અર્ધું ભૂલી ગઈ હશે ત્યારે તેમાંનો કોઈ એક તારા હ્રદયનો સાથી બની જશે. તારું હૃદય પણ આવું જ કંઇક માગે છે, કેમ કે આ આ ધરણી પર એકલવાયું જીવન કોને ગમશે ? સત્યવાન ભૂતકાળની વસ્તુ બની જશે ને નવો પ્રેમ ને શિશુઓના નાજુક હસ્ત એની સ્મૃતિને દૂર સેરવી દેશે. જાણે કે પૃથ્વી ઉપરનું જીવન એક સરિત્ સમાન છે કે જે અખંડ ધારે વહેતું હોવા છતાંયે કદી એનું એ જ હોતું નથી."
પણ સાવિત્રી બોલી: " ઓ કાળમુખા વક્ર વિતંડાવાદી ! હૃદય કો ધન્ય ક્ષણે જેને પોતાની અંદર ધારણ કરે છે ને અમર આત્મા જેને પોતાનું બનાવશે તેની સ્ખલનો ભરી મનની ને શરીરની શોધનો તું ઉપહાસ કરે છે. મારું હૃદય પરિત્યક્ત હોવા છતાં પોતાના પ્રેમપ્રતિષ્ઠિત દેવતાને આરાધી રહ્યું છે. એને પગલે પગલે જવાની મારી ભાવના ભભૂક્યા કરે છે. પર્વતરાજ પર પ્રભુ સાથે એકાંત સેવતું યુગલ, તે શું અમે નથી ? મૃત્યુદેવ ! તું નકામી રકઝક છોડી દે. મારું મન સાંધ્ય વિચારોમાંથી વિનિર્મુક્ત થઈ ગયું છે. દેવોનાં રહસ્યો મારી સમક્ષ પ્રકટ થઈ ચૂક્યાં છે. તું જાણતો નથી કે મારા જ અખંડ જવલતા અગ્નિથી તારકો દેદીપ્યમાન બનેલા છે, આ અગ્નિમાં જીવન અને મરણ ઈન્ધન રૂપે અર્પાય છે. જીવન મારો પ્રેમનો માત્ર અર્ધ-પ્રયત્ન છે. પૃથ્વીએ મારી મહામથામણ જોઈ છે, સ્વર્ગે જોયો છે મારો જય. એકબીજાનાં અવગુંઠન અળગાં કરી સનાતન વર અને સનાતન વધૂ વિવાહ-વહિ્ નની સમીપ મીઠડી માણશે. દેવધામોએ અમારા ખંડિત થયેલા ઉડ્ડયનને આખરે અપનાવ્યું છે. આશાનો એકેય સંકેતાત્મક પ્રકાશ એળે ગયો નથી."
સાવિત્રીનાં વચનોથી યમદેવનાં અમેય અંગો ગુપ્ત મહામુદાથી આક્રાંન્ત થઈ સકંપ બની ગયાં. સાંધ્ય ઉજાશ ચિરાતા બુરખાની માફક ધ્રૂજી ઊઠયો.
આમ બન્ને પ્રતિપક્ષીઓએ વાણીનાં શસ્રો પ્રયોજ્યાં. એમની આસપાસમાં એક ઘેરી બનતી અર્ધ-જ્યોતિ મૌકિતકમયી પાંખો પર દૂરના એક આદર્શ પ્રભાતે પહોંચાડવા દોડતી હતી. ચમકતા ધુમ્મસમાં સાવિત્રીના વિચારો શુભ્ર પાંખોએ ઊડીને ત્યાંની આભાઓ અને અવગુંઠનો સંમિશ્ર થઈ જતા હતા. સાવિત્રી પોતાના નિઃશબ્દ સંકલ્પમાં સ્થિર રહીને ચાલતી હતી. એની સામે દર્શનોના પ્લવમાન પડદાઓ હતા, ને એના ચરણો પાછળ સ્વપ્નાંઓનો ઝભ્ભો ઘસડાઈ આવતો હતો. પણ હવે એના આત્માની જાજવલ્યમાન સચેત શકિત એના વિચારોને વાણીમાંથી પાછા સંકેલી લઈને ગહનસ્થ ધ્યાનમંદિરમાં આસનસ્થ બનાવતી હતી. કેમ કે હવે તો ત્યાં ચૈત્યાત્માનું સંગીન સત્યમાત્ર નિવાસ કરી શકતું હતું, દેવોની વેદિઓ જેના વડે પ્રજવલિત કરાય છે તે ગાર્હસ્થ્ય અગ્નિની સાક્ષી ને પ્રહરી જવાલા આરોહતી હતી.
હજીએ ત્રણે જણાં બલાત્કારે પ્રેરાતાં હોય તેમ સરકતાં હતાં. હજીય આ ભુવાનોનો
ક્રમ ઊલટો રહેલો હતો. મર્ત્યની નેતાગીરી હતી, દેવ ને પ્રેત આધીન થતા હતા. સાવિત્રી પાછળ ચાલતી હોવા છતાં આગળ ચાલનારાઓને દોરતી હતી. પણ હવે એ સ્વપ્નમય જગતનું બધું વધારે વેગથી ભાગતું હતું, ચૈત્યાત્માની વિશદતાથી બચવા માગતું હતું. આગળ હતો યમ ને એની પાછળ ચાલતો સત્યવાન એક લોપ પામતા તારા જેવો લાગતો હતો. ઉપર તોળાતું હતું એના ભાગ્યનું અદૃશ્ય ત્રાજવું.
ગયો અવાજ એ ડૂબી સ્વર કેરા વિષણ્ણ અવરોહમાં;
કો નિઃસ્તબ્ધ આદિ એક અભાવમાં
દોરતો લાગતો 'તો એ જિંદગીની આગેકદમ કૂચને.
સાવિત્રી ઉત્તરે બોલી ત્યાં પરંતુ સર્વસમર્થ મૃત્યુને:
" કાળા માથાતણા ઓ હે વિતર્કી વિશ્વલોકના,
સદવસ્તુને છુપાવે તું પડદાની પૂઠે એના જ ભાવના,
મુખ પ્રકૃતિનું જિંદુ જડભાવી પદાર્થોએ છુપાવતો
નિજ મૃત્યુતણો નૃત્યે છદ્મવેશ શાશ્વતીને સમર્પતો;
અજ્ઞાન મન કેરો તેં ચક રચેલ છે,
વિચારોને બનાવ્યો છે ભ્રાંતિ કેરો ભંડારી, લહિયો તથા,
ખોટો સાક્ષી બનાવ્યો છે મન કેરા દાસ ઇન્દ્રિયવર્ગને.
વિશ્વના શોક કેરો તું છે સૌન્દર્ય-ઉપાસક,
છે તું હિમાયતી એક રૂખડા ને વિષાદી તત્ત્વજ્ઞાનનો,
રોકી પ્રકાશને બ્હાર રાખનારા શબ્દો તેં વાપરેલ છે,
બોલાવી સત્ય આણ્યું છે જૂઠાણાને પ્રમાણવા.
સત્યતા બોલતી જૂઠું છે કિરીટ અસત્યનો,
ને એનું સહુથી મોંઘું રત્ન વિકૃત સત્ય છે.
જે મૃત્યુદેવ ! તું સત્ય બોલે છે તે સત્ય સંહારનાર છે,
તને ઉત્તર આપું છું પરિત્રાયક સત્યથી,
નવેસર જ પોતાને પ્રીછનારો મુસાફર,
પ્રારંભ કરવા માટે બિન્દુ એણે બનાવ્યું જડનું જગત્ ,
અનસ્તિત્વ બનાવ્યું છે એણે સ્વ-સ્થાન વાસનું
ને રાત્રિને બનાવી છે એણે એક પ્રક્રિયા નિત્ય-જ્યોતિની,
અને અમરતા પ્રત્યે પ્રેરનારું એણે છે કીધું મૃત્યુને.
પ્રભુએ શિર પોતાનું બુકાનીમાં રાખ્યું છે જડતત્ત્વની,
અચેતન અગધોમાં ચેતનાએ એની છે દીધ ડબકી,
સર્વજ્ઞતા જણાતી 'તી દૈત્યદેહી એક અજ્ઞાન તામસી;
અસીમ એક મીંડાનું રૂપ લેતી અનંતતા.
પરમાનંદનાં એનાં ગહનોએ
રૂપ લીધું અસંવેદી ઊંડા અતલગર્તનું,
બની શાશ્વતતા એક અધ્યાત્મ રિક્તતા બૃહત્ .
મિટાવી દઈને એક આદિકાલીન શૂન્યતા
અકાળે સ્થાન પોતાનું લીધું રિક્તત્વની મહીં
ને એક વિશ્વનું રૂપ આલેખ્યું કે
જેથી આત્મા કાલે સાહસ આદરે
અને કુસ્તી કરે વજ્ર શી કઠોર અવશ્યંભાવિતા સહ
અને અનુસરે જીવ તીર્થયાત્રા જગત્ તણી.
કાળી અસીમતાઓમાં આત્માએ ગતિ આદરી,
પ્રાચીન શૂન્યતા મધ્યે રચ્યો એણે વિચારને;
પ્રભુ કેરી સુપ્રચંડ રિક્તતામાં ચૈત્ય પામ્યો પ્રકાશન,
ગુપ્ત ને શ્રમ સેવંત જાયમાન અગ્નિની દીપ્તિ એ હતો.
સુપ્રચંડા શકિત એની શૂન્ય-ગર્તે કરી કાર્ય રહી હતી;
અરૂપ ગતિ પોતાની ઘુમાવીને એણે આકારિતા કરી,
શરીર અશરીરીનું દીધું એણે બનાવી જડદ્રવ્યને.
પ્રારંભિક અને ઝાંખું જાગ્યું મહૌજ શાશ્વત.
પદાર્થે જડતાપૂર્ણ શ્વાસ લેવા માંડયું જીવન ઘોરતું.
ઢળ્યું 'તું મન નિદ્રામાં અવચેતન જીવને;
જાગેલે જીવને એણે ભીમકાય પ્રસાર્યાં નિજ અંગને
ખંખેરી નાખવા નિદ્રા-જડતા નિજ જાતની;
કંપ સંવેદના કેરો ગયો વ્યાપી અસંવેદી પદાર્થમાં,
લાગ્યું ધબકવા હૈયું વિશ્વનું ને લાગ્યાં નયન દેખવા.
ખીચોખીચ અને મૂંગા ભેજાનાં કંપનોમહીં
ફાંફાં ચક્કરમાં મારી હતો વિચાર ઢુંઢતો,
એણે વાણીતણી શોધ કરી પોષ્યો નવા જન્મેલ શબ્દને,
ને જ્યોતિના રચી ગાળા
બાંધ્યો એણે સેતુ વિશ્વ કેરા અજ્ઞાનની પરે.
જાગ્રત મનમાં બાંધ્યું મનીષીએ સ્વ-ધામને.
તર્ક આદરતું પ્રાણી સંકલ્પ કરતું હતું,
યોજના કરતું 'તું ને કરી ખોજ રહ્યું હતું.
ટટાર એ થયો ઊભો પશુઓની મધ્યમાં સમકક્ષનાં,
નવેસરથી રચી એણે જિંદગી ને માપ્યું વિશ્વસમસ્તને,
પોતાના ભાગ્યનો કીધો સામનો ને
અદૃષ્ટ શકિતઓ સામે ઊતર્યો મલ્લયુદ્ધમાં,
જીત્યા ને વાપર્યા એણે નિયમો સૃષ્ટિ શાસતા,
અને આશા કરી સ્વર્ગોના સવાર થવાતણી
અને પ્હોંચી જવાની તારકો પરે,
સ્વ-પરિસ્થિતિનો પ્રૌઢી સ્વામી પોતે બન્યો હતો.
માનવી જીવના આડા પડદાઓ પછવાડે છુપાયલો
અર્ધ-દેવ હવે તાકે મન કેરી બારીઓની મહીં થઈ:
એણે અજ્ઞાત જોયું છે
ઘૂંઘટ વણનું એણે જોયું છે મુખ સત્યનું;
એને કિરણ છે સ્પર્શ્યું નિત્યકાલીન સૂર્યનું;
પૂર્વદર્શનથી યુક્ત ઊંડાણોમાંહ્ય એ નિશ્ચલ નીરવ,
પરા-પ્રકૃતિની જ્યોતિમહીં જાગ્રત ઊભતો
અને ઉદય પામેલી પાંખો કેરા મહિમાને વિલોકતો,
વિલોકતો મહાશકિત પ્રભુ કેરી ઊતરી આવતી બૃહત્ .
ઓ મૃત્યુદેવ, તું જોતો અસમાપિત સૃષ્ટિને
આક્રાંત જે થતી તુંથી ને જેને ના ખાતરી નિજ માર્ગની,
મનો અપૂર્ણ ને અજ્ઞ જીવનો જ્યાં વસેલ છે,
ને તું 'પ્રભુ નથી ને છે વ્યર્થ સૌ' એમ બોલતો.
અત્યારથી જ શી રીતે બાલ પુખ્ત પરુષત્વ બતાવશે ?
છે એ બાલક તેથી શું કદી મોટો થશે ન એ ?
છે એ અજ્ઞાન તેથી શું કદી એ શીખશે નહીં ?
નાના નાજૂક બીજે છે મહાવૃક્ષ છુપાયલું,
તનુ જાતીયકોષે છે પુરાયેલું સતત્વ એક વિચારતું;
લધુ શુક્રાણુમાં એક લધુ તતત્વ રહેલ છે,
એ વૃદ્ધિ પામતાં થાય વિજેતા ને મુનિ જ્ઞાની બની જતું.
તો મૃત્યુ ! તું બહિષ્કાર કરશે શું પ્રભુના ગૂઢ સત્યનો ?
નકારશે ચમત્કાર આધ્યાત્મિક નિગૂઢ શું ?
ત્યારેય શું કહેશે કે નથી આત્મા, નથી પ્રભુ ?
પ્રકૃતિ દ્રવ્યની મૂક થાય જાગ્રત ને જુએ;
છે વાણી વિરચી એણે ને સંકલ્પ એણે પ્રકટ છે કર્યો.
કૈંક પાર જુએ વાટ, જેની પ્રત્યે એનો પ્રયાસ થાય છે,
કૈંક વીંટી વળેલું છે એને, જેની પ્રત્યે એ વૃદ્ધિ પામતી :
પ્રકાશે આણવો આત્મા, પુનરેવ પ્રભુમાં પરિવર્તવું,
જવું જાતતણી પાર, એ છે એનું કાર્ય શ્રેષ્ઠ પ્રકારનું.
ગુપ્ત પ્રભુમહીં વિશ્વે આરંભ અસ્તિનો કર્યો,
પ્રકટ પ્રભુની પ્રત્યે ધીરે ધીરે યાત્રા એની થતી જતી :
પૂર્ણતાએ પ્હોંચવાને શ્રમ સેવે આપણી આ અપૂર્ણતા,
કોશેટો છે દેહ ચૈત્ય-સ્વરૂપનો :
પોતાના બાહુમાં ધારે અનંત અંતવંતને,
કાળ યાત્રા કરે આવિષ્કૃત શાશ્વતતા પ્રતિ.
અદભુતા રચના જાદૂગર કેરી સદાયના,
જડદ્રવ્ય છુપાવે છે રહસ્યમયતા નિજી
પોતાનાં પણ નેત્રથી,
ગૂઢ સંજ્ઞાક્ષરે છે એ શાસ્ત્ર એક લખાયલું,
લેખ્યા પ્રમાણ છે ગુહ્ય કલા કેરું સર્વાશ્રર્યસ્વરૂપની.
સાક્ષી હ્યાં પૂરતું સર્વ એના ગુપ્ત પ્રભાવની,
એનું સાન્નિધ્ય ને એની શકિત લ્હેતા આપણે સર્વની મહીં.
સર્વોચ્ચ રાજતા એના મહિમાની જવાલા જે તે જ સૂર્ય છે,
છે એક મહિમા ચંદ્ર કાંચની કાંતિ ધારતો.
જામેલી વ્યોમનું સ્વપ્ન એના મહિમાનું સ્વરૂપ છે.
મંડલે ઘૂમતા તારા આગેકૂચ છે એના મહિમાતણી.
એના સૌન્દર્યનું હાસ્ય હરાં વૃક્ષોમહીં પ્રસ્ફુટ થાય છે,
પુષ્પમાં વિજયી થાય એની સૌન્દર્યની ક્ષણો;
નીલ સાગરનું ગાન, નિર્ઝરીનો પરિભ્રાંત થતો ધ્વનિ
છે મર્મરસ્વરો નીચે આવનારા વીણાથી શાશ્વતાત્મની.
છે આ જગત સંસિદ્ધ થયેલો પ્રભુ બાહ્યમાં.
એનાં આચરણો આપે છે આહવાનો આપણી તર્ક-બુદ્ધિને
અને ઇન્દ્રિયગ્રામને;
અંધ જડ ક્રિયાઓથી એક અજ્ઞાન શકિતની,
ક્ષુદ્ર, અસ્પષ્ટ કે હીન કહી જેને આપણે તુચ્છકારતા
તે સાધનો વડે એણે નાની શી વસ્તુઓ પરે
અજ્ઞાન શૂન્યમાં એક મહિમાનું વિશ્વ ઊભું કરેલ છે.
રચ્યો છે પુંજ પોતાનાં રૂપો કેરો એણે અત્યણુ રેણુથી;
નજીવ વસ્તુઓમાંથી ચમત્કારો એના નિર્મિત છે થયા.
મન જો પંગુ હોયે ને પ્રાણ હોય અશિક્ષિત અપક્વ જો,
કારમા છળવેશો ને કર્મોએ હોય દુષ્ટ જો,
તોય તે ઘટનાઓ છે એના અતિવિશાળ ને
વૈવિધ્ય પૂર્ણ વસ્તુની,
ને આવશ્યક સોપાનો એના જંગી જોખમી નાટ્યકાર્યમાં
આ અને અન્ય સર્વેથી રચે દુઃખભોગી એ નિજ નાટ્યને,
છે જે નાટક ને તેમ છતાં નાટક જે નથી
કિંતુ છે ગૂઢ યોજના
જેમાં પારતણી જ્ઞાનપ્રતિભા માર્ગ શોધતી
છાયા ને રાત્રિમાં ભેટો લેવાને નિજ નાથનો :
એની ઉપર છે ચોકી પહેરો તારકોતણો;
નિરીક્ષાતિ એ એકાકી અનંતથી
મૂક દ્રવ્યમહીં મૂર્ત્ત કરે એ પરમાત્મને,
પ્રતીકાત્મક ચિત્તો ને જીવનોમાં
મૂર્ત્તિમંત કરે કેવળ બ્રહ્યને.
યાંત્રિક પટુતા એની છે ચમત્કારકારિણી;
જડદ્રવ્યતણે યંત્રે મૂક્યા અમલની મહીં
કાયદાઓ વિચારના,
એન્જિનોએ પ્રાણ કેરાં અર્પી સેવા શ્રમને ચૈત્ય જીવના :
મહાશકિતમતી માએ પોતાની સૃષ્ટિને રચી,
મહાકાય મનોમોજે સ્વયંબદ્ધ લોખંડી નિયમો વડે,
ને પૂરી પ્રભુને દીધો સમસ્યારૂપ વિશ્વમાં :
એણે સર્વજ્ઞ ને શાંત સુવાડ્યો છે નિદ્રામાં અજ્ઞતાતણી,
સર્વશકિતમાનને છે હાંક્યો પીઠે બેસાડી જડતાતણી,
નિજ અદભુત કર્મોના બૃહદાકાર વર્તુલે
પૂર્ણતાપૂર્ણ ચાલી એ પગલાંઓ માંડી દિવ્ય અચેતન.
બનાવી ખાતરીબંધ અમૃતત્વે જાતને મૃત્યુકાર્યથી;
કાળના પ્રવાહો દ્વારા દેખાતું 'તું મુખડું શાશ્વતાત્મનું.
પોતાના જ્ઞાનને એણે પહેરાવ્યું છદ્મ અજ્ઞાનતાતણું,
પાપના કારમા ક્યારે પોતા કેરા પુણ્યની વાવણી કરી,
પ્રવેશાર્થે સત્ય કેરા ભ્રાંતિનું બારણું કર્યું,
સેચ્યો દુ:ખાશ્રુએ એના છોડને સંમુદાતણા.
નિર્દેશ एक ને પાછાં ફરી રૂપો સહસ્રશ:;
દ્વન્દ્વ પ્રકૃતિનું ઢાંકી રાખતું अद्धितीय ને.
મિલને આ ભેળસેળ થતાં છદ્મોતણા શાશ્વતરૂપનાં,
ગૂંચવાયેલ આ નૃત્યે વિરોધોના આવેગી ભાવથી ભર્યા
ઝગડો તેમની લુપ્ત એકાત્મરૂપતાતણો
આશ્લેષે જકડી જેમ
નિષિદ્વાલિંગને હોય પ્રેમીઓ જકડાયલા,
કુસ્તી ને ખેંચતાણે આ શકિત કેરી પરમાવધિઓતણી
પંથો કોટિક પૃથ્વીના દેવ પ્રત્યે જતા 'તા મથનો કરી.
બધાયે ઠોકરો ખાતા, ઠોકરો ખાઈ ચાલતા
માર્ગદર્શકની પૂઠે પૂઠે આગે જતા હતા,
છતાં ઠોકરો પ્રત્યેક પગલું જરૂરનું
અજ્ઞેય લક્ષ્યની પ્રત્યે અણજાણ્યા માર્ગોએ થઈને જતું.
એકમાત્ર પ્રભુ પ્રત્યે
બધા ભૂલો કરતા ને હતા આથડતા જતા.
જાણે કો રાક્ષસી જાદૂ વડે તેમ સ્વરૂપાંતર પામતી
ધારતી મુખ સંદિગ્ધ નિત્યકાલીન શકિતઓ :
પ્રતિમાઓ તીરછી દિવ્યતાતણી
પ્રાણીનાં ને ભૂતવેતાલનાં વદન ધારતી,
કર્ણ હરણ કેરા ને ખુરા વન્ય દેવતાઈ તુરંગની,
કે દેતી આશ્રયસ્થાન નિજ દૃષ્ટે પિશાચને.
વાંકીચૂંકી બનાવી એ દેતી ભૂલભુલામણી
મન કેરી વિચારતા,
થવા દેતી હતી કાયાપલટો હાર્દનો અને
દેતી 'તી આવવા રંગરાગિયા રાત્રિમાંહ્યથી
આનંદોના એના પવિત્ર મંદિરે
જાણે એક છદ્મવેશે મધપાની મહોત્સવે.
ઘોરી માર્ગો પરે, બગોમહીં જગતના હતા
તેઓ આળોટતા ભૂલી પોતાના દિવ્ય પાઠને,
દારૂડિયા સમા ઘોર દારૂએ ડાકિનીતણા,
કે નાના શિશુ શા તેઓ ઘૂંટણે ચાલતા હતા,
અને પ્રકૃતિ કીચે રમતો રમતા હતા.
માર્ગોને પ્રભુના કાપી કાઢનારી પ્રજ્ઞા સુધ્ધાંય એક છે
ભાગીદાર બનેલી એ ઘોર ગંભીર ખેલમાં :
છે ખોવાઈ ગઈ થેલી યાત્રિણીની, ખોવાઈ ગઈ પાવતી,
ઉકેલી શકતી ના એ નકશો કે ન તારો નીરખી શકે.
કંગાલ, નિજને સાચો માનનારો
સદાચાર છે મૂડી મૂલ એહની,
વળી છે તર્કનો ગ્રાફ ફાંફાં મારી પમાયલો
કે અમૂર્ત્ત પરની દૃષ્ટિ એહની,
કે ક્રિયાવિધિ સાફલ્ય આપનારી એક ટૂંકી ઘડીતણું
પાઠવે એ, પ્રવેશાવે ઉપયોગ લક્ષનારી નિશાળમાં.
વિરાટ ચેતના કેરા સિંધુ કેરા બહિસ્તલે
જાળમાંહ્ય ઝલાયે છે ઝોલેઝોલાં વિચારો ક્ષુદ્ર કોટિના,
પરંતુ છટકી જાતાં મહાસત્યો એના અલ્પ પ્રસારથી;
સૃષ્ટિ કેરાં અગાધોથી રક્ષાયેલાં દૃષ્ટિ બ્હાર રહી જતાં,
અંધારે તરતાં તેઓ અખાતોમાં અંધ ને અણસીમ જે,
મનની નાનકી તાગ-દોરીઓથી સલામત,
અતિશે દૂર આવેલાં છીછરી ડૂબકીથકી
દીનહીન ડૂબકી મારનારની.
દેખતી આપણી મર્ત્ય દૃષ્ટિ અજ્ઞાન આંખથી;
પ્હોંચે નજર ના એની વસ્તુઓના ઊંડા હૃદયની પરે.
ભ્રાંતિની લાકડી કેરો લઈ ટેકો આપણું જ્ઞાન ચાલતું,
આરાધે એ મતો જૂઠા, આરાધે દેવ જૂથડા,
કે અસહિષ્ણુતાવાળા ઉગ્ર ધર્મે એ ધર્માંધ બની જતું,
યા તો કો એક જિજ્ઞાસુ, પ્રાપ્ત જે સત્ય થાય છે
તે પ્રત્યેક પર સન્દેહ રાખતો,
કે સંશયાત્મ જે મૂકે જ્યોતિ સામે નક્કર વજ્રના સમો,
કે હૈયું થીજવી દે જે શુષ્ક વક્ર સ્મિત સાથે કટાક્ષના,
કે માનવી મહીં છે જે દેવ તેને મિટાવતો
દ્વેષી માનવ જાતનો;
અંધારું એક ગોટાઈ રહેલું છે માર્ગો ઉપર કાળના,
એ ભૂંસી નાખવા તારા ઊંચકે છે નિજ મસ્તક રાક્ષસી;
વ્યાખ્યાત મન કરું એ રચે છે એક વાદળું
ને વચ્ચે અવરોધે છે વેદવચન સૂર્યનાં.
છે જ્યોતિ તે છતાં, છે દ્વારે પ્રકૃતિના ખડી :
મશાલ એક ધારી છે એણે દોરી જવા યાત્રિકને મહીં.
વાટ જોઈ રહી છે એ પેટાવાની ખંડોમાં ગુપ્ત આપણા;
છે એ તારક અજ્ઞાન અબ્ધિને અજવાળતો,
આપણા તૂતકે છે એ દીપ ભેદંત રાત્રિને.
જેમ જેમ વધે જ્ઞાન
તેમ તેમ ભભૂકીને ભીતરેથી જ્યોતિ ઉપર આવતી :
છે પ્રકાશતો એક યોધ માનસનીમહીં,
ભવિષ્ય ભાખતે હૈયે સ્વપ્નનો વૈનતેય એ,
છે એ કવચ સંગ્રામે, પ્રભુનું એ ધનુષ્ય છે.
વધુ મોટી પછી આવે ઉષાઓ, ને વૈભવો પ્રાજ્ઞતાતણા ;
પસાર થાય ઓળંગી આત્મા કેરાં ક્ષેત્રો અર્ધ-પ્રદીપિત
અને ઝાંખપથી ભર્યાં
તત્ત્વ જ્ઞાન ચઢે ઊંચે
મેઘની મેખલાવાળાં શિખરોએ વિચારનાં
અને વિજ્ઞાન તોડીને બ્હાર કાઢે ગૂઢ પ્રકૃતિ-શકિતઓ,
જે જંગી જીનના જેવી પૂરી પાડે વામણાની જરૂરતો,
આણે પ્રકાશમાં ઝીણી સીલબંધ વિગતો એ નિસર્ગની,
ને એની જ બનાવીને શકિત બંદી,
તેની સહાયથી જીત એની ઉપર મેળવે.
મનના ઘૃષ્ટમાં ઘૃષ્ટ ઊડણે જે શિખરો પ્રાપ્ત થાય ના,
ત્યાં લોપ પામતા કાળ કેરી એક કિનારે જોખમે ભરી,
પરાવૃત્ત થઈ આત્મા પ્રવેશે છે
પોતાના મૃત્યુથી મુક્ત પરમાત્મસ્વરૂપમાં;
બને મનુષ્યનું જ્ઞાન પ્રભુ કેરી પરમોચ્ચ મહાપ્રભા.
પ્રદેશ ગુહ્ય કેરો છે શકિત જ્યાંથી છલંગી બ્હાર આવતી,
જેનો પ્રજવલતો અગ્નિ દ્રષ્ટાનાં ને ઋષિનાં નયનોમહીં;
દિવ્ય દર્શનની દૃષ્ટિ વીજ જેમ ઝબૂકતી,
રમે માનસની એક ભીતરી ધારની પરે :
વિચાર મૌન પામેલો તાકે એક વૈભવી શૂન્યની પરે.
ગૂઢ અદૃષ્ટ શૃંગોથી નીચે એક આવે અવાજ ઊતરી :
ઝંઝાના મુખથી બ્હાર આવતો એ છે પોકાર પ્રદીપ્તિનો,
રાત્રિનાં ગહનો સાથે વાર્તાલાપ કરે છે તે અવાજ એ,
છે ગડેડાટ એ ને છે આહવાન ભભૂકતું.
અજ્ઞાન ભૂમિથી ઊંચે ભૂમિકાઓ ચડંત જે
તેમની ઉપરે એક ઊંચકાયેલ હસ્ત છે
અદૃશ્યના રાજ્યતણી પ્રતિ;
અંધત્વ આંખને દેતી પરચૈતન્યવંતની
રેખા કેરી પારમાં ઊંચકાયલો,
અજ્ઞાતના ચક્રોને એ ચૂંટીને અળગા કરે;
આત્મા જે અંતરે છે તે શાશ્વતાત્માતણાં નેત્રોમહીં જુએ.
આપણાં હૃદયો બ્હેરાં હતાં જે શબ્દની પ્રતિ
તે શબ્દ એહ સંભાળે,
વિચારો આપણા અંધ જે જવાલામાં બની જતા
તેની આરપાસ એ અવલોકતો;
ખુલ્લા સ્તનોથકી પાન કરે ભવ્ય સત્યની દેવતાતણા,
ને લે શીખી રહસ્યો શાશ્વતીતણાં .
આમ મગ્ન હતું સર્વ સમસ્યારૂપ રાત્રિમાં,
આમ ઊંચે ચડાવાતું સર્વ આંજી દેતો આદિવ્ય આંબવા.
હે મૃત્યુદેવ ! આ તારા રાજ્ય કેરું રહસ્ય છે.
અનિયંત્રિત દુઃખાન્ત ક્ષેત્રમાં પૃથિવીતણા
લક્ષ્યરહિત યાત્રામાં એની સૂર્યે વહાયલા
મહાન મૂક તારાઓ કેરી બેળે થતી પ્રગતિની વચે,
ક્ષેત્રોમાં પ્રભુના એક અંધકારે વસવાટ કર્યો હતો,
ને ત્વત્સ્વરૂપની આણ વર્તતી 'તી જગતે જડદ્રવ્યના.
તારા છદ્મે છુપાવ્યું છે મુખ શાશ્વતરૂપનું,
જેણે જગત સર્જ્યું છે સંમુદા તે છે પડેલી સુષુપ્તિમાં.
તજાયેલી અપારે એ તંદ્રાલીન રહેલ છે :
અનિષ્ટ પલટે એક અંગો એનાં પકડાઈ ગયેલ છે,
એવાં કે જાતનેયે એ હવે તો જાણતી નથી.
એની સર્જક નિદ્રામાં થઈ કુદકતી જતી
નાજુક સ્મૃતિઓ માત્ર સુખ-સુન્દરતાતણી
એને માટે જે હતાં સરજાયલાં
લીલાં દુકૂલ ધારે છે એવાં વૃક્ષોતણી વચે
નભ કેરા નીલા હાસ્યતણી તળે,
ને સુગંધો તથા રંગો સુખે જ્યાં વેડફાઈ છે,
તારાઓની સ્વપ્ન-જ્યોતિતણા સાવધ જાગરે,
ધ્યાનમાં મગ્ન શૈલોનાં ઉચ્ચ મસ્તકની વચે,
વિલાસવાંછુ ને વર્ષાચુંબિતા વસુધાતણા
વક્ષ:સ્થળતણી પરે,
ને નીલ નીલમી ગોથાં ખાતા સિંધુ સમીપમાં.
કિંતુ નિર્દોષતા આધ હવે લુપ્ત થયેલ છે
ને મુત્યુ અથ અજ્ઞાન મૃત્યુલોક પરે રાજ્ય ચલાવતાં
અને પ્રકૃતિને મોંએ ધારેલો છે રંગ વધુ વિષાદનો.
પૃથ્વીએ સાચવી રાખી છે હજીએ પોતાની પૂર્વકાલની
મોહની ને મનોજ્ઞતા,
હજીએ ભવ્યતા એની રહી છે ને રહી સુન્દરતાય છે
પરંતુ પડદા પૂઠે નિવાસી દિવ્ય છે રહ્યો.
આત્માઓ માણસો કેરા ભટકે દૂર જ્યોતિથી
તે છે મહાન માતાઓ લીધું સ્વ-મુખ ફેરવી.
આંખો બંધ થયેલી છે સર્જતી સંમુદાતણી,
ને એને નિજ સ્વપ્નાંમાં શોક-સ્પર્શ થયેલ છે.
શૂન્યની નિજ સેજે એ પાસાં ફેરવતી અને
ઉછાળા મારતી રહે,
કેમ કે ના શકે જાગી એ ને પ્રાપ્ત ના સ્વરૂપ કરી શકે
ને પોતાનું પૂર્ણ રૂપ પાછું ના વિરચી શકે,
સ્વભાવ વિસરાયો છે અને એની અવસ્થા વીસરાઈ છે,
સહજપ્રેરણા વીસરાઈ છે સુખશર્મની,
વીસરાયું સર્જવાનું એક આનંદલોકને,
તેથી પોતે રડે છે ને રડાવે છે પોતાના જીવલોકને;
શોકની ધારથી હૈયાં ચકાસંતી પોતાનાં બાળકોતણાં,
આશા ને શ્રમના વ્યર્થ બિગાડે જીવને થતા
ખરચી નાખતી દુઃખ-અશ્રુઓની મર્મસ્પર્શી વિલાસિતા.
ઓથારી પલટામાંહે અર્ધ-ભાનવાળા એ નિજ સ્વપ્નના
યાતના વેઠતી પોતે અને દેતી યાતના નિજ સ્પર્શથી,
આપણાં હૃદયો, દેહો અને જીવન પાસ એ
આવે કઠોર ને ક્રૂર ધારીને છદ્મ દુઃખનું.
સ્વભાવ આપણો વાંકા વળવાળો અકાળજન્મથી થયો,
વાંકા જવાબ વાળે એ
આઘાતોને જિંદગીના સશંક પ્રશ્ન પૂછતા,
વિશ્વ કેરી વ્યથામાંથી તિક્ત આસ્વાદ મેળવે,
ને પીએ મધ તેજીલું દુઃખની દુષ્ટતાતણું.
છે શાપ એક લાગેલો જિંદગીના પવિત્ર સુખની પરે :
પ્રમોદ પ્રભુની સૌથી મીઠી સંજ્ઞા
છે સૌન્દર્ય સાથે જન્મેલ જોડિયો,
અભીપ્સા રાખતો સંત અને રૂક્ષ મુનિ એથી ડર્યા કરે,
એને દૂર રખાયે છે, ભયકારી સંદિગ્ધ શઠ છે કહી,
નારકી શકિતની સત્ય ભાસતી યુક્તિ એક એ,
લોભાવી લઈ એ જાય આત્મહાનિ ને પાત પ્રતિ આત્મને.
નીતિના આગ્રહી દેવે બનાવ્યું છે સુખને વિષનું ફળ,
કે દવા લાલ વેચાતી મૃત્યુ કેરા બજારમાં,
અને પ્રકૃતિની મોટી મુદા કેરું બાલ છે પાપને કર્યું.
તે છતાં જીવ પ્રત્યેક સુખ કેરા શિકારે નીકળેલ છે,
ક્રૂર દુઃખોતણે સાટે ખરીદતો
કે વિદારી બલાત્કારે જડ હયું ચેતનાહીન ગોલનું
મહસુખતણો એક ટુકડો લે, લે તૂટી એક ઠીકરી.
હર્ષ પોતેય જાયે છે બની ગરલ-ઘૂંટડો,
એની ભૂખતણો દૈવે બતાવ્યો છે ગલ ઘોર પ્રકારનો.
બધાં સાધન લેખાતાં રૂડાં એનું રશ્મિ એકાદ ઝાલવા,
ક્ષણના મોદને માટે બલિદાન શાશ્વતીનું અપાય છે :
છતાં આનંદ માટે, ના દુઃખ માટે છે બનાવાયલી ધરા,
ને નથી સ્વપ્ન એ એક દુઃખ સ્હેતા અંતવિહીન કાલમાં.
નિજાનંદાર્થ જોકે છે સરજ્યું પ્રભુએ જગત્ ,
છતાં એક અજ્ઞાન શકિત એના સંકલ્પ સમ ભાસતી
કાર્યભાર હસ્તમાં નિજ રાખતી,
ને ઊંડા એક જૂઠાણે મૃત્યુ કેરા કરી છે વશ જિંદગી.
ક્રીડારૂપ બન્યું સર્વ યદ્દચ્છાની દૈવાનુકારકારિણી.
ગભીર નીલમ વ્યોમ સમી એક હવા છૂપી પ્રમોદની
શ્વસે છે આત્મ આપણાં;
આપણાં હાર્દ ને અંગો સંવેદે છે એના અસ્પષ્ટ સાદને,
ઇન્દ્રિયો આપણી એને માટે ફંફોળતી અને
સ્પર્શતી ને ગુમાવતી.
જો આ નિવૃત્ત થાયે તો થઈ જાયે નિમગ્ન જગ શૂન્યમાં;
જો આ ન હોત શકિતમાન હોત નહીં કશું
હાલચાલવા અગર જીવવા.
છે ગુપ્ત એક આનંદ મૂળમાં વસ્તુઓતણા.
એક અશબ્દ આનંદ
અવલોકી રહેલો છે અસંખ્ય કર્મ કાળનાં:
અવકાશે વિશાળું છે આપ્યું સ્થાન વસ્તુઓમાં વસાવવા
આનંદ પરમાત્મનો,
જન્મ્યા છે આપણા જીવો નિજાત્મામાં વસાવવા
આનંદ પરમાત્મનો.
આ વિશ્વ સાચવી રાખે પુરાણી એક મોહિની;
વિશ્વાનંદતણા પ્યાલા કંડારેલા છે એની સર્વ વસ્તુઓ
મધ મોહક જેહનું
કો ઊંડા ચૈત્ય આત્માનું પાન છે સંમુદાતણું :
સર્વાશ્ચર્યસ્વરૂપે સ્વ-સ્વપ્નાંઓથી સ્વર્ગ સાન્દ્ર ભરેલ છે,
રિક્ત પ્રાચીન આકાશ
ધામ એણે બનાવ્યું છે પોતાનું અદભુતે ભર્યું;
રેડ્યો છે નિજ આત્માને સંકેતોમાંહ્ય દ્રવ્યના:
જળે છે અગ્નિઓ એના ભવ્યતાના મોટા માર્તંડની મહીં,
વ્યોમમાં વિલસંતો એ સ્વર્ગાકાશમહીં સરે;
છે એ સૌન્દર્ય આનંદગાન ગાતું ક્ષેત્રો મધ્યે અવાજનાં;
શ્લોકો આલાપતો એહ વાયુના ઊર્મિગીતના;
છે એ રાત્રિ સમી મૌન નક્ષત્રોમાં નિરીક્ષતું;
જાગી ઉઠી પ્રભાતે એ ડાળેડાળથકી અહવાન આપતો,
શિલામાં સ્તબ્ધ સૂતો એ અને સ્વપ્ન સેવતો પુષ્પ-પાદયે.
આ પરિશ્રમ ને કેલશમહીંયે અજ્ઞતાતણા,
કઠોર ને ભયે પૂર્ણ જમીને આ સંકષ્ટ ધરણીતણી,
મૃત્યુ ને ઘટના ઘોર છે છતાંયે
સંકલ્પ જીવવાનો ને અસ્તિ કેરો રહે છે આગ્રહે ભર્યો.
ભેટે ઇન્દ્રિયને જે તે સર્વમાં એક હર્ષ છે,
છે હર્ષ ચૈત્ય-આત્માના સર્વાનુભવમાં રહ્યો,
અશુભે હર્ષ છે એક ને હર્ષ એક છે શુભે,
છે હર્ષ પુણ્યમાં એક, છે હર્ષ પાપની મહીં :
કર્મના કાયદા કેરી ધમકી લેખવ્યા વિના,
નિષિદ્ધ ભૂમિમાં હર્ષ ઊગવા હામ ભીડતો,
પીડાના છોડ ને ફૂલોમહીં એનો પ્રવાહ રસનો વહે :
નાટકે ભાગ્ય કેરા ને ઘોર દુર્ભાગ્યના પુલક એ લહે,
શોક ને સંમુદામાંથી તોડીફોડી એ અન્ન નિજ મેળવે,
પોતાના ઓજને તેજ બનાવે એ જોખમે ને મુસીબતે;
સરીસૃપ અને કીટ-કૃમિના સાથ લોટતો,
અને શિર કરે ઊંચું નિજ તારા-સમોવડો;
લે ભાગ એ પરીઓના નૃત્યમાં ને
પિશાચોની સાથે ભોજનમાં ભળે :
અનેક ભાસ્કરો કેરી પ્રભાને ને ઉષ્માને એ નિષેવતો,
સૂર્ય સૌન્દર્ય કેરો ને સૂર્ય શકિતતણો કરે
સોનેરી રશ્મિમાલાથી સ્તુતિ એની પોષતો ને રિઝાવતો;
દૈત્ય ને પ્રભુની પ્રત્યે પામતો અભિવૃદ્ધિ એ.
પૃથ્વી પર વિલંબે એ પીતો ઊંડો ઘૂંટડો તૃપ્તિ આપતો,
એનાં સુખ તથા દુઃખ કેરા પ્રતીકના વડે
દ્રાક્ષા સ્વર્લોકની લે એ, લે રસાતલનાં સુમો,
જવાલા-કટારના ઘાવ અને નરકવાસની
યંત્રણાની કરામતો,
નંદન-મહિમા કેરા ખંડકો ઝંખવાયલા.
દિન હીન ભોગોમાં માનવી જિંદગીતણા,
ક્ષુદ્ર ભાવરસોમાં ને પ્રમોદોમાં એને આસ્વાદ આવતો,
આસ્વાદ અશ્રુઓમાં ને ભગ્ન હૈયાંતણી રિબામણીમહીં,
મુકુટે હેમ કેરા ને કંટકોના કિરીટમાં,
જિંદગીની સુધા કેરી માધુરીમાં ને તિક્ત મદિરામહીં.
અજ્ઞાત સંમુદાર્થે એ સારુંયે સત્ત્વ શોધતો,
નવી અદભુત ચીજોને માટે તાગી જોતો સર્વાનુભૂતિને.
લાવે જીવન પૃથ્વીના જીવના દિવસોમહીં
ઉચ્ચ ધામથકી એક અર્ચિષ મહિમાતણી :
લે ઘેરું રૂપ એ એનાં ચિંતનો ને કલામહીં,
કો પૂર્ણ શબ્દની દીપ્તિ પ્રત્યે મારે ઉછાળ એ,
જીવના ઉચ્ચ સંકલ્પો ને ઉદાત્ત કર્મોએ હૃષ્ટ થાય એ,
ભમે ભૂલોમહીં એની, ગર્ત-ધારે કરી સાહસ જાય એ,
એનાં આરોહણોમાં એ આરોહે ને આળોટે નિમ્ન પાતમાં.
દેવ-દાનવ કન્યાઓ ભાગીદાર એના આવાસની બને,
જિંદગીના હાર્દ માટે સ્વામિનીઓ કે સ્પર્ધા સેવતી ઉભે.
વિશ્વના દૃશ્યના ભોક્તા માટે તો માનવીતણી
મહત્તા ને લઘુતા સમરૂપ છે,
એનું ઔદાર્ય ને એની નીચતા છે
રંગો નંખાયલા કોક ઉદાસીન દેવોની પૃષ્ટભૂ પરે :
કરી છે યોજના જેણે તે કલાકારનું કલા-
કૌશલ્ય એ વખાણતો,
કિંતુ આ ખતરાવાળો ખેલ હંમેશ ના ટકે :
પૃથ્વીની પાર પ્રજ્ઞાન ને આનંદ પોતાની શ્રેષ્ઠ સિદ્ધિનો
કિરીટ મુક્તિ પામેલી પૃથ્વી માટે કરી સજ્જ રહેલ છે :
દૈવી બોલાવતું સત્ય સવિચાર મનુષ્યને.
આખરે વળતો જીવ નિત્યની વસ્તુઓ પ્રતિ,
મંદિરે મંદિરે પ્રાર્થે એ આલિંગન ઈશનું
પછીથી સર્વથી શ્રેષ્ઠ ભજવાય નિગૂઢતા,
અભિવાંછિત સંસિદ્ધ ચમત્કાર થતો પછી.
અમર્ત્ય સંમુદા ખોલે તારા પ્રત્યે નિજ આયત લોચનો,
બલિષ્ટ નિજ ગાત્રોને કરે છે ગતિમાન એ;
રોમહર્ષ લહે કાળ એના પ્રમોર્મિગીતથી,
ને ભરાઈ જતું વ્યોમ શુભ્ર એક મહાસુખે.
પછી માનવ હૈયાને છોડી એના વિષાદમાં,
તજી વાણી અને ક્ષેત્રો નામે નિર્ણય પામતાં,
દૂરદૃષ્ટ વિભાવંત શબ્દહીન વિચારના
વ્યોમની મધ્યમાં થઈ,
વિચારમુકત ને નગ્ન સ્વર્ગો પાર કરી કેવળ દૃષ્ટિનાં
આરોહે શિખરોએ એ છે જ્યાં અજન્મ ભાવના
સ્મરતી ભાવિને જેહ થવાવાળું અવશ્ય છે,
નીચી નજર નાખે છે શ્રમસેવી શકિતનાં કાર્યની પરે,
અવિકારી રહી ઊર્ધ્વે પોતે રચેલ વિશ્વથી.
સત્યના સૂર્યના સ્વર્ણ-વર્ણ બૃહદ હાસ્યમાં
મહાન સ્વર્ગના પંખી જેમ એક સ્થિર સાગરની પરે
સમતોલ બનેલો છે એના સર્જક હર્ષનો
પ્રોત્સાહ પાંખ ધારતો
સનાતનતણી શાંતિ કેરા સ્પંદહીન અગાધની પરે.
શૂન્યકારથકી જયારે સૌન્દર્યે તરબોળ આ
સૃષ્ટિ ભવ્ય સમુદ્ ભવી
આછા ધુમ્મસથી છાયાં જળો મધ્યે અચિત્ કેરી સુષુપ્તિનાં,
ત્યારે લક્ષ્ય હતું આ ને સર્વશ્રેષ્ઠ હતો નિયમ સત્ય આ,
કાર્ય સોંપી અપાયેલું નિસર્ગને,
આ માટે પરમાત્માનું પાતાળે આવવું થયું,
ભરી દીધી દ્રવ્ય કેરા અજ્ઞાન ઓજની મહીં
એણે સ્વકીય શકિતને,
ખુલ્લા રાત્રિત્રણા સત્રે જ્યોતિ મોટા ધામની પ્રકટાવવા
મૃત્યુના રાજ્યમાં પાછું અમૃતત્વ વસાવવા.
રૂપાંતરતણું એક કાર્ય ગૂઢ પ્રકારે મંદ ચાલતું.
આપણી પૃથિવી આખી આરંભ પંકથી કરી
આકાશે અંત પામતી,
ને પ્રેમ જે હતો એકવાર પાશવ કામના
ને પછી હૃષ્ટ હૈયામાં હતો મધુ પ્રમત્તતા
ને સુખી મનમાં સાહચર્ય ઉત્સાહથી ભર્યું
તે અધ્યાત્મિક આકાંક્ષા કેરો જાય અવકાશ બની બૃહત્ .
એકાકી જાય છે જીવ ભાવાવેશે ભર્યો કેવલની પ્રતિ,
મનુષ્ય પર છે પ્રેમ જે હૈયાનો તે હૈયું પ્રભુ-પ્રેમથી
પુલકો ધારતું બને,
એનો આવાસ છે દેહ ને એનું મંદિરેય છે.
ભેદભાવથકી ત્યારે પરિત્રાણ પામે છે આત્મા આપણો;
બધું તદરૂપતા પામે, સંવેદતું પ્રભુમાં સૌ નવેસર :
બહાર ઝૂકતો પ્રેમી દ્વારથી સ્વ-વિહારના
આખા જગતને ભેગું કરી લેતો પોતાના એક અંતરે.
પછીથી રાત્રિ કેરા ને મૃત્યુ કેરા કાર્યનો અંત આવશે :
હશે પ્રાપ્ત થયું ઐકય ને સંઘર્ષ શમ્યો હશે
ને થયું સર્વનું જ્ઞાન હશે ને સૌ પ્રેમાલિંગનમાં હશે
ત્યારે અજ્ઞાન ને દુઃખ પ્રત્યે કોણ પાછું મોં ફેરવી જશે ?
હે મૃત્યુ ! મેં તને જીતી લીધો છે મુજ ભીતરે;
શોકને હુમલે હાવે હું ધ્રૂજી ઊઠતી નથી;
સ્થિત અંતરમાં ઊંડે મહાસમર્થ શાંતિએ
દેહે ને ઇન્દ્રિયગ્રામે મારા વાસ કરેલ છે :
એ લઈ વિશ્વનું દુઃખ બલમાં પલટાવતી,
એ વિશ્વાનંદને એક બનાવે છે આનંદ સાથ ઈશના.
પ્રભુની શાંતિના સિંહાસને મારો સનાતન
પ્રેમ આરૂઢ છે થયો;
કેમ કે ઊડવાનું છે પ્રેમે સક્ષાત્ સ્વર્ગોની પારપારમાં
ને શોધી કાઢવાનો છે અનિર્વાચ્ય નિજોદ્દેશ છુપાયલો;
પલટી નાખવાની છે એણે એની રીતો માનવજાતની
રીતોમાં દિવ્યતાતણી,
ને તોય રાખવાનું છે રાજ્ય એનું સૃષ્ટિની સંમુદા પરે.
હે મૃત્યુદેવ ! મેં મારા હૈયા કેરી મધુરી તીવ્રતાર્થ ના
કે ના મારા સુખી દેહ કેરા મોદાર્થ માત્ર કૈં
માગ્યો છે તુજ પાસેથી કરી દવો જીવતા સત્યવાનને,
પરંતુ જે અમોને છે ધર્મકાર્ય અપાયલું
તે તેના ને મારા કર્તવ્ય કારણે.
અમારાં જીવનો દૂતો પ્રભુના છે તારામંડળની તળે,
મૃત્યુની છાયાની નીચે રહેવાને એમનું આવવું થયું
અજ્ઞાન લોકોને માટે પ્રભુ કેરા પ્રકાશને
પ્રલોભાવી લાવવા પૃથિવી પરે,
પોલાણ માનવો કેરાં હૃદયોનું ભરવા પ્રભુ-પ્રેમથી,
પ્રભુના પરમાનંદ વડે દુઃખ દુનિયાનું મટાડવા.
કેમ કે સ્ત્રી-સ્વરૂપા છું શકિત હું પરમેશની,
માનુષ્યે સત્યવાન છે
એકમાત્ર પ્રતિનિધિ સનાતન-સ્વરૂપનો.
તારા નિયમથી મારો, મૃત્યદેવ ! છે સંકલ્પ મહત્તર;
દૈવની શુંખલાઓથી પ્રેમ મારો બલિષ્ઠ છે :
અમારો પ્રેમ સ્વર્ગીય સીલ છે પરમાત્મની.
તારા વિદારતા હસ્ત સામે રક્ષા હું એ સીલતણી કરું.
પૃથ્વી ઉપર પ્રેમે ના વસવાટ કરવો બંધ જોઈએ;
કેમ કે પ્રેમ છે શુભ્ર કડી ભૂને સ્વર્ગની સાથ સાંધતી,
દૂરસ્થ પરમાત્માનો પ્રેમે હ્યાં દેવદૂત છે.
પ્રેમ મનુષ્ય કેરા છે સ્વાધિકાર કેવલ-બ્રહ્યની પરે."
પરંતુ મૃત્યુને દેવે સ્ત્રીને ઉત્તરમાં કહ્યું,
નિરુત્સાહ કરી દેતા શ્રમને તારકોતણા
વ્યંગપૂર્ણ મહાહાસ્ય વડે નિજ અવાજના :
" મનુષ્યો આ પ્રમાણે જ સત્યની વંચના કરે
વિચારોએ વિભાસતા.
આ રીતે રોકશે ભાડે તું પાખંડી મનને વૈભવે ભર્યા,
આદર્શની હવા કેરા એના સુસૂક્ષ્મ તંતુથી
દેહની નગ્ન વાંછાઓ કેરા ઝીણા વાઘાઓ કાઢવા વણી
અને હૃદયનો તારો લોભલાલચથી ભર્યો
પકડી રાખતો રાગી ભાવ વસ્ત્રે સજાવવા ?
સજ ના જિંદગી કેરી જાળ જાદૂઈ રંગથી :
રૂડું તો એ કે તું તારા વિચારને
સ્પષ્ટ સાદું અને સત્યનિષ્ઠ દર્પણ દે કરી,
પ્રતિબિંબબિત જ્યાં થાય જડદ્રવ્ય અને મરણશીલતા,
ને તારી જાતને જાણ પેદાશ માંસપિંડની,
બનાવટતણી જાત બનાવટતણા જગે.
છે તારા શબ્દ મોટેરા મર્મરાટો રહસ્યમય સ્વપ્નમાં.
કેમ કે માનવી કેરા મેલા હૃદયની મહીં
અસ્ફુટ મહિમા તારા સ્વપ્ન-નિર્મિત ઈશનો
કેવી રીતે રહી શકે ?
કે જેને તું નામ આપે મનુષ્યનું.
તે નંગા ને બેપગાળા જંતુમાં દેવતાતણું
મુખ ને રૂપ જોવાનો, કહે, કોણ સમર્થ છે ?
માનવી મુખ ઓ ! નાખ ઉતારી તું મો 'રાં માનસ-ચીતર્યાં:
રહે પશુ અને કીટ બની, છે જે ઉદ્દેશ પ્રકૃતિતણો;
સ્વીકારી તુજ જન્મ મોઘ, જીવન સાંકડું.
કેમ કે સત્ય છે ખુલ્લું શીલા જેવું અને કઠોર મૃત્યુ શું;
ખુલ્લામાં તું રહે ખુલ્લી, સત્ય કેરી કઠોરતા
સાથે ધારી કઠોરતા."
પરંતુ ઉત્તરે કે'તી સાવિત્રી ઘોર દેવને:
" હા, હું છું માનુષી, તેમ છતાં મારા પ્રભાવથી,
ઉલ્લંઘી શોક ને દુઃખ, ઉલ્લંઘી દૈવે, મૃત્યુને,
તને પગ તળે ખૂંદી મનુષ્ય અમૃતત્વનાં
શિખરોએ પહોંચશે,
કેમ કે વાટ માનુષ્યે પોતાની ઘટિકાતણી
પ્રભુ જોઈ રહેલ છે.
હા, છદ્મ પ્રભુ કેરું છે મારી માનવરૂપતા :
મારામાં વાસ છે એનો, છે એ મારાં કર્મો કેરો પ્રવર્તક,
એના સંસારના કાર્ય કેરા મોટા ચક્રને એ ચલાવતો.
હું એની જ્યોતિનો જીવંત દેહ છું,
હું એની શકિત કેરું છું હથિયાર વિચારતું,
હું જ્ઞાનને કરું મૂર્તિમંત પાર્થિવ વક્ષમાં,
હું એનો જયશાળી છું સંકલ્પ ન હણ્યો જતો.
રૂપરહિત આત્માએ આલેખ્યું છે મારમાં નિજ રૂપને;
છે મારામાં અનામી ને મારામાં ગુપ્ત નામ છે."
મૃત્યુએ નિજ પોકાર પાઠવ્યો ત્યાં અવિશ્વાસી તમિસ્રથી :
" ઓ હે પુજારિણી ! ધામે કલ્પનાના, સ્થાયી ને સ્થિંર કાયદા
મનાવી લે સર્વ પ્હેલાં નિસર્ગના
અને અશક્યને તારું નવી દે કાજ રોજબરોજનું.
બે સદાના શત્રુઓને પરાણે તું શી રીતે પરણાવશે ?
સમાધાન વિનાના એ પોતાના પરિરંભમાં
નિરર્થક બનાવી દે નિજ શુદ્ધ પરમાવધિઓતણો
મહિમા દિવ્ય કોટિનો :
અમંગલ વિવાહે આ હાનિ પામે શકિત કુંઠિત તેમની.
તારો સંકલ્પ શી રીતે સાચામાં ને જૂઠામાં ઐક્ય આણશે ?
જડ દ્રવ્ય જ જ્યાં સર્વ કાંઈ છે ત્યાં આત્મા તો એક સ્વપ્ન છે :
જો સૌ આત્મા જ હોયે તો જૂઠાણું જડદ્રવ્ય છે,
ને એ જૂઠો હતો કોણ જેણે જગત છે ઘડ્યું ?
સત્ અસત્ સાથ સંલગ્ન ન વિવાહે થઈ શકે.
વળવા વિભુની પ્રત્યે વાંછે તેણે છોડવાનું રહ્યું જગત્ :
ભ્રહ્યમાં વાસ વાંછે જે તેને માટે રહ્યું જીવન છોડવું;
પરમાત્માતણો ભેટો થયો જેને તે દે છે જાતને તજી.
મનના કોટી માર્ગોએ યાત્રા છે જેમણે કરી,
ને અસ્તિત્વ કરી પાર ગયા જેઓ અંત પર્યંત એહના,
તે જ્ઞાની મુનિયોને છે જણાયું કે
નિર્વાણમાત્ર છે એક સુરક્ષિત સમાશ્રય.
બે માત્ર બારણાંઓ છે માનવીને માટે છટકવાતણાં,
દેહનું મૃત્યુ છે એક દ્વાર શાંતિ માટેનું જડદ્રવ્યનું,
એના ચૈત્યતણું મૃત્યુ દ્વારા બીજું એનું અંત્ય મહાસુખ.
મારું શરણ કે સર્વે, કેમ કે હું મૃત્યુ છું પરમેશ્વર."
બલિષ્ઠ દેવને કિન્તુ સાવિત્રીએ પ્રતિ-ઉત્તર આપિયો :
" બુદ્ધિ કેરા વિચારોથી હૈયું મારું વધારે જ્ઞાનવાન છે,
હે મૃત્યુ ! તુજ પોશોથી હૈયું મારું બળવાન છે.
જુએ છે ને લહે છે એ સર્વમાંહ્યે એક હૃદય સ્પંદતું,
અને અનુભવે છે એ સૂર્ય જેવા કરો પરમદેવના,
વિશ્વાત્માને વિલોકે છે લાગેલો નિજ કાર્યમાં;
ઝાંખી રાત્રિમહીં પોઢેલું એકલું પ્રભુ સાથ એ.
બળ છે મુજ હૈયામાં ઊંચકીને જવાનું શોક વિશ્વનો,
ને કદી ડગશે એ ના નિજ પંથે પ્રકાશના
શુભ્ર વિશાળ કક્ષામા જાય છે જે પ્રભુની શાંતિમાં થઈ.
કરી પાન શકે છે એ પૂરેપૂરા સર્વાનંદસમુદ્રનું,
ને કદીય ગુમાવે ના શુભ્ર અધ્યાત્મ સ્પર્શને,
ને ના શાંતિ પરિવ્યાપ્ત અગાધિત અનંતમાં."
યમ બોલ્યો, " ખરેખાત, શું તું આવી બલિષ્ઠ છે ?
હૈયા ઓ ! ચૈત્ય આત્મા ઓ ! શું તું આવી વિમુક્ત છે ?
માર્ગની બાજુની મારી પુષ્પિતા ડાળીઓથકી
તો શું ચયન તું શુભ્ર સુખો કેરું કરી શકે
ને ના ડગમગે તોય કાઠી તારી યાત્રા કેરા નિશાનથી,
વિશ્વનો વિષય સ્પર્શ પામે તું તે છતાંયે ન કદી પડે ?
મને બતાવ તું તારું બળ, મારા નિયમોથી મુક્તિ તારી બતાવ તું."
પણ દીધો સાવિત્રીએ જવાબ ત્યાં :
" લીલા મર્મરતાં મંદરવે જીવન-કાનનો
મધ્યમાંથી મેળવીશ અવશ્ય હું
હૈયાની ગાઢતાવાળાં સુખો, એનાં છે તેથી માત્ર માહરાં,
કે મારાં એહને માટે, કાં કે હર્ષ અમારા એકરૂપ છે.
ને જો વાર લગાડું હું, તો છે કાળ અમારો અથ ઇશનો,
ને પડું તો, ન શું એનો હસ્ત મારી સમીપમાં ?
છે સર્વ યોજના એકમાત્ર; માર્ગ-કિનારનું
પ્રત્યેક કર્મ ઊંડાણ સમર્પે છે ચૈત્યાત્માના જવાબને,
લક્ષ્ય કેરી નિકટે વધુ આણતું."
તિરસ્કાર શૂન્યાત્મ મૃત્યુદેવે એને ઉત્તરમાં કહ્યું :
સુખ પાર્થિવ વાંછીને કરે છે સિદ્ધ આમ શું
અબાધ બળ તારું તું જ્ઞાનવંતા દેવો કેરી સમીપમાં !
માગતી જાતને માટે, છતાં જાત ને એના સ્થૂલ છદ્મથી
રહેવા મુક્ત માગતી.
તો તારો આત્મ ઈચ્છે છે તે સૌ આપીશ હું તને,
સર્વ ભંગુર ભોગો જે ધરા મર્ત્ય હૃદયો કાજ રાખતી.
વાંછા સૌથી તને વ્હાલી છે જે એક ન જે સૌ બઢી જતી,
તેને નિષેધતા ક્રૂર નિયમો ને વક્ર પ્રારબ્ધ તાહરું.
એકવાર કરાયેલો મારો સંકલ્પ કાળમાં
ફેરવાતો નથી ફરી,
સત્યવાન ફરી તારો બનવાનો નથી કદી."
ધૂંધળા દેવને કે'તી સાવિત્રી કિન્તુ ઉત્તરે :
" આંખો અંધારની સીધેસીધું જોઈ શકે જો સત્યની પરે
તો મારા હૃદય પ્રત્યે જો, ને જાણી લઈ મારા સ્વરૂપને
જે ઈચ્છા થાય તે આપ, અથવા તો આપ જે આપવું પડે.
યમ ! દાવો નથી મારો બીજો એક સત્યવાન સિવાયનો."
ચુપકીદી ગઈ વ્યાપી જાણે એ હો દૈવોની સંશયે ભર્યાં.
નમતું એક વાતે દે છતાં જેમ અવજ્ઞાપૂર્ણ હોય કો
તેમ માથું કર્યું નીચું પ્રભાવે પૂર્ણ ત્યાં યમે
વિના ભાવ નિજ સંમતિ આપતા :
" સાવિત્રી કાજ પોતાના હૈયામાં એકવારના
જીવતા સત્યવાને જે સેવ્યા 'તા અભિલાષ તે
આપું છું હું તને મુક્ત થયેલીને મૃત્યુ તે ક્રૂર દૈવથી.
આપું ઉજ્જવલ મધ્યાહનો અને આપું ઉષાઓ અક્ષતા તને,
હૃદયે ને મને તારા જેવા રૂપવાળી દીકરીઓ દઉં,
રૂપાળા વીર પુત્રો ને પ્રિય સન્નિષ્ઠ નાથ શું
સંયોગ શાંત ને શુદ્ધ માધુર્યે ફળતો દઉં.
ને તારા હર્ષથી પૂર્ણ ગૃહે તું પાક પામશે
વ્હાલાંએ વીંટળાયેલી સંધ્યાઓની મુદાતણો.
એકત્ર હૃદયો ઝાઝાં પ્રેમ તારા દ્વારા સંબદ્ધ રાખશે.
તેં તારી જિંદગીમાં છે વાંછેલું જે સામ્રાજ્ય સ્વ-પ્રિયો પરે,
સામ્રાજય પ્રેમનું, તેને સ્નિગ્ધ સેવા સમર્પતું
સામેથી મળશે આવી માધુર્ય એકઠું થઈ
તારા જીવનકાળમાં,
મહાસુખતણા ધ્રુવો
હે સાવિત્રી ! એકાકાર બની જશે.
વત્સે ! પાછી વળી જા તું ત્યક્ત તારી ધરા પરે."
કિંતુ ઉત્તર સાવિત્રી દેતી, "તારાં વરદાનો વિરુદ્ધ છે.
એકલી હું ફરું પાછી તો ન પૃથ્વી પુષ્પવંતી બની શકે."
એકવાર ફરી ત્યારે યમે ક્રૂદ્ધ નિજ પોકાર પાઠવ્યો,
સિંહ નિર્ભર્ત્સના જેમ કરે છૂટી છટકંતા શિકારની :
" પૃથ્વી કેરી સમૃદ્ધા ને પલટો પામતી જતી
જિંદગીનું તને છે શું જ્ઞાન કે તું વિચારતી
કે માણસ મરે એક એટલે સૌ સુખને મરવું પડે ?
આશા ન રાખતી અંત સુધી દુઃખી થવાતણી :
કેમ કે માનવી કેરા શ્રાન્ત હૈયે શોક શીઘ્ર મરી જતો;
થોડી જ વારમાં ખાલી આવાસોને બીજા અતિથિઓ ભરે.
પર્વ કેરે પટે રંગ ચિત્ર આલેખાયું અત્યલ્પકાલનું,
એવો બનાવવામાં છે આવ્યો પ્રેમ સૌન્દર્યાથે ક્ષણેકના.
યા જો યાત્રિક એ એક પથે શાશ્વત કાળના,
તો આલિંગનમાં એના ધારાવાહી વસ્તુઓ બદલાય છે,
તરંગો જેમ કો તારો માટે સીમ વિનાના સાગરો પરે."
કહ્યું જવાબમાં કિંતુ સાવિત્રીએ સંદિગ્ધરૂપ દેવને:
" સત્યવાન મને પાછો આપ, મારો નાથ છે એ જ એકલો.
ક્ષણભંગુર ચીજોમાં ઊંડા શાશ્વત સત્યને
આત્મા અનુભવે મારો, તેને પોલા વિચારો તુજ લગતા."
યમરાજે કહ્યું એને જવાબમાં :
" પાછી ફર અને તારા આત્માને અજમાવ તું !
જણાશે તુજને થોડા સમામાં ને મળશે સાંત્વના તને
કે આ ઉદાર પૃથ્વીની પર બીજાય છે જનો
સૌન્દર્ય જેમનામાં છે, બળ છે, સત્ય છે વળી,
અને તું અડધું ભૂલી જશે ત્યારે
એમાંનો એક હૈયાને તારા લેશે નિજાલિંગનની મહીં,
કેમ કે તુજ હૈયાને પ્રતિ-ઉત્તર આપતું
કો અન્ય માનવી હૈયું સમાશ્લેષે લેવાને છે જરૂરનું;
કેમ કે મર્ત્ય એવું છે કોણ કે જે સુખિયું એકલું રહે ?
સત્યવાન પછી ભૂતકાળમાં સરકી જશે,
સ્મૃતિ સૌમ્ય બની તારી સમીપેથી ધકેલાયેલ દૂરમાં
નવ તારા પ્રેમ દ્વારા અને તારાં બચ્ચાંના બાલુડા કરે,
ને તેં એને હતો ચાહ્યો કે ના, તેનું આશ્ચર્ય તુજને થશે.
આવી છે જિંદગી પૃથ્વી કેરી પ્રસવવેદના
દ્વારા જે જનમેલ છે,
સતત સ્રોત્ર એ એક જે કદીયે ન એકસરખો રહે."
સંબોધે કિંતુ સાવિત્રી સમર્થ યમરાજને :
" પ્રભુના કાર્ય કેરા ઓ ટીકાકાર, કાળુડા, વ્યંગ-વાદિયા,
મન ને દેહની ખોજ ઠોકરાતી જેને કારણ થાય છે,
ને હૈયું નિજમાં જેને ધારે દૈવી વાણી કેરી ઘડીમહીં,
અને બનાવશે જેને અમરાત્મા પોતાની માલિકીતણું,
તેની મજાક તું કરે.
મારું હૃદય છે એવું કે જે ત્યકત થયા છતાં
છે આરાધી રહ્યું મૂર્ત્તિ દેવતાની અર્ચાતી નિજ પ્રેમથી;
ચલાવા પગલે એને જવાલામાં હું જળેલ છું.
શું અમે એ નથી જેઓ ધારતાં 'તાં વિશાળ વિજનત્વને
એકલા પ્રભુની સાથે બેઠેલાં અદ્રિઓ પરે ?
વૃથા સ્પર્ધા કરે છે કાં તું મારી સાથ ? હે યમ !
સર્વે સાંધ્ય વિચારોથી મન મારું મુક્તિ પામી ગયેલ છે
ને એને કાજ દેવોનાં રહસ્યોએ ધારી છે સ્પષ્ટતા.
કેમ કે આખરે હાવે મને જ્ઞાન નિઃસંશય થયેલ છે
કે મહાતારકો મારા અવિચ્છિન્ન અગ્નિથી દીપ્યમાન છે
અને જીવન ને મૃત્યુ, ઉભે એને માટે સમિધ છે કર્યાં.
જિંદગીના હતી માત્ર પ્રેમ કેરો મારો પ્રયત્ન આંધળો :
મારો સંગ્રામ પૃથ્વીએ જોયો, જોયો સ્વગે વિજય માહરો;
પકડે સહુ લેવાશે, અતિક્રાંત થશે બધું;
વિવાહ-વેદિના વહનિ સમીપે અવગુંઠનો
કરીને અળગાં ચૂમી લેશે શશ્વત્કાલીન વર ને વધૂ.
સ્વર્ગો સ્વીકારશે અંતે તૂટેલાં અમ ઊડણો.
તરંગ કલાના તોડી જતી અગ્રે અમ જીવનનાવની
સંકેત-જ્યોતિ આશાની ન એકે વિલસી વૃથા."
બોલી એ; દેવતા કેરાં અંગો સીમાવિહીન એ
સમાક્રાંત થયાં હોય જાણે છૂપા પ્રહર્ષથી
તેમ મૌને કંપમાન થયાં તહીં,
જેમ સાગરના ઝાંખા વિસ્તારોમાં
વ્યાપે છે કંપ અંધારે સમર્પાઈ શશાંકને.
પછીથી ઊંચકાયેલી ઓચિંતા પવને યથા
સાવિત્રીની આસપાસ એ અસ્પષ્ટ અને ઝબકતા જગે
કંપી ઊઠી પ્રભા સાંધ્ય ફાટતા બુરખા સમી.
શસ્ત્રાસ્ત્રે સજ્જ વાણીએ આમ વાદે ચઢયા મોટા વિવાદકો.
એ આત્માઓતણી આસપાસ ધોતંત ધુમ્મસે
અર્ધ-જ્યોતિ થઈ ઘેરી ભાગી મુકતામયી પાંખોતણી પરે
જાણે પહોંચવા માટે દૂરવર્તી કો આદર્શ પ્રભાતને.
ઊડયા વિચાર સાવિત્રી કેરા રેખાંકના ધરી
ચમકંતી ધૂમિકાની મહીં થઈ
પ્રભાઓ ને ગુંઠનોની સાથે એનાં શુભ્ર પાંખે ભળી જઈ,
ને એના સઘળા શબ્દો, ઝબકારા મારતાં રત્નના સમા,
ઝલાયેલા પ્રકાશે કો રહસ્યમય વિશ્વના,
ફોસલાવાયલા યા 'તો એના મેઘધનુષ્યના
બદલાતા જતા રંગોતણી મહીં
પ્લવતા પડઘા પેઠે મૂર્ચ્છા પામી દૂરવર્તી અવાજમાં.
વાણી સર્વ, મનોભાવ સર્વ ત્યાં જાય છે બની
ટકી ન શકતું એવું વસ્ત્ર સીવેલ માનસે
જામો બનાવવા માટે અતિસૂક્ષ્મ સુંદર ફેરફારનો.
ચાલતી એ હતી મૌન સ્વ-સંકલ્પપરાયણા
સંદેહાસ્પદ ને જૂઠાં મેદાનોની છાયે છાયેલ ઘાસ પે,
એની સામે હતો એક પ્લવમાન પડદો દર્શનોતણો,
ને એના પગલાં પૂઠે
સ્વપ્નાં કેરો હતો ઝભ્ભો વાટે તણાઈ આવતો.
હવે કિંતુ તદાત્માની જવાલા સચેત ઓજની
મોઘ માધુર્યથી પાછી ફરી જઈ,
એના વિચારને વાણીમાંથી પાછા કરીને સાદ આણતી
બેસવા ભીતરે ઊંડે આવસે ધ્યાનમંદિરે.
કેમ કે માત્ર આત્માના સ્થિર સત્ય માટે ત્યાં વાસ શક્ય છે :
યજ્ઞના અગ્નિની જવાળા અવિનાશી, મધ્યસ્થ અગ્નિકુંડથી
હતી આરોહતી ઊંચે, હોલાવતી હતી ન એ,
ગૃહના પતિ ને પત્ની માટે ઉચ્ચ જ્યાં જળ્યા કરતો રહે
અગ્નિ રક્ષી અને સાક્ષી ગૃહસ્થાશ્રમધામમાં
ને જ્યાંથી પ્રકટાવાતી દેવોની યજ્ઞવેદિઓ.
હજી સર્વે સર્યાં આગે બળાત્કારે પરિવર્તનના વિના,
હજીએ ઊલટાયો 'તો ક્રમ આ જગતોતણો :
મર્ત્ય નેતૃપદે, દેવ ને પ્રેત અનુવર્તતા
ને સાવિત્રી દોરતી 'તી રહી પૂઠે પ્રયાત્રામાંહ્ય એમની,
ને અગ્રે ચાલનારા એ અનુયાયી એના સંકલ્પના હતા.
ચાલ્યાં આગળ એ માર્ગો પરે પ્રવહતા જતા,
સાથ અસ્પષ્ટ દેતાં 'તાં ધુમ્મસો ચમકે ભર્યાં;
હવે પરંતુ સૌ ભાગી જતાં 'તાં વધુ વેગથી
જાણે કે ગભરાયલાં
સાવિત્રીના સ્વચ્છ આત્મા પાસેથી છટકી જવા.
પંખી સ્વર્ગતણું વાયુ કેરી રત્ને ખચી પાંખોતણી પરે
વહેવાતું હતું રંગ્યા ને આલિંગિત અગ્નિ શું,
પ્રેતો વહી જતા એને મુકતાવર્ણી ગુહામહીં,
સાવિત્રીનો ચૈત્ય એવો ચાલતો 'તો જાદૂઈ ઝાંખની મહીં,
મૃત્યુદેવ અને સત્યવાન એની આગળ ચાલતા હતા,
મૃત્યુને મોખરે કાળે સત્યવાન
લાગતો 'તો લોપતો તારલા સમો.
ઊર્ધ્વે એના ભાગ્ય કેરી ન દેખાતી હતી તુલા.
પાર્થિવ વાસ્તવતાની સ્વપ્નમયી સંધ્યા
પછી એક ઢોળાવ આવ્યો. લથડતો લથડતો એ એક ભૂખરા ઉતાર તરફ નીચે સરકતો હતો. આદર્શના જગતની અદભુત છાયા લોપાઈ ને વિચાર નીચેના સ્તરો પર ઊતર્યો. એક અણઘડ વાસ્તવતા તરફ એનો વેગ વળ્યો. સ્વપ્નમય સૃષ્ટિ ઓછી આનંદક બની ગઈ ને એ દિવસ-સમયના ધુમ્મસ જેવી દેખાતી હતી.
સાવિત્રીના હૃદયને એક તીવ્ર તંગી ઘેરી વળી હતી; એની ઈન્દ્રિયો ઉપર એક ભેંકાર ભય લદાયો હતો. વિષાદ-ઘેર્યા ઘોર અવાજો એને કાને અથડાતા હતા. કાંતિમાન ઝમકમાં વચ્ચે વચ્ચે તૂટ પડતી ત્યારે સાવિત્રીની દૃષ્ટિ મેઘ-છાયા પર્વતો પર પડતી, પિંગળવર્ણ સ્રોતો જોતી, મોટા મોટા મિનારાવાળાં શહેરો, ઓવારાઓ, બંદરો ને ત્યાંના ધોળા સઢનાં દૃશ્યો દેખાતાં ને પાછાં અલોપ થઈ જતા. એ સૌની વચમાં શ્રમ કરતા સમૂહો દેખાતા, બદલાયા કરતા ને ભૂખરા લબાચાઓમાં વીંટાયેલા એમના છાયામય આકારો સ્વપ્નના હોય તેવા લાગતા. અનિશ્ચિત પરિસ્થિતિમાં વિશ્વાસ રાખી તેઓ પોતાના જીવનના કાર્યક્ષેત્રમાં ફેરફાર આણવા માટે મૃત્યુની રાહ જોતા.
વળી ત્યાં શ્રમકાર્યોનો મોટો ઘોંઘાટ, વિચારો ને કર્મોનો કોલાહલ ઘૂ ઘૂ ઘૂઘવતા સમુદ્ર જેવો સંભળાતો હતો. વિચારોનાં ભૂત, આશાઓથી નાસીપાસી, કુદરતના આકારો, મનુષ્યની કૃતિઓ, તત્ત્વજ્ઞાનો, સાધનામાર્ગો, ધોરાધોરણો, પુરાણા સમાજોનાં પ્રેતો, રાક્ષસી ઈમારતો, ને કીટકોનીય કૃતિઓ,-ચિત્રખંડોની માફક પ્રવાહમાં પસાર થઈ જતાં સાવિત્રીએ જોયાં. એના મન આગળ થઈને ઝંખવાયેલા આવિષ્કારો પસાર થયા, મુક્તિપ્રદાતા શબ્દો, દેવોના સન્દેશાઓ, પેગંબરોની વાણી, ને લોપ પામેલા ધર્મમતોના સારરહિત બનેલાં શાસ્રો સરકી ગયાં. આદર્શો, વિધિઓ, વિજ્ઞાનો, કાવ્યો, કલાકારીગરીની કૃતિઓ અથાકપણે આવ્યાં ને ગયાં. પણ
એ સધળાં પોલા શૂન્યને પાર કરતાં સપનાં જ હતા. એકાંતસેવી ઋષિરાજો, નિર્જન વનવાસી મુનિવરો, સ્થિર આસને બેસીને સ્વર્ગની કે શબ્દાતીત આત્મશાંતિની શોધ કરતા હતા. વળી જાણે સમાધિસ્થ ન હોય એવા નિદ્રિત જીવોય ત્યાં બેઠેલા દેખાયા ને તે પણ એક સ્વપ્ન હતું. ભૂતકાળે સર્જેલું ને સંહારેલું સર્વ કાંઈ ત્યાં હતું. એકવારનું જીવતું ને અત્યારે ભુલાયેલું, નવો આવિષ્કાર પામી વર્તમાનનું પ્રીતિ-પાત્ર બનેલું, અને ભાવિની આશાઓ આણે છે તે સર્વ ખલાસ થઈ ગયા છતાં આગ્રહભેર પાછાં ફરતાં હતાં; કેમ કે ખોજની યાતનામાંય આનંદ છે, શ્રમ કરી મેળવવામાં ને મેળવેલું ગુમાવવામાંય આનંદ છે, સર્જવામાં, સંરક્ષવામાં ને સંહારી નાખવામાંય આનંદ છે. યુગચક્રો પસાર થઈ જાય છે ને પાછાં આવે છે, એના એ જ શ્રમો ને નિષ્ફળ અંત આણે છે, સંસાર ચાલ્યા કરે છે, નિત્ય નવાં રૂપો ને નિત્ય પુરાણાં રૂપો આવૃત્ત થયા કરે છે : આ બધું સ્વપ્ન જેવું એને ભાસ્યું.
ફરી પાછો યમનો વિનાશક અવાજ ગાજ્યો : " જોયાં આ પ્રતીકાત્મક જગતનાં રૂપો. આ સર્જનાત્મક સ્વપ્ન પૃથ્વી પરનાં નક્કર કાર્યોને પ્રેરે છે. જો આ અસ્તિના પાપનું, જીવનેચ્છાનું, ને અસાધ્ય રોગ જેવી આશાનું પરિણામ. પ્રકૃતિમાં પલટો આવતો નથી, માણસ એનો એ જ રહે છે ને પ્રકુતિના નાફેર નિયમને અનુસરે છે. માણસ એટલે મન ને એ વિચાર પાર જઈ શકતો નથી. મર્યાદા મધ્યમાં જ એ સલામત છે. એ સ્વર્ગો જુએ છે ખરો પણ ત્યાં આરોહી શકતો નથી. મનની જાળમાં એ ઝલાયેલો છે. પ્રાણની ભીંતો સામે એનો આત્મા અમસ્તો જ પાંખો ફફડાવે છે. એના હૃદયની પ્રાર્થના ઊંચે ચડે છે પણ તે એળે જાય છે. દેદીપ્યમાન દેવોથી એણે શૂન્યને વસાવ્યું છે. નિર્વાણ જ એક એને માટે આરો છે. શબ્દ મૌનમાં ને નામ શૂન્યમાં શમી જાય છે.
પ્રભુને એ પોતાનો પ્રેમી કહીને નકામો પોકારે છે. જે શાશ્વત છે તેની પર ક્રોધનું ને પ્રેમનું આરોપણ કરે છે, જે અવર્ણ્ય છે તેને નિરર્થક હજારો નામ આપે છે. તું પ્રભુને નીચે બોલાવતી નહીં. વેગે વહેતા કાળમાં સનાતન શી રીતે વસી શકશે ? આ જગત લક્ષ્યરહિત છે. અસ્તિત્વમાં આવેલું કશું જ સ્થાયી નથી. ધર્મ મતો બચાવી લેવા આવ્યા, પણ તે પોતાને જ બચાવી શક્યા નથી. કાળે એમને જૂઠા પાડયા છે. તત્ત્વદર્શનોએ એકે સમસ્યા હલ કરી નથી. વિજ્ઞાન ફોગટનું જ પોતાને સર્વસમર્થ માને છે, પછી ભલે ને એણે સૂર્યો શાના બન્યા છે તે શોધી કાઢયું હોય, પદાર્થોને રૂપાંતર પમાડી તેમને સ્વ-સેવામાં પ્રયોજ્યા હોય, આકાશમાં એ અધ્ધર ગતિ કરતું હોય કે સમુદ્રની સપાટી નીચે સંચરતું હોય. માણસો પોતે કોણ છે ને શા માટે હ્યાં આવ્યા છે તે જાણતા નથી ને શીખ્યા નથી. આ રાજકારણો, સ્થાપત્યો શુભાશુભનું ચણતર ઊભું કરી માનવના આત્માને બંદિ બનાવી દે છે. ક્રાંતિઓમાં દૈત્યો ને દારૂ પી મત્ત બનેલા દેવતાઓ મહાતોફાન મચાવે છે. લડાઈઓ, ખૂનરેજી, પાગલ બનેલી પાયમાલી ઘડીના છટ્ટા ભાગમાં સૈકાઓની સિદ્ધિઓને હતી ન હતી
કરી નાખે છે. વિજેતાના રાજમુકુટ માટે ભાવિ માનવોને દુઃખરૂપ ભારે દંડ ભરવો પડે છે. વીરનું વદન ને પશુનાં અંગો, દાનવનો ને અર્ધ-દેવનો સંમિશ્રિત મહિમા, જાહોજલાલી ને હેવાનિયત ને શરમ આવે એવાં કૃત્યો સેળભેળ થઈ ગયેલાં છે.
ને આ બધું શાને માટે ? આ યાત્રાનો અંત ક્યાં ? આ સર્વની યોજના કોણે કરી છે ? કે પછી સ્વયંચાલિત સચરાચર આમ પોતાને માર્ગે સંચરી રહ્યું છે ? કે પછી સ્વપ્ન સેવતા મન સિવાય બીજું કાંઈ છે જ નહિ ? હવે જો મન જ બધું હોય તો મહાસુખની આશાને ઉચાળા ભરાવ. મન સત્યને કદી સ્પર્શી શકતું નથી, પ્રભુના સ્વરૂપને જોઈ શકતું નથી.મન પ્રકાશ ને છાયાનું વણાટ કામ છે. સત્યાસત્ય, હર્ષશોક, વગેરે દ્વન્દ્વો એમાં વાણા-તાણા બનેલા છે. માટે પૃથ્વીને પ્રભુનું ધામ બનાવવાનો વિચાર કરતી નહીં. સત્ય નહીં, માત્ર સત્યનો વિચાર અહીં આવી શકે છે. અહીં પ્રભુ પોતે નહિ, માત્ર પ્રભુનું નામ હોય છે. પ્રભુ હોય તોય એને જગતની કશી પડી નથી. એ પરમપ્રજ્ઞાવંત ને વિચારથી પર છે. એના એકાંત આનંદને પ્રેમની જરૂર નથી. શોક, દુઃખ ને મૃત્યુ જ્યાં પ્રવર્તે છે ત્યાં જગદંબાની મધુરી મુદા ટકી શકતી નથી. માટે ઓ શાશ્વતીની સુતા ! જ્યોતિ જ્યાં સહજ છે, જ્યાં આનંદનું રાજ્ય છે, જ્યાં વસ્તુમાત્રની ભૂમિકા બની અમર આત્મા વિરાજી રહ્યો છે ત્યાં તારું સ્થાન લે. પ્રભુ તરફ વળ ને બીજું બધું પાછળ છોડ. સત્યવાનને ભૂલી જા. આત્મવિલોપન કરી દે. પ્રભુનાં શિખરોએ પહોંચવા માટે પોતા માટે પોતે મરી જવું પડે છે. હું મૃત્યુ અમૃતત્વનું દ્વાર છું."
સાવિત્રીએ તત્ત્વદર્શી દેવને ઉત્તર આપ્યો : " પાછો ફરીથી તું સત્યની આંખોને અંધ બનાવવા માટે પ્રકાશને બોલાવશે ? જ્ઞાનને અજ્ઞાનની જાળનો ફંદો બનાવશે ? જીવતા જીવને મારી નાખવા માટે શબ્દને બાણ બનાવશે ? થાક્યાંપાક્યાં ને ઘવાયેલાં હૃદયોને, પ્રભુની લીલામાંથી નીકળી જઈ કેવળ શાંતિ શોધતાં હોય તેમને તારાં વરદાનો આપ. મારે એ જોઈતા નથી. મારામાં જગદંબાની પ્રચંડ શકિતને અવસ્થિત થયેલી જો. એનું જ્ઞાન છે સૂર્યોજ્જવલ, એનો પ્રેમ છે ભડભડતું મૌન. જગત એક આધ્યાત્મિક કોયડો છે. तत्सत् નો કંગાલ અનુવાદ છે, પ્રતીકમાં પૂરી શકાય નહિ એવું પ્રતીક છે. એની શકિતઓ આવી છે નિત્યના ઊર્ધ્વમાંથી ને એમણે પાતાળમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી એ પોતાનું ચમત્કારી કાર્ય સિદ્ધ કરવા માટે ઉપર આવે છે. ચૈત્ય જીવ અવ્યક્તનું એક સ્વરૂપ છે. મન અચિંત્યનું ચિંતન કરવા મથે છે, જીવન અમરાત્માને જન્મ આપવા ઝંખે છે, શરીર અપરિમેયનું મંગલ મંદિર બનવા માગે છે. જગત સત્યથી ને પ્રભુથી છેદ મૂકીને છૂટી પાડેલી વસ્તુ નથી. યમ ! તારા પ્રયાસો નિષ્ફળ નીવડશે, તારી અંદર થઈને માનવજીવ સ્વર્ગલોકમાં જશે.
મારું મન સનાતન સૂર્યની મશાલ છે, મારું જીવન છે અમૃત અતિથિના શ્વાસોચ્છવાસ, મારું શરીર છે સનાતનનું નિકેતન. પૃથ્વી ઉપર જે અદભુત ઉત્ક્રાંતિ ચાલી રહી છે તેને જોયા પછી કોણ કહેશે કે પ્રભુ પૃથ્વી ઉપર નહિ
થાય ? વિચારે જડ મસ્તિષ્કને પકડમાં લીધું છે, માંસમાટીમાં થઈ ચૈતન્યમય આત્મા ડોકિયાં કરે છે, અમર પ્રેમીનો સ્પર્શ અનુભવાય છે. પ્રભુ, ક્યારનોય સમીપવર્તી બની ચૂક્યો છે, પરમ સત્ય સાન્નિધ્યમાં જ પ્રકાશ છે. કાળું નાસ્તિક શરીર ભલે એને અત્યારે જાણતું ન હોય, જ્ઞાનવાન પ્રકાશનો ને દૃષ્ટિમાન આત્માનો ઈનકાર કેમ કરશે ?
જાણ કે હું અનંતના મહિમાની નિવાસિની છું. નામી-અનામી ઉભયની સમીપવર્તિની છું. અનિર્વચનીય મારો અંતેવાસી છે. આત્માથી આત્માને હું મળી છું, પણ મારા પ્રભુના પિંડ ઉપર પણ મારો પ્રેમ છે. સર્વ હૃદયો શું એક બની રહેનારા હૃદયને એકાકી મુક્તિ સંતોષ આપી શક્તિ નથી. અભીપ્સા સેવતા સંસારની હું પ્રતિનિધિ છું. મારા આત્માની મુક્તિ હું સર્વને માટે માગું છું."
વળી પાછો યમનો અવાજ ગાજ્યો, ગહનતર ગાજ્યો. પોતના મોઘ નિયમના ભાર નીચે જાણે દબાઈ ગયો ન હોય, જાણે પોતાના નિરર્થક સંકલ્પથી પીડિત થયો ન હોય, તેમ એ હતો અવજ્ઞા ભર્યો, થાકેલો ને દયાળુ બનેલો. એની જૂની અસહિષ્ણુતા એનામાં દેખાતી ન હતી. જીવન અસંખ્યાત માર્ગોએ મહાશ્રમે મચે છે, પણ કશું પરિણામ આવતું નથી. ઘાણીએ જોડેલા બળદિયાની જેમ એ ગોળ ગોળ ફર્યા કરે છે. પોતાના અજ્ઞાનના ને આશંકાના ભાર નીચે કચરાય છે. જ્ઞાન ઊલટાનો ભાર વધારે છે ને વિકાસ એ ભારનેય વિકસાવે છે. પાર્થિવ મન નિરાશ બની જાય છે, થાક વધે છે, કામ માટે ઉત્સાહ રહેતો નથી.
તો શું બધું એળે ગયું સમજવું ? નહિ, નહિ. કોઈ મોટી વસ્તુ સધાઈ હોય છે. અચિત્ માંથી કોઈ જ્યોતિ, કોઈ શકિત પ્રકટ કરી શકાઈ હોય છે. રાત્રિમાંથી જીવન બહાર નીકળ્યું હોય છે. એને પ્રભાતનું દર્શન થયું હોય છે. દૂરના દેવનો સ્વર સંભળાયો હોય છે. આ પ્રકારનો ફેરફાર યમમાં પણ થયો લાગતો હતો. એણે આપણા નિત્યતા માટેના અલ્પજીવી પ્રયાસો સ્વીકાર્યા, છતાં એ સૌને ઉપર શંકાની છાયા ફેંકી. એ બોલ્યો : " તને જ્ઞાન થયું છે. દૃષ્ટિવંતા દેવો તને મુક્ત કરે છે, ઊઠ. જીવનના જંગી દબાણમાંથી તેં તારા મનને મુક્ત રાખ્યું હોત તો તું પણ દેવો સમાન સર્વજ્ઞ અને શાંત બની જાત. પણ તારા હૃદયમાં તીવ્ર ભાવાવેગ ભર્યા છે. જગતને તું ઊધુંચતું કરી નાખવા અને ભાગ્યના લેખો પલટાવી નાખવા માગે છે. કાર્યમાં વેગ આણવા માગનારા ને ઈશ્વરની ઉપરવટ થવા ઇચ્છનારા મહાન આત્માઓ તારા જેવા હોય છે. પોતાની તોતિંગ ઈચ્છાશકિતથી તેઓ વર્ષો પર બળાત્કાર કરે છે. પણ શાણાઓ શાંત હોય છે. પર્વતોના જેવાં તેમનાં આસનો દૃઢ હોય છે. તેમનાં મસ્તકો સ્વર્ગલોકમાં સ્વપ્નમુકત રહેલાં હોય છે.
અભીપ્સા સેવતાં શિખરોએ મહાન મધ્યસ્થો ઊભા છે ને માનવ આત્માને તેઓ સ્વર્ગની દિશામાં અર્ધ-માર્ગે આરોહણ કરવી સંતોષ માને છે. જ્ઞાનીએ કાળચક્રની ગતિને અનુસરે છે; પોતાના અતિજ્ઞાનને તેઓ અંતરમાં સંયત રાખે છે.
નહિ તો માણસનું કમજોર જીવન રાક્ષસી બળોએ ક્યાંનું ક્યાં ઘસડાઈ જાય ને અગાધમાં ગેબ થઈ જાય. દેવો વધારે નજીકમાં ડગલાં ભરે છે ત્યારે બધું ડામાડોળ બની જાય છે ને ઊથલપાથલ મચે છે, પ્રભુ પોતાના વિચારને સંતાડી રાખે છે ને પોતે જાણે ભૂલો કરતો હોય એવો ભાસે છે. તું પણ તેટલા માટે અધીરી મા થા. આ જગત મંદ છે, તે યાદ રાખીને ચાલજે. તારામાં જે અલૌકિક શકિત પ્રકટ થઈ છે તે પેલી મહાશકિત દેવી માતાની, જેની તેં આજે પ્રભાતે પૂજા કરી હતી. એણે તારામાં પ્રવેશ કર્યો છે. પણ તારા બળને ઉદ્દામ આસુરી પ્રકારે વાપરતી નહિ. સંસારની સ્થિર રેખાઓને સ્પર્શતી નહિ. પુરાણા મહાનિયમોને પીડતી નહિ. પ્રતિષ્ઠા પામેલી પ્રશાન્ત વસ્તુઓનો આદર કરજે."
પરંતુ સાવિત્રી બોલી : " જે મહાનિયમોને તું આસમાને ચઢાવી દે છે, તે નિયમો એટલે શું ? શું તે આત્મરહિત ઘોર બળોનો જડ સ્વપ્નમાં ચાલતો ચકરાવો નથી ? જો તારા નિયમો જ સર્વ કાંઈ હોત તો ચૈત્ય જીવની આશાઓ અર્થરહિત બની જાત. પ્રભુને સપ્રમાણ પુરવાર કરતા કલ્પો નવીન ને અજ્ઞાત પ્રત્યે ઝડપે જાય છે. તારું નિયંત્રણ કદાપી તોડવામાં ન આવે તો પૃથ્વીના યુગોથી શું સરવાનું હતું ? મહિમાઓએ મોરવાનું છે, દેવતાઈ વાણીથી ને માનવદેવોની પ્રેરણાથી માણસે દીપ્તિમંતા દેવમાર્ગોએ છલંગીને જવાનું છે. તો તું સચેત મનને જડતાથી જકડી લેવાનું માગ નહિ. તારા કાયદાઓને હું ખૂંદીશ. મુકિતમાં મહાલવા માટે મારો જન્મ થયો છે. બેતારીખ દેવતાઓની હું સમોવડી છું. કાળ પાસે હું મારા સંકલ્પની શાશ્વતતાનો ને એની પળોમાં હું પ્રભુનો દાવો કરું છું."
યમદેવે જવાબ વળ્યો : " તો તું તારી મુકિતને ને સનાતન સરણીને વિસારી નાશવંત પૃથ્વીનાં નમાલાં કાર્યો પ્રત્યે તારા અમર સંકલ્પને શા માટે અધોદિશાએ વાળે છે ? અથવા તો તું પૃથ્વી પરનાં સારરહિત સુખોનું સેવન કરવા તારા ઉચ્ચ વિચારને અને સાતત્વિક સામર્થ્યને શા માટે નીચે વાળે છે ? આવી ઊંચી વસ્તુઓને શું આમ વેડફી મારવી યોગ્ય છે ? મૃત્યુ સામે ને કાળના પાશો સામે તેં જે મહાપ્રયત્ન આદર્યો છે તેની સહાયથી તો તું દેવપદને પામી જાય. જેની ઉપર તારો પ્રેમ છે તેની મહામુકિતનો ભોગ આપી તું તેને પિંડના ટુકડાઓ માત્ર આપવા માગતી હોય એવું લાગે છે. પ્રભુનાં પ્રાંગણો કરતાં સત્યવાનને શું તારા ભુજપાશ વધારે મીઠડા લાગશે ? "
સાવિત્રી વદી: " સત્યવાનના ઓજસ્વી હસ્તે અમારે માટે જે માર્ગ કાપી કાઢયો છે તેની ઉપર હું પગલાં માંડીશ. પ્રભુએ મને લગામમાં લીધી છે ને એની ચલાવી હું ચાલુ છું. એણે મને દેહ આપ્યો છે, ભાસ્વંત ભાવનાઓ આપી છે, તે શા માટે ? મારામાં પોતાની પ્રભુતાને પ્રફુલ્લાવવા માટે, પરમ પ્રેમને પૃથ્વી ઉપર પોષવા માટે. દૂર સુદૂરનાં શાંત સ્વર્ગો ભલે અમારી વાટ જોતાં રહે. પ્રભુએ સ્વર્ગનું સર્જન તો સહેલાઈથી કર્યું છે, માત્ર પૃથ્વીનું શિલ્પ એને માટે મુશ્કેલ હતું.
પૃથ્વી ઉપર દેવોને પ્રકટાવવામાં એનો મહિમા રહેલો છે. પ્રભુએ માનવ આત્માને મહાન કામ સોંપ્યું છે. જીવનની મર્યાદાઓની મધ્યમાં વિરાટ વિશાળતા આણવી, પ્રેમ અને સૌન્દર્ય સર્જવાં,--આ રમત પ્રભુ રમાડી રહ્યો છે. પ્રેમના બંધનમાં પરમ મુકિત અનુભવવાની છે, સૌથી વધારે બદ્ધ થવાતું હોય ત્યાં સૌથી વધારે સ્વાતંત્ર સંવેદવાનું છે. પ્રેમના નિષ્ઠુર નિયમનમાં રહીનેય હસવાનું છે, યમ ! સમજાય છે ? "
યમનો ઈનકાર સાવિત્રીના સ્વરની સામે આથડયો : " તું ગમે તેટલી જબરી ભલે હોય ને દેવોના દરબારમાં તારું ગુપ્ત નામ ભલે ગવાતું હોય, તો પણ તારો ભંગુર ભાવ મહાન દેવોએ બાંધેલી લોખંડી દુર્ગ-દીવાલ તોડી પાડવા સમર્થ નથી. તું સાક્ષાત્ જગદંબા હોય તો પણ નિસર્ગનો નિયમ તારા સંકલ્પથી બળવાન છે. પરમેશ્વરે પોતેય પોતાના બનાવેલા નિયમ પાળે છે. નિયમ નિત્યની વસ્તુ છે. પુરુષ કાળસાગર પરનો પરપોટો છે. તારી પાછળ રહેલી કોઈ શકિતને જોરે તું પરમ સત્યનું પ્રથમ ફળ ચાખવા માગે છે. પણ સત્ય શું છે ને ક્યાં છે ? સૌ પોતપોતાની ઇચ્છાનુસાર સત્ય કલ્પી લે છે. બાકી કાળના બજારના કોલાહલમાં એનાં પગલાં કોણે સુણ્યાં છે ? આ જગતમાં સર્વ સત્ય છે, છતાં સઘળું જૂઠું છે.
માણસ એક સાથે છે પશુ અને દેવ. એ છે અભીપ્સા રાખતું પ્રાણી ને નિષ્ફળ નીવડેલ દેવતા, છતાંય એ બેમાંથી એકે નથી. એ છે માત્ર મનુષ્ય,અને એ પ્રભુની સીડીએ ઉપર આવેલી વસ્તુતા પ્રત્યે આરોહે છે. પદાર્થમાત્ર આભાસ છે. કોઈ એનું સત્ય જાણતું નથી. ભાવનાઓ છે એક અજ્ઞાન દેવતાનાં અનુમાનો. સનાતન સત્ય મર્ત્યોના સહવાસમાં રહેતું નથી. તું મને જીવંત સત્યનું કલેવર પ્રથમ બતલાવ, પછીથી હું તને સત્યવાન પાછો આપીશ. સત્ય તો એ છે કે સત્યવાન મરી ગયો છે ને બીજા કોઈ પણ સત્યનો જાદૂ મૃતને જીવતો બનાવી શકશે નહીં. થયું છે તેને પૃથ્વીની કોઈ પણ શકિત મિટાવી શકશે નહિ. માટે સત્યવાનને છોડીને જગતમાં પાછી જ અને જીવ."
સ્ત્રીસ્વરૂપાએ જવાબ આપ્યો : " યમ ! તું દેવ છે ખરો, પણ પ્રભુ નથી. પ્રભુ જયારે રાત્રિમાંથી ઉપર જાય છે ત્યારે તે સમયની તું એની છાયા છે. અચેતન દેવનું તું કાળું મસ્તક છે, અમૃત્વની આડે આવેલો પાપ અર્ગલ છે.
પરસ્પર વિરોધી સર્વે વસ્તુઓ પ્રભુનાં જ સ્વરૂપો છે. પ્રભુ એક છે એ અનેક પણ એ જ છે, અવ્યક્તરૂપ છે ને અનંત વ્યકિતસ્વરૂપ પણ એ જ છે. પ્રભુ છે સનાતનની મુદ્રાધરતું મૌન, શાશ્વત શબ્દને એનો પ્રકાશ પ્રેરે છે. પ્રભુ છે અવિચલની અમર નીરવતા; એ છે સર્જક આત્મા ને સર્વશકિતમાન ઈશ્વર. એનો સંકલ્પ સર્વનું સંચાલન કરી રહ્યો છે. પ્રભુ છે સર્વથી પર ને છે કેવળસ્વરૂપ. એ જ છે આત્મા, એ જ છે જડ પદાર્થ, શૂન્યાકાર પણ એ જ છે, વ્યકિતસ્વરૂપ, વિશ્વસ્વરૂપ ને પરાત્પર પણ એ જ છે અને તેમ છતાંય એ એમાંનો એકે નથી. આ સર્વ રહસ્યમયી સમસ્યા છે. માણસ માત્ર સપાટીને જોઈ શકે છે. સર્વ કાંઈ
સેળભેળ થઈ ગયેલું જોવામાં આવે છે, પણ તે સર્વની પાછળ એક યોજના છે ને એક ગુપ્તજ્ઞાન કાર્ય કરી રહેલું છે. પતનો આવે છે, ઠોકરો ખવાય છે પણ પ્રત્યેક પતનમાં ને ઠોકરમાં હેતુ રહેલો હોય છે. આ સર્વ સંવાદો ને વિવાદો મળીને ઉત્રક્રાંતિ મહાસંગીત સર્જે છે.
એક પરમ સત્યે સર્વ સર્જ્યું છે, પણ આ સત્યે પોતના સ્વરૂપની આસપાસ જડદ્રવ્યની ચાદર લપેટી રાખી છે. નીરવ આકાશમાં આ સત્યે સૂર્યોને સળગાવ્યા છે, સત્ ને એણે જડ દ્રવ્યમાં પલટાવી દીધું છે, જ્ઞાનને ઢંકાયલી ને બહાર આવવાને મથામણ કરતી જ્યોતિનું રૂપ આપ્યું છે, આનંદને એણે જડ જગતનું સૌન્દર્ય બનાવ્યો છે. અંતવંત વસ્તુઓમાં સચૈતન્ય અનંતનો નિવાસ છે, નિઃસય જડ-તત્ત્વની સમાધિસ્થતામાં એ અંતર્લીન અવસ્થામાં પોઢેલો છે. એનું સ્વપ્ન આપણાં મન, હૃદય ને ચૈત્યને પ્રક્ષિપ્ત કરે છે. એ જ એમને કઠોર પૃથ્વી ઉપર એમની પંગુ ને બદ્ધ સ્થિતિમાં કામે લગાડે છે. અંતર્લીન ચૈતન્ય ક્રમે ક્રમે બહાર પ્રકટ થવા માંડે છે. એમ કરતાં એક સંવેદનશીલ સત્ત્વ સર્જાય છે, જે સુખદુઃખાદિના અનુભવમાં અલ્પ કાલ જીવતું રહી મૃત દેહને છોડી દે છે. પરંતુ આ અનુભવો દ્વારા ભીતરમાં છુપાયેલો એક ચૈત્ય આત્મા વૃદ્ધિ પામતો જાય છે. પૃથ્વી પરના અર્થરહિત જીવનને એ સાર્થ બનાવે છે. અર્ધ-દેવ પ્રાણી એવો વિચાર કરતો મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ કીચડમાં આળોટે છે ને તે છતાં વિચાર વડે સ્વર્ગ પ્રત્યે ઊડે છે. વિહરતો, વિમર્શતો, હસતો ને રડતો ને સ્વપ્ન સેવતો એ પશુની પેઠે પોતાની લાલસાઓને સંતોષે છે ને છેવટે એ સર્વમાંથી છટકીને આધ્યાત્મિક જાગૃતિ માનસમાં અનુભવે છે. તે પછી એની મુકિતનો ને ઘુતિમાન ધુલોકનો એને માટે આરંભ થાય છે. એને શાશ્વતતાની ઝાંખી થાય છે, અનંતનો સ્પર્શ થાય છે ને અલૌકિક ઘડીઓમાં એને દેવોનો સમાગમ થાય છે. વિશ્વને એ પોતાના વિશાળતર સ્વરૂપ રૂપે જુએ છે, હૃદયગુહામાં પ્રભુ સાથે એનો ગુપ્ત વાર્તાલાપ ચાલે છે.
થોડાક આત્માઓ પરમ શૃંગે આરોહવાનું સાહસ આદરે છે, માતરિશ્વાના શ્વાસોચ્છવાસ લે છે, બૃહદ્ બ્રહ્યના સંદેશા ઝીલે છે, અંતર્જ્ઞાનની અપરિસીમ આભામાં અંધોળે છે, સત્યલોકની સરહદે પહોંચી જાય છે. આમ માણસ ત્યાં જઈ તો શકે છે, પણ ટકી શકતો નથી. ત્યાં હોય છે વિશ્વ-વિરાટ વિચાર, જેના નાનામાં નાના અંશમાંથી આપણાં તત્ત્વદર્શનો જન્મ્યાં છે, તેમ છતાંયે આરોહણપરાયણા જ્યોતિ એથીયે ઊર્ધ્વમાં જઈ શકે છે. અને ત્યાં હોય છે સનાતન સૂર્યો, અમર પ્રકાશના સાગરો, સ્વર્ગોને આક્રાંત કરવાવાળી જવાળાઓની ગિરિપરંપરા. ત્યાંનો નિવાસી દેદીપ્યમાન દ્રષ્ઠા બની જાય છે, અદ્વેતનું અખંડ ભાન એનામાં પ્રબુદ્ધ થાય છે. આત્માનાં એકાંતો, મસ્તિષ્કની આકાશીય વિશાળતાઓ, હૃદયના રહસ્યમય ખંડો એની આગળ ઊઘડી જાય છે.
ઊંચામાં ઊંચું ઉડ્ડયન ઊંડામાં ઊંડી દૃષ્ટિએ પહોંચી છે. સ્વયં-સ્ફુરિત જ્ઞાન
છૂપાં સત્યોને શોધી કાઢે છે, વિચારને સૂર્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, શબ્દ સત્યના ગૂઢ નિલયમાં પ્રવેશે છે ને જીવન વચ્ચેનો પડદો વિદીર્ણ થઈ જાય છે. ત્યાં છે અધિમનસની સરહદ, માનવ જીવના અનુભવને માટે અત્યંત વિશાળ ચેતનાનો પ્રદેશ. વિશ્વ-વિધાયક દેવ-સ્વરૂપો ત્યાં અવસ્થિત છે ને દરેક દેવ સ્વીય સ્વભાવ અનુસાર પોતાનું જગત બનાવે છે. ત્યાં ત્રણે કાળ એકાકાર બની ગયેલા હોય છે, અવકાશ એકમાત્ર મહાગ્રંથ બની ગયેલો હોય છે. નીચેના ને ઉપરના ગોલાર્ધોને સંયોજતી ને વિયોજતી રેખા ત્યાં આવેલી છે ને એ કાળને ને અકાળ શાશ્વતતાને અળગાં રાખે છે.
સનાતન જ્યોતિના એ સોનેરી રાજ્યમાં પરમ વિરાજે છે. એ છે સર્વજ્ઞ ને સર્વશકિતમાન ને એકાકી. નીરવતાને પામેલા વિચાર પાર ઊર્ધ્વમાં અનામી હોવા છતાં નામધારી વિશ્વમાતા કાળાકાળ પારની પ્રકાશમાન પરમ શાન્તિમાં વિરાજમાન છે. એના અંકમાં સનાતન શિશુનાં દર્શન થાય છે. ત્યાં છે આપણી ભવિષ્યની આશા, અંધકારની ઝંખનાનો સૂર્ય, અમર સંવાદિતાનો મંગળ મેળ. આપણાં સર્વે સત્યો જેના માત્ર ટુકડાઓ છે તે પરમ સત્ય ત્યાં પ્રકાશે છે, સંઘર્ષ-માત્રને શમાવી દેનાર પરમ પ્રેમ ત્યાં પુલકાવે છે, આપણાં ઝુરતાં દુઃખો જેની પ્રાર્થનાઓ કરી રહ્યાં છે તે પરમાનંદ ત્યાં પ્રાપ્ત થાય છે. મહિમાઓ ત્યાંથી પૃથ્વી ઉપર પધારે છે, માનવ જીવને પ્રભુ ત્યાંથી આવી મળે છે, સૃષ્ટિનાં સ્વપ્નાનું સૌન્દર્ય ત્યાંથી ઉદય પામે છે, સનાતનની પૂર્ણતા કાળ-જન્મી પૂર્ણતાને ત્યાં રહીને પોકાર કરે છે. પ્રભુનું સત્ય મનુષ્ય આગળ ઓચિંતુ પ્રકટ થાય છે અને અંતવંત સ્વરૂપોને એ પકડી પાડે છે.
અતિમનસ વિજ્ઞાનનું જગત નિત્યજ્યોતિનું જગત છે. ત્યાનું શરીર આત્મ-તત્વનું બનેલું હોય છે. ત્યાં કર્મ દ્વારા ચૈત્ય આત્મા આવિષ્કાર પામે છે, વિચાર અચૂક અને અનપેક્ષ હોય છે, જીવન એક અંખડ આરાધના બની એકસ્વરૂપને માટે થતા મહાયજ્ઞના પ્રહર્ષણનું રૂપ લે છે. સાન્ત સ્વરૂપમાં અનંતનું, અશરીરીના મુખનું ત્યાં દિવ્ય દર્શન થાય છે. એક આત્મા અનેક રૂપે વિલસતો હોય છે. અનંત એવો એક પરુષ અસંખ્ય વ્યક્તિ-સ્વરૂપોમાં વ્યક્ત થાય છે, કાળની ઘડીઓમાં થઈને અકાળ ડોકિયાં કરે છે, અનિર્વચનીય વાણીના વાઘા પહેરે છે, સર્વાશ્ચર્યસ્વરૂપ પ્રત્યેક ઘટનાને ચમત્કારી બનાવી દે છે, પ્રત્યેક રૂપમાં સર્વસૌન્દર્યમયનું આશ્ચર્ય ઉલ્લસે છે. સત્ય આત્માને માટે સોમરસનું સુવર્ણપાત્ર બની જાય છે. પ્રત્યેક સત્ત્વ ત્યાં આત્માનું જ એક અંગ છે, એકતા ઉપર એનો અમર દાવો છે. બહુસ્વરૂપનું માધુર્ય ને ભેદનો આનંદ એકસ્વરૂપ સાથેની અંતરંગતાને લીધે તેજીલાં બની ગયેલાં હોય છે.
પણ યમ ! કોણ તને સત્યનું દેદીપ્યમાન વદન બતાવી શકશે ? અમારા માનુષી શબ્દો સત્યની છાયા નાખી છાવરી લે છે. વિચાર માટે એ પ્રકાશનો અચિંત્ય અત્યાનંદ છે અને વાણી માટે અવર્ણનીય , આશ્ચર્ય, એનું તને દર્શન થાય તો તુરંત તું સુજ્ઞ
બની જાય, રે ! તારો અંત પણ આવી જાય. આપણા આત્માઓ જો પ્રભુના સત્યનો સક્ષાત્કાર કરે અને આપણો પ્રેમ એને આલિંગનમાં લઈ લે તો આપણે પ્રભુના સ્વરૂપ સાથે સારૂપ્ય સાધીએ અને આપણું પાર્થિવ જીવન પ્રભુમય બની જાય. "
હવે છેલ્લી વાર યમ જવાબમાં બોલ્યો : " સત્ય જો પોતાની સ્વપ્નમયી છાયાથી પર હોય તો એ બન્નેની વચ્ચે સેતુનું કાર્ય કોણ કરશે ? પૃથ્વીની ધુમ્મસ-ઘેરી હવામાં આવી પોતાનો મહિમા વેડફી મારવાનું કોણ એને સમજાવશે ? મારી જાળ-માંથી છુટવાને પાંખો ફફડાવી રહેલા ઓ સુંદરશરીરધારી જીવ ! બોલ, તારામાં એ બળ છે ? માનવ છળવેશમાં છુપાયેલી તું કોણ છે ? તારા અવાજમાં અનંતતાનો ધ્વનિ છે, તારા શબ્દોમાં સત્ય બોલે છે, પારની વસ્તુઓનો પ્રકાશ તારી આંખોમાં પ્રકાશે છે. શું તારામાં કાળ ને મૃત્યુને જીતવાનું સામર્થ્થ છે ? હોય તો તે ક્યાં છે ? સ્વર્ગની પ્રતિમૂર્ત્તિ પૃથ્વી ઉપર ઊભી કરવા માટેની પ્રભુની શકિત તારામાં છે ? શકિત વગરનું જ્ઞાન જગતનું રૂપાંતર કરવાને શકિતમાન નથી. સત્યે નહિ, એક અંધ શકિતએ અજ્ઞાનનું જગત રચ્યું છે ને માનુષી જીવનોની વ્યવસ્થા સાધી છે. પ્રકાશ દ્વારા નહિ, શકિત દ્વારા મહાન દેવતાઓ વિશ્વ ઉપર શાસન ચલાવે છે. શકિત છે પ્રભુનું શસ્ત્ર, શકિત છે ભાગ્ય ઉપર મરાયેલી મુદ્રા, અમૃતત્વનો દાવો કરવાવાળી ઓ માનુષી ! તારામાં શકિત હોય તો તેને પ્રકટ કર. તે પછી હું તને તારો સત્યવાન પાછો આપીશ. અથવા તો જો મહાસમર્થ શ્રીમાતા તારા સાથમાં હોય તો એના મંગળ મુખનું દર્શન કરાવ. હું મહામાતાને આરાધીશ. અમર્ત્ય આંખોને મૃત્યુની આંખમાં દૃષ્ટિ કરતી બનાવ. એ અવિનાશી શકિતના સ્પર્શથી પૃથ્વી ઉપરના મૃત્યુને અમર જીવનમાં પલટાવ. આ થયા પછી જ તારો મૃત સત્યવાન પુનરુજજીવન પામશે અને તને પાછો મળશે. પ્રણતા પૃથ્વી પ્રભુના ગુપ્ત શરીરને સમીપવર્તી બનાવશે અને પરમપ્રેમ પલાયિત કાળને પકડી પાડશે."
સાવિત્રીએ યમ સામે મીટ માંડી જોયું ને એને કશો ઉત્તર ન આપ્યો. સવિત્રીમાં તત્કાલ એક મહૌજસ્વી રૂપાંતર થઈ ગયું. એના અંતરમાં અધિષ્ટિત મહાદેવીના આભામંડલે, એના મુખ પર પ્રકાશતી અમૃતસ્વરૂપની જીવંત જ્યોતિએ એનાં અંગોને આવરી લીધાં. એની આસપાસની હવા જાજવલ્યમાન સાગર બની ગઈ. અવતારે આડે પડેલો પડદો અળગો કર્યો. અનંતતાની મહીં સાવિત્રી હતી તો એક નાનકડી માનવ મૂર્ત્તિ, છતાંય અત્યારે એ સનાતનનું સક્ષાત્ ધામ બની ગઈ હતી. એનો આત્મા બન્યો 'તો બ્રહ્યાંડનું કેન્દ્ર ને અવકાશ હતો એનું બહારનું અંબર. બે તારાઓ જેવી એની આંખો સર્વજ્ઞત્વ સ્ફુરતું હતું. એનાં ઊર્ધ્વના આત્મામાં રહી જે શકિત શાસન ચલાવતી હતી અને એનાં હૃદયકમળમાં જેનું સાન્નિધ્ય હતું તે એનાં ભવાં વચ્ચેના આજ્ઞાચક્રમાં ઊતરી. ધ્યાનના ધામમાં રહી એ તૃતીય નેત્ર ઉઘાડે છે ને જે દેખાતું નહોતું તે દેખાવા માંડે છે. નિત્યનું જ્ઞાન અને નિત્યનો સંકલ્પ મર્ત્યના સંકલ્પને પોતાનો બનાવી દે છે. ત્યાંથી તે કંઠના
વિશુદ્ધ ચક્રમાં ઊતરી ને વાણીએ અમર શબ્દનું રૂપ લીધું. વિશ્વવિચારની સાથે તાલમેળ સીધી એણે હૃદયમાં પ્રવેશ કર્યો અને ભાગ્યને પલટાવી નાખનારી શકિતને જગાડી. નત નાભિચક્રમાં પ્રવેશી કામનાને એણે અલૌકિક અર્ચિષનું રૂપ આપ્યું. સ્વાધિષ્ઠાન ચક્રમાં જઈ ક્ષુદ્ર પ્રાણને એણે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. પછી મૂલાધારમાં જઈ ત્યાં સૂઈ રહેલી કુંડલિનીને આઘાત કર્યો ને સહસ્રફણાધારી સર્પને જગાડયો , ને એ જવાલામય મહાસ્થંભ સમાન ઊંચે ઉભો થયો ને વિશ્વાત્માને આશ્લેશ્યો. જડતત્ત્વની મૂકતા બ્રહ્યાત્મની નીરવતા સાથે સંયોજાઈ ગઈ, અને પાર્થિવ પ્રવૃત્તિઓ પરમાત્માની નીરવ શકિતથી સભર બની ગઈ.
આમ રૂપાંતર પામી ગયેલી સાવિત્રી આદેશશબ્દની રાહ જોતી ઊભી. શાશ્વતતાએ મૃત્યુ સામે મૃત્યુંજય મીટ માંડી. અંધકારે પરમેશ્વરની સજીવ સત્તાને પ્રત્યક્ષ કરી. પછી સમાધિષ્ઠ હૃદયના મૌનને સંબોધતો અણરવ આત્માનો શબ્દ સંભળાયો :
" હે સર્વસમર્થ યમરાજ ! હે વિજયી મૃત્યુદેવ ! મારાં તને અભિનંદન છે. તું છે અનંતનો મહાપ્રભાવી અંધકાર, સર્વને અસ્તિત્વ માટે સ્થાન કરી આપનારી રિક્તતા; વિશ્વને તું ભરખી જાય છે. સર્વ-જ્ઞાન જેમાં સૂતું છે તે અજ્ઞાન તું છે; તું છે મારી છાયા, તું છે મારું હથિયાર. માનવ જીવ પ્રકાશ પ્રત્યે પ્રેરાય અને પ્રયત્નશીલ બને તે માટે મેં તને ત્રાસની, શોકની અને દુઃખની તીક્ષ્ણ તરવરે સજ્યો છે. તું માનવને મહિમાઓ પ્રત્યે હાંકે છે, નિત્યના સુખ માટે ઝૂરતો બનાવે છે, અમૃતત્વ માટેની એની તેજીલી આવશ્યકતા બની જાય છે. હજી તારી જરૂર છે, તું ભલે રહે. પણ એક દિવસ માણસ તારા અગાધ ઊંડા હૃદયનું માપ લેશે, તારી મીટમાં જે અણનમ પ્રશાંત અનુકંપા છે તેનું રહસ્ય જાણશે. પરંતુ અત્યારે તો તું મારી અવતારી શકિતના માર્ગમાંથી હઠી જા, અને તારા કફનમાંથી પ્રકાશમાન દેવને-સત્યવાનને મુક્ત કર. સત્યવાન જીવનનો ને ભાગ્યનો વિધાતા બનીને વિરાજશે. પૃથ્વી ઉપર એ પ્રભુનો પ્રતિનિધિ છે, પ્રજ્ઞાનો ને પ્રભાનો પ્રિયતમ છે, સનાતન વધુનો સનાતન વર છે."
મૃત્યુએ હજીય આનાકાની કરી. જાણવાની ને જોવાની એ ના પાડતો હતો, છતાંય એ જાણતો 'તો ને જોતો'તો. એનો આત્મા નમ્યો પણ દેવોનેયે બંધનકારક એનો સંકલ્પ એના સ્વભાવને વશ હતો. બન્નેને એકબીજાની સામે ઊભા 'તા,-કાળા દુર્ગ જેવો યમ ને એને ઘેરતો સાવિત્રીનો દિવ્ય આત્મા. સાવિત્રીની સચેત શકિતએ એની ઉપર સાગ્રહ આક્રમણ કર્યું, --સામેથી, ઉપરથી ને આસપાસથી. પ્રકાશે પાવક બનીને યમના વિચારોને આચમી લીધા; એના હૃદયમાં પ્રવેશતાં વાર એ એને માટે અસહ્ય યાતનારૂપ થઈ થઈ પડયો; એની નસેનસમાં મહાવેદના બની એ વહેવા લાગ્યો; એનો અંધકાર બડબડાટ સાથે સાવિત્રીની ભડભડતી જવાળામાં પ્રણાશ પામ્યો. યમે રાત્રિનું આવાહન કર્યું, પણ એ ફફડાટ ભરી પાછી પડી; એણે પાતાળને પોકાર કર્યો, પણ તેય ગ્લાનિગ્રસ્ત બનીને જતું રહ્યું. એ અચિત્
તરફ વળ્યો, તો તેણે એને સીમારહિત રિક્તતામાં પાછો ખેંચ્યો; એણે પોતાના પુરાણા બળને બોલાવ્યું પણ તેણે કશું સંભાળ્યું નહિ. હવે એને લાગ્યું કે પરાજય પૂરેપૂરો અનિવાર્ય છે, પોતે માનવ જીવને પોતાનો શિકાર બનાવી શકશે નહિ; અમર આત્માને મર્ત્ય થવાની ફરજ પાડવાનું કામ એને માટે હવે અશક્ય હતું, એટલે એ નાઠો ને પોતે જે કાળા શૂન્યમાંથી આવ્યો હતો તેમાં અદૃશ્ય થઈ ગયો.
સાવિત્રી ને સત્યવાનના ચૈત્યોમાંથી સાંધ્યપ્રકાશનો પ્રદેશ પ્રલીન થઈ ગયો, ને બન્ને ત્યાં એકલાં અવશેષમાં રહ્યાં. બેમાંથી એકે ન હાલ્યું કે ચાલ્યું. બન્નેની મૂત્તિઓ વચ્ચે અરવ, અદૃશ્ય ને અર્ધપારદર્શક એક દીવાલ દેખાઈ. સર્વે અજ્ઞાત ને અવિકલ્પ સંકલ્પની પ્રતિક્ષા કરવા લાગ્યાં.
ઢોળાવ એક આવ્યો જે ધીરે ધીરે નીચે ઊતરતો હતો;
સરકી એ જતો એક ઠોકરાતા ભૂરા ઉતરણ પ્રતિ.
નિસ્તેજ-હૃદયી ડૂલ ચમત્કાર થઈ આદર્શનો ગયો;
એનું સંકુલ આશ્ચર્ય ઊજળાં ને નાજુક સપનાંતણું
અને અલિખિતા અર્ધ અવિસ્પષ્ટ
એની ઉદાત્તતાઓને સાવિત્રીએ તજી હતી:
પડયો વિચાર નીચેની સપાટીઓતણી પ્રતિ;
બની કઠોર ને તંગ
કો કાચી સત્યતા માટે એ સવેગ જતો હતો.
પ્લ્વતી 'તી હજી સંધ્યા, પણ એણે સ્વરંગો બદલ્યા હતા
ને એ ગાઢ લપેટાઈ હતી ઓછા આમોદી સ્વપ્નની પરે;
હવા પર ઠરી'તી એ પરિશ્રાંત રાશિઓના સમુહમાં;
મંદ લાલોતણી સાથે પ્રતીકાત્મક એહના
રંગો મેળે મળી જતા,
ને પ્રાયઃ લાગતા 'તા એ દિન કેરી ધૂંધળી ધૂમિકા સમા.
તણાવ તંગ ને ઘોર ઘેરો એના હૈયાને ઘાલતો હતો;
એની સંવેદના ભારે થઈ ભીષણ ભારથી,
વધુ વિષણ્ણ ને મોટા સ્વરો એને શ્રવણે પડતા હતા,
અને કડક તૂટોમાં ઝબકંતી પ્રભાતણી
દૃષ્ટિ પકડતી એની મેદાનોને વેગભેર ધસી જતાં,
પર્વતો અભ્રથી છાયા ને વિશાળા પ્રવાહો પિંગ વર્ણના,
અને ફોક ફેરફાર વિનાના નભની પ્રતિ
મિનારા ને ટાવરોની તુંગતા ધરતાં પુરો :
છાયા-રૂપો માનવીના વિચારનાં
ને નકામી નીવડેલી આશાઓનાં મનુષ્યની
રૂપો પ્રકૃતિ કેરાં ને કળાઓનાં,
દર્શનો ને સાધનાઓતણાં ને નિયમોતણાં,
અને જૂના સમાજોના મૃતાત્મનાં,
દૈત્યની રચનાઓનાં, રચનાઓતણાં કીટકજાતની.
જાણે કે નષ્ટ શેષાંશ નવ હોય વીસરાયેલ જ્યોતિના
તેમ મન સીમીપેથી એના ભાગી જતા હતા
ઘસડાઈ જતી પાંખે
આવિષ્કારો ઝંખવાયા અને શબ્દો વિમોચતા,
આદિષ્ઠ કાર્યથી રિક્ત, રિક્ત ત્રાયક શકિતથી,
સંદેશો શુભવાર્તાઓ લાવતા દેવતાણા,
પેગંબરોતણી વાણી અને શાસ્ત્રો પંથોનાં લોપ પામતા.
આદર્શો, તંત્ર, વિજ્ઞાનો, કાવ્યો, કાર્યો કલાકારીગરીતણાં
અશ્રાંત પામતાં નાશ ત્યાં, ને પાછાં પુનરાવૃત્તિ પામતાં,
જેમને ઢૂંઢતી એક અવિશ્રાંતભાવે સર્જકશકિત કો.
પણ સર્વ હતાં સ્વપ્નાં કરી પાર જતાં રિક્ત અસીમને.
શૃંગોએ શૈલનાં યા તો તટોએ સરિતાતણા
એકાકી ઋષિઓ કેરા તપ:સેવી સ્વરો બોલાવતા હતા,
અથવા વનવીથીઓ કેરા નિર્જન હર્દથી
શોધતા સ્વર્ગ-આરામ કે નિઃશબ્દા શાંતિ બ્રહ્યસ્વરૂપની,
કે નિશ્ચલ શરીરોમાં પ્રતિમા શાં, સમાધિસ્થિરતા ધરી
વિચાર વિરમી જાતાં નિદ્રાવિહીન તેમનો,
સૂતો જીવો હતા બેઠા, ને આયે સપનું હતું.
ભૂતકાળે બનાવેલી ને હણેલી વસ્તુઓ સર્વ ત્યાં હતી,
એનાં લુપ્ત ભુલાયેલાં હતાં રૂપો જીવંત એકવારનાં ,
ને સૌ અત્યારના સ્નેહો પ્રકટેલા નવા બની,
ને ભાવી લાવતું 'તું જે આશાઓ સૌ
કયારનીયે નિષ્ફલા નીવડેલ જે,
મોઘ યત્નોમહીં ગ્રસ્ત ને સમાપ્ત થયેલ જે,
પુરાવૃત્તિઓ વ્યર્થ યુગથી યુગ પામતી,
અહીંયાં એ બધું હતું.
અશ્રાંત સઘળું પાછું આવતું 'તું હજી આગ્રહ રાખતું.
કેમ કે ખોજ માટેની યંત્રણા સુખ આપતી,
શ્રમકાર્યે હતો હર્ષ, પ્રાપ્તિમાં ને ખોવામાં હર્ષ આવતો.
સર્જવાનો હતો હર્ષ, રક્ષવામાં હતો ને હણવામહીં.
ચક્રની ગતિએ ચાલ્યા યુગો જાતા હતા ને આવતા ફરી,
એના એ જ શ્રમો, એના એ જ વંધ્ય અંતને લાવતા હતા,
રૂપો નિત્ય નવાં, નિત્ય પુરાણાં લાવતા હતા,
લાવતા 'તો દીર્ધ ઘોર પરિભ્રમણ વિશ્વનાં .
એકવાર ફી ઊઠયો ઘોર નાશક નાદ એ :
વિશ્વોનું મોઘ જાનારું પરિભ્રમણ લંઘતું,
હરાવી સર્વને દેતું એના જંગી ઇનકારતણું બલ
દુઃખી કાળતણી અજ્ઞ પ્રયાત્રાનો લઈ પીછો રહ્યું હતું.
" નિહાળ મૂર્ત્તિઓ તું આ પ્રતીકાત્મક રાજ્યની,
જો એની દૃઢ રેખાઓ સર્જનાત્મક સ્વપ્નની
પ્રેરતી પૃથિવી કેરાં મોટા નક્કર કાર્યને.
માનવી જિંદગી કેરું જે દૃષ્ટાંત બનેલ છે
એ એની ગતિમાં આંકી શકશે પરિણામ તું
જેહ પ્રકૃતિ આપે છે પાપને અસ્તિતાતણા,
ભ્રમને વસ્તુઓમાંના
ને ઈચ્છાને જીવવાની બેળે ફરજ પાડતી,
અને માનવના અશારૂપી અસાધ્ય રોગને.
અવિકારી વ્યવસ્થાની ક્રમિક શ્રેણિની મહીં
મનુષ્ય પલટો પામી શકતો ના
પલટો જ્યાં નથી પ્રકૃતિ પામતી :
રહે એ અનુવર્તંતો સ્થિર એનો કાયદો ફેફારનો;
વારંવાર કહેવાઈ ગયેલી એહની કથા
નવી આવૃત્તિ પામતી,
હમેશાં ઘૂમતાં રે'તા ચક્કરોમાં જાતિ ગોળ ફર્યા કરે.
મન એનું પુરાયું છે ચકરાવા લેતી સરહદોમહીં :
કાં કે મન મનુષ્ય છે,
અને વિચારની પાર એ ઊડી શકતો નથી.
સીમા જો નિજ એ છોડી શકે તો એ સુરક્ષિત રહી શકે :
જુએ છે એ કિંતુ ના એ આરોહણ કરી શકે
છે મહત્તર પોતાનાં સ્વર્ગો જે તેમની પ્રતિ;
પાંખો હોવા છતાં પાછો પડે છે એ જમીને નિજ જન્મની.
પોતાના મનની જાળે છે બંદીવાન એ બન્યો,
ભીંતો સામે જિંદગીની અફાળે છે પાંખો એ નિજ આત્મની.
હૈયું એનું વૃથા ઊંચે ઉઠાવે છે ઝંખતી નિજ પ્રાર્થના,
દેદીપ્યમાન દેવોએ વસાવીને રૂપરહિત શૂન્યતા;
થઈ નિરાશ તે કેડે વળે એ શૂન્યની પ્રતિ
ને માગે મોક્ષ એ એના સુખભાવી અભાવમાં,
નિર્વાણે શાંત આત્માના પોતાના સપનાતણાં.
મૌનમાં શમતો શબ્દ, શમતું નામ શૂન્યમાં
સમુદાયોમહીં મર્ત્ય એ બોલાવે અવર્ણ્ય પ્રભુને પૃથક્
એકલા નિજ આત્મની ઉપરે પ્રેમ રાખવા,
કે નાખે એ નિજાત્માને એના શૂન્ય સમાલિંગનની મહીં,
કે સર્વમય નિષ્પક્ષે કરે પ્રાપ્ત પોતાની પ્રતિમૂર્ત્તિને;
સ્વીય સંકલ્પ આરોપી દે એ નિશ્ચલની પરે,
અને શાશ્વતને રોષ અને પ્રેમ કેરાં લક્ષણ આપતો,
ને હજારો નામ આપે એ અનિર્વચનીયને.
એના જીવનમાં નીચે બોલાવીને પ્રભુને લાવવાતણી
આશા તું રાખતી નહીં :
જે સનાતન છે તેને શી રીતે તું બોલાવી લાવશે અહીં ?
સવેગ સરતા કાળે એને માટે નિવાસ ના.
જડદ્રવ્યતણે વિશ્વે વૃથા તું લક્ષ્ય શોધતી;
કશું લક્ષ્ય નથી ત્યાં, છે ઈચ્છા માત્ર અસ્તિમાં આવવાતણી.
બધા પ્રકૃતિના બાંધ્યા ચાલે એના એ જ રૂપે રહી સદા.
જો આ રૂપો રહે છે જે અલ્પ કાળ ને ચાલ્યાં જાય જે પછી,
જીવનો આ જો કરે જે ઝંખના ને પરિશ્રમો
ને પછીથી સાવ લુપ્ત થઈ જતાં,
જો આ ઈમારતો સ્થાયી સત્ય ના જેમની મહીં,
જો ઉદ્ધારક આ ધર્મો પોતાનો જે કરી ઉદ્ધાર ના શકે.
પરંતુ વરસો કેરા ગળું દાબંતા હસ્તમાં
પોતે પ્રણાશ પામતા,
ગયેલા બ્હાર ફેંકાઈ માનવીના વિચારથી
અને કાળે ઠરાવાયેલ જૂઠડા,
તત્વજ્ઞાનો કરી દેતાં નંગા જે સહુ પ્રશ્નને
પરંતુ પૃથિવી કેરો થયો આરંભ ત્યારથી
એકે પશ્ન ઉકેલ્યો જેમણે નથી,
અને વિજ્ઞાન-વિદ્યાઓ જેમની છે વ્યર્થ સર્વસમર્થતા
બાહ્ય સૂર્યો બનેલા છે તેનું જ્ઞાન જેથી માનવ મેળવે,
બાહ્ય જરૂરિયાતોને પોતાની પાડવા
જેના દ્વારા રૂપો સૌ પલટાવતા,
શીખ્યા છે વ્યોમની વાટે સવારી કરતાં અને
સમુદ્રજલની નીચે સ્વ-નૌકાઓ ચલાવતાં,
કિંતુ પોતે કોણ છે ને શેં આવ્યા છે તેનું જ્ઞાન ન પામતા;
આ તંત્રો રાજયનાં-શિલ્પો મનનાં માનવીતણા,
શુભાશુભતણી ઈંટે દીવાલોમાં પૂરતાં મનુજાત્મને,
તાડોવાળાં ગૃહો છે જે મહેલો ને કેદખાનાંય સાથમાં,
સડે શાસન-વેળા જે ને ધબે એ તે પહેલાં ધબી જતાં;
ક્રાંતિઓ આ, દૈત્યની કે પીધેલા દેવતાણી,
ક્ષુબ્ધ કરતી કાયા ઘવાયેલી જાતિની માનવીય જે,
પુરાણે મુખડે માત્ર નવા રંગો લગાડતી;
આ યુદ્ધો, વિજયી હત્યાકાંડો આ ને પાયમાલીય પાગલી,
ઘડીમાં શતકો કેરું શિલ્પ લુપ્ત થઈ જતું,
પરાજિતોતણું રક્ત ને તાજ જીતનારનો
પડશે આપવું જેનું મૂલ્ય પીડા સહી સહી
માણસોએ જન્મનાર ભવિષ્યમાં,
દિવ્ય મુખ વિજેતાનું અંગો ઉપર વન્યનાં,
દમામ દૈત્યો અર્ધ-દેવ કેરા મહિમા સાથ મિશ્રિત,
મહાપ્રભાવ ને સાથે પશુતા ને કલંક શરમાવતું,--
શા માટે સઘળું છે આ, શ્રમ, ઘોંઘાટ કેમ આ,
ક્ષણભંગુર હર્ષો ને અકાલ અશ્રુ-સાગર,
ઝંખના, આશા, પોકાર, યુદ્ધ, જય, પરાજય,
લક્ષ્યવિહીન યાત્રા જે અટકી ન કદી શકે,
જાગતો શ્રમ ને નિદ્રા અસંબદ્ધ, આ શા ઉદ્દેશથી બધું ?
ગાન, ચિત્કાર, આક્રંદ, પ્રાજ્ઞતા, વચનો વૃથા,
મનુષ્યનું હાસ્ય, દેવો કેરી ઉકિ્ત કટાક્ષની ?
ક્યાં લઈ જાય છે કૂચ, યાત્રા ક્યાં જાય છે લઈ ?
માર્ગનો નકશો કોની પાસે છે ને પ્રત્યેક ભૂમિકાતણી
કોણ છે યોજના કરી ?
સ્વયંચાલિત વા વિશ્વ પોતાને મારગે જતું ?
અથવા તો નથી કાંઈ સ્વપ્નસેવી એક મનતણા વના :
ક્પોલક્લ્પના એક છે જગત્ જે સત્યરૂપ બનેલ છે,
સચેત મનના દ્વારા પોતાને જ કથિતા કલ્પિતા કથા,
પ્રતિબિંબિત ને વાઘ વગાડાતું
જડદ્રવ્ય તણી મિથ્થા આભાસી ભૂમિકા પરે,
અસત્ વિરાટમાં પોતે જ્યાં અવસ્થિત છે થયું.
કર્ત્તા છે મન, દ્રષ્ટા છે, નટ છે, રંગમંચ છે:
મન કેવળ છે ને એ વિચારે જે તે દૃશ્યમાન થાય છે.
જો હોય મન સર્વસ્વ તો તજી દે આશા તું સુખ-શર્મની;
જો હોય મન સર્વસ્વ તો તજી દે આશા પરમસત્યની.
કેમ કે મન ના સ્પર્શ કદી પામી શકે સત્ય-શરીરનો,
આત્માને પ્રભુના જોઈ શકે મન કદીય ના;
કેમ કે પ્રભુથી પાછું વળી એ જવ જાય છે
આભાસી વસ્તુઓની વ્યર્થતા પ્રતિ,
છાયા માત્ર ગ્રહે ત્યારે પ્રભુની એ, હાસ્ય એનું ન સાંભળે.
મન વસ્ત્ર વણાયેલું છે છાયા ને પ્રકાશનું
જેમાં ખરું અને ખોટું સીવી લે છે અંશો સંમિશ્ર એમના;
અથવા મન છે લગ્ન થયું પ્રકૃતિ હસ્તકે
પ્રતિજ્ઞાપત્રની સાહ્યે સત્ય ને જૂઠની વચે,
સુખ ને દુઃખની વચે.
ના આ ઝગડતું જોડું છુટું પાડી શકાતું કો અદાલતે.
સિક્કો સોનાતણો એક છે પ્રત્યેક વિચાર, જ્યાં
મિશ્રધાતુતણો ઝગમગાટ છે,
સવળી-અવળી એની બાજુઓએ ભ્રાંતિ ને સત્ય છે રહ્યાં:
આ છે ભેજાતણો શાહી સિક્કો, ને આ પ્રકારનું
નાણું એનું ચલણી સઘળુંય છે.
જીવંત સત્યને પૃથ્વી પર તું ના રોપવાનું વિચારતી,
કે જડદ્રવ્યનો લોક પ્રભુ કેરા ધામમાં પલટાવવા;
નથી ત્યાં આવતું સત્ય, કિંતુ આવે માત્ર વિચાર સત્યનો,
પ્રભુ પોતે નથી ત્યાં, છે પ્રભુનું નામમાત્ર ત્યાં
આત્મા જો હોય તો તે છે અશરીરી અને અજ;
પોતે કોઈ નથી એ ને સ્વામી ના કોઈ એહનો,
શાના આધારથી તો તું રચશે સ્વ સુખી જગત્ ?
પ્રાણ ને મનને દૂર ફગાવી દે, છે પછી આત્મરૂપ તું,
સર્વવ્યાપકતા સર્વદર્શી કેવળ એકલી,
પ્રભુ જો હોય તો તેને વિશ્વ કેરી પડી નથી;
સ્થિર નિષ્પક્ષ દૃષ્ટે એ વસ્તુઓ સૌ વિકોલતો,
દંડયાં છે હૃદયો સર્વે એણે શોકથકી ને કામનાથકી,
જવાબ આપતો ના એ પ્રાર્થનાના જ્ઞાનહીન પુકારને.
નીચે પરિશ્રમે લાગ્યા હોય છે યુગ તે સમે
એ સનાતન, અક્ષુબ્ધ ને અસ્પૃષ્ટ
પોતે જે કૈં બનાવ્યું છે તે મધ્યેના તમમાથી,
આસપાસતણા તારા વચ્ચે ઝીણી વિગતો અવલોકતો
પશુની યાતનાની ને માનવીના નસીબની:
અપાર જ્ઞાન છે એનું, અતિક્રાંત કરે તારો વિચાર એ;
એનો એકલ આનંદ અપેક્ષા ના તારા પ્રેમતણી કરે.
વિચારણે મનુષ્યોના એનું સત્ય ન નિવાસ કરી શકે:
સત્ય તું વાંછતી હોય તો સદાને માટે મન કર સ્થિર.
હણાયેલું મૂક અદૃષ્ટ જ્યોતિએ.
અમરાનંદ ના વાસ મનુષ્યોના વાતાવરણમાં કરે:
શી રીતે મહતી માતા સ્વ પ્રશાંત પ્રમોદને
રાખે આમોદથી પૂર્ણ સાંકડા આ ભંગુર પુષ્પપાત્રમાં,
ને હૈયાં જે સમાંક્રાન્ત થતાં પાર્થિવ શોકથી
અને લાપરવા મૃત્યુ જે દેહોને હણી મન થતાં શકે,
ત્યાં પોતાનો મહાનંદ નિવસાવે મધુરો ને અખંડિત ?
પ્રભુએ જે પ્રયોજ્યું છે જગત્ પલટાવવા
કેરાં સ્વપ્ન ન સેવતી,
બદલી નાખવાને તું મથતી ના એનો ધર્મ સનાતન.
દુઃખ સામે વસયેલાં દ્વારોવાળાં હોય જો સ્વર્ગધામ તો
પામી તું ના શકી ભોમે તે આનંદ કેરી તું કર ખોજ ત્યાં;
યા તો અમર્ત્ય ગોલાર્ધે જ્યોતિ છે સહજા જહીં
ને છે આનંદ રાજવી,
ને આત્મા છે વસ્તુઓની મૃત્યુથી મુક્ત ભૂમિકા,
ત્યાં પસંદ કરી લે તું નિજ સ્થાન
ઊર્ધ્વવર્તી, પુત્રી, શાશ્વતતાતણી !
જો આત્મા હોય તું ને હો' તારી પ્રકૃતિ કાંચળી,
તો ઉતારી નાખ વેશ ને થા નગન આત્મ તું,
અવિકારી અમર્ત્ય નિજ સત્યમાં,
નિત્ય માટે એકમાત્ર મૂક કેવલ એકમાં.
વળ તો પ્રભુની પ્રત્યે, એને માટે સઘળું તજ પૂથળે;
ભૂલી પ્રેમ જઈ, ભૂલી જઈને સત્યવાનને,
મિટાવી જાતને દે તું પ્રભુની સ્થિર શાંતિમાં.
નિઃસ્પંદ પરમાનંદે પ્રભુના થા, ઓ હે આત્મ ! નિમગ્ન તું.
કેમ કે પ્રભુને શૃંગે પ્હોંચવાને
મરવાનું છે તારે જાતની પ્રતિ:
હું, મૃત્યુ, દરવાજો છું અમૃતત્વે પ્રવેશનો."
કુતર્કી દેવને કિંતુ સાવિત્રી ઉત્તરે વદી:
" એકવાર ફરી પાછો બોલાવી તું લાવશે શું પ્રકાશને
સત્ય કેરી આંખો અંધ બનાવવા,
બનાવી જ્ઞાનને દેશે ફૂંદો અજ્ઞાન-જાળનો
ને મારો જીવતો આત્મા હણવાને
શબ્દને શું બાણ એક બનાવશે ?
થાકી ગયેલ જીવોને, યમરાજ ! વર તારા સમર્પ તું,
સમર્પ હૃદયોને જે કાળ કેરા ઘા સહી શકતાં નથી,
તન ને મનની સાથે બંધાયેલા છો એ બંધો વિદારતા
અને ભાગી જઈ શુભ્ર શાંતિમાં છો પ્રવેશતા
ભગવાનતણી લીલામાંથી એક આશ્ચયાર્થે પુકારતા,
જરૂર વરદાનો છે તારાં મહાન, કેમ કે
તું પોતેય स एव છે !
પરંતુ ધામ છું હું જે મહામાતા કેરી પ્રચંડ શકિતનું,
ધામ એની દૃષ્ટિનું જે
વળેલી છે અર્થ જોવા સમસ્યારૂપ વિશ્વનો,
ધામ સંકલ્પનું એના જે સંકલ્પતણી પરે
જ્ઞાનના સૂર્યની જવાળાદાર પાણી બનેલ છે,
ધામ પ્રેમતણા એના હૈયાના દીપ્ત મૌનનું,
તે આરામ કઈ રીતે શોધવાની અનંતા શાંતિની મહીં ?
છે વિશ્વ એક અધ્યાત્મ વિરોધાભાસ, જેહનો
આવિષ્કાર થયેલો છે અપેક્ષાને કારણે અણદીઠની,
વિચાર અથ વાણીથી પર નિત્ય છે જે તે तत्-સ્વરૂપનો
જીવની ગ્રાહ્યતા માટે કંગાલ અનુવાદ છે,
છે પ્રતીક, કદી જેનું ન પ્રતીક થઈ શકે,
ખોટી બોલાયેલી ભાષા, છે જૂઠી જોડણી છે સત્ય તોય જે.
આવી છે શકિતઓ એની શાશ્વત શિખરોથકી
ને અંધાર અચિત્ ગર્તે ગરકી એ ગયેલ છે
અને છે ઉદભવી ત્યાંથી કરવાને નિજ અદભુત કાર્ય એ.
છે ચૈત્ય જીવ અવ્યક્તરૂપની એક આકૃતિ,
પ્રયાસ મન કેરો છે કરવાનો વિચાર અવિચાર્યનો,
મથે જીવન બોલાવી લાવવાને જ્ન્માર્થે અમૃતાત્મને,
ને અસીમાત્મને દેહ મથે લાવી મંદિરે પધરાવવા.
કાપી પૃથક્ કરાયેલું નથી વિશ્વ સત્ય ને પરમાત્મથી.
સેતુ બંધાય ના એવો કાળો ખાડો ખોધો છે અમથો જ તેં,
અમથી છે કરી ઊભી ભીંત અંધી અને દ્વારવિહીન તેં,
તારામાં થઈને સ્વર્ગે જાય જીવ મનુષ્યનો,
મૃત્યુ ને રાત્રિની મધ્ય થઈને સૂર્ય સ્વર્ગનો
બળાત્કારે નિજ મારગ મેળવે;
આપણા સત્ત્વની ધારે એની દેખાય છે ધુતિ.
મન મારું છે મશાલ પ્રગટેલી જે સનાતન સૂર્યથી,
મારું જીવન છે પ્રાણોચ્છવાસ એક લેતો જે અમરાતિથિ ,
છે સનાતનનું ધામ મારું મર્ત્ય કલેવર.
મશાલ કયારનીયે છે બનેલી અમર પ્રભા,
બની જીવન ચૂક્યું છે ઓજ અમર આત્મનું,
બની ગૃહ ગયેલું છે ભાગ એક ગૃહસ્થનો.
શા આધારે કહે છે તું
કે કદી અજવાળી ના શકે સત્ય મનને માનવીતણા,
ને મહાસુખ આક્રાંત મર્ત્યના ઉરને કદી
કે પોતે જે રચ્યું છે તે
જગતે પ્રભુ કેરો ના અવતાર થઈ શકે ?
સૃષ્ટિ જો હો' થઈ ઊભી અર્થરહિત શૂન્યથી,
અશરીરી શકિતમાંથી જન્મ્યું જો જડદ્રવ્ય હો,
અચેત તરુએ ઊંચે આરોહી જો શક્યું જીવન હોય, ને
લીલમી પર્ણરૂપે જો હોય ફૂટી શક્યો આનંદ લીલમી,
ને ફૂલોમાં હોય ફૂલી શક્યું એનું હાસ્ય સુંદરતાતણું,
અને જો માંસપેશીમાં, શિર ને જીવકોષમાં
જાગી ઊઠી શકી સંવેદશીલતા,
ને ભૂરા દ્રવ્યને ભેજાતણા ઝાલી શક્યો હોય વિચાર જો,
ચૈત્ય ડોકી શક્યો હોય
માસમાટી મધ્યમાંથી પોતાની ગુપ્તાથકી,
તો અનામી જ્યોતિ મારી તરાપ માણસો પરે
શેં આવી શકશે નહીં,
અને પ્રકૃતિની નિદ્રથકી અજ્ઞાત શકિતઓ
પ્રકટી શકશે ન શેં ?
દેદીપ્યમાન સત્યની
અત્યારે પણ ઊઠે છે સૂચનાઓ જાગી તારકના સમી
માનસી ચંદ્રિકાયુક્ત અવિદ્યાની પ્રભાવી પ્રતિભાથકી;
સ્પર્શ અમર પ્રેમીનો અત્યારેય આપણાથી લહાય છે:
જો જરા જેટલું દ્વાર ઊઘાડું થાય કક્ષનું,
તો રોકી શકશે કોણ છાનામાનો પ્રવેશ પરમેશનો
કે સુપ્તાત્મા પરે એની ચૂમી કેરી
કરવાને મનાઈ કોણ છે ક્ષમ ?
ક્યારનો સમીપે છે પભુ, સત્ય ક્યારનુંય સમીપ છે:
ના એને ઓળખી કાઢે કાળો નાસ્તિક દેહ જો
તો તેથી નહિ સ્વીકારે જ્યોતિને જ્ઞાનવાન શું
ને શું દ્રષ્ટા નિજાત્માને નકારશે ?
વિચારે, ઈન્દ્રિયે, રૂપે હું બંધાઈ રહી નથી;
મારો નિવાસ છે દિવ્ય મહિમામાં અનંતના,
અનામી ને અવિજ્ઞાત કેરી છું હું સમીપમાં,
અનિર્વાચ્ચ બનેલો છે ગૃહે મારે સહવાસી સખા હવે.
જ્યોતિર્મયી કિનારીએ કિંતુ ઊભી રહીને શાશ્વતીતણી
શોધી કાઢેલ છે મેં કે વિશ્વ પ્રભુસ્વરૂપ છે;
બ્રહ્યથી બ્રહ્યનો ભેટો કર્યો છે મેં, આત્માથી આત્મનો કર્યો,
મારા પ્રભુતણા પીંડ ઉપરેયે પરંતુ મુજ પ્રેમ છે.
એને અનુસર્યો છે મેં એના પાર્થિવ રૂપમાં.
પ્રત્યેક ઉરની સાથે એકરૂપ ઉર જે છે બનેલ, તે
એકાકી મુકિતથી પામી પરિતોષ નહીં શકે:
અભીપ્સા રાખતા વિશ્વ કેરી પ્રતિનિયુક્ત હું,
મારા આત્માતણી મુકિત હું સૌને કાજ માગતી."
વધુ ઘેરો પછી ગાજ્યો પોકાર યમનો પુનઃ
જાણે કે ભારની નીચે પોતાના વ્યર્થ ધર્મના
પોતાના જ હઠીલા ને અર્થહીન સંકલ્પથી દબયાલો,
અવજ્ઞાએ , ભર્યો, થાકી ગયેલો , અનુકંપતો,
હવે રાખી ના એ નિજ જૂના અસહિષ્ણુ અવાજને,
લાગ્યો એ કિંતુ નિઃસંખ્ય માર્ગે જાતિ જિંદગીના અવાજ શો,
સદૈવ શ્રમ સેવે જે ને કરે પાપ્ત ના કશું
કારણે જન્મના ને ફેફરના,
એને ટકાવતિ એની શકિતઓ છે મર્ત્ય, તે કારણે વળી,
નિશ્ચિત અવધિ-સ્તંભો આસપાસ ઘૂમે વિશાળ ચક્કરે
લક્ષ્યરહિત દોડમાં,
જેની ઝડપ વાધે છે હમેશાં ને એની એ જ છતાં રહે.
એના ભાગ્ય, યદ્દૃચ્છા ને કાળ સાથે ચાલતા દીર્ધ ખેલમાં,
ખેલમાં હાર કે જીત છે નિઃસાર એવું નિશ્ચય જાણતું,
નિજ અજ્ઞાન ને શંકા કેરા ભાર હેઠળે કચરાયલું,
જે ભાર જ્ઞાનથી લાગે વધતો ને થતો વિશાળ વૃદ્ધિથી,
પાર્થિવ મન ડૂબે છે, નિરાશા રાખતું બને,
દેખાય વૃદ્ધ ને થાક્યું ને ગુમાવે છે ઉત્સાહ સ્વ-કાર્યનો.
તે છતાં શૂન્ય શું સર્વ કે વૃથા સર્વ પ્રાપ્તિઓ ?
કો મહંત સધાઈ છે વસ્તુ, કો જ્યોતિ, શકિત કો
કરાઈ મુક્ત છે જંગી ગ્રાહમાંથી અચિત્ તણા:
પ્રાકટ્ય રાત્રિમાંથી એ પામી છે; એ પ્રભાતો નિજ પેખતી,
હમેશાં ઘૂમતાં રે'તાં, જોકે એકે એ ટકી શકતું નથી.
આ ફેરફાર દેખાતો હતો દેવ કેરા દૂર ફેંકાયેલા અવાજમાં;
બદલાયું હતું એનું ઘોર રૂપ, ને સનાતન પામવા
માટેનો આપણો અલ્પજીવી આયાસ એ સ્વીકારતું હતું,
અશક્ય દિનનાં તોય સુભવ્ય સૂચનો પરે,
નહીં તો શું થયું હોત તેની મોટી શંકાઓ નાખતું હતું.
સાવિત્રી પ્રતિ પોકાર્યો તરંગાઈ આવતો એ મહાસ્વર :
" અવગુંઠન રૂપોનું ને તિરસ્કાર તેમનો,
ઉભેના પરની જ્ઞાનપ્રાપ્તિ છે તુજને થઈ
તે માટે ઊઠ નિર્મુક્ત દૃષ્ટિમંતા દેવો દ્વારા થયેલ તું.
જો રાખ્યું હોત તેં મુક્ત મન તારું
જિંદગીના સુપ્રચંડ દબાણથી
તો સર્વજ્ઞ અને શાંત તું તેઓના જેવી હોત થઈ ગઈ.
પરંતુ તીવ્ર ઉદ્દામ ભાવવાળું હૈયું તારું નિષેધતું.
છે એ ઝંઝાતણું પક્ષી અંધાધૂંધી ફેલાવનાર શકિતનું,
ઉદ્ધારી જગ જે લેશે ને એની પાસથી બળે
ખેંચી લેશે ભાગ્ય કેરો પઢ્યો ના જાય એ પડો,
મૃત્યુનું રાજ્ય ને ધારો ને સંકલ્પ જાણ્યો જેહ જતો નથી.
ઉતાવળા થતા કર્મે , અતિક્રામક ઈશના
છે મહાન આત્માઓ જેમનામાં પ્રેમનો અતિરેક છે,
અને જે તુજ જેવા છે ઘડાયેલા કાં કે તું ઉભયેય છે,
સાંકડી જિંદગી કેરી સીમાઓમાં આવગમન એમનું,
છે અત્યંત વિશાળ એ સ્વભાવો જે કાળની પાર કૂદતા.
પૂજારી શકિત કેરા એ, શકિત કેરો પ્રતિક્ષેપ ન જાણતા,
એમનો ભીષ્મ સંકલ્પ ક્ષુબ્ધ વર્ષો માથે ફરજ લાદતો.
જ્ઞાનીઓ છે શમી; મોટા પર્વતો વિરમ્યા વિના
આરોહ્યે જાય પોતાના અપ્રાપ્ય વ્યોમની પ્રતિ,
નિર્વિકાર પદે તેઓ નિજ બેઠા, અને મસ્તક એમનાં
અવિકાર્ય સ્વર્ગ-દેશે સ્વપ્નરહિત રાજતાં.
અભીપ્સુ એમનાં ઉચ્ચ પ્રશાંત શિખરો પરે
સ્વર્ગને અડધે રસ્તે ઉઠાવંતા ચઢતા ચૈત્ય-જીવને
મહાબલિષ્ઠ મધ્યસ્થો છે ઉભા તુષ્ટ ભાવથી
પરિક્રમણ તારાઓ કરે છે તે વિલોકવા.
પૃથ્વીના બળની સાથે ચાલતા એ ગતિહીન પ્રકારથી,
યુગો આવી જતા તેઓ જુએ છે ને એ એના એ જ હોય છે.
જ્ઞાનીઓ યુગચક્રોને અનુરૂપ વિચારતા,
દૂરની વસ્તુઓના એ સાંભળે છે પદધ્વનિ;
અવિચાલિત એ રાખે નિગ્રહી જોખમે ભર્યા
પોતાના જ્ઞાનને સ્વ-ગહનોમહીં,
કે રખે માનવી કેરા દિનો ભંગુરતા ભર્યા
ડૂબે અજ્ઞાતની મહીં,
અફાટ સાગરો કેરા અગાધે જયમ નાવ કો
મહામકર શું બાંધી બેસે ખેંચાઈને તળે.
જો, કેવું સૌ પ્રકંપે છે
દેવો જયારે સંચરે છે અત્યંત નિકટે થઈ !
બધું ખળભળે, આવે ભયમાં ને યાતનાગ્રસ્ત થાય ને
વિદારાઈ તળે ઉપર થાય છે.
ઉતાવળે જતા કલ્પો ઠોકરાતા જશે અત્યંત વેગથી
જો અપૂર્ણ ધરા પરે
સ્વર્ગનું બળ ઓચિંતું ઊતરે, ને અનાવરણ જ્ઞાન જો
યોગતાહીન આ જીવો પર ઘા ઊતરે.
દેવોએ પડદા પૂઠે રાખેલી છે નિજ ભીષણ શકિતને :
વિચાર પ્રભુ પોતાનો છુપાવે છે
ને એ ભૂલો કરતોય જણાય છે.
સ્થિર થા, મંદવેગી થા લોકે ધીરા અને શાણપણે ભર્યા.
અંધારાયાં અરણ્યોમાં પ્રભાતે તું પ્રાર્થતી જેહને હતી
તે દેવી ઘોર તારામાં છે તેથી તું મહાબલિષ્ઠ છે બની.
દુર્દાન્ત દૈત્ય જીવોની જેમ તારા બળને ના પ્રયોજ તું !
પાકી પ્રણાલિકાઓને સ્પર્શતી ના,
સ્પર્શતી ના પુરાણા રૂઢ કાયદા,
કર આદર તું મોટી સ્થપાયેલી
વસ્તુઓમાં રહેલી સ્થિરતાતણો."
ઉત્તરે કિંતુ સાવિત્રી ભીમકાય દેવને વળતું વદી :
" કપરા ચક્કરે જેઓ શૃંખલાબદ્ધ છે થઈ
તે ઘોર શકિતઓ કેરો મંદ-દૃષ્ટિ જડ સંચાર જેહ છે
ચૈત્યવિહીન પાષાણ-નેત્રયુકત યાંત્રિક સ્વપ્ન સાથનો,
તે શું છે સ્થિર શાંતિ એ ?
ફેરફાર વિનાનો જો હોય નિયમ સર્વ કૈં ,
તો વૃથા આશ આત્મની :
નવાની ને અવિજ્ઞાતતણી પ્રત્યે કલ્પો નિત્ય વધ્યે જતા
પ્રભુ કેરું યાથાતથ્થ સમર્થતા.
પૃથ્વી કેરા યુગો શા કામના હતા
જો કદી હોત ના તૂટ્યો્ નિરોધ ઘૂસરો, અને
જો તમિસ્ર બીજમાંથી મહિમાઓ ફાટી ના હોત નીકળ્યા,
જે દરમ્યાનમાં ધીરી જિંદગી માનવીતણી
શબ્દોએ દેવતાઈ ને માનવી દૈવતો વડે
આવિષ્કૃત કરાયેલા અણચિંત્યા ભવ્ય માર્ગોતણી પરે
કૂદી હોત ન સત્વરા ?
સચેત માનસોની ને હૃદયોની ઉપરે લાદતો નહીં
સ્થિરતા જડ જે બાંધી રહેલી છે વસ્તુઓને અચેતન.
પ્રાણીઓની પ્રજા માટે રૂડું રાજ્ય અચેતન
જે સંતોષ ધરી રે'તી બદલાતી ન એવી ઘૂંસરીતળે;
ઉદાત્તતર ઉધોગ, શ્રેષ્ઠ માર્ગ પ્રત્યે માનવ જાય છે.
તારો નિયમ ખૂંદુ છું જીવતા પાયની તળે;
કેમ કે મુકિતમાં ઊંચે આવવાને જન્મ મારો થયેલ છે.
જો હું સમર્થ હોઉં તો ઓજ અવગુંઠનને તજો,
સહચારી ને પુરાણ શકિતઓનું સમોવડું,
નહીં તો નિષ્ફલીભૂત આત્મા મારો ધબી જજો
આદિ નિદ્રામહીં દેવરૂપતાને માટેની પાત્રતા વિના.
મારા સંકલ્પની માગું શાશ્વતી હું દાવો કાળ પરે કરી,
એની પળોમહીંથી હું માગું દાવો કરી પ્રભુ."
યમ બોલ્યો જવાબમાં
ભૂલી મુકિત અને ભૂલી માર્ગ શશ્વત્સ્વરૂપનો,
ક્ષણભંગુર પૃથ્વીનાં ક્ષુદ્ર કર્યોતણી પ્રતિ,
ઉચ્ચ અમર સંકલ્પે તારા શાને ઝૂકવું જોઈએ તળે ?
ને દેવોને રળી આપે એવો મોટો વાપરી નાખવો શ્રમ,
ઝૂઝવું જુદ્ધમાં, સ્હેવા ઘા મહાદુઃખ આપતા,
ને તેયે સંસરી જાતી વસ્તુઓની છોટી પેટીમહીં નિજ
પૃથ્વી જે ક્ષુદ્ર હર્ષોને સંરક્ષી સાચવી શકે
તે હર્ષો ઝડપી લેવા બળનો ને વિચારનો
શું ઉચ્ચ ઉપયોગ આ ?
બાલે ! તેં દેવતાઓને ખૂંધા છે પગની તળે
તો શું તારા પ્રેમપાત્ર માટે માત્ર
કરવા પ્રાપ્ત પૃથ્વીની જિંદગીની કંગાલ કરચો કંઈ
મુકિત મોટી કરીને રદ એહની,
દયાળુ દેવતાઓએ બોલાવી લીધ એહના
આત્માને સ્વર્ગધામોને વ્હેલો વ્હેલો મહાહર્ષ મળંત જે
તેનાથી એહને વંચિત રાખવા ?
પ્રભુના પ્રાંગણોથી શું ભુજાઓ છે તારી અધિક મીઠડી ? "
દેતી જવાબ સાવિત્રી,
" સીધી હું પગ માંડું છું માર્ગે મારે માટે કાપી કઢાયલા
સમર્થ હસ્તના દ્વારા, અધ્વ જેણે અમારા છે પ્રયોજિયા.
અને મધુર ને ઘોર સૂર આદેશ આપતો
ત્યાં દોડું છું, ચલાવે છે મને હાંકી લગામો પરમેશની.
પ્રભાવી ભુવનો કેરી
એણે છે કેમ આલેખી વિશાળી નિજ યોજના
કે ભાવવેશથી પૂર્ણ નિજ પ્રાણે ભરી એણે અનંતતા ?
કે શા માટે રચ્યું એણે મારા મર્ત્ય સ્વરૂપને
ને મારામાં કામનાઓ રોપી દીપ્ત અને દૈવતશાલિની,
જો એનો ના હોત હેતુ
પામવા ને ફૂલવાનો અને પ્રેમાનુભૂતિનો,
વિચારો ને બૃહત્તાઓ અને સુવર્ણ શકિતઓ
રૂપ છે માનુષી એની પ્રતિમાને કંડારી વૈભવે ભરી ?
દૂર કેરું દિવ્ય ધામ પોતાની સ્થિર શાંતિમાં
વાટ જોઈ શકે છે ત્યાં અમારા આવવાતણી.
સહેલી પ્રભુને માટે સ્વર્ગોની રચના હતી.
એને માટે હતી પૃથ્વી એક મુશ્કેલ વાનગી.
પૃથ્વીએ મહિમાવંતો છે આ પ્રશ્ન બનાવિયો,
માનવ જાતિ ને એનો છે સંઘર્ષ મહિમાવંત એહથી.
છે અમંગળ છદ્મો ત્યાં, છે ભયંકર શકિતઓ;
છે ગૌરવ રહેલું ત્યાં દેવોને સર્જવાતણું.
નથી અમર આત્મા શું, શું નિત્યમુક્ત એ નથી,
નિર્મુક્ત કાળ-ગ્રાહથી ?
આવ્યો છે કેમ એ નીચે મર્ત્યના અવકાશમાં ?
સોંપણી છે કેરી એણે મનુષ્યસ્થ એના ઉદાત્ત આત્મને
અને પ્રકૃતિનાં શૃંગો પર એણે ગુપ્ત આદેશ છે લખ્યો.
છે આ મુકિત સ્થિતપ્રજ્ઞ નિત્ય રે'નાર આત્મની,
સીમાઓમાં જિંદગીની સુવિશાળ,
ગ્રંથિઓમાં જડદ્રવ્યતણી બલી,
ભુવનોમાંહ્યથી કાર્ય-સામગ્રી સર્જતો બૃહત્ ,
સ્થૂળ સંકીર્ણ સેરોથી સૂક્ષ્મજ્ઞાન બનાવતો,
અને યુદ્ધ તથા રાત્રીમાંથી પ્રેમ ને સૌન્દર્ય બનાવતો,
છે અજાયબ આ હોડ, છે ક્રીડા દિવ્ય કોટિની.
આ કઈ જાતનો મોક્ષ આત્માને કે લે નહીં નગ્ન રૂપ એ
ત્યાં સુધી એ મુકિત અનુભવે નહીં,
ને લીલાના ગોઠિયાનાં અંગોની આસપાસમાં
પ્રેમી જે બંધનો નાખે તેને ચૂમી શકે ન જે,
કરે પસંદ ના એનો અત્યાચાર
અને આશ્લેષમાં એના કચડાઈ જવું ના જેહને ગમે ?
નિઃસીમ નિજ હૈયાથી ગ્રાહ લેવા વધુ રૂડા પ્રકારથી
સીમિત કરતા એના બાહુઓનું ચક્ર એ અપનાવતી,
વશમાં આણતા એની ભુજાના ભારની તળે
પરમાનંદથી પૂર્ણ બની એ લચકી પડે,
ને હસે વૈભવી એનાં નિયંત્રણતણી મહીં,
બદ્ધ સૌથી વધારે ત્યાં મુક્ત અધિક સર્વથી.
તારાં પ્રલોભનોને આ મારો ઉત્તર, મૃત્યુ હે ! "
એના પોકારને ભેટ્યો ઇનકાર નાફેર યમરાજનો:
તું ગમે તેટલી હોય શકિતશાળી, ને છૂપી સુર-સંસદે
નિગૂઢ નામ તારું છો ઉચ્ચારાતું હો' ગમે તેટલું, છતાં
તારા હૃદયનો ઉગ્ર ભાવ ભંગુરતા ભર્યો
સંસિદ્ધ વસ્તુઓ કેરી લોહ-ભિત્તિ ભાંગવાને સમર્થ ના,
દીક્ -કાલે જે વડે મોટા દેવો વાડે રક્ષે છે નિજ છાવણી.
માનુષી છદ્મની પૂઠે ગમે તે હોય તું ભલે,
ને માતા ભુવનો કેરી હોય તું તોય તે ભલે,
ને દાવો તુજ તું હોય ઠોકી બેસાડતી ભલે
દૈવયોગતણા દેશોતણી પરે,
છતાંય તુજ સંકલ્પ કરતાં છે વૈશ્વ ધર્મ મહત્તર.
પ્રભુ પોતેય પોતાના બનાવેલા નિયમો અનુવર્તતો :
ધર્મનિયમ છે સ્થાયી ને કદી એ પલટી શકતો નથી,
કાળને સાગરે વ્યકિત એક બુદબુદમાત્ર છે.
તારો આત્મા અગ્રદૂત છે આગામી ને મહત્તર સત્યનો,
છે સ્રષ્ટા એહ પોતાના વધુ મુક્ત સ્વધર્મનો,
જેનો આધાર એ લે છે તે પુઠેની શકિતનો ગર્વ રાખતો,
તારા વગરના બીજા કોઈએ જોઈ જે નથી
તે ઊંચેથી જ્યોતિ કેરી બડાઈ જેહ મારતો;
સત્યના જયનાં પૂર્વ પરિણામો પર દાવો કરંત તું.
કિંતુ છે સત્ય શું, કોણ કરી પ્રાપ્ત શકે એના સ્વરૂપને
ઇન્દ્રિયોની આભાસી મૂર્ત્તિઓ વચે,
મનનાં અનુમાનોની જામેલી ઠઠની વચે,
અને વિચાર કેરા જ્યાં કરે વાસ અનિશ્ચયો,
તેવી જગતની કાળી સંદેહી સ્થિતિઓ વચે ?
કેમ કે સત્ય ક્યાં છે ને કાળ કેરા બજારમાં
અંત આવે નહીં એવા થતા કોલાહલોમહી
સુણાયો 'તો ક્યારે એનો પદધ્વનિ ?
ને ધ્યાન આપતું ભેજું કરીને પાર જાય જે
ને જે ઠગંત આત્મને
તે કૈં હજાર પોકારો મધ્યે સત્ય કેરો અવાજ છે કયો ?
કે સત્ય સમ છે કાંઈ તારકીય ઉચ્ચ નામ સિવાયનું
કે અસ્પષ્ટ અને ભવ્ય શબ્દ, જેના દ્વારા વિચાર માનવી
અનુમોદે અને પૂત બનાવી દે વરણી સ્વ-સ્વભાવની,
હૈયા કેરી આસ્પૃહાને જ્ઞાન-કંચુક ધારતી,
ચૂનેલા મધ્ય ચૂનેલા પ્રિય પોષેલ ભાવને,
અર્ધ-જ્યોતિતણાં બાલોમહીં વ્હાલો લાગતો તે વિચારને
ઊંચા અવાજ સાથે જે ટોળેટોળાં
ક્રીડાક્ષેત્રોમહીં મનતણા મળે
અથવા શિશુ નિદ્રામાં એના શય્યાવાસોમાં વાસ મેળવે ?
પ્રભુની 'હા' તથા 'ના' ની વચ્ચે સર્વ વસ્તુઓ હ્યાં પ્રલંબાતી,
સાચી બે શકિતઓ તોય એકબીજા માટે બન્નેય જૂઠડી,
મનની ચંદ્રિતા રાત્રીમહીં યુગલ તારકો
તાકી રે'તા બે વિરુદ્ધ આવેલી ક્ષિતિજો પરે,
શુભ્ર મસ્તક ને શ્યામ પુચ્છ નિગૂઢ હંસનું,
ક્ષિપ્ર ને લંગડો પાય, બલી એક પાંખ, તૂટેલી દૂસરી
અનિશ્ચિચ જગત્ કેરું કલેવર ટકાવતી,
એવો એક મહાવ્યાલ આકાશોમાં અવચેતનનો ખરો.
તારા ઉદાત્ત ગર્વિષ્ઠ
સત્યને છે રહેવાનું અત્યંત ભયજોખમે
અટવાઈ જઈ મર્ત્ય ક્ષુદ્રતાની મધ્યમાં જડદ્રવ્યની.
સર્વ આ જગને સાચું, છે છતાં સર્વ જૂથડું :
વિચારો જાય છે એના દોડી શાશ્વત શૂન્યમાં,
વાધી વાધી કૃત્ય એનાં બની જતાં
સરવાળો કાળ કેરા ગોલાકારિત શૂન્યનો.
આમ પશુ અને દેવ એકસાથે મનુષ છે,
પ્રભુની પ્રેયસી કેરો એક વિષમ કોયડો,
અશક્ત કરવા મુક્ત ભીતરે જે છે તે દેવસ્વરૂપને,
નિજ સ્વરૂપથી ન્યૂન સત્ત્વ, ને તે છતાં અધિક કૈંક છે,
અભીપ્સા કરતું પ્રાણી ને નાસીપાસ દેવતા,
તોય ના પશુ, ના દેવ, કિંતુ છે માત્ર માનવી,
પરંતુ માનવી બદ્ધ શ્રમ સાથે કૃપાશીલ ધરાતણા,
પ્રયત્ન કરતો શ્રેષ્ઠ થવાતણો,
પ્રભુની ચઢતો સીડી વધુ ઉચ્ચ વસ્તુઓએ લઈ જતી.
આભાસો છે પદાર્થો ને નથી કોઈ તેમનું સત્ય જાણતું,
ભવાનાઓ અજ્ઞ એક દેવનાં અનુમાન છે.
સત્ય અર્થે ન આવાસ અવિવેકી ઉરમાં અવનીતણા :
પરંતુ બુદ્ધિ ના હોય તો સ્વપ્નાંનું કોકડું જિંદગી બને,
છે કિંતુ એક અંધારા ગર્ત કેરે માથે બુદ્ધિ અવસ્થિતતા
ને છેવટે ખડી છે એ શંકાના પાટિયા પરે.
ને મર્ત્ય માણસો સાથે વસે સત્ય સનાતન.
કે મર્ત્ય હૃદયે તારે વસ્તું એ ન હોય તો
બતલાવ મને દેહ તું જીવમાન સત્યનો,
કે રૂપરેખ આલેખ મારે માટે તું એના મુખડાતણી
જેથી આજ્ઞાધીન હુંય કરું એની ઉપાસના.
પછી પાછો તને તારો આપીશ સત્યવાન હું.
કિંતુ હ્યાં માત્ર તથ્યો છે તે કલાયસ કાયદો.
જાણું છું સત્ય હું આ કે સત્યવાન મરેલ છે
અને તારુંય માધુર્ય પ્રલોભાવી
એને પાછો લાવવાને સમર્થ ના.
જાદૂઈ સત્ય ના કોઈ મૂએલાંને જિવાડતું,
પૃથ્વીની શકિત ના કોઈ
એકવાર થયું હોય તેને રદ કરી શકે,
ન કોઈ પરમાનંદ
લાવી શકે મનાવીને ભૂતને જીવવા ફરી.
કિંતુ કેવળ જિંદગી
આશ્વાસના શકે આપી વાચારહિત શૂન્યને
ને વિચાર વડે કાળ-રિક્તતાને ભરી શકે.
તો છોડી મૃત તારો તું, સાવિત્રી ! જીવ જિંદગી."
આપ્યો જવાબ નારીએ ઘોર છાયા-સ્વરૂપને,
ને એ જ્યાં બોલાવા લાગી ત્યાં અદૃશ્ય મર્ત્યભાવ થઈ ગયો;
એનું સ્વરૂપ દેવીનું દૃશ્યમાન એની આંખોમહીં થયું,
સ્વર્ગના સ્વપ્નના જેવી આવી એને મુખે પ્રભા.
" હે મૃત્યુ ! તુંય છે દેવ, પરંતુ પ્રભુ તું ન તે,
છે કિંતુ માત્ર તું તેનો પડછાયો એના મારગની પરે
જયારે એ રાત્રિ છોડીને ઊર્ધ્વ માર્ગે વિદાય લે
ને સાથે ઘસડી જાય વળગેલી તેની અચિત શકિતને.
છે તું મસ્તક તામિસ્ર નિદ્રામાં મગ્ન ઇશનું,
છે તું એની અવિદ્યાની સંજ્ઞા અનનુતાપિની,
એના અઘોર અંધારા ગર્ભ કેરું સ્વાભાવિક છે શિશુ,
અનિષ્ઠ અર્ગલા છે તું એની અમરતા પરે.
પરસ્પર વિરોધી સૌ છે સ્વરૂપો પ્રભુના મુખડાતણાં.
બહુસ્વરૂપ છે જે તે અસંખ્યરૂપ एक છે.
एक સ્વહ્રદયે ધારી વહે છે સમુદાયને;
અપૌરુષેય છે એ, છે અબોધગમ્ય, એકલો,
પોતાના વિશ્વને જોતો અનંત વ્યકિતરૂપ એ;
મૌન ધારી રહેલું છે મહા મૂક મુદ્રા નિત્યસ્વરૂપની,
એનો પ્રકાશ પૂરે છે પ્રાણ શાશ્વત શબ્દમાં;
એ છે અચલની ઊંડી મૃત્યુથી મુક્ત ચૂપકી,
એની નકારતી શાંતિ શુભ્રા સંજ્ઞારહિતા ને અનંકિતા,
છતાં સર્જક આત્મા છે સ્થિત સર્વશકિતમાન અધીશ્વર,
અને વિલોકતો એનો સંકલ્પ પાર પાડતાં
સ્વરૂપો દેવલોકનાં,
જોતો ઈચ્છા પ્રેરતી જે અર્ધ-ચેત મનુષ્યને
અને અંધી અને આનાકાની કરંત રાત્રિને.
આ આત્યંતિક સીમાઓ દિવ્ય મોટી, શકિતઓ વિપરીત આ,
છે પાસાં જમણાં ડબાં પ્રભુ કેરા શરીરનાં;
અસ્તિત્વ સમતોલાયું બે બલિષ્ઠ ભુજા વચે
મન સામે ખડું થાય
ન ઉકેલાયલા ઊંડા ખાડા સાથે વિચારના.
નીચેની ગમ અંધારું, અગાધ જ્યોતિ ઊર્ધ્વમાં,
જ્યોતિમાં છે થઈ યુક્ત, વિયોજાઈ મન દ્વારા વિયોજતા,
મોં સામે મોં કરી ઊભી, વિપરીત, અવિયોજય પ્રકારથી,
બે વિરોધી વસ્તુઓ જે, પ્રભુ કેરા મહાન વિશ્વકાર્યને
અરથે છે જરૂરની,
બે ધ્રૂવો જેમના સ્રોત્રો જગાડે છે વિશાળી વિશ્વશકિતને.
એના આત્માતણી આભા કરી દેતી રહસ્યમયતામહીં
સમ પાંખો વડે છાઈ દઈ બ્રહ્યાંડ ઊર્ધ્વથી,
છે એમ ઉભય એકે ને આદિ-અંતવિહીન છે :
અતિક્રાંત કરી બન્ને केवले એ પ્રવેશતો.
સત્-તા એની છે રહસ્યમયતા મન પારની,
મર્ત્ય અજ્ઞાનને એનાં ચરિતોથી વ્યામોહ થઈ જાય છે;
અંતવંત નિજ ક્ષુદ્ર વાડાઓમાં પુરાયલું
થતું ચકિત, વિશ્વાસ કરતું ના પ્રભુની ઘૃષ્ટતામહીં,
જે હામ ભીડતો થાવા અકલ્પ્ય સર્વરૂપ, ને
જોવા ને કરવા કાર્ય એક અંતવિહીનવત્ .
માનવી બુદ્ધિની સામે આ એનો અપરાધ છે;
જ્ઞાત હોવા છતાં હોવાનો અજ્ઞેય સદાયનો,
સર્વ હોવા છતાં પાર રહેવાનો ગૂઢાત્મક સમસ્તથી,
નિરપેક્ષ સ્વયં તોય રહેવાનો સાપેક્ષ કાલને જગે,
સનાતન અને સર્વજ્ઞાનવાન, જન્મ વીંઢારવાતણો,
સર્વસમર્થ, ને ક્રીડા યદૃચ્છા ને દૈવ શું કરવાતણો,
બ્રહ્ય હોવા છતાં દ્રવ્ય ને શૂન્ય બનવાતણો,
સીમાતીત સ્વયં રૂપાકૃતિ ને નામથી પરો
છતાં શરીરમાં વાસ કરવાનો, એક પરમ તે છતાં
પશુ, મનુષ્ય ને દિવ્યસ્વરૂપ બનવાતણો :
નિઃસ્પં દ સિંધુ ઘેરો એ લહેરાતાં મોજાંમાં હસતો જતો :
સર્વવ્યાપક, એ સર્વ છે, --પરાત્પર, કો નહીં.
વિશ્વવ્યાપી ગુનો એનો છે આ ધર્મબુદ્ધિ આગળ માનવી,
કે પુણ્ય-પાપની પાર રહે સર્વસમર્થ એ,
દુષ્ટતાને જગે છોડી દઈ સાધુસમાજને
એમના ભાગ્યને વશે,
અને દુરિતને રાખી આ વિશાળા જગે રાજ્ય ચલાવતું.
અંશ માત્ર જુએ છે જે આંખો ચૂકી સમસ્તને
તેમને સર્વ લાગે છે
વિરોધાત્મક, સંઘર્ષ, દૈવયોગ,
અત્યલ્પ અર્થથી મુક્ત લક્ષ્યહીન પરિશ્રમ;
જનો જુએ સપાટી જ, ઊંડાણો ના સ્વીકારે શોધ એમની :
રહસ્યમયતા એક સંકરાળી દૃષ્ટિને પડકારતી,
આપે આહવાન યા ક્ષુદ્ર ચમત્કાર નીરુત્સાહી બનાવતો.
અચિત્ યથાર્થ જે તેની કઠોરા કલ્પનામહીં,
વિશ્વ-અજ્ઞાનના આકસ્મિક વિભ્રમની મહીં
છતાં આવે ઝાંખવામાં યોજના ને બુદ્ધિ એક છુપાયલી.
રહ્યો છે હેતુ પ્રત્યેક ઠોકરે ને પ્રત્યેક પાતની મહીં;
અંગવિન્યાસ છે એક પ્રકૃતિનું સૌથી વધુ પ્રમાદિયું
લેટવાનું લહેરથી,
આગેકદમ એ એક કરે સજજ કે ઊંડું પરિણામ કો.
વિદગ્ધ સૂર દાબીને ઘવાયેલા સાભિપ્રાય સ્વરાંકને,
આ કોટિક વિસંવાદો ટપકાંઓ બનેલ છે
ક્રમોત્ક્રાંતિતણા મોટા વાદ્યવૃન્દીય નૃત્યની
સંવાદી વસ્તુની મહીં.
એક પરમ સત્યે છે બેળે આણ્યું વિશ્વ અસ્તિત્વની મહીં;
એ જેમ કફને તેમ લપેટાયું છે પોતે જડદ્રવ્યથી,
મૃત્યુ કફન છે એહ, અવિધા પણ એહ છે.
સૂર્યોને નીરવાકાશે જળવાને એણે વિવશ છે કર્યા,
ચિંતનામાં નિરાકાર વિશાળા ને વ્યાપેલા વ્યોમતત્વની
જવાલા-સંકેત છે તેઓ એના બોધે અગૃહીત વિચારના :
છે એણે જ્ઞાનને કીધું મથનારી જ્યોતિ ગુંઠન ધારતી,
અજ્ઞાન, ધન ને મૂક દ્રવ્ય-સ્વરૂપ છે આત્માને સમર્પિયું,
સંમુદાને સમર્પ્યું છે રૂપ સુંદરતાતણું
એણે અચેત વિશ્વની.
અંતવંતી વસ્તુઓમાં છે નિવાસ સચૈતન્ય અનંતનો :
છે અંતર્લીન એ પોઢ્યો નિઃસહાય જડતત્વતણે લયે,
નિદ્રાધીન અસંવેદી પોતાના શૂન્યમધ્યથી
વિશ્વને એ પ્રશાસતો;
સ્વપ્ન સેવંત એ બ્હાર પ્રક્ષેપે મનને અને
હાર્દ ને ચૈત્યજીવને
રહી અપંગ ને બદ્ધ કરવાને કામ કઠોર ભૂ પરે;
વિકીર્ણ બિંદુઓ દ્વારા કરે કાર્ય ભગ્ન અખિલરૂપ એ;
ટુકડા લસતા એના છે હીરાઓ પ્રજ્ઞાવંત વિવેકના,
પરાવર્તન છાયાળું એનું અજ્ઞાન આપણું.
મૂક રાશિમહિંથી એ આરંભાતું ધારોત્ક્ષેપ અસંખ્યમાં,
મસ્તિષ્ક ને શિરામાંથી રચે એ એક સત્ત્વને,
એનાં સુખો તથા દુઃખોમાંથી ચેતન જીવને.
અસ્પષ્ટ લાગણીઓનું ઝુંડ એક, ટપકું વેદનાતણું
થોડા સમયને માટે બચે પૂઠે
આઘાતોને જિંદગીના પ્રતિ-ઉત્તર આપતું,
કચરાઈ જઈ કેડે, યા તો એનું બળ ક્ષીણ થઈ જતાં
તજી દે મૃત રૂપ એ,
તજી દે એ બૃહદ્ વિશ્વ જેમાં પોતે વસ્યું હતું,
હતું અતિથિ કો એક તુચ્છ અવગણાયલો.
પરંતુ વૃદ્ધિ પામે છે ચૈત્ય એના ઘરમાંહ્ય છુપાયલો;
દેહને એ સમર્પે છે બલ એનું અને વૈભવ એહનો;
લક્ષ્ય અનુસરે છે એ જ્ઞાનહીન લક્ષ્યરહિત લોકમાં,
પૃથ્વી કેરી અર્થહીન જિંદગીને બનાવે અર્થયુક્ત એ.
વિચાર કરતો આવ્યો છે મનુષ્ય અર્ધ-દેવ અને પશુ.
આળોટે છે કીચડે એ છતાં ઊડે સ્વર્ગ પ્રત્યે વિચારોથી;
રમતો, ચિંતતો, હાસ્ય કરતો, રડતો અને
સપનાંઓ નિષેવતો,
તુચ્છ સ્વ-લાલસાઓને સંતોષે પશુ જેમ એ;
વિદ્યાર્થીની આંખથી એ જિંદગીની પોથીને પઢતો રહે.
બુદ્ધિ ને ઇન્દ્રિયજ્ઞાન કેરી ગૂંચમાંહ્યથી,
સાંકડા ક્ષેત્રમાંહેથી અંતવંત વિચારના
આધ્યાત્મિક મને અંતે એ પ્રબુદ્ધ બની જતો;
આરંભાતી ઉચ્ચ મુકિત, આરંભાતો અવકાશ પ્રભા ભર્યો:
કરે શાશ્વતતા કેરી ઝાંખી એ ને કરે સ્પર્શ અનંતનો,
મહાન અણચિંતેલી ઘડીઓમાં
ભેટો એને દેવતાઓતણો થતો,
ને એને લાગતું વિશ્વ સ્વ-સ્વરૂપ પોતાનું જ બૃહત્તર,
દિશા ને કાળને દેતો બનાવી એ સુયોગ નિજને મળ્યો
આત્માની તુંગતાઓ ને ઊંડાણોને જોડાવાનો પ્રકાશમાં,
છૂપી વાતો કરે છે એ પ્રભુ સાથે હૈયા કેરી ગુહામહીં.
સ્પર્શો છે કિંતુ આ, ઉચ્ચ ક્ષણો છે આ જિવાયલી;
ઉજાળ્યો છે આત્મ એનો ખડંકોએ એક સર્વોચ્ચ સત્યના,
છતાં છે પ્રતિબિંબો એ સૂર્યનાં સલિલોમહીં.
અલ્પોએ હામ ભીડી છે અંત કેરા પરમારોહાણે જવા
ને તોડીને જવા સીમા ઊર્ધ્વ કેરી અંધ કરંત જ્યોતિની,
ને લહેવા આસપાસ શ્વાસ એક બલવત્તર વાયુનો,
સંદેશ ઝીલવા એક વિશાળતર આત્મના
ને ન્હાવા રશ્મિમાં એના અતિકાય અંત:સ્ફ્રુરિત જ્ઞાનના.
કૂટસ્થ મનને માથે ઊંચાઈઓ છે પ્રભોજજવલતા ભરી,
અનંતતાતણી આભા પ્રત્યે ઉઘાડ એમનો,
સત્યના ધામ કેરા એ પ્રાંતરો છે અને આશ્રિત રાજ્ય છે,
ઊદ્દૃધૃત જાગીરો મન કેરી અમેય એ.
માનવી ત્યાં મુલાકાતે જવાને શકિતમાન છે
ત્યાં પરંતુ ન નિવાસ કરી શકે.
આનંત્યોમાં થતો વ્યાપ્ત વૈશ્વિક એક વિચાર છે;
તનુમાં તનુ એના જે અંશો તે હ્યાં બનતા તત્વદર્શનો,
આપે જે પડકારાઓ સવિસ્તાર નિજ નિઃસીમતાથકી
પ્રત્યેક એક સર્વજ્ઞ યોજનાને મૂર્ત્તિમંત બનાવતો.
કિંતુ આરોહતી જ્યોતિ હજુ એની વધુ ઊંચે ચઢી શકે;
દૃષ્ટિની બૃહતીઓ, છે, ને સૂર્યો છે સનાતન,
છે મહાસાગરો મૃત્યુમુક્ત એક પ્ર્ર્કાશમયતાતણા,
અર્ચિના અદ્રિઓ છે જે આક્રાંત સ્વર્ગને કરે
પોતાનાં શિખરો વડે,
ત્યાં રહેતું સર્વ એક ભભૂકો દૃષ્ટિનો બને;
મનને જાય છે દોરી શિખા જવલંત ને દૃષ્ટિની,
ધૂમકેતુતણા દીર્ધ પુચ્છ જેમ
એની પૂઠે વિચાર ઘસડાય છે;
હૈયું દિપ્ત ધરે લાલી ધુતિ ને દિૃષ્ટ ધારતું,
પ્રજવળી ઇન્દ્રિયજ્ઞાન અવબોધે તદાત્મતા.
ઉડાણ ઉચ્ચમાં ઉચ્ચ આરોહે છે નિમ્નમાં નિમ્ન દર્શને :
સ્વીય સહજ આકાશ કેરા ઉરુ ઉઘાડમાં
અંતર્બોધતણી વીજો ધૂમાધૂમ કરે રુચિર વૃન્દમાં
ને છુપાં સત્યનો પીછો લઈ કાઢે તેમને બ્હાર સર્વને
તેમનાં ગહવરીથકી,
નિરપેક્ષા દૃષ્ટિ કેરી આગ્નેયી ધાર એહની
વિદારીને પ્રવેશે છે
તાળે વાસ્યાં અવિજ્ઞાત એકાંતસ્થાન આત્મનાં ,
આકાશીય ગુપ્ત સ્થાનો ઢૂંઢી મસ્તિષ્કનાં વળે,
પ્રકાશિત બનાવી દે હૈયાના ગૂઢ ઓરડા;
આવિષ્કારતા એના પ્રાસના અગ્રભાગથી
નામાવરણ ને રૂપપડદાની પર દીધેલ ભારથી
જે કૈં છે તે સર્વ કેરો ગુપ્ત આત્મા ઉઘાડો થઈ જાય છે.
છે ત્યાં વિચારને આંખો આવિષ્કારતણી સૂર્યસમોજજવલા;
બલિષ્ઠ, પ્રેરણાદાયી સ્વરનું રૂપ ધારતો
શબ્દ પ્રવેશતો સત્ય કેરા એકાંત ઓરડે
આવેલ છેક અંતરે,
વિદારી કરતો દૂર પડદો જે પ્રભુ ને જિંદગી પરે.
અપાર સાંતનો, કેડે, અંત્ય વિસ્તાર વિસ્તરે,
અંતરીક્ષીય સામ્રાજ્ય અધિમાનસ ધામનું,
સીમા શાશ્વતતા કેરી એવું મધ્યે આવેલું રાજ્ય કાળનું,
એવું અતિ વિશાળું કે
ન એ અનુભવે ગમ્ય બને માનવ જીવને :
અહીં એકત્ર સૌ થાય એક સ્વર્ણવર્ણ આકાશની તળે :
અનંત શક્યતાઓના એના આવાસની મહીં
વિશ્વને રચવાવાળી શકિતઓ સ્થિત થાય છે;
પ્રત્યેક દેવતા ત્યાંથી બનાવે છે સ્વ-સ્વભાવતણું જગત્ :
સરવાળાતણા સંઘ સમા શ્રેણીબદ્ધ ભાવો તહીં થતા;
એક દૃષ્ટે ગ્રહાયેલા વિચારોનાં વૃન્દ ત્યાં થાય છે જમા;
એક શરીર છે સર્વ કાળ, એક ગ્રંથ ત્યાં અવકાશ છે :
છે તહીં દેવતા કેરી દૃષ્ટિ વૈશ્વ પ્રકારની,
અને છે પરિસીમાઓ અમર્ત્ય મનની તહીં :
અળગા પાડનારી ને જોડનારી રેખા ગોલાર્ધકોતણી
પરિબદ્ધ બનાવે ત્યાં શ્રમને દેવલોકના,
સંરક્ષંતી શાશ્વતીને કાળના શ્રમકાર્યથી.
મહિમાવંત પોતાના રાજ્યમાં નિત્યજ્યોતિના
સર્વસત્તાક, કોઈના પ્રશાસન તળે નહીં,
સર્વસમર્થ, સર્વજ્ઞ ને એકાકી સત્ય પરમ રાજતું
સોનાના દેશમાં રાખી રહેલું છે અમેય નિજ ધામને;
ગલિયારામહીં એના સુણે છે એ પદધ્વનિ
આવી રહેલ અવ્યક્તમાંહ્યથી, ને માનવોને જહીં સુધી
અજ્ઞાત થાય વિજ્ઞાત ને દૃગ્ગોચર થાય ના
ત્યાં સુધી જે નથી પાછો ફરવાનો કદાચન.
ફેલાવા ને ભભૂકાથી ઉપરે વૈશ્વ દૃષ્ટિના,
ઊર્ધ્વે નીરવતાથીયે શબ્દહીન વિચારની,
નિરાકાર રૂપો અમર સર્જતી,
અનામી તોય પામેલી પ્રતિષ્ઠા દિવ્ય નામની,
અતીત કાલ-હોરાથી ને અતીતા અકાલથી,
મહાશકિતમતી માતા વિરાજે છે પ્રભાએ પૂર્ણ શાંતિમાં,
ધારતી નિજ ઉત્સંગે સર્વકાલીન બાલને,
જોતી તે દિનની વાટ જયારે દૈવ સાથ એ કરશે કથા.
આપણા ભાવિની આશા કેરી છે પ્રતિમૂર્ત્તિ ત્યાં;
સૂર્ય છે ત્યાં કરે જેની પ્રતીક્ષા અંધકાર સૌ,
નાશ પામે નહીં એવી સ્વરસંવાદિતા તહીં;
વિશ્વના વિપરીતો સૌ ત્યાં આરોહી એકરૂપ બની જતાં:
છે એ સત્ય તહીં જેના ટુકડાઓ છે સત્યો જગતીતણાં,
છે એ પ્રકાશ જેની છે છાયા અજ્ઞાન વિશ્વનું
જ્યાં સુધી સત્ય પોતે જે નાખી છે છાય તેહને
પાછી ખેંચી નથી લેતું તહીં સુધી,
છે ત્યાં પ્રેમ ઉરો જેને કરતાં સાદ આપણાં
નીચે આવી કલહો સૌ શમાવવા,
છે તહીં પરમાનંદ જેને માટે
દુનિયાભરનાં દુઃખો ઝંખનાએ ભરેલ છે:
કો વાર ભૂ પરે દેખા દેતો આવે મહિમા દિવ્ય ત્યાં થકી,
માનવી જીવની લેવા ભેટ ત્યાંથી આવે છે દેવરૂપ કો,
આવે સુન્દરતા, આવે સ્વપ્ન રાજે છે જે પ્રકૃતિને મુખે.
ત્યાં શાશ્વતીથકી જન્મી પૂર્ણતા, તે
કાળ-જન્મી પૂર્ણતાને બોલાવે છે આવવાને સમીપમાં,
પ્રભુનું સત્ય આશ્ચર્યે નાખી દે છે તહીં જીવન માનવી,
પ્રતિમા પ્રભુની સાંત સ્વરૂપોને પકડી પાડતી તહીં.
નિત્યસ્થાયી જ્યોતિ કેરું એક જગત છે તહીં,
પ્રદેશોમાં અમર્ત્ય અતિમાનસી ,
અહીંયાં ગૂઢતામાં જે સ્વ-મસ્તક છુપાવતું,
જડદ્રવ્યતણા રૂપ કેરા બંધારણે કડા
અશક્ય લાગતો જેનો કોયડો તર્કબુદ્ધિને
તે સમસ્યા ટળી જતી,
તે સત્ય ત્યાં છદ્મ મુખનું અળગું કરી
બનીને વસ્તુઓ કેરો ત્યાં સ્વભાવ ને સાધરણ ધર્મ ત્યાં.
અધ્યાત્મ તત્ત્વમાંથી ત્યાં બનાવાયેલ દેહમાં--
વેદિપાષાણને સ્થાને દેહ છે જે નિત્યકાલીન અગ્નિના,
તે દેહે ચેષ્ટનો ચૈત્ય
આત્મા કેરાં ચેષ્ટનોને અનુરૂપ બની જતાં,
વિચાર માંડતો પાય ભૂલચૂક કર્યા વણ અબાધિત,
અને જીવન છે ચાલું રહેલી અર્ચનાવિધિ,
પ્રહર્ષણતણો યજ્ઞ સમર્પાતો કૈવલૈકસ્વરૂપને.
વૈશ્વ દર્શન, અધ્યાત્મ ભાવ સંવેદનાતણો
અખિલાનંતને લ્હેતો વસેલો સાંત રૂપમાં
ને પ્રકાશતણા સ્પંદમાન આનંદમાં થઈ
અશરીરીતણા શુભ્ર મુખને અવલોકતો,
ક્ષણના સત્યમાંહે ને ક્ષણના આત્મની મહીં
આચમે શાશ્વતી કેરા મધુ-મધતણો રસ.
બ્રહ્યાત્મા એક જે એકે નથી ને જે અસંખ્ય છે,
એક ગૂઢો અંતહીન પુરુષ સ્વ-જગત્ તણો
કરે ગુણિત પોતાની વ્યકિતતા કોટિસંમિતા,
ને પોતાની દિવ્ય છાપ મારે સ્વીય સઘળાંય કલેવરે,
ને પ્રત્યેકમહીં બેસે અમરત્વ ને અનન્યત્વને ધરી.
પ્રત્યેક નિત્યના કર્મ પૂઠે અચલ છે સ્થિત,
ગતિ ને દૃષ્ટિ કેરી એ છે બન્યું પૃષ્ઠભૂમિકા,
નિજ શકિત અને શાંત સ્થિરતા પે ટકાવી સર્વ રાખતું,
પરિવર્તનને રાખે ટકાવી એ
અવિકારીતણી મૃત્યુરહિતા સંતુલા પરે.
યાત્રા કરંત હોરાઓમાંથી બ્હાર અકાલ ડોકિયું કરે;
અનિર્વાચ્ય પહેરો છે જામો વાણીતણો, જહીં
જાદૂઈ સૂત્ર શા સર્વ શબ્દો એના વાણે-તાણે વણાયલા
સરતા સહ સૌન્દર્ય, ને પ્રેરંતા પોતના ચમત્કારથી,
અને વિચાર પ્રત્યેક નિજ નિર્મિત સ્થાન લે
અંકાયેલો વિશ્વની સ્મૃતિની મહીં.
સત્ય પરમ છે જેહ અપૌરુષેય ને બૃહત્
તે ખામી વણ યોજે છે ઘડી ને ઘટનાવલિ,
ઉપાદન દ્રવ્ય એનું સદા એનું એ જ શુદ્ધ સુવર્ણ છે,
કિંતુ છે એ ઘડાયેલું ઉપયોગાર્થ આત્મના,
સોમ-કલશ ને પુષ્પધાની એનું સુવર્ણ જાય છે બની.
દૈવી આવિર્ભાવ રૂપ છે બધું પરમોચ્ચ ત્યાં:
સર્વાશ્ચર્યમય દ્વારા બની જાય
પ્રત્યેક ઘટના એક ચમત્કૃતિ,
સર્વસુન્દરતારૂપ ચમત્કાર બને પ્રત્યે રૂપમાં;
આનંદમય આક્રાંત કરે સ્પંદો હૈયા કેરા પ્રહર્ષથી,
પ્રમોદ શુદ્ધ સ્વર્ગીય છે ઇન્દ્રિય-પ્રયોજન.
પ્રત્યેક જીવસત્તા ત્યાં આત્મનું એક અંગ છે,
કોટીવિચારવંતો જે સર્વ તેનો જ અંશ એ,
દાવો એનો અકાલી એકતા પરે,
માધુર્ય બહુરૂપીનું, અને આનંદ ભેદનો,
બની જતો ગાઢ સંબંધે એકરૂપના.
પરંતુ સત્યનું ભવ્ય મુખ કોણ બતાવી તુજને શકે ?
અમારા માનુષી શબ્દો માત્ર એને છાયાએ છાવરી શકે.
વિચાર કાજ છે સત્ય અચિંત્ય હર્ષ જ્યોતિનો,
ને અવર્ણ્ય ચમત્કાર વાણીને કાજ એહ છે.
કરી જો શકે સ્પર્શ, મૃત્યો ! પરમ સત્યને
તો શાણો તું બની જાય ઓચિંતાંનો ને પોતે જાય તું મટી.
પ્રભુના સત્યને જોઈ, ચાહી, આશ્લેષમાં લઈ
શકે જો આપણા આત્મા તો એની અમિત પ્રભા
હૈયાંને આપણાં બંદી બનાવી દે,
પ્રભુની પ્રતિમારૂપે જાત પામે પુનર્નિમાણ આપણી,
ને જીવન ધરા કેરું બની જાય જીવન પ્રભુતાતણું."
પછી છેલ્લી વાર બોલ્યો સાવિત્રીને ઉત્તર આપતો યમ:
" અહીંની નિજ છાયાને અતિક્રાંત કરે પરમ સત્ય જો
પ્રથક્ બનેલ જ્ઞાને ને ચઢતાં બૃહતો વડે,
તદા એની અને એણે બનાવેલા સ્વપ્ન-ભુવનની વચે
છે જે અખાતનો ખાડો, તેને પાર કયો પુલ કરી શકે ?
કે એને માણસો માટે નીચે ઉતારવાતણી
આશા કોણ કરી શકે,
ને ઘવાયેલ પાયોએ કઠોર ધરતી પરે
ચાલવાને મનાવી એહને શકે
અગમ્ય મહિમાધામ અને આનંદને તજી,
વેડફી મારવા એની દીપ્તિ ઝાંખી હવામાં પૃથિવીતણી ?
મર્ત્ય અંગોમહીં સૌન્દર્ય મૂર્ત્ત હે !
ઓ જીવ ! પાશથી મારા જવા છૂટી પાંખોને ફફડાવતા,
તારામાં શકિત છે શું એ ?
તો છે કોણ સંતાતી માનુષી છળવેશમાં ?
તારા અવાજમાં સૂર વહિ આવે અનંતનો,
તે તારા સાથમાં જ્ઞાન, સત્ય બોલી રહ્યું છે તુજ શબ્દમાં;
પારની વસ્તુઓ કેરી પ્રભા તારી આંખોમાં છે પ્રકાશતી.
કિંતુ ક્યાં બળ છે તારું કાળને ને મુત્યુને જીતવાતણું ?
પ્રભુની શકિત તારામાં છે હ્યાં મૂલ્યો સ્વર્ગના રચવાતણી ?
કેમ કે સત્ય ને જ્ઞાન વૃથા ચમક એક છે,
જો જ્ઞાન શકિત ના લાવે વિશ્વને પલટાવવા,
જો મહાબલ ના આવે સત્યને સ્વ-અધિકાર સમર્પવા.
આંધળી શકિતએ એક, નથી સત્યે, આ અજ્ઞાન રચ્યું જગત્ ,
સત્ય ના, આંધળી શકિત મનુષ્યોનાં જીવનોની વિધાયિકા:
મોટા દેવો શકિતથી, ના સત્યથી શાસતા જગત્ :
શકિત છે પ્રભુનું શસ્ત્ર, છે મુદ્રાછાપ દૈવની.
અમૃતત્વતણો દાવો કરતી માનુષી અહો !
કર પ્રકટ તું તારી શકિત, ઓજ નિજાત્માંનું બતાવ તું,
સત્યવાન તને તારો પાછો આપીશ તે પછી.
યા મહાબલ માતાનો સહારો હોય જો તને
તો મને મુખ તેનું તું બતલાવ, કે એની અર્ચના કરું;
આંખો અમર આલોકો આંખોમાં મૃત્યુદેવની,
અવિનાશી શકિત એક સ્પર્શી જડ વસ્તુઓ
રૂપાંતર પમાડી દો પૃથ્વીના મૃત્યુને અમર જીવને.
તે પછીથી ફરી તારી પાસે પાછો મરેલો તુજ જીવશે,
કદાચ કરશે ઊંચી દૃષ્ટિ પૃથ્વી પડીને પ્રણિપાતમાં
ને પોતાની પાસ લ્હેશે પ્રભુના ગુપ્ત પિંડને,
પકડી પાડશે પ્રેમ ને પ્રહર્ષ પલાયમાન કાલને."
સાવિત્રી યમને જોતી રહી ને ના કંઈ ઉત્તરમાં વદી.
પ્રાયઃ લાગી રહ્યું 'તું કે યમ કેરા પ્રતીકમાં
વિશ્વના તિમિરે પાડી હતી 'હા' સ્વર્ગ-જ્યોતિને,
ને અચિત્-પડદા કેરી પ્રભુને ના કૈં જરૂર હતી હવે.
સાવિત્રીમાં સુપ્રચંડ સ્વરૂપાંતર આવિયું.
આભામંડલ દેવીનું એની અંતર્નિવાસિની,
પ્રકાશ અમરાત્માનો વ્યાપ્ત એને વદને જે થયો હતો
ને એના દેહને ગેહે હતો તાણ્યો તંબૂ જેણે નિજૌજનો,
ઊભરાઈ જઈ તેણે હવા દીધી બનાવી સિંધુ તેજનો.
ગૂઢાવિર્ભાવ કેરી કો એક પ્રજ્વલતી ક્ષણે
અવતારે ધકેલીને કર્યું આધું પોતાનું અવગુંઠન.
મૂર્ત્તિ એક, બાલા અનંતની મહીં
હજી ઊભી જણાતી 'તી ધામ પોતે સનાતનસ્વરૂપનું,
જાણે કે વિશ્વનું કેન્દ્ર હતો ચૈત્યાત્મ એહનો
ને બધું બૃહદાકાશ હતું માત્ર એનો કંચુક બ્હારનો.
દૂરના સ્વર્ગના શાંત ગરિષ્ઠ મહિમાતણું
ચાપ જાણે ઊતરીને આવ્યું હોય પૃથ્વીની નમ્રતામહીં
તેમ લલાટ-વિસ્તાર સાવિત્રીનો અર્ધગોળ વિરાજતો
હતો સર્વજ્ઞની દૃષ્ટિતણી પરે,
તારિકા બે હતી એની આંખો વિશ્વ વિલોકતી.
હતી ચલાવતી રાજય શકિત એના સત્ત્વને શિખરે રહી
અને સાન્નિધ્ય આવાસ કરતું જે પદ્મની ગુહ્યતામહીં,
તે આવ્યું ઊતરી, એના આજ્ઞાચક્રે અધિષ્ઠિત થઈ ગયું,
જ્યાં ઈશ મનનો બેઠો છે પોતાના નિયંતૃ-કક્ષની મહીં;
તહીં એકાગ્રતા કેરા સ્થાને સ્વાભાવિક આરૂઢ એ થઈ
ત્રીજી આંખ ઉઘાડે છે ગૂઢવર્તી મનુષ્યમાં,
જયારે અદૃષ્ટ કેરી જે અદૃષ્ટ અવલોકતી,
જયારે પ્રકાશ સોનેરી સંમુદાથી એના મસ્તિષ્કને ભરે
અને શાશ્વત-પ્રજ્ઞાન પ્રેરે એની પસંદગી
અને શાશ્વત સંકલ્પ મર્ત્ય સંકલ્પને લે નિજ ગ્રાહમાં.
ઉઠ્યું સળવળી એહ ગાતા એના કંઠના પદ્મની મહીં,
થયો સ્પંદિત વાણીમાં એની અમર શબ્દ ત્યાં,
વિશ્વના ચૈત્ય-આત્માનાં પગલાંએ ધ્વન્યું જીવન એહનું
વૈશ્વ વિચારની સાથે ચાલતું તાલમેળમાં.
નિગૂઢ ગહવરે જેમ પ્રવેશે છે પ્રભુનો સૂર્ય સર્પતો
પીછો લેતા દેવતાઓથકી એની જ્યોતિ છે જ્યાં છુપાયલી,
તેમ એ સરકી પેઠું એના હૃદય-પદ્મમાં
અને પ્રારબ્ધને દેતું પલટી જે બળ તે ત્યાં જગાડિયું.
આવ્યું રેલાઈ એ નાભિ-ચક્રની ગહરાઈમાં,
સાંકડા ઘરમાં વાસો કર્યો ક્ષુદ્ર પ્રાણ કેરા સ્વભાવના,
દેહની લાલસાઓની પર ફૂટ્યું ફૂલ દિવ્ય પ્રહર્ષનું,
શુચિ સ્વર્ગીય જવાલાનું રૂપ એણે કામનાને સમર્પિયું,
ગુહામાં બળથી ઘૂસ્યું
છે જ્યાં સૂતી વિશ્વ-શકિત કુંડલાકારની મહીં
ને સહસ્રફણાવાળી સર્પાકાર શકિતની પર ઘા કર્યો
જે ભભૂકંત આરોહી વિશ્વાત્માને ઊર્ધ્વે આશ્લેષતી જઈ,
આત્માના મૌનની સાથે જોડી દેતી મૂકતા જડદ્રવ્યની,
ને પૃથ્વીનાં ભર્યાં એણે કાર્યો આત્માતણા નીરવ ઓજથી.
સાવિત્રી પલટાઈને
આમ વાટ બોલવાના શબ્દની અવલોકતી.
આંખોમાં મૃત્યુની જોઈ રહી શાશ્વતતા હતી.
થઈ પ્રત્યક્ષ જીવંત સત્યતા શ્રી પ્રભુની અંધકારને.
સુણાયો સ્વર તે પછી,
નિઃસ્પંદતાતણા આત્મા જેવો એ લાગતો હતો,
વા મંદ શાંત ઉચ્ચાર લાગતો એ હતો અનંતતાતણો
જયારે નિદ્રાતણે હૈયે મૌન શું એ કરતી વાત હોય છે.
" અભિવાદન હે મૃત્યો ! સર્વશકિતમાન ને વિજયી તને,
બૃહદાકાર તું ભવ્ય અંધકાર અનંતનો.
તું શૂન્ય જે કરી આપે જગા સૌને અસ્તિમાં આવવાતણી,
ક્ષુધા તું કરડી ખાઈ જનારી વિશ્વજાતને,
સમાપ્ત કરતી શીત શેષાંશો સૂરજોતણા,
દાઢોથી અગ્નિની સારા વિશ્વને ખાઈ જાય તું,
જેણે તારા બનાવ્યા છે તે શકિતને વેડફી મારનાર તું,
તું અચેતનતા બીજ વહે છે જે વિચારનાં,
અજ્ઞાન જે મહીં સર્વ-પોઢી રહ્યું છે દફનાયલું
ને પોલા વક્ષમાં એના ધીરે ધીરે આવે છે જે પ્રકાશમાં
શુભ્ર અજ્ઞાનનું ધારી મુખછદ્મ મનોમય.
તું મારો પડછાયો છે ને મારું હથિયાર છે.
મેં આપ્યું છે તને મારું ઘોર રૂપ ડરામણું,
ને ત્રાસ, શોક ને દુઃખ રૂપ તારું આપ્યું છે તીક્ષ્ણ ખડ્ગ મેં
જેથી માનવનો આત્મા અલ્પ અર્ધ-સચેત સ્વ-દિનો પરે
પ્રકાશ પાડવા માટે બળાત્કારે પ્રયાસ કરતો રહે.
તું ઉત્તેજન છે એનું કર્યો એનાં મહત્તાનાં બનાવવા,
ચાબખો ઝંખના માટે એની નિત્યસુખાર્થની,
તું આવશ્યકતા એની તીવ્ર છે અમૃતત્વની.
મૃત્યુ ! જીવ હજી થોડું, ઓજાર મુજ થા હજી.
દિન એક મનુષ્યેય
હૈયું તારું મૌન કેરું અગાધ અવબોધશે
ને સૌ છાવરી દેતો જાણશે શાંતિ રાત્રિની,
ગભીર જાણશે આજ્ઞાધીનતા એ
ઋતધર્મ નિત્યનો અનુવર્તતી,
અને તારી દૃષ્ટિ કેરી શાંત અણનમા દયા.
પરંતુ હવાણાં તું જે છે અકાલ બલિષ્ઠતા
તે રહે બાજુએ ખડો,
અને તું માર્ગ છોડી દે મારી સંમુર્ત્ત શકિતનો.
તારા કાળા છદ્મમાંથી કર છૂટો દેદીપ્યમાન દેવને;
કર છૂટો વિશ્વ કેરા આત્માને-સત્યવાનને
મુક્ત તારા ગ્રાહમાંથી દુઃખ ને અજ્ઞતાતણા,
કે જીવન અને ભાગ્ય કેરો ઈશ બનીને સ્થિત થાય એ
પ્રભુના ગૃહમાં પ્રતિનિધ્ય ધારી મનુષ્યનું,
બની પ્રજ્ઞાતણો સાથી, બની પતિ પ્રભાતણો,
સનાતન વધૂ કેરો બની વર સનાતન."
બોલી એ એન અપ્રતીત યમ બાધા હજીયે નાખતો હતો,
જાણતો એ હતો તોય જાણવાની ના હજી પાડતો હતો,
જોતો 'તો તોય જોવાની ના હજી પાડતો હતો.
ઊભો અટલ એ દાવો કરતો સ્વાધિકારનો.
આત્મા એનો નમ્યો; કિંતુ દેવોને પણ બાંધતો
છે જે ધર્મ એના સ્વીય સ્વભાવનો
તેને આજ્ઞાધીન એનો સંકલ્પ વર્તતો હતો.
વિરોધ એકબીજાનો કરતાં 'તાં બન્ને સંમુખતા ધરી.
અંધકારતણા ઘોર દુર્ગ જેવું
સત્ત્વ યમતણું ઊર્ધ્વ આરોહી આભને અડ્યું;
મહાસિંધુ વળે ઘેરી
તેમ જીવન સાવિત્રી કેરું એને ઘેરી ચોમેરથી વળ્યું.
ટકી છાયા જરાવાર સ્વર્ગને તુચ્છકારતી:
આક્રમંતી સંમુખેથી, ઊર્ધ્વમાંથી દબાવતી,
સચેત શકિતનો પીંડ ઘન,એવી
દિવ્ય એની કામનાની યમે જોહુકમી સહી.
અસહ્ય શકિતનો ભાર દાબતો 'તી એનું અણનમ્યું શિર
અને વૃક્ષ હઠે ભર્યું;
જવલંતી જીભની જેમ જ્યોતિ એના વિચારો અવલેહતી,
એના હૃદયમાં જ્યોતિ હતી એક જ્યોતિધર્મ મહાવ્યથા,
એની નસોમહીં જ્યોતિ દોડતી 'તી દિપ્ત કો યાતના સમી;
એનો અંધાર સાવિત્રી કેરી અર્ચિષની મહીં
જ્લ્પનાએ ભર્યો લુપ્ત થતો હતો.
સાવિત્રીનો વશીભૂત કરતો શબ્દ મૃત્યુના
પ્રત્યેક અંગને આજ્ઞાપતો હતો
ને એના ઘોર સંકલ્પ માટે સ્થાન એકેય રાખતો ન 'તો.
જે સંકલ્પ નિરાધાર કો જગાએ ધકેલાયેલ લાગતો
ને ફરીથી લેશમાત્ર પ્રવેશી શકતો ન 'તો
કિંતુ એને ખાલીખમ જ છોડતો.
એણે પોકાર રાત્રીને કર્યો કિંતુ ધ્રૂજતી એ હઠી ગઈ,
કર્યો નરકને સાદ, કિંતુ ખિન્ન વદને એ ફરી ગયું:
અવલંબન લેવાને અચિત્ ની પ્રતિ એ વળ્યો,
જે અચિત્ થી જન્મે, એનો થયો હતો
ને બૃહદ્-રૂપ એનું જે હતું આધાર આપતું:
એણે ખેંચી લીધો એને નિઃસીમા રિક્તતા પ્રતિ,
જાણે કે આપનાથી એ ગળી જાવા આપને હોય માગતો:
પોતાના બળને એણે હાક પાડી
કિંતુ એણે નકારી હાક એહની.
પ્રકાશે ભરખી લીધો પીંડ એનો,
આત્મા એનો અન્ન એનું બની ગયો.
અંતે એણે પિછાણ્યું કે હાર અપરિહાર્ય છે
ને પોતે રૂપ લીધું 'તું તેને એણે તજ્યું શીર્ણ થઈ જતું,
માનવી જીવને ભોગ પોતાનો કરવાતણી
અને અમર આત્માને બળાત્કારે મર્ત્ય બનાવવાતણી
આશા એણે પરિત્યજી.
ભાગ્યો એ દૂર ટાળીને સાવિત્રીના ભયોત્પાદક સ્પર્શને
અને પાછી હઠી જતી રાત્રિને શરણે ગયો.
સ્વપ્ન-સંધ્યામહીં એહ પ્રતીકાત્મક વિશ્વની
વિષમાં વિશ્વવ્યાપી એ છાયા લીન થઈ ગઈ,
જ્યાંથી આવી હતી પોતે તે શૂન્યમાં વિલોપિતા.
જાણે કે લઈ લેવાયું હોય એનું મૂલ કારણ, તેમ તે
સાંધ્ય પ્રકાશનો દેશ તેમના આત્મામાંહ્યથી
ઝાંખવાઈ સરી ગયો,
ને સત્યવાન-સાવિત્રી એકલાં બે રહ્યાં તહીં.
કિતું એકે ન બેમાંથી હલ્યું : એ બે જણાંની વચગાળમાં
મૂગી અદૃશ્ય ને અર્ધપારદર્શી ભીંત એક ખડી હતી.
વિરામે દીર્ધ ને ખાલી પળના એ કશું હાલી શક્યું નહીં:
અવિજ્ઞાત ને અબોધગમ્ય સંકલ્પની સહુ
પ્રતીક્ષા કરતાં હતાં.
દસમું પર્વ સમાપ્ત
સદાનો દિવસ : ચૈત્યપુરુષની પસંદગી
અને પરમ સમાપ્તિ
આનંદનાં અમર ધામોરૂપ પૂર્ણતાનાં ભુવનો ઉપર એક આશ્ચર્યકારી સૂર્ય પ્રકાશતો હતો. પ્રભુનો સદાસ્થાયી દિવસ સાવિત્રીની આસપાસ હસતો હતો. નિત્ય-જ્યોતિના પ્રદેશો પ્રકટ થયા, બ્રહ્યાનંદે પ્રકૃતિ ઉપર ચડાઈ કરી. શાશ્વતતાના પ્રહર્ષે સાવિત્રીનું શરીર આકંપિત બન્યું. એનો આત્મા અત્યારે અનંતના ઉત્સોની સમીપ ઊભો હતો. કાળ સાથે ખેલતા જીવોને માટે શાશ્વતીએ પોતાના અપાર આનંદને ઢોળ્યો હતો. અજ્ઞાત ઊંડાણોમાંથી નિત્ય નિત્ય નવી નવી ભવ્યતાઓ ઉદભવતી હતી. ઊર્ધ્વતાઓમાંથી છલંગભેર શકિતઓ આગળ આવતી, અમર પ્રેમનાં અંદોલનો ભાવાવેગી બની જતાં, અમ્લાન માધુર્યનાં દૃશ્યો દર્શન દેતાં. આંખો ત્યાં સૂર્યપ્રકાશથી આંધળી બની જતી નહોતી, ધુમ્મસ સદાને માટે ત્યાંથી દેશનિકાલ થયાં હતા, વિશ્વની શકિત કાળમાં આગેકદમ કરતી આગળ વધતી હતી, આત્માની અનંતતાઓ ચક્રવર્તિત ક્રમે સંવાદપૂર્વક ચાલતી હતી. આત્મ જ ત્યાં વસ્તુઓમાં રૂપધારી બનેલો હતો, શાશ્વતતા જ સામગ્રી ને શાશ્વતતા જ સર્વનું મૂળ હતું.
પછી તો સાત અમર અવનીઓ ઉદાત્ત સ્વરૂપે દેખાઈ. મૃત્યુ ને નિદ્રામાંથી મુક્ત થયેલા ધન્યાત્માનાં ત્યાં ધામ હતાં. વિનષ્ઠાત્મ લોકોમાંથી કોઈ ત્યાં આવી શકતું નહિ. આ પૃથ્વીઓમાંની નીમ્નમાં નિમ્ન પણ એક સ્વર્ગ હતી. ત્યાંના પ્રભાવથી પાર્થિવ દૃશ્યોની સુન્દરતા અને સુપ્રસન્નતા દિવ્યતામાં પરિણત થતી. જડદ્રવ્ય પણ અંતર્યામીથી રોમહર્ષ અનુભવતું. ત્યાં હતી સનાતન ગિરિમાળાઓ,--મંદિરે પહોંચાડનારી સીડી જેવી. સરિતાઓમાં ત્યાં સુખ વહેતું 'તું. એની અભિલષતી દિવ્ય ઉર્મિઓ પરસ્પર મિલન માણતી ને એમનો મધુર મર્મરધ્વનિ શાંતિરસનાં સરોવરોમાં સમાઈ જતો. એમના કલરવ ઝીલતા કિનારાઓ પર વિચારની સ્થિતિમાં
સ્થિર થયેલા જીવો કંડારેલી આરસ-મૂર્ત્તિઓની માફક બેઠા હતાં. સાવિત્રીની આસપાસ પ્રભુના દિનના બાળકોના મહાસુખના નિવાસ હતા. ત્યાંની નગરીઓ નગરીઓ નહોતી, એ હતી સચેતન શીલામાંથી કાપી કાઢેલા રત્નની રઢિયાળી રમ્યતાઓ. ત્યાંના આત્માઓને હતો પ્રકાશનો દેહ ને એમનાં વદનો પર અમરોનો આનંદ ઉલ્લસતો હતો. ઊર્ધ્વ દિશે દેવો છંદોલયમાં ગોલકો ઘુમાવતા હતા. પ્રત્યેક ગતિને ત્યાં પોતાનું સંગીત મળતું હતું. કદીય ન કરમાતી ડાળીઓ પર પંખીઓનાં પુલકિત કરતાં કલગાન ચાલતાં હતા. ને કલ્પનાના ઇન્દ્રધનુષ્યના રંગો એમની પાંખોએ પલપલતા હતા. અમર વસંતનાં અસંખ્યાત પુષ્પબાલકો પ્રફુલ્લતાં ને એમની સુવાસથી કાનનકુંજોની અનિલલહરી લદાઈ જતી. લીલમના એમના આકાશમાં એ પુષ્પો તારકમંડળની રંગલીલા રમણે ચઢાવતાં. દેવોનાં રહસ્યોએ અનુકંપતી અમર સૂરતાઓએ સાવિત્રીના સુણતા શ્રવણોને ભરી દીધા. એક આત્મસત્તા સુખભર્યા સમીરમાં જ્યાં ત્યાં સરી રહી હતી, પર્ણોમાં ને પથ્થરોમાં એ ધ્યાનલીનતા ધારતી હતી, જીવતા મૌનની ધારે ધારે ભાવના ભાનવાળાં વાદિત્રોના ધ્વનિઓ ભૂલા પડયા હતા, ને વસ્તુઓના નીરવ હૃદયમાંથી જાગીને ગહન ગાન અજ્ઞાતના સ્વરોને પ્રકટ કરતું હતું. એક અપરિમિત અલૌકિક સંગીત મહામુદાઓના ખજાના ભર્યે જતું હતું. દૂર-સુદૂરમાં લય પામી જતા એ સ્વરમેળોમાં સાવિત્રી એક દિવ્ય આત્માની સૂરીલી સફરનો અવાજ સુણતી અને જોખમ વગરનાં સાહસોમાં એને મોહિનીઓની મધ્યમાં થઈને જતો જોતી. એક આદિમ દૃષ્ટિ પ્રાપ્ત થતાં, પ્રભુ ગમે તે રૂપમાં આવે તો પણ તેને આલિંગનમાં લઈ લેવાને તત્પર અદભુત અને અકલંક પ્રકૃતિનાં એને દર્શન થયાં. પૃથ્વી ઉપર જીવન જેને ઝીલવાને સમર્થ નથી એવાં પ્રાણવાન પ્રહર્ષણો એના પવિત્ર હૃદયના તારોએ ઝીલ્યાં. અહીંનું દુઃખ ત્યાં ઉદ્દીપ્ત આનંદ હતું. અહીંનાં ઇન્દ્રિયગમ્ય સુખો ત્યાં અકલ્પ માધુર્યમાં પરિણામ પામ્યાં હતાં. પરમાનંદ તો ત્યાં એક સર્વસમાન્ય ઘટના હતી. અહીંની મનોહરતા જેનો એક પડી ગયેલો તાંતણો છે તે મનોહરતા ત્યાં પ્રભુના પોશાક પરના જરીકામમાં અનાયાસે ગૂંથાઈ ગયેલી હતી. ત્યાંની વસ્તુઓમાંથી મન એક ગહન પ્રકારનો પાર્થિવ પ્રમોદ મેળવતું. હૃદય ત્યાં અનંતતામાંથી પેટાવેલી મશાલ હતું; અંગો ત્યાં ચૈત્યાત્માની સઘનતાઓથી પ્રકંપતાં હતાં.
આ હતા અમરોના આનંદના માત્ર આરંભના પ્રદેશો, પાર વિનાના મોટા હોવા છતાંય નાનામાં નાના. સાવિત્રીની દૃષ્ટિ ઉચ્ચતર ઊંચકાતાં એણે ત્યાં ઉદાત્તતર ને અધિક સુખ-સભર જગતો જોયાં. આમ એક ઉપર બીજો ને બીજા ઉપર ત્રીજો, એમ અનેક પ્રદેશોએ દર્શન આપ્યાં. છેવટે એક શિખર આવ્યું જ્યાં અંત-વંત અને અંતહીન ઉભય એકરૂપ હતા. ત્યાંની અનસ્ત જ્યોતિમાં મહાન દેવો વિરાજેલા દેખાયા. સ્ફાટિક સમાન અગ્નિમાં થઈને એમની આંખો સાવિત્રી તરફ વળી.
જોયું તો ત્યાં સૂર્યકાંત મણિની ભૂમિઓ ઉપર અપ્સરાઓ પ્રમોદોની ગૂંથણી કરતું નૃત્ય કરી રહી હતી. માધુર્યમાં મગ્ન કરી દેતી મુદાઓમાંથી એમનું સૌન્દર્ય સજાયું હતું. મેઘાડંબર મધ્યે સુવર્ણ-શુભ્ર વીજ જેમ તેઓ વિલસતી હતી, ને નિર્દોષ હર્ષોલ્લાસની પવિત્રતા પાથરતી હતી. અનિલાલક ગંધર્વો ચમત્કારી ધ્વનિ ને લયમેળ ધારતા શબ્દોનું સર્જન કરતા વૈશ્વ વિચારની ગાથાઓ ગાતા હતા. દીપ્તિઓ દેખાઈ જેમાં પિતૃઓ હરફર કરતા હતા, ને આપણે જેને માટે પ્રયત્નશીલ છીએ તે સર્વના ભાવનો આનંદ માણતા હતા. તેમની પ્રભાનો ને તેમના પ્રભાવનો પાર નહોતો. ત્યાં હતા દ્રષ્ટા ઋષિઓ, પ્રેરિત કવિઓ જેઓ મહાન શબ્દોને પકડી લેતા ને મંત્રરૂપે પ્રયોજતા. અહીંયાં જે પ્રૌઢ શકિતશાળીઓ ઠોકરો ખાય છે ને પાપાચરણ આદરે છે તે ત્યાં ઉત્કૃષ્ટ કોટીના દેવતાઓ હતા.
સાવિત્રી ત્યાં આકર્ષાઈ, અજ્ઞાત આનંદથી આકર્ષાઈ. એનો માનવ સ્વભાવ મુર્છામગ્ન જેવો બની ગયો હતો. વાણીવિચારાતીત ઊર્ધ્વતાઓએ એ આરોહી. જોયું તો જણાયું કે પ્રકૃતિને શિખરભાગે પાર વગરની પહોંચવાળાં ભુવનો આવેલાં છે. પ્રકાશ પામેલા પ્રેમની અમર્ત્ય આંખો અવલોકાઈ, દિવ્યાતિદિવ્ય યોજનાઓ ત્યાં આયોજાઈ હતી. પ્રાણની અંદર જોઈ શકતા મનનો પ્રવાહ હતો. રૂપ ચૈત્યાત્માનું વસ્ત્રપરિધાન હતું. પ્રત્યેક ભાવ ત્યાં સનાતનનું શકિતસંપન્ન શિશુ હતો, પ્રત્યેક વિચાર એક મધુર ને ધુતિમંતો દેવ હતો. પ્રત્યેક ધ્વનિ હતો એક સાદ, સૂર્યપ્રકાશ હતો આત્માની એક દૃષ્ટિ, અને ચંદ્રપ્રભા હતી એનું એક સ્વપ્ન. નિઃશબ્દ શાંતિના મૂલ પાયા પર બધું જ હતું એક સમર્થ ને સુનિર્મલ હર્ષ.
એ ઊંચાઈઓ પર સાવિત્રીનો આત્મા વિહંગપાંખે ઊડ્યો, અંતરનો આનંદ-ભાર શાંતિમાં ઠાલવીને હળવો કરવા માટે ગાતો ગાતો ઊડ્યો ને અગમ્ય ગોલકોના અનુભવે આરોહ્યો. કાળ ત્યાં શાશ્વતતા સાથે એક બનીને રહેતો હતો, સીમારહિત સુખ એકરસ આરામમાં એકાકાર બની ગયું હતું. એ અદભુત ભુવનોમાં સાવિત્રી મહામહસ ને મહામુદાના સાગરમાં ડૂબી ગયા જેવી બની ગઈ. ત્યાં એને સર્વેની મોહિનીની ચાવીરૂપ તથા આનંદના ઉત્સરૂપ બનેલા એકનાં દર્શન થયાં. આપણાં જીવનોને પોતાની જાળમાં પકડી લેનાર તરીકે સાવિત્રીએ એને પિછાની લીધો. એણે મૃત્યુને સર્વે માર્ગોનો અંત બનાવ્યું છે. માનવ શ્રમની મજૂરીમાં એ દુઃખ આપે છે. યમ અને યામિની રૂપે એ જ સાવિત્રીની સમીપ ઊભો થયો હતો. પણ હવે એ એકદમ બદલાઈ ગયેલો દેખાયો. એક આશ્ચર્યકારી સ્વરૂપે એણે સાવિત્રીને દર્શન દીધાં. એ એવો તો મધુર લાગતો હતો કે જીવનનાં દારુણમાં અંધ દુઃખો એને ખાતર વાજબી જ જણાયાં.
વસ્તુમાત્રના હૃદયમાં એક પરમાનંદનું પ્રભાપાંખડિયાળું પદ્મ પ્રકટ થયું. એની આગળથી યાતનાએ વિદાય લીધી. દ્વેષને માટે બહાનું ન રહ્યું, પ્રેમની વિકૃતિઓ વિલોપાઈ ગઈ. નિઃસ્વાર્થતામાં ને આત્માર્પણમાં આનંદ માણનાર પ્રેમ
પ્રકાશી ઊઠયો. મહિમાવંતી દિવ્યતાઓ એક સ્વરૂપ ધારી એનામાં વર્તમાન હતી. એનાં અંગોમાં અમર દેવતાઓ દીપતા હતા. એનો આત્મા હતો સાગરો સમાણો. વિરાટ એનામાં આવિર્ભાવ પામ્યો હતો. દૃશ્ય જગતોનો એ શિલ્પી હતો, કલા ને કલાકાર એનામાં એક બની ગયાં હતાં. આત્મા, દ્રષ્ટા અને મનીષી એ પોતે જ હતો. એ હતો અપરાજિત આનંદ, મુકિત ને મહામુદા એના સૌન્દર્યમાં નિવાસ કરતાં હતાં. વસ્તુઓ હતી એની અક્ષરમાલા, સામર્થ્યો હતાં એના શબ્દો, ઘટનાઓ હતી એનું જીવનચરિત્ર, સાગર ને સાગરાંબરા એની કથાનાં હતાં પૃષ્ઠો; જડ દ્રવ્ય એનું સાધન હતું, એની અધ્યાત્મસંજ્ઞા હતું. રક્તના પ્રવાહમાં એ ચૈત્યાત્માને વહાવતો હતો. એની મૂગી ઈચ્છા અણુપરમાણુઓમાં કાર્ય કરી રહેલી છે, એનો સંકલ્પ સક્રિય બનીને સર્વનું સંચાલન કરે છે, વિચાર ને યોજના કર્યા વગર એની બુદ્ધિ બધે પ્રવર્તે છે, ને એને લીધે જ જગત પણ પરાભૂત થયા વિના પોતાને સર્જતું રહે છે.
એનું શરીર પ્રભુનું શરીર છે. એના હૃદયમાં રાજાધિરાજ વિરાટ વિરાજે છે. સૂર્યશેખરી એની બૃહત્તામાં સુવર્ણ શિશુ ઝૂલી રહ્યું છે. એ હિરણ્યગર્ભ વિચારોનો ને સ્વપ્નાંઓનો સર્જનહાર છે. એ છે નેતા, એ છે દ્રષ્ટા, સર્વશકિતમાન વિચારનો એ જાદૂગર છે. ગુપ્ત અગ્નિનું એ વાહન બનેલો છે, અનિર્વચનીયનો એ અવાજ છે, અદૃશ્ય રહી એ જ્યોતિની મૃગયાએ નીકળેલો છે. રહસ્યમયી મહામુદાઓનો એ પાંખાળો દેવતા છે, ચૈત્યનાં રાજ્યોનો એ વિજેતા છે.
એક ત્રીજો ચિદાત્મ પાછળ ઊભો હતો. એ હતો એ સર્વેનો ઉત્સ, પ્રકાશમાં પરિબદ્ધ પરા ચેતનાનો પીંડ. એ રહેતો હતો સુષુપ્ત, પરંતુ એ અવસ્થામાંથી એ સર્વ વસ્તુઓનું સર્જન સાધતો હતો. સર્વપ્રજ્ઞ સત્ય એના હૃદયમાં નિગૂઢ છે. વિચાર પારથી આવતું એ પ્રજ્ઞાન છે. એના નીરવ મૌનમાંથી અમર શબ્દો સમુદભવે છે. જડ-ચેતન, અણુ-બૃહદ્, મનુષ્ય, દેવ અને પશુપંખીમાં, રે ! શિલામાં પણ એ સૂતેલો છે. એ છે તેથી અચિત્ પોતાનું કાર્ય અચૂકપણે ચલાવે છે, જગતને મૃત્યુની યાદ આવતી નથી. પ્રભુના વર્તુલનું એ કેન્દ્ર છે, પ્રકૃતિની પરિક્રમાનો પરિધિ છે. જાગ્રત થતાં એ સનાતન પરમેશ્વર સ્વરૂપે પ્રકાશે છે.
ઉપર હતો અનંતનો ધ્યાનલીન આનંદ, સર્વજ્ઞ ને સર્વ શકિતમાન શાંતિ, નિરપેક્ષ નિશ્ચલ નીરવતા. ત્યાં બધી જ શકિતઓ રાગમેળમાં ગૂંથાયેલી હતી. વિશ્વ-વિધાયક આનંદ એના અંગોમાં આલીન હતો. પ્રેમ અને પ્રમોદ એના મધુર આત્માનાં ઉત્તમાંગ હતાં. જીવ જેની ઝંખના કરે છે તે સર્વ એના વદનની સુંદરતામાં સમાયેલું હતું, એના મધમીઠા હાસ્યમાં એ વાટ જોઈ રહ્યું હતું. આત્માની એકાત્મતા એનામાં ભભૂકી ઊઠતી હતી. એની આંખોમાં પુષ્પોનો ને નક્ષત્રોનો મર્મરધ્વનિ પોતાનું રહસ્ય પ્રકટાવતો હતો. એની આંખે અનંતતા જોતી. એનામાં યુગોની આભા ઊઘડતી ને પળોનો પ્રમોદ પ્રકાશ પામતો. એક ચમત્કારી કુંજમાં એનો
પ્રાજ્ઞતાનો પ્રભાકર આવ્યો હતો. ત્યાં પરસ્પર વિરોધી હતાં તેમને પોતાની સ્નેહ-સગાઈ સાંપડતી ને એ એક કુટુંબનાં ભાઈભાંડુ જેમ સાથે રહેતાં. એકેએક સ્વર્ગીય સૂર ત્યાં આલાપાતો ને રાગના રઢિયાળા મેળ જન્મતા. આકાશની અસીમ વિશાળતા, અશોક અવનીનો ઉત્કટ ભાવ, વિશ્વવિશાળ સળગતો સૂર્ય ત્યાં છે એવું લાગતું. એ પરમોચ્ચ આત્માની ને સાવિત્રીની દૃષ્ટિ મળી ને આત્માએ આત્માને ઓળખ્યો.
પછી પૃથ્વીના રુદનને પરમ પ્રહર્ષનાં ડૂસકામાં ને પૃથ્વીના પોકારને આત્માના ગાનમાં પલટાવી દેતો એક અવાજ હૃદયગુહામાંથી ઊઠયો :
" ઓ અમર શબ્દની માનવી મૂર્ત્તિ ! પોખરાજની દીવાલો પાર તેં શી રીતે જોયું ? દિવ્યતાના દરવાજા ઉપરની ધુતિમંતી બહેનોને તેં શી રીતે જોઈ ? વિચારથી ઢાંકેલા બારણાં તેં શી રીતે ઉધાડયાં ? કનકની કૂંચીવાળા તારા આત્માને દિવ્યતર અવસ્થાઓમાં પ્રવેશ કરવાનું તેં શી રીતે શીખવાડયું . મારાં પરમાનંદનાં અંતરોને પહોંચી વળવા માટે કાળની ને મૃત્યુની પાર તેં શી રીતે દૃષ્ટિ વિસ્તારી ? ઉત્સાહી દેવો મારી ખોજમાં છે; હું પ્રકટ પ્રકાશનું સૌન્દર્ય છું. તારાઓની મશાલો તળેના અજેય યાત્રીને હું રાત્રિની પાર દોરી જઉં છું. હું છું પરમ પાવન પરમાનંદ: મારી ઉપર જેમણે દૃષ્ટિપાત કર્યો છે તેમને માટે ફરી શોક કરનું રહેતું નથી. અંધકારમાં આવેલી આંખો મારા સ્વરૂપને જોશે. માનવ જીવનમાં વિયોજાયેલી એવી બે શકિતઓ ઘૂસર આકાશ નીચે વહેતી સમુદ્રધુનીને કાંઠે કાંઠે પાસે પાસે પગલાં ભરે છે. એક પૃથ્વી ઉપર લળે છે, બીજી સ્વર્ગો પ્રત્યે જવાની તમન્ના રાખે છે. પરમસુખિયું સ્વર્ગ પૂર્ણતા પામેલી પૃથ્વીનાં સ્વપ્ન સેવે છે, તો પૃથ્વી પૂર્ણતાના સ્વર્ગનાં. નકામા ખોટા ખ્યાલો એમને એકબીજાથી અળગાં રાખે છે.વર અને વહુની વચ્ચે તગમગતી છાયામયી તલવાર છે. એ જયારે નાબૂદ થશે ત્યારે દીક્-કાળ એ પ્રેમીઓને વિરહિત કરી શકશે નહિ. ઓ દિવ્યભાવીની, સાવિત્રી ! તું વાટ જો. એ આવે નહિ ત્યાં સુધી તમે બન્ને દ્વૈતી નિયમને અનુસરો. રૂપના ભંગુર આગળાઓથી અધીર બની જાઓ નહિ. ભેદનેય સુખભરી એકતાનું મજાનું સાધન બનાવો. પણ જો તું આ દુઃખી દુનિયાને એના આક્રંદની પરવા કર્યા વગર છોડી દેવા માગતી હોય તો પેલી સમુદ્રધુની કૂદીને પાર કર, જગતમાં જહેમત ઉઠાવી રહેલી શકિત સાથેનો તારો કરાર રદ કર, મર્ત્ય હૃદયો પરની તારી અનુકંપાને આધી ઉશેટ, તારા આત્માએ સર કરેલો અધિકાર સિદ્ધ કર, તારા અલ્પજીવી શ્વાસોચ્છવાસનો ભાર ઉતારી નાખ, ઉછીનો લીધેલો તારો દેહ તૃણભૂમિ પર તજી દે. પછી તારા આનંદ-ધામે ઊંચે આરોહ, ને ગમે તો અહીં આ સનાતન શિશુની ક્રીડાભૂમિમાં ક્રીડા કર અથવા તો અમરોના રાજ્યોમાં જઈ યથેચ્છ વિહાર કર. ત્યાં તું જગતની જેમને પડી નથી એવા દેવોની માફક અસ્તરહિત સૂર્યની આભાઓની સહચરી બની જા. તારી પાર્થિવ પ્રાર્થનાની વાત પડતી મૂક, હે અમરાત્મા ! આરોહીને આત્યંતિક મહાસુખે જા."
શાંત હૃદયે સાવિત્રી આ સુમધુર મોહક સૂર સાંભળતી હતી ત્યાં કોઈ વાટ
જોઈ રહેલા અનંતનો અપાર આનંદ એનમાં રેલાઈ આવ્યો. સરવરનાં બે સરોજો સમીપ પ્રભાતસૂર્યનું પ્રથમ કિરણ રમે તેમ એની આંખોમાં એક સ્મિતે ઊર્મિલતા ધારી : " મનુષ્યની જિંદગીને તું જીવન-મરણ ઘેરી રાખે છે, સુખદુઃખના, રાત્રિ ને દિવસના એને માટે વારા લાવે છે, તું એને સ્વર્ગથી લલચાવે છે, નરકથી એના બળની કસોટી કરે છે, એ બધું ખરું, પણ હું તારા નિત્યના દિવસમાં રહેવા માગતી નથી. તારી રાત્રિનો જેમ મેં ત્યાગ કર્યો છે તેમ આ તારા દીપ્તિમંત દિવસોનો પણ ત્યાગ કરું છું. મને તો તું મારું અપર સ્વરૂપ પાછું આપ. તારાં સ્વર્ગોને એની સહાયની જરૂર નથી, અમારી પૃથ્વીને એની જરૂર છે.મહિમાવંતા આત્માઓ માટે પૃથ્વી પસંદગી પામેલી છે. એ છે વીરોનું સમરાંગણ, મહાશિલ્પીઓની કર્મ-શાલા. સ્વર્ગની મહિમાવંતી મુકિતઓ કરતાં, હે મહારાજ ! પૃથ્વી ઉપર કરેલી તારી સેવાઓ વધારે મહિમાવંતી છે. એકવાર સ્વર્ગ પણ મારું સ્વાભાવિક સદન હતું. મેં ય સ્વર્ગનાં સમસ્ત સુખ માણ્યાં છે. પણ સુરો ને અસુરો રાત્રિમાં જ્યાં જંગમાં ઝૂઝે છે ત્યાં અશક્યની સામે સાહસ કરવા માટે મારો અમર પ્રેમનો આત્મા માનવજાતિને ભેટવાને આવ્યો છે. આનંદ હોય પણ જે આનંદમાં અન્યોનો પણ ભાગ નથી તે આનંદ અધૂરો છે. પૃથ્વીનું જીવન સારા વિશ્વને પ્રેમમાં સમાવવા માટે છે, મૃત્યુ સાથેના દંગલમાં વિજય મેળવવા માટે છે, અણનમ ધનુષ્યનો ટંકાર કરવા માગે છે, પ્રભુની તલવારને વિલાસાવવા માટે છે. તેં રણશિંગાં ફૂંક્યાં છે, તો તલવારને અજમાવી જોવાનો અવકાશ આપ, પાનાથી મૂઠને અળગી પાડ નહિ. હું સાવિત્રી એની રત્નજડિત મૂઠ છું ને સત્યવાન છે એનું પાણીદાર પાનું, ગીતની ઝંકૃતિ થાય તે પહેલાં સિતારીને ખંડિત કરતો નહિ. હું જાણું છું કે માનવ જીવને ઉદ્ધારીને હું પ્રભુની પાસે લઈ જવાને સમર્થ છું. હું જાણું છું કે સત્યવાન અમૃત-સ્વરૂપ પ્રભુને પૃથ્વી ઉપર નીચે લાવી શકશે. તારી ઈચ્છાને અમારો સંકલ્પ અનુસરશે. તાર વગર તો એ ખાલી તોફાનનું તોસતાન છે, પોલું બુમરાણ છે. તારા વગરનું દેવોનું બળ પણ ફોગટનો ફંદો છે. અચિત્ ના અગાધમાં માનવજાતિને ઊતરી જવા દેતો નહિ, તારો સૂર્ય અંધકારને ને મૃત્યુને સોંપી દેતો નહિ. તારો આદેશ પાર પાડ, તારા વિશ્વવિશાળ પ્રેમને પૂર્ણાહુતિએ પહોંચાડ. "
સાવિત્રીના શબ્દો અવાગ્-ગોચર અચિંત્યમાં ઓસરી ગયા. પણ પછી એ અદભુતદર્શન દેવે મધ્યાહનસૂર્યના સુભવ્ય સ્મિત સાથે ઉચ્ચાર્યું : " પાર્થિવ પ્રકૃતિ ભૂમાનંદની ભૂમિકાઓએ શી રીતે આરોહશે અને છતાંય પુથ્વી છે તે પૃથ્વી રહેશે ? બન્ને અન્યોન્યને અવલોકી શકે છે, પણ મિલાપ સાધી શકતાં નથી. કોઈ કોઈ વાર જ સ્વર્ગનો પ્રકાશ પાર્થિવ મનની મુલાકાતે આવે છે, આનંદનાં દર્શન થાય છે, પણ તે સાક્ષાત્ કરી શકાતાં નથી. આછી આછી સ્વર્ગીય સૂરતાઓ સંભળાય છે, અજ્ઞાત પ્રહર્ષો રોમહર્ષનો અનુભવ કરાવી જાય છે, અદભુત પૂર્ણતાનાં જગતોની ઝાંખી થાય છે, એક સ્વયંસંસિદ્ધ સુખનું આશ્ચચર્યમય વિશ્વ છે એવું લાગે છે, સમસ્ત
સત્ય અને અકાલ આનંદ ત્યાં છે એવો અણસાર આવે છે: પરંતુ તે સર્વમાંનું કશુંય અહીં આ પૃથ્વી ઉપર સફળતા મેળવતું નથી. દેવો બેધ્યાનપણે આવીને જતા રહે છે. જ્યોતિ જલદી બુઝાઈ જાય છે, શબ્દ શીઘ્ર શમી જાય છે. ઘણા જ ઓછા આત્માઓ અમર સૂર્યે અરોહે છે. મહાવીરો અને અર્ધ-દેવોનું પ્રમાણ અત્યલ્પ છે, જેમાં સત્યની શ્રુતિ સંભળાય એવાં મૌનો ગણ્યા ગાંઠયાં છે. દ્રષ્ટાઓ વિરલા છે ને ભવ્ય દર્શનોની ક્ષણો ઘણી થોડી છે. સ્વર્લોકનું આહવાન જવલ્લે આવે છે ને જવલ્લે જ એની તરફ હૃદય લક્ષ આપે છે. પૃથ્વીએ માનવને પોતાની સાથે ખીલે જડી દીધેલો છે. ઉદ્ધારની મહાધન્ય ક્ષણે માણસ ઊંચે ચડે છે, પરંતુ જોતજોતાંમાં પાછો એ પોતાના પુરાણા કાદવમાં સરકી પડે છે, ને ત્યાં જ પોતાની સુરક્ષા રહેલી છે એવું સમજી લે છે. અલબત્ત, માણસની અંદર કંઈક એક એવું છે જે ગુમાવેલા મહિમા માટે આક્રંદ કરી ઊઠે છે, પણ તેમ છતાંય એ પોતાના પતનને સ્વીકારી લે છે.
બધા જ માણસો પોતાના પામર કે અપામર સ્વભાવાનુસાર પોતાની રીતે જીવે છે. આ સમતુલા ક્ષુબ્ધ કરવામાં આવે તો એમના જીવનમાં બધું ડામાડોળ બની જાય છે. ને જગતનો સ્થિર થયેલો નિયમ પડી ભાગે છે. માણસો માણસો માટીને સીધા દેવ બની જાય તો સૃષ્ટિમાં ચાલી રહેલા ક્રમવિકાસમાં એક મોટું ગાબડું પડી જાય ને વચગાળાની સોપાન પરંપરાનો લોપ થતાં ઉત્ક્રાંતિ અટકી પડે, ને ક્લ્પોને ધીરે ક્રમે ચેતના વિકાસ પામતી પ્રભુ ને પરમાત્મા સુધી જે પહોંચે છે તેની ગતિ બાધિત થઈ જાય. મનુષ્ય ચૈતન્યના દ્વારને ઉઘાડી આપનારી ચાવી છે, પરંતુ પગથિયે પગથિયે એણે ચડવાનું છે. બધું જ થશે પણ તે કાળને ક્રમે. માટે ઓ અત્યંત આર્દ્રહ્રદયા ઉષા ! અત્યારે જેમ ચાલે છે તેમ ભલે ચાલે. ઓ જવાલા-મયી ! તારા પ્રજ્વલંત આત્મામાં પાછી પ્રવેશ, અથવા તો દીક્-કાલ પારની મારી અનંત શકિતમાં એકાકાર બની જા, કેમ કે તું વિશ્વમાતાની સાથે વિભાવંતી વધૂય છે. તું જ્યાંથી આવી છે પરા શકિતમાં પ્રવેશ પામ. તારા નિત્યાનંદના સ્વરૂપને અપનાવી લે. શાશ્વતતામાં તારા મર્ત્ય માળખાને ભાંગી નાખ. હે વિધુત્ ! ના જોવાની જવાળામાં વિલીન થઈ જા. મહાસાગર ! તારા તરંગને ઊંડાણમાં આશ્લેષ, ગહનની નિઃસ્પંદ ભાવમયતા સાથે તદાકારતા સાધ. આમ તું પ્રિયતમ ને પ્રેયસી-ઉભયને પિછાનીશ. વચ્ચેની વિભક્તિ કરતી સીમાઓનો ત્યાગ કરી સાવિત્રીમાં એનો તું સત્કાર કર અને અનંત સત્યવાનમાં સાવિત્રીને આત્મવિલુપ્ત થઈ જવા દે. ઓ આશ્ચચર્યસ્વરૂપિણી ! જ્યાંથી તારો આરંભ થયો છે ત્યાં તું અંત પામી જા."
પણ સાવિત્રીએ એ દેદીપ્યમાન દેવને ઉત્તર આપ્યો: " તું મને ઐકાંતિક સુખને માટે નિરર્થક લલચાવ નહિ. આખી દુઃખી દુનિયામાંથી માત્ર બે જીવને જ તું બચાવી લેવાની વાત કરે છે. મારો ને સત્યવાનનો આત્મા એક અને અવિભાજ્ય છે. વાગર્થવત્ સંપૃક્ત છે. આ જગતમાં એક કાર્યનો આદેશ લઈને અમે બન્ને
આવેલાં છીએ. જગતને અમે અમર જ્યોતિમાં પ્રભુ પાસે લઈ જવા માગીએ છીએ અને પ્રભુને ઉપર ઉતારી લાવવાનો અભિલાષ સેવીએ છીએ. પૃથ્વીના જીવનને પ્રભુના જીવનમાં પલટાવી નાખવા માટે અમારું આવાગમન થયું છે.
હે આનંદમય દેવ ! હું તારી જાળમાં ફસાવાની નથી. પ્રભુએ અંદર નિગૂઢ રહીને સૃષ્ટિનો આરંભ કર્યો છે. તું જેટલો સત્ય છે તેટલી સૃષ્ટિ પણ સત્ય છે. પ્રભુએ પૃથ્વીને બનાવી છે તો પૃથ્વીએ પોતાની અંદર પ્રભુને બનાવવાનો છે. તારા બનાવેલા જગત માટે હું તારો દાવો કરું છું. પણ જો માનવ પોતાની મર્યાદામાંથી મુક્ત ન થઈ શકતો હોય તો માનવમાં એક અતિમાનવનો આવિર્ભાવ કર. વિશ્વની વસ્તુઓમાં હું રોજ રોજ વૃદ્ધિ પામતા જોઈ રહી છું. વિશ્વ પોતાની સનાતનતા પ્રત્યે આરોહણ કરી રહ્યું છે."
પરંતુ નારીના હૃદયને દેવે ઉત્તરમાં જણાવ્યું :
" તું સનાતન શબ્દની સંમૂર્ત્ત શકિત છે. આત્માએ જેનાં સ્વપ્નાં સેવ્યાં છે તે સર્વને તું સર્જી શકે એમ છે. તું મારી પોતાની સર્જક શકિત છે, તું માટી દૃષ્ટિ છે, સંકલ્પ છે, મારો સ્વર છે. વળી જ્ઞાનસંપન્ન પણ છે. વિશ્વની મંદ મંદ ચાલતી પ્રક્રિયાને તું જોઈ શકે છે. ઉતાવળ કરતી નહિ. અજ્ઞાત જીવને પરમ જ્યોતિના સાહસ પ્રત્યે અત્યારે અકાળે પ્રેર નહિ. એને માટે અનંતતા એક મોટું જોખમ છે. પણ તેમ છતાંય જો તું કાળની, પ્રભુની પ્રતીક્ષા ન કરી શકે એમ હોય તો તારો સંકલ્પ પ્રારબ્ધ ઉપર પરાણે લાદ. તારી ઉપરનો રાત્રિનો ભાર ને પછી સંધ્યાકાળની સંદિગ્ધ-તાઓ અને સ્વપ્ન જેમ મેં લઈ લીધાં હતાં તેમ હવે હું મારા દિવસનો ભાર પણ લઈ લઉં છું. આ મારાં પ્રતીકાત્મક રાજ્યોમાં ભાગ્યનું નિર્માણ કરવાવાળી વરણી થતી નથી. જ્યાં જગત જેવું કશું જ નથી ત્યાં તું આરોહીને જા. નીચેની ભૂમિકાઓમાં સનાતનનો આજ્ઞાત્મક શબ્દ સંભળાતો નથી. પૃથ્વીને ને પૃથ્વી ઉપરના માનવને જો તું પરબ્રહ્યના પ્રદેશમાં નિર્મુક્ત બનાવવા માગતી હોય તો તું પ્રભુનું, મનુષ્યનું ને પ્રભુના જગતનું પરમ સત્ય શોધી કાઢ. હે આત્મા ! તું તારા અકાળ સ્વરૂપે આરોહ, ભાગ્યનિર્માણની બંકિમ રેખ પસંદ કર ને કાળની ઉપર તારા સંકલ્પની મુદ્રા માર."
આ શબ્દો શમ્યા ન શમ્યા ત્યાં તો ભુવનોને ડોલાવી દેતી એક શકિત આવિર્ભાવ પામી. સ્વર્લોક અધ્યાત્મ-જ્યોતિમાં અદૃશ્ય થઈ ગયા. સાવિત્રી એક અનિર્વચનીય આલોકમાં પૂર્ણકામ બની. એના હૃદયે વિશ્વપ્રેમનો ભાર ભરાયો. અસંખ્યાત જીવોની એ અદભુત માતા બની ગઈ. સમસ્તનું જ્ઞાન એનામાં જાગ્યું, આદર્શ શબ્દ એને સંભળાયો, રૂપના બંધનમાંથી એની દૃષ્ટિ મુક્ત થઈ, હજારો બારણાં વાટે એના હૃદયમાં એકતાએ પ્રવેશ કર્યો. અજ્ઞેયે આપેલું મૌન અજ્ઞેયને પાછું સોંપાયું. સાવિત્રીની આસપાસ અસીમ આત્મસત્તા આવી રહી. એક ઓગળી જતા મોતીની આસપાસ એ એક રહસ્યમય અર્ચિષ હતી. પછી શ્રવણોએ નહિ સુણેલો
શબ્દ ધ્વન્યો: " હે જીવાત્મા ! વરદાન માગ, પણ તારી વરિષ્ઠ વરણી સિવાયનું. અત્યારે મારા બ્રહ્યસ્વરૂપમાંથી નનામી એક નિરાકાર શાંતિ તને નિહાળી રહી છે. શાશ્વતતામાં અપરિસીમ નિર્વાણને માણ. અનંતમાં એક બિંદુનો, મહાસાગરમાં એક લહરીનો, તારા ભમતા વિચારોની વિમાસણનો અંત આણ. તારા યાત્રી આત્માની યાત્રાને સમાપ્ત થવા દે."
પણ સાવિત્રીના હૃદયમાં કોઈ એક ઝંખના સેવી રહ્યું હતું. સાવિત્રીએ નીરવ ઉત્તર આપ્યો: " વિનાશક કાળની મધ્યે, હે પ્રભો ! તારી શાંતિ આપ, તારા આનંદનાં સ્વહસ્તથી વરદાન વેરતી શાંતિ મહિમાધામ માનવ આત્માને આપ."
બીજી વાર સનાતનનો સ્વર સંભળાયો: " મારાં અવર્ણનીય બારણાં આ સામે ઊઘડી ગયાં છે. ધરાની ગ્રંથિ છેદવા માટે મારો આત્મા નીચે નમ્યો છે. દીવાલો તોડી પાડ, તારાઓના વણાટને ઉકેલી નાખી મહામૌનમાં પ્રવેશ."
એક વિશ્વવિધ્વંસક વિરામમાં કોટાનુકોટિ જીવોએ એની પ્રત્યે પોતાનો રડતો પોકાર પાઠવ્યો. સાવિત્રી બોલી:
" પ્રભો ! સમીપે આવી રહેલાં અનેકાનેક હૃદયોને એકતાનો આસ્વાદ આપ, અસંખ્ય જીવાત્માઓ માટે મારી મધમીઠી અંનતતા આપ."
ત્રીજી વાર ચેતવણી આપતો અવાજ આવ્યો:
" આ હું મારી પાંખોનો પરમાશ્રય પ્રસારું છું. ભુવનની ભીષણ ઘૂમરીઓ ઉપર નિદ્રા-નિસ્તબ્ધ મારી મહત્તમ દીપ્તિમંતી શકિત દૃષ્ટિપાત કરે છે."
વસ્તુઓનું એક ડૂસકું એ અવાજનો ઉત્તર બન્યું. સાવિત્રી ભાવાવેશે ભરાઈને બોલી: " સર્વે નર-નારીઓને, દુઃખમાં દટાયેલાં ભૂતસમસ્તને માને હૃદયે લઈ લેવાની મને શકિત આપ."
કોક ફિરસ્તાની દૂરની સારંગીના સૂર જેવો છેલ્લી વારનો અવાજ આવ્યો: " જ્યાંથી હૃદયોના ધબકાર જન્મ્યા છે તે અહીંના મત્ત નૃત્યથી દૂર દૂર નરી નીરવતામાં સૂતેલા પરમાનંદની આંખ તારે માટે ઉઘાડું છું."
આરાધનાનું એક સ્તોત્રગાન ઊંચે આરોહ્યું ને ઝંખના ભરી સાવિત્રી માત્ર આટલું જ બોલી: " દુઃખની જીવંત ગ્રંથિને છેદી નાખનાર તારું આલિંગન, જેમાં સર્વે જીવો શ્વાસોચ્છવાસ લઈ રહ્યા છે તે તારો આનંદ, ગહનતમ પ્રેમનો ચમત્કારી સ્રોત્ર, તારું અમૃતનું માધુર્ય, હે પ્રભો ! મને આપ, આખી પૃથ્વીને માટે આપ, મનુષ્ય-માત્રને માટે આપ."
પછી પાછો થોડાક મૌન પછી એથીયે વધારે સુખદ સૂર શરૂ થયો : " સંમુર્ત્ત શબ્દની ઓ સુમધુર માનવ મૂર્ત્તિ ! તારા વિચાર તે મારા વિચાર છે. હું તારા શબ્દોથી બોલ્યો છું. મારો ને તારો સંકલ્પ એક છે. તેં પસંદ કર્યું છે તે પસંદગી છે. તેં જે જે માગ્યું છે તે તે સૌ હું પૃથ્વીલોકને આપું છું. તેં તારી એકલીની અલાયદી મુકિતની ને નિર્વાણની શાંતિની ના પાડી છે અને મારી અકાળ ઈચ્છાને અપનાવી
લીધી છે તેથી તારા જવલંત આત્માની ઉપર, તારા પ્રેમના હૃદય ઉપર મારા આશીર્વાદના હસ્ત સ્થાપું છું. પૃથ્વીના ભાગ્યમાં તું ભાગીદાર બની છે, દયાર્દ્ર ભાવે લોક ઉપર લળી છે, તેથી મારા પ્રભાવપૂર્ણ મહાકાર્યની ઝુંસરી તારે ખભે મૂકું છું. તારા દ્વારા હું મારાં અદભુત કાર્યો કરીશ. હું તારું બળ બનીશ, મારી શકિત તારામાં પ્રવર્તશે, તારી અંદર હું મારું સર્વોત્તમ ધામ રચીશ. ઓ સૂર્યશ્બ્દ ! તું પૃથ્વીના આત્માને પ્રકાશે પહોંચાડશે,મનુષ્યોનાં જીવનોમાં પ્રભુને પધરાવશે. માનવ કાળમાં તારું કાર્ય જયારે પૂર્ણાહુતિ પામશે ત્યારે પૃથ્વીનું મન પ્રકાશનું ધામ બની જશે, પૃથ્વીનું જીવનવૃક્ષ સ્વર્ગો પ્રત્યે વૃદ્ધિ પામીને જશે, ને પૃથ્વીનો દેહ પ્રભુનું પવિત્ર મંદિર બની જશે; પાર્થિવ ચેતના પરમાત્માના ચેતનથી પરિપૂર્ણ બની જશે; મારે માટે મારા વડે ને મારામાં સર્વે જીવન ધારતાં થશે. તારમાં મને મારું વિશ્વ મળશે ને હું જે છું તે સર્વેને વિશ્વ તારમાં પ્રાપ્ત કરશે. ગબડતા વિશ્વગોલકોમાં તું મને પિછાનશે. પરમાણુઓની ઘૂમરીમાં તું મને ઘૂમતો જોશે, સચરાચરની શકિતઓ તને મારા નામથી સાદ કરશે. મારો સુધાકર તારી ઉપર સુધાસ્રાવ કરશે. મારી સુવાસ તને જાઈજૂાઈની જાળમાં ઝાલી લેશે. સુર્યમાંથી મારી આંખ તારી ઉપર દૃષ્ટિપાત કરશે. મિત્રો તને મારી તરફ જ આકર્ષશે, શત્રુની આંખમાં પણ મને જ મળવાની તને ફરજ પડશે. તું કોઈ પણ બંધુ જીવથી સંકોચાશે નહીં. તને કળશ બનાવી તે દ્વારા હું આનંદરસ રેડીશ, તેને મારો રથ બનાવી ઘુમાવીશ. તું મારી તરવાર બનશે. તને મારી સિતારી બનાવી હું વગાડીશ. પ્રભુની એ સર્વાંગસુંદરી દાસી ! હરહંમેશ પ્રેમ સેવ, વિશ્વપ્રેમનો મારો પાશ બની જા. શાશ્વત શાંતિથી તારા સત્ત્વને ભરી દે.અમર સ્તોત્રો આલાપ : સોનેરી અટ્ટાલિકા ઊભી થઈ છે, જવાલાના શિશુનો જન્મ થયો છે.
" ઓ જ્યોતિઃસ્વૃપિણી સાવિત્રી ! જા, તારા સત્યવાનને સાથમાં લઈ જીવનમાં ઊતર. શાશ્વતી સમાથી મેં જ તમને અજ્ઞાનના જગતમાં મોકલ્યાં છે. તમે યુગલશકિત સાથે આવેલાં છો. અજ્ઞાનના જગતમાં પ્રભુને ઉતારો, મર્ત્ય જીવોને અમૃતત્વે લઈ જાઓ. પૃથ્વીના ભાગ્યનિર્માણને ઊર્ધ્વમાં ઉઠાવનારી જે શકિત તે તું છે, સત્યવાન છે મારો આત્મા. અવિદ્યાની રાત્રિમાંથી એ અકાળ જ્યોતિએ આરોહે છે. ક્રમવિકાસની સરણીએ એ પશુની અંધતામાંથી માનવના ઉજ્જવલ વિચાર સુધી વિકસીને પહોંચ્યો છે. પ્રભુ પ્રત્યે હજુાયે એ આરોહીને જશે. એ છે માનવ જીવનમાં વર્ધમાન દેવ, ને સાવિત્રી ! તું મારા આત્માની શકિત છે, મારા અમર શબ્દનો સૂર છે, કાળના માર્ગો ઉપર તું સત્યનું સુંદર મુખ છે. તારામાં તૈયાર કરેલાં કલેવરોમાં મહાશકિતમતી માતા કાળને કાંઠે જન્મશે ને માનવ માટીમાં પ્રભુનો પ્રાદુર્ભાવ થશે. ત્યારે જ માનવોને પરમ સત્યનું વરદાન મળશે.
કેટલાક તે સમે પ્રભુના મહિમાનાં પાત્રો બનશે, સનાતનની જ્યોતિર્મયી શકિતનાં વાહનો બનશે. એ હશે કાળના નેતાઓ, મહાન ઉદ્ધારકો, નવીન દિવ્ય
જાતિમાં પ્રથમ જન્મ લેનારાઓ. વિજ્ઞાન એમના સ્વભાવનો ઉત્સ હશે, એમનાં કર્મો અને એમના વિચારો સનાતન સત્યના ઘડયા ઘડાશે વિજ્ઞાનમય આત્મા સૃષ્ટિનો સમ્રાટ બનશે ને એ માનવીના અજ્ઞાન હૃદયને મર્ત્યતામાંથી અમૃતે ઉદ્ધારશે. એક અચૂક હાથથી ઘટનાઓ ઘડાશે, આત્માની આંખો પ્રકૃતિની આંખો દ્વારા જોશે, પ્રકૃતિની શકિતનું સ્થાન આત્માની શકિત લેશે. પૃથ્વી ઉપર પ્રભુ પડાવ નાખશે. કુદરતનો ક્રમ ઊલટાઈ જશે. જે ગૂઢ છે તે પ્રકટરૂપતા પામશે.કદાચ કોઈ વિરોધી શકિત આનાકાની કરશે કે માનવ પોતાના અધ્યાત્મ ભાવિનો ઇનકાર કરશે તો પણ વસ્તુઓમાં વસેલા સત્યનો વિજય થશે. આ પૂર્વનિર્મિત લક્ષ્યની દિશામાં બધું વળેલું છે. પરાત્પરના સંકલ્પથી સિદ્ધિનો સમો અવશ્ય આવશે. મૃત્યુનું મ્રત્યુ થશે. અજ્ઞાનનો અંત આવશે.
પણ સર્વપ્રથમ એ સર્વોચ્ચ સત્યે પૃથ્વી ઉપર પાય માંડવાના છે ને માણસે અજરામર જ્યોતિ માટે ઝંખતા થવાનું છે. એણે સંપૂર્ણપણે પરમ વસ્તુને આધીન થઈને વર્તવાનું છે. એમ કરતાં વિજ્ઞાનમય પુરુષ પ્રકટ થશે ને પ્રકુતિનો પ્રભુ બની જશે. એની ઉપસ્થિતિ થતાં જડ જગત પલટાઈ જશે, મનુષ્ય પરમ સત્ય, પરમાત્મા ને પરમાનંદ માટે અભીપ્સા રાખશે. .ઊર્ધ્વનો આત્મા અને નીચેનું જડ-દ્રવ્ય મળશે, ભળશે ને એકાકર બની જશે. માનવ અને અતિમાનવ અન્યોન્ય શું ઓતપ્રોત થઈ જશે. સામાન્ય જનતા પણ અંતર્યામી સ્વરને સાંભળતી બની જશે, પરમાત્મા સાથે નિકટનો સંબંધ બાંધવા અને ઉચ્ચોચ્ય અધ્યાત્મ ધર્મને અનુસરવા પ્રયત્નશીલ બની જશે. સત્ય જીવનનો અધિનાયક બની જશે અને વધુ ને વધુ લોકો પ્રકાશમાં પ્રવેશવા માંડશે. પ્રકૃતિ એક મહાપ્રભાવશાળી સાન્નિધ્યથી ભરી ભરી બની જશે અને ગુપ્ત રહેલા પ્રભુનો પ્રાદુર્ભાવ કરવાને માટે જ જીવશે. પરમાત્મદેવ માનવલીલાને પોતાના હાથમાં લઈ લેશે અને આ પૃથ્વી ઉપરનું જીવન પ્રભુમય જીવન બની જશે."
એ સૂક્ષ્મ સંગીતનું તાલમાન બંધ પડયું. સાવિત્રીનો આત્મા અદૃશ્ય ભુવનો ને અગાધ અવકાશોમાં થઈને ખરતા તારની જેમ ઊતર્યો. એની આસપાસ અદૃશ્ય સિતારીઓ બાજતી હતી; અનામી અવાજોના સાદ આવતા હતાં. હસતા સમીરણોની સંગીતમંડળી એના મિલન માટે આવી. સાવિત્રીની પૂઠળ પૂઠળ કોઈ એક યુવકનું હોય એવું મુખ દેખાયું. અસહ્ય માધુર્ય એનામાં મલપતું હતું. અગોચર સમસ્ત સૌન્દર્યનું એ પ્રતીક બની ગયું હતું. એને માથે હતા મોરપિચ્છના ભભકતા રંગો. એક નીલમ ચોકઠામાં મઢી લીધો હોય એવું એ અદભુત હતું. વર્ણવ્યું ન જાય એવું એનું આકર્ષણ હતું. હૃદયને વિહલવ બનાવી દેતું એનું સ્મિત સાવિત્રીના સત્ત્વને અતૃપ્ય આલિંગન પ્રત્યે પ્રેરતું હતું. એ જ મુખ રૂપ બદલીને શ્યામ સુંદર એક સ્ત્રીનું બની ગયું,--તારાખચિત વાદળાંવાળી ચંદ્રિત રાત્રિના જેવું. અહો ! છાયા-લીન મહિમા અને ઝંઝાભર્યાં ઊંડાણ ! ઊદ્દામ સંકલ્પ અને ભીમભયંકર પ્રેમ !
પૃથ્વીના નૃત્યની ઘુમરડીમાં એનો આદેશ પ્રવર્તતો હતો. આત્માની ભાવોત્કટતામાંથી આવેલું મુદાગમન અંધ જીવન એની આંખોમાંથી ઉદભવ્યું હતું. મહાવેગથી નીચે ઊતરતી સાવિત્રીએ સત્યવાનના આત્માને હૃદય સરસો ગાઢ ચાંપી રાખ્યો હતો, --કોઈ બાળક પોતાના ખિલોણાને રાખે તેમ. વસંતલક્ષ્મીના વક્ષ:સ્થળમાં છુપાયેલા ફૂલની જેમ એ શોભતો હતો.
માર્ગમાં અદૃશ્ય સ્વર્ગોને વટાવતી સાવિત્રી ચક્કર આવે એવા ઝાંપાપાતમાં નિલીન થઈ ગઈ. સ્વર્ગસદનના તરુવરનું એક પર્ણ ફૂદડીએ ફરતું ફરતું નીચેના કો જલાશયમાં ઊતરે તેમ એ પૃથ્વીની અચેતનતામાં ઊતરી. નીચેની ચમત્કારતાએ એને આતિથ્ય સમર્પ્યું. માના હૃદયમાં જાણે એ દટાઈ ગઈ.
પછી અકાળની ભોમથી કાળની ઉપર દૃષ્ટિપાત કરતાં એક આત્માએ ભાગ્ય-નિર્માણને લક્ષ્યમાં લીધું. દેવોની નીરવતામાં બધું નિઃસ્પંદ હતું. દૈવી ક્ષણે કાળના ઉતાવળા હૃદયમાં શાશ્વતની શાંતિની હીરકમયી જ્યોતિ નાખી, પ્રભુના પરમાનંદનું કસુંબલ બીજ રોપ્યું. અમર પ્રેમનો આલોક ઊતર્યો. એક અદભુત મુખ અમૃતની આંખે અવલોકવા લાગ્યું. સોનેરી સળિયા હઠાવતો એક હસ્ત દેખાયો. કાળના રહસ્યભર્યાં તાળામાં એક કૂંચી ફરી. એક મહત્તર રાગમેળ જન્મ્યો અને એણે ઝંખી રહેલાં સંવત્સરોમાં અણચિંત્યો આનંદ અને માધુર્ય આણ્યાં, એક મહામુદા, એક રહસ્ય અને એક સ્વરે વિસ્મય વેર્યો. એક શકિત નીચે ઊતરી આવી. એક મહાસુખે પોતાનું ધામ પ્રાપ્ત કર્યું. વિશાળી વસુંધરા ઊપર અનંત આનંદમયતાએ પોતાની હૂંફાળી પાંખો પાથરી.
ચમત્કારી સૂર્ય એક ગગનોથી પ્રહર્ષનાં
પૂર્ણતાના ધામરૂપ ભુવનો પે અમર્ત્ય સંમુદાતણાં
નીચે નીરખતો હતો;
જાદૂ ભર્યા વિકાસો એ શાશ્વતાત્મા કેરા સ્મિતતણા હતા,
એના આનંદના ગુપ્ત હૃત્સ્પંદોને બંદીવાન બનાવતા.
પ્રભુ કેરો સદાસ્થાયી દિન એની આસપાસ ફરી વળ્યો,
સનાતન પ્રભા કેરા પ્રદેશો દૃષ્ટિએ પડયા
આક્રાંત કરતા સારી પ્રકૃતિને પ્રમોદે પ્રમેશના.
એને દેહે લહ્યો કંપ સ્પર્શથી શાશ્વતીતણા,
સ્થિત આત્મા થયો એનો ઉત્સો પાસે અનંતના.
અગ્રભાગોમહીં સાન્ત એ રહેલી હતી અનંતતાતણા,
જે એક નિત્યની દૃષ્ટિ માટે નિત્ય નવા હતા.
શાશ્વતીએ
કરી ગુણિત પોતાની વિશાળી આત્મ-દૃષ્ટિને
અનંત નિજ સામર્થ્ય અને હર્ષ પ્રમોદે પલટાવવા,
કાળની સાથ ક્રીડંત' ચૈત્યો જીવો જેમાં ભાગ લઈ શકે,
અજ્ઞાત ગહવરોમાંથી નિત્ય-નવીન જન્મતી
ભવ્યતાઓમહીં વૈભવશાલિની,
અમર્ત્ય આવતા કૂદી પ્રભાવોમાં અજ્ઞાત શિખરોથકી,
અમર પ્રેમની ભાવોદ્રેકયુક્ત હૈયાની ધબકોમહીં,
પડી ન શકતી ફીકી કદીયે જે એવી મધુરતાતણાં
દૃશ્યોનાં સ્થાનકોમહીં.
સ્વપ્નગમ્ય બૃહત્તાઓ છે જે અદભુતતાતણી
ત્યાંથી ગભીર ચાપોને રૂપે પારભાસિની સ્થિર શાંતિનાં
અમર્ત્ય ગગનો મેઘમુક્ત નીચે સરકી ઊતરી પડયાં
નીલમી ગહરાઈમાં હૃષ્ટ હૃદયની અને
નયનોની સમીપમાં;
સૂર્યપ્રકાશ આંખોની મુલાકાતે આવ્યો, કેવળ રશ્મિને
બરદાસ્ત કરી લીધું પીડા વગર એમણે,
અને રૂપતણી જોઈ મૃત્યુમુક્ત પ્રસન્ન્તા.
એ હવામાંહ્યથી દેશવટો સંધ્યા અને ધુમ્મસનો હતો,
પ્રભાએ સ્ફુરતાં આવાં સ્વર્ગો માટે હતી રાત્રિ અસંભવા.
અસીમતાતણે હૈયે પાકે પાયે સ્થપાયલા
અધ્યાત્મ વિસ્તરો જોયા જતા હતા,
સર્જકાનંદના સ્પંદહીન સૌન્દર્યમાંહ્યથી
ભવ્ય એ જનમ્યા હતા;
મીઠે માપે ધરાયેલા વિચારો મૂર્ત્ત રૂપમાં
પ્રસન્ન કરવા દિવ્ય શાંતિની કો એક બેપરવાઈને,
ઊંડી ઊંડી માંગણીને અનંત અર્થ અર્થની
અને અતનુ રોમાંચ કેરા આવાસ કારણે
એની રૂપો કેરી જરૂરિયાતને
ઉત્તર આપતા હતા.
વિશ્વ-શકિતતણી આગેકૂચ કાળતણી મહીં,
ચક્રવર્તી સંમિતોમાં અને ભોમોમહીં દશફછાંદસી
આત્માની બૃહતીઓનો ચાલનારો વ્યવસ્થાક્રમ મેળમાં
હતાં આશ્રયનાં દાતા વિશ્વવ્યાપી હર્ષના રંગરાગને,
અનંત ધારતો રૂપો આત્મા જેમાં રહેલો વસ્તુઓમહીં,
ભુવનો સ્વપ્ન છે જેનાં
તે કલાશિલ્પીએ જેની વસ્તુ-આયોજના કરી;
અહીં જે સર્વ સૌન્દર્ય અને અદભુતતા હતી
અને અટપટું જેહ હતું વૈવિધ્ય કાળનું,
ઉપાદાન દ્રવ્ય તેનું અને તેનું મૂળ શાશ્વતતા હતી;
બન્યાં હતાં નહીં તેઓ દ્રવ્ય કેરા મૃધ ધુમ્મસમાંહ્યથી ,
સૂચના આપતાં'તાં તે પોતાનાં ગહવરોતણી
ને પોતાની શકિતઓની મહાશ્રેણી તે ખુલ્લી કરતાં હતાં.
ઉદભવેલા સરહસ્ય ત્રિગુણ સ્વર્ગની તળે
સપ્ત અમર ભૂલોકો દેખાયા ભવ્યતા ભર્યા:
ધામો સૈભાગ્યવંતોનાં
વિનિર્મુક્ત થયા 'તા જે મુત્યુથી ને સુષુપ્તિથી,
જ્યાં કદીયે દુઃખ-શોક આવવાને સમર્થ ના,
જે દુઃખ-શોક આવે છે વિનષ્ઠાત્મ ખોજતાં ભુવનોથકી,
પલટી નાખવા સ્થૈર્ય અવિકારી સ્વર્ગ-સેવી સ્વભાવનું
ને એની ઓજસે પૂર્ણ સ્થિતિ શાશ્વત શાંતિની,
ને મુદ્રા એહની નિત્યસ્થાયિની સંમુદાતણી.
હતાં મેદાન આવેલાં, પ્રભુ કેરી સુવિશાળ સુષુપ્તિના
વિસ્તારોના જેવાં જે લાગતાં હતાં,
અમૃતત્વતણા નીલ અગધોમાં શમી જતા
સ્વર્ગના બૃહદારામ પ્રત્યે પાંખો વિચારની
આરોહીને જતી હતી.
સ્વભાવ પલટાયેલો પૃથ્વી કેરો લહેતો શ્વાસ શાંતિનો.
સુખશર્મતણા સિંધુ સમાણી લાગતી હવા
યા શય્યા અણજાણેલા આધ્યાત્મિક વિરામની,
પરિપૂર્ણ પરાનંદ કેરી નીરવતામહીં
સ્વર સવે ગળી જાતિ બૃહતી શાંતિ નિશ્ચલા;
લાવતું 'તું જડદ્રવ્ય સુધ્ધાં ગાઢ સ્પર્શ અધ્યાત્મતાતણો,
રોમાંચિત થતું સર્વ અંતર્યામી એક દેવાધિદેવથી.
આ પૃથ્વીઓમહીં સૌથી નીચેનીય હતી સ્વર્ગ જ એક કો,
પૃથ્વીનાં દૃશ્યની શોભા ને પ્રસન્ન પ્રકાશને
સ્વર્ગીય વસ્તુ કેરી સુષમામાં પારેણામ પમાડતી.
શાશ્વત ગિરિઓ કેરી શ્રેણીઓ પર શ્રેણીઓ
જાણે નીલમને થાળે તેમ રેખા હતી ઉત્કીર્ણ જેમની
એ આંકતી કિનારોને સ્વર્ગ કેરા ઝગનારા બપોરની,
તેમ ઊર્ધ્વ દિશે આરોહતી હતી,
ને ધ્યાનલયનાં ઉચ્ચથકી ઉચ્ચ તેમનાં શિખરોથકી
નીચેનો સુણતી હતી
નીલ યાત્રીવૃન્દ કેરા આવાગમનનો ધ્વનિ
ને અકલાબ્ધિઓતણા
યાત્રા કરંત, વિસ્તીર્ણ, સમીપે આવતા જતા
મહંત સ્તોત્રના સૂરે શ્રવણો માંડતી હતી.
ગિરિનાં ગહવરોમાંથી સરી આવ્યું વૃન્દ ગાનપરાયણ
કરતું પાર શાખાઓ પુષ્પોચ્છવાસ સુવાસિની,
માધુર્યોમાં થઈ ક્ષિપ્ર જતું મારી કૂદકાઓ પ્રમોદના;
દિવ્ય ઊર્મિલતાધારી સરિતાઓ શર્મની મર્મરે ભરી,
કામનાઓ મધુ-સ્વરી,
ભળી જતી સખીઓની સુખની ભ્રમિઓ સહ,
પછીથી પૃથુતા ધારી ગતે શાંત સ્વરના લયની મહીં
ઝાઝેરી ઝલકોવાળા સ્વપ્નના સ્રોતસો સહ
મર્મરંતી જતી સ્વચ્છ શાંતિ કેરાં સરોમહીં
.સંજ્ઞાહીના સંમુદાની ધાર પર ધરયલા
ને વિચારતણી એક રક્ષતા શાશ્વતી સ્થિતિ,
કંડારાયેલ આત્માઓ હતા બેઠા સૂરની સરિતો કને
અવિકારી અવસ્થાઓમહીં આરસ સૌખ્યની
સ્વપ્નભાવ નિષેવતા.
પ્રભુના દિનનાં બાલ સાવિત્રીની આસપાસ વસ્યાં હતાં
વર્ણવ્યું ના જાય એવા મહાસુખે,
કદીય ન ગુમાવાતા સુખભાવે, આરામે અમરાત્મના,
પરમાનંદથી પૂર્ણ મહાવૃન્દ પ્રસન્ના શાવતીતણું.
આસપાસ મૃત્યુમુક્ત પ્રજાઓ ચાલતી ને બોલાતી હતી,
આત્માઓ સુપ્રભાશાળી સ્વર્ગ કેરા પ્રમોદના,
નરી સુંદરતા કેરાં મુખો, અંગો રૂપબદ્ધ પ્રકાશનાં;
સચેતન શિલામાંથી રત્નો જેમ કપાયેલાં પૂરોમહીં
અને આશ્ચર્યથી પૂર્ણ ગોચરોમાં ને લસંતા તટો પરે
રૂપો ઉજજવલ દેખાયાં, શાશ્વતીની જાતિઓનાં પ્રકાશતી.
એની ઉપરની દિશે
લયમેળે દેવતાઓ ગોલકો ઘુમરાવતા,
આપણા તારકો કેરી ભીમકાય કક્ષાઓ સ્ખલતી જતી,
અહીંયાં આંધળી શોધ
કરે જેની તે મુદામાં મગ્ન એવી સ્થિરતાઓ ચલ્યે જતી.
શ્રુતિ-તારો પરે સૂર કરતા 'તા આઘાત સંમુદા ભર્યા,
પ્રત્યેક ગતિ પામી 'તી સર્વથૈવ નિજ સંગીત આગવું;
રોમહર્ષ ભર્યાં ગાણાં પંખીડાંનાં અમ્લાન વિટપો પરે,
કલ્પનાની પાંખ કેરા સુરેન્દ્રધનુમાંહ્યથી
પક્ષકલાપના રંગો ઝલાયા જેમના હતા.
અમર્ત્ય સૌરભે સાન્દ્ર સજાઇ 'તી અનિલોર્મિ પ્રકંપતી,
ભાવે સ્ફુરંત હૈયાં ને કંપતી ગહરાઈઓ
લગતા 'તા એવા કુંજનિકુંજમાં
ખીલતાં 'તાં બાલ લાખો મૃત્યુમુક્ત વસંતનાં,
અસંખ્ય શુચિ તારાઓ રંગે રંગ્યા પ્રમોદના,
આશ્ચયાર્થે લપાનારાં નિજ લીલમ વ્યોમમાં :
હસતી આંખોથી જોતા પુષ્પપૂંજો પરીઓના પ્રદેશના.
અરાજક્ત્વ નર્તંતું, અબ્ધિ રંગછટાતણો,
તેણે સ્વર્ગતણી નિત્ય જાગ્રતા દુષ્ટિ સંમુખે
સ્વપ્ના પડદાવાળા ઢાંકણા પાર જે તરે
તે આશ્ચર્યતણી રંગઝાંય કેરી સંકુલ પાંખડીતણી
ધુતિને નિત્યની કરી.
અમર સ્વરમેળોએ સાવિત્રીની સુણતી શ્રુતિને ભરી;
મહાન એક ઉદગાર સ્વત:પ્રેર્યો શિખરોના પ્રદેશનો,
લયવાહી ભવ્યતાની પૃથુ પાંખે વહાયલો,
સ્વરના કોક અધ્યાત્મ ઊંડા હૃદયમાંહ્યથી
દેવો કેરાં રહસ્યોએ કંપમાન રાગોને રેલતો હતો.
વાતાવરણમાં એક આત્મા સૌખ્યે ભરેલો ભમતો હતો,
પર્ણમાં અથ પાષાણે ધ્યાને લીન આત્મા એક રહ્યો હતો;
સ્વરો વિચારના ભાનવાળા વાદિત્રવર્ગના
મૌનની જીવતી ધારે ધારે ભૂલા પડયા હતા,
ને કો ઊંડાણમાંહેથી, અગાધા ને અવર્ણ્યા વસ્તુઓતણી
શબ્દવિહીન જિહવાથી ગાનો ઉદભવતાં હતાં,
અજ્ઞાત જેહના દ્વારા ઉતારાતો હતો સૂર-સ્વરૂપમાં.
અદૃશ્ય સ્વરની સીડી પર આરોહ સેવતું,
ક્ષણભંગુર તારોની ઉપરે અટતાં જતાં
પ્રયાસ કરતાં થોડાં સોપાનોથી ન સંગીત અભીપ્સુતું,
પરંતુ નિજ નિઃસંખ્ય નિત્ય નિત્ય નવા નવા
સૂરોને બદલ્યે જતું
ભાવોદ્રકમહીં પૂર્વદૃષ્ટિહિત શોધતા,
અને રાખી રહ્યું 'તું એ નિજ જૂની સંમુદાઓ અવિસ્મૃતા,
ખજાનો વધતો જાતો હતો જેનો ગૂઢ હૃદયની મહીં.
આકર્ષણ અને ઈચ્છા સંશોધાયાં હતાં ન જે,
પ્રત્યેક તેમના સાદ દ્વારા ઝંખા ચેતના રાખતી હતી,
કરી પ્રાપ્ત ફરીથી એ શોધતી 'તી અતૃપ્ત ગહનોમહીં,
જાણે કે કોક ઊંડા ને ગુપ્ત હૃદયની મહીં
માર્ગણા કરતી 'તી એ
ગુમાવાયેલ કે ચૂકી જવાયેલું કો મહાસુખ માણવા.
વિલાઈ દૂરમાં જાતી એ સુરાલિઓમહીં
મુગ્ધ ઇન્દ્રિયની જાદૂગરી ભેદી માર્ગ મેળવતી જતી,
સાંભળી શકતી 'તી એ દિવ્યાત્માની યાત્રા ગીતસ્વરે ભરી,
ફેન ને હાસ્યની વચ્ચે પોતાગ્રે લલચાવતી
મોહિનીને પવિત્રાત્મ સર્સની દ્વીપમાલની,
સાહસો ભયથી મુક્ત રૂપાળાં તે પ્રદેશનાં,
નૃવિહંગી જહીં મુગ્ધ કરતાં ગાન ગાય છે
નિત્ય ફેનાયલા રે'તા સાગરોમાં લયાળા ખડકોથકી.
સામંજસ્યમહીં આધા દૃષ્ટિના મુકિત મેળવી
આપણા પરિસીમાથી બાંધનારા રશ્મિમાંથી વિચારના,
ને ગમે વેશધારી પ્રભુને ભેટવામહીં
આપણા અંધ હૈયાની અનિચ્છાના પાશથી મુકિત મેળવી,
આખી પ્રકૃતિને એણે દોષમુક્ત જોઈ અદભુત લાગતી.
સમાક્રાંત થઈ રંગરાગે સુન્દરતાતણા,
સ્વભાવ સત્ત્વોનો એનો પ્રસરીને આંદોલિત થતો હતો,
એનાં બાહ્ય સ્વરૂપોની
સાથે ઊંડી એકતાનો દાવો એ કરતો હતો,
અને સૂરલયો સર્વ ઝીલવાને માટે શુદ્ધ બનેલ, તે
એના હૈયાતણા તારો પર અશ્રાંત સ્પર્શની
સ્વર્ગીય સૂક્ષ્મતાઓએ બલાત્કારે વધુ જીવંત હર્ષણો
લાધાં, સહી શકાતાં જે નથી પાર્થિવ જીવને.
અહીંયાં હોત જે દુઃખ તે જવલંતું મહાસુખ હતું તહીં.
અહીંયાં જે બધું માત્ર છે સંકેત સાન્દ્રાનુરાગથી ભર્યો,
છે રહસ્યયી છાયા
જેને ભવિષ્ય જોનારો પ્રવકતા અનુમાનતો,
ને જે ગોચર ચીજોમાં જોતો આત્મા પ્રમોદનો,
તે બધું પલટો પામી
કલ્પ્યું ન જાય અત્યારે જે માધુર્ય તેયે અડકું બને.
મહાબલિષ્ઠ સંકેતો
દબાણે જેમના પુથ્વી ભય પામી પ્રકંપતી,
કાં કે તે ના તેમને સમજી શકે,
ને વિચિત્ર અને ભવ્ય રૂપે રે'વું પડે અસ્પષ્ટ જેમને,
અનંત મનનો તે હ્યાં કોશ આરંભનો હતા,
ભાષાનુવાદકારી તે હતા શાશ્વત શર્મના.
સામાન્ય ઘટના એક હતી ઈહ મહામુદા;
આપણો માનુષી મોદ ધાગો જેનો પડેલ છે
તે બંદીવાન રોમાંચે વિદ્યમાન મનોજ્ઞતા
પ્રતીકાકાર આવી 'તી બની શોભન બેતમા,
દુકૂલે દેવના રિદ્ધિ કસબી કામની મહીં.
વસ્તુઓ વિરચાયેલી હતી કલ્પાયલાં ગુહો,
ઊંડો પાર્થિવ આનંદ તાગવાને મન જ્યાં આવતું હતું;
અનંતતાથકી દિપ્ત હતું હૈયું પ્રદીપિકા,
હતાં અંગો કંપમાન ઘનત્વો ચૈત્ય-આત્મનાં.
આરંભના પ્રદેશો આ હતા, પ્રાંગણ બ્હારનાં,
બહુ મોટા છતાં ક્ષેત્રે અને મૂલ્યે છોટકા સહુથી હતા,
અમર્ત્ય દેવતાઓની મુદાઓ અલ્પ અલ્પથી.
સાવિત્રીની દૃષ્ટિ એથી વધુ ઊંચે ફરી વળી
અને નીલમ શાં નીલ મોટાં ખુલ્લાં થતાં દ્વારોમહીં થઈ
પ્રવેશી એ પાર કેરી જ્યોતિની બૃહતીમહીં
ને જ્ઞાત થયું એને કે બારણાં માત્ર એ હતાં
રિદ્ધિમંત સજાયેલાં ને એ પ્હોંચાડતાં હતાં
ઉદાત્તતર લોકોમાં સુખશર્મે સુહામણાં .
એ સ્વર્ગોના સમારોહો ઊર્ધ્વ પ્રત્યે અખંડ બઢતા હતા;
એક કેડે અન્ય ક્ષેત્રે ઝીલી એની દૃષ્ટિ ઊડંત ઊર્ધ્વમાં.
પછીથી એક જે કૂટ લાગતું 'તું ઊર્ધ્વના અધિરોહનું
ને જ્યાં એક હતા સાન્ત ને અંનત ઉભયે, તેહની પરે
વિમુક્ત ભાવથી એણે જોયાં ધામો ઓજસ્વી અમરોતણાં,
જેઓ સ્વર્ગીય આનંદ અર્થે જીવન ધારતા
ને જેઓ શાસતા રાજ્યો અંતરિક્ષોતણાં અમ્લાન જ્યોતિનાં.
મહંત દેવતારૂપો હતાં બેઠા અમર શ્રેણિઓમહીં,
સ્ફાતિકાગ્નિતણી પારદર્શિતાની મહીં થઈ
અજાતા દૃષ્ટિની આંખો સાવિત્રીની ભણી વળી.
પ્રહર્ષણતણી રેખે રચાયેલા દેહોની સુષ્મામહીં
મુદાને સ્તબ્ધતા દેતા આકારોમાં મોહક માધુરીતણા,
લસતે પગલે સૂર્યમણિ કેરાં માનસ પ્રાંગણો પરે
સ્વર્ગના પાત્રવાહકો
વારુણી શાશ્વતાત્માની લઈ ચક્કર મારતા;
તેજસ્વી તનુઓ કેરાં સંકુલો ને જીવો સંચલ ભાવથી
આંકતાં 'તાં ગાઢ-ગૂંથ્યા પ્રમોદને,
નિગૂઢ હર્ષની ભાવે ભરેલી એકતામહીં
સદા સંયુક્ત રે'નારાં જીવનોનો સંવાદી ક્રમ સેવતી
જાણે કે સૂર્યનાં રશ્મિ જીવંત દિવ્ય હો બન્યાં
એવી દેવી અપ્સરાઓ હેમવક્ષોવિભાસિની
પ્રકાશમાન ને નીલ નીલમી સ્વપ્નમાં થઈ
પ્લવતા સુખના રૌપ્ય બિંબમાંથી પ્રવહંત પ્રવાહમાં
ન્હાતા કુંજ નિકુંજોમાં વિહાર કરતી હતી,
સૌવર્ણ દેહથી દીપ્ત ઘન જેવાં હતાં વસન એમનાં,
પરીઓના શાદ્ધલોમાં ચમકીલે ચરણે કરતી ગતિ,
મત્ત નિર્દોષતાઓની એ કુમારી ચાલથી ચાલતી હતી,
ને રંગરાગ પોતાના પ્રભુનું છે નૃત્ય એવું પિછાનતી,
ગૂંથાઈ એકબીજા શું
માણતી એ હતી ગોળ ઘૂમી હૈયા કેરા જ્યોત્સ્ના-મહોત્સવો.
સુનિર્દોષ કલાકારો ભૂલચૂક વિનાનાં રૂપકોતણા,
સ્વરના ને છંદયુક્ત શબ્દો કેરા જાદૂઈ શિલ્પકારકો,
અનિલાલક ગંધર્વો ગાતા 'તા કર્ણ કારણે
રાસડા રૂપ દેનાર વિશ્વવ્યાપી વિચારને,
પંકિતઓ જે વિદારે છે દેવ કેરા મુખનું અવગુંઠન,
પ્રજ્ઞાન સિંધુના લાવે ધ્વનિઓ જેહ તે લયો.
મૂર્ત્તિઓ મૃત્યુથી મુક્ત અને ભાલ પ્રભાભર્યાં,
મહાન આપણા એવા પિતૃઓ એ દીપ્તિમાં ચાલતા હતા;
અસીમ ઓજવાળા ને પરિતૃપ્ત પ્રકાશથી
પ્રયાસ આપણો જેને માટે છે તે
સર્વનો એ ભાવ ભોગવતા હતા.
ઉત્કૃષ્ટ ઋષિ દ્રષ્ટાઓ, કવિઓ ભાવ-પ્રેરિયા,
ઊર્ધ્વથી આપણી પાસે બની યાત્રિક આવતા
સનાતન વિચારોને દૃષ્ટિથી અવલોકતા,
આપણી ખોજને લીધે જે વિચારો બની વિકૃત જાય છે,
અને વંચિત થાયે છે વાઘા સજાવતા મને,
દેવો પ્રસવપીડાથી તેમ જેઓ વિરૂપિત બની જતા,
પકડયા છે મહાશબ્દો એમણે જે અત્યારે મંદ છે સ્વરો
ગ્રહાતા મર્ત્ય જીહવાએ મહામુશ્કેલ હર્ષથી.
બળિયા ઠોકરાતા ને પડતા પાપની મહીં
તે પ્રશાંત દેવતાઓ હતા ત્યાં ગૌરવે ભર્યા.
તહીં વિધુતથી પૂર્ણ, મહિમા જે જવાલાનો સંગ સેવતો,
સહાનુભુતિ ને દૃષ્ટિ કેરી ઊર્મિઓમહીં ઓગળી જતો,
અન્યો કેરી સંમુદાએ સ્પંદનારી વીણા માફક વાગતો,
આકર્ષાતો અવિજ્ઞાત મોદોના રશ્મિઓ વડે,
સ્વભાવ માનુષી એનો મૂર્છામગ્ન સ્વર્ગના સુખથી થયો;
જોયો આશ્લેષ ત્યાં એણે પૃથ્વીને મળતો ન જે,
ને ઝીલી અમૃતા આંખો અનાવરણ પ્રેમની,
ચઢી એ વધુ ઊર્ધ્વે ને ભૂમિકાથી ભૂમિકા પર એ ગઈ,
વાણીથી ના વધું જાય, ન કલ્પ્યું જાય માનસે
તે સૌની પાર એ ગઈ:
અપાર પ્હોંચવાળા ત્યાં હતા લોક
રાજતા મુકુટો જેવા વિલોડાતા નિસર્ગના.
માધુરી ત્યાં હતી એક શાંતભાવી મહત્તરા,
વધુ સૂક્ષ્મ અને ઊંડું ક્ષેત્ર આકાશનું હતું,
યોજના વધુ ઓજસ્વી
દિવ્યમાં દિવ્ય આપી જે શકે છે ભાવ તે થકી.
વહેતો 'તો તહીં શ્વાસ સ્રોત એક દૃષ્ટિસંપન્ન ચિત્તનો,
રૂપ આત્માતણું એક હતું વસન પાતળું :
હતો રંગ દૃશ્યમાન આભા ત્યાં સંમુદાતણી;
અર્ધ અમૂર્ત્ત આકારો દેખાતા દૃષ્ટિને હતા
ને છતાં તે સ્પર્શગમ્ય વિધે વિલસતા હતા
ને અંતરસ્થ આત્માનો સંવેદાતો સ્પર્શ સમર્પતા હતા.
ઉચ્ચ પૂર્ણત્વ પામેલી ઇન્દ્રિય ઘુતિ ધારતી
આંતર જ્યોતિની દાસી સુખભાગી બનીને વસતી હતી,
પ્રત્યેક લાગણી બાલ બળવંતું હતી શાશ્વતનું બની
અને વિચાર પ્રત્યેક હતો દેવ દેદીપ્યમાન મીઠડો.
હવા જ્યોતિર્મયી એક લાગણી ને સાદ એક હતો ધ્વનિ,
સૂર્યપ્રભા હતી દૃષ્ટિ આત્માની ને સ્વપ્ન એનું શશિપ્રભા.
વિશાળા એક જીવંત પાયા કેરી પર નિઃશબ્દ શાંતિના
શકિતશાળી અને સ્વચ્છ હર્ષરૂપ હતું બધું.
એ ઊંચાણોમહીં આત્મા સાવિત્રીનો પ્લવતો ઊર્ધ્વ સંચર્યો
ઊંચે ઊડી જતા પક્ષી પેઠે દૃષ્ટે પડયા વિના,
ચડાવ સાથ જે તાલ મિલાવે છે
સ્પંદમાન સ્વ-હૈયાનો સુમેળના,
અને વિરામ આવે છે જયારે બંધ થઈ જાનાર પાંખનો
ત્યારે સંતોષથી પૂર્ણ છેલ્લા સૂર સાથે જેહ પ્રકંપતું
ને નિજાત્માતણી મુકિત સાથે મૌન નિષેવતું,
હર્ષનો ભાર હૈયાનો એનો ખાલી થઈ જતાં.
આરોહી હર્ષના રંગ-રંગ્યા હૈયે અનુભૂતિ ચડી ગઈ
અગમ્ય ભુવનાલોકે કુંડલાકાર ઊડણે.
કાળ ત્યાં શાશ્વતી સાથે બની એક વસ્યો હતો;
અપાર પરમાનંદ હતો યુક્ત ત્યાં તલ્લીન વિરામ શું.
જેમ ડૂબી ગયેલું કો દીપ્તિના ને સંમુદાના સમુદ્રમાં
આ વિસ્મિત કરી દેતાં ભુવનોનાં ભ્રામક ગહનોમહીં
વાચાહીન બની જઈ,
તેમ મોં ફેરવી એણે જોઈ જીવંત તેમની
ગ્રંથિ ને જન્મની જગા,
તેમની મોહની કેરી જોઈ ચાવી,
ઉત્સ જોયો તેઓ કેરા પ્રમોદનો,
ને જણ્યું કે તે જ છે એ જે ફસાવે ફંદે જીવન આપણાં,
જાળે એની ઝલાયેલાં દયાહીન ડરામણી,
બંદી શિબિર પોતાનું વિશ્વને જે બનાવતો,
ને નિઃસીમ અને ખાલી પોતાનાં બૃહતોમહીં
બનાવે શ્રમ તારાઓ કેરો વ્યર્થ પરિક્રમા
ને મૃત્યુને બનાવે જે અંત એકેએક માનવ માર્ગનો
ને મજૂારી શોક-દુઃખ માનવીના પ્રયાસની.
હતો એ જેહનો એના ચૈત્યે કીધો હતો સંમુખ સામનો,
મૃત્યુ ને રાત્રિના એના સ્વરૂપનો,
એનાં અંગોમહીં સર્વ માધુરી થઈ 'તી જમા,
ને એણે અંધ કીધું 'તું હૈયું એનું સૂર્યોની સુષમા પ્રતિ.
રૂપાંતર હતું પામી ગયું રૂપ ભયંકર.
મિટાવી દઈને એનો અંધકાર
ને ઉદાસ નાશકારક શકિતને
રહસ્યને કરી ખુલ્લું એનાં ઉચ્ચ ચિરીતોતણું ,
પ્રકટ્યો દૃષ્ટિની સામે ગુપ્ત એક મહાવૈભવ ને થયો
ઊભો એ જ્યાં એકવાર મૂર્ત્તિમંત હતું શૂન્ય વિશાળવું.
છાયાળું મુખ રાત્રીનું ચમત્કારી મુખ એક બની ગયું.
હતી હણાઈ અસ્પષ્ટ લાગનારી અનંતતા,
ઘોર અજ્ઞાતમાંહેથી જેના અંધકારે બહિર-રેખથી
બનાવ્યું 'તું તામોગ્રસ્ત વિપત્કારી સ્વરૂપ એક દેવનું,
ભાગી ભ્રમ ગયો 'તો જે શસ્ત્રસજજ બનાવે હસ્ત શોકના,
ને હતો અજવાળાયો ખાડો અજ્ઞાન, જેહનાં
પોલાં ઊંડાણના દ્વારા અપાયો 'તો ઘોર સ્વર અસારને.
જયારે નિદ્રામહીં જાગી ઊઠતી આંખ સામને
બાંધણી છાયથી ઘેરી ખોલતી એક ગ્રંથની
અને દૃષ્ટ થતી દીપ્તિમાન અક્ષરમાલિકા,
છે અંકાયેલ જેનામાં સ્વર્ણ અર્ચિ વિચારની,
સાવિત્રીની દૃષ્ટિને ત્યાં તેમ એક
ચમત્કારી રૂપ ઉત્તર આપતું,
જેના માધુર્યને લીધે આંધળીથીય આંધળી
વેદના જિંદગી કેરી ન્યાયયુક્ત બની જતી.
સંઘર્ષ સૃષ્ટિનો સર્વ એને માટે સહેલું મૂલ્ય લાગતું,
વિશ્વ ને વેદના વિશ્વ કેરી એને માટે યોગ્ય જ લાગતાં.
જાણે કે હોય ના પુષ્પકોશ પુષ્પ કેરો સૂરસમૂહના
સંગીતના તરંગો પે દૃશ્યમાન, વાયવીય પ્રકારનો,
તેમ પ્રકાશની પાંખડીઓવાળું પદ્મ એક પ્રમોદનું
તરલાયિત હૈયાથી વસ્તુઓના રૂપધારી બની ગયું.
યત્રણા ને રહી લેશ પણ તારકની તળે,
અનિષ્ટ રહ્યું રક્ષાયેલું છદ્મવેશ પૂઠે નિસર્ગના;
દ્વેષનું મિષ કાળું ના રહ્યું બિલકુલે હવે,
પ્રેમના પલટાયેલા મુખે તાલભાર ના ક્રૂરતાતણો.
ઘોર કલહના ગ્રાહ પ્રેમ કેરા દ્વેષરૂપ બન્યો હતો;
સ્વામી એક બની જાવા માગતો પ્રેમ નિષ્ઠુર
અહીંયાં લઈ લે સ્થાન મૂળના મિષ્ટ દેવનું;
પોતાને જન્મ દેનારી વીસરીને પ્રેમની પરમેષણા,
સંકળાઈ જવાની ને એકતા પામવાતણી
વીસરી ઉત્ક કામના,
બધું ગળી જવા માંગે છે એ એક પોતાની જાતની મહીં,
જેને એણે બનાવ્યો છે પોતાનો, તે જીવને ભરખી જવા,
ઐક્યાર્થની અનિચ્છાને
દંડ દેતો દુઃખથી ને વેદનાથી વિનાશની,
જરા કેરા નકારોથી રોષાવિષ્ટ બની જતો,
લેવાને તીવ્ર ઉત્સાહી, આપવાની રીતને નવ જાણતો.
મસ્તકેથી પ્રકૃતિના કાળી કાનટોપી ફેંકાઇ મૃત્યુની;
છૂપેલો દેવનો પ્રેમ પ્રકાશ્યો એહની પરે.
એક સ્વરૂપમાં સર્વ ચારુતા ને મહિમા, સર્વ દિવ્યતા
એકઠાં હ્યાં થયાં હતાં;
એક મુખતણી આંખોથકી એની
હતાં જોતાં અર્ચાતાં સર્વ લોચનો;
મહિમાવંત પોતાનાં અંગોમાં એ દૈવતો સર્વ ધારતો.
મહાસાગર શો આત્મા વસ્યો અંતરમાં હતો;
હર્ષમાં ન સહે એવું અને જીત્યું જતું ન જે
તેવું પૂર મુકિતનું ને પારની સંમુદાતણું
ઊઠ્યું અમર રેખાઓમહીં સુંદરતાતણી.
ચતુર્ગુણ સદાત્માએ સ્વીકિરીટ એની મહીં ધર્યો હતો,
રહસ્યમયતા જેણે ધારેલી છે અનામી એક નામની,
અખૂટ અર્થમાં એક શબ્દ કેરા
આશ્ચચર્યે પૂર્ણ ઉદ્દેશ લખતું વિશ્વ જેહનો.
દૃશ્યો વિશ્વતણો શિલ્પી એનામાં એકસાથ જે,
કલા અને કલાકાર પોતાની કૃતિઓતણો,
જે દૃષ્ટ વસ્તુઓનો છે આત્મા, દ્રષ્ટા, વિચારક,
જે સૂર્યોમાં જલાવે છે તાપણીઓ પોતાની છાવણીતણી,
ને તારાએ ખચ્યું વ્યોમ કારાગાર બનાવતો,
તે વિરાટે અભિવ્યકત કર્યું છે સ્વ-સ્વરૂપને
વાણીરૂપ બનાવી જડદ્રવ્યને :
પદાર્થો અક્ષરો એના ને ઓજા શબ્દ એહના,
ઘટનાવલિઓ એની જિંદગીનો સંકુલ ઈતિહાસ છે,
એના આખ્યાનનાં પૃષ્ઠો છે સમુદ્ર તથા સ્થલ,
એનું સાધન છે સ્થૂલ-દ્રવ્ય ને છે એનું અધ્યાત્મ ઈંગિત;
પોપચાનો ઉઠાવે એ આલંબાવે વિચારને,
વહાવે ચૈત્ય-આત્માને રક્ત કેરા પ્રવાહમાં.
તે છે સંકલ્પ એનો જે અણુમાં ને લોષ્ઠમાં સંપ્રવર્તતો,
જે સંકલ્પ કરે કાર્ય હોશ કે હેતુના વિના,
બુદ્ધિ જેને જરૂર ના
વિચારવાતણી કે ના યોજના કરવાતણી,
અપરાજેયતા સાથે જાતને સર્જતું જગત્ ;
કેમ કે દેહ છે એનો દેહ દેવાધિદેવનો
ને એને હૃદયે રાજે વિરાટ્ , રાજાધિરાજ જે.
સુવર્ણ-શિશુ એનામાં છાયા ઢાળે સ્વરૂપની,
સૂર્ય-શિરસ્ક ધારંતા બૃહતે જે જન્મ એનો પ્રપોષતો :
વિચારો ને સ્વપ્ન કેરો કર્તા હિરણ્યગર્ભ એ
જોતો અદૃશ્ય છે તેને, અને સાંભળતો સ્વરો
મર્ત્ય શ્રવણની ભેટ લેવા આવ્યા કદી ન જે,
એ શોધી કાઢનારો છે તથ્યોને અવિચારિત,
કદીયે આપણે જાણ્યું હોય જે તેહના થકી
જે સત્યતર સત્ય છે,
અંતરતર અધ્વોએ નેતા દોરી જનાર એ;
છે એ દ્રષ્ટા પ્રવેશેલો નિષિદ્ધ મંડલોમહીં;
છે જાદૂગર એ જેની પાસે દંડ વિચારનો
રહેલો છે સર્વશકિત ધરાવતો,
એ નિર્માણ કરે ગુપ્ત અસૃષ્ટ ભુવનોતણું.
સજજ સુવર્ણ વાણીથી અને હીરક નેત્રથી
દૃષ્ટિ દર્શનની એની ને છે એની વાણી ભવિષ્ય ભાખતી,
રૂપે અરૂપને ઢાળી આપનારો મૂર્ત્તિ-કલ્પક એહ છે,
છે યાત્રી અણદીઠેલી કેડીઓને કાપીને કાઢનાર એ,
રહસ્યમાં રહ્યો છે તે વહનિને એ વહી જતો,
ને છે વાચા એ અનિર્વચનીયની,
છે અદૃશ્ય શિકારી એ પ્રકાશનો,
નિગૂઢ પરમાનંદો કેરો છે દેવદૂત એ,
વિજેતા છે રાજ્યોનો ચૈત્ય-આત્મનાં.
પૃષ્ઠ-ભાગે હતો ઊભો ત્રીજો આત્મા, ગુપ્ત નિદાન તેમનું,
પર-ચૈતન્યનો પિંડ જ્યોતિ મધ્યે પુરાયલો,
નિજ સર્વજ્ઞ નિદ્રામાં સ્રષ્ટા સૌ વસ્તુઓતણો.
એની નિસ્તબ્ધતામાંથી, વૃક્ષ ઊગે તેમ સૌ આવતું હતું;
એ બીજ આપણું છે ને હાર્દ છે આપણું અને
છે શીર્ષ આપણું, આધાર આપણો.
બંધ આંખોથકી એની
આવતો ઝબકારો જે તે જ સર્વ પ્રકાશ છે:
એના હૃદયમાં ગૂઢ રહેલું છે સત્ય સકલ જાણતું,
પોપચાં પૂઠળે એનાં પુરાઈને રશ્મિ સર્વજ્ઞ છે રહ્યું:
જ્ઞાનપ્રજ્ઞાન છે એ જે આવતું ના વિચારોથી,
અમર્ત્ય શબ્દને એનું મૌન નિઃશબ્દ આણતું.
પોઢ્યો છે અણુમાં એ, છે પોઢ્યો પ્રોજજવલ તારકે,
મનુષ્ય, દેવ, પ્રાણી ને પાષાણેય એ જ પોઢી રહેલ છે:
એ ત્યાં રહેલ છે તેથી સ્વ-કાર્ય કરતું અચિત્ ,
એ ત્યાં રહેલ છે તેથી મરવાનું ભૂલી જગત જાય છે,
પ્રભુને વર્તુલે છે એ કેન્દ્રરૂપ બની રહ્યો,
છે એ પરિધિને સ્થાને ક્રમમાર્ગે નિસર્ગના.
એની નિદ્રા સર્વશકિતમત્તા છે વસ્તુઓમહીં,
જાગેલો એ નિત્યરૂપ અને પરમદેવ છે.
ઊર્ધ્વે હતું લયે લીન મહાસુખ અનંતનું,
એનો સર્વજ્ઞ ને સર્વશકિતમાન આરામ શાંતિએ ભર્યો,
હતું અચલતાયુક્ત મૌન એનું કેવલાત્મક એકલું.
અસંખ્ય મિત્રતા કેરા મેળોમાં હ્યાં શકિતઓ સૌ વણાઈ 'તી.
શિરોભાગે હતા પ્રેમ ને પ્રમોદ મધુરા એ સ્વરૂપના,
પ્રલોભાવંત ફંદાની તેમની જાળની મહીં
ફરીથી પકડાયેલા જે આનંદો
ગૌરવ માણતાં અંગો સામોદ ધારતાં હતાં
તે સૌ આનંદ દેતા 'તા પાછું પાડી હૈયું હાંફે ભરાયલું,
અને આવ્યા હતા ભાગી પછવાડે તજાયલી
ઈચ્છાથી જિંદગીતણી.
જે કો દર્શન આંખોની દૃષ્ટિથી છટકી જતું,
જે કોઈ સુખ આવે છે સ્વપ્નમાં કે સમાધિમાં,
કંપતા કરથી પ્રેમે ઢોળ્યું અમૃત હોય જે,
પ્યાલો પ્રકૃતિનો ધારી હર્ષ જે શકતો નથી,
તે એના મુખ-સૌન્દર્યે ગાઢ ગાઢ ભર્યાં હતાં,
વાટ જોતાં હતાં એના હાસ્યના મધની મહીં.
હોરાઓના મૌન દ્વારા સંતાડાયેલ વસ્તુઓ,
જીવંત અધરોએ જે ભાવનાઓ સ્વર મેળવતી નથી,
અનંત સાથનો ભેટો આત્મા કેરો અર્થગર્ભ વડે ભર્યો,
એનામાં જન્મ પામ્યાં 'તાં ને બન્યાં 'તાં ભભૂકતાં:
ફૂલનો ને તારલાનો રહસ્યમય મર્મર
એના અગાધ આલોકે આવિર્ભૂત કરતો 'તો નિજાર્થને.
ઓઠ બંકિમતા-ધારી હતા એના
ભાવવાહી ઉષા કેરા ગુલાબ શા;
ચિત્ત કેરા ચમત્કાર સાથ એનું સ્મિત જે ખેલતું હતું
ને હતું છોડતું જયારે મુખ, ત્યારે રહેતું હૃદયે હતું,
પ્રભાત-તારકા કેરી ધુતિએ ધુતિમંત એ,
આવિષ્કારે વિશાળા આકાશ કેરા રત્નશ્રી રચતું હતું.
એની દૃષ્ટિ હતી માંડી મીટ શાશ્વતતાતણી;
ભાવ એના મીઠડા ને શાંત ઉદ્દેશ્યનો હતો
સવિવેક વાસો પ્રસન્નતાતણો,
ને ખુલ્લો કરતો 'તો એ હોરાઓના પ્રમોદમાં
યુગો કેરા પ્રકાશને,
પ્રજ્ઞાના સૂર્યને એક ચમત્કારી નિકુંજમાં.
એના માનસની વાધવૃન્દીય બૃહતીમહીં
વિરોધી સઘળી ખોજો જાણતી 'તી સગાઈ ગાઢ તેમની,
સમૃદ્ધહૃદયા તેઓ મળતી 'તી પરસ્પર
ને તેઓ એકબીજાને હતી અદભુત લાગતી,
એમના કોટિ સૂરોની પ્રત્યે આશ્ચર્યભાવ એ
પરસ્પર બતાવતી,
અને હતી રહેતી એ ભાઈભાંડુ સમી એક કુટુંબના,
જેમ કોઈ મુદામગ્ન દેવના તંતુવધાથી
ઉદભવે સૂરસંવાદ ઉર્મિગીતે વહેતી તંતુવધતી
એકેય દિવ્ય આનંદ ગવાયા વણ ના રહે
તે માટેના પ્રયત્નમાં,
હતું જીવન તેવું એ મૂર્ત્તિમંત પ્રકાશમાં.
લાગતો એ હતો સીમા મુક્ત વ્યોમ-વિશાળતા,
શોકનિર્મુક્ત પૃથ્વીનો તીવ્રભાવી ભાવ એ લાગતો હતો,
વિશ્વવ્યાપી સૂર્યનું એ હતો જવલન લાગતો.
અન્યોન્યને રહ્યાં જોઈ બન્ને, આત્મા હતો આત્મા વિલોકતો.
પછી ભજનના જવો હૈયા કેરી ભ્રાજમાન ગુહાથકી
સ્વર એક ચઢ્યો ઊંચે, જાદૂઈ સૂર જેહનો
તીવ્ર રુદન પૃથ્વીનું
પલટાવી શકયો મોટા હર્ષનાં ડૂસકાંમહીં,
પલટાવી શકયો આત્મા કેરા ગાનમહીં પોકાર એહનો :
" માનુષી મૂર્ત્તિ ઓ અમર શબ્દની,
પોખરાજતણી ભીંતો પાર કેવી રીતે દૃષ્ટ તને થઈ
ધુતિમંતી બહેનો દિવ્ય દ્વારની,
બોલાવ્યા જીન તેઓને જાગરૂક સુષુપ્તિના,
ને આવિષ્કારનાં તોરણની તળે
બળાત્કારે કર્યાં ખુલ્લાં બારણાં કોતરાયલાં
અને ઢાંકી રખાયેલાં વિચારથી,
કેવી રીતે ઉઘાડયા તેં માર્ગો અધ્યાત્મ દૃષ્ટિના
ને કાંચનમયી કૂંચીવાળા તારા આનંદે લીન આત્મને
દિવ્યતર દશાઓમાં શિખવાડયું પ્રવેશતાં ?
માનવી અંધતા જેણે ચૂકે છે તે દૃષ્ટિ ગૂઢ પ્રકારની
તારામાં છે થઈ ખુલ્લી કાળની પાર પેખતી-
કાળ જે માર્ગ છે મારા રથ કેરો-ને મૃત્યુ પાર પેખતી
છે જે જીવન મધ્યનું મેં બનાવેલ બોગદું
પ્હોંચી ને પામવા મારી અણદીઠી દૂરતાઓ મુદાતણી.
અસૂયા રાખતા દેવો કેરી છું હું ખોજ ચૂપ ચલ્યે જતી,
દેવો જે મુજ પ્રજ્ઞાના સુવિશાળ રહસ્યમય કાર્યની
ખોજમાં નીકળેલ છે,
ને આવે હાથ જે સ્વર્ગ-માર્ગો હજાર જ્યાં મળે.
છું સૌન્દર્ય હું અનાવૃત રશ્મિનું,
તારાઓની ભભૂકંતી મશાલો હેઠ જે જતું
આકર્ષી અપરાજેય યાત્રી આત્મા ધરાતણો
અનંતા રાત્રિના માર્ગો કેરાં ગહનમાં થઈ.
અનતિક્રમણીયા છું મહામુદા;
જેમણે છે કરી દૃષ્ટિ મારી ઉપર તે ફરી
દુઃખભાગી થશે નહીં.
રાત્રિમાં વસતી આંખો જોશે મારા સ્વરૂપને.
કિનારાઓ પરે ઝાંખા ફેણાતી ને સચેતના
સમુદ્રધુનિઓતણા,
ભૂખરા યાતનાગ્રસ્ત નભ નીચે ધુનિઓ જે વહંત છે,
એક આદિ મુદામાંથી જન્મેલી શકિત-બેલડી
પગલાં ભરતી પાસે પાસે કિંતુ
વિયોજિત થઈ છે એ જીવને માનવીતણા;
ઝુકે છે એક પૃથ્વીની પ્રત્યે, બીજી આકાશો પ્રતિ ઝંખતી:
નિજ પ્રહર્ષમાં રે'તું સ્વર્ગ પૂર્ણ પૃથ્વીની ઝંખના કરે,
નિજ દુઃખે ધરા ર'તી સેવે સ્વપ્ન પૂર્ણતા-પૂર્ણ સ્વર્ગનાં.
બન્ને સંયોગો વાંછે છે, છતાં પૃથક ચાલતાં,
પોતાનો વ્યર્થ ખ્યાલોથી અળગાં અમથાં પડયાં;
ભોયે મોહમાયાળા પોતાની એકતાથકી
છે આઘાં એ રાખાયલાં;
ગૂઢ પ્રકારથી છૂટાં પડયાં છે એ યોજનોએ વિચારના,
નિદ્રા નીરવી ગર્તો પાર તેઓ મીટ માંડી રહેલ છે.
કે મારાં બૃહતો કેરી ઉપરે એ પાસે પાસે ઢળેલ છે,
વહુ ને વરની જેમ કો જાદુઈ વિધે છૂટાં પડાયલાં,
જાગે એ ઝંખવા માટે, કિંતુ આલિંગવા થાય સમર્થ ના
જ્યાં સુધી પ્રેમપાત્રોની મધ્યમાં છે એમની સ્નેહ-સેજમાં
આસી-છાયા આછી આછી ઝબૂકતી,
ઓળંગાયા વિનાની દ્વૈધ દાખતી.
પરંતુ ભૂતિયા જવાલા-ધાર જયારે બની નિષ્ફળ જાય છે
ત્યારે ના સ્થળ કે કાળ પ્રેમીને પ્રેમપાત્રથી
જુદો રાખી શકે કદી;
પ્રચંડ પડદો પારભાસી પાછો દિશા નિજ હઠાવશે.
કંપારો બનશે કાળ આત્મા કેરી અંતહીન મુદાતણો.
પ્રતીક્ષા કર તું એહ પળની દિવ્ય ભાવિની.
ઉભયે તે દરમ્યાન તમે ધર્મ સેવશો દ્વૈતભાવનો
અત્યારે જેહની ઝાંખી કરે દૃષ્ટિ કેરા કેવળ ભેદિયા,
ધપતા જે હતા આગે ઝાડી મધ્ય થઈ નિજ વિચારની,
અને છે સાંકડા સેતુ કર્યા પ્રાપ્ત જેમણે દેવલોકના.
જુઓ વાટ રૂપ કેરા સહી બરડ આગળા,
ભેદને સુખ દેનારું બનાવી તમ સાધન,
જેના દ્વારા સુખી ઐકય વધી જાશે પ્રહર્ષણે
આકર્ષણ વડે મધ્યે સ્પંદમાન હવામહીં.
છતાં તું હોય જો ચ્હાતી કરવાને ત્યાગ ત્રસ્ત જગત્ તણો
પરવા ના કરી નીચે આવેલી વસ્તુઓતણા
વિષાદીય વિલાપની,
તો માંડ પગલાં માર્ગે ધૂનિ કેરા ને કૂદી જા પ્રવાહને,
શ્રમસેવી શકિત સાથે છે તે તારો કરાર રદ દે કરી,
પૃથ્વીની જાતિ શું જોડી તને દેતો છોડ સંબંધ તાહરો,
ફગાવી દૂર દે તારી અનુકંપા મર્ત્ય હૈયાં પરે થતી.
ઊઠ, ને તુજ આત્માનો હક જીત્યો પ્રમાણિત બનાવ તું:
સોંપાયેલો કાર્યભાર તજી તારો ક્ષણભંગુર પ્રાણનો,
તટસ્થ તારકો કેરી ભાવશૂન્ય શીત દૃષ્ટિતણી તળે
ઉધાર તુજ લીધેલા દેહને તું તૃણભૂમિ પરે તજી
આરોહ, આત્મ ! જા તારા પરમાનંદ ધામમાં.
અહીંયાં નિત્યના બાલ કેરા ક્રીડનક્ષેત્રમાં
કે પ્રદેશોમહીં માંડે પગલાંઓ અમરો જ્ઞાનવંત જ્યાં
અનસ્ત રવિથી રાજમાન અધ્યાત્મ અંબરો
નીચે પર્યટ તું તારા સાથી વૈભવ સાથમાં,
દેવો જેમ રહે છે તેમ તું રહે,
દેવો જે ના પરવા જગની કરે
અને જેઓ ન લે ભાગ સૃષ્ટિની શકિતઓતણા
શ્રમના કાર્યની મહીં :
પોતાના પરમાનંદે બની તલ્લીન એ રહે.
પૃથ્વીની કામના કેરી ફગાવી દે સંદેહાત્મક વાત તું,
અમૃતા હે ! શુખશર્માર્થ થા ખડી."
પ્રશાંત નિજ હૈયામાં સાવિત્રીએ સંવાદી સ્વરમેળનો
બંદી બનાવતો સાદ જેવો કાન દઈ સુણ્યો
તેવો પૃથ્વીતણા મોદ અને સ્વર્ગ-સુખથીય બઢી જતો
આવ્યો આનંદ રેલાતો અજ્ઞાત શાશ્વતીતણો,
આવ્યો પ્રહર્ષ રેલાતો વાટ જોઈ રહેલા કો અનંતનો.
સાવિત્રીનાં વિશાળાં નયનોમહીં
આવ્યું એક સ્મિત ઊર્મિલતા ધરી
સંદેશો લાવતું એના વિશ્રબ્ધ સુખસર્મનો
જાણે કે બે પ્રબુદ્ધ પદ્મ-પલ્વલે
લ્હેરાતું હોય ના પ્હેલું રશ્મિ પ્રભાતસૂર્યનું :
" જીવન-મૃત્યુથી ઘેરી લેવાવાળા ઓ હે ! માનવ જીવને,
ઘેરી લેતા સુખે, દુઃખે વિશ્વ કેરા
અને ઘેરી લેતા દિવસ-રાતથી,
લાલચે દૂરના સ્વર્ગ કેરી એના હૈયાને લલચાવતા,
કસોટી કરતા એના બળ કેરી નારકી ગાઢ સ્પર્શથી,
છે મેં પરહરી જેમ નિત્યની તુજ રાત્રિને
તેમ હું નહિ આરોહું તારા નિત્યતણા દિને.
હું જે તારા ધરા કેરા માર્ગથી ફરતી નથી
તેને તું મુજ આપી દે જાત દૂજી,
જેની મારો સ્વભાવ માગણી કરે,
જરૂર તુજ સ્વર્ગોને નથી એની
એમના હર્ષને સાહાય્ય આપવા;
સોનેરી જાળની પેઠે નીચે આનંદ નાખવા
તારા નિર્મ્યા
એના સુંદર આત્માની પૃથિવીને જરૂર છે.
પૃથ્વી અભીષ્ટ છે સ્થાન આત્માઓનું મહત્તમ;
પૃથ્વી છે વીરતાયુક્ત આત્માનું સમરાંગણ,
નિર્માણી જ્યાં મહાશિલ્પી કર્મોને રૂપ દે.
સ્વર્ગ કેરાં પ્રભાવી સૌ સ્વાતંત્ર્યો કરતાંય છે
ભૂ પરે તુજ દાસત્વો, મહારાજ ! મહત્તર.
એકવાર હતાં સ્વર્ગો મારે માટે સહજ આલયો.
તારા-રત્ન ખચ્ચા કુંજોમહીં હુંયે ભમેલ છું,
ફરી છું સૂર્યનાં સ્વર્ણવર્ણ હું ગોચરોમહીં,
ફરી છું હું શાદ્વલોમાં ચંદ્ર કરી ચાંદનીએ છવાયલાં,
એમનાં ઝરણાઓનું સુણ્યું છે મેં હાસ્ય બાજતા બીન શું,
ને મેં વિલંબ સેવ્યો છે શાખાઓની નીચે ક્ષીરસુગંધિની;
ક્ષેત્રોમાં જ્યોતિના મેં ય છે માણેલ મહોત્સવો
સ્પર્શાઈ મરુતો કેરા અંતરિક્ષીય અંબરે,
ચમત્કારી વર્તુલોમાં તારા સંગીતના હું ચંક્રમેલ છું,
સોલ્લાસ, શ્રમથી મુક્ત વિચારોના છંદોલયે રહેલ છું,
પરાજિત કર્યા છે મેં ક્ષિપ્ર મેળો સુમહાન પ્રહર્ષના,
ભવ્ય ને સુખથી સાધ્ય નૃત્યોમાં દૈવતોતણાં
કર્યું છે નૃત્ય મેં આત્મા કેરા સહજ તાલમાં.
અહો ! કેવી સુવાસી છે વિથીઓ જ્યાં તારાં બાલક ચાલતાં,
અને અદભુત પુષ્પોની મધ્યે નંદનબાગનાં
તેમનો ચરણો કેરી સ્મૃતિ કેવી મનોજ્ઞ છે :
પગલાં વધુ ભારે છે મારાં, સ્પર્શ મારો વધુ બલિષ્ટ છે.
જ્યાં દેવો ને દાનવોનું થાય છે યુદ્ધ રાત્રિમાં,
કે ચાલે છે મલ્લયુદ્ધ સીમાઓ પર સૂર્યની,
કો દિવ્યતમ આશાની સામે ઘડકણે ભર્યો
તાલ વિષમ જોશીલો સહી લેવા,
ખોજની આ યંત્રણાઓ સાથે અશક્ય ભીડવા
જિંદગીની માધુરી ને વેદનાએ છે જેને શિખવાડીયું,
મારામાં રાજતો તેહ આત્મા અમર પ્રેમનો
પ્રસારે બાહુ પોતાના લઈ આશ્લેષે મનુ-જાતને.
અત્યંત દૂર છે તારાં સ્વર્ગો પીડે પડેલા માનવોથકી.
સર્વનો ભાગ ના જેમાં તે આનંદ અપૂર્ણ છે.
અહો પ્રસરવું આગે, ઘેરી લેવાં ગ્રહી અહો
વધારે હૃદયો, પ્રેમ અમારો ના જહીં સુધી
તારું ભુવન દે ભરી !
ઓ હે જીવન ! ઘૂમંતા તારાઓની નીચે આવેલ જીવન,
મૃત્યુની સાથની નેજાબાજીમાં તું વિજયપ્રાપ્તિ અર્થ છે,
છે તું ચડાવવા માટે ચાપ અત્યુગ્ર આકરું,
છે તું ચલાવવા માટે ચમકાવી ઓજસ્વી અસિ ઈશની !
દંગલોના અખાડામાં રણશિંગું વગાડતા,
મૂઠને કર ના છૂટી અજમાવ્યા વિના તું તરવારને,
નથી ઝીક્યો ઘાવ જેણે તે યોદ્ધાને લઈ ન લે.
યુદ્ધો કોટિક શું બાકી લડવાનાં નથી હજી ?
શિલ્પિરાજ !
આરંભાયેલ કામે તું ધણાયેલ રાખ ટીપવું,
રેણી એક બનાવી દે અમને તું
જિંદગીની તેજસ્વી તુજ કોઢમાં.
રત્ન જડેલ રૂપાળી વાંકડી તુજ મૂઠને
સાવિત્રી નામ આપ તું,
ને ઉલ્લાસિત પાનાના સ્મિતે સત્યવાનનું.
ઘાટ સૌન્દર્યનો આપ અને વિશ્વે માર્ગદર્શન આપ તું.
તોડતો નહિ વીણાને ગાન પ્રાપ્ત થયું ના હોય ત્યાં સુધી;
અસંખ્ય ગીત શું બાકી ગૂંથવાનાં નથી હજુા ?
સંગીતકાર સૂક્ષ્માત્મ ઓ હે સંવત્સરોતણા,
મારી વિરામવેળાએ બંસરીમાં તેં બજાવેલ જેહ છે
તેને પૂરેપૂરું પાર ઉતાર તું;
આણ ઊંચે રગમાંથી અનુમાનેલ એમની
આદિ ઉદ્દામ આરજૂા
ને શોધી કાઢ તેને જે ન ગવાયું હજી સુધી.
જાણું છું, કે માનવોનો પ્રભુ પ્રત્યે હું ઉદ્ધાર કરી શકું,
જાણું છું, કે અમૃતાત્માને સત્યવાન છે સમર્થ ઉતારવા.
અમ સંકલ્પ સેવે છે શ્રમકાર્ય
અનુજ્ઞાત તારા સંકલ્પથી થઈ
ને તે તારા વિના ખાલી ગર્જના છે તુફાનની,
અર્થ વગરનો વાતાવર્ત આસુર શકિતનો,
અને તારા વિના ઓજ દેવોનું એક ફંદ છે.
જવા પ્રકાશની પ્રત્યે પૃથ્વી કેરા અજ્ઞાનમાંહ્યથી મથી
રહી માનવની જાતિ, તેને જાઓ ગળી નહીં
ગર્ત ઊંડો અચિત્ તણો.
ચૈત્યાત્માની વિધુતોની સાથેના ગર્જનાર ઓ !
તમિસ્રા ને મૃત્યુને ના આપતો તુજ સૂર્ય તું,
તારી પ્રજ્ઞાતણો છૂપો અને પાકો પાર આદેશ પાડ તું,
વિશ્વવિશાળ ને ગૂઢ
તારો જે પ્રેમ છે તેનો શાસનાદેશ સાધ તું."
એના શબ્દો થયા લુપ્ત લય પામી આનંત્યોમાં વિચારનાં,
જેમણે એમને લીધા પકડી જ્યાં
ને સંતાડી અર્થ દીધો એમનો અંતરોમહીં
જેઓ અચિંત્ય પાસેથી કો સમેય વાણીએ હોય મેળવ્યું
તેથી અધિક છે જેહ તેથી સંચલ થાય છે,
જ્યાં આવી જાય છે અંત આપણા સૌ વિચારનો,
જ્યાંથી સૌ આવતા શબ્દો તે અનિર્વચનીય જે.
અદભુત દર્શને દેવ દૃગ્ગોચર થયેલ તે
પછી મધ્યાહનનાં સ્વર્ગો સમ ભવ્ય કરીને સ્મિત ઓચર્યો :
" ચઢશે ઊર્ધ્વ શી રીતે સ્વર્ગીય ભુવનો પરે
સ્વભાવ પૃથિવી કેરો ને સ્વભાવ મનુષ્યનો
પૃથ્વી કેરો રહ્યા છતાં ?
માંડે અન્યોન્યની સામે મીટ સ્વર્ગ અને ધરા
બહુ થોડા જ ઓળંગી શકે એવા ઊંડા ખાડા પરે થઈ,
સ્પર્શ એકે ન પામતું,
આકાશે ફરતી સર્વ વસ્તુઓએ જેમાંથી રૂપ છે ધર્યું
તે આંતરિક્ષ અસ્પષ્ટ એક ધુમ્મસમાં થઈ
આવી તટ કને જેને
જોઈ સર્વ શકે, પ્હોંચી ન પરંતુ શકે કદી.
પાર્થિવ મનની ભેટ લેવા દિવ્ય જ્યોતિ આવે કદી કદી;
એકાકી તારકો જેવા જવલે એના વિચારો વિશ્વ-વ્યોમમાં;
એના હૃદયમાં ચાલે માર્ગણાઓ મૃદુ મંજુાલતા ભરી
વિહંગોની પાંખોના ફફડાટ શી,
ઝંખાતી આરસી એનાં સ્વપ્નાં કેરી કરીને પાર સંચરે
કદી એ ન કરી સિદ્ધ શકે એવાં દર્શનો સુખશર્મનાં.
જ્યોતિ ને સંમુદા કેરાં બીજ ઝાંખા વિષાદી પુષ્પ ધારતાં,
મંદ સુરાગમેળો જે છે ઝલાયા અર્ધાકર્ણિત ગીતના,
તે મૂર્ચ્છામાં પડે કર્ણકટુ સૂરોતણા સંભ્રમની વચે,
દેવોના રમ્ય ને દૂરવર્તી આનંદ જ્યાં વસે
તે ઉછાળા મારનારા પ્રભાસિંધુઓની ફેનિલતાથકી,
અવિજ્ઞાત પ્રહર્ષોથી, ચમત્કૃતિ ભર્યા સુખે
પૃથ્વી પુલકિતા થાય ને એ અર્ધરૂપધારી બનેલ સૌ
મન ને ઇન્દ્રિયજ્ઞાન પ્રત્યે જાય કરી ગતિ.
એના નાના અંતવંત સંક્રમોની પાર ઉપરની દિશે
આવેલાં ભુવનો કેરી એને સંવેદના થતી,
કરતી પરવા ના જે ગ્રંથિની કે વિરામની,
જે વણી કાઢતાં ચિત્રવિચિત્ર પરિપૂર્ણતા
ધારા-નિયમ પારની,
વિશ્વ એક વણી કાઢે સ્વયં-સંપ્રાપ્ત શર્મનું
અવર્ણ્ય લય જે જન્મે તાલોથી કાળ પારના,
એકસ્વરૂપના હૈયા-ધબકારા ગતિબાહુલ્ય દાખતા,
અનંતરૂપની મુક્તિ કેરો ક્રમ વ્યવસ્થિત,
કેવલબ્રહ્યનાં મૃધ કાર્યો અદભુતતા ભર્યાં.
છે સર્વ-સત્ય ત્યાં ને છે ત્યાં અકાલ મહામુદા.
પરંતુ ટુકડાઓ જ પૃથ્વી માટે છે તારા-લુપ્ત જ્યોતિના,
એને બેધ્યાન ભાવે જ મળવા દેવ આવતા.
છે તેઓ જ્યોતિ લોપાતી ને છે શબ્દ શીઘ્ર મૌને શમી જતો
ને તેમને મને છે જે તે માંહેનું કશુંય ના
ઝાઝી વાર રહેવાને છે સમર્થ ધરા પરે.
ઝાંખીઓ ઉચ્ચ આવે છે, ટકી રે'નાર દૃષ્ટિ ના.
આરોહી શકતા થોડા અપ્રણાશી પ્રભાકરે,
કે વસી શકતા ધારો પર ગૂઢ સુધાંશુની
ને જ્યોતિ જાદૂઈ વાળી શકતા એ પૃથિવીના મન પ્રતિ.
દેવો ને અર્ધદેવો છે ઘણા થોડા, જેમની સાથ ગાઢતા
સાધીને કરતા વાર્તાલાપોને અમર સ્વરો
ને કર્મ સાથ જેઓને દેવતાઈ ગોત્રો છે નજદીકનાં.
ઘણાં થોડાં જ છે મૌનો જેમાં સત્ય સુણાય છે,
એનાં ગહનોમાંહેની કાલાતીત વાણીને પ્રકટાવતાં;
દ્રષ્ટાઓની દીપ્તિમંતી ક્ષણોયે અલ્પમાત્ર છે.
વિરલો સ્વર્ગનો સાદ ને એને ગણકારતું
હૈયું વિરલ છે વધુ;
પામર મનને માટે સીલબંધ બારણાં છે પ્રકાશનાં,
ને પૃથ્વીની જરૂરોએ કીલબંધ પૃથ્વી સાથ કરેલ છે
માનવોના સમૂહને,
માત્ર ઉદ્ધારતી એક ઘડી કેરા પ્રભાવથી
વધુ મોટી વસ્તુઓના સ્પર્શને માનવો ઉત્તર આપતા:
કે કો પ્રબલ હસ્તે એ ઉદ્ધારાઈ શ્વસતા દિવ્ય વાયુમાં
સરકી પડતા પાછા કીચે જ્યાંથી આરોહ્યા ઊર્ધ્વમાં હતા;
જેના પોતે બન્યા છે ને જેહનો ધર્મ જાણતા
તે કીચે મૈત્ર આધારે પોતે હેમખેમ પાછા ફરેલ છે
તેથી આનંદ પામતા,
ને કે જોકે તેમનામાં છે કૈંક લુપ્ત થયેલા મહિમાર્થ ને
વધુ પામેલ માહાત્મ્ય માટે અશ્રુ નિતારતું,
સ્વીકારી તે છતાં તેઓ લેતા પતન તેમનું.
સામાન્ય જન થાવાનું એ સર્વોત્તમ માનતા,
રહે છે જેમ બીજાઓ તેમ રે'વું એ છે આનંદ એમનો.
કાં કે પ્રકૃતિની છે જે પૃથ્વી ઉપર યોજના
તેને અનુસરી મોટા ભાગના છે ઘડાયલા
ને ન જેવું જ તેઓને ઋણ છે ઊર્ધ્વ લોકનું;
મનુષ્યોની સરેરાશ સમાવસ્થા જ એમની,
વિચાર કરવાવાળા પ્રાણી કેરું ક્ષેત્ર ભૌતિક એમનું.
દીર્ધ ને ઊર્ધ્વ હંમેશા ચઢતી પાયરીમહીં,
વિશ્વ-જીવનની રૂક્ષ વ્યવસ્થાના વિધાનમાં
પ્રત્યેક જીવ છે બદ્ધ નિયુક્ત સ્વ-કાર્ય ને સ્થાન સાથમાં
એના સ્વભાવના રૂપ અને આત્મિક શકિતથી.
ક્ષુબ્ધ સ્હેલાઈથી જો આ થાય તો સૃષ્ટ વસ્તુઓ
કેરી સમતુલા તૂટી પડે સ્થિર સ્થપાયલી;
વ્યવસ્થા વિશ્વની સ્થાયી કંપી ઊઠે ને વણાયેલ દૈવમાં
ભાગદાળું પડી જતું.
હોત જો ના મનુષ્યો ને બધા હોત દેદીપ્યમાન દેવતા,
તો થાત લુપ્ત મધ્યસ્થા સીડી આશ્રય જેહનો
લઈ જાગ્યો જડ દ્રવ્યે આત્મા લે વાટ ઘૂમતી
સ્વીકારી ચકરાવાઓ મધ્યભુવન માર્ગના,
ને ભારે શ્રમ ને ધીરા ક્લ્પોને પગલે જઈ
પહોંચે પ્રભુની શુભ્ર ધારે અદભુતતા ભરી
ને પ્રવેશે દીપ્તિમંતા માહિમામાં અધ્યાત્મદેવતાતણા.
મારો સંકલ્પ ને સાદ મનુષ્યોમાં છે ને છે વસ્તુઓમહીં;
પરંતુ ધૂંધળા વિશ્વ-પૃષ્ઠે પોઢેલ છે અચિત્
ને રાત્રિ-મૃત્યુ-નિદ્રાના નિજ હૈયે એ આકર્ષી રહેલ છે.
એના કાળા અને મૂગા ગર્તે બંદી રખાયલી
થોડીક ચેતનાને એ દે છે છટકવા, છતાં
પકડી રાખતું પૂઠે કરી ઈર્ષા વર્ધમાન વિભાતણી
એની ગુહાતણી કાળી કિનારોની સમીપમાં,
જેમ કો મમતાળુ મા અજ્ઞાની નિજ બાળને
બાંધી રાખે અવિદ્યાનાં એનાં અંચલ સૂત્રથી.
સ્વીય સુષુપ્તિએ સર્જ્યા વિશ્વ કેરા રહસ્યને
અચિત્ સમજવા માટે ના સમર્થ મનુષ્ય-મનના વિના :
સચેત દ્વારને ખોલી દેતી ચાવી મનુષ્ય છે.
કિંતુ તેમ છતાં તેને લટકેલો રાખે એ નિજ ગ્રાહમાં:
આંકે એના વિચારોની આસપાસ એ સ્વ વર્તુલ રાક્ષસી,
ઊર્ધ્વની જ્યોતિની પ્રત્યે હૈયું એનું રાખે છે એ વસાયલું,
આંજી દેતી ઝગે ઊંચી સીમા ઉપરની દિશે,
નિજ રાજ્ય ચલાવે છે હદ એક કાળી અંધ બનાવતી :
બે આકાશોતણી વચ્ચે મન બંધ થઈ માનવનું જતું.
શબ્દો અને પ્રતીકોના દ્વારા એ સત્ય શોધતો,
સપાટીઓ અને બાહ્ય જડ ભાગો કેરો અભ્યાસ એ કરે,
કે છીછરા સમુદ્રોમાં પાય બોળે સાવધાન રહી મને,
એ જે મેળવતો જ્ઞાન તેય અજ્ઞાન એક છે.
છે એ બ્હાર રખાયેલો પોતાનાં જ આંતર ગહનોથકી;
અજ્ઞાતને મુખે દૃષ્ટિપાત એ ન કરી શકે.
આંખે સર્વજ્ઞની કેવી રીતે એ અવલોકશે,
સર્વસમર્થ શકિત સાથે કેવી રીતે સંકલ્પ સેવશે ?
ઓ અત્યંત દયાવંતી ને ઔત્સુક્ય ભરી ઉષા !
છોડી દે ચક્કરો લેતા કલ્પો કેરી મંદ ચાલતણી પરે,
ને અચેતન સંકલ્પ કેરા કાર્યતણી પરે,
માનવી જાતિને છોડી દે આલંબે એની અપૂર્ણ જ્યોતિના :
સર્વ સિદ્ધ થશે દીર્ધ કાળની પ્રક્રિયા વડે.
જોકે બંધાઈ છે જાતિ પોતાની જાતિનાં થકી
છતાં માનવનો આત્મા એના ભાગ્યથકી વધુ મહાન છે :
ધોવાણ ને હિલોળાઓ પાર કાળ કેરા ને અવકાશના,
જેનાથી જિંદગી સર્વ શોખદુઃખે સજાતીય બની જતી
તે વિશ્વે વ્યાપ્ત સામાન્યભાવથી અળગા પડી
ધારાધોરણમાંહેથી વિશ્વના મુકિત મેળવી
આત્મા સૂર્ય સમો એકમાત્ર ને પારપારનો
મનની બાધતી ભીંતોમાં થઈને
કરી માર્ગ શકે નિજ ભભૂકતો
ને સનાતન આકાશે એકલો પ્રજવળી શકે
રહેવાસી બની વ્યાપ્ત ને અંતહીન શાંતિનો.
જવાલા ! પાછી ફરી જા તું જ્યોતિર્મય નિજાત્મમાં,
યા વિચાર અને વિશ્વ પાર કેરા દ્રષ્ટા શિખરની પરે
વળી પાછો નહીં તો જા તારા આદિમ ઓજમાં;
ભાગીદાર બની મારી અહોરા શાશ્વતીતણી
જા બની એક આનંત્ય સાથ તું મુજ શકિતના :
કેમ કે વિશ્વની માતા છે તું ને દિવ્ય છે વધૂ.
પૃથ્વીની જિંદગી કેરા મોઘ ઝંખનમાંહ્યથી
અપ્રત્યાયક ને મંદ એહના સ્વપ્નમાંહ્યથી
પાછી પ્રાપ્ત કરી પાંખો કરી પાર જાય છે જે અનંતતા,
આવી છે તું જહીંથી તે શકિતમાં પુનરેવ જા.
તેની પ્રત્યે ઉઠાવી તું શકવાની અરૂપ તુજ ઊડણ,
અતૃપ્ત નિજ સ્પંદોથી ઉર તારું ચડવા છે સમર્થ ત્યાં
ને જેણે પરમાનંદ ન ગુમાવ્યો કદીય તે
આત્મા કેરી અમર્ત્ય ને
અધ્યાત્મ સંમુદાને તું લહેવા ત્યાં સમર્થ છે.
ઊંચે ઉદ્ધર તું તારું હૈયું પ્રેમ કેરું પતિત નિમ્નમાં
ને પાંખો ફફડાવતું,
ફગાવી દે અખાતોમાં ગર્ત તું કામનાતણો.
લેવાયેલી બચાવાઈ નિત્ય માટે રૂપોમાંથી નિસર્ગનાં
યુગચક્રો નિરુદ્દેશ માંગે છે જે, શોધી તું કાઢ તેહને,
ત્યાં તારી જિંદગી કેરા સર્વ અર્થ સાથે અંતર્ગ્રથાયલું,
ને વૃથા શોધી હ્યાં જેની થાય પાર્થિવ રૂપમાં.
મર્ત્ય તારા માળખાને નાખ તોડી તું સનાતનતામહીં;
વિદ્યુત્ ! જા પીગળી તારી અદૃશ્યા અર્ચિની મહીં.
આશ્લેષ, અબ્ધિ ! તું આપ નિજાત્મામાં ઊંડે તારા તરંગને,
સદા માટે સુખી બાથે લઈ લેતી મહોર્મિમાં.
એકરૂપ બની જા તું ઊંડાણોના સ્થિર ઉત્કટ ભાવ શું,
તે પછી પ્રેમી ને પ્રેમપાત્રને તું પિછાનશે,
એને અને તને આઘાં રાખનારી સીમાઓને પરિત્યજી .
સીમારહિત સાવિત્રીમહીં સત્કાર એહને,
વિલોપી જાતને દે તું અનંત સત્યવાનમાં
ઓ ચમત્કાર ! જ્યાંથી તેં શરૂ કીધું તહીં શમન પામ તું."
કિંતુ ઉત્તરમાં બોલી સાવિત્રી દીપ્ર દેવને:
વૃથા તું લલચાવે છે ઐકાંતિક મહાસુખે
બે પરિત્રાત જીવોને દુઃખી જગતમાંહ્યથી;
મારો આત્મા અને એનો અવિયોજય વિધે છે સંકળાયલા
જે માટે જીવનો જન્મ્યાં અમારાં તે કરવા એક કાર્યને,--
અમર્ત્ય જયોતિમાં વિશ્વ ઉદ્ધારીને પ્રભુ પાસે લઈ જવા,
પ્રભુને લાવવા નીચે વિશ્વ માટે આવ્યાં પૃથ્વી પરે અમે,
દિવ્ય જીવનમાં દેવા પલટાવી જીવન પૃથિવીતણું.
મારો સંકલ્પ પાળું છું વિશ્વનો ને મનુષ્યનો
ઉદ્ધાર કરવાતણો;
મોહિનીયે પણ નથી તારા પ્રલોભાવંત સૂરની
ફંદે ફસાવવા માટે શકિતમાન, આનંદમય દેવ હે !
વધારે સુખિયા લોકો માટે ભોગ નહીં આપું ધરાતણો.
સનાતનતણો ભાવ સુવિશાળ ને સંકલ્પ ક્રિયાત્મક
મનુષ્યો ને વસ્તુઓમાં વસ્યો હતો,
એક તેથી જ આરંભે થવા પામ્યો પારાવાર પ્રપંચનો.
લાભ વગરનું ક્યાંથી ઉદભવ્યું આ અરણ્ય તારકોતણું,
સૂર્યોના ચકારાવાઓ બૃહદાકાર વંધ્ય આ ?
કોણે કાળમહીં જીવ સરજ્યો છે નિઃસાર જિંદગીતણો
રોપ્યાં છે હૃદયે હેતુ અને આશા, ને છે પ્રકૃતિ જોતરી
ભીમકાય અને અર્થ વિનાના એક કાર્યમાં,
કે એના કોટિ ક્લ્પોના વ્યર્થ ખર્ચતણી છે યોજના કરી ?
ગોળા ઉપર પૃથ્વીના પેટને ઘસડી જતા
આ અચેતન જીવોને દંડયા કવણ શકિતએ
જન્મ-મૃત્યુ વડે ને અશ્રુઓ વડે ?
પૃથ્વી જો સ્વર્ગની જ્યોતિ પ્રત્યે ઊંચે દૃષ્ટિને ઊંચકી શકે,
ને સુણી જો શકે પ્રત્યુત્તર એના એકાકી આર્ત્તનાદનો,
તો તેમનું નથી વ્યર્થ મળવાનું, ફંદો ના સ્પર્શ સ્વર્ગનો.
તું ને હું હોઈએ સાચાં તો સાચું જગતેય છે;
તારાં કાર્યોતણી પૂઠે તું સંતાડી રાખે જોકે સ્વ-રૂપને,
તોય અસ્તિત્વમાં હોવું તે સમસ્યા નિરર્થ ના;
રચી છે પ્રભુએ પૃથ્વી,
તે માટે પૃથિવીએયે પોતાનામાં રચવો જોઈએ પ્રભુ;
એના હૃદયમાં છે જે છુપાયેલું
તેને એણે જોઈએ પ્રકટાવવું.
તેં જે વિશ્વ બનાવ્યું છે તેને માટે માગું હક કરી તને.
નિજ માનવતા સાથે રહે માનવ બદ્ધ જો,
બંધાયેલો રહે જો એ સદા માટે સ્વ-દુઃખ શું,
તો મહત્તર આત્મા કો જાગો માનવમાંહ્યથી
અતિમાનવ પોતાના નિત્ય કેરા સાથી સાથ સમુદભવો
અને પાર્થિવ રૂપોના દ્વારા રાજમાન અમૃતરૂપ હો.
નહીં તો વ્યર્થ છે સૃષ્ટિ, અને વિશ્વ મહાન આ
છે અવસ્તુ જણાતી જે વસ્તુ કાળ-ક્ષણોમહીં.
જોયું છે કિંતુ મેં છદ્મ-આરપાર અચિત્ તણા
છે સંવેધો ગુપ્ત આત્મા હાલતો ને ચાલતો વસ્તુઓમહીં,
વહી વપુ જતો વૃદ્ધિ પામતા વિશ્વનાથનું :
આવૃત કરતાં રૂપોમાં થઈ એ
કરે દૃષ્ટિ સત્ય પ્રત્યે અનાવૃત,
દેવોના પડદાને એ પછવાડે ધકેલતો,
નિજ શાશ્વતતા પ્રત્યે એ આરોહંત જાય છે."
સ્ત્રીના હૃદયને કિંતુ દેવે ઉત્તર આપિયો :
" સંમૂર્ત્ત શબ્દની જીવંત શકિત હે !
સ્વપ્યું છે પરમાત્માએ સર્જી તે સર્વ તું શકે :
છે તું શકિત જેનાથી વિશ્વોને મેં રચેલ છે,
તું મારી દૃષ્ટિ છે, મારો છે સંકલ્પ, અને મારો અવાજ છે.
કિંતુ જ્ઞાનેય છે તારું, જાણે તું વિશ્વયોજના,
જાણે તું પ્રક્રિયા ધીરી કાળના ક્રમણોતણી.
જવાલાના તુજ હૈયાની પ્રચંડ પ્રેરણા લઈ,
ભાવાવેશે ભરાઈને મોચવાના પૃથ્વીને ને મનુષ્યને,
કાળના અંતરાયોથી અને ક્રમવિકાસનાં
મંદવેગી આલસી પગલાંથકી
રોષે ભરાઈ દોરી ના જા આત્માને અજ્ઞાનવશ લોકના
જ્યોતિને સાહસે શીઘ્ર અતિશે હામ ભીડવા,
માનવીની મહીં બદ્ધ અને નિદ્રિત દેવને
જગાડીને અનિર્વાચ્ય મૌનો મધ્યે ધકેલ ના
અંત વગરનાં ક્ષેત્રોમહીં અજ્ઞાતનાં ને અણદીઠનાં,
માર્યાદિત કરી દેતા મન કેરી અંત્ય સીમા વટાવવા,
પરમચૈતન્યની સીમારેખા પાર કરી જોખમથી ભરી
પ્રેરે ના ભીડવા હાથ ભયો મધ્યે અનંતના.
કિંતુ તું કાળ ને ઈશ કેરી રાહ જોવા ના હોય માગતી
તો કાર્ય કર તું તારું
ને સંકલ્પ લાદ તારો બલાત્કારે દૈવનિર્માણની પરે.
મેં તારી પાસથી જેમ લઇ ભાર લીધો છે મુજ રાત્રિનો
ને સંદેહો અને સ્વપ્નાં લઈ લીધાં છે મારી સાંધ્ય જયોતિનાં.
તેમ લઈ લઉં હું છું હવે પૂર્ણ દિનની મુજ દીપ્તિયે.
પ્રતીકાત્મક રાજયો છે મારાં આ, કિંતુ ના અહીં
ભાગ્યનિર્ણયની શક્ય બને મોટી પસંદગી
કે ઉચ્ચારી શકાયે હ્યાં શાસ્તિ પરમ શબ્દની.
જા મહત્તર લોકોની ચઢી સીડી અનંતમાં
જ્યાં ન કો સંભવે જગત્ .
ન પરંતુ પરિવ્યાપ્ત વાયુમાં જ્યાં પ્રાણ વધુ વિશાળવો
ગૂઢતા ને ચમત્કાર ઉઠાવી નિજ જાય છે,
ને ના પ્રકાશતાં શૃંગો પર કૂટસ્થ ચિત્તનાં
કે આશ્રયમહીં આત્મા સૂક્ષ્મ જયાં જડ દ્રવ્યનો
ફુરંતાં સ્વ-રહસ્યોની જ્યોતિ મધ્યે છુપાય છે,
સુણવો શક્ય આદેશ સ્થિર શાશ્વતરૂપનો,
જે પ્રારબ્ધતણું શીર્ષ સંયોજી દે એની આધાર ભોમ શું.
આ તો કેવળ અંકોડા કાર્ય મધ્યસ્થ સાધતા;
એમની પાસ ના દૃષ્ટિ ઉત્પન્ન કરવાતણી,
કે સિદ્ધિ આપતું કાર્ય, યા તો આધાર આખરી
જે સદાકાળને માટે વિશ્વનો રાશિ ધારતો.
શકિતઓ છે બે ધરી જે રાખે છે અંત કાળના;
છે પૂર્વજ્ઞાન આત્માને,
એના વિચારને આણે જડદ્રવ્ય પ્રકાશને
આદેશો પ્રભુના પાર પાડે એ મૂક ભાવથી,
ન જરા જેટલું કાંઈ, ટપકુંય તજ્યા વિના,
નિર્વિવાદ કરે કાર્ય, અચેત, ને અકડાયલું,
અનિવાર્યપણે એની ભીતરે છે ભર્યું તે વિકસાવતું,
દિક્-કાલે શકિતનો એની જે ઉદ્દેશ તેની ઉત્ક્રાંતિ સાધતું,
ચેતનાવંત જીવોમાં ને અચિત્ વસ્તુઓમહીં
અવિકાર્યપણે એનું કાર્ય આદિષ્ટ સાધતું.
કરતું રદ ના નાના નુકતાનેય સાધેલી વસ્તુઓતણા;
ચલાયમાન ના થાય દેવવાણીરૂપ આદેશ-શબ્દથી,
પલટાવી ન દેતું એ પગલાંઓ અદૃષ્ટનાં.
મનુષ્ય ને ધરા કેરો અધ્યાત્મ શિખરો પરે
તું ખરેખાત ઉદ્ધાર કરવા હોય માગતી,
તો શોધી કાઢ તું સત્ય પ્રભુનું ને માનવી જે જગત્ તણું;
પછીથી કર તું તારું કાર્ય જ્ઞાનપૂર્વક દૃષ્ટિપૂર્વક.
આત્મા ! આરોહ તું તારા કાલાતીત સ્વરૂપમાં;
પસંદ કર તું બાંકી રેખા ભાગ્યતણી અને
તારા સંકલ્પની માર મુદ્રા કાળતણી પરે."
અટક્યો એ, અને નીચે પડતા નાદની પરે
શકિત એક બઢી આગે,
કંપમાન કર્યા જેણે ગોલોકો સંસ્થાપાયલા
અને ઢીલા કર્યા ખૂંટા જકડંતા રૂપના તંબુઓતણા.
છૂટી પકડમાંહેથી દૃષ્ટિની ને વીંટાઓથી વિચારના,
લોપાતાં દૃશ્યના જેવા હરાયેલા એની ગોચરતાથકી,
મહાવકાશની જંગી નાટ્યશાલાતણી મહીં
અધ્યાત્મ જ્યોતિમાં પામ્યા સ્વર્ગ-લોકો અદૃશ્યતા.
ગતિ એક હતી વ્યાપી, હતો એક પોકાર, એક શબ્દ ત્યાં,
પ્રત્યાગમનમાં એના અવિચિંત્ય પળોની અસ્તિ ના હતી:
પ્રશાંત સાગરો મધ્યે વૃન્દગીતે
સુણ્યો એણે સનાતન વિચારને
લયપૂર્વક ફેલાતો વર્ણનાતીત રીતથી
કક્ષાઓમાં અનાકાશ ને અકાળ પથો પરે.
સંસિદ્ધ એ રહી 'તી ત્યાં અનિર્વાચ્ય જગત્ મહીં.
ઓજઃશકિત હતી એહ ત્રિસ્વરૂપી અનંતની,
અમેય સત્યતામાં એ નિવાસ કરતી હતી,
હતી પ્રહર્ષ એ એક, હતી સત્તા, ને હતી શકિત એ,
સંકળાયેલ ને કોટિ ગતિયુકતા હતી એ પરિપૂર્ણતા,
કુમારી એકતા ને જાયા જ્યોતિર્મયી હતી,
સર્વને પ્રભુના સીમાહીન આનંદની મહીં
જોડતી એ હતી બાથ બહુસંખ્ય નિજમાં નિવસાવતી,
પ્રત્યેક જીવની એની મહીં શાશ્વતતા હતી,
વિશ્વપ્રેમતણો ભાર એ પોતાની મહીં ધારી રહી હતી,
હતી અદભુત માતા એ અસંખ્ય ચૈત્ય જાતની.
વસ્તુઓ જાણતી એ સૌ,
વસ્તુઓ કલ્પતી એ સૌ યા તો સંકલ્પતી હતી,
આદર્શ વસ્તુઓ પ્રત્યે શ્રુતિ એની હતી ખુલ્લી થઈ ગઈ,
રૂપની રૂઢતા એની દૃષ્ટિને ના લેશેય બાંધતી હતી,
હજારો બારણાંવાળી એકતાનું હૈયું એનું બન્યું હતું,
ગુહાગૃહ અને પુણ્યધામ એક ચિંતનાલીન જ્યોતિનું
દેખાયું, પારની ચીજો કેરો અંતિમ આશરો.
મંડલે નિજ તે કેડે થંભ્યો આદેશ એ બૃહત્ ,
અજ્ઞેયે જે હતું આપ્યું તે સૌ પાછું મૌને એને સમર્પિયું.
ધ્યાનથી સુણતા એના વિચારે સ્થિરતા ધરી.
એના ચૈત્યાત્મમાં રૂપ વસ્તુઓનું શમ્યું હતું.
હવે એ દેવતા કેરું પૂર્ણરૂપ અગોચર બન્યું હતું,
સાવિત્રીની આસપાસ આત્મા એક બૃહદ્ રૂપ રહ્યો હતો,
એક ઓગળતા મોતી
કેરી આસપાસ જવાલા હતી ગૂઢ પ્રકારની,
ને ભૂતછાયામાં લોપ પામેલા અવકાશની
પોકાર કરતો એક સ્વર શ્રોત્રે ન સુણાયેલ ત્યાં હતો :
" પસંદ કર, હે આત્મા ! તારી સૌથી મોટી છે જે પસંદગી
તે ફરીથી અપાતી તુજને નથી;
કેમ કે અવ સર્વોચ્ચ મારા સ્વરૂપમાંહ્યથી
દૃષ્ટિ તારી પરે કરે
નનામી ને નિરાકાર શાંતિ જેમાં વિશ્રમે સર્વ વસ્તુઓ.
એક નિઃસીમ નિર્વાણ-અવસ્થા શાશ્વતીમહીં,
અનંતમાં વિલોપાઈ જાય છે એક બિન્દુ જ્યાં,
ત્યાં સુખી સુવિશાલા ને લોકોત્તર સમાપ્તીમાં
બુઝાયેલી જવાલા કેરી જાણી લે તું મહામુદા,
અપાર સાગરે મગ્ન થતી અંતિમ ઊર્મિની,
તારા ભ્રાન્ત વિચારોની આર્ત્તિનો અંત જાણ તું,
તારા યાત્રી આત્મ કેરી યાત્રાનો અંત તું લહે.
સ્વીકાર કર, સંગીત ! શ્રાંતિ તારા સ્વરોતણી,
સ્વીકાર કર, હે સ્રોત્ર !
ભંગ બૃહત તું તારા પાત્ર કેરા તટોતણો."
પડતી 'તી ક્ષણો શાશ્વતતામહીં.
કિંતુ અજ્ઞાત હૈયામાં કો એક ઝંખતું હતું.
આપ્યો ઉત્તર નારીના હૃદયે મૌન સેવતાં:
" છે તારી શાંતિ, હે નાથ ! વરદાનરૂપ અંતર ધારવા
ઉદ્દામ કાળની ત્રાડ ને વિધ્વંસતણી વચે
ભવ્ય માનવ આત્માને માટે પૃથ્વીતણી પરે.
શાંતિ તારી, પ્રભો ! ધારે તારા જે સુખના કરો."
એકાકી દ્વીપની આસપાસ સીમાહીન સાગરના સમો
બીજી વાર થયો ઊભો એ પોકાર સનાતન :
" ખુલ્લાં વિશાળ છે સામે દ્વારો વર્ણન પારનાં.
પૃથ્વીની તોડવા ગ્રંથિ આત્મા મારો લળેલ છે,
વિચાર અથવા સંજ્ઞા વિનાની એકતા પરે
પ્રેમીનો રસ ધારતો,
ભીંત ને વાડને નીચે નાખવા ને સ્વર્ગ ખુલ્લું બનાવવા,
વિશાળ આંખથી જોવા માટે અનંતતાતણી,
તારાઓના ઉકેલીને વાણાતાણા પસાર મૌનમાં થવા."
એક અપાર ને વિશ્વવિનાશક વિરામમાં
સાવિત્રીએ સુણ્યા લાખો જીવો એને મોટેથી સાદ પાડતા.
નિઃસ્પંદતામહીં એના વિચારોની આશ્ચર્ય ઉપજાવતી
માપ ના નીકળે એવી રીતે બોલ્યો સ્વભાવ વનિતાતણો :
" સમીપે સરતાં ઝાઝાં હૃદયોમાં દે તારી એકતા, પ્રભો !
તારા અસંખ્ય ચૈત્યોની, પ્રભુ ! માગું મારી મીઠી અનંતતા."
પાછા હઠી જતા જોશભેર ઓટે આવેલા સિંધુના સમો
ત્રીજી વખત રેલાયો સાદ મોટો પ્રબોધતો :
" મારી પાંખોતણી હુંફ પસારું છું બધેય હું.
અગાધોમાંહ્યથી એનાં અસંભાષ્ય બલિષ્ઠા દીપ્તિ ધારતી
શકિત મારી વિલોકે છે સ્પંદહીન સ્વ-નિદ્રાના પ્રભાવમાં,
સંકેલાઈ જઈ વિશ્વ કેરી ઘોર ઘૂમરીઓતણી પરે."
ડૂસકે વસ્તુઓ કેરા દીધો ઉત્તર સૂરને,
ભાવાવેગે ભર્યું હૈયું મહિલાનું પ્રતિ-ઉત્તરમાં વધુ :
" ઓજ તારું, પ્રભો ! માગું લઈ લેવા પકડે નર-નારને,
લઈ લેવા વસ્તુઓ સૌ ને જીવો સૌ એમના દુઃખથી ભર્યાં,
અને એ સર્વને ભેગા કરવાને માતાના બાહુઓમહીં."
સુગભીર અને દૂર વીણા જેમ કો મહાદેવદૂતની
અંત્ય અવસરે મોટા સંભળાયો સૂર સૂચન આપતો :
"ઉઘાડું છું વિશાળી હું આંખ એકાંતતાતણી
અનાવૃત કરી દેવા સ્વરહીન પ્રહર્ષ સ્વમુદાતણો,
પરમાનંદની નિદ્રામહીં નિશ્ચલ એ જહીં
વિશુદ્ધ પરમોત્કૃષ્ટ ચૂપકીમાં ઢળેલ છે,
જેના તાલમહીંથી છે ઉઠાવાયો પ્રસ્પંદ હૃદયોતણો
ને મીઠી મત્તતામાંથી નૃત્ય કેરી વિરમી જે ગયેલ છે."
મૌનનો કરતું ભંગ સાનુરોધ પ્રાર્થના ને પુકારથી
અથાક એક આરોહ્યું સ્તોત્ર આરાધનાતણું,
થતા સંયુક્ત પાંખાળા આત્માઓને સુરીલો તાલ પાંખનો,
ને પછી ઝંખનાપૂર્ણ સ્ત્રી જવાબે આટલું માત્ર ઊચરી:
" વ્યથાની જીવતી ગ્રંથિ વિદારંતો પ્રાર્થું આશ્લેષ તાહરો,
તારો આનંદ, હે નાથ ! જેમાં સર્વ જીવો ઉચ્છવસતા રહે,
ઊંડા પ્રેમતણાં પ્રાર્થું પાણી વ્હેતાં ચમત્કારકતા ભર્યાં,
પૃથ્વીને ને મનુષ્યોને માટે આપ મને તું તુજ માધુરી."
ત્યારે એથીય આનંદપૂર્ણ સાદ શરૂ મૌન પછી થયો
જેવો ઊઠયો હતો અનંતમાંહ્યથી
જયારે વિચિત્ર આનંદ કેરા પ્રથમ મર્મરો
એના ઊંડાણમાં કલ્પતા હતા હર્ષ ખોજનો
ભાગાવેગ કાઢવાનો શોધી ને સ્પર્શવાતણો,
મુગ્ધાનુરાગનું હાસ્ય ભુવનોને પ્રાસાનુપ્રાસ અર્પતું :
મૂર્ત્તિ સુંદરતાપૂર્ણ ઓ હે સંમૂર્ત્ત શબ્દની,
તારા વિચાર મારા છે, બોલ્યો છું હું તવ સ્વરે.
મારો સંકલ્પ છે તારો,
તારી પસંદગી છે જે તે છે મારી પસંદગી.
માગ્યું છે સર્વ જે તેં તે આપું છું હું પૃથ્વીને ને મનુષ્યને.
વિચાર-યોજના-કર્મ કેરો વિશ્વસ્ત માહરો
સર્વ કાંઈ લખી લેશે ભાગ્યના ચોપડામહીં,
મારા સંકલ્પને પાર પાડનારો છે એ કાલ સનાતન.
પરંતુ તેં નકાર્યું છે મારા અવ્રણ સ્થૈર્યને
ને પરાડ્ં મુખતા ધારી અનંત મુજ શાંતિથી,
જે શાંતિમાં વિલોપાતું આનન અવકાશનું
અને વિનાશ પામે છે કાલ કેરું કલેવર,
ને જુાદી જાતનું તારી નકાર્યું છે નિર્વાણ સુખથી ભર્યું
સાથી કોઈ નથી જેને એવી મારી એકાકી શાશ્વતીમહીં,-
કેમ કે તુજ માટે ના શૂન્ય નામહીન જેમાં જગત્ નથી,
તારા જીવંત આત્માને માટે નિર્મૂલના નથી,
રિક્ત અપાર અજ્ઞેયે તારે માટે વિચારનું,
આશાનું, જિંદગીનું ને પ્રેમનું અવસાન ના,
મારી અકાળ ઈચ્છાને તું આધીન થયેલ છે,
તેથી હું મુજ રાખું છું હસ્ત તારા અર્ચિના આત્મની પરે,
રાખું છું હસ્ત હું મારા તારા પ્રેમતણા હૃદયની પરે,
ને કરું છું તને યુક્ત
શકિતની સાથ મારી જે કરે છે કાર્ય કાળમાં.
મારી અકાળ ઈચ્છાને તું આધીન થયેલ છે
મથામણે અને ભાગ્યે
પૃથ્વીના ભાગ લેવાનું તેં પસંદ કરેલ છે,
જગતી શું જડાયેલા
મનુષ્યો ઉપરે છે તું દયાભાવે ભરી લળી
ને સાહ્ય આપવા માટે બાજુા એ તું વળેલ છે,
કરવાનો પરિત્રાણ સેવ્યો તીવ્રાભિલાષ તેં,
તેથી હું મુજ હૈયા શું હૈયું તારું
સજું છું તુજ હૈયાના ગાઢ ભાવાનુરાગથી
ને મારી ઝૂંસરી દિવ્ય દીપ્તિમંતી તારા આત્મા પરે ધરું.
અધુના તુજમાં મારા ચમત્કારી વ્યવસાયો કરીશ હું.
મારા દૈવતના દોરો વડે તારા હું બાંધીશ સ્વભાવને,
તારા આત્માતણાં અંગો હું આણીશ મારા આનંદને વશે
ને મારી સૌ સંમુદાની તને ગ્રંથિ હું બનાવીશ જીવતી,
અને રચીશ તારામાં મારું ધામ સ્ફટિકોપમ ગૌરવી.
દિનો તારા બની જાશે બાણ મારાં શકિતનાં ને પ્રકાશનાં,
રાત્રિઓ તુજ તારાએ ખચ્યાં થાશે રહસ્યો મુજ મોદનાં
ને મારાં વાદળાં સર્વ ગૂંચવાઈ તારા અલકમાં જશે,
ને વસંતો બધી મારી મુખે તારે પામી સંલગ્નતા જશે.
ઓ સૂર્ય-શબ્દ ! પૃથ્વીના આત્માને તું જ્યોતિ પ્રત્યે ઉઠાવશે,
જીવનોમાં મનુષ્યોના પ્રભુને અવતારશે;
પૃથિવી બનશે મારી કર્મ-શાલા અને ગૃહ,
મારી જીવનની વાડી વાવવા દિવ્ય બીજને.
જયારે પૂરું થશે તારું કાર્ય સર્વ માનવી કાળની મહીં
ત્યારે માનસ પૃથ્વીનું જ્યોતિર્ધામ બની જશે,
અને જીવન પૃથ્વીનું વૃક્ષ એક વધતું સ્વર્ગની પ્રતિ,
અને શરીર પૃથ્વીનું પ્રભું કેરું પુણ્યાલય બની જશે.
મર્ત્ય અજ્ઞાનમાંહેથી પામી જાગૃતિ માનવો
પ્રકાશિત બની જાશે રશ્મિએ શાશ્વતાત્મના
ને સૂર્યોન્ન્યની મારા મહિમાએ વિચારોમાંહ્ય એમના,
હૈયામાં એમના લ્હેશે માધુરી મુજ પ્રેમની,
કર્મોમાં એમનાં મારી શકિત કેરી ચમત્કાર પ્રેરણા.
મારો સંકલ્પ તેઓના દિવસોનો અભિપ્રાય બની જશે;
તે માટે કાજ ને મારા વડે, મારી મહીં જીવન ધારશે.
હૈયે મારી સૃષ્ટિ કેરી રહસ્યમયતાતણા
ચૈત્ય-આત્માતણું તારા નાટક ભજવીશ હું,
લાંબી આખ્યાયિકા તારી અને મારી હું આલેખીશ અદભુતા.
પીછો લઈશ હું તારો શતાબ્દીને પટે પટે;
તારા શિકારમાં પ્રેમ નીકળ્યો છે વિશ્વ વિસ્તારમાં થઈ,
અજ્ઞાનનું કરી આઘું અવગુંઠન રક્ષતું,
ને મારા દીપ્ર દેવોનો આડો અંતરાય દૂર કરી દઈ
જોઈશ કે ન કો રૂપ તને આવૃત રાખશે
મારા દિવ્યાભિલાષથી.
મારી જીવંત આંખોથી ક્યાંયે છટકશે ન તું.
તારા શોધી કઢાયેલા આત્મા કેરી દિગંબર દશામહીં
જે છે તે સર્વની સાથે નગ્ન એકાત્મતામહીં,
તારા માનવતા કેરા વાઘાઓ ઊતરી જતાં,
કરતાં પડદો આઘો ગાઢ આડો માનવીય વિચારનો,
પ્રત્યેક મનને દેહ ને હૈયા શું તું એકાત્મ બની જતાં,
સારી પ્રકૃતિની સાથે,
આત્મા ને પ્રભુની સાથે તું એકાત્મ બની જતાં,
તારા એકલ આત્મામાં
ઉપસંહાર સાધીને ગૂઢ મારા જગત્ તણો,
હું તારી ભીતરે સ્વામી બનીશ મુજ વિશ્વનો,
ને વિશ્વ પામશે તુંમાં હું જે છું તે સમસ્તને.
વસ્તુઓ ધારશે તું સૌ, જેથી પામે પલટો સર્વ વસ્તુઓ,
ભરી તું સર્વને દેશે મહિમાથી મારા ને મુજ મોદથી,
તું સૌને મળશે મારા ચિદાત્માથી કાયાપલટ સાધતા.
મારાં આંનત્યથી ઊર્ધ્વે સમાક્રાંત થયેલ તું,
તથા અસીમતાઓની મહીં નીચે પ્રકંપતી,
મારાથી મૃગિતા મારા મન કેરા
ભીંત આડે નથી એવા અફાટમાં,
મહાસાગરના જેવી બનેલી તું
મારા પ્રાણતણા ઊર્મિ-ઉછાળમાં,
તરતી ને વિલોપાતી છલંગોએ ભર્યા બે સાગરો વચે,
બ્હારની મુજ પીડાઓ ને માધુર્યો રહેલાં મુજ અંતરે,
તેમને સાધનો કરી,
પામતી મુજ આનંદ પરસ્પર વિરુદ્ધમાં
વર્તનારાં મારાં રહસ્યની મહીં
તું પ્રત્યેક શિરા દ્વારા મને ઉત્તર આપશે.
વશીભૂત કરી દેશે દૃષ્ટિ એક દોડતા તુજ શ્વાસને,
કર્મોએ ચક્કરે હૈયું તારું હંકારશે તને,
મન તારું દેશે પ્રેરણાઓ જવાલા દ્વારા વિચારની,
મળવાને મને ઘોર ગર્તમાં ને ભેટવા શિખરો પરે
મને સંવેદવા ઝંઝાવેગે તેમ જ શાંતિમાં
ને મને અર્પવા પ્રેમ ઉદાત્તાત્મામહીં તેમ જ દુષ્ટમાં,
રૂપાળી વસ્તુઓમાં ને ડારતી કામનામહીં.
તું નારકી વ્યથાઓને મારું ચુંબન માનશે,
સ્વર્ગના સુમનો મારે સ્પર્શે મનાવશે તને.
મારાં સૌથી ઘોર છદ્મો મારાં આકર્ષણોને આણતાં થશે.
સ્વરમાં તરવારોના તને સંગીત પામશે.
પીછો સુંદરતા લેશે તારો જવાલાતણા હાર્દમહીં થઈ.
નક્ષત્રગોલકો કેરાં ભ્રમણોની મહીં તું જાણશે મને
ને ભેટો કરશે મારો અણુઓની મહીં તું ઘૂમરીતણા.
ચકરાતાં બળો મારા વિશ્વ કેરાં
મારા નામતણું તેડું તારી પાસે પુકારશે.
આહલાદ ઝમશે નીચે મારા ચંદ્ર સુધાંશુથી,
મારી સુગંધ જૂઈની જાળમાં ઝાલશે તને,
સૂર્યમાંથી તને મારી આંખડી અવલોકશે.
આરસી તું પ્રકૃતિના ગુપ્ત આત્માતણી બની
મારા આનંદના છૂપા હૈયાને પ્રતિબિંબશે,
તારા-મઢી કિનારીના મારા શુદ્ધ પ્યાલામાં પદ્મના લઈ
મારું વિશુદ્ધ માધુર્ય પી ઊંડે તું ઉતારશે.
તારી છાતી પરે મારા ધરી હાથ ડરામણા
કરાલતમ ઝંખાઓ કેરા સ્રોત્રોતણી મહીં
નહેલા સત્ત્વને તારા બલાત્કારે વશીભૂત કરીશ હું.
તું શોધી કાઢશે એકમાત્ર કંપિત સૂરને
ને મારા સર્વ રાગોનું બનીને બીન બાજશે,
ને પ્રેમના સમુદ્રોમાં મારી ફેનલ ઊર્મિ તું
ઉછાળા મારતી જશે.
મહાવિપદની મારી પકડેયે તારે માટે બની જશે
મારા પ્રહર્ષનું રૂપ વિપરીત કસોટીએ ચઢાવતું :
સ્વરૂપે દુઃખના મારું મુખ છૂપું તને સ્મિત સમર્પશે :
મારું નિર્ઘ્રુણ સૌન્દર્ય અસંક્ષિપ્ત
અસહ્ય અપરાધોમાં વિશ્વના તું તારી અંદર ધારશે,
કાળનાં ક્રૂર ને કાળાં કુકર્મોની તળે તું કચરાયલી
મારા પ્રહર્ષના સ્પર્શ કેરી મત્ત મુદાને સાદ પાડશે.
તારા જીવનને માટે બધા જીવો દૂત મારા બની જશે;
તારા મિત્રતણા હૈયા પર મારી પ્રત્યે ખેંચાઈ આવતા,
મળવાને મને બેળે પ્રેરાયેલા આંખોમાં તુજ શત્રુની,
માગણી કરશે મારી જીવો મારા તારા હૃદય પાસથી.
સંકોચ પામશે ના તું તારા કોઈ પણ બાંધવ જીવથી.
નિઃસહાયપણે સર્વ પ્રત્યે આકૃષ્ટ તું થશે.
તને જોઈ જનો લ્હેર હસ્ત મારા પ્રહર્ષના,
લહેશે શોક્પીડામાં પગલાંઓ વિશ્વની સંમુદાતણા,
એનો તુમુલ આઘાત જિંદગીની તેમની અનુભૂતિમાં
બે વિરોધી વસ્તુઓની પરસ્પર સ્પૃહામહીં.
તારે પ્રેમે સ્પૃષ્ટ હૈયા મારા આહવાનને ઉત્તર આપશે,
તારા કંઠતણા આવિષ્કારકારી સ્વરભારોતણી મહીં
પુરણું કાઢશે શોધી સંગીત ગોલકોતણું,
ને સમીપતરે મારી તું છે તેથી તેઓ આવી પહોંચશે:
બની વિમુગ્ધ સૌન્દર્યે તારા આત્મસ્વરૂપના
લેશે આશ્લેષમાં તેઓ દેહ મારો તારા ચૈત્યાત્મની મહીં,
સુણશે જીવને તારે સૌન્દર્ય મુજ હાસ્યનું,
જેનાથી મેં બનાવ્યાં છે
વિશ્વોને તે મહાનંદ રોમહર્ષ જાણશે.
છે તારી પાસ તે સર્વ અવરોના સુખને અરથે હશે,
છે તું તે સર્વ હોવાનું એક મારા હસ્તની માલકીતણું.
હર્ષ રેડીશ હું તારા દ્વારા કલશથી યથા,
ધુમાવીશ તને મારા રથ જેમ પથથી પથની પરે,
વાપરીશ તને મારી અસિ જેમ ને વિણા જેમ માહરી,
તારી પર બજાવીશ સંગીતોના સૂર મારા વિચારના.
ને તું જયારે કાંપમાના હશે સર્વા મુદાથકી,
ને સર્વ વસ્તુઓ સાથે રે'શે એકાત્મતામહીં,
ત્યારે હું જીવતા મારા અગ્નિઓની
તારે માટે નહીં કસર કૈં કરું,
પરંતુ તુજને ન્હેર બનાવીશ મારી અકાલ શકિતની.
મારા નિગૂઢ સાન્નિધ્યે આગે દોરી હતી તને
જોકે ભાન તને તેનું હતું નહીં,
પૃથ્વીના મૂક હૈયામાં ઉદભવી તું હતી તેહ સમાથકી
દોરી 'તી જિંદગી, દુ:ખ અને કાળ, સંક્લ્પ, મૃત્યુમાં થઇ,
આઘાતો મધ્યમાં બાહ્ય અને મૌનો મધ્યમાં ભીતરોતણાં,
દીક્-કાળના દેખાતા નિગૂઢ મારગો પરે
દોરી 'તી પ્રકૃતિ સારી સંતાડી જે રાખે તે અનુભૂતિએ.
મારા માર્ગણમાં પૂઠે લઇ મારી ગ્રહી લે જન જે મને
બંદીવાન મારો તે જાય છે બની :
એ હવે તું શીખવાની તારા હૈયાતણાં સ્પંદન પાસથી.
સેવ પ્રેમ સદાયે, ઓ પ્રભુ કેરી દાસી સુંદરરૂપિણી !
રાશ મારી બની જા તું વિશ્વવ્યાપક પ્રેમની.
મારા પ્રહર્ષના વ્યાપ્ત થતા પાશ કેરો ફંદો બનેલ ઓ !
તારી જાળે ઝાલાયેલા જીવને તું જોરજુલમથીય દે
આનંદ સૃષ્ટિના મિષ્ટ ને અગાધિત ઐક્યનો ,
પ્રેરે એને બલાત્કારે
લેવા આલિંગને મારી એકતાઓ અનેકશ:,
ને પાર વણનાં મારાં સ્વરૂપોને
ને મારા દિવ્ય ચૈત્યોને લેવા આશ્લેષની મહીં.
મન હે ! શાશ્વતી શાંતિ વડે તું પરિપૂર્ણ થા;
શબ્દ હે ! અમર સ્તોત્રગાનમાલા ગજાવ તું :
મિનારો હેમનો ઊભો થયો છે , છે જન્મ્યું બાલક જવાલનું .
" હૈયે તારે સ્પૃહા જેની તેની સાથે જીવને અવતીર્ણ થા.
ઓ સત્યવાન ! ઓ શુભ્ર સાવિત્રી ! મેં ઉભેયને
પુરણા કાળથી તારાઓ તળે મોકલેલ છે,
અકાલ જગને યુગ્મ શકિતઓ છો પ્રભુની ઉભયે તમે,
અસીમ આત્મથી બંધ રખાયેલાં વાડથી બદ્ધ સૃષ્ટિમાં,
પ્રભુને લાવતા નીચે અચેતન ઉજાશમાં,
જીવોને જગતી કેરા ઉદ્ધારીને લઇ જતાં.
પ્રભુ જ્યાં નવ દેખાતો અને માત્ર નામ એક સુણાય જ્યાં,
જ્ઞાન જ્યાં સપડાયું છે મન કેરી હદોમહીં
ને પ્રાણ કામના કેરી જાળે જ્યાં ઘસડાય છે
ને જડ દ્રવ્ય આત્માને છુપાવે છે એની જ નિજ દૃષ્ટિથી,
તું મારી શકિત છે કામ કરનારી
પૃથ્વી કેરું ભાગ્ય ઊંચે ચઢાવવા,
મારું સ્વરૂપ આરોહ કરનારું વિશાળા ઢળની પરે
બે પરકોટિઓ વચ્ચે આત્મા કેરી રાત્રિની દિનની તથા.
ને સત્યવાન છે મારો આત્મા જેહ અજ્ઞાન રાત્રિમાંહ્યથી,
પ્રાણ ને મન ને ઊર્ધ્વ પ્રકૃતિની બૃહત્તાને વટાવતો
આરોહી જાય છે સર્વથકી ઉચ્ચ જ્યોતિ પ્રત્યે અકાલની,
જાય છે ચલતા કાલે છુપાયેલી મારી શાશ્વતતા પ્રતિ,
અવકાશતણે વંકે કપાયેલી મારી નિઃસીમતા પ્રતિ.
એણે પાછળ છોડેલા મહિમા પ્રતિ એ ચઢે,
પોતે પતિત છે જ્યાંથી તે સૌન્દર્ય અને આનંદની પ્રતિ,
દિવ્ય સૌ વસ્તુઓ કેરા સામીપ્યે ને માધુર્યે અધિરોહતો ,
અસીમ જ્યોતિની પ્રત્યે, અમેય જીવન પ્રતિ,
ચઢે આસ્વાદ લેવાને ગહનોનો અનિર્વાચ્ચ-મુદાતણાં,
પામવા અમૃત-સ્પર્શ અને સ્પર્શ અનંતનો.
આત્મા એ મુજ છે જેહ ફંફોળે પશુની મહીં
પ્હોંચવા માનવી કેરી ઊંચાઈઓ વિભ્રાજં ત વિચારની
અને નિકટતા સત્ય કેરી સર્વોચ્ચતાતણી.
છે વર્ધમાન એ દેવ માનવી જીવનોમહીં
ને પૃથ્વીના આત્મ કેરાં સ્વરૂપોને કલેવરે,
પૃથ્વી કેરી અવિધાની મહીંથી છે પ્રકૃતિની મહોર્મિએ
આત્મા મનુષ્ય કેરો એ ચઢતો પ્રભુની પ્રતિ.
ઓ સાવિત્રી ! તું મારી આત્મ-શક્તિ છે,
આવિષ્કાર છે સૂર મારા અમર શબ્દોનો,
મુખ છે સત્ય કેરું તું માર્ગો ઉપર કાળના
પ્રભુ પ્રત્યે જતા પંથો નિર્દેશંતું જીવોને મનુષ્યજાતિના.
પ્રગાઢ વનની વાટે પડે જેમ ઝાંખું કિરણ ચંદ્રનું
તેમ આત્માતણા છન્ન શૃંગથી વિરલ પ્રભા
જડતત્ત્વતણી પૂરેપૂરી અચેત નીંદરે
પડતી હોય જ્યાં સુધી,
ને અર્ધ-જ્યોતિમાં હોય મન અર્ધ-સત્યો મધ્યે પ્રવર્તતું,
ને માત્ર માનુષી પ્રેમ માનુષી ઉર જણતું,
ને હોય જિંદગી શકિત ઠોકરાતી ને અપૂર્ણત્વથી ભરી,
ને દેહ ગણતો હોય દિનો નિજ અનિશ્ચિત,
ત્યાં સુધી તું જન્મ લેશે માનવીની સંદિગ્ધ ઘડીઓમહીં
આત્માની દિવ્યતા ઢાંકી રાખતાં રૂપની મહીં,
ને સૂર્ય વાદળાંમાંથી
પ્રકટે છે તેમ પૃથ્વીતણા શંકા કરતા વાયુમાં થઇ
ફાટી નીકળતો મારો મહિમા બતલાવશે,
મહિમા જવલતો યા તો વિરલા આંતરાગ્નિ શો,
અને મારા નામહીન પ્રભાવથી
ભરશે તું જીવનો માનવોતણાં.
વળી વિલોકશે તેઓ ઊર્ધ્વે શૃંગો ઉપરે પ્રભુનાં યથા,
પ્રભુને માણશે તેઓ પરિવ્યાપક વાયુ શો,
અને અચલ આધારે તેમ તેઓ ઠરશે પ્રભુની પરે.
ને વળી તગશે ચિત્ત પરે શૃંગિત સોમ શો
આત્માનો મહિમા બીજચંદ્ર જેવો પાંડુર વ્યોમની મહીં
અને પ્રભુતણી પ્રત્યે માનવીના જનારા માર્ગની પરે
એના જીવનને જ્યોતિ સમર્પશે.
પરંતુ પ્રભુના પારમહીં આથી વધારે છે છુપાયલું
જે એક દિન પોતાનું મુખ ગુપ્ત પ્રકાશશે.
અત્યારે મન ને એનું રશ્મિ સંદિગ્ધ છે બધું,
મન છે દેહ ને પ્રાણ કેરો નેતા,
રથ છે ચૈત્ય-આત્માનો ચલાવાતો વિચારથી,
વહી રાત્રિ વિષે જાતો ભાસ્વંત ભમનારને
દૃશ્યો પ્રત્યે દૂર કેરી અનિશ્ચત ઉષાતણાં,
અંત પર્યંત આત્માના અગાધ અભિલાષના,
કેવલ સત્ય ને પૂર્ણ સંમુદાના એના સ્વપ્નતણી પ્રતિ.
છે મહત્તર નિર્માણો, મન જેની કલ્પના ન કરી શકે,
જે ઉત્ક્રાંત થતા માર્ગ કેરે કૂટ નિર્ધારિત કરાય છે,
જે માર્ગ હાલ ખેડે છે યાત્રી અજ્ઞાનમાં રહી,
પછીના પગલાનું જયાં નિજ એને ન ભાન ને
નથી જ્ઞાન સ્વ-લક્ષ્યનું.
છે અગ્નિ એક આવેલો શિખાગ્રે ભુવનોતણા,
છે ધામ એક આવેલું જ્યોતિનું શાશ્વતાત્મની .
અનંત સત્ય છે એક, કેવલા એક શકિત છે.
આત્મા કેરું મહા-ઓજ છદ્મવેશો નિજ દૂર ફગાવશે;
એનું માહાત્મ્ય લ્હેવાશે રૂપ દેતું વિશ્વના ગતિ-માર્ગને.
પડદા વણના સ્વીય રશ્મિઓમાં થશે દર્શન એહનું,
અચિત્ ની રાત્રિમાંહેથી સિતારો એક ઊગતો,
પરા પ્રકૃતિને શુંગે આદિત્ય અધિરોહતો.
પરિત્યાગ કરી શંકાસ્પદ મધ્યમ માર્ગનો
થોડાક કરશે ઝાંખી ચમત્કારક મૂલની,
અને થોડાક તારામાં લહેશે ગૂઢ શકિતને,
મળવા વળશે તેઓ અનામી ચરણધ્વનિ,
જતા સાહસિકો એ જે પ્રવેશાર્થે બલવત્તર વાસરે.
પરિબદ્ધ કરી દેતા મન કેરા વિસ્તાતોમાંહ્યથી ચઢી
શોધી એ કાઢશે જંગી યોજના જગતીતણી,
માંડશે પગલાં તેઓ સત્ય-ઋત-બૃહત્ મહીં.
ગુપ્ત શાશ્વતતાઓને તું સમક્ષે એમની પ્રકટાવશે
અનંત્યોનો સ્મુચ્છવાસ આવિર્ભૂત ન હજીય ના,
જે આનંદે રચ્યું વિશ્વ તેનું કોક પ્રહર્ષણ,
ઘસારો કો ઓજ કેરો પ્રભુની સર્વશકિતનો,
કો રશ્મિપુંજ સર્વજ્ઞ રહસ્યમયતાતણો.
પરંતુ પ્રભુની જયારે ઘડી નિકટ આવશે
ત્યારે શકિતમતી માતા ધારશે જન્મ કાળમાં,
અને માનવ માટીમાં જન્મ પ્રભુતણો થશે
માનવી જિંદગીઓએ તારી સજ્જ કરેલાં રૂપની મહીં.
તે પછી સત્ય સર્વોચ્ચ આપશે મનુજાતને.
મનોમયાત્મની પાર આત્મા એક રહેલ છે,
બહુ રૂપે ઢળાયેલો એક અપરિમેય એ,
બહુસંખ્યક જે એક રૂપ તેની ચમત્કૃતિ.
છે એક ચેતના જેને સ્પર્શી ન શકતું મન,
વાણી મનતણી જેને ઉચ્ચારી શકતી નથી,
કે વિચાર ન એનો જે અભિવ્યક્ત કરી શકે.
એનું ધામ ધરાએ ના ને ના કેન્દ્ર મનુષ્યમાં,
છતાંયે મૂળ છે જેહ સઘળી વસ્તુઓતણું
જે વિચારાય છે ને જે કરાય છે,
સૃષ્ટિનો ને સૃષ્ટિ કેરાં કર્મોનો ઉત્સ જેહ છે.
એમાંથી સઘળું સત્ય અહીં ઉત્પન્ન થાય છે,
છે સૂર્યબિંબ એ ભગ્ન મનનાં કિરણોતણું,
અનંતતાતણું આભ વરસાદ વિભુનો વરસાવતું,
છે એ અસીમ આહવાન આપે છે જે મનુષ્યને
આત્માને ઉલ્લસાવવા,
વિશાળું લક્ષ્ય જેનાથી બને ન્યાય્ય એના પ્રયત્ન સાંકડા,
મહાનંદતણો અલ્પ જે એ આસ્વાદ મેળવે
તે માટેની નહેર એ.
કેટલાક બનાવાશે ભાજનો મહિમાતણાં,
વાહનો શાશ્વતાત્માની સંપ્રકાશંત શકિતનાં.
આ છે ઉચ્ચ અગ્રદૂતો, કાળના મુખ્ય નાયકો,
મહાન મુકિતદાતાઓ ધરા શું બદ્ધ ચિત્તના,
માનવી મૃત્તિકા કેરા અત્યુદાત્ત એ રૂપાંતરકારકો,
આદ્ય બાલક જન્મેલા નવીના દેવજાતિના.
મૂર્ત્તિમંતી દ્વયી શકિત પ્રભુનાં દ્વાર ખોલશે,
નિત્યકાલીન વિજ્ઞાન પૃથ્વી કેરા કાળને સ્પર્શ અર્પશે.
મર્ત્ય માનવની મધ્યે પરમાનુષ જાગશે
ને પ્રકાશે આણશે એ છૂયેલા અર્ધ-દેવને,
કે ઈશ-જ્યોતિ ને ઈશ-શકિતમાં વૃદ્ધિ પામશે
ગુહામાં ગૂઢ જે દેવ તેનું પ્રાકટ્ય સાધતો.
તે પછી પૃથિવી સ્પર્શ પામશે પરમાત્મનો,
જ્યોતિર્મય અને ખુલ્લું એનું રૂપ પરાત્પર
મનને ને હૃદયને પ્રભાસ્વંત બનાવશે,
ને ભાગવત સંકેતો કેરી દિવ્ય અક્ષરમાલિકા વડે
રહસ્યમયતા એની અનિર્વાચ્ચ પ્રકારની
જિંદગી ને કર્મ દ્વારા વ્યાખ્યાબદ્ધ બનાવશે.
એનો જીવંત વિશ્વાત્મા,
મિટાવી દઈને દોર મૃત્યુ ને વેદનાતણો,
ભૂંસી નાખી અવિદ્યાનાં વિધિસૂત્રો
ઊંડા સૌન્દર્યના અર્થે અને ગુપ્ત આશયે જિંદગીતણા,
ઘેરી લેશે અમૃતાર્થે સજ્જ થયેલ જીવને,
અનંતતાતણાં મોજાં દૃષ્ટિ એની વિલંઘતી
પાછી પ્રકૃતિને દેશે પૂર્વ કેરી એની જીવનની મુદા,
લુપ્ત આનંદની હૈયા-ધબકો છંદને લયે,
પોકાર પરમાનંદ કેરો ભૂલી જવાયેલો,
ને નૃત્ય વિશ્વ-સર્જન્તી આદિમા સંમુદાણું.
અંતર્યામી બની જાશે સાક્ષી પ્રભુ વિરાજતો
બહુપાંખડીઓવાળા પદ્મના નિજ આસને,
નિષ્કર્મ નિજ આત્માને અને મૌન શકિતને અવલોકતો
સનાતનતણે ધર્મે પૃથિવીની પ્રકૃતિને પ્રશાસતો,
મનીષીરૂપ એ વિશ્વ અચિત્ કેરું જગાડતો,
કેન્દ્રે અચલ એ એક આનંત્યોનું અનેકશ;
કાળ-સિંધુ કને એના સહસ્ર સ્તંભ પે ખડા
મંદિરાન્તર રાજતો.
શરીરી આત્મ તે બાદ પ્રભુ કેરો બની એક વિચાર ને
બની સંકલ્પ જીવશે,
બની એની દિવ્યતાનું છદ્મ વા પરિધાન વા,
ઓજાર એક ને ભાગીદાર એના પ્રભાવનો,
કે બિંદુ એક કે રેખા અંકાયેલી અનંતમાં,
અવિનાશીતણું વ્યક્ત સ્વરૂપ વા.
અતિમાનસ વિજ્ઞાન બની ઉત્સે જશે એના સ્વભાવનો,
સનાતનતણું સત્ય
વિચારો ને કર્મ એનાં રૂપબદ્ધ બનાવશે,
બનશે જ્યોતિ એની ને એને માર્ગ બતાવશે.
પલટાશે પછી સર્વ, ચમત્કારી વ્યવસ્થા આવશે પછી
યંત્રવત્ ચાલતા વિશ્વથકી ક્યાંય બઢી જતી.
જાતિ એક મહૌજસ્વી બની જાશે નિવાસી મર્ત્ય લોકની.
દિપ્ત પ્રકૃતિ-શૃંગોએ, આત્માની ભૂમિકા પરે
પરમાનુષ પુરુષ
બની જીવનનો રાજા નિજ રાજ્ય ચલાવશે,
બનાવી પૃથિવી દેશે પ્રાયઃ સ્વર્ગ-સખી, સ્વર્ગસમોવડી,
અજ્ઞાન જન-હૈયાને જશે દોરી પ્રભુ ને સત્યની પ્રતિ,
ને એની મર્ત્યતાને એ દેવરૂપ પ્રત્યે ઊંચે ઉઠાવશે.
પરિબદ્ધ કરી દેતી સીમાઓથી શકિત એક વિમોચિતા,
છે ધકેલાયલી જેની ઊંચાઈ ઊર્ધ્વની પ્રતિ
મૃત્યુ કેરી ભૂખડી પ્હોંચ પારમાં,
એવી જે જિંદગી તેના શિરોભાગો
જવલેશે અમૃતાત્માના વિચારોએ,
આક્રાંત જ્યોતિએ થાશે અંધકાર એની આધાર-ભૂમિનો.
પછી ઉત્કરાંત થાનારા કાળની પ્રક્રિયામહીં
આકર્ષી સર્વ લેવાશે એકમાત્ર એવી આયોજનામહીં,
દિવ્ય સંવાદિતા ધર્મ પૃથ્વી કેરો બની જશે,
સૌન્દર્ય અથ આનંદ
એની જીવનની રીતિ ઢાળે નવીન ઢાળશે :
હશે શરીર સુધ્ધાંમાં સ્મૃતિ દેવાધિદેવની,
મર્ત્યતાથી હઠી પાછી જશે પ્રકૃતિ, અગ્નિઓ
આત્માના દોરશે પૃથ્વી કેરી અંધક શકિતને;
આણશે જ્ઞાન ઊંચેરી સત્ય કેરી સમીપતા
અભીપ્સાને સેવનારા વિચારમાં.
અતિમાનસ વિજ્ઞાન જ્યોતિ માટે વિશ્વને માગશે હકે,
પ્રભુના પ્રેમથી મુગ્ધ હૈયાને પુલકાવશે,
શિરે પ્રકૃતિના ઊંચા કરાયેલા જ્યોતિનો તાજ મૂકશે,
ને એના અચલાધારે સ્થાપશે રાજ્ય જ્યોતિનું.
પૃથ્વીની પાસ જે સત્ય છે તેનાથી સત્ય એક મહત્તર
પૃથ્વી કેરો બની ચંદરવો જશે
ને એની સૂર્યની જ્યોતિ રેલશે એ મનના મારગો પરે;
શકિત એક અવિભ્રાંતા જશે દોરી વિચારને.
દેખતું એક વિક્રાંત ઓજ રાજ્ય ચલાવશે
જિંદગીની અને કર્મતણી પરે,
પાર્થિવ હૃદયો અગ્નિ પેટાવાશે અમૃતરૂપનો.
જાગશે એક ચૈત્યાત્મા અચિત્ ના ગૃહની મહીં;
પ્રભુ-દર્શનનું પુણ્યધામ મન બની જશે,
ઓજાર બનશે દેહ અત:સ્ફુરિત જ્ઞાનનું
ને જીવન બની જાશે ન્હેર દૃશ્યમાના ઈશ્વર-શકિતની.
સારી પૃથ્વી બની જાશે વ્યક્ત ધામ પરાત્મનું,
દેહ ને જિંદગી જેને જરાયે ન છુપાવતાં,
અજ્ઞાન મન કેરુંયે ન જરાયે છુપાવતું;
ભૂલ ના કરતો હસ્ત ઘટના ને ક્રિયાને ઘાટ આપશે.
આંખો આત્માતણી જોશે આંખો દ્વારા નિસર્ગની,
શકિત આત્માતણી સ્થાન લઇ લેશે શકિત કેરું નિસર્ગની.
આ વિશ્વ પ્રભુનું દૃશ્યમાન જાશે બની ઉઘાનનું ગૃહ,
પૃથ્વી બની જશે ક્ષેત્ર અને શિબિર ઈશનું,
મનુષ્ય મર્ત્યતાને ને દેહધારી નિજ ભંગુર ભાવને
મંજુારી આપવાનું વીસરી જશે.
વિશ્વ આ તોડશે સીલ પોતાના ગૂઢ અર્થની,
સૃષ્ટિની પ્રક્રિયા દેશે પલટાવી પુરાણો નિજ મોખરો,
શ્રેણી આરોહતી એક અજ્ઞ ક્રમવિકાસની
કરશે મુક્ત પ્રજ્ઞાન એના પાયા નીચે શૃંખલબદ્ધ જે.
આત્મા સ્વામી બની જાશે પોતાની જગતીતણો,
રૂપ કેરી તમોગ્રસ્ત સ્થિતિમાં ના હવે લેશે છુપાયલો,
અને પ્રકૃતિ પોતાનો કર્મ-ધારો વિપરીત બનાવશે,
પ્રકાશે આણશે બાહ્ય જગત્ સત્ય
પોતે જેને અવગુંઠિત છે કર્યું;
પ્રચ્છન્ન પ્રભુને સર્વે વસ્તુઓ પ્રકટાવશે,
આત્માની જ્યોતિ ને શકિત કેરો આવિર્ભાવ સર્વેય સાધશે,
કરશે ગતિ પોતાના ભાગ્ય પ્રત્યે સુખ ને શિવશાંતિના.
વિરોધી શકિત કો રાખે પકડી નિજ રાજ્યને
ને કરે હકથી દાવો સત્તા ઉપર નિત્યની
અને મનુષ્ય ના પાડે નિજ ઉચ્ચ અને અધ્યાત્મ ભાવિની,
તે છતાં વસ્તુઓમાનું સત્ય વિજય પામશે.
કેમ કે સર્વને સિદ્ધ કરે છે તે કાળની કૂચની મહીં
પુરુષોત્તમ-સંકલ્પ કેરી હોરા અવશ્યમેવ આવશે:
વળે છે સર્વ ને લે છે વળાંકો પૂર્વનિશ્ચિત
એના લક્ષ્યોતણી પ્રતિ
માર્ગે પ્રકૃતિના નક્કી કરાયેલા, જવું જ્યાં અનિવાર્ય છે,
થયો આરંભ વિશ્વોનો ત્યારથી જે આદેશિત થયેલ છે
સર્જાયેલી વસ્તુઓના ઊંડા હાર્દિક ગર્ભમાં:
વળી સર્વોચ્ચ સિદ્ધિ શો મૃત્યુ કેરો અંત સુધ્ધાંય આવશે,
મૃત્યુ અજ્ઞાનનું થશે.
પરંતુ પ્હેલવ્હેલાં તો ઉચ્ચ સત્યે
પૃથ્વી ઉપર પોતાના મૂકવા પાય જોઈએ,
ને સનાતનની જ્યોતિ પ્રત્યે ઇપ્સા રાખવી જોઈએ જને,
ને એનાં સર્વ અંગોએ બ્રહ્ય કેરો માણવો સ્પર્શ જોઈએ,
ને આખા જીવને એના
સેવવી જોઈએ આજ્ઞા એક આંતર શકિતની.
થશે આ પણ; કેમ કે
નવું જીવન આવશે,
જે હશે પારચૈતન્ય કેરું એક કલેવર,
પરા પ્રકૃતિનાં મોટાં સામર્થ્થોનું સહજ ક્ષેત્ર જે હશે:
સંસ્થાન સત્યનું દેશે બનાવી એ પૃથ્વીની જડ ભૂમિને,
અજ્ઞાનનેય એ પારદર્શી જામો બનાવશે
અને એની આરપાર સત્ય કેરાં શુભ્ર અંગો પ્રકાશશે
સત્ય પ્રકૃતિને માથે સૂર્યરૂપ બની જશે
ને એનાં પગલાંઓને સત્ય માર્ગ બતાવશે
ને સત્ય તાકશે ઊંચે ગર્તોમાંથી એના પાતાલલોકના.
બની પ્રકૃતિનો રાજા જન્મ લેશે અતિમાનસપૂરુષ
ત્યારે સાન્નિધ્યથી એના
પલટાશે નવે રૂપે જડદ્રવ્યતણું જગત્ :
અગ્નિ એ સત્યનો દેશે પ્રકટાવી તમિસ્રામાં નિસર્ગની,
લાદશે એ ધરિત્રીની પર ધર્મ સત્ય કેરો મહત્તર;
વળશે માનવી સુધ્ધાં આત્માના સાદની પ્રતિ.
જાગ્રત ગુપ્ત પોતામાં રહેલી શક્યતા પ્રતિ,
જે સુષુપ્ત સ્વ-હૈયામાં તે સર્વ પ્રતિ જાગ્રત,
ને રચાઈ ધરા જયારે
ને અજ્ઞ જગને જયારે અધિવાસ આત્માએ નિજનો કર્યો
ત્યારે પ્રકૃતિનો જે સૌ હતો અર્થ તેહની પ્રતિ જાગ્રત,
અભીપ્સા રહેશે એ સત્ય માટે,
પ્રભુ ને પરમાનંદ માટે રે'શે અભીપ્સતો.
વ્યાખ્યાતા જે વધારે દિવ્ય ધર્મનો,
ને ઓજાર પરમોચ્ચ પ્રયોજને,
તે ઉચ્ચતર કોટિનો આત્મા એક
નમશે ઊર્ધ્વ ઉદ્ધારી લેવા માટે મનુષ્યને.
પોતાની તુંગતાઓની પ્રત્યે આરોહવા માનવ માગશે.
નિમ્નના સત્યને સત્ય ઊર્ધ્વનું અવબોધશે;
મૂક પૃથ્વીય ચૈતન્યવંતી શકિત બની જશે.
આત્માનાં શિખરો અને
પાયો પ્રકૃતિનો ગુપ્ત પૃથક્ નિજ રહસ્યની
સમીપે કરશે ગતિ
ને પરસ્પરને એક દેવતાને સ્વરૂપે અવબોધશે.
જડદ્વવ્યતણી દૃષ્ટિ દ્વારા આત્મા બહાર અવલોકશે
ને જડદ્વવ્ય આત્માના મુખને કરશે છતું.
એકભાવ પછી થાશે માનવી ને અતિમાનસ-માનવી
ને આખી પ્રુથિવી જાશે બની એકમાત્ર જીવન જીવતી.
લોકસમૂહ સુધ્ધાંયે સુણશે દિવ્ય સૂરને
ને અંતરસ્થ આત્માની સાથે સંબંધ બાંધવા
વળશે એહની પ્રતિ
અને પ્રયતશે આજ્ઞા પાળવાને ઉચ્ચ અધ્યાત્મ ધર્મની :
પૃથ્વી આ ઊઠશે હાલી ઉદાત્ત પ્રેરણો વડે,
દેવ જે ગુપ્ત છે તેને લેશે પ્રકૃતિ ઓળખી.
ઝાઝા જનોય કો એક પ્રતિ-ઉત્તર આપશે,
પ્રભુ કેરા ધસારાનો મહિમા દિપ્ત ઝીલશે
ને પ્રચંડ ટકોરાઓ અદૃષ્ટ દ્વારા પે થતા.
સ્વર્ગીયતર આવેગ
માણસોનાં જીવનોને ઊર્ધ્વ પ્રત્યે ઉઠાવશે,
એમનાં માનસો ભાગ અનિર્વાચ્ય જ્યોતિ-પુંજે પડાવશે,
માણશે એમનું હૈયું અગ્નિ ને પરમા મુદા,
પૃથ્વીલોકતણા પિંડો ચૈત્યાત્માના ભાનવાળા બની જશે;
બદ્ધ-દાસો મર્ત્યતાના વિનિર્મુક્ત નિજ બંધોથકી થશે,
માત્ર જે માણસો છે તે વૃદ્ધિ પામી અધ્યાત્મ-પુરુષો થશે
અને મૂગી દિવ્યતાને જાગરૂક નિહાળશે.
સ્પર્શશે પ્રકૃતિ કેરાં શિખરોને અંત-સ્ફુરંત જ્યોતિઓ,
ને આવિષ્કારથી ક્ષુબ્ધ ઊંડાણો એહનાં થશે:
સત્ય બની જશે નેતા એમનાં જીવનોતણો,
વિચાર,વાચ ને કર્મ થશે સત્ય વડે આદિષ્ટ એમનાં,
લહેશે જાતને તેઓ ઊંચકાઈ સમીપતર સ્વર્ગની,
દેવોથી માત્ર થોડાક નીચા તેઓ જાણે પોતે રહ્યા ન હો.
કેમ કે જ્ઞાન પોતાના સ્રોતો દિપ્ત નિમ્નમાં પ્રવહાવશે,
ને નવે જીવને કંપ્ર અંધારેલું માનસેય બની જશે
ને આદર્શતણી આગે પેટાવશે, પ્રદીપશે,
વળશે છટકી જાવા મર્ત્ય અજ્ઞાનમાંહ્યથી.
હદો અજ્ઞાનની પાછી હઠી જશે,
સંખ્યામાં વધતા જાતા જીવો જ્યોતે પ્રવેશશે,
ગૂઢ હોતાતણો સાદ સુણવાનાં દિપ્ત પ્રેરિત માનસો,
ઓચિંતી આંતર જવાળે જિંદગીઓ ભભૂકશે,
હૃદયો બનશે મુગ્ધ અનુરાગે દિવ્ય આનંદની પરે,
ઈચ્છા સાથે ઈશ કેરી માનવેચ્છા તાલ ને મેળ સાધશે,
પૃથગ્ -ભાવી સ્વરૂપો આ આત્માની એક્તાતણી
પામશે અનુભૂતિઓ,
દિવ્ય સંવેદના કેરી શકિત જાશે બની આ ઇન્દ્રિયોતણી,
માંસમાટી અને નાડીયંત્ર એક દિવ્ય અદભુત હર્ષને
લહેવાને શકિતમાન બની જશે,
ન દેહો મર્ત્ય સામર્થ્થ ધારશે અમૃતત્વનું.
સેન્દ્રિયતત્વની જાળે અને કોશે
દિવ્ય એક શકિતનો સ્રોત્ર ચાલશે
ને શ્વાસોચ્છવાસ ને વાણી ને ક્રિયાનો કાર્યભાર ઉપાડશે
ને સર્વ ચિંતનો સૂર્યોનો પ્રકાશ બની જશે,
પ્રત્યેક લાગણી રોમહર્ષ દિવ્ય બની જશે,
વારે વારે વિભાવંતી ઉષા આંતર આવશે
ને સૂતા મન કેરાં એ સદના અજવાળશે;
ઓચિંતી સંમુદા એક ધાવમાન થશે પ્રત્યેક અંગમાં
અને પ્રકૃતિને દેશે ભરી એક સાન્નિધ્યે શકિતમત્તર.
આ પ્રકારે થશે ખુલ્લી પ્રુથિવી દિવ્યતા પ્રતિ
ને સામાન્ય સ્વભાવોયે સુવિશાળું ઊર્ધ્વ ઉત્થાન માણશે,
આત્માના રશ્મિએ કૃત્યો સામાન્ય અજવાળશે
ને ભેટો દેવતા કેરો પામશે એ સામાન્ય વસ્તુઓમહીં.
જગતી જીવશે ગુપ્ત પ્રભુને પ્રકટાવવા,
લઇ સ્વહસ્તમાં લેશે આત્મા લીલા મનુષ્યની,
જીવન પૃથિવીનું આ બનશે દિવ્ય જીવન."
સૂક્ષ્મ સંગીત કેરું એ તાલામાન શમી ગયું,
અજ્ઞાત ભુવનોને તલહીન આકાશોને વટાવતો
તરતા, પ્લવતા એક ત્વરમાણ પ્રપાત શો
તારા માફક સાવિત્રી કેરો ચૈત્યાત્મ ઊતર્યો.
અપાર્થિવ સિતારોના હાસ્યના ધ્વનિની વચે
સુણ્યા એણે આસપાસ નામહીન આવજોને પુકારતા,
અસંખ્યાત સ્વરો કેરો સૂર એ વિજયી હતો.
એના મેળાપને માટે વૃન્દ આવ્યું હસતા વાયુઓતણું.
અંતતતાતણો ભાર વહ્યો એણે, અને લહ્યો
સંક્ષોભ અંતરિક્ષીય આખાય અવકાશનો.
એનો પીછો લઇ એના નિપાતે એક આવતું
મુખ માધુર્યથી પૂર્ણ દૂરારાધ્ય એની ઉપર જે હતું
તે કો એક યુવાના મુખ શું હતું,
હતું પ્રતીક એ આંખે ન જોવાતી સર્વ સુંદરતાતણં,
ભભકાદાર રંગોએ ભર્યો મયૂર-પિચ્છનો
માથે એને હતો મુકૂટ શોભતો
ફ્રેમ નીલમની આસપાસ હોય એવો અભાસ આપતો,
હૈયાને કરતું ક્ષુબ્ધ હાસ્ય જે એ મુખે હતું
તેહ અતર્પ્ય આનંદ પ્રત્યે આકર્ષતું હતું,
સાવિત્રીના ચિદાત્માના આશ્લેષોને વિલાસમુખ આપતું.
આકારે બદલાયેલું ને છતાંયે એનું એ જ પ્રહર્ષણે
શ્યામ સુન્દર એ એક નારી-મુખ બની ગયું,
ચંદ્રમાએ ચકાસંતી રાત્રિ જેવું
તારા-રત્ને ખચેલા જ્યાં હોય મેઘ નિરુદ્દેશ વહ્યે જતા,
એનામાં મહિમાદીપ્તિ હતી છાયે છવાયલી,
અને ઊંડાણમાં એના ઝંઝાવાત ભર્યા હતા,
એ સંકલ્પે હતી ઉગ્ર અને પ્રેમે વિભીષણા.
આત્માના કો તીવ્ર ભાવ ભર્યા આંતર તત્વથી,
જેમાં અંધ મુદામગ્ન જિંદગાની સમુદભવી
તે આંખોએ કામ એને સોંપ્યું આ પૃથિવીતણા
ઘૂમરીઓ લઇ ધૂમંત નૃત્યનું.
રહી 'તી ઊતરી નીચે સાવિત્રી હર્ષથી ભરી,
જેમ સંતુષ્ટ હસ્તોમાં બાલ રાખે પકડી કો શકુંતને
તેમ નીચે ઉતારેલો આત્મા એણે ધર્યો 'તો સત્યવાનનો;
સાવિત્રીનો મુગ્ધ આત્મા સપ્રયત્ન પોતાના ગ્રાહમાંહ્યથી
કાળના અંત પર્યંત એને છોડી દેવાને માગતો ન 'તો,
રહસ્યમય આનંદ કેરા ફળ-સમાનને
બલિષ્ઠ બાથમાં લેતા નિજાત્મામાં હતો રાખેલ એહને,
વસંત-હૃદયે જેમ હોય ફૂલ છુપાયલું
તેમ વિયુક્ત ના થાય એ પ્રકારે ચૈત્યાત્મા સત્યવાનનો
એણે આણ્યો હતો ખેંચી પોતાના એ પ્રચંડ અવપાતમાં.
નીચે ઊતરતી'તી એ ત્યારે સ્વર્ગો અદૃશ્ય ત્યાં
એની પાસે થઇ ઊડી જતાં 'તાં વૃંદ વૃંદમાં .
પછી પૃથ્વીતણા સર્વ અંધ આકર્ષણે નિકટતા વડે
નીચે ઊતરતા હર્ષતણો વેગ ભયંકર પ્રમાણમાં
વધાર્યો બલ દાખવી.
ચઢે ચક્કર એવા એ વેગ કેરા ઉતારે ભાન ભૂલતી,
ઘૂમરાતી, ડૂબતી ને પરાભૂત એ અદૃશ્ય થઇ ગઈ,
સ્વર્ગના તરુથી નીચે ખરેલા ને ઘૂમતા પર્ણના સમી
ફેલાયેલી અચિત્તામાં જેમ કો એક પલ્લવે;
આતિથેયી સ્નિગ્ધતાએ લીધી એને લઇ અંતરની ભણી
ચમત્કારક ઊંડાણો કેરા આશ્ચર્યની મહીં,
એની ઉપર અંધારું પ્રૌઢ પાંખોતણું ઢાંકણ શું પડ્યું
ને એક માતને હૈયે સાવિત્રી ગરકી ગઈ.
પછીથી કાળને સાવધાન જોતી અકાળા એક ભૂમિથી
બ્રહ્યાત્મ એક પ્રારબ્ધ પર દૃષ્ટિ સ્થિર કરી,
ને પસાર થતા જોયા યુગો એની અંત વગરની ક્ષણે.
હતું હજીય સૌ સ્તબ્ધ દેવોના મૌનની મહીં.
ભાવીદર્શી ક્ષણે વ્યાપ્ત હતો કીધો અસીમ અવકાશને
અને નાખ્યાં હતાં એણે ત્વરમાણ જતા કાળતણે ઉરે
સનાતનતણી કેરી હીરક જ્યોતિને,
બીજ કિરમજી એક પ્રભુની સુખશાંતિનું;
અમર પ્રેમનો દૃષ્ટિપાત આંખ થકી થયો.
મૃત્યુથી મુક્ત નેત્રોએ બ્હાર જોયું એક અદભુત આનને;
અવિનાશી રહસ્યોને રક્ષનારો
દેખાયો હસ્ત સોનેરી આગળાઓ ખસેડતો.
પરંતુ મૌન દેવોનું જ્યાં પસાર થયું હ્તું
ત્યાં સ્પંદહીનતામાંથી જન્મેલા કો સામંજસ્યે મહત્તર
કર્યાં ચકિત ઝાંખતાં હૃદયોને મોદ ને માધુરીથકી,
એક મહામુદાથી ને હાસ્યથી ને પુકારથી.
શકિત એક નથી નીચે, સુખે એક પોતાનું ધામ મેળવ્યું.
અનંત પરમાનંદ વિશાળી વસુધા પરે
ગયો વ્યાપી પાંખો નિજ પ્રસારતો.
અગિયારમું પર્વ સમાપ્ત
પૃથ્વીલોકમાં પુનરાગમન
વનમાં સત્યવાનનું મૃત્યુ થયું. સાવિત્રીના ખોળામાં એનું ખોળિયું હતું. પણ સાવિત્રી યોગના પ્રભાવથી એના પ્રાણનાથનો પ્રાણ લેવાને આવેલા યમરાજને જોઈ શકતી હતી. એનો સમાધિસ્થ આત્મા સૂક્ષ્મ ભૂમિકાઓમાં ગતિ કરતો બની ગયો હતો. એણે તો યમનો પીછો લીધો અને અનેક સૂક્ષ્મ અનુભવોમાંથી પસાર થઇ, યમે બતાવેલાં ભય ને પ્રલોભનો વચ્ચે પોતાની દિવ્યતામાં દૃઢ ને એકસંકલ્પ રહી આખરે યમને માત કર્યો, એની પાસેથી અનેક ઈચ્છિત વસ્તુઓ મેળવી અને પૃથ્વીલોક માટે સત્યવાનના આત્માને પાછો આણ્યો.
હવે એ ગહન સમાધિમાંથી આ લોકની અવસ્થામાં આવી. દૈવીભાવમાંથી માનવભાવને પામી, છતાંય પોતે આમૂલ બદલાઈ ગઈ હતી. એના માનવ આધારમાં એક અલૌકિકતા આવી ગઈ હતી. પૃથ્વી ઉપર સંભવતી નથી એવી એક મોટી શકિત એનામાં જાગી હતી, સ્વર્ગમાંય સમાઈ ન શકે એવું એક મહાસુખ એનામાં નિવાસ કરતું બની ગયું હતું.માનવ વિચારથી જેરવી ન શકાય એવી એક મહાજ્યોતિ એનામાં પ્રકાશિત થઇ હતી, મનુષ્યની લાગણીઓ જેને ધારવા અસમર્થ છે એવો એક નિઃસીમ મહાપ્રેમ એનામાં પ્રકટ્યો હતો. વિશ્વોની મંગલમયતા એનામાં મલપતી હતી, સ્થળ-કાળમાં આવેલું ચરાચર સર્વ એણે આત્મસાત્ કર્યું હતું. અખિલ બ્રહ્યાંડ હવે એના આત્મામાં ગતિમાન બન્યું હતું, એને આધારે જ અસ્તિત્વમાં હતું, એના પ્રેમના પ્રહર્ષણપૂર્ણ આશ્લેષને માટે જ સરજાયું હતું. ભૂત-ભવિષ્ય-વર્તમાન એની સનાતનતામાં રહેલા હતા, એ પોતે હવે અનંતતાનું એક સ્વરૂપમાત્ર બની ગઈ હતી.
નિદ્રાસમાધિમાંથી જાગ્રત સમાધિમાં આવીને એણે સત્યવાનને પ્રબુદ્ધ કરવાનું કાર્ય આરંભ્યું. સત્યવાન ઉપર એ પ્રેમથી લળી ને પ્રથમ એનાં પોપચાં ઉપર ને પછી એના આખા શરીર ઉપર કોમળ ભાવે એણે પોતાના પ્રેમલ હસ્ત કોમલતાથી ફેરવવા માંડ્યો. સાવિત્રીના સ્પર્શે સત્યવાન ઉપર ચમત્કારી કામ કર્યું. સત્યવાને આંખો ઉઘાડી અને એમની વાટ જોઈ રહેલી સાવિત્રીની આંખોમાં દૃષ્ટિ દ્વારા પ્રવેશ
કર્યો એણે જોયું કે હવે પોતે પૃથ્વીલોકમાં હતો અને એનું આત્મસર્વસ્વ સાવિત્રી પાછી એની બની ગઈ હતી. આ ચમત્કાર અસ્પષ્ટ સ્મરણ સાથે સત્યવાન બોલ્યો : " ઓ હે સુવર્ણમયીદીપ્તિ ! ઓ દેવી ! ઓ સ્વર્ગીય સ્ત્રી ! ઓ મારા આત્માની કૌમુદી ! મને, તારા પ્રેમના બંદીને તું ક્યાંથી પાછો લાવી છે ? તારા સાથમાં હું અજાણ્યાં જગતોમાં જતો હતો, આપણે રાત્રિનાં દ્વારોને ઉવેખ્યાં હતાં; તારા વિનાનાં સ્વર્ગીય સુખો મારે જોઈતાં ન 'તાં, આનંદધામો પ્રતિ મેં પીઠ ફેરવી હતી; પણ ક્યાં છે પેલું ભયંકર સ્વરૂપ ? ક્યાં છે એ શૂન્યાકારનું કાળું ભૂત ? પ્રભુનો ને આત્માનો ઇનકાર કરનારી, મૃત્યુને માટે, શૂન્યને માટે જગત ઉપર દાવો કરનારી એ અઘોર સત્તા ક્યાં છે હવે ?
પણ સાવિત્રીએ ઉત્તર આપ્યો : " આપણે અળગાં થયાં એ જ એક સ્વપ્ન છે. આ રહ્યાં આપણે સાથમાં ને બાથમાં, જીવતાં ને જાગતાં. આ રહ્યું આપણં વનનું ઘર, આ રહ્યાં લીલાં મર્મરતાં પાંદડા, આ સંભળાય પંખીઓનો કલરવ; એ આપણાં સ્તુતિગાન કરી રહ્યાં છે, એ આપણા મધુર મિત્રો છે. મૃત્યુની કાળી રાત્રિને આપણે ક્યાંય પાછળ મૂકી છે, એક મહાસમર્થ સત્યતાથી, પ્રતીકાત્મક જગતોની જ્યોતિથી આપણે પલટાઈ ગયાં છીએ. પ્રભુને બારણે આપણે ઉભાં હતાં, મુક્ત અને નિર્મુમુક્ત, આત્માની અસીમતા સાથે એકાકાર બની ગયેલાં."
પછી બન્ને ઊઠયાં. પણ સત્યવાનની આંખમાં એક નવી ચમક આવી ને ભક્તને હૃદયે એ બોલ્યો : " સાવિત્રી ! તારામાં કેવો અદભુત ફેરફાર થઇ ગયો છે ! મારે મન તું દેવી તો હમેશાંની હતી જ, પરંતુ તારી માનવતા તને વધારે દૈવી બનાવી રહી છે. તું એવી તો ઉદાત્ત અને દિવ્ય દેખાઈ છે કે માટી આરાધના તારી આગળ અધૂરપ અનુભવે છે. કાળ તારે ચરણે ઢળેલો છે, ને આખું બ્રહ્યાંડ તારો જ એક અંશ હોય એવું મને પ્રતીત થાય છે. તારાઓ તારી દૃષ્ટિથી જ મને જોઈ રહેલા છે. મારા પાર્થિવ જીવની રક્ષિકા તું જ છે. મારું જીવન તારા સ્વપ્નસેવી વિચારોનો મર્મરધ્વનિ છે. મારાં દિવસ અને રાત તારા સૌન્દર્યના અંશમાત્ર છે. તારે લીધે જ મારું મર્ત્ય જીવન લંબાયું છે. તારા દ્વારા એને આનંદમય બનાવી દે."
સત્યવાનના ચરણમાં સાવિત્રીએ મસ્તક મૂક્યું અને મૃદુ રણકતી વીણાને સ્વરે એ બોલી : " હવે તો સર્વ કંઈ બદલાઈ ગયું છે, ને બદલાઈ ગયેલું હોવા છતાંય એનું એ જ છે. આપણે પ્રભુના મુખના મંગલ દર્શન કર્યાં છે, પરમાત્મા સાથે એકસ્વરૂપતા અનુભવી છે. એના સ્પર્શથી આપણો પ્રેમ બૃહત્તર બની ગયો છે, ને તેમ છતાંય આપણાં માનવી પ્રેમને ઊની આંચ આવી નથી. પ્રભુ સર્વને પૂર્ણતાએ પહોંચાડે છે, આપણી પૃથ્વીને રદ કરતો નથી. હું એની એ જ છું, એની એ જ મદ્રની રાજકુમારી. બધા જ મધુર સંબંધો આપણાં જીવનોમાં સાર્થકતા પામશે. હું તારું ને મારું રાજ્ય છે. હું તારી કામનાની રાણી છું ને દાસી પણ છું. હું છું તારા આત્માની બહેન ને તારી આવશ્યકતાઓ પૂરી પાડનારી માતા. તું મારું જગત
છે, તું મારો આરાધ્ય દેવ છે. આપણાં અંગો અન્યોયનાં પૂરક છે. આપણું પરિણીત જીવન નવેસર આરંભાય છે. પ્રભુની લીલાભૂમિ પૃથ્વી આપણને પાછી અપાઈ છે. ભૂતમાત્રમાં રહેલા ભગવાન સાથે આપણે પ્રેમથી એકાકાર બનીને રહીશું, પૃથ્વી ઉપરનો પ્રભુનો ઉદ્દેશ પાર પાડીશું. આપણે સર્વને આનંદ આપીશું. માનવને પરમ સત્યની ને પરમાત્માની પાસે દોરીને લઇ જઈશું."
સાવિત્રી અને સત્યવાન દેહે અને દેહીએ દ્વૈતમાંથી અદ્વેતમાં એકાકાર બની ગયા. રાત્રિ અને દિવસ પણ અન્યોન્યમાં અંતર્લીન થઇ જવા માટે લળ્યાં.
પછી એ જ્યાં આશ્રમ તરફ વળ્યાં ત્યાં તો માનવીઓને મહાકોલાહલ સંભળાયો ને એ નજીક આવતો જ ગયો. રાજા ધુમત્સેન દેખતો થઇ ગયો હતો ને એનું ગુમાવાયેલું રાજ્ય સ્વમેવ એની સેવામાં આવીને હાજર થઇ ગયું હતું, રાજ-વૈભવ ભર્યો રસાલો લઈને ઋષિમુનિઓના સાથમાં એ સત્યવાન ને સાવિત્રીની શોધમાં નીકળી પડયો હતો. રાણી પણ એની સાથે ચાલતી હતી. સૌથી પ્રથમ એ મમતાળુ માએ પોતાનાં બાળકોને દૂરથી જોયાં. પછી તો હજારો મશાલોના અજવાળામાં બધાં એ તરફ આગળ વધ્યાં.
પોતાના પ્રાણપ્રિય પુત્રની પાસે પહોંચતાં જ રાજરાણીનું હૃદય પ્રેમથી વિહવળ બની ગયું. રાજાએ મધુર વચનોએ સત્યવાનને ઠપકો આપતાં કહ્યું : " દેવો આપણી પર ત્રૂઠયા છે, મારી આંખોને પ્રકાશ પુનઃપ્રાપ્ત થયો છે, રાજલક્ષ્મી આપણને શોધતી આંગણે આવી ઉપસ્થિત થઇ ગઈ છે. વત્સ ! તારા વિલંબે અમને દુ:ખી બનાવી દીધાં છે વત્સ ! તારા વિલંબે અમને દુ:ખી દુ:ખી બનાવી દીધાં છે. ને સાવિત્રી ! તેં પણ સત્યવાનને વહેલો વહેલો ઘેર કેમ ન આણ્યો ? શું કોઈ જોખમે તો તમને રોકી રાખ્યાં ન 'તા ? તમારા વગર ખાવાપીવાનું અમારે માટે આકરું બની જાય છે, તે શું તમે નથી જાણતાં ?
સત્યવાન મોં મલકાવી બોલ્યો: " વાંક બધો આ સાવિત્રીનો છે. હું તો દૂર સુદૂરની અનંતતાઓમાં અટવા નીકળી પડયો હતો, ત્યાંથી આણે મને એની જાદૂઈ જાળમાં પકડીને અહીં પાછો આણ્યો છે. ચમત્કારો બધા એના જ છે. એના જ પ્રભાવથી હું આ લીલી પૃથ્વી પર તમારી આગળ ઊભો છે."
પછી તો સૌની દૃષ્ટિ સાવિત્રી તરફ વળી. જોયું જણાયું કે સાવિત્રી સામાન્ય સાવિત્રી નહોતી. પૃથ્વીલોકનું તેમ જ સ્વર્ગલોકનું મહાશ્ચર્ય એનામાં સંમૂર્ત્ત થયું હતું. એને જોઈ એક મુનિવર બોલ્યા, " ઓ અદભુતસ્વરૂપા સ્ત્રી ! તું અમારે માટે કયો અલૌકિક પ્રકાશ ને કઈ મહાશકિત લઈને આવી છે ? તેં અમારે માટે એક નવા યુગનો સમારંભ શરૂ કરીદીધો છે." જગતના જીવોને હૃદયમાં લઈને પ્રકટ થયેલી દેવીનું દર્શન સાવિત્રીનાં પડતાં પોપચાં સાથે પડદા પાછળ જતું રહ્યું, ને સાવિત્રી ધીરેથી બોલી : "હું મારા હૃદયના હાર્દ પ્રતિ જાગી ને મને જણાયું કે પ્રેમ અને એકાત્મભાવ જ સાચું જીવન છે. સર્વ કંઈ એ પ્રેમનો જ ચમત્કાર છે, એકાત્મતા અદભુતોની માતા છે. માત્ર આટલું હું જાણું છું ને જીવવા માગું છે."
પરમ જ્ઞાનના પ્રકાશથી ભર્યા આ ઉત્તરથી સર્વે ચકિત થઇ ગયા, અને પશ્ચિમ તરફ વળ્યા. શ્વેત અશ્વોથી જોતરાયેલા એક મહાસાગરમાં સત્યવાન અને સાવિત્રી વિરાજમાન થયાં. મહોત્સવ માણતા સર્વે આગળ ચાલ્યા, ને દક્ષિણ દિશાએ વનની ધારે ધારે ગાતા બજાવતા સર્વે સસૈન્ય પાટનગરને માર્ગે પ્રયાણ કરવા લાગ્યા.
રાત્રિના આકાશમાં તારાઓ તરતા હતા ને અંધકારમાં પ્રકાશની માર્ગ રેખાઓ રચતા હતા. ચંદ્રમાં વ્યોમમાં સ્વપ્ન સેવતો સરતો હતો. રૂપેરી શાંતિ સર્વત્ર પથારાઈ ગઈ હતી. રાત્રિ પોતાના નિગૂઢ હૃદયની રહસ્યમયતામાં મહત્તર પ્રભાતને પોષી રહી હતી.
દેહાતીત અવસ્થાનાં અગાધ અતલોકથી
સાવિત્રીનો સચેતાત્મા પામી ઉઠયો પ્રબુદ્ધતા.
પૃથ્વીમાતાતણું હૈયું સ્થિર ચેતનહીન જે
તે પરે એ ઢાળી હતી,
અને ત્યાંથી હતી જોતી શાખાઓ લીલમે સજી
હતી ઉપરથી નીચે ઝૂકતી ને મંત્રમુગ્ધ સ્વજીવને
સૂતેલી નીંદ કેરી રક્ષા જે કરતી હતી;
હતી ઉપર ત્યાં એક નીલપાંખાળ સંમુદા
પાંખોને ફફડાવતી,
ડાળથી ડાળ ઊડીને તાર સૂરે સાદ જે કરતી હતી.
જાદૂભરી અરણ્યોની એકાંત ગૂઢતામહીં,
પર્ણલીલમની જાળીમહીંથી ડોકિયાં કરી,
તંદ્રાએ વ્યાપ્ત વ્યોમોમાં ઢળી આરામ સેવતો
દિન ઓછો થતો થતો
સંધ્યાની શાંતિમાં ધીરે પોઢવા વળતો હતો.
સત્યવાનતણો દેહ પ્રાણવાન બન્યો હતો
તેને આશ્લેષમાં ધારી સાવિત્રી દાબતી હતી:
હયાતીના અને શ્વસોચ્છવાસના મૌન હર્ષને
લહેતા નિજ દેહ પે
વક્ષ વચ્ચે, નિષેવાતા ઉષ્માપૂર્ણ મહાસુખે
સત્યવાનતણો શીર્ષભાર આનંદ આપતો
સાવિત્રીએ ધર્યો હતો;
એનાં અંગોમહીં ભાર ભર્યો 'તો સ્વર્ગધામનો,
એના સ્પર્શમહીં શ્રેયપ્રેય સૌ વસ્તુઓતણું
રહ્યું 'તું એકઠું થઇ,
અને સાવિત્રીનું સકલ જીવન
સત્યવાનતણાં જીવનના ભાને ભર્યું હતું;
સાવિત્રી સર્વે આત્માથી આલિંગને આત્માને સત્યવાનના
સંમુદા માણતી હતી.
દૂર-સુદૂરતા એની પારવાર સમાધિની
થઇ દૂર ગઈ હતી;
બની ગઈ હતી પાછી માનુષી એ, સાવિત્રી પૃથિવીતણી,
છતાંય એ લહેતી 'તી પોતાનામાં પલટો હદપારનો.
ધરાર્થે અતિશે મોટી શકિત એક એને ચૈત્યે વસી હતી,
સ્વર્ગાર્થે અતિશે ભવ્ય મહામોદ એને હૈયે રહ્યો હતો.
વિચાર-અર્થ અત્યંત તીવ્ર એવી મહાધુતિ,
પૃથ્વીની લાગણીઓ જે ધારવાને સમર્થ ના
એવો પ્રેમ અસીમ, તે
સાવિત્રીનાં મનોવ્યોમો અજવાળી રહ્યાં હતાં,
ને આત્માને સુખે પૂર્ણ અગાધ સાગરોમહીં
પરિવ્યાપ્ત થયાં હતાં.
એનાં દિવ્ય મનોભાવ કેરી નિષ્ક્રિયતા કને
આવ્યું ઉપસરી સર્વ જે લોકે છે પવિત્ર તે.
કરતો સ્વ વિચારોને વ્યક્ત એક અદભુત સ્વર મૌનનો.
સ્થળ ને કાળમાં જે જે હતું તે સૌ સાવિત્રી નિજ માનતી;
એનામાં સઘળાંયે એ ગતિમાન થતાં હતાં,
એનાથી જીવતાં 'તાં ને હતાં અસ્તિત્વ ધારતાં,
બૃહદ્ બ્રહ્યાંડ આખુંયે આનંદાર્થે એને વળગતું હતું,
સર્જાયું એ હતું લીન થવા એના પ્રેમાલિંગનની મહીં.
સ્થલાતીત હવે એના મર્યાદામુક્ત આત્મમાં
અસંખ્યા વરસો દીર્ધ લંબાયેલી ક્ષણો શાં લાગતાં હતાં,
દિપ્ત કાળ-કણો ઝીણા સનાતન સમાતણા.
ઊડી આગળ આવેલા કોઈ એક વિહંગ શાં
સાવિત્રીના પ્રભાતો પૃથ્વીતણાં
કો જ્યોતિર્મય આનંદ કેરાં ઉડ્ડયનો હતાં.
અનંતાતણું એક રૂપ નિઃસીમ એ હતી.
ક્ષણો ધબકારામાં લવે લીન થયા વિના
આત્મા એનો લહેતો 'તો ભાવી અંત ન પામતું
ને આરંભ પામતા
સમસ્ત ભૂતની સાથે નિવાસ કરતો હતો.
ઉઘાડ વિજયી એક ઉષા કેરો હતું જીવન એહનું,
વીતી ગયેલ ને જન્મ ના પામેલા
દિનો સંયુક્ત પોતાનાં સ્વપ્નાં સાથે થયા હતા,
પુરાણી લોપ પામેલી સંધ્યાઓ ને સુદૂરથી
આવી રહેલ મધ્યાહનો, પૂર્વજ્ઞાન ધરાવતી
ઘટિકાઓતણું દૃશ્ય એને સૂચવતાં હતાં.
ધ્યાયંત સંમુદામાં એ ચતાપાટ ક્ષણ એક ઢળી રહી,
જાગ્રત્ સમાધિનો ભાવ સહાશ્ચર્ય નિષેવતી;
પછીથી અડધી ઊઠી આસપાસ એણે નજર ફેરવી
જાણે મેળવવા પાછાં સૂત્ર જૂાનાં નજીવાં તોય મીઠડાં,
વિચારો સુખિયા જૂાના સંઘરેલાં સ્મરણો લઘુ કીમતી,
ને ગૂંથી તે બધાં એક અમરાહ બનાવવા.
રહી સતત એ ધારી સ્વ હૈયાનું હતું જે સ્વર્ગ તેહને
--પોતાના પ્રિયને મંત્રમુગ્ધ જે ઊતર્યો હતો
કો અગાધ સુષુપ્તીમાં,
સંમતિ આપનારા બે લોક કેરી કિનાર પે
અભાન એક બાલાત્મા સમો શાંત ઢળેલો સુખ- નીંદરે.
સ્વ પ્રેમી પર સાવિત્રી કિન્તુ અચિર ઝૂકતી
ને એનું મન બોલાવી પોતાની પ્રતિ લાવવા
ફરતો સ્પર્શ પોતાનો સમર્પંતી એને બીડેલ પોપચે;
પ્રબલામોદની એની દૃષ્ટિ સ્થિર ઠરી હતી,
ન હવે ઝંખને ભરી,
કિન્તુ નિઃસીમ આનંદે યા સર્વોચ્ચ પરાકોટિ પહોંચતા
સંતોષે બૃહતી બની;
હતી વિશુદ્ધિ એનામાં દેવોના ગાઢ ભાવની.
કામના પાંખ પોતાની હતી ના ફફડાવતી;
કેમ કે વ્યોમનો લીન કાબુ જેમ વશ વિસ્તારને કરે
ને લેવા ભૂમિને ભેટે સૌ દિશાથી આવે આકાશ ઊતરી,
તેમ ગુંબજ-આકારે કિરણો સ્વર્ગલોકનાં
ઊતર્યે જે બને તેવું બન્યું હતું,
શાન્ત પ્રહર્ષણે પૂર્ણ, બેશુમાર સલામતી.
પછી એનો થતાં સ્પર્શ ફૂલ શાં સત્યવાનનાં
પોપચાં પરથી ઊઠી નિદ્રા નિઃશ્વાસ નાખતી,
મૃદુ પાંખો પ્રસારીને માથે ચક્કર મારતી
થઇ વિદાય ઊડીને રવ મર્મરતો કરી.
જાગ્યો એ, જોયું કે આંખો સાવિત્રીની
એની આંખોતણી રાહ હતી જોઈ રહી તહીં,
સાવિત્રીના હસ્ત કેરી એને સંવેદના થઇ,
જોઈ એણે ધરા, ધામ નિજ એને ફરી પાછું અપાયલું.
બનાવાયેલ સાવિત્રી પાછી પોતાતણી ફરી,
સાવિત્રી જે હતી સૌ કૈં એના ગાઢાનુરાગનું.
બાહુને વલયે એણે લીધો એને દૃઢબંધમહીં ગ્રહી,
જીવંત હતી ગ્રંથિ એ સ્વસ્વામિત્વ ગાઢ ગાઢ બનાવતી,
અટકી પડતે ઓઠે એ એનું નામ મર્મર્યો,
ને અસ્પષ્ટપણે યાદ કરી આશ્ચર્ય ઊચર્યો,
" સ્નેહશૃંખલથી બદ્ધ મને-આ બંદિને, કહે
ક્યાંથી આણેલ છે પાછો તેં હ્યાં તારી સમીપમાં,
સૂર્યનાં કિરણો કેરી દીવાલોમાં, સાવિત્રી ! સ્વર્ણકાંતિ હે !
મંજૂાષા સર્વ માધુર્યે ભરી, ઓ હે ! કહે મને,
દેવતામૂર્ત્તિ ને નારી ચંદ્રિકા મુજ આત્મની ?
કેમ કે સાથમાં તારા, ખાતરી છે, અજાણ્યાં જગતોમહીં
મુસાફરી કરી છે મેં મારી પાછળ આવતા
તારા આત્માનુસારમાં,
કરી છે આપણે બેએ રાત્રિ કેરાં દ્વારોની અવહેલના;
પાછો વળી ગયો છું હું સ્વર્ગના સુખ પાસથી,
તારા વિના અધૂરું હું માનું છું સુખધામ એ.
રે ! હવે ક્યાં ગયો ચાલી પેલો ઘોર સ્વરૂપનો
ઉભો જે આપણી સામે થયો 'તો તે આત્મા કેવળ રિક્તનો,
મૃત્યુ ને શૂન્યને માટે કરતો 'તો દવે જે દુનિયા પરે,
આત્મા ને પરમાત્માનો કરતો ઇનકાર જે ?
કે પછી એ બધું એક હતું સ્વપ્ન કે કો આભાસ-દર્શન
આત્માની એક નીંદરે,
કે કાળના વિરોધોનું પ્રતીકાત્મક રૂપ કો,
કે માર્ગ અજવાળંતી અંધકાર કેરા કોક દબાણથી
અર્થસૂચક ઉલ્કા એ ચેતાવાયેલ ચેતને,
કે સમુદ્રની મધ્યે મૃત્યુ કેરી તારાર્થે માર્ગદર્શિકા,
કે જે સ્વજ્યોતિની સાહ્યે યાદૃચ્છાના માર્ગોએ જામતી ઠઠે
નાળીમાં કાઢતી શોધી જીવને જે આવ્યો છે સૃષ્ટિ-સાહસે,
ચાર રૂપ બનીને હ્યાં યાત્રાએ શાશ્વતીથકી ? "
પરંતુ ત્યાં સાવિત્રી ઉત્તરે વદી,
" પડયાં જે આપણે છૂટાં તે તો કેવળ સ્વપ્ન છે;
આપણે સાથમાં છીએ, જીવતાં, સત્યવાન હે !
જો સત્યવાન ! તું તારી આસપાસ આપણું ગૃહ આ અને
આ અરણ્ય સુખે પૂર્ણ, કશોયે જ્યાં ફેફર થયો નથી;
સહસ્રો સ્વર એવા ને એવા ત્યાં સંભળાય છે,
પાંદડાંમાં થઈને જો વાયુ મર્મર વાય છે,
લીલમી દૃશ્યમાંયે જો જ્યાં બાકોરાં બનેલ છે
ત્યાં તેમાં થઈને વ્યોમ સાંજનું નજરે પડે,
પ્રભુનું નીલ વર્ણનું
જો વિતાને આશરો જે આપણી જિંદગીતણો,
હૈયાના હર્ષ ખાલી કરે કૂજી વુહંગમો ,
પાંખાળા કવિ એકાંન્ત આપણા અહીં રાજ્યના અહીં
ભૂ પરે આપણા મિત્ર, રાજા-રાણી આપણે જ્યાં વિરાજતાં.
માત્ર છે પૂઠળે છોડી મૃત્યુ-રાત્રિ આત્માઓએ જ આપણા
સ્વરૂપાંતર પામીને ઓજસ્વી એક સ્વપ્નની
સત્યતાના પ્રભાવથી,
પ્રતીકાત્મક લોકોની પ્રભા ઝીલી પ્રકાશતા,
આશ્ચર્યે કરતા સ્તબ્ધ શિખરે વસ્તુજાતના
જ્યોતિ:સ્નાત બની જતા,
સીમાતીત અને મુક્ત
આત્માઓ આપણા ઊભા હતા દ્વારે પરમાત્મસ્વરૂપના."
પછી ઉભાં થયાં બન્ને મહિમાએ સ્વ સૌભાગ્યતણા ભર્યાં,
અંગુલીઓ મધ્ય ઘાલી અંગુલીઓ સુરક્ષિતા,
આલંબ્યાં એકબીજાને અવરે અવલોકતાં.
પણ એ નિજ હૈયામાં નવા આશ્ચર્યથી ભર્યો
ને આંખોમાં અર્ચનાની અર્ચિ એક નવી ધરી
વધો, " તારી મહીં આ શું દિવ્ય દિવ્ય રૂપાંતર થયેલ છે ?
ઓ સાવિત્રી ! સદાયે તું સુપ્રસન્ન શુભા હતી
દેવી પ્રશાંતિએ પૂર્ણ અને પાવનરૂપિણી,
પરંતુ માનુષી તારા અંશોએ તું હતી વધુ પ્રિયા મને,
પૃથ્વી કેરું પ્રદાન એ
દિવ્ય જે તું હતી તેને વધુ દિવ્ય બનાવતું.
મૂર્ત્તિ મૌનમયી મારા આત્માના દેવમંદિરે,
ઝંખના કરતી દેવી, વધુ સુવર્ણશોભિની,
મારા આરાધના કેરા ભાવને આણતી વશે,
ઈચ્છાને મુજ એ એના લક્ષ્ય પાસે ઝુકાવતી,
લેતી આશ્લેષમાં મારા સાહસી ઘૃષ્ટ ભાવને,
દેહ-દેહી ઉભે આપી
દાવો મારી જિંદગીની જાગીરી પર રાખતી,
મારા પ્રહર્ષની દાવે સ્વામિની, ને
મારા પ્રેમતણી મીઠી માલમત્તા ઉપરે હક રાખતી.
હવે કિન્તુ જણાતું કે તું છે એવી મહોચ્ચ ને
માહાત્મ્યથી ભરેલી કે પૂજાઓ પ્રાય મર્ત્યની
તારી આગળ વામણી;
તારા પદતળે કાળ ચતોપાટ પડેલ છે,
આખું ભુવન ભાસે છે માત્ર તારા એકાદા અંશના સમું,
તારું સાન્નિધ્ધ છે મૌનીભૂત સ્વર્ગ જેમાં મારો નિવાસ છે,
તારાઓની મીટમાં તું મને જોઈ રહેલ છે
તે છતાં મુજ આત્માની રખેવાળી કરે તું પૃથિવી પરે,
મારું જીવન છે તારા
સ્વપ્નસેવી વિચારોના એક મર્મરના સમું,
મારાં પ્રભાત છે તારા આત્મા કેરી પાંખોની પુલકપ્રભા,
ને ભાગ તુજ સૌન્દર્ય કેરો દિવસરાત છે.
લીધું શું તેં નથી મારું હૈયું તારા હૈયાના પરિવેશની
સૂરક્ષામાં રાખવાને સંઘરી નિધિ શું ગણી ?
મૌનમાંથી અને નિદ્રામાંથી પામી પ્રબોધતા
તારે લીધે કબૂલી છે મેં અસ્તિત્વતણી સ્થિતિ.
મારા જીવનની મર્ત્ય વૃત્તરેખા
લંબાવી છે મેં તારા જ પ્રભાવથી,
ને હવે નકશાઓમાં ન અંકાયેલ દૂરનાં
આનંત્યો મુજ કાજે તેં આણ્યાં છે ઉપહારમાં
ને સીમા એમને નથી.
તેમને પૂરાવા માટે જો તું તારાં ઊડણો પુણ્ય સેવશે
તોયે આ માનુષી મારી માટી તારી માગશે મહતી મુદા :
હજીએ જિંદગી મારી તારા દ્વારા હર્ષગાન બનાવ તું,
ને મારા સર્વ મૌનને
તારે સંગે બનાવી દે વિશાળું ને ગભીર તું."
બહાલી આપતી રાણી સ્વર્ગ કેરી ઈચ્છાને સત્યવાનની,
સાવિત્રીએ ગ્રહ્યા એના પાપ આશ્લેષની મહીં;
રેશમી મૃદુતાયુક્ત પ્રેમ કેરા દુકૂલ શા
અલકો મંદિરાકારે ચરણો ફરતા ધરી,
મંજુ મર્મરતી વીણા સમ એ મંદ ત્યાં વદી :
:" હવે સૌ બદલાયું છે છતાંયે છે એનું એ જ હજીય સૌ.
દૃષ્ટિપાત કર્યો છે, જો, આપણે પ્રભુને મુખે,
આરંભ દિવ્યતાથી છે આપણા જીવને કર્યો.
છે આપણે અનુભવી પરમાત્મા સાથે એકસ્વરૂપતા ,
એનો આશય જાણ્યો છે આપણાં આ માનવી જીવનોમહીં.
મહત્તર બનેલો છે એ ઓજસ્વી સ્પર્શથી પ્રેમ આપણો
ને એને છે થયું જ્ઞાન પોતાના દિવ્ય અર્થનું,
ને છતાં ન કશું નાશ પામ્યું મર્ત્ય પ્રેમ કેરા પ્રમોદનું.
સ્વર્ગના સ્પર્શથી સિદ્ધ થાય છે સુકૃતાર્થતા
પરંતુ આપણી પ્રુથ્વી એથી રદ થતી નથી :
ધરા પર શરીરોને આપણાં આ છે જરૂર પરસ્પર;
છતાંયે માનુષી હૈયા કેરાં સ્પંદન આપણાં
તીવ્રાનુરાગથી પૂર્ણ ગાઢ ગાઢ, આપણાં હૃદયો મહીં
આવૃત્તિ કરતાં રે' છે છૂપા સ્વર્ગીય છંદની.
તેની તે જ છતાં છું હું
આ અરણ્યણે પ્રાંતે સૂર્યે ઉજજવલ પર્ણના
મર્મરાટતણી્ મધ્યે આવેલી તુજ પાસ જે
તે જ હું મદ્રની બાલા, સાવિત્રી તે જ તે જ છું.
પૂર્વે જે હું હતી તારે માટે તે હું પૂર્ણ રૂપે હજીય છું,
તારા સર્વે વિચારોની, આશાઓ ને શ્રમોતણી
છું અંતરંગ સંગાથી સુખિયાં પ્રતિકૂલ સૌ
જોડીશ તુજ કાજ હું.
મીઠા સંબંધ સંલગ્ન થયેલા છે આપણા જીવને બધા,
તું મારું રાજ્ય છે તેમ તારું હું પણ રાજ્ય છું,
છું શાસિકા તથા દાસી હું તારી કામનાણી,
સ્વામિની પ્રણતા છું હું, ભગિની તુજ આત્મની,
મા છું તારી જરૂરોની; તું છે મારું ચરાચર,
છે આવશ્યકતા જેની મને તે તું વસુન્ધરા,
મારા વિચાર વાંછે જે તે મારું સ્વર્ગધામ તું,
તું વિશ્વ જ્યાં વસું છું હું, મારો આરાધ્ય દેવ તું.
તારું શરીર છે પૂર્ત્તિરૂપ મારા શરીરની,
તારા પ્રત્યંગને પ્રાર્થે અંગ મારું પ્રતિ-ઉત્તર આપતું,
તારું હૃદય છે ચાવી મારી સર્વે હૈયાની ધબકોતણી,
હે સત્યવાન ! આ છું હું તારે માટે
અને મારે માટેયે તું સમસ્ત આ.
નવેસર શરૂ થતું
જિંદગીમાં થઇ યુક્ત સહચારિત્વ આપણું,
હર્ષ કો ન થતો લુપ્ત, લુપ્ત ના કો ઊંડાણે મર્ત્ય મોદનું;
નવું જગત જે એનું એ જ છે તેમહીં થઇ
જઈએ આપણે, ચલો.
કેમ કે આપવામાં એ પાછું આવેલ છે છતાં
જ્ઞાત આપણ બેઉને,
છે એ પ્રભુતણું ક્રીડાક્ષેત્ર, સ્થાન નિવાસનું
જ્યાં જાતને છુપાવે એ પશુ-પક્ષી-મનુષ્યમાં,
પ્રેમ ને એકતા દ્વારા પાછી એને સહમાધુર્ય પામવા.
એનું સાન્નિધ્ય દોરે છે જિંદગીના લયો બધા,
દુ:ખ હોવા છતાંએ જે રહ્યા શોધી એકબીજાતણી મુદા.
આપણે એકબીજાને શોધી કાઢેલ આત્મની
મહાજ્યોતિમહીં પ્રાપ્ત કર્યાં છે, સત્યવાન હે !
ચાલો પાછાં જઈએ છે સંધ્યાકાળ નભોમહીં.
મરી શોક ગયો છે ને આયખાના દિનોતણું
બની હાર્દ હમેશનું
હવે પ્રસન્ન આનંદ રહ્યો છે અવશેષમાં.
જો, આ જીવો બધા કેવા છે આ અદભુત લોકમાં !
ચાલો, સૌનેય આનંદ આપીએ જે આપણો છે બની ગયો.
કેમ કે નિજ માટે જ નથી આવ્યા આત્માઓ આપણા અહીં,
પટ અવ્યક્તનો ભેદી
રહસ્યમય ને સીમાતીત અજ્ઞેયમાંહ્યથી,
સંદિગ્ધ પૃથિવી કેરા અજ્ઞાન હૃદયે અહીં
પરિશ્રમે મચેલા ને ઢૂંઢતા માનવોતણી
રીતિઓ અપનાવવા:
છે બે અગ્નિઓ સૂર્ય પિતા પ્રત્યે પ્રજવલંત બની જતા,
રશ્મિ એ બે આદી જ્યોતિ પ્રત્યે યાત્રી બની જતાં.
થયો છે આપણો જન્મ સત્ય ને પ્રભુની પ્રતિ
દોરી લઇ જવા માટે જીવને માનવીતણા,
ચિત્ર-વિચિત્ર છે જે આ મર્ત્ય-જીવન-યોજના
તેને અમર-આત્માના માનચિત્ર કેરું સ્વરૂપ આપવા,
પ્રભુના પ્રતિબિંબને
વધારે મળતા રૂપે ઘડવા રૂપ એહનું,
સમીપતરતા એને આપવાને ભાવની દિવ્યતાતણા."
સંવત્સરોતણી યાત્રા ચાલે છે તે મહીં થઇ,
હંમેશા નિજ હૈયાએ સજાયેલો રાખવા સત્યવાનને
સાવિત્રીએ ભુજા મધ્યે જાણે એના વક્ષ ને શિરને ધર્યું.
આમ ક્ષણેક એ ઊભાં ગૂંથાયેલાં ઉભયે એકમેક શું,
ચુંબન એમનું અને
ભાવના લયથી યુક્ત આશ્લેષ એમનો બન્યો
કેન્દ્ર મિલનનું ઓતપ્રોત ઉભય આત્મમાં
એકરૂપ હમેશના,
આત્મદ્ધય અને દેહદ્વય રૂપે કાલે આનંદ માણવા.
પછી બન્ને મિલાવીને હાથ શું હાથ, છોડતાં
ધીરગંભીર એ સ્થાન, હતું જેહ હવે ભર્યું
મૂક્ભાવી અસામાન્ય સ્મૃતિઓએ, વનને હૃદયે થઇ
વળ્યાં પાછાં ઉભે ધીરે દૂર લીલું હતું સ્વગૃહ વન્ય જ્યાં :
સંધ્યામાં પલટો પામ્યો અપરાહણ એમની આસપાસમાં,
પ્રભા સરકતી નીચે કિનારીએ સૂતી પ્રસન્નતા ભરી,
ને પાંખો પર પક્ષીઓ આવ્યાં પાછાં પોતાના નીડની ભણી,
આલંબ્યાં દિન ને રાત એકબીજાતણા ભુજો.
આસપાસ હવે સાંધ્ય છાયે છાયેલ પાદપો
ઊભાં ધારી સપીપતા
સત્ત્વો સ્વપ્નસ્થ ના હોય તેવાં, રાત્રીને વિલંબ કરાવતાં,
ધૂરનયના સંધ્યા મગ્ન ચિન્તનની મહીં
તેમનાં પગલાં કેરા ધ્વનિને સુણતી હતી,
ને સર્વે દિગ્-વિભાગોથી ચતુષ્પાદ નિશાચરો
કેરા અવાજની સાથે હિલચાલોય એમની
સમીપે આવતી હતી.
પછી તો ઊઠતો જાગી કો કોલાહલ માનુષી,
દીર્ધકાલીન એકાંતે એમના જે વિદેશીય સમો હતો,
પર્ણો કેરી મનોહારી અટવીની ઉપરે આવતો ચડી,
હતું એકલ એકાન્ત સુપવિત્ર,
તેની અક્ષત નિદ્રાને બલાત્કારે પ્રભંજતો.
અવગુંઠિત સંધ્યાને વીંધીને એ હજી ઘેરો થતો હતો,
અનેક તરતા સ્વરો
ને ધ્વનિ પગલાંઓના આવતા 'તા સમીપમાં
ને જાણે રંગનું મોજું આવ્યું ના હોય ઊમટી
તેમ ભભક ને ભીડ ભર્યું ઉઘત ઉઘમે
જીવન માનવીઓનું થયું પ્રત્યક્ષ આંખને.
ભભૂકંત મશાલો ત્યાં આવી પ્રથમ દોરતી,
ભવ્ય ઝળહળાટોએ ભર્યું આવી પહોંચ્યું જુાથ તે પછી.
આવ્યું જીવન લ્હેરાતું વ્યવસ્થિત ધમાલથી,
અજાણ્યાં વદનો કેરો પ્રવાહ નિજ લાવતું;
પધોની મસ્તકે સોના-કિનારો સંકુલા હતી,
સોનેરી કસબે જામા ભભકાદાર લાગતા,
ચમકારા મારતાં 'તાં ઘરેણાં ને ઝૂલો ઝબૂકતી હતી,
સેંકડો હાથ લાગ્યા 'તા કામે ડાળો વેગળી કરવા વને,
શોધતી સેંકડો આંખો ગુંચવાયેલ વીથિઓ
શ્વેત વસ્ત્રે સુહાતા તે શાન્તભાવી પુરોહિતો
માધુરી લાવતા'તા ત્યાં નિજ ગંભીર દૃષ્ટિની,
ઝબકારા મારનારાં પોતાનાં કવચે સજ્યા
વીર્યવંતા મહાવીરો પ્રકાશંતા પ્રભાવથી,
પડઘી પાડતા ઘોડા વનવાટે દર્પ દાખવતા હતા.
મોખરે ચાલતા રાજા ધુમત્સેન સમસ્તની,
ન હવે અંધ આંખોએ, ન અંગો સ્ખલતાં હવે,
પરંતુ ખોજતાં દૂર એમનાં નયનો હવે,
પૂરો પ્રકાશનો પત્તો સવિશ્વાસ મેળવી શકતાં હતાં,
જોતાં બની ગયાં 'તાં એ બ્હારના દૃશ્ય વિશ્વને;
એમના રાજવી પાય મંડાતા 'તા ધરાએ દૃઢતા ભર્યા.
એમને પડખે રાણી; માનું ચિંતાભર્યું મુખ
છે હવે બદલાયલું,
રોજના ભારથી લાધું નથી વદન એ હવે,
શ્રમે શ્રાંન્ત બનેલા ને ઢળેલા બળથી ભર્યું
ટકાવી રાખતું 'તું જે વ્હાલાંનાં વિપપ્પતિત જીવનો.
હતી ચિંતનની આભા રાણી કેરી ધીર પાંડુરતા ભરી,
જેવી ગમનને સમે
એકત્ર જ્યોતિની દાન્ત દૃષ્ટિ સંધ્યાસમાતણી
પૂર્વ દૃષ્ટે નિહાળે છે શિશુ સ્વીય સૂર્યોદય થનાર જે.
ઝગારો હઠતી પીછે એની સંપન્ન જ્યોતિનો,
વિચારપૂર્ણ આગાહી ઉષાના ઊર્મિગીતની,
એવી ક્ષણેક એ જીવી આશાના વિચિન્તને તે
નિજાકાશતણી શાન્ત દીપ્તિમાં ઊતરી જતી.
પોતાનાં બાળકો કેરાં રૂપો એની આંખે પ્રથમ પારખ્યાં.
પરંતુ રમ્ય એ જોડું આવ્યું જ્યાં દૃષ્ટિને પથે
ત્યાં પોકારો થવા માંડયા ક્રમશઃ બઢતા જતા,
તેમનાથી હવા જાગી ઉઠી ક્ષુબ્ધ બની જઈ,
ઉતાવળાં થયાં માતાપિતા, વેગે વધ્યાં સ્વશિશુની કને,
જે નિમિત્ત હતો હાવે પોતાની જિંદગીતણું
અને પોતે જ દીધો 'તો જેને પ્રાણ બની કારણ જન્મનું,
તેમને બાહુઓ એને લઇ આશ્લેષની મહીં
પોતા કેરો બનાવતા.
ધુમત્સેન પછી દેતો ઠપકો સત્યવાનને
વધો કોમલ સૂરથી :
" આજે શુભદ દેવોએ કુપાદૃષ્ટિ મારી પર કરેલ છે,
આવ્યું છે શોધતું રાજ્ય, આવ્યાં છે રશ્મિ સ્વર્ગનાં.
તું પરંતુ કહીં હતો ?
ઓ મારા પૂત ! ઓ મારા પ્રાણ ! તેં અમ હર્ષને
ભયની મંદ છાયાથી ત્રસ્ત ને ગ્રસ્ત છે કર્યો.
અંધારતાં અરણ્યોમાં તને રોક્યો, કહે, કવણ જોખમે ?
કે આના સુખ-સંસર્ગે શું તું ભૂલી ગયો હતો
કે તારા વણ આ મારી આંખો માત્ર બાકોરાં જ, ન અન્યકૈં,
ને તારે કારણે માત્ર એ પ્રસન્ન પ્રકાશથી ?
ને સાવિત્રી ! તનેયે આ કરવું શોભતું ન 'તું,
કે તારા પતિને પાછો તું ન લાવી અમારા ભુજપાશમાં,
જાણ્યા છતાંય કે જો એ અમારી પાસ હોય છે
તો જ ભોજન ભાવે છે, અને સાંજ-સવાર હું
એના પરસને લીધી સંતોષે રહું જીવતો
મારા બાકી રહેલા દિવસોમહીં."
પરંતુ અધરે ધારી સ્મિત દેતો ઉત્તર સત્યવાન ત્યાં :
" બધોયે દોષ આને દો, આ છે કારણ સર્વનું.
એણે ઝાલી મને લીધો છે એની જાદુ-જાળમાં.
જુઓ, બપોર વેળાએ છોડીને આ માટીકેરા નિવાસને
રઝળ્યો હું દૂર દૂર કેરી શાશ્વતીઓમહીં,
ને છતાં હું બની બંદી આના કનકના કરે
લીલી પૃથ્વીતણે નામે ઓળખાતા તમારા ક્ષુદ્ર ટેકરે
પગલાં છું ભરી રહ્યો,
ને અનિત્ય તમારા આ સૂર્ય કેરી ક્ષણોમહીં
ઉધોગી માનવીઓનાં કર્મ મધ્યે આ જીવું સુખથી ભર્યો."
પછી તો સઘળી આંખો આશ્ચર્યે ભર દૃષ્ટિએ
વળી ઉદાત્ત જ્યાં ઊભી હતી બાળા મનોજ્ઞ ત્યાં:
ગાલે એને હતું સોનું થતું સાન્દ્ર વધારે રકિતમાં ધરી,
ઢળેલાં પોપચાં હતાં,
અને સંમતિ દેનારો જાગ્યો એક વિચાર સર્વને ઉરે :
" સંધ્યાની શ્યામિકામહીં
દીપ્તિની આંકતી રેખા, માનુષી સત્યવાનને
પડખે કોણ ઊભી છે પેલી નીરવતા ધરી
ધરા કે સ્વર્ગધામોની જ્યોતિ આશ્ચર્યથી ભરી ?
લોકોએ સાંભળ્યું છે જેને અંગે તે જ તે યદિ હોય તો
શુભ કો પલટે કોઈ જરાયે ના તાજુબી બતલાવતા.
મહાસુખભર્યે જે જે સ્હેલાઈથી ચમત્કાર થયેલ છે
તે રૂપાંતરતા દેતા એના હૈયાતણી જ રસસિદ્ધિ છે."
પછી કોક પુરોધા કે મુની જેવો જાણતો એક ઊચર્યો :
" આત્મા ઓ સ્ત્રીસ્વરૂપમાં !
કઈ જ્યોતિ, કઈ શકિત, આજે જે શીઘ્ર છે થયાં
તે આશ્ચર્યોતણું કાર્ય તારા દ્વારા કરવા પ્રક્ટેલ છે,
અમારે કાજ આરંભ કરે છે જે યુગનો સુખશર્મના ? "
ઊચે ફરકતી એની પાંપણો એક દર્શને
સમાહિત થઇ જેમાં હતી એણે જોઈ અમર વસ્તુઓ,
હરખાઈ નિજાનંદ માટે મનુષ્યલોકનાં
રૂપો એણે સમાવ્યાં નિજ દર્શને.
અગાધ શિશુભાવથી
ભર્યા માતૃત્વને માટે દાવો એ કરતી હતી
જિંદગી સર્વ જીવોની આ બનાવી દેવાનો નિજ જિંદગી.
પડી પાંપણ તે સથે પ્રકાશે પડદો પડયો :
" મારા હૈયાતણા હાર્દ પ્રતિ જાગૃતિ પામતાં
જાણ્યું કે પ્રેમની ને એકતાની અનુભૂતિ જ જિંદગી,
ને આપણા સુનેરી આ પરિવર્તનની મહીં
છે આ જાદૂ પ્રવર્તતો,
સત્ય સમસ્ત છે આ જ, મુનિદેવ !
જાણું જે હું અને જેને પામવાને માટે પ્રયાસ હું કરું."
અત્યંત જ્યોતિએ પૂર્ણ આ શબ્દોએ આશ્ચર્યે મગ્ન સૌ થઇ
શીઘ્ર ઘેરી થતી રાતે પગલાંઓ વાળતા પશ્ચિમ પ્રતિ.
જાળાં-ઝાંખરથી ગૂંથ્યો વનપ્રાન્ત વટાવતાં
આવ્યાં એ ઝાંખપે પોઢી રહી 'તી ભૂમિ તે મહીં,
ને એની મૂર્છનાલીન ઘોરતી સમભોમમાં
થઇ આગળ ઊપડયાં.
એકાન્ત રાત્રિનું તૂટ્યું મર્મરાટે, ગતિએ ને મનુષ્યનાં
પડતાં પગલાં વડે.
અસ્પષ્ટ ધ્વનિએ પૂર્ણ જીવનોદધિમાંહ્યથી
હણહણાટ અશ્વોના ઊઠતા 'તા ને પ્રયાણોતણે પથે
પડઘીઓતણા નાદો સંવાદી બઢતા હતા,
ઘરની ગમ જાનારા રથના એ હતા સ્વરો,
જોતર્યો શ્વેત અશ્વોએ ઊંચા છત્રયુક્ત એક મહારથે,
અસ્થિર ભડકાઓમાં ભભકંત મશાલના,
હાથ શું મેળવી હાથ સાવિત્રી ને સત્યવાન જતાં હતાં,
સુણતાં વરઘોડાનાં ને વૈવાહિક ગાન ત્યાં
અનેકકંઠ લોકોનું વિશ્વ જ્યાં વાટ એમની
રહ્યું 'તું જોઈ તે દિશે.
છાયાળા એમના ક્ષેત્રે અસંખ્યાત તારકો તરતા હતા,
પછી જેવાં જતાં 'તાં એ દખણાતી કિનારને
ધારે ધારે વટાવતાં,
તેવે ત્યાં ચિંતને મગ્ન લીન સ્વપરિવેષમાં
રાત્રિએ ઊજળું રાજ્ય પોતાનું કબજે કર્યું,
રૂપેરી શાન્તિમાં સ્વર્ગે સ્વપ્ન સેવંત ચંદ્રથી
દીપતી એ બની ગઈ.
રહસ્યે પૂર્ણ પોતાના સંપુટોમાં પ્રકાશના
સાચવી ગૂઢ રાખેલા એક વિચારની પરે
નિજ નિઃસ્તબ્ધતામાંથી એણે ચિંતન આદર્યું
અને સ્વહૃદયે પાળ્યું-પોષ્યું એક મહત્તર પ્રભાતને
બારમું પર્વ સમાપ્ત
સાવિત્રી મહાકાવ્ય સમાપ્ત
Home
Sri Aurobindo
Books
SABCL
Gujarati
Share your feedback. Help us improve. Or ask a question.